RSS

માર્કેટની માયાજાળ, ચોઇસનો ચક્રવ્યૂહ : કિસ કો પ્યાર કરું ? યે ભી હૈ… વો ભી હૈ !

23 ઓક્ટોબર

શોપિંગ.

દિવાળી નજીક આવે, ત્યારે સૌથી વઘુ પ્રમાણમાં થતી પ્રવૃત્તિ એટલે ખરીદી. ભારતમાં હજુ યુરોપ- અમેરિકા જેવી મંદી નથી, અને ફટાકડા ફૂટી ગયા પછી રંગીન કાગળોનો જેમ ગલીઓમાં ગંજ ખડકાય, એમ જ જાહેરાતોના ડુંગરા ખડકાયા છે ! ગ્રાહકને એક એક દુકાનો જાણે કે ગજરા લગા કે આમંત્રણ આપી રહી છે. સ્માર્ટ ફોન્સ, ઓટોમોબાઇલ્સ, એલઇડી ટીવીની અવનવી રેન્જ ચીઅરગર્લની માફક ઘ્યાન ખેંચવા ઠુમકા લગાવી રહી છે. કૂર્તાથી કમીઝની અધધધ વરાયટીઝ, કોડિયાથી કેન્ડલ સુધીનો ઢગલેઢગલા સ્ટોક ! ખિસ્સા ખાલી હોય ત્યારે આ બઘું ખરીદવાના ‘પ્રોબ્લેમ ઓફ ચાન્સ’ની ચિંતા  હોય અને ગજવું વજનદાર હોય ત્યારે શું લેવું, શું છોડવું નો ‘પ્રોબ્લેમ ઓફ ચોઇસ’ ઉભો થાય !

હાય રે, અસલના જમાનાની રાજકુંવરીઓ સ્વયંવરમાં ઝપાટાબંધ વરમાળા લઈને ચટ મંગની, પટ શાદી કેવી રીતે કરતી હશે ? આજે તો રાતના ફિલ્મ જોવાની હોય તો બપોરથી વોર્ડરોબ ખોલીને શું પહેરવું એ વિચારવામાં જ પ્રિન્સેસીઝ સાંજ પાડી દેતી હોય છે ! પછી મલ્ટીપ્લેક્સમાં સાત ફિલ્મો ચાલતી હોય, તો કઈ જોવી એ પ્રશ્નના જવાબમાં સવાર પડે !

* * *

‘કેબીસી’માં ફક્ત ચાર ઓપ્શનમાં ગુંચવાતા સ્પર્ધકો આપણે જોયા છે. લાઇફમાં ય ડગલે ને પગલે આવા સવાલ વાળ ખેરવતા રહે છે. મોબાઇલ લેવો છે ? મ્યુઝિક ફોન ? કેમેરા ફોન ? સ્માર્ટ ફોન ? એન્ડ્રોઇડ ? સિમિયન ? બાડા ? આઇઓએસ ? ટચસ્ક્રીન ? કીપેડ ? ફિ્‌લપ ફ્‌લેપ ? સિલ્વર ? બ્લેક ? રેડ ? બ્લ્યુ ? ગ્રીન ? વ્હાઇટ ? લઈ લીધો, પછી કઈ થીમ સિલેક્ટ કરવી ? નેચરલ ? એનિમેટેડ ? સેલિબ્રિટી ? એબ્સ્ટ્રેક્ટ આર્ટ ? ફન ? ઇન્ડિયન ? વેસ્ટર્ન ? જો નેચરલ તો ફ્‌લાવર્સ ? લેન્ડસ્કેપ ? વોટરફોલ ? સી ? માઉન્ટેન ? ગાર્ડન ? બર્ડ્‌સ ? એનિમલ ?

હમ્ફ ! ઉફ્‌ફ ! ગિવ અસ એ બ્રેક. લેટ્‌સ હેવ આઇસ્ક્રીમ. ઓફ ચોકલેટ ફ્‌લેવર ? ફ્રૂટ ફ્‌લેવર ? ડ્રાયફ્રુટ ફ્‌લેવર ? સીઝનલ ? સન્ડેઝ ? કપ કે કોન ? વેફલ કોન કે સાદો કોન ? મિડિયમ કે લાર્જ ? વિથ ટોપીંગ્સ ઓર વિધાઉટ !

આઆઆઇઇઇઇઉઉઉ ! હર તરફ, હર જગહ.. બસ, ઓપ્શન હી ઓપ્શન. હોટલમાં રૂમ બુક કરાવો. એ.સી. ? નોન એ.સી. ? ડિલક્સ ? સ્વીટ ? રોડ વ્યૂ ? ગાર્ડન વ્યૂ ? ડબલ બેડ ? સિંગલ બેડ ? રૂમ બુક કરાવી કોફી ઓર્ડર કરવી છે. ઓ.કે. પ્લેઇન ? એક્સપ્રેસો ? મોકા ? વિથ ક્રીમ ? વિથ ચોકલેટ ? વિથ મિલ્ક ? દૂધ કેવું ગાયનું ? ભેંસનું ? બકરીનું ? સોયાનું ? સ્કીમ્ડ ? લો ફેટ ? મલાઈદાર ? કોલ્ડ કે હોટ ? ફરગેટ ઇટ. લેટસ સે ગો આઉટ. કયું જીન્સ પહેરીને ? લો રાઇઝ ? સિક્સ પોકેટ ? સ્ટોનવોશ ? ડાર્ક બ્લ્યૂ ? લાઇટ બ્લ્યૂ ? બ્લેક ? ગ્રે ? સ્કીનટાઇટ ? બૂટકટ ? વિથ સ્પિલીટ્‌સ ? સ્ટ્રેઇટ ? મેટલ બકલ્સ ? લેધર સ્ટીકર્સ ? છોડો ચલો બાથરૂમમાં. કઈ પેસ્ટ ? ફ્‌લોરાઇડવાળી ? ક્રિસ્ટલવાળી ? ટુ ઇન વન ? જેલ ? વ્હાઇટનિંગ ? જર્મીચેક ? આયુર્વેદિક ? મિન્ટ ફ્‌લેવર ? નીમ ફ્‌લેવર ? મોઇશ્ચૂરાઇઝર કયું લગાવીશું ? નરિશમેન્ટ આપે તે ? સ્મૂધ કરે તે ? રિવાઇટલાઇઝિંગ ? વાઇટામીન ઇ, ડી વાળું ? પ્રોટિનવાળું ? હર્બલ ? ઓઇલી સ્કિન કે ડ્રાય સ્કિન ?

બેસો નેટ પર. ટ્‌વીટર પર ? ફેસબૂક પર ? ગૂગલ પ્લસ ? યાહૂ મેસેન્જર ? વિકિપીડિયા ? સર્ફ કરીશું ? ચેટ ? પોક ? મ્યુઝિક એમપીફોરમાં સાંભળીશું કે વેવમાં ? એ સાંભળતા સાંભળતા બટાકાની વેફર ખાવી છે ? સારું સારું. કઈ લેશો કોરિએન્ડર (કોથમીર) ચટની ? આદુફૂદીના ? દિલ્હી ચાટ ? ચટપટા મસાલા ? ટોમેટો રેડ ? ચીઝ ઓનિયન ? જાળીવાળી ? કે પતરી ? નાઇટ્રોજન પેક ? રિડ્યુસ્ડ ફેટ ? સાથે કયું ડ્રિન્ક ? સ્યુગર ફ્રી ? કેન ? ચોકલેટ વિથ આલ્ન્ડસ ? ડાર્ક ચોકલેટ ? ચોકલેટી કૂકીઝ ? પાન ખાવું છે ? કપૂરી ? બનારસી ? મઘઈ ? કલકત્તી ? સાદી સોપારી ? શેકેલી ? સેવર્ધન ? પાન ગલોફામાં દાબી શું વાંચશો ? ફિક્શન ? નોન ફિક્શન ? દેસી ઇંગ્લીસ ? વેસ્ટર્ન ? ક્લાસિક ? ટીન ? કોમિક્સ ?

ઓ. કે. લાઇફ ઇઝ કોમ્પ્લિકેટેડ. એક ગોવિંદાછાપ ગીત હતું કિસ કિસ કો મેં ‘કિસ’ (kiss) કરું ? કિસ ‘મિસ’ (miss) કો કિસ કરું ? કિસ ‘કિસ’ (kiss) કો ‘મિસ’ (miss)કરું ? જ્યારે વિકલ્પો વધે છે, ત્યારે સંકલ્પોની તાકાત ઘટે છે.

* * *

સ્ટોનફોર્ડ યુનિવર્સિટીના માર્ક લેપર અને કોલંબિયા યુનિવર્સિટીના શીના આયંગરે એક બિહેવિઅરલ સાયન્સનો રિસર્ચ કર્યો. (આવું આપણે ત્યાં તો થાય જ નહિ, એટલે પારકા રેફરન્સે રાજી થયા કરવાનું !) એક સ્ટોરમાં એક દિવસે એક ટેબલ પર જામ (મુરબ્બા)ની ૨૪ અલગ-અલગ ફ્‌લેવરની બોટલ મૂકી. દરેક કસ્ટમરને ડિસ્કાઉન્ટ કૂપન પણ આપ્યું. થોડા દિવસો બાદ એ જ રીતે જામની માત્ર ૬ જ વરાયટી (ચોથા ભાગની) ડિસ્પ્લે કરી.

રિઝલ્ટ ? ૨૪ જામ રાખેલા ત્યારે વઘુ લોકો જોવા ઉભા રહેલા પણ ૩% લોકોએ જ (ડિસ્કાઉન્ટ છતાં) ખરીદી કરેલી. જ્યારે ૬ જામ હતા ત્યારે ઓછા લોકો ટોળે વળેલા, પણ ખરીદી ૩૦%એ કરી !

અયસા કાયકુ ? જૂતાના એન્યુઅલ સેલથી પરફ્‌યુમની ફેસ્ટિવલ ઓફર સુધી, પેનથી લઈને પોલિસી (ઇન્સ્યુરન્સ પ્લાન) સુધી આવું થાય છે. યુગ તો ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’નો છે. ફ્રી માર્કેટ એટલે ફ્રી ચોઇસ. દરેકની રસરૂચિ મુજબના ‘કસ્ટમાઇઝ્‌ડ’ મનગમતા ઓપશન્સ. જ્યારે બઘું જ સાદાઈ કે કલ્યાણના નામે સરકારી હોય, અને પબ્લિક પાસે ફરજિયાત મળતી વસ્તુઓ સિવાય કોઈ પસંદગીને અવકાશ જ ન હોય, એ બઘું તો કેવું કડડભૂસ પડી ભાંગ્યું, એ ભારતમાં અને જગતમાં આપણે નજરે જોયું છે ! પણ ‘નો ચોઇસ’ કોઈને ય ના ગમે તો ‘મેક્સિમમ ચોઇસ’ પણ નથી ગમતી શું ? કન્ફ્‌યુઝન હી કન્ફ્‌યુઝન હૈ, ક્યા લેના હૈ પતા નહીં !

ભારતીય આંકડાઓ તો આરટીઆઇમાં ય માંડ મળે છે, પણ ‘ઇકોનોમિસ્ટ’ જેવા મેગેઝીન્સમાં અમેરિકન આંકડાઓ છૂટ્ટે હાથે ઠલવાય છે. એક બાજુ અહીં ફરજીયાત ભણાવાતા સબ્જેક્ટસના ફાંફા છે તો બીજી બાજુ બર્કલીની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ૩૫૦ વિદ્યાશાખાઓમાં સ્નાતક થઈ શકાય છે ! ગે, બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર સ્ટડીઝની ત્યાં બાકાયદા ડિગ્રી મળે છે ! એવરેજ અમેરિકન સુપર માર્કેટમાં ૪૮,૭૫૦ આઇટેમ્સ હોય છે ! ૧૧૫ જાતના રૂમ ક્લીનર, ૯૧ જાતના શેમ્પૂ ! આ તે સુપર માર્કેટ છે કે હાઇપર માર્કેટ ?

એટલે તો જનરેશન ‘હાઇપર’ (ચંચળ) થતી જાય છે ! દિવસે દિવસે લોકોનો ડિસિશન મેકિંગ પાવર ઘટતો જાય છે. અગાઉ મામલો ઇઝી હતો. પીપલ લેસ બિઝી હતા. પરણ્યા પછી માતા ન બને, એવો ઓપ્શન છોકરી પાસે હતો જ નહિ. આજે તો પરણ્યા વિના ય જોડે રહી શકાય છે. એટલે જૂની પેઢી જેટલી દ્રઢતા, મક્કમતા નવી પેઢીમાં ઓછી મળે છે. બચપણથી જ પસંદગીના અતિરેકે એમને પેરેલાઇઝ્‌ડ કરી નાખ્યા હોય, એવી હાલત છે. એક સાઇટથી બીજી સાઇટ પર કૂદકા મારતી વખતે ટી.વી. પર ‘સાડ્ડા હક્કનું’ રોકી સોંગ જોવાતું હોય, ને ત્યારે જ ગર્લફ્રેન્ડને મેસેજ ટાઇપ થતો હોય ! પેરેલલ ટોરન્ટ પર મૂવીનું ડાઉનલોડંિગ ચાલુ હોય અને સામે પ્રોજેક્ટ હોમવર્કની નોટ ખુલ્લી ખોળામાં પડી હોય ને બાજુમાં નમકીન ચવાણાની ડિશ !

સંશોધક લેખક બેરી શ્વાર્ત્ઝ એને ‘ચૂઝીંગ’(પસંદ કરવું)ને બદલે ‘પિકિંગ’ (ઉંચકી લેવું) કહે છે, એમાં કોઈ માપ-તોલ, કોઈ સભાન નિર્ણય હોતો નથી. બસ, જસ્ટ ઝટપટ જે હાથ આવ્યું એ બઘું, વઘુમાં વઘુ લઈ લેવું અને એ સારું જ હશે એવા સપના જોવા. મોટા થયા પછી જ્યારે કપરા નિર્ણયોમાં કશુંક વિચારીને, લેખાં-જોખાં કરીને પસંદ કરવાનું આવે છે, ત્યારે આ હાઇપર બ્રેઇનને સ્ટ્રેઇન પડે છે ! જેમ ઓપ્શન વધે, એમ એનાલિસિસનો થાક લાગતાં દિમાગ કંટાળી જાય છે. પછી ગભરાટ થાય. બહુ બધા વિકલ્પોમાંથી એક બેસ્ટમ બેસ્ટ પસંદ કરવા તો બહુ બધો વિચાર કરવો પડે. જેમ વિચાર વધે એમ ખોટા પડવાના જોખમની બીક પણ વધે. અને વિકલ્પો ? સારા શોરૂમમાં બ્લુરે પ્લેયર, સ્પીકર, એમ્પ્લિફાયર, એલસીડીના ટોટલ મોડેલના મેથેમેટિકલ પરમ્યુટેશન, કોમ્બિનેશન કરો તો આંકડો લાખ્ખોમાં આવે !

રિમેમ્બર, દરેક ચોઇસ સાથે ‘ઓપર્ચ્યુનિટી કોસ્ટ’ જોડાયેલી હોય છે. તમે ‘રાસ્કલ્સ’ જોવા પૈસા ખર્ચો અને એ ભેજાદુખણ મહાફ્‌લોપ નીવડે ત્યારે એ જ ટાઇમમાં એટલા જ પૈસામાં સેન્સીબલ ‘સાઉન્ડ ટ્રેક’ જોઈ શક્યા હોત, એ તમે ગુમાવો છો. માટે કુલ નુકસાન ૨૦૦ પ્લસ ૨૦૦ – ૪૦૦ રૂપિયા અને ત્રણને બદલે છ કલાકનું છે. આ થઈ (ગુમાવેલી તકનો ઘસારો લાગુ પાડતી) ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. દરિયા કિનારે વેકેશન ગાળવા જાવ, ત્યારે બરફીલા ગિરિશિખરો ન જ જોવા મળે. એક સિલેક્ટ કરો, ત્યારે બીજું આપમેળે ગુમાવો છો.

હવે જે પસંદ કર્યું, એ અપેક્ષા મુજબનું ન નીવડે તો ? પછી અફસોસ અને ઘૂંધવાટ થાય. મોંઘા ભાવના મનપસંદ કપડા દિવાળી પર લીધા પછી બરાબર ફિટ ન થાય તો સાવ જ નકામા પડ્યા હોવા છતાં એ ફેંકી દેવાતા નથી ! વર્ષો સુધી વગર કારણે ‘ક્યારેક કામમાં આવશે’ માનીને (જૂના નકામા ન થાય ત્યાં સુધી) સાચવવામાં આવે છે. કેમ ? પૈસા ખર્ચ્યાનો ચચરાટ (ફોર ધેટ મેટર ટાઇમ બગડ્યાનો ઇગો પણ ખરો !) પછી અંદરખાનેથી આપણું મન આપણી ભૂલ કે ખોટ, હાર સ્વીકારી નથી શકતું. એ જગ્યા રોકતા બંધ કરી ફગાવી દો તો મનોમન એનો સ્વીકાર કર્યો કહેવાય. એને બદલે મન જૂઠા આશાવાદમાં ખોવાયેલું રહીને જખમ પંપાળે છે.

ધારો કે, જે બધા ફીચર્સ જોઈતા હતા એવી જ પ્રોડક્ટ આપણે ખરીદી. બેસ્ટ એમોંગ ધ રેસ્ટ. બિરાદરીમાં વટ પડી ગયો. વોટ નેકસ્ટ ? સાયકોલોજીની દ્રષ્ટિએ એડોપ્શન પ્રોસેસ શરૂ થશે. આરંભનું આકર્ષણ ઓગળશે. સ્પેશ્યલી ચાર્મિંગ બાબત રૂટીન બનતી જશે. એનાથી લોભામણી ચીજોથી માર્કેટ તો છલકાતું જ જવાનું. એટલે સારી હોવા છતાં ઘર કી મુર્ગી દાલ બરાબર લાગશે. પાંચને પૂછીને, મહિનાઓ થોભીને નિર્ણય લીધો એ મકાન કે મોટર થોડા વર્ષો એવા ને એવા લાગે તો ય વસૂલ. પણ આ તો મહિનાઓમાં મન ઉતરી જાય, ધરાઈ જાય !

બસ, આ જ સંબંધોમાં પણ થવા લાગે છે. જેમ બૂકસ્ટોરમાં સેલ્ફ હેલ્પની સેંકડો બૂક્સમાંથી એક સારી પસંદ કરવામાં ય કોઈની હેલ્પ લેવી પડે, એમ ડેટિંગ કે મેચમેકિંગના પાર્ટનરની ચોઇસમાં ય ભરતી ઓસરતાં કિનારાની રેતીના અણિયાળા કાળા ખડકો આંખને ખૂંચવા લાગે ! લવ ઇઝ ચોઇસ. પણ ઇન્સ્ટન્ટ ફ્રેન્ડશિપ કે ચંદ મિનિટોની મુલાકાત પછીના એરેન્જૂડ સિલેક્શનમાં ય શરૂમાં એમ લાગે છે કે ચોઇસ બેસ્ટ હતી. પછી ધીરે ધીરે ટેમ્પ્ટેશન, સિડક્શનનો નશો ઉતર્યા બાદ સિમ્પલ પ્રોસેસના કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ્સ ડોકિયાં કરે છે. પછી એ હતાશા, દર્દ, નર્વસનેસ ઢાંકવા, અવનવા એસ્કેપની ચોઇસ થતી રહે છે. કોઈ સતત બોટોક્સથી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સુધીના અવનવા સર્જીકલ ઓપ્શન પસંદ કરી જુવાની ટકાવવા મથામણ કરે છે. કોઈ ભાતભાતના ગુરુઓના જાતજાતના ઉપદેશો વચ્ચે માનસિક રાહત આપતો કોઈ ઉપદેશ ‘ચૂઝ’ કરીને શાંત બનવા ઉત્પાત કરે છે !

વેલ વેલ. એવરેજ ચારસો- સાડા ચારસોની સામે ૨૦૦૯માં અમેરિકામાં ૫૫૯ ફિલ્મ્સ રીલિઝ થઈ. એમાંથી સૌથી મોટી હિટ કઈ થઈ ? રેકોર્ડબ્રેકિંગ ‘અવતાર’. યુટ્યુબ યુગમાં આટઆટલા ઓપ્શન્સ છતાં સુપરહીટની સંખ્યા કેમ સાવ આંગળીને વેઢે ગણાઈ એટલી જ રહે છે ? સહસ્ત્રપૂંછડિયા ઉંદરને મોં એક જ છે !

ચોઇસ ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમની બાબત હોવા છતાં, લોકો મોટા ભાગે એ જ પસંદ કરે છે, જે બીજા બધા કરતા હોય ! જે ગાડીનું મોડલ બહુ ચાલે, એ જ ઓનના પૈસા ચૂકવીને બધાને લેવું હોય ! જે લારી પર બહુ ભીડ દેખાય, ત્યાં જ અજાણ્યા હોઈએ તો ય સેન્ડવિચ ખાવા ઉભા રહી જઈએ. જે સોસાયટીમાં ભાવ ઉંચા હોય ત્યાં જ બંગલો બનાવવાનો હોય ! ટીવી સિરિયલ હોય કે સ્કૂલ એડમિશન, લેપટોપની ખરીદી હોય કે કંકોત્રીની ડિઝાઇન, આતશબાજી હોય કે કેલેન્ડર- વ્યક્તિસ્વાતંત્ર્યની આ ટેકનોલોજીકલ ક્રાંતિના સમયમાં પાછું મોટા ભાગે બધાને એ જ જોવું, ખાવું, ફરવું, પહેરવું, સાંભળવું, માણવું હોય… જે બીજા બધા જ કરતા હોય ! સિલેક્શન ? કે સરેન્ડર ? પેરાડોક્સ ઓફ સેફ ચોઇસ ?

* * *

૨૦૧૦માં થયેલા એક સર્વેક્ષણમાં ૪૭% લોકોએ એવું કબૂલ કરેલું કે ૧૦ વર્ષ કરતાં આજે જીંદગી વઘુ ‘કન્ફ્‌યુઝ્‌ડ’ લાગે છે ! બરાબર છે. સારી- ખરાબની ફિલસૂફી છોડો. ગૂંચવાડો વધે છે. ફેસબુક ગુગલના પ્લસના રવાડે ચડી વઘુ ફિચર્સ, ગ્રુપ, ઓપ્શન્સની ચોઇસ આપે છે, તો યુઝર્સ ગણગણાટ કરે છે. કારણ કે મોર કન્ટ્રોલ, મીન્સ મોર ડિસિશન્સ, મીન્સ મોર કન્ફ્‌યુઝન્સ !

અને એક્ચ્યુઅલી જે થોડું વઘુ સરળ છે, સિમ્પલ છે. એ વઘુ ચાલે છે. બહુ ક્રિએટિવ કસરતથી અક્કલનું અથાણું કરી નાખતા લેખકોને બદલે ચેતન ભગત કે જે. કે. રોલિંગ બેસ્ટસેલર બને છે. ગિઝમોફ્રીક ફીચર્સ ધરાવતા ડિવાઇસને બદલે સિમ્પલ, એલીગન્ટ એન્ડ યુઝર ફ્રેન્ડલી ઇક્વિપમેન્ટ વેચાય છે. પેપ્સી કંપનીના ટ્રોપિકાના જ્યુસે ૯માંથી ૩૦ ફ્‌લેવર કરી તો સેલિંગ ગગડ્યું. પ્રોડક્ટ એન્ડ ગેમ્બલના હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂએ ૨૬માંથી ૧૫ કરી રેન્જ ઘટાડી, તો સેલિંગ વધ્યું ! જે રેસ્ટોરાંમાં મેનૂમાં ઓછી વાનગીઓ હોય, પણ જે હોય તે ટકાટક હોય ત્યાં ઘરાકી હંમેશા વઘુ રહે છે. કારણ કે, લોકોને ચોઇસમાં મગજ ખપાવીને મનોમન ‘દાવ થઈ જશે તો ?’ વિચારી ડરવું નથી પડતું. ટેસ્ટેડ ચોઇસ જ હોય છે. ફટાફટ ઓર્ડર. ૪૦૦ વિચિત્ર વાનગીને બદલે ૪ ઉમદા વાનગી જ આપો ને !

અહીં મેનેજમેન્ટ માંધાતાઓએ ‘બ્રાન્ડિંગ’નું મહત્વ સ્વીકારવું પડે છે. બ્રાન્ડ એટલે ફક્ત જાહેરખબર નહિ. પ્રતિષ્ઠા. શાખ. વિશ્વાસ. ઓળખ. ક્વોન્ટિટીથી ઉભરાતી બજારમાં બ્રાન્ડસ ક્વોલિટીની ગેરન્ટી આપે છે. મલ્ટીપલ ઓપ્શન્સના આ શોરબકોરિયા જમાનામાં બ્રાન્ડિંગ વઘુ અસરકારક અને ટકાઉ નીવડે છે. નફા માટે ભૂખ્ખડ મોટા ભાગના ગુજરાતી ઉદ્યોગરત્નોને બ્રાન્ડિંગમાં ગજના આંકાની ભાન પડતી નથી. એક ફ્રેન્ચ કહેવત છે: ‘વઘુ પડતા વિકલ્પો એટલે વિકલ્પનો અભાવ !’

યસ, જેમ કોમ્પિટીશન વધે છે, એમ સમજાય છે કે જેમ કોઈ ચોઇસ હોય જ નહિ એ જરાય સારું નથી એમ બહુ બધી ચોઇસમાં અટવાયા કરવું પણ ભૂંડુંભૂખ કૃત્ય છે. બાઘા જેવા ગ્રાહકો સવાઈ ડોબા સેલ્સપર્સનને ‘શું ખરીદવું’ પૂછીને પસંદગી નક્કી કરે છે. વેઇટરને પૂછી ભૂખ સંતોષવી પડે છે. સ્માર્ટ માર્કેટિંગ મેનેજર હવે ‘ચોઇસ આર્કિટેક્ટ્‌સ’ રાખતા થયા છે બિઝનેસમાં, જે વેચે નહિ પણ પસંદગીમાં મદદ કરે !

ખરેખર શું જોઈએ છે, એની ક્લેરિટી બહુ ઓછાને છે. ‘મોર ઇઝ બેટર’ને બદલે ‘લેસ ઇઝ ગ્રેટ’નો ઇકો ફ્રેન્ડલી સૂર સાંભળાવા લાગ્યો છે. કન્ઝ્‌યૂમ કરવાનો આનંદ ઉઠાવો, પણ ચોઇસના ખડકલાથી નહિ. એમાં તો મૂંઝવણ વધે છે, મજા નહિ ! અઘૂરિયા જીવે બઘું જ શોપ શોપ કરવા, બધા જ મેસેજ ફોરવર્ડ કરવા તૂટી ન પડવું. ચૂઝ ટુ બી સિમ્પલ, ઇઝ મોર રોયલ ! ‘મહાભારત’માં બાણશય્યા પર પિતામહ ભીષ્મ કહે છે:  ‘એક કામના પૂર્ણ થાય કે બીજી તૃષ્ણા બાણની પેઠે માણસને વીંધે છે !’ ડિઝાયર છે, ત્યાં ફ્રીડમ છે. ફ્રીડમ છે ત્યાં ચોઇસ.

કઈ રંગોળી કરીશું ? કયું નેઇલપોલિશ કરવાનું છે ? નવા કયા ટોપિક પર લખવાનું છે ?

ફાસ્ટ ફોરવર્ડ

તંગ દામન , વક્ત કમ, ગુલ બેહિસાબ
ઇન્તખાબ અય દસ્તે ગુલ્ચી, ઇન્તખાબ 

(સિદ્દીક જૂનાગઢીની આ પંક્તિઓઓ કહે છે કે દુનિયાના બગીચામાં ફૂલો બેસુમાર છે, પણ આપણી ઝોળી સાંકડી છે. માટે ઝટ ગમતું ફૂલ પસંદ કરી લેવું ! )

==========

પ્રિન્સિપલી  મને કોઈ જગ્યાએ છપાયેલા લેખો તરત જ બ્લોગ પર ચડાવી દેવા પસંદ નથી, એ હું અગાઉ પણ લખી ચુક્યો છું. એમાં મને જે પ્રિન્ટ મીડિયા માટે લખતો હોઉં એની સાથે નમકહરામી લાગે છે. વાચકો ઉઘરાવવાની લાહ્યમાં દુનિયા આખીના માર્કેટિંગની ટીકા કરતા કેટલાક સિધ્ધાંતનો ઢોલ પીટતાં લેખકો આવી સુક્ષ્મદ્રષ્ટિએ ખુદને નિહાળતા નથી. પણ મને આવી રીતે લેખો ઝટપટ ચડાવી દેવા ગમતા નથી. અલબત્ત, ફરી એક વાર આજે  અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ‘સ્પેકટ્રોમીટર’ છપાયું નથી! લેખ વળી દિવાળીબજારનો એકદમ સાંપ્રત છે. એટલે ના છુટકે  સવારથી એકધારી રીડરબિરાદરોની લાગણીસભર ફરિયાદોના ધોધને લીધે આ લેખ અહીં મુકું છું. હું લેખ લખીને મોકલાવું પછીની સ્થાનિક વ્યવસ્થા પર મારો કાબૂ હોતો નથી. વાચકોની માફક જ મને સવારમાં ખબર પડતી હોય છે. મૂળ પૂર્તિસંપાદક અકસ્માતની લીધે હાલ રજા પર છે. દિવાળીની સાફસફાઈના લેખનું પણ બે ભાગમાં વિભાજન થયેલું  એ આજે મોડેથી સળંગ વાંચવાની મજા આવે  એમ હોઈ મુકી દઈશ. સોરી ફોર ટ્રબલ ડીઅર રીડર્સ, ચીલાચાલુ દિવાળી લેખોની ભરમાર વચ્ચે આ  ડિફરન્ટ દિવાળી સ્પેશ્યલ આર્ટીકલ તમારી ચોઈસ લીસ્ટમાં આવ્યો હશે એવી આશા 🙂

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 23, 2011 in philosophy, science, youth

 

14 responses to “માર્કેટની માયાજાળ, ચોઇસનો ચક્રવ્યૂહ : કિસ કો પ્યાર કરું ? યે ભી હૈ… વો ભી હૈ !

 1. Sushil Parmar

  ઓક્ટોબર 23, 2011 at 3:24 પી એમ(PM)

  mast lagya Jaybhai.

  Liked by 1 person

   
 2. Akash Pandya

  ઓક્ટોબર 23, 2011 at 3:48 પી એમ(PM)

  I enjoy reading this article, you have shared really good information.

  Liked by 1 person

   
 3. Nilesh Vora

  ઓક્ટોબર 23, 2011 at 4:54 પી એમ(PM)

  જયભાઈ, જે આપ લખો છો, એ ઘણી વખત એ જ દિવસે (અને રવિવારે તો ખાસ) ડીનર ટેબલ પર ચર્ચાનો વિષય બની જાય છે… શું કરીએ ? જિંદગીને સાંકળતી હકીકતો, જેની ચર્ચા તો રોજ થતી હોય, આપના લેખ એનો સીધો રેફરન્સ હોય છે…

  Liked by 1 person

   
 4. Kiran Kalaria

  ઓક્ટોબર 23, 2011 at 5:08 પી એમ(PM)

  એક તરફ ઉસકા ઘર, એક તરફ મયકદા……….મૈ કહાં જાઊ…હોતા નહી ફેસલા……….એલસીડી લઊ કે ફ્રીઝ….ફરવા જવું કે નવુ બાઈક લેવું….મિક્સર લેવું કે ફુડપ્રોસેસર્…શર્ટ કે ટીશર્ટ……….

  Liked by 1 person

   
 5. Dwijen

  ઓક્ટોબર 23, 2011 at 5:35 પી એમ(PM)

  A Wonderful article…..Ravivare savare tarat Ravipurti nu pachhad nu page jovani tev hoine aaje “Spectrometer” na madta nirasha ane navai lagi…..pan FB par a article ni khabar padta j vanchi lidho….grahako ni manodasha nu perfect varnan karto article chhe……

  Liked by 1 person

   
 6. Rashmin

  ઓક્ટોબર 23, 2011 at 5:37 પી એમ(PM)

  Miss ur article. Advertisement overcome ur article what will be the worst than it. I have same situation when buying a washing machine after visiting all the mall n all model I decided the model it was terrific

  Liked by 1 person

   
 7. nirlep bhatt

  ઓક્ટોબર 23, 2011 at 6:37 પી એમ(PM)

  on very unique theme….loved to read it.. thank you

  Liked by 1 person

   
 8. maheshdesai

  ઓક્ટોબર 23, 2011 at 10:56 પી એમ(PM)

  છેલ્લો ફકરો સૌથી વધારે ગમ્યો આખા લેખ મા…..:પી

  Liked by 1 person

   
 9. Ronak Maheshwari

  ઓક્ટોબર 23, 2011 at 11:47 પી એમ(PM)

  jay bhai:salu aavo problem chokari selection ma pan aava j locha thay che.:p

  Liked by 1 person

   
 10. Parth Gevaria

  ઓક્ટોબર 24, 2011 at 5:19 એ એમ (AM)

  hu to tuesday n saturday n8 na j gs ni site par addo jamavi dau chu 😉 😛

  Liked by 1 person

   
 11. Bhavin T Mehta

  ઓક્ટોબર 24, 2011 at 1:30 પી એમ(PM)

  mast lekh

  Liked by 1 person

   
 12. vandana

  ઓક્ટોબર 24, 2011 at 2:44 પી એમ(PM)

  jv,

  thanks for this artical.. as usual sunday na savare gujarat smachar jaldi hath ma lidhu pan tamaro artical na dekahata kaik chhuti gaya jevu lagyu… pan have mali gayu.. tamaro artical vanchavo ae adiction bani gayu chhe…

  Liked by 1 person

   
 13. dr Mehul Parmar

  ઓક્ટોબર 24, 2011 at 3:18 પી એમ(PM)

  super article….
  prfct 4 ur level n ur readers’ as well 🙂
  proves why u r diff n best among rest…

  Liked by 1 person

   
 14. Raj Kothari

  ઓક્ટોબર 26, 2016 at 2:08 પી એમ(PM)

  A very refreshing, entertaining and factual. Thanks. Enjoyed reading.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: