RSS

ઓસ્કારની મિજબાનીના ખાટામીઠા ઓડકાર!

25 Feb

૧૯૫૨માં એનબીસી ટી.વી.એ પ્રથમવાર પ્રસારિત કર્યા બાદ લોકપ્રિય બનેલા ઓસ્કાર એવોર્ડસના વિચિત્ર વિક્રમો!

આમ તો ઓસ્કાર એવોર્ડસમાંય પૂતળા સોનાના હોય છે, કંઈ બધા એવોર્ડસ સો ટચના સોના જેટલા પરફેકટ હોતા નથી! પણ જેને સિનેમા, સાહિત્ય, સંગીત કે પછી માણસને માણસ બનાવતી કોઈ પણ કળામાં રસ છે, એમને માટે ઓસ્કાર એવોર્ડસ કંઈક દિશાસૂચન જરૂર કરી શકે છે. ટીવી ચેનલો પર રજૂ થતી અગાઉની ઓસ્કાર વિજેતા ફિલ્મો નિહાળો કે અત્યારની નોમિનેટેડ ફિલ્મો જુઓ, તો એક સંવેદન અને સુખાનુભૂતિની સફરનો અહેસાસ જરૂર થશે. ઓસ્કારના દરવાજે પહોંચેલી ફિલ્મો કમસે કમ એક ચોક્કસ ગુણવત્તાની તો હોય જ છે, અને આજના માહૌલમાં આપણા નાગરિકોએ સ્વવિકાસ સાધવા માટે શ્રેષ્ઠત્તમ કળાઓના સંપર્કમાં આવવાની તાતી જરૂર છે. માટે આજે ઓસ્કારના ટી.વી. ટેલિકાસ્ટમાં રસ પડે, તો કાલે ઓસ્કારનું અવનવું જાણવામાં રસ પડશે, પછી પરમ દહાડે એમાં ઝળકેલી વ્યક્તિઓ કે કૃતિઓમાં રસ પડશે અને તો કોઈક સવારે એમાંના કોઈના જીવન કે સર્જનના સ્પર્શથી વિચારોનું આપમેળે ઉત્થાન થશે!

એની વે, ઓસ્કારનો જાણીતો ઈતિહાસ જાણી લીધા પછી, એના અજાણ્યા બનાવોને માણી લઈએ. જનરલ નોલેજના પૂરણ ફરતે જાણે આનંદ, કૂતૂહલ, રોમાંચ અને આશ્ચર્યની પોળી! એને શબ્દોનાં ઘીમાં ઝબોળી!

જેમ કે, વારંવાર અખબારો- ટી.વી.માં દેખાતું ઓસ્કાર એવોર્ડનું પ્રખ્યાત પૂતળું જ્યોર્જ સ્ટેનલી નામના એક બેકાર કલાકારે બનાવેલું, એ હકીકત જાણીતી છે. પણ એ પૂતળું જે ફિલ્મની રીલ પર ઉભેલું દર્શાવાયું છે, એ રીલ પર પાંચ કાણા હોય છે- શા માટે? કારણ કે, ઓસ્કાર એવોર્ડસ આપતી હોલિવૂડની ‘એકેડેમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સ’ની પાંચ શાખાઓનું એ કાણા પ્રતિનિધિત્વ કરે છે!

આ એકેડેમી પણ બડી અજીબ ચીજ છે. ઘુરિયલ રીતે વર્તવા માટે અને રૂઢિચૂસ્ત અભિગમવાળી જૂનવાણી વડીલશાહી માટે પણ એ બદનામ છે. મે ૧૬, ૧૯૨૯ના રોજ પહેલીવાર ઓસ્કાર્સ અપાયા, ત્યાં ૧૯૩૭ સુધી એકેડેમી એનો ખર્ચ કાઢવા માટે સભ્યો પાસેથી તેમા કાર્યક્રમમાં હાજર રહેવા માટે ૫ ડોલર અને બહારના મહેમાનો માટે ૧૦ ડોલરનું ઉઘરાણુ કરતી! ૧૯૩૮માં તો ‘ઈન ઓલ્ડ શિકાગો’ ફિલ્મ માટે અભિનેત્રી એલિસ બ્રાડીને ‘બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ’નો ઓસ્કાર જાહેર થયો. એલિસની કોણી ભાંગી ગઈ હોઈને એ પથારીવશ હતી. પણ એક અજાણી મહિલાએ ઠાઠથી- સ્ટેજ પર એન્ટ્રી મારીને એવોર્ડ સ્વીકારી લીધો. બસ! પછી એ સ્ત્રી કાયમ માટે ગુમ થઈ ગઈ! ન એલિસે કદી પોતાનો એવોર્ડ જોયો… ન એકેડેમીએ કદી પેલી ‘ચોર-નારી’ને જોઈ!

૧૯૪૨માં તો ચાર્લી ચેપ્લીનની મૂંગી ફિલ્મ ‘ધ ગોલ્ડ રશ’ને ‘બેસ્ટ સાઉન્ડ રેકોર્ડિંગ’ની કેટેગરીમાં નોમિનેશન મળેલું, બોલો! તો ૧૯૫૬માં એકેડેમીએ સામ્યવાદની છાયા ધરાવતી હસ્તીઓ કે તેમની ફિલ્મો પર અવિચારી પ્રતિબંધ ફટકારી દીધેલો, જે (એકેડેમીના) સદનસીબે બે વર્ષ પણ ચાલ્યો નહીં! તો ૧૯૫૬માં ‘બેસ્ટ ઓરિજીનલ સ્ક્રીનપ્લે’નો એવોર્ડ જીતનારી ૩૪ મિનિટની વિદેશી ફિલ્મ ‘રેડ બલૂન’માં એક પણ સંવાદ નહોતો! આ બાબત કાં તો ઐતિહાસિક સિઘ્ધિ ગણાય અથવા તો ઐતિહાસિક છબરડો! તો ૧૯૭૨માં ‘કેબ્રે’ નામની ફિલ્મે આઠ એવોર્ડસ જીતીને સપાટો બોલાવી દીધો… પણ એને ‘બેસ્ટ પિકચર’નો જ એવોર્ડ ન મળ્યો! આઠ ઓસ્કાર એકસામટા જીતનાર ફિલ્મ જો એ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ ન હોય, તો બીજી કઈ હોય? અને જો બીજી કોઈ ફિલ્મ શ્રેષ્ઠ ઠરી હોય, તો ‘કેબ્રે’ને આઠ ઓસ્કાર ક્યા માનમાં મળ્યા?! એમ તો ૧૯૭૭માં ‘ટર્નીંગ પોઈન્ટ’ અને ૧૯૮૫માં ‘કલર પર્પલ’ નામની ફિલ્મોને અધધધ ૧૧ નોમિનેશન્સ મળેલા. અને એવોર્ડ? ઠેંગા… ઠેંગા! એકેય નહીં!

એમ તો ૭-૭ વખત નોમિનેશન મેળવનાર ઘુરંધરો રિચાર્ડ બર્ટન અને પીટર ઓ’ટુલને કદીયે ઓસ્કાર મળ્યો જ નહીં! સહુથી વઘુ ૪ ઓસ્કાર એવોર્ડસ જીતનારી અભિનેત્રી કેથરીન હેપબર્નને પણ આ રેકોર્ડ બનાવવા માટે ૧૨ વખત નોમિનેટ થવા મળેલું (કે થવું પડેલું!)… એવી જ રીતે પુરૂષ અભિનેતાઓમાં  ૩ ઓસ્કાર જીતનાર અભિનેતા જેક નિકલ્સન સર્વાધિક ૧૨ વખત નોમિનેટ થઈ ચૂકયો છે. ગાંધીજીના નોબલ પીસ પ્રાઈઝની માફક જ ચાર્લી ચેપ્લીન જેવી દંતકથામય ફિલ્મ પર્સનાલિટીને બેસ્ટ ક્વોલિટી છતા કદી ઓસ્કાર મળ્યો જ નહીં… અંતે ૧૯૭૧માં ૮૩ વર્ષની ઉંમરના ચેપ્લીનને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ આપીને એકેડેમીએ કપાયેલું નાક ચોંટાડવાનો પ્રયાસ કર્યો.

આવી બધી વિચિત્રતાઓથી કંટાળેલો જીનિયસ એકટર- ફિલ્મમેકર વૂડી એલન એટલો ચિડાઈ ગયેલો, કે ૧૯૭૮માં જ્યારે ‘એન્ની હિલ’ ફિલ્મ માટે એને ‘બેસ્ટ એકટર’, ‘બેસ્ટ ડાયરેકટર’ અને ‘બેસ્ટ ઓરિજીનલ સ્ક્રીનપ્લે’ના એવોર્ડસ મળ્યા… ત્યારે એ ભાઈ એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહેવાને બદલે મેનહટન (ન્યૂયોર્ક)ના એક પીઠામાં બેઠો બેઠો મસ્તીથી ‘ક્લેરિનેટ’ વાદ્ય વગાડતો હતો! ૧૯૭૦માં જ્યોર્જ સ્કોટ નામના એકટરે પણ પોતાને મળેલા બેસ્ટ એકટર એવોર્ડને સ્વીકાર્યો નહોતો, જે પછી  આમીરખાનના એવોર્ડ એને બદલે આશુતોષ ગોવારીકર કે જાવેદ અખ્તર સ્વીકારીને આયોજકોનું નાક રાખે, એમ એની ફિલ્મના પ્રોડયુસરે સ્વીકારી લીધેલો. ૧૯૭૨માં માર્લોન બ્રાન્ડોને ‘ગોડફાધર’ માટે ઓસ્કાર જાહેર થયો, ત્યારે એણે મારિયા ક્રૂઝ નામની અમેરિકન ઈન્ડિયન (અમેરિકાના મૂળ વતની) અભિનેત્રીને એ લેવા સ્ટેજ પર મોકલી, અને એની પાસે પોતે લખેલો સંદેશો વંચાવડાવી એકેડેમીના રાજકીય ભેદભાવોની આકરી ઝાટકણી સ્ટેજ પર જ કઢાવી!

સ્ટેજની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે ઓસ્કાર એવોર્ડસનો વિતરણ સમારંભ આમ તો કદી સ્ટેજ પર થતો જ નહીં! પહેલો ઓસ્કાર એવોર્ડ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ હોટલ રૂઝવેલ્ટમાં થયેલો… એ કેટલો સમય ચાલેલો ખબર છે? પાંચ મિનિટ! કારણ કે, એ વખતની આંગળીને વેઢે ગણાય તેટલી કેટેગરીઝના મુઠ્ઠીભર વિજેતાઓના નામ અગાઉથી જ છાપાઓમાં આવી જતા. ૧૯૪૦ સુધી આમ ચાલ્યું. પછી સીલબંધ કવરની પ્રથા આવી. ત્યાં તો બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ધાતુસામગ્રી પરના પ્રતિબંધને લીધે ૩ વર્ષ લગી પ્લાસ્ટરના ઓસ્કાર અપાયા. ૧૯૪૫ સુધી તો ઓસ્કાર વિતરણ હોટલના ડિનરમાં જ પતી જતું… પણ ૧૯૪૫માં વિશ્વયુદ્ધના નિર્ણાયક તબક્કાને લીધે વારંવાર અંધારપટ થતા… વળી એ વખતે યુદ્ધ માટે ફાળો એકઠો કરવા ઘણી ટિકિટો વહેચાયેલી- આ બધા પરિબળોને લીધે એકેડેમીની ત્યારની પ્રેસિડેન્ટ એવી ઓસ્કારવિનર અભિનેત્રી બેટ્ટી ડેવિસે એ પ્રાઈવેટ થિયેટરમાં યોજવાની દરખાસ્ત મૂકી. જો કે, ૧૯૪૬ પછી લોકોમાં તેની ટિકિટ વહેંચવાની પ્રથા બંધ થઈ ગઈ.

આવી જ પોપ્યુલર પરંપરા ઓસ્કાર એવોર્ડનું સંચાલન કરનાર હોસ્ટ (સંચાલક કે સંચાલિકા)ની છે. કાળી અભિનેત્રી વ્હૂપી ગોલ્ડબર્ગ ઓસ્કારની હોસ્ટેસ બનનાર પ્રથમ બ્લેક હોસ્ટેસ હતી. હમણા હમણા ઓસ્કાર સેરિમનીનું સંચાલન વ્હૂપી, બિલી ક્રિસ્ટલ અને સ્ટીવ માર્ટિન વચ્ચે સંતાકૂકડી રમતું રહે છે પણ ૧૯૩૪ સુધી યાને પહેલા પાંચ વર્ષ તો એકેડેમીના પ્રમુખ જ ફટાફટ એ કામ પતાવી દેતા. વિલ રોજર્સ નામનો અભિનેતા પહેલો ‘માસ્ટર ઓફ સેરિમની’ બન્યો… ૧૯૫૮માં તો વળી જેરી લુઈસ, બોબ હોપ, લોરેન્સ ઓલિવિયર ઈત્યાદિ સાત-સાત સંચાલકોએ એવોર્ડ વિતરણની ઉદઘોષણા સંભાળી હતી! એમાંય ૧૯૪૧માં ઓસ્કાર જીતનાર બોબ હોપના નામે તો સંચાલક કે સહસંચાલક તરીકે ૨૦ વાર ઓસ્કારનું સ્ટેજ શોભાવવાનો રેકોર્ડ બોલે છે. સૌથી વધુ ઓસ્કાર (૫૯ નોમિનેશન્સમાંથી) ૨૬ વોલ્ટ ડિઝનીના નામે બોલે છે અને હયાત વ્યક્તિમાં સૌથી વધુ નોમિનેશન્સનો રેકોર્ડ ૪૭ સાથે જોન વિલિયમ્સનો છે.

ઓસ્કારના આવા ઘણા અસામાન્ય વિક્રમો પણ સામાન્ય જ્ઞાન માટે ઈન્ટરેસ્ટીંગ છે. બેસ્ટ એકટરની કેટેગરીમાં એકમાત્ર ‘ટાઈ’ ૧૯૩૧-૩૨માં થઈ હતી, જ્યારે વોલેસ બીરીને ‘ધ ચેમ્પ’ માટે અને ફ્રેડરિક માર્ચને ‘ડો. જેકિલ એન્ડ મિ. હાઈડ’ માટે એક સાથે એવોર્ડસ અપાયા હતા! તો આપણી ‘જોશ’ કે ‘મેરે અપને’ જેના પરથી પ્રેરિત હતી એવી ફિલ્મ ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ના ડાયરેકશન માટે રોબર્ટ વાઈઝ અને જેરોમ રોબીન્સને પહેલી અને છેલ્લી વાર સંયુક્તપણે બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ અપાયો હતો. ‘વિંગ્સ’ નામની ફિલ્મ બેસ્ટ પિકચરનો ઓસ્કાર જીતનાર પહેલી અને છેલ્લી મૂંગી (સાયલન્ટ) ફિલ્મ હતી.(જોઈએ, આર્ટિસ્ટનું શું થાય છે!)

૧૯૪૪ સુધી તો ઓસ્કારમાં ગમે તેટલી ફિલ્મો નોમિનેટ થઇ શકતી…. ૧૯૩૪માં બેસ્ટ પિકચરની કેટેગરીમાં ૧૨ ફિલ્મોનું નામાંકન થયું હતું! પછી એ ૫ સુધી જ મર્યાદિત થઇ ગયું. હવે ૮-૯ થાય છે. સુખ્યાત ફિલ્મ ‘સિટિઝન કેન’ માટે ઓરસન વેલ્સ નામના જીનિયસ શખ્સને બેસ્ટ એકટર, બેસ્ટ ડાયરેકટર, બેસ્ટ રાઇટર અને બેસ્ટ ફિલ્મ એ ચાર સુપર કેટેગરીમાં એકસાથે નોમિનેશન મળ્યું હતું! જગતની શ્રેષ્ઠ ફિલ્મોમાં આજેય ટોચ પર ગણાતી એ ફિલ્મને જો કે સમ ખાવા એક જ ઓસ્કાર, એ ય સ્ક્રીનપ્લે રાઇટિંગનો મળેલો- એ ઓર વાત છે!

ટેનિસમાં જેમ ચાર મોટી ટુર્નામેન્ટનો ‘ગ્રાન્ડ સ્લેમ’ ગણાય છે, તેમ ઓસ્કારમાં પણ એક જ ફિલ્મને પાંચ સરટોચના એવોર્ડસ- બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેકટર, બેસ્ટ એકટર, બેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ સ્ક્રીનપ્લે મળે એ ‘ગોલ્ડન હોલ’ ગણાય છે. અત્યાર સુધીમાં કેવળ ૩ જ ફિલ્મોને આવું બહુમાન મળ્યું છે: ઇટ હેપન્ડ વન નાઇટ (૧૯૩૪), વન ફ્‌લ્યુ ઓવર કુકુઝ નેસ્ટ (૧૯૭૫) અને સાયલન્સ ઓફ ધ લેમ્બસ (૧૯૯૧) એમ તો ‘ગિગિ’ (૧૯૫૮) અને ‘લાસ્ટ એમ્પરર’ (૧૯૮૭) એવી ફિલ્મો હતી કે જેને નવ નોમિનેશન્સ અને નવેનવ ઓસ્કાર્સ મળેલા! લોર્ડ ઓફ ધ રિંગ્સનો ત્રીજો ભાગ લકી કહેવાય..ડાર્ક નાઈટ જેવી પોપ્યુલર ફિલ્મને પણ ના ગણકારતી લોકપ્રિયતાની ગુજરાતી નીસ્બતી લેખકો જેવી એલર્જી ધરાવતી એકેડેમીએ રીટર્ન ઓફ ધ કિંગને ૧૧ નોમિનેશન્સમાંથી ૧૧ એવાર્ડ આપ્યા હતા ! બેન હર અને ટાઈટેનિકને એટલા જ મળ્યા છે. એથી વધુ કોઈને મળ્યા નથી !

એમ તો ૧૯૪૮માં પહેલી વખત કોસ્ચ્યુમ ડિઝાઇનિંગની કેટેગરી શરૂ થઇ પછી એડિથ હીડ નામની ડિઝાઇનર લાગલગાટ ૧૯૬૬ સુધી તેમાં નોમિનેટ થઇને લિવિંગ લીજેન્ડ બની ગઇ હતી! એને કુલ ૮ ઓસ્કાર મળેલા! ૧૯૩૬થી ઓસ્કારમાં બેસ્ટ સપોર્ટિંગ એકટર અને એકટ્રેસની કેટેગરી છે. આપણી જેમ ત્યાં વિલન અને કોમેડિયનની અલગ કેટેગરી નથી. આમ એકટિંગ માટેના કુલ ૪ મુખ્ય ઓસ્કાર થયા. હજુ સુધી ઓસ્કારમાં આ ચારેચાર એકટિંગ એવોર્ડસ કોઇ એક ફિલ્મના ફાળે ગયા નથી. ‘સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ (૧૯૫૧) અન ‘નેટવર્ક’ (૧૯૭૬) ફિલ્મોએ ચારમાંથી ૩ એવોર્ડ મેળવ્યા છે. એવી જ રીતે આપણા રાજકપૂર , દેવ આનંદ કે ફિરોઝ ખાનની જેમ પોપ્યુલર એકટરમાંથી ડાયરેકટર બનેલા કેવળ ૩ જ હોલિવુડ સ્ટાર્સ છે કે જેમને બેસ્ટ ડાયરેકશનનો એવોર્ડ મળ્યો હોય! એ છે: મેલ ગિબ્સન , કેવિન કોસ્ટનર  અને કિલન્ટ ઇસ્ટવુડ !

બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ સૌથી વઘુ ૪ વાર જોન ફોર્ડને મળ્યો છે. કોઇ એકટર કે એકટ્રેસે ઉપરાછાપરી ઓસ્કાર જીતવાની હેટ્રિક નોંધાવી નથી… પણ લૂઇઝી રેઇનર (ધ ગ્રેટ ઝિગફિલ્ડ) અને ‘ધ ગુડ અર્થ’, (૧૯૩૬-૧૯૩૭) સ્પેન્સર ટ્રેસી (કેપ્ટન કરેજીયમ) અને ‘બોયઝ ટાઉન’ (૧૯૩૬-૧૯૩૮) કેથરીન હેપબર્ન (‘ગેસ હુ ઇઝ કમિંગ ફોર ડિનર’ અને ‘લાયન ઇન ધ વિન્ટર’ (૧૯૬૭-૧૯૬૮)… જેસન રોબાર્ડ (‘ઓલ ધ પ્રેસિડેન્ટસ મેન’ અને ‘જુલિયા’, ૧૯૭૬-૧૯૭૭), તથા ટોમ હેન્કસ (‘ફિલાડેલ્ફિયા’ અને ‘ફોરેસ્ટ ગમ્પ’, ૧૯૯૩-૧૯૯૪) એ ઉપરાઉપર બે વખત ઓસ્કાર જીત્યા છે.

ઓસ્કારની ચટપટી વાતોમાં ખજાનો એમ ખૂટે તેમ નથી. ૧૯૭૪ની ‘ગોડફાધર ટુ’ એકમાત્ર એવી સિકવલ (ફિલ્મનો બીજો ભાગ) છે કે જેને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો હોય! ફિલ્મોના ત્રણ – ચાર ભાગ બનાવવાની ટેવવાળા સર્જકોએ ઓસ્કારનું નાહી નાખવા જેવું ખરું! સ્ત્રી દિગ્દર્શકોના મામલે હોલિવૂડ – બોલિવૂડમાં ઝાઝું અંતર નથી. બેસ્ટ ડાયરેકટર માટે લીના વોટરમૂલર (‘સેવન બ્યૂટીઝ’ ૧૯૭૭) અને જેન કેમ્પીયન (‘ધ પિયાનો’, ૧૯૯૨) એ બે જ મહિલાઓને નોમિનેશન્સ (એવોર્ડ નહીં!) મળ્યો છે! ૧૯૭૩માં ટેટુમ ઓનીલને ૧૦ વર્ષની ઉંમરે ઓસ્કાર મળેલો… બાકી બેસ્ટ એકટરની કેટેગરીમાં રિચાર્ડ (‘ગુડબાય ગર્લ’, ૧૯૭૭) ને ૨૯ વર્ષે અને બેસ્ટ એકટ્રેસમાં ચાર્લી મેટલીન (‘ચિલ્ડ્રન ઓફ ધ લેસર ગોડ’, ૧૯૮૬)ને ૨૧ વર્ષે ઓસ્કાર મળ્યા છે.

સગીર વયે ઓસ્કાર મેળવનાર પહેલી અભિનેત્રી જો કે ૧૯૬૨ માં ‘ધ મિરેકલ વર્કર’ માટે સહાયક અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર પેટ્ટી બ્લેક હતી. તો સિડની પોઈટર એકમાત્ર કાળો આફ્રિકન – અમેરિકન એકટર છે, જેને બેસ્ટ એકટરનો ઓસ્કાર (‘લિલિઝ ઓફ ધ ફિલ્ડ’, ૧૯૭૩) મળ્યો હોય! (હેલ બેરીને મળ્યો એ એકમાત્ર બ્લેક સ્ત્રી ) હેનરી ફોન્ડાને ૧૯૮૧ માં ‘ઓમ ધ ગોલ્ડન પોન્ડ’ માટે ૭૬ વર્ષની વયે અને જેસિકા ટેન્ડીને ‘ડ્રાઈવિંગ મિસ ડેઈઝી’ (૧૯૮૯)માં ૮૦ વર્ષની વયે અનુક્રમે બેસ્ટ એકટર અને એકટ્રેસના ઓસ્કાર મળ્યા છે. ઓસ્કાર માટે કશું મોડું નથી!

૧૯૪૭ માં વિદેશીભાષી ફિલ્મને પહેલવહેલો ઓસ્કાર અપાયેલો. ત્યારે ઈટાલીયન ફિલ્મ ‘શૂસાઈન’ એ જીતી ગયેલી. પછી તો લોરેન્સ ઓલેવિયરની બ્રિટનમાં બનેલી ‘હેમ્લેટ’ ફિલ્મે બીજા જ વર્ષે ‘બેસ્ટ પિકચર’ નો રેગ્યુલર એવોર્ડ જીતેલો! ૧૯૬૧માં ઈટાલીની સોફિયા લોરેન ‘ટુ વુમન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર પ્રથમ વિદેશી અભિનેત્રી બની ‘ઝેડ’ (૧૯૬૯) અને ‘લાઈફ ઈઝ બ્યુટીફૂલ’ (૧૯૯૯) એવી ફોરેન ફિલ્મ હતી, જે રેગ્યુલર એવોર્ડની ૭ કેટેગરીમાં નોમિનેટ થયેલી! (આ વખતે ૧૦ નોમિનેશન્સ મેળવનાર  આર્ટિસ્ટ મૂળ તો ફ્રેંચ ફિલ્મ છે, અને કિન્ગ્સ સ્પીચ ગયા વખતે બ્રિટીશ ફિલ્મ હતી ) ‘દાસ બૂટ’ અને ‘ફેની એન્ડ એલેકઝાન્ડર’ નામની ફોરેન ફિલ્મો ૬ વાર નોમિનેટ થયેલી. ૧૯૯૨ માં ઉરુગ્વેની ‘પ્લેસ ઈન ધ વિન્ડ’ નામની ફિલ્મનું નોમિશન એટલા માટે રદ કરાયેલું, કે એ તો આર્જેન્ટીનાની ફિલ્મ સાબિત થયેલી!

૧૯૭૮માં ‘કેલિફોર્નિયા સ્યૂટ’ માટે મેગી સ્મિથને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો પહેલો અને છેલ્લો ઓસ્કાર મળ્યો, ત્યારે તેનું સપનું સાકાર થયું. ફિલ્મમાં મેગીએ કયું પાત્ર ભજવ્યું હતું, જાણો છો? ઓસ્કાર એવોર્ડ હારી જનાર અભિનેત્રીની ભૂમિકા એણે કરી હતી!

# કાલે ૨૬ ફેબ્રુઆરીએ હવે કોડાકનું નામ ગુમાવી ચુકેલા થિએટરમાં ૮૪માંઓસ્કાર અપાશે (જેમાં મોટે ભાગે ‘આર્ટિસ્ટ’ મેદાન મારી જશે ), ત્યારે છેક ૨૦૦૧માં (કેટલીય ઓસ્કાર ટ્રીવિયા આપતી સાઈટ્સનો જન્મ પણ નહોતો ત્યારે! ) લખેલો લેખ, જરા તરા ટચ અપ સાથે. આમ તો એમાં બીજી ઘણી વાતો ઉમેરી નવો જ લેખ કરવો હતો..પણ અતિ વ્યસ્તતાને લીધે એ રિમેક શક્ય ના બની. ભૂલચૂક લેવીદેવી ! 😛 પણ ટીવી પર આ વખતે ઓસ્કાર બીજું કંઈ નહિ તો હાન્સ ઝીમરના સંગીત માટે અચૂક માણવા જેવો ખરો.

 
18 Comments

Posted by on February 25, 2012 in cinema

 

18 responses to “ઓસ્કારની મિજબાનીના ખાટામીઠા ઓડકાર!

  1. jiten patel

    February 25, 2012 at 9:16 AM

    sorry jay uncle… bt der’s a mistake… Annie Hall won four Academy Awards (Best Picture, Best Original Screenplay, Best Director and Best Actress in a Leading Role – Diane Keaton). The film received a fifth nomination, for Allen as Best Actor in a Leading Role.

    Like

     
  2. Nirav

    February 25, 2012 at 9:28 AM

    મિલ બેઠેંગે તીન યાર , મેં આપ ઓર ઓસ્કાર !

    અને મારા ખ્યાલ થી ૨૦૧૦ નો બેસ્ટ Director નો એવોર્ડ Kathryn Bigelow , મતલબ કે female director ને મળેલો , કે જેનો ઉલ્લેખ આપ કરવા નો ભૂલી ગયા છો .

    સાયોનારા .

    Like

     
    • jay vasavada JV

      February 25, 2012 at 11:36 AM

      aavi ketliy titbits rahi gai chhe e to lakhyu j chhe…

      Like

       
  3. pravin jaagni,palanpur

    February 25, 2012 at 10:09 AM

    અવતાર ને પછાડનાર,અને એના પતિના પગલે ચાલીને ને જ એના શસ્રો વડે માત આપનાર કેથરીન બીગેલોને કેમ ભૂલી ગયા સર.

    Like

     
  4. naimish bhesaniya

    February 25, 2012 at 10:12 AM

    તમને.. કેટલાક ગુગ્લીંગ કરનારા છો એવું કેહનારને બતાવી દીધું કે ૨૦૦૧ માં ઈન્ટરનેટનો ઉપયોગ સાવ નહીવત હતો અને ત્યારે ગુગલ માત્ર ૩ વર્ષનું જ બાળક હતું…:-)
    ખુબજ માહિતીપૂર્ણ લેખ… આવી મિજબાની આપતા રહો..

    Like

     
  5. Gopal Patel (@iamgopal)

    February 25, 2012 at 10:41 AM

    kids, this article was written in 2001, please use firefox, who can not read notes on chrome/ie.

    Like

     
  6. Envy

    February 25, 2012 at 10:44 AM

    “૧૯૭૮માં ‘કેલિફોર્નિયા સ્યૂટ’ માટે મેગી સ્મિથને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો પહેલો અને છેલ્લો ઓસ્કાર મળ્યો, ત્યારે તેનું સપનું સાકાર થયું. ફિલ્મમાં મેગીએ કયું પાત્ર ભજવ્યું હતું, જાણો છો? ઓસ્કાર એવોર્ડ હારી જનાર અભિનેત્રીની ભૂમિકા એણે કરી હતી!”

    બ્રીલીયન્ત, ઓસ્કાર એ પુતળું ભલે હોય પણ એ દિવસ ને જીવંત બનાવી દે છે. વર્ષો થી ટેનીસ અને ઓસ્કાર રૂઢી બની ગયા છે, મારા માટે.

    Like

     
  7. punita

    February 25, 2012 at 4:45 PM

    informative one…like to read it…:)

    Like

     
  8. Prashant Goda

    February 25, 2012 at 7:52 PM

    Matra OSCAR AWARD chhe tevi Khabar HAti

    Baki Oscar ni vato vachi Khubaj Maja Avi.
    Karan English Movies Jovano Mahavaro Khub Ocho
    Okkkkkkkkkkkkkkkkkkk

    Like

     
  9. Dhruv Seth

    February 26, 2012 at 12:39 AM

    સિડની પોઈટર એકમાત્ર કાળો આફ્રિકન – અમેરિકન એકટર છે, જેને બેસ્ટ એકટરનો ઓસ્કાર (‘લિલિઝ ઓફ ધ ફિલ્ડ’, ૧૯૭૩) મળ્યો હોય!

    What about Danzel Washington (Training Day), Jami Foxx (Ray), and Forest Whitaker (Last King of Scotland). Black actors won for Best Actor.

    Like

     
    • jay vasavada JV

      February 26, 2012 at 3:31 AM

      read carefully 🙂 article is of 2001 n not fully updated so clearly wrote bhulchuk levidevi.wil update when return frm trip. thanx for info

      Like

       
  10. ASHOK M VAISHNAV

    February 26, 2012 at 11:19 AM

    ઑસ્કર પોતાની આગવી ઓળખ અને મૂલ્ય એટલે જાળવી શક્યું છે કે ત્યાં આપણા જેમ ઍવૉર્ડ્સના જે શેરીએ શેરીએ પાનના ગલ્લાઓ નથી ખુલ્યા!
    એક સમયે ફિલ્મફૅર એવૉર્ડ્સ પણ હિંદી ફિલ્મ જગતમાં આ જ સ્થાન અને માન ભોગવતા હતા. એવૉર્ડ્સની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા તેનાં કારણરૂપ સામયિક કરતાં અનેક ગણી વધી ગઇ. તેની અસર ફિલ્મફૅરના વેચાણ પર પણ જરૂરથી થઇ જ હશે.એટલે ટાઇમ્સનાં તે સમયનાં જાની હરીફ ઇન્ડીયન એક્ષપ્રેસએ તેનાં ફિલ્મ સામયિક ‘સ્ક્રીન’ના વેચાણને પણ વધારવા માટે એવૉર્ડ્સનાં માધ્યમનો સહારો લીધો.તેમાં વળી લોકપ્રિયતાના માપદંડને હેરાફેરીના આક્ષેપનું ગ્રહણ ફિલ્મફેર ઍવૉર્ડ્સને ગ્રસી ગયું અને પછીથી તો ટીવીચૅનલૉ ના ફાટીને ધુમ થયેલા રાફડાએ એવૉર્ડ્સ કાર્યક્રમોની પણ વણઝાર લગાવી દીધી.

    એટલે હવે આપણે ઑસ્કર પર લેખો લખી, તેનાપર કૉમૅન્ટૉ લખીને આપણી લેખન સર્જકતાની પ્યાસ સંતોષવી પડે છે(!).

    Like

     
  11. vijay gadhavi

    February 26, 2012 at 9:08 PM

    jay bhai 2011 ma aapna filmo ma tamari najre kone award malvo joiye te vishe lekh lakho

    Like

     
  12. Nirav

    February 27, 2012 at 3:23 PM

    They have given the OSCAR for the ” Best Achievement in Cinematography ” to ” HUGO ” ( Another Adbhoot Movie ) , instead Steven Spielberg ‘s WAR HORSE…..you’ve mentioned in Anavrut………

    Like

     
  13. bunty gandhi

    February 27, 2012 at 7:13 PM

    Oscar for best foreign language film 2011 goes to Iranian film ‘A Separation’ …I have seen that and for me it is a best film of 2011.but see here… this academy award is given to Iran by America who is putting all kind of pressures -controlls on Iran. Perfect example of no interference of politics into art – literature -films. learn india learn ..

    Like

     
  14. SHEELA MERCHANT

    February 28, 2012 at 12:57 PM

    WE LIKE YR KHATA MITHA ODKAR

    Like

     
  15. mdgandhi21

    February 28, 2017 at 6:21 AM

    ખુબજ સુંદર માહિતીપૂર્ણ લેખ… આવી મિજબાની આપતા રહો..

    Like

     

Leave a comment