RSS

વરસાદની વાર્તા અને વાસ્તવિકતા : કહાં સે આયે બદરા…?

30 જુલાઈ

કૂલ વરસાદ આજે હોટ ટોપિક છે. ત્યારે મારાં બે વર્ષો જુના લેખો મેળવીને તૈયાર કરેલો આ નવો લેખ જીજ્ઞાસાની તરસ જેમનામાં છે, એમને તો તૃપ્ત કરશે જ. વૈજ્ઞાનિક વાતોમાં આપણું કામ નહિ એવું માનીને ભાગી છૂટવાને બદલે આ શબ્દોમાં માથાબોળ સ્નાન કરવા આગ્રહભરી અપીલ છે. કેટલાક પોતાના જ પ્રેમમાં પડેલા લલ્લુ લપોડશંખો હું જાણે ચોમાસામાં માદક વર્ણનોના જ લેખો લખું છું, એવી ગેરમાન્યતા એમના અન્ય અજ્ઞાનની જેમ છૂટથી વહેંચે છે. એક તો, સાહિત્યના શૃંગારને માણવાની એમની રસિકતાનો દુકાળ ચોમાસામાં ય ભીનો ના થાય એટલા એ કોરાકટ્ટાક હોય છે. અને બીજું એમના જ્યુરાસિક યુગના સંકુચિત મગજમાં પોતાની અને એમના મામકાઃઓની ‘લીલા’ઓનું એટલું વળગણ હોય છે, કે બાકીનાનું કંઈ પણ જોઈને એ લોકો લાલચોળ થઇ જાય છે 😉 ખેર, સુસવાટા મારતા પવન વચ્ચેના વરસાદી વાદળોની જેમ વાત આડા પાટે ફંટાઈ જાય..એ પહેલા વરસાદ વિશેની આ સીધીને સટ્ટ વિગતો વાંચવા લાગો ! 🙂


દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોબ શ્રદ્ધાળુ ભકતજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગેજોગે વરસાદ આવી જાય, તો સંતોષના ઓડકાર સાથે સૌ તૃપ્ત થઈને પોરસાય છે. ન આવે તો કોઈ કંઈ સવાલ પૂછવાનું નથી!

સવાલ તો એ છે કે વરસાદને રિઝવવાનું કે વરસાવવાનું આટલું સહેલું હોય, તો બહુજનહિતાર્થે પ્રતિવર્ષ ભારતમાં નિયમિતપણે આવા યજ્ઞો યોજવા જોઈએ. ઘૂન-ભજન- બંદગી વગેરે કરવા જોઈએ પછી અસંતુલિત વરસાદ કે દુકાળ કે પૂરની સમસ્યાઓ કયારેય ઉદ્દભવે જ નહી! આ ઘૂન-યજ્ઞ વિજ્ઞાન(!)ની પેટન્ટ લઈ દરેક દુકાળિયા દુઃખી મુલકને જળતરબોળ કરી દેવો જોઈએ. આમ પણ પરોપકાર અને દયા તો ભારતીય સંસ્કૃતિની અંગભૂત નીતિ છે ને!

આવી જ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનની છે. કોઈ ભડલીએ ખબરીદારીથી નીરિક્ષણ કરીને કુદરતી સંકેતો સાથે વરસાદના સંબંધ જોડીને કાવ્યપંકિતઓ રચી હોય, એમાં કશું અવૈજ્ઞાનિક નથી. રિસર્ચ, ઓબ્ઝર્વેર્શન અને કાર્ય-કારણનો સંબંધ એ જ વિજ્ઞાન છે. પણ સમય પ્રમાણે કુદરતના રંગઢંગ બદલે પણ છે. માટે ભડલીવાક્યોને ‘બ્રહ્મવાક્ય’ સમજવાને બદલે સંશોધનની સીડીનું એક આવકાર્ય પગથિયું માનીને એના પર ચડવું જોઈએ.

ભડલીની કાવ્યાત્મક કૃતિઓ તો જવા દઈએ, પણ દર વર્ષે પ્રાચિન વર્ષાવિજ્ઞાનના શાસ્ત્રોકત નિષ્ણાંતો પરિસંવાદો કરીને ‘ભૂલાઈ ગયેલા અભુતપૂર્વ વારસાને જીવંત કરવા’ આગાહીઓ કરે છે. પહેલી વાત! આ બધી આગાહીઓ શા માટે આટલી વિરોધાભાસી હોય છે? એક શાસ્ત્રના અનેક અર્થ એકસાથે નીકળે એ સાહિત્ય ગણાય કે વિજ્ઞાન?  બધાની આગાહી એકસરખી કેમ નથી હોતી ? બીજીવાત! આ આગાહીઓ કેમ હરહંમેશ સાચી નથી પડતી! અને જો એ સદાકાળ સાચી ન હોય તો પછી એ વિજ્ઞાન શાનું !

અલબત્ત, વરસાદી આગાહીઓમાં ભૂલો તો હવામાનખાતું પણ કરે છે પરંતુ, અહીં મહત્વનો તફાવત એ છે કે શુઘ્ધ વિજ્ઞાન પોતે શું નથી જાણતું, એ બાબતે કલીઅર છે. એટલું જ નહી, પોતાની મર્યાદા તત્કાળ સ્વીકારીને એ દિશામાં પ્રયત્નો કરવા એ સતત તત્પર હોય છે. વિજ્ઞાન એટલે સર્વજ્ઞાન નહી, પણ સર્વજ્ઞાન અંગેની નમ્ર સાધના..સર્વજ્ઞાન અંગેનું માનવસહજ કૂતૂહલ!

પણ આપણે ત્યાં ઘણા કહેવાતા વિજ્ઞાનમહર્ષિઓ પણ વિજ્ઞાનને પુરૂં જાણ્યા-સમજ્યા વિના એના નામે ફાંકા ઠોક્યે રાખે છે. પણ પર્યાવરણપ્રેમીઓ વિજ્ઞાનનો હવાલો ટાંકીને જનતાને દબડાવે છે! ભલા માણસ, વૃક્ષોનો આવો સોથ વાળી દો, પછી વરસાદ ક્યાંથી આવે?

હવે વૃક્ષારોપણ અને જંગલસંરક્ષણ બહુ જ સારી અને સાચી વાત છે. એના બેસુમાર ફાયદાઓ છે. માનવજાતના અસ્તિત્વ માટે હરિયાળી સૃષ્ટિનો વિકાસ અને જાળવણી અનિવાર્ય છે, એમાં બેમત નથી. પણ નર્સરી, વૃક્ષો ન હોવાથી વરસાદ ન આવે, એ કલ્પના વૈજ્ઞાનિક સત્ય નથી. આવી જ વાત વધતા પ્રદુષણને લીધે બદલાતી ૠતુઓ કે ગોટાળે ચડતા વરસાદની છે. પ્રદુષણના અપરંપાર ગેરફાયદાઓ છે. ૨૧મી સદીના ખલનાયક નંબર વન એવા પ્રદૂષણની ભયંકર અસરો અને આડઅસરો છે. પણ સોરી અગેઇન, પ્રદૂષણને પણ વરસાદના આવતા- ન આવવા સાથે કોઇ એકને એક બે જેવો સીધો સંબંધ નથી!

ભલે રણ જેવી બેરંગ લાગે, પણ વાસ્તવિકતા એ છે કે જયાં વઘુ વૃક્ષો હોય, ત્યાં જ વરસાદ આવે એવું નથી. વાસ્તવમાં તો જયાં વરસાદ વઘુ આવતો હોય, ત્યાં વઘુ વૃક્ષો વિકસે છે! માટે ગુજરાતનો ઘણોખરો પ્રદેશ કોરોકટ દેખાતો હોય તો એનું કારણ વૃક્ષોનો અભાવ નથી, વરસાદનો અભાવ છે!

જો વરસાદનું પ્રમાણ વૃક્ષોના જથ્થા પર જ આધારિત હોત, તો પછી ગુજરાતમાં ચોમાસાની હાલત એક દી’ ઇદ, દસ દી રોજા જેવી કેમ છે?  વૃક્ષોની સંખ્યા પ્રતિવર્ષ એ જ રહે છે. બલ્કે દિન પ્રતિદિન ઘટતી જાય છે. છતાંય અમુક વખતે જોરદાર વરસાદ આવે છે, તો આવે જ છે. અમુક વખતે છાંટો ય નથી પડતો, તો નથી જ પડતો! આ વર્ષનો જ દાખલો તાજો છે! વરસાદી જથ્થા કે નિયમિતતાને પર્વતો સાથે સીધો સંબંધ છે, પણ વૃક્ષો સાથે નથી.

એ જ રીતે પ્રદૂષણ, ગંદકી, કચરો, ઉદ્યોગો ઇત્યાદિ પણ ડાયરેકટલી વરસાદનો જથ્થો કે વરસાદી કલાકો નક્કી કરતો નથી. જો એવું હોત, તો બેફામ પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક દેશો અમેરિકા, ફ્રાન્સ વગેરેમાં વરસાદ પડતો જ બંધ થઇ ગયો હોત! એને બદલે દાયકાઓ લાંબો દુકાળ તો ઔદ્યોગિક પ્રગતિમાં તદ્દન પછાત એવા આફ્રિકાના સોમાલિયા કે ઇથોપિયામાં પડે છે! પ્રદૂષણની અસર વરસાદની ગુણવત્તા પર પડે છે. ‘એસિડ રેઇન’ યાને તેજાબનો ‘રાસાયણિક વરસાદ’ તેનું જાણીતું દ્રષ્ટાંત છે. પણ એની કોઇ પ્રત્યક્ષ અસર વરસાદના પ્રમાણ કે જથ્થા પર સર્વાનુમત્તે સાબિત થઇ નથી!

હા, વૃક્ષ કે પ્રદૂષણની સારી-નરસી પરોક્ષ અસરો વરસાદ પર છે. સામાન્ય રીતે જમીન કરતાં સમુદ્ર પર થતી બાષ્પીભવનની પ્રક્રિયા સિરસ (સફેદ વાદળો)થી લઇને કયુમ્યુલસ કે નિમ્બસ (કાળા- સફેદ ઘટાટોપ વર્ષા વાદળો)નું ઘડતર કરે છે પણ એ પ્રક્રિયા શિયાળા- ઉનાળામાં થાય, એ અગાઉ જ બેહિસાબ વૃક્ષોના ડાળ, પાંદડા કે થડમાં વરસાદથી વધેલો ભેજ બાષ્પીભવન પામીને વાતાવરણમાં ભેજ વધારે છે.

માટે એક જગ્યાએ વૃક્ષો વઘુ હોય, તો કોઇ બીજી જ દૂરની જગ્યાએ વરસાદની શકયતા વધે ખરી! પણ વરસાદ અંગેની આપણી પ્રાર્થનાઓ- સાધનાઓ તો આપણા માટેની છે! આપણો કથિત ધાર્મિક દેશ પોતાના માટે વરસાદ મેળવવા વલખાં મારી આવા ક્રિયાકાંડો કરે છે. પારકાનું ભલું કરવા માટે વૃક્ષો વધારવાનું નિઃસ્વાર્થ લોજીક એના ‘પૂણ્યશાળી’ આત્માને કયાંથી પચે? એને તો હજુ પોતાના ભલા માટે ય વૃક્ષો વધારવાની ભાન પડતી નથી!

એ જ રીતે પ્રદૂષણ- ધીમા ગાળે ‘ગ્રીનહાઉસ ઇફેકટ’ જેવી પ્રક્રિયા થકી સમુદ્ર સપાટી કે વાતાવરણના તાપમાનને ઉંઘુંચત્તું કરી નાખે, ત્યારે કુદરતી ૠતુચક્ર અસંતુલિત થઇને ઠંડી અને ગરમ હવાના નિરંતર પ્રવાહોને ખોરવી નાખે એવું બને… હજુ આ અસરો અંગે એકમતી નથી, પણ આબોહવાનું વિજ્ઞાન જાણનાર બચ્ચુંય જાણે છે કે વરસાદ કંઇ ઘુમ્મસની જેમ સ્થાનિક સ્તરે થતી પ્રક્રિયા નથી. આ વર્ષના વરસાદનો પિંડ અગાઉથી જ બંધાઈ ચૂક્યો હોય છે.

એક ચોમાસું પુરૂં થાય ત્યાં જ બીજા ચોમાસાના વાદળા બંધાવા લાગે છે. પછી હવામાનના ચાકડે ચડીને આ વાદળો અવનવા પ્રવાસો ખેડે છે. એનો ભેજ ભારે બનતા એ નીચે આવે છે, અને એના આયનો અસ્થિર બને, ત્યારે ઠંડી ગરમ હવાના વધતા – ઘટતા દબાણને લીધે એમાંના જળબિંદુઓ વર્ષાબિંદુ (રેઈનડ્રોપ) બનીને ક્રમશઃ પોતાનું કદ વધારતા વરસી પડે છે.

આ પ્રક્રિયામાં સ્થાનિક વાતાવરણ અને તાપમાન, પવનની ઝડપ, ઉંચાઈ-નીચાઈના અવરોધો, પહાડો, ભેજ વગેરે પરિબળો ભાગ ભજવીને વાદળને નીચોવે છે. ક્યારેક આવા વાદળને ઠારવા રસાયણોનો છંટકાવ કરીને સ્વ. રવજીભાઈ સાવલીયા પ્રયત્નશીલ હતા, એ કૃત્રિમ વરસાદ મેળવાય છે. પણ એ માટે ય વાદળોની યોગ્ય હાજરી જરૂરી છે. વળી ‘સારા વરસાદ’ની વ્યાખ્યા કેવળ વરસેલા પાણી પર નહિ, પણ એ વરસવાના વેગ અને ચોક્કસ સમયાંતરે વરસવાના દિવસો પર પણ આધારિત છે!

માટે આજના વરસાદની બ્લુપ્રિન્ટ ‘આજે’ નહિ, પણ ‘ગઈકાલે’ બની હોય – અને એ કુદરતી પ્રક્રિયાને નાથવા કે સમજવાનું ગજું ઈન્સાનના કાબૂ બહાર હોય… ત્યારે વર્તમાનમાં એ માટેની કાગારોળથી વરસાદનું ભવિષ્ય બદલવું મુશ્કેલ છે! આ વાત અટપટી છે, પણ સત્ય કાંઈ હંમેશા સરળ ન હોય… ખરેખર તો આવા તથ્યોની જટિલતામાં ઉંડા ઉતરવા ન માંગતા લોકો ગ્રહો, પ્રાર્થના, પૂજા જેવો સહેલો પલાયનવાદ પસંદ કરે છે.

રહી વાત કળિયુગના વધતા જતા પાપને લીધે બદલાતી મોસમની! આ સૃષ્ટિનો ઉદ્‌ભવ જ પ્રચંડ પ્રલયમાંથી થયો છે. સેંકડો વર્ષ સુધી આ પૃથ્વી પર એકધારા ઝનૂની વરસાદ અને આગ ઓકતા જ્વાળામુખીનું તોફાની તાંડવ સર્જાયુ – એમાંથી જ જીવની ઉત્પત્તિ થઈ. વરસાદ જ નહિ, ધરતીકંપથી વાવાઝોડાં સુધીની અસંખ્ય કુદરતી આફતો ભૂતકાળમાં માણસ ઘણું સંયમિત જીવન જીવતો ત્યારે પણ હતી…અરે, માણસનું આ ગ્રહ પર મંગળાચરણ નહોતું થયું ત્યારે ય હતી, એ ય આજથી વધુ વિકરાળ સ્વરૂપમાં!  ત્યારે કોના પાપ વધી ગયેલા ? કતલખાનાઓ કે સેક્સ પાર્ટીઓ વધવાથી ૠતુચક્ર પ્રભાવિત થતું હોત, તો એમાં શિરમોર એવા પશ્ચિમી દેશો પર સતત કુદરતી કોપ ત્રાટકતો હોત… અને એ તર્ક મુજબ તો દર વર્ષે વરસાદ ઘટવો જોઈએ, ભૂકંપ વધવો જોઈએ… પણ એમ થતું નથી!

માણસ દિવસે દિવસે સંકુચિત અને સ્વકેન્દ્રી થતો જાય છે, એ વાત ૨૪ કેરેટની સાચી, પણ એને લીધે વરસાદમાં વધઘટ થાય છે એ ‘વાર્તા’  વાસ્તવિકતામાં ખોટી પાવલીને પણ લાયક નથી!

***

પ્રાથમિક શાળામાં ભણાવાતી ભૂગોળમાં જ આવી જાય છે કે વરસાદ કેવી રીતે આવે છે. એટલે જ કદાચ હજુ સુધી ચોમાસાની ચાતકનયને રાહ જોતા કોઇને ય ખરેખર એ સમજાયું જ નથી કે ચોમાસું કેવી રીતે આવે છે! (‘સફારી’ જેવા મેગેઝીનના વાચકોને અહીં બાદ ગણવા!) ભણ્યા એવું ભૂલ્યાં!

જો કે, જે ભણતા હોય કે મોસમી પવનો, ને એવું બઘું યાદ રાખતા હોય એમને ય સમજાયું નહિ હોય કે એ ગ્રેડની બારિશનું ક્વૉલિટી માસ પ્રોડકશન કેવી રીતે થાય! એટલે જરા-તરા ઝાપટા પડે કે બધા હરખાઇને વેલકમ મોન્સૂનના એસએમએસ કરી નાખે, અને પછી દિવસો સુધી વરસાદી છાંટાને બદલે પરસેવાથી ભીંજાયા કરે!

કમિંગ બેક ટુ સ્ક્વેર વન. ભારતમાં ચોમાસું ક્યાંથી આવે છે? શા માટે અમુક સમય પૂરતો જ વરસાદ આવે છે? આટઆટલી સેટલાઇટ સિદ્ધિઓ જતાં હવામાન ખાતું એના ‘ફોરકાસ્ટ’ને બદલે ‘પાસ્ટ કાસ્ટ’ જ કેમ કરે છે?  જ્યાં વરસાદ ઉપર ખેતીના ધાનથી જમીનના ધન સુધીનું બઘું જ આધારિત હોય ત્યાં આ બધા મોસ્ટ આઈએમપી સવાલો છે. પણ એના જવાબો મીડિયામાં ગરજતા નથી.

તો ચાલો જ્ઞાનનો વરસાદ અહીં વરસાવીએ. લેકિન, ઈન્ડિયન મોન્સૂનના મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાં લટાર મારતા પહેલા જરા વરસાદનું બેઝિક સાયન્સ ક્વિક રિફ્રેશ કરી લઇએ.

ચોમાસાની રોમેન્ટિક ટાઢકની ક્રેડિટ ખરેખર અન-રોમેન્ટિક એવી ગરમીને મળવી જોઇએ! અકળાવી નાખતો સૂરજ જે હીટવેવ ફેલાવે છે, એ જે-તે પદાર્થની ઘનતા (ડેન્ઝિટી) અને ૧ ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધારવા માટે એણે મેળવેલી ગરમીના ગુણાંકમાં હોય છે. સૂરજના તાપથી સની લિઓનને પણ ટપી જાય એવું હોટમહોટ શું થાય?

હવાની ઘનતા તો એકદમ ઓછી હોય, અને જમીનમાં તો ઉપલો થર જ ‘ધગધગે’… પણ ગરમીનું સહર્ષ સ્વાગત પવન કે પૃથ્વી નહિ, પણ પાણી કરે છે ! પાણી મેક્સિમમ ગરમ થાય. એવું નહિ પણ એ મેક્સિમમ ગરમી શોષી શકે! (ધોમધખતા તાપમાંથી આવીને ઠંડા પાણીએ ન્હાવાની મજા અમથી આવે?) એટલે હંમેશા જમીન પરની હવા ઝડપથી ગરમ થઈ, હળવી બનીને ઉંચે ચડે અને એની જગ્યા લેવા દરિયા પરની ભારે ઠંડી હવા દોટ મૂકે.

પણ આ તો ભારત જેવા દેશોમાં રોજ થતી પ્રક્રિયા છે. પછી વરસાદ કેમ રોજ ન આવે?

ઓકે. વરસાદ આવે કેવી રીતે? સાદો જવાબ છે : સમુદ્રના પાણીની વરાળ બનવા લાગે. ભેજવાળી હવાને સૂરજનો તાપ ગરમ કરે, ભેજકણો ધક્કામુક્કી કરતાં હવા વિસ્તરે અને તેની ઘનતા ઘટે. [ વજન એટલે પદાર્થ પર લાગતું ગુરૂત્વાકર્ષણબળ, દળ (માસ) એટલે પદાર્થનો કુલ જથ્થો અને ઘનતા (ડેન્સીટી) એટલે પદાર્થના અણુઓએ રોકેલી કુલ જગ્યા, અબ આઇ બાત સમજ મેં? ]  એટલે ઠંડી હવા કરતાં એ હવા ગેસના ફુગ્ગાની જેમ અઘ્ધર જાય. ઉપલા વાતવરણમાં પહોંચેલા સૂક્ષ્માતિસૂક્ષ્મ વરાળના કણો ત્યાં જરા પો’રો ખાય, આરામ કરે.

બસ, અહીં જ એન્ટ્રી થાય મિસ્ટર બાદલની! થાકોડો ખાતા ભેજકણો ઉપર હવામાં તરત કાર્બનકણો કે ઘૂળના રજકણો પર મલ્લિકા શેરાવતને ઈમરાન હાશ્મી બાઝી પડેલો, એમ વળગી જાય છે!

ભણતી વખતે થવો જોઇએ, પણ નથી થતો એવો સવાલ… ઉપલા વાતાવરણમાં ઘૂળ કે કાર્બન આવે ક્યાંથી? ચપટી ઘૂળ હવામાં ફેંકો તો તો પાછી આંખમાં આવે છે !

તો બને છે એવું કે સક્રિય જ્વાળામુખીની હજારો ટન રાખ કે જંગલોમાં ફાટી નીકળતી આગના ઘૂમાડા મારફતે નરી આંખે ન દેખાતા કાર્બનકણો ઉપર એક્સપ્રેસ પાર્સલ થાય છે. ૧ ઘન સેન્ટિમીટરે આવા ૫,૦૦૦ કણો તરતા હોય છે. ઘૂળની ડમરીના કેટલાક કણો પણ સ્વદેશ પાછા ફરવાને બદલે પરદેશી નાગરિકત્વ લઇ લે છે. તો ઉપરવાળો ઉપરથી વર્ષે ૫૦,૦૦,૦૦૦ ટન રાખ પણ વાતાવરણમાં ઠાલવે છે! વાતાવરણની સાથે ઘર્ષણ પામીને બળી જતી ઉલ્કાઓ અને ‘કુછ કુછ હોતા હૈ’ બ્રાન્ડ ખરતા તારાઓની રાખનો આ રેગ્યુલર સ્કોર છે!

આ બધા કણો પર ભેજકણ બાઝતાં જલબિન્દુઓ અને હિમસ્ફટિકો બને છે. આવા ફ્રેશમફ્રેશ ટીપાંની સાઇઝ ૨૦ માઈક્રોનની માંડ હોય છે. (૧ મિલીમીટરનો એક હજારમો ભાગ એટલે એક માઈક્રોન!) એટલે એ ઝટ ધરતી પર પડવાને બદલે પવનના સહારે તરે છે. કીડીને કણ, હાથીને મણ એ રીતે સફેદ ક્યુમ્યુલસ વાદળોથી લઇને ઘેધૂર- ક્યુમ્યુલોનિમ્બસ પ્રકારના વાદળ રચાતા હોય છે.

હજુ વરસાદી ટીપું તો રચાયું નથી. રજકણ પર દસેક લાખ ભેજકણ એકત્ર થાય તો બારિશની છમાછમ વાળી બૂંદ તૈયાર થાય! નાના નાના ટીપાં રચાઇને એકમેક સાથે ભળે એમ એના ડાયામીટર (વ્યાસ) ૧ મીલીમીટરનો થાય, એટલે જમીન પર પડવાનો પવનવેગ જરા ઝડપી બને. ટીપાંમાં વધતા જતાં પાણીના જથ્થા અને પવનને લીધે એ ગોળાકાર જ રહે છે. નીચેથી પવનનો આધાર મળે છે. વળી વાદળમાં પાણીનો જથ્થો એના કદના પ્રમાણમાં ઓછો હોય છે, એટલે અગેઇન ઘનતાના સિદ્ધાંત (કોઇને યાદ આવે છે પેલો આર્કિમિડિઝ ?) મુજબ ઉપર રહેલી હવામાં તરતું રહે છે. ફરતું રહે છે.

આટલું ‘જનરલ’ નોલેજ હોય તો હવે વારો ભારતીય ચોમાસાંના ‘સ્પેશ્યલ’ નોલેજનો! ભારતના ચોમાસાનો વપરાશ (કન્ઝમ્પશન) ભારતમાં થાય છે, પણ એ ટોટલી સ્વદેશી નથી! એનું મેજર પ્રોડ્‌કશન (ઉત્પાદન) દૂરદેશાવરમાં થાય છે! પૂછો ક્યાં?

સેકશન વન તો નેચરલી અપુન કા ઈન્ડિયામાં જ છે. શિયાળામાં ભારતભૂમિ નેચરલી તપે નહિ… પણ મે-જૂનના ટાલકાં તોડી ના નાખે એવા ઉનાળામાં જમીન સ્ક્વેરમીટરદીઠ ૧૬૦ વૉટ જેટલી (૯૯૨૦ કેલરી) ગરમી છોડે છે. ભારતના તપેલા મેદાની પ્રદેશમાં એર પ્રેશર ડાઉન થાય એટલે ઠંડા દરિયાઇ પવનોના અશ્વો ત્યાં પહોંચવા છૂટ્ટા થાય!

ચોમાસાનું પ્રોડકશન સેકશન ટુ. ટેક્સ્ટબૂક્સમાં નહિ, તો ગાઈડ બૂક્સમાં, નહિ તો ટ્યુશનમાં કદી ‘મસ્કેરેન્સ હાઇ’ વિશે કશું સાંભળ્યું છે? આફ્રિકા પાસેના માદાગાસ્કર ટાપુ પાસે આ એન્ટીક્લોકવાઇઝ ધૂમરાતો પવન રચાય છે. માદાગાસ્કરનું નામ એનિમેશન ફિલ્મથી બચ્ચાં પાર્ટીમાં જાણીતું હશે, પણ ત્યાં થતું આ કામ આપણી તરસી ધરતી માટે લાઈફલાઈન જેવું છે. મસ્કેરેન્સ હાઈ પોતાના ચક્રવાતને લીધે વિષુવવૃતીય આફ્રિકા પાસેના ફોલ્લાં પડી જાય એવા ગરમ દરિયાઇ પાણીનો જળપ્રવાહ નીપજાવે છે. જેની ફળશ્રુતિ સોમાલિયાની દિશામાં આગળ વધતા મોસમી પવનો છે. આ જ પવનોને લીધે ઈન્ડિયન મિટિઓરોજીકલ ડિપાર્ટમેન્ટની કાગડા જેવી નજર જ્યાં મંડાયેલી હોય, એ કેરળ કાંઠે ઈન્ડિયન મોન્સૂનનું ઓપનિંગ થાય છે.

સેક્શન થ્રી. આફ્રિકા પાસેના જ સોમાલિયામાં ઊનાળાના મઘ્યભાગમાં ‘સોમાલી જેટ’ નામના મરૂત પ્રગટ થાય છે. (પવનપુત્ર હનુમાન મારૂતિ, કારણ કે એના પિતાનું એક નામ મરૂત!) હવા જ્યાં ગરમ થાય, ત્યાં ઝટ ઊંચે ચડે અને ત્યાં દબાણ હળવું બને. ૧ કિલોમીટર ભેજવાળી હવા ઉપર જાય તો ટેમ્પ્રેચર ૫ અંશથી ૭ અંશ નીચે આવે, અને સૂકી હવા હોય તો ૧ અંશ સેલ્શિયસ ડાઉન થાય. સોમાલી જેટ આઠથી દસ કિમી ઊંચે ચડીને પાંચમા ગિયરમાં પૂરપાટ ધસી આવે છે. રસ્તામાં મેઘવાદળો બનાવતો આવે છે. નકશામાં ફૂટપટ્ટી લઇને એનો ટ્રાવેલ મેપ દોરો, તો હિમાલયે એની ફાઇનલ મંઝિલ આવી જાય.

ચોમાસાના એકશનનું ચોથું અને છેલ્લું સેકશન. હિમાલયની ઉત્તરે આવેલો અને દલાઇ લામા તથા હોલીવૂડની ફિલ્મોથી આજે વઘુ જાણીતો એવો તિબેટ. ત્યાં એર પ્રેશર ઊંચું હોય, એનો સિમ્પલી તિબેટિયન હાઈ કહેવાય છે. દુનિયાનું છાપરું ગણાતું તિબેટ આમ પણ પહાડના શિખરની જેમ એટમોસ્ફિઅરના અપર લેયરમાં ડોકિયું કરે છે.

હવામાનશાસ્ત્રીઓએ એવું સંશોધન કર્યું છે કે દર વર્ષે ભારતમાં ઉનાળાની ફિલ્મનો ઈન્ટરવલ પોઇન્ટ હોય, એટલે કે અપ્રિલ/મેનો સમય હોય ત્યારે સાઉથ તિબેટમાં જબરદસ્ત વરસાદી રમઝટ જામે છે. જેના ટીપાંઓ ‘લેટન્ટ હીટ’ તરીકે ઓળખાતી રહસ્યમય ઊર્જા મુક્ત કરે છે. જેથી વાતાવરણની હવા ગરમ બની ફેલાય છે. મસ્કરેન્સ હાઈની મિરર ઈમેજ તિબેટિયન હાઈથી ઊભી થાય છે. પવનો ત્યાંથી ચકરાવો લઇને માદાગાસ્કર જાય છે. ત્યાં ગયા પછી તેનું શું થાય, એ અહીં સુધી ઘ્યાનથી વાંચ્યું હોય તો ફરીથી સમજાવવાની જરૂર નથી.

૧૮મી સદીમાં આ તિબેટિયન હાઈ- મસ્કરેન્સ હાઈનું ચકડોળ ઓળખી કાઢનારા જ્યોર્જ હેડલીના નામથી હેડલી સેલ તરીકે ઓળખાય છે. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ગોલંદાજ રિચાર્ડ હેડલીની જેમ આ ચક્કર ચોમાસાના ચાર મહિના ધમધમે એટલે ભારતમાં વરસાદ આવ્યા કરે… એક નાનકડું સ્વતંત્ર કારખાનું બંગાળના ઉપસાગર પાસે પણ ધમધમે છે!

એ પણ સમજી લઇએ. ભારતની તપતી ધરતીને લીધે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર પરથી છ- સાત હજાર કિમી.ની જાત્રા કરીને ભારત આવી ચડેલા ભેજવાળા પવનો એમની સાથે રોજના સરેરાશ ત્રેવીસ અબજ ટન જેટલું પાણી લઇ આવતા વાદળોની પણ જાન જોડે છે! એમાંના કેટલાક સીધા ગુજરાત- મહારાષ્ટ્રના પશ્ચિમ કાંઠે પહોંચીને શ્વાસ ખાય છે.

એને પૃથ્વીની કોરોલિઅસ ઈફેક્ટની થપાટ લાગે છે. ધરી પર ત્રાંસા ફરતા ભમરડાંને દોરી પણ ત્રાંસી વીંટાય (ભમરડો? વોટસ ધેટ! એવું પૂછનારા ગુજરાતી કિડ્‌સના પેરન્ટસના કપાળે ભમરડો મારવાની કલ્પના સિવાય બીજું શું કરી શકીએ!) એમ પૃથ્વી ધરી પર ઝૂકીને રાસ રમતી ફુદરડી લેતી જાય ત્યારે એના પવનો પણ ત્રાંસી લીટીમાં જાય!

એટલે ઈક્વેટોર યાને વિષુવવૃત્તથી આવેલું પાણીનું પાર્સલ સીઘું દક્ષિણ ભારતમાં જવાને બદલે ધૂમ સ્ટાઈલમાં ‘કાવો’ મારે છે. યુ ટર્ન લઇને ૧૨૦૦ મીટર જેટલી ઉંચાઇ ધરાવતા પશ્ચિમ ઘાટ સાથે અથડામણ કરે છે. કેટલાક પવનો સીધા, તો કેટલાક ભારતના બંજર જેવા ભૂપૃષ્ઠથી વીંધાઇને કન્યાકુમારીથી ટર્ન મારી બંગાળના ઉપસાગરે પહોંચીને ગગનગામી થાય છે. ત્યાં આગળ વધવામાં અડિંગો જમાવીને બેઠેલો હિમાલય અને મ્યાનમારના આઠરાકાનની પર્વતમાળા એને નડે છે, એટલે એ ત્યાંથી વળ ખાઇને પંજાબથી દિલ્હી અને હિમાચલથી રાજસ્થાનને તરબોળ કરે છે!

આટલાથી ધરવ ન થયો હોય તો ઈન્ડિયન મોન્સૂનની વઘુ એક ઈન્ટરનેશનલ સ્વીચ જાણી લો. પ્રાચીન વર્ષાવિજ્ઞાનના વરતારો કરનાર ભડલીની દંતકથાઓ અને દૂહાઓ વઘુ જાણીતા છે. પણ આ એક એવા ભડની વાત છે, જે વિજ્ઞાનના જોરે ચમત્કારિક ભવિષ્યવેત્તા સાબિત થયો છે. વિક્રમસંવત ૧૯૫૬ (ઈ.સ. ૧૮૯૯)ના છપ્પનિયા દુકાળ પછી ભારતના અર્થતંત્ર માટે કરોડરજ્જૂ જેવું ચોમાસું કંટ્રોલ કરવામાં વાઈસરોય લોર્ડ કર્ઝનને રસ પડ્યો. એણે બ્રિટનથી ગિલ્બર્ટ વોકર નામના હવામાનશાસ્ત્રીને ભારત મોકલ્યો.

વોકર કંઇ મોંમાં ગુટકા દબાવીને પગાર ભેગી લાંચ પણ ચાવી જતો સ્વદેશી સરકારી બાબૂ નહોતો. વિમાન, સેટેલાઇટ, કોમ્પ્યુટર, વાયરલેસ, બેરોમીટર, રડાર જેવી એક પણ ટેકનિકનો ત્યારે આ ભેજાંબાજને સહારો નહોતો. પણ મસ્ટરમાં હાજરી કરીને ટીએડી ખાવાના બદલે વોકરે અથાક પરિશ્રમ અને અજોડ પ્રજ્ઞાનો ઉપયોગ કરીને ભારતના ચોમાસાનો એક ભેદી સંકેત શોધી કાઢ્‌યો.

વોકર ફોર્મ્યુલા મુજબ ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા પોર્ટ ડાર્વિન ખાતે હવાનું દબાણ હળવું હોય, તો નકશામાં તેની સીધમાં આવતા પણ આમ સાવ સામેના છેડે રહેલા પેસેફિક સમુદ્રના તાહિતી આઈલેન્ડ પર એર પ્રેશર હેવી હોય છે. આવું થાય ત્યારે ભારતમાં ચોમાસું સારું જાય. તાહિતી-ડાર્વિનનું અપ-ડાઉન રિવર્સમાં ઝૂકે ત્યારે ભારતનું ચોમાસું નિષ્ફળ જાય!

‘સધર્ન ઓસિલેશન’ નામે ઓળખાતું આ ત્રાજવું આજે ય સચોટ નિદાન કરી આપે છે. પણ બહુ વહેલું એ જાણી શકાતું નથી. આમ પણ, ભારતના હવામાન ખાતા કરતાં તો વેધર ઇન્ફોર્મેશનની વેબસાઈટસ જ ભારતીય સેટેલાઈટસના જ ચિત્રોના જોરે વઘુ સારી અને સાચી આગાહી કરી નાખે છે. (રાજકોટના અશોકભાઈ પટેલથી વધુ સચોટ આગાહી મે કદી જંગી સંસાધનો લઈને બેઠેલા હવામાનખાતાની પણ નથી જોઈ ! હું તો અશોકભાઈની આગાહી પર આધાર રાખી વરસાદ પર લેખો ય લખું છું !) વળી ચોમાસાને તો અલ નીનોથી લા નીના સુધીના બીજા ઘણા પરિબળો નડે છે.

તો આ આખી પારાયણની પ્રસાદી શું? એ જ કે ચોમાસું કેમ આવે છે, એ માંડ માંડ સમજી શકાય તેમ છે… ત્યાં ધાર્યા મુજબ એને નિયંત્રિત કરવાના ખ્વાબ માનવજાત માટે હજુ સપનાથી વિશેષ બીજું કંઇ નથી. વરસાદની તમામ ઓપરેટિંગ સીસ્ટમ કુદરતે પોતાના રિમોટ કંટ્રોલમાં જ રાખી છે. ચોમાસું કેવું આવશે- જશે અને શા માટે ક્યારે કેટલો વરસાદ પડશે કે નહિ પડે એનો ખેલ અદ્રશ્ય સર્જનહાર સિવાય પૂરેપૂરો કોઇ જાણી શકતું નથી.

માટે આ સાયન્સમાં મિસ્ટિક એલિમેન્ટ છે. ગેબી ગૂઢ સંકેતોની માયાજાળ છે. ધરતીને મન ફાવે તેમ સરહદોમાં વહેંચીને ઝગડતી રહેતી માનવજાત માટે ચોમાસાની ‘મૌન આકાશવાણી’ પણ એ જ છે કે- કોનું પાણી ક્યાં જઇ કેમ કેટલું વરસે એનો કોઇ ભૌગોલિક લેવડ-દેવડનો હિસાબ નથી! જેમ લોહી બધે સરખું લાલ હોય, એમ પૃથ્વીવાસીઓ માટે પાણી સરખું જ પારદર્શક છે! સો, ડોન્ટ ફાઈટ, લડવું જ હોય તો સાથે મળી કુદરતી આફતો સામે લડો!

આખી વાત નો સાર એ કે વર્ષારાણી દરેક રમણીની માફક  એક આજે ય અકળ અદભૂત રહસ્ય છે, જેને સંપૂર્ણ સમજવાનો દાવો કરતા વિજ્ઞાનીઓ અને ભક્તજનો બંને ગોથાં જ ખાય છે !

 
28 ટિપ્પણીઓ

Posted by on જુલાઇ 30, 2012 in education, gujarat, india, science

 

28 responses to “વરસાદની વાર્તા અને વાસ્તવિકતા : કહાં સે આયે બદરા…?

 1. Farzana

  જુલાઇ 30, 2012 at 1:45 પી એમ(PM)

  hmmmm….ek article to kale J read kayo….. knowledge Nagariya mathi…..:-)

  Like

   
 2. Siddharth

  જુલાઇ 30, 2012 at 1:52 પી એમ(PM)

  Try કરોને આ માહિતી પાઠ્યપુસ્તક સુધી પહોંચી શકે.. કારણ કે આ વાસ્તવ માં એને લાયક છે.
  Just like android, તમારા લેખ ‘વૈજ્ઞાનિક’ ના ‘label’ નીચે નથી લખતા, પણ આટલી detailed info બીજે ક્યાય થી નથી મળતી.

  and ‘ભમરડો? વોટસ ધેટ! એવું પૂછનારા ગુજરાતી કિડ્‌સના પેરન્ટસના કપાળે ભમરડો મારવાની કલ્પના સિવાય બીજું શું કરી શકીએ!’ – Damn True!

  Like

   
 3. Deepak Lakkadd

  જુલાઇ 30, 2012 at 2:02 પી એમ(PM)

  માણસ દિવસે દિવસે સંકુચિત અને સ્વકેન્દ્રી થતો જાય છે, એ વાત ૨૪ કેરેટની સાચી, પણ એને લીધે વરસાદમાં વધઘટ થાય છે એ ‘વાર્તા’ વાસ્તવિકતામાં ખોટી પાવલીને પણ લાયક નથી!

  Good one

  Like

   
 4. Kaushik Purani

  જુલાઇ 30, 2012 at 2:45 પી એમ(PM)

  Very good info. Your style of saying ___ ‘Masha Allahhhhhhhh………
  Jay you are superb.

  Like

   
 5. VIMAL BHOJANI

  જુલાઇ 30, 2012 at 3:26 પી એમ(PM)

  AAVRE VARSAD DHEBARIYO PRASAD UNI UNI ROTLI NE KARELA NU SHAK

  Like

   
 6. Envy

  જુલાઇ 30, 2012 at 4:02 પી એમ(PM)

  સાદ કોઈને સંભળાતો નથી તો વરસાદ ક્યાંથી સમઝાય.
  જ્ઞાન માટે નો અવસાદ ભરતીય લોક ને વિજ્ઞાન સુધી જતા રોકે છે.

  Like

   
 7. dhruv1986

  જુલાઇ 30, 2012 at 4:09 પી એમ(PM)

  કુદરતને જેટલો સમજવાની કોશીશ કરો તેટલો જ તે અચરજ પમાડે..!!

  Like

   
 8. dipikaaqua

  જુલાઇ 30, 2012 at 4:13 પી એમ(PM)

  Superb…Loved it…:)) for me the entire article is flash back,…felt fresh….:)
  કહાં સે આયે બદરા…? Aha… in my childhood was alwaz curious about this and asked almost everybody at that time and read (in safari)so much too…even still amazed wen see them floating..:P

  Like

   
 9. dipikaaqua

  જુલાઇ 30, 2012 at 4:17 પી એમ(PM)

  The pics are wonderful!!

  Like

   
 10. rachna shah

  જુલાઇ 30, 2012 at 4:23 પી એમ(PM)

  hey jay bhai must article che…tame sachu khyu “bhanya ne bhulya”…tamara “safari” gyan mate “thanx”…..aa article ravi purti ne badle gujarat samachar ni “cover story “ma rakho ammra jem bija nu pan gk rain babte kachu hoy to reality samjilene…

  Like

   
 11. Vatsal Naik

  જુલાઇ 30, 2012 at 4:24 પી એમ(PM)

  લેખ ઘણો સરસ અને માહિતી સભર લાગ્યો.
  આવા લેખો કાશ અબુધ નાટક્યા કેહવાતા જ્ઞાનીઓ વાંચી ને કૈક શીખતાં હોત…

  Like

   
 12. Tarang Ravalia

  જુલાઇ 30, 2012 at 5:49 પી એમ(PM)

  Ablo ..Jay bhai Ablo article…:)

  Like

   
 13. નિલેષ જોશી

  જુલાઇ 30, 2012 at 7:54 પી એમ(PM)

  vah khub j saras………………….ho……………jayji realy khub j saras…………..

  Like

   
 14. Minal

  જુલાઇ 30, 2012 at 9:34 પી એમ(PM)

  Lol and liked to read symbols in Bollywood language. Walker formula is amazing and awesome!
  Explained very nicely and in very simple language….fantastic.

  Like

   
 15. vishal jethava

  જુલાઇ 30, 2012 at 10:25 પી એમ(PM)

  KYA BAAT …KYA BAAT…KYA BAAT…!
  REALLY SUPERBBB! 😉

  Like

   
 16. swati paun

  જુલાઇ 30, 2012 at 10:40 પી એમ(PM)

  wow…..thaxzzzz…..sir..4 info…..sir tame s.s leta hot ne to tamari style mujab j thodu amathi yad awyu te yad j hot…………..:Pzakkasss:)))

  Like

   
 17. અજય

  જુલાઇ 30, 2012 at 11:07 પી એમ(PM)

  સારો લેખ.પણ તેના કરતા પણ વધુ સારી છે તેની પ્રસ્તાવના.ન.મો પછી બીજો કયો લપોડશંખ પેદા થયો છે?(કેશુબાપા ના મતે).ઉ.કો તો નહિ ને?(તમારા મતે).કહી પે નિગાહે કહી પે નિશાના.

  Like

   
 18. Diya Shah

  જુલાઇ 31, 2012 at 12:11 એ એમ (AM)

  વાહ ,,,,,,,,,, થોડાક સમય થી સફારી છુટી ગયું હતું ,, તમે અમેરિકા થી પરત આવી ને સફારી ના આર્ટીકલ ને પણ બીટ કર્યો ,, વાહ

  Like

   
 19. Bhupendrasinh Raol

  જુલાઇ 31, 2012 at 6:40 એ એમ (AM)

  આ અમેરિકામાં વરસાદ, સ્નો, સ્ટ્રોમ લગભગ બધી આગાહીઓ તદ્દન સાચી પડતી હોય છે. ઘણીવાર તો ટીવીમાં બોલે કે ચાર વાગે સ્નો પડવાનું શરુ થશે તો ચાર વાગે શરુ થઇ જાય. ભારતમાં ભારે વરસાદની આગાહી આવે તે દિવસે છાંટોય ના પડે. ચોમાસું ખાલી ભારતીય ઉપમહાખંડમા જ છે. અને એટલે જ વધુ જટિલ છે તેવું મને લાગે છે.

  Like

   
  • jay vasavada JV

   જુલાઇ 31, 2012 at 10:47 એ એમ (AM)

   tunka gaala mate shaky chhe, lamba gala mate atpatu chhe ne ya bharteey chomasu kharekhar complex chhe. america ma e rit nu typical monsoon nathi.

   Like

    
 20. Manish

  જુલાઇ 31, 2012 at 10:15 એ એમ (AM)

  Aavi saralta thi knowledge apva mate khoob-khoob dhanyawad.
  JAI HO…………….

  Like

   
 21. Gaurang Trivedi

  જુલાઇ 31, 2012 at 10:43 એ એમ (AM)

  છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
  કે વરસ્યા વિનાના શું જાવ છો ?
  વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
  પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?
  મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
  છત્રી ઉઘાડવાનો વેંત ?
  વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
  ઈ તો અંદરથી ઉગાડે હેત
  વરસી વરસીને અમે થાકી ગયા ને
  તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
  મેં કીધું આ રીતે શું કામે નાખો છો
  માણસની જાત માથે આળ ?
  વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
  એકાદી લીલીછમ ડાળ
  મૂળનું તો સરનામું મળતું નથી
  ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?
  મેં કીધું આ રીતે તરસ્યે મારીને
  તમે સારું તો કરતા નથી જ
  વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
  થોડીક ચડી ગઈ ખીજ
  અબઘડીએ ધોધમાર વરસી પડું છું
  બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ???????

  Like

   
  • kishan

   ઓગસ્ટ 1, 2012 at 9:15 એ એમ (AM)

   su vaat che superrrrrrrrrrrrrrrrr likeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee

   Like

    
 22. parikshitbhatt

  જુલાઇ 31, 2012 at 2:55 પી એમ(PM)

  જોરદાર માહિતી;અને એય શક્ય એટલી રસળ અને સરળ રીતે…વાહ!!!! સફારી યાદ આવી ગયું…એક વિગત પૂછવાનુ મન થાય છે-
  આ ‘ગોરંભો'(વરસાદનું અંધારીયા જેવુ જામેલું વાતાવરણ જ ને?) હોય અને સાવ પડે જ નહી,કે સાવ ઓછો પડે; અને તડકો હોય ત્યારે વરસાદ અચાનક આવે(‘નાગો’ વરસાદ?)- એવું શી રીતે બને?….

  Like

   
 23. vd. gaurang darji

  જુલાઇ 31, 2012 at 4:27 પી એમ(PM)

  ચોમાસા વિશે ભડલી વાક્યો- ભડલી નામની જ્યોતિષીની પુત્રીના આગાહીવાળા દોહરા……
  ૧.શ્રાવણ જાય કોરડો,તો કણે ભરાય ઓરડો…
  ૨.જો વરસે ચિત્ત , તો ભાંગે ભીંત.
  ૩.જો વરસે ઉત્તરા, તો ધન ના ખાય કુતરા
  ૪.જો વરસે ભરણી,તો નાર મેલે પરણી ….
  ૫.જો વરસે હસ્ત, તો પાકે આધાર વસ્ત…
  ૬.જો વરસે પૂર્વા,તો લોક બેસે ઝૂરવા
  ૭.જો વરસે આદ્રા, તો બારે માસ પાધરા
  ૮.જો વરસે મઘા,તો ધન ના થાય ઢગા..
  ૯.જો વરસે સ્વાંત, તો ન વાગે તાંત
  ૧૦.અસલેખા ચગી તો ચગી,નઈ તો ફગી તો ફગી
  ૧૧.જો વરસે હાથિયો ,તો મોતીએ પુરાય સાથીયો
  ૧૨.વાવણી, ઘી-તાવણી
  ૧૩.ભર અષાઢી પંચમી , જો ઝબુકે વીજ
  દાણા વેચી ઘર કરો , રાખો બળદ ને બીજ
  ૧૪.જેઠ ગયો, અષાઢ ગયો,શ્રાવણીયા તું પણ જા
  ભાદરવો ભર રેલસે, છઠ્ઠે બેસશે અનુરાધા
  ૧૫.દહાડે વાદળ , રાતે તારા
  એતો હોય દુકાળ ના ચાળા
  ૧૬.રાતે બોલે કાગડા, દહાડે રુએ શિયાળ
  તો ભડલી એમ જ કહે, નિશ્ચે પડશે કાળ
  ૧૭.શ્રાવણ પેહલા પાંચ દિન , મેહ ન માંડે આળ
  પીયુ પધારો માળવે , અમે જશું મોસાળ
  ૧૮.શ્રાવણ મહીને પંચમી , જો ધડુકે મેહ
  ચાર માસ વરસે સહી,એમ કહે સહદેવ
  ૧૯.મૃગસર ન વાયા વાવલા,આદ્રા ન વુઠા મેહ
  ભરજોબનમાં ના’યો (ન+આયો)બેટડો,ત્રણે હાર્યા તેહ..
  ૨૦.મહા સુદી પુનમ દિને,ચંદ્ર નીરમળો જોય
  પશુ વેચો,કણ સંગ્રહો , કાળ હળાહળ હોય…
  ૨૧.શનિ અદિતા મંગલા, જો પોઢે જદુરાય
  ચાક ચઢાવે મેદિની, ને કરકે પાળ બંધાય
  ૨૨.આથમણી તાણે કાચબી,જો ઉગમતે સુર
  દાદા કે’ વાછરું વાળજો , નીકળ જાશે પાણી ને પુર…..
  ———————ગૌરાંગ દરજી———————-

  Like

   
 24. akashspandya

  જુલાઇ 31, 2012 at 4:34 પી એમ(PM)

  the article is damn good the scientific information generally remains boring but this one was an exception….

  Like

   
 25. Maharshi Shukla

  જુલાઇ 31, 2012 at 6:05 પી એમ(PM)

  kash school ni book man pan atli interesting rite chomasu samjhavatu hot to……!!!!!!

  Like

   
 26. jignesh rathod

  ઓગસ્ટ 1, 2012 at 10:14 પી એમ(PM)

  super duper… bhare depth vado varsad.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: