RSS

ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!

07 Mar

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ

હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ

અહીં’યે છંટાય વળી તહીં’યે છંટાય

હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઉડે ગુલાલ!

* * *

બહેકે જૂઇ ચમેલડી, બહેકે મલયસમીર

ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર

પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ

વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ

* * *

ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!

એના રંગે રંગાઇ ગયો તડકો રે હો!

વનની વચ્ચોવચ સોહે પલાશ

ધરતીની આજે પુરાઇ છે આશ!

આજ ઉઘડયો શો અગ્નિ-ઉમળકો રે હો

ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!

* * *

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ

કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ

કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!

તારો મારગ ઢૂંઢતા કે મારો ભુલ્યો રે…

વન વન મહેંકે મ્હેંકતો કે જીયરો ખુલ્યો રે

જોબનને ઝરૂખડે કે આતમ ઝૂલ્યો રે….

* * *

હતાશ બેઠી હોળિકા ખોળે લઇ પ્રહલાદ

પોતે ભસ્મ થઇ, મળ્યો શિશુને પ્રભુ-પ્રસાદ

‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’

હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી

થતા પુલકિત અંગ સારાં, ચોંકી ઉઠે રક્ત ધારા

ધસે ફુંફવતી સફાળી જયમ મત્ત કો માગણી

આજ આવી ફાગણી!

પુષ્પભર પેલી નમેલી, ચારૂ ચમકે જો ચમેલી

ચંદ્ર ચળકે, સિંઘુ સળકે! તારલા મૃદુ મીઠું મલકે

રે! અકેલી તું જ શું આજે ઉદાસ અભાગણી?

ધીરી હલકે ધરા હીંચે વિશ્વખાટ સુહાગણી

આજ આવી ફાગણી!

* * *

છૂટે હાથે ફુલ વેરતી આવી,

હૈયે હૈયે રસ પ્રેરતી આવી

માનવઉર મ્હેંકાવતી આવી,

પ્રીતના ગીત લ્હેકાવતી આવી

વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી

ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી

ક્ષિતિજ કૂદતી, પૃથ્વી ખુંદતી, મદીલી ડોલતી, રસ હિલોળતી

દ્વેષના ક્લેશના ઇંધણ બાટતી, રંગ-ઉમંગ ગુલાલ ઉછાળતી

રંગભરી પિચકારીએ સૃષ્ટિના વનો બધા છંટકાવતી આવી

માનવના સૂતા હૃદય મંડળે કોકિલફુલ ટહુકાવતી આવી

અમી છલકતી છાતડી લાવી, ફાગણી આવી!

*****

ઉઉહમ્ફ! આવી કાવ્ય પંકિતઓ પર નજર નાખીને હાંફ ચડી ગઇ? આપણી ભાષાના જ નહિં, કોઇપણ ભાષાના ઉત્તમ કવિશ્રેષ્ઠ ગણાય એવા ઉમાશંકર જોશીની કેટલીક કૃતિઓની સિલેકટેડ પંકિતઓની આ ‘મેડલી’ છે. રિમિકસ કલ્ચરના બંદાઓને મેડલી શું એ સમજાવવું નહિં પડે. કોણ જાણે કેમ, ગુજરાતીમાં લખાયેલી કવિતાઓ પ્રત્યે ઘણાં ધાવણા વાચકોને એક બચકાની ચીડ હોય છે. આ જ બધા પાછા દર દસ મિનિટે ‘આઇ લવ ઇન્ડિયા’ અને ‘ગુજરાતના ગૌરવ’ના ગગનભેદી પોકારો કરતાં ફરે છે! ગુજરાતીના ડિયર બેબી રિડર્સ, જે દેશ અને રાજયની ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવા અને પચાવતા ન આવડતું હોય ત્યાં એ દેશ ટકવાના કે એ ટકાવવામાં આપના ફાળાના ખ્વાબ પણ જોવા એ કયામત હી કયામત હૈ! જો ફિલ્મગીતો ગમે, તો કવિતા પણ ગમે જ! જરૂર રસરૂચિ કેળવવાની છે. કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. ફાગ કે ફાગુ કાવ્યોની ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી પરંપરા છે. પરંપરા પૂર્વે ભૂલાઇ ગયેલા કવિ રત્નાએ લખેલું :-

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ

હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ

અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ

વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ

કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ

અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ

કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!

કોન્વેન્ટ જનરેશનના રીડર-‘રીડરાણી’ઓ માટે કેટલીક ટિપ્સ. તંબોળ એટલે પાન. કેસૂ કે કિંશૂક એટલે કેસૂડાંના ફૂલ. હવે કેસૂડો એટલે શું એવું પૂછવા કરતાં તો કેસૂડાના રંગમાં સાઇનાઇડ ઘોળીને આપી દેજો! પલાશ એટલે ખાખરો ઉર્ફે કેસૂડાંનું ઝાડ. વઘુ વિગત માટે જો ચડે જોશ, તો પ્લીઝ રિફર ભગ્વદ્ગોમંડલ કોશ!

જે તરવરાટ અને થનગનાટ મેટ્રોસિટીઝમાં વીક-એન્ડમાં ગ્રાન્ડ પાર્ટીઝમાં હોય છે, એ અનુભૂતિ એક જમાનામાં કેવળ ફાગણમાં થતી. સ્ત્રી-પુરૂષ, બાળક-વડીલ, દોસ્ત-દુશ્મન બધા ભેદ ભૂલીને તમામ સંબંધોની લાજશરમ મૂકીને ઘુળેટી પર બસ સાથે નાચવાનું, ઝૂમવાનું, એકબીજાને રંગવાના… એકબીજાની કાયાઓ મસ્તીમાં રગદોળવાની… ભીંજાવાનું અને ભીંજવવાના… ચીતરવાનું અને ચીતરવાના… ન કોઈ રોકે, ન કોઈ ટોકે… બસ રહેમાન સ્ટાઈલમાં ગાતા જવાનું : મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે….

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો

જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો

શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો

ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો

વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા

કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા

કોઈનો ભીજે કંચવો, કોઈના સાડી-શેલા

કોઈના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

આ મેલોડિયસ મેલડી કવિ બાલમુકુંદ દવેની છે… અડધી સદી અગાઉ રચાયેલી! કાન-ગોપીના સિમ્બોલ વડે હોળી-ઘુળેટી ખરેખર બંધિયાર ભારતીય સમાજમાં નર-નારીના ફ્લર્ટંિગ માટે ઉઘાડું ફટાક મુકાઈ જતું ફાટક હતું. અંગઉલાળા ને આંખઈશારાથી દેહ પર રંગ અને મનમાં કામતરંગ ઉડી જતા ઠંડીનો પડદો ઉઘડતો… અને તખ્તા પર મિલન સમાગમના અશ્વો હણહણાટી બોલાવી હોળીની અગનમાં જલતા! બાલમુકુંદ દવેના જ શબ્દોમાં કોઈ ઘેરૈયો અને રંગનાર છોગાળો યુવક, કોઈ રૂપ ઢોળાય એમ નજરમાં રંગો પૂરાય એવી ગોરીને કહેતોઃ

‘દિલદડૂલો સમાલજે ગોરી!

ફાગણવાયુ કમાલ છે હોરી!

બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,

વાગશે કો’કના નેણની ગેડી!’

ઘૂળેટીની ટિખળી મસ્તીમાં ગોરી પણ રોકડુ પરખાવતી:

‘નીરમાં સરી જાય ઘડૂલો,

એવો નથી મારો દિલદડૂલો,

ઘેરૈયા ખાલી વેણથી ખીજી,

બંધબારણે રે’ય એ બીજી!’

ઘેરૈયો કહેતો:

‘વાયરા વનના જાય ન બાંઘ્યા,

એવા અમારા મન હે રાધા!

કોકના દિલમાં વસવા ખાનગી,

માગતા અમે નથી પરવાનગી!’

અને સામેથી મળતો ૨૧મી સદીનો લટકાળો જવાબ:

‘આપમેળે રંગ રેલાઈ જાય તો,

અમે નથી એને લુછીએ એવા

તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,

અમે નથી ઘર પૂછીએ એવા!’

ઘૂળેટીને જો ધારો તો એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી શકાય તેમ છે. વેસ્ટર્ન કલ્ચરના વિરોધ કરતાં આ વઘુ પોઝિટિવ પડકાર છે. શું નથી આ તહેવારમાં? ઉલ્લાસ છે, સમાનતા છે, મસ્તી છે, નશો છે. સંગીત છે, કુદરત છે, ડાન્સ છે, જોશ છે, પ્રકાશ છે અને કોઈપણ ઉત્સવના બ્રાન્ડ પોઝિશનિંગ માટે અનિવાર્ય એવા છોકરા અને છોકરી છે! વસંતની મંજરી આંબે જ થોડી આવે છે, જીવનમાં પણ ટીનએજમાં ઝણઝણાટીના મ્હોર બેસે છે! પ્રિયકાંત મણિયારે લખેલું :

છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી

જમુના જલમાં રંગ ગુલાબી વાટી….

અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ધોરી

કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી

શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે

આજ નીસરી બહાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે

તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું

માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું

જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી

છેલછબીલે છાંટી!

અને ગુજરાતીનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે. (આવી કલ્પનાઓને લીધે જ વગર પિચકારીએ કાવ્યો લખેલા ફકરાઓ કરતા વઘુ રંગીન બનતા હોય છે)… એમણે આ જ અનુભૂતિની પૂર્તિ કંઈક આમ કરી છે- અગેઈન ઈન મેડલી મિક્સઃ

ફરી ફરી ફાગુન આયો રી

મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,

કોકિલ કેરો કંઠ

હોજી માટો જીવ લુભાયો રી!

દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?

ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતા રે અલબેલ!

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ

હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

હો બાજે ઢોલક ડફ બાંસુરિયા, વસંતરો રત ગાવૈરી

હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ, અપની ઘૂન મચાવૈરી

હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ!

આવું વાંચતાવેંત સીધા જૂની પેઢીને ગમતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પહોંચી ગયા છો? આમ તો આપણા જૂનવાણી માનસને ગુલાબી કરતા ભગવો રંગ વઘુ ગમે છે! તો હોળીની ઝાળોમાં પ્રગટતા ઉનાળાના ચેનચાળાને ઝડપવા કેસૂડાંની કલગીવાળો કેસરિયાળો સાફો પહેરીને, જૂની પેઢીના શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતના શબ્દોનો રંગ આંખોમાં આંજી લો.

સખી, કેસરિયો રંગ

રંગ છાંટે છે છેલડો રે…

નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે

ચગે સાંવરિયો મોર, ઔર નાચે છે તાનમાં રે…

સખી ફાગણ બેફામ, જામ પીધા છે સાનમાં રે…

ફાગણી રંગોત્સવની લિજ્જત એ છે કે એમાં ગાલમાં ખીલેલા ગુલાબોને માત્ર દૂરથી સૂંઘવાના નથી… એના સ્પર્શનું સુખ પણ મળે છે! અંગે અંગ હોળી રમવાના જંગમાં ભીંસાય, કોઈ ઓઢણી સરે ને કોઈ ઝભ્ભો ચિરાય… કોઈ ગુલાબી આંખોના જવાબી સરનામાવાળી પાંખો ફૂટી શકે છે. સ્વ. અમૃત ઘાયલે લલકારેલું :

એક ‘રસનું ઘોયું’ એમ મને ‘ટચ’ કરી ગયું

ખંજરો હૃદયમાં જાણે કોઈ ‘ખચ’ કરી ગયું!

એ સૂર્યને ય આજ તો સૂરજમુખીનું ફૂલ

બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

સંતને પણ સતત મસ્ત બનાવે એવી વસંતમાં ગોવિંદસ્વામીએ ઘાયલની શરારતથી સાવ ઉલટી જ કેફિયત આપેલીઃ

કાજળકાળા આભમહીંથી તારલા વાટે તેજ ચૂએ છે

સૌરભની પિચકારી ભરી ફૂલડા રંગે હોળી રમે છે!

મદભર્યા મુજ જોબનગીતો ઝીલવા આજે કોઈ નથી રે

ફાગણના મઘુ-ફૂલ-હિંચોળે ઝૂલવા સાથે કોઈ નથી રે!

વેલ, વેલ. તમે હોળી રમવા માટે રંગેચંગે સજજ હો, પણ તમારી સામે કે સાથે કોઈ રમવાવાળુ ન હોય તો? વેરી સેડ, રિયલી બેડ! પછી સુંદરમની જેમ ગાઈને માંગણી કરશો?

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા

કેસૂડો કામણગારો જી લોલ

વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ

એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.

રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ

સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ

કેસૂડો કામણગારો જી. લોલ.

કે પછી ‘હોલિયા મેં ઉડે રે ગુલાલ’ જેવા ધીંગા ઉન્માદ અને જોરૂકા ઉત્સાહથી ભેરૂબંધો કે બહેનપણીઓની ટોળી જમાવી, બચ્ચા કચ્ચાની ફોજ લઈને પહેલા તો જીવનની થપાટો ખાઈને શુષ્ક થઈ ગયેલા ધોળા વાળોને રંગી નાખશો? એ શ્વેતકેશમાં ઉઠેલા રંગોના ચાંદરડાઓ વિખૂટા રહેતા વડીલોમાં પણ ઉંડે ઉંડે રંગોળી ચીતરશે, અને એમનામાં ગૌરવના ગુલમહોર ફૂટશે કે ‘મને રંગવાવાળુ પણ કોઈક છે, હજુ હું સાવ સૂકાઈ ગયેલું ઠુંઠુ નથી! પછી ગોકીરોદેકારો હલ્લાગુલ્લાના ‘રંગગુલ્લા’ ખાતા-ખવડાવતા જો ફાગણની ફોરમ લાગી જાય… ભીંજાતા ભીંજાતા કોઈ હીરોને આ વસંત પૂરતી હિરોઈન કે કોઈ નાયિકાને હોળીની જવાળાઓમાં તપાવતો નાયક મળી જાય.. તો જાણે લીલાલાલ વાદળી કાળા રંગ ઉપર પડે એક પીળો તેજલિસોટો! રંગ સાચો, સંગ સાચો, બાકીનો સંસારે થાય ખોટો! જો સતરંગી સપનાના સંગાથમાં બે અલગ કાયાના રંગો એક બીજામાં ભળીને એક નવો માયાનો રંગ રચે, તો હિતેન આનંદપરાનું ગીત ટહૂકે..

આવ, તને હુ રંગી નાખું મારા રંગે

લાગણીઓની છાલક એવી મારૂં

અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી

તારા આખા અંગે

લે પીચકારી છપાક દઈ છૂટી કે,

આ કેસરિયા પાણીમાં પૂર અચાનક

ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે

હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.

તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?

પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી

ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે

એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે

આવ તને હું રંગી નાખું મારા રંગે !

ફિનીશ! ફેન્ટેસી ઓવર… ફાગણની કેટકેટલીયે કલ્પનાઓને અઘૂરાં પણ મઘૂરાં સપનાઓની સલામ. એન્ટર ટુ રિયાલિટી! આમ તો વયોવૃઘ્ધ બાળસાહિત્યકાર રમણલાલ સોનીએ એક કવિતામાં દિવાળી સાથે હોળીને સરખાવીને હોળીને સામાન્ય માણસનો યાને ધાણી દાળિયાની ફાંકા મસ્તી પર જીવીને ફાટેલા કપડે શેરીઓમાં રંગારંગ ધમાલ કરવાનો સમાજવાદી તહેવાર ગણાવેલો. ફાગણમાં તડકો છે. ગરમી છે. મોૅઘવારી છે. મજદૂરી છે, પાણીની તંગી છે. આખા પર્વનો ‘મુડ’ કોળિયો કરી જતી કાળમુખી પરીક્ષાઓ છે. અને આમ તો ફાગણવાળું ભારતીય કેલેન્ડર પણ કોને યાદ છે?

સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’

ચિયર્સ ટુ કલર્સ!

ફાસ્ટ ફોરવર્ડ

 

મોરે કાન્હા જો આયે પલટ કે

અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે

 

ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે

યે ગુલાલ અપને તન પે લગાકે

રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..

 

કી જો ઉન્હોંને અગર જોરાજોરી

છીની પિચકારી બૈંયા મરોડી

ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે

 

અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

(શ્યામ બેનગલની ફિલ્મ સરદારી બેગમ’ની ઠુમરી)

# ૯ વર્ષ જુનો લેખ

 


 
29 Comments

Posted by on March 7, 2012 in art & literature, gujarat, heritage

 

29 responses to “ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!

  1. Pradip Patel

    March 7, 2012 at 11:15 AM

    Superlike..!!!!

    Like

     
  2. mayu

    March 7, 2012 at 11:17 AM

    sir, boys holi nahi khelte?????

    Like

     
  3. Balendu Vaidya

    March 7, 2012 at 11:22 AM

    કામ અંગે અંબાજી થી આબુ રોડ મોટર રસ્તે જવાનું થયું અને કેસુડાં ના ફૂલો નો વૈભવ જોયો…નોકરી માં પંચમહાલના ગામડા માં કામ કરતો ત્યારે ત્યાંથી પલાશ પુષ્પો લાવી તેને ઉકાળીને રંગ બનાવેલ અને શહેરી મિત્રો ને હોળી રમાડેલ….અમારા બોસ મારવાડી હતા એટલે હોળી નું મહત્વ હતું અને અમારા ડીવીઝન ના ઓફિસર માટે તેમની સાથે હોળી રમીને કમ્પની ના ગેસ્ટ હાઉસ માં લંચ રહેતું…

    Like

     
  4. rahulthumar

    March 7, 2012 at 11:36 AM

    રંગ બે રંગી કલર ની સાથે કેસુડાના સુગંઘી રંગો ની મોજ સાથે
    અબીલ-ગુલાલ ના રંગો ની સાથે સુમઘુર ગીતો ની સાથે
    જયભાઈ ને હેપ્પી હોળી

    Like

     
  5. Di Shah

    March 7, 2012 at 11:44 AM

    superb hot n sexi articale

    Like

     
  6. Maitri

    March 7, 2012 at 11:54 AM

    Superb! Happy h:-)li.., thank y:-)u

    Like

     
  7. Parthiv Jhaveri

    March 7, 2012 at 12:05 PM

    राधाजी बोली श्रीक्रिष्ना से एक शर्त पे खेलुंगी होली..
    जीत जाऊ तो तुजे पाऊ….और् हारु तो तेरी हो जाऊ…

    HaPpY HoLi to All mY dEar FrienDss

    Like

     
  8. Umesh Shah

    March 7, 2012 at 12:07 PM

    Jaybhai ,

    Simply excellent.Akhu vanchi nathi shakyo karan ke tame lakhyu chhe tem haanf chadi gayo.As you have mentioned , this is something our generation still cherishes such poems and makes us aware about our rich treasure of poems for all colours of life.May be your attempt will bring back our new generation – younsters to old folk songs rather than hippy culture.When people of my generation were in schools / colleges , we used to
    study and enjoy poems by reknowned poets.I think , you must have some from Priyakant Maniar whom I had met personally since he was making Chudas of plastic ( our line of plastic moulding)and I still fondly recollect that he instantly created a poem for me ( I must be 15 then ).

    Like

     
  9. Paras Kela

    March 7, 2012 at 12:27 PM

    JAY BHAI,
    ek slideshow share karo ne.. ran-birangi kaminio no..

    Like

     
  10. Shivani

    March 7, 2012 at 12:45 PM

    Super Like..!! 😀

    Like

     
  11. Shivani

    March 7, 2012 at 12:48 PM

    “મોરે કાન્હા જો આયે પલટ કે

    અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે

    ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે

    યે ગુલાલ અપને તન પે લગાકે

    રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..” Ahahaaa..!! ^_^

    no more words… just feEl tHe CoLorS 😉

    Like

     
  12. Chirag Shah

    March 7, 2012 at 12:55 PM

    dear JV,heartily happy holi 2 u also….

    Like

     
  13. Sunil Vora

    March 7, 2012 at 1:56 PM

    Jaybhai, jo tme antma nlkhyu hot ke aa 9vrsh junu che to khbr pde em nthi,emj lage ke aaje j lkhyo hshe. enjoyed waaghnu rhasy kyre jnavsho?

    Like

     
  14. Pradip Magnani

    March 7, 2012 at 2:08 PM

    wonderful article Jaibhai, thnx for sharing

    Like

     
  15. Manu Chaudhary

    March 7, 2012 at 2:54 PM

    FAGAN AAYO REEEEEEEEE…..
    JV NE LAVYO REEEEEEEEEE….

    Like

     
  16. Manu Chaudhary

    March 7, 2012 at 2:56 PM

    JAY AAVYO RE………
    HAPPY HOLY LAVYO RE…………

    Like

     
  17. Hiren Joshi

    March 7, 2012 at 3:36 PM

    Fagan Foramto avyo….. is also a ear-worthy song

    Like

     
  18. પરીક્ષિત ભટ્ટ

    March 7, 2012 at 4:17 PM

    “કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. “…કવિતાની અદ્દભૂત વ્યાખ્યા…તનરંગી આ તહેવારમા આ લેખે તો મન પણ રંગ્યું…તમે વ્યક્ત કરેલા.. “સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’”…આ દુઃખનો ઈલાજ એક જ…નવી પેઢી જેને સૌથી વધુ ચાહે છે;વાંચે છે અને માને છે-એવા તમે પોતે…આ બાબતમાં જરુરી એવું તમામ કરો; હુ/અમે તમારી સાથે જ છીએ; બસ; એકવાર હુકમ કરો…

    Like

     
  19. Ashvin Patel

    March 7, 2012 at 5:32 PM

    Aaj hum bhig gaye Jay, rang daala aapki holike kavioki yaadone aur aapki baatone

    Like

     
  20. Heri

    March 7, 2012 at 6:16 PM

    વાહ જય ભાઈ વાહ!
    કાવ્યો નું સરસ રસપાન કરાવ્યું. આર્ટીકલ અડધો વાંચીને હાંફ ચડી ગયો.
    તમે મને ફ્લેશબેકમાં લઇ જઈ મારા બાળપણની હોળીની યાદ અપાવી દીધી. ગામના મંદિરમાં કલર અને કેસૂડા થી હોળી રમીને મિત્રો સાથે ખેતરમાં પાણી ના બોર માં ન્હાવા જવાની મજા જ કૈ ઓર હતી.કાશ કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન!!!
    સરસ…

    Like

     
  21. Aarti Mandaliya

    March 7, 2012 at 6:32 PM

    તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું

    માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું

    જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી

    છેલછબીલે છાંટી!
    waah..awesome ..mast mast 🙂

    Like

     
  22. Envy

    March 7, 2012 at 7:09 PM

    મને ગમતા તહેવાર માં હોળી -ધૂળેટી અવ્વલ. પહેલા થોડો અણગમો હતો પણ બાદમાં જામો!

    Like

     
  23. Minal

    March 7, 2012 at 8:59 PM

    Adbhut…super like. Holi to aaje ahi j ramai gai!!! je yuvaan 6e ene Holi g’me 6e….Happy Holi to you too. 🙂

    Like

     
  24. sidhharth

    March 7, 2012 at 10:22 PM

    ‘આપમેળે રંગ રેલાઈ જાય તો,

    અમે નથી એને લુછીએ એવા

    તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,

    અમે નથી ઘર પૂછીએ એવા!’

    Like

     
  25. Chintan Oza

    March 8, 2012 at 12:39 PM

    Wish you very happy holi sir..!!
    Thanxxxxxx for sharing such colorful/wonderful/joyful poems..!!

    Like

     
  26. Kaushang Pandya

    March 8, 2012 at 12:57 PM

    Wish you very happy holi …

    Like

     
  27. jignesh rathod

    March 8, 2012 at 9:57 PM

    Wah JV wah mojjo padi didho..

    Like

     
  28. Nalini

    March 10, 2012 at 11:07 PM

    અતિસુંદર કાવ્ય કણિકાઓ વાંચી ને કવિ દયારામ ના ગોપીભાવ ની રજૂઆત કરતી પંક્તિ નું ધૂંધળું સ્મરણ ઉદ્ભવે છે.
    તું મુજ અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નહીં થવું ગોરો
    ફરી મળતાં રંગ અદલાબદલી તુજ તોરો મુજ મોરો .
    રાધા કૃષ્ણ ના ભાવો ને વ્યક્ત કરતું ખૂબ સુંદર કાવ્ય છે. સમગ્ર કાવ્ય ની શોધ માં સહકાર ની અપેક્ષા રાખી શકું?

    Like

     
  29. hiral dhaduk

    March 12, 2012 at 10:28 AM

    sachi vat chhe ‘fagan ayo re,sathe “jay”ne layo re’.hey jay hu atyare tamari sathe chaka jv holi rami.thanxxxxx very much jay.

    Like

     

Leave a comment