RSS

સુરેશાંજલિ…

11 Aug

તસવીર સૌજન્ય : સંજય વૈદ્ય

“લાકડા રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી.”

આ મારું, નહિ સ્વર્ગસ્થ (ખરેખર તો ‘કાવ્યસ્થ’ !) સુરેશ દલાલનું ક્વોટ છે. ક્વોટ નથી, એક લીટીની અનંત કવિતા છે.

અને કેવળ કવિતા નથી. જીવનનું કાતિલ સત્ય છે.

મૃત્યુ.

કાળું. બદબૂદાર. ઠંડું. સખ્ત.

આખા ગુજરાતને રાધા-માધવ-મીરાના કાવ્યના લયમાં પરોવી દેનાર ‘સુરના ઈશ’ અને ‘દિલના લાલ’ એવા સુરેશ દલાલ ( આ શબ્દરમતો પણ એમનું જ તર્પણ છે, જેમના એ મહારથી હતા) જન્માષ્ટમીની જ રાત્રે અચાનક અમારા ભદ્રાયુભાઈના શબ્દોમાં મોરપીંછની રજાઈ ઓઢીને શ્યામને બદલે પોતે, ને એ ય વળી ચિરનિદ્રામાં પોઢી ગયા.

હું તો મધરાતના કૃષ્ણજન્મોત્સવને લીધે જરા વહેલો ચાલવા નીકળ્યો હતો , અને વરસાદ ખેંચાતા મેળા વિનાનું સુનું પડેલું મેદાન ખૂંદતો હતો ત્યાં સૌથી પહેલો મુંબઈથી સંજય છેલનો એસ.એમ.એસ. આવ્યો : સુરેશ દલાલ પાસીઝ અવે.  અને એ ચાલી નીકળ્યાના સમાચાર વાંચી, હું સ્થિર થઇ ગયો. પછી તો ગુણવંત શાહના વિદૂષી પુત્રી અમીષાબહેન સાથે જરાક એસએમએસ ચેટ ચાલી. એમણે ય વસવસો પ્રગટ કર્યો જન્માષ્ટમીએ જ કૃષ્ણપ્રેમી કવિના વિદાયયોગનો : વોટ એ પોએટિક ઇન-જસ્ટિસ ! ( ગહેરી વાત છે, સમજવાવાળા સમજી શકશે)

રાતના ટીવીનાઈન પર ટ્રિબ્યુટબાઈટ માટે હું ય ઘેર આવ્યો..પછી બહાર ના ગયો…સુરેશ દલાલ અંગે ઘણું લખી શકાય, એમનું જીવન-કવન…મારા એમની સાથેના અનુભવો… ને મારા તો બીજા ય અનેક પ્રિય કવિઓ છે. પણ એ બધું પછી. અત્યારે તો ગઈ કાલે ફેસબુક પર લખેલું એટલું જ : જો સુરેશ દલાલ ના હોત, તો મને કવિતામાં ઝાઝો રસ અને થોડી સમજ – કશું ય ના હોત. સર્જકની તો ખબર નથી, પણ આ એક ભાવક તો એમણે અનાયાસ ઘડી જ કાઢ્યો. એ આદમી શબ્દશઃ કવિતા માટે ગુજરાત તો ઠીક, ભારતમાં એકમેવ વિશ્વ-વિદ્યાલય હતો. અને હું એ મલ્ટીપલ પર્સનાલિટીની યુનિવર્સીટીનો એક્સટર્નલ સ્ટુડન્ટ.

અને અનેક લાકડાઓને અવનવા રંગે રંગી , ખુદ પણ રંગાઈ અંતે તો સુરશ દલાલનો દેહ પેલા અગ્નિના એક જ રંગને સ્વાધીન આજે  જ સવારે થઇ ગયો.

અત્યારે તો બસ, આઠમના વીકએન્ડ તણા મિનિ-વેકેશનમાં એક નાનકડી અંજલિ. આઠ દાયકાનું આયખું પાર કરી ગયેલા સુ.દ. ના લખાયેલા મરણ પરના આઠ કાવ્યો. (અને બીજી ત્રણ રચના મળી કુલ અગિયાર મૃત્યુવિષયક સર્જન. જે વીણેલું છે, પણ એમનું ય કોઈ આવું તૈયાર સંપાદન નથી)  ખુદ ગૂગલ પરથી જ્ઞાન મેળવતા હોય એવા ઘણા અબૂધો એમ જ (સાવ ખોટું) માને છે કે, મારા જેવા લેખકો ઇન્ટરનેટ પરથી જ લખે છે. લખવા માટે ઈન્ટરનેટ નહિ, અંતરનેટ જોઈએ એ સુરેશભાઈના સર્જન થકી એવા અ-રસિકોને સમજાય તો ય ઘણું છે. કારણ કે આ અહીં મુકું છું, એ સામગ્રી મારા અંગત સંગ્રહ-સ્મૃતિની છે. જાતે જ ટાઈપ કર્યું છે. એમાંથી ભાગ્યે જ કશું નેટ પર રેડી-મેઇડ ઉપલબ્ધ હશે.

અહીંની કૃતિઓ વાંચીને એવું તારણ ના કાઢશો કે સુરેશ દલાલ તો ઉદાસી અને હતાશાના કવિ હતા. એ તો ઉલ્લાસ અને સુવાસના છડીદાર હતા. લો થોડા વર્ષો પહેલાનું એમનું આ કાવ્ય ( બીમારી આવી હોવા છતાં લખેલું) વાંચો. મસ્તીના મિજાજ અને પોઝિટીવિટીના પડકારને ઝીલતું.

મરણ તો આવે ત્યારે વાત
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.
 
ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઈ યાદ નથી.
સુગંધ જેવો ભીનો ભીનો
વરદાન સમો વરસાદ નથી.
 
સોના જેવો દિવસ, રૂપા જેવી રાત
મરણ તો આવે ત્યારે વાત
 
હરતા રહેવું, ફરતા રહેવું
ઝરણાની જેમ વહેતા રહેવું
મહેફિલને મનભરીને માણી
જલસા જલસા કહેતા રહેવું
 
જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.
મરણ તો આવે ત્યારે વાત.

પણ, કમનસીબે ગોકુળ આઠમે વૈકુંઠવાસી કરતુ મરણ હવે એમને આંબી ગયું છે. હવે એમની પંચાત સમાપ્ત થઇ, ને આપણી શરુ થઇ. એટલે મરણ આવે ત્યારે વાત આઠ દસકાને અર્ધ્ય આપતા ખાસ ચૂંટેલા સ્વ.સુરેશરચિત આઠ મૃત્યુ કાવ્યોની.. ગીતકવિની મૃત્યુની અનુભૂતિ મોટા ભાગે અછાંદસ છે. એમાં કોઈ સર્વજ્ઞની ફિલસુફી નથી, પણ હૃદયમાં ઉઠતા સ્પંદનોના કલમે દોરેલા ચિત્રો છે. મહાત્મા ઉપદેશક અને માનવીય કવિ વચ્ચે આ જ તો બુનિયાદી ફર્ક છે. એમાં મોટે ભાગે તો સાક્ષીભાવ અને વાસ્તવ જ પ્રકટ થાય છે. અને ડોકાય છે : એમના થકી ફરી યાદ આવી ગયેલું મૃત્યુ… કાળું. બદબૂદાર. ઠંડું. સખ્ત…મોત.

 

***

દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઇને.
અમૃત નો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને.
 
તનોમંથન ને મનોમંથન
કે મંથનનું એક ગામ
દુકાળને અતિવૃષ્ટિથી
આ જીવન થયું બદનામ.
 
દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઈને.
 
પગ અટક્યા છે, આંખે ઝાંખપ
કાનને અવાજ ના ઉકલે
થાક થાકની ધાક શરીરમાં
પેઠી તે નહીં નીકળે.
 
ઉભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઇ ને.
 
***
 
આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.
 
શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વરતાતો.
 
સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.
 
નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કંઈ કશું નહિ, વહી ગયેલી વય.
 
પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી……
 
***
 
પડદો પડી ગયો, તાળીઓનો ગડગડાટ શમી ગયો.
હું જાઉં છું ‘ગ્રીનરૂમ’માં મારો પોશાક બદલવા અને ‘મેક અપ’ ધોવા.
ખુશામતિયો અરીસો મારાં અહમને વિવિધ રીતે પંપાળે છે
અને મને ભ્રમણાની બેહોશીના સંનિવેશમાં ગોઠવી આપે છે.
મારી ભજવેલી ભૂમિકાને ભૂલીને હું ફરી પાછો
મારા અસલ સ્વરૂપે પ્રકટ થવાનો પ્રયત્ન કરું છું.
અસલ સ્વરૂપ એટલે મારું રેશનકાર્ડમાં લખાયેલું નામ.
મારો મારાં કુટુંબ સાથેનો નાતો, મારી જવાબદારી.
પ્રેક્ષકોનું મનોરંજન કરતો હું મારું મનોરંજન નથી કરી શકતો !
મારી અંગત રંગભૂમિ પર તો ભરેલી ખુરશીઓ પણ
ખાલીખમ લાગે છે.
ખાલી ખુરશીઓ વચ્ચે હું એકલો છું :
બત્તીઓ બુઝાઈ ગઈ છે. હોંઠ પરથી ઉડી ગયા છે ઉછીના સંવાદો.
ને મારાં પોતાના શબ્દો મૌનની સફેદ ચાદર ઓઢીને શબવત્ પડ્યા છે.
 
***
 
બહારનું જગત તો એવું ને એવું જ છે.
પણ આપણે આપણામાં વૃદ્ધ થતા હોઈએ છીએ.
 
દિવસનો સૂરજ એવોને એવો પ્રકાશમાન છે
અને રાતના દીવા તો એવા ને એવા ઝળહળે છે
પણ આપણી આંખોના અજવાળાં ઓસરતાં હોય છે.
 
જુઓ આ તે કેવું
કે આપણા જ વ્રુક્ષ પરથી
એક પંખીનો ટહુકો ઉડી ગયો
અને આપણને સંભળાયો નહીં !
પાનખરની જરઠ ડાળી પર
ઝાકળનો ભીનો સ્પર્શ
પણ આપણને કેમ એવું લાગે છે
કે આપણે સાવ કોરાધાકોર રહી ગયા?
 
બહારનું જગત તો એવું ને એવું જ
પણ અંદર એક વૃક્ષ
મૂળસોતું ઉખડવાની તૈયારી કરે છે.
 
***
 
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
ક્યારેક ક્યારેક અહીં ઉગે છે ચંદ્ર પૂર્ણ, મધુરો.
 
આમ ને આમ આ શૈશવ વીત્યું
ને વહી ગયું આ યૌવન,
વનપ્રવેશની પાછળ પાછળ
ધસી આવતું ઘડપણ.
 
સ્વાદ બધોયે ચાખી લીધો : ખાટો, મીઠો, તૂરો.
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
 
હવે બારણાં પાછળ ક્યાંક તો
લપાઈ બેઠું મરણ,
એણે માટે એકસરખા છે
વાઘ હોય કે હરણ.
 
ઝંખો, ઝૂરો, કરો કંઈ પણ : પણ મરણનો માર્ગ શૂરો,
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
 
***
 
સ્મશાનમાં વૃક્ષોનો રાખોડી રંગ
કાળી રાતે જ્વાળાઓના ઉડતા વિહંગ
 
સૂરજની પણ અત્યારે અહીં પ્રવેશવાની તાકાત નથી.
એક પળમાં થાય પુરો જીવન સાથેનો ઋણાનુબંધ.
 
મરણ તો ભિક્ષુ જેવું
કોઈને પણ બારણે, કારણે-અકારણે
આવીને ઉભું રહે –
અને કહ્યા વિના કોણ જાણે કેટલુંયે કહે
કરી મુકે સ્તબ્ધ, નિ:સ્તબ્ધ.
 
કોઈકની આંખ અંગારા જેવી
કોઈકની આંખમાં અષાઢ ને શ્રાવણ.
રડવાથી કોઈ નહિ પાછું વળે,
ભડભડ ભડભડ ચિતા બળે.
 
રૂની પથારી થઇ ઊની ઊની સૂની સૂની લાકડાંની ચિતા
પછી તમે ભલે બેસાડો ગરુડપુરાણ કે વાંચો તમે ગીતા !
 
***
 
મૃત્યુ બાદ
કાવ્યમાં
કવિ જીવે છે
સુખથી.
 
ન પ્યાસથી
ન ભૂખથી
હવે કદીયે તરફડે.
સ્કવેરફૂટ કે ફલેટનો
કદીય પ્રશ્ન નહિ નડે.
નહીં હસે, નહીં રડે
મનસૂબાઓ નહીં ઘડે.
 
શમી ગયું છે
દુઃખ સૌ
મળ્યું હતું
જે કૂખથી.
 
મૃત્યુ બાદ
કાવ્યમાં
કવિ જીવે છે
સુખથી.
 
***
 
દ્રશ્યોનો શાંત સમુદ્ર
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હીસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે ઝઝૂમતો દીવો.
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઉતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રીનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

 

# કવિ ઓડેનને મળેલા ઇચ્છામૃત્યુને વારંવાર યાદ કરતા કવિ સુરેશ દલાલને પણ આ એમની કવિતા વાંચો તો એવું જ ઇચ્છામૃત્યુ મહદઅંશે પામ્યા એવું ના લાગે ? રાતના તારાજડિત અંધકારે ( હિતેનભાઈએ જણાવ્યું એમ રાતના ૮ વાગે ), જન્માષ્ટમીના ઝુમતા ઝુમ્મરો અને ગોવિંદા આલાના સુવાસિત સમયે…કોઈ હોસ્પિટલના ખાટલા વિના ઘેર જ…

ગુજરાતી સાહિત્યમાં તો સુરેશાન્ત અને યુગાન્ત શબ્દકોશમાં પર્યાયરૂપે લખવા જોઈએ….

તસવીર સૌજન્ય : સંજય વૈદ્ય

ઝલક-છાલક

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મુકીએ છીએ

એ પહેલા

હૃદય પર પથ્થર મુકવો પડે છે.”

(સુરેશ દલાલ)

 
 

51 responses to “સુરેશાંજલિ…

  1. Alpa jani

    August 11, 2012 at 6:47 PM

    Smarnanjali…Saday Yaad raheshe..

    Like

     
  2. dhruv1986

    August 11, 2012 at 6:49 PM

    સુરેશ દલાલ ના જવાથી ગુજરાતી સાહિત્યે એક બાળક ગુમાવ્યું છે.

    Like

     
  3. નિરવ ની નજરે . . !

    August 11, 2012 at 6:58 PM

    હું હમેશા કવિતાથી દુર રહેતો , તેની મસ્તી કર્યાં કરતો , કારણ કે મને એમાં હમેશા બધું બાયપાસ થતું . પણ ત્યાં તો બે કાનુડાવે પાણીની એક ઝાલક ઉડાડી ને , આંખનો કચરો દુર થયો , અને દેખાય્ડું એક કાવ્યજગત ! તે હતા ૧) સુરેશ દલાલ ૨) અનીલ જોશી ( એ પણ હમણા હમણા , મૃત્યુને હાથતાળી દઈને આવતા રહ્યા .)

    તેમની ” મારી બારીએથી ” માં આવતા લેખો મને હમેશા સ્થિર કરી દેતા , ને વિચારોના ઘૂઘવતા સાગરતટે ચુપચાપ બેસાડી દેતા .

    મારી વાંચનની ક્ષિતિજો ને વિસ્તારનાર મારા પ્રિય સુરેશ દલાલ ને , ભાવભીનું આવજો . . .

    પ્યારો કાનુડો , સદાય તેમને બંસીના મધુર નાદ સંભળાવે .

    Like

     
  4. sneha patel - akshitarak

    August 11, 2012 at 7:04 PM

    તમારી કલમે સુરેશ દલાલને હજુ વધારે વાંચવાની ઇચ્છા. બાકી એમના જેવા કવિને શબ્દોમાં આલેખવા અશક્ય ! આખું આકાશ કદી મુટ્ઠીમાં સમાય કે?

    દ્ર્શ્યોનો શાંત સમુદ્ર

    વહેતી નદી, પસાર થતી ટ્રેન

    સંભળાતી વ્હીસલ

    ક્યાંક સળગતો અગ્નિ

    નાનો અમથો આપબળે ઝઝૂમતો દીવો.

    ઝૂમતાં ઝુમ્મરો

    આકાશનો ઢાળ ઉતરતી સાંજ

    શિખર પર મહાલતી હવા

    રાત્રીનો તારાજડિત અંધકાર

    સુવાસિત સમય.

    દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની

    શાંત, ધીમી, લાવણ્યમય ગતિ… સ્પીચલેસ !

    આપની પરમીશન સાથે હું આને મારા બ્લોગ પર રી-બ્લોગ કરુ છું.

    Like

     
  5. M.K.MANEK

    August 11, 2012 at 7:10 PM

    It is great loss to Gujarati literature and us.

    Like

     
  6. sneha patel - akshitarak

    August 11, 2012 at 7:11 PM

    Reblogged this on sneha patel-akshitarak and commented:
    સુરેશ દલાલ – મારા પ્રિય કવિ. વધારે કંઈ નથી સૂઝતું અત્યારે તો. જયા વસાવડાજીની કલમે લખાયેલ એક સંદર લેખ આપની જોડે શેર કરું છું.

    Like

     
    • sneha patel - akshitarak

      August 11, 2012 at 8:21 PM

      ટાઈપીંગ ભૂલ માફ કરશો ..બ્લોગ પર સુધારી દીધું છે.

      Like

       
      • rita

        August 12, 2012 at 2:29 PM

        sneha …..suresh dalalji mara pan atyant priya lekhak hata. hata lakhvamate pan ankho ma ansu awe chhe……saday emna shabdo dwara a aapna badha ma jivant rehvana……OM: shanti.

        Like

         
  7. jayteraiya

    August 11, 2012 at 7:18 PM

    તારા વિના સૂરજ તો ઊગ્યો
    પણ આકાશ આથમી ગયું.
    તારા વિના ફૂલ તો ખીલ્યાં
    પણ આંખો કરમાઈ ગઈ.
    તારા વિના ગીત તો સાંભળ્યું
    પણ કાન મૂંગા થયા.
    તારા વિના…

    તારા વિના…
    તારા વિના…

    જવા દે,
    કશું જ કહેવું નથી.

    અને કહેવું પણ કોને
    તારા વિના ?

    Like

     
  8. vishal jethava

    August 11, 2012 at 7:26 PM

    ‘સૂર+ઇશ’ ટચ નો અનુભવ કરાવવા શુક્રિયા!
    RIP to સુરેશ દલાલ…

    Like

     
  9. dipikaaqua

    August 11, 2012 at 7:41 PM

    દુખ કે શ્રધાંજલિ બવ વ્યક્ત કરતા નથી આવડતી પણ નજીકની વ્યક્તિ ગુમાવી હોય એવું જ લાગ્યું અને આ શેર કરી ને તો વ્યક્ત કરી જ શકું.

    મૃત્યુ બાદ
    કાવ્યમાં
    કવિ જીવે છે
    સુખથી.

    Like

     
  10. Sanatkumar Dave

    August 11, 2012 at 7:49 PM

    Dear Jay bhai….
    HAT’s OFF…
    Suresh Dalal..shabda Ramata na Abhyashu…..tuzne Ghadnaar…..
    God Bless us all
    Prabhu Suresh bhai na Digvant Atma ne CHEERSHANTI arpe ej ABHYARTHANA…
    Jay shree Krishna
    Sanat Bhai Dave…..

    Like

     
  11. Kaushal Narharibhai Rao

    August 11, 2012 at 8:16 PM

    RIP SURESH DALAL ! 😦

    Like

     
  12. kaushalbrahmbhatt

    August 11, 2012 at 8:30 PM

    rip

    Like

     
  13. jasvant

    August 11, 2012 at 9:08 PM

    miss u

    Like

     
  14. Rakesh Gangwani

    August 11, 2012 at 9:11 PM

    je hata shabdo na pujari
    je hata krushna na yaar
    je ne batavyu hatu kavita no sarnamu
    jemne lakhya hari na hastakshar,
    je ne mari bariyo thi kholi amara gyan ni bari
    e ne j lidhe aje svvarg ni savari,
    e ni kavyo hati amaro pyaar.
    ee j hata amara sur na ishh ane dil wara
    suresh dalal……

    Like

     
  15. Tejas Joshi

    August 11, 2012 at 9:21 PM

    ‘ Kavita’ aje vidhava bani gayee

    Like

     
  16. Envy

    August 11, 2012 at 9:36 PM

    “સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,

    એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.”

    સુ.દ. ની થોડીક કવિતાઓ વાંચી છે અને એટલા થી પણ એમનું વ્યક્તિત્વ અખંડ દેખાઈ જાય, એ એમની જમા-રાશી.

    Like

     
  17. parikshitbhatt

    August 11, 2012 at 9:51 PM

    સ્વ.હરીન્દ્રભાઈ અને (હવે સ્વ.) સુરેશભાઈ; ગુજરાતી સાહિત્યમાં આવી રીતે(પદ્યમાં વધારે) જોડીઓ રહી છે;એમ આ પણ એક અનોખી મૈત્રી હતી. કવિઓ કવિતાઓ લખે;આમણે તો શ્વાસોશ્વાસમાં વણાએલી જીવી છે. કવિતાઓ;ઉત્તમ કવિતાઓ કરનારા ઘણા હતા;અને રહેશે, પણ કવિતાઓ માટે કશુંક જ નહીં;પણ આજીવન બધું જ કરનારા તો (સ્વ.) સુરેશભાઈ જ હતા અને છે. આમ છતાં; ગદ્યમાં પણ એમની એવી જ ‘ઝલક’ માણવા જેવી. શબ્દોના સ્વામી હતા એ. દરેક પેઢીના અને દરેક ઉંમરના લોકો એમની શબ્દસૃષ્ટીમાંથી કંઈકને કંઈક માણતા;અને પામતા.
    ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય; કે સ્વ. હરીન્દ્રભાઈ ઑલરાઉન્ડર હતા સાહીત્ય/પત્રકારત્વમાં-કપિલદેવની જેમ; અને સ્વ.સુરેશભાઈ સૌથી પહેલા તો એ કવિ હતા સાહિત્યમાં- સુનિલ ગાવસ્કરની જેમ મહાન/પરફેક્ટ બૅટ્સમેન. ઑમ્ શાંતિ.

    Like

     
  18. Mayur Azad

    August 11, 2012 at 9:55 PM

    ek pa6i ek chamkela “SITARA OOOOOO” athamata jay 6…….!!!!!!!!!!

    Like

     
  19. marooastro

    August 11, 2012 at 10:06 PM

    nikhalas ane motta gajja na manas hatta,. manilal.m.maroo

    Like

     
  20. Anny naik

    August 11, 2012 at 10:08 PM

    “Mari prathana no dhwani” Khub sundar pustak jene mane jivavanu navu bal ane maro maro bhagvan sathe anto jodi aapyo Eva Shree Suresh Dalal ji ne gumavya nu dhukh bahu motu chhe. Murlimanohar Emna atma ne khub shanti aape.
    Atyar sudhi emne vachako e emna kavyras nu pan karyu have aapno Shyam Murari karshe.

    Like

     
  21. Anny naik

    August 11, 2012 at 10:09 PM

    Typing mistake maff karsho

    Like

     
  22. drmoriarty

    August 11, 2012 at 10:17 PM

    Gamme ee kyo, manaah hato daado!

    Like

     
  23. jignesh rathod

    August 11, 2012 at 10:18 PM

    હરતા રહેવું, ફરતા રહેવું

    ઝરણાની જેમ વહેતા રહેવું

    મહેફિલને મનભરીને માણી

    જલસા જલસા કહેતા રહેવું

    Like

     
  24. Ronakk Patel

    August 11, 2012 at 10:43 PM

    “લાકડા રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી.”– માણસ ઍના કર્મૉ થી મહાન‌ અનૅ અમર થાય છૅ જ્યારૅ સુરૅશ દલાલ જૅવા મહાનુભાવૉ માત્ર શબ્દૉથી જ્ અમર થઇ થાય છૅ.
    ખુબ ખુબ‌ આભાર જય ભાઇ

    Like

     
  25. Hasmukh Vaghela

    August 11, 2012 at 11:16 PM

    radha ane krusna Suresh Dalal vagar suna thai jase,karan sauthi vadu prem to kaviej karyo che.

    Like

     
  26. બીના

    August 11, 2012 at 11:34 PM

    કવિ શ્રી સુરેશ દલાલ ને શ્રધ્ધાંજલી!

    Like

     
  27. niloobhai

    August 11, 2012 at 11:35 PM

    great tribute

    Like

     
  28. mariya jethava

    August 12, 2012 at 12:04 AM

    સોના જેવો દિવસ, રૂપા જેવી રાત

    મરણ તો આવે ત્યારે વાત.. suresh dalal ji ni darek rachna vachche raheli jagya ma pn lagni ni huf mehsus thay 6e.. sabdo badha j pase hoy 6e pn abhivyakti darek vyakti nathi kari sakti…temna jivan ne amar kartu temnu pradan gujrati bhasha ne vadhu samruddh karse..jv sir aapno khub khub aabhar suresh dalal ji ni adbhut rachna nu raspaan karva malyu.(:

    Like

     
  29. Meghna Sejpal

    August 12, 2012 at 12:39 AM

    salaam …

    Like

     
  30. Khimanand Ram

    August 12, 2012 at 2:42 AM

    @Jay ! મૃત્યુનો અંદાઝ માણસને આવી જતો હોય છે એવું સાંભળ્યું છે પણ કવિ સુરેશ દલાલે મૃત્યુ પહેલા ચિત્રલેખાના 6 ઓગસ્ટના ના અંકમાં લાકેલી ઝલકની ઝલક :
    “મુબઈમાં હું જન્મ્યો છું પણ મુંબઈ મારામાં મરણ પામ્યું. આવા મરણનો shok પણ ન હોય કે શ્લોક પણ ન હોય … …કેટલા બધા ડાઘુઓ છે……. જન્મ અને મરણ એક ક્રિયાકાંડ છે….. હું જ મારું સ્મશાન…. માણસ વિનાનું ઘર આપમેળે ભૂતિયા મહેલ જેવું થઈ જાય…. અહી તો આખ્ખા મુંબઈમાં ભૂત અને પ્રેત નહિ ક્યાય કોઈ હેત.. બધા હેતુ માટે મળે રૂપિયાના સેતુ માટે મળે… અહી જન્મ સાથે કે જન્મ વિના મરણ તો લખાયેલું જ છે સ્મશાનમાં તૂટેલા વડની નાશપીઠ પર મુંબઈ પાછળ ઘુવડ પુરાણ બેસાડ્યું છે….

    Like

     
  31. Khimanand Ram

    August 12, 2012 at 3:14 AM

    “સર્જકો માં ઈર્ષ્યા અને દ્વેષ સ્વાભાવિક છે કારણ કે એ પણ આખરે તો માણસ જ છે ” આવો જવાબ મને આપના તરફ થી મળેલો . આપ વારસો પહેલા ઉનામાં આવ્યા ત્યારે મેં પૂછ્યું હતું કે તમારા (અને મારા પણ ) પ્રિય સર્જક ચંદ્રકાંત બક્ષી નો સુરેશ દલાલ પ્રત્યે નો દ્વેષ હોય કે કોઈ અન્ય સર્જક નો બીજા તરફ નો દ્વેષ હોય સર્જક આટલો અ-સહીષણું કેમ ? આપે સરસ જવાબ આપ્યો હતો દંભ વ્યક્ત કરે એના કરતા દ્વેષ વ્યક્ત કરે એમાં ખોટું શું છે ?

    Like

     
  32. htshvyas

    August 12, 2012 at 5:23 AM

    આ વાંચીને મન શોક મગ્ન થયી ગયું. થોડો જ સમય થયો હતો. મેં તેમને બે વાર વડોદરામાં સાંભળ્યા હતા.
    ખુબ ગમી ગયા હતા. અને ચાલ્યા પણ ગયા….

    જય શ્રી કૃષ્ણ

    Like

     
  33. Daxesh Contractor

    August 12, 2012 at 5:39 AM

    સુરેશભાઈની સો ટચના સોના જેવી અદભુત કવિતાઓ અહીં વહેંચવા બદલ દિલથી આભાર. ઘણીખરી પહેલીવાર વાંચી .. એમના જેવા શબ્દોના ધનીને આપણે તો શું અંજલિ આપીએ પણ એમની રચનાઓને માણતા રહીએ એ જ એમને આપણી ભાવાંજલિ ..વ્યક્તિ સદેહે ભલે વિદાય થાય પણ અક્ષર થકી અ-ક્ષર, અમર રહે છે .. સુરેશભાઈ એમાંના એક છે એમાં કોઈ શક નથી..

    Like

     
  34. lotusindia4universalbrotherhood

    August 12, 2012 at 8:17 AM

    સુરેશ દલાલ એટલે કવિતા ઓ નો પર્યાય..!!
    બોલાવી એમને ઈશ્વરે કર્યો સાહિત્ય ને અન્યાય ….!!!! કમલેશ રવિશંકર રાવલ

    Like

     
  35. નિલેષ જોશી

    August 12, 2012 at 12:31 PM

    MISS U SURESHJI……….AND VERY HEARTY POST BY JAYJI

    Like

     
  36. sangita

    August 12, 2012 at 5:24 PM

    in fact i was awaiting for your “sureshanjali”!!!!!!!!! savare j temanu git sambhalyu.”
    mor-pichchhni rajai”………………what a poetic injustice!!
    as it is ur article ws touching

    Like

     
  37. Nishidh

    August 12, 2012 at 5:47 PM

    Suresh Dalal, before he became Su D he was Suresh Kaka for us. He was classmate & College friend of my uncle. On every Janmashtami I remember him for his poetic sense of humour he shared with us on his visit to our house on Janmashtami Day. Mandir Sathe Parni Mira….. He Chose Janmastami evening before midnight, may be to warn his beloved Krishna not to born again in India

    Like

     
  38. pinal

    August 12, 2012 at 10:05 PM

    સુરેશ દલાલે કવિતાઓ કરતા કવિતાની જે દલાલી કરી છે એ મને સૌથી વધુ ગમી છે. એમના જ શબ્દો માં કહું તો કોઈપણ ભાષાની કવિતાથી તેઓ અજાણ નહીં હોય. એમ કહિ શકાય કે એમની નસમાં લોહી નહીં પણ કવિતા વહેતી હશે. મારી સિક્સથ સેન્સ એકદમ પાવરફુલ છે. દિવસભરની પિકનીક પછિ પાછા આવતા મને લાગી જ ગયું હતું કે ચોક્કસ કઈક ગડબડ છે. આટલી ખુશીનો અંત આસું જ હોઈ શકે. હું શોધતી રહી કારણ્ અને રાત્રે સુ.દ્ નથી એ વાંચ્યુ.ગમે એટલી ઉંમર હોય દુઃખ સ્વભાવિક હતું. સવારે સાડાત્રણની ઊઠેલી રાત્રે ક્યાય સુધી ઉઘ આવી નઈ.
    મારી એક મનગમતિ કવિતા અહીં શેર કરું છું

    હું પંખી માં પલટાઈ જઈશ
    (નાનકડા પંખીઓના સૂર રંગી રમણા)
    ગાતી દિવસના અંતે

    હા તારે મારી નોંધ લેવી જ પડ્શે.
    ત્યાં બુલબુલના
    બદલાતા સુરમાં
    પાંદડામાં
    તને એ પાંદડીઓમાં ઝાકળ દેખાય છે?
    એ હું છું
    અને
    બગીચાને માથે ઝુલતુ વાદળ
    બસ રાજી?
    ક્યાંકને કયાંક મારો પ્રેમ તને સલામત રાખશે

    અનેકની વચ્ચે પણ હું તને પામી ગઈ છું
    હવે આપણા પંથ જોડાઈ ગયા છે.
    તુ સમજે છે મારા પ્રિયતમ?
    તુ જ્યાં હોય ત્યાં તુ મને જ મળશે.
    મને જોયા સિવાય તારો છુટકો નથી.
    તારે અનંતકાળ માટે મને ચાહવી પડ્શે.!

    ———— માર્ગારીટા એલીગર
    અનુવાદ સુરેશ દલાલ
    બુક કાવ્યસંવાદ

    Like

     
  39. Jayesh Sanghani (New York, USA)

    August 12, 2012 at 11:35 PM

    Very sad news. Your selection of 8 poems on death and tribute to Shri Suresh Dalal brought tears. He breathed his last on Janmashtmi day -vidhi ni vakrata

    Like

     
  40. jigisha79

    August 13, 2012 at 11:38 AM

    પૂજનીય સ્વ. શ્રી સુરેશજી નો આત્મા પરમાત્મામાં વિલીન થયો… એ પણ ગોકુલાષ્ટમીની તિથી એ … એવું લાગે જાણે ઈશ્વરે પણ ચોઘડિયું જોઇને નિમંત્રણ મોકલ્યું !
    આભાર આટલી સુંદર સુરેશાંજલિ માટે..

    Like

     
  41. ketan motla

    August 13, 2012 at 8:32 PM

    sabda no “sahukar” aapni vache thi viday thayo pan temni rachana o thaki amra thai gaya 6…dear suresh dalal ne shradhanjali..

    Like

     
  42. Gaurav Pandya

    August 13, 2012 at 8:37 PM

    લખવા માટે ઈન્ટરનેટ નહિ, અંતરનેટ જોઈએ …. waah…

    Like

     
  43. ketan katariya

    August 13, 2012 at 10:27 PM

    “મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.
    શબ પર ફૂલ મુકીએ છીએ
    એ પહેલા
    હૃદય પર પથ્થર મુકવો પડે છે..”
    કાવ્ય જગત માં સુરેશભાઈ હમેશા અમર રહેશે
    great tribute..

    Like

     
  44. Chintan Oza

    August 14, 2012 at 12:35 PM

    emna kavyo vanchta vanchta kyare aapne shabdo ni srishti ma vahi jaiye a khabar na pade…prabhu divya atma ne param shanti arpe avi prarthna..!!

    Like

     
  45. Maheshchandra Naik

    August 21, 2012 at 2:13 AM

    shrI Suresh Dalalne shradhdhanjalino aapano lekh khub gamyo, aabhaar

    Like

     
  46. sudha purohit

    August 24, 2012 at 6:38 PM

    સુ.દ . ને શ્ર્ધાજ્લી જે જીવનમા સદાય ધબકતા રહેશે એમની કૃતિ થકી

    Like

     
  47. sudha purohit

    August 24, 2012 at 6:43 PM

    સુ.દ. ને શ્રધાંજલી જે જીવનમાં સદાય ધબકતા રહેશે એમની કૃતિ થકી ……..

    Like

     

Leave a comment