RSS

Daily Archives: સપ્ટેમ્બર 7, 2011

હસેસીન્સ : આઘુનિક જેહાદી ત્રાસવાદના પૂર્વજ?


ખૂન કરનાર કાતિલ માટે અંગ્રેજીમાં જાણીતો શબ્દ છે. એસેસીન. યાન કે મર્ડરર. હત્યારો. અનેક અંગ્રેજી શબ્દોની માફક આ શબ્દના મૂળિયા પણ અરેબિક સંસ્કૃતિમાં છે. એવું મનાય છે કે આ શબ્દ ‘હસેસીન્સ’ (કે હેસાશીન્સ)નો અપભ્રંશ થઇને આવ્યો છે! શબ્દશઃ આ શબ્દનો અર્થ થાય છે ‘હશીશના અનુયાયીઓ’.. બાય ધ વે, હશીશ આજના બ્રાઉન સ્યુગર જેવો જ કેફી પદાર્થ છે. ચરસનો ભાઇ ગાંજો!

હશે… હશીશનો નશો ય થતો હશે, અને એસેસીન શબ્દ હેસેસીન કે હેસાસીન કે હસાસીન જેના પરથી આવ્યો હોય તે- અપુન કો ક્યા? હિસ્ટોરિકલ ફેક્ટ કે જનરલ નોલેજની વાત કરો કે તરત આવી ખભાઉલાળ મનોવૃત્તિ પ્રગટ થવા લાગે છે. પણ ભારતના ત્રાસવાદી હુમલામાં બોમ્બધડાકા થતા હોય,. આવે વખતે પાકસાફ નેકદિલ મુસલમાનને પણ વિશ્વની માફક એ પ્રશ્ન મુંઝવે કે, ઈસ્લામની બ્રાન્ડ ઈમેજ પર બ્લેક સ્પૉટ જેવો ‘જેહાદી ઈસ્લામિક ત્રાસવાદ’નો ઠપ્પો ક્યાંથી લાગી ગયો છે? ઘણા રાજકીય પંડિતો એના મૂળિયા પેલેસ્ટાઇન- ઈઝરાયેલ વિવાદમાં જુએ છે. વર્તમાન ત્રાસવાદનું એપિસેન્ટર આ ગૂંચવાયેલા કોકડામાં (અને ભારતમાં તો કાશ્મીરમાં ય ) છે, એની ના નહિ. પણ વિઘાતક ત્રાસવાદી મનોવૃત્તિ અને અલ-કાયદા કે લશ્કર-એ-તોઈબા જેવા આતંકવાદી જૂથોની ઈમારતો કયા નકશા પર છે? જો ઈસ્લામની અસર શાંતિપ્રિય હોય તો આ અશાંતિની આગઝરતી પ્રેરણા ક્યાંથી મળે છે?

એન્ટર હસેસીન્સ. ગલ્ફ કન્ટ્રીઝ ગણાતા દેશોમાં ઈ.સ. ૧૦૯૦થી ઈ.સ. ૧૨૫૬ સુધીના વર્ષોમાં ખૌફનો પર્યાય ગણાઇ ગયેલો એક શબ્દ! જે નામ મટીને ખૂની માટેનું ગુણદર્શક વિશેષણ થઇ ગયું! છૂપાઇને જેને દુશ્મન માનતા હો તેના નગર કે રાજમાં ભળી જવું, ગુપચુપ સામા માણસને પડકાર્યા વિના ચોક્કસ સમયની રાહ જોવી, અચાનક હૂમલો કરવો, હેતુ પૂરો કરવા માટે જાન આપી દેવાની તૈયારી રાખવી અને જીવ આપીને પણ જીવ લઇ લેવો… આ બધા જ લક્ષણ આઘુનિક ત્રાસવાદી સંગઠ્ઠનોના વર્ણન માટે છે, એવું સ્હેજે ય લાગે. પણ વાસ્તવમાં આ તો આઠસો હજાર વર્ષ પહેલાના હસેસીનનો ‘જોબ પ્રોફાઇલ’ છે! બોલો, હવે જાણવો છે જવાબ- શું છે આ હસેસીન્સ?

મઘ્યયુગના પર્શિયા (અને આજના ઈરાન)માં દુર્ગમ પર્વતો પર કિલ્લાઓ બાંધીને ‘તાલીમ કેમ્પ’ ખોલવામાં આવ્યા હતા. જેની પાછળ મુખ્ય ભેજું હતું હસન-એ-સબ્બાહ નામના મેધાવી ગણાતા ઈસ્લામિક વિદ્વાનનું! હસન મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝિંગનો બ્રિલિયન્ટ એક્સપર્ટ હતો જ, સાથે એનું ધાર્મિક જ્ઞાન પણ વડેરા વિદ્વાનોને ટક્કર મારે તેવું હતું.

ઈ.સ. ૧૦૫૫થી ઈ.સ. ૧૧૨૪ સુધી જીવેલો હસન ભયંકર માંદગીમાં પટકાયા બાદ ધર્મપરિવર્તન કરીને કિશોરવયે મુસ્લીમ બન્યો હતો. ઈસ્લામના ‘નિઝારી ઈસ્માઈલી’ પંથમાં ઊંડો ઉતરીને હસન છેક ઈજીપ્ત જઇ પ્રખ્યાત ઈસ્લામિક ધર્મગુરૂઓ પાસેથી ધર્મનું શિક્ષણ મેળવતો. અભ્યાસ વખતે જ એના પ્રભાવશાળી પણ રહસ્યમય વ્યક્તિત્વ અને અતૂટ શ્રદ્ધાની ચર્ચા થવા લાગી હતી. થોડો સમય એણે જુવાનીમાં ધર્મોપદેશ આપ્યો, પણ સાથોસાથ પોતાનો રાજકીય પાયો પણ એ મજબૂત બનાવતો ગયો. ગુપ્ત રીતે હસને ઉત્તર ઈરાનમાં કાસ્પિયન સમુદ્ર નજીક ‘અલામુટ’ નામનો મહેલ બનાવ્યો. જ્યાંથી ‘દાઇ’ (નિઝારી ઈસ્લાઈલી પંથના ગુરૂ) બનીને ૧૬૬ વર્ષ સુધી હસને હસેસીનનો ‘કહર’ ફેલાવ્યો! એના મૃત્યુ પછી પણ સવા સદી સુધી!

હસનનો ઈરાદો મોહમ્મદ પયગંબર પછીના ઈસ્લામની સંપૂર્ણ ‘સાફસૂફી’ કરી ‘શુદ્ધ’(?) ઈસ્લામનું સામ્રાજ્ય સ્થાપીને ‘ક્રાંતિ’(!) કરવાનો હતો. કોમને ‘આઘ્યાત્મિક’(?!) રીતે એક કરી ઈશ્વરીય શ્રદ્ધા મજબૂત કરવાનો હતો. હસન અને એના પછી આવનારા એના અનુગામીઓ ધાર્મિક સિદ્ધાંતોની બાબતમાં ચુસ્ત હતા. પણ એના અમલ માટેની તરકીબો પસંદ કરવામાં બિલકુલ રૂઢિચુસ્ત નહોતા! શેવિંગ રેઝરનો ઉપયોગ ન કરનાર લાદેનને આરડીએક્સનો ઉપયોગ કરવામાં જરાય ખચકાટ ન થાય, એમ જ વળી!

નવા નવા નુસખાઓથી મુખ્યધારાના ગણાતા શિયા અને સુન્ની બને પંથમાં હસેસીન્સનો ડર વધતો હતો, કારણ કે એ ઈસ્લામિક અનુયાયીઓ મરવા-મારવાની ‘ટેકનીક’માં  હસેસીન જેટલા ‘આઘુનિક’ નહોતા! હસેસીનના લક્ષ્યાંકો બિનઈસ્લામિક કરતાં ઈસ્લામિક વઘુ હતા. ‘મૂળભૂત ઈસ્લામ’ની તાલિબાની માનસિકતાને લીધે હસેસીનોને ઈસ્લામના સ્વીકાર પછી એના (હસેસીનની વ્યાખ્યા મુજબના) ‘આદર્શો’ના પાટા પરથી ઉતરી જનારા મોટા ગુનેગારો લાગતા.

કેવી રીતે બનતા હસેસીન? મૂળ તો ઈસ્લામિક ધર્મનું ઉત્તમ શિક્ષણ બહાનારૂપે આગળ કરાતું. શિક્ષકને વિદ્યાર્થી સાથે વ્યક્તિગત અનુસંધાન જોડાઇ જાય, ધર્મઝનૂનનો વિશ્વાસ બેસી જાય પછી હળવે રહીને ગુરૂ શિષ્યને ભેદી જૂથની અંદરની થોડીક માહિતી આપે. જેથી શરૂઆતના તબક્કામાં જ ‘ઉમેદવાર’ ખાસ નક્કર ભરોસાને લાયક ન લાગે, તો અગત્યના રહસ્યો જાહેર ન થાય!

એક વાર કેન્ડીડેટ્‌સ સિલેક્ટ થાય, એટલે એમને ખાસ ક્ષેત્રમાં લઇ જવામાં આવે. જ્યાં આખી આબોહવા જ ચોક્કસ રાજકીય વિચારધારા અને એકાંગી ધાર્મિક દ્રષ્ટિકોણથી પ્રદૂષિત હોય. જ્યાં ‘સિદ્ધાંત’ અને ‘અન્યાય’ના નામે સિક્કાની એક બાજુ જ પહેલા તોડીમરોડી અને પછી ‘એન્લાર્જ’ કરીને બતાવવામાં આવે! હસેસીનોની એવી ‘સિક્રેટ સોસાયટી’ હતી, જેના મુઠ્ઠીભર લોકો કેવળ ગુસપુસ કરીને આસપાસના શાસકોના શાસનનું ભાવિ નક્કી કરતા!

તો આમાં હશીશ ક્યાં આવ્યું? સિમ્પલ. બ્રેઇનવોશંિગ માટે કશુંક બંધાણ જોઇએ… પછી એ અફીણનું હોય, ધર્મનું હોય, સંસ્કૃતિનું હોય કે રાષ્ટ્રવાદનું હોય! એક માન્યતા એવી હતી કે નાર્કોટિક ડ્રગ હશીશ ‘ફિદાઇન’ પ્રકારની તાલીમ લેતા જેહાદી હુમલાખોરોને કામ પૂરું કર્યા પછી ઈનામરૂપે આપવામાં આવતું. પણ કેટલાક સંશોધકો માને છે કે હશીશ ‘રિવોર્ડ’ નહિ, પણ ‘રિક્રૂટિંગ ટૂલ’ હતું. એ પણ બડી હેરતઅંગેજ રીતે!

પ્રારંભિક કસોટીમાં યોગ્ય લાગતા જુવાનને અમુક પ્રમાણમાં હશીશ આપવામાં આવતું. એના નશામાં મદમસ્ત બનીને જુવાન સૂઇ જાય, પછી એને ઊંચકીને પર્વત પરના મહેલના બગીચામાં મૂકી દેવામાં આવતો. આ ઉદ્યાન ખાસ મોહમ્મદ પયગંબરના જન્નત (સ્વર્ગ)ના વર્ણનોને અનુસરીને તૈયાર કરાયેલું રહેતું. પેલો જુવાન ઉઠે કે એની તહેનાતમાં સંગીત અને પ્રેમની કળામાં ખાસ તાલિમબદ્ધ સુંદર યુવતીઓ રહેતી! એ બાગમાં દૂધ અને શરાબ- જેવા આસવોની ધારાઓ વહેતી. મખમલમઢી બેઠકો અને રેશમી ઝળહળાટભરી સજાવટ! જે માંગો તે હાજર! હુસ્નની બેસુમાર અને બેપનાહ મિજબાની!

પણ આ જોઇને ભાન ભૂલેલો જુવાન આનંદલોકમાં વિહરે ત્યાં ફરીથી એને હશીશના જોરે ઘેનમાં નાખી દેવાતો. પછી ઉંચકીને હસન જેવા ‘માસ્ટર’ની સામે પેશ કરાતો. ચીફ કમાન્ડર જેવા વડાને ‘ઓલ્ડ મેન ઓફ માઉન્ટન’થી ઓળખવામાં આવતા. મદહોશીમાંથી તાજા બહાર આવેલા જુવાનને સોનાની મૂઠવાળું ખંજર અને કોને ખતમ કરવાનો છે એનું નામ અપાતું. એને કહેવામાં આવતું કે વડેરા ગુરૂજી પાસે જે ‘જન્નત’ (પેલા બગીચાનો અનુભવ) એણે જોયું, એમાં એને પાછો મોકલવાની શક્તિ છે. જો એ સોંપાયેલું કામ પુરું કરશે, તો એ ત્યાં ફરી જઇ શકશે અને જો એ કામ દરમ્યાન એનું મૃત્યુ થશે તો જન્નતના ફિરસ્તાઓ આવી એના આત્માને કાયમ બેહિસ્તની હૂરો વચ્ચે લઇ જશે! આ કથાનકને ૧૪મી સદીમાં પ્રવાસી માર્કો પોલોએ ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું. અલબત્ત, ઈસ્લામના કેટલાક વિદ્વાનોના મતે ‘હશીશીઝમ’ એક ધૃણાપાત્ર પ્રવૃત્તિ ગણાતી અને નશાને નીચલા વર્ગની પ્રવૃત્તિ માનવામાં આવતી.

હસેસીન્સની રંજાડ પણ એટલે જ એ વખતે બિનમુસ્લીમો કરતાં મુસ્લીમ શાસકો, રાજદ્વારીઓ અને આગેવાનોને વધારે રહેતી. જે કોઇ પ્રગતિશીલ કે સુધારાવાદીહોય, એમનો છૂપો હૂમલો કરી હસેસીન ખાત્મો કરી નાખતા. હસન પછી એના આવેલા કેટલાક નેતાઓ પણ વિવાદાસ્પદ હતા. ઈ.સ. ૧૨૨૧થી ૧૨૫૫ના ગાળામાં આવેલા અલાદ્દીન (મોહમ્મદ ત્રીજો) માનસિક વિકૃતિઓ, સજાતીય સંબંધો અને પરપીડનવૃત્તિ માટે કુખ્યાત બનેલો. ત્યાં સુધીમાં હસેસીનની એક ધાક બની ગયેલી અને એનો વિરોધ કરનાર વિચારકવૃત્તિના માણસોની પણ ખંજર વડે હત્યાનો સિલસિલો શરૂ થયેલો.

પણ સૃષ્ટિમાં કોઇની સાડીબારી સર્વકાલીન ચાલતી નથી. ઈ.સ. ૧૨૫૬ પછી મોંગોલ સેનાપતિ મંગુખાન નામનો એક ક્રૂર અને ઘાતકી યોદ્ધો આવ્યો. એ તો હસેસીનને પણ ટપી જાય એવો નિર્દયી હતો. પુરૂષ, સ્ત્રી, બાળક- દરેકનું લોહી એના સૈનિકોની ધારદાર તલવાર પર નીતરતું રહેતું. કોઇ ચિંતન, ફિલસૂફી કે સમજાવટે નહિ પણ મંગુ ખાનની બેરહમ લડાઇઓએ હસેસીનની કમ્મર તોડી નાખી. અનેક યુવાનો કતલ થઇ ગયા. બાકી શિકારીથી ડરીને હરણ ભાગે એમ બેઘર થઇને ભટક્યા. કેટલાક તો પર્શિયન સૂફીઓ સાથે ભળીને ફકીર થઇ ગયા. થોડા શિયાઓમાં ભળી ગયા. બીજી કોઇ રાજકીય ઓથ તો હતી નહિ, એટલે હસેસીનના શસ્ત્રો મ્યાન થઇ ગયા!

પણ પાઘડીના છેડે પાંચ વળ સમજવા જેવા છે: એક તો હસેસીન પુરાણા ઈસ્લામિક ત્રાસવાદી ખરા પણ એમણે જેમની સામે વાંધો કે વિરોધ હોય એવા આગેવાનોની કતલનો નિયમ બનાવેલો. વર્તમાન ત્રાસવાદીઓની જેમ આડેધડ બોંબધડાકામાં નિર્દોષ પ્રજાજનોના જાન લેવાને એ બધા ખુદાની તૌહીન સમજતા. બીજું, એક જમાનામાં હસેસીન સાથે જોડાયેલા હોવાનું મનાતા ઈસ્માઈલી પંથના ખોજાઓ આજે ખૂબ સુખી છે. સરળ અને સાચા હોવાની છાપ ૨૦-૨૫ દેશોમાં ઉપસાવી ચૂક્યા છે. કારણ કે, એમનો આગાખાન જેવા સમજદાર, શંતિપ્રિય, શિક્ષણપ્રેમી અને માનવતાવાદી નેતૃત્વની દીર્ઘદ્રષ્ટિનો વૈજ્ઞાનિક પ્રગતિનો લાભ મળ્યો. સંકુચિત ધર્મજડતાનો નહિ!

ત્રીજું, સાઉદી અરેબિયાના શાસકોમાં હસેસીન્સથી બહુ પછીથી આવેલી વહાબી માનસિકતાની અસરે ઇસ્લામમાં જેહાદી કટ્ટરવાદના રૂપે હસેસીન્સની મનોવૃત્તિનો પુનરાવતાર કર્યો એમ કેટલાય ઇસ્લામિક સ્કોલર્સ પણ સ્વીકારે છે. ચોથું, મોંગોલ સરદારની એક ઘા ને બે કટકાની સપાટાબાજીએ ભયની ભાષા જ સમજતા હસેસીન્સનું અસ્તિત્વ મિટાવી દીધું હતું. અમેરિકાએ એ આજે ય સાબિત કરી બતાવ્યું છે. (આવું લખીએ ત્યારે કેટલાક બનાવટી બૌદ્ધિકોને એવી ચળ આવે છે કે જાણે એ રાજીપાથી  રાહ જોતા હોય અમેરિકા પર નવો હુમલો થવાની !) પાંચમું, ભારતના શું પાકિસ્તાનના પણ અમનપસંદ નિર્દોષ મુસ્લિમની સામે  પ્રતિહિંસાનો વિચાર પણ ના થાય (ભલે ત્રાસવાદીઓ એ કરે), પણ ત્રાસવાદને ઉત્તેજન આપતા ભારત-પાકિસ્તાનની સપોર્ટ સીસ્ટમ અને ધાર્મિક નફરતથી દાધારંગા પાકિસ્તાની તંત્ર સામે કડકાઈથી તૂટી પડવાનું તો ઇન્ડિયન આર્મીમાં રહી ચુકેલા ડિફેન્સ એક્સપર્ટ મારૂફ રઝા પણ વર્ષોથી પોકારી પોકારીને કહે છે. ફરાહખાન અલી જેવા ગ્લેમર સેલીબ્રીટીઝ પણ કહે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સોફ્ટ પોલીસીનો મુદ્દાસર વિરોધ કરીને…મતલબ લુચ્ચા લેખકો જે ભાગલા પડે છે, એવો કોઈ ધાર્મિક રંગ ઉમેરવાની આ વાત નથી. સમજશક્તિની વાત છે. ..પણ મારૂફને જે સમજાય છે, એ મનમોહનસિંહને અને એમના બૌદ્ધિક મળતિયાઓને સમજવું નથીં!

#’હુજી’ના email અને દિલ્હી પોલીસના આતંકવાદીઓના સ્કેચ જોઈને યાદ આવેલો પાંચ વર્ષ જુનો લેખ..છેલ્લા ફકરામાં અંતિમ ત્રણ વળના ઉમેરા સિવાય યથાતથ (એઝ ઇટ ઇઝ !) – કારણ કે બોમ્બ બ્લાસ્ટની ઘટના ને એનો જવાબ (?) ક્યાં બદલાય છે ? બાય ધ વે, ગત વર્ષે આવેલી ‘પ્રિન્સ ઓફ પર્શિયા’ ફિલ્મમાં હસેસીન્સ ખલનાયક છે અને એમની ડાર્ક સાઈડ સુપેરે બતાવાઈ છે.

હસેસીન્સના તાલીમી કેમ્પના અવશેષો સમાવી બેઠેલો પહાડી કિલ્લો.

 

 

 

 
18 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 7, 2011 in history, india, religion

 

આખી વાર્તા લખો, અડધો લાખ જીતો !

મારી મધુ રાય માટેની મહોબ્બત અને મધુ રાયની સાહિત્ય પ્રત્યેની ચાહત માટે વધુ કંઈ કહેવાનું હોય નહિ.

…અથવા તો એટલું બધું કહેવાનું મન થાય, કે મૂળ મુદ્દો બાજુ એ જ રહી જાય! 😛

મૂળ મુદ્દો, એટલે અહીં વિગત આપવામાં આવી છે , એ વાર્તામાંધાતા મધુ રાયના સંપાદનમાં શરુ થનાર “મમતા”  મન્થલી મેગેઝીન માટે જાહેર થયેલી માતબર ઇનામોવાળી વાર્તાસ્પર્ધા. જેમા સંકળાયેલા નામો અંગત સંગતના છે , અને સદનસીબે પંગતમાં ખરેખર નવા લેખકો જ આવી શકે એવી આવકારપાત્ર તક છે. વિશેષ વિગતો વાંચી લો.

યાદ રાખજો,

every creator needs to be a storyteller

અને મારો જાતઅનુભવ :

to find stories – experience life, explore literature!

ઓલ ધ બેસ્ટ. હલ્લા બોલ…:)

Description: Narrow horizontal
ચંદ્રમણિ પ્રકાશન
*       
આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક
 
ગુજરાતી ભાષામાં હાલ બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દૃષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે. ત્યારે સશક્ત, અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે.
આ ઝુંબેશના પહેલા ચરણરૂપે વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ એક વિશેષ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને તેમાં ભાગ લેવા માટે જાણ્યા-અજાણ્યા તમામ વાર્તાકારોને જાહેર નિમંત્રણ છે,
 
આ વાર્તાસ્પર્ધાના નિયમો:
1. વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખ સુધીમાં જેમનું એક પણ પુસ્તક પ્રકટ ન થયું હોય તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
2. વાર્તાનું લખાણ સરળ હોય ને વાર્તાતત્ત્વ સુરેખ હોય તે જરૂરી છે.
3. વાર્તા કોઈ સામયિક, દૈનિક, રેડિયો, ઇન્ટરનેટ કે બીજે કશેય પ્રકાશિત કે પ્રસારિત થયેલી ન હોવી જોઇએ.
4. વાર્તાની શબ્દસંખ્યા મહત્તમ ૨૦૦૦ શબ્દોની છે. (લઘુતમ ૭૫૦ શબ્દો) તે ઓપન વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરેલી હોય અને તેની જોડણી સાર્થ શબ્દકોશ અનુસાર હોય તે ઇચ્છનીય છે. (સાર્થ માટે સંદર્ભ : www.gujaratilexicon.com)
5. વાર્તાના મથાળે માત્ર વાર્તાનું શીર્ષક જ હોવું જોઇએ. લેખકનું નામ, સરનામું, ટેલિફોન, સેલ ફોન નંબર અને ઇ–મેલ આઇડી એક અલગ કાગળમાં જે તે શીર્ષક્ના સંદર્ભ સાથે આપવું અનિવાર્ય છે.
6. એક વ્યક્તિ ધારે તો એકથી વધુ વાર્તા મોકલી શકે છે, સ્વયંવિવેક ઇચ્છનીય.
આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વાર્તાને રૂા.૫૧,૦૦૦નું ‘અશોક હર્ષ’ પારિતોષિક અમેરિકાવાસી સાહિત્યપ્રેમી દેવેન્દ્ર પીર તરફથી અને બીજા અને ત્રીજા સ્થાને આવનાર વાર્તાઓને ‘મમતા’ તરફથી રૂા. ૨૧,૦૦૦ અને રૂા. ૧૧,૦૦૦નાં પારિતોષિકો એનાયત થશે.
સ્પર્ધામાં આવેલી તમામ વાર્તાને પ્રકટ કરવાનો પ્રથમ હક ‘મમતા’ માસિકને રહેશે. ઈનામી સિવાયની વાર્તાઓ પણ પ્રગટ થયે તેનો યોગ્ય પુરસ્કાર પણ ચુકવવામાં આવશે. પણ તે દરમ્યાન એ વાર્તાને પ્રગટ કરવા માટે અન્યત્ર મોકલી શકાશે નહિં.

સ્પર્ધકે વાર્તા સાથે પોતાનો વાર્તા સંગ્રહ પ્રગટ ન થયો હોવાની, અને મોકલેલ વાર્તા સંપૂર્ણપણે પોતાની મૌલિક અને અપ્રગટ હોવાની, અને પ્રગટ કરવા માટે ક્યાંય મોકલી ના હોવાની, અને હવે ક્યાંય મોકલશે નહીં તેવી બાહેંધરી સાથે આશરે પચાસ શબ્દોમાં પોતાનો પરિચય અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવો જરૂરી છે.
સ્પર્ધકો પોતાની વાર્તાની એક નકલ સાચવી રાખે તેવું સૂચન છે, કારણકે વાર્તાની હસ્તપ્રત પાછી મોકલવાનું શક્ય નથી. સ્પર્ધામાં પારિતિષિકો માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. પરિણામના અનુસંધાનમા કોઇ વાંધા કે વિવાદને માટે અવકાશ નથી. આ સ્પર્ધા અંગે કોઈ પત્રવહેવાર, એસએમએસ કે ફોનચર્ચા થશે નહીં.
વાર્તા મોડામાં મોડી ડિસેમ્બર  ૩૧, ૨૦૧૧ સુધીમાં નીચેના સરનામે મળી જશે તો જ સ્પર્ધામાં ભાગ લેવાને પાત્ર ગણાશે..
વાર્તા મોકલવાનું સરનામું:
વાર્તા સ્પર્ધા
કેર ઓફશ્રી એ. વી. ઠાકર,
૯૭૭/૨, સેક્ટર ૭–સી,
પથિકાશ્રમ બસ ડિપોની સામે,
ગાંધીનગર ૩૮૨ ૦૦૭

*વર્ડ કે પીડીએફ ઇ–મેઇલથી મોકલવાનું સરનામું  mamatamonthly@hotmail.com.

 

*update : મિત્રો મુરબ્બી મધુબાબુનો એક મેઈલ અંગ્રેજીમાં મળ્યો છે…જેમાંની આવશ્યક વિગતો અહીં મુકું છું.

 

mamata, the brand new short story magazine, edited by madhu rye is out.

 

# ‘lokarpan’ ceremony by the film idol paresh raval is on november 17, 2011 at bhartiya vidya bhavan, andheri campus, mumbai at 6pm. (along-with story reciting by various dignitaries.)

 

 #for USA home delivery plz send your name, address, phone number, email id with a check for is $30 (introductory subscription for 12 issues) to “chicago art circle”, 1468 sandburg dr, schaumburg, illinois 60173,

 

or you may request a sample copy by emailing your address (sub: mamata sample copy).

 

# for home delivery in INDIA, plz send your name, address, phone number, email id with a check for is Rs.150 (introductory subscription for 12 issues) to “mamata monthy”, 977/2 Sector 7-C, Gandhinagar. 382007

 

or you may request a sample copy by emailing your address (sub: mamata sample copy)

 

# some usa friends have even gifted 5, 11, or 25 subscriptions to their friends and relatives in india @ Rs. 150 each as the new years gift. just a thought…

 

* મમતા કાર્યાલયનો ફોન નંબર : ૦૭૯-૨૩૨૩૩૬૦૧ / ઇમેઈલ : mamatamonthly@ hotmail.com

 

* અગત્યની વાત : ઉપર જણાવેલ ‘મમતા’ વાર્તા સ્પર્ધાની તારીખ ૩૦, ઓક્ટોબર , ૨૦૧૧ને બદલે હવે લંબાવીને ૩૧ ડીસેમ્બર , ૨૦૧૧ કરવામાં આવી છે , તેની ખાસ નોંધ લેવી. માટે હજુ ય રસ ધરાવતા મિત્રો કંઇક વિચારી શકે છે, વાર્તા લખી મોકલી શકે છે. એ અંગેના નિયમો અહીં લખાયેલા છે જ. ધ્યાનથી વાંચી જવા. એક વ્યક્તિ એક થી વધુ વાર્તા મોકલી શકે, એટલે આગળ વાર્તા મોકલી હોય એ ય નવી કોઈ વાર્તા મોકલી શકે હજુ પણ. પણ પછી વાર્તાઓનો ઢગલો ઇનામ જીતવાની લાલચે કરવાનો ના હોય, બે-ચારથી અટકવાનું હોય એ સાદી સમજની વાત છે. 😛 મધુ રાયનો મૂળ હેતુ નવોદિત વાર્તાકારોને પ્રોત્સાહન આપવાનો અને નવી પેઢીમાં છુપાયેલા વાર્તાકારને જગાડવાનો છે, એટલે જો પ્રાથમિક સુઝ-સમજ હોય તો પરિણામ કે નંબરની ફિકર વિના વાર્તાલેખન પર હાથ અજમાવી શકાય. ના ફાવે તો નબળી વાર્તા લખવાનો કોઈ દંડ નથી. આ માટેની તાલીમ શું? એવું થાય તો ઉત્તમ સ્વદેશી-વિદેશી વાર્તાઓ વાંચો અને વિચારો કે એ કેવી રીતે લખાય છે, કેમ અસરકારક બને છે. એમાં શું હોય છે, નથી હોતું..અને પછી પોતાનો મૌલિક ચીલો કંડારો. જેમની અન્દર ટેલન્ટનો વિસ્ફોટ છે, એ તો કોઈને પૂછવા નથી જતા. સારું લખતા જ હોય છે. પણ થોડું મઠારવાની અને સંકોચ દૂર કરવાની જ એમને જરૂર છે. ( મમતાના પ્રથમ અંકમાં એવો ઉલ્લેખ છે કે વાર્તાઓ પસંદ ઇનામ માટે ના થાય, પણ એમાં જરૂરી ચમકારો દેખાય તો, એવા ઉગતા વાર્તાકારોને વધુ સારું લખવા માટે માર્ગદર્શન પણ અપાશે. એમની વાર્તાઓ સુધારા પછી યોગ્ય લાગે તો છપાશે. પણ એ માટે ય એન્ટ્રી મોકલાવવી તો પડે ને ! )

 

* અને છેલ્લે  : મમતા વાર્તા સ્પર્ધાની અગાઉની ( હવે ફરી ગયેલી ) તારીખ પૂરી થતા જ કેટલાક ઉત્સાહી મિત્રોએ મારાં પર ફોન / મેઈલ / મેસેજનો મારો ચલાવ્યો. 🙂 એમનો ઉમંગ અને થનગનાટ બરાબર સમજી શકું છું. પણ જીવનમાં આગળ નીકળવા માટે ક્રિએટીવીટી ઉપરાંત થોડી કોમન સેન્સ પણ જરૂરી છે. 😀 કોઈ પણ આવી સ્પર્ધાનું પરિણામ અંતિમ તારીખના બીજા જ દિવસે / અઠવાડિયે કદી યે જાહેર થઇ શકે ખરું? બધી એન્ટ્રી ભેગી થાય, એ નોંધાય પછી એક થી વધુ નિર્ણાયકોને ( અલગ અલગ સ્થળે) મોકલાય, એ વાંચે વિચારે, ચર્ચા કરે પછી જ પરિણામ આવે ને? આટલી બુનિયાદી સમજ ભણેલા દોસ્તોમાં પણ હોય નહિ એ ટ્રેજીકોમેડી છે. જીવનની સમજણ કાચી રહે, તો કદાચ વાર્તાની ય કાચી રહે. અને વાર્તાની પાકી રહે, તો પણ જીવનની કાચી રહે તો થઇ રહ્યું. આ ટકોર ઉતારી પાડવા નહિ, પણ ધ્યાન ખેંચવા જ કરું છું. જો હું સ્પર્ધાની વિગત અહીં મુકું, તો રિઝલ્ટની પણ મુકું જ ને? એટલી ધીરજ પણ અપેક્ષિત હોય. હું અગાઉ પણ લખ્યું છે એમ એક શુભેચ્છક તરીકે સારા હેતુથી આ બધીં માહિતી પહોંચાડું છું. બાકી સ્પર્ધાનો ના હું સર્જક છું, ના નિર્ણાયક છું. તો, ચાલો, હવે ઘણું જાણી લીધું..મમતાના અંકોમાં વાર્તાઓ માણો અને ઝટ સરસ વાર્તા લખીને મોકલાવો. ઓલ ધ બેસ્ટ 🙂

  

 
38 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 7, 2011 in art & literature, contests, gujarat

 
 
%d bloggers like this: