તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે !

આજે ‘મુઈ ભેંસના મોટા ડોળા’ની આપણી પુરાણી આદત મુજબ હુસેનને અંજલિઓ આપવા ઘણા મેદાને પડ્યા છે. (જે ખુદ આર્ટીસ્ટ છે, આર્ટ લવર છે.. એમની વાત નથી=પ્લીઝ કોઈએ બંધબેસતી કેપ પહેરી ના લેવી ) પણ, આમ નીતિ , ન્યાય અને સેક્યુલારિઝમ ખાતે શહાદતનો ઢોંગ કરનારા ઘણા હુસેન જીવતા હતા અને ખરી હિંમત બતાવવાની હતી, સાચું સ્ટેન્ડ લેવાનું હતું ત્યારે ડરને લીધે ખામોશ હતા. (ગુજરાતમાં રહેતી બનાવટી સેક્યુંલારીસ્ટોની આખી ટોળકી આવા અસલી મુદ્દે સદંતર ગુજરાતમાં ખામોશ રહી છે, એમને મોદીવિરોધ,રામમંદિર કે રામદેવવિરોધ સિવાય સાચા મુદ્દાઓનું કે ભારતના સમન્વયની સંસ્કૃતિનું કોઈ ઓબ્સેશન નથી !) એ વખતે મેં સામા પ્રવાહે તરીને (જાનથી મારી નાખવાની ધમકીઓ પણ વેઠીને!) હુસેન પર , એમના સમગ્ર વિવાદ પર મુદ્દાસરની છણાવટ કરતા ત્રણ લેખો ગુજરાત સમાચારની મારી કોલમમાં વિવાદો કે લોકપ્રિયતાની પરવા વિના લખ્યા હતા. સદનસીબે ગુજરાતી જાણતા હુસેને પણ એ વાંચ્યા અને પોંખ્યા..(મને એની ખબર કે અપેક્ષા પણ નહોતી, મેં તો મારી મરજીથી લખેલા અને આભાર ‘ગુજરાત સમાચારનો કે એમને મને એ માટે, મારો મત પ્રગટ કરવાની મોકળાશ પણ આપી-એ કલેજાવાળા તંત્રીનું કામ છે!)

મેં તો જિંદગીમાં મને સાચું લાગ્યું છે, એ જ પુરો અભ્યાસ કરીને લખવાની નિષ્ઠા રાખી છે. હું કોઈ વિચારધારાના ચરણોમાં આળોટતો ગુલામ નથી, અને બનવું પણ નથી. પણ તર્ક સહીત સ્ટેન્ડ લઉં છું. જયારે જે જરૂરી લાગ્યું એની મેં ઉઘાડી તરફેણ કે વિરોધ કર્યો જ છે. પણ મારા તર્ક પાછળના તથ્યો હમેશા તપ કરીને આપ્યા છે. એનો જવાબ ના આપનારા લોકો પછી અંગત આક્ષેપબાજીમાં સરી પડે છે.પરંતુ, હુસેનનું વાંચીને પોરસાવાવાળાઓએ એ યાદ રાખવું કે બીજા એમને ના ગમતા મુદ્દાઓ પર એટલી જ પ્રમાણીકતાથી હું લખું છું..ને ભ્રષ્ટાચારી કેન્દ્ર સરકારની વિરુદ્ધના / ગુજરાત અંગેના અપપ્રચાર અંગે મારા લેખો વાંચીને હરખાઈ જનારાએ યાદ રાખવું કે હુસેન જેવા લેખો એટલી જ શુદ્ધ બુદ્ધિથી લખાયેલા છે.

હવે મુદ્દાની વાત. કેટલાક વાચકો લેખને નહિ પણ પોતાની માન્યતા વાચતા હોય છે. એમને પોષે એવું વાચવા મળે, તો વાહ વાહ..નહિ તો હાય હાય. પણ લેખક કઈ મુજરાવાળી બાઈ નથી કે ફરમાઈશો મુજબ નાચે. નવું શીખવા માટેની એમની ધીરજ કે ધગશ, તત્પરતા કે તૈયારી હોતી નથી. કળા કોઈ બટાકુવાડું નથી ઝટ ગળે ઉતરી જાય. એ સમજવા પણ સાધના કરવી પડે. હુસેનની સમજ્યા વગર માત્ર ૧૦-૧૨ ચિત્રોને આગળ ધરી ટીકા કરતો સમાજ ખ્રિસ્તી-ઇસ્લામિક-જૈન અસરનું મૂળ ભારત પર આવી ગયેલું પ્રભુત્વ બતાવે છે. હુસેન સ્વયમ આ જાણતા હતા…એટલે એમણે આજીવન ક્યારેય ગમે તેટલી ઘટનાઓ બની કદી એક હરફ પણ ભારતની ટીકાનો ક્યાંય ઉચ્ચાર્યો નહોતો. ઉલટું ભારતનો બચાવ કરેલો. સમય જતા સમાજ પરિપક્વ થશે તો એમનું સર્જન (જે કેવળ મેઈલમાં ફરતા ચિત્રો જ નથી, એ કુલ સર્જન ના ૦.૦૦૦૧% પણ નથી)) સમજશે એવી આશા વ્યક્ત કરેલી. ભારતે અપવાદો બાદ કરતા એમને ગાળો નથી આપી, પણ બહુધા લાગણીભીનીસલામી અને અંજલિ આપી છે અને એમનો આ વિશ્વાસ સાર્થક ઠેરવ્યો છે.

હા, એમને જે સ્થાન અને માન મળવું જોઈતું હતું, એ અત્યારે નથી મળ્યું. એ તો સમય થી આગળ અને ઉફરા ચાલનારા દરેકના જીવનની આ દુર્ભાગ્યે ખાડે ગયેલા દેશમાં અત્યારે એ જ ગતિ છે. એમની મને હજુ ય પીડતી કરુણતા એ છે કે એમને ખુબ ઊંડાણથી જે ભારતનું દર્શન કર્યું ,, એ એના સંદર્ભો કે અનુભૂતિ ના હોઈ પરદેશને તો પૂરું સમજાય જ નહિ…અને આ દેશને એ સમજવાની તૈયારી કોઈક મારા જેવો સમજવવા બેસે તો ય ખાસ હોતી નથી! નહિ તો પિકાસોથી એમની કળા અનેક દ્રષ્ટિએ વધુ સાંસ્કૃતિક લેયર્સવાળી હતી. એમને એમનું મુસ્લિમ નામ નડી ગયું ગેરસમજ વધારવા !બાકી, હુસેનને તો પાકિસ્તાન માટે એટલો અભાવ હતો કે ત્યાં ભાગલા પછી ગયેલા સગાઓનો પત્ર પણ ખોલીને જોતા નહિ!

મેં સતત ૧૫ વરસ સુધી હુસેનનો અભ્યાસ કર્યો છે.શરૂઆતમાં મારો ય અભિપ્રાય અધૂરા ઘડા જેવો હતો. પણ મારું વેદ-ઉપનિષદ-રામાયણ-મહાભારત વગેરે સંસ્કૃત સાહિત્યનું આકર્ષણ કામ લાગ્યું એમને સમજવામાં. કલાકાર સર્જન કરે, દરેક વખતે બધું સમજાવવા ના બેસે. હુસેનના ૫૦૦૦૦થી વધુમાથી થી વિવિધ રીતે મેં હજારો ચિત્રો જોયા છે. દેશ-વિદેશના મ્યુંઝીયામ્સમાં દિવસો સુધી ભટક્યો છું. એના વિષે, ચિત્રકલા વિષે ચિક્કાર વાચ્યું છે. હુસેનના બચાવમાં નહિ, અસલી ભારતના બચાવમાં ઉભો છું.

આ પોસ્ટ ઉધાર વિચારો લઈને વિવાદ કરવાવાળા માટે નહિ, વાચકોના પ્રેમાગ્રહથી મૂકી છે. મેં જેટલો અભ્યાસ કર્યો છે,માન્યું છે, અનુભૂતિ કરી છે – એના ૧૦% પણ અહીં નથી. પણ જેટલું છે એમાં હુસેન્ વીરોધીઓની તમામ ફાલતું દલીલોનો રોકડો જવાબ એડવાન્સમાં જ આવી જાય છે! જો ખુલ્લા મન થી આ લાંબુલચ લખાણ વાચો તો. એમાંથી ઘણી દિશાઓ ખુલશે. ૯૬ વર્ષની જિંદગીને કઈ ત્રણ-ચાર લેખમાં સમાવી શકાય નહિ જ.

આપનો સમાજ ભૂલકણો અને ફાસ્ટફૂડિયો થતો જાય છે. જે કોઈ એ લેખ ને છેડે ઓર્કુટની તમામ પોસ્ટમાં મારા મુદ્દા અને લેખમાં મેં ઉઠાવેલા સવાલો ના જવાબ દેવા ના હોય , એમને મહેરબાની કરીને સમય અહીં વેડફવો જ નહિ. એક ની એક, એ ય કોઈના પ્રચારથી મનમાં ભરાઈ ગયેલી પારકી દલીલો મુક્વાની નાહક તસ્દી અહીં લેવી નહિ. આ સ્પષ્ટ અને કડક સુચના છે. ફિલ્મ જોયા વિના એના પર અભિપ્રાયો આપનારા કે રાગ-રાગિણી ના જ્ઞાન વિના સંગીતના જજ થઇ જનારા માટે મારા મનમાં કાણી કોડીનું ય માન નથી.

પણ, છેલ્લે હ્રદયથી બે પોઝીટીવ વાત. અબુધોના વિવાદો બાજુ એ મુકો તો હુસેન ભરપુર જીવ્યા, નામદામ કમાયા. ગમતું બધું કર્યું. દેશ-દુનિયા ફર્યા. સૌન્દર્યની સંગત માણી. ૯૬ વર્ષ પ્રવૃત્ત રહ્યા.માટે એમનુ મૃત્યુ ઉત્સવ ગણાય. ચાહકોએ એનો શોક ના કરવો. અફસોસ માત્ર એમની સૂઝનો ભારત માટે જે લાભ લેવાનો હતો એ રહી ગયો એટલો જ રહે.

ખાસ, આપણે ત્યાં નેગેટીવ જ જોવાની બધાની આદત છે. પણ ઓનલાઈન ને ઓફલાઈન આજના દિવસમાં અને આ લેખમાળા દરમિયાન, પછી પણ – મને ગૃહિણીઓના ,વિદ્યાર્થીઓના, વડીલોના, શિક્ષકોના, આમ આદમીના, મોટા માણસોના, બેહિસાબ ફીડબેક મળ્યા છે. કેટલાય લોકો કહેતા રહે છે, આ લેખોને લીધે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે ગાળો દેવાવાળા હતા એ તો છે જ. પણ એમાના ઘણા બદલાયા, એ આ વિના ના થયું હોત. આ મારું સદભાગ્ય. છે. અને એ જ વધુ ને વધુ તપ કરવાની વધુ ને વધુ સાહસ અને સમજ થી લખવાનું બળ આપે છે. નર્યા અંધકારમાં ગુજરાત પૂરતા આ લેખો ઘણા દીવડા પ્રગટાવી શક્યા છે, એનો પારાવાર આનંદ અને સંતોષ છે. બાકી ચર્ચાઓ તો ચાલ્યા કરે.

મારા આ લેખો પારદર્શકતાથી એ વાંચનારા અને પોતાનો જડ દ્રષ્ટિકોણ બદલાવનારા સઘળા પ્રિય વાચકો ને સમર્પિત છે. હુસેનને મેં આ બધા વાચકોના વ્હાલની વાત કરેલી ત્યારે એમણે કહેલું કે જો હું ભારત આવીશ તો એમના માટે એક ચિત્ર બધાંની વચ્ચે બેસીને બનાવી દઈશ.

ચિત્ર તો બન્યું જ છે જ. કેન્વાસમાં નહિ, દિલમાં.

—————

૧.યા રબ, ના વો સમજે હૈ, ના સમજેંગે મેરી બાત…

દે ઔર દિલ ઉનકો, જો ના દે મુજકો જુબાં ઔર !

૧૯૬૪ની એ સાલ.

હોસ્પિટલમાં કોમામાં પડેલા જાણીતા કવિ મુકિતબોધનો શ્વાસ ઠપ્પ થયો. કવિની હાલત એ સમયના ભારતમાં કવિની હોય એવી. કેટલાક લોકો કવિની નનામીને કાંધ દેવા એકઠા થયા. કોઇએ કહ્યું – કવિના ઘરમાં જૂતાં પણ વેંચાઇ જાય એટલો ખરચ થઇ ગયો, પણ જીવ ન બચ્યો. જીંદગીમાં કવિને ક્યારેય ન મળી શકનાર એક એમના ભાવક પણ ખભે નનામી ઊંચકી સ્મશાને ચાલતા હતા. એમને કદાચ એક સણકો ઉઠ્યો છાતીમાં – ‘આ તે કેવી વિચિત્રતા, સર્જકને પહેરવા જોડાં પણ ન મળે અંતિમ વિદાયમાં એવી એમની સમાજે કરેલી ઉપેક્ષા ?’ પણ એમણે વિચાર્યું – કોને ખબર કયા જનાવરની ખાલ પહેરીને ફરતાં હોઇશું. આ ધરતીની સોનેરી માટી અને મખમલી ઘાસની સુંવાળપને પણ પગથી સ્પર્શવી જોઈએ ! ભારતમાં તો ભગવાન પાસે જવાનું હોય તો પગમાં જોડા પહેરવાના જ નથી હોતા. આ તો અંગ્રેજો સૂટ-બૂટનું એટિકેટવાળું કલબ કલ્ચર લઇ આવ્યા !

પોતાના દેશના કવિને અંજલિ આપવા, દેખાડાની ફાઇવ સ્ટાર સંસ્કૃતિ સામે છૂપો વિદ્રોહ કરવા એ માણસે એ જ ક્ષણે પોતાના જોડાં કાઢીને ફેંકી દીધા. પછી કદી પહેર્યા નહિ ! લોકોએ કહ્યું, ‘ઉઘાડપગો છે, હીહીહી’ … કોઇ કહે બડો નાટકબાજ છે… એક કલબે તો ડિનરમાંથી પણ જાકારો આપ્યો. પણ સમયસર મુકિતબોધને મળી મદદ ન કરી શકવાના અફસોસમાં દાયકાઓ સુધી એણે પગમાં કશું પહેર્યું નહિ.

એ આદમી એટલે મકબૂલ ફિદા હુસેન !

* * *

ઇન્દોરની એક સ્કૂલ. ચોથા-પાંચમા ધોરણના વિદ્યાર્થીઓવાળી. પુરાની યાદો તાજી કરવા હવે વિશ્વવિખ્યાત બની ચૂકેલા અઢળક એવોર્ડસથી વિભૂષિત હુસેને ત્યાં ચિત્રપ્રદર્શન રાખ્યું. મઘ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું. ૧૦ દિવસ ત્યાં ભીડ ઉમટી પડી. હુસેને જોયું કે બધા ચિત્રો નહિ, પણ એમના હસ્તાક્ષરની પ્રભાવિત થઇને જાય છે. આગેવાનો, ધનિકોએ આવી લાખ્ખોની કંિમતે ત્યાં રાખેલા બાવીસ ચિત્રોને ખરીદવાની માંગણી કરી. હુસેને કહ્યું, ‘આ તો મારી શાળાના બચપણના મિત્રોની યાદગીરી છે. વેંચવા માટે નથી.’ વાંક-અદેખાઓ વાતો કરવા લાગ્યા – વિદેશમાં જઇને મોટી કિંમતે વેંચશે. ડોસો બડો ઉસ્તાદ વેપારી છે.

૧૦ દિવસ હુસેન માત્ર એટલું જ જોતા હતા, કે પોતાના નામના પ્રભાવ સિવાય આ ચિત્રો પર કોની આંખો ટીકી-ટીકીને જુએ છે. એવા અટકીને ચિત્રો જોનારા બાવીસ નાના-નાના છોકરા-છોકરીઓને પસંદ કરીને એમણે આયોજકોને કહ્યું કે આ નાનકડાં ગરીબ બાળકો સમાપનમાં ચિત્રો દીવાલ પરથી ઉતારશે. બચ્ચાંપાર્ટી ૬ વાગે ત્યાં ઉભી રહી. ચિત્રો ઉતારીને બધાએ પૂછયું, ‘સાહેબ, ચિત્રો ક્યાં મૂકીએ ?’ હુસેને મર્માળુ સ્મિત કરીને કહ્યું – ‘તમારી ઘેર !’ બાળકો જરા વાર સ્તબ્ધ થઇ ગયા. પછી આનંદથી ઉછળી પડ્યા અને શબ્દશઃ લખેલા ચિત્રો લઇ ભાગ્યા !

હુસેનને એવું લાગ્યું કે પોતાની કળાને નવા, નાનકડાં બાવીસ દરવાજા મળી ગયા હતા !

* * *

હુસેનની મા ગુજરી ગઇ હતી, તેને દોઢ વરસનો મૂકીને. બીમાર બાળક હુસેનને કદાચ પોતાની ઉંમર મળે, તેની દુઆ કરતી કરતી. એ જમાનો ફોટોગ્રાફીનો નહોતો. ચિત્રકારી નો પંઢરપુરના એ સામાન્ય ઘરમાં દૂરની વાત હતી. હુસેનને એમની માનો ચહેરો જ યાદ ન રહે, એવી પરિસ્થિતિ ઉભી થઈ. એટલે હુસેને માઘુરી દીક્ષિતથી મધર ટેરેસા સુધીના જે ચિત્રો દોર્યા, જે કંઇ પણ નારીને ચીતરી – એમાં સ્મૃતિપટ પર હંમેશ માટે ખોવાઈ ગયેલી માને અંજલિ આપવાની કળાત્મક અંદાજમાં કદી ચહેરો ન દોર્યો ! નાક-નકશા નહિ !

* * *

ગામમાં આંબલીના ઝાડ નીચે ફાનસ અને સાડીઓના પડદાના સહારે થાળી-વેલણથી ‘રામલીલા’ થતી. ઘંટી દળવાવાળો રાવણ થતો. પાનવાળો મોં પર ઘૂળ ચોળીને હનુમાન થતો. ઢોલને વાંસળીઓ વાગતી. છોકરાઓ સ્ત્રીપાઠ ભજવતા. બાળક મકબૂલ કલ્પનામાં રામલીલાના બધા પાત્રો ભજવતો. એને રામલીલા ખૂબ ગમતી.

સ્કૂલમાં મળ્યો જીગરી દોસ્ત માનકેશ્વર. નવી મા મૂળ ગુજરાતના સિદ્ધપુરની, એટલે મકબૂલને ઇમામ નાનાજી પાસેથી કુરાનની આયાતો સાંભળવા મળતી, અને માનકેશ્વર પાસેથી રામાયણની ચોપાઈઓ ! માનકેશ્વરને લીધે રામાયણ-મહાભારતમાં હુસેનને ઉંડો રસ પડયો. માનકેશ્વર પછી બઘું જ છોડી હિમાલયમાં સાઘુ થઇ ગયો. વર્ષો સુધી હુસેન એને મળવા, એની સાથે આઘ્યાત્મિક ચર્ચાઓ કરવા હિમાલય જતા.

એવામાં નવી નવી આઝાદી મળી હતી ત્યારે હૈદ્રાબાદમાં બદરીવિશાલ પિત્તીના ‘મોતીભવન’માં હુસેનને પ્રખર સમાજવાદી નેતા, સંનિષ્ઠ અને પ્રામાણિક રાજનીતિજ્ઞ એવા રામમનોહર લોહિયા મળ્યા. દોસ્તી થઈ. પછી લોહિયાએ હુસેનને નેહરૂના એક ચિત્રમાં પોતાને જે સમજાયું, એ ગમ્મત કરીને કહ્યું. હુસેને જવાબ આપ્યો ‘મોડર્ન આર્ટ કંઇ ફોટોગ્રાફી જેવા સ્થિર ચિત્રોની નથી. એમાં જોવાવાળો પોતાની મરજી અને સ્વભાવ મુજબ રંગો અને પ્રતીકોના અનેક અર્થ કાઢી શકે છે. રેખાઓનો તનાવ અને રંગોનો ઉજાસ એમાં કલ્પના સાથે ભળે છે !’

લોહિયાજીને ‘ચિત્રોની લોકશાહી’ વાળી વાત પસંદ પડી. અને હુસેનને કહ્યું ‘આ તું બિરલા- ટાટાના ડ્રોઇંગરૂમમાં લટકતા ચિત્રોમાં ઘેરાઇ ગયો છો, તેમાંથી બહાર નીકળ. રામાયણને ચીતર. જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે. ગામે ગામ ગુંજતુ ગીત-સંગીત છે. શહેરી આર્ટગેલેરીના બંધ ઓરડાઓમાં લોકો પાટલૂનના ખિસ્સામાં હા નાખીને ઉભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા !’

હુસેનની છાતીમાં જાણે તીર ભોંકાઈ ગયું. લોહિયાજીના મૃત્યુ પછી ફરી એ વાત યાદ આવી. દસ વરસ સુધી રામાયણની થીમ પર ચિત્રો કર્યા મોતીભવનની દીવાલોમાં દોઢસો ચિત્રો સર્જી કાઢયા. એક પૈસો ન લીધો, લોહિયાજીના શબ્દોનું માન રાખવાનું હતું ! સિત્તેરના દાયકામાં જે ચિત્રો રચાયા, એનો બધા રંગોને ઝાંખો પાડતો રાજકીય રંગ નેવુંના દાયકાના અંતે એક હિન્દી મેગેઝીને ધડાકો કરીને ચોપડયો. હુસેને આપ્યા ન હોય તેવા શીર્ષકો ચિત્રોને આપી, કળાની ઊંડી સમજને બદલે સ્થૂળ નારાબાજી કરી લોકોને ભરમાવ્યા. પછી તો હોહાગોકીરો થયો. ઇમેઇલનો મારો થયો. બધા જ લોકલાગણીના ટોળામાં દોડીને જોડાઈ ગયા. કોઇએ એટલો ય વિચાર ન કર્યો કે આપણને ખબર નથી પડતી. પણ સત્યજીત રે કે રાજ કપૂરને તો ખબર છે ને ભારતીય સંસ્કૃતિ શું છે. ઇન્દિરા ગાંધી કે યશ ચોપરા તો હિન્દુ વિરોધી નથી ને- એ લોકોને કેમ આ ચિત્રો સામે વાંધો ન પડયો ? એ બધા તો આજીવન હુસેન ફેન રહ્યા !

* * *

ન્યૂયોર્કમાં એક પત્રકારે ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન’ પર હુસેનને પૂછેલું, ત્યારે હુસેને કહ્યું કે, ‘આ શબ્દ તમે ૨૦૦ વર્ષથી શીખ્યા છો. મારું ભારત તો એ હજારો વર્ષથી આચરણમાં મૂકીને બેઠું છે !’

શેક્સપિયર કરતા કાલિદાસને શ્રેષ્ઠ નાટયકાર ગણતા (ગજગામિની ફિલ્મ પર હુસેને માઘુરી પર ફિલ્માવેલા તન્વી શ્યામા શ્વ્લોકનું ફિલ્મીકરણ યુટયુબ પર જરા જોઇ લેજો) હુસેનની કરૂણતા એ છે કે એમને એમના નામનું લેબલ નડે છે. એમનો આત્મા ભારતીય છે. સંસ્કૃત સાહિત્યના એ કોઈ હિન્દુત્વવાદી પંડિત ન હોય એવા પ્રખર અભ્યાસુ છે. નગ્નતા એ ભારતીય કળામાં પવિત્રતાનું પ્રતીક છે. કામ ભારતીય સંસ્કૃતિમાં ‘દેવ’ છે, ‘દાનવ’ નથી. એટલે અહીં પચાસથી વઘુ ફીટ ઉંચી બાહુબલીની અનાવૃત પ્રતિમા શ્રવણબેલગોડામાં ટટ્ટાર ઉભી છે. ખજૂરાહો જ નહિ. હજાર વરસ જૂના કોઇ પણ પ્રાચીન મંદિરમાં દેવ-દેવીઓની મિથુન શિલ્પો છે. કાલિદાસે ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતીની રતિક્રીડાનું વર્ણન લખ્યું ત્યારે કોઈએ નહોતું પૂછયું કે ‘તમે તમારી સુહાગરાતનું વર્ણન કરો !’ નરસિંહે રાસના પદોમાં ઉન્મુક્ત શૃંગાર ગાયો ત્યારે સવાલ નહોતો થયો કે દીકરી કુંવરબાઈનો શૃંગાર રચો ને, રાધાકૃષ્ણનું જ કેમ વર્ણન કરો છો ? માઇકલ એન્જલોએ ડેવિડ (ઇસ્લામમાં દાઉદ) નું નગ્ન શિલ્પ રચ્યું, ત્યારે તેને નહોતું પૂછાયું કે તમારા બાપુજીનું નગ્ન ચિત્ર દોરો પહેલા ! શંકરાચાર્યે ‘સૌંદર્યલહરી’ માં જગદંબાના એક-એક અંગ-ઉપાંગનું વર્ણન કર્યું, ત્યારના જૂનવાણી ભારતમાં કોઈ કહેવા નહોતું નીકળ્યું કે પહેલા તમારી માતા ઉપર રચના કરો !

પણ અર્વાચીન ભારત બુદ્ધુ મિડિયાવાળાઓ, અબોધ જનતાનું છે. જે ન સમજાય તેનું કૂતૂહલ રાખી કોઇ સત્ય સમજવાનો પ્રયાસ નથી કરતું. કળામાં ઉંડા પણ નથી ઉતરતું. ન તો પોતાની જ સંસ્કૃતિનો શાસ્ત્રીય અભ્યાસ કરે છે, ન તો પિકાસો જેવાના આઘુનિક ચિત્રોમાં રજૂ થતા આર્ટના એબ્સ્ટ્રેકટ સ્વરૂપો કે ઇમ્પ્રેશનિઝમ, કયૂબિઝમ વગેરેના ઐતિહાસિક પ્રવાહોનો ! ફાયદો સોગઠાંબાજોને છે ! ભારતમાં અર્ધનારીશ્વર, લિંગપૂજા જેવા પ્રતીકાત્મક સ્વરૂપો હજારો વર્ષોથી અણનમ છે. જેને બહારનો માણસ ‘વિકૃત’ ગણે તેવા વર્ણનો અને તેવા જાતીય સંબંધોના ગૂંચવાડા અહીં સાવ જ સાહજીક રીતે ઇશ્વરીય સ્વરૂપોની વાર્તાઓમાં ગૂંથાયા છે ! (મહાભારતમાં વ્યાસજી કે પાંડવોના જન્મની કથા કોઈ બિનભારતીયને કેવી લાગે ? જરાક વિચારજો !) તેની ટ્રેજેડી એ છે કે અહીં કોઇ સંસ્કૃત વાંચતું નથી. વાલ્મીકિ રામાયણનો શૃંગારરસ કોઇ ગાતુ નથી. જેમને ખબર છે મૌન થઇ જાય છે- અથવા માત્ર ભકિતના જ અર્થઘટનો શોધે છે ! બાકી સેક્સ્યુઆલિટીનો એક પ્રચંડ ધોધ પ્રાચીન ભારતના ધાર્મિક સંસ્કૃત સાહિત્યમાં ધસમસે છે ! પણ હિન્દુત્વપ્રેમીઓ જ તેનાથી બેખબર છે. ‘જાણતા રાજા’ નાટકમાં પણ તુળજા ભવાનીની વિરાટ પ્રતિમા  જ કેવળ અભૂષણવિભૂષિત અર્ઘાંગમાં નિહાળે છે. પણ ત્યાં ઝબકારો થતો નથી કે આ તો પ્રાચીન કળાવિધાન છે ! કાલિદાસને પર્વતોમાં પણ ધરતીમાતાના સ્તન દેખાય છે. પણ એ પર્વર્ટ નથી કહેવાતા.

હુસેને આ અસલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પરખંદા છે. ખ્રિસ્તી- ઇસ્લામિક અસરે જેની સાવ ભળતી જ વ્યાખ્યાનું અર્થઘટન લોકોના મનમાં જડબેસલાક બેસાડી દીઘું છે. બામિયાનમાં કળાત્મક બુદ્ધપ્રતિમાઓ તોડવી, એ તાલિબાની સ્વભાવ છે. કારણ કે ત્યાં બહુમતી પ્રજાની ધાર્મિક લાગણી દુભવતી હતી ! શું ભારતે એની નકલ કરવાની છે ? જડ જેહાદી મુસ્લીમો ડેન્માર્કના કાર્ટૂનિસ્ટ કે સલમાન રશદીને મારવાના ફતવા બહાર પાડે – એટલે વાદે ચડીને તોફાની છોકરાના ચાળા પાડતાં હોઇએ, એમ આપણે વર્તવાનું છે ? તાલિબાની માનસિકતાના લોકો જે કરે છે, એ કંઇ સ્ટાન્ડર્ડ છે, કે આપણે એમ વર્તીએ તો જ પોઈંટ સ્કોર થયો કહેવાય ?

સવાલ જો કે, ઘણા છે. બહુમતી સમાજની લાગણી વઘુ કીમતી કે એક બૂઢા ચિતારાની ? આવા તે ચિત્રોમાં વળી શું સમજવાનું હોય ? હુસેને કતારનું નાગરિકત્વ કેમ લીઘું, એ ભારતવિરોધી હોવાની સાબિતી નથી ? ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે આવી રીતે હિન્દુત્વને બદનામ કરવાનું ? હુસેન હિન્દુ દેવ-દેવીઓ જ ચીતર્યા કરે એમ કેમ ? અને એનો બચાવ કરવો એ દંભી બિનસાંપ્રદાયિકોનું કાવત્રું નથી ?

છેલ્લાનો જવાબ પહેલા. આ લખનાર કોઇ સ્યુડો સેક્યુલરસ્ટિ નથી, એ રીડર બિરાદરો જાણે છે. પણ અમે તસ્દી લીધી છે, સાચી વાત જાણવાની. હુસેનની સ્મરણકથા ગુજરાતીમાં જગદીપ સ્મારતે (હવે સ્વર્ગસ્થ ) અનુવાદિત કરી એ વાંચવાની. કોઇકે તો સાચું કહેવાનું સાહસ કરવું પડશે ને !

સમયથી આગળ હોવાની ક્રૂર કિંમત આવી જ રીતે રજનીશે ચૂકવી હતી ! હુસેન સાથે જે એ જ થઇ રહ્યું છે, જે રજનીશ સાથે થઈ ચૂકયું છે. આ જ રીતે રજનીશ પ્રાચીન ભારતના અસલી મિજાજ અને આઘુનિકતાને સમજતા હતા, અને બંનેનું ગ્લોબલ વિઝનથી સંગમ કરવા જતા હતા. અને દેશ આખાએ વિકૃત, બેવકૂફ, વિધર્મી સંસ્કૃતિવાળા કહી એમને તગેડી મૂકયા હતા ! ઘૂની રજનીશ પણ હતા, હુસેન પણ છે.

વ્યાસ ગયા, વાલ્મીકિ ગયા, કાલિદાસ ગયા, રજનીશ પણ ગયા. ભારતમાં વહેતી ચેતનાની ધારાના હુસેન કદાચ છેલ્લા કયા પ્રતિનિધિ બચ્યા છે. એમની પાસે પણ ઝાઝા વર્ષો નથી. અને આપણી પાસે ઝાઝા શબ્દો નથી. બાકીના સવાલોના જવાબ નેકસ્ટ સન્ડે સ્પેકટ્રોમીટરમાં !

ઝિંગ થિંગ !

રોડ મૂવી ઃ આર્ટિસ્ટિક બોરડમ આપતો મહાત્રાસ ! (શીર્ષક પંક્તિ : મિર્ઝા ગાલિબ)

(છપાયા તારીખ ૧૭/૩/૨૦૧૦)

—–

૨. માણસ દેશની બહાર જઈ શકે, પણ દેશ માણસની બહાર જાય ખરો?

(ભારતના ભવ્ય ભૂતકાળની ઓળખ ભારતીયોને જ પૂરી નથી- એ કેવી કરૂણતા!)

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા નૂર…

યે બર્કે તજલ્લિ અંધેરો કો ચીરતી

યહાં ભી તૂ, વહાં ભી તૂ,

યે રોશની, ક્યા રોશની

તેરે સિવા કોઈ હૈ કે પૂછું?

અંધેરો સે પૂછા-

ચૂપ હો ગયે, ચૂપ હો ગયે…

ઉજાલોં સે પૂછા-

તો શરમા ગયે, શરમા ગયે…

પરિન્દો સે પૂછા, કહાં પરવાઝ હૈ?

ખામોશી સે પૂછા, કહાં આવાઝ હૈ?

ફૂલોં સે, પત્તોં સે, રંગો સે આયી સદા…

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા  નૂર !

ઉઠાઈ ચિલમન તો દેખા જલવા તેરા…

બઢાયા કદમ તો મંઝિલ તેરી, મંઝિલ તેરી

ઉઠાઈ નજર તો સુરત તેરી સુરત તેરી

ભંવરે કી ગુન ગુન મેં, કંગન કી ખનખન મેં

આશિક કે તનમન મેં, બિરહન કે નૈનન મેં

તાનોં મેં સરગમ મેં બસ તૂ હી તૂ

દિલ કી દીવાનગી, મન કી આવારગી તૂ

દૂર લે કે ચલ, કુછ પૂછ ના તૂ…

જીંદગી એક રાઝ થી, એક રાઝ હૈ, રાઝ હૈ

જાન કર હોગા ક્યા, કિસને હૈ જાના?

કોઈ કહે મહોબ્બત, કોઈ ઈબાદત

દીવાનગી કહે, ચાહે જૂનૂન…

ચાહત હી તેરી અદા…

ચારો તરફ નૂર ઉન અલા નૂર…

એક તો આપણી આસપાસની આ આખી દુનિયામાં પ્રકાશ દેખાય છે. દિવસે સૂરજનો, રાતે ચંદ્રનો. મોલ અને મલ્ટીપ્લેક્સની લાઈટસનો. રસ્તા પરની પીળી સોડિયમ લાઈટ કે ફોટોગ્રાફરની હેલોજન લાઈટનો. ટયુબલાઈટ અને બલ્બનો. નિયોન સાઈન્સનો. પણ આ પ્રકાશની ઉપર એક પ્રકાશ છે. લાઈટ અપોન લાઈટ. જે દેખાતો હોવા છતાં દેખાતો નથી. ચારે તરફ એ ફેલાયેલો છે. આપણને નજરે દેખાતા પ્રકાશની પાછળ પણ આ જ પ્રકાશ છે. એ છે અરેબિકમાં ડિવાઈન લાઈટ. દિવ્ય રોશની. નૂર ઉન અલા નૂર. આ બ્રહ્માંડને ઘડતા- ચલાવતા ચૈતન્યનો પ્રકાશ. બુદ્ધને, મોહમ્મદને, જીસસને અંદરથી ઉપસીને બહાર વિસ્તર્યો હતો એ એન્લાઈટનમેન્ટનો પ્રકાશ. આપણી અંદરનો શ્વાસ ચાલે છે, એ આ પ્રકાશથી ચાલે છે. આપણે જ એ પ્રકાશનો શ્વાસ છીએ.

હિન્દી સિનેમાના અદભુત રીતે કમ્પોઝ થયેલા ગીતો પૈકીનું એક આ એ.આર. રહેમાને ફિલ્મ ‘મીનાક્ષી’ માટે રચ્યું છે. કવિ કહે છેઃ ચોમેર, દરેક જગ્યાએ મને પેલા સ્થૂળ પ્રકાશની આરપાર પેલો સૂક્ષ્મ ઉજાસ  દેખાય છે. દિવ્યજ્યોતિ નજરે પડે છે. સીનાઈના પર્વત પર મોઝેસ (મૂસા)ને ટેન કમાન્ડમેન્ડસ આપતી વખતે જે નૂર, રોશની, લાઈટ દેખાઈ હતી, તેને અરબીમાં તજલ્લી કહેવામાં આવે છે. બર્ક એટલે વીજળી. આસપાસના, મનના, વિચારના અંધકારને ચીરતી આ ડિવાઈન લાઈટ ઝળહળે- પછી ચારો તરફ તું જ તું દેખાય છે! તારા (ઈશ્વર)ના સિવાય કોણ આ સમજશે? કોને જઈને કહું? અંધાકર તો એની વાતથી જ ચૂપ થઈ જાય છે (ગાયબ બની જાય છે) રોશની તો શરમાઈ જાય છે (પોતાનાથી ચડિયાતા અજવાળાની   વાત કેમ કરે?)

પંખીઓની ઉડાન, મૌનને ચીરતા અવાજ, ફૂલો- વૃક્ષો- રંગોમાંથી ઘ્વનિ ઉઠે છે- આ તો પ્રકાશ ઉપરનો પ્રકાશ છે. એક વખત અજ્ઞાન પડદો ઉઠી ગયો, તો તારી ખૂબસુરતી મને દેખાય છે. પછી જેટલા ડગલા ચાલું, એ તું જ ચલાવે છે. ચાલુ છું હું, પણ મંઝિલ તારી (ઉપરવાળાની) સર થાય છે. પછી મને સર્વત્ર એ જ તારો ચહેરો દેખાય છે. ભમરાના ગુંજારવમાં, યુવતીની ચૂડીઓની ખનકમાં, પ્રેમઘેલાઓના શરીરમાં ઉઠતા તલસાટમાં, વિરહીઓની આંખમાં છવાતી ઉદાસી અને પ્રતીક્ષામાં, ગીતોની ઘૂન અને સરગમમાં બસ, બધે જ તું જ તું છો! પાગલ શરારતો સૂઝે એ ય તારી લીલા છે. મનમાં આવારાપન જાગે છે વાઈલ્ડ ક્રેઝી બનવાનું એ ય તારી માયા છે. બસ, હવે એમાં વહેતા જવાનું છે. નાચતા જવાનું છે. જીંદગી તો એક અકળ રહસ્ય જ હતું અને છે. એનો ફિલસૂફીના શબ્દોમાં કે શુષ્ક વૈરાગમાં તાગ શોધીને શું મળશે? અને કોણ વળી એ ભેદ ઉકેલી શક્યું છે? મહોબ્બત કહો કે ઈબાદત, બસ જે પાગલ બનાવી દેતી ચાહતની ઝનૂની ભરતી અંદર ઉઠે છે, એ પ્રેમ જ દિવ્યજ્યોતિની પહેચાન છે, અનુભૂતિ છે. આ ફક્ત ‘પામી’ ગયેલા માણસના જ મનમાંથી ઉઠે એવા નજાકત અને નફાસતથી તર-બ-તર રચનાના શાયર કોણ છે?

મકબૂલ ફિદા હુસેન!

અને પોતાની ફિલ્મ ‘મીનાક્ષી’માં દિગ્દર્શક તરીકે આ જ ગીત એમણે ‘રોમાન્સ ઈઝ ઓન્લી ચાન્સ ટુ એક્સપિરિયન્સ ડિવાઈન’ સમજી નાયકને પહેલી વખત દેખાતી નાયિકા તબ્બૂ ઉપર પિકચરાઈઝ કર્યું. અને મુલ્લાઓ હુસેન પર નારાજ થઈ ગયા. પવિત્ર કુરાનની આજ્ઞા મુજબ ફક્ત અલ્લાહ માટે જ ઉપયોગમાં લઈ શકાય એવા ‘નૂર ઉન અલા નૂર’ શબ્દનો એક ઔરત, એક અભિનેત્રી માટે પ્રયોગ કર્યો? ગીત પાછું ખેંચો, માફી માંગો. હુસેને જે કળા સાથે બાર ગાઉનું છેટું ધરાવતા હિન્દુ ફન્ડામેન્ટલીસ્ટસને કહ્યું, એ જ જડભરત મુલ્લાઓને કહ્યું ‘આ મારી અભિવ્યક્તિ, મારૂં સર્જન છે. મારો ઈરાદો તમારૂં દિલ દુભવવાનો નહોતો, એ માટે દિલગીર છું’ પણ ગીત પાછું ન ખેંચ્યું.(video : http://youtu.be/_ZqEKyZMook)

ફિલ્મો તો હુસેનની આમ પણ કોમનમેનને બાઉન્સરની માફક ઉપરથી જાય છે. ૧૯૬૦ના દાયકામાં રાજસ્થાનના ટુરિઝમ પર ફક્ત વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે હુસેને જાણી જોઈને બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવેલી ફિલ્મમાં મોજડી, છત્રી, ફાનસ કશું ય કોઈને સમજાયું નહિ. પણ જર્મનીમાં તેને ગોલ્ડન બીઅર એવોર્ડ મળેલો!

ભારતીય સંસ્કૃતિના ભક્તો જે સંસ્કૃતિ સમજવા અભ્યાસ જ નથી કરતા, એમને ભારતીય નારીના અસ્તિત્વ રૂપે માઘુરીને રજુ કરતી ‘ગજગામિની’ મહોબોરિંગ લાગેલી. હુસેને એ ફિલ્મમાં પોતે જોયેલી દાલમંડીની નેત્રહીન સંગીતા, સતારાની નૂરબીબી,   ૨૧મી સદીની મોનિકા, ઉપરાંત ટાગોરની અભિસારિકા (જે હૈદ્રાબાદી શિલાઓથી ગીતાંજલિ અને ‘ક્ષુધિત પાષાણ’ કથાની  ટાગોરને પ્રેરણા મળેલી તેના પણ ચિત્રો હુસેને કર્યા છે), સઆદત હસન મન્ટોની સંઘુ અને પ્રેમચંદની ‘નિર્મલા’ (પ્રેમચંદની વાર્તાઓ પર હુસેનના ચિત્રોની સીરિઝ છે) – આ તમામ નાયિકાઓને પ્રાચીન ‘ગજગામિની’ સ્વરૂપ સાથે હુસેને જોડી હતી.

વેલ, હુસેને ‘મીનાક્ષી’માં ગીત બરકરાર રાખ્યું. આજેય યશરાજ ફિલ્મ્સે રિલિઝ કરેલી તેની ડીવીડીમાં એ છે. કોને લાગશે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવારૂપે અનંત ભાસે / પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ના નરસિંહ મહેતાની ભાષા અને આ ગીતની ભાષા અલગ છે? ભકિતના માંડ પચાસેક પદ રચનારા નરસિંહે સાતસો જેટલી રચનામાં તો કઠોર ઉરોજો અને ચુસ્ત ચુંબનોથી પણ આગળની ક્રીડા વર્ણવતો શૃંગારિક રાસ જ રચ્યો છે! અને નાતે તો એમનો ય બહિષ્કાર કરીને જેલના સળિયા પણ ગણાવ્યા હતાં. સમયથી આગળ ચાલનારા કે પોતાની વાતને સરળ શબ્દોને બદલે ઇશ્વરે આપેલી બક્ષિસનો ઉપયોગ કરવા કળાત્મક રીતે કહેવાવાળા દરેક સર્જકોની આ જ નીયતિ હશે? રશિયાએ સોલેત્ઝિનને ફટકાર્યા, પાબ્લો નેરૂદા જેવા મહાકવિ દેશ નિકાલ થયા, વાનઘોઘને જીવતેજીવ એનું વતન સમજી ન શકયું, ગાલિબ પેન્શન માટે ચક્કરો કાપતા રહ્યા. ચાર્લી ચેપ્લીનથી લઇને રોબર્ટો રોઝેલીની સુધીના ફિલ્મસર્જકો વખોડાયા.

રજનીશને જીવતે જીવ વખોડનારા અને રીતસર ભારત છોડાવનારા લોકો આજે ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ની માફક ઓશો જેવી પ્રબુદ્ધ વ્યકિત ભારતમાં જન્મી હોવાનો ગર્વ લેતા થાકતા નથી. આ રજનીશે શિવે પાર્વતીને કહેલા ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ ઉપરથી સંભોગથી સમાધિની વાત કરી કે એમને ભારતીય પરંપરા પરના બળાત્કારી કહેવામાં આવ્યા! કારણ કે, ‘છાંદોગ્ય ઉપનિષદ’માં પણ આવેલી મૈથુનચર્ચા કયાં કોઇએ મૂળ સ્વરૂપમાં વાંચી છે? હનુમાને સીતાને રામની નિશાન તરીકે મુદ્રિકા આપી. પણ સીતાએ હનુમાનને રામને નિશાની આપવા માટે શું આપ્યું? રામનામ જપવાવાળાઓમાંથી કેટલાએ વાલ્મીકિ રામાયણ ખોલીને આખું મૂળ સ્વરૂપે વાંચ્યુ છે?

ભારત કંઇ અફઘાનિસ્તાન નહોતું. પુરાતન ચરિત્રોને લઇને શિલ્પો બનાવવાની અહીં ભવ્ય પરંપરા હતી. ૮૦ ટકા ભારતીયો પોતાની અભિવ્યકિત લોકકળાના માઘ્યમથી કરતાં. બુદ્ધના જન્મ વખતે ઉભેલી અનાવૃત કુંવરીની અજન્તાની ઇમેજ વર્લ્ડ  ફેમસ છે. ૧૭મી સદીના કેરળના મટ્ટાનચેરીના ભીંતચિત્રોમાં દશરથની  ત્રણે રાણીઓની પ્રસૂતિના ચિત્રો છે! કલાકાર ઘણી વખત પોતાને  અભિવ્યક્ત કરવા ‘માયથોલોજીકલ આઇકોન્સ’ની મદદ લે. માટે રાધાકૃષ્ણના  કાવ્યથી પ્રેમની વાત મંડાય!

એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હુસેને રીતસર પશ્ચિમના કળાવિવેચકોનો ઉધડો લઇ નાખ્યો હતો. હુસેને કહ્યું કે આબેહૂબ દેખાતા ફોટોગ્રાફ જેવા સ્થિર ચિત્રોને બદલે ચિત્રોમાં ગતિ હોય, બહાર નીકળવા માંગતા આકારો હોય, એ ઇમ્પ્રેશનિઝમ, કયુબિઝમ બઘું યુરોપને છેલ્લી ત્રણ-ચાર સદીમાં સમજાયું છે. ભારત તો હજારો વર્ષોથી ‘નટરાજ’ની પ્રતિમા ઘડીને બેઠું છે! મોડર્ન આર્ટના સિમ્બોલિઝમથી પિકાસોએ પ્રાથબ્રેકિંગ કામ શરૂ કર્યું, એની સદીઓ પહેલાં અહીં ખાલી એક પથ્થરને સિંદૂરિયો રંગ કરી દો તો આદિવાસી પણ સમજે છે કે આ હનુમાન છે! આજે દુનિયા જેને ગ્રાફિક કળા કહે છે, એ ભારતના ગામડે ગામડે છાપકામની જૂની કળા છે. આલ્હા, ઉદલ, કાન-ગોપી, વિવાહમાં ભીંત પર હાથી-ઘોડા, પ્રવેશદ્વાર પર ગણેશ, જાનવરોના ચાકળા- ચંદરવાના ચિત્રો પર પણ વેલબૂટ્ટાની છાપ મુકવાની કળાત્મકતા!

જયપુરમાં રીક્ષામાંથી ઉતરી હોળી રમવા લાગેલા  હુસેન એટલે તો જે ૫૦,૦૦૦થી વઘુ રચનાઓ કરીને બેઠા છે- એમાં ભારતના તેજસ્વી ભડક રંગો ચીતરે છે. કેવળ ગતકડાંના જોરે ભયાનક સ્પર્ધાવાળી આંતરરાષ્ટ્રીય કળાબજારમાં સતત ૬૦ વર્ષ સુધી કોઇપણ કળાકાર ટોચ પર ન રહી શકે! બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં હુસેને કતારમાં રહ્યે પણ સ્પષ્ટપણે કહ્યું ‘મારી ભૌતિક હાજરીનું શું મહત્વ છે? અને સિટિઝનશિપ તો કાગળનો એક ટુકડો છે. મારો આટલા વર્ષોમાં કોઇ સ્ટુડિયો નથી. હું તો જયાં જાઊં ત્યાં ચીતરવા લાગુ છું. હું ગમે તે સ્થળે મરીશ, પણ કહેવાઇશ તો  ભારતીય પેઇન્ટર જ. ક્રિએટિવિટીને સરહદો નથી. હિન્દી હૈ હમ વતન હૈ  સારા જહાં હમારા. મને કોઇ માટે દુર્ભાવ નથી. મારા વ્હાલા ભારતમાં આજે ય મારા ૪૦,૦૦૦થી વઘુ ચિત્રો છે જે મારી મારા દેશને ભેટ છે. આ મેં કોઈને આપ્યું નથી. ભાષાને મર્યાદા હોય, વિઝયુઅલ એકસપિરિયન્સને ન હોય.’

હુસેનના નામે મનફાવે તેવા ગપ્પા છાપતું મિડિયા પણ પૂરી તસદી લેતું નથી. હુસેન કળાકાર છે, પણ પાક્કા વેપારી છે એમને ખબર છે કે મફત ચંદનનું લોકો તિલક લગાવીને ચાલતા થઈ જાય છે. હુસેને કહ્યું જ છે ક ેકતાર હું ‘ક્રિએટિવ ગેમ્બલ’ રૂપે આવ્યો છું. ભારત મંે છોડયુ ત્યારે મરતાં પહેલા મારે ત્રણ પ્રોજેકટ કરવા હતા. એક ભારતઃ મોહેંે જો દરોથી મનમોહનસિંહ. જેની સ્પોન્સરશિપ મને લંડનમાં મળી. બીજો જે લોકોના હૃદય પર ભારતમાં રાજ કરે છે,   આપણા વારસાની વાતો વિશે પ્રજા જાણતી નથી- પણ ફિલ્મો થકી સંસ્કૃતિને ઓળખે છે, એ ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષ અને ત્રીજો બેબિલોનથી શરૂ કરી વિશ્વભરની સંસ્કૃતિઓ. ૯૫ વર્ષે મારી પાસે હવે ઝાઝો સમય નથી.

એમાં અરબ સંસ્કૃતિની સ્પોન્સરશિપ મને કતારના શેખના પત્નીએ આપી છે. દુબઈની માફક દોહામાં પણ મોડર્ન આર્ટનું એક મ્યુઝિયમ બનાવી, ટુરિસ્ટ પ્લેસ ઉભું કરવાનું છે. એનો તગડો કોન્ટ્રાકટ કરાયો છે. ટેકસની લમણાંઝીંક ટાળવા ઘણા કોર્પોરેટ લોકો એનઆરઆઈ બની જાય છે. (ટીવી એશિયા ચેનલ વખતે અમિતાભ પણ બની ગયો હતો!) એમ હું હવે અવસ્થાને કારણે બહુ માથાફોડી ટાળીને શાંતિથી કામ થાય એ માટે અહીં રહી પડયો છું, અને નાગરિકતા લીધી છે. જો કે, કાલે હું કંઈ પણ કરી શકું. પાછો ભારત આવું, યુરોપ જઈ કોમેડી ફિલ્મ બનાવું! મારો વિરોધ કરનારા લોકોને પણ હું તો ચાહું છું. એ લોકોને આજે જે વાત નથી સમજાતી, એ આવતીકાલે સમજાઈ શકે. કળાનું  તો આવું જ હોય ને!’

આવું જ હોય .પણ ભારત એક અસહિષ્ણું દેશ બનતો જાય છે. એક બાજુથી એમ કહેવાનું કે ભારતનો પ્રાચીન વારસો તો હિન્દુ જ હોય ને, અહીં રહેનારા દરેક ધર્મના લોકોએ સ્વીકારવો જોઈએ (વંદેમાતરમ વિવાદ યાદ છે ને!) અને હુસેન જેવા જયારે એ સ્વીકારે છે, હિન્દુ સંસ્કૃતિના ચરિત્રોને પોતાનો ઈતિહાસ ગણીને ચીતરે છે, તો એમ કહેવાય છે કે, જાવ, પહેલા મોહમ્મદ પયગંબરના ચિત્રો દોરો, અમારા દેવ-દેવીઓના નહિ! આપણી પાસે બે વિકલ્પ છે. રૂઢિચુસ્ત અર્થઘટન કરીને તાલિબાની પાકિસ્તાન જેવા થતા જવાનું. બીજુ, ત્રાસવાદીઓ અને દુશ્મનો સામે લોખંડી હાથે કામ લઈને કળાકારોને પૂરતી સ્વતંત્રતા આપતા અને પોતાને જ ગાળો દેતી ખુદા કે લિયે, ન્યૂયોર્ક, માય નેઈમ ઈઝ ખાન, કુરબાન જેવી ફિલ્મો રિલિઝ થવા દેતા, ઈરાક યુઘ્ધની વિભીષિકા કહી સરકારને ઠપકારતી ‘હર્ટ’ લોકર’ને છ ઓસ્કારથી નવાજતું અમેરિકા!

માર્ટીન સ્કોર્સીસે ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ’ ફિલ્મ બનાવી, જેમાં જીસસ ક્રાઈસ્ટ અને વેશ્યા મેરી મેગ્ડોલીનના રોમાન્સની ફેન્ટેસી હતી. ફિલ્મ સામે ટીકા થઈ, ચર્ચા થઈ, પણ હજુ સ્કોર્સીસ કડેધડે ફિલ્મો બનાવે છે. કોઈ ભાંગફોડ કરતું નથી. ડેન બ્રાઉનની બેસ્ટસેલર નોવેલ / ફિલ્મો ‘દા વિન્ચી કોડ’માં જીસસને મેરીથી સંતાન હતું, એ જ તો પ્લોટ છે, તો અમેરિકા ડેન બ્રાઉનને એમ કહે છે કે જાવ, પહેલા ઈસ્લામની વાત લખો પછી વેટિકનની લખજો!  કતાર સહિષ્ણુ નથી, એવું કહેતી વખતે એ ભૂલી જઈએ છીએ કે અત્યારનું ભારત વળી કયાં સહિષ્ણુ રહ્યું છે? એ ય કતાર થતું જાય છે. બુરખાવાળી સ્ત્રીઓ ચીતરો, સાડીવાળી ચીતરો- ખબરદાર જો… ધરમને…  ભારતમાતાનું હુસેનના કહેવાતા ચિત્રો સિવાય પણ વસ્ત્રાહરણ કરનાર દુશાસનોને ઓળખો છો?

આ ટ્રાયોલોજીનો છેલ્લો અંક આવતી ‘શતદલ’માં અનાવૃત થશે.

ફાસ્ટ ફોરવર્ડ

ઘઊંનો દાણો .જીવનનો આધાર. દાણાંમાં છુપાયેલી નિર્દોષ ભોળી ફાટ- બે ચમકતી ટેકરી વચ્ચેથી ફૂટતી જવાની.

તમતમાતા તડકાના ચહેરાનો રંગ, શામળા શ્રાવણના ઝૂલામાં ઝૂલતુ ઘઊંવરણું શરીર ,ધોધમાર વરસાદનો જોશ, પણ હળવા હળવા ફોરાં, ભીની ભીની સુગંધ, જાણે બે કાયાનો પ્રેમ, બે પડની વચ્ચે દળાતો ઘઊંનો દાણો મુઠ્ઠીઓથી ગુંદાતો લોટ!’
(ઘઊંમાં કલ્પનાથી કળાકાર કેવો માદક રસિક શૃંગાર નિહાળી શકે, તેના ઉદાહરણરૂપ નમૂનો- એમ એફ. હુસેનના આ શબ્દો!)

(છપાયા તારીખ : ૨૧ /૩/૨૦૧૦)
———————————


૩. ‘આર્ટિસ્ટ’ અને ‘ટેરરિસ્ટ’નો ભેદ સમજી શકે એ રાષ્ટ્ર મહાસત્તા બને છે !


‘ચિત્રને સમજવું હોય તો નૃત્યને જાણવું જોઈએ !’

આ ક્વોટ કોઈ યુરોપિયન આર્ટિસ્ટનું નથી પણ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં માર્કંડેય મુનિએ વજ્રને આ વાક્ય કહેલું છે ! ચિત્રમાં રંગ, રૂપ, રેખાઓ અને ગતિ હોય છે. ચિત્ર કંઈ ફોટોગ્રાફ નથી. એમાં કળાકારનું ભાવવિશ્વ ઝીલાતું હોય છે, અને એમાં અસંખ્ય વાતો છૂપાવીને પણ રખાતી હોય છે, જે ઉત્તમ ભાવક પોતાની ક્ષમતા મુજબ ઉકેલે ! કળા ચિત્ર કંઈ ત્રીજા ધોરણના ક્લાસમાં બ્લેકબોર્ડ પર લખાતું સુવાક્ય નથી, કે માત્ર નીતિવાન જ હોય ! આર્ટિસ્ટ અનુભવ, અભ્યાસ અને આંતરદ્રષ્ટિથી છલોછલ હોય તો ચિત્રોને આગવા લેયર્સ આપી શકે છે. સમાજે જવાબ આપવો પડે તેવા સવાલો કરી શકે તેમાંથી નર્તન ઊભું કરી શકે છે. ક્યારેક ચિત્રમાં ફક્ત વિઝ્‌યુઅલ એક્સપિરિયન્સ જ હોય છે ! મહાન કલાકારની અભિવ્યક્તિમાં કેવળ અર્થો જ નથી શોધવાના હોતા, અનુભૂતિ માણવાની ટેવ પણ પાડવાની હોય છે. રાગ અને સૂરની સમજ ન હોય તેવા લોકો પંડિત ભીમસેન જોશીનું ગાયન સાંભળીને ‘આ તો રાગડા તાણે છે’ એવી કોમેન્ટ કરી શકે. પણ તેને લીધે ગાયન અને ગાયકની કક્ષા ઉતરતી નથી થતી !

એમ. એફ. હુસૈને એક વાર કહેલું કે, ‘‘લોકોને સામાન્ય ટેવ છે કે ફાનસ જોવાને બદલે ચારે તરફ તેના હોવાપણાનું કારણ શોધે છે. એ સળગે છે, તો ચોક્કસ રાત, ઓલવાઈ ગયું છે તો દિવસ પણ કોઈ એ નથી જોતું કે ફાનસ કેવો રૂઆબ સાથે જમીન પર ઊભું છે !’’ ચિત્રોની પણ લોકશાહી છે એમાં સીધી-સરળ વાત જ કહેવાતી હોત, તો પછી કોમનમેન અને આર્ટિસ્ટમાં ફરક જ શું હોત ? આર્ટિસ્ટ એ છે, જે જૂની વાતને પણ નવી દિશા આપે છે. કવિ માટે શબ્દો તો ચિત્રકાર માટે રંગો અને આકારોે પોતાની ફિલીંગ્સ, પોતાના એક્સપ્રેશન્સને વહેતા મૂકવાનું માઘ્યમ છે. લાલ રંગ રોમાન્સનો પણ રંગ છે, અને ભયનો પણ રંગ છે. એમાં સુહાગનની બંિદી પણ છે, અને કોલગર્લની લિપસ્ટિક પણ. એ ખાટાં ટમેટાં અને તીખા મરચાંનો પણ રંગ છે. એ વહેતાં લોહીનો અને મંગલ પ્રસંગના સાથિયાનો પણ રંગ છે ! એક જ રંગ, અને એની કેટલી અર્થછાયા ! મલ્ટીપલ ઇન્ટરપ્રિટેશન્સ !

હુસેનના નામે ફરતા મેઇલ્સમાં હુસેને ન દોરેલા હોય એવા ય ચિત્રો ફક્ત ફોરવર્ડનું બટન દબાવી દેવાથી અભ્યાસ સંપૂર્ણ થયેલો માનતા આળસુ નાગરિકો ફટકાર્યા કરે છે એક સાચો બનેલો કિસ્સો છે. રાબેતા મુજબ માત્ર હુસેનનું નામ સાંભળી ભડકેલા (હુસેને ગમ્મત ખાતર પોતાના પર મકબૂલ નામનું ચિત્ર ‘મેકબૂલ’ કરીને સ્ત્રી સાથે બુલનું બનાવેલું અને લોકો એને નંદીનું માની બેઠા !) આખલા જેવા ભાંગફોડિયાઓએ એકવાર અનાવૃત ગણેશનું ચિત્ર ટાગોરની શાંતિનિકેતનના વિદ્યાર્થી જોગેન ચૌધરીનું હુસેનનું સમજીને હોબાળો કર્યો પણ જોગેનબાબુનું છે, તેવી ખબર પડ્યા પછી વિવાદ ન થયો !

આવા ચિત્રો તે કોણ દોરે ? એવું કહેનારાઓને ખબર નથી કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જેવી સરકારી સંસ્થાના કેલેન્ડરમાં જૂન ૨૦૦૧માં બ્રાહ્મણ ચિત્રકારનું દોરેલું સીતાનુ અદ્દલ આઘુનિક (હુસેનટાઇપ) શૈલીનું ચિત્ર છપાયેલું. કોઈ ગોકીરો ન થયો ! કોલકાટ્ટામાં જઈ રોસોગુલ્લા- સંદેશ અને કુર્તાની ખાદીમાંથી નવરા પડો, તો ક્યારેક મ્યુઝિયમમાં જઈ અવનીન્દ્રનાથ ઠાકુર અને નંદલાલ બોઝના તથા અન્ય કલાકારોના કાલી અને બીજા દેવીઓના ચિત્રો જોઈ આવજો એકવાર અને ત્યાં જ બૌદ્ધ સ્તૂપોની પ્રતિમાઓ પણ નીરખજો ! મોઢેરાના સૂર્યમંદિરની દીવાલો નીરખવાની કે ભાગવતમાં રાસ અને ગોપીગીતના વર્ણનો વાંચવાની ફૂરસદ છે ? અહલ્યા- ચંદ્ર- ગૌતમથી લઈને યવક્રી- પુનર્વસુ કે કચ- યયાતિ- દેવયાની, યમ- યમીની વાર્તાઓના વર્ણનો વાંચ્યા છે ? કળાગુરુ રવિશંકર રાવળના પણ ચિત્રો ગુજરાતે ક્યાં પૂરા જોયા જાણ્યા છે? ભૂપેન ખખ્ખરના ચિત્રો પણ કેટલાએ જોયા છે ? સારું છે, બહુમતી લોકોને સંસ્કૃત આવડતું નથી. નહિ તો ‘ગીતગોવંિદ’ની પણ હોળીઓ થઈ હોત, અને યોનિપૂજા અને અલગ અલગ વ્યવસાયની સ્ત્રીઓને દેવીઓ સાથે જોડતા તંત્રના હજારો વર્ષોથી સચવાયેલા ગ્રંથો બિભત્સ માની ખતમ કરી દેવાયા હોત ! રમેશ પારેખની ‘ગધેડીના ઇશ્વર’ કહીને લખાયેલી કવિતા કે ‘રે મઠ’ના કવિઓને પણ પુરાતન મિથકો સાથે આઘુનિક કલ્પનો ભેળવવા માટે ગાળો ખાવી પડી હોત ! (ફરી સવાલ થશે – ‘રે મઠ’ શું છે ?) બૌદ્ધ સાઘુ વિદ્યાકારે ૧૧મી સદીમાં ૧૭૨૮ પ્રાચીન કાવ્યોનું સંકલન કર્યું છે, જે ‘ઇરોટિક પોએટ્રી’ તરીકે મેક્સિકન કવિ ઓક્તેવિયો પાઝે પણ અંગ્રેજીમાં લીઘું છે !

કોઈ પણ કળાને સમજવાના કેટલાક પાયાના ધારાધોરણ હોય. પોતાને ફોક પેઇન્ટર ગણાવતા હુસેને ખરેખર તો આઝાદી અગાઉના પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપમાં જોડાઈને વિશ્વ સામે ભારતને એના અસલી (જેમ કે શાકમાર્કેટમાં જાંબુડી રીંગણ પર ગોઠવેલા પીળા લીંબુ) રંગોમાં રજૂ કરવાનો પડકાર ઝીલ્યો હતો. બીજા ચિત્રકારો વિદેશવાસી થયા, પણ વડોદરાના ગાંધીવાદી અબ્બાસજી તૈયબજીની સ્કૂલમાં ભણેલા હુસેન ભારત જ રહ્યા. ભારતને ચીતરતા રહ્યા. જૂનાના પુનરાવર્તનને બદલે જૂનાને આધાર બનાવી એમાં નવા વૈશ્વિક પ્રવાહોની રંગપૂરણી કરી.

જેમ કે, હનુમાન સીરિઝમાં એમણે ‘ઓરિજીનલ સુપરમેન’ કહી પહેલી વખત જગતને હનુમાન સુપરહીરોના (પશ્ચિમને સમજાતા) મેટાફોરમાં મૂક્યા, જેમાં સુપરમેનની માફક હનુમાનની છાતી પર ડાયમંડ શેપમાં રામસીતા મૂક્યા ! આકૃતિ નવી હતી પણ છાતી ચીરીને રામ બતાવવાવાળી વાત પ્રાચીન હતી !

પરંતુ કળાકાર હંમેશા પ્રચલિત ચરિત્રોની ભારતીય બાજુ નિહાળે એ કળાપ્રવાહ છે. દુર્યોધનને નાયક કલ્પીને આપણે ત્યાં નાટકો (ઉરૂભંગમ) રચાયા છે ! હનુમાન જેવા જાત બીજા ખાતર ઓગાળીને ઘ્યાનસ્થ થયેલા સેલ્ફલેસ ડિવોટીને પણ ક્યારેક રામ-સીતા કે અન્ય કોઈનું સંસારસુખ જોઈને શું થાય ? એ ડેવિએશન લઈને પણ ચિત્રો રચ્યા છે. ક્યાંક નગ્નતા આતતાયીના જુલ્મ સામે ‘વલ્નરેબલ’ (સોફ્‌ટ ટાર્ગેટ) બનેલી વ્યક્તિની અસહાયતા દર્શાવતી હોય. તો વળી હિટલરના ચિત્રમાં જનનેન્દ્રિયના સ્થાને ખોપરી છે. જેમાં સિગ્મન્ડ ફ્રોઇડની માનસશાસ્ત્રીય થિયરી છે કે યુદ્ધા એ જાતીયતાનું નિરૂપણ છે. એટલે જ બુલેટથી મિસાઇલ સુધીના શસ્ત્રોનો આકાર પુરુષના ગુપ્તાંગ જેવો જ રહ્યો છે ! દરેક કળા એના કોન્ટેક્સ્ટમાં સમજવાની તસ્દી લેવી પડે ! હુસેને પૂર્ણ વસ્ત્રોવાળા દેવી પણ ચીતર્યા છે (જુઓ તસ્વીર)

દ્રૌપદીના વિશ્વવિખ્યાત ચિત્રમાં (હુસૈને ભારતભરમાં ‘મહાભારત’ પર સૌથી વઘુ ૩૦૦ ચિત્રો કર્યા છે !) નારીની ગરિમાનું પતન એટલે ‘ફ્રી ફોલ’ દર્શાવાયો છે. ચોપાટના રંગીન ખાનાઓ જાણે ભૂતકાળની સ્મૃતિઓ અને જંિદગીના રંગબેરંગી અનુભવો બનીને વીંટળાય છે. ઇજીપ્શીયન મમીની માફક ફરતું એક વસ્ત્ર વીંટળાય છે. ચહેરા પર ચીસ છે કદાચ સ્વયમ્‌વરમાં મત્સ્યવેધથી ‘જીતાયા’ અને જુગટામાં ‘હોડ’માં મૂકાયા પછી વ્યક્તિ મટી, વસ્તુ બનેલી નારીની ! ૧૯૭૭માં બ્યુનેલ નામના સ્પેનિશ ડાયરેક્ટરની ફિલ્મ ‘ધ ઓબ્સક્યોર ઓબજેક્ટ ઓફ ડિઝાયર’ જોયા પછી ઉઠેલા મનોભાવોને હુસેને પછીની મહાભારત સીરિઝના કેટલાક ચિત્રોમાં ‘ફ્‌યુઝન’ કર્યા હતા, ‘મહાભારત’ પણ હુસેનના મતે ઇચ્છા અને એમાંથી જન્મતા અભાવોના સંઘર્ષની કહાની છે ! હુસેનના ૫૦,૦૦૦ જેટલા વૈવિઘ્યસભર ચિત્રોમાંથી કેવળ ૫-૧૦ લઈને જ સજ્જતા વિના આખા માણસનું જજમેન્ટ આપીશું ! હુસેનની આદત સાહિત્ય અને લોકસાંસ્કૃતિના શાસ્ત્રીય સંદર્ભો લઈ તેને મોડર્ન આર્ટના ફોર્મમાં જોડવાની છે.

એટલે જ હુસેને માઘુરી સીરિઝ કરી, મૂળ તો કાલિદાસની ‘શકુંતલા’ને રજૂ કરવાની હતી – એ પરફેક્ટ ઇન્ડિયન વુમન તરીકે ! પણ ભાતીગળ વારસો ભૂલી ગયેલા બધા એને ન ઓળખી શકે. એટલે ‘ગજગામિની’ના આઘુનિક, પોપ્યુલર મેટાફોર તરીકે માઘુરી આવી ગઈ ! હુસેને બેસૂમાર અશ્વો ચીતર્યા છે. કેમ ? લો એમના શબ્દોમાં જ વાંચો (અને વિચારો, કેટલી રેન્જ છે આ બુઝર્ગ આર્ટિસ્ટના જ્ઞાનની અને કેવી રીતે એની નજર અનેકમાં એકનું અદ્વૈત પણ જોઈ શકે છે !)

‘‘એ હણહણાટ છે, એ નાળનો ખણખણાટ છે એ સંબંધ છે ઘોડેસ્વારોનો. એ સંબંધ છે કરબલાના તરસ્યાઓ માટે મશક ઉઠાવવાવાળી દુલદુલ (માદા ખચ્ચર)નો. આ અશ્વમેઘ છે લવ અને કુશનો. એ બુર્રાક છે, સૌથી ઊંચા આકાશમાં ઉડવાનો. બચપણમાં મને ઘોડાવાળા રથમાં સવાર થઈ આકાશમાં ઉડવાના સપના આવતા, ત્યારે માટી અને લાકડાના ઘોડા સાથે રમતો. હવે ટ્રોજન હોર્સનો વિજય અને મારિયો માવિનીનો ઇટાલિયન અશ્વ મળ્યો છે. રાણા પ્રતાપને ચેતક મળ્યો છે. છોકરો ચીનની દીવાલ પરના હૂન ડાયનેસ્ટીના ટેરાકોટા ઘોડાઓ વચ્ચેથી પસાર થઈને સેન્ટ માર્કોની સફેદ પહાડીઓમાંથી કોતરેલા ઘોડાઓના ઝૂંડમાં ઘેરાયેલો, પોતાની બે-લગામ પીંછી પર સવાર વર્ષો સુધી યાત્રામાં જોડાયેલો દેખાશે ! પરંતુ આજે પણ આ છોકરાની જીભ પર એ જ નાળ ઠોકવાવાળા અચ્છનમિયાંની ચાની મઝા બાકી છે. જેની શોધમાં એ સમયના દાદાની આંગળી પકડી ભટકી રહ્યો છે. ઇન્દોરની ગલીઓના ધાબા, દિલ્હીના નિઝામુદ્દીનના ચાયખાના, લંડનની દોઢસો વર્ષ જૂની શેપર્ડ માર્કેટની કોફી શોપ, ન્યૂયોર્કના અડધી રાત સુધી ખુલ્લા રહેતા ટેક્સીવાળાના અડ્ડા, પ્રાગના, કાર્લબ્રિજના ચારે તરફના કર્વના, કલકત્તાના સરદારજીની જાડા દૂધની ચામાં બોળેલી તંદૂરી રોટી, મુંબઈના ભીંડી બજારની અડધો કપ ચા મારામારી…..’’

હુસેન ભારતની નજીક રહીને આજે ય અમદાવાદની ચા થરમોસમાં મંગાવે છે ! એક કળાવિવેચક એમને મળવા ગયા, તો એમણે છાપુ મંગાવ્યું. પેલા ભાઈએ એ લઈ જઈ પૂછ્‌યું – આનું શું કરશો ? એ તો ઓનલાઇન છે ! હુસેને છાપુ સુંધ્યું અને કહ્યું, આમાં ભારતની ખુશ્બુ છે, જે ઓનલાઇનમાં નથી !

કળાકાર તરંગી લાગે છે, કારણ કે એ તરંગોના જ રંગોમાં જીવે છે ! સામાન્ય માણસથી એની સંવેદનશીલતા અને કલ્પનાશક્તિ અલગ હોય, એટલે તો એ આર્ટિસ્ટ બને છે ! આર્ટનું એક અલાયદું યુનિવર્સ છે.

જેમ લંિગપૂજા વિકૃત નથી, એ શિવભક્ત અનુભવે પણ વિદેશી નહિ, એમ જ આ કળામાં વિકૃતિ નથી એ અંદરનો કળાપારખુ સમજી શકે, અણસમજુઓ નહિ !

* * *

સ્વામી વિવેકાનંદે કહ્યું છે ઃ આપણે દરેકને આપણા માનસિક વિશ્વની સીમામાં બાંધી આપણા સિદ્ધાંત, નૈતિકતાના બોધ આપીએ છીએ. આમ જ ધાર્મિક સંઘર્ષ પણ બીજાના મૂલ્યાંકનની સોગાત છે. બીજાને એમની નજરથી જોતા શીખો, પોતાની નહિ.

ભારતમાં સાંસ્કૃતિક પવિત્રતાના નામે નવું ‘પ્યુરિટનિઝમ’ (વિક્ટોરિયન યુગના મરજાદી ચોખલિયાવેડા) તૈયાર થતું જાય છે. જેમાં અજ્ઞાન લોકો કળા સામે ઉધામા મચાવી (યુરોપના) નવજાગરણ (રેનેસાં) યુગ અગાઉનું વાતાવરણ અહીં સર્જી રહ્યા છે.

એ કમનસીબી છે કે, કોઈ આર્ટિસ્ટના કામમાં ન્યુડિટી દેખાય કે તરત બધાના ભવા આજે ચડી જાય છે એ લોકો આર્ટિસ્ટને ડરાવે છે. એમની સર્જનશીલતાનું પ્રદર્શન કરતા રોકે છે. ગુનેગારોને જેર કરવા માટેની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ઉપયોગ ક્રિએટીવ આર્ટ સામે ન થઈ શકે. એક કળાકારની દરેક બાબત નિહાળવાની આગવી દ્રષ્ટિ હોય છે અને કળાકાર સામે ગુનેગારની જેમ કાયદાકીય કાર્યવાહી કરવી આધારહીન, બેતૂકી વાત છે. અશ્વ્લીલતા આ ચિત્રોમાં ક્યાંય નથી. આ કળાકારનો આ બાબતને જોવાનો દ્રષ્ટિકણ છે, જેને પડકારી શકાય નહિ ! ૯૦ વર્ષના પેઇન્ટરને પોતાના ઘરમાં બેસીને કેનવાસ પર પેઇન્ટ કરવાનો હક છે ! મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો કહેતા- ‘‘આર્ટ ઇઝ નોટ ચેસ્ટ, વોટ ઇઝ ચેસ્ટ ઇઝ નોટ આર્ટ ! (કળા ડાહીડમરી ન હોય, અને હોય તો એ કળા નથી !)’’

સબૂર ! ઉતાવળિયા કન્ક્લુઝન પર ન આવતા. આ વાક્યો કોઈ સૂડો-સેક્યુલરિસ્ટ, લધુમતી વોટબેન્કવાળા નેતા કે મુગ્ધ હુસેનફેનના નથી. આ શબ્દો છે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સંજય કિશન કૌલના ! જેમણે ૭૪ પાનાનો અદ્‌ભુત ચુકાદો આપી હુસેન સામેના કેસીઝ ‘ખારિજ કરી નાખ્યા હતા !

વાદીઓ તોય સુપ્રિમ કોર્ટમાં ગયા. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જી. બાલાકૃષ્ણન, જસ્ટિસ પી. સથાશિવમ્‌ અને જે. એમ. પંચાલ (ત્રણે નામ હિન્દુ છે !)ની બનેલી બેન્ચે સોઇઝાટકીને કહી દીઘું, ‘‘ભારતમાતા (હુસેનનું ચિત્ર) તો કળાનો નમૂનો છે એ બિભત્સ નથી. ફરિયાદીની લાગણીઓ અસંખ્ય શૃંગારિક શિલ્પો જોઈને કેમ દુભાતી નથી ? આવા અઢળક ચિત્રો, તસવીરો અને ચિત્રો ભારતમાં છે. મંદિરોમાં પણ છે. આટલા હજાર વર્ષોથી કોઈની લાગણી એનાથી દુભાઈ નથી.’’

સુપ્રિમ કોર્ટે પણ અપીલ ફગાવી દીધી !

હિન્દુત્વને ‘વે ઑફ લાઇફ’ કહેતી વખતે ગર્વભેર સુપ્રિમકોર્ટને ટાંકવી છે. રામજન્મભૂમિના તાળા તોડાવતો હાઇકોર્ટનો ચુકાદો માથે ચડાવવો છે. તો પછી ભારતની એ જ સર્વોચ્ચ સંસ્થાએ ખુલ્લેઆમ હુસેનના આર્ટવર્કને ક્લીન ચીટ આપી છે, એ કેમ સ્વીકારી શકાતી નથી ? મુઠ્ઠીભર તેજોદ્વેષી કે રાજકીય કળાકારો સિવાય કળાજગતનો મત પણ એ જ છે. લોકો સંજય દત્તો અને લાલુપ્રસાદોની બાબતમાં હથિયાર અને ભ્રષ્ટાચારના ગંભીર ગુનાઓમાં પણ કોર્ટનો ફેંસલો સ્વીકારી લે છે અને અફઝલને ફાંસીમાં કોર્ટનો હવાલો આપે છે- તો પછી હુસેનની બાબતમાં કોર્ટ ખોટી ? એ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય ! ધાર્મિક લાગણીનો આવો જડ અંધાપો ? હુસેનને ભારતના કાનૂનની મુંઝવણ નથી. પણ સતત સમજ્યા વિના હડઘૂત કરવાના હિન્સક વિરોધ વચ્ચે કામ કેવી રીતે થાય ?

કોઈ બળાત્કારી કે ખૂનીની સામે પણ માણસ જાતે ન્યાય તોળવાને બદલે ફરિયાદ કરી કોર્ટ પાસે ન્યાય માંગે છે. કબૂલ, કે હુસેનની કે કોઈ પણ જાતની કળા ગમાડવી ફરજિયાત નથી. ચોક્કસ તેને વખોડી શકાય, વિરોધ કરી શકાય. પણ અહીં તો હંિસક ભાંગફોડ અને પોલિસ ફરિયાદો થાય છે. ઠીક છે. ના ગમ્યું, તો કોર્ટમાં બી ચેલેન્જ કરી શકાય પણ બબ્બે વખત પૂરી વિદ્વતાથી અદાલતે કહ્યું તો ય સત્ય સ્વીકારવું નથી ? સુલેમાની વહોરા હુસેનની અટક મુસ્લિમ છે, એટલા માત્રથી ? મોડર્ન આર્ટ, પ્રાચીન ભારતનો અભ્યાસ નથી એટલે ? એ ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો વારસો લધુમતીઓએ અપનાવવો, બિરદાવવો જોઈએ તેનું રોલમોડેલ બની શકે, તેને બદલે તેના હાથ કાપનારને ઇનામ જાહેર કરવાનું ? સ્વયમ્‌ પરમાત્માએ હજુ હુસેનને ૯૫ વર્ષે ઝડપભેર કામ કરવાનું સ્વાસ્થ્ય આપ્યું છે, સજા નહિ !

અંતે હુસેનનો ગુનો શું ? ભરણ-પોષણ કરવા આખો દિવસ ફિલ્મી પોસ્ટરો દોરીને રાતના લેમ્પપોસ્ટના અજવાળે ચિત્રો દોરવાનું ચાલું રાખી, જીંદગી આર્ટને ચરણે સમર્પિત કરી નામ- દામ કમાયા… પહેલું ચિત્ર દસ રૂપિયામાં વેચી અંતે દસ કરોડ સુધી પહોંચ્યા એ ? ધાર્મિકને બદલે સાંસ્કૃતિક અભિગમ રાખ્યો, જે કલ્ચર જોયું હતું, તેવું કેન્વાસ પર ઝીલ્યું – બુરખાધારી ઔરતોનું કલ્ચર એ રીતે, મિશનરી સાડીનું એ રીતે, અને ઝાકમઝોળ ગ્લેમર તથા જાતીયતાથી મહેકતું હિન્દુત્વ એ રીતે… એ વાંક ? સ્પિરિચ્યુઅલ માણસ તરીકે કદી ખુલાસા ન કર્યા, પણ છતાં માફી માંગી- જે કોઈએ સાંભળી નહિ, એ વાંક ?

અને આપણે રીતસરના ખૂની, બળાત્કારી, ભ્રષ્ટાચારીઓના મામલે સહિષ્ણુ છીએ, પણ આર્ટના મામલે આળી ચામડીના થઈએ ? હુસેન તો સોફ્‌ટ ટાર્ગેટ છે. એ થોડા હાફિઝ સૈયદ કે મસૂદ અઝહરની જેમ હથિયારબંધ જેહાદીઓ ભેગા કરી ફરે છે ? એક બૂઢા ચિતારાને પાંચ મુક્કા મારો તો ય બાપડો ખતમ થઈ જશે. તો ય બધા એની પાછળ પડી ગયા છે – પોતાની લુખ્ખી રાષ્ટ્રભક્તિ અને સંકુચિત ધર્મભાવના સિદ્ધ કરવા !

ભારતમાતાનું વસ્ત્રાહરણ ચિત્રો- કવિતાથી શું થાય ? જો અસહિષ્ણુ જ થવું હોય તો લોકલ કલેક્ટર ઓફિસમાં ભ્રષ્ટાચાર થતો હશે. ટોલ ટેક્સથી લઈ ખાંડ-તેલ સુધી ભેળસેળ અને ભાવવધારો ચાલે છે. ઘુતારા બાબા- મુલ્લાઓ પ્રજાને ભોળવી જમીનો ઓળવી લે છે. હત્યાઓ કરાવે છે. રસ્તા પર ખાડા છે. પાણી હોતું નથી. પ્રદૂષણ બેફામ છે. સરકારી ખર્ચે ચાલતા ફ્‌લાઇઓવરના કામ તકલાદી નીવડે છે. ગલીના ગુંડાઓ ધાકધમકીથી છોકરીઓ ઉઠાવી જાય છે. કેટલાક ફેનેટિક મદ્રેસાઓમાં બોમ્બ બનાવવાની તાલીમ આપી ભારતના ટુકડા કરાય છે. આઝમગઢમાંથી ખંડણીખોર શૂટર આવે છે. કાશ્મીર સરહદ પર ખુલ્લેઆમ આતંકવાદી કેમ્પ ચાલે છે. સ્થાનિક જનપ્રતિનિધિ, અફસર, પ્રજાના પૈસે ઘર ભરી લે છે. સરસ્વતીના ફોટાવાળી શિક્ષણ સંસ્થાઓમાં પારાવાર પોલિટિક્સ છે. પરીક્ષા-ચોરી છે પેપરોમાં ઘાલમેલ છે. ગોખણપટ્ટીની પદ્ધતિ ફરતી નથી. પાઠ્યપુસ્તકો ભૂલોવાળા અને બોરીંગ છે. શિક્ષક બનવા પૈસા ખવડાવવા પડે છે, સાચી ફાઇલ પાસ થતી નથી. હપ્તાખાઉ પોલીસવાળા છે. બ્લેકમેઇલર પત્રકારો છે. છેતરપિંડીવાળા ઉદ્યોગપતિઓ છે. જ્ઞાતિવાદી ધર્મગુરુઓ છે. સરસ્વતી કે ભારતમાતાનું આ સરેઆમ વસ્ત્રાહરણ થઈ રહ્યુ છે. થઈ ચૂક્યું છે. આપણે જ એમાં ભાગીદાર અને સાક્ષી છીએ. ત્યાં લોહી ઉકળતું નથી અને ૯૫ વરસના ચિત્રકારની ઓલરેડી કોર્ટ એપ્રુવ્ડ ક્રિએટીવીટીની પાછળ પડી જવાના પલાયનવાદમાં મસ્ત છીએ ! એકઝાટકે બુરખા પર પ્રતિબંધ મૂકી દેનાર ફ્રાન્સ શું આર્ટિસ્ટસ પર સેન્સરશિપ લાદે છે કદી ? ત્રાસવાદીઓને શૂટ કરી નાખનાર બ્રિટન પોતાની સરકારના ધર્મના કે જન્મથી બ્રિટીશ ન હોવા છતાં સલમાન રશ્દીને સાચવે જ છે ને !

જ્યાં બતાવવાની છે ત્યાં અસહિષ્ણુતા આપણે બતાવતા નથી અને શરિઅતના કાનૂનથી ચાલતા તાલિબાનોની જેહાદનો ચેપ વળગ્યો હોય એમ કળાકારોનેે પરેશાન કરવામાં બહાદુરી અનુભવીએ છીએ! જેની ટીકા કરીએ, એમની જેમ જ વર્તીએ છીએ ! જે મહાસત્તાઓ છે, તે આર્ટિસ્ટને પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર્સ બનાવે છે અને પોતાની શક્તિ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, આરોગ્ય, ટ્રાફિક જેવા પ્રશ્નો ઉકેલવામાં લગાવે છે ! અને આપણે આજે એવા અબૂધ બનીએ કે ૧૯મી ૨૦મી સદીમાં કેલેન્ડર આર્ટરૂપે દેવ-દેવીઓના ચિત્રો બન્યા, જેમાં દક્ષિણ ભારતીય કલાકારો હોઈ કાંજીવરમની સાડી હોય અને સિલાઈ મશીનમાં સીવેલા બ્લાઉઝ હોય તેને સ્ટાન્ડર્ડ માની લઈએ છીએ ! મૂળ ઇમેજીઝ ભૂલી જઈએ છીએ!

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં આપેલા અફલાતૂન પ્રવચનમાં સલમાન રશદીએ ચિન્તા પ્રગટ કરી કે, આમ જ ચાલ્યું તો મહાન પ્લુરારિસ્ટ ભારત પેલેસ્ટાઇન થતું જશે. લોકો આ કલાકારોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સિરિયસલી લેતા નથી. તસ્લીમા કે હુસેનને સાચવતા નથી. તર્કથી વિરોધ કરવાને બદલે તલવારથી વિરોધ કરે છે. આર્ટિસ્ટ પોતાની કળાની એક સ્પેસ બનાવે છે. તમને એ ન ગમે તો તમે છોડી દો. લાગણી દુભાઈ જાય તો ચિત્ર ન જુઓ. પુસ્તક બંધ કરો. લેખ ન વાંચો. પણ આર્ટિસ્ટને તેનું કામ કરવા દો એ નકામું હશે, તો આપોઆપ ભૂલાઈ જશે ! ક્યાં ગયું એ ભારત- જેમાં ટાગોરે લખેલું વ્હેર હેડ ઇઝ હેલ્ડ હાઇ, માઇન્ડ ઇઝ ફ્રી ફ્રોમ ફ્રીડમ, વ્હેર અર્થ ઇઝ નોટ ડિવાઇડેડ ઇન્ટુ નેરો…

લોકશાહીમાં દરેકને અભિપ્રાય હોય, પણ અદાલતી ફેંસલો આખરી માનવાનું સૌજન્ય હોવું જોઈએ. લાગણી વાસ્તવિકતાથી ન દુભાય અને કળાથી દુભાય એ પલાયનવાદ છે. વિદ્વાન પ્રધાન શશી થરૂરથી લઈ હુસૈનને મળનારા સામાન્ય વાચકો એકમત છે કે એ ચિત્રો પાછળ દિવાના છે, પણ ફેનેટિક મુસ્લિમ નથી. ગલ્ફમાં તો ધંધા માટે ઘણા ગુજરાતીઓ પણરહી પડ્યા છે. જસ્ટ થીંક. એક બાજુ મેચ ફિક્સંિગ જેવા ક્રાઇમ કરીને લધુમતીના અન્યાયની ચીસાચીસ કરી અઝહરૂદ્દીન એમ.પી. થઈ જાય છે. બીજી બાજુ અસલી ભારતને પ્રેમ કરનારા હુસૈન લધુમતી કાર્ડ વાપરવાને બદલે એમ કહે છે, ‘‘જે મારી કળા સમજી નથી શકતા, એમનેય હું પ્રેમ કરું છું. એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.’’

યાદ આવે છે લાગણીશીલ બનેલા વિરોધ કરનારા ટોળા વચ્ચે આવું કોણે કહ્યું હતું ?

સોરી, માત્ર આર્થિક પ્રગતિથી મહાસત્તા નહિ બની શકાય, થોડું આર્ટ બાબતનું ટોલરન્સ વધારવું પડશે. હજુ ૯૦ ટકા સર્જન અંદર જ પડ્યું છે. એમ ન માનતા હુસેને એમના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું,

તૂ કહે  તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન

એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે.

‘તમે કહો તો કથાનું શીર્ષક બદલી નાંખું, પણ આખી કથા બદલવા માટે તો નવી જિન્દગી જોઈએ !’

ક્યા બાત હૈ !

ઝિંગ થિંગ !

ક્યારેક દ્રશ્ય, વિચાર, જોશ, સંગીત બધાને કાળ જોડે છે, ક્યારેક તોડે પણ છે. કાળ હંમેશા વર્તમાનમાં હોય છે. એ આપણી આજછે કે તમામ આવતીકાલ અને ગઈકાલની ધરી છે ! (એમ.એફ. હુસેન)

(છપાયા તારીખ : ૨૪/૩/૨૦૧૦)

#બોનસ -૧ (ફેસબુક પર અગાઉ મુકાયેલો અને આડે પાટે ચડેલી  ચર્ચામાં વિખાઈ પીંખાઇ ગયેલો વિડિઓ અને એનું મેં કરેલું રસદર્શન..

હુસેન ભારતીય સંસ્કૃતિના એક એક રંગને ટાગોરની માફક કેવા ઘોળીને પી ગયા છે, એ કાવ્યાત્મક રીતે અહીં પ્રગટ થાય છે.

indian feminine form ને ટ્રિબ્યૂટ આપવા આખા ગીતમાં માધુરીની શાસ્ત્રીય નૃત્યોની વિવિધ મુદ્રા છે, પણ ચહેરો નથી, જેથી એ વ્યક્તિ મટી સમગ્ર સ્ત્રી જાતિની અભિવ્યક્તિ બની જાય છે.

ભારતીયતાના વાસંતી રંગો યાને રેડ, ઓરેન્જ,યેલોના અહીં શેડ્સ છે. સ્ત્રીના માથા પરની ગાંસડી એ નારી જાતિ પરનો પરંપરાનો બોજ છે, એટલે એ ના હોય ત્યારે નૃત્ય વધુ વેગીલું બને છે.

મંદિરમાં આદિ ઊર્જા સમાન શિવ છે, પણ એ ડમરુંના સ્વરૂપે છે. ડમરું પરસ્પર વિરોધી બે આકારના જોડાવાથી બનતું હોઈને અર્ધનારી નટેશ્વરના હાથમાં પુરુષ અને પ્રકૃતિ ઉર્ફે યિન-યંગનું યાને યુગલત્વનું પ્રતિક છે. ઉપર ચિતરાયેલો યેલો સાપ પણ છે, કામના રૂપે..

એક દિવાલ પર તલવારધારી સિંહ છે, જે દુર્ગા-આદિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માધુરી ગજગામિની યાને હાથી જેવી મલપતી ચાલે પાણીના વહેતા પ્રવાહની જેમ ચાલે છે, કારણકે સ્ત્રી એ જલતત્વ છે. પુષ્પની સુવાસ અને જળની ભીનાશ છે એમાં..

સેટ ડીઝાઈન, સંગીત, શબ્દો , કેમેરા એન્ગલ વગેરેની કલાત્મકતા સાથે અંતે ગીત બજરંગબલીના ચિત્ર સામે નમન રૂપે સમાપ્ત થાય છે. હુસેને એક વખત હનુમાન સીરીઝના ચિત્રો વખતે લખેલું કે હનુમાન વિશ્વમાં પ્રથમ સુપરમેન/સુપરહીરો છે. એ બુદ્ધિમાન છે, શક્તિશાળી છે, વિવેકી છે, પરાક્રમી છે, સાહસિક છે, કલાકાર છે, સમર્પણ કરવામાં નિરાભિમાની છે. સ્ત્રીના ગમે એવા પ્રોટેક્ટર-રક્ષક છે. અને નિર્ણયોમાં ભૂલ, વેવલાઈ કે ઉતાવળ કરતા નથી…

આ બધું જ ક્યાંય દ્રશ્યને અવરોધ્યા વિના, તેને વધુ સમૃદ્ધ બનાવે છે.

#બોનસ-૨ ઓરકુટ પરની  ચર્ચામાં સામે ચાલીને વાચક જય વિસાનીએ (જે ફેસબુક પર પણ સક્રિય છે) લખેલો એમનો જાત-અનુભવ:

mind well I am a pakka Hindu and dont compromise on my religion and beliefs … the way you have explained is convincing …I suggest your article should be translated in English and Hindi for the benefits of our non-gujarati friends incidently I had an opportunity to meet him ( bare footed 6’ + MF Husain ) personally for 30 minutes during 1992-93 at Andheri East , at ‘Sukanya’ Bar & Restaurant where he was enjoying his Old Munk Rum … with his permission I sat in front of him ..we discussed few things including religion since it was 1992-93( riot period) i found him straight forward , simple , a non-religious but spiritual person …least bothered about anything else than his paintings and yes he is a nature lover….he then walked away after having two pegs of rum .. on enquiry the manager told me that he was a regular visitor then ( surprisingly no body recognized him ever ) … point is he is not a communal minded-man / artist and should be seen that way …he is not fanatic … he is an artist with mad passion for his art …

#બોનસ ૩- દિવસો સુધી ઓરકુટ પર ચાલેલી ચર્ચા જેમાં તમામ શંકાનું મેં તળિયા ઝાટક નિવારણ કર્યું છે. પણ મારા સવાલો ના કોઈ પાસે ગળે ઉતરે એવા જવાબો નહોતા ! :

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=26114022&tid=5446882008773109625&kw=hussain

******ડીઅર રીડરબિરાદર, યાદ રાખજો, આ આખી કસરતમાં મને શું મળવાનું છે? એવાર્ડ પણ નહિ, ને રીવોર્ડ પણ નહિ..ઉલટા થોડા વાચક ઓછા થાય ખીજાઈને !..પણ આ કોઈ તો સમજે એવી આશાથી..ભારત અને કળા પ્રત્યેના પ્રેમથી કરેલું કાર્ય છે. હું મારી જાતને રોકી નથી શકતો અને ચુમ્બકની જેમ આ કરતો જાઉં છું ખેંચાઈને..! .હું તો સાચી ભારતીયતા માટે, સતત હમણાં જ ફેસબુક પર અનેક ચર્ચા માં અળખામણો થઈને પણ દંભી સેક્યુલારિઝમની સામે સચોટ દલીલો કરતો હોઉં છું એ તાજું જ છે. છતાંય ફેસ્બૂક પર રાજ ઠાકરે જેટલી પણ ગરિમા વીણા મોતના માલજાને બદલે, મારી વાત પણ ભરોસો ના મુકનાર અને પોલીટીકલ પ્રોપેગેન્ડાથીઓ દોરવાઈ જનાર વાચકે , હજુ તાજો દિલ્હી સરકારના દમનવિરોધી લેખને ભૂલીને મારી સામે અક્કલનો એંઠવાડ પીરસતા હોય એવા બખાળા કાઢ્યા..ખોટી વિગતોથી જેમતેમ લખ્યું. આ છે સંસ્કૃતિ? જેમાં કોઈ ત્રાસવાદી હોય એમ મરેલા કલાકારને હડધૂત કરાય ? અવતારોએ અસુરો સાથે આવું કર્યું નથી ભારતમાં. જેહાદી પાકિસ્તાની તાલિબાન અને આવા અભણ લોકો ના હિદુત્વમાં ફરક શું છે? એક અંજલિ આપવા જતા જો મારી આ હાલત હોય…તો એને કેસ સ્ટડી માની, હુસેનની શું હાલત થઇ હશે નાદાન તોફનીઓથી..એ વિચારજો.

જો, વિચારવાને દેશભક્તિની પ્રક્રિયા ગણતા હો તો.

- જય વસાવડા

Categories: art & literature, india | 92 Comments

Post navigation

92 thoughts on “તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે !

  1. Anwar patel

    Jay bhai… Tamaro blog ane tamaru lakhaan….thnx 4 all these.

  2. જય ભાઈ,

    ખુબ આનંદ થયો તમને બ્લોગ જગત માં આવતા જોઈ ને. વરસો થી તમારો ચાહક છું. હવે વધુ એક માધ્યમ દ્વારા મળી શકાશે.

    - ભાવિક હાથી

  3. KK

    Thank JV for fulfilling our demands.
    As always, your write-up is genuine and convincing.

    Keep writing…

  4. ફોલો બટન ક્યા છે ?
    સર, આપણા સમાજમાં ગમે તે વિષય પર ગમે તેવી ગમે તે વ્યક્તિ પોતાને મને ફાવે તેવો અભિપ્રાય આપે છે અને તે જ સૌથી મોટો “શોખ” રહ્યો છે. શેરબજાર થી વ્હાઈટ હાઉસ સુધી ઓસામા થી ઓબામા સુધી કોઈ પણ જાતના તર્ક વગરની ફાલતુ કોમેન્ટો કર્યા કરવી અને કરૂણતા તે છે કે આ ઠોકશાહીમાં મીડીયા પણ આવી જાય છે . જે બાબતનું પુરતું નોલેજ ના હોય તેના થી અને તેના વિષે બોલવાથી દુર રહેતા આવડતું જ નથી . બીજી બાજુ સામાન્ય જનતા પણ કોઈ પણ ખારાય કર્યા વગર મીડીયા એ મારેલા બંડલને સાચુ માની વહી જાય છે .
    વેલકમ ઇન બ્લોગજગત & keep posting.
    જાગ્રત.

  5. Ajay Patel

    superb JV.

  6. PBS

    Interesting read :
    http://www.sandeepweb.com/2011/06/10/death-of-a-pervert-may-his-soul-burn-in-hell/

    Opening paragraph is almost identical. This is just a recommended read, it does not mean I endorse all of his views–neither do I endorse all of your views.

    • so do i..but many of views r not just ‘views’ r nt just views but proven facts…da vinci code example to shivling , supreme court verdict to modern art principles r not views but facts :P

  7. Jay,

    As a child, I have spent long hours standing outside and circling around Hussain’s Gufa in Kasturbhai Lalbhai campus in Ahmedabad. I did not know how to get in but it kept on pulling me there for many days.
    Read through above articles and I want to thank you for sharing it.

  8. ae hajaro vachako mano ek hu pan.. ke jeno jivan ma matra drashtikon j nai pan potani khoj karvama tamara adbhut articles thi maru jivan badlayu che… kadach hu khud ne atlu na jani shakyo hot… thank you JV.. RIP Shri M F HUSSAIN.. have to emnni dafanvidhi emni janmabhumi par j thavi joiye… koi padmabhushan ane padmabhushan kalakar ni dafanvidhi videsh ni bhumi par thay ae matra ae kalakar nu j nai pan aa desh na kalapremi ane sacha arth ma jagrut nagrik nu pan apman che….

  9. Welcome to the world of blogs, Jay!

  10. વાહ જયભાઈ…આપે હુસેન નો પરિચય કરાવ્યો..! આમા લખેલી ઘણી વાતો મને લાગુ પડે છે..
    કદાચ એવી કે.કશી ખબર વગર.લઈ ઉપડવુ….એકદમ સમજણ ચોખ્ખી થઈ ..અમુક પુર્વગ્રહો છુટ્યા..!

  11. વેલકમ , હવે આમને આમ બ્લોગ પર સમય ફાળવી શકો એવી અપેક્ષા.

  12. though I don’t believe in GOD, but still believe that one even he/she is a common man or celebrity, must not insult the almighty. Late M.F. Hussein was a great painter , might be a noble man with Indian Heart; but some of his paintings were ridiculous & vulgar. he just tried to insult Indian mythology. we should not forget this.

    Dr. Janantik Shah.
    janantik@rediffmail.com

  13. hirenantani

    જયભાઇ,
    બ્લોગ જગતમાં તમારું ઉમળકાભેર સ્વાગત છે. ઘણા લાંબા સમયની ઇચ્છા પૂર્ણ થઇ.

  14. Jayant Chauhan

    Bahu saras. Aa blog dwara tamara gyan, vicharo ane sarjnatmakata vadhu loko sudhi pohnche evi aasha, abhilasha, mahechchha!
    Thanxxxx!!

  15. જયભાઇ, પુરેપુરુ વાંચ્યા પછી આખી માન્યતાને બદલવાની જરુર લાગે છે. મારા અળવિતરા વિચારોને નવી દિશા આપવી પડે તેનો સમય આવી ગયો લાગે છે. ખુબ સુંદર કાર્ય કર્યું જે બ્લોગ જગતમાં આવ્યા.

  16. you have done very good effort to understand us husain but…

    “When you teach a child that a bird is named ‘bird,’ the child will never see the bird again.”
    ~ Krishnamurti

  17. Brilliant tribute!
    I must say, I enjoyed this post thoroughly.
    Please do put such posts for overseas friends like us.

  18. Good one JV!!! Keep it up!!! :)

  19. KK

    JV, there is another blog in circulation by your name. Is it yours too?

    http://jayvasavada.wordpress.com/

  20. Ravi Mistry

    Sirji….change the name of blog to “universejv.wordpress.com”….:) :) :) ….Superb writing again..aamaara maate ek navi website vadhi gayee surf karva maate…….

  21. JV Good one!! keep it up

  22. કોણે કહ્યું દિલ થી જોવાયેલું સપનું સાચું નથી પડતું! આનંદો, આવકાર. અને બાપુ શું એન્ટ્રી છે! તમે લોકશિક્ષણમાં સફળ થાઓ એવું દિલ થી ઇચ્છીએ.

    • Ravi Vyas

      kwikgunnn murrrugannnn!!

      24 hrs of insanity in explaining frnds and families about my stand for M.F.H. was simplified by 24minutes of reading this articles and still they are all in awe….!

      • Ravi Vyas

        kwikgunnn murrrugannnn!!

        24 hrs of insanity in explaining frnds and families about my stand for M.F.H. was simplified by 24minutes of reading these articles and still they are all in awe….!

      • Ravi Vyas

        well…thanks jaybhai…aa articles ma credibility e mate bandhay 6 lokoni karan k they can go to kolkata and see the pictures themselves, they can read valmiki ramayana and analyse it…they can endure the process of “bhaj govindam moodh-mate (that ultimately at least 1 hater however obsessive s/he may be….s/he should forgive the man in the question after his death and pray god for the betterment of his soul)” but…..aana mate sajjata joie k pote dimag k dil thi PAIDAL hata ane badalva mange 6….ena karta dikkaravu vadhu sahelu 6, ane jagat ma vandho e j 6 k most of badhi vastu/vyakti “path of least resistance” pasand kare 6!

        sarve bhavantu sukhina: ……!

      • આભાર દોસ્ત :)

    • thnxxxxxxxx

  23. Good one Jay saaheb…. Keep posting regularly…

  24. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત,હુસેનને મૂળ સ્વરૂપે ઓળખાવવા બદલ ધન્યવાદ.તળિયા સુધી પહોચે ના તો જય વસાવડા શેના?કાબીલે તારીફ.
    હું અગિયારમાં ધોરણમાં ૧૯૭૨મા હતો ત્યારે બીજા મિત્રો ફિલ્મો જોવા જતા ને હું વડોદરામાં આવેલાં સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્રમાં એમના ટેપ રેકોર્ડર દ્વારા મુકાતા લેક્ચર સાંભળવા જતો.સમય કરતા ખૂબ આગળ ચલાનારોએ સમાજની ગાળો ખાધી છે,અને હસતે મોએ ખાધી છે.હવે પછીના દિવસો ઓશોના છે.
    તટસ્થતાથી લખવું ખૂબ અઘરું છે જે આપ કરી શકો છો.
    ભાઈ હજુ ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવના મંદિરમાં શેની પૂજા કરીએ છીએ.શિવ અને પાર્વતીના જનીન અંગોની પૂજા કરીએ છીએ તેવું ઘણા જાણતા નથી.એક મિત્રને મેં માહિતી આવી આપી તો કહે આવું ભગવાનને ના કહેવાય.ખૂબ હસવું આવેલું.એ માનવા જ તૈયાર નહોતો.
    ફેસબુક ઉપર તો મિત્રો બન્યા છીએ,અહીં પણ.ધન્યવાદ,અભિનંદન.

    • બહુ જ સાચી વાત છે, સાહેબ. હૃદયપૂર્વક આભાર..આપણે પણ વાચવાની મજા પડે છે.

  25. Pingback: તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે ! (via planetjv) « "કુરુક્ષેત્ર&qu

  26. Pingback: તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે ! (via planetjv) « "કુરુક્ષેત્ર&qu

  27. હુસેને દોરેલા હિન્દુ દેવદેવીના નગ્ન અને બીભત્સ ચિત્રો કે જેની સામે કહેવાતા હિન્દુ ઉગ્રવાદીઓએ વિરોધ કર્યો છે તે ચીત્રો બતાવીને તે ચિત્રો વિષે ચર્ચા કરી હોત તો ગેરસમજુતી દૂર કરી શકાત. એક ચિત્ર એવું છે કે એક વાંદરો જે હનુમાન છે અને તેની પૂંછડી ઉપર એક નગ્ન સ્ત્રી સીતા બેઠેલી છે. આ ચિત્ર માં શું કળા છે? શો સંદેશો છે? શું તત્વ જ્ઞાન છે? અને કયું સૌંદર્ય છે? આ વાતનો જવાબ હુસૈન આપી શકેલ નહીં. જો આપ્યો હોત તો સારું થાત. પણ તેના બની બેઠેલા પ્રવક્તાઓ પણ આપી શક્યા ન હતા.
    તર્ક કોને કહેવાય તેની નતો તેના પ્રવક્તાઓને ખબર હતી કે છે કે ન તો રજનીશને.

    • રજનીશ તર્ક અને અતર્ક બંનેના બાદશાહ,બ્રેઈન અને હૃદય બંને ઉપર વિચારવાનું એમનું પ્રભુત્વ અદ્ભુત હતું.હવે રજનીશને તર્કની ખબર નહોતી તેવું કહેવું એમાં કોઈ તર્ક જણાતો નથી.રહી ચિત્રકારીની વાત,એ આપણો વિષય નથી,એને માટે જયભાઈ જણાવશે.

    • ધારો કે એ ચિત્રો ણો કોઈ ખુલાસો કોઈ સર્જક ના કરે એટલે શું વિરોધ કરવાનો પરવાનો મળી જાય છે? લેખ ધ્યાન થી વાંચો. એમાં મોડર્ન અર્તને કેમ માનવી એ દ્રષ્ટિકોણની પ્રાથમિક સમજુતી છે જ. દરેક ચિત્ર સંદેશ અને તાવ્જ્ઞાન માટે જ હોય એવી ગાંધીવાદી માનસિકતા મનમાંથી કાઢી નાખો. આ ભારતની વિચિત્ર નબળાઈ છે. તમે જે ચિત્ર અંગે જાણવા માંગો છો એના વ્યક્તિ અને પરિસ્થિતિ મુજબ અલગ અર્થઘટન નીકળે..એક તો એ કે નગ્ન સ્ત્રી અસહાય છે, અને વાનરવેડા કરનાર પર પરાણે આધારિત છે…બીજું એ કે તોડફોડ કરનારના પૂછડે કોઈ કાળી આસક્તિ વળગેલી હોય છે…ત્રીજું અને રામાયણના સંદર્ભે જોઈએ તો સીતાની પુરુષોના હાથે ‘વલ્નરેબલ’ સ્થિતિ (રામ સાથેના વિવાદમાં રાવણ ઉપાડી આવ્યો-રામ ની મિલકત સમજી કબજો કરવા-એમાં સ્ત્રી નું સ્વતંત્ર અસ્તિત્વ નથી-પતિ ની ઓળખ છે) જોઈને માત્ર સેવાક્કૃત્ય કરવા આવેલા હનુમાન મનોમન ક્રોધિત થયા હોઈ શકે અને એમને એમનો રોષ પુરુષ ને બદલે લંકાદહન કરી સમાજ પર ઉતાર્યો હોઈ શકે..પ્રાચીન પત્રો આમ પણ વિચારે એવા અર્વાચીન અર્થઘટન ને મેજીક રીયાલીઝ્મ કહેવાય છે. જેમ કે હોલીવુડની હમણાં આવેલી ફિલ્મ થોરમાં જુનો પ્રાચીન દંતકથાનો નાયક નવા મનોભાવ સાથે રજુ થયો છે..અને આ તો કલામીમ્ન્સની માત્ર શરૂઆત કરાવી દીધી..હવે ઊંડા ઉતરો જાતે જ.

  28. સાવ પારદર્શક વાતો લખીને આપે શ્રી હુસૈનજીને અંજલિ આપી છે.

    આટલું બધું જાણવાની તક મળી (કે લીધી ) નહોતી. આજે સાચ્ચે જ એક કલાકારને, માંદી માન્યતાઓને, રાષ્ટ્રભક્તિના નામે ચાલી આવેલી વેવલી ધાર્મિકતાને જાણવાની તક મળી.

    ગુ, સમા.માં મારી ઉનાળા અંગેની શીર્ષક પંક્તિ માટે આપનો આભાર માનવા મેં આપનો ઈમેઈલ શોધવા પ્રયત્ન કરેલો ( હું આ નેટની તકનીકી આવડતોથી બહુ દૂર છું ! ) આજે અચાનક અહીં તક મળતાં પંક્તિઓ બદલ આભાર માની લઉં છું.

    આપે નેટાગમન કર્યું તે માટે અત્યંત રાજીપોય વ્યક્ત કરી લઉં છું. એ રીતે હવે નેટજગતને આપની કલમનો પ્રસાદ – ‘પ્રસાદ’નો ગુણ આપની કલમનીય વિશેષતા છે – મળતો થશે.

    ઉપરોક્ત ત્રણેય લેખો માટે આપનો, અને તે બતાવવા માટે ભૂપેન્દ્રસિંહનો ખૂબ આભાર.

  29. જ્ય ભાઈ .. હવે અમારે તમારું લખાણ વારંવાર વાંચવા માટે ફાંફા નહીં મારવા પડે. હમણાની જ વાત છે. એક લેખ માટે છાપાંનો થપ્પો ફરીથી ફેંદવો પડ્યો હતો! :D

  30. Welcome to the blogging world.

  31. last night one of my younger brother in law asked me about M F Hussain. He told me that MF was Badman and Paint the vulgare painting of Hindu Goddess. I explained that MF sir is not a Bad but all the politicians and some unsocial persons misunderstood him.

    I could explained only due to your article. keep writing. Wednesday and Sunday sun doesn’t rise for me without your article.

  32. readsetu

    જયભાઇને સલામ !!

    લતા હિરાણી

  33. vachvama evi tallin thai k 3 var doorbel vagi toye khbar napadi….realy apna ava lekho vanchi ne ritsar nu dhyansth thai javay che great… hetsoff to u

  34. Jay Bhai,

    This is good that you have enterted in blog world. I am eagarly waiting for your columns every sunday and Wednesday. I hope you will continue blogging.

    With best wishes,
    Meghal.

  35. ઓતારીન્ની…!!!
    અધભુત…
    અદ્રિતીય…
    અવિસ્મરણીય…!!!
    ડૂબકી લગાવા જાવ તો પણ આખો દરિયો તરી જાવ…એવી કળા તમારા લખાણ માં છે…!
    GREAT

  36. vishal rathod

    ise kahete hain phata poster nikala hero !!! welcome to the blog !! ab koi to rok lo ;)

  37. Dipak Dholakia

    શ્રી જયભાઈ.
    શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના બ્લૉગ ‘કુરુક્ષેત્ર’ પરથી અહીં પહોંચ્યો.
    શબ્દેશબ્દ વાંચીને એક જ શબ્દ મનમાં આવે છેઃ કૅથાર્સિસ.

  38. નકલમાં અક્કલ નહિ.શ્રી જય વસાવડાનો નકલી બ્લોગ.વિનયભાઈ ક્યા છો તમે?
    http://jayvasavada.wordpress.com/

  39. ahhaaaaaa..samay no pan bhan na rahyu..aa vanchwa ma..lakahn evu saras chey ke jane samadhi thai gai…Guru govind do noh khade kisko lagu pai…bali hari Sir Jaybhai ki jis ne Hussain dio batai…Pranam.

  40. હવે, તમારી સાથે પણ “મુક્કાલાત” કરવી પડશે.

    • હી હી હી ..એમાં ય આપડે પોંચી વળીએ એવા લોંઠકા કહાર, ભેરું..:)

  41. well researched, informative and impressive article.
    કેટલાક વાચકો લેખને નહિ પણ પોતાની માન્યતા વાચતા હોય છે. … લેખક કઈ મુજરાવાળી બાઈ નથી કે ફરમાઈશો મુજબ નાચે. …. કળા કોઈ બટાકુવાડું નથી ઝટ ગળે ઉતરી જાય. એ સમજવા પણ સાધના કરવી પડે.
    very well said.

  42. Kalpesh

    જયભાઈ,

    ભુપેન્દ્ર રાઓલજીના બ્લોગ પરથી અહી આવ્યો.
    હુસેન પર તમે સરસ લેખ અને હકીકતો દર્શાવી.

    થોડા દિવસ પહેલા મેં ભુપેન્દ્ર રાઓલજીના બ્લોગ પર કોમેન્ટ કરી હતી કે આવું કતાર કે અરેબિયામાં કરે તો શું થાય?
    હું એમ જ કહીશ કે હું આર્ટ બાબતે સમાજ ધરાવતો નથી પણ કોઈ એવું કઈ ચિત્ર બનાવે જે લોકોને અને એક કમ્યુનિટીની લાગણી દુભાય (અને એમાં પણ મારા/તમારા જેવા સહિષ્ણુ લોકો હોય) તો શું કરવુ?

    આ ચિત્રને રાજકીય રંગ આપી શકાય અને બે કમ્યુનિટીને લડાવી શકાય.
    હુસેનનાં દેશ છોડી જવા પાછળનાં કારણ કાયદાકીય છે (વીકીપીડીયા)

    એટલે, મારા મત મુજબ ચિત્રકારે મુક્ત મનના હોવા ઉપરાંત જવાબદાર હોવું.
    જો એમ ન હોય તો ફિલ્મ સેન્સર બોર્ડની જરૂર શું કામ? મારા માતા મુજબ સેન્સર બોર્ડનું પણ કઈ કામ નથી.

    એક વાત સાચી: ભારતમાતાને નગ્ન ચિતરવામાં આવે તો હોબાળો થાય અને એના જ લોકોનો પૈસો કેવાતી લોક્શાહીમાં લૂટવામાં આવે તો શાંતિ.

    પ્રજા તરીકે આપણે પછાત છીએ, કલાને અને રાજનીતિ (જો જે ચાલી રહ્યું છે એને રાજનીતિ કહેવાય તો) સમજવામાં.
    તમારો અભિપ્રાય વાંચવો ગમશે.

    છેલ્લે, પ્રજા તરીકે બધા (અને હું પણ) આર્ટ સમજી શકતા નથી એટલે આને મારી ઓછી સમજ પણ કહી શકાય.
    બ્લોગ પર ગુજરાતીમાં કોમેન્ટ લખી શકાય એવી સગવડ કરી શકો?

    • તમે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ ઉપર છે જ, કલ્પેશભાઈ અને ગુજરાતીમાં કોમેન્ટ તો તમે લખી જ છે દોસ્ત.

  43. JV,

    tamara facebook/orkut par na discussion ne hussain-vilay na divase vanchi ne ghanu feel thai gayu.

    emne emni j ada ma avjo kehva na ashay thi doryu chhe :

    http://www.flickr.com/photos/48405355@N02/5822857433/in/photostream

  44. જયભાઈ , ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. બ્લોગની શરુઆત પણ આપના બેસ્ટ લેખોમાંની સરસ શ્રેણીથી ને ખુબ પ્રાસંગિક રીતે કર્યો હોય તેમાટે ખુબ ખુબ અભિનંદન ! આ સાઈબર જગમાં આપની સાથે સંવાદ સાધવાનું એક વધુ નવું પ્લેટફોર્મ મળ્યું તે માટે આનંદ થાય છે ! આપના બ્લોગ લેખન ને સમય નો અભાવ ના નડે ને વાંચકોને અપના આવા અભ્યાસુ લેખો નો લાભ મળતો રહે તેવી સુભેછાસહ !

  45. sujata

    ભલે પધાર્યા …….

  46. SALIL DALAL (Toronto)

    Welcome to the world of Blog, Jay….. and what a start with a hat-trick of articles on M F Hussain!
    The lay out and color scheme used is very attractive.

    Internet and its allied facilities have made the interaction so easy and quick that a writer of your popularity will just love it. As it is you have been so active on almost all the platforms of Internet and this was due and expected long back.

    For me it is the best thing that could have happened. Because this will help me read your views straight here instead of searching for them on your wall of FB.

    Once again CONGRATULATIONS and All the Best, dear.
    Warm wishes as always,
    -Salil

    • ખૂબ ખૂબ આભાર સલિલભાઈ..શેર લોહી ચડ્યું :)

    • godandme

      Rightly said, I have failed in adding Jaybhai to the FB’s friend list due to his long (and everlasting/ever growing) pending queue of friend request. WP is a nice place to get the new articles from him.

  47. જયભાઈ,
    હું સાચું કહું તો જ્યાં સુધી તમારો બ્લોગ નહોતો વાચ્યો ત્યાં સુધી હું પણ “હુસ્સૈન સાહેબ” ને ધિક્કારતો હતો….
    પણ હું તમારો બ્લોગ વાંચતો ગયો અને તેમાં લખેલી માહિતી પર ગૂગલ જેવી વેબ દ્વારા રીસર્ચ કરતો રહ્યો….
    નેટ પર ઉપલબ્ધ હુસ્સૈન સાહેબ ની પેઈન્ટીંગસ જોઈ, જેમાં વિવાદિત પેઇન્ટિંગ પણ જોઈ……
    પછી મનમાં નગ્નતા ની કલ્પના પણ ખુબ કરી અને મન માં દલીલબાજી પણ ખુબ કરી કે જયભાઈ સાચા કે નહિ !!!
    છેવટે વિચાર આવ્યો કે વસ્ત્ર તો માનવસર્જિત છે જયારે શરીર તો માતા સર્જિત છે, માટે શરીર પવિત્ર…
    અને નગ્નતા એટલે શરીર ની પવિત્રતા ને expose કરવી…………..
    thanks to your blog
    હજી પણ હું ધિક્કારું છું, હુસ્સૈન સાહેબ ને નહિ, મારા સંકુચિત માંનસ ને………………

  48. જયભાઈ,
    આપને પહેલી વાર વાંચું છું. ગુજરાત બહાર રહેવાનું આ નુક્સાન હવે આપને બ્લૉગ પર જોવાથી ભરપાઈ થઈ ગયું.
    શ્રી હુસૈનનો વિરોધ કરનારા વેલેન્ટાઇન ડેનો પણ વિરોધ કરે છે. આપની વાત સાચી છે. વિક્ટોરિયન અને અરબ નૈતિકતાનો ભારતીય નૈતિકતા પર આ ભવ્ય વિજય છે. મને એ વાતનું દુઃખ પણ છે અને એનો આનંદ પણ છે. હિન્દુ નૈતિકતા કંઈ સર્વોપરી નહોતી – અને વિક્ટોરિયન કે અરબ નૈતિકતા પણ સર્વોપરી નહોતી.

    છેલ્લા બસો વરસથી મારા-તમારા જેવા હિન્દુ થઈને ઉગ્ર/રૂઢિચુસ્ત હિન્દુવાદનો હિન્દુ માળખામાં વિરોધ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપની આટલી પોસ્ટમાં આપે બહુ સાચી રીતે હિન્દુ ધર્મના આડતિયાઓને ઠમઠોર્યા છે.
    શ્રી હુસૈને – અને એમના જેવા અનેક પ્રતિભાશાળી લોકોએ પોતાના ધર્મમાં આ કરવાની જરૂર છે. ૯૬ વરસમાં એકલદોકલ પ્રસંગથી ઇસ્લામ પર રૂઢિચુસ્તતાની પકડ ઢીલી પડશે તે માનવું તે ભોળપણ છે. તો પછી આવું લોકોને મનાવવું તે વધુ ભોળપણ નથી?

    શ્રી હુસૈનના વિશે મારો અભિપ્રાય કંઈક જુદો છે: http://rachanaa.wordpress.com/2011/06/09/%E0%AA%AE%E0%AA%95%E0%AA%BC%E0%AA%AC%E0%AB%82%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%BC%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%81%E0%AA%B8%E0%AB%88%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B5/

    આમ તો બ્લૉગની કોમેન્ટ પર પોતાના બ્લૉગની લિંક આપવી તે અશિષ્ટતા છે પણ મારી આ અશિષ્ટતા ક્ષમા કરજો – અને મારા અભિપ્રાયની ભિન્નતા પણ!

  49. Siddarth Chauhan

    Nice One.keep it up

  50. Krinal

    If not seen already, I highly recommend this video for every readers. It explains many things. And most importantly, it demonstrates how practical , yet passionate, the painter is/was : http://www.youtube.com/watch?v=ieWEKJrgMH4

  51. Kartik M Mehta

    ભવ્ય શરુઆત , જયભાઇ..

  52. આમ તો કોઈ સીધું કનેક્શન નથી. પણ હુસૈન વાંકદેખા ઓ માંટે આ કલાગુરુ રવિશંકર રાવલ ની આ વેબ સાઈટ : http://ravishankarmraval.org/
    Mythological Paintings section જોશો.

  53. Parth K shah

    me aa trilogy 1st time wanchi ti tyare pn bhu j maja ayi ti ..! aje pn maja ayi .. :)
    actually it helped me to enjoy d gr8 artists’s work ! and also made me realize dat he is a gr8est gr8 human also ! a true Indian , who tried his level best to tak Indian culture on global level :) Long Live MF Husain :)

  54. jv…

    its nice to rerereread ur pen abt M F H Sahaab……….

    see its overwhelming to see some of his g8 work……..ur article is like cherry on cake…..

    though his personality had crossed all lines of prides and prejudices………

    but i wish ke ek baar whe aapka article padte…. yakeenan unhe koi bhi………. koi bhi shikwa ya ranj nahin rahta……….

    u wrote likewise he used to paint…………………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.