RSS

Monthly Archives: ઓગસ્ટ 2011

‘ID15’ની ઉજવણીને ‘સ્વતંત્ર’ કરતા આઝાદ આઈડિયાઝ!

આઈ.ડી.૧૫? એ વળી શું?

ના, કોઈ વોરન્ટી કાર્ડનો આઈડેન્ટીફિકેશન નંબર નથી. આપણા પોતાના સ્વાતંત્ર્ય દિનનું આ આઘુનિક હુલામણું નામ છે. આઈ ફોર ઈન્ડિપેન્ડન્સ, ડી ફોર ડે. આઈ ડ્રીમ ફિફટીન ઓગસ્ટ… એન્ડ આઈ.ડી.૧૫! કેચી વર્ડ છે. ઝટ જીભે ચડે, ને પટ હૈયે ઉતરે!

સ્વાતંત્ર્યદિન આવે એટલે ભારત ઉપર, આઝાદી ઉપર, સ્વાતંત્ર્યસંગ્રામ ઉપર, ભાતીગળ ભૂતકાળ અને ભવ્ય ભવિષ્ય પર લખવા-બોલવાનો રોગચાળો ફાટી નીકળે છે. આ ‘પેટ્રિઓટ વાઈરસ’ (દેશભક્ત જીવાણુ) ભલભલાને હડફેટે લઈ લે છે. આ દેશમાં એક પેઢી એવી વસે છે, જેણે આઝાદીની લડત નજરે જોઈ છે, પણ એમની આંખોમાં આજની ગ્લોબલ જુવાની સમાતી નથી.

બીજી પેઢી એવી છે જેણે નાચવાકુદવાની ભરપૂર આઝાદી માણી છે, પણ આઝાદીની લડતનો એમને અહેસાસ નથી. સરવાળે બંને પેઢીઓએ સ્વાતંત્ર્યદિન ઉજવવાનો ઉત્સાહ સચીન તેંડૂલકરના બેટિંગ ફોર્મની માફક ગુમાવી દીધો છે. આ દેશમાં આઝાદ પાંચ જ પ્રકારના ‘માંધાતા’ઓ છેઃ માફિયા, મંત્રી, માલદાર, મઠાધિપતિ(મહંત/મુલ્લા ઈટીસી) અને મિડિયા! બાકી બધા તો હજુ એમના હાથોમાં ‘પરાધીન’ જ છે!

એની વે, વાત એ છે કે છાપાવાળાઓ માંડ મળતી રજાને ઘ્યાનમાં રાખી ઉત્સાહથી ‘સ્વાતંત્ર્યદિનવિશેષ’ પૂર્તિઓ કાઢી નાખે, વડાપ્રધાન લાલ કિલ્લા પર શબ્દોના સાથિયા પૂરીને વાતોના વડા તળે, ટીવી ચેનલ્સ લોગો ઉપર તિરંગા ચટાપટા કરે… એકની એક દેશદાઝવાળી બોર્ડર, ગાંધી ટાઈપની ફિલ્મો ફરીફરીને બતાવે, શિક્ષણ સંસ્થાઓમાં શિસ્તના દંડૂકાના જોરે ઘ્વજવંદન થાય…એની એ ઘટમાળ કાટમાળ બની ગઈ છે.

આમાં પર્વ કયાં છે? શ્રાવણ મહિનામાં શિવમંદિરે જવાનો ઉલ્લાસ હોય છે, એટલો ઉમંગ પણ ૧૫મી ઓગસ્ટના પ્રભાતનો હોય છે? દુનિયાભરના ટોચના દેશોમાં ભારત જેટલી સૂંડલામોઢે રજાઓ નથી. છતાં ય, બધે વરસની પાંચ-છ ચુનંદા રજાઓમાં એક સ્વાતંત્ર્યદિનની હોય છે. આટલું માહાત્મ્ય સ્વાતંત્ર્યદિનનું હોય છે. પણ ‘સત્યમેવ જયતે’ની સાક્ષીએ છાતીના ડાબા ભાગે હાથ રાખીને કહેજો. શરદપૂનમ કે મકરસંક્રાતિથી અડધા ભાગનો સેલિબ્રેશન મૂડ પણ કદી ૧૫ ઓગસ્ટે અનુભવ્યો છે?

જો જવાબ ‘ના’ હોય તો એ જવાબનું એનાલિસિસ કરવાથી એ ફરી જવાનો નથી. એ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’ કરવા માટે શું થઈ શકે? સરકાર તરફથી ક્યારેક ‘સમરયાત્રા’ કે ‘સ્પેશ્યલ ટ્રેન’ જેવા પ્રોજેક્ટસ થાય છે. કોઈ કલબ વળી મશાલ સરઘસ કાઢીને ‘જોસ્સો’ ચડાવવાના પ્રયત્ન કરે છે. શાળા-કોલેજો વળી નિબંધ-વકતૃત્વ સ્પર્ધાઓ યોજીને જરાતરા ‘વોર્મિંગ અપ’ કરે છે. ઝરમરિયા વરસાદની જેમ બધામાં વાદળ ઝાઝા બંધાય છે, પાણી ઓછું વરસે છે અને રાત પડયે કીચડકાદવ વઘુ જામે છે!

મોટા માથાઓ કે એમને સમાવતી સંસ્થાઓ તો સ્વાતંત્ર્યદિન પર લિબર્ટી મોન્યુમેન્ટ બનાવી શકે. પોસ્ટર્સ, બેનર્સ, એક્ઝિબિશન્સ કરી શકે. શોભાયાત્રા અને રંગારંગ કાર્યક્રમો કરી શકે. સહારાશ્રી સુબ્રતો રોય ધામઘૂમથી ‘ભારત પર્વ’ ઉજવી ચૂક્યા જ છે ને! પણ એ જૂદી ડિઝાઈન થઈ. સવા કરોડનો સવાલ એ છે કે ઘેર બેઠા ભારતીય નાગરિકો એવું શું કરે કે સ્વાતંત્ર્યદિનની જરા જુદી પણ જોરદાર જમાવટ થાય? ‘આઈડી૧૫’ એમની માટે વરસનો યાદગાર દિવસ બની જાય? લેટસ શેર સમ આઈડિયાઝઃ

સ્વાતંત્ર્યદિને પરાણે ફરજના ભાગરૂપે કરાવાતા ઘ્વજવંદન બંધ કરી દો! વાત આઝાદીની કરવી, અને પ્રેક્ષકોને ગુલામોની જેમ હુકમથી ભેગા કરવા? જે વસ્તુ પરાણે, ફરજના ભાગ રૂપે ઠોકી બેસાડવામાં આવે, એ અળખામણી બને. જયાપાર્વતીના જાગરણને જો અભ્યાસક્રમમાં સામેલ કરો તો કન્યાઓ ઉજાગરાને બદલે ઉંઘી જાય. જેને મોજથી ઘ્વજવંદન કરવું છે, એ મરજીથી ભલે કરે, બાકી ‘ઘ્વજવંદન’ શબ્દ જ ભારેખમ છે. જ્યાં ચરણસ્પર્શ કરી ઝૂકવાનું હોય, ત્યાં આપોઆપ એક અદ્રશ્ય લોખંડી પડદો રચાઈ જતો હોય છે. જ્યાં આમન્યા વઘુ, ત્યાં અંતર વઘુ! જ્યાં ભેટવાનું હોય ત્યાં સ્નેહ પણ વધારે જ હોય છે!

તો શું રાષ્ટ્રગૌરવને ભૂલી જવાનું ? રાષ્ટ્રઘ્વજને પ્રેમ નહી કરવાનો? કરવાનો જ વળી! એની પૂજા નથી કરવાની, એની સાથે પ્રીત કરવાની છે. સુપ્રિમ કોર્ટે એક શકવર્તી ચૂકાદામાં હવે તો તિરંગાને ફેશન કોસ્ચ્યુમની જેમ પહેરવા-ઓઢવાની પણ છૂટ આપી છે. આ બ્રિલિયન્ટ બ્રાન્ડિંગ છે, જે દેશપ્રેમમાં પાસ પણ અક્કલમાં નાપાસ એવા જડસુઓને કદી ગળે ઉતરવાનુ નથી.

ટીનએજર પોતાના કાંડાના કડા કે ગળાની ચેઈનને પણ પ્રેમ કરે છે. પોતાના વ્હીકલ પર પણ હાથ ફેરવીને ગૌરવ અનુભવે છે. એમાં એને પોતીકાપણુ લાગે છે. જો રાષ્ટ્રઘ્વજને વઘુ લોકપ્રિય કરવો હોય તો એને ઘ્વજદંડથી ઉતારી શરીર સુધી પહોંચાડો. તિરંગા ટી-શર્ટ, જીન્સ કે ઈવન અંડરગાર્મેન્ટસથી પણ કંઈ દેશનું અપમાન નથી થતું! ઉલટું, દેશ વઘુ ગમતીલો લાગે છે. એ કોઈ ગુ્રપ મેમ્બર જેવો નિકટ લાગે છે. તિરંગા અને રાષ્ટ્રચિહ્નોના તો ડિઝાઈનર ડ્રેસીસ સબસિડી પર બનાવવા જોઈએ.

અમેરિકામાં બેધડક રાષ્ટ્રઘ્વજની બિકીનીઝ પહેરાય છે. એના રમકડાં બને છે. એના રંગો બાઈકથી બેલ્ટ સુધીની પ્રોડક્ટમાં વપરાય છે. અમેરિકન પ્રજાની ચુસ્ત રાષ્ટ્રભાવના અને આઝાદી જગજાહેર છે. રેડ-બ્લ્યુ બ્રા કે શૂઝથી એમનો દેશપ્રેમ ઘટે છે કે વધે છે? અરે, અમેરિકા તો ઠીક એના રાષ્ટ્રઘ્વજની કેપ પહેરીને બીજા દેશોના લોકો પણ ‘સમથિંગ સ્પેશ્યલ’ અનુભવે છે! ઈટસ માર્કેટિંગ મેજીક!

આપણે રાષ્ટ્રીય પ્રતીકોને પવિત્ર માની એની આરતી ઉતારીએ છીએ. એનો જરાક ઉછાંછળો ઉપયોગ થાય તો ‘છી… અરરર… હાય હાય’ની ચીસાચીસ કરીએ છીએ. અને આપણે બધા જ અંદરખાનેથી આપણી રાષ્ટ્રભાવનાનો સેન્સેક્સ કેટલો અને કેવો છે, એ જાણીએ છીએ.

તાજમહાલ માટેના એસએમએસ કરવા કે શેરીઓમાં ‘ભારત માતા કી જય’ના હૂપાહૂપ નારાઓ લગાડવામાં આપણી દેશદાઝની ઈતિશ્રી આવી જાય છે. પસંદગીની કસોટી આવે ત્યારે ભારતીય નાગરિક ઘડીના છઠ્ઠા ભાગમાં દેશને બદલે પોતાના હિતનો સ્વાર્થ પસંદ કરશે. આપણી દેશભક્તિની ઘૂણી સૂકાયા વિનાના લીલા છાણાની છે. જરાક વિપરીત સંજોગોનું ઝાપટું આવે કે અંગાર ઠરીને કોલસો થઈ જાય છે.

ઓકે, નેકસ્ટ. જ્યારે જ્યારે સ્વાતંત્ર્યદિન આવે ત્યારે ‘નવી પેઢી ભૂલી ન જાય’ એના પરમાર્થે ઘણા પુણ્યશ્લોક આત્માઓ મહાન ભારતીય વિભૂતિઓની યશોગાથાઓ વર્ણવવા લાગે છે. પ્રતાપ, શિવાજી, ગાંધીજી, ભગતસિંહ, સુભાષબાબુ, વિવેકાનંદ, સરદાર ઈત્યાદિની એની એ વાતો, વર્ણનો, ઉપદેશો! આ વિભૂતિઓના દેશપ્રેમ અને યોગદાન અંગે બેમત નથી. પણ દાદાના ફોટા સામે બેસાડી રાખવાથી પૌત્ર હોંશિયાર ન થાય! વાતો એ થાય છે કે ‘મહાપુરૂષો ભૂલાઈ ન જાય માટે’… પણ સતત એટલું બઘું જૂના ભૂતકાળનું રટણ ચોતરફ થાય છે કે કોઈ ઈચ્છે તો પણ એમને ભૂલી શકે તેમ નથી.

આ પોપટપાઠમાં અન્યાય નવા ક્રાંતિકારીઓને થાય છે. એમને એમના યોગદાનના પ્રમાણમાં જનસમર્થન મળતું જ નથી. આ મડદાપૂજક દેશ છે. મીરાબાઈઓ અને ઝાંસીની રાણીઓની કથાઓ બહુ થઈ. હવે સુનીધિ ચૌહાણો અને સાનિયા મિર્ઝાઓની પ્રશસ્તિ લખો- બોલો- ગાવ. હવે ઘોડા પરથી તલવાર ચલાવવાળી નહિ, પણ સ્પેસશટલ ઉડાડનારી કે બિઝનેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ઘડનારી યુવતીઓ સ્વતંત્ર ભારતનું મસ્તક દુનિયામાં ટટ્ટાર રાખવાની છે. સ્વાતંત્ર્ય દિનને ખરેખર રંગીન અને સંગીન બનાવવો હોય તો એમાં જૂની મહાનતાને બદલે ભવિષ્યના પડકારોની સજ્જતાની વાતો કરો.

વેદપુરાણને થોડા સમય પૂરતા બાજુએ રાખી વિજ્ઞાનનું જ્ઞાન વધારવું પડશે. ડોકટર કદી ઓપરેશન ટેબલ પર સ્વસ્થ અંગ સામે તાકીને બેસે છે? ના. એ રોગીષ્ટ ભાગની ચીરફાડ કરે છે. જો સ્વતંત્રતા હંમેશ માટે ટકાવવી હોય, તો ભારતે પહેલાં એની ભૂલો અને નબળાઈઓની ચર્ચા કરવી પડશે.

ખામીઓનો સ્વીકાર એને દૂર કરવાનું પ્રથમ પગથિયું છે. આઈડી૧૫ ઉપર ભારતના જ નહિ, આપણી- આપણા પરિવાર કે સોસાયટી, મહોલ્લા, ગામના માઈનસ પોઈન્ટસનું વિશ્લેષણ કરો. નેકસ્ટ આઈડી૧૫ પહેલા એ દૂર કરવાનો એજેન્ડા બનાવો. ભારત એટલે ભારતવાસીઓ. ભારતવાસી નાગરિક- વ્યક્તિગત રીતે જેટલો સક્ષમ, એટલો દેશ ઉત્તમ!

હા. ભારતના ભવ્ય વારસાને ઉજવવો જ હોય તો એના સાચા રસ્તાઓ પણ છે. ગદ્દારો કે આતંકવાદીઓ વિરુદ્ધની વાર્તા હોય, યુદ્ધ કે આઝાદીની ચળવળની ક્રાંતિની વાત હોય… એટલે ‘ભારતપ્રેમી ફિલ્મ કે કથા’ એવું માની લેવામાં આવ્યું છે. ભારતના ખરેખરા ખજાનાને ઓળખવાની તસદી લો, એને દેશદાઝભર્યું કૃત્ય ગણવામાં આવતું નથી! સ્વાતંત્ર્યદિને એ રત્નોનો ઝળહળાટ માણો. દેશભક્તિના ચવાઈ ઘસાઈ ગયેલા ગીતોને બદલે ભારતીય વાદ્યસંગીત, કાવ્યપાઠ કે કંઠ્ય સંગીતની સી.ડી. સાંભળશો અને એની બારીકીઓ જાણવા પ્રયાસ કરશો, તો ભારત સાથેનો સંબંધ વઘુ ગાઢ બનશે.

રાષ્ટ્રવાદી પ્રલાપોના ચોપાનિયાઓને બદલે ભારતની સાંસ્કૃતિક સુગંધ જ સીધી શ્વાસમાં લેશો, તો દેશની તબિયત વઘુ તંદુરસ્ત બનશે. ‘આઈ.ડી. ૧૫’ પર એકાદી ક્લાસિક સંસ્કૃત કૃતિ (ભલે, અનુવાદિત) વાંચવાનો સંકલ્પ લઈએ. કાલિદાસને ભૂલો, વારંવાર જેની વાતો કરતા ધરાતા નથી એ રામાયણ- મહાભારત- ભાગવતનું એક પાનું પણ મૂળ ગ્રંથનું કદી વાંચ્યુ છે! નહેરૂની ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’નો ભાષાવૈભવ માણીએ અને કાકાસાહેબ કાલેલકરની આંખે ભારતની ભૂગોળને કવિતા બનતી જાણીએ. ‘ઉત્સવ’ કે ‘ઉમરાવજાન’(જુનું) જેવી ફિલ્મોથી ભારતના વિવિધ રંગબેરંગી કાળખંડો સજીવન થતા જોઈએ.

એવી જ રીતે કમસે કમ ૧૫ ઓગસ્ટના એક દિવસ પૂરતી તો આપણે જે પ્રદેશમાં હોઈએ, એની જ મૂળભૂત વાનગીઓ જ ખાવાનું રાખીએ. રજા પડી એટલે પિઝા, સ્પેઘેટી ઝાપટવા જામી નહિ પડવાનું. ચૂરમાના લાડવા અને શક્કરપારા, ખીર અને ખારી પૂરી… ગુજરાતી હો તો ગુજરાતી અને પંજાબી હો તો પંજાબી ભોજન તરબતર થઈને કરવાનું. ચીઝ છોડીને છાશ પર તૂટી પડવાનું! અને હા, સંસ્કૃતિ કપડાંની લંબાઈમાં જ સમાઈ જાય એટલી ટૂંકી ચીજ નથી! સમય હોય તો ચોમેર વેરાન પડેલા કોઈ પ્રાચીન ભારતીય સ્થાપત્ય પાસે જઈને બેસીએ. એની શિલ્પકળા વિશે અભ્યાસ ન કરીએ તો જરા એને સાફ કરી, એની સામે જોઈને એ રાષ્ટ્રીય સ્મારકોની કદર તો કરીએ!

ઘેર ઈઝ નો સેલિબ્રેશન વિધાઉટ ફન! બઘું જ જ્ઞાન મેળવવામાં જશે, તો મનોરંજન ક્યારે મળશે? ‘આઈ.ડી. ૧૫’ની કોઈ વિડિયો ગેઈમ કેમ નથી બની? ‘હેપી ઈન્ડિપેન્ડન્સ ડે’ના કોઈના આવેલા મેસેજ ફોરવર્ડ કરવા કરતાં ખરેખર હરખ થતો હોય તો ગલોટિયા ખાવ, આઈ.ડી. હગ’ આપો, ઝૂમો, ચિચિયારીઓ પાડો! તિરંગા કલરથી ઘૂળેટી રમી નાખો અને દેશભક્તિના લોકપ્રિય ગીતો પર દાંડિયારાસ લો! રખડતા ઢોરોને ભગાવી કે ડબ્બે પૂરીને પણ સેવા સાથે મજા પણ મેળવી શકાય. સ્વતંત્રતાની કે ભારતની થીમ પર જેવું આવડે તેવું કશુંક લખો. તમારે મન ભારત એટલે શું? લખી બોલી ન શકો તો જસ્ટ થિંક.

આવડે એવું ચિત્ર કે રંગોળી દોરો. માત્ર એક જોડી ખાદીના વસ્ત્રો ખરીદો. એથનિક / એન્ટિક કલેક્શન  કરતાં એ વઘુ ‘ભારતીય’ ઘટના છે. એક કલાક સુધી માત્ર રાષ્ટ્રભાષામાં જ વાત કરવા પ્રયત્ન કરો. બસ, થોડુંક જાતને કષ્ટ આપી બતાવો. એક દિવસ પૂરતી વીજળીની અને પેટ્રોલ- ડિઝલની જરૂર હોય તો પણ બચત કરો. ટીવી, ફેન કે સ્કૂટર-કાર એક દિવસ માટે બંધ રાખો. રાષ્ટ્રના રિસોર્સીઝના ડેવલપમેન્ટમાં સંયમ રાખીને કશું આપ્યા વિના પણ ફાળો આપો… અને અહીં લખ્યા એથી વઘુ દમદાર આઈડિયાઝ વિચારો!

આઝાદીના ચોસઠ વર્ષે હજુ રસ્તા-પાણી-વિજળીના પ્રોબ્લેમ પાયાના છે. એ ઉકેલાય નહીં ત્યાં સુધી ઉત્સવનો ઉત્સાહ ક્યાંથી આવે ? ખબર નહિ, સ્વાતંત્ર્ય દિનની ચીલાચાલુ ભાષણિયા ઉજવણીની ગુલામીમાંથી મુક્તિસંગ્રામ લડનાર ૨૧મી સદીના મંગલ પાંડેઓ ક્યારે પ્રગટશે?

ફાસ્ટ ફોરવર્ડ

પક ગઈ હૈ આદતેં, બાતોં સે સર હોગી નહિ

કોઈ હંગામા કરો, ઐસે ગુજર હોગી નહિ!’

(દુષ્યંતકુમાર)

 

૬ વરસ જુના લેખમાં આંકડા સિવાય કશું બદલાવવું પડ્યું નથી, એવું છે આ નેશનનું ઇનોવેશન ! એની વે, તમે શું વિચારો છો? સમ ફ્રેશ આઈડીયાઝ ટુ શેર? તમારા સજેશન્સ પણ મન પડે તો કોમેન્ટસમાં લખો. બેસ્ટ લાગે એને મારી life@kite બુક પાક્કી ! (યાદ આવ્યું, હજુ સાયન્સ ફિક્શનવાળી કોન્ટેસ્ટ ખુલ્લી છે, ભેજું અજમાવવું હોય તો !) અને હા, હેપી ઈન્ડિપેન્ડન્સ ડે.

જો અન્નાની અવદશા અને કેન્દ્રના કપટ પછી હેપી રહેવાતું હોય તો…:P

 
44 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 15, 2011 in india, youth

 

આઝાદી યંગીસ્તાન કી ! આવાઝ દો અપને દિલ કો…

સામાન્ય રીતે હું મારી કોલમમાં છપાતા તાજા લેખો તરત જ બ્લોગ પર મુકવાનો મોહ સભાનપણે ટાળતો હોઉં છું. ઘણા એવા ગાંધીવાદી લેખકો છે, જે સતત માર્કેટિંગનો વિરોધ કરતા હોય છે, પણ પોતે પ્રિન્ટ મીડિયામાં પોતાનો લેખ છપાય , એટલે ગણતરીના કલાકોમાં જ પોતાનો લેખ પોતાના બ્લોગ પર ચડાવી દે છે, અને વધારાનું પ્રમોશન સોશ્યલ નેટવર્કિંગ પર તત્કાળ કરી નાખે છે ! મને એવું લાગે કે, આમ કરવું એ પ્રોફેશનલ એથિક્સની રીતે યોગ્ય નથી. જરૂરથી છપાયેલા લેખો બ્લોગમાં  મૂકી શકાય , પણ જે પ્રિન્ટ મીડિયા થકી આપણું અસ્તિત્વ હોય, જે એનો પુરસ્કાર પણ ચૂકવતું હોય, એ અખબાર છપાય કે મેગેઝીન સ્ટેન્ડ પર આવે કે તરત જ લેખ બ્લોગ પર ચડવવો, એ પ્રસિદ્ધિમોહમાં ઝડપી વાહવાહી ઉઘરાવવા માટે છુપી ભૂખ જ બતાવે છે. એક પ્રકારનું સેલ્ફમાર્કેટિંગ જ છે., જેના માટે મારા જેવા યુવા ચિત્તની વાતો કરનારા સર્જકને હમેશા જાણીબુઝીને અપપ્રચારનો ભોગ બનાવાય છે. (હું તો ચાલો, માર્કેટિંગનો જ ભૂતપૂર્વ લેક્ચરર છું. મારી પી.જી. ડીગ્રી જ માર્કેટિંગની છે, એટલે સારી બાબતના  શ્રેષ્ઠ માર્કેટિંગનો હિમાયતી છું. પણ જે લોકો પોતાને ભૌતિક પ્રચારસંસ્કૃતિથી પર ગણાવે છે, અને નીસ્બતના ઓઠાં તળે સતત માર્કેટિંગ કોઈ ગંદી બાબત હોય ને પોતે એકલા જ પવિત્ર હોય એવું ઈમેજ બિલ્ડીંગ કરે છે, એ અચૂકપણે પોતાના તમામેતમામ છપાતા લેખોનું કલાકોમાં માર્કેટિંગ કરવાનો એક મોકો ચુકતા નથી! ) અન્યથા એ લેખ થોડી ધીરજ ધરી પાછળથી મૂકી જ શકાય છે. જેથી પ્રિન્ટ મીડિયાને નુકસાન ન પહોંચે, એના વાચકો તૂટે નહિ, અને એણે ચૂકવેલા નાણાનો નૈતિક આદર  જાળવી શકાય.અલબત્ત, આ કોઈ નિયમ નથી. અંગત પસંદગીની બાબત છે. અને આવી સુક્ષ્મદ્રષ્ટિએ આજકાલ કોઈ જોતું નથી. માટે મુલ્યોની ફક્ત જોરશોરથી વાતો કરનારા દંભી સામ્યવાદીઓ મૂલ્યવાન ગણાઇ જાય, ને એનું આજીવન નિષ્ઠાપૂર્વક આચરણ કરનારા મસ્તમૌલા મૂડીવાદી રાક્ષસ ઠેરવાઈ જાય એવો ઘાટ છે. હા, કોઈ ખાસ પ્રસંગ / દિવસ  આધારિત લેખ હોય, છપાયેલા લેખમાં કશી ગંભીર ઉલટસુલટ થઇ હોય.. કે કોઈ એવા સંજોગો હોય તો વાત જુદી છે. આજે એવા સંજોગો ઉભા થયા છે કે છેલ્લા પાને જાહેરાત આવી જતાં ગુજરાત સમાચારની  અખબારી પૂર્તિમાં ‘સ્પેકટ્રોમીટર’ અમદાવાદ સહીત અમુક શહેરોમાં છપાયું નથી. બીજે બધે છે. લેખ વળી સ્વતંત્રતા દિવસ નિમિત્તનો છે. વાચકો એ મને ફોન પર સવાલોની ઝડી વરસાવી છે.  આ  બ્લોગ આમ પણ છપાઈ જતા દરેક લેખોનું સંગ્રહસ્થાન ન બનવું જોઈએ , એ વાત તો હું પહેલેથી જ સ્પષ્ટ કરી ચુક્યો છું. પણ, અત્રે એ લેખ મૂકી દઉં છું. આવું બે સપ્તાહ અગાઉ પણ થયેલું, એ લેખ પણ કાલની રજા ધ્યાનમાં લઇ રાત્રે મૂકી દઈશ. મૂળભૂત રીતે અંગ્રેજી ફિલ્મની નબળી નકલ જેવી ફાલતું ફિલ્મ”ફાલતુ”માં ઉત્તમ એવું શબ્દો-સંગીત-પીક્ચરાઈઝેશનની રીતે ક્લાઈમેક્સ સોંગ આ લખતી વખતે મારા મનમાં સતત પડઘાતું હતું. બોનસમાં એની વિડીયો લિંક મૂકી  છે. (એની કોરિયોગ્રાફી લાજવાબ છે, ભલે એ ય પ્રેરિત છે વિદેશમાંથી) તો બહુ ભૂમિકા વાંચી, હવે સીધો લેખ વાંચો યારો..

કબ તક યે દુનિયા આંખો કો મીંચે, સોતી રહેગી તકિયે કે નીચેજુબાં પે તાલે રહેંગે કબ તક, ખૂંટી સે ખ્વાબ બંધે રહેંગે કબ તકઆઝાદીયાં હાંસિલ હો !

૧૯૫૨-૫૩ની સાલમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય- સામાજીક જાગૃતિના નાટકો લઈ રાજ કપૂરના પિતા (રણવીર- કરીનાના ગ્રેટ ગ્રાન્ડપ્પા!) ‘મુગલ એ આઝમ’ બનેલા પૃથ્વીરાજ કપૂર આવ્યા હતા. પત્રકારોએ એમને સવાલ પૂછયો. ‘તમારો દીકરો રાજ કપૂર બરસાત જેવી ફિલ્મ બનાવી જુવાન પેઢીના મનને પ્રદૂષિત નથી કરતો? (આજે બરસાત ક્લાસિક અને મર્યાદામઢી ગણાય છે, એ આડવાત થઈ!) પ્રેમની ઉત્તેજનાના દ્રશ્યો, પ્રેમનાથનું દિલફેંક જુવાનનું પાત્ર અને અદા નવી પેઢી પર કેવી અસર કરશે?’

પૃથ્વીરાજે જવાબ આપ્યો, એનો સાર આવો હતો ‘‘હું તમને સામો સવાલ કરું? આપણે આપણા યુવકયુવતીઓ વિશે શું માનીએ છીએ? આપણે આ ખરાબ છે, ખરાબ છે કહીને તેમની આંખોથી કેટલું ઢાંક્યા કરીશું? બાળકોને, જુવાનોને આપણે શું ‘ફ્રેજાઈલઃ હેન્ડલ વિથ કેર’ એમ સાચવી- સંભાળીને રાખવા જેવી કાચની વસ્તુઓ જ બનાવી દેવા છે? તમે શું એવું માનો છો કે તમે બાળકથી, જુવાનથી જીંદગીની બરછટ બાજુઓ ઢાંકેલી રાખશો, એટલે તે સદગુણી જ બની રહેશે? શું સદગુણો પાપના સંપૂર્ણ અજ્ઞાનમાંથી જ પાંગરે છે? આને શું તમે નિર્દોષતા કહેશો? નવી પેઢીથી તમે ઘણું બઘું છુપાવ્યા કરશો, તેથી તે નિરોગી બની જશે- તેવું માનવાની ભૂલ કરશો નહિ! આવું કરીને તમે તેમને સદગુણ શીખવી નહિ શકો, તેઓ માત્ર દંભ શીખશે. રૂપજીવિનીઓની તસવીરો સંતાડયા કરશો, તો તેઓ માત્ર સતીઓની છબીઓ જ પિછાનશે તેમ માનવું ભૂલભરેલું છે.

છુપાવેલી વસ્તુઓને તેનું પોતાનું આકર્ષણ હોય છે. હું કહું છું તેને જીંદગીની બધી બાજુઓ જોવા દો. તેમાંથી સારી બાજુ ગ્રહણ કરવાની તેની શક્તિ નહીં વિકસાવો, તો મહાત્મા ગાંધીના જીવનચરિત્રમાંથી પણ માત્ર ચોરીનો પ્રસંગ જ પકડી લેશે. તમે તેને વિવેક શીખવી શકો, પણ મારું માનો તો સદગુણોનો ચારો ચરાવવા માટે પણ બાળકોને તેના વાડામાં પૂરવાનું રહેવા દો. શુભ હેતુથી પણ આવા બંધનો ઉભા કરવાનું માંડી વાળો. તેમને છૂટા મૂકો. તેમને ભૂલ કરવા દો.’’

ક્યા બાત હૈ! સ્વાતંત્ર્ય દિને સલામ કરવાનું મન થાય, એવી ‘સ્વ’તંત્ર થવાની વાત કરી હતી સીનીઅર કપૂરસાહેબે! આ વિગતો ૧૯૭૭ના ‘ગુજરાત સમાચાર’માં છપાયેલા એક સ્મરણલેખમાં હતી (સંદર્ભ: અડધી સદીની વાચનયાત્રા, મહેન્દ્ર મેઘાણી!) અને આઝાદીના પ્રભાતે કરેલી આ વાત આજે મઘ્યાહને પણ કેટલી સાચી પડી છે! પૃથ્વીરાજ કપૂરના ઉત્તરોત્તર બંધનમુક્ત બનતા જતા સંતાનો રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર પછી સફળ થયા. એમના પછી રિશિ કપૂર, રણધીર કે સંજના કપૂરે પોતપોતાની રીતે નામ કાઢયું. પછી કરિશ્મા, કરીના અને રણબીર કપૂર પણ કરોડપતિ સેલિબ્રિટી જ બન્યા, દારૂડિયા ક્રિમિનલ નહીં!

અને એ વખતે પૃથ્વીરાજસાહેબની ભાષામાં સદગુણોના નામે દંભ શીખેલી ‘નવી પેઢી’ આજે ‘જૂની’ બનીને આપણા દેશ- સમાજ- ધર્મક્ષેત્ર પર દાયકાઓથી રાજ કરે છે. અને કેવા ભ્રષ્ટ અવગુણોનો અખાડો એણે કંડાર્યો છે, એ દેખીતું છે! એ ‘મર્યાદામઢી’ પેઢીએ ખાનગી દુરાચારોથી ‘વાટ લગાડી’ દીધી!

* * *

વઘુ એક સ્વાતંત્ર્ય દિન નજીક આવીને ઉભો છે. કોસ્મેટિક દેશદાઝની એકદિવસીય ભરતી ચડાવવા માટે. હા, ટેકનિકલી, બંધારણીય રીતે આપણે સ્વતંત્ર, આઝાદ રાષ્ટ્ર છીએ. સિર્ફ કહેને કો. હજુ લોકશાહીનો સ્પિરિટ આપણને પચ્યો નથી. એટલે એનું લોહી બનીને શરીરમાં એકરસ ફરતું નથી. કારણ કે, દેશને તો સ્વાતંત્ર્ય મળ્યું. પણ પેઢી દર પેઢી હજુ આપણી જુવાનીને, યંગથીંગ્સને, અઢાર વર્ષે મતદાર બની જતા આવતીકાલના ભારતના નાગરિકોને સ્વાધીનતા મળતી નથી. જ્યાં સુધી મોડર્ન જનરેશનનું સ્વરાજ નહિ આવે, ત્યાં સુધી ભારતની સ્વતંત્રતા કેવળ તિરંગી નારાબાજીનો કોલાહલ જ બની રહેવાની છે.

ભારત વસતિગણત્રીની દ્રષ્ટિએ વિશ્વભરમાં જુવાન દેશ છે. એકલા યુપી-બિહારમાં યુરોપથી વઘુ ૧૮થી ૨૫ના નવજવાનો છે. પણ હજુ આ યૌવનનું રિમોટ કંટ્રોલ બીજા હાથોમાં છે. પાંજરે પૂરાયેલો વાઘ શિકાર કરી શકતો નથી. પાંજરે પૂરાયેલું બાજ આસમાનની બુલંદીઓ સ્પર્શી શકતું નથી. કુદરતનો ઈન્કાર કરીને આપણે આઘ્યાત્મિકતાની રાખ ચોળ્યા કરવી છે. દુનિયાનો ઈતિહાસ તપાસો, રાજ કરનાર શોષણખોર શાસક હંમેશા એમ માને છે કે એમના ગુલામો સંપૂર્ણ આઝાદીને લાયક હોતા નથી! અને એમને જંઝીરોમાં કેદ રાખીને, એમને સ્વતંત્ર ન કરીને અંતે તો એ એમનું જ ભલું ઈચ્છે છે! આફ્રિકા, અમેરિકા, દક્ષિણ અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ, પ્રાચીન રોમ, ઈજીપ્ત, અરબસ્તાન, રાવણની લંકા, ઘૃતરાષ્ટ્રનું હસ્તિનાપુર સઘળે આ જ માન્યતાથી, જેમને બંધનમાં રાખ્યા છે, એમનું ભલું કરવાના ભ્રમમાં એમની આઝાદી છીનવી લેવાઈ હતી. અંતે જે તે સમયે પરિવર્તનો આવ્યા તો અહેસાસ થયો કે બઘું જ બગડી જતું નથી!

ભારતની નવી પેઢી હજુ ગુંગળામણ અનુભવે છે. નિયમોની ગેસ ચેમ્બરમાં એમને ધૂટન થાય છે. સ્વતંત્રતાની વાત તો જવા દો, થોડાંક મોટા થાય ત્યાં એમને પરંપરાગત જૂઠ, લુચ્ચાઈ, ફરેબ, દંભ, કામચોરી, આળસ, સલામતીના બીબાંમાં ઢાળી દેવાય છે. પછી ધંધાદારી કે કર્મચારી તરીકે એ તાજગીના તરવરાટને બદલે સવાયા શેતાન બનીને બહાર આવે છે!

ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. રોડ પર જેમ-તેમ ધુરકાટ કરતા બાઈક ચલાવવાની કે કચરપટ્ટી ફેમિલી ડ્રામા સિરિયલો કલબલાટ કરતા જોયા કરવાની કે જ્યાં ત્યાં થૂંકવાની ‘સ્વચ્છંદતા’ની વાત નથી. સંપૂર્ણ લોકશાહીની આઝાદી ભોગવતા વિકસિત દેશોમાં પણ બીજાને ઈજાગ્રસ્ત કે બીમાર કરતી અને બુદ્ધિનું દેવાળું ફુંકી જાહેર શિસ્તનો અનાદર કરવાની આઝાદી કોઈ નાગરિકને મળતી નથી. પણ સ્વતંત્ર આત્મનિર્ણયની, કોઈનો ભોગ લીધા વિના- બીજાને નુકસાન પહોંચાડયા વિના મનગમતી રીતે જીવવા- વિકસવાની સ્વતંત્રતા ન હોય, તો ૧૫ ઓગસ્ટની સ્વતંત્રતાના ગાણા ગાવાનો આપણને હક નથી! જો ભારતને ખરા અર્થમાં આઝાદ અને મુક્ત એવો સ્વપ્નલોક બનાવવો હોય તો હિન્દુસ્તાનમાં કચડાતા પીડાતા અકળાતા યંગીસ્તાનની બેડીઓ તોડી, એમનું ‘ફ્રીડમ ટુ બી’ના વિચારથી મસ્તક ટટ્ટાર કરી અંતે ગુરૂદેવ ટાગોરે જે ‘માઈન્ડ ઈઝ ફ્રી ફ્રોમ ફીઅર, વ્હેર હેડ ઈઝ હેલ્ડ હાઈ’ના સ્વાતંત્ર્ય સ્વર્ગની કલ્પના કરી (જે એમના જન્મની દોઢ શતાબ્દીએ પણ હકીકત બની નથી!) એમાં જગાડવાના છે.

ભારતીય સમાજ ડરપોક છે. મુક્તિ સાહસ માંગી લે છે. પણ પૃથ્વીરાજે કહેલું તેમ અજ્ઞાનથી કંઈ સજ્જનતા આવી જતી નથી. પ્રતિબંધોની જેહાદથી કંઈ સદાચારની સૌરભ ફેલાઈ જતી નથી, એનો આપણને ૬૪ વરસથી અનુભવ છે. સિદ્ધાર્થને જીવનના વાસ્તવથી દૂર રાખીને ગૌતમ બુદ્ધ બનતા અટકાવી શકાયા નહોતા. લૂંટફાંટ વચ્ચે વાલિયામાં વાલ્મીકિ જન્મતો રોકાયો નહોતો. શ્રદ્ધાપૂર્વક આવી વાતો પેઢી દર પેઢી કર્યા કરતા આપણે ભગવાનમાં ભરોસો મુકવાને બદલે પાછા રૂલ્સ અને રિસ્ટ્રિકશન્સના ખોળે બેસી જઈએ છીએ, એવાં બનાવટી ધાર્મિક બનીએ છીએ.

યંગીસ્તાનને શરૂઆતમાં સમાજના ઠેકેદારોએ, તંત્રના શાસકો- વાહકોએ, કુટુંબના મોનિટર મોભીઓએ, ઈશ્વરના ‘સોલ’ સેલિંગ એજન્ટોએ આટલી સ્વતંત્રતા આપવી જ પડશે. નહિ તો એ આઝાદ દેશના ગુલામ નાગરિકો પેદા થઈને કેદીની માફક મૂરઝાઈ જશે. આવો જોઈએ ફ્રીડમ મૂવમેન્ટ ઓફ યંગીસ્તાનનો જયઘોષ કરતા પાંચ મહાવ્રત, લાગણીઓમાંથી જન્મતી માંગણીઓનું મેગ્નાકાર્ટા! જ્યાં સુધી કેટલાય સ્વતંત્ર સુખી દેશોમાં સહજ આ પાંચ બાબતોમાં ભારતના યુવક-યુવતીને સ્વતંત્રતા નહિ મળે- ત્યાં સુધી પેટ્રોડોલર કમાઈને ભપકો કરતા ગલ્ફ દેશો જેવા આપણે- નફાખોર બનીશું, પણ જગત ધ્રુજાવી દેતુ ઈન્ડીપેન્ડન્ટ સુપરપાવર નહિ બની શકીએ!

(૧) પીડીએની આઝાદીઃ શેરબજારિયા ગુજરાતીઓ તો તરત કહેશે, પીડીએ (પર્સનલ ડિજીટલ આસિસ્ટન્ટ) તો મોબાઈલમાં આવી ગયા.- એમાં શું નવું છે? સોરી, આ વાત છે પીડીએ યાને પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેકશનની! અનેક વિકસિત રાષ્ટ્રોમાં જે સાવ સરળ સહજ છે, એવી જાહેરમાં ગમતા ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ કે પતિ-પત્ની કે પ્રેમીપંખીડાને એકબીજાને હગ તથા કિસ કરવાની આઝાદી! અનેકવાર લખાયું છે તેમ, આ આઝાદ દેશમાં જાહેરમાં પેશાબ થાય, પણ પ્રેમભર્યું ચુંબન ન થાય! આલિંગન આપો તો ટોળું એકઠું થાય, પણ કચરો ફેંકો તો કોઈ ઘ્યાન પણ ન આપે! જે સમાજ પોતાના કુદરતી આવેગોને આટલી હદે દબાવીને બેસતો હોય, એનું માનસિક સ્વાસ્થ્ય હાજતો દબાવવાથી બગડતા પેટના આરોગ્યની માફક જ બગડે- એ વૈજ્ઞાનિક સત્ય છે!

એમ ચોંકીને વાંચવાનું પડતું મૂકી બાથરૂમમાં ગંગાજળના બે ટીપાં નાખીને ન્હાવા દોડવાની જરૂર નથી. પ્રાચીન ભારતના ધાર્મિક ગણાતા સાહિત્યના વર્ણનો કે પાંચસો-હજાર વર્ષ પહેલાના કોઈ પણ શિલ્પો ય જોશો તો સમજાશે કે આમાં સંસ્કૃતિવાળી દલીલ તો ચાલે એમ જ નથી. રહી વાત આઘુનિકતાની, તો સુપ્રિમ કોર્ટે સોળ વર્ષે પરસ્પરના દેહસંબંધ, અઢાર વર્ષે લિવ ઈન અને જાહેરમાં ચુંબન-આલિંગનને ‘તોડબાજી’વાળો ગુનો ન ગણવા ચુકાદા આપી જ દીધા છે. ફાંદાળો પોલીસવાળો તમાકુ ચોળતો રોફ મારતો હોય, એ અશ્લીલ ચેનચાળા છે. છોકરો-છોકરી બગીચામાં પ્યાર કરતા હોય એ નહિ! એનાથી કુમળા તેજસ્વી દિમાગો બગડી જતા હોત તો બિલ ગેટસ કે સ્ટીવ જોબ્સ જીનિયસ ન બન્યા હોત, અને ટીવીમાં ય ચુંબન જોવાને પાપ માનતા રહેતા અફઘાનો તાલિબાનો ન થયા હોત!

(૨) કારકિર્દીની આઝાદીઃ ઓશિકાની બાજુમાં રાખેલા ટેડી બેરની પેઠે બચ્ચું કે બચ્ચીને કાખમાં બેસાડી, એની કરિઅર અંગે મમ્મી-પપ્પાઓ ‘ગાઈડન્સ’ લેવા નીકળે છે. આપણે પેલા ઢીંગલા-ઢીંગલીને પૂછીએ કે તમને શું કરવામાં મજા આવે? તો એ ક્યુટમાંથી મ્યુટ થઈ જાય છે. કારણ કે, આવું વિચારવાનું એને ટીચર- પેરન્ટસે કદી કહ્યું જ નથી. તરત મમ્મી કે પપ્પા બેમાંથી જે પોતાના અઘૂરા સપનાનો નેકસ્ટ એપિસોડ લખવામાં ઉત્સાહી હોય- એ ઝૂકાવી દે છે. ફલાણો કોર્સ કેવો? એડમિશન મળે તેવો? સાયન્સમાં ટકા નહિ આવે, અમે કોમર્સ રાખ્યું છે- ઈત્યાદિ.

થોડોક સુધારો શહેરી શિક્ષિત વર્ગમાં આવ્યો છે. પણ હજુ યે શિક્ષણના ધમધમતો વ્યવસાય લોખંડી પડદા તળે છે. અહીં સ્ટુડન્ટને ફ્રીડમ નથી, કે ગમતું ભણે. ફાવતું શીખે. કોર્સ સિલેક્ટ કર્યા પછી ચેન્જ કરે તો ઠોઠ ગણાય છે. રેડમેઈડ સરકારી કિતાબો ગોખવાની છે. હાર્ડ વર્ક કરી કટ ઓફ પોઈન્ટે પહોંચી આરામદાયક આવક આપતી કરિઅર બનાવવાની છે. બધે દિમાગ જ છે. દિલની આગ નથી. માટે યંગીસ્તાન ભણે છે, શીખતું નથી. સ્માર્ટ બને છે, એજ્યુકેટેડ નહિ! લેટ ધ યંગ કિડસ ચેઝ ધેર ઓઉન ડ્રીમ્સ એન્ડ એસ્પિરેશન્સ. કારકિર્દી જાતે પસંદ કરશે તો ઘડાશે, ઠોકી બેસાડવાથી જાણકાર મજૂર જ બનાશે!

(૩) ફ્રીડમ ઓફ ફેશનઃ કાગળ પર તો ભારત સ્વતંત્ર લોકશાહી છે. પણ હજુ છોકરાએ કેવી હેરસ્ટાઈલ રાખવી કે છોકરીએ કેવું સ્કર્ટ પહેરવું એ બાપુજીઓ નક્કી કરીને ઠોકી બેસાડતા હોય છે! જીન્સ પહેરવા જેવા મુદ્દે ૨૦૧૧માં ય યુનિવર્સિટી કે ધર્મસ્થળોમાં તરંગી ફતવાઓ બહાર પાડતો દેશ પોતાની જાતને કેલેન્ડરના જોરે જ એકવીસમી સદીમાં મૂકી દે છે! હજુ ય અહીં લગ્ન પછી ડ્રેસ પહેરવો કે નહિ, એ પુત્રવઘૂ માટે કેટલાય પરિવારમાં જીવન-મરણ જેટલો ઈમ્પોર્ટન્ટ ઈસ્યૂ બને છે. હજુ ય અહીં સરકારો શિક્ષિકાઓને ચોઈસથી નહિ, પણ ફોર્સથી સાડી જ પહેરવા મજબૂર કરે છે. હજુ અહીં પરણી ગયેલો દીકરો કઈ ટાઈ પહેરે એ ટાઈકૂન પપ્પાઓ જ ડિસાઈડ કરે છે!

સ્વતંત્રતા એક જવાબદારી છે, જેની ભારતને તાલીમ જ નથી મળી. છોકરીઓને બુરખામાં જ રાખવાની ઈસ્લામી સંસ્કૃતિ અને ટૂંકા સ્કર્ટ પહેરીને મંદિરમાં ન આવવું (ભલે ને મંદિરમાં લિંગપૂજા અને અનાવૃત શાલભંજિકા હોય!)ના નોટિસ બોર્ડ મુકતું હિન્દુત્વ સાચે જ હિન્દુ-મુસ્લીમ ભાઈભાઈનો સંદેશ આપે છે! અરે, તમને ડાયાબિટીસ હોય એટલે કોઈએ રસગુલ્લા નહિ ખાવાના? યુ ડોન્ટ ઈમ્પોઝ કન્ટ્રોલ ઓન અધર્સ, ઈફ યુ હેવ પ્રોબ્લેમ લર્ન ટુ કન્ટ્રોલ યોરસેલ્ફ. સ્વતંત્ર થવાની આ પહેલી શરત છે. છોકરીઓના કપડા લાંબા કરાવવાને બદલે પોતાની ટૂંકી નજરને નિયંત્રણમાં રાખતા શીખવાનું છે, આ પવિત્ર દેશના ધર્મનિષ્ઠ નાગરિકોએ!

(૪) જીવનસાથીની આઝાદીઃ કોઈ પણ સભ્ય માનવસમાજમાં એક પુરૂષ, એક સ્ત્રી (હવે અનેક તો મંદીમાં પોસાય ક્યાંથી?!) સદાય સાથે રહેવાનો નિર્ણય કરે, એ માટે લગ્નસંસ્થા આવી. ખાસ તો બાળઉછેર અને કમ્પેનિયનશિપ માટે. સરસ. હવે સિવિલાઈઝડ સોસાયટીમાં આ પ્રક્રિયા કેમ ચાલે? પહેલા પ્રેમ થાય. પછી સંબંધ બંધાય. પછી લગ્ન/યુગલત્વનું સહજીવન નક્કી થાય. ઈટસ નોર્મલ. ઈટસ નેચરલ. પ્રકૃતિ પણ આવી જ રીતે ચાલે છે- પેંગ્વીનથી પેન્થર સુધી. પણ ભારત તો ક્યાં માનવલોક છે? એ તો દેવભૂમિ છે! હવે દેવો પણ અહીં આ જ પ્રક્રિયાને અનુસરતા હતા, કારણ કે એ જ સાચી છે. પણ આપણે ત્યાં આજે ય હજુ ઘનચક્કરો ચક્કર ઉલટું ચલાવે છે. પહેલા લગ્ન નક્કી કરો. પછી સંપર્ક- સંબંધ થવા દો. પછી પ્રેમ થાય, તો ઠીક છે. ન થાય, તો સમાજની બીકે, આબરૂની આમન્યાઓ નિભાવીને ઢસડયે જાવ.

કોઈ એકસ્ટ્રામેરિટલ અફેર્સ કરે, કોઈ બારમાં જઈ ઠેકડા મારે. પણ લવમેરેજને ગાળો આપે. ડેટિંગને ડેવિલ માને! ફક્ત જ્ઞાતિને લીધે લગ્ન કરાવતો અને તોડાવતો આ પૃથ્વી ગ્રહ પરનો સવા અબજનો એકમાત્ર સંકુચિત સમાજ છે, અને આપણે ક્યા મોઢે સ્વાતંત્ર દિનની ઉજવણીઓ કરવાના પોકારો કરીએ છીએ? લાલ કિલ્લા પર શું ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન ખાપ પંચાયતોને ખીલો ઠોકવાનું એલાન કરશે કદી? જીનેટિકલી પણ ભારત નબળી- નમાલી પ્રજાનો દેશ છે, એનું કારણ પણ આ છે. જે પ્રજા પ્રેમ કરી શકે, એ જ લડી શકે. એટલે ભારતના સુવર્ણયુગમાં જે યોદ્ધાઓ હતા, એવા સ્વાતંત્ર્યયુગમાં વીરલાઓ નથી!

(૫) ફ્રીડમ ટુ બી એડલ્ટઃ આપણી ડેડી-મમ્મીની સમજ ધરાવતી સોસાયટી છે. પપ્પા ડારો આપે, મમ્મી લાડ કરી પાલવમાં સંતાડી આપે. અહીં ઈન્ટરનેટ પર ખુદના કોમ્પ્યુટરમાં એડલ્ટ કન્ટેન્ટ કે ચિત્રો જોનાર વિકૃત ગુનેગાર ગણાય છે, અને કરોડોના કૌભાંડો કરનારા આઝાદ છે! જુવાન દીકરા- દીકરીઓને ટ્રેકિંગના કેમ્પમાં કે ફ્રેન્ડસ સાથે ફિલ્મ જોવા જવું હોય તો પૂછવું પડે છે. જેમાંથી એમનું ઘડતર થાય, એમને જાતમહેનતે જવાબદાર થવાનું કોચિંગ  મળે, એવા એડવેન્ચર કે શિબિરમાં એટલે જવાની છૂટ નથી મળતી કે ‘એ નાના છે, નાદાન છે! અરે, અહીં તો પ્રધાન પણ નાદાન છે!  નાદાનિયત ભૂલો કરશે, તો દૂર થશે. માથે પડશે, તો આવડશે. સારા-ખોટાની સમજણ આપી શકાય, એ પરાણે લાદી ન શકાય. પોર્નોગ્રાફી હોય કે માઉન્ટેનીઅરિંગ, વોલીબોલ હોય કે સાલ્સા ડાન્સિંગ, શાસ્ત્રીય સંગીત હોય કે ટેકનીકલ પ્રોજેક્ટ- ગિવ ફ્રીડમ ટુ ચુઝ, યુ હેવ નથિંગ ટુ લૂઝ. જેની ચોઈસ સ્યોર બનશે, એ જ મેચ્યોર બનશે!

બધી ફિલ્મો બાળકો- વડીલોની જ ન હોય. પુખ્ત વયના યુવાનોને પણ જે ગમે, તે માણવાનો- પડદા પર ન્યૂડ સીન નિહાળવાનો જન્મસિદ્ધ હક છે. પરિપકવ સ્વાતંત્ર્ય ત્યારે કહેવાય જયારે સર્જકોને બિનશરતી અને સંપૂર્ણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મળે. વાસ્તવમાં ગંદકી કે ગુનાખોરી સામે ન બોલનારા તરત કાલ્પનિક કળાના મામલે ઉહાપોહ મચાવે છે. ફ્રીડમ વિના ક્રિએટિવીટી ખીલે જ નહિ. અહીં દર બીજો માણસ સેન્સર બોર્ડ હોય છે ! સર્જક લાખે એક પણ નથી ! ફિલ્મ, ચિત્ર, લેખનની આઝાદી નથી, ત્યાં જીવનની શું હોય? પુખ્ત બનવાની ય ય સ્વતંત્રતા નથી, તો પછી સોરી, સ્વાતંત્ર્ય દિન ભૂતકાળ માટે છે, ભવિષ્ય માટે નથી.

ફાસ્ટ ફોરવર્ડ

“ખરી સ્વતંત્રતા એ કે જયારે બીજાને બહાર હા કહેતી વખતે આપણી જાતને અંદરથી ના ન કહેવી પડે!” (પાઉલો કોએલ્હો)

 
28 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 14, 2011 in fun, india, youth

 

મેરિટોક્રસી, વર્ણાશ્રમ અને અનામત : આજની અનામત, આવતીકાલ કેટલી સલામત ?


કદાચ ગુજરાતી બ્લોગના ઇતિહાસમાં આ સૌથી લાંબી બ્લોગપોસ્ટ તમે (જો ધીરજ, હિંમત અને રસ હોય તો!) તમે વાંચવા જઈ રહ્યા છો. અનામત આખા દેશનો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. મેં કુલ ૫ લેખો અત્યાર સુધી વિવિધ તબક્કે જે-તે ઘટનાને અનુલક્ષીને તેના પર લખ્યા છે. આપણા દેશમાં કોઈને પણ કંઈ બે સાચી વાત કહો, તો ‘જાવ પહેલા આને કહો’ , એવો બાલિશ પ્રતિભાવ મળતો હોય છે. મારા જેવો તો દરેક ને સમય સમય પર જે સાચું લાગે એ કહેતો હોય છે. અને કોઈ મને કંઈ કહે તો ય એ ડીલીટ કરતો નથી હોતો. સંમત ના હોઈએ તો ય ઊંડો વિચાર તો કરવો જોઈએ. ‘આરક્ષણ’ ફિલ્મનો વિરોધ અને જોયા વિના જ પ્રતિબંધ મુકવાની માનસિકતા આટલી સંકુચિત ઉઘાડેછોગ હોવા છતાં, શુભ હેતુથી તેના પર ધ્યાન ખેંચીએ ત્યારે ‘ભદ્ર’ માનસિકતાનું આળ લલાટે લગાડી દેવા ક્યારેક મિત્રો તત્પર હોય છે. અનામતની ખોટી નીતિ અને એનો એથી યે ખોટા અમલનો વિરોધ કરીએ , એટલે કેટલાક મિત્રો દલિતવિરોધી ગણી લે, ત્યારે દુઃખ થાય છે. અંગત રીતે જ્ઞાતિવાદનો હું સખત વિરોધી રહ્યો છું, ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમની ભૂલ અંગે પૂર્વજો વતી હું જાહેર મંચ પરથી માફી માંગી ચુક્યો છું. રોટી-બેટી કોઈ પણ પ્રકારના ભેદભાવનો હું હાડોહાડ વિરોધી છું, પણ મેરિટ યાની લાયકાતનો હાડોહાડ તરફદાર છું. વિશ્વભરનો ન્યાય પણ એ જ કહે છે. આ સાડા ચાર હજાર શબ્દોમાં ચીવટ પૂર્વક અગાઉના પાંચેય લેખોનું સંકલન કર્યું છે. (એમાં હકીકતદોષ હોય તો સુધારવાની તૈયારી છે) એ એકસાથે વંચાય , એ ઈરાદાથી જ એની સીરીઝ નથી કરી. એમાં મૂળ હાર્દ તો એજ રહે છે, છતાં ય ફિલ્મ આરક્ષણ જોઈને હજુ કેટલાક અહીં ન સમાવાયેલી દલીલો અને હકીકતોને આવરી લેતો એક નવો લેખ પણ લખવાની ઈચ્છા ખરી, જે કોલમમાં આવશે. ફેસબુક પર સ્વસ્થ ચર્ચા ચાલી છે એની લિંક પર પણ ફુરસદે નજર નાખી શકો છો. મેં આદતવશ શક્ય તેટલી સરળ અને રસાળ રજૂઆત કરવા પ્રયત્ન કર્યો છે, પણ અહીં વાર્તા કે રોમાન્સ નથી. નક્કર હકીકતો છે. થોડી શુષ્ક કે કંટાળાજનક લાગી શકે. પણ આવી બાબતોના મુદ્દાસર ઊંડાણમાં ઉતરવાની આપણી આળસને લીધે જ ભારતની આવી અવદશા છે. માટે શાંત ચિત્તે, ભલે ટુકડે ટુકડે, ચા ગટગટાવી, આળસ મરડી, થાક ઉતારવા બ્રેક લઈને પણ આ વાંચી જઈ પછી એને ચાવી ચાવીને પચાવશો, તો દેશની તબિયત સુધરશે. અભ્યાસ પણ કરવો જોઈએ ક્યારેક ફાયદા-ગેરફાયદાના વિચાર વિના. જે એ કરે છે, એ ઉજળિયાત, ને જે એમાં કંટાળે એ પછાત –કદાચ ૨૧મી સદીના અંતે ય આ વર્ગભેદ રહેશે. 😛

**દુનિયામાં બે વર્ગના લોકો હોય છે : એક જે માને છે કે દુનિયામાં બે વર્ગના લોકો છે, બીજા જે નથી માનતા! (રોબર્ટ બેન્શલે)**

પશ્ચિમની એક ખૂબ જાણીતી બાળ બોધકથા છે. એના પરથી એનિમેશન ફિલ્મો પણ બની છે ધ ઍન્ટ એન્ડ ગ્રાસહોપર. કીડી અને તીડ (હિન્દી મેં બોલે તો તીતીઘોડા !)

કાતિલ હિમવર્ષના શિયાળાની તૈયારી માટે કીડી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરતી હતી. કીડીએ ઘર બનાવ્યું એમાં ધીરે- ધીરે કણ- કણ એકઠા કરીને ખાધાખોરાકીનો પુરવઠો એકઠો કર્યો. કીડીનો પાડોશી તીડ કીડીની આ મજૂરી જોઈ એની મુર્ખાઈ પર ઠેકડી ઉડાવતો હતો. એ ગાતો રહ્યો, નાચતો રહ્યો બેફિકર થઈ મોજ કરતો રહ્યો. કીડી એકલપંડે ઢસરડો કરતી ગઈ.

હાડ થિજવી નાંખે એવો શિયાળો આવ્યો. મહિનાઓ સુધી બહાર નીકળી શકાય તેમ નહોતું. કીડીએ તો આગોતરી તૈયારી કરી હતી એ સુરક્ષિત ઘરમાં સલામત રીતે દિવસોની મજદૂરીથી એકઠા કરેલા ખોરાકનો ઉપયોગ કરતી રહી. સખત કામ પછી એણે લીલાલહેરવાળો આરામ જીત્યો હતો.

પણ તીડ પાસે નહોતું એવું કોઈ ઘર, નહોતો કોઈ ખોરાક. એ ઠંડીમાં ઠૂઠવાતો ગયો. મોજમસ્તીની હવા નીકળી ગઈ. તીડ મરણતોલ દશામાં તરફડિયા મારવા લાગ્યો.

વેલ, આ સુપ્રસિદ્ધ કહાનીને બ્રેક મારીએ. ડિજીટલ યુગમાં આ પાશ્ચાત્ય કહાણીનું પણ રાજેશ રોશન અને પ્રીતમની શૈલીમાં ભારતીયકરણ કરી નાખીએ. બોધકથાનું ઇન્ડિયા સ્પેશ્યલ ઇ-વર્ઝન વાંચ્યું છે ? નહીં ? લિજીયે, પેશ-એ-ખિદમત હૈ….

* * *

તો સાહિબાન, કદરદાન વાર્તાની તમને તો ખબર છે. મહેનતકશ કીડી ઉનાળાની ગરમીમાં ડગુમગુ કામ કરીને ઘર બનાવતી હતી. મુસીબતમાં કામ આવે એ માટે સપ્લાય સ્ટોકની બચત કરતી હતી. તીડ એને બેવકૂફ માની હસતો હતો. ગાતો- નાચતો અને આરામ કરતો હતો.

અને ઠંડોગાર શિયાળો આવ્યો.

તો ? ભારતીય તીડ ઠરીને ઠીકરું થઈ ગયું ? શું વાત કરો છો ?

તીડે કેટલાક પોતાના જેવા જ ઉનાળામાં આળસ કરી ગયેલા પઠ્ઠાઓ એકઠા કર્યા. પછી એણે એક પ્રેસ-કોન્ફરન્સ બોલાવી. વાઉચરના કવર પકડાવીને એણે સવાલ ઉઠાવ્યો : શા માટે માત્ર કીડીઓને જ ઠંડીમાં ગરમ ઘરમાં પૂરતી ખાધાખોરાકી સાથે રહેવાનો લાભ મળે છે ? જ્યારે સેંકડો તીડ ભૂખ્યા પેટે મરી રહ્યા છે, ત્યારે તત્કાળ ધોરણે કીડીઓના આવાસમાં એમને જગ્યા મળવી જોઈએ. એના ખોરાકમાંથી ગરીબ બાપડા જીંદગી બચાવવાનો સંઘર્ષ કરતાં તીડોને મફત ભોજન મળવું જોઈએ. આ તો હડહડતો અન્યાય છે. કીડી આટલી સુખી અને અમે આટલા દુઃખી ?

એનડીટીવી, આજતક, બીબીસી, ઇન્ડિયા ટીવી, સહારા, ઝી, સ્ટાર… તમામ ન્યુઝ ચેનલોને જબ્બર બ્રેકિંગ ન્યુઝ મળ્યા. ધડાધડ સ્પેશ્યલ બુલેટિન પ્રસારિત થયા. એક વિઝ્‌યુઅલમાં ઠંડીમાં ખુલ્લામાં ઘુ્રજતું તીડ દયામણું મોં કરીને રડતું હતું. તરત જ બાજુમાં બીજું વિઝ્‌યુઅલ આવ્યું જેમાં કીડી આરામદાયક ઘરમાં હૂંફળી આગ પેટાવીને ખાણીપીણીથી સજાવેલ ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી !

દુનિયા આવો વિરોધાભાસ જોઈને સ્તબ્ધ બની ગઈ. અરર… બિચારા ગરીબ તીડને આટલી પીડા ? ને કીડી જલસા કરે ?

અરૂંધતી રોયે કીડીના ઘર સામે હાથમાં પાટિયું પકડીને વિરોધ પ્રદર્શન શરુ કર્યું. મેધા પાટકરે નિર્વાસિત તીડોનો પ્રશ્ન ઉઠાવી પ્રતીક ઉપવાસ કરી રહેલા કેટલાક તીડો સાથે આમરણાંત ઉપવાસની ઘોષણા કરી. ઘરબાર વિના ભટકતા તીડનું હૂંફાળી જગ્યામાં પુનર્વસન ન થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી.

ફાઇવ સ્ટાર હોટલના એરકન્ડીશન્ડ રેસ્ટોરાંમાં બેસીને ડ્રિન્ક લેતી કેટલીક સેલિબ્રિટીઝને ઘુબાકા મારવા માટે નવો સ્વીમિંગ પુલ મળ્યો. નિસબત, કન્સર્ન, સોશ્યલ રિસ્પોન્સિબિલીટી જેવા શબ્દો ગોખતી ગોખતી એ સેલિબ્રિટીઝ અરમાનીના ‘પીસ એન્ડ ઇક્વાલિટી’ વ્હાઇટ કલેક્શનના ડિઝાઇનર શ્વેત વસ્ત્રો ઠઠાડીને આંસુ છુપાવવા ‘કાર્ટિયર’ના ‘બાયોગોગલ્સ’ ચડાવીને ટેકો આપવા પહોંચી ગઈ.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને યુનોના મહામંત્રી બાન કી મૂને ભારતીય તંત્રની ઝાટકણી કાઢી. સમાજના છેવાડે ઊભેલા બાપડા ભૂખ્યાદુઃખ્યા તીડોને એમના મૂળભૂત માનવ અધિકારોથી વંચિત કેમ રાખવામાં આવે છે ? એ સવાલ પૂછીને એના પર સૂટેડબૂટેડ એક્સપર્ટસે ઇન્ટરનેશનલ કન્વેન્શન્સમાં ડિબેટ શરૂ કરી.

ઇન્ટરનેટ પર ‘તીડ બચાવો’ના સ્લાઇડ શૉ અને ઇ-મેઇલ ફરવા લાગ્યા. કેટલાકમાં તીડને મદદ કરવાથી કેવું સ્વર્ગ અને શાશ્વત શાંતિ મળશે, અને ન કરવાથી કેવો પ્રભુનો કોપ ઉતરતશે – એવા ધાર્મિક ઉપદેશો એ આપનારાના કરમુક્ત ટ્રસ્ટના સરનામાઓ પણ હતા. નવજાત ટીનેજરોએ ઓરકુટ/ફેસબુક  પર ‘ગ્રાસ હોપર્સ હોપ’ની કોમ્યુનિટીઝના ઢગલા કરી નાંખ્યા. કેટલાક કોર્પોરેશનની ટિકિટ ગુમાવી ચૂકવાથી નવરા પડેલા વકીલોએ તીડની સુખસુવિધા માટે જાહેર હિતની અરજી કરી !

વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યો. લાલકૃષ્ણ અડવાણીએ સોનિયા ગાંધીની માફીની માંગ કરી. ક્વોટામાં એડમિટ થયેલા ડોક્ટર્સને બદલે વિદેશી તબીબો પાસે સારવાર કરાવી સોનિયા ગાંધીએ ‘તીડ કે લિયે હમ સ્પેશ્યલ પેકેજ દેના ચાહતે હૈ’ વાળી સ્પીચ રાતોરાત ગોખવાની શરૂઆત કરી.

ડાબેરીઓએ દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપ્યું. જેની અસર અલબત્ત પશ્ચિમ બંગાળ, કેરલ અને ત્રિપુરામાં જ થોડીઘણી થઈ. સીપીઆઇ (એમ) અને સીપીએમે સાથી પક્ષો સાથે સંતલસ કરીને એક ઠરાવ પસાર કર્યો કે, સમાજમાં સમાનતા લઈ આવવા માટે – ઉનાળામાં કીડીએ સખત મહેનત કરી ખોરાકનો સંગ્રહ ન કરવો જોઈએ. – આવી વૃત્તિ- પ્રવૃત્તિથી અમીર- ગરીબ વચ્ચેની ખાઈ પહોળી થાય છે. માટે કીડીની કામગીરી પર સીલીંગ લઈ આવી, એના પર વઘુ ટેક્સ અને મહત્તમ અંકુશ લઈ આવતો કાયદો ઘડવો જોઈએ.

લાલુપ્રસાદ યાદવે તત્કાળ તીડો મફત મુસાફરી કરી શકે એ માટે ‘તીડરથ એક્સપ્રેસ’ ટ્રેનની જાહેરાત માટે માંગ કરી – લધુમતીઓ અને પીડિતશોષિત વંચિત વર્ગોના આગેવાનોએ તીડ સાથે હમદર્દી બતાવી, એનજીઓને વર્લ્ડ બેન્કમાંથી ‘તીડનગર’ ઊભું કરવાની લોન ઉઘરાવવાની અપીલ કરી. ગ્રામ્યજીવનના ખોળે ઉછરેલા ગુજરાતી સાહિત્યકારોએ ‘તીડ ૩૦૩’ નામના કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું.

૩૪૭ લવાજમો પર ચાલતા વૈચારિક સામયિકોમાં તીડની વ્યથાની થીમ પર ૨૯ વાર્તાઓ છપાઈ ગઈ. હિન્દી ‘ખડપીઠ એવોર્ડ’ ‘તીડ કી તીખી તકલીફે ઔર બાજારવાદ કા રાક્ષસ’  નિબંધ સંગ્રહને મળ્યો. હિન્દુ સંગઠનોએ ‘ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસામાં તીડના યોગદાન’ ઉપર તત્કાળ ‘સર્ચ’ કરાવીને પાળીતા ઇતિહાસકારો પાસેથી એની પુસ્તિકા લખાવીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું.

અંતે, જ્યુડિશ્યલ કમિટીએ ‘પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ અગેઇન્સ્ટ ગ્રાસહોપર્સ એક્ટ’ (POTAGA) નામના સૂચિત બંધારણીય કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો. ‘પોટાગા’નો અમલ શિયાળાની શરૂઆતથી કરવાનો નિર્ણય લેવાયો. દિગ્વિજયસિંહ દ્વારા તીડોને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં ‘સ્પેશ્યલ રિઝર્વેશન’ આપવા તત્કાળ બંધારણીય સુધારાની માંગનો અમલ થયા બાદ, કીડીને ‘પોટાગા’ના ભંગ બદલ આકરો દંડ ફટકારાયો !

એટલી રકમ કીડી પાસે ન હોઈ એનું ઘર સરકારે જપ્ત કરી લીઘું અને વડાપ્રધાને એક ભવ્ય સમારંભ કરીને તીડને એ ઘર ભેટમાં આપ્યું. જેનું કવરેજ તમામ ચેનલોએ લાઇવ કર્યું. ક્રિકેટ લીગમાં કમાયેલા ક્રિકેટર્સે પોતાના એક લોગોની કમાણી તીડને આપી, આ થીમ પર પણ બોલીવૂડ ફિલ્મમેકર્સે ‘જીવન કા સંઘર્ષ’, ‘મજબૂર કા ખૂન’, ‘હમ હોંગે કામિયાબ’ જેવી ફિલ્મોના ટાઇટલ રજીસ્ટર કરાવ્યા. સ્કૂલોમાં ટીચર્સે ચિલ્ડ્રનને ન્યુઝપેપરમાંથી કટિંગ કરીને તીડઘર બનાવવાનો ‘સોશ્યલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી’ પ્રોજેક્ટ આપ્યો.

અરૂંધતી રોયે એને ‘ન્યાયનો વિજય’ કહી હવે ફાંસીની સજા રદ કરાવવી જોઈએ-વાળો નવો મોરચો ખોલ્યો. લાલુપ્રસાદે ‘પિછડે વર્ગો કા ઉત્થાન’ પર પ્રવચન આપ્યું. માયાવતીએ ‘તીડ અબ નહીં સહેંગે લાચારી, દિલ્લી પર રાજ કરેગી સરકાર હમારી’નું નવું સૂત્ર બનાવ્યું. પ્રકાશ કારતે ‘રિવોલ્યુશન ઇન રિસર્જન્સ ઓફ ડાઉનટ્રોડન’ પર ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું આયોજન કર્યું.

બાન કી મૂને તીડને યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આપ્યું. અમેરિકાએ તીડને માનદ નાગરિકત્વ આપી માનવ અધિકાર અંગે વિશ્વભરમાં ક્યાંય પણ દખલ થાય, એ અંગે પ્રમુખની ઊંડી ચિંતા વ્યક્ત કરી.

ને ઘણાં વર્ષો વીતી ગયા….

કીડી એનઆરઆઇ થઈ ગઈ છે અને અલગ- અલગ દેશોમાં એની કંપનીઓ છે.

સેંકડો તીડ હજુય આ શિયાળામાં ભારત ખાતે ભૂખમરાથી મરી રહ્યા છે. જો કે, સરકારે એમને હવે ખોરાક અને આવાસ માટે ૬૪% અનામત આપેલી છે.

અને ભારત ?

અનેક મહેનતુ અને પ્રતિભાશાળી કીડીઓ દેશ છોડીને ચાલ્યા જવાથી અનેક અઢળક કામચોર તીડોનું ભરણપોષણ કરવાથી ભારત ઇ.સ. ૨૦૩૮માં ય હજુ એક ‘વિકાસશીલ’ દેશ છે. જે રોજ સવારે યોગથી હવે વૃદ્ધને બદલે બાળક જેવા લાગતા બાબા રામદેવજીની શિબિરોમાં ભારત મહાસત્તા બનીને દુનિયા પર કેવી રીતે રાજ કરશે એના સપનાઓ સાંભળ્યા રાખે છે.

* * *

નાના પાટેકરની ‘દીક્ષા’ નામની એક અદભુત ઓફબીટ ફિલ્મ વર્ષો પહેલા આવી હતી. નાના એમાં એક અછૂતની ભૂમિકામાં હતો. બ્રાહ્મણ માલિક મનોહરસિંહની વિધવા પુત્રી સગર્ભા બની જાય છે એવા કથાનકવાળી આ ફિલ્મમાં ભેદભાવ અને અસ્પૃશ્યતાથી અકળાઈ ઉઠેલો નાના પોકારી ઉઠે છે :

‘મુઝે હવા છૂ સકતા, પાની છૂ સકતા, સૂરજ છૂ સકતા, પેડ છૂ સકતા… લેકિન બ્રાહ્મણ નહીં છૂ સકતા!’

* * *

વર્ણાશ્રમવ્યવસ્થાની તરફેણ કરીને, ઉછળી ઉછળીને એના હવાલા આપનારા અને એની પ્રાચીન અનિવાર્યતા સિઘ્ધ કરનારાઓને માટે એક હોમવર્ક છે. રોજ પ્રાતઃકાળે મળત્યાગ કર્યા પછી એ મહાનુભવોએ શૌચાલયમાં પાણી નાખવાનું કે ફલશ કરવાનું બંધ કરી, નિજ ઉત્સર્ગદ્રવ્યોને સ્વયમેવ ઉંચકીને ગામની ગટર સુધી પહોંચાડવા. એ પછી જ એમના દિવ્ય અભિપ્રાયો આપવા!

ભગવદગીતામાં ભગવાને ‘ચાતુર્વણ્ય મયા સ્રષ્ટા’ કહ્યું કે ખલ્લાસ, તમામ હિન્દુઓએ આ શ્રત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્રના વર્ણાશ્રમને સર્ટિફાઈડ શ્રેષ્ઠતા માની લેવાનો આ આધાર બનાવવાની પેરવી ઘણા ધર્મગુરૂઓ કરતા રહ્યા છે. ધર્મગ્રંથ હોય કે સાહિત્ય, કોઈ પણ પ્રાચીન પુસ્તકને યથાતથ (ઈટ મીન્સ, જેમનું તેમ) વર્તમાનમાં સ્વીકારી કે ઉતારી શકાય નહીં. જમાનો એક સતત બદલાતી જણસ છે. મનુસ્મૃતિમાં વર્ણાશ્રમની આચારસંહિતા બનાવવાવાળા મનુ મહારાજને કયાં શોધવા જઈશું? પણ એનો ચાલાક એકાઉન્ટન્ટ ૩૧મી માર્ચની રાતે કરે, એવો તોડીમરોડી ટાંગામેળ કરીને વર્ણાશ્રમ વ્યવસ્થાને યોગ્ય સાબિત કરનારાઓને શોધવાનું શકય છે.

શ્રમવિભાજનને સમાજવ્યવસ્થાની જરૂરિયાત માનો તો પણ એ ગુણ આધારિત હોવું જોઈએ, જન્મ આધારિત નહીં. વેપારમાં રૂચિ તે વૈશ્ય અને અભ્યાસમાં રસ એ બ્રાહ્મણ – એવા વિશેષણો હજુ પણ ચલાવી શકાય, પણ માત્ર જૈવિક અકસ્માતરૂપે કોઈ મા-બાપની કૂખેથી જન્મ લેવાને કારણે જ એક ચોક્કસ વ્યવસાય અને જીવનસાથી સ્વીકારવા પડે, એ કયાંનો ન્યાય? એમાં ય બ્રાહ્મણ એટલે ઉંચા અને શુદ્ર એટલે નીચા એવા પગથિયાં શા માટે?

જે વઘુ જાણકાર, વઘુ હોશિયાર, વઘુ બહાદૂર, વઘુ નીતિવાન એ ઉંચો, અને જે અજ્ઞાની, અબૂધ, ડરપોક અને દુરાચારી એ નીચો આ બે જ વર્ગનું ‘પ્રાકૃતિક વિભાજન’ છે. પણ શંબૂક શૂદ્ર બની તપસ્યા કરે તો મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ તેનો વધ કરે, એ રામાયણ સાથે જોડાયું છે. (વિદ્વાનોનું એવું માનવું છે કે વાલ્મીકિ રામાયણમાં આ આધારભૂત નથી, કારણ કે એવું હોય તો ખુદ વાલ્મીકી જ શૂદ્ર હતા!) એકલવ્યને દ્રોણાચાર્યના ‘રોયલ ટયુશન કલાસ’માં ફી દેવાની તૈયારી પછી પણ એડમિશન તો ન જ મળે, ઉલટું બીજે ભણવાનો અધિકાર (બાણાવળીનો અંગૂઠો) છીનવી લેવાય. કર્ણકથા પ્રત્યેક ભારતપ્રેમીને કંઠસ્થ છે.

કયાં જન્મવું એ કંઈ માણસની પસંદગી નથી, પણ જન્મ લીધા પછી શું કરવું, શું બનવું… એ જરૂર માણસની ‘ચોઈસ’ છે. એમાં આડે આવનાર રાક્ષસ છે.

નવાઈની વાત તો એ છે કે, જે પ્રાચીન ભારતીય ભવ્યતાનો ગાઈવગાડીને હવાલો આપવામાં આવે છે – એમાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું ખોખલાપણું પુરવાર થઈ ચૂકયું છે. ટેઈક સમ સેમ્પલ એકઝામ્પલ્સઃ ધર્મ, નીતિશાસ્ત્ર, ચિન્તન, દર્શન, પૂજા આ બઘું બ્રાહ્મણકૂળનો જ અબાધિત અધિકાર? રાઈટ? તો પછી ભારતમાં મોટા ભાગના ધર્મ, તત્વદર્શન, નીતિના ‘અલ્ટીમેટ આઈડોલ્સ’ તો બ્રાહ્મણ તરીકે જન્મેલા છે જ નહિ! ભારતીય આસ્થાની બે ડાબી – જમણી આંખ જેવા ચરિત્રો કૃષ્ણ અને રામ, જૈન અને બૌઘ્ધ જેવી બે આગવી વિચારધારાઓના જનક મહાવીર અને ગૌતમ બુઘ્ધ, ગાયત્રી મંત્રના સંભવિત રચયિતા ગણાતા ૠષિ વિશ્વામિત્ર – આ તમામ તો ક્ષત્રિય હતા! આ નામો વિનાના ભારતીય ધર્મની કલ્પના થઈ શકે છે?

એવી જ રીતે રાજયપ્રશાસન એ ક્ષત્રિયોનો જન્મસિઘ્ધ હક ગણો તો પછી ચાણકય, ગાંધી કે સરદાર જેવા હિસ્ટોરિકલ પોલિટિકસ એડમિનિસ્ટ્રેટર્સ જન્મે ક્ષત્રિય હતા જ નહિ!

જસ્ટ થિંક, ક્ષત્રિય હોવાને લીધે કૃષ્ણને ગીતાનો ઉપદેશ કરવાની ના પાડવામાં આવે કે બ્રાહ્મણ હોવાને લીધે ચાણકયને મગધના રાજયતંત્રમાં માત્ર શિક્ષક જ બનાવી રાખવામાં આવે… આવું વિચારી શકો છો? તો પછી એ જ ફલેકિસબિલિટી શૂદ્રો માટે કેમ નહિ?

મુદો ફરી ફરીને એ જ રહે છે : માણસમાં જે કોઈ ચોક્કસ કામ કરવાની નેચરલ ટેલન્ટ હોય, અને અંગત રૂચિથી કોઈ ક્ષેત્રમાં સફળ થવાની ક્ષમતા હોય… તો એના બેકગ્રાઉન્ડ, જ્ઞાતિ, ધર્મ કે જન્મને ઘ્યાનમાં લીધા વિના એને વિકસવાની, પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત કરવાની સમાન તક અને હક આપે એ જ શિક્ષિત, સભ્ય અને સુસંસ્કૃત સમાજ! બાકી તો એને જંગલી પણ ન કહેવાય… કારણ કે, જંગલમાં છૂત – અછૂત જેવા ભેદભાવ હોતા નથી!

જો આ વાત સાથે સંમત થતા હો, તો આ આખા ય વિચારનું નામ છે : મેરિટોક્રસી. જેમનામાં મેરિટ યાને (જે – તે કામને અંજામ આપવાની) ગુણવત્તા છે, એને જ ઘ્યાનમાં રાખવાનું એના જન્મ, રંગ, સામાજીક – કૌટુંબિક – આર્થિક સ્થિતિ, ભાષા કે સ્ત્રી – પુરૂષ, શહેરી – ગ્રામ્ય, હિન્દુ – મુસ્લીમ જેવા ‘લેબલ્સ’ને નહિ. જેટલા ‘ટાઈટલ’ ઓછા, એટલો સમાજ સુખી.

* * *

મેરિટોક્રસી એક એવો કોન્સેપ્ટ છે, જે ભારતનો વર્તમાન સમાજ પચાવી શકતો નથી. અને એની મોટા ભાગની સમસ્યાઓના મૂળ અહીં છે. લગ્ન માટે સ્ત્રી – પુરૂષનો પરસ્પરનો પ્રેમ, સંમતિ, એમના ગમા- અણગમા, એમને એકબીજાને અનુકૂળ આવે એવી આદતો કે શોખ જુઓ – એ ‘મેરિટ’ છે. પણ એમાં પૈસા, ખાનદાન, જ્ઞાતિ, ધર્મ જ આપણો સમાજ જોયા કરે છે.

ભારત એક જ એવો દેશ હશે કે જીવનનો સૌથી મહત્વનો આ નિર્ણય મેરિટોક્રસી તો શું ડેમોક્રસી (લોકશાહી) મુજબ પણ લેવાતો નથી. એ લેવાય છે વડીલોની ઓટોક્રસી (સરમુખત્યાર શાહી) મુજબ! એવું જ વેપારના ક્ષેત્રમાં છે.

અહીં વેપારી પેઢીઓની સંસ્કૃતિ છે: એલિટોક્રસી! કોર્પોરેટ સીસ્ટમનું માત્ર માળખું છે. બાકી અંદરનું કંકાલ વારસાગત વંશપરંપરાનું જ રહ્યું છે. ગમે તેટલું મેરિટ હોય, ધંધાકીય સુકાન તો નબળા વારસદારોને જ મળે! સેઈમ વિથ એન્ટરટેઈનમેન્ટ એન્ડ એજયુકેશન!

લગભગ ૩ વર્ષ પહેલા અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે ‘‘બોલીવૂડમાં છેલ્લા બે દસકામાં જેનું કોઈ જ ફિલ્મી કનેકશન કે ફેમીલી બેકગ્રાઉન્ડ ફિલ્મી ન હોય એવા બે જ પુરૂષો એ ગ્રેડના સ્ટાર બની શકયા છે : હું (અક્ષય) અને શાહરૂખખાન!’’ (જેકી કે સુનીલ શેટ્ટી કદી એ ગ્રેડમાં ન પહોંચ્યા અને આમીર, સલમાન, સંજય દત્ત, અનિલ કપૂર, હૃતિક, વિવેક, ગોવિંદા, અક્ષય ખન્ના, ઇમરાન હાશ્મી… બધાના ‘છેડા’ કયાંક અડતાં હોય ને જહોન અબ્રાહમ જેવા બિપાશાના ટેકે આવ્યા હોય!)

શિક્ષણ ક્ષેત્રે પણ જે ઉદ્યોગપતિઓ પૈસા રોકી શકે છે, અને જે રાજકારણીઓ કાનૂની ગુંચ ઉકેલી શકે છે- એ ‘કેળવણીકાર’ છે જેમની પાસે શિક્ષણની દ્રષ્ટિ કે લાયકાત છે, એ ફકત નોકરિયાત છે!

આમ કેમ? કદાચ આપણાં ધાર્મિક આદર્શોના આદેશોએ આપણને મર્યાદા સામે શીશ ઝુકાવતાં શીખવ્યું છે. મેરિટ સામે નહીં! ભગવાન સિવાય આપણે કોઇને મહાન ગણતાં નથી અને પૂજન આ ભૂમિમાં આસ્થાથી થાય છે, આવડત પર નહીં! વળી મેરિટોક્રસી માટે જે પ્રિય મિત્ર ગણાય એ બાબત ભારતમાં દુષ્ટ દુશ્મન બની ગઇ છેઃ! ડેમોક્રસી યાને લોકશાહી!

ભારતીય રાજકારણીઓ માટે લોકશાહી એટલે એક ટૂચકો છે, તેમ ‘તુમ મુઝે આઝાદી દો, મૈં તુમ્હારા (પબ્લિક કા) ખૂન તો જરૂર લે લૂંગા!’ લોકોના ભલા માટે નહીં, નેતાઓના ભલા માટે સરકાર ચલાવવામાં આવે છે. લોકભાગીદારીની વાત છોડો, લોકોના અભિપ્રાયોની પણ કોઇ નોંધ લેતું નથી. આદમીઓ ખુરશીએ બેઠા છે કે એમને સત્તા પૂરતો જ સિદ્ધાંતમાં રસ છે. જૂજ અપવાદોમાં જ સિદ્ધાંત ખાતર સત્તામાં રસ પડે છે માટે એક ‘ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ – આપણી સંસદ અને વિધાન સભાઓના નોનસ્ટોપ ચાલ્યા કરે છે. એ જોયા પછી પહેલાં હસવું, પછી રડવું આવે છે.

‘બહુજન હિતાય’ના નારા સાથે અનેક દલિત- પછાત નેતાઓ અને પક્ષો આવી ચડયા છે. એ બધા શું ખરેખર સમાજના શોષિતો, વંચિતો અને પીડિતોના પ્રતિનિધિ કે પ્રેમી છે? જી ના, એ બધા પોતપોતાના સ્વાર્થના પ્રતિનિધિ છે. માયાવતી કે લાલુપ્રસાદ રોડપતિમાંથી કરોડપતિ બની જશે… જેલમાંથી મહેલમાં પહોંચી જશે. પણ એમના આ દોઢ-બે દસકાની ‘વિકાસ યાત્રા’ દરમિયાન તમે કોઇ ફૂટપાથ પર જોડા સાંધતા ચર્મકાર, રેંકડી ચલાવતાં મજૂર, શેરીઓ વાળતાં સફાઇ કામદારનો ‘ગ્રોથ રેટ’  નોંઘ્યો? એ બાપડા બધા ઠેરના ઠેર જ રહેશે! એમના સંતાનો પણ એ જ વારસાગત વેઠ કરતાં રહેશે!

પરંતુ, આ વાત બી.સી., ઓ.બી.સી., એસ.સી. અને એસ.ટી.ના ઘણા લોકો સમજી શકતાં નથી. આ માટે કંઇ પંડિતાઇની નહિ, સામાન્ય બુદ્ધિની જ જરૂર છે. માત્ર પોતાની જ્ઞાતિ- ધર્મનો આગેવાન જ પોતાનો ઉદ્ધારક થઇ શકે- આ માન્યતા વારંવાર ઇતિહાસે ખોટી ઠેરવી છે. મહાત્મા ફુલે કે ડો. આંબેડકરના ઉમદા પ્રદાન છતાં પણ ભારતમાં અસ્પૃશ્યતાનિવારણની નિસ્બત સૌથી વઘુ ફેલાવનાર અને અપનાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિક હતાં. વિધવા અને સતી જેવી સ્ત્રીઓની સમસ્યાની ખેવના કોઇ સ્ત્રીથી વઘુ રાજા રામમોહનરાય કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા પુરૂષોએ કરી હતી! યુવાનોને મુક્તિ આપવાની વકીલાત કોઇ ટીનેજરને નહિ, પણ રજનીશ કે મહેશ ભટ્ટ જેવા પ્રૌઢોને પહેલાં સૂઝે છે! એ જ ન્યાયે હિન્દુઓ કે મુસ્લીમોના હિતચિંતકો કંઇ વિશ્વ હિન્દુ પરિષદ કે જમાતે ઇસ્લામી જ હોય એ જરૂરી નથી, અને વંચિતોના વાણોતર કંઇ ધનવાન કે ઉજળિયાત ન જ હોય, એવું ફરજીયાત નથી!

પરંતુ, સ્વ. અર્જુનસિંહ જેવા બગભગતો અને ઠગભગતો જયારે લશ્કરની ભરતી કે આઇઆઇટી અને આઇઆઇએમ જેવી શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું ઉંબાડિયું કરે, ત્યારે એ એમની શોષણવિરોધની નિસ્બત બતાવતાં નથી. બલ્કે, વોટબેન્કના પોલિટિકસમાં કિસ્મત ચમકાવતા હોય છે. આ લોકો અનામતના નામે દલિત હોવાની સભાનતા વધારે છે, અને સરવાળે બેઉ પક્ષે માનસિક ખાઇ વઘુ પહોળી કરે છે.

મેરિટોક્રસી ઇઝ મેરિટોક્રસી. જેમ કોઇ એકલવ્યના મેરિટનો ઇન્કાર ન હોય, એમ કોઇ અર્જુનના મેરિટનો પણ ન થઇ શકે! અનામત પ્રથાના ચુસ્ત સમર્થકો અજાણતાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું પણ સમર્થન કરે જ છે! બરાબર સમજી લઇએ. વર્ણાશ્રમ કહે છે કે કર્મ નહિ, જન્મ- જ્ઞાતિ- કુળ વઘુ મહત્વના! પરિણામની સફળતા નહિ, પણ પરિવારની પશ્ચાદભૂમિને પહેલી પ્રાથમિકતા આપવી! અનામતપ્રથા પણ જરા ઝીણવટથી જુઓ તો આ જ વાત પર રેડ અન્ડરલાઇન દોરે છે. મતલબ, જૂની ભૂલો દોહરાવાઇ રહી છે. સાઇડ ચેન્જીસ. પાત્રો ફરી ગયા છે પણ નાટક એનું એ જ!

અનામતનો એકડો સાવ કાઢી નાખવા જેવો નથી. ધારો કે એક ગ્રુપ એવરેસ્ટ આરોહણ કરવા નીકળ્યું છે. એક સભ્યના પગ દુઃખે છે, એ પાછળ રહી જાય છે. બાકીના ઉપર ચડતાં જાય છે. પેલા પાછળ રહેલાં સભ્યને જૂથની હારોહાર કરવા માટે એક હેલિકોપ્ટરમાં બેસાડી ઉપર બીજાઓ સાથે જોડી દેવાય છે.

આ હેલિકોપ્ટર એ અનામત. જરૂરિયાત મુજબ એનો કટોકટીમાં ઉપયોગ હોય. પણ જો પેલો વ્યકિતને હેલિકોપ્ટરમાં જ બાકીનાથી આગળ એવરેસ્ટ પર બેસાડી દેવામાં આવે તો? તો રિઝર્વેશનનું ફેવરિટિઝમ થઇ જાય! એને બાકીના ગ્રુપની સાથે જોડાવા પૂરતો જ વધારાનો ટેકો આપવાનો હતો. પછી તો અણીદાર પથ્થરો કે કાળજું કંપાવતી ઠંડી કે ભયાનક ઝંઝાવાતનો મુકાબલો જેમ બીજાઓ કરે, એટલો એ પણ કરે. સંઘર્ષની સમાનતા ધેન સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ!

ભણવામાં અનામત આપો તો નોકરીમાં બંધ, અને નોકરીમાં આપો તો ભણવામાં બંધ!

અને ઉત્ક્રાંતિના સનાતન સંઘર્ષમાં જે શ્રેષ્ઠ નીવડે, એને જ ટોચ પર પહોંચવાનો હક છે. રોટી, કપડા ઔર મકાનની પાયાની જરૂરિયાતોમાં સમાનતા હોય, પણ પડકારો ઝીલવામાં શ્રેષ્ઠતા ચાલે, સમાનતા નહિ! રાષ્ટ્રની પ્રગતિ ઉચ્ચ કક્ષાના પ્રતિભાશાળી દિમાગોથી થાય… એમાં આગળ નીકળવા માટે કવોટા નહિ, કવોલિટી જોઇએ… અને બુદ્ધિ કદી સાધનો અને પરિસ્થિતિની મોહતાજ નથી રહેતી. ભીંતો ફાડીને પીપળાઓ ઉગે જ છે. અમીરજાદાઓ કંઇ સાહ્યબીને લીધે હોંશિયાર જ બને છે? અને મુફલિસો બધા ઠોઠ જ હોય છે? રિસ્પેકટ મેરિટ. ટ્રસ્ટ મેરિટ. ઓર પેરિશ! નહિ, તો સર્વનાશની રાહ જૂઓ!

***

દ્રશ્ય ૧ : એક બહુ જાણીતો એસએમએસ છે. નેતાઓ સામાજીક ન્યાય અને સમરસતાના નામે તમામ ક્ષેત્રમાં જે રીતે અનામત ઝીંકી રહ્યા છે, એમ ક્રિકેટમાં પણ ફટકારે તો…

… એસસી/ એટી/ ઓબીસી ઇત્યાદિ ખેલાડીઓ માટે બાઉન્ડ્રી લાઇન ૧૫ યાર્ડ ટૂંકી રાખવી પડે… આ ‘ક્વોટા’વાળા ફિલ્ડર્સ એક ટપ્પે કેચ પકડે તો પણ માન્ય ! જે ‘અનામત’ વાળો ખેલાડી પ્રેકટિસમાં ૨૦ રન કરે, એ નેશનલ ટીમ માટે પણ માન્ય ! એ ૬૦ રન કરે તો સેન્ચુરી ગણી લેવી. એ ૫ બોલ ફેંકે તો ઓવર ! દરેક ક્રિકેટ ટીમમાં ૪૦% ખેલાડી તો ક્વોટામાંથી જ હોવા જોઈએ !

દ્રશ્ય ૨ : ચિત્રગુપ્ત ચોપડો ચશ્મા ચડાવીને વાંચી રહ્યા છે.. આજીવન પુણ્ય કમાઇને સ્વર્ગમાં પ્રવેશવા માટે થનથન થતાં જીવાત્માઓને ઉદ્દેશીને કહે છે : ‘તમે જીંદગી, બહુ સારી જીવ્યા, પણ સોરી અહીં પણ ૪૯% સીટ પર એડમિશન રિઝર્વ્ડ છે !’… સ્વર્ગના દરવાજે રંભા, ઉર્વશી, મેનકા, તિલોત્તમા ઇત્યાદિ અપ્સરાઓ બેહોશ થઇને પડી છે, કારણ કે ‘અપ્સરા ભરતી અને તાલીમ નિગમ’નું પાટિયું છે. ૩૩% ભરતી આરક્ષિત છે !

દ્રશ્ય ૩ : અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર ભાટિયા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પરેશ રાવલ વગેરે કલાકારોને લઇને વિક્રમ ભટ્ટ જેવા કોઇ દિગ્દર્શક ફિલ્મ બનાવી રહ્યા છે. ત્યાં એક અનામત તરફી આંદોલનકારીઓનું ટોળું ધસી જાય છે. સામાજીક ન્યાય માટે ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂમાં રિઝર્વેશન માંગવામાં આવે છે !

દ્રશ્ય ૪ : અખબારો અને ટીવી ચેનલ્સને કહી દેવામાં આવે છે કે લેખકો, પત્રકારો, ન્યૂઝ રીડરો… તમામની ભરતીમાં ક્વોલિટી નહિ, ક્વોટા ફરજીયાત છે. પછી આ લેખનો ૨૭% હિસ્સો લખવાની તક ‘રિઝર્વ્ડ કેટેગરી’ના નવોદિતને મળશે.

દ્રશ્ય ૫ : તમે રવિવારની સાંજે મલ્ટી પ્લેક્સમાં જાવ છો… ત્યાં ટિકિટોની ફાળવણી ૬૦:૪૦ના ધોરણે થઇ રહી છે. તમે ભાગીને બગીચામાં પહોંચો છો, ત્યાં જાતિના પ્રમાણપત્ર પછી જ બાળકોને લપસણીમાં કે હીંચકામાં બેસવા દેવામાં આવશે…. તમારે ગામ છોડીને જતાં રહેવું છે, સોરી બસમાં ૭૦% સીટ જનરલ કેટેગરીમાં નથી… તમારે મરી જવું છે, પણ તમે ઝેર પીને મરી શકતા નથી. કારણ કે એ બનાવતી કંપનીમાં નિષ્ણાતોની ભરતી કેમિકલની જાણકારી મુજબ નહિ, ક્વોટા પર થઇ છે !

તમને આવા દ્રશ્યોની કલ્પના કરી હસવું આવે છે ? ગુસ્સો આવે છે ? … તો બંને પ્રક્રિયા બંધ કરી, થોડું વિચારો. પહેલી નજરે ‘ઓવરરિએકશન’ કે ફારસ જેવી લાગે એવી એ વાત ભાવિ વાસ્તવિકતા બનવાની છે. આવા તો હજુ ૧૦ સેમ્પલ્સ આપી શકાય, પણ પછી ઉદાહરણ પર ચર્ચા થશે ને મૂળ વાત ભૂલાઇ જશે. આમ પણ મૂઠ્ઠીભર હિંમતવાનો સિવાય દેશને તો લકવો જ થઇ ગયો છે ને !

રીડરબિરાદર, તમે ગમે તે જ્ઞાતિ, જાતિ, ધર્મ, બૅકગ્રાઉન્ડના હો. જરાક નિર્મળ મનથી, તટસ્થભાવે આ એક સવાલનો જવાબ આપો. તમારો ગંભીર અકસ્માત થયો છે. તમને ખૂબ વહાલ કરતા મમ્મી-પપ્પા તમને હોસ્પિટલે લઇ જાય છે. તમારા મમ્મી તમારી જીંદગી માટે કલેજું કાઢીને આપી દેવા તૈયાર છે. તમારી જીંદગી બચાવવા તમારી હાર્ટ સર્જરી કરવી પડે એમ છે. તમારા મમ્મી હાથમાં સ્કાલપેલ (ઓપરેશન માટેની છરી) અને ક્લોરોફોર્મ લઇને કહે છે કે મારા દીકરાની સર્જરી હું જ કરીશ. બાજુમાં જ અનુભવી ડોકટર ઉભા છે. બોલો, તમે શું કરો ? મમ્મી પર વ્હાલ છે, વિશ્વાસ છે. પણ તમને ખબર છે કે હૃદયની ચીરફાડ કરવાનો ઇરાદો હોય તો પણ આવડત કે અનુભવ એની પાસે નથી. મા પ્રત્યે ગમે તેટલું માન હોય તો પણ તમારે ક્ષમતા ધરાવતા ડોકટરના હાથમાં જ જીવ સોંપવો પડશે ને ? મા ટ્રેઇનિંગ લેવા તૈયાર હોય તો પણ એને બદલે કુશળ તબીબને જ બોલાવવા પડશે ને ? (અહીં ક્વોટામાં આવેલા ડોક્ટર બોગસ હોય એવો અર્થ અભિપ્રેત નથી. મુદ્દો એ છે, ઈમોશન અને એક્સલન્સ બે જુદી બાબત છે. નિષ્ણાત તબીબ આ કિસ્સામાં દલિત હોઈ શકે અને મમ્મી સવર્ણ હોઈ શકે!)

ધેટસ ઇટ ! જગતમાં કામની વહેંચણી બે ભાગમાં થઇ શકે. એક એવા કામો કે જે કારકૂની છે. જેમાં મઘ્યમ સ્તરની શારીરિક / માનસિક તાકાત અને પ્રેકટિસની જરૂર છે. મોટા ભાગના બીબાઢાળ હિસાબી કે શ્રમજીવી કામો આવા હોય છે. બીજાં એવા કામો કે જેમાં ડિગ્રી નહિ, પણ ટેલન્ટની જરૂર પડે છે. એમાં રિઝર્વેશન માત્ર મેરિટનું જ ચાલે ! ત્રીજો એક મુદ્દો સ્વતંત્ર પસંદગીનો પણ છે.

સરકારી તંત્ર પબ્લિકના પૈસે ચાલે છે એમાં અનામત જાહેર કરવાનો જશ નેતાઓ ખાટી શકે છે. પણ ખાનગી ક્ષેત્ર વ્યકિતગત સાહસ છે. એમાં જાહેર સુખાકારીના નીતિનિયમથી વઘુ જો સરકારી દખલગીરી હોય તો પછી આઝાદી અને ગુલામીમાં ફરક શો રહ્યો ? અને એક વાત ગણીને ગાંઠે બાંધી રાખવા જેવી છે. મેરિટની વાતને ઉજળિયાત વિરૂઘ્ધ પછાત વર્ગભેદમાં વહેંચવાની જરૂર નથી.

વાત પ્રતિભાની છે, જે ઇશ્વરદત્ત છે. વાત આવડતની છે, જે સખત મહેનત કરનાર કોઇ પણ માનવી કેળવી શકે છે. આ જે કોઇ પાસે હોય એ આગળ, એ ન હોય તે પાછળ ! એમાં ઉંચ-નીચના પગથિયાં ગોઠવવાની જરૂર નથી. રાહુલ દ્રવિડ સરસ ક્રિકેટ રમે, રાહુલ બજાજ સારી રીતે ઉદ્યોગ ચલાવે, રાહુલ ગાંધી સારી જનસેવા કરે અને રાહુલ બોઝ સારો અભિનય કરે… તો એમાં કોઇ એક-બીજાથી ઉંચુ-નીચું નથી થતું ! સારી ચા બનાવવાવાળો અને ચાના બગીચાનો માલિક બંનેમાં સંપત્તિની દ્રષ્ટિએ ફરક હશે, પણ પોતાનું કામ કરવામાં બંને સરખા માસ્ટર છે !

પરંતુ, જીવનના અનકે એવા કામ છે – જેમાં સફળતા નિષ્ફળતાનો ટોપલો તમે નસીબ ઉપર બહુ બહુ તો છોડી શકો… પણ નેતાઓની ચાલબાજી પર નહિ જ ! ‘સામાજીક ન્યાય’ના નામે કાલ ઉઠીને આપણે સ્વ.વી. પી.સિંહ કે સ્વ.અર્જુનસિંહના અમુક તમુક ટકા કુટુંબીજનોને ફરજીયાતપણે ઠાકુરશાહી મુકીને ઓબીસી/ એસસી/ એસટી કુટુંબોમાં પરણવાનું કહીએ તો કેવું હાસ્યાસ્પદ લાગશે ? જુઓ, પરણવા માટે સ્ત્રી, પુરુષ અને પ્રેમ આ ત્રણ જ બાબતની જરૂર છે. એમાં નાતજાત એટસેટરા કારણોની આડશ ચાલે નહિ.

આગેવાનોને ખરેખર સામાજીક સમરસતામાં રસ હોય તો એમણે નાત, કોમ, ધર્મની વાડાબંધી વિનાના પ્રેમલગ્નોને ઉત્તેજન આપવા માટે સરકારી તંત્રને કામે લગાડવું જોઈએ. પણ એ તો ભારતના બંધારણ અને સર્વોચ્ચ ન્યાયાલય સામે ખુલ્લેઆમ શીંગડા ભરાવે છે !

પ્રીમિયમ કે ક્રીમી એજ્યુકેશન ઇન્સ્ટિટયુટસમાં ભણવાનો ઠેકો કંઇ ઉચ્ચભૂ્ર પરિવારોના શહેરી શ્રીમંત નબીરાઓએ જ નથી લીધો. એમાં ગરીબ ગ્રામીણજનને પણ ભણવાનો હક છે.

પણ સારી સંસ્થાઓ કે – અભ્યાસક્રમો કે ઉદ્યોગોમાં પ્રવેશ લાયકાતના ધોરણે હોવા જોઇએ. એ માટે જરૂરી તેજસ્વીતા ધરાવનાર દરેકને એમાં પ્રવેશ મળે…. અને જેમને એ ખર્ચ પોસાય નહિ એમને સ્કોલરશિપ મળે. જેમને ભાષા કે વિશેષ તાલીમ જોઈએ, એમને એનું સ્પેશ્યલ કોચિંગ મળે. પણ એ જન્મની જ્ઞાતિના આધારે નહિ, આર્થિક હાલત અને બુઘ્ધિક્ષમતાના આધારે ! જે જ્ઞાતિ જ વિભાજનની ઓળખ બની, એને ધૂંટ્યા કરવાથી કદી કોઇ મુખ્ય પ્રવાહમાં આવવાનું નથી ! તમારા પરફોર્મન્સથી કોઇ પણ ચૂપ થઇ શકે છે. પડદા પર નાચતી સુંદરી કે મેદાન પર રમતા ખેલાડીને નિહાળતી વખતે કદી એની જ્ઞાતિ યાદ આવે છે ?

અનામત તદ્‌ન બિનજરૂરી નથી. પણ એનો પાયો માત્ર જન્મના પ્રમાણપત્રના આધારે શા માટે ? જો વાત પાછળ પડી ગયેલા ગરીબોની જ મદદની હોય તો રાતોરાત એનો માપદંડ આર્થિક પછાતપણુ કેમ નથી કરવામાં આવતો ? અને ગરીબ હોવું એ પણ કંઇ વિશિષ્ટ લાયકાત હોવાની સાબિતી નથી. ગરીબી સાથે ગુણ અને જ્ઞાનપિપાસા હોય, પ્રતિભા અને પરિશ્રમ હોય – તો એ ઉત્તમ કે મહાન બનવાની ગુરૂચાવી છે. ક્ષમતા વગરના ગરીબોની પાંજરા પોળ ઉભી કરવાથી રાષ્ટ્રનો વિકાસ નહિ, વિનાશ થવાનો છે !

વળી, આખી જીંદગી દવા પર હોસ્પિટલમાં કાઢવી પડે એ આરોગ્યનું નહિ, બીમારીનું લક્ષણ છે. દલિત – પછાત સમુદાય જેમનો હવાલો ટાંકતા થાકતા નથી, એ ડૉ. આંબેડકરે જ અનામતને ‘કામચલાઉ વ્યવસ્થા’ ગણાવી, એ પણ ઉચ્ચ સ્તરે ૧૦% જ રાખવાની ભલામણ કરી હતી ! સતત અનામત રાખો, એ પણ વધારો તો પછી જ્ઞાતિવાદ ઘટવાને બદલે વકરતો જશે !

ઘણા મિત્રો અકળાઇને કહે છે, ૫૦૦૦ વર્ષના જુલ્મઓસિતમનો હવે બદલો લેવાનો છે.

કબૂલ કે, વર્ણાશ્રમ એક વાહિયાત તૂત છે, અને એના નામે ભરપૂર શોષણ ચાલ્યું છે, અને ચાલે છે. પણ એ પાપની સજા એ ન કરનારી નવી પેઢીને શા માટે ? એ પાપના ખરા ભાગીદાર જેવા નેતાઓ, જમીનદારો, લાલાજીઓ, ધર્મગુરૂઓ, શોષણખોર વેપારી અને અન્યાયી અધિકારીઓ, રાજા-મહારાજાઓ વગેરેની સામે જઇને મોરચા માંડો ને ! અને દરેક વાતમાં ભૂતકાળના સંદર્ભોની ફૂટપટ્ટી લઇને બેસો તો તો પૃથ્વી પરનો દરેક દેશ કોઇ બીજા દેશનો ગુનેગાર ઠરે. દરેક માણસ ખાનદાની અપરાધી જ ઠરે… તો ભવિષ્યનો નકશો જ ન બને, ત્યાં ઇમારતનું પૂછવું જ શું ? ક્યાંક તો જાગ્યા ત્યારથી સવાર માનીને પુરાતન ઘસરકાથી મુકત નવું કેનવાસ લેવું પડે કે નહિ ?

પહેલી નજરે ગળચટ્ટી લાગતી આવી જ બીજી દલીલને પણ ઉંડાણથી સમજો. ઇમોશનલ થઇને ઘણા ગાંધીજન મહાત્માઓ એવું કહે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણ અને સાધનોનું એટલું અંતર છે કે એમાં સમાન હરિફાઇ શક્ય જ નથી.

અમીર કુટુંબના સાહ્યબીમાં ઉછરેલા સંતાનોની ભાષા, બુઘ્ધિ, આવડતને મુકાબલો મહેનતકશ મજુર પરિવારના નબળા અબૂધ ફરજંદ કઇ રીતે કરી શકે ? વેલ, આ તો તર્ક જ ભૂલભરેલો છે. પીપળાઓ હંમેશા ભીંત ફાડીને ઉગ્યા જ છે. જો આવું  હોત તો જગતના તમામ હોંશિયાર વિદ્યાર્થીઓ સંપન્ન કુટુંબોમાંથી આવત અને તમામ ઠોઠિયાઓ ગરીબીમાંથી આવત ! સવાલ દરેક વિદ્યાર્થીને બાળપણથી સમાન તક અને સમાન સુવિધા મળે એવું શૈક્ષણિક અને સામાજીક વાતાવરણ સર્જવાનો છે. માટી સરખી કરો, ખાતર-પાણી બરાબર નાખીને માવજત કરો, નીંદામણ દૂર કરો… પછી જેવું બી એવી ફસલ ! એનું શ્રેષ્ઠ ઉદાહરણ સંપન્ન એવા ઉજળિયાત સુરેશ મહેતા / છબીલદાસ મહેતા કરતા અનેકગણી લોકચાહના પ્રાપ્ત કરનારા ઓબીસી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

બિયું સફરજનનું હશે તો સ્વાદિષ્ટ સફરજન મળશે અને આમલીનું હશે તો ખાટી આમલી ! માટી (અહીં સરકાર/સમાજ) દરેક બીજને નિષ્પક્ષતાથી પોષણ આપી વિકસવા દે, એને સમાનતા કહેવાય…. દરેક બિયાંમાંથી એકસરખા છોડ બને એ તો વિકૃતિ કહેવાય ! બાકી, ઇતિહાસ સાક્ષી છે કે જે ઉચ્ચ કામ માટે સર્જાયા છે, એમણે કોઇ અનામતની ટેકણલાકડી વિના વિપરીત સંજોગોને હંફાવી બતાવ્યા છે અને જે નથી સર્જાયા એમને લાખોની કેપિટેશન ફી પણ મહાન બનાવી શકી નથી.

છેલ્લી વારંવાર કહેવાયેલી વાત. અનામતની જરૂર જો અભ્યાસમાં લાગે, તો પછી નોકરીમાં રાખો – એ જ આગળની અનામતની મજાક છે.

ફ્રેકચર સાજું થઇ ગયું હોય તો પાટો શા માટે બાંધી રાખવો પડે ? જો ટેકો આપીને ભણવામાં સમાન કરી દેવાયા હોય, તો પછી નોકરીમાં અસમાનતા નવેસરથી ઉભી શા માટે કરવી ? અને જો એ કરવી જ હોય તો ભણવામાં એ કસરત શા માટે કરવી ? વળી આપણી રાજકીય સ્વાર્થવાળી અનામતોમાં ૫૦% સીટસ જનરલ કેટેગરીમાં રહેતી હોય તો એમાં ય રિઝર્વ્ડ કેટેગરીની વ્યકિત ઓપન મેરિટમાં આવી શકે ! અનામતના તરફદારો દલીલ કરે છે કે જૂના મૈસૂર સ્ટેટમાં ૧૯૨૧ અને કોલ્હાપુર સ્ટેટમાં ૧૯૦૨ થી અનામત હતી કે તામિલનાડુમાં ૬૯% અનામત છે, વગેરે વગેરે.

આ બાલિશ તર્ક છે. જો આમ હતું, તો આટલા વર્ષોમાં બધાનું સામાજીક ઉત્થાન થઇ ગયું હોય ને ? હવે એ કાઢી નાખો ! જો આ જવાબ ‘ના’ માં આપવો હોય તો કબૂલ કરો કે કેવળ અનામતથી કંઇ સામાજીક ન્યાય અને સમરસતા આવતી નથી – માટે એ કાઢી નાખો ! બે ય રીતે અનામતનો કેસ ટકતો જ નથી!

ફરીવાર, દરેક બાબતમાં ટકાવારીની ભાગલાવાદી માનસિકતા ન ચાલે. જો  આર. ડી. બર્મનને કહેવામાં આવ્યું હોત કે ઓપન કેટેગરીમાં એમણે આટલા જ ગીત બનાવવા તો કેવું લાગે ? ઘણા કાર્યો ક્ષમતા મુજબ સિઘ્ધ થાય, ક્ષેત્રીય વિભાજન મુજબ નહિ ! ડ્રાઇવિંગથી લઇને બાર ડાન્સિંગ સુધીના કાર્યો લો કે જેનેટિક રિસર્ચથી લઇને રાઇફલ શૂટિંગના કાર્યો લો : એક જ વાત ટકી શકે : મેરિટ ! બાકી બઘું એ ઉધ્ધારકોના દિમાગને અર્પણ જ્યાં આંતરડામાં જમા થયેલા પદાર્થો પહોંચી ગયા છે ! પણ આવું ભાજપ જેવા વિપક્ષો પણ નહિ કહે… મત તો એમને ય ઝાઝા જોઈએ છે !

પણ આ મેરિટ વિના હાલત કેવી થાય, એનો એક હમણાં સુધી સળગતો રહેલો ને આરક્ષણ જેવી ફિલ્મનો પ્લોટ બને તેવો આપણો જ કેસ સ્ટડી જાણો છો?

***

કેસ સ્ટડી : ગુજરાતમાં ‘ઓપન’ કેટેગરી માટે ‘ક્લોઝ’ થતા મેડિકલના દરવાજા ?!

બારમા સાયન્સનું પરિણામ આવી ગયા પછી ગુજરાતી પેરન્ટસ (સ્ટુડન્ટસના ખ્વાબ અહીં સેકન્ડરી છે, શું સમજ્યા?)નું સપનું નંબર વન હોય છે પોતાના ચિરંજીવ સુપુત્ર/સુપુત્રીને ડોક્ટર કે એન્જીનીયર બનાવવાનું ! એમાંય મેડિકલ એ ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રીમ રહે છે. ઠીક છે, આમ પણ વસતિના પ્રમાણમાં આપણે ત્યાં નિષ્ણાત તબીબોની તંગી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર બને, એ તેમના જ નહિ, સમાજના હિતમાં પણ છે. મેડીકલ કોલેજો અને બેઠકો વધ્યા પાછી ય પરિસ્થિતિમાં ફરક નથી.

પણ સવા કરોડનો સવાલ એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાતમાં તકલીફ વિના એમબીબીએસ કે એમડી થઇને ડોક્ટર બની શકે છે ખરા ? વેલ, જો વિદ્યાર્થી ફક્ત હોશિયાર હોય એ કોઈ જ્ઞાતિના કે બાપુજીના બેંક બેલેન્સના તુંબડે તરી જવાનો ન હોય તો આ સવાલનો જવાબ આપતી વખતે ચોથા સ્ટેજના કેન્સરનો રિપોર્ટ આપતા પેથોલોજીસ્ટ જેવી હાલતમાં મુકાવું પડે તેમ છે.

જી હા, જેમને ક્વોટાની કોઈ જ ટેકણ લાકડી નથી, તેવા જનરલ, ઓપન કેટેગરીમાં આવતા મધ્યમવર્ગીય / દરિદ્ર ગુજરાતી સ્ટુડન્ટની હાલત સાયન્સ સ્ટ્રીમ પછી મેડિકલમાં એડમિશન લેવું હોય તો ‘ક્રિટિકલ’ છે. અને અહીં દરદ પણ એક નથી, કોમ્પ્લિકેશન મલ્ટીપલ છે. જેના તરફ સામાન્ય રીતે મુઠ્ઠીભર એડમિશનવાંછુ માતા-પિતા સંતાનો સિવાય સરકાર કે સમાજનું ધ્યાન ખેંચાતુ નથી ! આપણે બધા દરિદ્રનારાયણના પ્રશ્નો ઉકેલવાનો ‘દેખાવ કરવા’માં એટલા મશગુલ છીએ, કે બીજા લાંબે ગાળે સમાજને અસર કરતા સવાલો તરફ આપણુ ધ્યાનજ જતું નથી !

ઓકે, ડોક્ટરો ભલે પેશન્ટને મુદ્દાસર સમજૂતી આપ્યા વિના પ્રિસ્ક્રિપ્શન ફાડે, આપણે પહેલા પ્રોબ્લેમનું પુરેપુરું ‘ચેકઅપ’ કરી જોઇએ. દર વર્ષે આ વર્ષની માફક ઉચું પરિણામ વિજ્ઞાનપ્રવાહમાં આવે છે. હવે તો ગ્રુપ પડી ગયા હોઈ, ડોક્ટર બનવાના ડ્રીમર્સ બાયોલોજી સબ્જેક્ટ પહેલેથી જ રાખે છે. બોર્ડ અને ગુજકેટની પરીક્ષામાં ૬૦/૪૦ના રેશિયો મુજબ માર્ક્સ ગણીને સામાન્ય રીતે એડમિશન મળે છે. પણ ટ્રેજેડી એ છે કે જો તમે સવર્ણ જ્ઞાતિમા હો, મતલબ ઓપન, જનરલ કેટેગરીમાં હો, તો તમે ગમે તેટલા ઉંચા ટકાનો સ્કોર કરો, પેલા ક્રિકેટના ભેદી ડકવર્થ લુઇસ નિયમની માફક તમારા ડોક્ટર બનવાના ચાન્સીઝ ઘટતા ચાલે છે !

એ તો જગજાહેર છે કે હવે મેડિકલની ટોટલ સીટ્સમાંથી સીધેસીધી ૪૯% યાને અડધોઅડધ સીટસ અનામતમાં જતી રહે છે. ૨૭% ઓબીસી, ૧૫% એસ.ટી., અને ૭% એસ.સી. એના સમપ્રમાણમાં કંઇ ઓપન કેટેગરીની સીટસ વધતી નથી, અને સીધી સાદી વાસ્તવિક્તા જોઇએ તો ઘટતી જાય છે ! કેસ સ્ટડી તરીકે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ સાથે સંકળાયેલી, ગુજરાતની નંબર વન અને ભારતની ત્રીજા નંબરવાળી બી.જે.મેડિકલ કોલેજનો કિસ્સો કાફી છે.

આજથી ૩૨ વર્ષ પહેલા ત્યાં ૨૧૦ સીટ્સ હતી, જેમાં ૧૬૦ ઓપન કેટેગરીના સ્ટુડન્ટસને એડમિશન મળતું. ૩૦ વર્ષ બાદ હમણા સુધી સીટ્સ ૨૫૦ થઇ હતી. (પરિણામો અને વસતિમાં થતા સતત વધારા સામે સીટ્સનો વધારો નગણ્ય છે !) પણ તેમાંથી જનરલ કેટેગરીના મેરિટમાં ઘટીને ૯૯ રહી છે અને તેમાંય ફક્ત ગુજરાત બોર્ડના ફક્ત ૬૮ જ સ્ટુડન્ટસ એડમિશન લઇ શક્યા હતા (આ માહિતી જૂની છે, પણ સમજવા પૂરતી છે !) ટૂંકમાં, જે વિદ્યાર્થી અનામતના લાભ ન મળે, તેવી જ્ઞાતિનો હોય અને ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોય તો એના ઇફેક્ટિવ એડમિશન ચાન્સીસ છે ફક્ત ૨૫% !

આવું કેમ ? કહ્યું ને, અહીં એક સાથે અનેક રોગ વળગ્યા છે ! આપણા ૨૦૦૮ના વર્ષના કેસ સ્ટડીને વિગતે સમજીએ. ત્યારે બી.જે.મેડિકલની કુલ સીટ્સ ૨૫૦. તેમાંથી અનામત અનુસાર ઓબીસી-બક્ષીપંચ એટસેટરોમાં ગઇ ૫૩ સીટ્સ. શેડયુઅલ ટ્રાઈબ્સમાં ૨૯ સીટસ, શેડયુલ્ડ કાસ્ટમાં ૧૪ સીટ્સ, હેન્ડિકેપ્ડ (વિકલાંગ) માટેની અનામતમાં ૨ સીટ, સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓનો હિસ્સો ૧૬ સીટ, પીએમટી યાને પ્રિમેડિકલ ટેસ્ટ પસાર કરીને આવેલા સ્ટુડન્ટસને ૩૭ સીટ. કરો સરવાળો અને હિસાબ તો ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી બારમાની પરીક્ષા આપવાવાળા બિનઅનામત વિદ્યાર્થીઓ માટે વધશે ફક્ત ૯૯ સીટ્સ ! તેમાં ય ૨૧ સીટ્સ તો રિઝર્વેશનમાં આવતા સ્ટુડન્ટસના ફાળે ગણો, તો વધી ૬૮ સીટ્સ !

જી હા. જેમને રિઝર્વેશનમાં ક્વોટા મુજબ સીટ્સ ફાળવી દેવાઇ છે, એવા વિદ્યાર્થીઓને પણ ઓપન મેરિટમાં અરજી કરવાનો અબાધિત અધિકાર છે ! ઇનફ્કેટ, કોમ્પ્યુટરાઇઝડ સીટ્સ જ આપોઆપ એમની ટકાવારી ઉંચી હોય, તો તેમને ઓપન કેટેગરીમાં લઇ લે છે. ફાઈન. એ લોકો ડિઝર્વિંગ છે, કોંગ્રેટ્સ ટુ ધેમ. પણ એમને મળતા ડબલ ચાન્સને લીધે એટલા જ ડિઝર્વિંગ, લાયક જનરલ કેટેગરીના સ્ટુડન્ટનો સિંગલ ચાન્સ પણ છીનવાઈ જાય છે, તેનું શું ?

જનરલ કેટેગરીમાં મેડિકલ એડમિશન માટે સરકારી ધોરણ લઘુત્તમ ૭૦% પ્રાપ્ત કરવાનું છે. એનાથી નીચેની ટકાવારીવાળા સવર્ણ વિદ્યાર્થીને સીટ ખાલી હોય તો ય મેડિકલમાં સીધુ એડમિશન ન મળે. પણ આવી લક્ષ્મણરેખા અનામત માટે દોરવામાં આવી નથી ! માટે તેમાં બૌધ્ધિક સ્તરની માન્ય કસોટી ગણાતી બોર્ડ પરીક્ષામાં ઓછા માર્કસ છતાં ય એડમિશન મળી શકે છે ! (અનામતમાં ય અમુક કેટેગરીમાં અઢળક જ્ઞાતિઓ આવતી હોઇને અંદરોઅંદર સ્પર્ધા હોય છે, અને કેવળ માર્ક્સથી જ ક્ષમતા નક્કી કરવાની પરીક્ષાપ્રથા ખુદ ભૂલભરેલી હોય છે, એમાં ય કેપિટેશન ફી પર નિયંત્રણોની જરૂર છે  – એ અલગ મુદ્દા થયા)

વળી વાત ફક્ત અનામતની જ નથી. બદલીપાત્ર એવા ઉચ્ચ અધિકારીઓના સંતાનોને પણ પ્રાથમિકતા મળે છે. સેન્ટ્રલ બોર્ડ જેવી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરનારા ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો પણ પ્રમોશેનેટ (પ્રમાણસર)નો હિસ્સો છે. તો ૧૫% જેટલું રિઝર્વેશન ‘પીએમટી’ અને ‘પ્રિ-મેડિકલ ટેસ્ટ’ની રાષ્ટ્રવ્યાપી કસોટી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હોય છે ! જેમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી સફળ થાય છે. માટે જનરલ  કેટેગરીના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે જ્ઞાતિમૂલક અનામત એન પીએમટીની ગણો તો ૬૫% જેટલી સીટ્સ તો એડમિશન ફોર્મ ભર્યા પહેલા જ ગુમાવી દેવાની છે ! ને બાકીની રહે છે, તેમાં ય સેન્ટ્રલ બોર્ડ અને મેરિટમાં આવતા રિઝર્વ્ડ વિદ્યાર્થી ‘મા મને છમ્મવડું’ કહીને પહેલા પહોંચી જાય છે !

બાય ધ વે, આ પીએમટીની પરીક્ષામાં કંઇ બધા રાજ્યોએ જોડાવું ફરજીયાત નહોતું. પણ ઘણા વર્ષો પહેલા હોંશે હોંશે ગુજરાત સરકાર સામે ચાલીને જોડાઈ ગઈ, અને બહારના વિદ્યાર્થીઓ માટે ગુલાબની પાંદડીઓની ચાદર બિછાવી દેવામાં આવી !

રાબેતા મુજબ, હૈસો હૈસો કરીને સંઘમાં જોડાયા પછી સજ્જતા પ્રાપ્ત કરવામાં આળસુ એવી ગુજરાતી લાક્ષણિક્તાને લીધે પીએમટીની પરીક્ષાની તૈયારી કરવામાં આપણે કાચા પડયા. એના જાણકારોએ તારવેલા બીજા બે-ત્રણ પરિબળો એ પણ છે કે અન્ય રાજ્યોમાં૭ વર્ષે એડમિશન આપી વિદ્યાર્થીને સ્કૂલમાં બેસાડાય, તેવું પણ બને છે.

વળી અંગ્રેજી હિન્દી માધ્યમ અને સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ જ સ્થાનિક સ્તરે અમલમાં હોઈને તૈયારી આસાન બને છે ગુજરાતી સ્ટુડન્ટનું ઇંગ્લિશ-હિન્દી કાચું હોઈને આ પરીક્ષા તેના માટે આસાન નથી, (આપણી વર્ણનાત્મક પરીક્ષા સામે એ મલ્ટીપલ ચોઇસ છે !) અને ઘણી વખત પોતાનાથી મોટી વયના વિદ્યાર્થી સાથે તેને ટકરાવાનું આવે છે ! માટે પ્રિ મેડિકલ ટેસ્ટમાં સફળતા અપવાદરૃપ છે, પણ એને લીધે છીનવાઈ જતી બેઠકો કાયમી નિયમ છે !

એમ તો એ ય સાબિત ન થઇ શકે તેવી હકીકત છે કે બિહાર યુ.પી. જેવા રાજ્યોમાં ઘણી વખત આવી મહત્ત્વની પરીક્ષામાં ‘જુગાડ’ યાને સેટિંગ ચાલે છે (નિતિશકુમારે બિહાર માટે માંગેલું પેકેજ શું છે ? આખા બિહારને જ ‘સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન’ બનાવી દેવાનું ઉઘાડું બ્લેકમેઇલિંગ છે !) સરકારની રહેમનજર નીચે ત્યાં યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓને આગળ ધપાવવા કૌભાંડો કરવા નામચીન છે !

ખેર, મુદ્દો એ છે કે ગુજરાતમાં ચાલતી, ગુજરાતીઓના પૈસે ઉભી થયેલી સરકારી કોલેજોમાં મફતના ભાવે બહારના અને અનામત, ક્વોટાના વિદ્યાર્થીઓ લહેરથી ભણે છે એ ‘ઘરના છોકરા ઘંટી ચાટે, (અહીં ઉપાધ્યાયને આટો એવું તો કેમ લખાય ?) ના ન્યાયે, (ઉફ્ફ, અન્યાયે) કાં તો જનરલ કેટેગરીના સ્ટુડન્ટે ડોક્ટર બનવાનું સપનું જ છોડવું, રાધર, તોડવું પડે છે. કાં તો સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજો તરફ દોડવું પડે છે !

એક તો મેડિકલમાં ઓવરઓલ જ એન્જીનીઅરિંગની સાપેક્ષે સીટ્સ ઓછી, તેમાં વળી સરકારી કોલેજોમાં જેટલું શીખવા મળે, તેટલું સેલ્ફ ફાઈનાન્સ્ડમાં મળે નહિ (સરકારી હોસ્પિટલોમાં નવોદિતોને અનુભવ મળે, એટલો ખાનગીમાં કદી મળે ? જુનિયર ડૉક્ટરને હાથ કોણ લગાવવા દે ?) અને એમાં ય પાછી ડોક્ટર બન્યા પહેલા જ હાર્ટ પેશન્ટ બનાવી દે એવી સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજીઝની ચામડાફાડ ફીઝ ! વર્ષે લાખ્ખો લેખે સાડા પાંચ-છ વર્ષનો ગુણાકાર કરી લેવાનો !’

અને એટલે જ ઓપન કેટેગરીના સ્ટુડન્ટે લાચાર બની, ખૂબ ઉંચી ટકાવારી છતાં સ્વનિર્ભર કોલેજોની મેનેજમેન્ટ ક્વોટા કે એમઆરઆઈ ક્વોટાની બેઠકો માટે હરરાજીમાં ‘જોતરાવું’ પડે છે ! અને પછી કહેવાય છે કે એક-એક સીટ માટે અધધ એવા ૪૦-૫૦ લાખ ચૂકવીને પણ ડોક્ટરની ડિગ્રી (ટકાવારી હોવા છતાં) વેંચાતી પણ લેવી પડે છે !

માઈન્ડવેલ, બોર્ડ એકઝામ કરતાં ય વધુ કઠણ એવી આ વાસ્તવની પરીક્ષાઓ આટલેથી અટકતી નથી. ફક્ત એમબીબીએસ થયે કંઇ આજે પ્રેક્ટિસ ધમધોકાર ચાલે નહિ. સ્પેશ્યલાઇઝેશન કરવું જ પડે. એમ.ડી.ની પી.જી. (પોસ્ટ ગ્રેજ્યુએટ) કહેવાતી ડિગ્રી મેળવવી પડે. આ પી.જી. લેવલ પર તો હાલત ઓર ખરાબ છે ! સીટ્સ ઓછી હોય છે. વળી એક વખત એમ.બી.બી.એસ.મા અનામતનો લાભ મળ્યા પછી અહીં પણ રિઝર્વેશનનો રાક્ષસ મોં ફાડીને ઉભો રહે છે.

જો અનામતનો હેતુ સમાન તક, સમાન હક આપી સ્પર્ધામાં પગભર બનાવવાનો હોય તો એ પૂરો થઇ ચૂક્યો છે. હવે વ્યક્તિને નાત-જાતના લેબલ વિના મુખ્યપ્રવાહમાં સાહજીક રીતે ભેળવી દેવાનો હોય, પણ ના. પબ્લિક હેલ્થ સેન્ટરમાં છઠ્ઠા પગારપંચ મુજબ ૩૦ હજાર જેટલો પગાર મેળવનાર રિઝર્વ્ડ ક્વોટાનો જુનિયર ડોક્ટર પણ હજુ છેવાડાનો શોષિત, વંચિત, પીડિત જ ગણાય છે (આવું ગણાવા માટે કેટલાય પ્રગતિ કરી ચૂકેલા પછાત પરિવારો પોતાની સાચી આવક પણ બતાવતા નથી. ક્રીમી લેયરની સાડા ચાર લાખની આવકની અંદર જ રહે છે, અને ક્વોટામાં એડમિશનના ફાયદા સાથે સરકારને આવકવેરામાં નુકસાન કરે છે, એ નફામાં ઉપ્સ ખોટમાં !) અને બેવડી (બોર્ડ પરીક્ષા કે હાઈસ્કૂલ એડમિશન ગણો તો ત્રેવડી !) અનામતનો લાભ ઉમેરે છે !

આખી દુનિયામાં મેડિકલ જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચમાં આવું સરકસ ફક્ત સ્વાર્થી રાજકારણીઓ, જ્ઞાતિવાદી આગેવાનો, નીંભર પ્રજા અને લુચ્ચા અધિકારીઓના પ્રતાપે (કે પાપે ?) આપણે ત્યાં જ ચાલે છે ! ઘનચક્કર અનામત વિદેશમાં કયાંય નથી ! બહારના આવેલા વિદ્યાર્થીઓ પી.જી.લેવલ પર તો ગુજરાતના જ ડૉક્ટર કહેવાતા હોઈને મૂળ ગુજરાતી એવો તેજસ્વી ગરીબ સવર્ણ વિદ્યાર્થી તો સ્પેશ્યાલિસ્ટ બનવાના એડમિશન વખતે સાવ હાંસિયામાં ધકેલાઇ જાય છે !

અહીં વળી ૫૦%સીટ્સ પર નવેસરથી પીએમટીનો ક્વોટા હોઈ, તેને લીધે નવા આઉટસાઇડર્સ જગ્યા બથાવી પાડતા હોઈ, એને તો ધક્કામુક્કીમાં પીસાવાનું જ છે ! માટે પી.જી.એડમિશનની સીટનો ભાવ ૬૦-૭૦ લાખથી એક કરોડ સુધી ખાનગી કોલેજોમાં બોલાય છે ! (અને લાખ્ખોની ફી અલગ !) એનાથી આગળની એમસીએચ (સુપર સ્પેશ્યાલિસ્ટ, માસ્ટર ઓફ ચ્યુરિજ) જેવી એમ.ડી.ડી.એમ. ટાઈમ ડિગ્રીમાં તો ભાગ્યે જ ગુજરાતનો ગજ વાગે તેમ છે ! તેમાં તો પીએમટીનો દબદબો ૧૦૦% થઇ જાય છે. બારમા પછી ૧૫%,પી.જી. લેવલ પર ૫૦% અને ટોચના તબીબ બનવા માટે ૧૦૦% પ્રિમેડિકલ ટેસ્ટની જ આણ પ્રવર્તે છે !

આ આખું વિષચક્ર એવું ચાલે છે કે ઓછી ગુણવત્તા અને ઝાઝી અનામતને લીધે ડોક્ટર થયેલાઓ પ્રેક્ટિસમાં કંઇ ખાસ ઉકાળી શક્તા નથી, અને ગોરખધંધા કરીને દર્દીના ભોગે ઘર ભરે છે. કંપનીઓ સાથે જોડતોડ કરે છે કે પોસ્ટમોર્ટમ માટે ય લાંચ માંગે છે. ખાસ નોંધવું કે આમાં ઊંચું ડોનેશન આપી ઘુસી જતા બાપકમાઈના બચુભાઈઓ અને બચીબહેનોનો બિલકુલ બચાવ નથી. મેરિટની વાત આવે ત્યાં એમણે ય કાન પકડવા પડે. એટલે જ જન્મગત જ્ઞાતિ એડમિશનના બદલે પરદેશમાં આર્થિક સ્કોલરશીપ રૂપે લાભ મળે છે. ડોનેશનવાળા વિદ્યાર્થીઓના વાલીઓ પૈસા કમાયા એટલું જ મેરીટ સંતાનોની કારકિર્દી માટે પૂરતું નથી. પણ એ ય ખરું કે, એ પ્રજાના ટેક્સના પૈસે ભણતા નથી. વધુ ટેક્સ ફી ભરી સરકારને આપે છે.

બાકી લાયકાત છતાં છેવાડે પહોંચી ગયેલા સવર્ણ વિદ્યાર્થીઓ તોતિંગ રકમ ખર્ચીને ડોક્ટર થયા હોઈ પહેલા એ વસૂલી લેવાનું કામ દાંત કચકચાવીને કરે છે, અને દર્દીને ચીરી નાખે છે. બે ય પક્ષે સુખદ અપવાદો છે, પણ એ આઈપીએલમાં કોલકાટ્ટા નાઈટ રાઇડર્સે જીતેલી મેચો જેટલા ! બાકી, આ બે ઘંટીના પડ વચ્ચે આરોગ્ય સેવાઓ પીસાઈને ચકનાચૂર થતી જાય છે. (સ્વચ્છતાની દુહાઈ દેતા ડોક્ટરોની કોલેજોની હોસ્ટેલો જોઇ છે ? મોટે ભાગે સાવ ગંદીગોબરી અને રેગિંગ, બળૂકા વિદ્યાર્થીઓની જૂથબંધીથી ખદબદતી હોય છે !) ટૂંકી વાત એટલી, અનામત જન્મજાતને બદલે આર્થિક સ્તરે હોય તો આ વિવાદી સરખામણીનો પ્રશ્ન જ ના રહે.

વળી, ઓછી સુવિધાઓને લીધે ગામડામાં ડોક્ટર્સની તંગી છે, ત્યારે ગુજરાતના ખર્ચે અને જોખમે ગુજરાતમાં ભણી સેંકડો તબીબો પોતાના વતનના રાજ્યમાં પરત જતા રહે છે. અને અહીં એડમિશન ન મેળવી શક્તા જનરલ કેટેગરીના સ્ટુડન્ડસ બીજા રાજ્યોમાં જઈ, ગુજરાતમાં કમાયેલા પૈસા ત્યાં ખર્ચીને તેને સમૃધ્ધ બનાવીને ભણે છે ! પ્રિમેડિકલ ટેસ્ટમાં આગળ નીકળવાની જાગૃતિ જ ટયુશનઘેલા વેપારીવૃત્તિના ગુજરાતીઓમાં નથી, ત્યાં સજ્જતા કેવી રીતે આવી શકે? એ માટે વળી અંગ્રેજી અને શિક્ષણ પધ્ધતિના ઢાંચામાં ફેરફાર કરવા પડે (એક ટિપ : વધુ ઉંમર મુજબ માર્કસ ઘટાડી શકાય !)

અનામત નાત-જાતના ભેદ દૂર કરવાને બદલે એ કાયમી કરે છે, એટલું સાદુંસત્ય આટલા વર્ષે આંધળા અનામતપ્રેમીઆર્ને સમજાતું નથી. ભૂતકાળમાં ક્યારેક ફક્ત જન્મના વાંકે અનામત મેળવનારાએ વેઠવાનું આવ્યું, એ ભવિષ્યમાં એ જ રીતે માત્ર જન્મના જ વાંકે સવર્ણોએ વેઠવાનું આવશે એ નવો વર્ગવિગ્રહ પેદા કરશે ! ટુ રોંગ વિલ નેવર મેઇક વન રાઇટ !ત્યાં સુધી ચાલ્યા કરશે, હેલ્થ સેકન્ડ, વેલ્થ ફર્સ્ટ. એ તરકીબ વિના કંઇ સહેલાઇથી તબીબ થોડું બની શકાય છે ? કોની રાહ જોશો ?  તૂ ઇન્કિલાબ કી અમદ કા ઇન્તિજાર ન દેખ / જો હો સકે તો અભી ઇન્કિલાબ પૈદા કર ! (અઝીઝ)

***

ઓ કે, આ બધા નવા વિવાદોના મૂળ ઓબીસીની એ..બી..સી..ડી ખબર છે?

‘બૈસલા કા ફૈસલા’ જેવી એક રિયાલિટી ટીવી સિરિયલ થોડા સમય માટે દરેક ન્યૂઝ ચેનલ પર છવાઈ ગઈ હતી.રાજસ્થાનમાં ગુર્જરોએ (એક મત મુજબ જેમાં અપભ્રંશથી ગુજરાત શબ્દ આવ્યો છે!) ૨૭% અનામત માટે હાઈકોર્ટના ચુકાદાને ધરાર અવગણીને ઈમોશનલ બ્લેકમેઈલીંગ જેવું આંદોલન કર્યું. નવા નિશાળિયાઓને નવાઈ લાગે એવી વાત તો એ છે કે આ આંદોલન મૂળભૂત રીતે ઘણા કિસ્સાઓમાં બને છે, તેમ ‘પછાત વિરૂઘ્ધ સવર્ણ’નું નહિ, પણ ‘પછાત વિરૂઘ્ધ પછાત’ (ગુર્જર વિરૂઘ્ધ મીણા) કોમનું હતું.

મીણાને ઓબીસીમાં સમાવાયા તો ગુર્જરોને કેમ નહિ? -જેથી આ આંદોલનના વર્ષો પહેલા શ્રીગણેશ થયા હતા, જે આજે ‘બેકવર્ડ’ ગણાવામાં ‘ફોરવર્ડ’ નીકળવાની હરિફાઈથી ૨૭%ની બંધારણના ૧૦૪મા સુધારાથી ભૂતપૂર્વ મંત્રી સ્વ.અર્જુનસિંહ (‘મિર્ચ’ના હીરો અરૂણોદયસિંહના દાદા, યુ નો!)એ પ્રગટાવેલી હોળીની ઝાળ બનીને રહી ગયું છે.

આપણા વારસામાં જેમ મીઠી મઘુરી બાબતો છે, તેમ કડવી ઝેર જેવી બાબતો પણ છે. જેમાંથી એક પાયાની ગરબડનું નામ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. તર્કની તલવારો અને ગળચટ્ટી ફિલસૂફીથી ગમે તેટલો ઢાંકપિછેડો કરવામાં આવે… વાસ્તવિકતા એ છે કે આ વર્ણાશ્રમના વર્ગભેદ એ ભારતની મસમોટી ભૂલ છે. નબળાઈ છે.

ભારતની ભૂલોના દસ્તાવેજ જેવી મનુસ્મૃતિમાં અનેક ફાલતુ બાબતો વર્ણવાઈ છે, જેને ‘કલામ-એ-પાક’ની માફક આજના જમાનામાં પરાણે વળગી રહેવાની કોઈ જ જરૂર નથી. ભારતમાં અન્યાય બોધનું વિષવૃક્ષ જે મૂળિયામાંથી પ્રગટ્યું, એ ચાતુવર્ણ્યવ્યવસ્થા એમાંની એક છે. અને મૂળિયાને લીધે જ્ઞાતિભેદની જામેલી ડાળો શિક્ષણની ધારદાર કૂહાડીથી પણ તૂટતી નથી!

ભારતમાં અંગ્રેજી રાજવટ વખતે જ સામાજીક અસમાનતાની અઢળક સમસ્યાઓ ઉદભવી હતી. ધાર્મિક વિખવાદ તો જગતભરમાં હોય છે. અહીં તો આંતરિક ઉંચ-નીચ અને અસ્પૃશ્યતાનો લૂણો ઘરની દીવાલો જર્જરિત બનાવતો હતો. ઘણા મહાપુરૂષો પોતપોતાની રીતે એ દૂર કરવાના પ્રયાસો કરતા હતા. ‘અધર બેકવર્ડ ક્લાસ’ ઉર્ફે ઓબીસી શબ્દ પણ એ જ મંથનમાંથી નીપજેલો છે.

ટેકનિકલી ભારતીય બંધારણમાં ગુર્જરો જેના માટે રાજસ્થાનમાં રમખાણ મચાવી રહ્યા છે, એ ઓબીસી માટેની અનામતનો ઉલ્લેખ જ નથી! ૧૯૩૫માં બ્રિટિશ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫માં પછાત જ્ઞાતિઓનો સમાવેશ થયો, જે શેડ્યુલ્ડ કાસ્ટ (એસ.સી.) કહેવાયા. એ વખતે ભારતીય નેતાઓનો અભિગમ પણ બ્રિટિશ શાસનની માફક અસ્પૃશ્યતા અને વર્ગભેદ નિવારણનો હતો.

૧૯૩૭માં પેલા એક્ટના વાસ્તવિક અમલ સમયે રાજ્યપાલ/રાષ્ટ્રપતિને શેડ્યુલ્ડ કાસ્ટની યાદી જે બની હોય, તેમાં સુધારાવધારા કરવાની બંધારણીય સત્તા મળી. એસ.સી.ની માફક એસ.ટી. યાને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સનો પણ સમાવેશ થયો. ગાંધીજી એસ.સી. માટે ‘હરિજન’ અને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ માટે ‘ગિરિજન’ શબ્દનો ઉપયોગ કરતા. કારણ કે, શેડલ્યુડ ટ્રાઈબ્સ મોટે ભાગે જંગલો, વગડા અને પહાડોમાં રહેતી-ભટકતી પ્રજા હતી. બંધારણમાં આ અંગેના આર્ટિકલ્સ ૩૪૧-૩૪૨ છે.

એસ.સી.ને આજે સહજ રીતે સમજવા માટે ‘દલિત’ અને એસ.ટી.ને માટે ‘આદિવાસી’ શબ્દનો ઉપયોગ થાય છે. અલબત્ત, આ લોકબોલીની વ્યાખ્યાઓ છે. બંધારણીય રીતે આ વર્ગોની યાદી તૈયાર કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યની આ માટે આગવી યાદી હોય છે. પ્રાપ્ત થતા આંકડાઓ મુજબ કેન્દ્રિય યાદીમાં ૩૧૧ ક્રમ શેડ્યુલ્ડ કાસ્ટસના છે, જેમાં બીજી ઘણી પેટાજાતિઓ છે. ગુજરાતમાં આ ક્રમાંક ૯૭ અને મહારાષ્ટ્રમાં ૨૧૫ છે. શેડ્યુલ્ડ ટ્રાઈબ્સની ક્રમાંકિત સંખ્યા એનાથી ઓછી છે. આ બઘું બંધારણના પાંચમા શેડ્યુલમાં છે. ઓબીસીમાં કોણ આવી શકે એ અંગે મતભેદ છે. પણ એક અંદાજ મુજબ બધી પેટાજાતિ સહિત એ આંકડો ૫૦૦૦થી વઘુ થઈ શકે છે!

ભારતે જાતિ-ધર્મ-જન્મ આધારિત સમાજવ્યવસ્થાથી પર લોકશાહી સ્વીકારી હોઈને ૧૯૩૧ પછીની વસતિ ગણત્રી જાતિ આધારિત થઈ નથી. (છેક હવે ૨૦૧૧મા હજુ એ માંડ માંડ શરુ થઇ છે!) એથી ઓબીસીનો જાતિ આધારિત ડેટાબેઝ ઉપલબ્ધ નથી. ૨૦૦૧ની વસતિ ગણત્રી મુજબ એસસી ૧૬% અને એસ.ટી. ૮.૩% છે.

ઓબીસી એટલે અન્ય પછાત જાતિઓનો મુદ્દો વિવાદાસ્પદ એટલે રહ્યો છે, કે એમાં કેટલા ‘ક્રીમી લેયર’ યાને સાધનસંપન્ન છે અને કેટલા ખરેખર જરૂરિયાતમંદ છે, એનો સંવૈધાનિક રીતે કોઈ ડેટાબેઝ હાલ તુરત નથી! ૨૯ માર્ચ, ૨૦૦૭ના રોજ સુપ્રિમ કોર્ટે આ મુદા પર જ ‘સ્ટે’ આપીને આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ઓબીસી માટેની ૨૭% અનામતનો અમલ મોકૂફ રખાયો હતો.

રસપ્રદ વાત તો એ પણ છે કે પછાત જાતિ નહિ, પણ પછાત ‘વર્ગ’ (બેકવર્ડ ‘કાસ્ટ’ને બદલે બેકવર્ડ ‘કલાસ’) શબ્દ બંધારણીય છે. એ માટે પહેલું કમિશન કાકાસાહેબ કાલેલકરના વડપણ નીચે ૨૯ જાન્યુઆરી ૧૯૫૩ના રોજ રચાયું હતું. ૧૯૫૫માં સુપ્રત થયેલા એના અહેવાલમાં ૨,૩૯૯ બેકવર્ડ કલાસનું લિસ્ટ હતું. જેમાં ૮૩૭નો ‘મોસ્ટ બેકવર્ડ કલાસ’માં સમાવેશ થતો હતો. આ રિપોર્ટ તટસ્થતા પૂર્વક તૈયાર થયો હોવા છતાં રિજેકટ થયેલો. અહીં પછાતપણાનો માપદંડ સામાજીકને બદલે આર્થિક થતો હોઈ એનો સ્વીકાર થયો નહોતા!

૧૯૭૯ના રોજ બી.પી. મંડલના વડપણ નીચે આજ દિન સુધી ચર્ચાસ્પદ રહેલા મંડલ કમિશનની આ માટે રચના કરવામાં આવી. એણે ડિસેમ્બર ૧૯૮૦માં રિપોર્ટ મૂકયો. જેનો અમલ કરવા જતા નેવુંના દાયકાના આરંભે વી.પી. સિંહની સરકારનું પતન થયું હતું. મંડલ પંચે ૫૨% વસતિને ઓબીસી ગણાવી હતી. જો કે, એબીસીની વ્યાખ્યા કરતા એના ૧૧ માપદંડ વિવાદાસ્પદ રહ્યા છે.

કેટલાક સંજોગોમાં સુખી પરિવારની સ્ત્રી કામ ન કરે, તો પણ ઓબીસીમાં ગણાઈ જાય! આ અંગેની ગણત્રી રાજયવાર સરેરાશ આધારિત છે, અને ગૂંચવાડાભરી છે. પણ પાછળથી અધિકૃત ગણાતા નેશનલ સેમ્પલ સર્વેમાં ઓબીસીની સંખ્યા ૩૬% ગણાવાઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સ્ટેસ્ટિકસમાં નોન મુસ્લિમ ઓબીસી ૨૯.૮% ગણાવાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ બધા ફકત સર્વેક્ષણો છે. સુપ્રિમ કોર્ટે એટલે આધાર માનવાની ના પાડીને, સત્તાવાર રીતે ગણત્રી કરી એનાં આર્થિક માપદંડો સહિતનો ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ સરકારને આપ્યો હતો.

ઈન શોર્ટ, ભારતમાં ખરેખર કેટલા ઓબીસી છે, અને એમનું જીવનધોરણ કેવું છે એની સમગ્ર દેશની આધારભૂત અને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ જ નથી! છૂટાછવાયા સેમ્પલના સર્વેક્ષણો, અનુમાનો કે સ્થાનિક ડેટાના આધારે આંકડાકીય રમત ચાલે છે. મંડલ પંચે હિંદુ – બિનહિંદુ અન્ય પછાત વર્ગોની સંખ્યા ૩,૭૪૩ જ્ઞાતિ ગણાવી હતી.

શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણમાં એસસી/ એસટીની ૨૨.૫% અનામત ઉપરાંત ઓબીસીની ૨૭% અનામત વધારવા માટે કેન્દ્ર સરકારે વીરપ્પા મોઈલી સમિતિ બનાવી હતી. એના રિપોર્ટ મુજબ આ ફેરફાર માટે ૧૬,૫૬૩.૩૪કરોડનો નવો ખર્ચ થશે. વારંવાર મતબેન્ક માટે વચનો આપતા નેતાઓ આ ખર્ચ કયાંથી મેળવવો એ અંગે મગનું નામ મરી પાડતા નથી.

અનામત વધારવા માટે જનરલ કવોટાની બેઠકો વધારવાનું વચન આપતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જ અંદાજ મુજબ એ માટે ૬,૦૦૦થી ૯,૦૦૦ કરોડનો ‘ઈન્ફ્રાસ્ટ્રકચરલ એકસપેન્સ’ થઈ શકે તેમ છે! આમ પણ ભારતમાં કુલ જી.ડી.પી. (કાચી રાષ્ટ્રીય પેદાશ)ના ફકત ૦.૩૭% જ ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચાય છે. અને એ માટેના એજ ગ્રુપમાંથી માત્ર  ૮% જ એ લાભ મેળવે છે!

વઘુ એક ‘ઈન્ટરેસ્ટિંગ બટ સ્ટ્રેન્જ’ સત્ય! અનામતના રાજકારણને લીધે શીખ, દલિત, મુસ્લીમ દલિત, ક્રિશ્ચયન દલિત જેવા શબ્દો આવી ગયા છે. આ ત્રણે ધર્મોમાં જન્મ કે જાતિની અસામાનતાની વાત જ નથી, પણ ભારતમાં એના અનુયાયીઓમાં ઉંચ – નીચના ભેદભાવ જોવા મળે છે. (સાંસ્કૃતિક અસર!) શીખ ધર્મમાં ગુરૂ ગોવિંદસિંહના ‘પંજ પ્યારે’ પછાત મૂળિયામાંથી આવતા હોવા છતાં પૂજય ગણાય છે.

પણ વાસ્તવિકતા એ છે કે શીખ દલિત તરીકેના અન્યાયબોધથી કંટાળીને જ સ્વ. કાંશીરામે બૌઘ્ધ ધર્મ ધારણ કર્યો હતો, અને માયાવતીથી આજે પ્રસિઘ્ધ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી. મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં પણ કેટલાક જૂથો એમનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરે છે. સ્થાનિક સ્તરે ઓબીસીમાં સમાવેશના કેટલાક નિર્ણયો રાજય સરકારને આધીન હોઈને કયાંક એમને આવું સ્થાન મળે પણ છે. સચ્ચર સમિતિએ એ માટેની સર્વગ્રાહી ભલામણ કરી છે. માટે એ મામલો જ્ઞાતિથી ધર્મ સુધી વકર્યો છે.

ડેટાબેઝમાં એક બીજી ફેકટ પણ નોંધી લો રાજસ્થાનમાં જેમ ઓબીસી વિરૂઘ્ધ અન્ય પછાત વર્ગનો રાજકીય વિવાદ ચાલે છે, એવા જ વિવાદમાં બિહારમાંથી ઝારખંડ રાજય બન્યું છે. ત્યાં અત્યંત પછાત મુંડા, સાંથાલ, ઓરાં અને હોસ જાતિઓએ ઓબીસી અને સર્વણ હિંદુઓ પર પોતાના શોષણનો આરોપ મૂકયો હતો. એક રાજયમાં જે વર્ગ પછાત હોય એ બીજામાં પછાત ન પણ ગણાય. જો કે, કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ ઘટીને ૪.૫૧% જ રહ્યું છે, એવી દલીલ પણ ચાલી રહી છે.

સૌથી વઘુ સરપ્રાઈઝિંગ વાત તો એ જ છે કે ઓબીસી માટે આટલા બધા નેતાઓ ચિંતીત હોવા છતાં ભારતની સંસદમાં જ ઓબીસીનો કોઈ કવોટા નથી! આ માટે બંધારણના આર્ટિકલ ૩૩૪માં સુધારો કરવો પડે જેમાં ઓબીસીનો કોઈ ઉલ્લેખ જ નથી! એસ.સી. / એસ.ટી. અને એંગ્લો ઈન્ડિયન માટે અનામત બેઠકોનો જ ઉલ્લેખ છે!

નવાઈની વાત એ છે કે, શિક્ષણસંસ્થાઓથી નોકરીઓ સુધી રાષ્ટ્રીય કે સામાજીક હિતને બદલે પોતાની જાતિ કે વર્ગના હિત માટે થતા આંદોલનોમાંથી કોઈને વિધાનસભાઓ – સંસદમાં ઓબીસી માટેના કવોટા અંગે ચળવળ કરવાનું સૂઝતું નથી! અને અનામતની લ્હાણી કરતા આગેવાનો પણ મૌન છે! આ એક જ સબૂત રાજકારણીઓની અનામતના મામલે ખોરા ટોપરા જેવી દાનત માટે કાફી નથી?

બસ, આ જ આખી કથાનો સાર છે. મૂળભૂત રીતે શું દલિત, શું સવર્ણ- તમામને અહીં શીરા સાટુ શ્રાવક થવું છે. કોઇને દેશની તો શું સત્ય અને ન્યાયની પણ કશી પડી નથી. બસ, હું સુખી- સલામત થઇ જાઊં, એ માટે મને લાભ કરાવે, એ મારો નેતા… એ મારો સમાજ… એ મારૂં સંગઠન, કડવા સત્યની ટાંકણીઓ ન ભોંકવી, એ મહોરાંને આપણે વળી ‘સભ્યતાનું શિક્ષણ’ એવું નામ આપ્યું છે.

વાણીવર્તનની પૂરા સંતુલન સાથે, અનામતની જરાક ચર્ચા પણ છેડીએ તો કેટલાક સંકુચિત મિત્રો તરત જ કપાળે ‘દલિતશત્રુ’નું લેબલ લગાવી, તમામ અનામત આલોચકોને જ્ઞાતિવાદી ઠેરવી દેવાનો ગોકીરો કરી મૂકે છે. પહેલા સત્ય અને ન્યાયનો અવાજ દબાવવા ઉચ્ચ વર્ગ આવો જ હોહાદેકારો કરી પછાત વર્ગને અન્યાય કરતો, આજે સત્ય અને ન્યાય સામે પછાતવર્ગ એટલો જ શોરબકોર કરે છે. આને કહીશું ખૂન કા બદલા ખૂન?

‘જુગાડ’, ‘સેટિંગ’, ‘છેડા’ જેની કેચલાઇન છે, એવા ભારતવર્ષમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના ૯૩મા બંધારણીય સુધારાને બહાલી આપી છે જે અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭% અનામત રહેશે. વિદ્વાનો કહે છે; વઘુ કમાતા ‘ક્રીમી લેયર્સ’ને બાકાત રાખવાની સૂચના છે, ૫ વર્ષે સમીક્ષાનું સૂચન છે, અને દરેક સંસ્થાએ સીટ વધારવાની હોઈને જનરલ કેટેગરીને નુકસાન નથી. માટે આનંદો. ચૂકાદાને આવકારો. સામાજીક સમરસતા સ્વીકારો.

ઓકે. અને કાશ્મીર છોડીને તંબૂમાં ભટકતા કાશ્મીરી પંડિતોના સંતાનો વતનથી બેદખલ નિર્વાસિત છે. એમના અન્યાયબોધનું શું ? (જસ્ટ ફોર ઇન્ફોર્મેશન દિલ્હીના ૫૦ જેટલા સુલભ શૌચાલયોના સફાઈ કામદારો બ્રાહ્મણ છે !)જે સવર્ણ અટક ધરાવે છે, પણ ચીંથરેહાલ છે. મજૂરી કરે છે, ભાડાની રિક્ષા ચલાવે છે, એનુ શું ? એમના સંતાનો તેજસ્વી હોય એ ગુનો ? એમણે તો કંઈ વર્ણવ્યવસ્થાની વાયડાઈ કરતી મનુસ્મૃતિ લખી નથી !

અનામતનો સૈદ્ધાંતિક વાંધો કે વિરોધ હોઈ ન શકે. પાછળ રહેલાઓને મુખ્ય પ્રવાહમાં ભેળવવા એ તો ડેમોક્રેટિક સિવિલાઇઝ્‌ડ સોસાયટીના બંધારણમાં ન લખી હોય તો પણ ફરજ છે. પણ નદી સાગરમાં ક્યારે એકરસ થાય ? યસ, જ્યારે એ પોતાની સ્વતંત્ર ઓળખ ઓગાળે ત્યારે ! પણ અનામતના નામે તો જે જન્મ અને જાતિની ઓળખ ભૂંસવાની છે, એ વઘુ મજબૂત બને છે. અને એકનો અન્યાય દૂર કરવા જતાં બીજાને અન્યાય થાય છે, જે અન્યાયબોધ દૂર કરવા શું નવી અનામતો લઈ આવશું ? માટે અનામત એ તંદુરસ્તીની નહિ, દાયકાઓનો મનભેદ અખંડ રહ્યાની ગવાહી આપે છે !

ભારતનો પ્રોબ્લેમ એ છે કે અહીં રિઝર્વેશન અને ક્વોટા બેવડાય છે. બોક્સિંગ રીંગમાં કોઈ સૂકલકડી હોય તો એને સીધો જ ચેમ્પિયન ઘોષિત કરાય ? એને તાજોમાજો કરાય, સાચી ટ્રેઇનિંગ અને ન્યુટ્રિશ્યસ ફૂડ અપાય. પણ મુકાબલો તો સમાન તક માટે જ લડવો પડે. હાયર એજ્યુકેશનમાં અનામત આપવી હોય, તો પછી નોકરીઓની અનામત કાઢી નાંખવી પડે !

ભારતમાં જો તમે ગરીબ, મઘ્યવર્ગીય હો… ભોળા અને સરળ હો… ઊંચી ઓળખાણો ન ધરાવતા હો… ટૂંકમાં લુચ્ચા અથવા વી.આઇ.પી. ન હો અને મુફલિસ હો તો તમને વાર-તહેવારે અન્યાય થયા જ કરશે. ભલે ગમે તે જ્ઞાતિના હો !

અનામત આજે શેરબજારના બ્લુ ચિપ આઇપીઓ જેવી છે. દરેકને એલોટમેન્ટમાં પોતાનો કવોટા જોઇએ છે ને એનો પાયાનો આધાર શું છે? જો વાત આર્થિક સમૃદ્ધિ અનામત થકી મળે, અને એ મળે તો જ સમાજમાં સ્વીકૃતિ મળે એટલી જ હોય, તો પછી કાલેલકર સમિતિનું આર્થિક આધારવાળું વર્ગીકરણ શું ખોટું હતું? પણ ત્યારે સામાજીક ન્યાયની વાત આડે આવી. વાત જો સામાજીક ન્યાયની જ હોય, તો પછી આર્થિક લાભાલાભની નોકરી, કારકિર્દીની જ અનામત પૂરતી જીદ શા માટે?

અને ખાટલે મોટી ખોડ જ માણસને ફકત જન્મના લેબલથી માપી, એના ગુણ-કર્મને અવગણવાથી શરૂ થઇ છે. અનામત માટે વળી એ જ જન્મજાત જ્ઞાતિનો સ્ટેમ્પ કપાળે ચીટકાડવો ફરજીયાત બને છે. જે ઓળખ ભૂંસવાની છે, એને ઘાટી બનાવવી પડે છે. એટલે સામાજીક સમરસતા પર લાગેલું તાળું ફકત અનામતની એકલી ચાવીથી ખૂલી જશે, એ ભ્રમ તો આંખ-કાન ખુલ્લા રાખનારાઓ માટે કયારનો ય ભાંગી ગયો છે. ઉલ્ટું નવી પેઢીમાં રિઝર્વેશન વર્સીસ મેરિટનો છૂપો ભેદભાવ, પરસ્પરની નફરત ઘટવાને બદલે પાછી વધી છે!

અન્યાયની દાસ્તાનો પૃથ્વી પરના દરેક દેશમાં છે. પણ કેવળ રાજકારણનું રમકડું બનતી અનામત (અ)નીતિ આપણા જેવી કયાંય અમલમાં નથી. આપણને દરેક તંત્રમાં લાયકાત કરતાં બીજા ધારાધોરણોને જ પ્રાથમિકતા આપવાની બૂરી આદત છે. મુદ્દો અનામત હોવી જ ન જોઇએ, એવો નથી. એના ખામીભર્યા અને લુચ્ચાઇભર્યા અમલનો છે. હવે દલિત રાજકારણ એક ‘સ્થાપિત હિત’ છે. દલિતો જ દલિતોનું શોષણ કરે છે. પછાત ગણાતા વર્ગોમાં ય અંદરોઅંદર પાછા ઊંચ-નીચના જ્ઞાતિભેદ છે.

કેટલા ચોકઠાં પાડવાને છે વધારે? અને આગેવાનોએ શું માત્ર અનામત માટે જ આંદોલનો કરવાના છે? જ્ઞાન મેળવવા, કળા શીખવા સ્વચ્છતા કે મૂલ્યો જાળવવાની ક્રાંતિ નથી કરવાની? વિચરતી- વિમુક્ત ગણાતી ઘણી જાતિઓને આજે ય અપમાન સહન કરવું પડે છે. ખરા જરૂરિયાતમંદોનો કાનુની આટાપાટામાં વારો જ નથી આવતો, ને રાજકીય કાર્યકરો નીચેથી ઉપર ઉઠતા જાય છે.

ઘણાં પછાત વર્ગોમાં કુરિવાજો, સ્ત્રીઓ પ્રત્યેના ગુલામીભર્યા વર્તન, નવી પેઢીને જકડી રાખતી પરંપરાઓ, મારામારી, ગંદકી, કુટુંબ નિયોજન, લુખ્ખાગીરી, અંધશ્રઘ્ધા અને ચોરી કે લૂંટફાટના પણ પ્રશ્નો છે. આગેવાનો એમાં નક્કર કામગીરી માટે કેમ કદી રમકડાંની રેલ્વે પણ રોકવાના આંદોલનો નથી કરતા? માણસ એના કર્તવ્યોથી ઉચ્ચ કે નીચ ગણાય છે. જેમણે ઉમદા કર્તવ્યો કર્યા છે, એમના પગમાં ફરજીયાત એની જાતિ-ધર્મ જોયા વિના પ્રજાએ પડવું પડશે.

ખરો મુદ્દો અનામત પણ નથી. ૨૦૦૮થી સુપ્રિમ કોર્ટે પણ ઠરાવ્યું છે, એમ ‘ક્રીમી લેયર’ છે. એ માટેની સાચી માહિતી આગળ જણાવ્યું તેમ હજુ છે જ નહિં, અને આવે તો કેટલાયના ગરાસ લૂંટાઇ જાય એટલે મેળવવાની કોઇની દાનત નથી. એનો અમલ થાય તો રાજકારણીઓ- ઉદ્યોગપતિઓ- અધિકારીઓના સંતાનોને અનામતનો લાભ મળતો જ બંધ થઇ જાય. ‘ક્રીમી લેયર’આપ્યા વિના, બધાને અનામતનું પાસિંગ સર્ટિફિકેટ જોઇએ છે! કહ્યું ને, નર્યા સ્વાર્થની રેસ છે.

આપણા શાસનને કોઇ બાબતનો કાયમી ઉકેલ મળતો નથી. એને દબાવીને એના પોલિટિકલ ફાયદાઓની જ ગણત્રી ચાલે છે. જે અનામતના આટલા ઢોલનગારા પીટાય છે, એના લાભાર્થીઓના સાચા સત્તાવાર આંકડા જ ન હોય, અને દાયકાઓથી છતાં એ ચાલ્યું જાય- આથી વઘુ કરૂણરમુજી કાંડ શું હોઇ શકે? અને શિક્ષણ તથા નોકરી બંનેમાં ફક્ત જન્મના જોરે અમીર હોવા છતાં એક જ વ્યક્તિ બે વખત અનામતનો લાભ લઇ , કોઈ લાયક ગરીબ સવર્ણનો મૂળભૂત હક બાપદાદાના અન્યાયના બદલારૂપે વગરવાંકે લઇ જાય એ કેવો અન્યાય છે! આ દેશ ક્યારેય એક, અખંડ થાય ખરો?

અનામત એક આવશ્યક દવા હતી. દવા આડેધડ આપવાની ન હોય અને દર્દીને દવાની જ ટેવ પડી જાય, એ સારા નહિં, નબળા આરોગ્યની નિશાની છે. દવા કાયમ ખાવી પડે એ જ રોગ છે.

** ‘ઇતિહાસ સાક્ષી છે કે એથિકસ (મૂલ્યો) અને ઇકોનોમિકસ (નાણાં) જયારે સંઘર્ષમાં ઉતરે છે, ત્યારે વિજય હંમેશા ઇકોનોમિકસનો થાય છે!’ (ડો. આંબેડકર)**

 
 

slow dance – વિસામો

Have you ever watched kids

on a merry-go-round ?

Or listened to the rain

slapping on the ground?


Ever followed a butterfly’s erratic flight

Or gazed at the sun into the fading night?


You better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


Do you run through each day

on the fly?

When you ask “How are you?”

do you hear the reply?


When the day is done,

do you lie in your bed

With the next hundred chores

running through your head?


You’d better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


Ever told your child,

We’ll do it tomorrow

And in your haste,

not see his sorrow?


Ever lost touch,

Let a good friendship die.

‘Cause you never had time

to call and say “Hi”?


You’d better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


When you run so fast to get somewhere

You miss half the fun of getting there.


When you worry and hurry through your day,

It is like an unopened gift….Thrown away…


Life is not a race.

Do take it slower.

Hear the music.

Before the song is over.

 ~ David L. Weatherford (1991)

તમે કયારેય નિહાળ્યો છે,

ચકડોળમાં ધૂમતા બાળકોનો ઉન્માદ?

કે પછી કદી સાંભળ્યો છે

ધરતી પર ઝીલાતા વરસાદનો નાદ?


કદી ઠેકડો માર્યો છે,

જોઈને પતંગિયાની ઉડાન?

કે પછી કયારેય સમી સાંજે

ડૂબતા સૂરજ પર આપ્યું છે ઘ્યાન?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે ટૂંકો, સંગીત પડશે શાંત!


ઉતાવળમાં જ પસાર કરો છો

છેક સવારથી રાત?

કોઈને ‘કેમ છો?’ પૂછયા પછી

એની સાંભળો છો વાત?


જયારે પડો પથારીમાં પડો ત્યારે

તરત આવે છે નીંદર

કે યાદ આવે છે

સેંકડો બાકી કામોનું લપસીંદર?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે ટૂંકો, સંગીત પડશે શાંત!


કયારેય કહ્યું છે નાના ભૂલકાંને, કે

‘આજે નહિ, હવે તારૂં કામ થશે કાલ’

અને પછી તમારા  ટેન્શનમા ભૂલ્યા છો,

જોવાનું એના ચહેરા પર ઓસરતું વ્હાલ?


કયારેય છૂટી ગઈ છે મૈત્રી,

અને પછી બળી છે એની લ્હાય?

કારણ કે તમે ટાણે ચૂક્યા હો,

એક ફોન કરીને કહેવાનું ‘હાય’?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે. ટૂંકો, સંગીત પડશે શાંત.


જયારે તમે ખૂબ ઝડપથી દોડો છો,

કોઈ મંઝિલે પહોચવા માટે…

ત્યારે ગુમાવી દો છો અડધો આનંદ,

જે મળ્યો હોત સફરની વાટે…


જયારે ચિંતા અને દોડધામમાં

પસાર થઈ જાય આખો દિવસ

એ તો જાણે ખોલ્યા વિના જ ગઈ ફેંકાઈ

ભેંટ કોઈ એકદમ સરસ!


જીંદગી નથી કોઈ રેસની હરિફાઈ

થોડા ધીરા રહો, જાણો એની નવાઈ

કાન દઈને સાંભળો એનું સંગીત

ખબર નહિ પડે, કયારે પૂરૂં થશે ગીત!

 ~ અનુવાદ: જય વસાવડા (૨૦૦૪)


ઇન્ટરનેટ પર ખૂબ ફરતા મેઈલમાંનો એક એટલે ડેવિડ વેધરફોર્ડની આ હૃદયસ્પર્શી કવિતા ‘સ્લો ડાન્સ ‘. ચેઈન મેઈલમાં એની સાથે મેલોડ્રામા જોડવામાં આવ્યો છે, અને એક કેન્સરગ્રસ્ત બાળકીએ મરણપથારીએ આ લખી હોવાનું કહેવાય છે. મને ખુદને પણ મૂળ કવિનું નામ માંડ મળ્યું, થોડા વર્ષો પહેલા. આમ તો વાંચતાવેંત ખ્યાલ આવી જાય છે કે આ રચના સરળ છે, પણ સામાન્ય નથી. કોઈ સિધ્ધ સર્જકની છે, દર્દીની નહિ.

એની વે, મને આ ખૂબ ગમે છે. આ મુજબ થોડુંક જીવાય છે , એટલે વિશેષ વ્હાલી છે. બહુ કામકાજ વધી જાય ત્યારે બહાર ‘બીઝી’નું પાટિયું લટકાડી હું અંદરથી ‘લેઝી’ થઇ જાઉં છું. સતત રઝળપાટ, વ્યસ્ત વિચારવલોણું – એનો કાંટો જરાક વધી જાય એટલે નવરાશની હાશ  માણવા પ્રયાસો કરું છું. ભલે, આર્થિક આવક વધારતા મારા જ કેટલાક પ્રોજેક્ટ ટલ્લે ચડે, ભલે સેલ સાયલન્ટ રહે, ભલે થોડોક બીજાઓને અજંપો થાય, ભલે હું ય જરાક ચીડાઈ જાઉં અધુરપથી…..ગાડી સલામતીથી દોડતી રાખવા એક્સીલરેટર સાથે, સમય સમય પર બ્રેક મારવી જરૂરી છે. બ્રેક એટલે મીની વેકેશન જ નહિ, જસ્ટ નિરાંત. બસ, એમ જ .

 એક લેખ માટે ઇન્સ્ટન્ટ (ઉત્સ્ફૂર્ત, યુ નો ! :P) એનો અનુવાદ થઇ ગયેલો. મૂળ કવિતાના અંગ્રેજી પાઠ સાથે મારો આ અનુવાદ અહીં મુકું છું. કહેવા જેવું બધું કવિતામાં કહેવાઈ જ ગયું છે. વાંચવા નહિ , જીવવા જેવી છે  આ રચના! માણો, જીમ વોરેનના ચિત્ર અને ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક વરસાદી સાંજે મેં ખેંચેલી તસવીર સંગાથે આ જીવનસંગીતની મધુર શબદ-સુરાવલિ…

 
 

ફ્રેન્ડશિપ ફનઃ શા માટે આપણને કદી ગર્લફ્રેન્ડ મળવાની નથી?! ;)

દોસ્તો, આજે ફ્રેન્ડશીપ ડે એ જરા જુદા સ્વાદની વાનગી…આઠ વર્ષ અગાઉનો (અને અલબત્ત ખાસ આપ દોસ્તો માટે નખશીખ નવેસરથી મઠારેલો) એક હળવો લેખ…આજે મસ્તી નહિ કરીએ તો જીન્દગી બહુ સસ્તી ખતમ થઇ જશે, યારો…લેકિન , કિન્તુ, પરંતુ…લેખની વ્યથાકથા ભલે સાચીખોટી, ખાટીમીઠી લાગે..એનું ગણિત સાચ્ચે જ ઓથેન્ટિક છે , હો કે..એમાં ગપ્પાં નથી માર્યા..અને હા, આ લેખ ને વાસ્તવિક કે કાલ્પનિક એવા કોઈ લેખકના આત્મનિવેદન તરીકે વાંચવો નહિ એવું ફિલ્મ શરુ થતા પહેલા વાંચવાનો સમય ના રહે એવું ડિસ્ક્લેમર અહીં પણ મૂકી દઉં છું..એ નહિ સમજનારા સામે કાનૂની ઉફફફ ‘માનુની’ કાર્યવાહી ભારત સરકારની ગતિએ કરવામાં આવશે..લોલ્ઝ્ઝ…ચાલો મારી થોડીઘણી, જેવીતેવી ફ્રેન્ડ બનેલી ગીનીચુની ગર્લ્સ મારો દિવસ ફ્રેન્ડ-‘શીટ’ ડે બનાવે એ પહેલા હું ભાગું, ને તમે ભોગવો…;) રીડ ટાઈટ, ટેઈક લાઈટ 😀   

 

લો, ફરી આવી ગયો ઓગસ્ટ માસનો પહેલો રવિવાર… ને ફ્રેન્ડશિપ ડેનો અલ્ટ્રામોડર્ન તહેવાર! ફરી આવે, સતાવે એક જ વિચાર વારંવાર, આખિર હમારી હી કિસ્મત મેં ગર્લફ્રેન્ડ કયોં નહીં હૈ યાર?

ઓ.કે., ઓ.કે. નો મસ્તી, સ્ટ્રેઇટ ટોક. એવું આર્ચિઝ કે હોલમાર્કના કોઇ કાર્ડશાસ્ત્રમાં લખેલું નથી કે ફ્રેન્ડશિપ ડે સિર્ફ બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ યાને લડકા- લડકી કે લિયે હૈ, પણ એવુંય કયાંય લખેલું નથી કે ફ્રેન્ડશિપ ડે નર-નારી યાને સ્ત્રી-પુરૂષ યાને મિલ-ફિમેલ માટે પ્રતિબંધિત છે. પણ ઘણીવાર કંઇક છોરીઓની કિસ્મતમાં સિર્ફ સહેલીઓ અને કંઇક છોરાઓના નસીબમાં માત્ર ભાઇબંધો જ લખ્યા હોય છે! ઓપોઝિટ સેકસ (વિજાતીય વ્યકિત)ની કંપની ઘણીવાર જીંદગી આખી તરસવા છતાં મળતી નથી. ઓ મિસ, મિસ યુ સો મચ! (એવું કહીએ પછી જ કિસનો મિસના કરવા જેવો ચાન્સ મળે, ભાઈલોગ! 😉 )

કોઇ મહાવિદ્વાને (નેચરલી પુરૂષોને જ) કહ્યું છે કે જે સમય સ્ત્રીની સોબતમાં વીતાવેલો નથી, એ બધો જ સમય વ્યર્થ ગયેલો જાણવો! લેટ મી બી કલીઅર. અહીં વાત પ્રેયસી કે પત્નીની નથી! બીવી ઇઝ બોરિંગ, વાઇફ ઇઝ વાસી! અલબત્ત, એ રિલેશન્સની બુનિયાદમાં પણ પહેલાં ફ્રી ફ્રેન્ડશિપની ફેન્ટેસી જોઇએ જ. આ તો સિમ્પલ ગર્લફ્રેન્ડની વાત છે. કોઇ ગામડાગામના રઘલાની સંગાથે રૂપલી હોય, ને કોઇ શહેરી કૂલ ગાયની પડખે હોટ બેબ હોય… પણ બોયફ્રેન્ડની સાથે ગર્લફ્રેન્ડ હોય તેમાં કોઇ આસમાન તૂટી નથી પડતું, હા, ધરતી જરૂર ગુલશન ગુલશન બનીને મહેકી ઉઠે છે. પહેલાંના જમાનામાં જેમ રથ પર સવાર થઇને ઉદ્યાનવિહાર થતો, એમ આજે બાઇક પર આરૂઢ થઇને મલ્ટીપ્લેકસવિહાર કરવા માટે ડાર્લિંગ ડેટ તો જોઇએ ને! 😛

તો પછી આપણારામે પાસે આ ફ્રેન્ડશિપ ડેએ એવી ગર્લફ્રેન્ડ કેમ શોધવી? શું હું જાડો છું? પાતળો છું? શરમાળ છું? કંટાળાજનક છું? કદરૂપો છું? બાઘો છું? બેહાલ છું? ઉંમરમાં મોટો છું? સ્વભાવમાં ખોટો છું? મસ્તીમાં છોટો છું? ગરબડ ગોટો છું?… ‘ધેર મસ્ટ બી સમથિંગ રોંગ ટુ મી’- ગર્લફ્રેન્ડ વિનાના બધાય નરકેસરીઓ આવું જ વિચારતા હોય છે. પણ બંદા તો વિચાર સમંદરના તળિયે તાર્કિક ડુબકી મારીને અમે જવાબનું મોતી શોધી લાવ્યા છે! 🙂

તો મહેરબાન, કદરદાન- કાન ખોલ કે સુનિયે… સોઓઓરી, આંખે ફાડ કે પઢિયે! હજ સુધી તો ઠીક, પણ કયારેય મરણપર્યંત કોઇ ગર્લફ્રેન્ડ કેમ નહિ મળી શકે તેનો સેન્ટ પરસેન્ટ સાયન્ટિફિક વર્જિન ખુલાસો. પોઇન્ટ ટુ પોઇન્ટ. ઢેનટેડેન….

સ્ટેપ વન. આપણે તો ખુલ્લા દિલે વિચારવું છે. પોઝિટિવ એટિટયુડ રાખવો છે. માત્ર આપણા ગામ કે કોલેજ કે પ્રદેશ નહીં, દુનિયાભરની કન્યાઓને ફ્રેન્ડઝ ફોરએવર બનાવવા દિલના દરવાજા ખુલ્લા રાખવા છે, જાતિ, ધર્મ કે દેશનો કોઇ બાધ નથી. માટે સરહદ પાર પણ પહોંચવું જોઇએ. મહત્તમ પ્રયત્નો કરવા જોઇએ, તો પછી ચાલો પર્સનલ કોમ્પ્યુટરમાં એકદમ ઓથેન્ટિક ગણાતો ‘યુ.એસ. સેન્સસ બ્યુરો’ અને વર્લ્ડ બેન્કનો નો ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોફાઇલ’ પડયો છે. જરાક જ જૂનો ગણાય. એ મુજબ જગતની કુલ વસતિ ૬,૭૭,૫૨,૩૫,૭૦૦ છે. આમ તો રાઉન્ડ ફિગર પોણા સાત અબજનો ગણાય. પણ ના, આપણે તો પરફેકટ ગણત્રી જ કરવી છે. હવે દુનિયાની કુલ વસતિમાંથી નેચરલી અડધોઅડધ સ્ત્રીઓની હોવાની (બધે થોડી કંઈ ભ્રૂણહત્યા થાય છે?)… માટે આ પૃથ્વીલોકમાં કુલ સ્ત્રીઓ થઇ ૩,૩૮,૭૬,૧૭,૮૫૦ (યાદ રાખો, આ માનવીઓની ગણત્રીના આંકડા છે, એમાં કયાંય પણ પોઇન્ટવાળા જવાબ વાસ્તવિક ન રહે. કયાંય ૦.૩૭ સ્ત્રી હોય? એ આખી જ હોય! માટે અપૂર્ણાંક જવાબને પૂર્ણાંકમાં ફેરવવો પડે જ!)

હવે પેલો ત્રણ અબજ આડત્રીસ કરોડ સમથિંગ સમથિંગનો આંકડો તો દુનિયાની કુલ સ્ત્રીઓનો છે. પણ બાપુ, આપણી ગર્લફ્રેન્ડ તો નેચરલી ખાધેપીધેપહેરવેઓઢવે જરા સ્માર્ટ એન્ડ હેપી જોઇએ જ. શું તમે મને એટલી હદે બેડોળ કે કંગાળ માનો છો કે ઇથોપિયા- સોમાલિયાની ચીંથરેહાલ હાડકાના માળા જેવી કોઇ આદિવાસી મહિલાને મારી સખી બનાવી દો. નોટ એટ ઓલ. આપણી ડ્રીમગર્લ ફ્રેન્ડ કંઇ ઘાના, બુરુન્ડી, ગ્વાટેમાલા કે સુદાનમાંથી શોધવાની નથી. અહીં ગર્લફ્રેન્ડ ગોતવાની વાત ચાલે છે, યાર… નિરાશ્રિતોના કેમ્પ કે નિરક્ષરોના શિક્ષણની નહિ. 😀 આપણી ગર્લફ્રેન્ડ અમીરજાદી ન હોય તો કંઇ નહિ, પણ સાથે રેસ્ટોરામાં જઇએ તો આપણુંય બિલ ચૂકવી દે, એટલામાં સંતોષ છે. દિલની દોસ્તીમાં વારંવાર બિલ ચૂકવવાનું આવે તો ય હાર્ટ એટેક આવી જાય. માટે, આપણને ખપે ફેશનેબલ એન્ડ ફાઇન લેડી. ઇન શોર્ટ, જગતના વિકસિત, સમૃદ્ધ અને વ્યવસ્થિત ફર્સ્ટવર્લ્ડ કન્ટ્રીઝની કે ભારતના મેટ્રોસિટીઝના પોશ વિસ્તારની હાઇફાઇ બાળાઓ, વેલકમ એનીટાઇમ.

માથાના નિયમિત ખરતાં વાળ તદ્દન ઉતરી જાય એટલા સંશોધન પછી, સ્ટેટેસ્ટિકસ ના પેલા મીન- મધ્યક ને સીગ્માને એવું બધી છોકરીઓને કદી ના ગમતી ને અને છોકરાઓને કદી ના સમજાતી (નહિ તો આ લેખક-બ્લોગર થોડા બન્યા હોત? પેટન્ટ લઈને જોબ્સ, ગેટ્સ, ઝુકરબર્ગ ના થયા હોત મારા વા’લા ઉપ્સ મારી વા’લી? 😉 ) અઢળક મેથેમેટિકલ કડાકૂટ પછી  દુનિયાના ચકાચક વિસ્તારોની રમણીઓના આંકડાઓ મળ્યા છે. બધાનો સરવાળો કરતાં જવાબ મળ્યો ૬૦,૫૬,૦૧,૦૦૦.

અર્થાત લગભગ સાઠ કરોડ ગર્લ્સ એવી છે, જો હમારી ગર્લફ્રેન્ડ બન સકતી હૈ. એ ગુજરાતમાં પણ હોય ને રશિયામાં પણ હોય. પણ વેઇટ, આ ય જનરલ સિલેકશન જ થયું.

એક તથ્ય યુનિવર્સલ છેઃ પુરૂષિયું ભલે ને ગમે તે ઉંમરનું મારી જેવો અદોદળું અવળચંડુ અડ્બૂથ અકોણું હોય… કે પછી અડવાણીજીની જેમ એના માથા પરના શ્વેતકેશ પણ ખરી ગયા હોય…કે હિમેશની જેમ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય.. સંસારના પ્રત્યેક પુરૂષની કલ્પનામાં ગર્લફ્રેન્ડ તો હંમેશા જવાન જ હોવાની! કમસીન…અહાહાહા…હસીન..અહાહાહા…નમકીન…મ્મ્મ્મ્મ્માઆઆહ્હ્હ્ ! સ્માર્ટ એન સેક્સી…બોલ્ડ એન નોટ સો ઓલ્ડ…યંગ એન યમ્મીઈઈ…! 🙂 યાને ખરેખર સ્વપ્નપરી જેવી ગર્લફ્રેન્ડ શોધવી હોય તો એની ઉંમર ૧૬થી ૨૮ વર્ષની જોઈએ. જો એથી વઘુ હોય, તો પણ એ આ ઉંમરની જ દેખાવી જોઈએ. આમ પણ, ઘણા વર્ષો સુધી ઘણી સ્ત્રીઓ આ ઉંમર પર જ સ્થિર થઈ જાય છે. ખાસ કરીને હિરોઈન્સ! 😛

એની વે, પોપ્યુલેશન રિપોર્ટની મદદથી એજ ગ્રુપ ક્લાસિફિકેશન કરો, તો થોડીક વધુ મેથેમેટિકલ માથાકૂટ પછી જગતની કુલ અવેલેબલ કામિનીઓમાંથી આ નવજવાન ફૂટડી યૌવનાઓ બચે છેઃ ૬,૬૦,૫૯,૬૮૦. સેડ ન્યૂસ એ પણ છે કે ૧ % યુવતીઓ કોઈને કોઈ કારણસર ભરજુવાનીમાં મૃત્યુ પામે છે. તેની બાદબાકી કરતા ફાઈનલ એન્સર આવ્યોઃ ૬,૫૩,૯૯,૦૮૩.

યૌવન એ ગર્લફ્રેન્ડની પસંદગીનો પહેલો માપદંડ હતો. ડોન્ટ વરી. આપણા ક્રાઈટેરિયાઝ કંઈ ઝાઝા બધા નથી. બહુ મર્યાદિત અને બેઝિક એક્સપેકટેશન્સની બે-ત્રણ ડિમાન્ડસ જ છે. જે એકદમ વાજબી અને છોકરા તો ઠીક છોકરીઓને પણ ગળે ઉતરી જાય તેવી છે.

જેમ કે, ગર્લફ્રેન્ડ મસ્ટ બી બ્યુટીફૂલ! જુઓ, જીંદગીમાં પહેલીવાર આટલી સેરીયાસ્લી અને સાયન્ટિફિકલી એક ગર્લફ્રેન્ડની તલાશ કરતા હોઈએ, તો એ કંઈ જેવી તેવી તો ન જ દેખાવી જોઈએ. સાદી બ્યુટી નહિ પણ સુપર ડિલક્સ સ્પેશ્યલ બ્યુટી હોય તો જ એની ફ્રેન્ડશિપની ડયુટી બજાવવાનો ઉમળકો જાગે. નાજુક, નમણી, ગોરી, ચળકતા વાળ, પાણીદાર આંખો, ગુલાબી હાથ, મુલાયમ ત્વચા, કમનીય વળાંકો, માસુમ ચહેરો, માદક અવાજ, ઉન્નત ઉરોજ, જ્યુસી લિપ્સ, બાઉન્સી હિપ્સ… ઈન શોર્ટ, અલ્ટીમેટ ચાર્મિંગ ગોર્જીયસ ગર્લ. એવી ન હોય તો પછી ગર્લફ્રેન્ડ શું કામ રાખવી? બોયફ્રેન્ડસ ક્યાં ઓછા છે? 😀

હવે ટ્રેજેડી એ છે કે ‘પોપ્યુલેશન સ્ટેસ્ટિકસ’ છાપતા રિપોર્ટસ પાછા કામિનીઓના ‘વાઈટલ સ્ટેસ્ટિકસ’ (ફિગર સ્ટેટસઃ ૩૬-૨૪-૩૬ એટ સેટરા) છાપતા નથી. માટે મદદ લેવી પડે આંકડાશાસ્ત્ર વાળા સ્ટેસ્ટિકસની! જે લોકોને એમાં રસ હોય (જે આ લખનારને બિલકુલ નથી!) એમને ‘સ્ટાન્ડર્ડ ડેવિએશન’ની ફોર્મ્યુલા ખબર હશે. નક્કી કરેલા સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ રિઝલ્ટ વચ્ચેના તફાવતને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. એની પાઈ, વર્ગમૂળ, કલનગણિતના કર્વ વગેરે વાળી ફોર્મ્યુલામાં આપણે બ્યુટીના માત્ર બે જ માપદંડ મૂકીએ, તોય ‘ઝેડ’ બરાબર ‘બે’ ગણવા પડે. (આવી ભેજાફોડીમાં રસ લેતા અરસિક વેદિયાઓ, પ્લીઝ ફોટામાંની ફોર્મ્યુલા જોઈ લો!) ટૂંકમાં, જવાબ માંડ ૦.૦૨૨% જેવો આવે છે. એમાંય ખાલી બે જ માપદંડ મૂકીને આપણે તો સમાધાન કરેલું છે!

આ જ વાત કોમનમેનના એંગલથી સમજાવીએ. સામાન્ય રીત- આહ અને વાહ પોકારાવી દે એવી દિલધડક રૂપસુંદરીઓ માંડ ચાલીસે એક જોવા મળે! તદ્દન કદરૂપી અને બેહદ રૂપાળી છોકરીઓ થોડી હોય. મોટા ભાગે એવરેજ લૂક હોય! એક કોલેજમાં ૮૦ વિદ્યાર્થીનીઓનો ક્લાસ હોય, તો પણ એમાં હાર્ટ ઓફ કોલેજ અને ક્વીન ઓફ રોઝીઝ બને એવી બેસ્ટ બ્યુટી માંડ બે હોય છે. ચેક ઇટ આઉટ. માટે છેલ્લે ઉપલબ્ધ અંક ૬,૫૩,૯૯,૦૮૩નો ૪૩મો ભાગ આપણા કામનો છે, એમ માનીને ભાગાકાર કરીએ તો પણ જવાબ વધે ૧૪,૮૭,૮૩૮.

હવે ગર્લફ્રેન્ડની સાથે ધુમવા ફરવાનું હોય, જમવાનું હોય (એ તૈયાર કરી આપે તો ઓર અચ્છા!) ટીવી સિનેમા જોવાનું હોય, ટેલિફોન ટોક કરવાની હોય, ખુશીઓ વહેંચવાની હોય… માટે મિત્ર તો સમજદાર જ જોઇએ. સમજણ શિક્ષણમાંથી આવે, એટલે વેલ એજયુકેટેડ પણ જોઇએ. હોલિવુડ મુવીઝ ન જોઇ શકે કે બીચ પર બિકિની જોઇને ભડકે એવી ગર્લફ્રેન્ડ માટે નો એન્ટ્રી! આપણને ભલે ન આવડે, પણ એનો ડાન્સ જોતા કોણ રોકે છે? પ્લસ દેશ દુનિયાની પહેચાન, વિશ્વ ભાષા અંગ્રેજીનું જ્ઞાન… એટલી અપેક્ષા તો પુરૂષ મિત્ર પાસેથી પણ રહેને! કહેવાય છે કે જેની બાજુમાં બસ કે ટ્રેનમાં તમે ૨૪ કલાક ન બેસી શકો, એવી વ્યકિતને નિકટ મિત્ર ન બનાવવી. અંગત ઉર્ફે પર્સનલ ફ્રેન્ડ ભલે દલીલો ન કરે, પણ ચર્ચા કરે તો જ ફ્રેન્ડશિપની મજા છે. અહીં ફ્રેન્ડશિપની વાત ચાલે છે, મંદબુદ્ધિ બાળકોની સારસંભાળની નહીં. માટે બ્યુટીફુલ ગર્લ ઇન્ટેલીજન્ટ તો હોવી જ જોઇએ. ભલે ડિગ્રીધારી ન હોય! તેજસ્વી વ્યકિતની જ મૈત્રી કંટાળાને બદલે રાહત આપે.

જો અહીં ફરી સ્ટેટસની મદદ લઇને સ્ટાન્ડર્ડ ડેવિએશન માત્ર એક રાખીએ, તો પણ જવાબ એ જ મળે છે…, જે ગણિતના ગુબ્બારા વગર પણ મળે. જરાક જાતે જ સર્વે કરો. તમને મળતી બ્યુટીફુલ બેબ્સમાંથી ઇન્ટેલીજન્ટ કેટલી હોય છે? આવા લેખો વાંચવા એ પણ ઇન્ટેલીજન્સની નિશાની છે, પણ મોટા ભાગની ફાયરક્રેકર ગર્લ્સ સાજશણગારમાંથી નવરી હોય તો છાપા વાંચેને! પ્રયોગ કરી જોજો, અને ફેર પડે તો આ વાંચો છો , એ સ્ક્રીન ફોડી નાખજો. દુનિયાના ગમે તે ખૂણે સુંદરીઓની સાથે વાત કરો તો દર ૬ કન્યાએ ૧ કન્યા હોંશિયાર અને બુદ્ધિમાન નીકળે. માટે ૧૪,૮૭,૮૩૮ના ૧૬% જેટલી ચિકસ આપણા માટે પરફેકટ કોમ્બિનેશન ગણાય… બ્યુટી પ્લસ બ્રેઇન! લાઇક ગુલ પનાગ ઓર લીઝા રે ઓર મનીષા ઓર વિદ્યા ઓર નંદના ઓર કેટ ઓર એબી કોર્નિશ ઓર મોનિકા બેલુચી ઓર….. ! ઓકે, ઓકે, અર્થાત ઉત્તર આવે છે ૨,૩૬,૦૫૩.

હવે શું આવી દેખાવડી અને તેજદિમાગ હોટ એન્ડ વાઇલ્ડ રાધાઓ મારી ફ્રેન્ડશિપ પ્રપોઝલની રાહ જોતી બેઠી હશે? આજકાલ તો સ્કૂલમાં જ ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડનું પાક્કું થઇ જાય છે. અહીં તો કોલેજીયનની ઉંમર પણ વટાવાઇ ગઇ છે. ભલે બુઢાપો ન ગણાય, પણ ટીનએજ ફ્રેન્ડશિપમાં ય…. આપ કતાર મેં હૈ, કૃપયા સારી જીંદગી ઇન્તજાર હી કરતે રહિયે! યાને પેલી બે લાખ છત્રીસ હજાર સમથિંગ સમથિંગમાંની અડધોઅડધ ગર્લ્સ પર તો સીધી ચોકડી જ મૂકી દેવાની! જેમાંની કોઇ પાસે સ્ટેડી બોયફ્રેન્ડ હોય અને નવા માટે જગ્યા ન હોય… કોઇની સગાઇ થઇ ગઇ હોય (ભારતમાં તો ખાસ!) કે કોઇના લગ્ન પણ થઇ ચૂકયા હોય. (ગુડ એન હોટ ગર્લ્સ આર ઓલ્વેસ ટેકન, નેવર બોર્ન ઓર મેરિડ ટુ સમવન એલ્સ યુ નો? :P)   આ તો નેચરલ એન્ડ નોર્મલ ફ્રેન્ડશિપની વાત છે. હાડકાં ખોખરા થાય એવી કુસ્તીને આમંત્રણ દેવાનો કોઇ (બદ)ઇરાદો નથી! ‘એકસકયુઝ મી, કયા રે? મૈં પહેલે સે શાદીશુદા રે…’વાળું ગીત નથી જ ગાવું. માટે ૫૦%ની બાદબાકી. અડધોઅડધ ‘રોકાયેલી’ ગર્લ્સને બાય બાય, બેસ્ટ ઓફ લક. બચે છે ૧,૧૮,૦૨૭.

હવે વાત છેલ્લા પગથિયે આવીને ઉભી છે. પણ આ લાખેક માનુનીઓમાંથી બધી જ કંઇ થોડી આપણા સંપર્કમાં આવવાની છે? અને બે ઘડી માનો કે વિધાતા વરસી પડયા, તો પણ આવી એકસ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલીજન્ટ ગર્લ મારા જેવા નાના ગામમાં રહેનારા એવરેજ લૂકસ (વિથ નોટ સો એવરેજ માઇન્ડ) ધરાવતાં દોસ્તની દોસ્તી પસંદ કરે એ થોડું અનિવાર્ય છે? ફ્રેન્ડશિપમાં ફોર્સ ન હોય. કુદરતી ટ્યુનીંગ જામવુ જોઈએ. બેઉ ફ્રેન્ડ એકબીજાને હૃદયથી પસંદ કરતાં હોય, તો જ મૈત્રીની મોસમ જોરદાર બને. જનરલી અહીં એવું પણ બને કે માંડ પાંચે એક કન્યા ફ્રેન્ડશિપનું ઇન્વિટેશન પાઠવે કે કબુલ રાખે. માટે, ફરીથી કુલ સંખ્યાનો છઠ્ઠો ભાગઃ ૧૮,૭૨૬. ઇતિ સિદ્ધમ!

દેખીતી રીતે કંઇ આ આંકડો નાનોસુનો નથી. પણ આ કોઇ એરેન્જડ મેરેજની અડધી કલાકની મિટીંગ નથી. લાઇફલાઈક ફ્રેન્ડશિપની વાત છે. કોઇપણ બે ગાઢ મિત્રો કંઇ પળવારમાં દોસ્ત બન્યા નથી હોતા. એકબીજાના ખૂબી-ખામી સમજવામાં, એની આદત પાડવામાં થોડો સમય લાગે. પછી મૈત્રીપુષ્પની કળી ઉઘડે. હવે ‘પા-ખંડ કૌમાર્યવ્રતધારી’ બાપડા બિચારાઓ આટલી મથામણ પછી જીવનની પહેલી ગર્લફ્રેન્ડ શોધવા નીકળે તો કમસેકમ એક સપ્તાહનો સમય એક કન્યા પાછળ કાઢવો જ જોઇએ. કારણ કે સાથોસાથ બીજા ઘણાં કામ કે જવાબદારીઓનો બોજ નિભાવવાનો જ હોય. એકસાથે અનેક ગર્લફ્રેન્ડ તો સલમાનખાન પણ મેનેજ ન કરી શકતો હોય, તો આપણું શું ગજું? વળી દરેક છોકરી કંઇ સામનેવાલી ખિડકીમાં ન હોય. કોઇ તો સાત સમંદર પાર હોય! જો ૧૮,૭૨૬ પ્રોસ્પેકટસને ૧-૧ સપ્તાહ આપીએ તો પણ ૩૪૯૩ સપ્તાહ વીતી જાય. એટલે કુલ ૬૭ વર્ષ!

૧૯૭૦ના દાયકામાં જન્મેલા કોઇ ભારતીય કંઇ સવા સદીનું આયુષ્ય ભોગવી શકે તેમ નથી અને આટલાથી અડધા વર્ષ ગણીએ તો ય ૩૦ વર્ષ પછી ૬૭ વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ હોવાનો રોમાંચ શું રહે?

માટે આજે તો ઠીક, કદી પણ બરછટ હાથોને બદલે કોઇ રેશમી માખણિયો હાથ હથેળીમાં દાબીને વરસાદી સાંજે બહાર નીકળવાનું બનવાનું લગભગ અસંભવ છે …ગાણિતિક સત્ય, યુ સી ? 😉

એનું એક વઘુ વાસ્તવિક કારણ પણ છેઃ ફ્રેન્ડશિપ ડેએ ગર્લફ્રેન્ડ પર આવું ભેજાફ્રાય ચિન્તન કરીને માથું પકવી દેનારો પકાઉ બોયફ્રેન્ડ કોઇ શરબતી અને શરારતી ગર્લ પસંદ કરે ખરી? સો, કેસ ડિસ્મીસ્ડ! હેવ ફન, રીડર ફ્રેન્ડસ! હેપી ફ્રેન્ડશીપ ડે 🙂

ફાસ્ટ ફોરવર્ડ

માણસ મોટેભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ આપતો નથી!

 
36 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 7, 2011 in entertainment, fun, romance, youth

 

કાશ્મીર – peace અને piece : ISI ‘માર્કો’ ચેક કરો !

૨૦૦૪ની સાલમાં મારી પહેલી વિદેશયાત્રા અમેરિકન સરકારના આમંત્રણથી અમેરિકાની (ગુજરાતી મીડિયા માટેની પ્રથમ અને એકમાત્ર એક્સક્લુઝિવ) મીડિયા ટ્રીપ નિમિત્તે થઇ, એ જિંદગીના યાદગાર અનુભવોમાંનો એક રહ્યો છે. અમેરિકા જવું કોઈ ગુજરાતી માટે નવી નવાઈની વાત નથી, પણ યુ.એસ.સ્ટેટ ડીપાર્ટમેન્ટના ગેસ્ટ તરીકે ફરવું અને અનેક જગ્યાએ જવું/મળવું જેમ કે વોશિંગ્ટન પોસ્ટ કે શિકાગો સન ટાઈમ્સના તંત્રીઓ સાથેની મુલાકાત કે કેપિટલ હિલની ખાસ સફર વગેરે – એમાંથી સાંપડેલા મિત્રો અને અનુભવો હજુ ય પ્રાચીન બ્લ્યુ ચીપ સ્ક્રીપની માફક ડિવિડન્ડ આપતા રહે છે. કોઈ વાર એ યુનિક ટ્રીપ વિષે વધુ વિગતે લખવાની ઈચ્છા ખરી..

પણ હમણાં વધુ એક વાર એ સફરની યાદો દિમાગના સળમાંથી સળવળી ઉઠી. તાજેતરમાં સમાચાર ચમક્યા હતા અખબારોમાં કે અમેરિકાની પ્રેસીડેન્ટને પણ ના ગાંઠતી મહાચાલાક જાસુસી સંસ્થા એફ.બી.આઈ.એ અમરિકામાં રહેતા કાશ્મીરી (વાંચો, પાકિસ્તાની) નાગરિક ડૉ.ગુલામ નબી ફાઈની પાકિસ્તાનની (ભારતની દુશ્મન નંબર એક ) સિત્તેર શિયાળ અને સત્તર સાપ ભાંગીને એક પેદા કરી હોય એવી જાસુસી (વાંચો, ત્રાસવાદી) સંસ્થા આઈ.એસ.આઈ.ના એજન્ટ તરીકે ધરપકડ કરી છે. ફાઈ આઈ.એસ.આઈ. પાસેથી નિયમિત ફંડ મેળવીને એના શેતાની ચરખાના મૂળિયા અમેરિકામાં મજબૂત કરતા હોવાનો આરોપ છે. અત્યારે તો અમેરિકન અદાલતે ફાઈને એક લાખ ડોલરના જામીન પર નજરકેદ રહેવાની શરતે છોડ્યા છે. ફાઈ સમર્થકો કહે છે કે દાક્તરબાબુ તો બાપડા ભલાભોળા સમાજસેવક છે. ફાઈની પહોંચ અમેરિકન રાજકારણમાં એવી હતી કે બંને મુખ્ય પક્ષો રીપબ્લીકન અને ડેમોક્રેટિકને ચૂંટણીમાં ૨૦,૦૦૦ ડોલર જેટલું દાન આપી ચુક્યા હોવાના અહેવાલો છે.

આ મેં લીધેલી તસ્વીરમાં જે બોલતા દેખાય છે , એ જ ડૉ. ગુલામ નબી ફાઈ.

એની વે, ફાઈની અંડરગ્રાઉન્ડ એક્ટીવીટી જે હોય તે, ઓવર ધ ગ્રાઉન્ડ એમની એક પ્રવૃત્તિ હતી – અમેરિકામાં કાશ્મીર પીસ કોન્ફરન્સ યોજીને સ્માર્ટલી ( અને કન્ઝીસ્ટંટલી) ભારતવિરોધી પ્રચાર કરવાની. ફાઈ મૂળ કાશ્મીરમાં જ ભણેલા. ૧૯૮૩થી વિદેશવાસી બનેલા. કાશ્મીર પ્રશ્નનું એક (આપણે ત્યાં જેની ખાસ ચર્ચા નથી થતી એ ) અગત્યનું પરિબળ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને લીધે ૧૯૪૭થી થયેલું જર્મનીની બર્લિન વોલ જેવું પ્રજાનું પરાણે થયેલું વિભાજન છે. ( આ બ્લોગ પર કરવા ધારેલા કામોમાં એક કાશ્મીર પરની લાંબી લેખમાળા છે- પણ હમણાં તો એ શક્ય નથી.) ફાઈ, એને એકદમ વેસ્ટર્ન માઈન્ડસેટને અનુકુળ ઇમોશનલી રજુ કરી માનવ અધિકારના નામે; આવા પ્રાદેશિક વિભાજન બાબતે ઓલરેડી સોફ્ટ સ્ટેન્ડ ધરવતા શિક્ષિત પશ્ચિમી ભદ્રલોક પર ભૂરકી છાંટવાની પ્રવૃત્તિ ‘કાશ્મીરી અમેરિકી કાઉન્સિલ’ના ઓઠાં તળે કરતા રહેતા.

ડૉ. ગુલામ નબી ફાઈનો ત્યારે આપવામાં આવેલો પ્રિન્ટેડ પરિચય.

અમે અમેરિકા હતા ત્યારે સપ્ટેમ્બર ૨૦૦૪માં બુશ બીજી વખત ચૂંટાઈ આવ્યા એ ચૂંટણીના પ્રચાર પડઘમ અંતિમ તબક્કામાં હતા. એ જ વખતે પાટનગર વોશિંગ્ટનમાં વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાતની ચર્ચા વચ્ચે ફાઈની કાશ્મીર પીસ કોન્ફરન્સ હતી. ભારતીય પત્રકારો તરીકે અમને ત્યાં લટાર મરાવવાનું અમેરિકન આઇટીનરી(પ્રવાસની રોજીંદી રૂપરેખા)માં નક્કી થયું. હું તો વળી હજુ એ જ વર્ષના ઉનાળામાં જીગરજાન દોસ્તો કિન્નર, ઇલિયાસ, શૈલેષ સાથે દસેક દિવસનો કાશ્મીર પ્રવાસ ( જયારે ત્રાસવાદની બીકે કોઈ કરતુ નહોતું ત્યારે ) કરીને આવેલો એટલે કાશ્મીરનો તાજેતાજો જાતઅનુભવ. અમારા નેપાળી એસ્કોર્ટ પ્રોફેસર શક્તિ આર્યલ અને બે અમેરિકન અધિકારીઓ સંગાથે અમે ૨૪ સપ્ટેમ્બરની સવારે ત્યાં દાખલ થયા.

આખી કોન્ફરન્સ તો એટેન્ડ કરવાની નહોતી. લંચ સુધી રોકાઈ પછી બીજે જવાનું હતું. ફાઈ અરુંધતી રોયબ્રાન્ડ ભારતીય બૌદ્ધિકોને મફત અમેરિકા પ્રવાસ તગડી સુખસુવિધા સાથે હમણાં સુધી કરાવતા રહ્યા છે. જે વક્રદ્રષ્ટા બુદ્ધિજીવીઓ ત્યાં આ.એસ.આઈની કમ્પોઝ કરેલી ધૂન પર બારબાળાની માફક ફરમાઈશી મુજરો કરી, ભારતનું ભરપુર ‘વાટી’ ને પરત આવતા. મફતમાં અમેરિકા જઈ દેશમાં ‘મોટાભા’ ગણાઇ જવાની એમની લાલચથી અમેરિકન મીડિયામાં પાકિસ્તાનનો ખોટો પક્ષ સાચો ચીતરાઈ જતો. એ દિવસે કોન્ફરન્સમાં એ સમયે બ્રિટનમાં પ્રથમ વખત ચૂંટાયેલા મુસ્લિમ સાંસદ ‘લોર્ડ’ નાઝીર અહેમદનું વ્યાખ્યાન હતું.

સ્પીકર્સ તો ઠીક, ટોપિક વાંચો અહીં ધ્યાનથી 😛

સ્પીકર્સ, ટોપિક સાથે છેડે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલનો પરિચય ધ્યાનથી વાંચો. આપણે કાશ્મીર આપણું છે એવો દાવો ઘેરબેઠા કરીએ છીએ, પણ પાકિસ્તાને એના નામનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ય રચી દીધી, અને બિનહરીફ હોઈ એ અધિકૃત પણ બની ગઈ!

કોન્ફરન્સમાં દાખલ થતાંવેંત એનું લિટરેચર પકડાવી દેવાયું. એમાં ટાઈટલ પર જ કાશ્મીરનો જે નકશો દોરવામાં આવેલો એમાં કાશ્મીરને ખંડિત બતાવવામાં આવેલું. એક્ચ્યુલી, ભારત સરકાર જ પ્રજાને મુરખ બનાવે છે, બાકી જગતે તો પાકિસ્તાને પચાવી પાડેલા  ૭૮૦૦૦ ચો કિમીથી વધુ વિસ્તારનું ક્યારનું ય નાહી નાખ્યું છે. આપણે સિમલા કરારમાં એલ.ઓ.સી. કબુલ કરીને બેઠા છીએ, અને એ પીઓકેમાં આપણું ફદીયું ય ઉપજતું ના હોવા છતાં – ટંગડી ઉંચી રાખવા નકશામાં એ પ્રદેશ ભારતમાં છાપીને મૃગજળીયો સંતોષ લઈએ છીએ. પણ ગુલામ નબી ફાઈએ વહેંચેલા સાહિત્યમાં નવો જ ભડાકો હતો. એમાં ભારત પાસે રહેલા કાશ્મીર ( જમ્મુ, શ્રીનગર, ખીણ , લદ્દાખ સહિતનું )ને “IOK’ યાને ઇન્ડિયન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ખુલ્લેઆમ દર્શાવવામાં આવ્યું હતું! (લીલા રંગનો એ નકશાવાળી ફાઈલ ગયા વર્ષે ઘરમાં ભરાયેલા પાણીમાં લોંદો થઇ જતા ફેંકી દેવી પડી!)

અંદરનું લખાણ તો એથી ય વધુ ભડકામણું હતું. આખી વાતને સિફતથી ટ્વિસ્ટ કરીને મુકવામાં આવી હતી. કાશ્મીર પર પાકિસ્તાનનો જ અધિકાર હતો, પણ બળજબરીથી મહારાજાને દબાવી ભારત સરકારે એણે અન્યાયથી પચાવી પડ્યું છે, જેમાંથી આપણે POK  કહીએ છીએ, તે વિસ્તાર ‘આઝાદ કાશ્મીર’ છે અને બાકીના ભાગને ભારતની ચુંગાલમાંથી આઝાદ કરાવવાનું બાકી છે! પછી લબાણપૂર્વક ભારતીય સૈન્યે ગુજારેલા અત્યાચારોનું ઢાબાના પંજાબી શાક જેવું, છૂટા હાથે મરચું ભભરાવી; મૂળ સબ્જીનો સ્વાદ ભૂલાઈ જાય એવું મસ્સાલેદાર વર્ણન હતું!

જે મુજબ કાશ્મીરનો ઇતિહાસ એમાં ૧૬મી સદીમાં ઇસ્લામી શાસક યુસુફ કાકે અકબરની તાબેદારી સ્વીકારી- અને મહાન ‘કશ્મીરિયત’ પર દિલ્લીની દખલઅંદાજી પ્રથમ વાર શરુ થઇ! પછી રણજીતસિંહ અને ડોગરા સેનાપતિઓએ ‘હિંદુ/શીખ’ સંસ્કૃતિના ‘આક્રમણો’ કર્યા અને અંગ્રેજોએ કાશ્મીરના મૂળ ઇસ્લામિક શાસકોને દબાવી રાખ્યા એની વાત હતી. સિફતપૂર્વક કાશ્મીરનો છેલ્લા ૪૦૦ વરસ પહેલાનો ઇતિહાસ ગુપચાવી દેવામાં આવ્યો હતો! કલ્હણે ‘રાજતરંગિણી’ લખી કે લલિતાદિત્ય નામનો રાજા ત્યાં હતો એવા કોઈ ઉલ્લેખોનું નામોનિશાન જ નહિ! જાણે એક મૂળભૂત ઇસ્લામિક ‘રાષ્ટ્ર’નો ભારત બળજબરીથી કોળિયો કરવા થનગનતું હોય એવું જ ચિત્ર ઉભું થાય! (કસાબ જેવા કેટલાયનું બ્રેઈનવોશિંગ કેવી રીતે થાય એનો આ સોફિસ્ટિકેટેડ સબૂત!) ગુજરાતી સ્યુડો સેક્યુલરો આવી જ ‘સિલેક્ટીવ’ મેમરી ધરાવતા હોય છે અને ‘સ્થાનિક સત્યવાદી’નો બિલ્લો હૃદય પર ચિપકાવી ફરતા હોવા છતાં આવા હડહડતા જાહેર જૂઠાણાં અંગે કદી કોઈ સ્ટેન્ડ લેતા નથી.

એમાં તો એડવિના સાથેના સંબધોને લીધે કાશ્મીરી પંડિત નેહરુએ તત્કાલીન રાજા હરિસિંહ પર માઉન્ટબેટનની મદદથી દબાણ લાવી કાશ્મીર ‘લખાવી’ લીધું હોવાની પણ વાત હતી! (બાપડા સરદારનો એમાં ય શત્રુવટથી ય ઉલ્લેખ નહોતો!) ‘જનમત’નો હવાલો આપી ઇન્ટરનેશનલ કોમ્યુનીટીને ભારતીય સેનાના ‘ભયાનક’ અત્યાચારો સામે અપીલ કરવામાં આવી હતી. ટૂંકમાં આખો ઇતિહાસ એડિટેડ અને ‘વન-વે’ હતો. ગુજરાતી બનાવટી સેક્યુલરશિરોમણીઓની અદ્દ્લોઅદલ નકલ જેવો ! ( આ સિલેક્ટીવ વન સાઈડેડ મેમરી કેટલી ખતરનાક છે, ને આગળ જતાં કેવું વરવું રૂપ ધારણ કરી લે છે , અને પરોક્ષ રીતે ત્રાસવાદીઓના ‘બળતા’માં કેવું ઘી હોમે છે- એનો આ નમૂનો છે.) કાશ્મીર પીસ કોન્ફરન્સના આ ખોટી અને તટસ્થતાના નામે આઈ.એસ.આઈ.ની સ્ક્રિપ્ટ મુજબ જાણ્યે-અજાણ્યે ભાષણ કરનારા ભારતીય પ્રતિનિધિઓ આ લુચ્ચાઈથી ખદબદતા આપણા દેશમાં એક કહેતા એકવીસ હાજર થાય તેમ છે. કહેવાનો મતલબ એવો નથી કે કાશ્મીરમાં ભારતના પક્ષે બધું જ ધોળું છે, પણ જે કાળું છે એનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં ય મોટે ભાગે કાળાનો પ્રતિકાર કરવા જતા સફેદાઈ પર લાગેલા ડાઘ છે – એ કોઈ લીલા/ ભગવા રંગે રંગાયા વિનાનું શુદ્ધ રંગહીન સત્ય છે.

કોન્ફરન્સ અમેરિકન ઢબછબ મુજબ એકદમ ઓર્ગેનાઈઝ્ડ અને ડિસિપ્લિન્ડ હતી. તારસ્વરે લાંબાલચ મેલોડ્રામેટિક ક્વોટ્સ ફટકારતા કોઈ ‘માસ્તર’ ઓફ સેરેમની નહોતા. સ્પીકર્સ ઝેર જ ઠાલવતા હતા પણ જાણે પ્રાર્થના કરતા હોય એટલી શાંતિથી. (કહેવાતા હિન્દુવાદી આગેવાનો સતત ટેન્શનમાં લાલઘૂમ થઈને જ કાશ્મીર અંગે મીડિયા સામે બોલવા આવે, એટલે દુનિયાને દેખીતી ચીડ ચડે એવી ચીસાચીસ કરવા લાગે છે. આ મામલે પાકિસ્તાની રાજદ્વારીઓ વધુ સ્વસ્થ હોય છે, એવું અંગત નિરીક્ષણ છે) વક્તાઓ સસ્મિત , પૂરી સ્વસ્થતા સાથે વિવેકી ભાષામાં મુદ્દાસર રજૂઆત કરતા હતા. કોઈ જ ઈમોશનલ રીલિજીયસ ડ્રામાના કલર વિના. નિયત મિનિટોમાં સ્પીચ પૂરી થઇ જતી હતી. અમેરિકાના અધિકારીઓ ઉપરાંત કેટલાક મહત્વના મીડિયાપર્સન્સ પણ હતા જે ટૂંકો ડાયલોગ કરતા હતા. અન્ડરપ્લેથી પોલીટીકલ ગ્રાઉન્ડ બનવવાના જ દેખીતા પ્રયાસો હતા.

પણ સાચી હકીકતોની જાણકારીને લીધે આ વન-વે બોમ્બાર્ડિંગથી હું કંટાળ્યો. અન્ય સાથી પત્રકારમિત્રો તો કાબેલ હતા એટલે પગ મૂકતાવેંત જ આ તાશીરો કેવો પોલમપોલ છે, એ પારખી ગયા હતા. અને ક્યારના ય ‘પગ મોકળો’ કરવાના બહાને એ રમણીય બિલ્ડીંગમાં આમતેમ ટહેલતા હતા. હું બેસીને કંટાળ્યો એટલે ‘હલ્કા હોને કે લિયે’ બહાર નીકળ્યો. એક યુવાન અમેરિકન ડિપ્લોમેટ સાથે પછી વાતોએ વળગ્યો. એમના સાથીદાર પાક્કા અધિકારી હતા એટલે ઔપચારિક હા-હોંકારા સિવાય ખાસ સ્પષ્ટ વાત કરતા નહોતા. પણ ભારતથી ખાસ પરિચિત નહિ, એવા આ યુવાને કેટલીક પેટછૂટી વાત કરી નાખી.

એમના ઉચ્ચ અધિકારીઓને બે અણુસત્તા (ભારત-પાક) વચ્ચેના આ સમાધાનિયા ‘ઉકેલ’માં રસ હતો. પણ એ યુવાને મને ત્યારે જ કહ્યું કે “અહીં (રાજધાનીમાં) કેટલાક લોકોને નાઈન-ઈલેવન પછી આ કોન્ફરન્સના આયોજકો પર શક છે અને નજર રાખે છે.” પાકિસ્તાનની ચાલાકી જુઓ. ૯/૧૧ પછી લાજવાને બદલે ભવિષ્યમાં આવી ઘટના ના બને અને ‘કાયમી’ શાંતિ સ્થપાય એ માટે કાશ્મીર મુદ્દે ૨૦૦૨થી જ અમેરિકામાં એણે ગાજવાનું શરુ કરી દીધું હતું! સેન્સેટિવ બનેલું અમેરિકા જે થોડું વધુ ઢળે તે !

હું પાછો ફર્યો ત્યારે સાથી મિત્રપત્રકારોએ (કાશ્મીર અંગેના મારા ‘ગનાન’ ને લીધે) મને સવાલ પૂછવા જણાવ્યું. મેં અંગ્રેજીમાં ત્રણ સવાલો લખી , કો-ઓર્ડીનેટરને કાર્ડ પર આપ્યા. એ જ હતા ડૉ. ફાઈ! (એ પરિચય મને ય ત્યાં પાછળથી થયો ) બ્રિટીશ સંસદ નઝીરભાઈ  ઉત્તમ અંગ્રેજીમાં લઘુમતીઓ સાથે થતા અન્યાય અંગે કશીક ચર્ચા કરતા હતા, એમની સાથે.

મારા ત્રણ સવાલ કંઇક આવા હતા :

૧ > કાશ્મીરમાં ભારતીય સેનાની જોરતલબીની ચર્ચા થાય છે. પણ એ સેના કંઈ થોડી શોખથી ત્યાં ગઈ છે? સેના મોકલવી પડે એવા હિંસક ઉધામાઓ ત્યાં કેવા અને કેટલા થયા એ અંગે કેમ કોઈ બોલતું નથી? એ ઘટનાઓ બાદ કરીને ફક્ત લશ્કરના ‘રી-એક્શન’ અંગે જ કેમ વાતો કરી તેને વખોડવામાં આવે છે?

૨> કાશ્મીરી પંડિતોની સાથે જે અત્યાચાર થયા, એમને બેઘર કરાયા, ધાર્મિક ઉન્માદમાં એમની સાથે હિંસા-હત્યા-લૂંટફાટ થઇ, એ અંગે કેમ સદંતર ખામોશી છે? એ વાતોનો કેમ કશે પ્રિન્ટેડ સાહિત્યમાં પણ ઉલ્લેખ સુધ્ધાં નથી?

૩> ‘આઝાદ’ કાશ્મીરમાંથી મોટે ભાગે (કારગીલમાં વેશપલટો કરી આવેલા તેમ) સશસ્ત્ર ત્રાસવાદીઓ આવે છે, તો અહીં અમેરિકાને બદલે ત્યાં કેમ સ્થાનિક સ્તરે આ ‘શાંતિપાઠ’ (મતલબ, પીસ કોન્ફરન્સ) કરવામાં નથી આવતો ?

આમાંથી સવાલ નંબર બે લેવાયો. “કાશ્મીરી પંડિતો પણ કાશ્મીરના હમવતની છે, આઝાદી એમના માટે પણ છે. એમને જરૂરથી અમે બોલાવીએ – પણ આવતા નથી. આ લોકશાહી જનમતની માંગ કાશ્મીરીઓ માટે છે, કોઈ મુસ્લિમોની જ નથી.” એવા મતલબનો ટૂંકો જવાબ વિનયથી અપાયો. એમાં સૌજન્ય ભારોભાર હતું. પરંતુ, સત્ય કેટલું હતું એ આપ બધા રીડરબિરાદરો જાણો જ છો. મેં ડિબેટ કરવા આદતવશ મોં તો ખોલ્યું, પણ આવી ચર્ચામાં ફેસબુક પર પણ થાય એમ – ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ પ્રકારના સંકેતો આંખોથી આપી અમારા વડીલ એસ્કોર્ટશ્રીએ મને રોકી દીધો. બે દિવસ પહેલા જ એમની સાથે હોટેલમાં એક મુદ્દે મારી આદતવશ મેં તળિયાઝાટક ચર્ચા કરી હતી, એટલે હું દલીલો શરુ કરીશ તો બધાને નાહક પકાવીશ એવી એમને વાજબી ધાસ્તી હતી! એ કહેતા “જય , યુ નો યોર પ્રોબ્લેમ? યુ નો બિટ ટુ મચ. અધર્સ આર નોટ રેડી ફોર ધેટ. સો યુ હેવ ટુ કંટ્રોલ..”

થોડી વારમાં લંચ બ્રેક એનાઉન્સ થયો. અહીં ડૉ. ફાઈ મને પર્સનલી મળ્યા. હવે તો ફિલ્મોમાં ય બાઘડા જેવા ત્રાસવાદીઓ બતાવવામાં નથી આવતા. ડૉ. ફાઈ ધીમા અવાજે બોલતા, મંદ મંદ સ્મિત કરતા ગરવા જેન્ટલમેન વડીલ જ લાગતા હતા. હું મૂળ વેજ-નોનવેજ ફૂડ બાબતે મૂંઝાયેલો હતો. હજુ અમેરિકા મારા માટે નવું નવું હતું. ટગર ટગર તાકીને વાનગીનો અંદાજ મેળવતો હતો, હતો ત્યાં ઉષ્માપૂર્વક ડૉ. ફાઈ મારી બાજુમાં આવ્યા. ખાલિસ ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં એમણે વાત ચાલુ કરી. ‘યે (અમેરિકન) લોગ નહિ જાનતે, મગર હમ જાનતે હૈ ના , આપ કો તકલીફ કૈસી હોતી હોગી..તહઝીબ ઔર મઝહબી પાબંદી (શાકાહારી હોવાની) ક્યા હોતી હૈ, હમ તો આપસ મેં સમજ સકતે હૈ, ઇન લોગો કો ક્યા માલુમ..” એ મતલબનું બોલી ને હસ્યા.

પછી મારા પંડિતોવાળા સવાલની વાત સામેથી છેડી.(કદાચ એને લીધે જ મારી નજીક આવ્યા હશે) ‘દેખિયે, હમ તો અહેતીયાત બરતના ચાહતે હૈ ઉનકે લિયે ભી..મગર જબ આપ કિ ઇન્ડિયન ગવર્નમેન્ટ હી ઉનકો તબ્જ્જો નહિ દેતી, તો હમ યહાં કૈસે તય કરે કિ કિસકો બુલાયા જાયે. હમે કમ માલુમાત હૈ જરા ઉનકે બારેમે. હિન્દુસ્તાનમેં ભી કમ છપતા હૈ. મગર વો હમારે હી હૈ’ – ચાબખો એમણે સટાકેદાર ફટકાર્યો હતો. પણ શું થાય – વાત તો સાચી હતી એટલે ખમી લેવો પડ્યો.

લંડનના સંસદ લોર્ડ નાઝીર અહેમદ સાથે મારી તસ્વીર

પછી બીજા દોસ્તો પણ જોડાયા. લંડનના પેલા હસમુખા અને મિલનસાર લોર્ડ અહેમદ સાથે ડૉ.ફાઈએ ગુજરાતી પત્રકારોની પ્રેમપૂર્વક ઓળખાણ કરાવી. (અમરીકન રાજદ્વારીઓને પણ અવગણી એ અમારી પાસે આવી ગયા હતા). હું તાજો જ કાશ્મીર ફરી આવેલો, એ વાત સાંભળી ડૉ.ફાઈ ભાવવિભોર થઇ ગયા. કાશ્મીરની ખૂબસુરતી અને લોકોના મેં વખાણ કર્યા, એટલે એમના અવાજમાં ભીનાશ આવી. એમને મને કાર્ડ આપી કહ્યું કે “તમે પણ અહીં બોલવા આવી શકો હવેના વર્ષોમાં..તમે તો જોયું છે ને અમારું દર્દ…એક પત્રકાર તરીકે તમે ભારતમાં અમારા અહીં વર્ષોથી ચાલતા પ્રયાસો વિષે અવામને જાગૃત કરો..સરકારની માહિતી ખોટી છે, મટીરીઅલ હું આપું..” મેં કહ્યું, “ચોક્કસ બોલું, પણ હું તો મારી સ્પીચ જાતે જ તૈયાર કરું. અને હું ફિલ્ડનો પત્રકાર નથી, પણ નિરીક્ષણો – તારણો મુકતો કટારલેખક છું. કાશ્મીર પર મેં કોઈની બ્રીફ પકડ્યા વિના જે મને સાચું લાગ્યું એ લખ્યું જ છે. પણ બધાને પોતાને મનગમતું અર્ધસત્ય(half truth) સાંભળવું હોય છે, હિન્દુઓને પણ, મુસ્લિમોને પણ. એટલે પૂર્ણસત્ય (whole truth)કહેનારો હું એમાં બહુ ફિટ નથી થતો.”

કોન્ફરન્સ ભલે વન વે હોય, હું દુનિયાને વન વે નથી જોતો. એટલે મેં જે બન્યું એ જ તટસ્થભાવે યાદ કરીને લખ્યું છે. ડૉ. ફાઈ અંગેનું નીર-ક્ષીર સત્ય હવે એફ.બી.આઈ.કહેશે. પણ કાશ્મીર માટેનો એમનો સોફ્ટ કોર્નર એમની તગતગતી આંખોમાં મેં જોયો હતો. એમાં વતનપ્રેમ તો હતો જ. મેં કહ્યું તેમ , એ એકદમ સોફ્ટ સ્પોકન ભદ્ર સીનિઅર ડોક્ટર (કે જે લાયન્સ –રોટરીની મીટીંગમાં જોવા મળે)નું જ વ્યક્તિત્વ રજુ કરતા હતા. કાશ્મીર ફરી જવાની એમની તડપ ઉડીને આંખે વળગે તેવી હતી. (પાક્કું યાદ નથી, પણ ભારત એમને વિઝા આપતું નહોતું – એવી કંઇક વાત હતી અને હવે અહેવાલોમાં છપાયું છે કે એ આઈ.એસ.આઈ.ની મિટીંગો માટે પાકિસ્તાન વારંવાર જતા !)

લંચ પછી દેખીતી ભારતવિરોધી કોન્ફરન્સમાંથી અમે હાશકારા સાથે બહાર આવ્યા. ૭ વરસ પહેલા પણ મને એ જ વિચાર આવેલો કે ISI જગતકાજી ગણાતા દેશોમાં (ત્યાં યુરોપિયન યુનિયનમાં એ વખતે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલે કરેલી પહેલનું ફરફરિયું અપાયેલું..જેનો એક ટુકડો અહીં સ્કેન કરી મુક્યો છે) એમના તરીકા મુજબ સ્ટ્રોંગ પાકિસ્તાનતરફી લોબીઈંગ કરે છે. કાશ્મીરના નામે એ સંસ્થાઓ ચલાવે છે, એન.જી.ઓ. તરીકે વર્ષોથી  વિદેશમાં મનફાવતો ટ્વિસ્ટ આપી પ્રચાર કરે છે , અને આપણે કૌભાંડો કરતા; સરકારી નિવેદનો સિવાય  ઘોરતા રહીએ છીએ. અમેરિકા સાથે પાકિસ્તાને ઘરોબો કેવી રીતે વર્ષોથી કેળવ્યો છે, એનું એક આ સેમ્પલ છે. માનવ અધિકારના નામે બૌદ્ધિકોનું કેવું સાવ એકાંગી વાતોથી ઈમોશનલ બ્લેકમેઈલીંગ કેવા ખતરનાક તત્વોના ઈશારે થતું હોય છે, એનું આ એક (એકમાત્ર નહિ!) દ્રષ્ટાંત છે. (મિત્ર કિન્નર આચાર્યે એમાં જોડાઈ જતા આપણા હોંશીભિખારી ઇન્ટલેક્ચ્યુઅલ્સની ઝાટકણી કાઢતો લેખ હમણાં અકિલામાં લખ્યો હતો)

એ વખતે યુરોપમાં પણ કેવો સિફતપૂર્વક કાશ્મીર પ્રશ્ને આઈ.એસ.આઈ. પ્રેરિત સંસ્થાએ પગપેસરો કર્યો હતો, એની તત્કાલીન પ્રેસ્ રિલીઝની ઝલક

અહીં ગુરૂઓ મંચ પર કુદકા મારી પશ્ચિમને ભાંડવામાંથી નવરા નથી થતા. ધર્મપ્રસાર કરવા ત્યાં જાય છે, પણ આવી કશી બાબતો પર ધન કે ધ્યાન કશું આપતા નથી. રાષ્ટ્રપ્રેમના નામે ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવા નર્યા હિન્દુવાદી સંમેલનો કર્યા કરે છે, પણ રાજદ્વારી સ્તરે ભારત દેશની અસર વધે એ દિશામાં હિંદુ-મુસ્લિમ બધાને સાથે લઇ કામ કરવાનું વિઝન જ નથી. ડફોળ હિન્દુવાદીઓ હિન્દીફીલ્મોના બિચારા નિર્દોષ મુસ્લિમ એક્ટર્સણને નાહક ભાંડ્યા કરતા, સાવ ખોટ્ટા મામુલી મુદ્દાઓ ‘બ્લાઈન્ડ બાયસ’થી ચગાવીને દેશભક્તિનો સંતોષ લે છે. ડોલર કમાવા ગયેલા શ્રીમંત ભારતીયોમાં કોની ત્યાં પૈસા ખર્ચી, ત્યાંના રાજકારણમાં કાશ્મીર પ્રશ્ને ભારતની ઇન્ફલ્યુન્સ વધે તેવી પ્રવૃત્તિ (જેમ કે વિસ્થાપિત પંડિતો માટે ન્યાયની ગુહાર)- ત્યાં  માફક આવે એવા બીબામાં કરવાની તૈયારી હોય છે? ભલે ને, પ્રેસિડેન્ટ ડીનરમાં ફાળો આપીને બો ટાઈ ચડાવી પહોંચી જાય! ફિલ્મસ્ટારોને નચાવવા માટે બોલાવશે, પણ ભારતના પક્ષે બોલવા માટે નહિ! (તો રાઈટરોની વાત જ શું કરવી?)

પૂરું કરતા પહેલા, આ પોસ્ટ એક નાનકડું ઉદાહરણ છે કે કેટલાક અર્ધદગ્ધો માને છે એમ હું કોઈ એકાંગી પૂર્વગ્રહથી અમુકતમુક સ્ટેન્ડ નથી લેતો. ઓફીસના ખર્ચે ટાઈમ-ન્યુઝવીક વાંચીને દુનિયા અંગેનું ગોખેલું રેડીમેઈડ જ્ઞાન ફેંકવાવાળા લેખકોની જમાતમાં પ્લીઝ મને ના મુકશો. મેં ઘણું અંદર ઊંડા ઉતરીને નજીકથી જોયું છે અને ભૂતકાળમા જ જીવ્યા કરવાના પલાયનવાદી શોખને બદલે ઠેકઠેકાણે આવા શબ્દશ: ‘જીવંત’ નોલેજ સોર્સ પામ્યો છું. ગુજરાતના થોડા ભોળા અને ઘણા બદમાશ સેક્યુલારીસ્ટોને મેં એમના દંભ બદલ પડકાર્યા હોય, તો એમાં રઝળપાટના અંતે લાધેલા આવા કંઇક અનુભવસિદ્ધ સત્યો અને સતત આગળનું  બીજાને ના દેખાય એવું પારખતા રહેવાની વિકસતી વિચારશીલતા છે – દ્વેષ કે નફરત નહિ.

આ જ ૨૦૦૪ની યાત્રામાં પછીથી શિકાગોના દેવોન વિસ્તારમાં કેટલા ઉમળકાથી સામે ચાલીને અચાનક જ ભારત-પાકિસ્તાનના ગુજરાતી બોલતા મુસ્લિમ મિત્રો મળ્યા હતા, એની સ્મૃતિ અત્યારે ય મારી આંખ સામે તરવરે છે. વર્ષો પછી ઘેર આવેલા દીકરાની પેઠે એ બધાએ જમાડ્યા હતા ને જલસાથી ફેરવીને સાથે મળી ભાવભીની વિદાય આપી હતી. ત્યારે ત્યાં ભારત-પાકિસ્તાન-હિંદુ-મુસ્લિમ જેવા કોઈ ભેદ વિના નર્યા પ્રેમનો જ અભિષેક થયેલો! એ ય અનાયાસ…ગુજરાત રમખાણો/ગોધરાકાંડવાળા ઝખ્મો હજુ તાજા હોવા છતાં..એવો જ સુખદ અનુભવ મારો કાશ્મીરમાં છે, અને આજે ય સારા એવા મારા કાશ્મીરી દોસ્તો ત્યાં છે, જેમની સાથે પારિવારિક સંબંધો છે અને ઈદ-દિવાળીની શુભેચ્છાઓની મહોબ્બતભરી આપ-લે અમે બધા કરતા રહીએ છીએ..

પણ, વાત મુસ્લીમો તો શું, પાકિસ્તાનની પ્રજાની પણ નથી. વાત તો છે (પાકિસ્તાનમાં ય ઘણાને કનડતી) ઝેરીલી ISIની ! જેની  કાશ્મીર peace (પીસ = શાંતિ) કોન્ફરન્સ તો કાશ્મીર  piece (પીસ = ટૂકડા) કોન્ફરન્સ જ હતી..! ૨૦૦૪માં પરત આવી મેં આ ઉલ્લેખ કરેલો. જે-તે જવાબદારોને લખેલું. પણ અહીં કોણ આવી વાતો ને ગંભીરતાથી લે છે? (સિવાય કે બ્રેઇનવોશ થતા ધર્માંધો!) અંતે છેક ૨૦૧૧માં આ ભોપાળું બહાર આવ્યું!

ને હજુ ય એને કોણ ગંભીરતાથી લે છે?

 
35 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 5, 2011 in history, india, personal, travel

 

આયે તુમ યાદ મુજે, ગાને લગી હર ધડકન…

૪ ઓગસ્ટના આજના જન્મદિને કિશોરકુમારની શરારત પાછળની કરામત શોધવાની કસરત! ૪ વર્ષ પહેલાના લેખના સહારે…

ફિલ્મ ‘પડોસન’ના પેલા ખાસ્સા ફેમસ સોંગ ‘એક ચતુર નાર બડી હોંશિયાર’નું રેકોર્ડિંગ હતું. સંગીત શિક્ષક બનેલા મહેમૂદને પ્લેબેક આપવા મન્નાડે હતાં. સામે ‘ભોલા’ના ગુરૂજી કિશોરકુમાર હતાં. મન્નાડે ઠાવકા વિદ્યાર્થી જેવા શાસ્ત્રીય સંગીતના શિસ્તબદ્ધ ઉસ્તાદ- સંગીતકાર આર. ડી. બર્મન પાસે નિયમિત રિહર્સલ કરવા આવે. ગીતમાં દરેક સૂર અને તાનના ભરપૂર રિયાઝ કરે. મસ્તીખોર અને ભેજાંગેપ મનાતો (કલાસિકલ સિંગિંગની તાલીમ વિનાનો) કિશોર કોઇ રિહર્સલમાં હાજર ન રહ્યો. ફાઇનલ રેકોર્ડિંગમાં મન્નાડેએ પોતાની ઓર્ગેનાઇઝડ ટ્રેનિંગના જોરે ગીત જમાવવાની શરૂઆત કરી… ‘નાચ ન જાને આંગન ટેઢા’ પંકિતમાં છેલ્લે ‘ટેઢા’ને ‘ટેએએએઢા…’ ‘ટેઢાઆઆઆ’ એમ લહેકા કરી વિજયી અદાથી કિશોર સામે જોયું, એક પણ વખત રિહર્સલ વિના જ મન્નાડે જેવા બડેખાં સામે ગાવા પહોંચી ગયેલા કિશોરે ફટાક દઇને એક પંકિત લલકારી ‘ટેઢે, સીધે હો જા રે, સીધે હો જા રે…’

મન્નાડેના ખુદના શબ્દોમાં કહીએ તો ‘હું સ્તબ્ધ થઇ ગયો! આવી કોઇ પંકિત ગીતમાં હતી જ નહીં. કિશોરકુમારે ઓન ધ સ્પોટ કટ ફટકારી હતી. મારી દિવસોની મહેનત પાણીમાં જતી રહી. ફાઇનલ રેકોર્ડિંગ (ડિજીટલ કોમ્પ્યુટરાઇઝડ યુગ અગાઉની વાત છે) હોઇને ગીત તો મેં પૂરૂં કર્યું પણ મને સમજાઇ ગયું કે હું કિશોરકુમાર જેટલો લોકપ્રિય કેમ કદી ન બની શકયો. મારા માટે સંગીત વિચાર હતો, કિશોર માટે આત્મા!’

* * *

૧૩ ઓકટોબર, ૧૯૮૭ના રોજ યાને પૂરા ચોવીસ વરસ અગાઉ વર્લ્ડની વિઝિટ પુરી કરી ચૂકેલા સિંગર આભાસકુમાર ગાંગુલી ઉર્ફે કિશોરકુમારના ઘેધુર કંઠ અને ધુંટાયેલા ગીતોની વાત કરવાની લાલચ પર લગામ તાણવી છે. સિમ્પલ. સિંગર કિશોરકુમારે કયાં વિદાય જ લીધી છે? કિશોરી કંઠનું કામણ હજુ પણ એવું જ બરકરાર છે. કિશોરના નામ સાથે એના જૂના ગીતોના રિમિકસ આલ્બમ્સ આવે છે. મોબાઇલની કોલર ટયૂન્સમાં એનો વિકટરી વોઇસ ગુંજે ત્યાં ફોન કરવાનું કારણ ભૂલાઇ જાય, એવી જાદૂઇ અસર પ્રગટે છે.

રફી વર્સીસ કિશોરની એવરગ્રીન મલ્લકુસ્તી ચાહકો વચ્ચે ચાલતી રહી છે. રફી મહાન ગાયક હતાં. પણ કિશોર તો એક ચુંબક હતો, સંમોહન હતો… એ મેજીક મેગ્નેટ! બાકી, ગાયક મૂકેશના એકટર બનેલા હેન્ડસમ પૌત્ર નીલ નીતિન મૂકેશને પણ દાદા (જેને એણે જોયા જ નથી) કરતાં કિશોરકુમારના ગીતો વઘુ ગમે છે! ‘સાંવરિયા’ના સૌથી વઘુ ચાલેલા ટાઇટલ ગીતમાં પણ શું છે? એ જ કિશોર સ્પેશ્યલ યોડલિંગ! હિમેશને શું થવાના અભરખા/અબળખા હતા? કિશોર જેવા સિંગર-એકટર થવાના! મીકા કોની નકલ કરી એક પછી એક આઇટમ સોંગ આપે છે? કિશોરની જ !

દુનિયામાં સંપૂર્ણ કહેવાય એવા ગાયકો ઘણાં હશે. ધ કમ્પલીટ સિંગર્સ. પણ જગતમાં કિશોર વન એન્ડ ઓન્લી છે. જે લિસનરને કમ્પલીટ પ્લેઝર આપી શકે! બાકીના સંિગર સ્ટાર્સ હશે, કે જેનો ઝળહળાટ આંજી નાખે. પણ કિશોર તો બ્લેક હોલ છે, એમાં ખેંચાઇ ગયેલો પાછો આવી શકે જ નહંિ! બાકીનામાં માઘુર્ય હશે, પણ કિશોરમાં મદહોશી છે. કિશોરના કમાલ અવાજની ટપાલ કદાચ પરફેક્ટ કાગળમાં, પરફેક્ટ કવરમાં, પરફેક્ટ રીતે લખાયેલી નહંિ હોય… પણ એનું સરનામું પરફેક્ટ છે ઃ દિલ!

એ અવાજ… દેવ, રાજેશ અને અમિતાભ જેવા ત્રણ પેઢીના સુપરસ્ટાર્સનો અવાજ… એ પહાડો વીંધીને આવતા પવન જેવો, કઢેલા કેસરિયા દૂધ જેવો, ખુલ્લો અને ઘટ્ટ ઘ્વનિ… ‘જીંદગી એક સફર હૈ સુહાના’ની હેપિનેસથી ‘જીંદગી કા સફર યે હૈ કૈસા સફર’ની સેડનેસ ક્રિસ્ટલી કલીઅર ઝીલતો ટેરિફિક ટોન! અશોકકુમારે પોતે કહ્યું ન હોત તો કોણ માનત કે બચપણમાં આંગળી કપાઇ જવાથી સતત રડવાને લીધે કિશોરનો અવાજ આવો સૂરીલો થઇ ગયો હતો! ૪૨ વર્ષની પ્રોફેશનલ કેરિઅરમાં ૨૭૦૦થી વઘુ ગીતો ગાનાર કિશોરકુમાર એવરગ્રીન નંબર વન હિન્દી ફિલ્મી સિંગર હતો છે, અને રહેશે. એ માટે પંડિતોના સર્ટિફિકેટસની જરૂર એને નથી. જુઓને, કોઇ ‘ફેનબોય’ સિવાય આવું કંઇકને અંગારા પર બેસાડી દેતું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ લખવાની હિંમત કરે?

* * *

સિંગર જ નહીં, એકટર તરીકે પણ એક સમયે સુપરસ્ટાર દિલીપકુમાર પછી સૌથી વઘુ બોકસ ઓફિસ ડ્રો ધરાવતા ૧૦૦ જેટલી ફિલ્મો કરી ચૂકેલા એકટર કિશોરકુમારની પણ બોલબાલા હતી. કિશોરની પાસે નેચરલ ફલેર ફોર કોમેડી હતી. પણ કિશોરકુમાર બધી રીતે ટોચ ઉપર હોવા છતાં ઘણો વિવાદાસ્પદ રહ્યો. ના, લફરાંને બદલે તો એ સીધા લગ્ન જ કરી લેતો, એટલે એવા સ્કેન્ડલની વાત નથી. પણ કિશોરના નખરાં અને નટખટપણાના અઢળક કિસ્સાઓ જાણીતા છે. એટલી હદે કે એને ‘અનકન્વેન્શનલ’ કે ‘અનપ્રેડિકટેબલ’ એવું ઠાવકું ટાઇટલ આપવાને બદલે એનાથી ત્રાસેલાઓ એને ‘પાગલ’ ‘સ્ક્રીઝોફ્રોનિક’ કે ડયુઅલ પર્સનાલિટી તરીકે ઓળખતાં!

ના, બચપણમાં ઇકોનોમિકસ ભણવામાં આવતાં કંટાળાને લીધે ‘માલ્થુશિયન થિઅરી’ કમ્પોઝ કરીને યાદ રાખવા જેવી હરકતોને તો ક્રિએટિવિટી કહેવાય. ‘ખઇ કે પાન બનારસવાલા’ ગીત ગાવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ૨૮ પાન ખાઇ જવાને ક્રેઝીનેસ કહેવાય. (આવું સરસ ગીત ગવાય, તો સ્ટુડિયોમાં પાન પાર્લર ખોલવામાં વાંધો નહીં! ખરૂંને, શાહરૂખના ‘ડોન’વાળા ઉદિતભાઇ?) હૃદયનાથ મંગેશકર પાસે એક પ્રોડયુસર કિશોરને પરાણે ઉંચાઇથી (ઊંચા સૂરમાં) ગવડાવવાની જીદ પકડે, ત્યારે કિશોરકુમાર એક સ્ટૂલ પર ઉભો રહીને પૂછે કે ‘આટલે ઉંચે કે હજુ વધારે?’ એને સેન્સ ઓફ હ્યુમર કહેવાય. ‘ડાકિયા ડાક લાયા’ ગીત ગાતી વખતે કિશોરે ઘંટડી વગાડવા સાઇકલ મંગાવી, એને રિયલ ઈન્સ્પિરેશન કહેવાય.

પણ ‘કિશોર કે કિસ્સે’ આથી વઘુ ડાર્ક હતાં. કહેવાય છે કે એને પૈસાનું એટલું પાગલપન હતું કે આખી રાત બેઠાં બેઠાં નોટો ગણતો રહેતો હોઇને ગભરાઇને એની ત્રીજી પત્ની બનેલી યોગીતા બાલી મિસિસ મિથુન ચક્રવર્તી બની ગયેલી! એમ તો અશોકકુમાર સાથે ‘મહલ’ના સેટ પર પહેલી જ વાર જોયેલી મઘુબાલાને એણે સ્ટુડિયોમાં માસ્ક પહેરી ડરાવીને ચીસ પડાવી દીધી હતી! તો છેલ્લી ‘ટકાઉ’ પત્ની લીના ચંદારવાકરને પ્રપોઝ કરવા એ કૂદકો મારીને મેકઅપના ટેબલ પર બેસી ગયો હતો! અને ઓન ધ સ્પોટ એક પછી એક ત્રણ અલગ અલગ સબ્જેકટની સ્ક્રિપ્ટ એને રીઝવવા તત્કાળ મનમાં ઘડીને સંભળાવીને લીનાને હેબતાવી દીધી હતી!

પણ વાત થોડી વઘુ વિચિત્ર, અને એથી વઘુ ગંભીર છે. એચ. એસ. રવૈલ જયારે કિશોરને એક ફિલ્મની વાત કરવા ગયા ત્યારે કિશોર કૂતરાની જેમ બિસ્કિટની ટ્રે રાખી ગળામાં સાંકળ પહેરીને બેઠો હતો! એણે રવૈલને જોઇને ભસવાનું ચાલુ કર્યું, અને પછી બચકું ભરી એને ઘરની બહાર ભગાડી મૂકયા! એક પત્રકાર છોકરીની સાથે વાત કરતાં કરતાં એ પોતાના ઘરના બગીચામાં વૃક્ષોને ગંગારામ, જનાર્દન એવા નામો આપી વાતો કરવા લાગ્યો હતો. એક સંગીતકારે એને રવિવારે સવારે બાળકની જેમ ચાવી દીધેલા રમકડાંનો ઢગલો કરી, રમતો જોયો હતો! કિશોર સાથે સૌથી વઘુ ડયુએટ ગાનાર આશા ભોંસલેએ એને કોઇ અદ્રશ્ય બાળક સાથે સેટ પર વાતો કરતા વારંવાર નિહાળ્યો હતો.

અરવિંદ સેનની એક ફિલ્મમાં કાર લઇને જવાના દ્રશ્યના શૂટિંગમાં કિશોર ચાલુ શોટે કાર હંકારી મુંબઇથી પનવેલ પહોંચી ગયો હતો. પછી એણે કહ્યું કે ‘શોટ કયાં કટ કરવો એ મને કયાં કહેવાયું હતું?’ દક્ષિણમાં ‘મિસ મેરી’ નામની ફિલ્મના શુટિંગમાં પૈસા ન મળતાં એ માથુ મૂંડાવીને સેટ પર ગયો હતો! કિશોર જેવો જ સુપર સ્પેશ્યલ વોઇસ ધરાવતાં એન્કર હરીશ ભીમાણીને આજે પણ યાદ છે કે કિશોરને ઘેર ફોન કરો તો એ પોતે જ ઉપાડે, અને ઉસ્તાદ મિમિક્રી આર્ટિસ્ટની માફક કયારેક ગુરખાના કે કોઇ વૃદ્ધાના કે કોઇ વિદેશીના કે કોઇ દેહાતી બંગાળીના અવાજમાં વાત કરી ‘કિશોર ઘરમાં નથી’ કહીને ફોન કરનારને ફૂટાડી દે! કિશોરે એકવાર રીતસર વેનિસની જેમ પોતાના ‘ગૌરીકુંજ’ બંગલા ફરતે ખાઇ ખોદાવી એમાં પાણી ભરવાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો, જે ખોદકામમાં હાડપિંજરો નીકળતાં મજૂરો ભાગી જતાં મોકૂફ રહ્યો હતો!

પોતાની ચારે ચાર પત્નીઓ બાંદરા વિસ્તારમાં રહેતી હોય એને ‘બંદરીઓ’ કહેતો કિશોર કોઇ છોછ વિના બંદરવેડા કરતો. ઇન્કમટેકસને આપવાની ફાઇલો એણે ઉંદરડાઓને ખવડાવી દીધી હતી. લીનાના ધારવાડમાં રહેતા મા-બાપ એ બંનેના ‘કજોડાં’ ટાઇપ લગ્નની ખિલાફ હતા ત્યારે યુવાન વિધવા લીના સાથે લગ્ન કરનાર કિશોરે એમના ઘેર જઇ હારમોનિયમ લઇ રીતસર ‘નફરત કરને વાલોં કે સીને મેં પ્યાર ભર દૂં’ ગીત લલકાર્યું હતું!

પણ સતત હોરર ફિલ્મો જોયા કરતો અને સૌથી વઘુ પૈસા એડવાન્સમાં ચાર્જ કરતો આ એ એ જ કિશોર હતો કે જેણે ‘દૂર ગગન કી છાંવ મેં’ જેવી ફિલ્મમાં એકટર, સિંગર, કમ્પોઝર, પ્રોડયુસર, ડાયરેકટર, એડિટર, રાઇટર બધા જ રોલ એકલે હાથે (કશા ભણતર- અનુભવ વિના!) પરફોર્મ કર્યા હોવા છતાં એ એનો એકલો જ વ્યૂઅર નહોતો! યુદ્ધમાંથી પાછા ફરેલા હતાશ સૈનિક અને યુદ્ધ જોઇ વાચા ગુમાવી ચૂકેલા બાળકના રિશ્તાની વાત કહેતી આ હિટ ફિલ્મ ઇન્ટરનેશનલ કવોલિટીની હતી. (આ ચલ કે તૂજે મૈં લે કે ચલું!) કિશોરે મોટાભાગે તદ્દન હટકે કહી શકાય એવી જ ઓફબીટ ફિલ્મો નિજાનંદ માટે ડિરેકટ કરી. ‘ઠંડી હવા યે ચાંદની સુહાની’ (ઝુમરૂ)થી ‘પંથી હું’ (દૂર કા રાહી) જેવા અદ્દભૂત ગીતો કમ્પોઝ કર્યા. ૧૯૩૬માં અશોકકુમારે ‘જીવનનૈયા’ ફિલ્મમાં ગાયેલું ‘કોઇ હમદમ ન રહા’ કિશોરે ૧૯૬૧માં ‘ઝુમરૂ’માં કમ્પોઝ કર્યું ત્યારે અશોકકુમારે કહ્યું કે ‘અડધા ચૌતાલનું આ ગીત તેં દૂસરામાં જમાવી દીઘું!’ ને કિશોરે કહ્યું ‘એ શું? મને આમાં કંઇ ખબર ન પડે!’ માત્ર પોતાની મોજથી કિશોર કોઇ તાલીમ વિના બઘું કરતો! ચક્રમ ગણાતા કિશોરકુમારે સત્યજીત રાયને ‘પાથેર પાંચાલી’ માટે એ જમાનામાં ૫,૦૦૦ રૂપિયા ઉધાર આપ્યા હતાં!

આમ કેમ ? શું કિશોરકુમાર કોયડો હતો? સ્પ્લિટ પર્સનાલિટીનો દર્દી હતો?

* * *

૧૯૮૫માં ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ માટે તત્કાલીન તંત્રી (વર્તમાન ફિલ્મ નિર્માતા) પ્રીતિશ નાંદીને કિશોરકુમારે જીંદગીનો પહેલો અને છેલ્લો અંતરંગ ઇન્ટરવ્યુ આપ્યો હતો. એ ભૂલાઇ ગયેલી મુલાકાતમાં અસલી કિશોરકુમાર પ્રગટ થયો હતો. એન્ટોન ચેખોવની વાર્તા ‘વોર્ડ નંબર સિકસ’ના વઘુ પડતાં સંવેદનશીલ અને બુદ્ધિશાળી હોવાને લીધે પાગલખાનામાં ધકેલાઇ ગયેલા નાયક ઇવાન જેવી એની એમાં કેફિયત હતી… દુનિયાને ઉંધા ચશ્મા, ડાહ્યા દીવાના લાગે! ઓવર ટુ ઇનર વોઇસ ઓફ કિશોરઃ

‘મારે મુંબઇ છોડી મારા ગામ ખંડવા જતું રહેવું છે. મને ખબર છે, અહીં લોકો મને પીઠ પાછળ પાગલ કહે છે. હું સારૂં ગાઇશ ત્યાં સુધી જ મોં પર નહીં કહે. આવા મિત્ર વગરના, જયાં કોઇ કોઇનો ભરોસો ન કરે, જયાં દરેક જણ લાગ જોઇને પોતાનાથી નબળાનું શોષણ કરે, જયાં બધા સતત દાવપેચ રમતાં હોય… આવા શહેરમાં કોણ મરે?

હું આ નપાવટ ફિલ્મી લોકોને બરાબર ઓળખી ગયો છું. જોઇને જ એમના જૂઠની મને ખબર પડી જાય છે. પછી હુ એમને ગમે તેમ કરીને ભગાડી મૂકું છું. બધા કહે છે, આ લોકો મારી સંભાળ રાખે છે, મારા હાલચાલ પૂછે છે… દંભીઓ, ખોટાડાઓ છે બધા! આ લોકો મારી કેર કરે છે કારણ કે હું સેલેબલ છું, અને સતત સેલેબલ રહ્યો છું. મારા ખરાબ દિવસોમાં કોને મારી પડી હતી? મારે એકટિંગ કરવી જ નહોતી. હું તો મુંબઇ મારા આદર્શ કે. એલ. સાયગલને મળવા આવેલો. લોકો કહે છે, એ નાકથી ગાતા. જે હોય તે, પણ મને ગમતાં. એમને સાંભળીને હું ગાતા શીખ્યો છું. મને સાયગલના ગીતો ગાવાની ઓફર થઇ એ તગડા પૈસા હોવા છતાં મેં સ્વીકારી નહિ. કાલ ઉઠીને એક પણ માણસ એમ ન કહી જાય કે ફલાણું ગીત તો કિશોરે સાયગલથી સરસ ગાયું! પણ આ લાલચુડા વેપારીઓએ માત્ર સુપરસ્ટાર અશોકકુમારનો ભાઇ હોવાને લીધે મને એકટર બનાવી દીધો!

મને સંગીત અસલી લાગતું હતું. અભિનય નકલી લાગતો હતો. સ્કૂલ ટીચર જેવા ડાયરેકટર ‘આમ કર, તેમ ન કર’ કહેતાં ત્યારે મને ભાગી છૂટવાનું મન થતું. બિમલ રોય સિવાય કોઇને ત્યારે ડાયરેકશન આવડતું નહંિ. એસ. ડી. નારંગ નામના એક ડાયરેકટર કેમેરામેન કહે એમ શોટ ગોઠવતા અને દિગ્દર્શનના નામે એકટરને કહેતા, કુછ કરો યાર! છતાં નારંગસાહેબની બધી ફિલ્મો હિટ હતી. મેં લોકો મને રિજેકટ કરે એ માટે પડદા પર શકય તેટલા ભવાડા કર્યા. ખોટા એકસપ્રેશન્સ આપ્યા. તો ગાંડી પબ્લિકે મને નેચરલ કોમેડિયન કહ્યો!

એક બોઘી છોકરી કશાય રિસર્ચ કે સૂઝ વિના મારો ઇન્ટરવ્યૂ લેવા આવી. કંટાળીને મેં એને બદલે બગીચાના વૃક્ષો સાથે વાતો શરૂ કરી દીધી, તો એણે એ છાપી માર્યું. હું દારૂ નથી પીતો, સિગારેટ નથી પીતો, પાર્ટીઓમાં નથી જતો. જે લોકો આવું કરે એ એબ્નોર્મલ નથી લાગતાં. પણ પ્રકૃતિ સાથે સંવાદ કરૂં છું તો જગતને એ ગાંડપણ લાગે છે! બોલો, નાલાયક માણસો સાથે ખોટેખોટી ડાહીડાહી વાતો કરીને સમય બગાડવા કરતાં નિર્દોષ વૃક્ષો સાથે વાતો કરવી વધારે સારૂં નથી?

એક વખત મારા બંગલામાં એક ઇન્ટિરિયર ડિઝાઇનર જુવાન આવી ચડયો. ભરઉનાળે એણે બ્રાન્ડેડ થ્રીપીસ વૂલન સૂટ અને જાડા લેધર શૂઝ ચડાવ્યા હતાં. હું હિન્દી ફિલ્મોનો જાણીતો ગાયક છતાં એણે અમેરિકન સ્ટાઇલના ચાંપલા ઇંગ્લીશમાં મને એસ્થેટિકસ, ડિઝાઇન, બ્યુટી વગેરેની વ્યાખ્યા સમજાવવાની શરૂઆત કરી. અડધી કલાક સુધી એણે મારૂં માથું ખાઘું પછી મને થયું કે આને ઇન્સ્ટંટ ઇમેજીનેશન શું હોય, એનો સ્વાદ ચખાડું. મેં એને કહ્યું કે મારે જરા જુદા પ્રકારનું ઇન્ટિરિયર કરવું છે. વચ્ચે ડાઇનિંગ ટેબલ ફિકસ હોય અને ફરતું પાણી ભરેલું હોય. અમે બધા પોતપોતાના બેડરૂમમાંથી હોડીમાં બેસી નાસ્તો કરવા ત્યાં આવીએ! એ આભો બની ગયો! મેં કહ્યું કે દીવાલ પર વોલપીસને બદલે જીવતા કાગડા લટકાવવા છે, અને ઉપર પંખાને બદલે વાંદરા બેસાડવા છે, જે વાછૂટ કરે એટલે હવા આવે! પર્યાવરણનો પ્રેમ, યુ સી! તો એ મને પાગલ સમજી વીજળીનો આંચકો લાગ્યો હોય એમ દરવાજાની બહાર ભાગ્યો! કહો, પાગલ કોણ હતું? હું? કે ગરમીમાં સૂટ ઠઠાડી ગોખેલા અંગ્રેજીમાં મને કળાત્મકતા શીખવાડવા આવેલો એ?

સંસાર મારો હોવા છતાં દુનિયાને એમાં અને એ બગડે ત્યારે રાજી થવામાં બહુ રસ હતો. પહેલી પત્ની રૂમા સાથે બહુ યુવાન વયે લગ્ન કર્યા, ત્યારે હું એમાં મારી ઘર સાચવનારી મા શોધતો હતો, અને એને કેરિઅર બનાવવી હતી. છતાં કોઇ કડવાશ વિના અમે છૂટા પડયા. યોગીતા બાલીમાં ઉલ્ટું થયું, એને મારા કરતાં એની મમ્મીમાં વઘુ રસ હતો, એને જ યાદ કરતી હતી. લીના યુવાન હોવા છતાં વિધવા હતી. એણે નજર સામે ગોળીથી વીંધાયેલા પતિની લાશ જોઇ હતી. તમે ટ્રેજેડી અનુભવો, પછી જ મેચ્યોરિટી આવે. એણે દુઃખ જોયું હતું, એટલે એ સમજુ હતી.

મઘુબાલાએ મને પ્રેમ નહોતો કર્યો. પણ મને એ ગમતી. એ બહુ દુઃખી હતી. પ્રેમભગ્ન, તરછોડાયેલી, રૂપના સોદાગર સગાઓ વચ્ચે ઘેરાયેલી. એને સુહાગન તરીકે મરવાની હોંશ હતી. દોસ્તીદાવે મેં એને વચન આપેલું કે કોઇ તારી સાથે મેરેજ નહીં કરે, તો હું કરીશ. એને હૃદયની અસાઘ્ય બીમારી હતી. રિબાઇને મરવાનું નિશ્ચિત હતું. બટ પ્રોમિસ વોઝ પ્રોમિસ. મેં લગ્ન કર્યા પછી ભયંકર તકલીફમાં એ ૯ વર્ષ જીવી. એ જીંદગીથી થાકી ગઇ હતી. પડદા પર તમે પરી જેવી ઉલ્લાસથી હસતી મઘુ જોઇ છે. મેં મારી નજર સામે એ હસીન ઇમારતને ટુકડે ટુકડે તૂટતી જોઇ છે! ડોકટર કહેતાં, એને હસાવો. હું એની ચાકરી કરતો. મારી જીંદગીની શ્રેષ્ઠ કોમેડી એને રાજી રાખવા મેં કરી છે. એ એટલી અશકત હતી કે એને ભેટી પણ ન શકાય. એ બીમારીથી કંટાળીને ચીડિયણ, શંકાશીલ થઇ ગયેલી. મને મારતી, પણ હું રાતોની રાતો એની પથારી પાસે જાગતો બેસી રહેતો. એનો વાંક નહોતો. એની સામે હું રડી ન શકતો. તમે કદી કોઇ વ્હાલી વ્યકિતને તમારી નજર સામે ખતમ થતાં જોઇ છે? તમે બહારથી નહિ, અંદરથી પાગલ થઇ જાવ!’

આ હતો રિયલ કિશોરકુમાર! હવે એનો અમર અવિનાશી અવાજ કાને પડે, ત્યારે હૃદય પર હાથ મૂકીને વિચારજો, પેજથ્રી કલ્ચરથી ફાટફાટ થતી, મુખમેં રામ બગલ મેં છુરી લઇને ઉલ્લૂ બનાવવા ફરતી દુનિયા સામેનો આપણો તરફડાટ, આપણો વસવસો અંદર ઉતારીને આપણે સોસવાતા રહીએ છીએ. એના કરતાં કિશોર સ્ટાઇલની મેડનેસ એક પરફેકટ એસ્કેપ મિકેનિઝમ નથી? કોઇ નકામા નડે જ નહિં! હા, ‘ઇસેન્ટ્રિક’ થવા માટે પહેલાં ‘જીનિયસ’ થવું પડે! કિશોર પાસે કસબ ન હોત, તો એને કચરા ટોપલીમાં ફગાવાયો હોત!

કિશોર કદાચ એના નામ જેવો જ હતો, મોટો ન થયેલો તોફાની કિશોર… કે પછી આભાસ?

ફાસ્ટ ફોરવર્ડ

‘મને ભૂત ગમે છે, કારણ કે એ જીવતાં માણસો કરતાં ઓછા ડરામણા હશે’ એવું કહેનાર કિશોરકુમારે ઘરમાં એક ખોપરી રાખી હતી. ઇન્ટરવ્યુકાર પ્રીતિશને એણે એ બતાવી પૂછયું : ‘જો, આ ખોપરી પુરૂષની છે કે સ્ત્રીની એ કોઈ કહી શકે એમ છે? કેવી લાગે છે?’ ઉભા થયેલા પ્રીતિશે ઔપચારિકતા ખાતર હોંકારો આપ્યો ‘વેરી નાઇસ’.

‘ગુડ’ કિશોર મલક્યો. ‘તને વાસ્તવિકતા ખબર છે. યુ આર ગોઇંગ ટુ લૂક લાઇક ઇટ વન ડે! (એક દિવસે આ જ થઇ જવાનો છો!)’

# કિશોરકુમારની સાથે એના મનગમતા ગીતોને યાદ  કરવાનું રાખું તો આ પોસ્ટ આવતીકાલે પણ અપલોડ ના થાય…પણ એક ગીત એવું છે જે મને બહુ પ્રિય છે અને સાવ અન્ડરરેટેડ છે. છેલ્લે છેલ્લે એ ય માણો…http://youtu.be/SneLMWvzF-o અને પછી કિશોરની આંખોમાં છુપાયેલો સીરિયસ રોમાન્સ પણ અહીં નિહાળો…http://www.youtube.com/watch?v=ip6MHgUmhjo

 
30 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 4, 2011 in cinema, life story, philosophy

 
 
%d bloggers like this: