RSS

Daily Archives: જુલાઇ 29, 2011

ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ?

બ્રેઇનની ચીપ વાઇબ્રેટ થવાની સાથે જ જેવીથ્રીની આંખો ઉઘડી ગઇ. એલાર્મ એના સેટ ટાઇમ મુજબ જ વાગ્યો હતો. મગજમાં એકસ્ટ્રા મેમરી ઇનપુટ ડિજીટલી ફીડ કરવાની વાત સાવ સાહજીક હતી અને એલાર્મ ક્લોક કે મોબાઇલનો મોહતાજ નહોતો. જેવીથ્રીએ આંખો ચોળતા ચોળતા દીવાલ પર આંગળીથી ઠપકાર્યું. ફિંગર ટચ સેન્સર સાથે જ વોલ પર સ્ક્રીન શરૂ થઇ ગયો. દ્રશ્યોની ધમાચકડી વચ્ચે ફ્‌લેશ થતા કંપનીના સ્ટોક ઇન્ડેક્સના ભાવો પર જેવીથ્રીની નજર ધુમવા લાગી. સ્પેસમાં રિયલ એસ્ટેટની તેજી ભડકે બળતી હતી. પૃથ્વી પરની બધી જ જમીનોના સોદા થઇ ગયા પછી બ્રહ્માંડમાં લેન્ડ ગ્રેબિંગના સ્પેક્યુલેશન થતા હતા.

જેવીથ્રીએ આળસ મરડી. વોલમાંથી એક ટ્રે તરત જ બહાર આવી. એમાં નાનકડી રંગબેરંગી કેટલીક કેપ્સ્યુલ્સ હતી. એ ગળી જઇને એણે તરત જ બાજુના બેઝિનનો નળ ચાલુ કરી પાણીનો ધૂંટડો ભર્યો. જેવીથ્રીનો બ્રેકફાસ્ટ થઇ ગયો હતો. હવે આખા ગુજરાતમાં સેન્ટ્રલ વોટર પ્યુરિફાયર યુનિટ્‌સ હતા. દરેક લાઇનમાં પીવા જેવું ચોખ્ખું પાણી લાંબાલચ દરિયા કિનારામાંથી મીઠું થઇને જ આવતું હતું. ઓબેસિટીના ભયાનક વધારા અને અવનવા વાઇરલ રોગચાળા પછી ન્યુટ્રીશનીસ્ટ્‌સે બધી જ ગુજરાતી વાનગીઓ પોઇઝનસ અને પ્રોહિબિટેડ જાહેર કરી હતી.

હવે ઢોકળા, ફાફડા, પાણીપુરી, બટાકાપૌઆ બઘું જ પ્રોહિબિટેડ હતું. પુરી, શીરો, સમોસા, પિઝા, ભેળ, ઢોસા, લાડુ, શિખંડ કશું જ નવી જનરેશનમાં કોઇને પચતું નહોતું. વિજ્ઞાનીઓએ બધાના ટેસ્ટ્‌સની કોન્સન્ટ્રેટેડ ફ્‌લેવરવાળી ટેબ્લેટ્‌સ બનાવી લીધી હતી. બધા પોષક દ્રવ્યો એમાં જ આવી જતા હતા. દાંત હવે ચાવવા માટે નહીં, પણ કોસ્મેટિક પર્પઝથી ફલોસ કરવાના રહેતા હતા. જેવીથ્રીએ ઝટપટ વેપોરાઇઝર ચાલુ કરીને વરાળિયું સ્નાન કર્યુ નવા ઇલેકટ્રિક બ્લ્યુ અને મેજેસ્ટિક રેડ કલરના ટી-શર્ટ-શોર્ટસ પહેર્યા. એના ફેવરિટ બાઉન્સી શુઝ પહેર્યા.

બોડી સાથે શુઝના સેન્સર કનેક્ટ થઇ રોજ સવારે જ એના આખી બાયોરિધમનો ચાર્ટ આપી દેતા હતા. કાંડા પર આઇ-બેલ્ટચડાવ્યો. હવે લેપટોપ કે મોબાઇલ ભૂતકાળની વાતો હતા. બઘું જ આઇબેલ્ટમાં આવી જતું હતું. જ્સ્ટ એક સ્વીચ ક્લિક કરવાથી હવામાં જ ચાહો તે સાઇઝનો હાઇરિઝોલ્યુશન સ્ક્રીન તરવરતો હતો જેમાં ટચ કરીને એન્ટર થવાનું, જે ન્યૂઝ કે અનેટરટેઇનમેન્ટ જોવા હોય એ એમાંથી મળતા. બૂક્સનો બોજો સાવ નીકળી ગયા હતો. જેવીથ્રીના ફાધરે જ સ્ટીવ જોબ્સના વારસદારો પાસેથી આઇબેલ્ટની એજન્સી મેળવી હતી. હજુ યે બહાર બીજે જ થતી બધી શોધોનું ટ્રેડીંગ કરવામાં ગુજરાતીઓ રિચ થતા જતા હતા.

જેવીથ્રીની ઉંમર કોલેજે જવાની હતી પણ હવે કોલેજોમાં જવાનું નહોતું. ફેવરિટ ટીચર્સના વર્યુઅલ લેકચર્સ એડમિશન પછી મળતા સ્માર્ટકાર્ડથી ડાઉનલોડ કરવાના રહેતા. એસાઇનમેન્ટસ ઓનલાઇન સબમીટ થઇ જતા. ઇન્ફેકશનની બીકને લીધે કોઇ કલાસરૂમમાં જતું નહીં. ઇનફેક્ટ, મોટી મોટી સોસાયટીઓ ફરતા ઇનક્યુર્બેટેડ ડોમ હતા. કલાઇમેટ બહુ જ ડિસ્ટર્બ રહેતું હતું. બહાર! એટલે ડોમમાં સતત ઇલેક્ટ્રોમેગ્નેટિક સિરિઝથી નયનરમ્ય દ્રશ્યો ઉભા કરી શકાતા હતા. આસપાસ કસ્ટમાઇઝડ આકાશ..જંગલ…ને એવું બધું લાગે. મોંઘી સોસાયટીમાં તો વોલપેપરની જેમ ડેઇલી વિઝ્યુઅલ્સ ફરતા જાય. બગીચો રોજ નવો લાગે. હવે ડિગ્રી કોર્સીઝ તો હતા નહીં. સ્પેશ્યલ સબ્જેક્ટ પર પ્રોજેક્ટ કરીને જ ગ્રેજ્યુએટ થઇ શકાતું. એક્ઝામ્સ દર વર્ષે પણ અમુક અમુક સમયે કોમ્પ્યુરાઇઝડ રીતે જ આપવાની થતી. બાકી વર્ચ્યુઅલ ડિસ્કશન્સ એન્ડ સ્પોર્ટસ!

ઓહ સ્પોટ્‌ર્સ! જેવીથ્રીને બહાર મેદાનમાં રમવા જવાનું બહુ મન થતું. પણ હવ બધી જ સ્પોર્ટસ ગેમિંગ સોફ્‌ટવેર્સ પર રમાતી. રોજ બે વખત એક ટ્યુબ જેવી ચેમ્બરમાં સુઇને મસાજ અને એવી એક્સેસાઇઝ ઘેર કરવાની રહેતી ડાયેટ તો પ્રિસ્ક્રાઇબ્ડ ન્યુટ્રીશન્સનો જ હતો. હજુય ક્યાંક જૂના પેઢીના લોકો સિંગતેલની દાણચોરીના પ્રયત્નો કરતા એવું જેવીથ્રીએ સાંભળ્યું હતું. પણ ફ્રાઇડ ફૂડ પર પ્રોહિબિશન હતું. જેવીથ્રીએ હુતુતુતુ ૩.૫અપલોડ કરી રમવાનું ચાલું કર્યુ. ક્યારેક એણે વિન્ટેજ હેરિટેજનો ચસ્કો લાગતો.એટલે હમણા પ્લેનેટ પ્રિઝનછોડીને એ આ ગેઇમ ખરીદી લાવ્યો હતો.

જેવીથ્રીને તરત કંટાળો આવ્યો. ૨૦૬૦નો આ ભયાનક રોગ હતો. બોરડમ. કંટાળો. નથિંગ ઇઝ હેપનિંગ. એમાંથી ડિપ્રેશન આવતું. પછી લોન્લીનેસ ફીલ થતી જેવીથ્રી યંગ હતો. હવે મમ્મી-પપ્પા સાથે રહેવાનું નહોતું. જેવીથ્રીને આમ પણ પેરન્ટ્‌સ સાથે થોડા ઇસ્યુઝ હતા. જેવીથ્રીને લવ થયો હતો. એનું નામ હતું. બી.ટી. ફાઇવ. એની આંકોમાં ગ્રીન શેડ્‌સની લાઇટ જેવીથ્રીને ગમતી. ફર્સ્ટ ડેટ પર બંનેએ વર્ચ્યુઅલ કિસ કરેલી. ઓહ! સ્ટિલ ઇટ્‌સ સો એકસાઇટિંગ. બહાર ગયા વિના જ માત્ર એક હેડગીયર પહેરીને પોતપોતાના ઘરમાં બેસી બંને સાઇબરડેટ પર જઇ શકતા. સાથે રહેવું જરૂરી નહોતું પણ લવ થાય તો જ સાઇબરડેટની કનેક્ટિવિટી મળે. બી.ટી. ફાઇવ વોઝ ક્રેઝી, ફની એન્ડ હોટ ગર્લ. પણ એ હાફરોબોટિક હતી. ત્યારે જીનેટિક એક્સપેરિમેન્ટ્‌સ સાથે રોબોટ્‌સનું ફયુઝન કરવામાં આવેલું. જેવીથ્રીના પપ્પાને પસંદ નહોતું કે કિડ્‌સ પેદા ન કરે એવી હાફરોબોટિક છોકરી સાથે છોકરો એફેર કરે.

પણ જેવીથ્રીને ક્યાં મેરેજ કરવા હતા? હવે ભાગ્ય જ કોઇ મેરેજ કરતું બધા બસ લિવ ઇનમાં મન પડે તો સાથે રહેતા, પણ બહુ લાંબો સમય સાથે ન રહી શકતા. એડજસ્ટમેન્ટ્‌સ કોમ્પિલિકેટેડ લાગતા. એટલે એકસાથે અલગ અલગ રિલેશન્સ રાખી, પ્રાઇવસી જળવાય એમ બધા ઇન્ડિવિજ્યુઅલ ફ્રિડમથી રહેતા. પણ જેવીથ્રીને તો રોમાન્સ કરવો હતો. એમાં એની કરિઅર તરફ ઘ્યાન નહોતું રહેતું. એ સારો બાયોટેકનોલોજીસ્ટ બની શકે તેમ હતો. એમ તો એણે પહેરીને અદ્રશ્ય થઇ શકાય એવો સૂટ પણ ડિઝાઇન કર્યો હતો.

બપોર થવા આવી. જેવીથ્રી વિચારે ચડ્યો. આજે બીટીફાઇવ ઓનલાઇન નહોતી. જેવીથ્રીને થયું, આજે નવું એક્સ્પ્‌લોરેશન કરવું જોઇએ. ઇટ્‌સ હાઇ ટાઇમ. એને પોતાની ગુજરાતી રૂટ્‌સ માટે ગર્વ હતો. એ ઘણી વખત જૂની જૂના વસ્તુઓ લઇ આવી મ્યુઝિયમમાં સાચવતો. અગાઉ જે અખબારો આવતા એની પૂર્તિઓના લેમિનેટેડ ટુકડાઓ એના કલેકશનમાં રહેતા. ગુજરાતમાં અગાઉ બધા બહુ પહેરતા એવી વ્હાઇટ ખાદીનો એક શર્ટ પણ એણે જાળવેલો. એને ગુજરાતી ભાષા થોડી થોડી ઉકેલતા ફાવતું હતું. એણે જાણ્યુ હતું કે એના દાદાનું નામ જાજવલ્ય વૈદ્ય હતું. પણ પછી એવી નામો બોલવામાં ટંગ ટ્‌વીસ્ટને એવી બધી તકલીફ પડતી હતી. એટલે હવે આવા જ નામો આવતા જતા હતા. ક્યારેક જેવીથ્રી કોઇ કાગળના ટુકડા પર કવિતાથી ફેસિનેટ થયો હતો. પણ કેટલાક ગુજરાતી મુવી રિસ્ટોર કરીને જોયા પછી એને બીક લાગતી હતી. એને જોકે ક્લાસિક મ્યુઝિક સાંભળવું ગમતું .આર્કાઇવ હિસ્ટ્રીમાં બધા ફોટોગ્રાફ્‌સ પણ એણે એકઠા કર્યા હતા. ગ્રેટ લીડર્સના અને એન્ટરટેઇનર્સના.

જેવીથ્રીને રસ હતો કે ગુજરાતમાં ખૂણે ખૂણે ફરીને એક્સપીડિશન કરે. એણે સાંભયેલું કે એના આ નેટિવ પ્લેસમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા મોટા શહેરો હતા. લાયન્સ હતા, વન્સ અપોન એ ટાઇમ ડામર રોડ પર બધા છકડો રીક્ષા ટાઇપના ફની વાહનો ફેરવતા. આજે તો દસ-દસ માળના ફલાયઓવર્સ પર મેગ્નેટિક રીતે જકડાયેલી રહેતી સિંગલ સીટ કારનો જમાનો હતો. બધા હવામાં ઉડી શકતાં. ફ્‌યુલ પોલ્યુશન ન થાય એવું સોલાર ફ્‌યુઝન પાવરનું સ્ટેશન હતું.

ટ્રાફિક સેન્ટ્રલાઇઝડ રહેતો ને જામ થઇ જતો, ત્યારે ઉડીને જવું પડતું, એટલે નાના વિમાનો વાપરવા પડતા. હમણા એક નેનો હેલિકોપ્ટર પણ બહુ ચાલ્યું હતું! બુલેટ સ્પીડથી ગમે ત્યાં પહોંચી શકાતું. પણ ગુજરાત બહાર નીકળવા માટે પાસપોર્ટ જોઇએ. ઇન્ડિયા હવે એક યુનાઇડેટ ફેડરેશન હતું. કેટલાય રાજ્યો સ્વતંત્ર થઇ ગયા હતા. ત્રીજા વિશ્વયુઘ્ધ પછી લડવાની મામલે શાંતિ હતી. લાસ્ટ એટોમિક બ્લાસ્ટમાં પાકિસ્તાન પણ લગભગ ખતમ તાલિબાનોએ કર્યું હતું. એકાદી કોર્ટમાં જોકે હજુ યે પચાસ-સાઠ વર્ષ પહેલાના તોફાનોના કેસ ચાલતા હતા એવું જેવીથ્રીએ પણ સાંભળ્યું હતું.

જેવીથ્રીને બહુ બઘું કૂતુહલ થતું, જુનું જુનું જાણવાનું પણ એને લાગતું કે જાણે હિસ્ટોરિકલ ડેટા બધે જ ઓલ્ટર કરી દેવાયો છે. એ રિસર્ચ કર્યા કરતો. એમાં એને એક અન્ડરગ્રાઉન્ડ બૂઢા ગુજરાતીનું મેઇલ આઇડી મળેલું. એ ક્રાંતિકારીએ કહેલું કે એ એને ઓરિજનલ ટ્રુથની વાયોલટ રે ડિસ્ક મોકલશે, મોડી બપોરે ટેલિપોર્ટેશનથી હવાના જ મોલેક્યુલ્સમાંથી બનીને જેવીથ્રીના ડેસ્ક પર આવી. જેવીથ્રીએ પોતાના વર્ચ્યુઅલ અવતારને દરિયાકિનારાના લોકેશનની નકલ કરતા મોલમાં ફરવા મોકલેલો, એ શટ ડાઉન કરી, ડિસ્ક ઉપાડી. જેવીથ્રીએ ઝપાટાબંધ એ ચડાવી. એને હતું કશીક રહસ્યમય કહાની જાણવા મળશે. શું કામ પોતાને આ મેગામેટ્રોઝની બહાર જવા દેવામાં નથી આવતો એની ખબર પડશે. કેમ સતત યંગ કિડ્‌સ પર સર્વેલન્સ રખાય છે કે એ ગુજરાતના આઉટસ્કર્ટમાં જઇ એને એકસ્પ્લોર ન કરે? હવે ખુલાસો થશે.

સામે સ્ક્રીન પર દ્રશ્યો રચાતા ગયા. બ્લડપ્રેશર અને હાર્ટબીટ્‌સ માપતા સેન્સર રેડ લાઇટ બતાવતા ગયા. પણ હવે બધા જ ગરમ હવામાનમાં ટુ પીસ કોસ્ચ્યુમમાં ફરતા હોઇ, ૨૦૧૧ના ગુજરાતીને ઘરમાં  બિકિની પહેરી ફરતી છોકરીને જોઈને જે થાય, એ અસર જેવીથ્રીને થઇ! જેવીથ્રીની આંખો પહોળી થઇ! મોં ખુલ્લું થુયું. એને ખબર પડી કે દસ વર્ષની ઉંમરે જ એની મેમરી રિફ્રેશ કરવામાં આવી હતી. ઇનોવેટિવ ફ્‌યુચરના પ્લાન તળે! એ જે જીવે છે, એ ગુજરાત હતું. જ નહીં! ગુજરાત તો ૨૦૫૦માં જ ખતમ થઇ ગુયું હતું. આ તો એની જસ્ટ રેપ્લિકા હતી. નવા બચ્ચાં લોગને આ બઘું ખબર ન પડે એટલે બહાર જેવા દેવામાં આવતા નહીં.

ગુજરાત એક અનોખું અને અવનવું રાજ્ય હતું. ભૂકંપથી સ્વાઇન ફ્‌લુ સામેના પડકારો સામે લડીને બેઠું થઇ જતું હતું. પણ આ ગુજરાત, એની તમામ સંસ્કૃતિ સાથે ઘ્વસ્ત થઇ ગયું હતું. કારણ કે ગુજરાતીઓને મનીકોન્ડ્રિયાની બીમારીનો ચેપ બચપણમાં જ લાગી જતો હતો. ગુજરાતીઓ મોટા થતા એટલે દરેક બાબતને માણવાનું એમનું ધોરણ પૈસો બની જતો હતો. માન આપવાનું, ચાહવાનું, ભણવાનું, ઉજવવાનું,શોક રાખવાનું, શાસન કરવાનું- બઘું જ પૈસા માટે. જે પૈસા કમાય એ જ ગુજરાતી પ્રજાનો હીરો હતો. પૈસો ત્યાગનારા ધર્મગુરૂઓની શક્તિનું માપ પણ પૈસાના ભોગથી નીકળતું. અને આ બધા વચ્ચે ધર્મ, કોમ, જ્ઞાતિનું હાડોહાડ વિભાજન રહેતું. એક પ્રકારની અંદરો અંદર એકબીજાને ખાઇ જવાની રેસ રહેતી.જ્ઞાન, પ્રતિભા, કળા બઘું જ એમાં ખતમ થઇ ગયું. ગુજરાત આબાદ થયું, પણ ગુજરાતીઓ બરબાદ થયા. અંતે પાયા વિનાનું ઝગમગતું ગુજરાતી શિખર પડી ગયું!

જેવીથ્રી માથું પકડીને બેસી ગયો. એ રોજ સાંજે ડિજીટલ બાબા રેની મદદથી ‘આત્મિક હીલિંગ’ લેતો હતો. પણ આજે એનું ય એને મન ન થયું. સ્ક્રીન પર સ્ટેમ સેલની કોમોડિટી માર્કેટના સટ્ટાના ભાવ ખુલતા હતા. બંધ કમરામાં બીપથયું. સુરજ ડૂબવાનો એ સંકેત હતો. નેચરલ લાઇટ સોર્સ જતાં, આર્ટિફિશ્યલ પાવર ઓન થયો!

 

આ ‘એટેમ્પટેડ સાયન્સ ફિક્શન’ મૂળ તો બે જ કલાકમાં ૨૦૧૦ના સ્વર્ણિમ ગુજરાત ઉત્સવના અવસરે એક વિશેષ  પૂર્તિ માટે લખી હતી. એનું સંપાદન મૂળ સંપાદકોને બદલે એક જાણીતા પત્રકારે સંભાળ્યું હતું. એટલે થયું કે ચાલો, એમને માટે  ગુજરાતના ભવિષ્યની થીમ પર કશુંક સ્પેશ્યલ લખીએ. વિજ્ઞાન પત્રકારત્વના એમના રસને લીધે અચાનક વિજ્ઞાનકથા પર હાથ અજમાવવાનું મન થયું. કમનસીબે, આ હોંશથી લખી આપેલી વાર્તા કદાચ એમની બેદરકારીને લીધે ‘કિલ’ થઇ ગઈ. છપાઈ તો ખરી, પણ વાંચવામાં વરસાદી ભુવાવાળા રોડ પર બાઈક ચાલવતા હાલત થાય, એટલી ભૂલો અને ખવાઈ ગયેલા ફકરાઓ અને સાવ અસંબદ્ધ તસ્વીર સાથે!

એની વે, વિજ્ઞાનવાર્તા માટે આપણે ત્યાં અક્કરમીનો પડિયો કાણો એવો જ ઘાટ છે.  સાયન્સની સ્કૂલો ધમધોકાર ચાલે છે, પણ સાયન્સ ફિક્શન એક લખાતી નથી! અરે, વંચાતી પણ નથી! આપણે મોટા ઉપાડે પશ્ચિમ સામે બાથ ભીડવાના હાકોટા કરીએ છીએ…પણ હજુ સાયન્સ ફિક્શન ત્યાં ફિલ્મો કે બાળસાહિત્યમાં દાયકાઓથી જે રીતે વણાઈ જાય છે, એની શરૂઆત પણ કરી શકતા નથી! આ કૃતિ તો કચાશવાળી જ હશે. (એ જે કઈ દેખાય એમાં ધ્યાન દોરજો હોં કે !) પણ મિત્ર જયેશ અધ્યારુએ એ છપાઈ ત્યારે પણ મીઠી ફરિયાદ કરેલી કે અંત અધુરો લાગે છે. જો કે, મેં તો આ જ ‘એન્ડીંગ પોઈન્ટ’ વિચાર્યો હતો, ને અહીં એ રાખ્યો છે. એની અધુરપ જાણી જોઈને જ રખાયેલી છે. સાંકેતિક/સિમ્બોલિક અંતિમ વાક્ય સાથે. પણ આ બ્લોગના રીડરબિરાદરોને ઇજન છે….તમને રસ પડે તો એની સિક્વલ લખી શકો – અહીં થી વાત લંબાવી ને…બે પાત્રો જેવીથ્રી અને બીટીફાઈવ તો છે જ. વિગતે વર્ણવાયેલો સેટ અપ પણ છે. એમાં નવા પાત્રો-ઘટનાઓ નું એક્સટેન્શન કરી શકો, આગળ શું થયું એ વિચારી શકો…ને ૨-૩-૪-૫ ફકરામાં કે મેક્સિમમ હજારેક શબ્દોમાં (મીનીમમ ફાવે એટલા 😛 ) અહીં કોમેન્ટમાં પોસ્ટ પણ કરી શકો. જે સિક્વલ મને ગમશે, બેસ્ટ લાગશે – એમને એમની મહેનત બદલ મારા હમણાં પ્રકાશિત જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકોમાં થી એક પુસ્તક ભેટ મોકલાવીશ. આ બહાને પણ વિજ્ઞાનકથાના છોડને કુંપળો ફૂટે તો ભયો ભયો! સો, લેટ યોર ઇમેજીનેશન ફ્લાય !

ડોન્ટ વરી, ના ફાવે , તો આ કંઈ ફરજીયાત નથી..જસ્ટ કથા માણો, ને થાક ઉતારો 🙂

 
 

એન ઇવનિંગ ઇન ‘પૃથ્વી’…

મુંબઈ મારું ગમતું શહેર. ઘણાને એ ભીડભાડવાળું, ક્રૂર, યાંત્રિક, ઝડપી લાગે અને છે ય ખરું…પણ સાથોસાથ એ એક ધબકતું મહાનગર છે. જીવંત, શ્વાસ લેતું, રંગબેરંગી, ઝગમગતું. વેલ, મુંબઈની ઘણી વાતો થઇ શકે એમ છે, ને ઘણાય ઘણી રીતે એ કરી ય ચુક્યા છે.

પણ આજે વાત પૃથ્વી થીએટરની કરવાની છે. ના, ના…એનો કોઈ ઇતિહાસ નથી માંડવાનો. પણ સંજના કપૂરને લીધે અમારી પેઢી સુધી પહોચતું રહેલું જુહુના ચર્ચ રોડ પર આવેલું પૃથ્વી ત્યાં જતા પહેલા જ મનમાં એક ચોક્કસ છાપ બનાવી ચુક્યું હોય, એ સ્વાભાવિક છે. જોકે, અઢળક મુંબઈમુલાકાતો થઇ. રાજકોટથી નિકટ સ્વજન સમા મિત્ર અરવિંદ શાહ મુંબઈવાસી થયા, ત્યારે પૃથ્વીની બાજુમાં જ રહેતા હોઈ – પૃથ્વીના પટાંગણમાં પણ પગ મુકવાનું બનતું રહ્યું. એનો બુકશોપ હજુ હમણાં સુધી મારો ફેવરિટ હતો. કળા-સાહિત્યના ઉત્તમ અને દુર્લભ પુસ્તકો નાનકડી જગ્યામાં પણ એસ્થેટિકલી રખાયેલા હોય. હવે એનું કલેક્શન એટલું સ્પેશ્યલ નથી રહ્યું. પૃથ્વીના કોફીશોપમાં એમ ને એમ (એટલકે એમ તો સમોસા-કોફી વગેરેની જ્યાફત માણતા જ વળી! ) બેસવાનું થાય તો પણ આજુબાજુ નજર કરતા સમય પસાર થઇ જાય. ટિપિકલ ધૂની, આર્ટિસ્ટિક, લઘરવઘર, તરવરિયા યંગસ્ટર્સનો એ અડ્ડો. લાંબા વાંકડિયા ઝુલ્ફોવાળા પુરુષો અને ટૂંકાવાળવાળી સ્ત્રીઓ ત્યાં એકબીજાને બદલે સ્ક્રિપ્ટ કે સ્કેચમાં ખોવાયેલા જોવા મળે, ને બધાનો ડ્રેસકોડ કુરતો-જીન્સ-માળા હોવાનો (જેન્ડર બાયસ વિના) ચાન્સ મેક્સિમમ.

પણ , ક્યારેય પૃથ્વી થીએટરમાં નાટક જોવાનો ચાન્સ મળ્યો જ નહિ. મન થાય પણ કાં તો બીજું કઈ કામ હોય, જવાનું હોય, ટિકિટ ના મળે…ને એ અધુરપ ખટક્યા કરે. જાણે ગમતી છોકરીને દૂરથી તાકીને વાત કર્યા વિના જ પાછા ફરતા હોઈએ એવો ઘાટ સર્જાય. ‘પ્રેમ એટલે’ના શો માટે મુંબઈ જવાનું થયું, એટલે મુંબઈના ગુજરાતી નાટ્યકલાકારોના બદ્રી-કેદાર ગણાતા ભાઈદાસમાં પ્રેક્ષકોની બેસુમાર તાળીઓ વચ્ચે પરફોર્મ કરવાનો લ્હાવો તો મળી ગયો. પછી અમદાવાદ જવાનું હતું ને રાતની ફ્લાઈટની ટિકિટ મળતા અચાનક જ પૃથ્વીના પેટાળમાં ઉતારવાની તમન્ના પૂરી થઇ ગઈ.

એ.ટી. (અરવિંદ શાહ)ના પ્રિય પાન બનારસવાલા બનાવનાર રમેશે ટિકિટ લઇ રાખી. રાતની ફ્લાઈટ પહેલા ૬ થી ૯માં મેં જેના વિષે સાંભળેલું, એ ગુજરાતી એકોક્તિઓનો નાટ્યપ્રયોગ ‘બેસ્ટ ઓફ સાત તરી એકવીસ’ હતો. જાણીતા પી.આર. મનહર ગઢિયા નિર્મિત આ પ્રયોગ મંડળ-વમળમાં ‘ગુજરતી’ ગુજરાતી રંગભૂમિ માટે અત્યારે નવતર ગણાય એવો. તખ્તાની ઉભરતી કલાકાર અને ફેસબુક થકી (ખરેખર તો કોલમ થકી ) પરિચયમાં આવેલી ભક્તિ રાઠોડે મારી પૃથ્વીયાત્રા વધુ આસન બનાવી. ઇન્ફીનીટી મોલ ખાતે મેં શોપિંગ કરેલી થેલીઓ ત્યાં આવીને પોતાની કારમાં વરસાદ વચ્ચે પૃથ્વી પર અગાઉ જ લઇ ગઈ. હું તો વરસાદી ટ્રાફિકને લીધે મોડો પહોંચ્યો પાછળથી. એક્ચ્યુલી બહુ નાટ્યાત્મક રીતે – એકદમ નિક ઓફ ટાઈમમાં ! પૃથ્વીમાં નાટક શરુ થઇ ગયા પછી એન્ટ્રી ‘સ્ટ્રીક્ટલી પ્રોહિબીટેડ’ હોય છે. દરવાજો જ બંધ થઇ જાય! એ બંધ થતો હતો ને હું પહોંચ્યો. બસ, ઐન વક્ત પર !

પૃથ્વી કંઈ બહુ વિશાળ ઓડિટોરીયમ નથી, પણ વિશિષ્ટ છે. ગ્રીક એમ્ફીથીએટરની ડિઝાઈનમાં બનાવાયું છે. ફેશન શોના રેમ્પ જેવું એનું સ્ટેજ છે. ફરતા અર્ધચંદ્રાકારે કુશાંદે (કમ્ફર્ટેબલ, યુ સી!) સીટ્સમાં બેસો, ત્યારે ગમે ત્યાં બેઠા હો, નાટક તમારી બાજુમાં જ ભજવાતું હોય એવું લાગે..જાણે તમે કલાકારને સ્પર્શી શકો એટલી નિકટતાનો અહેસાસ થાય! રંગભૂમિનો આ જ તો અલાયદો અનુભવ હોય છે. પૃથ્વીમાં તો દેશના એટલા દિગ્ગજ રંગકર્મીઓ પરફોર્મ કરી ગયા છે, કે એનું સ્ટેજ જોઈ ચાર ધામના કોઈ જાત્રાળુને થાય , એવી ‘પવિત્ર વાઈબ્રેશન્સ’ની અનુભૂતિ થઇ. ભારતવર્ષે મહારાષ્ટ્રખંડે મુંબઈનગરે પૃથ્વીતીર્થ સ્નાનમ્ ઇતિ સંપન્ન !

‘સાત તરી એકવીસ’ મૂળ એકપાત્રી અભિનય જેવા મોનોલોગ્સનું કલેક્શન છે. આ શોમાં તો એમાંથી ચૂંટેલા સાતનું પ્રેઝન્ટેશન હતું. ઓપનિંગનું એનાઉન્સમેન્ટ મિસ કર્યું, પણ વેલેન્ટાઈન્સ ડે,સ્પ્રિંગટાઈમ જેવા યૂથફુલ શબ્દોના પ્રયોગથી પ્લેઝન્ટ સરપ્રાઈઝ થયું! અંદર પણ રમતિયાળ ગુજરાતી ભાષા સાથે યૌવનના મેઘધનુષી સપનાઓ જે રીતે ગૂંથાયેલા હતા…કિસથી લઈને આલિંગનના કાવ્યાત્મક અર્થો હતા…તરત થયું – અયસાઈચ તો અપુન કિ ગુજરાતીમેં બો’ત કમ પંટરલોગ લિખ પાતે હૈ, બાપ ! કોઈક જાણીતા , મેં વાંચેલા કોઈ લેખકે જ લખ્યું હોવાની ‘દેજા વુ’ ફિલિંગ ફરતે ઘુમરાતી ગઈ…અને પછી ભક્તિએ કહ્યું કે એ તો ચંદ્રકાંત શાહે લખ્યું હતું – ને થયું જેબ્બ્બાત ! બોસ્ટનવાસી ચંદુ શાહ તો ગુજરાતી ભાષાને ગલી ગલી કરીને હવામાં ઉછાળીને ભૂલકાંની માફક હસાવે એવા મનપસંદ કવિ-નાટ્યકાર…યે તો હોના હી થા!

લેખકના જોરે જ પહેલાની જેમ છેલ્લી એકોક્તિ પણ જામી ગઈ. મને આંખોથી વાત કરતા આવડે છે – એમાં આતિશ કાપડીયાની જ ટ્રેડમાર્ક સ્ટાઈલમાં હસતા હસાવતા ગંભીર સંદેશ આપી દેવાની જાણીતી છતાં માનીતી શૈલી વધુ એક વખત માણવા મળી. દર્શન જરીવાલાના ક્વિક રીપ્લેસમેન્ટ તરીકે છેલ્લે ‘દિલ્હી બેલી’માં દેખાયેલા પરેશ ગણાત્રાએ સક્ષમ અભિનેતા કઈ રીતે ઓડીયન્સને ‘એફોર્ટલેસલી’ ઇન્વોલ્વ કરી શકે- એનું લાઈવ ડેમો આપી દીધું. તો વચ્ચે પોઝિટીવ થિન્કિંગવાળી એકોક્તિ એકલપંડે એક્ટર પ્રતીક ગાંધીએ ઊંચકી લીધી. એમણે ધાર્મિક-વેપારી માનસના ઓછું વિચારતા, ઝાઝું અનુસરતા ગુજરાતી જુવાનની અવઢવ અને ખાસ તો લહેકો ઝીલ્યો એમાં બધાને જલસો પડી ગયો.

શિરમોર રહી સૌમ્ય જોશી લિખિત – જીજ્ઞા વ્યાસ અભિનીત ન લખ્યેલી કવિતાવાળી વાત. રાઈટર-એક્ટર-ડાઇરેક્ટરનું પરફેક્ટ કોમ્બીનેશન. હું અંગત રીતે સૌમ્ય જોશીને નવા ફાલમાં ગુજરાતી રંગભૂમિનો સર્વશ્રેષ્ઠ લેખક –દિગ્દર્શક માનું છું. આમ તો એ છે જ એકમાત્ર- એટલે સર્વશ્રેષ્ઠ જ હોય ને 😛 અને આ વાત કેવળ એક પ્રેક્ષક તરીકે કહું છું. સૌમ્ય તો સ્વભાવમાં પણ સૌમ્ય છે – પણ એનું પરફોર્મન્સ સિંહની ડણકની જેમ ગરજે છે. આમાં મારો કોઈ બાયસ નથી, પણ હમેશા સૌમ્ય એના ઉમદા સર્જનથી મને જીતી લે છે. કાશ, સૌમ્ય જોશીનું ક્લોનીંગ થતું હોત! આમાં અતિશયોક્તિ લગતી હોય એમણે સૌમ્યના નાટકો જોવા. ના લાગતી હોય એમણે તો જોવાના જ હોય ને 😉

બાકીની એકોક્તિમાં ફોબિયાવાળી ઠીકઠાક. સરોગેટ મધરવાળી ગુજરાતી ફિલ્મોની જેમ હોરિબલી લાઉડ. સૌથી નબળી રહી કૃતિકા દેસાઈવાળી. કૃતિકાના સક્ષમ અભિનય અને સંનિષ્ઠ પ્રયત્નો છતાં (એક ખુરશી પર બેઠે બેઠે જ એ ભજવાઈ છે) એનું લેખન અસહ્ય પ્રેડીકટેબલ અને ચલતાઉ કિસમનું લાગ્યું. પોપ્યુલર એસએમએસના સંવાદો બનાવી દેતા ક્રિએટીવીટીના દુકાળ તણા નગારાં પીટતાં લેખનની મને ભારે ચીડ છે ( એટલે જ સૌમ્ય, મધુ રાય, ચંદુ શાહ ઈત્યાદિ પ્રત્યે વિશેષ મહોબ્બત  છે) તમારા સંવાદોના એસએમએસ બનવા જોઈએ, સાહેબ!

અંદર જેટલી જ મજા જો કે પછી બહાર પણ આવી. મારા લેખોના સહ્રદયી ભાવક અને ગુજરાતી તખ્તા જ નહિ , હિન્દી ફિલ્મોનું પણ ઉંચા ગજાનું નામ એવા ઈમ્તિયાઝ પટેલ મળી ગયા. અમારો સ્નેહસંબંધ ખાસ્સો જુનો છે, ને ઈમ્તિયાઝભાઈનો ભરપૂર હુંફાળો ઉમળકો એના મૂળિયામાં સિંચાયો છે. એમના બંને પરાણે વહાલા લાગે એવા બચ્ચાંઓ પપ્પાને વાતોમાં મશગુલ જોઈને મનગમતી બુક્સ (અલબત્ત, અંગ્રેજી – નેચરલી, ગુજરાતીમાં હવે બાળસાહિત્ય પણ આજની પેઢીને ગમે એવું રચાય છે?) ખોલી બેંચ પર બેસી વાંચવા લાગ્યા – જે અણમોલ દ્રશ્ય જોઈને હું તલ્લીન થઇ ગયો!

પપ્પા (ઈમ્તિયાઝભાઈ)ને હેરી પોટરના ખાસ ચાહક નહિ, પણ નાનકડી પુત્રીને પપ્પાનો આ કાઠીયાવાડી દોસ્ત એલિયન ના લાગ્યો. કારણ કે, એ અને હું બંને પોટરફેન નીકળ્યા ! એ ઢીંગલી લોર્ડ વોલ્ડેમોર્ટના બચપણની વાતો લખી એના બચાવમાં કશુંક લખવા ધારે છે. ક્યા બાત હૈ. વાત સાચી પણ છે. (ટોમ માર્વાલો રિડલનું ફિલ્મમાં સદંતર ગાયબ બચપણ આ બ્લોગ પર છે જ. ) અલકમલકની વાતોમાં થોડીવાર માટે સૌમ્ય જોશી પણ જોડાયા, અને એક કપ કોફી પીવડાવી પ્રેમપૂર્વક (આ બ્લોગમાં અલબત્ત એમના વખાણ એ કોફીના ‘સાટે’ નહિ, પણ એમની ટેલન્ટ માટે છે. જેની કશુંક બીજાના ખર્ચે ‘પીધા’ પછી જ કલાકારના વખાણે ચડતા ક્રિટીકકિરીટધારીઓએ નોંધ લેવી :D) અરવિંદભાઈ પરિવાર મળ્યો ને ફલાઈટનું મોડું થતું હોવાથી હું દો દુની ચાર જેવી આ રંગ મહેફિલ અધૂરી મૂકી નીકળ્યો..

બાય ધ વે, મુંબઈ હો અને જુહુ જાવ તો ઇસ્કોન મંદિરમાં સમોસા-કચોરી, સાબુદાણા વડા, રાજભોગ, આલું ટીક્કી વગેરે ખાઈને પછી અમિતાભના બંગલા પાસે નેચરલ્સનો આઈસ્ક્રીમ જરૂરથી ખાજો. ને પછી ચર્ચ રોડ પર પૃથ્વી થિએટરવાળી ગલીની બહાર જ વ્રુક્ષ નીચે રહેલા પાનના થડા પરથી પાન અચૂક જમજો. હું સામાન્ય રીતે પાન રોજેરોજ ખાતો નથી ને ખાઉં ત્યારે પણ સાદું જ. પરંતુ, અનેક ફિલ્મસ્ટાર્સના ફેવરિટ એવા આ પૃથ્વીના પાનવાળાનું પાન મેં સમગ્ર પૃથ્વીલોક પર ખાધેલા તમામ પાનમાં નાયાબ છે. એ લિજ્જત માણવા ક્યારેક મુંબઈ જેવા ભરચક વ્યસ્ત શહેરમાં બે કલાક બગાડીને પણ હું ગયો છું.  પૃથ્વીનું નામ પડે એટલે હજુ ય નાટક પછી, પહેલા મને એ પાન જ દિમાગમાં ફ્લેશ થવાનું ! 🙂

 
10 ટિપ્પણીઓ

Posted by on જુલાઇ 29, 2011 in art & literature, personal, travel

 
 
%d bloggers like this: