RSS

Monthly Archives: માર્ચ 2012

ઓ રામજી! બડા સુખ દીના …..

રામલીલાથી અશોક બેન્કરની ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સ્ટાઈલ એડવેન્ચર સ્ટોરી સુધી એવરગ્રીન ‘રામાયણ’નો જાદૂ કેમ અવિનાશી છે?

‘‘પ્રાચીન ભારતની બે મહાગાથાઓ ‘રામાયણ’ અને ‘મહાભારત’નો કદાચ સેંકડો વર્ષો સુધી આકાર ઘડાતો રહ્યો છે. તેમાં અનેક સુધારા – વધારા પણ થતા રહ્યા છે. એનો સંબંધ ભારતીય આર્યોના ઉષાકાળ સાથે છે. હું એવા બીજા કોઈ પુસ્તકોને જાણતો નથી, જેની જનમાનસ પર સતત આટલી ઉંડી અસર રહી હોય – સિવાય કે આ બે મહાગ્રંથ. કોઈ અજાણ્યા દૂરના ભૂતકાળમાં રચાયા હોવા છતાં એ ભારતીય પ્રજાના જીવનનો ધબકાર છે. એનો મૂળ સંસ્કૃત પાઠ તો મુઠ્ઠીભર પંડિતો સિવાય કોઈ જાણતું નથી, પણ એના મુકત અનુવાદો અને એમાંથી પ્રેરિત કૃતિઓથી દંતકથાઓ અને પરંપરાઓ એવી ફેલાઈ છે કે લોકજીવનના વસ્ત્રનું વણાટ બની ગઈ છે.

એની સાંસ્કૃતિક વિકાસની અસર મહાસમર્થ વિદ્વાનથી સાવ અભણ ગામડિયા સુધી છે. કદાચ એમાં (રામાયણ – મહાભારતમાં) ભારતની આટલી વિભાજીત, વૈવિઘ્યપૂર્ણ અને જ્ઞાતિના સ્તરમાં વહેંચાયેલી પ્રજા એક કેમ છે, એનું રહસ્ય છે. એણે પ્રજાને એક વીરનાયકોના વ્યકિતત્વ અને નૈતિક જીવનની સર્વમાન્ય પશ્ચાદભૂમિ (બેકગ્રાઉન્ડ) આપી છે. મારા બચપણની જૂનામાં જૂની યાદો આ મહાકાવ્યોની વાર્તાઓ મારી મા કહેતી, એમાં સચવાયેલી છે. જેવી રીતે યુરોપ – અમેરિકાના બાળકોને પરીકથાઓ અને સાહસકથાઓ યાદ રહેતી હોય છે.

હું માનતો નથી કે આ વાર્તાઓના વાસ્તવિકતામાં સાચી હોય એ વાતને બહુ મહત્વ આપી હું એની સાથે જોડાયો હોઉં. એમાંના ઘણા જાદૂઈ અને અંધશ્રઘ્ધાપૂર્ણ તત્વો સાથે હું સંમત પણ નથી. પણ એ મારા કલ્પનાવિશ્વમાં મને સાચી લાગે છે. મારા મનમાં (પશ્ચિમના ઘણા સાહિત્યની) અવનવી અસરો છતાં ભારતીય મિથક (માયથોલોજી – પ્રાચીન માન્યતાઓ / સાહિત્ય / પુરાણકથાઓ) ની આવી અમીટ છાપ હોય, તો હું અનુભવી શકું છું કે ખાસ કરીને અશિક્ષિત લોકોના મનમાં આ પ્રાચીન મિથકની કેવી અસર હશે! આ અસર નૈતિક અને સાંસ્કૃતિક (મોરલી એન્ડ કલ્ચરલી) બંને રીતે સારી છે, અને આ કથાઓના સૌંદર્ય કે કલ્પનાશીલ પ્રતીકોનો નાશ કરવાનું કે ફગાવી દેવાનું હું ધિક્કારું છું!’’

(જવાહરલાલ નહેરૂ. સોનિયા ગાંધીના દાદાસસરાના પ્રત્યેક ભારતીયે વાંચવા જેવા પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ના ચોથા પ્રકરણના બારમા ખંડમાં, ૧૯૪૪)

*

‘‘સામાન્ય રીતે કાવ્યના બે વિભાગ પાડી શકાય. કોઈ કાવ્ય એકલા કવિની કથા હોય છે, જયારે કોઈ જનસમૂહની કથા હોય છે…. બીજા પ્રકારના કવિ એવા હોય છે, જેમની રચના દ્વિરા એક સમગ્ર દેશ, એક સમગ્ર યુગ પોતાના હૃદયને, પોતાની અનુભૂતિને વ્યકત કરી તેને મનુષ્યમાત્રની ચિરંતન મિલકત બનાવી દે છે આ બીજા પ્રકારના કવિ મહાકવિ કહેવાય છે. સમગ્ર દેશ વા સમગ્ર જાતિની સરસ્વતી એમના દ્વારા પ્રગટ થાય છે…. રામાયણ – મહાભારત તો જાણે જાહનવી અને હિમાચલની માફક ભારતના જ છે. વ્યાસ અને વાલ્મિકિ તો નિમિત્તમાત્ર છે. વસ્તુતઃ વ્યાસ અને વાલ્મીકિ તો કોઈના નામ નહોતા એ તો નામની ખાતર રાખેલા નામ છે… કવિ પોતાના જ કાવ્યના અંતરાલમાં એટલો બધો લુપ્ત થઈ ગયો છે.

આઘુનિક કોઈ કાવ્યમાં આટલી વ્યાપકતા જણાતી નથી… ભાષાનું ગાંભીર્ય, છંદનું મહાત્મય અને રસની ગંભીરતા ગમે તેટલા હોય, તથાપિ તે દેશનું ધન નથી, પુસ્તકાલયનું ભૂષણ માત્ર છે… ભારતની ધારાએ પણ બે મહાકાવ્યમાં પોતાની કથા અને સંગીતને સંઘર્યા છે… હું એટલું તો નક્કી કહી શકું કે ભારતવર્ષે રામાયણ – મહાભારતમાં પોતાનું કંઈ પ્રગટ કરવું બાકી રાખ્યું નથી. અને તેથી જ સૈકા પર સૈકા વહી ગયા છે. છતાં રામાયણ – મહાભારતનો સ્ત્રોત ભારતવર્ષમાં લેશમાત્ર પણ ક્ષીણ થતો નથી. ગાંધીની દુકાનની માંડીને રાજાના પ્રાસાદ (મહેલ) પર્યંત સર્વત્ર તેમને સરખું સન્માન મળે છે. ધન્ય છે તે કવિ યુગલને (વ્યાસ – વાલ્મીકિ) જેમની વાણી સો સો પ્રાચીન શતાબ્દીનો કાંપ સતત લઈ આવી ભારતવર્ષની ચિત્તભૂમિને આજ પણ ફળદ્રુપ કરે છે.

આ જોતાં, રામાયણ – મહાભારતને કેવળ મહાકાવ્ય કહે ચાલશે નહિ. તેઓ ઈતિહાસ પણ છે. ઘટનાઓનો ઈતિહાસ નહિ. કારણ કે, તેવો ઈતિહાસ તો અમુક સમયને અવલંબીને હોય છે. રામાયણ – મહાભારત તો ભારતવર્ષનો ચિરકાલનો ઈતિહાસ છે. અન્ય ઈતિહાસો કાળે કાળે બદલાયા છે. પણ આ ઈતિહાસ બદલાયો નથી… આ જ કારણથી રામાયણ – મહાભારતની સમીક્ષા અન્ય કાવ્યની સમીક્ષાથી ભિન્ન ધોરણે કરવી જોઈએ.

આદિકાંડના પ્રથમ સર્ગમાં વાલ્મીકિએ પોતાના કાવ્યને યોગ્ય નાયક કેવો હોવો જોઈએ એ નક્કી કરી, અનેક ગુણોનો ઉલ્લેખ કરી નારદને પૂછયું કે ‘કયા એક જ નરમાં સમગ્ર ગુણોની લક્ષ્મી મૂર્તિમંત થઈ છે? ત્યારે નારદે કહ્યું ‘એવો ગુણયુકત પુરૂષ તો દેવતાઓમાં પણ હું દેખતો નથી. પણ જે નરચંદ્રમામાં એ સઘળા ગુણો છે, તેની કથા સાંભળો’ રામાયણ તે નરચંદ્રમાની કથા છે… મનુષ્ય જ પોતાના ગુણે કરીને દેવતા થયો છે. મનુષ્યનો જ અંતિમ આદર્શ સ્થાપવા માટે ભારતના કવિએ મહાકાવ્ય રચ્યું છે… રામાયણની ખાસ ખૂબી એ છે કે તેણે એક ગૃહસ્થીને જ અત્યંત મોટી કરી બતાવી છે… આવા પ્રકારના વ્યકિત – વ્યકિત પરત્વેના અને મુખ્યત્વે કરીને ગૃહસંબંધો કોઈ પણ દેશના મહાકાવ્યમાં વર્ણનને યોગ્ય વિષય મનાયા નથી. આથી કેવળ કવિનો નહિ, પણ ભારતવર્ષનો પરિચય થાય છે. ગૃહ અને ગૃહધર્મ એ ભારતવર્ષને કેવા મહત્વના છે, એ આ વાત પરથી સમજાશે. આપણા દેશમાં ગૃહસ્થાશ્રમને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું.

હું માત્ર આટલી જ વાત જણાવવા માંગુ છું કે વાલ્મીકિના રામચરિત્રની કથાને વાચકવર્ગે કેવળ કવિનું કાવ્ય માનવું નહિ, તેને ભારતવર્ષનું રામાયણ સમજવું… એટલું સ્મરણમાં રાખવાનું છે કે, કોઈ ઐતિહાસિક ગૌરવવાર્તા નહિ, પણ પરિપૂર્ણ મનુષ્યનું આદર્શ ચરિત્ર સૂણવાની ભારતવર્ષે આકાંક્ષા કરી હતી… ભારતવાસીને રામ, લક્ષ્મણ, સીતા જેટલા સત્ય લાગે છે, તેટલા તેના ઘરના માણસો પણ તેને સત્ય લાગતા નથી.’’

(રવિન્દ્રનાથ ટાગોર, ‘રામાયણના પાત્રોની સમાલોચના’ ગ્રંથની પ્રસ્તાવનામાંથી, ૧૯૦૩)

*

‘‘રામઘૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતા રામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ?… રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલા છે. જેટલા ઊંડા જાઓ તેટલા વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરના અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યકિતઓ માને છે વળી તે લોકો માને છે કે દશરથના પુત્રરૂપે ઈશ્વર પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુકિત મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા છે કે તેમને છૂટાં પાડવા અસંભવિત છે. હું તો બધા નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો, છતાં સર્વશકિતમાન ઈશ્વર જ છે…’’

(મહાત્મા ગાંધીજી, હરિજનબંઘુ, ૧૯૪૬)

*

‘‘મને રામકથા ખૂબ જ ગમે છે. તેમાં લડાઇ છે- જેટલી ભયાનક હોઇ શકે એટલી ભયાનક લડાઇ છે. પણ એ દેશ જીતવાની કે કોઇનું રાજય પડાવી લેવા માટેની લડાઇ નથી. રામકથા એ રાજકથા નથી, સમાજકથા છે. આપણું ઘર એ આપણી અયોઘ્યા છે. રામાયણમાં આવતા બધા જ પાત્રો આપણી આ સંસારકથામાં છે- રામથી રાવણ સુધી, જટાયુથી હનુમાન સુધી, મંથરાથી મંદોદરી સુધી… એટલે રામકથા કોઇ એક ધર્મની નથી. કોઇ એક દેશની નથી, કે કોઇ એક કાળની નથી.’’

(રમણલાલ સોની, મૃત્યુ પૂર્વેના અંતિમ ગ્રંથમાં, ૨૦૦૬)

* * *

રીડર બિરાદર, નેચરલી અહીં જે કંઇ પીરસવામાં આવ્યું છે, એ સિલેકટેડ એડિટેડ વર્ઝન છે! (નહિં તો આપણી આ વાતચીતની જગ્યા જ કયાંથી રહે?) પણ આ એવા શબ્દો છે, જે ઘ્યાનથી વાંચવા- સમજવાથી તાજેતરમાં ચાલતા ઘણાં કન્ફયુઝનનું વાસ્તવિક અને વ્યવહારિક સોલ્યુશન મળી શકે. આ કોઇ તિલકધારી, ખેસધારીની રામ-હનુમાનના નામે થયેલી નારાબાજી નથી. આ વૈચારિક ‘ચક્કાજામ’ છે. મોરારિબાપુ જેવા કોઈ મરમીને મજા પડે તેવો. નગીનદાસ સંઘવી સરીખા કોઇ સંશોધક પંડિત માટેનો !

એકસાથે એટલા બધા મુદ્દાઓ ફૂટી નીકળ્યા છે કે બધાની અંદરોઅંદર ભેળસેળ થઇ ગઇ છે. રામનું ઐતિહાસિક અસ્તિત્વ કે તેનો અભાવ કંઇ ભારતમાં પહેલીવાર ચર્ચામાં આવ્યા છે, એવું નથી. અત્યાર સુધી એ સંશોધકોનો વિષય હતો, અચાનક એ રાજકારણને લીધે કોમનમેનના ખોળામાં આવી પડયો છે. અને આપણે લોકો પોતે મૂળ પ્રાચીન ટેકસ્ટનો નિષ્પક્ષ અભ્યાસ કરવાની ફુરસદ કે દાનત કશું જ ધરાવતાં નથી. માટે રામાયણ / મહાભારત કે વેદ-પુરાણ અંગેની આપણી સમજ પોપ્યુલર બની ગયેલી કહાનીઓ અને એના લેખકો-વકતાઓએ પોતપોતાની રીતે કરેલા સગવડિયા (અને મોટેભાગે સંતુલિત નહીં એવા અહોભાવમંડિત આદર્શવાદી) અર્થઘટનોમાંથી જ આવે છે. એમાં પાસ્ટ વઘુ, પ્રેઝન્ટ ઓછું અને ફયુચર નહિવત હોય છે.

જગતની કોઇપણ સરકાર અદાલતમાં ઇશ્વરના અસ્તિત્વના કેસ ચલાવી શકવાની નથી. જીસસ સન ઓફ ગોડ હોવાના કે મોહમ્મદસાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાના કાનુની પુરાવા કયાં છે? આઘુનિક અમેરિકન ચલણમાં રાષ્ટ્રીય મુદ્રાલેખ છાપવામાં આવે છે : ઇન ગોડ વી ટ્રસ્ટ! (સરખામણીએ ભારતનો મુદ્રાલેખ વઘુ વૈજ્ઞાનિક છેઃ સત્યમેવ જયતે!) ઇંગ્લેન્ડના બ્લુ બેકગ્રાઉન્ડના રાષ્ટ્ર ઘ્વજમાં દેખાતા ત્રણ લાલ ક્રોસ સેન્ટ એન્ડ્રુ, સેન્ટ પેટ્રિક, સેન્ટ જયોર્જના છે! ઇસ્લામિક દેશોમાં તો ‘ફેઇથ’ (શ્રદ્ધા) એ જ ફેકટ (સત્ય) છે!

ગુંચવાડો એ છે કે અસ્તિત્વના સિદ્ધ પ્રમાણો શોધવા હોય તો પણ ખ્રિસ્તી- ઇસ્લામ ધર્મના હજુ પણ મળે છે, કારણ કે એ પ્રમાણમાં નવા છે. હજાર-બે હજાર વર્ષ પહેલાંના ઘણાં અવશેષો પૃથ્વી પર બચ્યા છે. ડિટ્ટો જૈન, બૌદ્ધ ધર્મ. પણ સનાતન (હિન્દુ) ધર્મ આ બધાથી વઘુ જૂનો છે. કાળના પ્રવાહમાં એના ખાસ પુરાવા બચ્યા નથી. વળી, એની મૂળભૂત આદત જ ડોકયુમેન્ટેશન પ્રત્યે ઉદાસીનતાની છે. સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે.

માટે રામ કે કૃષ્ણ, ભારતમાં સાબિતી નહિ, પણ સ્વીકૃતિનો જ વિષય રહ્યો છે. કાકાસાહેબ કાલેલકર કહેતા એમ ભારત માટે આ બે જ ‘રાજા’ છે. બાકીના રાજાઓ પણ એમના સેવક છે! સરદાર પટેલે ભારતના રજવાડાંઓનુ એકીકરણ શરૂ કર્યું ત્યારે ત્રાવણકોરના મહારાજાએ ‘મારૂં રાજય તો ભગવાન પદ્મનાભનું છે, અને હું તો ભરતની જેમ એનો કેરટેકર રખેવાળ છું, એટલે મારાથી જોડાણના દસ્તાવેજ પર સહી કેવી રીતે થાય?’ એવું ગતકડું ચલાવ્યું હતું!

એક ફિલ્મની સ્ટોરી પણ બીજા દિવસે દોસ્તોને સંભળાવો. એમાં બે ચાર વાકયો / પ્રસંગોમાં ફેરફાર થઇ જાય છે. તો હજારો વર્ષો પહેલાં રચાયેલી કોઇ કૃતિમાં કેટલા પરિવર્તનો આવતા જાય! પ્રાચીન ભારતમાં મનગમતા પાત્રોને લઇ પોતપોતાના દ્રષ્ટિકોણથી વાત મૂકવાનો / ટીકા કરવાનો / જાતીયતાનો છોછ નહોતો. (ધાર્મિક લાગણી દુભાવાના પ્રતિબંધો તો અર્વાચીન ભારતની ખાસિયત છે!) માટે કેટલાય પુરાણોમાં એકબીજાથી વિરોધાભાસી લાગે એવી રીતે રામકથા કહેવાઇ છે. (સેમ્પલઃ શિવપુરાણ મુજબ હનુમાન શિવપુત્ર છે). વળી રામકથાના રસને લીધે ભાસથી ભવભૂતિ, કાલિદાસથી ભોજ સુધીના અનેક સમર્થ સંસ્કૃત શબ્દશિલ્પીઓએ એમાં પોતપોતાના રંગો ભેળવીને એની જુદી જુદી ‘રિમેક’ કરી છે. એ ઉપરાંત વળી સમયાંતરે મૂળ રામાયણ કરતા વધુ લોકપ્રિય એવા ‘રામચરિતમાનસ’ની ‘રિ-મેક’ની માફક જેમ જે-તે સ્થળકાળના આગવા (અને એકબીજાથી અલગ) રામાયણો બનતાં ગયા છે.

ભુશંડી રામાયણ, અનંદ રામાયણ, અદ્દભૂત રામાયણ, ચંપૂ રામાયણ, અઘ્યાત્મ રામાયણ જેવા અટપટા રામાયણો રચાયા છે. કોઇમાં હનુમાન રામના ભાઇ છે, કોઇમાં સીતા મંદોદરીની દીકરી છે! જૈન રામાયણોમાં જૂના વાસુદેવ હિન્ડી મુજબ લક્ષ્મણ રાવણને મારે છે. સંખ્યાબંધ જૈન રામાયણોની જેમ અઢળક બૌદ્ધ રામાયણો રચાયા છે. બૌદ્ધ ભિખ્ખુઓના ફેલાવા સાથે એ બધા અગ્નિ એશિયાના ઇન્ડોનેશિયાથી ચીન- જાપાન સુધી પહોંચ્યા. લોકવાર્તાની જેમ એમાં કેટલુંય ફરી ગયું. કોઇમાં રામ-સીતા, ભાઇ-બહેન થઇ ગયા! થાઇલેન્ડ- મ્યાનમારમાં તો રાજાઓના નામ રામ હતાં! થાઈલેન્ડની પૂર્વ રાજધાની જ અયુથયા હતી ને એરપોર્ટ પર જ રામ-રાવણના શિલ્પો કોઈ આસ્તિક ગણાઇ જવાના સ્વદેશી છોછ વિના છે ! ઉપરાંત ભારતના રાજયેરાજયના બેસુમાર રામાયણો છે!

ગુજરાતીઓને કદાચ ખબર પણ નથી કે આવા અડાબીડ જંગલ વચ્ચે શકય એટલું ગાળીચાળી મુળ શુદ્ધ રામાયણ પ્રગટ કરવાનું કામ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીએ ૧૯૫૪માં શરૂ કર્યું, અને દેશ-વિદેશના વિદ્વાનોના વિચારવિમર્શ પછી ૨૪ વર્ષે સંશોધિત આવૃત્તિના ૭ તોસ્તાન ગ્રંથો પ્રગટ થયા હતાં. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ ઓફ બરોડાએ પાંચ હજાર પાનાના સાત કાંડો ફકત અઢીસો રૂપિયામાં વેંચ્યા હોવા છતાં, કોઇ વાંચતુ નથી! હવે એ મળતા ય નથી. (રામપારાયણોમાં કે મંદિરોમાં કરોડો ખર્ચનારા ગુજરાતી ધનકુબેરોએ આવા જ્ઞાનયજ્ઞમાં કાણી કોડીનું ય દાન આપ્યું નહોતું!) બે હજાર જેટલી રામાયણની હસ્તલિખિત પોથીઓમાં ચકાસી ૮૬ અધિકૃત, જૂની પોથીઓ વડોદરા એકઠી કરવામાં આવી હતી. ૪૫ પોથી દેવનાગરીમાં હતી. દુનિયાની સૌથી જૂની હસ્તલિખિત પોથી ઇ.સ. ૧૦૨૦ની કાઠમંડુ (નેપાળ)ની હતી.

એમાંથી જે એકસમાન નીકળે એ જુદુ તારવ્યું, બાકીનાની શૈલી-વ્યાકરણ સાહિત્યિક, સાંયોગિક અને ઐતિહાસિક સંદર્ભમાં ચકાસણી થઇ. અક્ષરેઅક્ષર પર ઝીણવટપૂર્વક કામ કરીને વાલ્મીકી રામાયણનો મુળ પાઠ અને એમાં થયેલા ફેરફારોની નોંધો સહિત આ લગભગ સત્તાવાર રામાયણ પ્રકાશિત થયું છે. એનું મહાત્મ્ય કેવળ ધાર્મિક નથી એ સંસ્કૃત ભાષા, નામ, ક્રિયાપદ, વિશેષણ અને જે તે કાળની અસરોનો પણ દસ્તાવેજ છે. ૨૩૦૦-૨૪૦૦ વર્ષ પહેલાં પાણિનીના ‘અષ્ટાઘ્યાયી’ વ્યાકરણ ગ્રંથમાં વર્ણવાયેલા નિયમો બહારના ‘આર્ષપ્રયોગો’ વાલ્મીકી રામાયણમાં હોઇને એ ઓફિશ્યલી અઢી હજાર વર્ષ કરતાં જૂનું છે. (આ વાત ગ્રંથની છે, રામ જો થયા હોય તો એથી પણ જૂના હોઇ શકે છે!)

પણ આવી શાસ્ત્રીયતાની પિંજણમાં દિમાગ દોડે છે. ભારતીય પ્રજાના દિલમાં તો રામ એટલે વસેલા છે કે એની સૃષ્ટિ માત્ર કાલ્પનિક લાગતી નથી. એમાં એને પોતાના પારિવારિક જીવન, આદર્શ સંસ્કારોની ઝંખના તથા અશુભ પર શુભના વિજયનું ‘આઇડેન્ટીફિકેશન’ થાય છે. આ પ્રક્રિયા કાયદાપોથી કે પ્રયોગશાળાથી સમજાવી શકાય તેમ નથી.

ત્રણ દાયકા પહેલાં આવેલી ‘શોલે’ ફિલ્મનો ગબ્બર જો હયાત હોય એવું ઘરઘરાઉ ચરિત્ર બની જતો હોય, તો રાવણદહન કમસેકમ ત્રીસ દાયકાઓથી દશેરાએ થતું આવે છે! વીસમી સદીમાં સર્જાયેલા મીકી માઉસ કે ડોનાલ્ડ ડકના પાત્રોના ઘર બતાવતા ડિઝનીલેન્ડમાં ટોળા ઉમટતાં હોય તો રામાયણની વાનરસેનાનું બે-ચાર મિલેનિયમથી ‘બ્રાન્ડિંગ’ થતું આવે છે. શેરલોક હોમ્સ કે કેપ્ટન જેક સ્પેરો કે અનારકલી કે અલાઉદ્દીન કે હેરી પોટર કે ટારઝન જેવા પાત્રો ઇતિહાસમાં કયાંય દેખાતા નથી. પણ એવી સરસ રીતે લખાયા કે દર્શાવાયા છે કે એ ખરેખર હયાત હોય એવું માનવા મન લલચાય છે. ક્રિસમસમાં છવાઇ જતાં સાન્તાકલોઝનું કોઇ ઐતિહાસિક તો શું, ધાર્મિક અસ્તિત્વ પણ નથી, છતાં કોર્ટમાં એને પડકારવામાં આવે ત્યારે બાળમાનસની આશા અને શ્રદ્ધાની જીત દર્શાવતી ‘મિરેકલ ઓન થર્ટી ફોર્થ સ્ટ્રીટ’ની ફિલ્મની બબ્બે આવૃત્તિઓ અમેરિકામાં સુપરહિટ થઇ છે!

રામ-કૃષ્ણ નામના ‘લાર્જર ધેન લાઇફ’ વ્યકિતત્વોના જીવનના પ્રસંગોમાં કલ્પનાની રંગોળી પુરીને ગ્રંથો રચાયા હશે? ‘દા વિંચી કોડ’ જેવી નવલકથાની માફક ભાષા-ભૂગોળની વિગતો સાચી અને વાસ્તવિક લાગતા મૂળ પાત્રો અને પ્લોટ કાલ્પનિક એવી રીતે આ મહાકાવ્યો બન્યા હશે? વી ડોન્ટ નો. આ બધી જ કેવળ ભગવાનની વાણી – કહાણી છે અને પરમ સત્ય છે, એવી બેવકૂફીમાં મૂળ વાતના તલસ્પર્શી અભ્યાસ પછી મન માનતું નથી. આ બધી નરી વાહિયાત કવિતા છે, એવું એની અસર અને જે તે કાળની સાપેક્ષે સાહિત્યની અજોડ ગુણવત્તા જોતાં કહી શકાતું નથી!

જર્મનીમાં દેવની જેમ પૂજાતા કવિ ગૂથે (ગટે)ને વિવેચકોએ કહ્યું કે વાંચવામાં બહુ પ્રેરક, મનોરંજક, સુંદર લાગે એવી રોમન કથાઓ (ટાઈટન,વીનસ, હરકયુલીસ વગેરે) ખરેખર શંકાસ્પદ રીતે જૂઠી છે – ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’

કોઇ શક?

જય રામજી કી! રામ રામ ત્યારે…

ફાસ્ટ ફોરવર્ડ

 યાવત્‌ સ્થાસ્યંતિ ગીરયઃ સરિતઃ ચ મહિતલે

તાવત્‌ રામાયણકથા લોકેષુ પ્રચરિષ્યતિ

(વાલ્મીકિ રામાયણ, બાલકાંડઃ સર્ગ-૨, શ્વ્લોક ૩૬-૩૭)

ભાવાર્થ: ધરતી પર પહાડો અને નદીઓ રહેશે ત્યાં સુધી લોકોમાં રામાયણની કથા ફેલાતી જ રહેશે.

 # જુનો લેખ, રામનવમી નિમિત્તે, નવા રૂપે.

 
45 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 31, 2012 in heritage, india, religion

 

અક્ષય કવચ !

એનડીટીવીના ‘જય જવાન’માં અક્ષયકુમારે કેવી રીતે એક ટ્રેઈન્ડ સૈનિકને મુકાબલામાં ફક્ત હાથ મિલાવીને પલકવારમાં  ભોંયચાટતો કરી દીધેલો એ દ્રશ્ય મને  હજુ ય યાદ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષે ય  ફિટેસ્ટ બોડી ધરાવતા અક્ષયકુમારે એક મુલાકાતમાં સેહતનું સિક્રેટ શું કહ્યું છે એ નીચે ધ્યાન દઈને વાંચો. કાજુકતરી કે રસમાધુરી  કે અંજીર-ખજુર રોલ જેવી બેસ્વાદ મીઠાઈઓના રવાડે ચડી મેસૂબ-ઘારી તો ઠીક પણ ઘરમાં જ બને એવા ગાયના અસલી કણીદાર ઘીમાં લચપચતા ચુરમાના લાડુ, ચળકતી તાજી બુંદી, કેસર-બદામ વાળો ગરમ મોહનથાળ કે ઘી-ગોળના રસબસતા એલચી-કિસમિસવાળા શીરાને જોઈને જ ભડકતા ‘ચોકલેટી’ ચકુડા-ચકુડીઓને અક્ષયે એક ફેરવીને કાનની નીચે રમકાવી છે. 🙂

*I play sports like volleyball, swimming, I go trekking, and rock climbing and I love water sports. Another thing which is a must is desi ghee, because it is very healthy. Your body needs that kind of nourishment especially your bones and joints. My grandmother, who passed away last year, was alive till 98 and used to have 2 spoonfuls of ghee every day. It is not fattening, it is only fattening if you eat ghee and don’t exercise.

*Another problem is lot of people take steroids, powders and myoplex. Time has gone when man used to believe in mothers’ home cooked food, now they all depend on myoplex as it is the shortcut and the easiest way to make a body. People believe in dieting, you can diet but see to it that you finish your dinner before 6 in the evening. Eat whatever you want to eat, but eating after that is useless. After 6:30-7 whatever you are eating is slow poison.

*The most important thing that people don’t concentrate on is warm up and after finishing your workout, cooling down. This is something 99 percent of the people avoid as they think that the real thing is exercise. But cooling down is very important, when you finish your exercise; you have to give your body ten minutes to cool down because that is the time when your nerves starts opening so you have to relax them.

*I sleep early and get up early, I don’t really enjoy partying. I don’t say that it is bad to party but I just don’t enjoy it. I don’t get it as to why they play such loud music. If I am going to wish someone for their wedding or birthday then I wish them and come out. You won’t believe but by 9 o’clock I am gone. I like to sleep early; I am a guy who sleeps by 9-9:30 and get up by 4-4:30 in the morning. Twinkle also sleeps by quarter to nine. We both like to sleep early and get up early. Life becomes very calm if your partner sleeps at the same time. I have done photo sessions at 4:30-5 in the morning and lot of heroines curse me because of that.

(courtesy :  bollywoodhungama )

એના વહેલા સુઈને ઉઠે વહેલા, એ સહુ સાચા વીર…બળ-બુદ્ધિ ને વિદ્યા વધે, સુખમાં રહે શરીરની વાત કદાચ એને જ પોસાય તેવી છે, કદાચ મારાં જેવા ઘણા ઈચ્છે તો યે એ શક્ય ના બને. પણ એ રાત્રે ૯ વાગે સુવે એની બે-ત્રણ કલાક પહેલા ખાવાનું બંધ કરવાની વાત કરે છે. આપણે ધારો કે રાત્રે એક વાગે સુતા હોઈએ તો સાડા નવ સુધીમાં આટોપી લેવું. એક્ચ્યુઅલી, કોઈ શ્રમ ખાસ ના હોય તો રાત્રે રોજ જમવું એ ચરબીની ગરબી જ છે. અને સુવો મોડા તો ય ઊંઘ છ-સાત કલાકની પૂરતી જ લેવી. અક્ષય ૯ થી ૪ની લે તો ૪ વાગે સુનારે ૧૧ વાગે ઉઠવું ! (મારી જેમ ! :P)

અને ખાસ પરણેલા માણસો માટે , તન-મન બંનેને દુરસ્ત રાખતી આ અક્ષયની હેપિનેસ હેલ્થ ટિપ આ તસ્વીરમાં 😉

 
38 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 29, 2012 in education, inspiration, youth

 

યે દેશ હૈ વીર જવાનો કા… ઓહ! રિયલી?!

આજે ચીફ ઓફ આર્મી સ્ટાફ વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલો પત્ર કે જેમાં ભારતીય સેનાની હાલત કેવી ખસ્તાહાલ છે, એની વિગત આવતા રાબેતા મુજબ આપણા રાજકારણીઓએ મૂળ મુદ્દાને ચાતરી,ઉસ્તાદ વકીલની અદામાં પ્રોટોકોલના નામે મામલાનો ઓટોગોટો વાળવાની શરૂઆત કરી દીધી છે. સાવ બેઝિક બાબતોમાં લશ્કર કેવું લથડી રહ્યું છે , એની બેઝિઝક ચર્ચા જનરલ સાહેબે છેડી છે. જન્મતારીખના મામલામાં હાસ્યાસ્પદ ઠરેલા સિંહ સાહેબ અહીં પુરા સિરિયસ અને સિન્સિયર દેખાય છે. આજે એમને એક જવાબદાર વડા તરીકે જે વાત ઉઠાવી એ છેક ૧૦ એપ્રિલ, ૨૦૦૯માં મારાં લેખમાં વિગતવાર મેં લખી હતી ને એનો અણસાર (રાબેતા મુજબ) સમયથી વહેલો આપ્યો હતો. આજે આ લેખને અધિકૃત માન્યતા મળી એના આનંદ સાથે, મૂળ સ્થિતિ જરાય બદલાતી નથી, એનું પારાવાર દુઃખ છે. મૂળ લેખ જેમનો તેમ મુકું છું.

#

‘જો મારા દીકરાએ ફૌજી બનવાની ઇચ્છા જાહેર કરી હોત, તો હું જાતે જ એને ગોળી મારી દેત!’

આ શબ્દો ૧૬ વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડેમી જોઇન કરી ૩૬ વર્ષની નોકરી પછી ભારતીય સેનામાં બ્રિગેડિયર બનેલા એક દેશભકત અફસરના છે! બ્રિગેડિયરસાહેબે નામ ન આપવાની શરતે એક નાનકડા મિડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ૩૬ વર્ષની એકધારી નોકરી પછી એવું સ્પષ્ટપણે માને છે કે લશ્કરમાં જીંદગી ખતમ કરવાથી કોઇ બહેતર ભવિષ્ય નથી.

એમને હતું કે બ્રિગેડિયર બન્યા પછી એ જુનિયર અફસરો માટે કંઇક કરી શકશે. પણ એમને અહેસાસ થયો કે એમના કરતાં ઓછી નોકરીમાં સંયુક્ત સચિવ જેવા વજનદાર પદે પહોંચી ગયેલા સરકારી બાબુઓને પત્ર લખવા સિવાય એ ખાસ કંઇ કરી શકતા નહોતા. કારણ કે, મહત્વના નિર્ણયો તો સરકાર લેતી હોય છે! સતત થતાં પોસ્ટિંગ્સ, જોખમની જીંદગી, કુટુંબજીવનનો ભોગ… આ બધા પછી મોહભંગ અવસ્થામાં બ્રિગેડિયરજી કહે છે ‘લોકો છૂટાછેડા શા માટે લે છે? કારણ કે એમને લાગે છે કે જીવનસાથી માટે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો કે સાથીને પોતાના સાથની જરૃરિયાત નથી રહી… બસ, એ જ કારણથી હવે મને યુનિફોર્મનું આકર્ષણ નથી. લોકો લશ્કરમાં પૈસા માટે નહિં, પણ ઇજજત માટે જોડાતા હતા. પણ આજની દુનિયામાં એક જ બાબતથી ઇજજત મળે છે- રૃપિયા!’

* * *

ભારતીય સૈન્ય ઘણા વખતથી એક અદ્રશ્ય શત્રુનો મુકાબલો કરી રહ્યું છે. ના, બેહતુલ્લાહ મસૂદ જેવાઓના જેહાદી ત્રાસવાદની વાત નથી. અફસોસ, યે અંદર કી બાત હૈ! વિશ્વના ચોથા નંબરની ગણાતી ભારતીય સેના એક કટોકટી સામે ઝઝૂમી રહી છે, જેનો ફિલ્મી પડદે દિલધડક લશ્કરી ઓપરેશન જોઇને પોપકોર્ન ખાતા કે ટ્રાવેલિંગમાં મળી જતા સૈનિકને તાળીઓથી વધાવી જય જવાન કહેતા સમાજને કદાચ અહેસાસ નથી. ૨૦૦૯ના વર્તમાન વર્ષની ૧૬ જાન્યુઆરીએ ‘આર્મી ડે’માં ચીફ ઓફ આર્મી સ્ટાફ દીપક કપૂરે પોતે પ્રગટ કરેલી આ ચિંતા છે, કોઇ ટીવી ન્યુઝ ચેનલના બ્રેકિંગ ન્યૂઝની સ્ક્રોલિંગ પટ્ટી નથી! (આવા હાર્ટબ્રેકિંગ ન્યૂઝ ભાગ્યે જ એમાં સ્થાન પામતા હોય છે!) ભારતીય લશ્કરને ખોટ જઇ રહી છે. ના, મનીની નહિં, મેનપાવરની!

આજે જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદ, ઝેરીલા પાડોશીઓ અને રાષ્ટ્રીય સ્તરે અવ્યવસ્થા, આફતો, રમખાણો, બોમ્બ બ્લાસ્ટના મોરચા ખૂલી ગયા છે, ત્યારે ભારતીય સેનામાં કુલ ૪૬,૩૧૫ ઓફિસર્સની જરૃરિયાત સામે ફકત ૧૧,૨૩૮ લશ્કરી અફસરોની ખાધ છે! મતલબ આપણે ૨૫% ઓછી કેપેસિટી સાથે ‘યુદ્ધસ્વ’ના હાકલા પડકારા કરી રહ્યા છીએ! લશ્કર પૂરેપૂરૃં સુસજજ અને ‘ટિપ-ટોપ’ હોય એ કોઇપણ દેશની ફર્સ્ટ પ્રાયોરિટી ગણાય. ૧૦૦% લશ્કરને સમર્પિત કરવાનું હોય, પણ અહીં તો લશ્કરની ક્ષમતા જ ૭૫% થઈ ગઈ છે!

આપણી જ્ઞાતિવાદી ચૂંટણીમાં જેની બિલકુલ ચર્ચા નથી થતી એવા રિયલ ઈસ્યૂઝને સમજવા માટે જરા આ ‘બ્લડ ટેસ્ટ’ના આંકડાઓ જાણી લો. ઈન્ડિયન નેવીને ૧૪૩૦ અધિકારીઓની અને ઈન્ડિયન એરફોર્સને ૧૩૬૧ અધિકારીઓની ‘અછત’ છે! (આર્મીનો આંકડો આગળ લખ્યો તે યાદ છે ને? ૧૧,૨૩૮!) નવી ભરતી ખાસ થતી નથી અને જૂના તૈયાર હોંશિયાર અફસરો સમયથી વહેલા નિવૃત્ત થવા માટે રેસ લગાવી રહ્યા છે!

રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાં ૩૦૦ કેડેટસની સંખ્યા સામે ૨૦૦૭માં ૧૯૦ કેડેટસે એડમિશન લીધા તો ભારતીય સૈન્ય અકાદમીમાં ૨૫૦ની ક્ષમતા સામે ફક્ત ૮૬ સિટસ ભરાઈ! અધિકારીઓની કમી પૂરી કરવા ચેન્નઈમાં ‘ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી’ જેવી એક નવી સંસ્થા ‘વિચારાધીન’ છે, જ્યાં સામાન્ય કેડેટને ઓફિસર થવા માટે ટ્રેઈન કરી શકાય… પણ નવા કેડેટસની સંખ્યાનો આંક તો સેન્સેક્સની જેમ સતત લુઢકતો જાય છે! સામે પક્ષે મહેનત અને તાલીમથી ઘડાયેલા પાસાદાર હીરા જેવા અનુભવી, તેજતર્રાર અફસરો આર્મી છોડીને ચાલતા થઈ જાય છે! રણમેદાનમાં પીછેહઠ ન કરનારા જવાંમર્દો નોકરી છોડીને ભાગી જવા તત્પર છે!

શું? આ વાત ગળે નથી ઉતરતી? ૨૦૦૩થી ૨૦૦૭ સુધીમાં ફરજમાંથી છુટા કરવા માટે સેનામાં ૩,૪૭૪ અરજીઓ ‘વોલન્ટરી રિટાયરમેન્ટ’ની આવી, જેમાંથી ૨૦૭૬ તો મંજૂર પણ કરવી પડી. ૨૦૦૩માં સ્વૈચ્છિક સેવા નિવૃત્તિની ૩૮૭ અરજીઓ હતી. ૨૦૦૪માં વધીને ૪૩૦ થઈ, જેમાંથી ૨૯૦ તો મંજૂર પણ થઈ. ૨૦૦૫માં ૫૩૫માંથી ૩૬૫ મંજૂર થઈ. ૨૦૦૬માં ૮૧૦માંથી ૪૬૪ મંજૂર થઈ. ૨૦૦૭માં ૧૧૩૦ અરજીઓ થઈ… એજ વર્ષે નેવીમાં પણ નોકરી વહેલી છોડવા માટે ૨૮૪ અને એરફોર્સમાં એવી જ ૨૮૭ અરજીઓ થઈ…

કેમ ‘ફેરવેલ ટુ આર્મ્સ’ થવા લાગ્યું છે? શું ગાંધીજીના અહિંસાના મુદ્દે લશ્કર વિખેરી નાખવાના ઉપદેશની મોડે મોડેથી અસર થઈ રહી છે? કે શાંતિના સંદેશવાળી ઓલિવ વૃક્ષની ડાળી પકડેલા કબૂતરોની ઉડાઉડ વધી ગઈ છે? ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ગીત ફ્રન્ટ પર જતી વખતે દેશવાસીઓને સંભળાવવાને બદલે સહકર્મચારીઓને કેમ સંભળાવાઈ રહ્યું છે? ‘ડર કે આગે જીત હૈ’ને બદલે ‘જીત કે આગે ડર હૈ?’ શું અમનચૈનના પૈગામવાળી ફિલ્મો અને ગીતોની આવી અદ્ભૂત અસર છે?

વેલ, લશ્કરનો જવાન પણ અંતે તો સમાજનો હિસ્સો છે. સમાજમાંથી જ આવે છે. સમાજજીવનમાં, માનસિકતામાં, વિચારોમાં આવતા ફેરફારોની અસર તેના પર પણ થવાની જ. જો ચોમેર વિકાસવાદ ફેલાયો હોય… બધાને લકઝુરિયસ લાઈફ અને કમ્ફર્ટેબલ રિલેક્સેશનની ભૂખ હોય, તો જવાન કરતા જરા વધુ ભણેલાગણેલા અને તેજસ્વી એવા અધિકારીઓ પણ એ ઝંઝાવાતમાં ઉડયા વિના કેમ રહી શકે?

બેઝિકલી- નામ, નમક અને નિશાનના નારાથી કોઈ સમજદાર હોંશિયાર ઉચ્ચ શિક્ષિત માણસ દેશ ખાતર ફના થઈ જાય, એ માહોલ જ ‘મેરા ભારત મહાન’માં ઉનાળાની બપોરે ખુલ્લામાં રાખેલો બરફનો ગોળો ઓગળી જાય એમ પીગળી રહ્યો છે. દેશભકિતની વાત કહેતી ફિલ્મો પણ ચાલતી નથી. કોમેડી એન્ટરટેઈનર, મ્યુઝિકલ થ્રીલર્સ ચાલે છે! યંગ જનરેશન આઈઆઈએમ કે આઈઆઈટીના એરકન્ડીશન્ડ કરિઅર ઓપ્શન્સ પાછળ ક્રેઝી છે. સવારે સાડા ચારે ઉઠીને કમાન્ડો ટ્રેનિંગ લેવી, ૧૦ કિલો વજન ઉંચકી ૧૧ કિ.મી. દોડવું, ઘરથી દુર રહેવું, જે મળે તે ખાવું, હુકમોનું પાલન કરવું… આ બધું એમના લિસ્સા મિજાજને માફક આવતું નથી!

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના સત્તાવાર પરફોર્મન્સ ઓડિટ રિપોર્ટમાં અનેક ખામીઓ પર સર્ચલાઈટ મૂકાઈ છે. ટેકનોલોજી અને લેટેસ્ટ વેપન્સની બાબતમાં ભારતીય લશ્કર (નેતાઓની ‘લઘુ’ દ્રષ્ટિને લીધે) કાયમ બેકફૂટ પર રહે છે. રિસર્ચ અને ડિમાન્ડ પછી પણ દેશમાં ઉત્તમ શસ્ત્રો બનતા નથી (બનવા દેવાતા નથી?) અને કરોડોની કટકીવાળા વિદેશી હથિયારોના કૌભાંડી સોદાઓ ઉચ્ચ સ્તરે થયા કરે છે. કારગિલ યુધ્ધ પછી અમેરિકન ગુપ્તચર એજન્સીઝે ભારતીય લશ્કરમાં ‘કો-ઓર્ડિનેશન’ના અભાવની ખામી દર્શાવી હતી, જે ૨૬/૧૧ની ઘટના વખતે મુંબઈમાં પણ જોવા મળી. લાહોરમાં પાકિસ્તાની લશ્કરે જે ઓપરેશન કર્યું એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતીય લશ્કર કરતાં વધુ અસરકારક નીવડયું. એ તો નજર સામે છે. અંતે તો યુધ્ધમાં રિઝન્સ નહિ, રિઝલ્ટ જોવાય છે! અને લડવાની પ્રેકટિસ આપણા શત્રુદેશોના લશ્કર પાસે વધુ છે!

ફકત જરીપુરાણા હથિયારોની પણ વાત નથી. લશ્કરમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન વધતા જાય છે. બિનસત્તાવાર અહેવાલો મુજબ ૨૦૦૬માં જ ૧૦૦ જેટલા અપમૃત્યુ સેનામાં થયા હતા (સામી છાતીએ લડવામાં મૃત્યુઆંક હતો ૭૨!) જેમાં આત્મહત્યા કે અંદરોઅંદરની મારામારી જવાબદાર હતી! જુવાનજોધ, ખડતલ, મજબૂત તન – મનની તાકાત ધરાવતા પ્રતિષ્ઠિત સોલ્જર્સ – ઓફિસર્સ આપઘાત શા માટે કરે? અને એવા ટેન્શનમાં લશ્કર જીવતું હોય, એ વાસ્તવિકતા જ ‘સિવિલિયન’ નાગરિકોનો સ્ટ્રેસ વધારવા પૂરતી નથી?

મૂળ વાત તો એ છે કે, લશ્કરની નોકરીનો પહેલા જેવો મોભો કે ‘ચાર્મ’ રહ્યો નથી. જોખમમાં જીવવાના રોમાંચ કે ‘ખતરો કે ખિલાડી’ બનવાની સાહસવૃત્તિ કે દેશને માટે જાન કુરબાન કરવાની જાનફેસાનીની સર્વોચ્ચ ભાવના ઓછી થતી જાય છે. સિયાચીન ગ્લેશ્યરની કડકડતી ઠંડીમાં ફરજ બજાવવાને બહાદૂરી કરતા પાગલપન કહેનારા યંગસ્ટર્સ વધુ છે! જૂના જમાનાના કડક સ્ટાન્ડર્ડ મુજબ ભરતી કરવા જાવ, તો નવા અફસર મળે નહિં. હવે એમાં ય શિસ્ત, નિયમ, સ્વભાવના મામલે થોડા આધુનિક થઈને બાંધછોડ કરવી પડે, તેવી હાલત છે! (એડમિશન વધારવા પાસિંગ સ્ટાન્ડર્ડ નીચું લઈ આવ્યા વિના છૂટકો નથી!) ગલીના મવાલી કે કબાડાબાજ ઉદ્યોગપતિને મળે એટલો આદર – સન્માન લશ્કરી આદમીને મળે છે ખરા? જરા આસપાસ નજર કરીને વિચારજો!

માન તો ઠીક, જીવવા માટે ધન પણ જોઈએ. એકચ્યુઅલી આર્મી ડિસિપ્લીન એન્ડ ટ્રેનિંગથી તૈયાર થયેલ ટેલેન્ટેડ લોકોની ખાનગી ક્ષેત્રમાં માંગ છે. જયાં જોખમ વિનાની આરામદાયક જીંદગી જીવતા જીવતા વધુ પૈસા કમાઈ શકાય છે. ફેમિલી લાઈફ, એન્ટરટેઈનમેન્ટનો પુરતો સમય રહે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન કે દેશ માટેના ગૌરવનો છેદ આર્થિક સમૃધ્ધિથી મળતા ઠાઠમાઠથી ઉડી જાય છે!

થોડા સમય પહેલા રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલ પાસે જઈને સેંકડો ભૂતપૂર્વ સૈનિકો કે તેમના પરિવારજનોએ રીતસર આંદોલન કરી પોતાના ચકચકિત મેડલ્સ પરત કર્યા હતા. એક રેન્ક પર એકસરખો સમય ફરજ બજાવી હોવા છતાં દર ૧૦ વર્ષે પગારના ધોરણોમાં વધારો થવાને લીધે અગાઉ નિવૃત્ત થયેલા અને પછી નિવૃત્ત થયેલા અધિકારીઓના પેન્શનમાં મોટો તફાવત છે. ભારતીય લશ્કરમાં ઘણી ભરતી વંશપરંપરાગત થાય છે, જેમાં જુવાન સોલ્જર પોતાના જેવા જ કામ કરનારા પિતા કે દાદાને ભૂખડીબારશ નિહાળે તો હતોત્સાહ જ થવાનો! અને અકળાઈને લશ્કરને બદલે બેહતર વિકલ્પ શોધવાનો! તો વળી જેના બહુ ગુણગાન ગવાય છે અને જીવના સાટે દેશને આગળ કરનારા પરમવીરચક્રના વિજેતાને મહિને પંદરસો રૃપરડી (જીહા, ફકત ૧૫૦૦!) નું પેન્શન મળે છે. મહાવીરચક્ર વાળાને ૧૨૦૦ ને અન્ય સેના પદક માટે ફકત ૨૫૦! (મલ્ટી પ્લેકસની કપલ ટિકિટ ન આવે આટલામાં!)

માટે જ અફસરો ‘સમય વર્તે સાવધાન’ની ગણત્રી માંડી ‘રણછોડરાય’ બન્યા છે. કદર વિના દુઃખી થવા કરતા પ્રાઈવેટ જોબ કરી સુખી ન થવું? વળી, લશ્કરમાં ય નીચલા સ્તરે કોન્ટ્રાકટના ભ્રષ્ટાચાર કે ખટપટનો પગપેસારો થઈ ગયો છે. ભારતમાં આજે દરેક કટોકટીનો ઉકેલ અંતે લશ્કર પર થોપી દેવાય છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું… લશ્કર બોલાવો. જયાં ને ત્યાં ધૂળ જેવી બાબતે લાગણી દુભાતા લોકોએ ભાંગફોડ કરી, લશ્કરને સોંપી દો. રાજકીય ધાર્મિક કારણોથી હુલ્લડો થયા લશ્કર સ્થિતિ નિયંત્રણમાં રાખશે બોમ્બ બ્લાસ્ટ, ત્રાસવાદી હુમલા, નેતાઓની સુરક્ષા, ધર્મસ્થળોની રક્ષા બધું જ લશ્કરના હવાલે! એમાં ય પૂરતી સગવડો નહિ, નિર્ણય લેવાની મોકળાશ નહિ. હુકમના ગુલામ થવાનું, એ ય જોકરોના હુકમના!

આવી રીતે રણમેદાનમાં સામી છાતીએ લડવાને બદલે ઘરઆંગણે જ ઝઝૂમ્યા કરવાની ગુમનામ જીંદગી તાણ વધારી દે છે. લશ્કરમાં ડિપ્રેશન વધતું જાય છે. જાહેરમાં પાર્ટી- ડાન્સ – મહેફિલ કરે, તો ય પરાણે ‘પવિત્ર’ બનાવી દેવાની ભારતીય માનસિકતાને એ પચે નહિ! કામ વધતું જાય છે. ભરતી ઘટતી જાય છે. રજાઓ મળતી નથી. પરિવારની યાદો, એકલતા સતાવે છે. જે દેશ માટે મરી ફીટવાનું હોય, એ દેશ એ કુરબાની માટેની પોતાની લાયકાત પુરવાર કરતો નથી. ડિફેન્સ કરવામાં રોડ પર ધૂળ ફાકવી પડે છે. એના કરતા રાજીનામું આપી ડિફેન્સનો બિઝનેસ કરો તો કરોડપતિ થઈને ફાઈવ સ્ટાર ડિનર લઈ શકાય છે!

ભાઆઆરઅઅત માઆઆતાઆઆ કીઈઈઈ જય! એવી ચિલ્લમચિલ્લી કરવા કરતાં ખરેખર માતૃભૂમિનો જયજયકાર થાય એવું કર્તવ્ય નિભાવવું જરા અઘરૃં છે!

ફાસ્ટ ફોરવર્ડ

‘આ દુનિયા બહુ ખૂબસૂરત છે, એના ખાતર લડવું વસૂલ છે!’

(અર્નેસ્ટ હેમિંગ્વે)

 
41 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 28, 2012 in india

 

ક્રાઈમ થ્રીલરની કેડબરી !

‘કહાની’ અને ‘એજન્ટ વિનોદ’ જેવી બે જુદા જુદા પ્રકારની ક્રાઈમ થ્રીલર ફિલ્મ્સ બેક ટુ બેક રિલીઝ થઇ. અને યાદ આવી ગયા મારાં બે લેખો. એક ‘ચોકલેટ’ ફિલ્મ રજુ થઇ, ત્યારે લખાયેલો અને બીજો ‘જહોની ગદ્દાર’ જોઈને. મીન્સ વર્ષો પહેલા. આઈડિયા આવ્યો, બંનેને મિક્સ કરી લાંબા અંતરાલના વળતર પેટે ડબલ બોનાન્ઝા કરીએ તો? બેઉને સાથે મેળવી , લંબાણ ટાળવા ૩૦-૪૦% સામગ્રી કાપીને એક નવો જ લેખ બનાવ્યો. પેશ એ ખિદમત હૈ…હઝુરે વાલા !

સસ્પેન્સ યાને રહસ્યકથાઓનું એક જબ્બર ફેસિનેશન હોય છે. મિસ્ટરીઝ મેગ્નેટ મેજીક! ફૂટપાથીયા લેખકો અને મસાલિયા ફિલ્મ મેકર્સના પ્રતાપે આમ આદમીએ સસ્પેન્સ સ્ટોરીની એક અઘૂરી અને અભદ્ર વ્યાખ્યા બાંધી લીધી છે. એમાં વળી ‘કટ, કોપી, પેસ્ટ’ની સ્ટાઈલમાં આજકાલ ટીવી પર આવતા મર્ડર મિસ્ટ્રીના ધારવાહિકોના ઘસાઈ ગયેલા પ્લોટસે દાટ વાળ્યો છે. સરવાળે, આપણે ત્યાં રહસ્યકથાઓની વાત માંડવામાં કોઈ રહસ્ય રહેતું જ નથી. અંધારી રાત, કાળા ઓવરકોટવાળો ડિટેક્ટિવ, બટકબોલો પોલિસ ઈન્સ્પેકટર, ભયથી ફફડી ઉઠેલી કોઈ અફલાતૂન અબળા, રિવોલ્વર અને એના પરની ફિંગરપ્રિન્ટસ, રૂપેરી છરી અને લાલચટ્ટક ટોમેટો કેચઅપ જેવું લોહી, વરસાદમાં ભટકાતી બારી અને અંધકારમાં ચમકી જતો ઓછાયો… વ્હેર ઈઝ ધ ઓરિજીનાલિટી, યાર?

આ બઘું રહસ્યકથામાં ન હોય એમ નહિ, પણ આ સિવાય પણ રહસ્યકથા અવનવી રીતે જમાવટ કરી શકે. સસ્પેન્સ સ્ટોરી કંઈ પોલિસ સ્ટેશનની એફ.આઈ.આર.ના વર્ણનો જેવી જ રચાય, એ ફરજીયાત નથી. સસ્પેન્સ સ્ટોરી સાયન્સ ફિકશન પણ હોઈ શકે. ગુજરાતીમાં રહસ્યકથાના અનુવાદમાં એક્કા ગણાતા યશવંત મહેતાએ વર્ષો પહેલા એક અંગ્રેજી કથાનું ભાષાંતર કરેલું. આપઘાત લાગે એવું એક ખૂનનું સેટઅપ ગોઠવાયું હતું. જેમાં મરનારને ગળામાં દોરડું બાંધી બરફની પાટ પર ઉભો રાખવામાં આવતો હતો. બરફ પીગળે, પાણી હવામાં વરાળ બની જાય અને મૃતકને ફાંસી આપમેળે લાગી જાય!

સસ્પેન્સ સ્ટોરીઝને ‘હલકા વરણની અછૂત’ ગણવાની રાજાશાહી યુગની આભડછેટ ભારત, ગુજરાતમાં દાયકાઓથી ચાલી આવી છે. દુનિયામાં રોમાન્સ પછી સૌથી વઘુ અપીલ કરતી થીમ સસ્પેન્સ હોવા છતાં પુરાતનકાળથી યુદ્ધ, શૃંગાર, ચમત્કાર, સદગુણ, સાહસની કથાઓ રચનારા આપણા દેશમાં નમૂનેદાર રહસ્યસાહિત્ય ખાસ રચાતું નહોતું. માણસ અને એની રચેલી આ દુનિયામાં કેવળ સંતત્વ જ નથી. ભારોભાર શેતાનિયત પણ છે. મનુષ્યપ્રાણી માત્ર સદવૃત્તિઓનું પોટલું નથી. એમાં ઈર્ષા, લોભ, છેતરપિંડી, ક્રોધ, હિન્સા, લુચ્ચાઈ, તિરસ્કાર, શોષણ જેવા સંખ્યાબંધ દુર્ગુણો પણ છે. ક્રાઈમ સમજ્યા વિના એનાથી પીછો છોડાવી ન શકાય.

ખરેખર તો દિમાગની ધાર કાઢવા અને વિચારોને કલ્પનાશીલ બનાવવા ઉત્તમોત્તમ સસ્પેન્સ સ્ટોરીઝમાં ઘુબાકા મારવા જરૂરી નહિ, અનિવાર્ય છે. પણ ક્યાં છે મૌલિક આઈડિયા અને કલ્પનાની ક્રિએટિવિટીથી ફાટફાટ થતી વાર્તાઓ, કથાઓ, ફિલ્મો? ગુજરાતી નાટકોમાં પણ આજકાલ સસ્પેન્સની જગ્યા સાસુ વહુએ પડાવી લીધી છે. ‘સામાજીક’ માળખામાં રહેલા અસામાજીક તત્વની વાત કરવામાં જાણે ઝાટકા લાગે છે. સારપ અને સત્સંગની સાકર એેટલી બધી પીરસવામાં આવે છે કે એના કૃત્રિમ ગળપણથી મોં ભાંગી જાય! એમાં ક્યાંક કાળા મરી અને ગોંડલિયા મરચાંની તીખાશ જોઈએ… કારેલાંની કડવાશને આમલીની ખટાશ જોઈએ. પણ સત્તાણુ પોઈન્ટ સાડત્રીસ ટકા ગુજ્જુ સાહિત્યસર્જકો તો ધર્મોપદેશકો અને અઘ્યાત્મચિન્તકો થઈ ગયા છે. દુનિયાનું શું થશેની ચિંતામાં એમને વેવલા રોતલ નરનારી સંબંધો અને પલાયનવાદી સૂફિયાણી સાદાઈની સલાહો સિવાય બીજુ કંઈ સૂઝતું નથી!

જ્યારે આપણે જાણી જાણીને ઝેર પીતી ગ્રામલક્ષ્મીને મળેલા જીવના ઓવારણા લઈને પાટણની પ્રભુતામાં અમૃતાના આંગળિયાત શોધતા હતા, ત્યારે દુનિયામાં તો ઓલરેડી આર્થર કોનન ડોઈલ, ઓલીસ્ટર મેક્લીન અર્લ સ્ટેનલી ગાર્ડનર અને જેમ્સ હેડલી ચેઈઝનો યુગ વીતી ચૂક્યો હતો. શેરલોક હોમ્સ અને પેરી મેસનની કથાઓ આજે પણ ચેસની ગેઈમ રમ્યાનો આનંદ આપે તેવી છે. જેમ્સ હેડલી ચેઈઝની ‘ક્રાઈમ નેવર પેઝ’ (ગુનો ગુનેગારને છોડતો નથી)ને અબ્બાસ-મસ્તાન ધોળીને પી ગયા છે. બધામાં સરતાજ છે આગાથા ક્રિસ્ટી. સાદીસરળ રીતે ધુંટાતુ એવું રહસ્ય કે તમે જાણે એ માણતી વખતે ભજીયું બનીને ‘હવે શું થશે’ના ઉકળતા તેલમાં તળાઈ રહ્યા હોય, એવું લાગે!

પણ આ બધાના ઉમદા સ્થાપિત ધોરણોને તોડયા ‘મિસ્ટરી’ (રહસ્ય)ની દુનિયામાં ‘હિસ્ટરી’ (ઈતિહાસ) લખનાર ફિલ્મ સર્જક આલ્ફ્રેડ હિચકોક જમાનાથી દસ ડગલા આગળ હતો. પણ સદનસીબે એને પાછળ દોડનારું ઓડિયન્સ મળ્યું. ફિલ્મકળાની બારીકીઓ અને સાહિત્યની મજબૂતાઈને જઠરના પાચકરસોમાં ઝબોળી ચૂકેલા આલ્ફ્રેડ હિચકોકને ‘સસ્પેન્સનો સરતાજ’ માની ઘણા લોકો હોંશે હોંશે એની ‘ડીવીડી’ ઘેર લઈ આવે છે. પછી ધીમી ધીમી, વાતોના વડાં તળતી, કંટાળાજનક દેખાતી ફિલ્મથી હતાશ થાય છે. જો તમારો ઉંચો ટેસ્ટ હોય અને ફિલ્મમાં વીંટળાઈ જવાનું સમર્પણ હોય તો હિચકોકની ફિલ્મો એક કશીશ, એક દીવાનગી પેદા કરી શકે!

હિચકોકે સિઘ્ધ કર્યું કે ‘હુ ડન ઇટ?’ (એ કોણે કર્યું?) એ તો સસ્પેન્સના સફરજનની છાલ છે. એનો ગર છે ‘હાઉ ઇટ વોઝ ડન?’ (એ કેવી રીતે થયું?)! ગુના કે ગુનેગારના મનની પ્રક્રિયામાં એણે ડોકિયું કર્યું અને કોઇ ચળવળખોરીની ચિલ્લાહટ વિના ચૂપચાપ માનવમનના ભેદી આંતરપ્રવાહો કે સમાજની કાળી ગલીઓ તરફ ઘ્યાન દોર્યું. હિચકોકે સસ્પેન્સ જોનરને એક નવી સ્ટાઇલ આપી. તરત જ બાળબોધકથાની જેમ બઘું પ્રગટ નહીં કરવાનું. કથાના પ્લોટમાં જ નહિ, એ જે રીતે કહેવાય એમાં પણ રહસ્ય જોઇએ. એકશન કે કત્લને બદલે એના પ્રશ્નોર્થી તમને જાણે રૂંવાડે રૂંવાડે લાખ્ખો ટાંકણીઓ ભોંકાય એમ તડપાવતા રહે! છેલ્લે તર્કશુઘ્ધ અંત એવો આવે કે જેની ‘કલ્યુ (કડી) પ્રગટપણે અગાઉ જ વર્ણવી દેવાઇ હોય અને તમારી નજર બહાર રહી હોય! માત્ર આંચકો (શોક) નહિ, એક પઝલ સોલ્વ કર્યાનો સંતોષ એવો મળે કે બફારા બાદ બારિશનું એક ઝાપટું!

હિચકોકની ‘વર્ટિગો’ આવી જ ખારી બિસ્કીટ જેવી લોકપ્રિય કૃતિ છે. એક ડિટેકટિવ મિત્ર પત્નીની ભેદી વર્તણૂક પર નજર રાખે છે, અને સાવ શાંતિથી એક પછી એક પડ છેક સુધી ઉખડતા અને ઉઘડતા ચાલે છે. એની ‘રિઅર વિન્ડો’માં પગમાં પ્લાસ્ટરને લીધે નજરકેદ થયેલો એકાકી નાયક સામેના મકાનની બારીમાં કશુંક રસપ્રદ જુએ છે… અને રચાય છે એક ભયાનક – ષડયંત્રનો સિલસિલો! સાવ સાદી વાતનો છેડો કોઇ વિરાટ રહસ્ય સુધી એક પછી એક પગથિયા ચડાવીને પહોંચાડે એ હિચકોક! જેમાં ગુનેગાર કરતા ગુનો અને એનું કારણ વઘુ મહત્વ પૂર્ણ હોય.

આજે હિચકોક નથી પણ એના વાવેલા અનાજમાંથી પોતપોતાની આગવી રેસિપિમાં પકવાનો બનાવનારા લેખકો તથા ફિલ્મ સર્જકોએ એની ખોટ પૂરી દીધી છે. જેફરી આર્ચર, બ્રાયન સિંગર, રોબ કોહેન, રોબર્ટ લૂડલૂમ, ડેવિડ ફીન્ચર, સિડની શેલ્ડન,  રોમન પોલાન્સકી સહુએ પોતપોતાની રીતે આગવી સસ્પેન્સ થીલર્સ રચી છે. ‘માઇનોરિટી રિપોર્ટ’ જેવી ફયુચરિસ્ટિક ફિલ્મ હોય કે ‘વાઇલ્ડ થીંગ્સ’ જેવી ઇરોટિક ફિલ્મ… રહસ્ય જો ગૂંથતા આવડે તો સર્વવ્યાપી છે.

જેમ્સ ફાઉશેનું ક્વોટ હતું : અપરાધ કરતા વધુ ખતરનાક છે, અપરાધ વખતે થયેલી ભૂલ !

***

ગુનો ગુનેગારને છોડતો નથી! શેકસપિયરના મેકબેથના જમાનાથી સુપરહિટ નીવડેલો પ્લોટ. રાતોરાત કશુંક અસામાન્ય મેળવવાની ઝંખના, એ માટે ભરોસો મૂકનાર સાથેની દગાખોરી, સ્ત્રીને ખાતર વિચારશૂન્ય થઇ દલદલમાં ખૂંચતો જતો અને એક નાનકડા ગુનામાંથી મસમોટા અપરાધ સુધી પહોંચી જતો પુરૂષ, એડલ્ટરી ઉર્ફે આડાસંબંધો, હત્યા, સત્તા, સંપત્તિ… અને પછી ગિલ્ટ. અપરાધભાવ, અજંપો, અકળામણ… ‘કયાં જવા નીકળ્યા હતા, અને કયાં પહોંચી ગયા’ની મથામણ. એમાંથી સર્જાતી ભૂલો. અને પછી કોઇની ચબરાક નજરમાં પકડાઇ જવાનો લાગતો ડર. સંતાકૂકડી. સત્યને છૂપાવવાના નાટકો… અંતે ‘જો ચૂપ રહેલી જબાને ખંજર, તો લહૂ પુકારેગા આસ્તીન કા’નો કલાઇમેકસ! (ખૂન કર્યા પછી છરી ઉપરનું લોહી સાફ કરી અપરાધી નિશ્ચિંત હોય, પણ એના જ વસ્ત્ર પર ઉડેલા લોહીના છાંટાથી એની જાણબહાર એ ઝડપાઇ જાય!)

ગ્રીડ, લસ્ટ. અસત્યની સાઇકલના આ બે ટાયર છે. ઘણાં બધા સકસેસફુલ માણસોએ બીજાને ‘ફૂલ’ બનાવીને ‘સકસેસ’ મેળવી હોય છે. એ જોઇને કેટલાક સાહસિકોને સ્ટ્રોક ફટકારવાનું મન થઇ આવે છે. બોલ હવામાં જાય, આઉટ થઇ શકવાનો ભય પૂરેપૂરો, પણ જો પાસા પોબાર તો સીધી ઉભા ઉભા સિકસર! આ રમત પૃથ્વી પર માનવજાતના આગમન સાથે ચાલુ થઇ ચૂકી છે. દરેક પાવલીછાપ માણસને પણ એક વાર તો તક મળે ત્યારે આસમાનમાંથી સૂરજ તોડીને ગજવે ઠુંસી દેવાના ખ્વાબ આવતાં જ હોય છે. સવાલ બે છે: એક તો તક. મોકો. ચાન્સ એન્ડ નેકસ્ટ… હિંમત અને ચાલાકીનું બેલેન્સ્ડ કોમ્બિનેશન. ત્રીજી જોઇએ રૂથલેસનેસ. ઠંડી ક્રૂરતા.

* * *

આફટર ઓલ, ક્રાઇમ ઇઝ લેફટ હેન્ડેડ ફોર્મ ઓફ હ્યુમન એન્ડેવર. અડધી સદી કરતાં પણ અગાઉ આવેલી ફિલ્મ ‘આસ્ફાલ્ટ જંગલ’નો આ કેવટેબલ કવોટ બની ગયેલો ડાયલોગ છે. બૂઢા છાપાળવા અનુવાદકો જેવો વર્ડ ટુ વર્ડ અનુવાદ કરો તો આ વાત સમજાય એમ નથી. પણ જમણો હાથ ‘રાઇટ’ સાઇડનું પ્રતીક છે, અને ડાબો હાથ લેફટ નહિ પણ ‘રોંગ’ સાઇડનું. બીજી રીતે, જમણેરી હોવું કોમન છે. ડાબોડી અપવાદરૂપ છે. ડાબોડી અને જમણેરીને કંઇ જોતાંવેંત ઠીક, સાથે રહીને પણ અલગ ન તારવી શકે! બંને નોર્મલ જ લાગે, નોર્મલ જ હોય. પણ ડાબોડી માણસ ડાબા હાથનો ઉપયોગ કરે ત્યારે ઘ્યાનથી જોનારને (રીપિટ, ઘ્યાનથી જોનારને) કંઇક અલગ લાગે. માટે લેફટ હેન્ડ એ ચાલુ ચીલાને પડકારીને અલગ પડવાના ‘ડેવિએશન’ કે વળાંકનું પ્રતીક પણ ગણાય. વળી ડાબો-જમણો બંને હાથ એકબીજા જેવા જ હોવા છતાં એકબીજાથી, ઉલટા છે. અરીસામાં જુઓ તો ઉલટ-પુલટ થઇ જાય. જમણો ડાબો લાગે ને ડાબો જમણો! અક્સ ઉર્ફે રિફલેકશન!

‘આસ્ફાલ્ટ જંગલ’નો વિલન પણ આ જ કહેતો હતો. ભીડમાં ખિસ્સું કાપી લેનાર ખિસ્સા કાતરૂ જેનું ગજવું કપાયું એના માટે નાલાયક, શેતાન, હરામખોર છે. એ પાકિટમાંથી એ ચોર પોતાના છોકરાં માટે રમકડું લઇને જાય, ત્યારે બાપ તરીકે હેતાળ, મોજીલો, વ્હાલસોયો છે! સાચું શું? કદાચ બંને. આપણાં ધાર્મિક વારસાના વઘુ પડતાં પ્રભાવને લીધે વર્ષો સુધી આપણી ફિલ્મો અને સાહિત્યની દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ જ રહી છે. ખલનાયક સાવ કાળો, નાયક સાવ ધોળો. પણ માણસ મોટેભાગે કાળા-ધોળાના સંઘર્ષમાં સરકસના ટ્રેપિઝ આર્ટિસ્ટની જેમ ઝૂલતાં ઝૂલતાં ભૂખરો થઇ જતો હોય છે. કોઇ એવરેસ્ટનું આરોહણ કરવા નીકળે એ જેમ ‘પરાક્રમ’ છે, એમ કોઇ લૂંટનો પ્લાન ઘડવા બેસે એ સમાજ માટે ‘ક્રાઇમ’ છે, પણ એના માટે તો સાહસ છે, પરાક્રમ છે. ભલે અવળી બાજુનું, રિવર્સ સાઇડનું… પણ સાહસ. ક્રાઇમ એકચ્યુઅલી કરવા માટે પણ કલેજું જોઇએ. નહીં તો એવા વિચારો ૧૦૦માંથી ૯૯ નાગરિકોને આવતાં જ હોય છે.

૧૯૫૮માં જેમ્સ હેડલી ચેઇઝની એક વાર્તા પરથી ફ્રેન્ચ ફિલ્મ બની હતીઃ વોટ પ્રાઇસ મર્ડર. (જેની સીધી નકલ એટલે કેતન મહેતાની ‘આર યા પાર’!) જેમાં એક હોંશિયાર, ભલો લાગતો માણસ પૈસા ખાતર માલદાર સ્ત્રીને પરણી પછી એની સેક્રેટરીના પ્રેમમાં પાગલ બની જતાં અંતે છેતરાય છે. એના એન્ટી-હીરોને તપાસનીશ કાનૂની અધિકારી પૂછે છે- તારા જેવા સમજદાર માણસે આ ગુનો શા માટે કર્યો? જવાબ મળે છેઃ સાહેબ, તમને નહિ સમજાય… તમે કદી મઘ્યમ વર્ગના માણસની આંખે સુખના સપનાં જોયા છે?

***

ચીપી ચીપીને સુષ્ઠુ સુષ્ઠુ બોલતાં અને તેલ પાયેલી પાંથીથી ચપ્પટ વાળ ઓળતા ઘણાં ડાહ્યાડમરાં ઠાવકા કાર્યકરોને ક્રાઇમની નોવેલ કે ફિલ્મની વાત આવે, તો માઠું લાગી જાય છે. જાણે ગાળ દીધી હોય એવા રોષથી એ ટીકી ટીકીને જોયાં કરે છે. એમાંય સરસ થ્રીલર કથા વાંચવા / જોવાની ભલામણ કરો તો ટાયર વચ્ચે પૂંછડી દબાતા કુરકુરિયું ‘કાંવ કાંવ’ કરીને ભાગે એમ સંકોચથી એ ધરતી માર્ગ આપે તો સમાઇ જવા માટે તત્પર રહે છે.

તમારે ક્રાઇમ કરવો નથી, તમે ક્રિમિનલ માઇન્ડેડ નથી. તો પછી શા માટે આ અંધારી દુનિયામાં તમને રસ પડવો જોઇએ? બેશક પડવો જોઇએ. ન પડતો હોય તો પાડવો જોઇએ! સિમ્પલ. તમારે ક્રાઇમ નથી કરવો, પણ બીજાને તો કરવો છે ને? શું ક્રિમિનલ્સ પોતાના ગળામાં ઓળખાણનું પાટિયું લટકાવીને ટહેલતાં હોય છે? ઉલ્ટું, તમે જેટલા વઘુ ભલાભોળા, સીધાસાદા, ગોડ ફિઅરિંગ ઇન્સાન હશો, એટલા જ ક્રિમીનલ્સની નજરમાં જલ્દી આવશો. તમને જોઇને મોંમાં એને પાણી છૂટશે! વાત એટલી જ છે કે આંખો મીંચી જવાથી વાવાઝોડું દેખાતું બંધ થશે, આવતું કે તબાહી મચાવતું બંધ નહીં થાય! ઘણાં લોકો એકાદી ફિલ્મ જોઇને કશોક હાસ્યાસ્પદ અપરાધ કરી નાખે છે. (અને ઝડપાઇ જાય છે!) કારણ કે એમની ખાલી ખોપરીમાં જે નાખો એ ઉતરી જવાનું છે.

જે રસથી ક્રાઇમ થ્રીલર્સ માણે છે, એમનું કેથાર્સીસ (વિરેચન) તો વાંચન કે ફિલ્મ દર્શનથી મોટેભાગે થઇ જતું હોય છે. અપરાધનું એકસાઇટમેન્ટ કાલ્પનિક જગતમાં માણી લઇ, એ લોકો વઘુ સરળતાથી વાસ્તવમાં જીવી શકે છે. આમ પણ, ક્રાઇમ માટે ઇન્ટયુઇશન (અંતઃપ્રેરણા) અને સિચ્યુએશન (સંજોગો)નું મિલન જરૂરી છે. કોઇ કિતાબ કે ફિલ્મ નિમિત્તમાત્ર છે. એ હોવા છતાં પણ ક્રાઇમ ન થાય, અને પ્રિન્ટિંગ પ્રેસ કે કેમેરાની શોધ નહોતી થઇ ત્યારે થતા હતાં! ધર્મને બાદ કરતાં કોઇપણ ક્રાઇમ માટે ત્રણ તૃષ્ણાઓ કારણભૂત છે: સત્તા, સંપત્તિ અને સ્ત્રી! (સ્ત્રીઓ માટે પુરૂષ ગણવાનો ફેમિનિસ્ટ નિર્ણય લો, તો પણ સ્ત્રી જ કર્તા બની, અને યુગોથી સ્ત્રીને ખાતર કઠપૂતળાની જેમ પુરૂષ ક્રાઇમકર્મ કરતો આવ્યો જ છે!) આ ત્રિમૂર્તિનું કશુંક કેમિકલ રિએકશન કેટલાક દિમાગોમાં આવે છે, જેનું સંયોજન એને ગુનેગાર બનાવે છે. ઇનશોર્ટ, ક્રિમિનલ્સથી ખદબદતી દુનિયામાં જીવવા માટે એમની સાથે મેચ રમવી રિસ્કી બિઝનેસ છે, માટે ક્રાઇમનું મનોજગત સમજવા ફિલ્મો- કિતાબોની નેટપ્રેકિટસ રાખવી. ભોળી બાળાઓ ઓછી બેવકૂફ બનશે, અને તમારૂં કોઇ ‘કરી’ નાખતું હશે તો કદાચ તમને હજામત પૂરી થઇ જાય એ પહેલાં તેજદિમાગથી અહેસાસ થશે!

દિમાગની ધાર કાઢતાં ક્રાઇમ થ્રીલર્સની ફિલ્મોના ત્રણ-ચાર પ્રકાર છે. એક છે ‘હેઇસ્ટ’. બેન્કની કે હીરાની લૂંટ બતાવતી અજરઅમર ફિલ્મો હેઇસ્ટ કહેવાય છે. બીજો ‘કેપર’ થ્રીલર છે. કોઇ પ્લાન થાય, એના માટે ટીમ બને, પ્લાનનો દિલધડક રીતે અમલ થાય અને પછી કશીક ગરબડ થાય… પ્લાન પૂરો ન થાય અને ટીમમાં જ અંદરોઅંદર ધમાલ થાય, એ છે કેપર (એ કોમેડીનો પણ પ્રકાર થઇ શકે.) ત્રીજો પ્રકાર છે ‘કોન મૂવીઝ’. કોન ફોર કોન્ફિડન્સ, કોન્સપિરસી, કોન્ટ્રાડિકશન, કન્વિકટેડ. જેમાં મોટી ટુકડી કે ઝાઝા હથિયારો વિના વિચારોના જોરે અજબગજબની રમત કરીને કશુંક ભેદી કાવત્રું પાર પાડવામાં આવે, અને ઉલ્લું બનાવવામાં આવે એવા અટપટા આટાપાટા અને દિલચશ્પ દાવપેચની રોલરકોસ્ટર રાઇડનો રોમાંચ એટલે કોન મૂવીઝ. કોન કેપર્સના કેટલાક અફલાતૂન અનુભવો યુરોપિયન સિનેમામાં છે પણ આપણા માટે વઘુ જાણીતા હોલીવૂડમાં ડબલ ઇન્ડેમનીટી (જીસ્મ), ગ્રિફટર્સ, નાઇટમેર એલી, લોક સ્ટોક ટુ સ્મોકિંગ બેરલ્સ, કોન્ફિડન્સ, સ્ટિંગ, પ્રેસ્ટિજ, ઇલ્યુઝનિસ્ટ, હાઉસ ઓફ ગેમ્સ, સ્પેનિશ પ્રિઝનર, રિઝર્વિઅર ડોગ્સ,વેગ ધ ડોગ, મેમેન્ટો, બાઉન્ડ, સ્નેચ, શેડ, ડ્‌બલ ઇન પેરેડાઇઝ. એફ ફોર ફેક, આફટર ધ સનસેટ, કેચ મી ઇફ યુ કેન, એની નંબર કેન વિન ઉફફ માત્ર યાદી કરો તો પણ આખું પાનું  નહિ, આયખું ઓછું પડશે.

* * *

આવી સ્વદેશી ફિલ્મકૃતિઓ અલબત્ત ભેળસેળિયા ઘી જેવી હોય છે, કામ તો આવે પણ ગંધ અને સ્વાદ પૂરો ન આવે. એમાં ફેમિલી ડ્રામા, રોમાન્સ, સોંગ્સ બઘું જ પ્રેક્ષકોને રાજી કરવા આડેધડ ઠપકારવું પડે. તો ય પાછા બહેનોના ટોળેટોળાં કંઇ રૂમાલ લઇને રડવા ઉમટે નહિ! ન ખુદા ભી મિલા, ન વિસાલે સનમ. એમાં કોઇ જીનિયસ હિન્દી ફિલ્મોના તમામ મરીમસાલાનો જ ઉપયોગ કરી, અસલી ભારતીય માહોલમાં, ટિપિકલ ઇન્ડિયન કેરેકટર્સ સાથે એકદમ ઝક્કાસ ક્રાઈમ થ્રીલર બનાવે, ત્યારે આભલાંનો ટુકડો ખરીદવા ગયેલા માણસને હીરાની ખાણ જડી આવે, એવો આનંદ થાય! શ્વાસ લેવાની કાયમી કસરત ઉપયોગી લાગે એવી ક્ષણો આમ પણ જીંદગીમાં ઓછી આવે છે.

તમને આ બઘું ગપ્પાબાજ સેટ અપ લાગે છે? વેલ, ફિલ્મો, પણ આખરે તો એક મોટો ફ્રોડ છે ને, મેઇકબિલિવના બે-અઢી કલાકનો કોન!

ફાસ્ટ ફોરવર્ડ

‘અંતરાત્માનો અવાજ એટલે કાનૂન કે કુદરતની સજાનો ડર. બીજું કશું જ નહિ!’ (ઓસ્કાર વાઇલ્ડ)

# અપડેટ : મને સૌથી વધુ ગમેલી પાંચ ગુજરાતી ક્રાઈમકથાઓ  :

* પાંચ ને એક પાંચ – વર્ષા અડાલજા
*પાણીનું પાર્સલ – ગૌતમ શર્મા
* કટિબંધ – અશ્વિની ભટ્ટ
*મુખ સુખ – મધુ રાય
*પાશ  – યશવંત મહેતા

 

 
49 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 27, 2012 in art & literature, cinema

 

lolzZz…

sometimes, a single cartoon sparks thousand cheers.. 🙂

courtesy n copy right : satish acharya

..and sometimes a fun video sparks million cheers…!  😉

 
13 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 20, 2012 in fun

 

સચીનનું (મ) હાશ (તક) :)

if a man is known by company he keeps, a champion must be known by opponents he keeps i guess 😛

આજે ફેસબૂક પર સચિનની એક વર્ષે માંડ માંડ પૂરી થયેલી, નવવારી સાડી કરતા ય લાંબી ખેંચાયેલી , ૯૯ શતકોની આબરુ દાવ પર લગાવી દેતી મહાસદી થઇ ત્યારે કટાક્ષમાં આ લખ્યું. ઘણા મિત્રોને ના ગમ્યું. ઈટ્સ ફાઈન. હુ લખું કે માનું એ ગમાડવું કે માનવું ફરજીયાત નથી. હું ‘ગોડ’ નથી, અને મારે થવું ય નથી !

આંધળી ભક્તિ કોઈ મારી કરે તો ય હુ પસંદ કરતો નથી તો હું તો બીજાની કરું જ નહિ. હુ વારંવાર કહું છું તેમ  કોઈના ય ગુણ -દોષ એકબીજાથી સ્વતંત્ર ત્રાજવે તોળવા જોઈએ. અમિતાભ મહાન અભિનેતા છે. +૧ . અમિતાભની સ્ક્રિપ્ટ સેન્સ કચરા જેવી છે . -૧. કોઈને સારું નહિ, પણ મને સાચું લાગે તે વ્યક્ત કરવું એ મારો સ્વ-ભાવ છે. સચિનની શ્રેષ્ઠતાના વખાણ તો  મેં એફ.બી. /ટ્વિટર પર નહિ, પણ મારી જાહેર કોલમમાં કર્યા છે. એક વખત તો પૂરી ખેલદિલીથી એણે મને ખોટો પાડ્યો એવું સ્પષ્ટ કબૂલ કરીને. પરંતુ એટલી જ તટસ્થતાથી હુ સાચો પડ્યો હોય તો ય હુ લખું. અન્ડરપ્રેશર રમવામાં સચિનની જે નબળાઈ છ વર્ષથી મને ને હવે રહી રહીને બીજા ઘણાને દેખાઈ ગઈ છે, એ એને કે એના ચાહકોને ના દેખાય એનાથી સત્ય બદલાતું નથી. ના તો એણે લીધે સચિનની મહાનતા ઓછી થાય છે. કોઈને ડાંસ ના આવડે એથી ડ્રાઈવિંગ ના આવડે એમ ના કહેવાય , પણ ડ્રાઈવિંગ સારું કરે એટલે ડાંસ ના આવડતો હોય તો ય મારે એ સ્વીકારવાનું? સચિન ઈમરાન સામે લોર્ડ્સમાં રમ્યો ત્યારથી હુ જોઉં છું. બિરદાવવા જેવું હોય ત્યાં બિરદાવું છું, ને ના હોય ત્યાં વખોડું છું.  કાલે એ મને ખોટો પડે તો ક્રિકેટફેન તરીકે મને જ વધુ આંનદ થવાનો, ને સારા પરફોર્મન્સ માટે હુ શાબાશી આપું. તાળીઓ વગાડું.અને ખરાબ પરફોર્મ કરે તો એ એક જમાના માં ઝુડતો એવી રીતે ઝાટકી કાઢું. (પણ મારી અક્કલ ગીરવે મુકીને શા માટે બેસું?) એ જ તો મારું મારી જાત અને મારાં વાચકો પ્રત્યેનું કર્તવ્ય છે. પણ ઢસડાઈને બાંગ્લાદેશ સામે સેન્ચુરી મરતા મરતા ( અને મેચ હારતા) કરેલી સદીથી મને હરખ કરતા શોક વધુ થાય. 😉

બીજી વાત, ક્રિકેટ ટીમ ગેઇમ છે ને ઘણા ખેલાડીઓએ રેકોર્ડ કુરબાન કરી ટીમને જીતાડી છે. રેકોર્ડ ખાતર ટીમને હરાવી નથી. સચિન મને પસંદ જ છે, પણ સોરી, એને તો શું કોઈને ય હુ ભગવાન માનતો નથી. જાહેર ક્ષેત્રમાં જે આવે એણે પોતાના પબ્લિક પરફોર્મન્સ ની ગમે તેવી સમીક્ષા માટે તૈયાર રહેવું પડે- એમારું અંગત મંતવ્ય જ નહિ, આચરણ પણ છે. હા, અંગત જીવનમાં નાક ખોસવાનું ના હોય. હુ સચિનના દાંપત્યની નહિ, ક્રિકેટની વાત કરું છું. ને મારાં લેખ / વક્તવ્ય અંગે લોકોને જે કઈ કહેવું એ કહેવાની છૂટ હમેશા આપું છું. એમ જ હોવું જોઈએ. એ મોરલ એકાઉન્ટેબીલિટી છે. હુ તો મારાં પરફોર્મન્સ કોઈ સવાલ પૂછે તો  એનો ખુલાસો કરવા ય પૂરતા પ્રયાસ કરું છું. આ બાબતમાં સચિન મીંઢો છે, અને સૌજન્યના નામે કદી નિખાલસ ચર્ચા કરવા તૈયાર થતો નથી. પ્રેશરમાં રમવામાં ઢીલ જેવો જ એનો આ ય અવગુણ છે. પણ જાડું કાંતનારા સમાજની ઝીણી નજર હોતી નથી. મારાં પાનસિંહ તોમર પરના લેખમાં એના સાથી ક્રિકેટરને જ ક્વોટ કરેલો કે એ ના રમે ત્યારે દેખાતો જ નથી મીડિયાને ફેસ કરવા ! અને આજે બધી ચેનલ પર પર્સનલ ઇન્ટરવ્યૂ આપવા હાજર!  😀

ત્રીજી વાત. અન્ય ખેલાડીઓના અભિમાની, છેલબટાઉકે સ્વાર્થી વર્તનની સાપેક્ષે સચિનનું વ્યક્તિત્વ/ ઓન એન્ડ ઓફ ગ્રાઉન્ડ વર્તન દાખલારૂપ સંયમિત રહ્યું જ છે. એ એની સિધ્ધિઓની કક્ષા જોતા કાબિલે દાદ છે. પણ એમાં દેશપ્રેમનો તિરંગો રંગ બેરલ ભરીને ઠાલવવો એ અતિશયોક્તિ છે. ભારતના પ્રત્યેક ક્રિકેટરને રમવાના , ઉભવાના, બોલવાના, ફોટો પડાવવાના ચિક્કાર પૈસા મળે છે. સચિનને સૌથી વધુ. છતાં ય, ફરારી કાર પર ટેક્સની માફી એણે જ માંગી હતી. પ્રજાની હાલાકી દુર્ કરવા બનતા ફ્લાયઓવરનો પોતાના ફ્લેટ વ્યૂ બગડે નહિ માટે લતાએ  વિરોધ કર્યો હતો, ત્યારે ય સચિનના બંગલાની એફ.એસ.આઈ.ના નિયમોના ભંગનો વિવાદ ચગ્યો હતો. ચેરીટી એ ફરજીયાત નથી. (અને એ કોઈ પણ પરફોર્મરના પરફોર્મન્સને માપવાનો માપદંડ પણ નથી જ. પણ આ વાત માત્ર જે લોકો ક્રિકેટમાં રાષ્ટ્રભક્તિનું કોકટેલ કરે છે, એમના પૂરતી જ છે ) પણ એ કેટલાક મુગ્ધ ચાહકો દાવો કરે છે, એવો કોઈ ક્રિકેટર અમર શહીદ જવાન નથી. એટલું જ દર્શાવવા માટે કાફી છે. સચિન સંનિષ્ઠ અને બેહદ પ્રતિભાશાળી ક્રિકેટર છે. મેં જ લખેલું કે ના-લાયક નેતાઓ અને ભારતમાં કોઈ ઓળખતું ના હોય એવા-એક પગ કબરમાં લટકતો હોય એવા- ટાયર્ડ કે રીટાયર્ડ કલાકારો કરતા સચિન જેવા લોકપ્રિય જવાનને ભારત રત્ન મળે એ મને ગમે. પણ એથી કઈ એ ગાંધીજી કે સરદાર કે ઇવન સામ માણેકશા બની જતો નથી. એ સહજ નહિ, પણ અસામાન્ય વળતર માટે રમે છે. વ્યક્તિગત સદીની નજીક આવે એટલે પોતાના રેકોર્ડ ખાતર એ ટીમ ગેઇમ ધીમી કરી નાખે એ તો અનેક વખત છેલ્લા વર્ષોમાં દેખાયું છે. આમ પણ હિરોઈક ઇનિંગ એની સિંગલ હેન્ડેડ મેચ વિનર કે સેવર (શારજાહ જેવા આંગળીના વેઢા વધી પડે એવા અપવાદો, એ ય વીસ વર્ષની લાંબી લચ કારકિર્દીમાં બાદ કરતા !) હોતી નથી. કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં જ હોય છે. એ ઓસ્ટ્રેલીયામાં હોત તો સ્ટીવ વોઘની જેમ ૨૦ વર્ષ રમવાની કેપેસીટી હોય તો ય બોર્ડે જ જરાક નબળું પરફોર્મન્સ હોય ત્યાં ઘેર બેસાડયો હોત ! આજે  દેશ માટેની નવલોહિયા તૈયાર કરતી ઓછા વળતરની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો એની પાસે સમય નથી, પણ આઈ.પી.એલ. માં રમવા એ રેડી  હોય છે. એની એક જાહેરાતની કમાણી પણ એણે કોઈ  ખેલાડીને મદદ કરવા આપી છે? (અપડેટ : કેટલાક મિત્રોના કહેવા મુજબ અમુક વખતે મદદ કરે છે. ગુડ. પારકા પૈસે ફંડ રેઇઝીંગને બદલે જો ખિસ્સામાંથી આપે એ ઉમદા બાબત છે. બ્રેવો. પણ આઈ.પી.એલ.ની વાત વિચારવા જેવી જ છે.) સચિન પાસે જે અધધધ પૈસા અને પ્રતિષ્ઠા છે, એમાંથી એણે બીજી કોઈ રમતના ખેલાડીને મદદ કરવા કશું નોંધપાત્ર દાન કે યોગદાન આપ્યું હોય એવું મને યાદ આવતું નથી. ના તોકોઈ મહત્વના રાષ્ટ્રીય મુદ્દા પર ખુલીને એણે કદી કોઈ સ્ટેન્ડ જનહિતમાં લીધું છે. 😦

બાય ધ વે, તમે સચિન જેટલું રમ્યા છો?, એવો ઉલ્લુ જેવો સવાલ કોઈ લલ્લુ કરશે તો હું પુછું ને કે સચિને કદી મારાં જેટલું લખ્યું / બોલ્યું છે ? lolzzz. જસ્ટ કિડિંગ.  ઇન શોર્ટ, દરેક પ્રમાણમાં જાણીતો કે થોડોકે ય સફળ માણસ પોતપોતાના ફિલ્ડમાં કામ કરતો હોય છે. એમાં નવી નવાઈની વાત નથી. કેવું કામ કરે છે, એ મહત્વનું છે. ‘જૂની મૂડીના વ્યાજ’ ઉપરાંત આજે શું કરે છે એ ય અગત્યનું છે.  અને ફક્ત (રિપીટ ફક્ત) આંકડાઓથી ક્યારેય અસલી ફાઈટિંગ એટીટ્યુડની પહેચાન થતી હોતી નથી.

સચિન, એક મહાન દંતકથામય  અને અંગત રીતે બેહદ પસંદ ક્રિકેટર છે, અને રહેશે. (એ કોઈ બીજો નહિ પણ સચિન છે, એટલે તો આ લખ્યું છે, સિમ્પલ! )પણ લીજેન્ડસ્ ક્યારેય પ્રોબ્લેમ ફ્રી નથી હોતી. એટલે જ વધુ રોમાંચક હોય છે.

અને દંતકથાઓ કમ સે કમ પૂરી ય થતી હોય છે. દાંત પડી જાય ત્યાં સુધી ખેંચાતી નથી ! 🙂

અપડેટ (કર્ટસી : રીડરબિરાદર આશુતોષ પટેલ. જેમણે સચીનથી વધુ ‘સચ’ના ફેન થવું હોય એમના માટે ! ખાસ નોંધ : આ ચાર્ટ  નવો સુધારેલો ફરીથી મુક્યો છે, ગઈ કાળના ચાર્ટમાં મોવ્રના અંક્દાની ગરબડ પ્રત્યે જયદીપે ધ્યાન ખેંચ્યા બાદ. થેન્ક્સ આશુતોષ )

 
212 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 17, 2012 in india, philosophy, youth

 

પહેચાન કૌન ? ;)

હુ ઇઝ ધિસ ગર્લ ?

મીન્સ પાપા પ્યારેના ખોળામાં બેઠેલી ઢીંગલી કોણ છે?

સોચો સોચો…

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

કોણ છે?

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

ખબર પડી ગઇ ને?

*
*
*
*
*
*
*
*

લે , હજુ ઓળખાણ ના પડી?

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

તો જોઈ લો જવાબ….

*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*

‘બાળ’ વિદ્યા હજુ જોવી છે?

*
*
*
*

વન્સ મોર નન્હી મુન્ની વિદ્યાબેબી…

*
*
*
*
*

અને બેટી જ નહિ, બા- બાપુજી ય કેવા મોટા થઇ ગયા?!

*
*
*
*
*

ઇસે કહેતે હૈ..ટાઈમ ફ્લાયઝ !! 😛

 
36 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 15, 2012 in fun

 
 
%d bloggers like this: