RSS

Monthly Archives: જૂન 2011

પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારા પપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી. 😀અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને  એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. 😛 આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું. મારા અત્યારના ઘરના નમ્બર ૦૨૮૨૫-૨૨૩૭૭૬ પર એ બપોરના આરામ સિવાય ઉપલબ્ધ જ હશે. કોઈને એમની સાથે પણ વાત કરવાનું મન થાય તો….આ એટલે લખ્યું છે કે એમને માટે, એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મારા તરફથી એમને જે ભેટ આપી શકાય – એ આપ બધાની દુઆઓ અને શુભેચ્છાઓ છે. એમનાથી અડધી ઉંમરે હું એક શબ્દ પચાવતા શીખ્યો છું. ઇન્શાલ્લાહ ! ઇન્શાલ્લાહ, એમનો છાંયડો મારા તાપને વર્ષો સુધી ટાઢક આપતો રહે….ઇન્શાલ્લાહ, એમને આપ બધા મૌન શુભેચ્છા પણ દિલથી પાઠવો, એનાથી વધુ સરસ રીતે જીવવાનું બળ મળે…અને લાંબુ તંદુરસ્ત સુખી જીવન મળે..આભાર 🙂

મારા પપ્પાનું આખું નામ લલિતચંદ્ર જીવાભાઈ વસાવડા. મારા પપ્પાએ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, રાજકોટ નોકરી કરીને ગોંડલ કૉલેજમાં અધ્યાપક તરીકે નિવૃત્તિ લીધી. મારા પપ્પાને બે બહેનો અને પાંચ ભાઈઓ હતાં એ તમામમાંથી ફક્ત સૌથી નાની વયના પપ્પા આયુષ્યના સાતમા દાયકામાં હયાત છે. મારા પપ્પાની આંખે ચશ્માં છે. માથે થોડી ટાલ છે. હવે દાઢી પણ રાખે છે. …શું આ છે મારા પપ્પા ? પપ્પા એટલે નામ ? પપ્પા એટલે દેખાવ ? પપ્પા એટલે પદ ? પપ્પા એટલે જૉબ ઍન્ડ એવોર્ડસ ? પપ્પા એટલે બાયોડેટા ? હું આ લખું છું ત્યારે પપ્પાએ પાણી ભરીને સિન્કમાંથી વાસણ ગોઠવી લીધાં છે, ને ટીવી પર ગુજરાતી સમાચારને વાર હોઈ એક અખબાર વાંચે છે. આવતીકાલે રસોઈવાળાં બહેન આવવાનાં નથી, એટલે દાળ-શાક પપ્પા વઘારશે. યસ, આ છે મારા પપ્પા ! હમારી સચ્ચી કહાની યહાં સે શુરૂ હોતી હૈ ! કમ ઑન ઈન !

યુ નો વ્હોટ ? એક જમાનામાં પપ્પાનું જૂનાગઢ શહેરમાં નામ હતું. વિદ્યાર્થીઓ એમની પાસે ન ભણતા હોવા છતાં કશુંક જાણવા આવતા. એડવોકેટ નિરૂપમ નાણાવટીથી ડૉક્ટર ઉર્વીશ વસાવડા જેવી ગુજરાતભરમાં જાણીતી પ્રતિભાઓથી લઈને કોઈ ગુમનામ આદમીને પણ અચાનક એમને આદરપૂર્વક પગે લાગતા જોઈને મનેય નવાઈ લાગી છે ! એમણે ક્યારેય, રિપિટ, ક્યારેય આ વાતો ઘરમાં કરી નથી. જાણે એ એમનું યૌવન ઈરેઝરથી છેકી નાખવા માગે છે.

પણ સાઠના દાયકામાં જૂનાગઢમાં એમની ટેલન્ટના ટકોરા ગિરનારની તળેટીના ઘંટારવ કરતાં વધુ વાગતા ! હિન્દી કવિતા માટે એમને જવાહરલાલ નહેરુના હાથે ચન્દ્રક મળેલો, (જે હુ જોઉં એ પહેલાં વેચાઈ ગયો હતો !) મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ગોવિંદ ગઢવી, પ્રફુલ્લ નાણાવટી ઈત્યાદિ નામાંકિત સર્જકોને પતંગિયા બનવા માટેનો કોશેટો આપતી ‘મિલન’ સાહિત્ય સંસ્થા જૂનાગઢમાં ચાલતી. અમૃત ઘાયલ, રૂસ્વા મઝલૂમી અને તખ્તસિંહ પરમાર જેવા દિગ્ગજો એમાં સક્રિય રહેતા. આ ‘મિલન’ના અનસંગ હીરો જેવા પાયાના પથ્થર પપ્પા હતા. એની બેઠકો એમના ઘેર યોજાતી. એ સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂંપેલા રહેતા. એમની પાસે સંસદસભ્યોથી લઈને સામાન્ય ગણાતા લોકો નાટકોની અને ભાષણોની સ્ક્રિપ્ટ લખાવવા આવતા. રતુભાઈ અદાણી અને ચિત્તરંજન રાજા જેવા જૂની પેઢીના ધરખમ આગેવાનોને પપ્પાને મળવા અને અંગત આયોજનોનાં આમંત્રણ પાઠવવા આવતાં મેં નજરે જોયા છે.

મેં એમની જૂની ફાઈલમાં પીળાં, ભુક્કો થઈ જતાં પાનાઓમાં લખાયેલી અને ક્યાંક છપાયેલી વાર્તાઓ જોઈ છે. પણ એમને કશુંય લખતા નથી જોયા. એમને સાંભળવા એ લહાવો ગણાતો, એવું સાંભળ્યું છે. પણ એક-બે વખતનાં મારી સાથેનાં વ્યાખ્યાનો સિવાય એમને સાંભળ્યા નથી.
કેમ ? બસ એમ જ.
મમ્મી કહેતી કે, મારા જન્મ અને એમના જીવનમાં મમ્મીના પ્રવેશ પહેલાં જ મારા દાદીબા બીમાર પડ્યાં. એમને પેરેલિસિસ થયું. બધાં સંતાનો નોકરી-ધંધા માટે બહાર હતાં. પપ્પાએ પાંચ વર્ષ માટે ભેખ લઈ લીધો. સિવિલ સર્વિસમાં સ્યોર ગણાતી કરિયર છોડીને સાહિત્ય અપનાવી લીધું. એમની સેવામાં જ એ (રોટલી સિવાયની !) રસોઈ કરતાં શીખી ગયા, મોટી ઉંમર સુધી અપરિણીત રહ્યા. મમ્મી એમ પણ કહેતી કે આ માતૃસેવા જ એમણે – ફ્રેન્કલી સ્પીકિંગ, મોટે ભાગે સામે ચાલીને નોતરેલી ! – આફતો સામે ઢાલ બનીને એમને બચાવે છે. હમ્મ્મ… પપ્પાની જિંદગીમાં ત્યારે બીજું શું થયેલું ? બસ, એ રહસ્યકથા છે. કારણ કે, એ વખતે તો મમ્મી પણ નહોતી કે જે મને કહી શકે….. અને પપ્પા કશું કહે ? સામે ચાલીને ? માખણબાજી કરો કે મુક્કાલાત… નો વે !

ઈનફેક્ટ, પપ્પા મરોડદાર અક્ષરોએ હું નાનો હતો ત્યારે તાલીમના ભાગરૂપે મને નિબંધ લખી આપતા, વક્તૃત્વની સ્પીચ પણ લખી આપતા…. પણ દરેક બાપ એના દીકરાને પોતાના જેવા બનાવવાની કામના રાખે છે. અને દરેક દીકરાની છાતીમાં એક ધરબાયેલી ક્રાંતિ હોય છે કે હું મારા જેવો બનીશ, બાપ જેવો નહિ ! કોયડો વિચિત્ર છે. હું સાડા ત્રણ દાયકાની જિંદગી લેક્ચરર, પ્રિન્સિપાલ, ફુલટાઈમ રાઈટર એન્ડ પોપ્યુલર પ્રોફેશનલ સ્પીકર બની ગયો ! વાચન અને શબ્દોની સંગત લોહીમાં ભેળવીને ! શું આ એ જ અધૂરી કહાની હતી પપ્પાની…. જે વિધાતાએ મારા પાત્રમાં આગળ વધારી ? જવાબ સહેલો નથી. સીધો નથી. સ્પષ્ટ નથી. કારણ કે, સમજણા થયા પછીની મારી પહેલી જીદ એ હતી કે પપ્પાની લખવા-બોલવામાં બિલકુલ મદદ ન લેવી ! અરે, ગુજરાતી ભાષા અંગે પણ પુસ્તક કે અન્ય કોઈ મિત્રને પૂછવું. આમ પણ, મારા સબ્જેક્ટ્સ જુદા. ઈન્ટરેસ્ટસ જુદા. એમને સાયન્સ, કે ફિલ્મ્સ કે સ્પોર્ટસમાં રસ પડે નહિ (હા, મને રસ પડે એટલે બચપણમાં કંપની ભરપૂર આપે !) મારા એ મનગમતા વિષયો ! સામાન્ય સંજોગોમાં હોય છે એવા ‘સલાહશોખીન’ પિતાની ભૂમિકા તો એમણે સામે ચાલીને સલાહ માગો તોય ભજવી નથી ! (લકી મી!) માટે બીજા ઘણા યંગથિંગ્સને જે પપ્પા નામનું પ્રાણી સ્પીડબ્રેકર બનીને પજવ્યા કરે એ કદી બન્યું નથી ! મને અંગત રીતે ઓળખનારા જાણે છે કે મારું વ્યક્તિત્વ, મિજાજ અને ગમા-અણગમાનું ઘડતર મારી મમ્મી મુજબ થયું છે. મારા સિદ્ધાંતો, નીતિમત્તા, સારા-ખરાબનો નીરક્ષીરવિવેક, સચ્ચાઈ, ક્રોધ, જરા કડવી લાગે તેવી સ્પષ્ટ જબાન, બળવાખોરી… કમ્પ્લિટ વેલ્યુ સિસ્ટમ મમ્મીને આભારી છે. રિમેમ્બર, વાત માતાના પ્રેમની નથી. સિલેકશન ઑફ પેરેન્ટિંગ રોલ મોડલની છે.
તો પછી પપ્પાનું પ્રદાન ?

પહેલું તો તમે જેના થકી આ વાંચો છો તે. ભાષા, સાહિત્ય, કળા અને અભિવ્યક્તિ. પપ્પાની એ સમયે જે સૂઝસમજ હતી ત્યારે ઈન્ટરનેટ કે ડીવીડી તો શું, ટીવીનો પણ અણસાર નહોતો. એકમાત્ર સંતાન તરીકે મને ઘેર ભણાવવાનો નિર્ણય લેવાયો. શિસ્તાગ્રહી શિક્ષકની મુખ્ય ભૂમિકા મમ્મીની, પણ એ માટેની દષ્ટિ અને માહોલ પપ્પાનાં, બેહદ તંગ આર્થિક સ્થિતિમાં ઘરને જ લાયબ્રેરી બનાવવાનું સપનું એમણે સાકાર કર્યું. કોઈ જ વ્યસન નહિ. મને યાદ નથી એમણે પોતાના માટે શર્ટ તો ઠીક, ચંપલ પણ જાતે ખરીદ્યાં હોય ! પણ હું નાનો હતો ત્યારે રોજનું એક પુસ્તક બહારથી અચૂક લેતા આવે ! ઘેર આવે એટલે થેલી ફંફોસવાની, અને ચોકલેટની ટેવ તો કોલેજિયન બન્યા પછી પડી ! પપ્પાની પસંદગીથી બાળસાહિત્યની એક સનાતન સૃષ્ટિને સજીવન થતી જોઈ. એમણે રમણલાલ સોનીથી હરીશ નાયક જેવા લેખકો, બુલબુલની સફારી સુધીનાં મેગેઝિન્સ, અમર ચિત્રકથાથી ઈન્દ્રજાલ કોમિક્સ સુધીની ચિત્રવાર્તાઓ…. તમામનો પરિચય કરાવ્યો. મને ગમતાં પુસ્તક, મેગેઝિન, કેસેટ માટે ટાઈટ બજેટ છતાં નો લિમિટ ! તમામ પ્રકારનાં પુસ્તકો-સામાયિકો વસાવવાનાં…. ફાઈલ કરી વ્યવસ્થિત ગોઠવવાનાં ! (આજે એમની આ ક્ષમતા સાવ ક્ષીણ છે, અને વસ્તુઓ ઠેકાણાસર ન ગોઠવવા માટે મારે એમના પર વારંવાર તાડૂકવું પડે છે !) રોજ રાત્રે સૂતાં પહેલાં મમ્મી-પપ્પા વારાફરતી વાર્તા કહે. પપ્પા રેલવે સ્ટેશને દૂધની ચમચી લઈ, ટ્રેન બતાવીને મને પિવડાવે ! રમકડાની ટ્રેનનું બોક્સ ખરીદીને પકડાવી દેવું, અને રોજ સાચુકલી ટ્રેનના દર્શનાર્થે દીકરાને તેડીને જેવું, એ વચ્ચે બંને પ્રકારની ટ્રેનોમાં હોય એવો અને એવડો મોટો ફરક હોય છે ! કશીક સરસ ફિલ્મ હોય તો (પોતાને જરાય શોખ ન હોવા છતાં) થોડા મોટા થયા પછી ગોંડલથી રાજકોટ લઈ જાય. મારા બચપણના ફ્રેન્ડસ જ બે : મમ્મી અને પપ્પા.

સુપરમેન કે ટારઝન, વોલ્ટ ડિઝની કે જૂલે વર્નનો પ્રથમ પરિચય એમને આભારી. એમને બદલાતી ટેકનોલોજી અને સાયકોલોજી બહુ સમજાઈ નહિ. પણ એ તો જૂની પેઢીના નવ્વાણું ટકા લોકોને નથી સમજાતી. પણ એના પરિણામે એ લોકો નવીન પરિવર્તનના, સંતાનોના સ્વાતંત્ર્યના વિરોધી બની જાય છે. પોતે પાછળ પડી ગયા, એટલે બીજા આગળ નીકળવા જ ન જોઈએ એવી વિકૃતિથી વાંકદેખા અને પ્રતિબંધશૂરા બની જાય છે. પપ્પાએ એટલી મોકળાશ આપી કે ક્યારેક તો જેન્યુઈનલી એવું ફીલ થાય કે આના કરતાં થોડાક કડક, થોડાક વ્યવહારુ, થોડાક ‘તૈયાર’ હોત તો વધુ ગમત ! આપણને પણ આ ‘જીવનજરૂરી’ કૌશલ્યો ઘેરબેઠાં (અને ખૂબ વહેલાં) શીખવા મળત ! પપ્પાને સાઈકલ પણ આવડે નહિ ! (થોડા ધૂંધવાટ અને થોડી મસ્તીમાં હું કાયમ ફરિયાદ કરું – તમારે લીધે મને ઝટ કોઈ વાહન ચલાવતાં આવડ્યું નહિ ! દીકરો પહેલું વાહન તો બાપ પાસેથી શીખેને !) ગણતરી અને હિસાબમાં પહેલેથી બેધ્યાન લાગે એટલે કાચા ! (થેન્ક ગોડ ! નાક ઉપરાંત આ વારસોય મને મળ્યો, હું બહુ ‘પ્રેક્ટિકલ’ કહેવાય એવો ‘વેપારી ગણતરીબાજ’ ન થયો !) એમના વિદ્યાર્થીઓ આજેય યાદ કરે એવા ભણાવવામાં ઉત્તમ, રસાળ અને અભ્યાસપૂર્ણ વક્તા (અલાયદા વિષયમાં પણ આ પરંપરા પેઢી દર પેઢી સચવાઈ છે !) દિલીપકુમાર (અને પછી મારે લીધે અમિતાભ) એમના પ્રિય અભિનેતા. તલત મહેમૂદ પ્રિય ગાયક. ગઝલો અને વિવેચનના શોખીન. પણ મારા માતા-પિતાએ મને એવો અનકન્ડિશનલ લવ આપ્યો છે કે આટલાં વર્ષોમાં કદી પોતાની પસંદગી અંગે હરફ નહિ ઉચ્ચારવાનો ! એને બસ, ઓગાળી દેવાની !

પપ્પાએ ક્યારેય, કદી પણ મારા પર ‘પોપ’ગીરી કરી નથી. હાથ ઉપાડવાની વાત તો દૂર, કદી ઊંચે સાદે બોલ્યા પણ નથી ! પપ્પા પર સતત મેં જ હુકમો ચલાવ્યા છે, અને એમણે એ પડ્યો બોલ ઝીલ્યો છે ! એમનું કાર્ય હું જે કંઈ કરું એમાં ‘સપોર્ટ સિસ્ટમ’ બની રહેવાનું. એમની પાસેથી સ્ત્રીસ્વાતંત્ર્યની ફેન્સી ચળવળોમાં પણ નથી, એવું નારીસન્માન હું શીખ્યો. વર્ષો સુધી એ દશ્યો જોયાં છે કે મમ્મી રોટલી વણે ત્યારે પપ્પા કૂકર મૂકતા હોય. મમ્મી-પપ્પા સાથે મળીને વાસણ માંજતાં હોય કે સફાઈ કરતાં હોય, નાના બાળકને પણ માનાર્થે બોલાવવાનાં. (આજેય અમારી શેરીનાં બાળકો એમની પાસે ‘લાગો’ ઉઘરાવે એમ ફ્રૂટ માંગવા લાડ કરતાં આવે !)

આજની તારીખે પણ એમનો વાચનશોખ બરકરાર છે, અને અખબારી સમાચારોથી લઈને વિશ્વસાહિત્ય સુધીનાં (પુસ્તકો માગીને નહિ, લાયબ્રેરીમાંથી કે ખરીદીને જ લેવાં એ આદત સાથે) એમણે રોપેલાં મૂળિયાં મને કામ લાગ્યાં છે. ‘ઝગમગ’થી લઈને ‘ઝેન’ ફિલસૂફી સુધીની દુનિયામાં હું બહુ વહેલો પ્રવેશીને નાની ઉંમરે આગળ નીકળી ગયો, એ ‘લીવરેજ’ પ્લસ ‘માઈલેજ’ના સાયલન્ટ આર્કિટેક્ટ એ ! એમાં પણ કોઈ જ કર્તવ્યભાવના નહિ. ‘હું’ને એમણે કદાચ 1973ની દશેરાની રાત્રે જ મારામાં ઓગાળી દીધો હતો. એમના ઈન્ટરસ્ટેશિયલ લંગ ડિસીઝની સારવાર કરતા તબીબ મિત્ર ડૉ. પાર્થિવ મહેતા ઓફિશિયલી કહે છે : એમનો શ્વાસ યોગીનો શ્વાસ છે ! અલબત્ત, ચૈતન્યમાં આસ્થાવાન પપ્પા ક્યારેય ધાર્મિકતામાં ડૂબ્યા નહિ. એટલે જ ધર્મ પ્રત્યે ઝનૂનને બદલે કૂતુહલથી નિહાળવાના સંસ્કારમાં હું રંગાયો. પ્રાણાયામ કે પૂજાપાઠ એ કશું કરે નહિ. યજ્ઞોપવીત ન પોતે લીધી, ન મેં. પણ શિવમંદિરે જવું એમને ગમે. સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારોમાં શક્રાદય સ્તુતિ કરે. ઉર્દૂ રૂબાઈઓ અને જિબ્રાનની અંગ્રેજી ફિલસૂફી પણ એટલા જ રસથી કંઠસ્થ. એમની ઉંમરના ઘણા લોકો માત્ર એમના રમૂજી/સત્યઘટનાત્મક એનેક્ડૉટ્સ સાંભળવા એમને બોલાવે. હિંમતભાઈ વૈદ, ડૉ. માત્રાવડિયા જેવી પ્રસંગોપાત્ત સોબત ખરી. પણ બેઝિકલી, પપ્પાને કોઈ જ દોસ્ત નહિ. ઔપચારિક વાતો સાવ ઓછી કરે. મારા મિત્રોની સાથે વાતો કરે, પણ હળવી રમૂજની. વ્યવહારકુશળતામાં તદ્દન નરસિંહ મહેતા. ભાઈબંધો છે નહિ. હા, કૌટુંબિક ભાણેજ-ભત્રીજા-ભત્રીજીના પરિવાર સાથે આત્મીયતા ગાઢ. પણ કદી કોઈના ઘેર જવાનું નહિ. મમ્મી ગયા પછી પપ્પા સાવ એકલા. મારા દોસ્તોમાં મારી ગેરહાજરીમાં ચેતન જેઠવા, શૈલેશ સગપરિયા, ઈલિયાસ શેખ, હિતેશ સરૈયા, મનીષ બૂચ, દીપ વગેરે સાથે નિરાંતે બેસે. બાકી મારા બધા ફ્રેન્ડસ ‘માસા’ને લાગણીથી બોલાવે. કોઈ અંકલ/કાકા ન કહે. કારણ કે, મૂળ તો બધા ‘માસી’ (મમ્મી)ના લાડકા ! હા, પપ્પાની સૌથી વધુ નજીક (ઈનફેક્ટ, મારાથી પણ વધુ નજીક !) હોય તો મારા – પ્રદીપમામા. સાળા-બનેવી વચ્ચે વાત ઓછી થાય પણ મૌન સંવાદ સતત વહેતા ઝરણા પર ઝૂકેલી ડાળીની માફક થતો રહે.

ઉંમરના એક વળાંક પછી દરેક બાપ-દીકરા વચ્ચેનો સંબંધ ‘લવ-હેટ’નો થઈ જતો હોય છે. પિતાનો ઝુકાવ ‘લવ’ તરફ, પુત્રનો ‘હેટ’ તરફ. મારા અત્યંત અંગત સ્વજનો અને અમે બંને બાપ-દીકરો જાણીએ છીએ કે ‘શક્તિ’ના દિલીપ-અમિતાભ કરતાં એકદમ ‘રિવર્સ’ એવા અમારા બંને વચ્ચેના કાયમી કોન્ફિલક્ટ પોઈન્ટસ કયા છે, શા માટે છે. આ બાબતમાં વી એગ્રી ટુ ડિસએગ્રી ફોરએવર. પરેશ રાવલની ‘મેરે બાપ પહેલે આપ’ની માફક જ હું રોજ જોરશોરથી પપ્પા પર ખીજાતો હોઉં છું. કોઈ ફાયદા-કારણ વિના માત્ર મને રાજી રાખવા જુઠ્ઠું બોલવાની એમની આદત પર મને ચીડ ચડે છે. (છેલ્લા થોડા સમયથી એમાં આંતરખોજ થતા મારો અભિગમ બદલાયો છે, હવે હું એમને રાજી રાખું છું. ટપાટપી કરતો નથી, ને સતત એમની ભૂલો પર ચોંટી રહેવાની ભૂલ કરતો નથી.) પપ્પાને ખૂબ ભાવતા ગળપણ જેવા ગળચટ્ટા (વાંચો, ઢીલા-પોચા) અભિગમથી હું અકળાઉં છું. બાકી, ત્રણ દાયકાની નોકરી પછી નિવૃત્ત થયેલો માણસ 10 વર્ષે સરકાર પેન્શન મંજૂર કરે, એની રાહમાં ચુપચાપ બેસે ? (આ અલગ કથા છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકાર સામે લાંબી કાનૂની લડત પછી ગયા વર્ષે કેસ જીત્યા અને એમને પેન્શન મળ્યું. જે મને આપી દીધું, નવા મકાન માટે.) પણ એ તો અપરિણિત દીકરા અંગેના એકમાત્ર અરમાન અંગે પણ ચિંતાતુર છતાં ચૂપ છે. ખામોશી એ પપ્પાની પ્રકૃતિ છે, પોતાની પ્રેમકહાની વિશે, આવડત વિશે, ભૂલો વિશે…. એ ખામોશ રહે છે. બીમાર પડે, પીડા થાય તો પણ ખામોશ જ રહે છે ! ખુદની વેદના અંગે ખામોશ પપ્પા મને ઉધરસનું ઠસકું આવે તો પણ વ્યાકૂળ થઈ જાય છે. ફોન પર મારું કોઈ મનોમંથન સાંભળીને એમની તબિયત ખરાબ થઈ જાય છે ! એમનો નિર્લેપ સાક્ષીભાવ માત્ર મારી સાથે જ જોડાયેલા જીવનતંતુથી ખળભળે છે !

વેલ, ધેટ્સ વ્હાય આઈ લવ હિમ. પપ્પા એટલે મારા મોબાઈલમાં ‘હોમ કૉલિંગ’ ઝબકે ત્યારે સંભળાતો અવાજ. પપ્પા એટલે મધરાતના ત્રણ વાગ્યે જાગીને મારી રાહ જોતી બે કરચલિયાળાં પોપચાંવાળી ઊંડી ઊતરેલી આંખો. પપ્પા એટલે મારી સફળતાનો મૌન ઉમળકો. પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-“

 
87 ટિપ્પણીઓ

Posted by on જૂન 28, 2011 in personal

 

થાય સરખામણી તો ઉતરતા છીએ…


૨૦૦૪માં હું પહેલી વાર અમેરિકા ગયેલો. સહજપણે ત્યાની સ્વચ્છતા અને જાહેર શિસ્ત જોઈને પ્રભાવિત થઇ જવાય. અહોભાવથી જોડેના મિત્રો સાથે એની વાત પણ ચાલે. જોડેના મિત્રોમાંથી એક પત્રકારમિત્રની જ્યાંત્યા કચરો ફેંકવાની આદત વારંવારની ટકોર છતાં છૂટતી નહોતી. સાનફ્રાન્સિસ્કો શહેરમાં અમે ચાલતા હતા, ત્યાં અચાનક જ તેઓ રાજીના રેડ થઇને રીતસર જમીનથી બે ફિટ અધ્ધર ઉછળ્યા. દોડીને થોડે દુર પડેલું એક સિગારેટનું ઠૂંઠું ફૂટપાથ પરથી ઉપાડ્યું. વિજેતા સેનાપતિની અદામાં આંખોમાં ચમક સાથે એમણે એ બતાવ્યું : ‘જોયું?’ એવું બોલવાની સાથે કૌંસમાં ના બોલાયેલું વાક્ય હતું ‘અહીં પણ કચરો ફેંકાય છે’ એમને સતત ટકોર કરતા અન્ય પત્રકારમિત્રનો એમની આ વાયડાઈ જોઈને મિજાજ ગયો. એમનાથી બોલાઈ ગયું:  ‘અહીં ફૂટપાથ પર આવું એકાદ ઠૂંઠું જોવા મળે છે, આપણે ત્યાં તો આવા કચરાઓના ઢગલા વચ્ચે માંડ ફૂટપાથ જોવા મળે છે! કંઈ માપમાં ભાન પડે છે કે બસ અમથી હોશિયારી જ મારવી છે?’

દિલ્હીમાં બાબા રામદેવના ભ્રષ્ટાચારવિરોધી ઉપવાસ આંદોલનમાં રામલીલા મેદાન પર પોલીસ ત્રાટકી, એ ઘટના અંગે મારા સહિત ઘણા બધાએ પોતપોતાનો અવાજ ઉઠાવ્યો હતો. વાત એમાં બાબા રામદેવના બચાવની નહોતી, પણ સરકારે નાગરિકો પર કરેલા દમન અને ખાસ તો એની પાછળની વૃત્તિની હતી.ભીતિ એમાં ડોશીના મરવા કરતા જમ ઘર ભાળી જવાની હતી, અને લોકપાલ બિલના મામલે કાંચિડાની જેમ રંગ બદલતી સરકારે અચાનક રાજાપાઠમાં દમદાટી મારવાની ચાલુ કરી છે, એ જોતા એ ભય સાચો જ ઠર્યો છે. ભારતનો સામાન્ય માણસ પ્રકૃતિએ ડરપોક છે, અને સંગઠ્ઠિત તો છે જ નહિ. માટે ગલીમાં પોતાનો હપ્તો ઉઘરાવતા પહેલા ધોલધપાટ કરીને કોઈ દાદાલોગ જેમ પોતાની જોહુકમી સાબિત કરે છે એવું સરકારે મધરાતે કર્યું હતું.. અલબત્ત, આ પોતાની ભ્રષ્ટ નીતિરીતિ અને કબાટમાં છુપાયેલા હાડપિંજરો છુપાવવા જ કર્યું છે-કારણ કે (ફક્ત નિવેદનો પુરતી જ ) ઉચ્ચ સેક્યુલર આદર્શોને વરેલી આ સરકાર આર્ટ ગેલેરી પર હિંસક હુમલો કરતા તોફાની ટોળાં પર આજ રીતે પોલીસ છૂટી મૂકી શકતી હોત, તો મકબૂલ ફિદા હુસેન જેવા ચિત્રકારને ભારતની બહાર જવું ના પડ્યું હોત.

પણ વિચિત્ર વાત તો એ છે કે કેટલાક ચતુરસુજાણો સામાન્ય માણસની સાચી વેદનાની તરફેણમાં ના ઉભા રહેવું પડે એ માટે અસામાન્ય નુસખાઓ શોધતા રહે છે. એમની ઉસ્તાદીથી દોરવાઈ જતા કેટલાક ભોળુડાં બાલુડાં ઉત્સાહી બનીને બીજા બધા  હિંચકા ખાય છે ત્યારે આપણે કેવા સંતુલિત છીએ, એવો મૃગજળીયો સંતોષ મેળવવાનું આત્મકલ્યાણ સાધે છે.આ એક પ્રવૃત્તિ ફેસબુક પર શરુ થઇ છે. રામલીલા મેદાનની ઘટના બની ત્યારે સહજપણે પહેલો પ્રતિભાવ કડક શબ્દોમાં આ સિતમગર સરકારને વખોડવાનો આવવો જોઈએ- અને આવ્યો પણ ખરો.

પણ દેખાવ પૂરતું સરકારશ્રીને હળવું ‘હત્તા’ કરી બીજા કેટલાક મિત્રો કોઈ દેખીતા કે છુપા કારણ વિના અહીં પણ ગુજરાતને વચ્ચે લઇ આવ્યા. નિરમાની રેલી વખતે પોલીસે કરેલી કાર્યવાહીના ફોટા મુક્યા. જાણે રોજ આવા કોઈ ફોટોની રાહ જોતા હોય, એમ વળી કોઈ બીજી જગ્યા એ ગુજરાતમાં પોલીસે કરેલા લાઠીચાર્જના ફોટા મુક્યા. બાબુભાઈ મિસ્ત્રીની ટ્રિક ફોટોગ્રાફીના જમાનામાં કોમ્પ્યુટર નહોતું, એટલે ઘટોત્કચ બનેલા અભિનેતાને કર્ણ કરતા વિરાટ બતાવવો હોય, ત્યારે એકનો ક્લોઝ અપમાં સીન લેવાય, બીજાનો લોંગ શોટમાં સીન લેવાય અને પછી બંને દ્રશ્યો જોડી દો, એટલે એક મહાકાય લાગે, ને બીજું મગતરું. આવી યુક્તિથી કેન્દ્ર સરકારનો કાન પકડવાને બદલે ગાંધીજીથી લઇ ગુજરાત સુધીની વાતોને જ ક્લોઝ અપમાં મુકવાની ટ્રિકબાજી ચાલે છે. જેમાં સિફતપૂર્વક કેટલાક મહત્વના મુદ્દા ગુપચાવી દેવાય છે- એવું મારી અલ્પમતિ મુજબ મને લાગે છે. તમને શું લાગે છે, એ નક્કી કરતા પહેલા ઝડપભેર આ મુદ્દાઓ પર નજર નાખવા વિનંતી.

* ભારત સવા અબજની વસ્તીવાળો દેશ છે. એમાં પોલીસ લાઠીચાર્જ કંઈ નવી નવાઈની ઘટના નથી. આખા ભારતના પોલીસ સ્ટેશનોની બીટ્સ લો તો આવી રોજની સેંકડો ઘટનાઓ મળે. ગાંધીજી તો એમ જ માનતા કે સ્વતંત્ર ભારત પાસે લશ્કર હોવું જ ના જોઈએ. એવી અદામાં રામલીલા મેદાનમાં થયેલા દમનનો વિરોધ કરનાર કૈં એવા ગાંધીવાદી નથી કે પોલીસની કોઈ પણ કડક કાર્યવાહીનો વિરોધ કરે. ટોળાં ભેગા થાય, તોફાને ચડે કે જાહેર શાંતિ / શિસ્ત જોખમાય ત્યારે ટીઅરગેસ શું , ગોળીબાર પણ કરવો પડે. લો ને, ગુજરાતની જ એક વધુ ઘટના યાદ અપાવું. પોલીસે હમણાં રાજકોટમાં બે જૂથો (દલિતો-મુસ્લીમો) વચ્ચેની અશાંતિ અને અથડામણ ટાળવા સખ્તાઈપુર્વકના પગલા લેવા પડ્યા હતા. સવાલ દિલ્હીમાં બનેલી અજુગતી ઘટના પાછળની ખોરી દાનત અને કાળા કરતૂતોનો છે. જેની ચર્ચા સિફતપૂર્વક ટાળી દેવાય છે.

*મોટા ભાગે લોક આંદોલન કે રેલી વ્યક્તિગત હેતુ / હિત માટે હોય છે-વધુ લોકોનું વ્યક્તિગત હિત જોડાયું હોય પણ હોય તો અંતે કોઈ માંગણીનો સ્વીકાર જેણે લીધે જે-તે વ્યક્તિ કે જૂથને ધાર્યું પરિણામ મળે. નિરમાવાળી રેલી અંતે ખેડૂતોને તેમની જમીનનો ખૂંચવી લેવાયેલો હક અપાવવાની હતી. જયારે રામલીલા મેદાનના ઉપવાસનું સ્વરૂપ જુદું હતું. એમાં બાબા રામદેવ કે એના જોડીદારોનો બહુ બહુ તો પ્રસિદ્ધિ સિવાય વ્યક્તિગત સ્વાર્થ નહોતો. (રાજકારણમાં ઝમ્પ્લાવવા અંગે હોય, તો એ ભારતના કોઈ પણ નાગરિકનો બંધારણીય હક છે-કંઈ ત્રાસવાદી પ્રવૃત્તિ નથી) પણ કોઈકને વિચિત્ર કે હાસ્યસ્પદ લાગે તો ય એમની માંગણીઓ સમગ્ર ભારતની સવા અબજની (ને આવતી કાલની પંણ) પ્રજાના હિતમાં સરકારી નીતિઓમાં આમૂલ પરિવર્તનની હતી. જેના માટે તો મારા તમારા ખર્ચે સંસદ ચાલે છે. પણ નીતિનિર્ધારણના બહાને ત્યાં ગેરરીતિ વધુ થાય છે. માટે આ ઘટના સાથે સ્થાનિક સ્તરે કાયદો-વ્યવસ્થા જાળવવા થતી પોલીસ કાર્યવાહીઓને  (બદ)ઈરાદાપૂર્વક સરખાવ્યા કરવી એ ગલીમાં રમાતા ક્રિકેટના રબ્બર બોલને સોકર વર્લ્ડ કપના  ફૂટબોલ સાથે સરખાવવા જેવી અસંગત છે. ‘છે તો બંને બોલ જ ને’ – એવું કહીને છટકી જનારા બંને પાછળની રમત અને આકાર-પ્રકારના તફાવત અંગે ફોડ પડતા જ નથી.

* સદગત સ્વામી નિગમાનંદ ગંગાપ્રદૂષણ મામલે શહીદ થઇ ગયા. કોઈ એની ચર્ચા ચાલતી હોય ત્યાં અચાનક વાતને આડે પાટે ચડાવવા પોતાની ઉભરાતી-ગંધાતી ગટરની તસ્વીર મુકે, તો બંને જળપ્રદૂષણ હોવા છતાં, મુદ્દાના સ્કેલ અને સાઈઝમાં દેખીતો તફાવત ખરો કે નહિ? ગટરપ્રદૂષણ પણ સુધરાઈ માટે અગત્યનો જ મુદ્દો છે. પણ ગંગાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરનો (સમસ્યાનો વ્યાપ જોતા ખરેખર તો આંતરરાષ્ટ્રીય સ્તરનો! ) મુદ્દો છે. દેશી ભાષામાં કહીએ તો જયારે કોઈ પરણતુ હોય ત્યારે આવડતા હોય તો પણ મરશિયા ગાઈએ તો ફજેતો થાય. નવદંપતીના લગ્ન થતા હોય ત્યારે એમની જાનમાં આવેલા કોઈના લફરાની વાત કાઢવામાં અવિવેક તો છે જ, પણ પ્રસ્તુતિ ય નથી. બધા જ આમંત્રિતો સમાન એવી ચળવળ ત્યાં ના ચાલે-જેનું નામ કંકોત્રીમાં છપાયું હોય-એના જ ગીતો ગાવાના રહે. કોર્ટમાં જે તારીખે જેનું હિઅરીંગ હોય, એની સુનાવણી થાય. પોતે મોડા પડે, અને ટ્રેન ઉપડી જાય ત્યારે આખા ભારતમાં કેટલી ટ્રેનો મોડી પડી છે, એનો ડેટાબેઝ નકામો છે- એનાથી ઉપડેલી ટ્રેનની પરિસ્થિતિમાં ફરક પડતો નથી. શુક્રવારે જે ફિલ્મ રીલીઝ થાય એના પોસ્ટર હોય. ત્યાં જઈને કુંદનલાલ સાઈગલની ફિલ્મનું પોસ્ટર થીએટર ચલાવતા હોવા છતાં કેમ ના લગાવ્યું ? એવા સવાલો પૂછનારની માનસિક સ્વસ્થતા અંગે શંકા થાય.

*એ જ રીતે, વાત કેન્દ્ર સરકારના કરોડો-અબજોના કૌભાંડો અને આ લખાય છે ત્યાં સુધી એ છાવરવા માટેના મીંઢ મૌનની થતી હોય-ત્યાં પોલીસે ગુજરાતમાં કેવા અત્યાચાર કર્યા છે, એની કાઢવાથી ગુજરાતદ્વેષ સિવાય બીજું કશું સિદ્ધ થતું નથી. ગુજરાતમાં થયેલી ઘટનાઓ પાછળ આંદોલનકારીઓના હેતુનો ફરક હોય છે- સાથે એ મોટા ભાગે દિવસે બનતી ઘટના છે. રામલીલા મેદાનમાં જે થયું, એ મધરાતે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. પોલીસ સલામતીની દુહાઈ આપે ત્યારે જે શહેરમાં સાંજે સાત વાગ્યા પછી સ્થાનિક સ્ત્રી રોડ પર સલામત નથી- એમાં ઉપવાસ ઉતરેલી કોઈ બહારગામની ગૃહિણીને મધરાતે ત્રણ વાગે સડક પર તગેડી મુકવાની વાત કોઈ પણ જાગૃત નાગરિકને ગળે ના ઉતરે. બાબા રામદેવને તો મંત્રણા માટે બોલાવીને કે બીજે દિવસે સવારે પણ પકડી શકાયા હોત. સુતેલા લોકો ત્યાં કંઈ ભેદી સશસ્ત્ર હિંસાની તૈયારી કરી રહ્યા નહોતા. (એવું કરનારા નક્સલવાદીઓ કે કાશ્મીરી ત્રાસવાદીઓ સામે તો કેન્દ્ર સરકાર પંપાળીને કામ કરે છે!) યોગના નામે ત્યાં ઉપવાસ થવાના હતા એ કારણ હોય, તો પહેલા દિવસે સવારે જ છાવણી ઉપડાવી લેવાની હોય. રાતના ઓપરેશન કરવાનો હેતુ મીડિયામાં ઓછી પ્રસિદ્ધિ અને બીજા દિવસની રજા હોઈ કાનૂની દાવપેંચથી મુક્તિનો હતો- ગાફેલ પ્રજા પર તૂટી પડવાનો હતો એ સ્વયમ્સ્પષ્ટ  છે. બાબા રામદેવની નાટકબાજી છોડો, ત્યાં શાંતિથી ભેગા થયેલા હજારો  થયેલા લોકો પોતાની જમીન માટે નહિ, સમગ્ર દેશના ‘ઝમીર’ માટે ઉપવાસ પર ઉતર્યા હતા. આ તફાવત પાયાનો છે.

*  મારીમચડીને ગુજરાતની ડોળીયાથી ગાંધીનગર નીકળેલી રેલી અને પ્રાપ્ત જાણકારી મુજબ (છેક અંતિમ તબક્કામાં, આખરી દિવસે ) ત્યાં મોકલાયેલી પોલીસ ફોર્સ અને રામલીલા મેદાન ખાતે થયેલી પોલીસ દમનમાં ઘણા સુક્ષ્મ્ ભેદો છે. પોતાના જ પક્ષના હોવા છતાં, મહુવાના ધારાસભ્ય કનુભાઈ કળસરિયાનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય આજે ય ગુજરાતમાં અકબંધ છે. એમને ગુજરાતની બહાર તડીપાર કરી દેવાયા નથી. એમને ખુલ્લેઆમ પોલીસપગલાની દિગ્વિજય સિંહની અદામાં સરકાર વતી કોઈ જાહેર ધમકીઓ આપતું નથી. એ રેલી નીકળી ત્યારે મામલો ઓલરેડી સબજ્યુડીસ જ હતો. રેલી પછી મુખ્યમંત્રી સાથે નિષ્ફળ મંત્રણાઓ થઇ હતી – જ્યારે દિલ્હીની ઘટના અંગે વડાપ્રધાન દુર બેઠા ખેદ જ જતાવે છે, મળતા નથી. કિસાનોના – આદિવાસીઓના રાહબર રાહુલ ગાંધી (જેમને આખી દુનિયામાં ઇસ્લામિક ત્રાસવાદ બીજા નંબરનો , ને હિંદુ ત્રાસવાદ પહેલા નંબરનો ખતરો લાગે છે-એવી શાણી સલાહ એ ખાનગીમાં અમેરિકન રાજદ્વારીને આપે છે! અલબત્ત , અમેરિકાને એ ગળે નહિ ઉતરી હોય એટલે ડ્રોન હુમલા હજુ પાકિસ્તાનમાં જ થાય છે- ગાંધીનગર કે બનારસ કે અયોધ્યામાં નહિ!) તો આજ ની તારીખે હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. વિકીલીકસના જુલીયનભાઈ કહે છે કે આખી દુનિયામાં કાળા નાણા અને સ્વીસ બેંક અંગે એમણે જાહેર કરેલા ઘટસ્ફોટમાં (એ અંગે યોગ્ય પગલા લેવા અંગે) ભારતનો પ્રતિભાવ સૌથી ખરાબ છે . છતાં સરકાર રામદેવબાબા અને એ બધું ચગાવી સિફતપૂર્વક કાળા નાણા અંગેના સવાલો તો ખાઈ જ ગઈ છે! ફરી વાર, નિરમા કે અન્ય જનઆન્દોલન પર પોલીસ કાર્યવાહી થાય-ત્યારે દિવસે થાય છે. મધરાતે નહિ. અને એનો વ્યાપ સીમિત હોય છે, વ્યાપક નહિ.

* દેખીતું છે કે સરકાર પોતાની આબરુના ભોગે પણ કશુંક છાવરે છે. કોઈ પણ હિસાબે સ્વીસ બેન્કની વિગતો જાહેર ના થાય એમાં જ એને રસ છે. બરાબર છે- ટેકનીકલી પૈસા પાછા લઇ આવવા એ બાબા રામદેવતણા પ્રાણાયામ જેટલું સહેલું કાર્ય નથી. માનો કે, અસંભવ છે. પણ ક્રિકેટ મેચમાં હાર નિશ્ચિત હોય તો યે રમવું તો જોઈએ ને? કંઈ મેચ પડતો થોડો મૂકી દેવાય છે? મોરેશિયસથી આવતા બ્લેક મની, રીયલ એસ્ટેટના બ્લેક મની, બેસુમાર કૌભાંડો – આ બધા અંગે સરકાર નું સ્ટેન્ડ શું અને કેવું છે- એ  ઓપન સિક્રેટ છે. આ મામલો રાષ્ટ્રીય પણ નહિ આંતર રાષ્ટ્રીય છે. ત્યારે ૧,૯૬,૦૭૭ સ્ક્વેર કિમીનું ક્ષેત્રફળ ધરાવતા, ૬,૦૩,૮૩, ૬૨૮ની આબાદી અને ૨૬ જીલ્લા ધરવતા ગુજરાતની કોઈ નાનકડી સ્થાનિક ઘટનાની સરખામણી ૩૨,૮૭,૧૬૩ સ્ક્વેર કિમી નો વિસ્તાર , ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ની આબાદી, ૨૮ રાજ્ય, અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ ધરવતા દેશની રાજધાનીમાં એની કેન્દ્ર સરકારે કરાવેલી વિશ્વવિક્રમી સંખ્યામાં ઉપવાસ કરતા શાંત નાગરિકો પર કરેલી જોરતલબી સાથે કેવી રીતે થઇ શકે? (તા.ક. સરખામણી બે નિકટ  લાક્ષણિકતા ધરાવતી સમાનધર્મી ઘટનાઓની હોઈ શકે. જેમ કે, કંઇક અંશે ૧૯૮૪માં દિલ્હીમાં થયેલા કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો – અહીં તો એ પ્રમાણભાન જ ચુકી જવાયું છે. ગાંધીજીના ઉપવાસ અંગ્રેજો સામે હતા એટલે ચાલી ગયા, વર્તમાન ચોરમંડળી ‘અભી બોલા, અભી ફોક’ સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે બિચારા બાપુ ઉપવાસ પર બેઠા હોત તો? )

તો, મૂળ મુદ્દા પર કશું જ ના કહેવાનું હોય તો લોકશાહીમાં એનો અધિકાર છે. પણ ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતના જ કેટલાક મિત્રોને વારેઘડીએ દરેક ઘટનામાં ગુજરાત સરકારને વચ્ચે લઇ આવવાની વિચિત્ર ટેવ છે. એવું નથી કે ગુજરાત સરકાર કે એના મુખ્યમંત્રી સર્વગુણ સંપન્ન હોય. (એવો દાવો તો એ પોતે ય નથી કરતા). મેં તો જયારે જરૂર પડી ત્યારે માર્ગથી માર્ક્સ સુધી ગુજરાત સરકારનો પણ કાન આમળ્યો જ છે. મને તો ગૌરવ છે, કે હું ‘ગુજરાત સમાચાર’માં કોલમ લખું છું. જે અખબાર એકલે હાથે ગુજરાતમાં સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચાલતા કોઈ ગોટાળા-ગેરરીતી અંગે નક્કર અવાજ ઉઠાવે છે, જનતાના હિતમાં. સ્વસ્થ લોકશાહી માટે આ અનિવાર્ય છે. પણ કોઈ યુનિવર્સીટીના પેપરની વાત ચાલતી હોય, ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષાપધ્ધતિના છબરડાની ચર્ચા સાચી હોય તો ય અસંબધ્ધ છે. ને વારંવાર એ જ ઉઠાવનારને એ જ શાળામાં ભણવા મોકલવાનું કહેવાનું મન થાય, જેથી સમાજશાસ્ત્રના પીરીયડમાં પુછાયેલા સવાલના જવાબમાં એ ગુજરાતી વાચનમાળાની કવિતા ના લલકારવા લાગે. આમાં ક્યાંય કોંગ્રેસ કે ભાજપનાના રંગે રંગાઈ જવાની વાત જ નથી. સ્વતંત્ર ભારતની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર સત્તાવાર રીતે વર્તમાન યુપીએ સરકાર પુરવાર થઇ છે. એમાં કોંગ્રેસને બદલે ભાજપ મુખ્ય ભૂમિકામાં હોત તો પણ આવો અને આટલો જ આક્રોશ કૌભાંડો  માટે, જેના પૈસા એ લૂંટી ગયા છે- આમ આદમી સાથેના જંગલિયતભર્યા વ્યવહાર માટે મારા મનમાં હોત.

ભાજપનું હિંદુત્વ બોદું છે, કોંગ્રેસનું સેક્યુલારિઝમ પોલું છે. મારા જેવો માણસ સૌજન્યના અંચળા હેઠળ કોઈ એકનું સ્ટીકર લલાટે ચીપકાવી ફરતો નથી- અને બંનેને જ્યાં ભૂલ દેખાય ત્યાં રોકડું પરખાવે છે. કારણ કે, મારો કોઈ રાજકીય સ્વાર્થ નથી. કોઈ વાદની ફિલસુફીથી હું અંજાયેલો નથી. મારી વફાદારી મને લાગતા સત્ય અને મને ચાહતા લોકો પ્રત્યે જ છે. આવી ચોખવટ જરૂરી નથી, પણ અયોગ્ય સરખામણી કરવાના દુરાગ્રહથી પીડાતા દોસ્તોને આ રજૂઆત પણ અળખામણી લાગી શકે છે. એમ. આર.એસ. યાને મનમોહન -રાહુલ-સોનિયાની મરજી મુજબ મધરાતે થયેલી ‘લીલા’ પાછળનો સ્વાર્થ તો સમજાય એવો છે, પણ એમાં વગર કારણે સતત ગુજરાતની અલગ અલગ ઘટનાઓ રજુ કરી; ( મૂળ મુદ્દાને વિસારે પાડી દેવા માટે થતી) સરખામણીની સતામણીનો અનર્થ નવી ભૂલભૂલામણી પેદા કરે છે! સમજ મેં આયે તો જરા હમ કો ભી સમજાના 🙂

 
77 ટિપ્પણીઓ

Posted by on જૂન 24, 2011 in gujarat, india

 

ગ્રહણરાત્રિએ…

ચંદ્ર…
સુહાગરાતે શરમાયેલી, વીખરાયેલી અને બહેકેલી
કોઈ ભીને વાન નવોઢાના
રાતાચોળ કંકુ અને
કેસરકઢેલા ઉન્માદથી
લાલ થયેલા ભરાવદાર ગાલ જેવો

ચંદ્ર…
માએ મધરાતે ઉઠીને ચોળવેલી
થોડી દાઝી ગયેલી
કડક, ખરબચડી, ધીંગી
છતાં ય મીઠીમીઠી
ખુશ્બોદાર ભાખરી જેવો

ચંદ્ર…
લોહીતરસ્યા કોઈ વેમ્પાયરે
સન્નાટામઢી સડક પર
શ્વેત ગરદનમાં શ્વેત દાંત ખૂંપાવી
તાળવે ચોંટેલા ચિત્કાર સાથે
ફિક્કા કરેલા ફૂલગુલાબી ચહેરા જેવો

ચંદ્ર…
ખરીદ્યા પછી ખાવાના ભૂલાઈ જતા
રેફ્રિજરેટરમાં બંધ પડીને
ડાર્ક ચોકલેટ આઈસ્ક્રીમની બાજુમાં રહેલા
થીજેલા ચીમળાયેલા
ચેરી રેડ પ્લમ જેવો

ચંદ્ર…
મેલી ચાદરની કોર પર
થાકેલી વૃદ્ધ અશક્ત
નરમ હથેળીની કરચલીઓ વચ્ચેથી
સરકી ગયેલી
રાતના ડોઝની છેલ્લી ભૂરી ટેબ્લેટ જેવો

ચંદ્ર…
ફેફસાથી આપેલી ભીંસ
દિવાલો ઠેકી જતી ચીસ
પછી એકસાથે બહાર આવતા
આંખના ખૂણે આંસુના ટીપાં અને
નવજાત શિશુના ઘેરા રતુમડાં ટાલકા જેવો

ચંદ્ર…
સતત ફટકા ખાઈને
મેદાનોના લીલા ઘાસથી
ચીકણા કાદવ સુધી રગદોળાઇને
અંતે ચમકતી પોપડી ઉખડી જતાં
ફેંકાયેલા વાસી દડા જેવો

ચંદ્ર…
અંધારી રાતના ભીની રેતીમાં
પડખામાં સુતેલી કોઈ
ઘાટીલી તામ્રવર્ણી સંગિનીની
ગુલાલરંગી તંગ કંચુકીમાંથી ડોકાતા
માંસલ કથ્થાઈ ઉભારના વળાંક જેવો

ચંદ્ર…
કોઈ એકલવાયી આકાશી પરીએ
તૂટેલી પાંખના પીંછાની
દાંડી પર ટિંગાડેલા
સોનેરી વાળ બાળીને
પ્રગટાવેલા ઝાંખા ગોળ ફાનસ જેવો

જય વસાવડા

(કવિતાનો હું ભાવક ખરો, સર્જક નહિ,-પણ સદીનું સર્વોત્તમ ચંદ્રગ્રહણ નિહાળતી વખતે પાંચેક કલ્પનાઓ આપોઆપ રાતરાણીના કોમળ પુષ્પની માફક હવાની લહેરખી સાથે ખોળામાં સરકી પડી..ને થોડા વિચારવલોણા પછી બીજી ચાર સપાટી પર આવી..ગ્રહણ છૂટવા આવ્યું, ને ચાંદરણાં મુકતું ગયું…આ રચના કાચી જ છે- મારામાં ભરતી ઉઠી  એટલે હું તરતી મૂકી દઉં છું.પછી કિનારાની રેતી સાથે પછડાઈને ભલેને ફીણ ફીણ થઇ જાય! )

 
39 ટિપ્પણીઓ

Posted by on જૂન 16, 2011 in feelings, personal

 

તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે !

આજે ‘મુઈ ભેંસના મોટા ડોળા’ની આપણી પુરાણી આદત મુજબ હુસેનને અંજલિઓ આપવા ઘણા મેદાને પડ્યા છે. (જે ખુદ આર્ટીસ્ટ છે, આર્ટ લવર છે.. એમની વાત નથી=પ્લીઝ કોઈએ બંધબેસતી કેપ પહેરી ના લેવી ) પણ, આમ નીતિ , ન્યાય અને સેક્યુલારિઝમ ખાતે શહાદતનો ઢોંગ કરનારા ઘણા હુસેન જીવતા હતા અને ખરી હિંમત બતાવવાની હતી, સાચું સ્ટેન્ડ લેવાનું હતું ત્યારે ડરને લીધે ખામોશ હતા. (ગુજરાતમાં રહેતી બનાવટી સેક્યુંલારીસ્ટોની આખી ટોળકી આવા અસલી મુદ્દે સદંતર ગુજરાતમાં ખામોશ રહી છે, એમને મોદીવિરોધ,રામમંદિર કે રામદેવવિરોધ સિવાય સાચા મુદ્દાઓનું કે ભારતના સમન્વયની સંસ્કૃતિનું કોઈ ઓબ્સેશન નથી !) એ વખતે મેં સામા પ્રવાહે તરીને (જાનથી મારી નાખવાની ધમકીઓ પણ વેઠીને!) હુસેન પર , એમના સમગ્ર વિવાદ પર મુદ્દાસરની છણાવટ કરતા ત્રણ લેખો ગુજરાત સમાચારની મારી કોલમમાં વિવાદો કે લોકપ્રિયતાની પરવા વિના લખ્યા હતા. સદનસીબે ગુજરાતી જાણતા હુસેને પણ એ વાંચ્યા અને પોંખ્યા..(મને એની ખબર કે અપેક્ષા પણ નહોતી, મેં તો મારી મરજીથી લખેલા અને આભાર ‘ગુજરાત સમાચારનો કે એમને મને એ માટે, મારો મત પ્રગટ કરવાની મોકળાશ પણ આપી-એ કલેજાવાળા તંત્રીનું કામ છે!)

મેં તો જિંદગીમાં મને સાચું લાગ્યું છે, એ જ પુરો અભ્યાસ કરીને લખવાની નિષ્ઠા રાખી છે. હું કોઈ વિચારધારાના ચરણોમાં આળોટતો ગુલામ નથી, અને બનવું પણ નથી. પણ તર્ક સહીત સ્ટેન્ડ લઉં છું. જયારે જે જરૂરી લાગ્યું એની મેં ઉઘાડી તરફેણ કે વિરોધ કર્યો જ છે. પણ મારા તર્ક પાછળના તથ્યો હમેશા તપ કરીને આપ્યા છે. એનો જવાબ ના આપનારા લોકો પછી અંગત આક્ષેપબાજીમાં સરી પડે છે.પરંતુ, હુસેનનું વાંચીને પોરસાવાવાળાઓએ એ યાદ રાખવું કે બીજા એમને ના ગમતા મુદ્દાઓ પર એટલી જ પ્રમાણીકતાથી હું લખું છું..ને ભ્રષ્ટાચારી કેન્દ્ર સરકારની વિરુદ્ધના / ગુજરાત અંગેના અપપ્રચાર અંગે મારા લેખો વાંચીને હરખાઈ જનારાએ યાદ રાખવું કે હુસેન જેવા લેખો એટલી જ શુદ્ધ બુદ્ધિથી લખાયેલા છે.

હવે મુદ્દાની વાત. કેટલાક વાચકો લેખને નહિ પણ પોતાની માન્યતા વાચતા હોય છે. એમને પોષે એવું વાચવા મળે, તો વાહ વાહ..નહિ તો હાય હાય. પણ લેખક કઈ મુજરાવાળી બાઈ નથી કે ફરમાઈશો મુજબ નાચે. નવું શીખવા માટેની એમની ધીરજ કે ધગશ, તત્પરતા કે તૈયારી હોતી નથી. કળા કોઈ બટાકુવાડું નથી ઝટ ગળે ઉતરી જાય. એ સમજવા પણ સાધના કરવી પડે. હુસેનની સમજ્યા વગર માત્ર ૧૦-૧૨ ચિત્રોને આગળ ધરી ટીકા કરતો સમાજ ખ્રિસ્તી-ઇસ્લામિક-જૈન અસરનું મૂળ ભારત પર આવી ગયેલું પ્રભુત્વ બતાવે છે. હુસેન સ્વયમ આ જાણતા હતા…એટલે એમણે આજીવન ક્યારેય ગમે તેટલી ઘટનાઓ બની કદી એક હરફ પણ ભારતની ટીકાનો ક્યાંય ઉચ્ચાર્યો નહોતો. ઉલટું ભારતનો બચાવ કરેલો. સમય જતા સમાજ પરિપક્વ થશે તો એમનું સર્જન (જે કેવળ મેઈલમાં ફરતા ચિત્રો જ નથી, એ કુલ સર્જન ના ૦.૦૦૦૧% પણ નથી)) સમજશે એવી આશા વ્યક્ત કરેલી. ભારતે અપવાદો બાદ કરતા એમને ગાળો નથી આપી, પણ બહુધા લાગણીભીનીસલામી અને અંજલિ આપી છે અને એમનો આ વિશ્વાસ સાર્થક ઠેરવ્યો છે.

હા, એમને જે સ્થાન અને માન મળવું જોઈતું હતું, એ અત્યારે નથી મળ્યું. એ તો સમય થી આગળ અને ઉફરા ચાલનારા દરેકના જીવનની આ દુર્ભાગ્યે ખાડે ગયેલા દેશમાં અત્યારે એ જ ગતિ છે. એમની મને હજુ ય પીડતી કરુણતા એ છે કે એમને ખુબ ઊંડાણથી જે ભારતનું દર્શન કર્યું ,, એ એના સંદર્ભો કે અનુભૂતિ ના હોઈ પરદેશને તો પૂરું સમજાય જ નહિ…અને આ દેશને એ સમજવાની તૈયારી કોઈક મારા જેવો સમજવવા બેસે તો ય ખાસ હોતી નથી! નહિ તો પિકાસોથી એમની કળા અનેક દ્રષ્ટિએ વધુ સાંસ્કૃતિક લેયર્સવાળી હતી. એમને એમનું મુસ્લિમ નામ નડી ગયું ગેરસમજ વધારવા !બાકી, હુસેનને તો પાકિસ્તાન માટે એટલો અભાવ હતો કે ત્યાં ભાગલા પછી ગયેલા સગાઓનો પત્ર પણ ખોલીને જોતા નહિ!

મેં સતત ૧૫ વરસ સુધી હુસેનનો અભ્યાસ કર્યો છે.શરૂઆતમાં મારો ય અભિપ્રાય અધૂરા ઘડા જેવો હતો. પણ મારું વેદ-ઉપનિષદ-રામાયણ-મહાભારત વગેરે સંસ્કૃત સાહિત્યનું આકર્ષણ કામ લાગ્યું એમને સમજવામાં. કલાકાર સર્જન કરે, દરેક વખતે બધું સમજાવવા ના બેસે. હુસેનના ૫૦૦૦૦થી વધુમાથી થી વિવિધ રીતે મેં હજારો ચિત્રો જોયા છે. દેશ-વિદેશના મ્યુંઝીયામ્સમાં દિવસો સુધી ભટક્યો છું. એના વિષે, ચિત્રકલા વિષે ચિક્કાર વાચ્યું છે. હુસેનના બચાવમાં નહિ, અસલી ભારતના બચાવમાં ઉભો છું.

આ પોસ્ટ ઉધાર વિચારો લઈને વિવાદ કરવાવાળા માટે નહિ, વાચકોના પ્રેમાગ્રહથી મૂકી છે. મેં જેટલો અભ્યાસ કર્યો છે,માન્યું છે, અનુભૂતિ કરી છે – એના ૧૦% પણ અહીં નથી. પણ જેટલું છે એમાં હુસેન્ વીરોધીઓની તમામ ફાલતું દલીલોનો રોકડો જવાબ એડવાન્સમાં જ આવી જાય છે! જો ખુલ્લા મન થી આ લાંબુલચ લખાણ વાચો તો. એમાંથી ઘણી દિશાઓ ખુલશે. ૯૬ વર્ષની જિંદગીને કઈ ત્રણ-ચાર લેખમાં સમાવી શકાય નહિ જ.

આપનો સમાજ ભૂલકણો અને ફાસ્ટફૂડિયો થતો જાય છે. જે કોઈ એ લેખ ને છેડે ઓર્કુટની તમામ પોસ્ટમાં મારા મુદ્દા અને લેખમાં મેં ઉઠાવેલા સવાલો ના જવાબ દેવા ના હોય , એમને મહેરબાની કરીને સમય અહીં વેડફવો જ નહિ. એક ની એક, એ ય કોઈના પ્રચારથી મનમાં ભરાઈ ગયેલી પારકી દલીલો મુક્વાની નાહક તસ્દી અહીં લેવી નહિ. આ સ્પષ્ટ અને કડક સુચના છે. ફિલ્મ જોયા વિના એના પર અભિપ્રાયો આપનારા કે રાગ-રાગિણી ના જ્ઞાન વિના સંગીતના જજ થઇ જનારા માટે મારા મનમાં કાણી કોડીનું ય માન નથી.

પણ, છેલ્લે હ્રદયથી બે પોઝીટીવ વાત. અબુધોના વિવાદો બાજુ એ મુકો તો હુસેન ભરપુર જીવ્યા, નામદામ કમાયા. ગમતું બધું કર્યું. દેશ-દુનિયા ફર્યા. સૌન્દર્યની સંગત માણી. ૯૬ વર્ષ પ્રવૃત્ત રહ્યા.માટે એમનુ મૃત્યુ ઉત્સવ ગણાય. ચાહકોએ એનો શોક ના કરવો. અફસોસ માત્ર એમની સૂઝનો ભારત માટે જે લાભ લેવાનો હતો એ રહી ગયો એટલો જ રહે.

ખાસ, આપણે ત્યાં નેગેટીવ જ જોવાની બધાની આદત છે. પણ ઓનલાઈન ને ઓફલાઈન આજના દિવસમાં અને આ લેખમાળા દરમિયાન, પછી પણ – મને ગૃહિણીઓના ,વિદ્યાર્થીઓના, વડીલોના, શિક્ષકોના, આમ આદમીના, મોટા માણસોના, બેહિસાબ ફીડબેક મળ્યા છે. કેટલાય લોકો કહેતા રહે છે, આ લેખોને લીધે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે ગાળો દેવાવાળા હતા એ તો છે જ. પણ એમાના ઘણા બદલાયા, એ આ વિના ના થયું હોત. આ મારું સદભાગ્ય. છે. અને એ જ વધુ ને વધુ તપ કરવાની વધુ ને વધુ સાહસ અને સમજ થી લખવાનું બળ આપે છે. નર્યા અંધકારમાં ગુજરાત પૂરતા આ લેખો ઘણા દીવડા પ્રગટાવી શક્યા છે, એનો પારાવાર આનંદ અને સંતોષ છે. બાકી ચર્ચાઓ તો ચાલ્યા કરે.

મારા આ લેખો પારદર્શકતાથી એ વાંચનારા અને પોતાનો જડ દ્રષ્ટિકોણ બદલાવનારા સઘળા પ્રિય વાચકો ને સમર્પિત છે. હુસેનને મેં આ બધા વાચકોના વ્હાલની વાત કરેલી ત્યારે એમણે કહેલું કે જો હું ભારત આવીશ તો એમના માટે એક ચિત્ર બધાંની વચ્ચે બેસીને બનાવી દઈશ.

ચિત્ર તો બન્યું જ છે જ. કેન્વાસમાં નહિ, દિલમાં.

—————

૧.યા રબ, ના વો સમજે હૈ, ના સમજેંગે મેરી બાત…

દે ઔર દિલ ઉનકો, જો ના દે મુજકો જુબાં ઔર !

૧૯૬૪ની એ સાલ.

હોસ્પિટલમાં કોમામાં પડેલા જાણીતા કવિ મુકિતબોધનો શ્વાસ ઠપ્પ થયો. કવિની હાલત એ સમયના ભારતમાં કવિની હોય એવી. કેટલાક લોકો કવિની નનામીને કાંધ દેવા એકઠા થયા. કોઇએ કહ્યું – કવિના ઘરમાં જૂતાં પણ વેંચાઇ જાય એટલો ખરચ થઇ ગયો, પણ જીવ ન બચ્યો. જીંદગીમાં કવિને ક્યારેય ન મળી શકનાર એક એમના ભાવક પણ ખભે નનામી ઊંચકી સ્મશાને ચાલતા હતા. એમને કદાચ એક સણકો ઉઠ્યો છાતીમાં – ‘આ તે કેવી વિચિત્રતા, સર્જકને પહેરવા જોડાં પણ ન મળે અંતિમ વિદાયમાં એવી એમની સમાજે કરેલી ઉપેક્ષા ?’ પણ એમણે વિચાર્યું – કોને ખબર કયા જનાવરની ખાલ પહેરીને ફરતાં હોઇશું. આ ધરતીની સોનેરી માટી અને મખમલી ઘાસની સુંવાળપને પણ પગથી સ્પર્શવી જોઈએ ! ભારતમાં તો ભગવાન પાસે જવાનું હોય તો પગમાં જોડા પહેરવાના જ નથી હોતા. આ તો અંગ્રેજો સૂટ-બૂટનું એટિકેટવાળું કલબ કલ્ચર લઇ આવ્યા !

પોતાના દેશના કવિને અંજલિ આપવા, દેખાડાની ફાઇવ સ્ટાર સંસ્કૃતિ સામે છૂપો વિદ્રોહ કરવા એ માણસે એ જ ક્ષણે પોતાના જોડાં કાઢીને ફેંકી દીધા. પછી કદી પહેર્યા નહિ ! લોકોએ કહ્યું, ‘ઉઘાડપગો છે, હીહીહી’ … કોઇ કહે બડો નાટકબાજ છે… એક કલબે તો ડિનરમાંથી પણ જાકારો આપ્યો. પણ સમયસર મુકિતબોધને મળી મદદ ન કરી શકવાના અફસોસમાં દાયકાઓ સુધી એણે પગમાં કશું પહેર્યું નહિ.

એ આદમી એટલે મકબૂલ ફિદા હુસેન !

* * *

ઇન્દોરની એક સ્કૂલ. ચોથા-પાંચમા ધોરણના વિદ્યાર્થીઓવાળી. પુરાની યાદો તાજી કરવા હવે વિશ્વવિખ્યાત બની ચૂકેલા અઢળક એવોર્ડસથી વિભૂષિત હુસેને ત્યાં ચિત્રપ્રદર્શન રાખ્યું. મઘ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું. ૧૦ દિવસ ત્યાં ભીડ ઉમટી પડી. હુસેને જોયું કે બધા ચિત્રો નહિ, પણ એમના હસ્તાક્ષરની પ્રભાવિત થઇને જાય છે. આગેવાનો, ધનિકોએ આવી લાખ્ખોની કંિમતે ત્યાં રાખેલા બાવીસ ચિત્રોને ખરીદવાની માંગણી કરી. હુસેને કહ્યું, ‘આ તો મારી શાળાના બચપણના મિત્રોની યાદગીરી છે. વેંચવા માટે નથી.’ વાંક-અદેખાઓ વાતો કરવા લાગ્યા – વિદેશમાં જઇને મોટી કિંમતે વેંચશે. ડોસો બડો ઉસ્તાદ વેપારી છે.

૧૦ દિવસ હુસેન માત્ર એટલું જ જોતા હતા, કે પોતાના નામના પ્રભાવ સિવાય આ ચિત્રો પર કોની આંખો ટીકી-ટીકીને જુએ છે. એવા અટકીને ચિત્રો જોનારા બાવીસ નાના-નાના છોકરા-છોકરીઓને પસંદ કરીને એમણે આયોજકોને કહ્યું કે આ નાનકડાં ગરીબ બાળકો સમાપનમાં ચિત્રો દીવાલ પરથી ઉતારશે. બચ્ચાંપાર્ટી ૬ વાગે ત્યાં ઉભી રહી. ચિત્રો ઉતારીને બધાએ પૂછયું, ‘સાહેબ, ચિત્રો ક્યાં મૂકીએ ?’ હુસેને મર્માળુ સ્મિત કરીને કહ્યું – ‘તમારી ઘેર !’ બાળકો જરા વાર સ્તબ્ધ થઇ ગયા. પછી આનંદથી ઉછળી પડ્યા અને શબ્દશઃ લખેલા ચિત્રો લઇ ભાગ્યા !

હુસેનને એવું લાગ્યું કે પોતાની કળાને નવા, નાનકડાં બાવીસ દરવાજા મળી ગયા હતા !

* * *

હુસેનની મા ગુજરી ગઇ હતી, તેને દોઢ વરસનો મૂકીને. બીમાર બાળક હુસેનને કદાચ પોતાની ઉંમર મળે, તેની દુઆ કરતી કરતી. એ જમાનો ફોટોગ્રાફીનો નહોતો. ચિત્રકારી નો પંઢરપુરના એ સામાન્ય ઘરમાં દૂરની વાત હતી. હુસેનને એમની માનો ચહેરો જ યાદ ન રહે, એવી પરિસ્થિતિ ઉભી થઈ. એટલે હુસેને માઘુરી દીક્ષિતથી મધર ટેરેસા સુધીના જે ચિત્રો દોર્યા, જે કંઇ પણ નારીને ચીતરી – એમાં સ્મૃતિપટ પર હંમેશ માટે ખોવાઈ ગયેલી માને અંજલિ આપવાની કળાત્મક અંદાજમાં કદી ચહેરો ન દોર્યો ! નાક-નકશા નહિ !

* * *

ગામમાં આંબલીના ઝાડ નીચે ફાનસ અને સાડીઓના પડદાના સહારે થાળી-વેલણથી ‘રામલીલા’ થતી. ઘંટી દળવાવાળો રાવણ થતો. પાનવાળો મોં પર ઘૂળ ચોળીને હનુમાન થતો. ઢોલને વાંસળીઓ વાગતી. છોકરાઓ સ્ત્રીપાઠ ભજવતા. બાળક મકબૂલ કલ્પનામાં રામલીલાના બધા પાત્રો ભજવતો. એને રામલીલા ખૂબ ગમતી.

સ્કૂલમાં મળ્યો જીગરી દોસ્ત માનકેશ્વર. નવી મા મૂળ ગુજરાતના સિદ્ધપુરની, એટલે મકબૂલને ઇમામ નાનાજી પાસેથી કુરાનની આયાતો સાંભળવા મળતી, અને માનકેશ્વર પાસેથી રામાયણની ચોપાઈઓ ! માનકેશ્વરને લીધે રામાયણ-મહાભારતમાં હુસેનને ઉંડો રસ પડયો. માનકેશ્વર પછી બઘું જ છોડી હિમાલયમાં સાઘુ થઇ ગયો. વર્ષો સુધી હુસેન એને મળવા, એની સાથે આઘ્યાત્મિક ચર્ચાઓ કરવા હિમાલય જતા.

એવામાં નવી નવી આઝાદી મળી હતી ત્યારે હૈદ્રાબાદમાં બદરીવિશાલ પિત્તીના ‘મોતીભવન’માં હુસેનને પ્રખર સમાજવાદી નેતા, સંનિષ્ઠ અને પ્રામાણિક રાજનીતિજ્ઞ એવા રામમનોહર લોહિયા મળ્યા. દોસ્તી થઈ. પછી લોહિયાએ હુસેનને નેહરૂના એક ચિત્રમાં પોતાને જે સમજાયું, એ ગમ્મત કરીને કહ્યું. હુસેને જવાબ આપ્યો ‘મોડર્ન આર્ટ કંઇ ફોટોગ્રાફી જેવા સ્થિર ચિત્રોની નથી. એમાં જોવાવાળો પોતાની મરજી અને સ્વભાવ મુજબ રંગો અને પ્રતીકોના અનેક અર્થ કાઢી શકે છે. રેખાઓનો તનાવ અને રંગોનો ઉજાસ એમાં કલ્પના સાથે ભળે છે !’

લોહિયાજીને ‘ચિત્રોની લોકશાહી’ વાળી વાત પસંદ પડી. અને હુસેનને કહ્યું ‘આ તું બિરલા- ટાટાના ડ્રોઇંગરૂમમાં લટકતા ચિત્રોમાં ઘેરાઇ ગયો છો, તેમાંથી બહાર નીકળ. રામાયણને ચીતર. જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે. ગામે ગામ ગુંજતુ ગીત-સંગીત છે. શહેરી આર્ટગેલેરીના બંધ ઓરડાઓમાં લોકો પાટલૂનના ખિસ્સામાં હા નાખીને ઉભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા !’

હુસેનની છાતીમાં જાણે તીર ભોંકાઈ ગયું. લોહિયાજીના મૃત્યુ પછી ફરી એ વાત યાદ આવી. દસ વરસ સુધી રામાયણની થીમ પર ચિત્રો કર્યા મોતીભવનની દીવાલોમાં દોઢસો ચિત્રો સર્જી કાઢયા. એક પૈસો ન લીધો, લોહિયાજીના શબ્દોનું માન રાખવાનું હતું ! સિત્તેરના દાયકામાં જે ચિત્રો રચાયા, એનો બધા રંગોને ઝાંખો પાડતો રાજકીય રંગ નેવુંના દાયકાના અંતે એક હિન્દી મેગેઝીને ધડાકો કરીને ચોપડયો. હુસેને આપ્યા ન હોય તેવા શીર્ષકો ચિત્રોને આપી, કળાની ઊંડી સમજને બદલે સ્થૂળ નારાબાજી કરી લોકોને ભરમાવ્યા. પછી તો હોહાગોકીરો થયો. ઇમેઇલનો મારો થયો. બધા જ લોકલાગણીના ટોળામાં દોડીને જોડાઈ ગયા. કોઇએ એટલો ય વિચાર ન કર્યો કે આપણને ખબર નથી પડતી. પણ સત્યજીત રે કે રાજ કપૂરને તો ખબર છે ને ભારતીય સંસ્કૃતિ શું છે. ઇન્દિરા ગાંધી કે યશ ચોપરા તો હિન્દુ વિરોધી નથી ને- એ લોકોને કેમ આ ચિત્રો સામે વાંધો ન પડયો ? એ બધા તો આજીવન હુસેન ફેન રહ્યા !

* * *

ન્યૂયોર્કમાં એક પત્રકારે ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન’ પર હુસેનને પૂછેલું, ત્યારે હુસેને કહ્યું કે, ‘આ શબ્દ તમે ૨૦૦ વર્ષથી શીખ્યા છો. મારું ભારત તો એ હજારો વર્ષથી આચરણમાં મૂકીને બેઠું છે !’

શેક્સપિયર કરતા કાલિદાસને શ્રેષ્ઠ નાટયકાર ગણતા (ગજગામિની ફિલ્મ પર હુસેને માઘુરી પર ફિલ્માવેલા તન્વી શ્યામા શ્વ્લોકનું ફિલ્મીકરણ યુટયુબ પર જરા જોઇ લેજો) હુસેનની કરૂણતા એ છે કે એમને એમના નામનું લેબલ નડે છે. એમનો આત્મા ભારતીય છે. સંસ્કૃત સાહિત્યના એ કોઈ હિન્દુત્વવાદી પંડિત ન હોય એવા પ્રખર અભ્યાસુ છે. નગ્નતા એ ભારતીય કળામાં પવિત્રતાનું પ્રતીક છે. કામ ભારતીય સંસ્કૃતિમાં ‘દેવ’ છે, ‘દાનવ’ નથી. એટલે અહીં પચાસથી વઘુ ફીટ ઉંચી બાહુબલીની અનાવૃત પ્રતિમા શ્રવણબેલગોડામાં ટટ્ટાર ઉભી છે. ખજૂરાહો જ નહિ. હજાર વરસ જૂના કોઇ પણ પ્રાચીન મંદિરમાં દેવ-દેવીઓની મિથુન શિલ્પો છે. કાલિદાસે ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતીની રતિક્રીડાનું વર્ણન લખ્યું ત્યારે કોઈએ નહોતું પૂછયું કે ‘તમે તમારી સુહાગરાતનું વર્ણન કરો !’ નરસિંહે રાસના પદોમાં ઉન્મુક્ત શૃંગાર ગાયો ત્યારે સવાલ નહોતો થયો કે દીકરી કુંવરબાઈનો શૃંગાર રચો ને, રાધાકૃષ્ણનું જ કેમ વર્ણન કરો છો ? માઇકલ એન્જલોએ ડેવિડ (ઇસ્લામમાં દાઉદ) નું નગ્ન શિલ્પ રચ્યું, ત્યારે તેને નહોતું પૂછાયું કે તમારા બાપુજીનું નગ્ન ચિત્ર દોરો પહેલા ! શંકરાચાર્યે ‘સૌંદર્યલહરી’ માં જગદંબાના એક-એક અંગ-ઉપાંગનું વર્ણન કર્યું, ત્યારના જૂનવાણી ભારતમાં કોઈ કહેવા નહોતું નીકળ્યું કે પહેલા તમારી માતા ઉપર રચના કરો !

પણ અર્વાચીન ભારત બુદ્ધુ મિડિયાવાળાઓ, અબોધ જનતાનું છે. જે ન સમજાય તેનું કૂતૂહલ રાખી કોઇ સત્ય સમજવાનો પ્રયાસ નથી કરતું. કળામાં ઉંડા પણ નથી ઉતરતું. ન તો પોતાની જ સંસ્કૃતિનો શાસ્ત્રીય અભ્યાસ કરે છે, ન તો પિકાસો જેવાના આઘુનિક ચિત્રોમાં રજૂ થતા આર્ટના એબ્સ્ટ્રેકટ સ્વરૂપો કે ઇમ્પ્રેશનિઝમ, કયૂબિઝમ વગેરેના ઐતિહાસિક પ્રવાહોનો ! ફાયદો સોગઠાંબાજોને છે ! ભારતમાં અર્ધનારીશ્વર, લિંગપૂજા જેવા પ્રતીકાત્મક સ્વરૂપો હજારો વર્ષોથી અણનમ છે. જેને બહારનો માણસ ‘વિકૃત’ ગણે તેવા વર્ણનો અને તેવા જાતીય સંબંધોના ગૂંચવાડા અહીં સાવ જ સાહજીક રીતે ઇશ્વરીય સ્વરૂપોની વાર્તાઓમાં ગૂંથાયા છે ! (મહાભારતમાં વ્યાસજી કે પાંડવોના જન્મની કથા કોઈ બિનભારતીયને કેવી લાગે ? જરાક વિચારજો !) તેની ટ્રેજેડી એ છે કે અહીં કોઇ સંસ્કૃત વાંચતું નથી. વાલ્મીકિ રામાયણનો શૃંગારરસ કોઇ ગાતુ નથી. જેમને ખબર છે મૌન થઇ જાય છે- અથવા માત્ર ભકિતના જ અર્થઘટનો શોધે છે ! બાકી સેક્સ્યુઆલિટીનો એક પ્રચંડ ધોધ પ્રાચીન ભારતના ધાર્મિક સંસ્કૃત સાહિત્યમાં ધસમસે છે ! પણ હિન્દુત્વપ્રેમીઓ જ તેનાથી બેખબર છે. ‘જાણતા રાજા’ નાટકમાં પણ તુળજા ભવાનીની વિરાટ પ્રતિમા  જ કેવળ અભૂષણવિભૂષિત અર્ઘાંગમાં નિહાળે છે. પણ ત્યાં ઝબકારો થતો નથી કે આ તો પ્રાચીન કળાવિધાન છે ! કાલિદાસને પર્વતોમાં પણ ધરતીમાતાના સ્તન દેખાય છે. પણ એ પર્વર્ટ નથી કહેવાતા.

હુસેને આ અસલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પરખંદા છે. ખ્રિસ્તી- ઇસ્લામિક અસરે જેની સાવ ભળતી જ વ્યાખ્યાનું અર્થઘટન લોકોના મનમાં જડબેસલાક બેસાડી દીઘું છે. બામિયાનમાં કળાત્મક બુદ્ધપ્રતિમાઓ તોડવી, એ તાલિબાની સ્વભાવ છે. કારણ કે ત્યાં બહુમતી પ્રજાની ધાર્મિક લાગણી દુભવતી હતી ! શું ભારતે એની નકલ કરવાની છે ? જડ જેહાદી મુસ્લીમો ડેન્માર્કના કાર્ટૂનિસ્ટ કે સલમાન રશદીને મારવાના ફતવા બહાર પાડે – એટલે વાદે ચડીને તોફાની છોકરાના ચાળા પાડતાં હોઇએ, એમ આપણે વર્તવાનું છે ? તાલિબાની માનસિકતાના લોકો જે કરે છે, એ કંઇ સ્ટાન્ડર્ડ છે, કે આપણે એમ વર્તીએ તો જ પોઈંટ સ્કોર થયો કહેવાય ?

સવાલ જો કે, ઘણા છે. બહુમતી સમાજની લાગણી વઘુ કીમતી કે એક બૂઢા ચિતારાની ? આવા તે ચિત્રોમાં વળી શું સમજવાનું હોય ? હુસેને કતારનું નાગરિકત્વ કેમ લીઘું, એ ભારતવિરોધી હોવાની સાબિતી નથી ? ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે આવી રીતે હિન્દુત્વને બદનામ કરવાનું ? હુસેન હિન્દુ દેવ-દેવીઓ જ ચીતર્યા કરે એમ કેમ ? અને એનો બચાવ કરવો એ દંભી બિનસાંપ્રદાયિકોનું કાવત્રું નથી ?

છેલ્લાનો જવાબ પહેલા. આ લખનાર કોઇ સ્યુડો સેક્યુલરસ્ટિ નથી, એ રીડર બિરાદરો જાણે છે. પણ અમે તસ્દી લીધી છે, સાચી વાત જાણવાની. હુસેનની સ્મરણકથા ગુજરાતીમાં જગદીપ સ્મારતે (હવે સ્વર્ગસ્થ ) અનુવાદિત કરી એ વાંચવાની. કોઇકે તો સાચું કહેવાનું સાહસ કરવું પડશે ને !

સમયથી આગળ હોવાની ક્રૂર કિંમત આવી જ રીતે રજનીશે ચૂકવી હતી ! હુસેન સાથે જે એ જ થઇ રહ્યું છે, જે રજનીશ સાથે થઈ ચૂકયું છે. આ જ રીતે રજનીશ પ્રાચીન ભારતના અસલી મિજાજ અને આઘુનિકતાને સમજતા હતા, અને બંનેનું ગ્લોબલ વિઝનથી સંગમ કરવા જતા હતા. અને દેશ આખાએ વિકૃત, બેવકૂફ, વિધર્મી સંસ્કૃતિવાળા કહી એમને તગેડી મૂકયા હતા ! ઘૂની રજનીશ પણ હતા, હુસેન પણ છે.

વ્યાસ ગયા, વાલ્મીકિ ગયા, કાલિદાસ ગયા, રજનીશ પણ ગયા. ભારતમાં વહેતી ચેતનાની ધારાના હુસેન કદાચ છેલ્લા કયા પ્રતિનિધિ બચ્યા છે. એમની પાસે પણ ઝાઝા વર્ષો નથી. અને આપણી પાસે ઝાઝા શબ્દો નથી. બાકીના સવાલોના જવાબ નેકસ્ટ સન્ડે સ્પેકટ્રોમીટરમાં !

ઝિંગ થિંગ !

રોડ મૂવી ઃ આર્ટિસ્ટિક બોરડમ આપતો મહાત્રાસ ! (શીર્ષક પંક્તિ : મિર્ઝા ગાલિબ)

(છપાયા તારીખ ૧૭/૩/૨૦૧૦)

—–

૨. માણસ દેશની બહાર જઈ શકે, પણ દેશ માણસની બહાર જાય ખરો?

(ભારતના ભવ્ય ભૂતકાળની ઓળખ ભારતીયોને જ પૂરી નથી- એ કેવી કરૂણતા!)

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા નૂર…

યે બર્કે તજલ્લિ અંધેરો કો ચીરતી

યહાં ભી તૂ, વહાં ભી તૂ,

યે રોશની, ક્યા રોશની

તેરે સિવા કોઈ હૈ કે પૂછું?

અંધેરો સે પૂછા-

ચૂપ હો ગયે, ચૂપ હો ગયે…

ઉજાલોં સે પૂછા-

તો શરમા ગયે, શરમા ગયે…

પરિન્દો સે પૂછા, કહાં પરવાઝ હૈ?

ખામોશી સે પૂછા, કહાં આવાઝ હૈ?

ફૂલોં સે, પત્તોં સે, રંગો સે આયી સદા…

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા  નૂર !

ઉઠાઈ ચિલમન તો દેખા જલવા તેરા…

બઢાયા કદમ તો મંઝિલ તેરી, મંઝિલ તેરી

ઉઠાઈ નજર તો સુરત તેરી સુરત તેરી

ભંવરે કી ગુન ગુન મેં, કંગન કી ખનખન મેં

આશિક કે તનમન મેં, બિરહન કે નૈનન મેં

તાનોં મેં સરગમ મેં બસ તૂ હી તૂ

દિલ કી દીવાનગી, મન કી આવારગી તૂ

દૂર લે કે ચલ, કુછ પૂછ ના તૂ…

જીંદગી એક રાઝ થી, એક રાઝ હૈ, રાઝ હૈ

જાન કર હોગા ક્યા, કિસને હૈ જાના?

કોઈ કહે મહોબ્બત, કોઈ ઈબાદત

દીવાનગી કહે, ચાહે જૂનૂન…

ચાહત હી તેરી અદા…

ચારો તરફ નૂર ઉન અલા નૂર…

એક તો આપણી આસપાસની આ આખી દુનિયામાં પ્રકાશ દેખાય છે. દિવસે સૂરજનો, રાતે ચંદ્રનો. મોલ અને મલ્ટીપ્લેક્સની લાઈટસનો. રસ્તા પરની પીળી સોડિયમ લાઈટ કે ફોટોગ્રાફરની હેલોજન લાઈટનો. ટયુબલાઈટ અને બલ્બનો. નિયોન સાઈન્સનો. પણ આ પ્રકાશની ઉપર એક પ્રકાશ છે. લાઈટ અપોન લાઈટ. જે દેખાતો હોવા છતાં દેખાતો નથી. ચારે તરફ એ ફેલાયેલો છે. આપણને નજરે દેખાતા પ્રકાશની પાછળ પણ આ જ પ્રકાશ છે. એ છે અરેબિકમાં ડિવાઈન લાઈટ. દિવ્ય રોશની. નૂર ઉન અલા નૂર. આ બ્રહ્માંડને ઘડતા- ચલાવતા ચૈતન્યનો પ્રકાશ. બુદ્ધને, મોહમ્મદને, જીસસને અંદરથી ઉપસીને બહાર વિસ્તર્યો હતો એ એન્લાઈટનમેન્ટનો પ્રકાશ. આપણી અંદરનો શ્વાસ ચાલે છે, એ આ પ્રકાશથી ચાલે છે. આપણે જ એ પ્રકાશનો શ્વાસ છીએ.

હિન્દી સિનેમાના અદભુત રીતે કમ્પોઝ થયેલા ગીતો પૈકીનું એક આ એ.આર. રહેમાને ફિલ્મ ‘મીનાક્ષી’ માટે રચ્યું છે. કવિ કહે છેઃ ચોમેર, દરેક જગ્યાએ મને પેલા સ્થૂળ પ્રકાશની આરપાર પેલો સૂક્ષ્મ ઉજાસ  દેખાય છે. દિવ્યજ્યોતિ નજરે પડે છે. સીનાઈના પર્વત પર મોઝેસ (મૂસા)ને ટેન કમાન્ડમેન્ડસ આપતી વખતે જે નૂર, રોશની, લાઈટ દેખાઈ હતી, તેને અરબીમાં તજલ્લી કહેવામાં આવે છે. બર્ક એટલે વીજળી. આસપાસના, મનના, વિચારના અંધકારને ચીરતી આ ડિવાઈન લાઈટ ઝળહળે- પછી ચારો તરફ તું જ તું દેખાય છે! તારા (ઈશ્વર)ના સિવાય કોણ આ સમજશે? કોને જઈને કહું? અંધાકર તો એની વાતથી જ ચૂપ થઈ જાય છે (ગાયબ બની જાય છે) રોશની તો શરમાઈ જાય છે (પોતાનાથી ચડિયાતા અજવાળાની   વાત કેમ કરે?)

પંખીઓની ઉડાન, મૌનને ચીરતા અવાજ, ફૂલો- વૃક્ષો- રંગોમાંથી ઘ્વનિ ઉઠે છે- આ તો પ્રકાશ ઉપરનો પ્રકાશ છે. એક વખત અજ્ઞાન પડદો ઉઠી ગયો, તો તારી ખૂબસુરતી મને દેખાય છે. પછી જેટલા ડગલા ચાલું, એ તું જ ચલાવે છે. ચાલુ છું હું, પણ મંઝિલ તારી (ઉપરવાળાની) સર થાય છે. પછી મને સર્વત્ર એ જ તારો ચહેરો દેખાય છે. ભમરાના ગુંજારવમાં, યુવતીની ચૂડીઓની ખનકમાં, પ્રેમઘેલાઓના શરીરમાં ઉઠતા તલસાટમાં, વિરહીઓની આંખમાં છવાતી ઉદાસી અને પ્રતીક્ષામાં, ગીતોની ઘૂન અને સરગમમાં બસ, બધે જ તું જ તું છો! પાગલ શરારતો સૂઝે એ ય તારી લીલા છે. મનમાં આવારાપન જાગે છે વાઈલ્ડ ક્રેઝી બનવાનું એ ય તારી માયા છે. બસ, હવે એમાં વહેતા જવાનું છે. નાચતા જવાનું છે. જીંદગી તો એક અકળ રહસ્ય જ હતું અને છે. એનો ફિલસૂફીના શબ્દોમાં કે શુષ્ક વૈરાગમાં તાગ શોધીને શું મળશે? અને કોણ વળી એ ભેદ ઉકેલી શક્યું છે? મહોબ્બત કહો કે ઈબાદત, બસ જે પાગલ બનાવી દેતી ચાહતની ઝનૂની ભરતી અંદર ઉઠે છે, એ પ્રેમ જ દિવ્યજ્યોતિની પહેચાન છે, અનુભૂતિ છે. આ ફક્ત ‘પામી’ ગયેલા માણસના જ મનમાંથી ઉઠે એવા નજાકત અને નફાસતથી તર-બ-તર રચનાના શાયર કોણ છે?

મકબૂલ ફિદા હુસેન!

અને પોતાની ફિલ્મ ‘મીનાક્ષી’માં દિગ્દર્શક તરીકે આ જ ગીત એમણે ‘રોમાન્સ ઈઝ ઓન્લી ચાન્સ ટુ એક્સપિરિયન્સ ડિવાઈન’ સમજી નાયકને પહેલી વખત દેખાતી નાયિકા તબ્બૂ ઉપર પિકચરાઈઝ કર્યું. અને મુલ્લાઓ હુસેન પર નારાજ થઈ ગયા. પવિત્ર કુરાનની આજ્ઞા મુજબ ફક્ત અલ્લાહ માટે જ ઉપયોગમાં લઈ શકાય એવા ‘નૂર ઉન અલા નૂર’ શબ્દનો એક ઔરત, એક અભિનેત્રી માટે પ્રયોગ કર્યો? ગીત પાછું ખેંચો, માફી માંગો. હુસેને જે કળા સાથે બાર ગાઉનું છેટું ધરાવતા હિન્દુ ફન્ડામેન્ટલીસ્ટસને કહ્યું, એ જ જડભરત મુલ્લાઓને કહ્યું ‘આ મારી અભિવ્યક્તિ, મારૂં સર્જન છે. મારો ઈરાદો તમારૂં દિલ દુભવવાનો નહોતો, એ માટે દિલગીર છું’ પણ ગીત પાછું ન ખેંચ્યું.(video : http://youtu.be/_ZqEKyZMook)

ફિલ્મો તો હુસેનની આમ પણ કોમનમેનને બાઉન્સરની માફક ઉપરથી જાય છે. ૧૯૬૦ના દાયકામાં રાજસ્થાનના ટુરિઝમ પર ફક્ત વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે હુસેને જાણી જોઈને બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવેલી ફિલ્મમાં મોજડી, છત્રી, ફાનસ કશું ય કોઈને સમજાયું નહિ. પણ જર્મનીમાં તેને ગોલ્ડન બીઅર એવોર્ડ મળેલો!

ભારતીય સંસ્કૃતિના ભક્તો જે સંસ્કૃતિ સમજવા અભ્યાસ જ નથી કરતા, એમને ભારતીય નારીના અસ્તિત્વ રૂપે માઘુરીને રજુ કરતી ‘ગજગામિની’ મહોબોરિંગ લાગેલી. હુસેને એ ફિલ્મમાં પોતે જોયેલી દાલમંડીની નેત્રહીન સંગીતા, સતારાની નૂરબીબી,   ૨૧મી સદીની મોનિકા, ઉપરાંત ટાગોરની અભિસારિકા (જે હૈદ્રાબાદી શિલાઓથી ગીતાંજલિ અને ‘ક્ષુધિત પાષાણ’ કથાની  ટાગોરને પ્રેરણા મળેલી તેના પણ ચિત્રો હુસેને કર્યા છે), સઆદત હસન મન્ટોની સંઘુ અને પ્રેમચંદની ‘નિર્મલા’ (પ્રેમચંદની વાર્તાઓ પર હુસેનના ચિત્રોની સીરિઝ છે) – આ તમામ નાયિકાઓને પ્રાચીન ‘ગજગામિની’ સ્વરૂપ સાથે હુસેને જોડી હતી.

વેલ, હુસેને ‘મીનાક્ષી’માં ગીત બરકરાર રાખ્યું. આજેય યશરાજ ફિલ્મ્સે રિલિઝ કરેલી તેની ડીવીડીમાં એ છે. કોને લાગશે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવારૂપે અનંત ભાસે / પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ના નરસિંહ મહેતાની ભાષા અને આ ગીતની ભાષા અલગ છે? ભકિતના માંડ પચાસેક પદ રચનારા નરસિંહે સાતસો જેટલી રચનામાં તો કઠોર ઉરોજો અને ચુસ્ત ચુંબનોથી પણ આગળની ક્રીડા વર્ણવતો શૃંગારિક રાસ જ રચ્યો છે! અને નાતે તો એમનો ય બહિષ્કાર કરીને જેલના સળિયા પણ ગણાવ્યા હતાં. સમયથી આગળ ચાલનારા કે પોતાની વાતને સરળ શબ્દોને બદલે ઇશ્વરે આપેલી બક્ષિસનો ઉપયોગ કરવા કળાત્મક રીતે કહેવાવાળા દરેક સર્જકોની આ જ નીયતિ હશે? રશિયાએ સોલેત્ઝિનને ફટકાર્યા, પાબ્લો નેરૂદા જેવા મહાકવિ દેશ નિકાલ થયા, વાનઘોઘને જીવતેજીવ એનું વતન સમજી ન શકયું, ગાલિબ પેન્શન માટે ચક્કરો કાપતા રહ્યા. ચાર્લી ચેપ્લીનથી લઇને રોબર્ટો રોઝેલીની સુધીના ફિલ્મસર્જકો વખોડાયા.

રજનીશને જીવતે જીવ વખોડનારા અને રીતસર ભારત છોડાવનારા લોકો આજે ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ની માફક ઓશો જેવી પ્રબુદ્ધ વ્યકિત ભારતમાં જન્મી હોવાનો ગર્વ લેતા થાકતા નથી. આ રજનીશે શિવે પાર્વતીને કહેલા ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ ઉપરથી સંભોગથી સમાધિની વાત કરી કે એમને ભારતીય પરંપરા પરના બળાત્કારી કહેવામાં આવ્યા! કારણ કે, ‘છાંદોગ્ય ઉપનિષદ’માં પણ આવેલી મૈથુનચર્ચા કયાં કોઇએ મૂળ સ્વરૂપમાં વાંચી છે? હનુમાને સીતાને રામની નિશાન તરીકે મુદ્રિકા આપી. પણ સીતાએ હનુમાનને રામને નિશાની આપવા માટે શું આપ્યું? રામનામ જપવાવાળાઓમાંથી કેટલાએ વાલ્મીકિ રામાયણ ખોલીને આખું મૂળ સ્વરૂપે વાંચ્યુ છે?

ભારત કંઇ અફઘાનિસ્તાન નહોતું. પુરાતન ચરિત્રોને લઇને શિલ્પો બનાવવાની અહીં ભવ્ય પરંપરા હતી. ૮૦ ટકા ભારતીયો પોતાની અભિવ્યકિત લોકકળાના માઘ્યમથી કરતાં. બુદ્ધના જન્મ વખતે ઉભેલી અનાવૃત કુંવરીની અજન્તાની ઇમેજ વર્લ્ડ  ફેમસ છે. ૧૭મી સદીના કેરળના મટ્ટાનચેરીના ભીંતચિત્રોમાં દશરથની  ત્રણે રાણીઓની પ્રસૂતિના ચિત્રો છે! કલાકાર ઘણી વખત પોતાને  અભિવ્યક્ત કરવા ‘માયથોલોજીકલ આઇકોન્સ’ની મદદ લે. માટે રાધાકૃષ્ણના  કાવ્યથી પ્રેમની વાત મંડાય!

એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હુસેને રીતસર પશ્ચિમના કળાવિવેચકોનો ઉધડો લઇ નાખ્યો હતો. હુસેને કહ્યું કે આબેહૂબ દેખાતા ફોટોગ્રાફ જેવા સ્થિર ચિત્રોને બદલે ચિત્રોમાં ગતિ હોય, બહાર નીકળવા માંગતા આકારો હોય, એ ઇમ્પ્રેશનિઝમ, કયુબિઝમ બઘું યુરોપને છેલ્લી ત્રણ-ચાર સદીમાં સમજાયું છે. ભારત તો હજારો વર્ષોથી ‘નટરાજ’ની પ્રતિમા ઘડીને બેઠું છે! મોડર્ન આર્ટના સિમ્બોલિઝમથી પિકાસોએ પ્રાથબ્રેકિંગ કામ શરૂ કર્યું, એની સદીઓ પહેલાં અહીં ખાલી એક પથ્થરને સિંદૂરિયો રંગ કરી દો તો આદિવાસી પણ સમજે છે કે આ હનુમાન છે! આજે દુનિયા જેને ગ્રાફિક કળા કહે છે, એ ભારતના ગામડે ગામડે છાપકામની જૂની કળા છે. આલ્હા, ઉદલ, કાન-ગોપી, વિવાહમાં ભીંત પર હાથી-ઘોડા, પ્રવેશદ્વાર પર ગણેશ, જાનવરોના ચાકળા- ચંદરવાના ચિત્રો પર પણ વેલબૂટ્ટાની છાપ મુકવાની કળાત્મકતા!

જયપુરમાં રીક્ષામાંથી ઉતરી હોળી રમવા લાગેલા  હુસેન એટલે તો જે ૫૦,૦૦૦થી વઘુ રચનાઓ કરીને બેઠા છે- એમાં ભારતના તેજસ્વી ભડક રંગો ચીતરે છે. કેવળ ગતકડાંના જોરે ભયાનક સ્પર્ધાવાળી આંતરરાષ્ટ્રીય કળાબજારમાં સતત ૬૦ વર્ષ સુધી કોઇપણ કળાકાર ટોચ પર ન રહી શકે! બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં હુસેને કતારમાં રહ્યે પણ સ્પષ્ટપણે કહ્યું ‘મારી ભૌતિક હાજરીનું શું મહત્વ છે? અને સિટિઝનશિપ તો કાગળનો એક ટુકડો છે. મારો આટલા વર્ષોમાં કોઇ સ્ટુડિયો નથી. હું તો જયાં જાઊં ત્યાં ચીતરવા લાગુ છું. હું ગમે તે સ્થળે મરીશ, પણ કહેવાઇશ તો  ભારતીય પેઇન્ટર જ. ક્રિએટિવિટીને સરહદો નથી. હિન્દી હૈ હમ વતન હૈ  સારા જહાં હમારા. મને કોઇ માટે દુર્ભાવ નથી. મારા વ્હાલા ભારતમાં આજે ય મારા ૪૦,૦૦૦થી વઘુ ચિત્રો છે જે મારી મારા દેશને ભેટ છે. આ મેં કોઈને આપ્યું નથી. ભાષાને મર્યાદા હોય, વિઝયુઅલ એકસપિરિયન્સને ન હોય.’

હુસેનના નામે મનફાવે તેવા ગપ્પા છાપતું મિડિયા પણ પૂરી તસદી લેતું નથી. હુસેન કળાકાર છે, પણ પાક્કા વેપારી છે એમને ખબર છે કે મફત ચંદનનું લોકો તિલક લગાવીને ચાલતા થઈ જાય છે. હુસેને કહ્યું જ છે ક ેકતાર હું ‘ક્રિએટિવ ગેમ્બલ’ રૂપે આવ્યો છું. ભારત મંે છોડયુ ત્યારે મરતાં પહેલા મારે ત્રણ પ્રોજેકટ કરવા હતા. એક ભારતઃ મોહેંે જો દરોથી મનમોહનસિંહ. જેની સ્પોન્સરશિપ મને લંડનમાં મળી. બીજો જે લોકોના હૃદય પર ભારતમાં રાજ કરે છે,   આપણા વારસાની વાતો વિશે પ્રજા જાણતી નથી- પણ ફિલ્મો થકી સંસ્કૃતિને ઓળખે છે, એ ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષ અને ત્રીજો બેબિલોનથી શરૂ કરી વિશ્વભરની સંસ્કૃતિઓ. ૯૫ વર્ષે મારી પાસે હવે ઝાઝો સમય નથી.

એમાં અરબ સંસ્કૃતિની સ્પોન્સરશિપ મને કતારના શેખના પત્નીએ આપી છે. દુબઈની માફક દોહામાં પણ મોડર્ન આર્ટનું એક મ્યુઝિયમ બનાવી, ટુરિસ્ટ પ્લેસ ઉભું કરવાનું છે. એનો તગડો કોન્ટ્રાકટ કરાયો છે. ટેકસની લમણાંઝીંક ટાળવા ઘણા કોર્પોરેટ લોકો એનઆરઆઈ બની જાય છે. (ટીવી એશિયા ચેનલ વખતે અમિતાભ પણ બની ગયો હતો!) એમ હું હવે અવસ્થાને કારણે બહુ માથાફોડી ટાળીને શાંતિથી કામ થાય એ માટે અહીં રહી પડયો છું, અને નાગરિકતા લીધી છે. જો કે, કાલે હું કંઈ પણ કરી શકું. પાછો ભારત આવું, યુરોપ જઈ કોમેડી ફિલ્મ બનાવું! મારો વિરોધ કરનારા લોકોને પણ હું તો ચાહું છું. એ લોકોને આજે જે વાત નથી સમજાતી, એ આવતીકાલે સમજાઈ શકે. કળાનું  તો આવું જ હોય ને!’

આવું જ હોય .પણ ભારત એક અસહિષ્ણું દેશ બનતો જાય છે. એક બાજુથી એમ કહેવાનું કે ભારતનો પ્રાચીન વારસો તો હિન્દુ જ હોય ને, અહીં રહેનારા દરેક ધર્મના લોકોએ સ્વીકારવો જોઈએ (વંદેમાતરમ વિવાદ યાદ છે ને!) અને હુસેન જેવા જયારે એ સ્વીકારે છે, હિન્દુ સંસ્કૃતિના ચરિત્રોને પોતાનો ઈતિહાસ ગણીને ચીતરે છે, તો એમ કહેવાય છે કે, જાવ, પહેલા મોહમ્મદ પયગંબરના ચિત્રો દોરો, અમારા દેવ-દેવીઓના નહિ! આપણી પાસે બે વિકલ્પ છે. રૂઢિચુસ્ત અર્થઘટન કરીને તાલિબાની પાકિસ્તાન જેવા થતા જવાનું. બીજુ, ત્રાસવાદીઓ અને દુશ્મનો સામે લોખંડી હાથે કામ લઈને કળાકારોને પૂરતી સ્વતંત્રતા આપતા અને પોતાને જ ગાળો દેતી ખુદા કે લિયે, ન્યૂયોર્ક, માય નેઈમ ઈઝ ખાન, કુરબાન જેવી ફિલ્મો રિલિઝ થવા દેતા, ઈરાક યુઘ્ધની વિભીષિકા કહી સરકારને ઠપકારતી ‘હર્ટ’ લોકર’ને છ ઓસ્કારથી નવાજતું અમેરિકા!

માર્ટીન સ્કોર્સીસે ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ’ ફિલ્મ બનાવી, જેમાં જીસસ ક્રાઈસ્ટ અને વેશ્યા મેરી મેગ્ડોલીનના રોમાન્સની ફેન્ટેસી હતી. ફિલ્મ સામે ટીકા થઈ, ચર્ચા થઈ, પણ હજુ સ્કોર્સીસ કડેધડે ફિલ્મો બનાવે છે. કોઈ ભાંગફોડ કરતું નથી. ડેન બ્રાઉનની બેસ્ટસેલર નોવેલ / ફિલ્મો ‘દા વિન્ચી કોડ’માં જીસસને મેરીથી સંતાન હતું, એ જ તો પ્લોટ છે, તો અમેરિકા ડેન બ્રાઉનને એમ કહે છે કે જાવ, પહેલા ઈસ્લામની વાત લખો પછી વેટિકનની લખજો!  કતાર સહિષ્ણુ નથી, એવું કહેતી વખતે એ ભૂલી જઈએ છીએ કે અત્યારનું ભારત વળી કયાં સહિષ્ણુ રહ્યું છે? એ ય કતાર થતું જાય છે. બુરખાવાળી સ્ત્રીઓ ચીતરો, સાડીવાળી ચીતરો- ખબરદાર જો… ધરમને…  ભારતમાતાનું હુસેનના કહેવાતા ચિત્રો સિવાય પણ વસ્ત્રાહરણ કરનાર દુશાસનોને ઓળખો છો?

આ ટ્રાયોલોજીનો છેલ્લો અંક આવતી ‘શતદલ’માં અનાવૃત થશે.

ફાસ્ટ ફોરવર્ડ

ઘઊંનો દાણો .જીવનનો આધાર. દાણાંમાં છુપાયેલી નિર્દોષ ભોળી ફાટ- બે ચમકતી ટેકરી વચ્ચેથી ફૂટતી જવાની.

તમતમાતા તડકાના ચહેરાનો રંગ, શામળા શ્રાવણના ઝૂલામાં ઝૂલતુ ઘઊંવરણું શરીર ,ધોધમાર વરસાદનો જોશ, પણ હળવા હળવા ફોરાં, ભીની ભીની સુગંધ, જાણે બે કાયાનો પ્રેમ, બે પડની વચ્ચે દળાતો ઘઊંનો દાણો મુઠ્ઠીઓથી ગુંદાતો લોટ!’
(ઘઊંમાં કલ્પનાથી કળાકાર કેવો માદક રસિક શૃંગાર નિહાળી શકે, તેના ઉદાહરણરૂપ નમૂનો- એમ એફ. હુસેનના આ શબ્દો!)

(છપાયા તારીખ : ૨૧ /૩/૨૦૧૦)
———————————


૩. ‘આર્ટિસ્ટ’ અને ‘ટેરરિસ્ટ’નો ભેદ સમજી શકે એ રાષ્ટ્ર મહાસત્તા બને છે !


‘ચિત્રને સમજવું હોય તો નૃત્યને જાણવું જોઈએ !’

આ ક્વોટ કોઈ યુરોપિયન આર્ટિસ્ટનું નથી પણ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં માર્કંડેય મુનિએ વજ્રને આ વાક્ય કહેલું છે ! ચિત્રમાં રંગ, રૂપ, રેખાઓ અને ગતિ હોય છે. ચિત્ર કંઈ ફોટોગ્રાફ નથી. એમાં કળાકારનું ભાવવિશ્વ ઝીલાતું હોય છે, અને એમાં અસંખ્ય વાતો છૂપાવીને પણ રખાતી હોય છે, જે ઉત્તમ ભાવક પોતાની ક્ષમતા મુજબ ઉકેલે ! કળા ચિત્ર કંઈ ત્રીજા ધોરણના ક્લાસમાં બ્લેકબોર્ડ પર લખાતું સુવાક્ય નથી, કે માત્ર નીતિવાન જ હોય ! આર્ટિસ્ટ અનુભવ, અભ્યાસ અને આંતરદ્રષ્ટિથી છલોછલ હોય તો ચિત્રોને આગવા લેયર્સ આપી શકે છે. સમાજે જવાબ આપવો પડે તેવા સવાલો કરી શકે તેમાંથી નર્તન ઊભું કરી શકે છે. ક્યારેક ચિત્રમાં ફક્ત વિઝ્‌યુઅલ એક્સપિરિયન્સ જ હોય છે ! મહાન કલાકારની અભિવ્યક્તિમાં કેવળ અર્થો જ નથી શોધવાના હોતા, અનુભૂતિ માણવાની ટેવ પણ પાડવાની હોય છે. રાગ અને સૂરની સમજ ન હોય તેવા લોકો પંડિત ભીમસેન જોશીનું ગાયન સાંભળીને ‘આ તો રાગડા તાણે છે’ એવી કોમેન્ટ કરી શકે. પણ તેને લીધે ગાયન અને ગાયકની કક્ષા ઉતરતી નથી થતી !

એમ. એફ. હુસૈને એક વાર કહેલું કે, ‘‘લોકોને સામાન્ય ટેવ છે કે ફાનસ જોવાને બદલે ચારે તરફ તેના હોવાપણાનું કારણ શોધે છે. એ સળગે છે, તો ચોક્કસ રાત, ઓલવાઈ ગયું છે તો દિવસ પણ કોઈ એ નથી જોતું કે ફાનસ કેવો રૂઆબ સાથે જમીન પર ઊભું છે !’’ ચિત્રોની પણ લોકશાહી છે એમાં સીધી-સરળ વાત જ કહેવાતી હોત, તો પછી કોમનમેન અને આર્ટિસ્ટમાં ફરક જ શું હોત ? આર્ટિસ્ટ એ છે, જે જૂની વાતને પણ નવી દિશા આપે છે. કવિ માટે શબ્દો તો ચિત્રકાર માટે રંગો અને આકારોે પોતાની ફિલીંગ્સ, પોતાના એક્સપ્રેશન્સને વહેતા મૂકવાનું માઘ્યમ છે. લાલ રંગ રોમાન્સનો પણ રંગ છે, અને ભયનો પણ રંગ છે. એમાં સુહાગનની બંિદી પણ છે, અને કોલગર્લની લિપસ્ટિક પણ. એ ખાટાં ટમેટાં અને તીખા મરચાંનો પણ રંગ છે. એ વહેતાં લોહીનો અને મંગલ પ્રસંગના સાથિયાનો પણ રંગ છે ! એક જ રંગ, અને એની કેટલી અર્થછાયા ! મલ્ટીપલ ઇન્ટરપ્રિટેશન્સ !

હુસેનના નામે ફરતા મેઇલ્સમાં હુસેને ન દોરેલા હોય એવા ય ચિત્રો ફક્ત ફોરવર્ડનું બટન દબાવી દેવાથી અભ્યાસ સંપૂર્ણ થયેલો માનતા આળસુ નાગરિકો ફટકાર્યા કરે છે એક સાચો બનેલો કિસ્સો છે. રાબેતા મુજબ માત્ર હુસેનનું નામ સાંભળી ભડકેલા (હુસેને ગમ્મત ખાતર પોતાના પર મકબૂલ નામનું ચિત્ર ‘મેકબૂલ’ કરીને સ્ત્રી સાથે બુલનું બનાવેલું અને લોકો એને નંદીનું માની બેઠા !) આખલા જેવા ભાંગફોડિયાઓએ એકવાર અનાવૃત ગણેશનું ચિત્ર ટાગોરની શાંતિનિકેતનના વિદ્યાર્થી જોગેન ચૌધરીનું હુસેનનું સમજીને હોબાળો કર્યો પણ જોગેનબાબુનું છે, તેવી ખબર પડ્યા પછી વિવાદ ન થયો !

આવા ચિત્રો તે કોણ દોરે ? એવું કહેનારાઓને ખબર નથી કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જેવી સરકારી સંસ્થાના કેલેન્ડરમાં જૂન ૨૦૦૧માં બ્રાહ્મણ ચિત્રકારનું દોરેલું સીતાનુ અદ્દલ આઘુનિક (હુસેનટાઇપ) શૈલીનું ચિત્ર છપાયેલું. કોઈ ગોકીરો ન થયો ! કોલકાટ્ટામાં જઈ રોસોગુલ્લા- સંદેશ અને કુર્તાની ખાદીમાંથી નવરા પડો, તો ક્યારેક મ્યુઝિયમમાં જઈ અવનીન્દ્રનાથ ઠાકુર અને નંદલાલ બોઝના તથા અન્ય કલાકારોના કાલી અને બીજા દેવીઓના ચિત્રો જોઈ આવજો એકવાર અને ત્યાં જ બૌદ્ધ સ્તૂપોની પ્રતિમાઓ પણ નીરખજો ! મોઢેરાના સૂર્યમંદિરની દીવાલો નીરખવાની કે ભાગવતમાં રાસ અને ગોપીગીતના વર્ણનો વાંચવાની ફૂરસદ છે ? અહલ્યા- ચંદ્ર- ગૌતમથી લઈને યવક્રી- પુનર્વસુ કે કચ- યયાતિ- દેવયાની, યમ- યમીની વાર્તાઓના વર્ણનો વાંચ્યા છે ? કળાગુરુ રવિશંકર રાવળના પણ ચિત્રો ગુજરાતે ક્યાં પૂરા જોયા જાણ્યા છે? ભૂપેન ખખ્ખરના ચિત્રો પણ કેટલાએ જોયા છે ? સારું છે, બહુમતી લોકોને સંસ્કૃત આવડતું નથી. નહિ તો ‘ગીતગોવંિદ’ની પણ હોળીઓ થઈ હોત, અને યોનિપૂજા અને અલગ અલગ વ્યવસાયની સ્ત્રીઓને દેવીઓ સાથે જોડતા તંત્રના હજારો વર્ષોથી સચવાયેલા ગ્રંથો બિભત્સ માની ખતમ કરી દેવાયા હોત ! રમેશ પારેખની ‘ગધેડીના ઇશ્વર’ કહીને લખાયેલી કવિતા કે ‘રે મઠ’ના કવિઓને પણ પુરાતન મિથકો સાથે આઘુનિક કલ્પનો ભેળવવા માટે ગાળો ખાવી પડી હોત ! (ફરી સવાલ થશે – ‘રે મઠ’ શું છે ?) બૌદ્ધ સાઘુ વિદ્યાકારે ૧૧મી સદીમાં ૧૭૨૮ પ્રાચીન કાવ્યોનું સંકલન કર્યું છે, જે ‘ઇરોટિક પોએટ્રી’ તરીકે મેક્સિકન કવિ ઓક્તેવિયો પાઝે પણ અંગ્રેજીમાં લીઘું છે !

કોઈ પણ કળાને સમજવાના કેટલાક પાયાના ધારાધોરણ હોય. પોતાને ફોક પેઇન્ટર ગણાવતા હુસેને ખરેખર તો આઝાદી અગાઉના પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપમાં જોડાઈને વિશ્વ સામે ભારતને એના અસલી (જેમ કે શાકમાર્કેટમાં જાંબુડી રીંગણ પર ગોઠવેલા પીળા લીંબુ) રંગોમાં રજૂ કરવાનો પડકાર ઝીલ્યો હતો. બીજા ચિત્રકારો વિદેશવાસી થયા, પણ વડોદરાના ગાંધીવાદી અબ્બાસજી તૈયબજીની સ્કૂલમાં ભણેલા હુસેન ભારત જ રહ્યા. ભારતને ચીતરતા રહ્યા. જૂનાના પુનરાવર્તનને બદલે જૂનાને આધાર બનાવી એમાં નવા વૈશ્વિક પ્રવાહોની રંગપૂરણી કરી.

જેમ કે, હનુમાન સીરિઝમાં એમણે ‘ઓરિજીનલ સુપરમેન’ કહી પહેલી વખત જગતને હનુમાન સુપરહીરોના (પશ્ચિમને સમજાતા) મેટાફોરમાં મૂક્યા, જેમાં સુપરમેનની માફક હનુમાનની છાતી પર ડાયમંડ શેપમાં રામસીતા મૂક્યા ! આકૃતિ નવી હતી પણ છાતી ચીરીને રામ બતાવવાવાળી વાત પ્રાચીન હતી !

પરંતુ કળાકાર હંમેશા પ્રચલિત ચરિત્રોની ભારતીય બાજુ નિહાળે એ કળાપ્રવાહ છે. દુર્યોધનને નાયક કલ્પીને આપણે ત્યાં નાટકો (ઉરૂભંગમ) રચાયા છે ! હનુમાન જેવા જાત બીજા ખાતર ઓગાળીને ઘ્યાનસ્થ થયેલા સેલ્ફલેસ ડિવોટીને પણ ક્યારેક રામ-સીતા કે અન્ય કોઈનું સંસારસુખ જોઈને શું થાય ? એ ડેવિએશન લઈને પણ ચિત્રો રચ્યા છે. ક્યાંક નગ્નતા આતતાયીના જુલ્મ સામે ‘વલ્નરેબલ’ (સોફ્‌ટ ટાર્ગેટ) બનેલી વ્યક્તિની અસહાયતા દર્શાવતી હોય. તો વળી હિટલરના ચિત્રમાં જનનેન્દ્રિયના સ્થાને ખોપરી છે. જેમાં સિગ્મન્ડ ફ્રોઇડની માનસશાસ્ત્રીય થિયરી છે કે યુદ્ધા એ જાતીયતાનું નિરૂપણ છે. એટલે જ બુલેટથી મિસાઇલ સુધીના શસ્ત્રોનો આકાર પુરુષના ગુપ્તાંગ જેવો જ રહ્યો છે ! દરેક કળા એના કોન્ટેક્સ્ટમાં સમજવાની તસ્દી લેવી પડે ! હુસેને પૂર્ણ વસ્ત્રોવાળા દેવી પણ ચીતર્યા છે (જુઓ તસ્વીર)

દ્રૌપદીના વિશ્વવિખ્યાત ચિત્રમાં (હુસૈને ભારતભરમાં ‘મહાભારત’ પર સૌથી વઘુ ૩૦૦ ચિત્રો કર્યા છે !) નારીની ગરિમાનું પતન એટલે ‘ફ્રી ફોલ’ દર્શાવાયો છે. ચોપાટના રંગીન ખાનાઓ જાણે ભૂતકાળની સ્મૃતિઓ અને જંિદગીના રંગબેરંગી અનુભવો બનીને વીંટળાય છે. ઇજીપ્શીયન મમીની માફક ફરતું એક વસ્ત્ર વીંટળાય છે. ચહેરા પર ચીસ છે કદાચ સ્વયમ્‌વરમાં મત્સ્યવેધથી ‘જીતાયા’ અને જુગટામાં ‘હોડ’માં મૂકાયા પછી વ્યક્તિ મટી, વસ્તુ બનેલી નારીની ! ૧૯૭૭માં બ્યુનેલ નામના સ્પેનિશ ડાયરેક્ટરની ફિલ્મ ‘ધ ઓબ્સક્યોર ઓબજેક્ટ ઓફ ડિઝાયર’ જોયા પછી ઉઠેલા મનોભાવોને હુસેને પછીની મહાભારત સીરિઝના કેટલાક ચિત્રોમાં ‘ફ્‌યુઝન’ કર્યા હતા, ‘મહાભારત’ પણ હુસેનના મતે ઇચ્છા અને એમાંથી જન્મતા અભાવોના સંઘર્ષની કહાની છે ! હુસેનના ૫૦,૦૦૦ જેટલા વૈવિઘ્યસભર ચિત્રોમાંથી કેવળ ૫-૧૦ લઈને જ સજ્જતા વિના આખા માણસનું જજમેન્ટ આપીશું ! હુસેનની આદત સાહિત્ય અને લોકસાંસ્કૃતિના શાસ્ત્રીય સંદર્ભો લઈ તેને મોડર્ન આર્ટના ફોર્મમાં જોડવાની છે.

એટલે જ હુસેને માઘુરી સીરિઝ કરી, મૂળ તો કાલિદાસની ‘શકુંતલા’ને રજૂ કરવાની હતી – એ પરફેક્ટ ઇન્ડિયન વુમન તરીકે ! પણ ભાતીગળ વારસો ભૂલી ગયેલા બધા એને ન ઓળખી શકે. એટલે ‘ગજગામિની’ના આઘુનિક, પોપ્યુલર મેટાફોર તરીકે માઘુરી આવી ગઈ ! હુસેને બેસૂમાર અશ્વો ચીતર્યા છે. કેમ ? લો એમના શબ્દોમાં જ વાંચો (અને વિચારો, કેટલી રેન્જ છે આ બુઝર્ગ આર્ટિસ્ટના જ્ઞાનની અને કેવી રીતે એની નજર અનેકમાં એકનું અદ્વૈત પણ જોઈ શકે છે !)

‘‘એ હણહણાટ છે, એ નાળનો ખણખણાટ છે એ સંબંધ છે ઘોડેસ્વારોનો. એ સંબંધ છે કરબલાના તરસ્યાઓ માટે મશક ઉઠાવવાવાળી દુલદુલ (માદા ખચ્ચર)નો. આ અશ્વમેઘ છે લવ અને કુશનો. એ બુર્રાક છે, સૌથી ઊંચા આકાશમાં ઉડવાનો. બચપણમાં મને ઘોડાવાળા રથમાં સવાર થઈ આકાશમાં ઉડવાના સપના આવતા, ત્યારે માટી અને લાકડાના ઘોડા સાથે રમતો. હવે ટ્રોજન હોર્સનો વિજય અને મારિયો માવિનીનો ઇટાલિયન અશ્વ મળ્યો છે. રાણા પ્રતાપને ચેતક મળ્યો છે. છોકરો ચીનની દીવાલ પરના હૂન ડાયનેસ્ટીના ટેરાકોટા ઘોડાઓ વચ્ચેથી પસાર થઈને સેન્ટ માર્કોની સફેદ પહાડીઓમાંથી કોતરેલા ઘોડાઓના ઝૂંડમાં ઘેરાયેલો, પોતાની બે-લગામ પીંછી પર સવાર વર્ષો સુધી યાત્રામાં જોડાયેલો દેખાશે ! પરંતુ આજે પણ આ છોકરાની જીભ પર એ જ નાળ ઠોકવાવાળા અચ્છનમિયાંની ચાની મઝા બાકી છે. જેની શોધમાં એ સમયના દાદાની આંગળી પકડી ભટકી રહ્યો છે. ઇન્દોરની ગલીઓના ધાબા, દિલ્હીના નિઝામુદ્દીનના ચાયખાના, લંડનની દોઢસો વર્ષ જૂની શેપર્ડ માર્કેટની કોફી શોપ, ન્યૂયોર્કના અડધી રાત સુધી ખુલ્લા રહેતા ટેક્સીવાળાના અડ્ડા, પ્રાગના, કાર્લબ્રિજના ચારે તરફના કર્વના, કલકત્તાના સરદારજીની જાડા દૂધની ચામાં બોળેલી તંદૂરી રોટી, મુંબઈના ભીંડી બજારની અડધો કપ ચા મારામારી…..’’

હુસેન ભારતની નજીક રહીને આજે ય અમદાવાદની ચા થરમોસમાં મંગાવે છે ! એક કળાવિવેચક એમને મળવા ગયા, તો એમણે છાપુ મંગાવ્યું. પેલા ભાઈએ એ લઈ જઈ પૂછ્‌યું – આનું શું કરશો ? એ તો ઓનલાઇન છે ! હુસેને છાપુ સુંધ્યું અને કહ્યું, આમાં ભારતની ખુશ્બુ છે, જે ઓનલાઇનમાં નથી !

કળાકાર તરંગી લાગે છે, કારણ કે એ તરંગોના જ રંગોમાં જીવે છે ! સામાન્ય માણસથી એની સંવેદનશીલતા અને કલ્પનાશક્તિ અલગ હોય, એટલે તો એ આર્ટિસ્ટ બને છે ! આર્ટનું એક અલાયદું યુનિવર્સ છે.

જેમ લંિગપૂજા વિકૃત નથી, એ શિવભક્ત અનુભવે પણ વિદેશી નહિ, એમ જ આ કળામાં વિકૃતિ નથી એ અંદરનો કળાપારખુ સમજી શકે, અણસમજુઓ નહિ !

* * *

સ્વામી વિવેકાનંદે કહ્યું છે ઃ આપણે દરેકને આપણા માનસિક વિશ્વની સીમામાં બાંધી આપણા સિદ્ધાંત, નૈતિકતાના બોધ આપીએ છીએ. આમ જ ધાર્મિક સંઘર્ષ પણ બીજાના મૂલ્યાંકનની સોગાત છે. બીજાને એમની નજરથી જોતા શીખો, પોતાની નહિ.

ભારતમાં સાંસ્કૃતિક પવિત્રતાના નામે નવું ‘પ્યુરિટનિઝમ’ (વિક્ટોરિયન યુગના મરજાદી ચોખલિયાવેડા) તૈયાર થતું જાય છે. જેમાં અજ્ઞાન લોકો કળા સામે ઉધામા મચાવી (યુરોપના) નવજાગરણ (રેનેસાં) યુગ અગાઉનું વાતાવરણ અહીં સર્જી રહ્યા છે.

એ કમનસીબી છે કે, કોઈ આર્ટિસ્ટના કામમાં ન્યુડિટી દેખાય કે તરત બધાના ભવા આજે ચડી જાય છે એ લોકો આર્ટિસ્ટને ડરાવે છે. એમની સર્જનશીલતાનું પ્રદર્શન કરતા રોકે છે. ગુનેગારોને જેર કરવા માટેની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ઉપયોગ ક્રિએટીવ આર્ટ સામે ન થઈ શકે. એક કળાકારની દરેક બાબત નિહાળવાની આગવી દ્રષ્ટિ હોય છે અને કળાકાર સામે ગુનેગારની જેમ કાયદાકીય કાર્યવાહી કરવી આધારહીન, બેતૂકી વાત છે. અશ્વ્લીલતા આ ચિત્રોમાં ક્યાંય નથી. આ કળાકારનો આ બાબતને જોવાનો દ્રષ્ટિકણ છે, જેને પડકારી શકાય નહિ ! ૯૦ વર્ષના પેઇન્ટરને પોતાના ઘરમાં બેસીને કેનવાસ પર પેઇન્ટ કરવાનો હક છે ! મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો કહેતા- ‘‘આર્ટ ઇઝ નોટ ચેસ્ટ, વોટ ઇઝ ચેસ્ટ ઇઝ નોટ આર્ટ ! (કળા ડાહીડમરી ન હોય, અને હોય તો એ કળા નથી !)’’

સબૂર ! ઉતાવળિયા કન્ક્લુઝન પર ન આવતા. આ વાક્યો કોઈ સૂડો-સેક્યુલરિસ્ટ, લધુમતી વોટબેન્કવાળા નેતા કે મુગ્ધ હુસેનફેનના નથી. આ શબ્દો છે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સંજય કિશન કૌલના ! જેમણે ૭૪ પાનાનો અદ્‌ભુત ચુકાદો આપી હુસેન સામેના કેસીઝ ‘ખારિજ કરી નાખ્યા હતા !

વાદીઓ તોય સુપ્રિમ કોર્ટમાં ગયા. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જી. બાલાકૃષ્ણન, જસ્ટિસ પી. સથાશિવમ્‌ અને જે. એમ. પંચાલ (ત્રણે નામ હિન્દુ છે !)ની બનેલી બેન્ચે સોઇઝાટકીને કહી દીઘું, ‘‘ભારતમાતા (હુસેનનું ચિત્ર) તો કળાનો નમૂનો છે એ બિભત્સ નથી. ફરિયાદીની લાગણીઓ અસંખ્ય શૃંગારિક શિલ્પો જોઈને કેમ દુભાતી નથી ? આવા અઢળક ચિત્રો, તસવીરો અને ચિત્રો ભારતમાં છે. મંદિરોમાં પણ છે. આટલા હજાર વર્ષોથી કોઈની લાગણી એનાથી દુભાઈ નથી.’’

સુપ્રિમ કોર્ટે પણ અપીલ ફગાવી દીધી !

હિન્દુત્વને ‘વે ઑફ લાઇફ’ કહેતી વખતે ગર્વભેર સુપ્રિમકોર્ટને ટાંકવી છે. રામજન્મભૂમિના તાળા તોડાવતો હાઇકોર્ટનો ચુકાદો માથે ચડાવવો છે. તો પછી ભારતની એ જ સર્વોચ્ચ સંસ્થાએ ખુલ્લેઆમ હુસેનના આર્ટવર્કને ક્લીન ચીટ આપી છે, એ કેમ સ્વીકારી શકાતી નથી ? મુઠ્ઠીભર તેજોદ્વેષી કે રાજકીય કળાકારો સિવાય કળાજગતનો મત પણ એ જ છે. લોકો સંજય દત્તો અને લાલુપ્રસાદોની બાબતમાં હથિયાર અને ભ્રષ્ટાચારના ગંભીર ગુનાઓમાં પણ કોર્ટનો ફેંસલો સ્વીકારી લે છે અને અફઝલને ફાંસીમાં કોર્ટનો હવાલો આપે છે- તો પછી હુસેનની બાબતમાં કોર્ટ ખોટી ? એ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય ! ધાર્મિક લાગણીનો આવો જડ અંધાપો ? હુસેનને ભારતના કાનૂનની મુંઝવણ નથી. પણ સતત સમજ્યા વિના હડઘૂત કરવાના હિન્સક વિરોધ વચ્ચે કામ કેવી રીતે થાય ?

કોઈ બળાત્કારી કે ખૂનીની સામે પણ માણસ જાતે ન્યાય તોળવાને બદલે ફરિયાદ કરી કોર્ટ પાસે ન્યાય માંગે છે. કબૂલ, કે હુસેનની કે કોઈ પણ જાતની કળા ગમાડવી ફરજિયાત નથી. ચોક્કસ તેને વખોડી શકાય, વિરોધ કરી શકાય. પણ અહીં તો હંિસક ભાંગફોડ અને પોલિસ ફરિયાદો થાય છે. ઠીક છે. ના ગમ્યું, તો કોર્ટમાં બી ચેલેન્જ કરી શકાય પણ બબ્બે વખત પૂરી વિદ્વતાથી અદાલતે કહ્યું તો ય સત્ય સ્વીકારવું નથી ? સુલેમાની વહોરા હુસેનની અટક મુસ્લિમ છે, એટલા માત્રથી ? મોડર્ન આર્ટ, પ્રાચીન ભારતનો અભ્યાસ નથી એટલે ? એ ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો વારસો લધુમતીઓએ અપનાવવો, બિરદાવવો જોઈએ તેનું રોલમોડેલ બની શકે, તેને બદલે તેના હાથ કાપનારને ઇનામ જાહેર કરવાનું ? સ્વયમ્‌ પરમાત્માએ હજુ હુસેનને ૯૫ વર્ષે ઝડપભેર કામ કરવાનું સ્વાસ્થ્ય આપ્યું છે, સજા નહિ !

અંતે હુસેનનો ગુનો શું ? ભરણ-પોષણ કરવા આખો દિવસ ફિલ્મી પોસ્ટરો દોરીને રાતના લેમ્પપોસ્ટના અજવાળે ચિત્રો દોરવાનું ચાલું રાખી, જીંદગી આર્ટને ચરણે સમર્પિત કરી નામ- દામ કમાયા… પહેલું ચિત્ર દસ રૂપિયામાં વેચી અંતે દસ કરોડ સુધી પહોંચ્યા એ ? ધાર્મિકને બદલે સાંસ્કૃતિક અભિગમ રાખ્યો, જે કલ્ચર જોયું હતું, તેવું કેન્વાસ પર ઝીલ્યું – બુરખાધારી ઔરતોનું કલ્ચર એ રીતે, મિશનરી સાડીનું એ રીતે, અને ઝાકમઝોળ ગ્લેમર તથા જાતીયતાથી મહેકતું હિન્દુત્વ એ રીતે… એ વાંક ? સ્પિરિચ્યુઅલ માણસ તરીકે કદી ખુલાસા ન કર્યા, પણ છતાં માફી માંગી- જે કોઈએ સાંભળી નહિ, એ વાંક ?

અને આપણે રીતસરના ખૂની, બળાત્કારી, ભ્રષ્ટાચારીઓના મામલે સહિષ્ણુ છીએ, પણ આર્ટના મામલે આળી ચામડીના થઈએ ? હુસેન તો સોફ્‌ટ ટાર્ગેટ છે. એ થોડા હાફિઝ સૈયદ કે મસૂદ અઝહરની જેમ હથિયારબંધ જેહાદીઓ ભેગા કરી ફરે છે ? એક બૂઢા ચિતારાને પાંચ મુક્કા મારો તો ય બાપડો ખતમ થઈ જશે. તો ય બધા એની પાછળ પડી ગયા છે – પોતાની લુખ્ખી રાષ્ટ્રભક્તિ અને સંકુચિત ધર્મભાવના સિદ્ધ કરવા !

ભારતમાતાનું વસ્ત્રાહરણ ચિત્રો- કવિતાથી શું થાય ? જો અસહિષ્ણુ જ થવું હોય તો લોકલ કલેક્ટર ઓફિસમાં ભ્રષ્ટાચાર થતો હશે. ટોલ ટેક્સથી લઈ ખાંડ-તેલ સુધી ભેળસેળ અને ભાવવધારો ચાલે છે. ઘુતારા બાબા- મુલ્લાઓ પ્રજાને ભોળવી જમીનો ઓળવી લે છે. હત્યાઓ કરાવે છે. રસ્તા પર ખાડા છે. પાણી હોતું નથી. પ્રદૂષણ બેફામ છે. સરકારી ખર્ચે ચાલતા ફ્‌લાઇઓવરના કામ તકલાદી નીવડે છે. ગલીના ગુંડાઓ ધાકધમકીથી છોકરીઓ ઉઠાવી જાય છે. કેટલાક ફેનેટિક મદ્રેસાઓમાં બોમ્બ બનાવવાની તાલીમ આપી ભારતના ટુકડા કરાય છે. આઝમગઢમાંથી ખંડણીખોર શૂટર આવે છે. કાશ્મીર સરહદ પર ખુલ્લેઆમ આતંકવાદી કેમ્પ ચાલે છે. સ્થાનિક જનપ્રતિનિધિ, અફસર, પ્રજાના પૈસે ઘર ભરી લે છે. સરસ્વતીના ફોટાવાળી શિક્ષણ સંસ્થાઓમાં પારાવાર પોલિટિક્સ છે. પરીક્ષા-ચોરી છે પેપરોમાં ઘાલમેલ છે. ગોખણપટ્ટીની પદ્ધતિ ફરતી નથી. પાઠ્યપુસ્તકો ભૂલોવાળા અને બોરીંગ છે. શિક્ષક બનવા પૈસા ખવડાવવા પડે છે, સાચી ફાઇલ પાસ થતી નથી. હપ્તાખાઉ પોલીસવાળા છે. બ્લેકમેઇલર પત્રકારો છે. છેતરપિંડીવાળા ઉદ્યોગપતિઓ છે. જ્ઞાતિવાદી ધર્મગુરુઓ છે. સરસ્વતી કે ભારતમાતાનું આ સરેઆમ વસ્ત્રાહરણ થઈ રહ્યુ છે. થઈ ચૂક્યું છે. આપણે જ એમાં ભાગીદાર અને સાક્ષી છીએ. ત્યાં લોહી ઉકળતું નથી અને ૯૫ વરસના ચિત્રકારની ઓલરેડી કોર્ટ એપ્રુવ્ડ ક્રિએટીવીટીની પાછળ પડી જવાના પલાયનવાદમાં મસ્ત છીએ ! એકઝાટકે બુરખા પર પ્રતિબંધ મૂકી દેનાર ફ્રાન્સ શું આર્ટિસ્ટસ પર સેન્સરશિપ લાદે છે કદી ? ત્રાસવાદીઓને શૂટ કરી નાખનાર બ્રિટન પોતાની સરકારના ધર્મના કે જન્મથી બ્રિટીશ ન હોવા છતાં સલમાન રશ્દીને સાચવે જ છે ને !

જ્યાં બતાવવાની છે ત્યાં અસહિષ્ણુતા આપણે બતાવતા નથી અને શરિઅતના કાનૂનથી ચાલતા તાલિબાનોની જેહાદનો ચેપ વળગ્યો હોય એમ કળાકારોનેે પરેશાન કરવામાં બહાદુરી અનુભવીએ છીએ! જેની ટીકા કરીએ, એમની જેમ જ વર્તીએ છીએ ! જે મહાસત્તાઓ છે, તે આર્ટિસ્ટને પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર્સ બનાવે છે અને પોતાની શક્તિ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, આરોગ્ય, ટ્રાફિક જેવા પ્રશ્નો ઉકેલવામાં લગાવે છે ! અને આપણે આજે એવા અબૂધ બનીએ કે ૧૯મી ૨૦મી સદીમાં કેલેન્ડર આર્ટરૂપે દેવ-દેવીઓના ચિત્રો બન્યા, જેમાં દક્ષિણ ભારતીય કલાકારો હોઈ કાંજીવરમની સાડી હોય અને સિલાઈ મશીનમાં સીવેલા બ્લાઉઝ હોય તેને સ્ટાન્ડર્ડ માની લઈએ છીએ ! મૂળ ઇમેજીઝ ભૂલી જઈએ છીએ!

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં આપેલા અફલાતૂન પ્રવચનમાં સલમાન રશદીએ ચિન્તા પ્રગટ કરી કે, આમ જ ચાલ્યું તો મહાન પ્લુરારિસ્ટ ભારત પેલેસ્ટાઇન થતું જશે. લોકો આ કલાકારોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સિરિયસલી લેતા નથી. તસ્લીમા કે હુસેનને સાચવતા નથી. તર્કથી વિરોધ કરવાને બદલે તલવારથી વિરોધ કરે છે. આર્ટિસ્ટ પોતાની કળાની એક સ્પેસ બનાવે છે. તમને એ ન ગમે તો તમે છોડી દો. લાગણી દુભાઈ જાય તો ચિત્ર ન જુઓ. પુસ્તક બંધ કરો. લેખ ન વાંચો. પણ આર્ટિસ્ટને તેનું કામ કરવા દો એ નકામું હશે, તો આપોઆપ ભૂલાઈ જશે ! ક્યાં ગયું એ ભારત- જેમાં ટાગોરે લખેલું વ્હેર હેડ ઇઝ હેલ્ડ હાઇ, માઇન્ડ ઇઝ ફ્રી ફ્રોમ ફ્રીડમ, વ્હેર અર્થ ઇઝ નોટ ડિવાઇડેડ ઇન્ટુ નેરો…

લોકશાહીમાં દરેકને અભિપ્રાય હોય, પણ અદાલતી ફેંસલો આખરી માનવાનું સૌજન્ય હોવું જોઈએ. લાગણી વાસ્તવિકતાથી ન દુભાય અને કળાથી દુભાય એ પલાયનવાદ છે. વિદ્વાન પ્રધાન શશી થરૂરથી લઈ હુસૈનને મળનારા સામાન્ય વાચકો એકમત છે કે એ ચિત્રો પાછળ દિવાના છે, પણ ફેનેટિક મુસ્લિમ નથી. ગલ્ફમાં તો ધંધા માટે ઘણા ગુજરાતીઓ પણરહી પડ્યા છે. જસ્ટ થીંક. એક બાજુ મેચ ફિક્સંિગ જેવા ક્રાઇમ કરીને લધુમતીના અન્યાયની ચીસાચીસ કરી અઝહરૂદ્દીન એમ.પી. થઈ જાય છે. બીજી બાજુ અસલી ભારતને પ્રેમ કરનારા હુસૈન લધુમતી કાર્ડ વાપરવાને બદલે એમ કહે છે, ‘‘જે મારી કળા સમજી નથી શકતા, એમનેય હું પ્રેમ કરું છું. એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.’’

યાદ આવે છે લાગણીશીલ બનેલા વિરોધ કરનારા ટોળા વચ્ચે આવું કોણે કહ્યું હતું ?

સોરી, માત્ર આર્થિક પ્રગતિથી મહાસત્તા નહિ બની શકાય, થોડું આર્ટ બાબતનું ટોલરન્સ વધારવું પડશે. હજુ ૯૦ ટકા સર્જન અંદર જ પડ્યું છે. એમ ન માનતા હુસેને એમના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું,

તૂ કહે  તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન

એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે.

‘તમે કહો તો કથાનું શીર્ષક બદલી નાંખું, પણ આખી કથા બદલવા માટે તો નવી જિન્દગી જોઈએ !’

ક્યા બાત હૈ !

ઝિંગ થિંગ !

ક્યારેક દ્રશ્ય, વિચાર, જોશ, સંગીત બધાને કાળ જોડે છે, ક્યારેક તોડે પણ છે. કાળ હંમેશા વર્તમાનમાં હોય છે. એ આપણી આજછે કે તમામ આવતીકાલ અને ગઈકાલની ધરી છે ! (એમ.એફ. હુસેન)

(છપાયા તારીખ : ૨૪/૩/૨૦૧૦)

#બોનસ -૧ (ફેસબુક પર અગાઉ મુકાયેલો અને આડે પાટે ચડેલી  ચર્ચામાં વિખાઈ પીંખાઇ ગયેલો વિડિઓ અને એનું મેં કરેલું રસદર્શન..

હુસેન ભારતીય સંસ્કૃતિના એક એક રંગને ટાગોરની માફક કેવા ઘોળીને પી ગયા છે, એ કાવ્યાત્મક રીતે અહીં પ્રગટ થાય છે.

indian feminine form ને ટ્રિબ્યૂટ આપવા આખા ગીતમાં માધુરીની શાસ્ત્રીય નૃત્યોની વિવિધ મુદ્રા છે, પણ ચહેરો નથી, જેથી એ વ્યક્તિ મટી સમગ્ર સ્ત્રી જાતિની અભિવ્યક્તિ બની જાય છે.

ભારતીયતાના વાસંતી રંગો યાને રેડ, ઓરેન્જ,યેલોના અહીં શેડ્સ છે. સ્ત્રીના માથા પરની ગાંસડી એ નારી જાતિ પરનો પરંપરાનો બોજ છે, એટલે એ ના હોય ત્યારે નૃત્ય વધુ વેગીલું બને છે.

મંદિરમાં આદિ ઊર્જા સમાન શિવ છે, પણ એ ડમરુંના સ્વરૂપે છે. ડમરું પરસ્પર વિરોધી બે આકારના જોડાવાથી બનતું હોઈને અર્ધનારી નટેશ્વરના હાથમાં પુરુષ અને પ્રકૃતિ ઉર્ફે યિન-યંગનું યાને યુગલત્વનું પ્રતિક છે. ઉપર ચિતરાયેલો યેલો સાપ પણ છે, કામના રૂપે..

એક દિવાલ પર તલવારધારી સિંહ છે, જે દુર્ગા-આદિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માધુરી ગજગામિની યાને હાથી જેવી મલપતી ચાલે પાણીના વહેતા પ્રવાહની જેમ ચાલે છે, કારણકે સ્ત્રી એ જલતત્વ છે. પુષ્પની સુવાસ અને જળની ભીનાશ છે એમાં..

સેટ ડીઝાઈન, સંગીત, શબ્દો , કેમેરા એન્ગલ વગેરેની કલાત્મકતા સાથે અંતે ગીત બજરંગબલીના ચિત્ર સામે નમન રૂપે સમાપ્ત થાય છે. હુસેને એક વખત હનુમાન સીરીઝના ચિત્રો વખતે લખેલું કે હનુમાન વિશ્વમાં પ્રથમ સુપરમેન/સુપરહીરો છે. એ બુદ્ધિમાન છે, શક્તિશાળી છે, વિવેકી છે, પરાક્રમી છે, સાહસિક છે, કલાકાર છે, સમર્પણ કરવામાં નિરાભિમાની છે. સ્ત્રીના ગમે એવા પ્રોટેક્ટર-રક્ષક છે. અને નિર્ણયોમાં ભૂલ, વેવલાઈ કે ઉતાવળ કરતા નથી…

આ બધું જ ક્યાંય દ્રશ્યને અવરોધ્યા વિના, તેને વધુ સમૃદ્ધ બનાવે છે.

#બોનસ-૨ ઓરકુટ પરની  ચર્ચામાં સામે ચાલીને વાચક જય વિસાનીએ (જે ફેસબુક પર પણ સક્રિય છે) લખેલો એમનો જાત-અનુભવ:

mind well I am a pakka Hindu and dont compromise on my religion and beliefs … the way you have explained is convincing …I suggest your article should be translated in English and Hindi for the benefits of our non-gujarati friends incidently I had an opportunity to meet him ( bare footed 6’ + MF Husain ) personally for 30 minutes during 1992-93 at Andheri East , at ‘Sukanya’ Bar & Restaurant where he was enjoying his Old Munk Rum … with his permission I sat in front of him ..we discussed few things including religion since it was 1992-93( riot period) i found him straight forward , simple , a non-religious but spiritual person …least bothered about anything else than his paintings and yes he is a nature lover….he then walked away after having two pegs of rum .. on enquiry the manager told me that he was a regular visitor then ( surprisingly no body recognized him ever ) … point is he is not a communal minded-man / artist and should be seen that way …he is not fanatic … he is an artist with mad passion for his art …

#બોનસ ૩- દિવસો સુધી ઓરકુટ પર ચાલેલી ચર્ચા જેમાં તમામ શંકાનું મેં તળિયા ઝાટક નિવારણ કર્યું છે. પણ મારા સવાલો ના કોઈ પાસે ગળે ઉતરે એવા જવાબો નહોતા ! :

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=26114022&tid=5446882008773109625&kw=hussain

******ડીઅર રીડરબિરાદર, યાદ રાખજો, આ આખી કસરતમાં મને શું મળવાનું છે? એવાર્ડ પણ નહિ, ને રીવોર્ડ પણ નહિ..ઉલટા થોડા વાચક ઓછા થાય ખીજાઈને !..પણ આ કોઈ તો સમજે એવી આશાથી..ભારત અને કળા પ્રત્યેના પ્રેમથી કરેલું કાર્ય છે. હું મારી જાતને રોકી નથી શકતો અને ચુમ્બકની જેમ આ કરતો જાઉં છું ખેંચાઈને..! .હું તો સાચી ભારતીયતા માટે, સતત હમણાં જ ફેસબુક પર અનેક ચર્ચા માં અળખામણો થઈને પણ દંભી સેક્યુલારિઝમની સામે સચોટ દલીલો કરતો હોઉં છું એ તાજું જ છે. છતાંય ફેસ્બૂક પર રાજ ઠાકરે જેટલી પણ ગરિમા વીણા મોતના માલજાને બદલે, મારી વાત પણ ભરોસો ના મુકનાર અને પોલીટીકલ પ્રોપેગેન્ડાથીઓ દોરવાઈ જનાર વાચકે , હજુ તાજો દિલ્હી સરકારના દમનવિરોધી લેખને ભૂલીને મારી સામે અક્કલનો એંઠવાડ પીરસતા હોય એવા બખાળા કાઢ્યા..ખોટી વિગતોથી જેમતેમ લખ્યું. આ છે સંસ્કૃતિ? જેમાં કોઈ ત્રાસવાદી હોય એમ મરેલા કલાકારને હડધૂત કરાય ? અવતારોએ અસુરો સાથે આવું કર્યું નથી ભારતમાં. જેહાદી પાકિસ્તાની તાલિબાન અને આવા અભણ લોકો ના હિદુત્વમાં ફરક શું છે? એક અંજલિ આપવા જતા જો મારી આ હાલત હોય…તો એને કેસ સ્ટડી માની, હુસેનની શું હાલત થઇ હશે નાદાન તોફનીઓથી..એ વિચારજો.

જો, વિચારવાને દેશભક્તિની પ્રક્રિયા ગણતા હો તો.

– જય વસાવડા

અપડેટ :

૪.

ચલો કુછ દિનોં કે લિયે, દુનિયા છોડ દેતે હૈ ‘ફરાઝ’

સુના હૈ લોગ બહુત યાદ કરતે હૈ, ચલે જાને કે બાદ!


લોકલાગણીથી જ બધાં સત્યો ઓળખાતાં હોત તો એક વખતે લોકલાગણી આસ્થાના નામે સતીપ્રથાની પણ તરફેણમાં હતી!

બ્રેકિંગ ન્યૂઝઃ

મહાન કલાકાર, વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની આ વાંચો છો, ત્યારે હત્યાઓ અને અસામાજીક પ્રવૃત્તિ માટે ધરપકડ કરવામાં આવી છે. એમણે છોકરીઓની વારંવાર ‘પોટ્ટી પટાના હૈ કામ અપુન કા’ ગાઈને જાહેરમાં છેડતી કરી છે. એમણે વારંવાર કીમતી ચીજોનું સ્મગલિંગ કર્યું છે, એમણે આર્થિક છેતરપિંડી , ચોરી , જાહેરમાં મારામારી, ડ્રગ ટ્રાફિકિંગ જેવા અઢળક ગુનાઓ કર્યા છે. બેંક લૂંટ પણ કરી છે.

પણ એમની ફાંસીની સજા નિશ્ચિત છે. કારણ કે, એમણે આખી મિનિસ્ટરોની કેબિનેટ ગોળીઓથી ઉડાડી દીધી છે (ઈન્કિલાબ)! ઠંડે કલેજે ખૂનો કર્યા છે (આખરી રસ્તા)… ભરી અદાલતમાં (અંધા કાનૂન), દરિયા કિનારે (અગ્નિપથ), રણમાં (ખુદાગવાહ), એન્કાઉન્ટર (ઝંઝીર), સામૂહિક હત્યાકાંડ (સરકારરાજ)… આ માણસ જાહેરમાં ગુસ્સાવાળું વર્તન વારંવાર કરે છે, દારૂ પીને દંગલ કરે છે . આ માણસ વિકૃત છે, જોખમી છે. આ તમામ અપરાધો માટે એને કડક સજા થશે.

* * *

રીડર બિરાદર, જી ના. આ લખવૈયાનું ફટકી નથી ગયું. છટકી નથી ગયું. આવા સમાચાર વાંચો તો તમને હસવું આવે. વાહિયાત લાગે. આ બધા ‘ગુના’ અમિતાભ બચ્ચને તો ફિલ્મોના પડદે કાલ્પનિક કહાનીઓમાં કર્યા છે. રિયલ લાઈફમાં એના માટે સજા કે નફરત થોડી આપવાની હોય, આવું તો સ્કૂલ ગોઈંગ કિડ પણ કહેશે.

પણ કળાસૂઝ કે ક્રિએટિવિટીની બાબતમાં ચાઈલ્ડિશ એપ્રોચ રાખનાર ભારતની જનતાનો એક અભણ પણ બોલકો વર્ગ આટલું સમજી શકતો નથી. કોઈ પણ સર્જક પોતે જે કંઈ સર્જન કરે છે એ તેની વર્ચ્યુઅલ સ્પેસ યાને કાલ્પનિક સૃષ્ટિ ઉભી કરીને કરે છે. એમાં માની લો કે કશોક અપરાધ પણ થયો હોય એવું જગતકાજીને લાગે, તો એ કંઈ વાસ્તવિક ગુનો નથી. લેખક ઓ હેનરીને આર્થિક ગુનાઓ બદલ અમેરિકા જેલમાં મોકલે છે. પણ લેખિકા આગાથા ક્રિસ્ટીને કંઈ વાર્તાઓમાં ‘મર્ડર’ પ્લાન કરવા માટે જેલમાં મોકલી શકાય નહિ. હા, વાર્તાઓ ન ગમે તો વખોડી જરૂર શકાય. પણ એ માટે અંગત જીભાજોડી કરી શકાય નહિ. સર્જકમાત્રને પોતાને ગમતા સબ્જેકટમાં કામ કરવાનો ઉછાળો આવતો હોય છે. ભાવકને એ સર્જન ન ગમે, તો એનાથી દૂર રહે. આવું સોઇ ઝાટકીને સર્વોચ્ચ અદાલત પણ કહે છે!

પણ આવો જ વિચિત્ર અને હાસ્યાસ્પદ પ્રતિભાવ કેવળ કળા અને ધર્મની અઘૂરી સમજના કાતિલ કોકટેલને લીધે ભારતમાં વિશ્વભરમાં ભારતનું નામ પેઈન્ટંિગના તખ્તા પર મૂકનારા મકબૂલ ફિદા હુસેનને આજીવન જ નહિ, મરણ પછી પણ મળતો રહ્યો છે! (આ વિધાન જેમને ગમે નહિ, એમણે અત્યારે આંખ મીંચી એક મિનિટમાં ભારતના ટોચના, જગવિખ્યાત દસ ચિત્રકારોના નામ યાદ કરવા. અબજોની વસતિમાં હુસેન સિવાય કેટલા નામ યાદ આવે છે, તે નોંધવું!) કોઈ પણ લેખક કે ચિત્રકાર કે ફિલ્મકારને એના સર્જન બદલ અપરાધી ઠેરવવો, એ જાણે અમિતાભને ફિલ્મી પડદે ભજવેલા પાત્રો બદલ વાસ્તવમાં સજાપાત્ર ઠેરવવા જેવો નકામો ટાઈમપાસ છે. જેમાં જેહાદી તાલિબાનોની જડબુઘ્ધિની નકલ જ છે.

પણ વાસ્તવમાં અમિતાભ કૂલીના સેટ પર ઘાયલ થયો ત્યારે હુસેન ે એક ચિત્ર આપ્યું, જે સંજીવનીબુટ્ટીવાળો પર્વત ઉંચકીને ઉડતા હનુમાનજીનું હતું. આ અંગત સંભારણુ પબ્લિસિટી માટે નહોતું, માત્ર ભારતીય સંસ્કૃતિનો પરખંદો જ સમજી શકે કે આમાં મૃત્યુના બિછાનેથી ફરીથી સજીવન થવાની શુભેચ્છાઓ સમાયેલી છે!

હુસેનના મૃત્યુ પછી સરપ્રાઈઝંિગલી કાકા ભત્રીજા બાળ અને રાજ ઠાકરેએ એમને શ્રઘ્ધાંજલિ આપી. બાળાસાહેબે સ્પષ્ટ કહ્યું કે ‘હુસેન મહાન ભારતીય ચિત્રકાર હતાં.’ બાળ ઠાકરે હોસ્પિટલાઇઝડ હતા, ત્યારે હુસેન ખબર કાઢવા ગયેલા. અંદર સિનિયર ઠાકરે, મુંબઇનું વાઘનું ઓપરેશન ચાલતું હતું. હુસેને તત્ક્ષણ એક કાગળ લઇ ‘ગેટ વેલ સૂન’ લખી ઉપર ગણેશ ચીતરીને ‘શુભ કલ્યાણ’ના પ્રતીકરૂપે અંદર મોકલાવ્યું. અચ્છા ચિત્રકાર ઠાકરે સમજી ગયા. ઠાકરેની નિખાલસતા એવી કે એમણે કબુલ્યું કે ‘મને મોડર્ન આર્ટ સમજાતી કે ગમતી નથી.’ ફાઇન. બધાને બઘું ન ગમે. પણ આટલી પારદર્શકતા તોછડાઇથી ગાળાગાળી સંસ્કૃતિના નામે કરતા રક્ષકોમાં ખરી? હુસેન સાથેના તમામ વિવાદોનો અંત આવી ગયો છે, એવું જાહેરમાં કહી ‘રાજ ઠાકરેએ તો એમને વતન પંઢરપુરમાં દફનાવવાની અપીલ પણ કરી. રાજે હુસેનનું કેરિકેચર દોરેલું, જે ખુદ હુસેને જ મુસ્કુરાઇને ૧૯૯૯માં ભાવથી નિહાળેલું. હુસેનને ભારતના લાજવાબ ખજાનો કહી રાજ ઠાકરેએ એમની સ્મૃતિમાં પોતે એક પેઇન્ટંિગ દોર્યાનું પણ ભાવાવેશમાં કહ્યું!

યસ, હુસેનને જે ગમતું એ આ ભારત છે! તમે કલ્પના કરો કે, ધારો કે સલમાન રશદી જન્નતનશીન થાય, તો એના પર ફતવો બહાર પાડનારા આયાતોલ્લાહ ખૌમેની આવી ખેલદિલ અંજલિ એમને આપે? (ખૌમેની હયાત નથી, અને રશદીને સવાસો વરસ જીવવા મળે એવી વિશ. પણ આ તો ફકત ધારવાનું છે!) પણ આ ૠષિઓની અખિલાઇના સંસ્કારસંિચનથી રસબસતા મલ્ટીડાયમેન્શનલ ભારતના લોહીમાં છે. એટલે જ હુસેનને ભારત બહુ વ્હાલું હતું. હુસેને અમેરિકાના અનુભવો બ્યાન કરતાં એમણે લખ્યું હતું….

‘અમેરિકન ટેવ એવી કે દરેક વાત પ્રોગ્રામથી જ કરવાની હોય. દરેક સંબંધનો કાર્યક્રમ, દરેક વિચારનો કાર્યક્રમ, પ્રેમ કરવા માટે પણ વીકએન્ડ પ્રોગ્રામ’ મહીનાઓ પહેલા બનાવાય…!.. આ ઝળહળાટમાં જરા હિન્દુસ્તાનના પરિદ્રશ્ય પર નજર નાખીએ. પાંચ હજાર વરસ જૂની સાંજ કયાંક ને કયાંક કોઇ નદીના કિનારે ન્હાતી મળશે! (વોટ એ પોએટિક વિઝયુઅલાઇઝેશન!) શું આ દ્રશ્યની વહેતી લહેરોને આ યુગના વેપારી, ભલે કોઇપણ દેશના હોય, શું બિસલેરી કે કોકોકોલાની બોટલમાં બંધ કરી શકે છે?’

વાહ, ભારતને ઓળખવું ખૂબ અઘરૂં છે. અહીં તો બીભત્સ પણ એક રસ છે ! કેવળ કુટિરમાં બેસીને ઘ્યાન કરીને આત્મકલ્યાણ થાય. પણ રંગબેરંગી ભારતનું રહસ્ય ઉકેલી ન શકાય! એ માટે તો કૃષ્ણનો આનંદ, રામનો આદર્શ, કાલિદાસનો શૃંગાર, વ્યાસનો વિચાર. આ બઘું ઘોળીને પી જવાની (અને પછી પચાવી જવાની) ત્રેવડ જોઇએ. આ દેશ ઉપદેશ પણ કળા અને કવિતામાં આપતા શીખ્યો છે. અહીં કમાન્ડમેન્ટસ નથી, શ્વ્લોકોના ગાન છે. ઉપરવાળાના હૂકમો નથી, એને પણ ઘર-ઘરમાં રમતાં પાત્રો બનાવી દેતી કથાઓ છે. યુગોથી, સદીઓથી ભારતમાં જીવનનો ધબકાર એના સાહિત્યમાં, સંગીતમાં, ચિત્રોમાં, શિલ્પોમાં મુક્તપણે ઉઘડે છે. પણ એ ઓળખવા માટે આંખ નહંિ, કળાત્મક દ્રષ્ટિ જોઇએ. સંવેદનશીલતા અને સર્જકતાનું ‘ફિફટી-ફિફટી’ કોમ્બિનેશન ધરાવતો મારામારી જયુસ ધાવણની જેમ ધૂંટડે ધૂંટડે પીવાવો જોઇએ! કોઇ ટાગોર, કોઇ રજનીશ, કોઇ હુસેન જેવા એ ‘રેર’ કોમ્બિનેશનથી સજજ હોય છે. એટલે ભરજુવાનીમાં ટાગોર અર્જુનની કથા પરથી મૌલિક સર્જન ચિત્રાંગદા લખે છે. રજનીશ તત્વ દર્શન પર વ્યાખ્યાનો આપે છે, હુસેન ભારતીય ચરિત્રો અને લોકજીવન ચીતરે છે! એમની કદર કમનસીબે ભારત કરતા પશ્ચિમ વઘુ કરે છે. એ બધા આખા વિશ્વનુ ઉત્તમ જાતે જોઇ તપાસીને માણે છે, અને છતાંય એમના હૃદયમાં ભારતનું  મેઘધનુષી મોરપીંછ ફરતું રહે છે!

હુસેનના કુલ સર્જનના ૦.૦૦૦૦૧% પણ ન કહેવાય એવા ચિત્રો ફોરવર્ડેડ ઇમેઇલમાં જોઇને ઉશ્કેરાઇ જનારા લોકોને ન તો ભારતના છલોછલ ઇરોટિક વારસાની ઓળખ છે, ન તો એની સાથે હુસેને ફયુઝન કરેલા એ મોડર્ન આર્ટના ટ્રેન્ડ વિશે એ જાણે છે. હુસેન આદિવાસી ભીંતચિત્ર શૈલી અને તંત્રના જબરા પ્રશંસક હતાં. જગતમાં હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જયાં એંશી ટકા વસતિ કોઇને કોઇ લોકકળા (ગરબા, રંગોળી, ઓળીપો, ભરતગુંથણ, ભાંગડા, મેંદી, તોરણ, ચાકળા, માટીકામ, સુથારીકામ, લુહારીકામ…) સાથે જોડાયેલી છે. એવું એમણે ગળું ખોંખારી યુરોપની છાતી પર કહેલું. હુસેન દેવાંચી શપથ બોલતાં બોલતા પંઢરપુરમાં મોટા થયા હતાં. (આ વડોદરામાં ભણેલા વહોરાજી ગુજરાતી પણ બોલતા!) હુસેનને લગતા તમામ વ્યર્થવિવાદોની તળિયાઝાટક ચર્ચા તો હુસેનની હયાતીમાં ગુજરાત સમાચારમાં લખાયેલા અને સેંકડો જીજ્ઞાસુ ગુજરાતીઓએ પોંખેલા લેખોમાં વિસ્તારપૂર્વક થઇ જ ચૂકી છે! એ લેખત્રિવેણી એકસાથે નેટ પર અહીં વાંચી શકાશે. રાૉથ//(ૅનચહીાલપર્.ુગૅિીિજજ.ર્બસ) અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પરનો હુમલો આપણી અપરિપકવ લોકશાહીમાં બહુ ગંભીરતાથી લેવાતો નથી. મર્યાદા અને પ્રતિબંધોના બોજથી ભીંજાયેલી પાંખો કદી નવા વિચારના ગગનભણી ખુલ્લી ઉડાન ભરી ન શકે!

હંમેશા માણસ જાતને પોતાનાથી અલગ અને આગળ વિચારતા માણસો બળવાખોર કે પાપી લાગ્યા છે. એટલે જ હમેશા દરેક ક્ષેત્રનો જીનિયસ કોન્ટ્રોવર્શિયલ જ રહે છે. હુસેનના ચિત્રોમાં ભારતીયતા અનુભૂતિના અભાવે પશ્ચિમને પૂરી સમજાય નહિ, અને ભારતમાં એ કોઈને મોર્ડન આર્ટના નજરિયાથી સમજવી હોય નહિ! કેવી કરૂણતા! આર્ટિસ્ટની એક જુદી મસ્ત અલગારી દુનિયા હોય છે. એ પ્રોગ્રામ્ડ લાઈફ જીવી ન શકે. એ ઘૂની, ચક્રમ, તરંગી જ લાગે! પછી કિશોર જેવો ગાયક હોય કે, આઈન્સ્ટાઈન જેવો વિજ્ઞાની!

એમાંય વળી હાઇ સોસાયટીની નકાબપોશ દુનિયા જોઇને અજંપો અનુભવતા માર્કેટંિગ ફ્રીક હુસેન તો પાછા ગતકડાંના કીમિયાગર !

* * *

પંચગિની કે દહેરાદૂનની અમીરજાદાઓની સ્કૂલોમાં નહિ, પણ ગામડાની ગરીબીમાં મોટો થઈ, ફૂટપાથો પર રહેનાર હુસેન કેવી રીતે લીજેન્ડરી આર્ટિસ્ટ બની શકે? કારણ કે, એમની તાલીમ જીંદગીની મલ્ટીવર્સિટીમાં થયેલી, થોથાઓની યુનિવર્સિટીમાં નહિ! હુસેન કહેતા કે કેન્વાસ પણ એક દીવાલ છે, સાચા કલાકારોએ એ કૂદાવીને બહાર જોવાનું છે!’ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપ’ બનાવી રીતસર આઝાદીની લડત (૧૯૩૦-૧૯૪૦માં) લડેલા ‘સ્વાતંત્ર્યસેનાની’ હુસેન એટલે જ નિયમબઘ્ધ જીંદગીના વિરોધી હતા. મૃત્યુના બિછાને એમણે ફાલુદા ખાવાની ઈચ્છા પ્રગટ કરીને પછી કહ્યું એ લંડનનો નહિ, મુંબઈની શેરીનો હોય તો સ્વાદ આવે, જવા દો!

મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીના ‘સમોવર’ રેસ્ટોરાંમાં કોઈની સાથે ફોન પર વાત કરતા કરતા એમણે ટેબલ પર માઘુરી ચીતરી નાખી હતી! ત્યાં ઘણી વાર હુસેન પોતાની ઘુનમાં આવતા, કિચનમાં પહોંચી જતાં. એક રોટલી ઉંચકી, ઉપર દાળના લપેડાથી ચિત્ર બનાવતા અને ચૂપચાપ એ ખાતા – ખાતા નીકળી જતા! આવો ઈન્સાન જ કહી શકે કે મારી કબર પર લખજો ‘‘એણે આકાશને હથેળીમાં પકડીને કેન્વાસ બનાવ્યું.’’ હુસેન કહેતા હથેળીમાં વિધાતાએ (હસ્ત) રેખાઓ ચીતરીને આપી છે, એને ખેંચીને રંગ પૂરવા એનું નામ જીવન!

૨૦૧૧ એક બોલીવૂડનું શતાબ્દી વર્ષ હોય, એમને અતિપ્રિય ફિલ્મોનો ઈતિહાસ ચીતરતી એમને સીરિઝ આ વર્ષે કરવાની હતી. ચીનથી ભારત રેશમ આવતું એ પ્રવાસમાર્ગ ‘સિલ્કરૂટ’ કહેવાતો, એના માનમાં એમણે અમદાવાદમાં સિલ્કસ્ક્રીન પેઈન્ટંિગ કરેલા! ઘુરંધર દિગ્દર્શક સત્યજીત રાયે હુસેનની કળા પર ઓવારી જઈ, એમનું ચિત્ર બનાવેલું, હુસેને સત્યજીત રાયના અવસાન પછી શોકસભાના ભાષણને બદલે ટાગોરની ‘ચારૂલતા’ ચીતરેલી! હુસેનનો એક પ્રોજેકટ ભારતીય સભ્યતાનો ઈતિહાસ ચીતરવાનો હતો ઃ મોહેં જો દરોથી મનમોહન! જસ્ટ થંિક, હુસેન ગાયતોંડેને પોતાનાથી આગળ માનતા અને પોતાની પછી ચિત્રભાનુ મજુમદારમાં એમને પોતાનું સ્થાન લેવાની શકયતાઓ દેખાતી. પણ ભારતને કયાં ચિત્રકાર આવડો મોટો હજારો વર્ષોની ભારતીય સંસ્કૃતિની દાસ્તાન કહેતો આર્ટ પ્રોજેકટ વિચારે પણ છે? નવો છોડ વાવવાથી જૂના વૃક્ષે ઝીલેલી મોસમ એમાં ઊતરતી નથી. પ્રતિભા હોય, પણ નવ દાયકાથી આત્મસાત કરેલો કાલખંડ ક્યાં વેચાતો મળે ? હવે આ કોણ કરી શકશે ? વિશ્વભરમાં પિકાસોની સમકક્ષ ગુણવત્તાના મહાભારતના સૌથી વઘુ ચિત્રો હુસેને બનાવ્યા છે! આટલા અબજો ભારતવાસીમાંથી કોઈ હિન્દુ ચિત્રકારે આટલા ચિત્રો આવા બુનિયાદી મહાકાવ્યના બનાવ્યા નથી! સટાસટ સ્પીડમાં ચિત્રો દોરતા હુસેને પૃથ્વી ગ્રહ છોડતાં પહેલાં જો કે, નવેસરથી રામાયણ ચીતરવાનો પ્રોજેકટ પૂરો કરેલો! આટલા વિવાદો વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહી, એમણે દુબઈ બેઠા રામાયણને એવી ગ્લોબલ લેવલે ચીતરી, જાણે કોઈની દુભાયેલી લાગણીનું કળાકારે કરેલું આખરી તર્પણ!

અંગત રીતે એમની મરજીથી નિહાળવા મળેલા એ ચિત્રો જોઇને ધન્ય થયેલી આંખોમાં એક જ શબ્દ અંજાયેલો છે- અદ્‌ભુત ! આ જ અનુભૂતિ એમના અફલાતૂન આત્મકથા વાંચીને થાય.

હુસેન વિવાદો માટે કહેતાઃ ‘મેં મારું કામ લવ એન્ડ કન્વિકશનથી કર્યું છે, ઘણી કળા આવતી કાલ માટે હોય છે, પણ કોઇની લાગણી દુભાય તો માફી માગું છું.’ પણ એ સ્પષ્ટતા ધરાર એમના વિરોધીઓએ સાંભળી નહિ. એ લોકોનું બ્રેઇન વોશંિગ પોલિટિકલી થયેલું છે : એમનામાં નેગેટિવેટીનું ‘ઇન્સેપ્શન’ સફળતાપૂર્વક કેસરિયા બ્રિગેડે કર્યું છે ઃ પરંતુ ગેરસમજ છતાં હુસેનમાં કોઈ કડવાશ નહોતી. બઘું ભાગ્યના હવાલે છોડી એ મસ્તીથી પોતાનો કર્મયોગ કરતા રહેતા. અને ઉપરવાળાએ એમના આ સમર્પણના બદલામાં એમને સજા નહિ, પણ મજા જ મજા કરાવી હતી! જો સરસ્વતી કોપાયમાન થયા હોત તો ૯૬ વર્ષે મકબૂલડોસાના ઘૂ્રજતા હાથ પીંછી પકડી જ ન શકતા હોત! બટ હી વોઝ હેડ એન્ડ હાર્ટી. ૧૪ કરોડની, બુગાટી વેરોન કાર દુબઈમાં ડેબિટ કાર્ડથી ખરીદી ત્યારે શોરૂમના સ્ટાફે તાળીઓ પાડેલી! કોઈ શેખ પણ આવડી મોંઘી કાર રોકડેથી ન ખરીદે! લક્ષ્મીની પણ કૃપા !

૯૫ વર્ષે એ દોસ્તોનો બાવડું પકડી ‘ઈશ્કિયાં’ કે ‘દબંગ’ જોવા થિયેટરમાં લઈ જતા! જરા કલ્પના તો કરો, નાઈન્ટી પ્લસનો કોઈ ડોસો મોક્ષને ઓસડિયાંની વાતો કરવાને બદલે બાઈકને કિક મારતો હોય, ભાઈબંધોને પકડીને ઠેકડા મારતો ફિલ્મ જોવા જતો હોય! નીચેવાળાએ નહિ, પણ ઉપરવાળાએ હુસેનની પૂરી કદર કરી.ઘરના ઘી-દૂધ, જીમ અને યોગથી પણ ના મળે એવું ફૂલગુલાબી સ્વાસ્થ્ય આપ્યું. ૯૬ વર્ષની છેક સુધી એક્ટીવ જીંદગી આપી. આખી દુનિયાનો પ્રવાસ કરાવ્યો, જગતના શ્રેષ્ઠ ઐશ્વર્ય અને સૌંદર્યની સોબત આપી! ભર્યું કુટુંબ અને દાયકાઓ સુધી ચમકતા નામદામ આપ્યા. દોલત, શૌહરત અને પોતાનાથી ચોથા ભાગની ઉંમરની ખૂબસૂરત ઔરતો પોતાને ટ્રિબ્યુટ આપે તેવી ખુશકિસ્મતી આપી…

૯૬ વર્ષની રંગીન જીંદગી, અંતે કોરો કેનવાસ થઈ ગઈ!

ફાસ્ટ ફોરવર્ડ

મરણાંતાનિ વેરાણી નિવૃત ન પ્રયોજન’

 

(ભારતમાં તો યુઘ્ધક્ષેત્રમાં જેને મરાવેલો એ કર્ણના પણ ઉમદા ગુણો ખાતર એના અંતિમ સંસ્કાર કૃષ્ણ કરે છે. વાલ્મીકિ રામાયણ યુઘ્ધ કાંડમાં ૧૦૯મા સર્ગમાં શોક-ક્રોધથી આવેશમાં મૃત રાવણને કોસતા વિભીષણને સ્વયં રામ આ ૨૫મો શ્વ્લોક કહે છે. વેરઝેર બધા મરણ સાથે પૂરા થાય ,જનાર સાથે કોઈ હિસાબકિતાબ બાકી રહેતો નથી.)

(છપાયા તારીખ ૧૯ જૂન , ૨૦૧૧ )

 ૫. લાગણી, દર્દ, મહોબ્બત અને અઘૂરી આશા

એક જગા પર જો જમા થાયે, હૃદય થઇ જાએ!ખાખી વરદી પહેરેલો ચોકીદાર શાળાના દરવાજા પર ઉભો છે. હાથમાં વગાડવાનો ડંકો છે. શાળાના હેડમાસ્તરની બારીમાંથી દીવાલ પર લટકતી ઘડિયાળ ટીક ટીક કરતી દેખાય છે. જેવો ઘડિયાળે એક વગાડયો, ચોકીદારે ટનાટનટન ઘંટ વગાડવો શરૂ કર્યો. વર્ગમાંથી છોકરાઓ બોલની જેમ ઉછળતા-કૂદતા મેદાનમાં આવી ગયા. છોકરો દોડયો શાળાના આંગણાના ખૂણા તરફ, જ્યાં દાદા બગલમાં રોટલી-શાકનો ડબ્બો દબાવી લાડકા પૌત્રને શોધી રહ્યા છે…

દરરોજ બપોરનું ખાણું દાદા અને પૌત્ર, આમલીના ઝાડ નીચે બેસીને ખાતા. છોકરો હંમેશ દાદાની નજર ચૂકવીને ઝાડ પરથી પડેલી આમલી મોંમાં એવી રીતે દબાવતો જાણે લાડુ. (એક વાર (મા વગરના છોકરાને કોઈકે પૂછયું ‘તું ક્યાંથી આવ્યો?’ એણે જવાબ આપ્યો ‘દાદાના પેટમાંથી!’)

એક દિવસ દાદા બહારથી ઘેર આવ્યા. અંદર ધમાલ મચી ગઈ. મોટા વિદ્વાન અતહરની ઓરડીમાં કોઈ ન હતું ત્યારે છોકરાએ, ચોપડીના પાના પર બુર્શક જેવા ઉડતા ઘોડા ચીતરી માર્યા હતા. સર સૈયદની ગીચ દાઢીમાં ચકલીનો માળો બનાવી દીધો અને લોર્ડ કર્ઝનના નાકમાં જડ, મામા અતહર ઘૂંઆપૂંઆ, છોકરાને ધમકાવીને બહાર કાઢયો. દાદા વાંસની સળીનો પડદો પકડી ઉભા રહ્યા. એકદમ સ્તબ્ધતા છવાઈ ગઈ. પડદો ખેંચીને ફેંકી દીધો. ઘરમાં જેટલા હતા, બધાને હાજર કર્યા. ચોપડીઓ એક-એક કરી દરવાજાની બહાર સડક પર ફેંકવી શરૂ કરી, અને ગરજતા અવાજે કહ્યું ઃ ‘‘આ છોકરાની રેખાઓ ભારે ખરબચડી કેમ ન હોય, કળા અને તત્વજ્ઞાનના પાના પર કેમ ન હોય… આ ઘરમાં કોઈને છોકરા પર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી!’’ દાદા તરત જ છોકરાની આંગળી પકડીને ઘરની બહાર નીકળી ગયા. સ્ટેશનરીની દુકાને ગયા અને ખૂબ બધાં કાગળ, પેન્સિલ, રબર ખરીદી લીધા.

* * *

જી રીડરહૂઝર, આ સત્યઘટના છે- મહાન ભારતીય ચિત્રકાર મકબૂલ ફિદા હુસેનના બાળપણની. એમના જ ચોટડૂક શબ્દોમાં ટૂંકાવીને મૂકી છે. આપણે વિશ્વભરમાં કળા-સાહિત્યનું પહેલું પારણું ઝુલાવનાર ભારત ‘એસ્થેટિક સેન્સ’ (સૌંદર્ય દ્રષ્ટિ) અને ‘આર્ટિસ્ટિક સેન્સ’ (કળાસૂઝ)માં મંદીની વેચવાલીમાં છે, દેવાળિયું થતું જાય છે. ચાંપલા ચોકલેટિયાઓને ક્લાસિક લિટરેચર બોરિંગ લાગે છે. મ્યુઝિયમોમાં સ્મશાનવત શાંતિ છે. સ્કૂલ-કોલેજોમાં ગોખણપટ્ટી છે. એમાં આર્ટને સમજવાની- ચાહવાની બારીક, મહીન વાતો ક્યાંથી આવે? જાડી આંગળીઓ કદી નમણી રંગોળી ન કરી શકે! જાડી બુદ્ધિમાં કોમળ જીવન કુંપળનું ઠૂંઠૂં થઈ જાય!

જે સંસ્કૃતિના નામે આપણે ફુલાઈને હિપોપોટેમસ થઈ જઈએ છીએ, એનો બુનિયાદી અભ્યાસ કરવાની આદત પણ આપણે કેળવી નથી. કારણ કે, એમાં કોઈ નફો નથી. પોતાની માન્યતાઓ સાચી ઠેરવવાના એલીફન્ટસાઈઝ ઈગો રાખીને જીવતા દેડકાઓનો સમાજ આપણે બનાવીને બેઠા છીએ. બેડોળ આકાર, કર્કશ ઘોંઘાટ.

પૂરી સભાનતાથી, સંતુલનથી, સમજદારીથી અઢળક કિતાબોના પાનાઓ પર ગલોટિયાં ખાઈને કહેવું પડે છે કે, અત્યાર સુધીમાં વાંચેલી દેશ-વિદેશની આત્મકથાઓમાંથી સર્વશ્રેષ્ઠ કોઈ લાગી હોય, તો તે હુસેનની છે! અહોભાવને લીધે આ આત્મકથા ગમી છે, એવું હરગીઝ નથી, ઉલટું આત્મકથાને લીધે અહોભાવ વઘ્યો છે! કારણ કે, ઉત્તમ આત્મકથાના સિક્કાની બંને બાજુ એમાં ચકચકિત છે. એક છે, પ્રામાણિકતા. આત્મકથા એ નવલકથા નથી. એમાં પાને પાને સચ્ચાઈનો રણકો ગુંજવો જોઈએ. બીજી છે કવિતા. આત્મકથા એ અહેવાલ પણ નથી. એમાં શબ્દે શબ્દે સર્જકતાનું માદક માઘુર્ય નીતરવું જોઈએ! ચિત્રકાર સ્વર્ગસ્થ જગદીપ સ્માર્તે ગુજરાતીમાં ઉતારેલી ‘દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો’માં આ મેજીક છે!

કલાકારનું ઘડતર કેમ થાય? જીનિયસ છતાં જનરસ દિમાગો જીંદગીના રસના ધૂંટ કેમ ગટગટાવતા હોય છે? વાત હુસેનની નથી. વિવાદોની પણ નથી. વાત છે, જીંદગીના સાચા વાસ્તવિક રંગોમાંથી શિશુ સહજ મસ્તીમાં પસાર થઈ જતાં એક ભેજાંબાજ આર્ટિસ્ટની. આ માણસની અંદર બહુરંગી જીવનના ધબકારની રોમેરોમ ઝીલવાની કેવી પરખ અને તરસ હતી, એ અનુભવવાની. કદી કળા અને જીવનનો સંબંધ સરખી રીતે આપણી શૂન્યમય શિક્ષણપઘ્ધતિ શીખવાડતી નથી. એટલે ધરતી ઘુ્રજાવી દે એવા કળાકારો આપણે ત્યાં પેદા થતા નથી. વાત ગરીબીની નથી. જગતના અનેક મહાન સર્જકો ગરીબી શું, યુઘ્ધના રક્તપાત વચ્ચે પેદા થયા છે. વાત છે ઓરિજીનલ ક્રિએટિવ ઈમેજીનેશન પ્રત્યેના અભિગમની. માહોલની.

લગભગ શતાબ્દી પહેલા પંઢરપુરના એક ગરીબ બુઝૂર્ગે પોતાના પૌત્રની ઈચ્છા જોઈને એને ચિત્રકામમાં ઉડવા માટે છૂટો મૂક્યો. હુસેનને એટલે જ દાદા બહુ વહાલા હતા. હુસેને દાદાનું મૃત્યુનું મર્મસ્પર્શી વર્ણન કર્યું છે. પોતે બાળક હતા, બહાર રમતા હતા. દાદા મરણપથારીએ. જાન ગળામાં અટકેલો. બહારથી પૌત્ર મકબૂલને બોલાવાયો, દાદાએ મૂઠ્ઠીમાં બંધ રાખેલી ચોળાયેલી દસની નોટ વ્હાલા પૌત્રના નાનકડા હાથમાં મૂકી (જેની એક સહીથી ચિત્રનો ભાવ કરોડોનો થતો, એ કલાકારની આ પહેલી મૂડી હતી. લકી ચાર્મ!) દાદાની બંધ આંખોના ખૂણે એક આંસુનું ટીપું નીકળ્યું, અને સરીને દાઢીના કિનારે આવી અટકી ગયું. હુસેને શબ્દો પાસેથી પીંછીનું કેવું લાજવાબ કામ લીઘું છે! ‘‘(દાદાની ખીંટીએ લટકતી) અચકનની બાંયોમાંથી નીકળતા હાથ હવે દેખાશે નહિ, જેની આંગળી પકડીને એક દૂબળો પાતળો છોકરો ચાલ્યો કરતો હતો!’’

દરેક ટેલન્ટની વિરાટ પ્રતિમા તળે કોઈ બચપણનો કોઈ ગુમનામ પાયો હોય છે, જેના પર મૂર્તિ ટટ્ટાર ઉભી શકે છે! હુસેનની અલગારી સૂફી મસ્તી હતી અને લાયબ્રેરી સમાય એવું દુનિયાનું ડહાપણ પણ હતું.જેમ કે, વિકૃત કહેવાતા આ વૃઘ્ધની સ્ત્રી અંગેની વેદનાથી ગળે બાઝતો ડૂમો! લો વાંચો (શબ્દો એમના, સંક્ષેપ આપણો).

* * *

દિલ્હીનું નિઝામુદ્દીન. એક ભિખારણ નૂરજહાં. સુંદર. પાંચ વરસની છોકરીવાળી. વર છોડીને ચાલ્યો ગયેલો. નૂરજહાં ક્યાંય વાસણ-કપડા કરવા જાય, તો તક મળતા મકાનનો માલિક એનો દુપટ્ટો પકડી લેતો. ફરી પાછો ભીખનો ખાલી વાડકો. નૂરજહાંની છોકરી નવ વરસની થઈ. ઉઘડતો વાન, નાકનકશો યુવાનીમાં ઉભી થનાર મુશ્કેલીના ઈશારા કરવા લાગ્યો. લોકોની આંખો ગંદા નાળાની જેમ ખુલીને ખુલ્લી રહેવા લાગી. નૂરજહાંએ તરત જ છોકરીનું માથું મુંડાવી દીઘું. પણ ગોદડીના હીરાને ગમે તેટલો છૂપાવીને રાખો, એ દબાયેલી ચમકતી જ્વાળાઓ અંધારાને ચીરીને બહાર આવી જ જશે.

એક સાંજે નૂરજહાં હુસેનસાહેબની મોટર પાસે આવી ધોધમાર રડી પડી. હુસેન છ વરસથી એમની ચૂપચાપ કાળજી રાખતા. હુસેનને જે બીક હતી તે બનીને રહ્યું. વસ્તીમાં દાનધરમ છે. ‘જુમેરાત’ છે. ગરીબો- ફકીરોની દુઆ છે. મોટા સામાજીક ઉઘ્ધાર/કલ્યાણ કેન્દ્રો છે. હમદર્દનું દવાખાનું છે. ગીચ બસ્તી અને બાજુમાં પોલિસ ચોકી હોવા છતાં નૂરજહાંની અગિયાર વરસની છોકરીનું અડધી રાતે મોઢા પર બુકાની બાંધેલા ત્રણ ગુંડાઓ અપહરણ કરી ગયા, આ જ સુધી એ લાપતા છે!

કટ. વર્ષો પછી રોમ શહેરના સ્પેનિશ પગથિયાં પર ફૂલ વેચવાવાળી ક્રિસ્ટીના રસ્તે ચાલતા પ્રેમમાં ડૂબેલા ડગમગતા પગલાંનો અવાજ સાંભળીને ટોપલીના ફૂલ ગણવાનું શરૂ કરી દે છે. સાંજ ઢળતાં જ ક્રિસ્ટીનાની દીકરી મારિયા વધેલા ઘટેલા ફૂલો અને માને ઘેર પહોંચાડી દે છે. (હુસેન કેવી ક્રિએટિવલી ક્રિસ્ટિના અંધ છે, એ વાત મૂકે છે!) એક રવિવારે મારિયા નાનીને મળવા માને લઈ દૂરના ગામે ગઈ. રસ્તામાં ગોથિક ચર્ચ તૂટેલુંફુટેલુ. મા ને દીકરી પોરો ખાવા આડા પડયા. થોડી વાર પછી એક ચીસ સંભળાઈ. માં ચોકી. પાસે દીકરીને ફંફોસી. કોઈ નહિ. ભાંગેલી ભીંતની પાછળથી ચીસ સંભળાતી હતી. મા દોડી, ચારે તરફ અંધારુ. બેન્ચ સાથે અથડાઈ. ચીસનો અવાજ બંધ થતાં જ સૈનિકોના જોડાંઓનો અવાજ દરવાજામાંથી બહાર જતો સંભળાયો. ચર્ચના એક ખૂણામાં મારિયાનું શરીર પડેલું મળી આવ્યું, માત્ર અંધારાથી ઢંકાયેલું! (કેવું સ્તબ્ધ કરી દેતું વર્ણન!)

આ છે માણસજાત. ટાગોરની ભાષામાં તરસ્યા પથ્થર જેવી. ચિત્રોમાં પવિત્રતા શોધતી, અને ચરિત્રમાં શિકારી કુત્તાઓને પંપાળતી! સંવેદનશીલ હુસેને આવી જ ઘટનાઓ ટીનએજની દોસ્ત જમુના, બતૂલ સાથે નિહાળી- એટલે સ્ત્રીના સૌંદર્ય સાથે માણસના મનોભાવોની કુરૂપતાનો સંગમ એમનો અભિવ્યક્તિનું એક અનુસંધાન બન્યું.

* * *

હુસેન ભારતની નાગાબાવા, મદારી, હાથીના દેશની પશ્ચિમી ઈમેજ તોડવાની વાત પણ કરે છે. અને જગતની શ્રેષ્ઠ પ્રતિમાઓ, કથાપાત્રો અને ફિલ્મોનો ચટાકેદાર રસાસ્વાદ પણ કરાવે છે! સોફિયા લોરેન માટે લખે છે- આ સ્ત્રીએ જુવાન પુરૂષોની છાતીમાં નાના નાના ટાઈમ બોમ્બ મૂક્યા! તો છ દેવીઓને કેન્વાસ પર ચીતરવાના એક લાઈવ શોની ચેલેન્જ વ્યક્ત કરવા માટે ઉપમા આપે છે- જાણે શિવજીની જટામાં ગંગાની તડપ! આ વિશ્વનાગરિક માટે આખી દુનિયા જોડાયેલી છે. બધી સંસ્કૃતિના રંગો જાણે પ્રકૃતિના પરમ ચૈતન્યના શ્વેત રંગમાંથી નીકળે છે. ભાભી એઠાં વાસણ માંજતા, એના ‘શિન શિન ક્રિચ ક્રિચ અવાજ અને પાણી ભરેલી ડોલમાં ગૂટરગૂ કરતો ડૂબતો- તરતો લોટો’ પણ એમના માટે એક સૂર રચીને જીવનસંગીત બનાવે છે! જેની સરખામણી ફ્રાન્સના જોન કેજના આવાંગર્દ કોન્સર્ટના અનુભવ સાથે કરે છે. એમની નજરમાં કાળ, સરહદ, સંસ્કૃતિના કોઈ ભેદ નથી.

આત્મકથાની શરૂઆત લોકો નેચરલી પોતાના જન્મથી કરે. આ તેજસ્વી મનસ્વી ઘૂની કલાકાર ખૂબ નજાકતભર્યા વર્ણનથી પોતાના ગર્ભાધાનની ક્ષણથી કરે છે! એ બાળપણમાં ખોવાઈ જતા નથી, પણ બાળકની આંખે દુનિયાનો તમાશો જુએ છે. નાની-નાની વિગતો ખિસ્સામાં ભરીને! આત્મકથાના ઉપાડના શબ્દચિત્રનું ડિટેઈલંિગ જુઓઃ મરદના મેલા રંગનું ભુરૂં ખમીસ અને છોકારની ખાખી ચડ્ડી. મલમલનો નારંગી દુપટ્ટો, સાયકલની તૂટેલી ચેઈન, વાંસની વાંસળી, ગુલાબી રંગના કાગળની પડીકીમાં વીંટી, મીઠાઈનો ડબ્બો – આશ્ચર્ય કે, એમાં કીડી નથી! (કયા બાત હૈ!)

હુસેન કહે છે ઃ ચાલો, માટીના ઘડાને પૂછીએ, એનું મોં તો ખુલ્લું છે, પેટમાં વાત કેવી રીતે છૂપી રહે? સદીઓની તવારિખ અને સંસ્કૃતિનો ખજાનો આ જ માટીના ઘડામાં દટાઈ જાય, તો પણ સમયની કોદાળી એને જમીનના ઘરમાંથી શોધી કાઢે છે! (કાળના પ્રવાહને જોવાની કેવી સમ્યક નજર!) એમના જ શબ્દોમાં -મા વિના ઉછરવાની કણસતી ચિનગારી અજંતાની સુંદર અપ્સરાઓને મળી, મોહેં જો દડોની જમીનમાં દટાયેલા વાસણો ફંફોસ્યા, કરબલાની તપેલી રેતીમાં આંગળીથી ‘ઈબ્નેઝેનબ’ લખ્યું, નેમરૂદ (ઇજીપ્ત)ની ‘નેફરીતી’ની પૂછયું, ડિમેલોની વીનસ, માઈકલ એન્જેલોની પિયેતા, લિયોનાર્દો દ વિન્સીની મોનાલિસા અને વિકાસોની ‘માદામોઝેલ દ વિન્સીની મોનાલિસા અને પિકાસોની ‘માદામોઝેલ દ આવિન્યો’ને મળવાથી પણ ન ગભરાઈ! (વોટ એ રેન્જ ! આ બધા સિમ્બેલ્સ કળામહર્ષિ સિવાય કોણ સમજે? માઈન્ડબ્લોઈંગ!)

નાનપણથી હુસેને જીંદગીને શ્વાસમાં ધૂંટીને એનો ઉચ્છ્‌વાસ હાથોથી બહાર કાઢવાનું ચાલુ કર્યું. એ જમાનામાં કાગળ પર એનિમેશનની અદાથી ફિલ્મોના ચિત્રો દોર્યા. પૂંઠાનું પ્રોજેકટર બનાવી એ ‘રેખાંકન’ની રીલ-એમાં ફેરવી અને ખેડૂત – બળદગાડીની ‘હાલતી ચાલતી ફિલ્મ’ વાળું બારાહ મન કી ધોબન દેખો વાળું બાયોસ્કોપ બનાવ્યું. ચાચાના ઓરડામાંથી સિગારેટની ડબ્બીઓ ભેગી કરી એમાંથી મહેલ બનાવ્યો. ઝરૂખા, રાજારાણીનું જોડું, નાના – નાના હાથી ઘોડા, લીલાં પોપટોથી ભરેલા નાના – નાના – ઝાડ – આ બઘુ શણગારીને મોહરમના તાજિયાની જેમ માથા પર ઉપાડીને સ્કૂલમાં ‘હસ્ત ઉદ્યોગ’માં પહેલું ઈનામ મેલવ્યું (બાળકોની કેટલીય આવી નેચરલ ક્રિએટિવિટીનું કબ્રસ્તાન આપણે ત્યાં હોમવર્ક અને વર્કંિગ હોમ વચ્ચે ચાલતી માર્કસની રેસમાં બને છે!) ગુજરાતમાંથી ગ્લાસપેઇન્ટિંગ શીખ્યા અને કેલિગ્રાફી કરી દોસ્તોને ભેટ આપતા. મેદાનોમાં દોડતા, અચ્છા દોડવીર દશેરા – દિવાળીએ ઢીંગલી પણ ખરીદે. મસ્કતી ખજૂરમાં અલિફના શબ્દો ઉકેલે. હૈદ્રાબાદની શિલાઓનાં ગીતાંજલિનું ગુંજન સાંભળે!

હુસેન લખે છે ઃ ‘‘થંભી જવું પડે છે, માત્ર ચમકતી દમકતી સોસાયટીઓના ઝમેલામાં. ત્યાં ખૂબસુરત પહેરવેશ અને મહેરાંની પાછળ હંમેશા છેતરાઈ જવાનો ડર લાગે છે. કહેવાય છે કે સાથે ચાલવાવાળો લૂંટારો હોઈ શકે છે. પરંતુ આજકાલ તો ભય એક અટકી ગયેલા માણસનો છે, દરેક રીતે અટકી ગયેલો, કોઈને કોઈના લાગમાં બેઠો હોય છે!’’ બચપણમાં એક શ્રીમંત સહપાઠી અન્વરે માત્ર હુસેનની ઈર્ષાથી હુેસનની આંખમાં મરચાંની ભૂકી નાખેલી એ યાદ કરી એ ચેતવણી આપે છે ઃ ‘‘આ ઈર્ષાના લાલ મરચાંના વેપારી પોતાના આનંદ માટે દરેક રંગોના મેળામાં ધૂસી જાય છે. આનંદ અને વાદ્યોના તરંગો એમના કાનોને ન્હોર ભરવા લાગે છે. હાસ્ય એમને કઠે છે. સારાં શેર શાયરી એમને મૂરઝાવી દે છે… મરચું છાટવું એ વેપારીની પ્રકૃતિ છે, એ ખુલ્લા ઘાને શોધતા ફરે છે! ખુલ્લી હવામાં એમનો શ્વાસ રૂંધાવા લાગે છે!… આ રીતિરિવાજના ઠેકેદાર, અક્કલ અને સમજના પહેરેદાર, સંસ્કૃતિ અને સભ્યતાના ચોકીદાર માન્યતાનું પૂંછડું લઈ સમાજમાં ફરી રહ્યાં છે, ંઅંધારી રાતોમાં ખુલ્લી બારીઓમાં બંધ આંખોને શોધે છે. બંધ મુઠ્ઠીમાં ઈર્ષા અને નફરતની આગથી એમની આંગળીઓ દાઝી રહી છે.’’

હુસેન માનતા પેટની ભૂખ ઠારવા બે રોટલી જોઈએ, પણ બુઘ્ધિના ખોરાકની સીમા નથી. ઓળખ અને સમજની શોધમાં દુનિયાના ખૂણેખૂણા ફરી વળો. પછી મુઠ્ઠી બંધ રહી તો લાખની, ખુલી તો ખાખની! બકૌલ હુસેન ઃ ‘‘એક કળાકારને દરેક પ્રાપ્તિ સમયે કોઈને કોઈ અભાવની તીવ્ર લાગણી અંદરથી થવી જોઈએ… આમલીના ઝાડની અગણિત પાંદડીઓ ને આકાશી છત પર જડેલા તારાઓનો હિસાબ કયારેય થઈ શકે છે? પછી કરોડો સદીઓની શોધખોળના અંતે જીવનનો હિસાબકિતાબ પૂરો થઈ શકયો છે?… આ સૃષ્ટિનો પ્રત્યેક કણ પોતાના અસ્તિત્વમાં અઘૂરો છે. સ્ત્રી અઘૂરી અર્ધનારીશ્વરની કલ્પના માણસના મગજમાં એટલા માટે જન્મી છે કે દુનિયાના કારખાનાથી હતાશ થઈને એ જીવ ન છોડે.’’

હુસેનની કથાના સમાપનમાં એમનાં જ આર્ષવાણી જેવા શબ્દો કામ લાગે છે. ‘‘માનો ખોળો બચપણમાં છીનવાઈ જવાથી કોઈ એવું પારણું પણ ન રહ્યું, જેને યશોદામા ઝૂલાવે… માનું ઉંઘને બોલાવતું હાલરડું કયાં? કાનમાં બસ અવાજ ગુંજે છે ઃ જાગતે રહો, જાગતે રહો… અને આ જાગરણ ચાલુ છે. આ મેરેથોન, માઈલોના માઈલોની યાત્રા ચાલુ છે. કેન્વાસ પર રંગોની ભરમાર, આર્ટ ગેલેરીનું ગરમ બજાર, ઈન્ટરનેશનલ ઓકશન હાઉસનો સુપરસ્ટાર, બોલીવૂડની અપ્સરાઓનો પૂજક પણ અજંતા – ઈલોરાની દેવીઓનો ચરણસ્પર્શ કર્યા પછી! આખું જીવન વીતાવ્યું સૌંદર્યમાં બજારમાં પણ તે (હુસેન) સૌંદર્યનો સોદો કરવા નથી ગયો, સૌંદર્ય ફેલાવવા ગયો છે.

આ ઈર્ષા કેમ? આજના એમ.એફ. હુસેનને જોઈને? પાછા ફરીને ગઈકાલના મકબૂલને જોયો છે, જે પ્લે હાઉસની હુસેની ખીચડીવાળાના દાબામાં પાંચ પૈસાની ખીચડી પર મફત દાળ અથવા કઢી નખાવવા ઉભો રહેતો હતો? બે આનાની સિનેમા ટિકિટ માટે બે કલાક લાઈનમાં! મહિનાઓ સુધી વીસ વીસ ફુટ લાંબા ફિલ્મી હીરોઈનોના હોર્ડિંગ સીડીઓ પર ચડીને ચીતરતો! ચાલીની એક ઘરડી વિધવાની દીકરી સાથેના લગ્નમાં રસ્તે ચાલતા પાંચ દસ જાનૈયા અને સુહાગરાત ઉજવવા એક પોસ્ટમેન દોસ્તે ખાલી કરેલી બે રૂમમાંથી એક રૂમ! આ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી. આ અસલી સીન છે. મકબૂલની જીંદગીનો એક ભાગ, જેને લોકો નથી જાણતા, લોકો તો ઓ લખે છે એમ.એફ. હુસેનને જેના પર ચમકતી લાઈમલાઈટ છે!’’

જો વિચારવું પણ રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યામાં આવતું હોય તો વિચારજો: આ બેકગ્રાઉન્ડથી હુસેનની કેવી જાયન્ટ છલાંગ હતી, જગતભરની કળાઓને સાહિત્યને સમજવાની અને એની હરોળમાં ઉભી રહે તેવી કળા સર્જવાની! એ કળાના જોરે કરોડો કમાઇને ઠાઠથી ખર્ચવાની! અંતે એની રઝળપાટ થંભી. એને માના હાલરડે નીંદર આવી ગઈ. પીંછીનો કાલિદાસ ગયો, કવિ વિવેક દેસાઇ કહે છે તેમ ચપ્પલ અહીં છોડીને ! અને એ મૂકતો ગયો સર્જકતાનો ધોધ, જેમાં મરજી પડે, તે ભીનો થતા રહેશે! સવા અબજના દેશમાં આવો કોઈ બીજો કળાના ‘હાઇ બ્રો’ ભદ્ર વર્ગ વચ્ચે આમ આદમીને સમજાતો ગ્લોબલ બ્રાન્ડ ઈન્ડિયન પેઈન્ટર પેદા થાય, એના પરોઢ તણાઈન્તેઝારમાં! (શીર્ષકઃ મરીઝ)

ઝિંગ થિંગ

 ‘કલાના પ્રવરં ચિત્ર ધર્મ કામાર્થ મોક્ષદમ્‌’

બધી જ કળાઓમાં શ્રેષ્ઠ ચિત્રકળા છે, જેનાથી મનુષ્યના ધર્મ, અર્થ, કામ, મોક્ષ સિઘ્ધ થાય છે. (વિષ્ણુધર્મોત્તર પુરાણ)

(છપાયા તારીખ ૨૨ જૂન , ૨૦૧૧ )


 
 
 
%d bloggers like this: