RSS

Monthly Archives: ઓગસ્ટ 2011

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે …. લીલોઘમ્મર નાગ જીવને અનરાધાર કરડે રે, વરસાદ ભીંજવે

યે બરસાત, યે મોસમેં શાદમાની (ઉલ્લાસિત)

ખસોં-ખાર (ઘાસ-કાંટા) પર ફટ પડી હૈ જવાની

ભડકતા હૈ રહ રહ કે સોજે મુહોબ્બત (પ્રેમજ્વાળા)

ઝમઝમ બરસતા હૈ પુરશોર પાની

ફઝા ઝૂમતી હૈ, ઘટા ઝૂમતી હૈ

દરખ્તોં (વૃક્ષો) કો જૌ બર્ક કી (વીજપ્રકાશ) ચૂમતી હૈ

થિરકતે હુએ અબ્ર (વાદળ)કા જજ્બ (આકર્ષણ) તૌબા

કિ દામન ઉઠાયેં જમીં ધૂમતી હૈ

કડકતી હૈ બીજલી, ચમકતી હૈ બૂંદે

લપકતી હૈ કૌંદા, દમકતી હૈ બૂંદે

રગેં જાં પે રહ-રહ કે લગતી હૈ ચોટેં

છમાછમ ખલા (શૂન્ય)મેં ખનકતી હૈ બૂંદે

ફલક (આસમાન) ગા રહા હૈ, જમીં ગા રહી હૈ

કલેજે મેં હર લય ચૂભી જા રહી હૈ

મુઝે પા કે ઈસ મસ્ત શબ મેં અકેલા

યે રંગી ઘટા તીર બરસા રહી હૈ

ચમકતા હૈ, બુઝતા હૈ, થર્રા રહા હૈ

ભટકને કી જૂગનૂ સજા પા રહા હૈ

અભી જેહનમેં થા યે રોશન તખય્યુલ (કલ્પના)

ફઝા મેં જો ઉડતા ચલા જા રહા હૈ

લચક કર સંભલતે હૈ જબ અબ્ર-પારે (વાદળના ટૂકડા)

બરસતે હૈ દામન સે દુમદાર તારે

મચલતી હૈ રહ-રહ કે દામન મેં બિજલી

ગુલાબી હુએ જા રહે હૈ કિનારે

ફઝા ઝૂમકર રંગ બરસા રહી હૈ

હર ઈક સાંસ શોલા બની જા રહી હૈ

કભી ઈસ તરહ યાદ આતી નહીં થી

વો જીસ તરહ ઈસ વક્ત યાદ આ રહી હૈ

ભલા લુત્ફ ક્યા મંઝરે-પુરઅસર (પ્રભાવશાળી દ્રશ્ય)

દે કિ અશ્કોં (અશ્રુ)ને આંખો પે ડાલે હૈ પરદે

કહીં ઔર જાકર બરસ મસ્ત બાદલ

ખુદા તેરા દામન જવાહર સે ભર દે!

કૈફી આઝમીની આ દમામદાર કૃતિમાં વરસતા ઝાપટા વચ્ચે એકલા પડી જવાની વેદના ઉપરાંત પણ તર-બ-તર કરી દે એવી લિજ્જત છે. ઉર્દૂ અને સંસ્કૃત બે જ એવી ભાષાઓ છે, જેમાં શબ્દોના ઉપયોગથી અને ઘ્વનિથી આખો માહોલ લખી કે બોલીને ‘વિઝ્‌યુલાઈઝ’ થઈ શકે. જરા આ ભારેખમ લાગતી રચના એ નજરથી ફરીને વાંચો… એના શબ્દોના ‘સાઉન્ડ’માં વરસાદનું ‘બેકગ્રાઉન્ડ’ દેખાશે! બારિશ… ફળદ્રુપતાની ૠતુ, મિલનની ૠતુ, પ્રતીક્ષાની ૠતુ, વિરહની ૠતુ અને સ્મરણની ૠતુ! ધીમે ધીમે બારી-છાપરે તડાતડ વરસાદના ટીપાં પડવાના શરૂ થાય, એટલે પહેલા તો ભણકારા વાગે… એ કોણ આવ્યું? અને પછી અહેસાસ થાય… કોઈ આવ્યું નથી, આવવાનું પણ નથી- એ તો બસ વરસાદ આવ્યો છે! એના એકે એક ફોરાંમાં એક-એક ક્ષણ ટપકતી દેખાય અને કાળા ઘેધૂર વાદળો પછી છાતીમાં રાતવાસો કરી જાય! પાકિસ્તાની શાયર જમીલ મલિકે લખ્યું છેઃ

બરખા અપની ઘુન મેં ગાયે

આગ લગાયે, આગ બુઝાયે

ખુદ રોયે ઔર સબકો રૂલાયે

છલની-છલની કરતી જાયે

એક મૈં, ઉસમેં મેરે નીર

બરખા કે લાખો હી તીર!

ક્યા જંગલ ઔર કૈસા સાવન

મુઝસે રૂઠ ગયે મનભાવન

ગલીયાં થલ-થલ રાહ ન પાઉં

કિસ પાની સે પ્યાસ બૂઝાઉં

બારિશ મેં ભી જલે શરીર

બરખા કે લાખો હી તીર!

અમૃતના કણ વરસે, સપનાના ઝાંઝર ઠમકે, સૂરજને પરસેવો વળે અને એ બારિશ રૂપે ધરતી પર ટપકે. એ મોસમ ટાગોર ટુ મેઘાણી- મન મોર બની થનગાટ કરવાની મોસમ છે. યસ, મોન્સૂનનું ડાયરેક્ટ ડાયલિંગ મન સાથે હોય છે. જેવું મન, એવું મોન્સૂન! તમે કદી ચોમાસાના આકાશને અને ધરતીને ‘એબ્સ્ટ્રકેટ આર્ટ’ સ્વરૂપે જોવાની કોશિશ કરી છે? ‘ઈમ્પ્રેશનીસ્ટ’ કળાની મૂવમેન્ટમાં આ ‘અમૂર્ત’ કળાનો ખ્યાલ આવ્યો છે. એવું ચિત્ર કે જેમાં ચિત્રકાર તમને બતાવવા માંગે એ નહિ, પણ તમે જે ચિત્રમાં શોધવા માંગો એ જોઈ શકો! ચોમાસુ આકાશના આકારો અને રંગો પણ આવા જ હોય છે. એવું જ વરસાદી ધારા અને એનાથી ધરતી પર રચાતા- નાળા, વહેળા, ખાબોચિયાનું પણ સમજવાનું! એમાં મનની આંખો પર બાઝેલા વિચારોના પડળો પલળીને ઓગળી જાય છે. જેમના મનમાં વિલાસ છે, એને ઉલ્લાસ રૂંવાડે રૂંવાડે ચટકા ભરે… અને જેમના મનમાં વિષાદ છે અને ઉદાસી રોમે રોમ પ્રદક્ષિણા ફરે! બરસાતી રાત કી તન્હાઈયો મેં, ફઝાં મેં બિજલીયાં યૂં તિલમિલાયી… મુજે મહસૂસ કુછ ઐસા હુઆ, તૂ મેરે આગોશમેં સિમટી હુઈ હૈ…

એન સલામ જેવા શાયરો જ આવું રચે તેમ નથી… યુગો જૂના પ્રાકૃત મુક્તકો ફંફોસો તો પણ એ જ ફરિયાદ! અહીં નાયિકા મેઘને પોકારે છે- ‘કાં વરસો અહીં નિરર્થક? ગમતી કો’ બીજી દિશે સંચરોઃ અહીં તો ના બચ્યું એવું કોઈ વનસ્થળ… ના કોઈ કેડી, ના શિલાતળ… જે ન હોય તરબોળ, જ્યાં વરસ્યા ન હોય આ તન્વીના નયનજળ!’ પ્રાચીન વર્ષાપથિક (વરસાદી મોસમમાં ઘરેથી દૂર રહેતો નર) વર્ષાની જળધારાનું દોરડું બનાવી, વાદળના વિમાનમાં બેસીને પ્રિયાની શયનખંડમાં પહોંચવાની ફેન્ટેસી જોતો હતા. વરસાદથી જ વાસના જાગે છે એવું તો ન કહી શકાય, પણ જ્યારે કામનાઓ ખીલે છે, ત્યારે મનની મોસમમાં અષાઢ ગાઢ બને છે. આ લેખના ટાઈટલમાં મૂકેલી સ્વ. રમેશ પારેખની સુપરહિટ કવિતાની પંક્તિઓ જ લો ને! આ રચનાનું મુખડું બધા ગોખી નાખે છે, પણ આ અંતરો સમજીને ચાતરી જાય છે, કે પછી સમજ્યા નથી એટલે યાદ રાખતા નથી. મૂળ તો, કદાચ વરસાદ ઉપરની અને ચોમાસામાં જ વાંચવા જેવી વિશ્વશ્રેષ્ઠ વરસાદી કૃતિ ‘મેઘદૂત’ યાદ કરો. કાલિદાસથી કરણ જૌહર સુધીના સર્જકો કહેશે કે કદાચ પ્રત્યેક પુરૂષમાં એક પ્રીતવિખૂટો, તડપતો યક્ષ બેઠેલો હોય છે… અને પ્રત્યેક સ્ત્રીમાં અલકાપુરીમાં પ્રતીક્ષારત ગંધર્વસુંદરી!

કુંદનિકા કાપડિયાએ એક વરસાદી નિબંધમાં મસ્ત શબ્દપ્રયોગ કર્યો હતો. ચોમાસું આવ્યું અને હવા ‘ગંધવતી’ થઈ ગઈ! સ્ત્રી ગર્ભવતી થાય, એમ હવા ગંધવતી થાય! વાહ! વર્ષાની રિધમિક સિમ્ફની અને તાજી માટીની સુગંધનું પરફયુમ! એની ફરતે ઝૂલતાં વૃક્ષો અને વહેતી ધારાઓથી ડાન્સ બેલે કરતી ધરતીનું લીલુછમ સેન્ટર સ્ટેજ! ‘ભીગી ચુનરિયા’ ના શૃંગારથી ‘ભીગી ચદરિયા’નો આઘ્યાત્મિક સાક્ષાત્કાર! બંધ હોઠમાં છોકરાને કન્યાની તરસ લાગે અને ‘કુછ કુછ હોતા હૈ’ વાળો સરપ જેવો સળવળાટ અંદરથી જાગે! અને છોકરીને? વેલ, પરવીન શાકિરે કહ્યું જ છે ને –

બારિશ મેં કયા તન્હા ભીગના, લડકી!

ઉસે બુલા, જીસ કી ચાહત મેં

તેરા તન – મન ભીગા હૈ

પ્યાર કી બારિશ સે બઢ કર કયા બારિશ હોગી

ઔર જબ ઈસ બારિશ કે બાદ

હિજ્ર (વિરહ) કી પહલી ઘૂપ ખીલેગી

તુઝ પર રંગ કે ઈસ્મ ખુલેંગે!

તમે કયારેક વરસાદના ટીપાંઓને એકી ટશે નિહાળ્યા છે? બાલ્કનીની ધાર હોય કે વીજળીનો તાર… જો વરસાદ ઝીણો ઝરમર સ્લો મોશનમાં હશે, તો એક દ્રશ્ય અચૂકપણે જોવા મળશે. પહેલા એ ધાર કે તાર પર એક ટીપું બાઝેલું દેખાશે, અને પલક વારમાં એક બીજું ટીપું એની સાથે ટકરાશે. પછી બંને બૂંદો એકબીજાની સાથે મળીને એકમેકમાં ઓગળીને નીતરી જશે! ધેટસ નેચર! ભીગી ભીગી રાતો મેં, ઐસી બરસાતો મેં…

આઝાદી અગાઉના ભારતના ઉત્તમોત્તમ સર્જકો પૈકીના એક સઆદત હસન મન્ટો, એમની બારીક કલમમાં વહેતા સેકસ્યુઅલ અન્ડરકન્ટ માટે ખાસ્સા બદનામ થયા હતાં. પણ વરસાદી વાસનાનું કેવું શબ્દચિત્ર મન્ટો એની જગપ્રસિઘ્ધ કહાની ‘બૂ’ (ઓડુર)માં ઝીલે છે – એ માણવા જેવું છે. મૂળ તો નર – નારીની કામુક ગંધના કોયડા ઉકેલતી આ વાર્તામાં એક વરસાદી રાત્રે નાયક રણવીર. એક ઘાટણ છોકરી મળે છે, તેની યાદ આવે છે. મન્ટોના જુવાન છોકરીના ચુસ્તદુરસ્ત બદનના વળાંક જેવી જ કલમે ઝીલાયેલી વરસાદી કામુકતાની, સાવનકી અગનની છાલક માણો (અફ કોર્સ, એડિટેડ એન્ડ એબ્રિજડ!) :

ખિડકી કે બહાર પીપલ સે નહાયે દુએ પત્તે રાત કે દુધિયા અંધેરેમેં ઝૂમરો કી તરહ થરથરા રહે થે – ઔર શામ કે વકત, જબ દિન ભર એક અંગ્રેજી અખબાર કી સારી ખબરે ઔર ઈશ્તેહાર પઢને કે બાદ વો કુછ સુસ્તાને કે લિયે વહ બાલ્કની મેં ખડા હુઆ, તો ઉસને એક ઘાટન લડકી કો દેખા,… જો બારિશ સે બચને કે લિએ ઈમલી કે પેડ કે નીચે ખડી થી…

… દેર તક વો અપને ધિસે દુએ નાખૂનોં કી મદદ સે ચોલી કી ગાંઠ ખોલને કી કોશિશ કરતી રહી, જો ભીગને કે કારણ જયાદા હી મજબૂત હો ગઈ થી… રણધીર ઉસ કે પાસ બૈઠ ગયા, ઔર ગાંઠ ખોલને લગા. જબ નહીં ખુલી તો ઉસને ચોલી કે દોનોં સિરે દોનોં હાથોં સે પકડ કર ઐસે જોરસે ઝટકા દિયા કિ ગાંઠ સરાસર ખુલ ગઈ, ઔર ઉસ કે સાથ હી દો ધડકતી હુઈ છાતીમાં એકદમ પ્રકટ હો ગઈ!… ઉસકી સેહતમંદ છાતીયોંમે વહી ગુદગુદાહટ, વહી ધડકન, વહી ગોલાઈ, વહી ગર્મ ગર્મ ઠંડકથી જો કુમ્હાર કે હાથોં સે નીકલે હુએ તાજે બર્તનો મેં હોતી હૈ. મટમૈલે રંગ કી જવાન છાતિયો મેં, જો કુંવારી થી, એક અજીબ-વ-ગરીબ કિસ્મ કી ચમક પૈદા કર દી થી, જો ચમક હોતે હુએ ભી ચમક નહિ થી! ઉસ કે સીને પર યે ઉભાર દો દીયે માલૂમ હોતે થે, જો તાલાબ કે ગંદલે પાની પર જલ રહે થે.

બરસાત કે યહી દિન થે. ખિડકી કે બહાર પીપલ કે પત્તે ઈસી તરહ કંપકંપા રહે થે. ઉસ ઘાટન લડકી કે દોનો કપડે જો પાની મેં સરાબોર હો ચૂકે થે, એક ગંદલે ઢેર કી સૂરતમેં ફર્શ પર પડે થે… … દિન ભર વહ રણધીર કે સાથ ચિપટી રહી. દોનોં એક દૂસરે કે સાથે ગડમડ હો ગયે. ઉન્હોંને મુશ્કિલ સે એક – દો બાતે કિ હોગી, કયોં કિ જો કુછ ભી કહેના સુનના થા, સાંસો… હોઠોં… ઔર હાથોં સે તય હો રહા થા. રણધીર કે હાથ સારી રાત ઉસ કી છાતી યોં પર હવા કે ઝોંકો કી તરહ ફિરતે રહે. ઉન હવાઈ ઝોંકો સે ઉસ ઘાટન લડકી કે પૂરે બદન મેં એક એસી સરસરાહટ પૈદા હો જાતી કિ…

…બરસાત કે યહી દિન થે. યૂં હીં ખિડકી કે બહાર જબ ઉસને દેખા તો પીપલ કે પત્તે ઉસી તરહ નહા રહે થે. હવામેં સરસરાહટેં ઔર ફડફડાહટેં ધુલી હુઈ થી. અંધેરા થા લેકિન ઉસમેં દબી – દબી ઘૂંધલી સી રોશની સમાઈ હુઈ થી, જૈસે બારિશ કી બૂંદો કે સાથ સિતારોં કા હલ્કા – ફૂલ્કા ગુબાર નીચે ઉતર આયા હો!… રણધીર ખિડકી કે બહાર દેખ રહા થા. ઉસ કે બિલકુલ નિકટ પીપલ કે નહાયે હુએ પત્તે ઝૂમ રહે થે. વહ ઉનકી મસ્તીભરી કંપકંપાહટો કે ઉસ પાર કહીં બહુત દૂર દેખને કી કોશિશ કર રહા થા, જહાં ગઠીલે બાદલોં મેં અજીબ – વ – ગરીબ કિસ્મ કી રોશની ઘુલી હુઈ દિખાઈ દે રહી થી – ઠીક વૈસી હી જૈસી ઉસ ઘાટન લડકી કે સીને મેં ઉસે નજર આઈ થી!

બોલો, મૂળ વાર્તાનું ઓ ચોથિયું વર્ઝન વાંચ્યા પછી કેટકેટલા વરસાદી વિષાદ થઈ શકે? અરરર, આજકાલના લેખકો ગમે તે બહાને છાપામાં કેવું ગલગલીયાં કરાવે તેવું ધસડી નાખે છે (આ કથા કે મેઘદૂત ‘આજકાલ’ લખાયા નથી, સો વ્હોટ?) એનો વલ્ગારિટીવિષમ વિષાદ, આવી વાર્તા પૂરી વાંચવા ન મળી એનો વિસ્મયકેન્દ્રી વિષાદ, આવી જ કોઈ ગાળેલી વરસાદી સાંજ, રાત સવાર કે બપોરના સ્મરણો તાજા થયાનો વિષાદ, એવા કોઈ મેઘમિલનના નાયક અથવા નાયિકાનો સંગાથ- દુકાળમાં વાદળ અને વૃક્ષનો સાથ વિખૂટો પડે- એમ કાયમ માટે છીનવાઈ ગયાનો વિષાદ… અને સૌથી ઘેધૂર કાળોભમ્મર વિષાદ કયો? આવો કોઈ જ વર્ષાવિલાસ સપનાઓ અને કલ્પનાઓ સિવાય વાસ્તવિક જીવનમાં કદી આવ્યો જ ન હોય – એના અફસોસ, આક્રંદ કે આક્રોશથી ધૂંટાયેલી નિયતિનો વિષાદ! મેઘધનુષ કદી મુઠ્ઠીમાં પકડાતા નથી, માત્ર આભાસી આનંદ આપીને પ્રકાશ અને પાણીની જેમ શૂન્યાવકાશમાં ખોવાઈ જાય છે. વરસાદ, નાદ, યાદ, સાદ, ઉન્માદ અને પછી અવસાદ! આફટર ધ રેઈન, પેઈન અગેઈન!

વિષાદી વર્ષા અગ્નિવર્ષા હોય છે. જાણે પાણીને પગ આવે અને એ છપાક છપાક કરતું તમારા જ્ઞાનતંતુઓ સાથે ફૂટબોલ રમે! રંગહીન વરસાદી ટીપાં સાથે ઉભરાતા પાંખાળા કાળા મંકોડા તમારી આંખોમાં ડંખ મારી રકતના લાલ ફોરા ખેંચે! રેઈન ડિપ્રેશનના આવે વખતે બીજું શું કરવાનું? બહાર જઈ વરસતાં ફોરાંને ખુલ્લી હથેળીમાં પકડીને ‘હેન્ડશેક વિથ સ્કાય’ કરવાનો! આકાશની સાથે હાથ મિલાવીને કહેવાતું કે જો તારા જેટલો જ ખાલીપો લઈને સળગું છું, અને છતાં ય તારી જેમ જ અફાટ વિસ્તરૂં છું. ફરક એટલો કે તને મન મૂકીને ચોધાર વરસવા મળે છે, હૈયાનો ભાર હળવો કરવા મળે છે… અને તારા રૂદનમાંથી ઝીલું છું એક પ્રાકૃતિક સંગીત, જે આપે છે આછેરૂં આહલાદક સ્મિત!

# પાંચ વર્ષ પહેલાનો આ લેખ આમ તો બહાર વરસાદ પડતો હોય એ મધરાતે જ વાંચવાની મજા આવે, એવો છે. હા, વિષાદની પણ એક લિજ્જત હોય છે ને…જબ દર્દ નહીં થા સીને મેં, તબ ખાક મજા થા જીને મેં પ્રકારની ! 😛 વરસાદ પર આપણે ત્યાં બહુ ભીનું ભીનું લખાણ લખાય, ત્યારે એની તીખી  તડપ અને વિરહવ્યથા તથા ઘૂઘવતું યાદોનું ઘોડાપૂર…નશો ચકચૂર! ગુજરાત આખું ફરી એકવાર જળતરબોળ છે, ત્યારે નવેસરથી સજાવી આ મુકું છું. મારી મોજ ખાતર લેખમાં ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવે એવી ચાવીઓ મૂકી એક અદ્રશ્ય લેયર બનવવાની મને વર્ષોથી ટેવ છે. આ લેખમાં ત્રણ પદ્યરચના અને એક ગદ્યરચના બધું જ મુસ્લિમ સર્જકોના બરસાતી કલામનો ઈશ્ક છે. બહાર બારિશ અને યોગાનુયોગે નજદીક ઈદ છે. બોનસમાં આ એક વરસાદી વિડીયો…ગુલઝાર અને પંડિત જસરાજના પુત્ર સારંગદેવનું  કોમ્બીનેશન …

 
26 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 31, 2011 in art & literature, feelings, romance

 

કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે !

આઈઝને વાઈડ ઓપન કરી દેતા આઈફોન પર વાતો  કરવાની બ્રેક મારીએ… કારણ કે વાત કરવાની છે આઈફોન જ નહિ, જગતભરમાં છવાઈ ગયેલા આઈપોડની… ના, ડિજીટલ મ્યુઝિક પ્લેયર આઈપોડની નહિ… પણ પોતાના આગવો અનુયાયીગણ ઊભા કરનારા ‘મેક’ કોમ્પ્યુટર્સની… ના, અમિતાભ બચ્ચન જેવા સુપર સેલિબ્રિટિઝના પણ ફેવરિટ મેક કોમ્પ્યુટર્સની પણ નહિ, પણ આ બઘું જ બનાવનાર એપલ ઈન્કોર્પોરેશનની, ના દુનિયાની ૧૦૦ ટોચની મહાન કંપનીઓમાંની એક એપલની નહિ, પણ એની પાછળના વાઈઝ વિઝનની!

યાને કે સ્ટીવ જોબ્સની! શિખરથી તળેટી અને તળેટીથી વઘુ ઉંચા શિખરે પહોંચવાની રોલરકોસ્ટર સફરની! ‘નેવર સે ડાઈ’ના ફાઈટિંગ સ્પિરિટ અને દુનિયાદારીની થપાટોથી ઈન્ટેલીજન્ટ જીનિયસમાંથી પ્રેકટિકલ પૈસાદારમાં થયેલા ટેલન્ટ ટ્રાન્સફોર્મેશનની ઈન શોર્ટ, સ્ટીવના સફરજનની!

* * *

૧૯૮૪.

જ્યોર્જ ઓરવેલની વિખ્યાત સાયન્સ ફિકશન મીટસ ફિલોસોફી જેવી કથાનું આ શીર્ષક છે. જેમાં જાયન્ટ કંપનીઓની ટેકનોલોજીકલ મુઠ્ઠીમાં કેદ સમાજની આગાહી છે.

૧૯૮૪ની સાલમાં અમેરિકન ટેલિવિઝન પર એક મશહૂર જાહેરાત શરૂ થઈ હતી. એક ‘બિગ બ્રધર’ એના વિરાટ કદથી એના કબજામાં ચૂપચાપ ફસાયેલા વિરાટ જનસમુદાયને ડરાવતો હતો. અચાનક એક રંગીન કપડાંમાં સજ્જ, યુવા તાજગીથી આઘુનિક એવી બળવાખોર સ્ટાઈલથી આવે છે. સિતમગર બોસ જેવા બિગ બ્રધરને રીતસર ધોઈ નાખે છે… જે લોકોએ હિંમતથી ક્રાંતિકારીનો સાથ આપ્યો છે,  એને મુક્તિ મળે છે. જાહેરખબર પૂરું થતા સ્લોગન આવે છે : ” થિંક ડિફરન્ટ!  

On January 24th, Apple Computer will introduce Macintosh. And you’ll see why 1984 won’t be like “1984.

જાહેરાત હતી એપલ મેકિનટોશ કોમ્પ્યુટરની. જેમાં સિમ્બોલિક રીતે ‘બિગ બ્રધર’ એ વખતની કોમ્પ્યુટરના જગતની સર્વસત્તાધીશ ગણાતી કંપની આઈબીએમ હતી. ડેસ્કટોપ પી.સી.નો કોન્સેપ્ટ ઘરઘરાઉ બન્યો નહોતો. લેપટોપના તો સપના પણ કોઈને આવતા નહોતા. મોબાઈલ ફેન્ટેસી ફિલ્મ જેવા લાગતા! ઈન્ટરનેટ, ઈમેઈલ અને અલ્ટીમેટલી ‘ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ રૂપિયા રળવાને બદલે ગુમાવવાની કલ્પના લાગતી.

ત્યારે ગણત્રી માટે વપરાતા મસમોટા, પરંપરાગત, અટપટાં અને ડબ્બાછાપ કોમ્પ્યુટર્સ આઈ.બી.એમ. બનાવતું, જેની ખપત સાયન્ટિફિક રિસર્ચ, એકાઉન્ટિંગ, ડેટા સ્ટોરેજ, ડિફેન્સ જેવા આમ આદમીની સમજ બહારના ક્ષેત્રો માટે થતી હતી. ઈન્ટેલ કોર કે એએમડી પ્રોસેસર્સનું તો ગર્ભાધાન થવાને પણ બે દસકાની વાર હતી!

૧૯૮૪માં એપલ કોમ્પ્યુટરે પહેલી વખત મેકિનટોશ સીરિઝથી ‘હોમ પીસી’ના કોનસેપ્ટને માર્કેટ ફ્રેન્ડલી બનાવવાની શરૂઆત કરી. આમાં બજારનો પ્રભાવ ઓછો, અને બુદ્ધિનો પ્રભાવ વઘુ હતો. સ્ટીવ જોબ્સ નામનો ૨૯ વર્ષનો મેધાવી વિજ્ઞાની એપલ કોમ્પ્યુટરનો સ્થાપક હતો. આ તરવરિયા જવાનના મનમાં અનાજ ભરવાની કોઠી જેવા કબાડી કોમ્પ્યુટર્સને બદલે બ્યુટી કોન્ટેસ્ટના સ્વીમસ્યૂટ રાઉન્ડના ચેમ્પીયન જેવા આકર્ષક, નાજુકનમણા અને ઘાટીલા વળાંકોવાળા કોમ્પ્યુટર્સની ઝંખના હતી. માત્ર વિચાર નહિ, એ સાકાર કરવાની ટેકિનકલ ડિઝાઈન અને એન્જીનીયરીંગ નોલેજ પણ હતું.

૧૯૭૭ની સાલથી યાને ૨૨ વર્ષની ઉંમરથી એનું જીનિયસ બ્રેઈન આ ખ્વાબને હકીકતમાં પલટાવવા બેતાબ હતું. પોતાના કોમ્પ્યુટર માટે એ આગવી અને ‘યુઝર ફ્રેન્ડલી’ ઓપરેટિંગ સીસ્ટમ બનાવવા માંગતો હતો. એ વખતે એના સોફટવેર લખવાનું કારકૂની કામ એણે ભણતરમાંથી ‘ડ્રોપ આઉટ’ થયેલા પોતાના જેવા જ એક બીજા જુવાનના – ધંધાકીય સાહસરૂપી નાનકડી કંપનીને સોંપ્યું હતું. એ પ્રતિભાશાળી જુવાનને આર્થિક જ નહિ, ટેકિનકલ નોલેજની રીતે પણ મોટો ‘બ્રેક’ મળ્યો હતો. એપલના હાથ નીચે કામ કરતી એ કંપનીનું નામ માઈક્રોસોફટ… અને સ્ટીવ જોબ્સે જેનામાં ભરોસો રાખી પોતાનું સપનું અને જ્ઞાન વહેંચ્યું, એ જુવાન સતત ૧૧ વર્ષ સુધી કુબેર નંબર વન રહીને દાન કરીને સંપત્તિ ઘટાડનાર બિલ ગેટ્‌સ!

તો, જવાન સ્ટીવ જોબ્સને ધમાકેદાર સફળતા મળી. પબ્લિકે ‘મેકિનટોશ’ને વધાવી લીઘું. અમરનાથનું પહોંચ બહાર લાગતું શિવલિંગ ઘરના ફળિયામાં આકાર લેવા લાગે એવી આ બેજોડ ક્રાંતિ હતી. નખશિખ આદર્શવાદી સ્ટીવને વિજ્ઞાન અને ભેજાંના જોરે ઘણું કરી બતાવવું હતું. એની કંપની વિસ્તરતી જતી હતી. હવે એ ચલાવવા પ્રોફેશનલ હેલ્પની જરૂર હતી.

૧૯૮૫માં ૩૦ વર્ષના જોબ્સે ‘પેપ્સી’ના ૪૬ વર્ષના એકિઝક્યુટિવ જ્હોન સ્કૂલીને ઉંચા વળતરે ‘એપલ’માં બોલાવ્યા. હવે નવા નવા સિદ્ધિશિખરો સર કરવાના હતા. પૂરપાટ વેગે ગાડી ભગાવવાની હતી… લેકિન, કિન્તુ, પરંતુ… ગાડી તો દોડી, ડ્રાઈવર ફેંકાઈ ગયો!

મિસ્ટર સ્કૂલી પોતાના નવલોહિયા બોસની કામ કરવાની અનકન્વેન્શનલ પદ્ધતિથી નારાજ થયા. એમણે ચક્કર ચલાવવાની શરૂઆત કરી. એકતા કપૂરની સિરિયલ જેવો ડ્રામા થયો. કંપનીની બોર્ડરૂમ મીટિંગમાં તમામ ડાયરેકટર્સે કંપનીના મૂળ સ્થાપક અને એપલ મેકિનટોશની પ્રોડક્ટના જનક એવા સ્ટીવની વિરૂદ્ધમાં મતદાન કર્યું ! અને પોતે જ બનાવેલી, ઉંચે પહોંચાડેલી કંપનીમાંથી સ્ટીવ જોબ્સને દરવાજો બતાવી દેવામાં આવ્યો!

કંપનીના કન્ઝર્વેટિવ ડાયરેકટર્સના મતે સ્ટીવ જોબ્સ પ્યુરિસ્ટ એન્ડ આઈડિઅલિસ્ટ હતો. એ લેબોરેટરીમાં ચાલે, બિઝનેસમાં નહિ! એને બિઝનેસની ચાલાકીભરી રમતો આવડતી નહોતી. એ પ્રોફિટને બદલે અવનવા પ્રયોગો, વૈજ્ઞાનિક સંશોધનો અને ગુણવત્તાની નીતિમત્તાનું ગાણુ ગાતો હોઈને કંપનીના ભવિષ્ય માટે ‘જોખમી’ હતો. એ નવીનતાના ઉમંગમાં ધંધાકીય સમાધાનો નહોતો કરતો! અણધાર્યા સન્નાટામાં સૂનમૂન થઈ ગયેલા સ્ટીવ જોબ્સે હતાશામાં એટલું જ કહ્યું : ‘મારી યુવાની ચૂસાઈ ગઈ! ઈટ સક્‌ડ માય હોલ યૂથ!’

જરા વિચારો. સંઘર્ષમાં નિષ્ફળતા મળે એ તો સમજ્યા પણ મંઝિલ પર પહોંચીને માંડ હાશકારો થાય ત્યાં જ કોઈક ધક્કો મારીને સાપસીડીની જેમ ફરી ગ્રાઉન્ડ ઝીરો પર ગબડાવી દે તો કેવું લાગે? અડધી જીંદગીની મહેનત ડૂબી જાય, પછી કરતા જાળ કરોળિયાની કવિતાઓ ગાવાનું પણ જોમ ન રહે. એ જ બઘું ફરીથી કરવાનો એકડો ધૂંટવાના વિચારો જ એટલા ત્રાસદાયક હોય કે અમલ કરવા કરતા આત્મવિલોપન કરવામાં સુખ લાગે!

સુપર સ્માર્ટ, સક્સેસફૂલ, યંગ રિચમાંથી મિસ્ટર નોબડી બનેલા સ્ટીવ જોબ્સે ફરી બિગિનર તરીકે આરંભ કર્યો. ૩ વર્ષે એણે નવી એક કંપની બનાવીઃ નેકસ્ટ. ૧૯૮૮માં એણે નેકસ્ટ ક્યૂબ નામનું બોક્સ બજારમાં મૂક્યું. એ સમયે એ બેહદ શક્તિશાળી ડિવાઈસ હતું, પણ એટલે જ બેહદ મોંધુ હતું. સુપરફલોપ થયું. પછી જોબ્સ અને નેકસ્ટ કંપની સોફટવેર્સ અને ઓપરેટિંગ સીસ્ટમ બનાવવા તરફ વળી ગયા. જોબ્સની કંપની અને દોલત છીનવાઈ ગઈ હતી, પણ કોમ્પ્યુટરમાં કરામાતી રીતે ચાલતું દિમાગ એની પોતાની પાસે હતું.

એ બ્રેઈનના જોરે જ એને રસ પડ્યો ‘સ્ટાર વોર્સ’ના સર્જક અને હોલીવૂડની ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટસના ભીષ્મ પિતામહ એવા જ્યોર્જ લુકાસની કંપની ‘પિકસાર’માં. એનિમેશન ગ્રાફિક્સ બનાવતી સ્ટુડિયો કંપની પિકસારમાં લુકાસને રસ નહોતો, એટલે ૧૯૮૬માં સ્ટીવ જોબ્સે એનો કારોબાર સંભાળ્યો. ૧૯૯૦માં વોલ્ટ ડિઝની કંપની સાથે એણે સોદો કર્યો. પિકસાર ક્રિએટિવ સાઈડ સંભાળે અને ડિઝની માર્કેટિંગ તથા ડિસ્ટ્રીબ્યુશન કરે… જોબ્સે ૫ વર્ષ આગળનું ભવિષ્ય વાંચી લીઘું હતું. ૧૯૯૫માં ‘ટોય સ્ટોરી’ ફિલ્મથી હોલીવૂડમાં કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મોનો વિજયવાવટો ફરકવા લાગ્યો, અને પિકસાર કી નિકલ પડી!

હિપ્પી મિજાજનો, ગુસ્સા પર કાબૂ ન રાખી શકનારો, પોતાની બેફિકરાઈ અને મસ્તીમાં જીવનારો, તરંગી અને ઘેલો ગણાય એટલી હદે આદર્શવાદી સ્ટીવ જોબ્સ ‘ઝેન બુદ્ધિસ્ટ’ બનતો ચાલ્યો. એ દરમિયાનમાં એણે આદર્શવાદને બદલે બિઝનેસ ટેકનિકસમાં ઉસ્તાદ એવા બિલ ગેટ્‌સને સફળતાની એક પછી એક સીડી ધમાધમ ચડતો જોયો.

બિલ ગેટ્‌સની વિજયગાથાના ગાંડિવ ધનુષ જેવી વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ ખરેખર તો સ્ટીવ જોબ્સની એપલ મેકિનટોશ માટેના આઈડિયાઝનું જ સુધારેલું રિમિક્સ વર્ઝન હતું. ફાડીતોડીને કહો તો ‘સ્માર્ટ’ રીતે બિલે સ્ટીવની સાથે સાથે કામ કરતા કરતા એની ટેકનોલોજીમાંથી પ્રેરણા લીધી હતી. પણ ગેટ્‌સની ધંધાકીય સૂઝ કાબિલેદાદ હતી. એને સ્પર્શી ન શકાય એવી ઉંચાઈએ એ પ્રેકટિકલ બિઝનેસમેન તરીકે પહોંચ્યો હતો.

અને એપલ? પોતાનો ભેજાંબાજ આત્મા ગુમાવી દીધા પછી કંપની રીતસર લથડિયાં ખાતી હતી. સ્ટીવ જોબ્સ વિનાના એક દશકામાં કોમ્પ્યુટરની દુનિયા સપાટાબંધ બદલાઈ ગઈ, અને કોઈ એની સાથે તાલ મિલાવી શક્યું નહિ. દેવાળિયા હાલતમાં મુકાયેલી એપલ વેચાઈ જવાની તૈયારીમાં હતી ત્યારે એના તત્કાલીન બોસ જીલ એમિલિયોએ એક નિર્ણય લીધો. નવી ઓપરેટિંગ સીસ્ટમ ખરીદવાનો. એ વખતે ધ બેસ્ટ એન્ડ એન્ડવાન્સ્ડ એવી ઓપરેટિંગ સીસ્ટમ બનાવતી કંપની હતી સ્ટીવ જોબ્સની નેકસ્ટ! સોદાના બદલામાં સ્ટીવ જોબ્સે ફરી એક ડાયરેક્ટર તરીકે એપલમાં પુનરાગમન કર્યું ! માત્ર ૧ ડોલર વર્ષે લેવાની લોભામણી ઓફરથી!

પણ વેરની રોમાંચક કહાણીઓના નાયકની માફક ૧૨ વર્ષમાં સ્ટીવ ઘણું બઘું શીખીને આવ્યો હતો. હવે બોર્ડરૂમ ડ્રામા માટેનું સ્ટેજ સજાવવાનો વારો એનો હતો. ૧૯૯૭માં જ એણે ડાયરેક્ટર્સ મીટિંગમાં એકઝાટકે ફરી કંપની પર આધિપત્ય જમાવી દીઘું અને કટોકટીમાં ‘વચગાળા’નો સીઈઓ બની ગયો! (૨૦૦૦ની સાલથી ‘ઈન્ટિરિયમ’ શબ્દ પણ નીકળી ગયો છે).

કેપ્ટન જેક સ્પેરોના હાથમાં ફરી ‘બ્લેક પર્લ’ જહાજ આવી જાય એવી આ નાટ્યાત્મક ઘટના હતી! (કર્ટસીઃ પાઈરેટ્‌સ ઓફ ધ કેરેબિયન). સ્ટીવે કંપની પર સંપૂર્ણ કબજો મેળવી લીધો… અને પહેલું કામ એણે ‘સિલિકોન વેલી’માં લોકશાહી માટે સુખ્યાત ‘એપલ’માં પોતાની સરમુખત્યારી લાદવાનું કર્યું. તમામ સત્તાના સૂત્રો પોતે રાખનાર સ્ટીવે કર્મચારીઓ માટે ‘ઓમેટ્રા’ નામનું સોગંદનામું બનાવ્યું, જેમાં ‘ધ બોસ’ની સામે મૌન રહી હૂકમો માનવાની પ્રતિજ્ઞા હતી!

સિદ્ધાંતવાદી બનવાનો ‘સ્વાદ’ સુપેરે ચાખી ચૂકેલા સ્ટીવે વાસ્તવવાદી બનીને બીજા એક માસ્ટર સ્ટ્રોકથી હરીફોને ચકિત કરી દીધા. સ્ટીવની ગેરહાજરીમાં તળિયાઝાટક થયેલી ‘એપલ’ની તિજોરી ભરવા માટે ‘વાણિયાની મૂછ સાત વાર નીચી’ વાળી સમયને અનુકૂળ થવાની નીતિ અપનાવી સ્ટીવે બિલ ગેટ્‌સને જ એપલમાં પૈસા રોકવા આમંત્રણ આપ્યું ! સ્ટીવે પ્રતિષ્ઠાનો મુદ્દો વચ્ચે લઈ આવ્યા વિના પ્રોફિટને મહત્વ આપ્યું, અને સ્ટીવના ‘પરોક્ષ’ ઉપયોગથી જ ધનિક બનેલા બિલથી વઘુ તો કોને સ્ટીવની શક્તિઓમાં વિશ્વાસ હોય?

એપલની ડચકાં ખાતી ગાડી માઈક્રોસોફટના રોકાણથી પાટે ચડવા લાગી.

પૈસા કમાવા અને ધંધો જમાવવામાં રિયાલિસ્ટ બનેલો સ્ટીવ ટેકનિકલ ઈનોવેશન અને એસ્થેટિક લૂકની બાબતમાં હજુ આઈડિયલિસ્ટ એન્ડ પ્યુરિસ્ટ હતો. એણે ‘ઓએસ ટેન (x)’ નામની નવી સુપરહિટ ઓપરેટિંગ સીસ્ટમ બનાવી. (જેમા ચીતા, પ્યુમા, જેગુઆર, પેન્થર, ટાઈગર અને લેપર્ડ વર્ઝન્સ બિલાડ કુળના પ્રાણીઓ પરથી છે ! લેટેસ્ટ છે લાયન.) બ્રિટનના ડિઝાઈનર જોનાથન ઈવ સાથે મળીને કોમ્પ્યુટરની દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું સાહસ કર્યું. ‘આઈ-મેક’ નામથી પિપરમિન્ટ કલરના ટ્રાન્સપેરન્ટ કોમ્પ્યુટર્સ બજારમાં મૂક્યા! પછી ‘આઈ-બૂક’ લેપટોપ!

ફરી સમય વર્તીને એણે ઈન્ટેલની ચિપ પણ વાપરવાની શરૂ કરી. વટ નહિ, વેપાર જાળવો. જોબ્સના ક્રિએટિવ દિમાગે તરત જ પારખી લીઘું કે કોમ્પ્યુટર માત્ર ઓફિસ જોબની પ્રોડકિટવિટી વધારવા માટે નથી. આવનારી ૨૧મી સદીની ‘ડિજીટલ લાઇફ’માં હાર્ડવેર-સોફટવેરનું વપરાશકર્તા માટે સરળ કોમ્બિનેશન ઘેર ઘેર પહોંચાડવું પડશે. અને ૨૦૦૧માં એણે પોર્ટેબલ ડિજીટલ મ્યુઝિક પ્લેયર ‘આઇ-પોડ’ બનાવ્યું.

‘વિન્ડોઝ’ને કાયમ મજાકમાં ‘વર્કિંગ ઇન હેલ’ જેવી ઉતરતી કક્ષાની ઓપરેટિંગ સીસ્ટમ ગણતા સ્ટીવે જગતભરમાં ફેલાયેલી એની પહોંચ સાથે સમાધાન કરીને મ્યુઝિક માટેનો ‘આઇ ટયુન્સ’ સોફટવેર અને પછી વિન્ડોઝ ફ્રેન્ડલી મેક કોમ્પ્યુટર મોડલ બનાવ્યા ! આઇપોડે બેસુમાર સફળતા મેળવતા સ્ટીવે વિશ્વની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પાયા હચમચાવી નાખ્યા ! ૨૦૦૬માં એણે એનિમેશન સ્ટુડિયો પિકસાર ડિઝનીને વેંચી, બદલામાં ડિઝની એન્ટરટેઇનમેન્ટમાં કાયમી ડાયરેકટર તરીકેનું સ્થાન મેળવી હોલીવૂડમાં એન્ટ્રી કરી લીધી.

એક જમાનામાં પ્રામાણિક અને સ્વપ્નીલની છાપ કેળવનારા સ્ટીવ પર શેરબજારમાં પડદા પાછળની ખંધી રમતથી એપલના ભાવ ઉંચકાવવાના આક્ષેપો પણ થયા. ત્યાં સુધીમાં તો દુનિયામાં એપલના ૧૭૦ રિટેઇલ સ્ટોર ખુલી ગયા હતા. કમબેક ટુ એપલ માટે એણે માત્ર વર્ષે ૧ ડોલર પગારનો જુગારી દાવ ખેલ્યો હતો. પણ અંદર પ્રવેશીને ફરી કંપનીના સુપરબોસ બની જવાને લીધે ગયા વર્ષે અમેરિકાનો સૌથી વઘુ કમાતો સીઇઓ સ્ટીવ જોબ્સ હતો. ૨૦૦૪માં પેન્ક્રિઆસ કેન્સરનો મુકાબલો કરીને બેઠા થયેલા સ્ટીવે જોયું કે મ્યુઝિક પ્લેયરવાળા મોબાઇલ આઇપોડને ટક્કર આપે છે, એટલે એણે નવી જ માર્કેટ ખોલવાની નીતિ પડતી મૂકી, મોબાઇલની જામેલી માર્કેટમાં ઝૂકાવવાનું વિચાર્યું !

અને ‘સ્માર્ટફોન’ એવા અઘરા હોય છે કે સ્માર્ટ લોકો જ વાપરી શકે’ એવું કહી એકદમ અનોખો ઇઝી આઇફોન લઇ મોબાઇલ વર્લ્ડમાં ‘શોકવેવ’ ફેલાવવા સ્ટીવ હાજર થયો ! એપલની આગવી ક્રિએટિવિટીને હવે હાર્ડ કોર પ્રેક્ટિકલ બિઝનેસમેન સ્ટીવનો સથવારો મળ્યો, અને કંપની ૧૦૦ અબજ ડોલરને વળોટી ગઈ ! બિલ ગેટ્‌સ વિન્ડોઝથી વઘુ કશું નવું કરી શકવામાં નિષ્ફળ છે. ત્યારે સ્ટીવનો આઇફોન પણ પેલા ફલોપ ગયેલા ‘નેકસ્ટ કયુબ’નો જ હાઇ ફાઇ મેકઓવર છે ! સ્ટેપ બાય સ્ટેપ પોતાની દરેક નિષ્ફળતાને સફળતામાં ફેરવતા જતા સ્ટીવે હમણા એક પ્રવચનમાં બિલ ગેટસને કહ્યું કે, ‘આપણી વચ્ચે આગળના રસ્તા કરતા પાછળની યાદો લાંબી છે…’ ત્યારે બિલની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયેલા!

આજે આઈ-ફોને મોબાઈલ ફોનનું વિશ્વ બદલાવી નાખ્યું છે. ટચ સ્ક્રીન તો ઘરઘરાઉ થઇ ગયા, નોકિયા જેવી જામેલી જૂની કંપની આ પરિવર્તન સામે ધૂળ ચાટતી થઇ ગઈ! સ્ટીવે તો વળી આઈ-પેડ પણ મૂકી ટેબ કોમ્પ્યુટર્સનો એવો સેક્સી અવતાર રજુ કર્યો કે સેલીબ્રીટીઓ પણ એણે સ્પર્શવા ઘેલી ઘેલી થઇ ગઈ! વળી પાછું આ ભેજાબાજ માર્કેટ લીડરની પાછળ હુડુડુડુ કરતુ મસમોટી કંપનીઓનું ધાડું પોતપોતાના ટેબ લઈને દોડ્યું! માક્રોસોફટનું વિન્ડોઝ સેવન હવે મેકની સમકક્ષ ઓ.એસ. સુધી પહોચ્યું છે ને એપલ પ્રોડક્ટ્સ સામે મોનોપોલી સોફ્ટવેર્સની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ગણગણાટ ચાલુ છે. અમેરિકામાં તો એપલનો રજનીકાંત કક્ષાનો ક્રેઝ છે, પણ ભારતમાં હજુ હમણાં એણે ઓફિશ્યલ એન્ટ્રી લીધી છે! (અંધ સ્વદેશીભક્તો માટે, ભારતની બજાર વિના ય પ્રચંડ મલ્ટીનેશનલ બની શકાય છે, એનો વધુ એક પુરાવો! આપણા કેટલા અબજપતિઓ જોબ્સ જેવા ક્રિએટીવ વિઝન કે પ્રોફેશનલ મિશન સ્ટેટમેન્ટ લઈને ચાલતા હશે? ગોખલાના મંદિરો અને ફેમીલી ગુરુજીઓને બદલે?)

પણ ઉપરવાળાને કદાચ થાય છે, આમ આ એક આદમી જ નીચે દુનિયામાં લોકોની જીન્દગી એકલા હાથે વારંવાર બદલાવતો જશે – તો એણે પ્રોગ્રામ કરેલાં પરિવર્તનોને કેવી હરીફાઈ નડશે? એટલે એના કેન્સરને જીવલેણ ઉથલો આવે છે. સ્ટીવ એક મહિનાનો મહેમાન છે, એવું વિશ્વની તમામ ઉપલબ્ધ સારવાર પછી તબીબોએ ભાખ્યું અને કેટલાક ગુજરાતી પત્રકારમિત્રોએ એની શોકસભા પણ ભરી દીધી (મારો આ મૂળ લેખ છપાયો ત્યાં સુધી સ્ટીવ જોબ્સનું નામ પણ ના જાણતા એક મિત્રે પછી અંગ્રેજીમાથી ‘આઈ-કોન’ પુસ્તકના આધારે ગુજરાતીમાં એક પુસ્તિકા પણ ઘડી કાઢી! હવે જો કે જોબ્સની ઓફિશ્યલ બાયોગ્રાફી આવી રહી છે) , ત્યારે સ્ટીવ આ વર્ષના આરંભકાળમાં રજા પર ઉતરી ગયો. હવે એણે સત્તાવાર રીતે એપલનું સીઈઓ પદ છોડ્યું છે. દરેક દિવસ શબ્દશઃ એના માટે આજે એક ગોડ ગિફ્ટ છે. હજુ ય એ લડી રહ્યો છે. ચમત્કારની એણે આદત છે. કનેક્ટિંગ ધ ડોટ્સની જીવનકહાણી અદભુત જાદુઈ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને કહેનાર મહારથીએ જોડેલું આ અંતિમ બિંદુ હશે?  આવો જીનિયસ માણસ રોજેરોજ પોતાની કાયાને ‘ડિસમેન્ટલ’ થતી અનુભવતો હશે ત્યારે શું વિચારતો હશે? સફરજન હવે પહેલા જેવું ફ્રેશ અને ટેસ્ટી રહેશે?

પણ ભલે જોબ ઘટે, અમેરિકા જ્યાં સુધી જોબ્સ પેદા કર્યા કરશે, ત્યાં સુધી મંદીનો મુકાબલો કરતુ રહેશે ને આપણે? જસ્ટ સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ !

* * *

તો, આ ફિલ્મથી પણ વઘુ રોમાંચક સત્યઘટના છે, દિમાગી દાવપેચના જોરે ગુમાવેલી સલ્તનતના ફરી સમ્રાટ થનાર પરિપકવ બિઝનેસમેનની જીતની………. અને વાસ્તવિકતાના ઝેરી પ્રહારોથી બદલાઇ જનાર એક બુદ્ધિશાળી યુવાનની હારની ! (શીર્ષક : મરીઝ )

# ૨૦૦૭માં પ્રકાશિત લેખનું અપડેટેડ વર્ઝન ૨.૦ (મૂળ લેખ : http://www.gujaratsamachar.com/beta/content/view/8143/292/)

+ સ્ટીવ જોબ્સ સાથે વધુ એક પર્સનલ કનેક્શન હમેશ માટે જોડાઈ ગયું. તારીખ મુજબ મારા જન્મદિને યાને ૬ ઓક્ટોબરે લાંબી લડત પછી એનો જીવ આ સફરજન જેવો પૃથ્વીનો ગોળો મૂકી વિદાય લઇ ગયો, એના સમાચાર મળ્યાં (ટેકનીકલી અમરીકન સમય મુજબ, ૫ ઓક્ટોબરે ) કેટલાક માણસો એચીવર કે મિલિયોનર હોય છે, જોબ્સ આ બંને ઉપરાંત ‘લાઈફ ચેન્જર’ હતો. કદાચ બ્રહ્મા કરતા વધુ ક્રિએટિવલી નવી ડીજીટલ દુનિયાનું ઘડતર કરનાર આ માણસની દેવતાઓને ઈર્ષા આવી હશે.અને એમણે એની લાઈફ સાથે અંચઈ કરી. પણ સ્ટીવ હજુ ય રહેશે , એપલની અવનવી પ્રોડક્ટ્સ જયારે જયારે કોઈ વાપરશે..અરે, કોમ્પ્યુટર સામે પણ જયારે કોઈ બેસશે ત્યારે…….RIP.

બધા ઇન્વેન્ટર બિઝનેસમેનમાં સ્ટીવ જોબ્સની યશગાથા જ કેમ આટલી ચર્ચાય છે? કુબેરપતિ છે એટલે? તો નંબર વન અબજપતિ કાર્લોસ સ્લિમ હેમુની ચર્ચા થવી જોઈએ. કારણ કે, સ્ટીવની જિંદગીમાં ભરપૂર ડ્રામા છે! અનૌરસ સંતાન તરીકે જન્મ, હિપ્પી જવાની, સાધુ બનવાનો છંદ, લફરા, નાની ઉંમરે મોટી સફળતા, પોતાની જ ઘડેલી કંપનીમાંથી રૂખસત, ફરી નિષ્ફળતા, ફરી સફળતા, ફરી એ જ કંપનીમાં ફિલ્મી પુનરાગમન, તુંડમિજાજી સ્વભાવ છતાં તત્કાળ ક્વોટેબલ ક્વોટ આપવાની તેજસ્વીતા, અવનવા આઈડીયાઝ અને જોખમી નિર્ણયો, લોકોની જિંદગી બદલાવી નાખતી એકથી વધુ પ્રોડક્ટ્સ, દોલત…અને અકાળે થયેલું કેન્સર…એની સામે પણ ઉતારચઢાવ ભરેલો જિંદગીનો જંગ ! અને એ સાથે જ છવાતું જતું એપલનું બ્રાન્ડનેમ ! આ “સત્યકથા” હોવા છતાં એમાં ગ્રીક એપિક નાયકના ચરિત્રચિત્રણના તમામ પાસા છે. વેરની વસુલાત છે. ઝીરોથી હીરોની દાસ્તાન છે. હતાશા ખંખેરી ફરી પડકાર જીતવાની પ્રેરણા છે. રોમાન્સ છે. અધ્યાત્મ છે. બુદ્ધિમતા છે. ચાલુ ચીલાથી ઉફરા ચાલવાની નફકરાઈ છે. મહાન સંશોધન છે. બેસુમાર કીર્તિ અને અધધધ ખજાનો છે. કાળજું કંપાવે એવો રોગ અને યુવાન મૃત્યુ છે. લોકોના દિલને અપીલ કરતી આટઆટલી નાટ્યાત્મકતા વિશ્વસ્તરે વાસ્તવિકતામાં હોય પછી તો સિદ્ધિને પ્રસિદ્ધિ ના મળે તો નવાઈ લાગવી જોઈએ! 😛

સ્ટીવને હૃદયાંજલિ + દિમાગાંજલિ  – http://gujaratsamachar.com/20111012/purti/shatdal/anavrut.html

ડીઅર રીડર બિરાદર.

સ્ટીવ જોબ્સની સિધ્ધિઓથી કેટલા લોકોને પેટમાં બળ્યું હશે , એનું મીનીએચર મોડેલ આ બ્લોગની લોકપ્રિયતાથી કેટલાક અદેખાઓ દિવાળી પછી ય જે રીતે બળી રહ્યા છે – એ જોઈને સમજી શકાય છે . 😛

મારાં ઓફલાઈન જ નહિ ઓનલાઈન અનુભવથી જે કોઈ વ્યક્તિ પરિચિત હશે એમને મારી એક આદતનો ખ્યાલ હશે. ક્યારે ય મારી કોઈ વાત / લેખમાં કોઈ ફેક્ચ્યુઅલ એરર – માહિતી કે હકીકતદોષ બતાવે એટલે મારી તૈયારી તત્કાળ સુધારાની હોય છે અને નમ્રતાથી હું એમનો આભાર માની જરૂરી ખુલાસો તરત કરું છું. કારણ કે ૧- હું ભૂલપ્રૂફ નથી, એવું જાહેરમાં અનેક વાર કહી ચુક્યો છું. માણસમાત્ર મર્ફીઝ લોને પાત્ર. એવું કોઈ પૃથ્વી પર છે નહિ, હશે નહિ, હતું નહિ. માટે આ કોઈ ઇગોની બાબત નથી. જીવન નવું નવું શીખવાની જ પ્રક્રિયા છે. ભૂલ થાય એ કબુલવામાં મને કદી નાનમ નડતી નથી. હા, ના હોય તો સામે જવાબ દેવામાં કોઈ શરમ પણ નડતી નથી. ૨- ભૂલ માટેનો મારો ખેદ જેન્યુઈન હોય છે. માટે અન્ય કોઈ વ્યક્તિ ધ્યાન ખેંચે એ પહેલા ઘણી વાર હું જાતે જ એ સુધારી લઉં છું ને જરૂરી હોય ત્યાં જાહેરમાં ધ્યાન પણ ખેંચું છું. આ જ લેખની નીચે બે કોમેન્ટ્સમાં અગાઉ વાચકમિત્રોએ મને કરેક્ટ કર્યો ત્યાં તરત જ એ સુધારી , દિલગીરી-ધન્યવાદ દર્શાવ્યા જ છે. ૩-બીજા ઘણા ભાગ્યે જ ભૂલો કબુલવા જેવા અપારદર્શક હોય, એમણે માટે આ મોટી ઘટના હશે. મારાં માટે આ સાહજીક પારદર્શકતા છે. વાચકો અને મારાં લખાણ માટે હું કમિટેડ છું. પૂરી ચોકસાઈ છતાં, મારાં પુસ્તકો પણ રીવાઈઝ કરતો હોવા છતાં  – ક્યાંક ક્ષતિઓ રહી જાય એ સ્વાભાવિક છે. એવું પરફેક્શન શક્ય નથી- એટલે જ આ બાબતે મેં હમેશા સ્પષ્ટ કબુલાત અને ક્ષમાપનાનું જ ધારાધોરણ રાખ્યું છે. ફેસબુક પર ટ્રેક રહેતો નથી. પણ ઓરકુટ કે ટ્વીટર પર કોઈ ફુરસદે અભ્યાસ કરશે તો એણે એ તરત અનુભવશે.

આ લેખ ૧૦, જુલાઈ ૨૦૦૭ના ‘અનાવૃત’માં લખ્યો , ત્યારથી આજ સુધી એમાં એક હકીકતદોષ ખેંચાતો આવ્યો છે. જે મૂળ લેખને અસરકર્તા હોય કે ના હોય – ભૂલ જ છે. એના તરફ મારું ધ્યાન મને પર્સનલી મેઈલ/મેસેજ/બ્લોગ કોમેન્ટ/ફોન/ફેસબુક કોમેન્ટ/ટ્વિટ કરીને ખેંચવામાં આવ્યું નથી ! છતાં ય એઝ ઓલ્વેઝ મારી જવાબદારી સ્વીકારીને હું એ સુધારું છું. શરૂઆતમાં એપલની જે જાહેરાતનો ઉલ્લેખ છે. એના વર્ણનમાં છેલ્લે એપલનું ફેમસ સ્લોગન લખાઈ ગયું હતું. જયારે મૂળ એડ.માં સ્લોગન જુદું (અને વધુ અસરકારક) છે.

૧૯૮૪મા હું અમેરિકામાં નહિ, પણ ગુજરાતના નાના શહેર ગોંડલમાં હતો એટલે એ એડ પ્રત્યક્ષદર્શી તરીકે જોવા નહોતી મળી. માટે આ લોચો લાગ્યો. એના (અંગ્રેજીમાં) વર્ણનની ચર્ચા મીડિયામાં ર્રસથી વાંચેલી. અંગ્રેજી uncle ગુજરાતીમાં કાકા કે મામા કરવામાં ગફલત થાય એમ a rebel બળવાખોર સ્ત્રી કે પુરુષ એ નક્કી ના થાય . બાકીનું વર્ણન જે વાંચ્યું એ યાદશક્તિના આધારે લખ્યું. હવે જયારે મૂળ એડ જોવા મળી , ત્યારે એમાં ખાસ કશો ફરક નથી. મોટી સંખ્યામાં ‘ગુલામ’,  વિરાટ ‘બિગ બ્રધર’ અને એણી smashing  ધોલાઈ બધું ધાર્યા-વર્ણવ્યા મુજબ જ છે. કદાચ છેલ્લા સીનમાં મુક્તિ એટલી આનંદદાયક નથી. પણ એ perception oriented છે. પણ સ્લોગન મિસમેચ થયેલું. માટે જરૂરી સુધારા સામે ચાલીને કરી નાખ્યા છે. જાહેરાતની લિંક પણ મૂકી છે. એમ તો વાંકદેખાઓને ‘મશહૂર’ શબ્દ સામે ય વાંધો છે- જે ખોટો છે. એવોર્ડવિનર જાહેરાત જગમશહૂર તો હતી અને છે જ.

આ ખુલાસો બચાવ માટે નથી સમજુતી પુરતો જ છે. બાકી જે ભૂલ થઇ એ સંપૂર્ણપણે મારી જવાબદારી and heartily sorry for that. ભવિષ્યમાં આવી કોઈ પણ ગલતી અંગે ધ્યાન ખેંચજો જ. કાન પકડી એ સુધારવાની ખેલદિલી બાબતે લાઈફટાઈમ ગેરેન્ટી.

પણ આટલી ખેલદિલી દરેક ભૂલ દર્શાવનારમાં હોતી નથી. એમની ખુદની ભૂલો એ કબૂલ કરતા નથી ને કેટલાક તો એટલું બધું કામ પણ નથી કરતા જ્યાં ભૂલો થાય! 😛 ઈનફેક્ટ એમના એજન્ડા જ અલગ હોય છે. ઓનલાઈન દુનિયામાં જેમ લાગણીશીલ વાચકો સાથે હુંફાળો સંવાદ કરવા મળે છે એમ કેટલાક પ.પૂ.ડા. (પબ્લિસિટી પુરુષોત્તમ ડામચિયા ) પણ મળે છે. જેમનામાં હાડોહાડ પ્રસિદ્ધિભૂખ હોય છે ને એને પટ્રોલ આપવાને બદલે પાણી છાંટો તો એ તમારા વિરોધી બનીને રીતસર રાજકારણમાં જોવા મળે એમ ટણક ટોળી જમાવી લુચ્ચાઈભરેલી ઝુંબેશો કરતા હોય છે. એમનામાં ના તો નામ લઇ વાત કરવાની મોરલ કરેજ છે ના તો લગતી વળગતી વ્યક્તિને સીધી જ ઓપન ફેસબુક વોલ કે બ્લોગ પર જઈ પોતાનો મત / આક્ષેપ / કરેક્શન / દલીલ મુકવાની મોરલ સેન્સ છે.

આવા એક પપુડાભાઈએ અગાઉ રીતસર ખોટી બદનક્ષી માટે એવું ચગાવ્યું (નામ આપ્યા વિના, અને એમણે જેમની તીવ્ર ભૂખ છે એ પ્રસિદ્ધિ એમને આપવાનો મારો ય કોઈ ઈરાદો નથી) કે આ સ્ટીવ જોબ્સ પરનો આર્ટીકલ એમણે મને ઈમેઈલ કરેલી એક બુક ‘એપલ કોન્ફીડેન્શીયલ’નું શબ્દશઃ ભાષાંતર છે ! વાહ ! એ ભૂલી ગયા કે એ બુક સામે ચાલીને મને ઈમેઈલથી વાંચવા મોકલી ૮ મે, ૨૦૧૧ના રોજ. જેનો મારી પાસે સમય નથી એટલે હું હમણાં વાંચી શકું એમ નથી એવો મેં જવાબ પણ પાઠવેલો. એમનો મેઈલ હજુ મારાં મેઈલબોક્સમા છે. મારા બ્લોગ પર એકમાત્ર લેખ મારો સ્ટીવ જોબ્સનો છે – એ તો ૧૦ જુલાઈ , ૨૦૦૭મા મેં ‘અનાવૃત’માં લખ્યો છે! એ સ્પષ્ટતા પણ બ્લોગ પર છે જ કે આ જુનો લેખ છે. અને સમયે તો હું ફેસબુક પર હતો નહિ ને ફેસ્બૂકનું હજુ પારણું બંધાતું હતું ભારતમાં- એટલે આવી સ્વકેન્દ્રી કળતરોના સંપર્કમાં આવવાનો સવાલ જ નહોતો. આવું ટાઈમ ટ્રાવેલ તો એપલ હજુ શોધી શક્યું નથી! 😉  ટૂંકમાં, કેવળ પબ્લિસિટી ખાતર ચગાવાયેલી દેખીતી રીતે જ હળાહળ જૂઠી વાર્તા.

રહી વાત બુકની તો આપણો તો ઉઘાડો પડકાર જ છે કે કોઈ પણ માણસ એ બુક વાંચે ને
મારો લેખ વાંચે – એમાં શુ શું સીધું શબ્દશઃ – વર્ડ ટુ વર્ડ ભાષાંતર છે એ મને બતાવે. આવું હું સ્પષ્ટ એટલે કહું છું કે મેં તો હજુ સુધી એ બુક વાંચવાની ફુરસદ કેળવી જ નથી! અલબત્ત, જોબ્સ કઈ મારો સાળો નથી થતો એટલે સતત પાછલા બે દસકામાં એના પર કેટલું ય વાંચ્યું જોયું હોય એમાંથી જ નવી નવી વાતો મને જ નહિ, ખુદ કેલીફોર્નીયામાં રહેતા લેખકને ય મળી હોય. આ તો સહજ પ્રોસેસ છે. જોબ્સની જીંદગી કે એના ઉતારચઢાવવર્ષોથી દુનિયામાં ડઝનબંધ સોર્સમાં જગજાહેર જ છે. ગયા વર્ષે એની લાઈફસ્ટોરી આખેઆખી ગુજરાતીમાં ય પ્રસિદ્ધ થઇ છે રાજકોટમાંથી.

પણ જે બુક મને કોઈ આ વર્ષે વગર માંગ્યે પોતાનું જ્ઞાન દર્શાવવા થનગનભૂષણ થઈને ઈમેઈલ કરે એના આધારે ૪ વર્ષ પહેલા હું ભાષાંતર કરું? એ મજકુર કિતાબ વિષે ગૂગલિંગ કરતા જાણવા મળ્યું છે કે એ તો ૧૯૯૯માં પ્રગટ થઇ છે! (એનું વર્ઝન ૨.૦ ૨૦૦૪મા આવેલું જયારે આઈફોન નહોતો. જયારે મારો આ મૂળ લેખ પ્રગટ થયો ત્યારે એનો પ્રથમ ફકરો જ આઈફોન પર હતો. જે ગુજરાત સમાચારની સાઈટ પર હજુ છે. અહીં અપ્રસ્તુત બની ગયો હોઈ કાઢી નાખેલો) છે.  તો પછી ૨૦૦૭ના મારાં લેખમાં તો કેન્સર, આઈપોડ, નવા મેક, આઈફોન , બધું જ છે. એ કોણ કહી ગયું? હમણાં જોબ્સના ગુજરી ગયા પછી મેં આખો લાંબો લેખ ગણતરીના દિવસોમાં જ લખી મોકલાવ્યો- એમાં છેક છેલ્લી ઘડી સુધીની વિગતો હતી. વોલ સ્ટ્રીટમાં ૨૦૧૦મા કઈ તારીખે એપલનો શેર માઈક્રોસોફ્ટથી કેટલો આગળ નીકળ્યો એની ય વિગત હતી. એ બધું ૧૯૯૯ની બુકમાં હતું?  lolzz મને ગમતા વ્યક્તિત્વો વિષે મારું સંશોધન અને વિચારવલોણું સતત ચાલુ જ હોય છે. લેખ તો જસ્ટ એક બાયપ્રોડક્ટ છે

પોતે ચત્તાપાટ ચાટ પડ્યા પછી જાહેર પડકાર ઉપાડવાની કે કબુલાતની વાત દુર, પણ પપુભાઈ ગાજ્યા અને આ એડ સહિત લેખમાં ભૂલોનો ભંડાર શોધવા નીકળ્યા. જેમાં એમણે પોતે જ કેટલીક ભૂલભરેલી માહિતી પીરસી , એ તો ઠીક પણ જ્યાં કોઈ એવી ભૂલ નથી ત્યાં મારી મચડીને એમણે કેવળ દ્વેષભાવથી ભૂલો બતવવા પ્રયત્ન કર્યો.

ચાલો આ લેખના વાચકો અને સ્ટીવ જોબ્સના ચાહકો માટે એની ય નીર ક્ષીર સ્પષ્ટતા કરી દઈએ.

૧. સ્ટીવ જોબ્સ નામનો ૨૯ વર્ષનો મેધાવી વિજ્ઞાની એપલ કોમ્પ્યુટરનો સ્થાપક હતો. માત્ર વિચાર નહિ, એ સાકાર કરવાની ટેકિનકલ ડિઝાઈન અને એન્જીનીયરીંગ નોલેજ પણ હતું.

મારાં લેખના આ વાક્ય સામે પપુડાભાઈ એવું ફરમાવે છે કે આ ય ખોટું છે! એપલ તો એકલા વોઝનીઆકનું જ બ્રેઈનચાઈલ્ડ હતું. દુનિયામાં કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન રેફરન્સ ઉઠાવો. એપલના સ્થાપક તરીકે ત્રણ નામ જોવા મળશે. સ્ટીવ જોબ્સ , સ્ટીવ વોઝનીઆક અને રોનાલ્ડ વેઇન (ઉચ્ચારની ભૂલ લેવીદેવી). અહીં મેં કંઈ એવું લખ્યું છે કે સ્ટીવ જોબ્સ ‘એકમાત્ર’ સ્થાપક હતો? એપલની દાસ્તાનનો એક સ્લાઈડ શો (http://www.nytimes.com/interactive/2009/01/22/technology/20090122_JOBS.html?ref=technology) જોબ્સના નિધન વખતે દિવસો સુધી આ બ્લોગના સાઈડબારમાં જ રાખેલો. જેમાં ઝીણી ઝીણી ઐતિહાસિક વિગતો સચિત્ર હતી. પણ આ બધી ફૂટનોટ મુકવા જાઉં તો લેખની સાઈઝ આઇબીએમના જુના કોમ્પ્યુટર જેવી અને જેવડી થાય. ઘણી સયુંકતપણે સ્થપાયેલી કંપની એના ફ્લેગશીપ સ્થાપકથી જ ઓળખાતી હોય છે. બાકી તાતા-રિલાયન્સમાં ય આખું બોર્ડ હોય છે. અને એપલની તો પાછળથી ઓળખ જ જોબ્સ હતો. આ પ્રકારના કોર્પોરેશનના ઇતિહાસ મીડિયામાં લખાય ત્યારે વોઝનીઆકના એન્ગલથી પુસ્તક લખવાવાળા કદાચ ઝાઝું મોણ નાખે , એટલે એ કંઈ સર્વસ્વીકૃત ના થઇ જાય. ઇન્ફેકટ , વિકિપીડિયા પર ખુદ વોઝ્નીઆકને ટાંકીને ઓરીજીં ઓફ એપલ આવા શબ્દોમાં વર્ણવ્યું છે :  In 1970, Wozniak became friends with Steve Jobs, when Jobs worked for the summer at a company where Wozniak was working on a mainframe computer.[2] According to Wozniak’s autobiography, iWoz, Jobs had the idea to sell the computer as a fully assembled printed circuit board. Wozniak, at first skeptical, was later convinced by Jobs that even if they were not successful they could at least say to their grandkids they had had their own company. Together they sold some of their possessions (such as Wozniak’s HP scientific calculator and Jobs’s Volkswagen van), raised USD $1,300, and assembled the first prototypes in Jobs’s bedroom and later (when there was no space left) in Jobs’ garage.

ટૂંકમાં, મેં કંઈ જોબ્સને એકમાત્ર સ્થાપક ગણાવ્યો નથી. અને કોઈ એવા ભ્રમમાં હોય કે સ્ટીવ વોઝનીઆકની એકલાએ સ્થાપેલી એપલ નામની કંપનીમાં પાછળથી જોબ્સ ઘૂસીને બધું લૂંટી ગયો તો એ સદંતર એકાંગી ખંડદર્શન છે. જોબ્સના ફેન બનવું ફરજીયાત નથી, પણ એની સિદ્ધિને ઝાંખપ લગાડવા મોટા ઉપાડે ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ને ટાંકીને પપુડાઓ એવું ય ભરડી મારતા હોય છે કે જોબ્સ તો ૩૧૭ પેટન્ટ્સમાં માત્ર કો-ઇન્વેન્ટર હતો, ઇન્વેન્ટર નહિ.
હવે નવરાશમાં વાંચો આ ન્યુયોર્ક ટાઈમ્સનો મૂળ લેખ  http://www.nytimes.com/2011/08/26/technology/apple-patents-show-steve-jobss-attention-to-design.html?_r=1

આમાં ક્યાંય જોબ્સ પર આવો આક્ષેપ છે જ નહિ. ઉલટું, માત્ર મોટાભા બનવાથી એમ કંઈ પેટેંટ મળતી નથી , એવું દર્શાવવા માઈક્રોસોફ્ટના વધુ મોટા અબજપતિ સેલિબ્રિટી બિલ ગેટ્સ પાસે પણ ફક્ત એના નામે ૯ જ પેટન્ટ છે, જયારે જોબ્સના પ્રિન્સિપલ ઇન્વેન્ટર તરીકે ૩૩ પેટન્ટસ છે, અને અમરીકન સિસ્ટમમાં એક્ટિવ પ્રદાનની સાબિતી વિના કો –ઇન્વેન્ટર તરીકે માત્ર સીઇઓ હોવાથી  નામ નથી નોંધાવાતું , એવી સ્પષ્ટતા પણ છે. લેખ ના ટાઈટલમાં ૩૧૩ પેટન્ટની વાત છે પણ બાજુ ની ઇન્ટરએક્ટિવ લીંકમાં ૩૧૭ પેટન્ટ્સની ગ્રાફિકલ સમજુતી છે.

૨. કંપનીના કન્ઝર્વેટિવ ડાયરેકટર્સના મતે સ્ટીવ જોબ્સ પ્યુરિસ્ટ એન્ડ આઈડિઅલિસ્ટ હતો.

મારાં લેખના આ વાક્ય સામે વાંક-અદેખાઓ ફરી એપલ પર જાણે એક જ બુક લખી હોઈ, અને એજ ઓફિશ્યલ હોય એમ એપલ કોન્ફીડેન્શીયલ’ના રેન્ડમ ફકરા ટાંકે છે. જો કે આ મામલે અનેક ચર્ચા આજે ય થાય છે. પણ ખુદ એમાં નિમિત્ત બનેલા જોહન સ્કૂલી આડકતરી રીતે અને એ ઘટનાક્રમના નિકટ સાક્ષી એવા સુખ્યાત કન્સલ્ટન્ટ ટીમ બાજરીન અનુક્રમે પરોક્ષ્ /પ્રત્યક્ષપણે એવું કહે છે કે જોબ્સનો બિઝનેસ માઇન્ડેડ નહિ, એવો ધૂની વિજ્ઞાનીનો તરંગી સ્વભાવ અને કોર્પોરેટ સ્ટ્રક્ચર સાથેનું ઘર્ષણ મુખ્ય કારણ હતું. (બાજરીન કોઈ ફેસ્બુકિયા પાર્ટટાઈમ એક્સપર્ટ નથી. સ્ટીવ જોબ્સને એમણે આપેલી સરસ અંજલિ સાથે નીચે એમનો પરિચય પણ અહીં વાંચવા જેવો છે. http://techpinions.com/some-thoughts-on-steve-jobs-passing/3231 ) પાક્કા બિઝનેસમેન બન્યા પછી ય જોબ્સ પ્યુરીસ્ટ તરીકે એવો ચોખ્લીયો હતો કે આઈફોનના એક મોડેલમાં બે હાર્ડવેર કોમ્પોનન્ટમાં માત્ર વ્હાઈટ કલર શેડના ડીફરન્સને લીધે એણે આખું શિપમેન્ટ અટકાવી દીધું હતું . (આ કયા પ્રકારની ટસલ સયુંકત કામગીરીમાં  ક્રિએટીવ વર્સીસ બિઝનેસ માઈન્ડની હોય છે- એનો મને જાત અનુભવ છે- એ વાત ફિર કભી ). ધારો કે આ વાત સાથે કોઈ અસંમત હોય તો ય આમાં ક્યાંય ફેક્ચ્યુઅલ એરરનો પ્રશ્ન જ નથી. (લોકો રાવણ કેવો માનવીય હતો એ એન્ગલથી પણ ફિલ્મ બનાવી શકે છે. )

btw, રસ ધરવતા હો તો અમસ્તા આ ૧૯૮૫મા લખાયેલ લેખનું વર્ણન વાંચવા જેવું છે. એમાં ટોટલ ટ્રુથ નહિ પણ એક ડાયમેન્શન મળે..હું કોઈ વિશ્વવિભૂતિ પર લખતો હોઉં ત્યારે આવા ઘણા વિરોધાભાસી ડાયમેન્શન્સના લેખ -જોખા કાઢી મારું તારણ વાચકો સમક્ષ મુકતો હોઉં છું.:  http://www.folklore.org/StoryView.py?project=Macintosh&story=The_End_Of_An_Era.txt&sortOrder=Sort%20by%20Date&detail=high

.” સ્ટાર વોર્સ’ના સર્જક અને હોલીવૂડની ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટસના ભીષ્મ પિતામહ એવા જ્યોર્જ લુકાસની કંપની ‘પિકસાર’માં. એનિમેશન ગ્રાફિક્સના સ્ટુડિયો બનાવતી કંપની પિકસારમાં લુકાસને રસ નહોતો, એટલે ૧૯૮૬માં સ્ટીવ જોબ્સે એનો કારોબાર સંભાળ્યો.

હવે અહીં તો એવો પરાણે પોઈન્ટ ઓફ ઓર્ડર રજુ થયો કે પિક્સાર નામ સ્ટીવ જોબ્સે લુકાસફિલ્મ્સના ગ્રાફિક્સ ગ્રુપને ખરીદ્યા પછી આપ્યું હોઈ જોબ્સ એ પહેલા લુકાસ પાસેથી પિક્સાર નામની કંપની વેન્ચાતી લઇ શકે એવું કેમ લખાય? સિલી, રીયલી ! જેમણે કદી મીડિયામાં લખ્યું નથી એવા લોકો જ આવી હાસ્યાસ્પદ ફરિયાદ કરી શકે. અગાઉ અજાણ હોય એવી બ્રાન્ડેડ કંપનીનું નામ પાછળથી જાણીતું થાય એ વાંચનારની સરળતા ખાતર (અગેઇન, કોલમ લેખ કંઈ ફૂટનોટ વાળા થીસીસ હોતા નથી, ને અહીં તો લુકાસનો ઉલ્લેખ છે જ લચ્છો નથી.) દર્શાવવું – એ તો કોમન પ્રેક્ટીસ છે. 😀  ખાતરી નથી થતી? તો લો આ અંગ્રેજી પીસની હેડલાઈન વાંચો :

http://www.macstories.net/links/25-years-ago-today-steve-jobs-bought-pixar/

અને આ અન્ય લિંક http://news.cnet.com/8301-13579_3-20116912-37/with-pixar-steve-jobs-changed-the-film-industry-forever/ પરની સ્ટોરીમાં પણ વર્ણન કેવી રીતે છે , એની ઝલક હવે આ લાંબુ લખાણ વાંચી થાક્યા હશો એટલે મૂકી જ દઉં છું.

“And along came Jobs to save the day. Brandishing a $5 million check, the Apple founder–by then kicked out of his own company–bought Pixar on January 30, 1986, setting in motion a string of events that would generate some of the best-loved films of the late 20th century and result in Disney’s 2006 acquisition of Pixar for $7.4 billion.” (આ અંગ્રેજી લખાણ ‘પિક્સાર ટચ’ પુસ્તકના લેખક ડેવિડ પ્રાઈસનું છે. 😛 )

તો એક સ્વતંત્ર લેખ જેટલું આ ઉમેરણ વાંચવા માટે આપ નો આભાર. આ ખુલાસો મારાં આત્મસંતોષ માટે જ મુકું છું. મારાં વિઘ્નસંતોષીઓને તો મારાં પ્રત્યેના પૂર્વગ્રહથી જ બધું જોયા કરવાની આદત છે એટલે એમને સત્યમાં કોઈ રસ હોતો નથી. એમને ખુદને પડકારો તો ઉભી પૂંછડીએ ભાગે છે. અહીં જોયું તેમ પોતે જ ટેકનોલોજીનું ઉધાર અને એમેચ્યોરઅર્ધ જ્ઞાન ધરાવે છે.  એમણે તો બસ જાણી જોઈને ઉતારી પાડવામાં રસ હોય છે. સેમસંગ જેવી કોરિયન કંપનીના વર્લ્ડ ફેમસ સ્માર્ટફોનને ચાઈનીઝ કહી દે એવા ટેકનોલોજીનો ટચ પણ ના ધરવતા અમુક લોકો પોતે વિદેશ કે મોટા શહેરમાં હોય, તવંગર કમાણી ભોગવતા હોય એટલે મારાં જેવા નાના ગામના ફક્ત લખી-બોલીને જ લહેર કરતા ઇન્સાનોને સામંતશાહી અદામાં તુચ્છ માનીને પરફોર્મન્સ (લેખ)ને બદલે પર્સન (લેખકની અંગત મર્યાદાઓ)ની જાહેર મજાક ઉડાડવા જેટલી હલકટ અને અધમ કક્ષાએ પહોંચી જાય , એ અપમાન પણ હું તો એમ માનીને ગળી જાઉં છું કે કોઈ પોતાની ઓછપ ઉઘાડી પડે, એમાં આપણને શા માટે ઓછું આવવું જોઈએ?(આ તો ચશ્મા પહેરનાર બાળકને કોઈ દાદો ‘બાડો’ કહે એવું બુલીઇઝમ થયું.  વિકલાંગ લોકોની ઠેકડી ઉડાડીને ફિલ્મી હાસ્ય નીપજાવનારા સમાજમાં ટીકા ય ક્રિએટીવ ક્યાંથી હોય? માટે મુઠ્ઠીભર ચોરટાઓને કડક કોટવાળ જ એટલો ખૂંચે કે એ પોતાની એબ ઢાંકવા કોટવાલને જ ચોર ઠેરવી દેવા ઝાંવા નાખતા હોય- એ તો દુનિયાનો વરવો ચહેરો છે. આ જલનના જ્વાળામુખી સામે મારી પાસે એક જ હિમકવચ છે : વાચકો-દોસ્તોનો પ્યાર અને જેવી નાની શી અધકચરી તો યે  ગમતી જીંદગી જીવવાનો ખુમાર.

ચાલો, આ બહાને સદગત  સ્ટીવ જોબ્સ સાથે થોડા વધુ કલાકો વિતાવવા મળ્યાં! મારી ભૂલ જ્યાં દેખાય ત્યાં નિસંકોચ કહેતા રહેજો. હું ય બીજાને દેખાડું છું. અને એમનેએનો જ અપચો છે.  મેં કહ્યું એમ ભૂલ દેખાડવામાં કેટલાક લોકોને રસ સત્યના સંશોધનમાં નથી. એ ભાગ્યે જ પોતાની ભૂલો જાહેરમાં કબુલતા હોય છે. પોતાનાથી જુદો મત ધરવનાર કે ભૂલ બતાવનારને અન્ફ્રેન્ડ કરી નાખતા / કોમેન્ટ ડીલીટ કરી નાખતા/ખામોશ થઇ જતા ચંદ વહેતીયાઓને પેટબળતરા કઈ બાબતની છે એ ય જાણું છું. એક મિત્ર કહે છે તેમ ઘણા એવા મનોરોગથી પીડાય છે કે રોજ પોતે શું કર્યું એ પડતું મુકીને જય વસાવડાએ શું કર્યું એની જ ખણખોદ ઓટે વાળીને બજર સૂંઘતી ડોશીઓની જેમ કર્યા કરે. હોય એ તો. ટોચ પર બેઠેલા પર સહુની નજર રહે -વૈજ્ઞાનિક સત્ય છે. પણ મારી વધુ ધાર નીકળશે. આ ય મહેનત કરી આટલું લખ્યું ના હોત તો કોઈ મને પૂછવા નથી આવ્યું. જંગલમેં મોર નાચા કિસને દેખા જેવી ઉપેક્ષા કરી શક્યો હોત. ( હજુ બ્લોગ પર મુક્યો નથી પણ પ્રિય મિત્ર અને સાઈબરતજજ્ઞ અલ્પેશ ભાલાળાએ મારાં હમણાંના સ્ટીવ જોબ્સ પરના બીજા  લેખમાં ધ્યાન ખેંચેલું તેમ અમેરિકામાં એપલ સ્ટોરમાં એપલ સિવાયની પ્રોડક્ટ પણ મળે છે. આ ઉમેરણ એ લેખ જયારે મુકીશ ત્યારે કરી દઈશ.) મેં કદી આઈ.ટી. ના એક્સપર્ટ હોવાનો દાવો નથી કર્યો. પણ સાયન્સ, માર્કેટિંગ અને ખાસ તો માણસ મારાં રસ નો વિષય છે એટલે આ બધા સબ્જેક્ટસમાં મને રસ પડે છે. મારું તો અગાઉ કહ્યું એમ સતત પરિમાર્જન આજીવન ચાલુ જ રહેશે. અને એમાં જેન્યુઈન જ્ઞાનીઓનો સત-સંગ પણ મળતો રહે અને પ.પુ.ડા.ઓની કાગારોળ ટળતી રહે. બાકી સ્ટીવ જોબ્સે આપણને એજ શીખવાડ્યું છે ને..પોતાના તરફ ઝેરથી  ફેંકાયેલા પથ્થરોની સીડી બનાવી બુદ્ધિના જોરે  બુલંદી પર પહોંચવાનું !  😉

last updated on october 30 . 8.57pm

 
 

નેતાઓં કી ડગર પે, ચમચોં દિખાઓ ચલ કે… યહ દેશ હૈ તુમ્હારા, ખા જાઓ ઈસકો તલ કે!

હિન્દીના પ્રસિદ્ધ વ્યંગલેખક શરદ જોશીની મસ્ત ‘અણુ’ કથા છેઃ સુદામાની બગલમાં ચોખાની પોટલી જોઈને કૃષ્ણે એ ઝૂંટવી લીધી. ખોલીને જોયા પછી દાંત કચકચાવીને કહ્યું ‘‘ચોખાની હેરાફેરીના કેસમાં ફિટ કરાવી દઈશ, બેટમજી!’’

સુદામાએ હાથ જોડયા.

કૃષ્ણ પોટલીનો પાછો ઘા કરતા કહ્યું ‘‘જવા દે યાર! પાર્ટીનો જૂનો કાર્યકર છો, એટલે તારો ગુનો માફ!’’

* * *

આઘુનિક રાજકારણનો આ કાલ્પનિક કટાક્ષ હસી કાઢવા જેવો લાગતો હોય, તો વર્ષો પહેલા (ગુજરાતના કમનસીબે) બંધ થઈ ગયેલા મેગેઝીન ‘ફ્‌લેશ’માં રજુ થયેલી એક સત્યકથા વાંચો. અડધી સદી અગાઉની વાત કરતી કથા આજના તહલકાબ્રાન્ડ રાજકારણમાં એકદમ ‘કરન્ટ એન્ડ હોટ’ છે. આઝાદી પછીના ભારતીય રાજકારણમાં લાંચ લેવા માટે ભાગ્યે જ કોઈ ટોચના નેતાને રીતસર દાખલો બેસાડતી સજા થઈ છે. મોટે ભાગે કાં તો પ્રતીકાત્મક સજા અપાય છે, અથવા કાયદાની છટકબારીથી સજા જાહેર થઈ ગયા પછી પણ ‘ઓટોગોટો’ વાળી દેવાય છે.

જ્યાં કોઈપણ નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવો, ત્યારે સજા તો દૂરની વાત છે- એ ભ્રષ્ટાચાર શોધનારને જ જૂઠ્ઠો ઠેરવવાનો ગ્રુપ ડાન્સ ચાલુ થઈ જાય… ત્યાં એક હેવીવેઈટ નેતાને રિશ્વતખોરીના જડબેસલાક છટકામાં સપડાવી દેનાર એક ગુજરાતી ભાયડાની સત્યકથા પણ પરીકથા જેવી ન લાગે? અને કથા પણ સનસનાટીભર્યા થ્રીલરથી કમ નથી!

આજે મઘ્યપ્રદેશ તરીકે ઓળખાતુ રાજ્ય આઝાદી વખતે ‘વિંધ્ય’ના નામથી ઓળખાતું. રેવા, પન્ના વગેરે સ્થાનિક પ્રદેશોનો એમાં સમાવેશ થયો. કેપ્ટન અવધેશપ્રતાપસિંહના મુખ્યપ્રધાનપણા નીચે રખાયેલા મંત્રીમંડળમાં ઉદ્યોગમંત્રી બન્યા શિવબહાદુરસિંહ.

‘રાવસાહેબ ઓફ ચુરહટ’ના નામથી ઓળખાતા ચુરહટ રિયાસતના જમીનદાર શિવબહાદુરસિંહ દોલતમંદ હતા. પણ દાનત ખોરા ટોપરા જેવી હતી. ખટપટિયા અને તકવાદી શિવબહાદુરસિંહનો પુત્ર પણ મોટો થઈને બાપને ભૂલાવે એવો નીકળવાનો હતો. એટલું જ નહિ, પાછળથી એ જ રાજ્ય (મઘ્યપ્રદેશ)નો મુખ્યમંત્રી પણ બનવાનો હતો. એનું નામ અર્જુનસિંહ!

અમદાવાદની આજની પેઢી જેમની પ્રતિમા અને પ્રતિષ્ઠા બંને ભૂલી ગઈ હોય એવું એક પોતાના દેખાવ જેવું વજનદાર નામ હતું:  ‘સર ચિનુભાઈ માધવલાલ બેરોનેટ.’ મક્કમ મન અને મજબૂત બાંધાના આ ઉદ્યોગરત્ને ગુજરાતને આજેય ગૌરવ લેવાનું મન થાય એવી સફળતા મેળવી હતી. એમાં વઘુ એક યશકલગીનો ઉમેરો થવાનો હતો.

વાત એમ હતી કે ચીનુભાઈએ ૧૯૩૬માં વિન્ઘ્યમાં (એટલે કે આજના મઘ્યપ્રદેશમાં) આવેલા પન્ના રાજ્યના રાજપરિવાર પાસેથી હીરાની ખાણોનો ઠેકો લીધો હતો. મુંબઈની એક કંપનીના મેનેજીંગ એજન્ટ તરીકે ચીનુભાઈ બેરોનેટ લીઝ દ્વારા એ માટેની રોયલ્ટી પણ ચૂકવતા. ૧૯૪૪માં એક લીઝ વઘુ ૮ વર્ષ માટે લંબાવાયું. પણ એ રજવાડું વિન્ઘ્યમાં ભળી જતા હવે હીરાની ખાણો પર રાજકુટુંબને બદલે રાજ્ય સરકારની માલિકી થઈ. ઉદ્યોગમંત્રી બનેલા શિવબહાદુરસિંહે પોતાના વિશ્વાસુ ‘પી.એ.’ મોહનલાલને ઉદ્યોગ સચિવ તરીકે નીમ્યા. આ બધી ધમાલમાં ખાણનું કામ ઠપ્પ થયું.

ચીનુભાઈએ પોતાના પન્નાલાલ નામના સ્થાનિક કર્મચારીને ખાણનું કામ સરકારની મંજૂરીથી ફરી શરૂ કરાવવા માટેની જવાબદારી સોંપી. પત્રવ્યવહાર થયો. પણ સરકારો પત્રથી નહિ, પત્ર પર મુકાયેલા ‘વજન’થી જાગતી હોય છે. છતાં ગાંધીજીની અસર સાવ નાબુદ નહોતી થઈ એવો એ જમાનો હતો. ૯ ફેબુ્રઆરી, ૧૯૪૯માં ઉદ્યોગપ્રધાન શિવબહાદુરસિંહનો ચીનુભાઈ પર જવાબ આવ્યો. જેમાં પૂછાયું કે કામ બંધ કરી દેવા માટે રાજપરિવારને ચૂકવવો પડે તે દંડ શા માટે ન વસૂલવો?

હવે ખુદ રાજકુટુંબે જ આઝાદી અને સત્તાપલટા માટે કામ બંધ કરાવ્યું હોય, ત્યાં દંડની વાત કેવી? પણ મુદ્દો ‘જુર્માના’ કરતા ‘કટકી’ કરવાના જુર્મનો હતો. બેરોનેટે રેવા ખાતે માર્ચ, ૧૯૪૯માં રૂબરૂ મળીને સ્પષ્ટતા કરવાનું નક્કી કર્યું. પણ પછી માંદગીને લીધે એમના કાબેલ પર્સનલ સેક્રેટરી નગીનદાસ મહેતાને મોકલ્યા. નગીનદાસની મુલાકાત મંત્રી શિવબહાદુરસિંહ અને સચિવ મોહનલાલ સાથે થઈ, ત્યારે બંધ પડેલી ખાણમાં કામ ફરી શરૂ કરાવવાની મંજૂરી સાટે શિવબહાદૂરસિંહે નફ્‌ફટાઈથી ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી! એ જમાના પ્રમાણે આ રકમ તોતિંગ ગણાય! નગીનદાસ ના પાડીને ઉભા થયા, એટલે લાલચુ ઉદ્યોગપ્રધાને ભાવતાલ શરૂ કર્યા અને છેલ્લો ‘તોડ’ ૨૫,૦૦૦નો કહ્યો!

નગીનદાસે પરત આવી ચીનુભાઈને વાત કરતાં એ સિદ્ધાંતવાદી ખાનદાન નબીરા હચમચી ઉઠયા. એક તો સરકાર ખાણનું કામ બંધ કરાવે એ જ ગેરકાનૂની, ઉપરથી વળી એ શરૂ કરવા માટે રિશ્વત?! સખત માટીમાંથી બનેલા બેરોનેટે મંત્રીશ્વરને પાઠ ભણાવવાની ગાંઠ મારી. એમની સૂચનાથી નગીનદાસે ઉદ્યોગસચિવને સંમતિસૂચક ટેલિગ્રામ કર્યો. જવાબમાં ફરી મુલાકાતનું કહેણ આવ્યું, પણ એ દરમ્યાન રાજકીય ઉથલપાથલને લીધે ગૃહમંત્રી સરદાર પટેલે રાતોરાત આખી વિન્ઘ્ય પ્રદેશની કેબિનેટને દિલ્હી તેડાવી. શિવબહાદુરના પાપી પેટમાં તેલ રેડાયું. પેલા સ્થાનિક પ્રતિનિધિ પન્નાલાલને એમણે જાતે ભાડું આપી, બેરોનેટ પાસે રવાના કર્યા. દિલ્હીનું કન્સ્ટિયુશન હાઉસ (જે આજે કસ્તૂરબા માર્ગ પર છે)માં ૯, એપ્રિલ ૧૯૪૯ના રોજ રૂબરૂ ૨૫,૦૦૦ લઈને મળવાનો સંદેશો આપ્યો. આટલાથી એમના ઉચાપતિયા જીવનો ઉત્પાત ન શમતા એમણે પાછો ટેલિગ્રામ પણ કરીને પોતાની જ વિરૂદ્ધ એક પુરાવો પણ ઉભો કર્યો!

બેરોનેટે પુરી વ્યૂહરચના સાથે નગીનદાસ અને પન્નાલાલને દિલ્હી રવાના કર્યા. ત્યાં આડીઅવળી વાતમાં બે’ક દિવસ ખેંચી કાઢવામાં આવ્યા. દરમ્યાન આજે ‘સી.બી.આઇ.’ના નામે ઓળખાતા, અને અંગ્રેજોએ સ્થાપના વખતે જેને ‘સ્પેશ્યલ પુલિસ એસ્ટાબ્લિશમેન્ટ’ કહેલું- એ ‘એસ.પી.ઇ.’નો સંપર્ક થયો. ૧૦મી એપ્રિલે તેના સુપ્રિન્ટેન્ડન્ટ ધનરાજે ‘ટ્રેપ’ (છટકું)ની જાળ બિછાવી. નગીનદાસે રવિવારે શિવ બહાદુરસંિહ સાથે વાત કરી બીજા દિવસે સોમવારે બપોરે મળવાનું નક્કી કર્યું. એ જ વખતે ખાણકામનો મંજૂરીપત્ર મેળવવાની બાંહેધરી મેળવી. બેરોનેટે તો પ્રધાનને સપડાવવા માટે પણ લક્ષ્મી આપવાની ના પાડી હતી. માટે એસ.પી.ઇ. ધનરાજે ૫૦નું એક અને ૧૦૦ના બે બંડલ સરકારી પૈસા લીધા. નોટોના નંબર જીલ્લા મેજીસ્ટ્રેટ શાંતિલાલ આહુજાને લખાવી, સહીસિક્કા કરાવ્યા.

શિવબહાદૂરસિંહને ૧૧ એપ્રિલે પૈસા મળતાં જ હરખાઇને ત્યાંને ત્યાં મંજુરીપત્ર લખ્યો. નાણાં મળ્યાથી ‘ઉદારતાના’ (?) ભારમાં લચી પડીને ૧ એપ્રિલની તેમાં તારીખ નાખી. એમની વિરૂદ્ધ વઘુ એક પુરાવો. તપાસ થાય તો સરકારી ફાઇલોમાં તેની નકલ કે જવાબદારોની સહી જ ન મળે!

નગીનદાસે બહાર નીકળી પન્નાલાલને બોલાવવા બૂમ પાડી. એ ખરેખર સિગ્નલ હતો. છૂપા વેશમાં ત્યાં જ ટહેલતા એસ.પી.ઇ. દ્વારા દરોડો પાડયો. ટેબલના ખાનામાંથી નોટોનું બંડલ મળ્યું ત્યારે અગાઉ રોફ ઝાડતા શિવબહાદુરસંિહે રડમસ ચહેરે મોટરની ખરીદી અને દીકરીના દાગીના માટે એ રકમ હોવાનો લૂલો બચાવ કર્યો. પંચનામું થયું. ધરપકડ થઇ. અન્ય સાથી મંત્રીઓએ જામીન પર છોડાવ્યા.

પછી તો રાજકીય કારણોસર વિન્ઘ્યપ્રદેશ કેબિનેટ બરતરફ થઇ. એ વખતે ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ’ ન હોઇને કલમ ૧૬૧ હેઠળ રેવાની અદાલતમાં કેસ ચાલ્યો. જેમાં ગુનો સાબિત થયે પણ માત્ર ૩ વર્ષની કેદની થતી. સવા વર્ષની સુનાવણી પછી ‘રાવસાહેબ ઓફ ચુરહટ’ એમના ‘કોન્ટેકટસ’ના પ્રતાપે બેકસૂર ઠર્યા પણ સરકારી વહીવટદારે ઉપલી અદાલતમાં અપીલ કરી. ૧૯૫૧ની ૧૦મી માર્ચે જજમેન્ટ આવ્યું : કન્વિટકેટડ. કસૂરવાર! અને ૩ વર્ષની સજા!

શિવબહાદુરસિંહે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી જામીન મેળવ્યા. ૧૯૫૨માં વિધાનસભાની ચૂંટણી હતી. રાવસાહેબે કોંગ્રેસની ટિકિટ પણ પ્રાપ્ત કરી લીધી. પણ પછી એક એવો કિસ્સો બન્યો, જેનું પુનરાવર્તન આજદિન સુધી અસંભવ રહ્યું છે!

તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહરૂએ ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે પ્રવાસો કર્યા. રેવાની મુલાકાતે ભાષણ આપવા ગયા. મંચ પર જ એમને જાણકારી મળી કે પોતાના પક્ષના ઉમેદવાર શિવબહાદુરસિંહને તો લાંચ માટે સજા જાહેર થઇ છે. નહેરૂ ફરી ઉભા થયા. અને માઇક લઇ કહ્યું,‘શિવબહાદુર કો વોટ મત દેના, ઉનકો ધોખે સે ટિકટ મિલા હૈ!’

ઉમેદવારી પાછી ખેંચવાનો સમય વીતી ગયો હોઇને નહેરૂએ સીધી મતદારોને જ વિનંતી કરીને શિવબહાદુરસિંહને હરાવ્યા. સુપ્રિમ કોર્ટે એમને જેલ ભેગા કર્યા. ગુનો આચર્યાના ૫ વર્ષે સર્વોચ્ચ અદાલતે પણ એમને મુઝરિમ ઠેરવીને સજા ચાલુ રાખી. આઘાતમાં શિવબહાદુરસિંહનું જેલમાં જ મોત થયું. પુત્ર અર્જુનસિંહે બાદમાં તગડી દોલત ઉસેડી, પણ કદી પિતાની જેમ પકડાયા નહીં !

***

વાર્તાને અંતે સાર ગ્રહણ કરવો એવું આપણી આઉટડેટેડ એજયુકેશન સીસ્ટમ આપણને ઠસાવે છે. એ માટે ઘણીવાર પાઠય પુસ્તકોમાં કહાની પુરી થયા પછી મહત્વના મુદ્દાઓનું ‘હોમવર્ક’ અપાય છે. ઝાઝી પિષ્ટપિંજણ વિના આ રહ્યું ભ્રષ્ટાચાર પ્રત્યે ઉદાસીન વાચક બિરાદરો માટેનું ‘લેસન!’

(૧) ગરદન ટટ્ટાર રાખીને વેપાર કરનારા ચીનુભાઇ બેરોનેટને બદલે પત્રકારો, નેતાઓ અને અધિકારીઓની મુઠ્ઠીમાં ગરમાગરમ નોટોના થોકડાં ભરી, ‘સેટિંગ’ના શસ્ત્રથી દુનિયા જીતવાવાળા ઉદ્યોગપતિઓ કેમ ગુજરાત- ભારતમાં છવાઇ ગયા?

(૨) પોતાના પ્રધાન મંડળના એક મંત્રી દિલિપસિંહ જૂદેવ પર સરેઆમ નોટો લેવાના વિઝયુઅલ્સ બતાવાય, ત્યારે વડાપ્રધાનની પહેલી ફરજ પક્ષ પ્રત્યે હોય કે નીતિ પ્રત્યે? સત્તા માટે સત્ય પર ચપ્પટ બેસી જનાર ‘વિક’ (ના, નબળા માટેનો અંગ્રેજી શબ્દ નહીં, આ તો ‘કવિ’નું ઉલ્ટું છે!) વાજપેયીજી ઘટનાની જાણ થાય તો તપાસનો આદેશ આપે, હોટલ રૂમમાં છાપો પડાવી પુરાવા એકઠા કરાવે, આરોપ મુકનાર પત્રકારોને મળી કડકડતી નોટોની લેવડદેવડની માહિતી મેળવે, જુદેવનો ખુલાસો પુછી કયા સોદાની વાત ચાલે છે તેની જાતતપાસ કરે…. એને બદલે ૧૨ કલાકમાં જુદેવની નિર્દોષતાના ગાણા ગાનારા વડાપ્રધાન જાતે જ ન્યાયમૂર્તિ થઇ ગયા? (ત્યારે ભાજપી વાજપેયી તો આજે કોંગ્રેસી મનમોહન…પ્રજા તો ઉલમાંથી ચૂલમાં જ ને ?!)

(૩) ઢીલીપોચી વિદેશનીતિ અને બેવકૂફીભરી અર્થનીતિને લીધે નહેરૂએ વાજબી રીતે પછીની પેઢીના ખૂબ ડફણા ખાધા છે. પણ નહેરૂ વિરોધની આંધળી ફેશનમાં એક વિદ્વાન (સ્કોલર), પ્રભાવશાળી અને મૂલ્યનિષ્ઠ એવા એ રાજપુરૂષના કેટલાક ઉજળા પાસાને અન્યાય નથી થતો? ભિન્ન મતને આદર આપવાની ખેલદિલી વિના આઝાદ ભારતના અભિવ્યક્તિસ્વાતંત્ર્યના મૂળિયા ઉઝર્યા હોય ખરા? ( જરાક વિચારજો, નેહરુએ શિવબહાદુરસિંહ કોંગ્રેસી ઉમેદવાર છતાં એમનો જાહેર બહિષ્કાર તો કર્યો હતો…એમના કૌટુંબિક દોહિત્રવધૂ અને વંશજ એવા સોનિયા-રાહુલનો વર્તમાન અભિગમ જોઈ એમને કેવો આઘાત લાગ્યો હોત? એમનો શું પ્રત્યાઘાત હોત?)

(૪) જે કામ સી.બી.આઇ.એ કરવું જોઇએ, એ કામ આ દેશમાં આજે મિડિયા કરી રહ્યું છે! કોંગ્રેસ હોય કે ભાજપ, હરહંમેશ કેન્દ્ર સરકારના રિમોટ કન્ટ્રોલથી ચાલતી આવી તપાસનીશ એજન્સીઓ કયારેય સ્વતંત્ર નહીં થાય? કે પછી ‘ચોરને કહે ખાતર પાડજે, ને ઘરધણીને કહે જાગતો રહેજે’ના પોલિટિકસની ટ્રિકબાજીનું એ વાહન બની રહેશે?

(૫) તહેલકા હોય કે જુદેવકાંડ, દરેક વખતે ‘ટેકનોલોજીના ઉપયોગથી મને ફસાવવા’ની જયોર્જ ફર્નાન્ડીસછાપ કેસેટ જ રિવાઇન્ડ થયા કરશે? ભલા ફસાવવી જ હોય તો કોઇ મદહોશ હસીનાને ફસાવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ હોય તો તેલગી જેવું કોઇ તરકટ કરે… હિન્દી ફિલ્મના વિલન રણજીતના જોડિયા ભાઇ જેવા જુદેવ એન્ડ નેતા કંપનીને ફસાવવામાં સમય, પૈસા અને ટેકનોલોજી બરબાદ કરનાર બદમાશ હોય, તેથી ગુન્હાની ગંભીરતા ઓછી ગણાય? (આ જ વાત અમરસિંહ, કનીમોળી, હસન અલી, કલમાડી, નીરા રાડીયા ઇત્યાદિ ઓ પક્ડાયા પછી પોકળ બહાના બતાવનારાઓને પણ લાગુ પડે છે)

(૬) પોતે ભ્રષ્ટાચાર કરે, અને પછી પકડાય તો એની જાહેર કબુલાત પણ ન થાય? આવી નિખાલસ કબૂલાત કરનાર કિલન્ટનને ‘ચારિત્ર્યહીન’ કહેવા કે ચારિત્ર્યવાન? અને આવું કબૂલ ન કરનારા બ્રહ્મચારી (કે સાત્વિક, શાંત, શિક્ષિત) વડાપ્રધાનો સાથે ‘ચારિત્ર્ય’ શબ્દ જોડી શકાય?

(૭) આજનો યુગ જ પાપી પશ્ચિમી સંસ્કૃતિ અને ટી.વી.ને લીધે કળિયુગ છે, એ મિથ્યા માન્યતામાંથી છૂટકારો કયારે મળશે? ગાંધીજીની હયાતીમાં પણ ભ્રષ્ટાચાર થઇ શકતો હતો, થતો હતો. કોઇપણ ધાર્મિક આદમી ભ્રષ્ટાચારી હોઇ શકે! વાંક મૂળ ભારતીય માનસનો છે, એ સમજયા વિના ફોરેન ટેકનોલોજીને વખોડવાનો શુદ્ધ સ્વદેશી દંભ કયારે બંધ થશે? ભ્રષ્ટ હોય, છતાં આપણી જ્ઞાતિનો નેતા હોય એટલે પવિત્ર?

(૮) ભ્રષ્ટાચાર જગતભરમાં છે. પણ એમ તો મૃત્યુ પણ અનિવાર્ય છે. એટલે શું જન્મતાવેંત મરી જવાનું? જીવવા માટે સંઘર્ષ કરવો પડે એમ ભ્રષ્ટાચાર સામે પણ લડવું પડે. એકલો માણસ ફિલ્મ સિવાય બીજે કયાંય લડી શકે નહીં (જસ્ટ વોચ રિયાલિસ્ટિક મુવી ‘ધૂપ!’) સમૂહમાં ભકિત સિવાય બીજું કશું ય કરવાની હિન્દુસ્તાનને આદત નથી! જગતભરમાં ભ્રષ્ટાચાર માટે તરત સજા થાય છે. આપણે ત્યાં તાજમહાલથી તેલગી અને કેતન પારેખથી કેટની પરીક્ષા લગીના કૌભાંડોની કેવળ કાગારોળ થાય છે. દેખાવ પૂરતી ધરપકડો થાય છે. ખરેખર સજા કેટલાને થઇ? મેચ ફિક્સીંગ કૌભાંડના કેટલા બુકીને જન્મટીપ થઈ? એમાંય કઇ સેલિબ્રિટીને આકરી સજા થઇ? માઇકલ જેક્સન જેટલા જ લોકપ્રિય સ્થાનિક ચમરબંધીના ચમચાને પણ અહીં  ‘ઉપર’ની રહેમનજર વિના, માઇકલને પકડયો તેમ પકડી શકાય? અને ‘આપણે જે કંઇ કરીએ એ વ્યવહાર, બાકી બધે ચાલે એ ભ્રષ્ટાચાર’વાળી મનોવૃત્તિ જ ભ્રષ્ટ બનવાનો દરવાજો ખોલે છેને? ભ્રષ્ટાચાર કરી લેવો, પણ થવા ન દેવો- એવા અભિગમને લીધે જ ભારતની ભ્રષ્ટ પ્રજા માથે ભ્રષ્ટશિરોમણિ નેતાઓ ઝીંકાયા નથી?

વિચારજો. આ સવાલોના જવાબો મેળવવામાં કોપી થઇ શકશે નહીં!

ફાસ્ટ ફોરવર્ડ

ભારતમાં જયારે કોઇ સરકારી અધિકારી કે નેતા, તમારી રજૂઆતના જવાબમાં એમ કહે કે ‘હું વિચારીને જવાબ આપીશ’ ત્યારે સમજી લેવું કે, એણે વિચાર પણ કરી લીધો… અને જવાબ પણ આપી દીધો! અને એ જવાબ ‘ના’ છે!! (પરેશ રાજગોર)

=====

રીડરબિરાદર, આ ફિક્શન લાગે તેવી ફેક્ટ સ્ટોરી  ટાંકેલો  આ લેખ ૨૦૦૩માં (૩૦ નવેમ્બર) મેં મારી ‘ગુજરાત સમાચાર’ની  રવિવારીય  કટાર સ્પેકટ્રોમીટરમાં લખ્યો હતો. આજથી પુરા ૮ વર્ષ પહેલા! ત્યારે તેહલકાએ કરેલાં  ઇન્વેસ્ટીગેશનમાં જ્યોર્જ અને પછીના જુદેવ-તેલગી જેવા કૌભાંડો બહાર આવેલા. અહીં છેલ્લે મારી કોમેન્ટ્સરૂપે આપેલા સવાલો પાછળ ઇટાલિક ફોન્ટ્સમાં ઉમેરેલા કૌંસ સિવાય એમાં કશું એડિટિંગ કર્યું નથી. જેમનો તેમ છે. ( રાજકારણ અને ભ્રષ્ટાચાર પર મારો પ્રથમ લેખ છેક ૨ નવેમ્બર, ૧૯૯૬ના રોજ લખેલો! સત્તાતુરાણામ્ ન ભયં, ન લજ્જા શીર્ષક તળે જે મારા પુસ્તક ‘ઓહ હિન્દુસ્તાન, આહ હિન્દુસ્તાન’માં છે.) આ લેખ તો અન્નાના અનશન સામે બતાવેલી નેતાઓની નકટાઈ સામે આજે ય પ્રસ્તુત છે જ, ને આવું ચાલ્યું હજુ ય રહેશે! (જે લેખક તરીકે ભલે ગૌરવની વાત હોય, નાગરિક તરીકે તો દુખની જ છે! અર્જુનસિંહ હયાત નથી અને શિવબહાદુરનો પ્રપૌત્ર અરુણોદયસિંહ તો નેતાઓનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડતી ‘યે સાલી જીન્દગી’ જેવી ફિલ્મમાં અભિનેતા થઇ ગયો! પણ બીજા કોઈને હજુ યે સજા થાય છે ખરી?) પણ લેખમાં ઉઠાવાયેલા મુદ્દા અને બયાન થયેલી જુના સંદર્ભો આધારિત સ્ટોરી ઉપરાંત કેટલીક વાતો પણ દેખીતી છે. આ લેખ ત્યારે લખાયેલો જયારે ફેસબુક, ટ્વીટર, ઓરકુટનું અસ્તિત્વ જ નહોતું. એમના સર્જકોના દિમાગમાં પણ નહિ! એટલે વ્યક્તિગત કિન્નાખોરીથી કેટલાક દ્વેષીલાઓ કોઈ સોશ્યલ નેટવર્કિંગ પર પોતાની લાગણી ઠાલવે એને નમાલો આક્રોશ કહીને ઉતારી પડે ત્યારે રમૂજ થાય છે.

એમના માટે આ બધું નવું હશે, મારા માટે નહિ. જનલોકપાલની ચાલતી ગાડીએ ટીકા પૂરતા પણ કોઈ અભ્યાસ વિના એ ચડી બેઠા હશે, બાકી આ લેખમાં જ સ્વતંત્ર અને સક્ષમ તપાસ એજન્સી હોય એવું સપનું (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંસ્થાની સ્થાપના પહેલા જ જોવાયું છે) કારણ કે કોઈ નેતા-અધિકારીને ત્વરિત સજા ના થાય ત્યાં સુધી એની ધાક બેસે નહિ. પ્રજાના ‘ચાલતા હૈ’ એટીટ્યુડને આ લેખમાં પણ બક્ષવામાં નથી આવેલો અને એના પર તો મેં અઢળક લખ્યું છે. બોલ્યો છું. પણ આ વખતે કોઈ ધર્મ કે સ્વાર્થ વિના દેશના ભવિષ્ય માટે ખાસ્સા બહોળા ને ખાસ તો યુવાવર્ગમાં જે જનજાગૃતિ જોવા મળી, એ નવી ચેતનાનો ઝબકાર છે- અને એને પોંખું છું. લોકો એક બની સાચો, પ્રગતિશીલ, આધુનિક અવાજ ઉઠાવતા થાય એ લોકશાહીની સાચી ગરિમા છે. જનતાને બદલે નેતાને જવાબદાર સંસદીય નિયમાવલીઓ અને બંધારણની કાનૂની ચર્ચાઓ નહિ. (એમાં જ તો આ દેશમાં અનિવાર્ય ના હોય ત્યાં સુધી કોઈ નિર્ણયો લેવાતા નથી!)

છેલ્લી વાત, આજે એમના પાપે હું આઝાદ ભારતના ઈતિહાસની સૌથી વધૂ ભ્રષ્ટ અને નફ્ફટ કોંગ્રેસ સરકારને અરીસો બતાવું છું, ત્યારે કેટલાક વાંક-અદેખાઓના પેટમાં ચૂંક ઉપડે છે. ભગવાપ્રેમીનું હાથવગું સ્ટીકર કેવળ પૂર્વગ્રહથી લગાડી દેવા એ થનગનતા રહે છે. પણ આજથી ઓછા ગંભીર ભ્રષ્ટાચારના સમયે આ લેખમાં નામજોગ ભાજપના વડાપ્રધાન અને સરકારને ખંખેરવામાં ય મેં કોઈની સાડીબારી રાખી નહોતી. એનો આ રોકડો પુરાવો છે. મતલબ, પવન પ્રમાણે વિચારો ફેરવ્યા કરવાની મારી કોઈ ફેશન નથી. લોકોને ગમે કે ના ગમે- મારા સ્પષ્ટ સ્ટેન્ડમાં એક કન્ઝીસસ્ટન્સી હોય છે.આ કોઈ ઇન્સ્ટન્ટ પોપ્યુલર ગિમિકનો ઉભરો  નથી, પણ કેટલાક અંદરથી લોકપ્રિયતા માટે તડપતા લોકો ને એનું જ ઝેર ડોકાયા કરતુ હોય છે.

બાકી, મને જેનું પરફોર્મન્સ સારું લાગે તો વખાણું (જેમ કે વાજપેયીની સુવર્ણ ચતુર્ભુજ યોજના, કોંગ્રેસના સવાસો વર્ષ) ને નબળું લાગે તો વખોડું (જેમ કે આ લેખ, વર્તમાન કૌભાંડો અને એના પ્રત્યે કોંગ્રેસનો નિર્લજ્જ અભિગમ)! મારી પ્રતિબદ્ધતા મારા અભ્યાસ, આનંદ, વિચારો અને વાચકો પ્રત્યે છે. રાજકીય પક્ષો પ્રત્યે નહિ! અન્નાના મામલે ફરી વાર સાબિત થયું છે કે ભ્રષ્ટાચારના મામલે બધા સરખા જ નિર્વસ્ત્ર છે. એમને તો શરમ નથી આવતી, આપણને આવે છે- આવા લાજ વગરના લુંટારાઓને શાસક કહેતા !

આ લેખ વાંચ્યા પછી, જનલોક્પાલ જેવી સ્વાયત્ત અને સક્ષમ સંસ્થાની આશા અંગે કેમ હું વર્ષોથી મક્કમ છું, એની અનિવાર્યતા સમજાવી જોઈએ. લોકશાહી અને બંધારણને જે બાનમાં લઈને બેઠા છે, એ નેતાઓને બદલે એને છોડાવવા નીકળનારા  અહિંસક સરફરોશને આ બધા ઉલટા ચોર કોતવાલ કો  ડાટે ની જેમ કહે છે કે તમે આપખુદી કરો છો! બોલો લ્યો! આ મામલે જે લોકો માંડ એક બનવાનું શીખે છે, ત્યાં આ સ્વદેશી ગુલામી સામે અવાજ ઉઠાવતી પ્રજાનું ખમીર તોડતી ઠેક્ડીઓ ઉડાડે છે, એ જાણ્યા-સમજ્યા વિના જ દેશને લાંબા ગાળાનું નુકસાન પહોચાડી રહ્યા છે , અને રાજકારણીઓને પરોક્ષ ફાયદો એવું મારું મંતવ્ય તો છે જ, પણ આધારભૂત સત્ય પણ છે. કોઈને એ સ્વીકારવું જ ના હોય તો ભોગ એમના નહિ, આપણા ભારતના..બીજું શું?

 
24 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 25, 2011 in gujarat, history, india

 

કાશ કૃષ્ણ કળિયુગમાં……

સારું થયું,  કૃષ્ણ વહેલા પેદા થયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા. બદમાશ – બેવકૂફ બૌદ્ધિકોના યુગમાં પેદા થયા હોત તો? દુર્યોધન સમાધાન ના કરવા જીદ પકડે, તો ય મંત્રણા નિષ્ફળ જવા માટે કૃષ્ણ જવાબદાર ઠેરવાઈ જાત ! ભગવદગીતા આખી વાંચ્યા વિના જ યુદ્ધ કરવાની ઉશ્કેરણી ફેલાવવા બદલ એમને જ્યુડીશીયલ કસ્ટડીમાં રખાત ! શિશુપાલે આપેલી ગાળો / રુક્મિણી મેળવવાની તેની લાલસા ભૂલીને એની સામે સુદર્શન ચક્ર ચલાવનાર કૃષ્ણ કેટલા જોખમી આપખુદ કહેવાય એના પર બ્લોગ્સ લખત ને ઓનલાઈન ડીસ્કશન થાત!

શાસક ઇન્દ્રની જોહુકમી સામે ગોવર્ધન પર્વત ઊંચકી સાત દિવસ સુધી ગોવાળિયાઓ ભેગા કરવા માટે એમના પર ૧૪૪મી કલમ લગાડી ‘મિડલ ક્લાસ’ને મુરખ બનવવાના એમના કાવતરાનો પર્દાફાશ થાત ! કંસ, દુર્યોધન, જરાસંધ, નરકાસુર ની ભ્રષ્ટ નાલાયકી સામે ફક્ત ચર્ચાઓ કરવાને બદલે યુક્તિપૂર્વક એમનો વધ કરવવા બદલ કૃષ્ણે રાજકીય ગરિમા અને ઉચ્ચ શકીય વહીવટી પરમ્પરાને બાનમાં લઈને કેવું નુકસાન પહોચાડ્યું છે, એની તપાસ સમિતિઓ નીમવાની ભલામણ થાત અને ત્યાં સુધી એમને શાહી શાસનપધ્ધતિની પ્રતિષ્ઠાના આત્યંતિક અપમાન બદલ અને મહાન રાજાઓ સામે વાપરેલી ધારદાર આકરી ભાષા બદલ ઝનૂની પાગલ ઠેરવી દેવાત !

દ્રૌપદીને પુરાયેલા ચીર વગર સરકારી મંજુરીએ ઉત્પાદિત કરવા બદલ એમને ભ્રષ્ટાચારી ઠેરવી દેવા પાળીતા પત્રકારોની પ્રેસકોન્ફરન્સ થાત, અને વસ્ત્રાહરણનો મહાભ્રષ્ટ આચાર ભૂલાવી દેવામાં આવત! ગોપીઓ મધરાતે સ્વેચ્છાએ રમવા જાય, એનાથી જાહેર શાંતિ જોખમાય તેમ હોઈ ને ગોપીઓ પર લાઠીચાર્જ કરી કૃષ્ણે મંજૂરી વિના વૃંદાવનમાં તમાશો કરવા બદલ તડીપાર કરી દેવાત ! બાળપણમાં અનેક અસુરોને સંહારવા બદલ નિર્દોષ અસુરોને કાયદો હાથમાં લઈને કેમ માર્યા , એ મામલે એમને એમના જન્મસ્થળ યાને જેલમાં એટલો લાંબો સમય રખાયા હોત, કે એજ એમના દેહોત્સર્ગનું પણ સ્થળ બન્યું હોત !

કાલયવનો અને શકુનિઓ એવો પ્રચાર કરત કે ગોવાળિયાઓ ભેગા ફરતા, સુદામા માટે ઉમળકાથી દોડતા, રાધા માટે પળ પળ તડપતા, બાંસુરી વગાડી નાચવા-ગાવા લાગતા, મટકીફોડ અને કાંકરીચાળો કરતા  કૃષ્ણમાં સ્થિરતા, સંતુલન, તટસ્થતા, સૌજન્યનો અભાવ છે! ‘હું જ કાળ છું, હું જ કામદેવ છું, હું જ જ્ઞાની છું, મેં અગાઉ આવું કર્યું છે’ આવા વિવેકહીન આત્યાંતિક વિધાનો કરી પોતાનું એરોગન્ટ અભિમાન બતાવે છે. અશ્વત્થામા કે કાલીય નાગ જેવા કાતિલ-કપટી-કુટિલોને કડક તોછડી ભાષામાં ઝૂડી કૃષ્ણની જબાન તો અસહ્ય જાલિમ છે, માટે એ સુધર્મ સભા સ્થાપતા અને ધર્મરાજની પડખે ઉભવા છતાં લોકહિતના વિરોધી છે.

યાદવાસ્થળી રોકવાના પ્રયત્નો છતાં, ‘લોકોએ આમ કરવું જોઈએ ને તેમ વર્તવું જોઈએ’ એવી શિખામણો આપતા હોઈને, કૃષ્ણ બાણાસુરની દીકરી પુત્રવધુ બનાવીને લઇ આવે છતાં, કાળા અધર્મી અસુરો માટે શ્યામસુંદરને પૂર્વગ્રહ જ કહેવાય. કુબ્જાને ભેટવા છતાં પાછળ રહી ગયેલા દાસ માટે એમને તિરસ્કાર છે, એવું જ મનાય! સગી બહેનને પ્રેમલગ્ન કરવા માટે ભાગવા દેનાર કૃષ્ણ તો પ્રેમના નામે પોતાની ભક્તિ કરવવા માંગે છે! મહાભારતમાં સારથી બનવું એ તો કૃષ્ણનું પબ્લિસિટી ગિમિક કહેવાય! સોનાની દ્વારકા ધરાવતા-સર્જતા હોઇને  કૃષ્ણની શોષિતો,પીડિતો, વંચિતોની ઠેકડી ઉડાવતી ઘાતક મૂડીવાદી માનસિકતા ઉઘાડેછોગ પ્રગટ થાય છે, નહિ? 😉

રાજસૂય યજ્ઞમાં એમની પૂજા થાય અને ભીષ્મ એમના વખાણ કરે, એ તો એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. મોરપીંછ ખોસીને પોતાના યુવાનોને આકર્ષવા ફેશન કરે છે. આઠ પટરાણીઓ અને સેંકડો ગોપીઓ સાથેપબ્લિક  ડેટિંગ કરી જાહેર ચારિત્ર્યને લાંછન લગાવે છે. કેવા કેવા શૃંગારિક શબ્દો અને ચેષ્ટાઓ કરી નવી પેઢીને આકર્ષવા સસ્તા નખરાં કરે છે, સામેથી દોડી આવતી માસુમ ગોપીઓ સાથે રાસલીલા કરે છે. એના માદક વર્ણનો લખવાવાળા નરસિંહો  અને જયદેવોને ને સજા કરવાને બદલે, ગળે વળગાડે છે ! આ ગોપાલ તો ગાંડો છે, ગંદો છે. એનાથી દુર રહો. એના પર તો માખણથી મણી ચોરવાનું આળ હતું, જૂની ફાઈલો તપાસો.  એ નટખટ નાદાન તો ભૂલો કરે છે, પૂછો ગાંધારીને, પૂછો ધ્રુતરાષ્ટ્રને, પૂછો શિશુપાલ-જયદ્રથ-કંસ-જરાસંધ-શામ્બ-શમ્બરના સંબંધીઓને ! યશોદાની વાત ના સાંભળતા, પૂતનાની સાક્ષી લેજો !

એ માધવની મુરલીથી ના ભરમાઈ જાવ..ઊંડો બૌદ્ધિક વિચાર કરો. ભલે એ વિશ્વરૂપ બતાવે, એને ક્યાં કશું આવડે છે? ભલે એ જ્ઞાન-કર્મયોગને આગળ મૂકી ધાર્મિક છેતરપીંડીવાળાઓની બોલતી બંધ કરી દે, આ મોહન તો ભક્તિની વાત કરનારો  છે, થોડો રેશનલ કહેવાય? એ ક્યાં ભૂતકાળની રઘુવંશ-કુરુવંશની વંશાવળીના જુના જુના નકામા દસ્તાવેજો ગોખ્યા કરે છે? એ તો સતત પોતે નવા નવા મૌલિક વિચારો સર્જ્યા કરે છે! નવી શોધખોળ અને માધ્યમોને આલિંગન આપે છે. સાત્વિક અભ્યાસ કરીને તામસીઓ સામે ચુપ બેસવાને બદલે રાજસી અવાજ ઉઠાવે છે. એ તો કામણગારો કળારસિક છે, થોડો આપણા જેવો બોરિંગ બૌદ્ધિક છે? એ તો ગલી-ખેતરમાં ઠેકડા મારે છે, થોડો કઈ ઓફીસના ખર્ચે સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનો કરે છે?  સંસ્થાઓના ખોળે બેસી આદર્શના નામે બીજાને દંશ દેવાનો આદેશ આપે છે? એ તો સિંહાસન છોડીને રમવા-ભણવા જાય છે, થોડો આપણી જેમ નવી તક, નવા એવાર્ડ માટે ફટાફટ નોકરીઓ બદલાવે છે?

હાય રે હાય..આટલી તેજસ્વીતા કેમ સહન થાય ? કૃષ્ણનો વધ ના થાય તો તેજોવધ કરો. કર્ણને કેમ ચોરીછુપીથી મળ્યા એનું સ્ટીંગ ઓપરેશન કરો. શોધો કોઈ પારધી, જેની પાસેથી તીર ચલાવી શકાય અને આવતીકાલના ઉત્તમ ભારતવર્ષના સપના જોવા અને એ માટે બોલવા-દોડવાના અપરાધ બદલ; આ હસતા-મસ્ત રહેતા-પ્રેમરસના પિચ્છધરનો પ્રભાવ, એમના માટે ઘેલી જનતાનો ભાવ ઝટ આડાઅવળા પ્રપંચ અને જૂઠી ભ્રામક ચર્ચાથી ઘટાડી શકાય..શોધો એના પગની ખુલ્લી રહી ગયેલી પાનિ, લગાવો છુપાઈને તીર…

સારું થયું ને , મનલુભાવન મોહન, નાગર નંદજીના લાલ વહેલા જન્મી ગયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા…:P હરે કૃષ્ણ..હરે કૃષ્ણ..

 
25 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 23, 2011 in fun, india, personal

 

તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ
મેળાનું નામ ના પાડો… તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ

મેળ વિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો… તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ

                                                                                           –ભાગ્યેશ જહા

મેળાનું તો ફરસી પુરી ને મોહનથાળ જેવું છે. એનો સ્વાદ જ એની ઓળખ છે. ગુણિયલ ગુર્જરપ્રદેશ તો આખો મેળાનો મુલક છે. સરકારી માહિતી ફરમાવે છેઃ ગુજરાતમાં ૧ વર્ષ (યાને ૩૬૫ દિવસ)માં કુલ ૧,૫૨૧ મેળાઓ થાય છે! હિંદુઓઓના ૧૨૯૩, મુસ્લીમોના ૧૭૫, જૈનોના ૨૧… ૧૪ લોકમેળા, ૧૨ ધંધાદારી મેળા અને ૧ પારસીઓનો મેળો! એમાંય વર્તમાન સરકારે તો ‘મેળામંત્રી’નું જુદું ખાતું રાખવું પડે એટએટલા પ્રદર્શનોની રમઝટ બોલાવી છે. એવા ‘આઘુનિક’ મેળાઓ ગણો તો કૃષિમેળો, વિજ્ઞાનમેળો, પુસ્તકમેળો, ઉદ્યોગમેળો, ગાંધીજીની જન્મજયંતીનો મેળો ને હસ્તકલા દર્શનનો મેળો… વિદેશી રોકાણકારોનો મેળો! સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ઈન્ટરનેશનલ મિડિયામાં કુંભમેળા જેવું કવરેજ મેળવી ચૂક્યા છે. વૌઠામાં ગધેડા વેચવાનો મેળો થાય છે. માધવપુરમાં કૃષ્ણ – રૂકિમણીની કંકોત્રીનો ૫ દિવસનો મેળો થાય છે. ઠેકઠેકાણે કારમેળા અને લોનમેળાની પણ સીઝન છે.

બસ? મેળો એટલે થનગનાટને બદલે થકવી દેતી માહિતી?

મેળા કાં તો ડાકોર, પાવાગઢ જેવા તીર્થક્ષેત્રમાં થતા હોય, કાં ચોમાસાની મઘ્યમાં અને અંતમાં કે પછી શિયાળાની મઘ્યમાં થતા હોય… એટલે મેળાની એક ગામઠી ગુજરાતી ફિલ્મ જેવી ‘ફિક્સ ફ્રેમ’ આપણા દિમાગમાં જડી દેવામાં આવી છે. વિદ્વાનો કાં તો એના પહેરવેશ, શણગાર, લોકનૃત્યો, રીતરિવાજો જેવા ‘સાંસ્કૃતિક’ (એક્ઝામ્પલઃ તરણેતરની છત્રી, હૂડો-ટીટોડો, આદિવાસીઓના જોડીયા પાવા એટસેટેરા) પાસાને ચૂંથ્યા કરશે, અથવા લોકવાયકા અને દેવદર્શનના ‘આઘ્યાત્મિક’ (જ્યાં મેળો ત્યાં મંદિર, જ્યારે તહેવાર, ત્યારે મેળો!) પાસાને પૂજ્યા કરશે!

પણ મેળો એક મનોરંજન છે. અર્થ ઉપાર્જન છે. ક્રિએશન એન્ડ પ્રોડક્શન છે. પૂછો રાજકોટ -ગોંડલ -જેતપુર -મોરબી જેવા પ્રમાણમાં નાના નગરોમાં ઉછરેલા કોઈપણ કાઠીયાવાડીને! અમદાવાદ માટે અષાઢી બીજ એ રથયાત્રા છે, સુરત માટે મકરસંક્રાંતિ એ પતંગ છે. મુંબઈ માટે ગણેશચતુર્થી જેમ ‘બાપ્પા મોરિયા’ના પંડાલ છે – એમ સૌરાષ્ટ્રવાસી માટે જન્માષ્ટમી એટલે મેળો! ફ્રેન્કલી સ્પીકિંગ, આજની તારીખે પણ જે રીતે સૌરાષ્ટ્રની થોડીક મોડર્ન જનરેશન પણ આ મેળાના માહોલને લીધે કાગડોળે સાતમ-આઠમની પ્રતીક્ષા કરે છે, એવું એક્સાઈટમેન્ટ એમને દિવાળીનું પણ નથી હોતું!

જસ્ટ ઈમેજીન, રાજકોટ જેવું આખું શહેર ત્રણ-ત્રણ દિવસ સુધી કરફ્‌યુ લાદ્યો હોય એમ સ્વયંભૂ બંધ રહે… વેપારીઓ પણ ‘ફોન’ અને ‘નફો’ બંને મૂકી બસ, કુટુંબકબીલા મિત્રમંડળ સાથે ફરવા જ નીકળી પડે… શાળા કોલેજોમાં નવરાત્રિ વખતે ન હોય એવું વેકેશન પડી જાય…. ઘેર ઘેર ફરસાણના તાવડા અને મીઠાઇઓની કડાઇઓ મહેંકી ઉઠે… મેળાની અંદર અને બહાર બધે મ્યુઝિક, મસ્તી, મજા એન્ડ મહેફિલ ! ઇટ્‌સ હેપી હેપી વર્લ્ડ !

રાજકોટ જેવા શહેરનો જન્માષ્ટમીનો ચાર દિવસ ચાલતો લોકમેળો અંદાજે ૧૦-૧૫ લાખ માણસોનું ‘ટર્નઓવર’ ધરાવે છે! આ કંઇ નાનીસૂની ઘટના નથી! ડિઝનીલેન્ડ જેવા એમ્યુઝમેન્ટ પાર્ક ચિક્કાર બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગ પછી વિશ્વભરમાંથી આટલા મુલાકાતીઓ મેળવતા હોય છે…. અને આવા વિદેશી ‘મેળા’ પોઇન્ટસ પર ટિકિટ હોય છે જ્યારે આ રંગ, રૂપ, રોશનીની મિજબાની તો મફત! પ્રશાસન સંસ્કૃતિ અને સંપત્તિના ગાણા ગાવાને બદલે જરાક મોડર્ન મેનેજમેન્ટ અને એકસલન્ટ એન્ટરટેઇમેન્ટ નજરમાં લે તો ગુજરાત ગિન્નેસ બુક સુધી રમતાં રમતાં પહોંચે!

મેળામાં શું જાદુ છે? એવું કયું ચુંબક છે જે તન-મનને ખેંચે છે?

ઓ. કે. ફલેશબેક.

 ઇસ મેલે મેં લોગ આતે હૈ, લોગ જાતે હૈ

મેરી ઉંગલી, પકડ કે, મેરે સાથ ચલના

ધેર વોઝ એ ટાઇમ… જયારે ટીવી હતું પણ ચેનલો કે કાર્યક્રમો નહોતા. વિડિયો ભાડે લઇને વરસના વચલે દહાડે ફિલ્મ જોવી એ નાના ગામોમાં શેરી ઉત્સવ ગણાતો. શોપિંગ મોલ્સની ચેઇન અને મોબાઇલ ફોનની રિંગટોન્સના તો ખ્વાબ પણ ન આવતાં… ઔર યે બહુત સાલ પહેલે કી બાત નહીં હૈ.

મેળો ત્યારે મમ્મીની કાખમાં તેડાયેલા એક બાળકની આંખનું કુતુહલ હતું. એના વિસ્મયનું વિરાટદર્શન હતું. આખા વરસમાં એક જ વાર આવતા ચાર-પાંચ દિવસો હતા, જેમાં ફેન્ટેસીલેન્ડની એવી અજાયબ નગરીમાં ભૂલકું ભૂલું પડતું કે… એના નાનકડા હાથ અને ટચૂકડી આંખોમાં એ જગત સમાતું નહીં! મુગ્ધતાનું કાજળ આંજીને બચ્ચું મેદાનમાં જન્માષ્ટમી પહેલાં જયારે મેળાના સ્ટોલ કે ફજરફાળકાના લોખંડી સળિયા નખાતા હોય ત્યારે રોજ પપ્પાની આંગળીએ બે-ચાર ચકરાવા લઇ આવતું. એનો પરીલોક એની નજર સામે ઘડાતો, ઉભો થતો… ઝગમગાટ અને મલકાટની આ સૃષ્ટિમાં કામ કરનારા માનવીઓ કેમ દેવદૂતો જેવા પાંખાળા નહિ, પણ પરસેવે રેબઝેબ મજૂરો જેવા લાગતા, એ રહસ્ય સમજવાની ઉંમર નહોતી. પણ એને માટે જે મેળો મસ્તી હતો, એ કેટલાય માટે રોજીરોટી હતો. મેળામાં વાપરવાના રૂપિયા કમાવાની ફિકર કરવાની ત્યારે ઉંમર નહોતી.

અને પછી પિપૂડાં વાગતા, ઢોલ ઢબૂકતાં.. લાઉડ સ્પીકર પર નવી નવી ફિલ્મોની કેસેટો ગુંજતી ને મેળો શરૂ થતો. મેળો એટલે આઇસ્ક્રીમ, મેળો એટલે હાથેથી ફરતી નાનકડી ગોળ ચકરડી. મેળો એટલે સાબુના દ્રાવણમાંથી પરપોટા કાઢવાની આઝાદી! રંગબેરંગી કાગળોને ટાંચણીથી વાળી, વાંસની સળીમાં પવનચક્કીની જેમ પરોવીને બનતા ફરફરિયાની જેમ જ બચ્ચાંલોગની આંખો ગોળ ગોળ ધુમતી. કયાંક મદારીની બીન વાગતી હોય તો કયાંક રાવણહથ્થાના સૂર પડઘાતા. ‘સફરજન’ અને ‘કાકડી’ના નામે ઓળખાતા પહોળા કે લાંબા ફુગ્ગા પર ટબુકડાં ટેરવા અડતા,ત્યારે બ્રહ્માને પૃથ્વી ઘડતી વખતે જે રોમાંચ નહીં થયો હોય એવો સ્પર્શાનંદ થતો. મોટા મોટા રમકડાં સ્ટોલમાં જોઇને રાજી થવાનું રહેતું, અને નાનકડી કોઇ સિસોટી કે કોલ્ડ ડ્રિન્કના ઢાંકણા પર પતરુ જડીને બનાવાયો ટકાટક અવાજ કરતો ‘દેડકો’ ખરીદીને ખુશ થવાનું. ઔકાત જાદૂગરના ખેલ કે પ્રોજેકટરમાં બતાવાતા સિનેરીલના ટુકડા જોવાના ‘જંગી’ ખર્ચ વેઠવા જેટલી માંડ હતી. ઉંચા ચકડોળમાં બેસવાની ટિકિટ લેવાની ત્રેવડ હોય તો વળી બેસવાની હામ નહોતી.

પીંછીના લસરકે કેનવાસનો સફેદ રંગ બદલાતો જાય, એમ મકાઇના ભૂટ્ટા કે દોરીવાળી દડીના ટોપલા અલોપ થતા ગયાં. મંચુરિયન સૂપ અને લેઝર સ્ટિક ટોર્ચની એન્ટ્રી થતી ગઇ. મેળો મોજૂદ રહ્યો, માણસ વિકસતો ગયો.

મારે તો મેળે જાવું સે’ ને

રાજુડીનો ને’ડો લાગ્યો!

ટીનએજ દરવાજે ટ્રીન ટ્રીન કરીને બેલ વગાડી રહી હતી. હવે મેળામાં આવતા ‘બોલતા ગધેડા’ કે ‘કૂદતા કૂતરા’ઓનું આકર્ષણ નહોતું થતું. લાકડાના ખપાટિયા પર ઠેકડા મારી ‘મહેરબાન, કદરદાન’ની કુરનીશ બજાવતા જોકરો ભણી ઘ્યાન ન જતું. ફૂગ્ગાઓને લાઇફમાં ટેનિસબોલે ‘રિપ્લેસ’ કર્યા હતાં. કોઇક સ્ટોલ પર ગોઠવાયેલા ટીવી સેટ પર થિરકતી ડાન્સરની કમર અને સાથળો પર નજર સરકયા પછી ખૂંપેલી રહે, એવી એ ઉંમર હતી. એવી ઉંમર શા માટે હતી – એ કોને સમજાયું છે ? પણ હવે મેળામાં જાવાના દિવસો એટલે ફ્રેન્ડશિપ વીક. મેળે તે કંઇ એકલા જવાનું હશે? એક નવો ભાષાપ્રયોગ જન્મ્યો હતો ‘મેળો કરવો!’ યાને કે ‘ભેળા’થઈને મેળામાં જવું. આપણી ટોળી ઝિન્દાબાદ! હિતેન આનંદપરાનો સાદ યાદ આવેઃ ‘આજ મેળામાં જોબન છાંટે સાત રંગની ભાત, ફટાફટ, હાલ ને ભેરૂ!’

હવે મેળામાં ચકડોળમાં બેસવું પડતું. ડર લાગે તો પણ ફરજીયાત રહેતું. એનો નિર્ણય જાયન્ટ વ્હીલની ઉંચાઈ કે ચક્કરની સંખ્યા જોઈને નહિ, પણ આગલી પાલખીમાં બેઠેલી કન્યાઓના કામણ જોઈને થતો હતો. ના, કાંકરીચાળો નહી પણ પ્રદક્ષિણા… ગામની છોકરીઓ બની ઠનીને મેળામાં ‘છમ્મક છલ્લો’ થઈને આવતી, અને નજરો એમના પર ફરતી… પછી પણ એમની આગળ – પાછળ શરીરો ફરતા. ‘એટ્રેકશન’ ત્યારે ‘મોટિવેશન’ હતું, મેળામાં મ્હાલવાનું! પબ – ડાન્સ બાર – ડિસ્કોઝનો યુગ તો હજુ પણ ગુજરાતમાં સર્વત્ર પથરાયો નથી, ત્યારે પરાપૂર્વથી લગ્નપ્રસંગ પછી મેળા સૌથી મોટા ડેટિંગ – મીટિંગ પોઈન્ટ હતા! ફિલ્મી, વેરી ફિલ્મી, બટ રિયલી!

આદિવાસીઓના મેળામાં તો રીતસર ‘લાડી ખેંચવા’ નો જૂનો રિવાજ હતો… જેમાં ગમતી છોકરીને યુવક (એની મૂક સંમતિથી) મેળામાંથી ઉપાડી જતો, અને છોકરીના ગામવાળા ધીંગાણે ચડતા. લોકવરણના મેળાઓમાં મુકતમને જોડીમાં નાચવાની પ્રથા તો આજે ય જોવા મળે. ‘ગોળગધેડા’ નામની એક ગુજરાતી મેળા પ્રથામાં ગ્રામીણ જુવતીઓ વાંસ લઈને એક ઉંચા સ્તંભ ફરતે ઉભી રહે. જુવાનિયાઓએ એ સ્તંભ પર ચડીને ઉપરની ધજા લઈ આવવાની! જે જુવાન ઘેરામાં દાખલ થાય એને ધડાધડ છોકરીઓના હાથે લાકડીનો માર ખાઈને ‘વાંસો કાબરો’ કરવો પડેને કોઈ રકમ સફળ થાય તો એ પછી ટોળામાંથી ગમતી છોકરી પસંદ કરી ‘સ્વયંવઘૂ’ રચી શકે! ઈટસ કલ્ચર!

‘જોબનિયું’ તો ફાટફાટ થતા મેળાના લોકગીતોની કરોડરજજૂ છે. ‘હૈયે હૈયું દળાય એવી ભીડ’માં પીસાવામાં નર – નારીને આનંદ કેમ આવે છે? સ્પર્શવંચિતા રહેલી સંસ્કૃતિમાં અંગેઅંગ અથડાવાનો રોમાંચ ફૂલ સ્પીડમાં ભાગતી રોલર કોસ્ટર કે ટોરા – ટોરા રાઈડથી ઓછો થ્રીલિંગ નથી! મેળામાં સતત નજરો કુદરતે ઘડેલા સૌંદર્યને ખોળતી રહેતી … પણ એ કદી સમજાયું નહિ કે આટલી બધી ભીડ વચ્ચે પણ વગર બોલ્યે ‘તારામૈત્રક’નું એકાંત કેમ રચાઈ જાય! અચરજથી ભરાયેલી આંખને ‘બેને બે ચાર’ કરવાનું ગણિત કદી આવડયું નહિ. મેળામાં જોડલીઓ નહિ, જૂથોને બનતા અને વિખરાતા જોયા… આ પણ માટીના ડોકું ઘુણાવતા વાઘનું રમકડું કે વાંસની પોલી વાંસળીને જોવા જેવો એક તમાશો હતો. ભીષ્મની જેમ એના સાક્ષી થવાયું, કૃષ્ણની જેમ એના કર્તા કદી ન થવાયું! મેળામાં ય ચોપડી ખરીદનાર ભેજાંગેપથી શું પાપડ ભંગાય?

છેલ્લે દિવસે ઘટાડેલા ભાવમાં ઉતાવળે થતી ખરીદી, ખૂટી જાય એ પહેલા ખવાતા ભજીયાં, ઓછા દામમાં વઘુ બે ચક્કર મરાવતા ફજરફાળકા અને ચૂપચાપ જોયેલી કોઈ અજાણી આકૃતિનું મેળાના વિસર્જન સાથે આંખમાંથી અલોપ થઈ અંતરના ગોખલે બેસી જવું… આ બધી ધમાલની વચ્ચે દોસ્તોના હાથમાં હાથ, એમના ખડખડાટ હાસ્યમાં સાથ.. બાવડે ભરબપ્પોરે મેળામાં ત્રોફાવેલું એક લીલું છૂંદણુ…

એ છૂંદણું જ સાથે રહ્યું, દ્રશ્યો અને દોસ્તો છૂટતા ગયા!

મેલા દિલોં ‘કા આતા હૈ,

ઈક બાર આ કે ચલા જાતા હૈ…

આતે હૈ મુસાફિર, જાતે હૈ મુસાફિર…

જાના હી થા તો કયું ફિર આતે હૈ મુસાફિર?

હજુ પણ મેળાના વળતા પાણી થયા નથી. ચબૂતરે જેમ પંખીમેળો ઉભરાય એમ ગામેગામ ભરાતા મેળામાં ‘માનવ મહેરામણ’ ઉમટી પડે છે. પણ હવે એમાં ગામડાંના લોકો વઘુ હોય છે. શહેરી લોકો કાર લઈને કોઈ ડેમ કે હિલ સ્ટેશન હંકારી જાય છે. પૂનમ અને અમાસના મેળા તો ઠીક, આકાશમાં એનો ચાંદો જોવાનો સમય કે ઈરાદો કોની પાસે બચ્યો છે? લાઈફ ઈઝ મૂવિંગ ફાસ્ટ, બડી. કેરિઅર બનાવવાની છે. કમાણી વધારવાની છે. હરવા-ફરવાનું તો જોયું જશે! જલસા કરવા માટે કમાવા દોડતા લોકો પાસે પૈસા આવે છે, પણ જલસાનો સમય ખોવાઈ જાય છે! આમાં મેળો? સો ચીપ! સો ડાઉનમાર્કેટ! છી!

ગુજરાતમાં ભરૂચ પાસે ભાડભૂતના મેળા દર ૧૮ વર્ષે યોજાય છે. ક્યારેક ફરતા ચકડોળના આંટા સામે જોતાં જોતાં મનમાં ચક્કર આવે છેઃ એક દિવસ આ બઘું અલોપ થઈ જશે? ટીન્સ ઓફ ટુડેને કોલેજ કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ટ્રેડ ફેર ગમે છે. એમનું ગુ્રપ જ જોઈએ. દૂસરા કોઈ નહિ! સર્કસની જેમ ડિજીટલ મિડિયા મેળાને પણ ઓહિયા કરી જશે? પબ્લિક મેળાની ગંદકી અને ઘોંઘાટથી ઝટ કંટાળી જાય છે. બાળકોને ઉંચક-નીચક કરતાં કાર્ટૂન નેટવર્ક વઘુ ગમે છે. મેળો કદાચ આઉટડેટેડ મનોરંજન છે!

અને તો પછી મેળાના અર્થતંત્રનું શું? મેળાની તિથિઓ ભલે ધાર્મિક હોય, પણ એનું પરિણામ આર્થિક છે. મેળા માટે જમીન આપીને વહીવટી તંત્ર વિકાસ કાર્યો માટે રૂપિયા રળે છે (પછી જમે છે!) કંપનીઓ જાહેરખબરો કરે છે. વેપારીઓ વસ્તુઓ વેંચે છે. પાથરણા પાથરીને બેઠેલા ફેરિયાઓ રોટલા મેળવે છે. મેળાનું આયોજન આડેધડ થાય છે, પણ એને લીધે અર્થતંત્રમાં ચડતું લોહી કડેધડે હોય છે. રૂપિયો ચકડોળની જેમ ફરતો-ખર્ચાતો રહે તો જ દેશના સ્ટેજ પર મ્યુઝિકલ પાર્ટીનો ‘ટેમ્પો’ જામેલો રહે!

જેમની પડખે રહીને મેળો માણ્યો હોય એ ચહેરાઓ હંમેશ માટે ‘માધવ ક્યાંય નથી મઘુવનમાં’ થઈ ગયા છે. મેળાને માણવાનો સ્પિરિટ અને થનગનાટ પણ એ સાથે બચપણના રંગીન ચડ્ડી-ટીશર્ટની માફક ટૂંકો થઈ ગયો છે. હવે મેળો ‘સદતો’ નથી, ને મેળામાં જવા માટે કોઈ પોકારતું પણ નથી. પુખ્ત અને પ્રતિષ્ઠિત (?) થવાની આ કિંમત હશે? આપણે જવાનું બંધ કરીશું એટલે મેળો ય બંધ?

જર્મની જેવા અત્યાઘુનિક રાષ્ટ્રના ‘હેસન સ્ટેટ’ની સ્થાપના નિમિત્તે ૧૦ દિવસનો વાર્ષિક કાર્નિવલ ભરાય છે. વિડિયોગેઈમ રમતાં છોકરાઓને પણ ત્યાં જવું છે. ગુજરાતના ગામડાના કોઈ કુટુંબને મેળે ડાયરો સાંભળવા જવું છે. આખો દિવસ બહાર ફરી આવ્યા પછી શહેરી ભાઈ-બહેનોને મેળે ચક્કર લગાવવું છે… શું કામ? શા માટે?

કારણ કે, માણસને માત્ર પ્રકૃતિ જ ગમે છે એવું નથી. માણસને ભલે માણસ સાથે રહેવું નહિ ગમતું હોય… માણસને માણસ જોવા ગમે છે!

(લેખ જુનો, મેળો ફરી નવો! 😛 )

 
18 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 20, 2011 in feelings, gujarat, personal

 

મમ્મી વિશે…. ‘વીડિ-યોગ’

મમ્મી કોઈના ય માટે નવો વિષય નથી. ને હું કઈ પહેલી વાર એ સ્પર્શતો હોઉં એવું ય નથી. હું તો વધુ જાણીતો જ એના થકી છું. પણ સિનેમા -સાહિત્યના રસિકજન મિત્ર જયકર સોલંકીએ ઓન કેમેરા મા પર મને પહેલીવાર આટલું ભાવથી બોલવાનો પ્રેમાગ્રહ કર્યો. સિંગલ ટેકમાં જ ૨ એપિસોડ કોઈ પૂર્વતૈયારી વિના જ શૂટ થઇ ગયા હતા, અમદાવાદના સ્ટુડિયો ખાતે. ત્યારે હું તો અભિયાનના હોર્ડિંગ ફોટોશૂટ માટે  ગયો હતો.  રેકોર્ડીંગ થોડું જુનું છે અને આ એપિસોડનો ફર્સ્ટ પાર્ટ છે , જે હમણાં જ ડીડી ગીરનાર પરથી પ્રસારિત થયો. આર્ટીસ્ટ દોસ્ત રણમલ સિંધવે વગર કહ્યે એનું રીડરબિરાદર નેહલ મહેતાએ મધરાતે કરેલું રેકોર્ડિંગ યુટ્યુબ પર અપલોડ/અપ્સ્કેલ / એડીટ  કરી મને લિંક પણ મોકલાવી આપી. જયકરભાઈ, નેહલ  અને રણમલ બંને નો હૃદયથી આભાર. ભલે વિડીયો ઝાંખો લાગે. વિચારો અને સ્મૃતિઓ જૂની નથી થઇ. હા, પ્રોગ્રામનું નામ માતૃવંદના એટલે પપ્પા પર ખાસ ના બોલી શકાય , એ જરા જોતી વખતે મને ખૂંચ્યા કરે. હું જે કંઈ બોલ્યો છું, એ દિલથી બોલ્યો છું. રસ પડે તો કરો ક્લિક. અને મારી માફક આપ બધાની મમ્મીઓને મનના કેમેરાથી યાદ કરો. એ સહુ માતાઓને મારા પ્રણામ. (આ પ્રોગ્રામનો બીજો અને અંતિમ ભાગ આવતા રવિવારે પ્રસારિત થશે. સવારે ૬.૩૦ અને એ જ રાત્રે ૨.૩૦ – એવું મને કહેવાયું છે. આવો સહયોગ મળશે , તો એની પણ લિંક અહીં જ જોડી દઈશ)

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 17, 2011 in inspiration, personal

 

जागो सोनेवालो… SPREAD IT, PLZ

एक छोटा सा सस्ता सरकारी पोस्टकार्ड उठाइए. उसमे अपने “महानुभाव” प्रधानमंत्री और बाकी नेताओ के संबोधन पर इतना लिखे: “Get Well Soon, Mamu”. उसे

संसद भवन, Delhi

या फिर

The Prime Minister’s Office

South Block, Raisina Hill,

New Delhi,

India-110 101.

Telephone: 91-11-23012312.

Fax: 91-11-23019545 / 91-11-23016857.

http://pmindia.nic.in/feedback.htm

http://164.100.47.132/LssNew/members/membercontactdetail.aspx

http://india.gov.in/outerwin.php?id=http%3A%2F%2Fgoidirectory.nic.in%2F

के नाम पर भेजे. उन्हें शिकायत अनशन या फिर जनता की भीड़ के लिए है. पर अपना विरोध जताने के लिए सिर्फ अनशन या रैली ही एक रास्ता थोडा न है? तो चलो फिर एक “टेढ़ा-मेडा ” लोकतान्त्रिक रास्ता ही अपनाया जाए इन Un-Lucky Singh & Company की अककल सही ठिकाने पे लाने के लिए.गालियाँ न लिखे ये. सिर्फ भ्रष्टाचार के खिलाफ खड़े भारत की ताकत दिखने की कोशिश है. इसे राजकीय स्वरुप न दे. उनके जो भी “चमचे” आपको मिले या दिखे, उन्हें भी यही SMS/ Tweet/ Post/ Mail करें. ALL THE BEST.

तो ‘गुरु’ हो जा ‘शुरू’.

जय वसावड़ा (www.planetjv.wordpress.com)

————————————————————————————————————————————————-

It is not necessary to go on fasting to support Anna, you can do it in some simple ways also, like the following:

“Take a simple government postcard. On that write down “Get Well Soon Mamu !” and send it to Prime Minister (c/o parliament house, new Delhi) and his colleagues.

The Prime Minister’s Office

South Block, Raisina Hill,

New Delhi,

India-110 101.

Telephone: 91-11-23012312.

Fax: 91-11-23019545 / 91-11-23016857.

http://pmindia.nic.in/feedback.htm

http://164.100.47.132/LssNew/members/membercontactdetail.aspx

http://india.gov.in/outerwin.php?id=http%3A%2F%2Fgoidirectory.nic.in%2F

The corrupt government has problem against fasting and crowd i right? Its not compulsory to do fast to oppose corruption. we can show them that we, the people of India are united and dislike their endless corruption and shameless cover up strongly. Common, let this Un-lucky Singh & co. face the reality through innovative democratic ways. Also do same to the pseudo-know it all-scholars who make a joke of common man’s cry or manipulate the truth by creating false debates. identify them n sms / mail / msg / tweet / post on FB wall the same text.. regularly. unanimously. without abuse.

Guru, ho ja shuru

jay vasavada (www.planetjv.wordpress.com)
————————————————————————————————————————–

એક સાદું સસ્તું સરકારી પોસ્ટકાર્ડ ઉઠાવો. એમાં વડાપ્રધાન અને એમના સાથીઓને સંબોધી આટલું લખો GET WELL SOON, MAMU ! અને સંસદ ભવન, દિલ્હીના સરનામે સહી કરી પોસ્ટ કરો. વાંધો તો ઉપવાસ કે ટોળાં સામે ટેકનીકલી છે ને! વિરોધ કરવા માટે ઉપવાસ કરવા કૈં ફરજીયાત નથી. ચાલો, અવનવા લોકશાહી નુસખા શરુ કરીએ આ અનલકીસિંઘ એન્ડ કંપનીની ની સાન ઠેકાણે લાવવાના..એમના જે કોઈ બૌદ્ધિક વિતંડાવાદ ઉભો કરનારા મળતિયા લાગે એમને ય આ જ એસ.એમ.એસ. / ટ્વિટ / પોસ્ટ / મેઈલ મોકલવાનો. જે કોઈ દોઢડાહ્યા લાગે એમને ય મોકલો. ગાળો નથી લખવાની. એમના પાગલપનની આપણને ખબર છે , ને આપણી સંખ્યા નાની નથી એનો અહેસાસ કરવવાનો છે પુરા વિવેકથી.
The Prime Minister’s Office

South Block, Raisina Hill,

New Delhi,

India-110 101.

Telephone: 91-11-23012312.

Fax: 91-11-23019545 / 91-11-23016857.

http://pmindia.nic.in/feedback.htm

http://164.100.47.132/LssNew/members/membercontactdetail.aspx

http://india.gov.in/outerwin.php?id=http%3A%2F%2Fgoidirectory.nic.in%2F

આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં અન્ના જ નહિ સેંકડો નિર્દોષોના અધિકારોના દમનનો શાંત સભ્ય પ્રતિકાર છે. આને રાજકારણ કે વ્યક્તિગત લાભાલાભ સાથે ના જોડશ આનાથી શું ફરક પડશે એવું વિચારવાથી કશો જ ફરક નહિ પડે, પણ જો આ એકસાથે આપણે તમામ આઝાદ ભારતના પ્રેમીજનો કરી શકીશું, તો ઘેરબેઠા એક પ્રચંડ જયઘોષ ઉભો કરી શકીશું. એક નાનકડો સાવ સોંઘો પ્રયાસ આપણે ના કરી શકીએ, આપણું જ લૂંટીને મોંઘવારી ભેટ આપનારાઓ સામે? પ્લીઝ.

ગુરૂ હો જા શુરુ.

જય વસાવડા (www.planetjv.wordpress.com)

 
20 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 17, 2011 in india, inspiration, interaction

 
 
%d bloggers like this: