RSS

Daily Archives: ઓક્ટોબર 5, 2012

ટાઈટેનિકમાં ડૂબેલું જીગરનું જહાજ : ચોકલેટ ‘કેટ’….‘રોઝ’ ફોરએવર !

ટાઈટેનિક ફરી આવી ને ગયું…દિલના દરિયામાં તરીને  !

અતૂટ વિક્રમસર્જક રીતે લાગલગાટ ૧૫ સપ્તાહ સુધી વર્લ્ડ નંબર વનનું બિરુદ ૧૫ વર્ષ પહેલા ભોગવનાર,ફુગાવા-ટીવી, ડીવીડીના ફેલાવા અને વસતિ વધારાને બાદ કરો તો હજુ ય તોતિંગ કમાણી કરનાર ટાઈટેનિક ફિલ્મે તો સ્ટીમરમાં જેટલા ડૂબ્યા, એથી વઘુ કંઈકને આજીવન તારી દીધા !

અને હિંદી ડબિંગ  વિના પણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં સીલ્વર જ્યુબિલી કરનાર એ ફિલ્મ તો સિલ્વર સ્ક્રીનની સાડી પર ગોલ્ડન એમ્બ્રોઇડરી સમાન હતી ! એ વખતે ‘ગુજરાત સમાચાર’માં લખેલા એના રિવ્યુનું આવું શીર્ષક આવેલું. જો તમારે ફિલ્મ જોવામાંથી આજીવન નિવૃત્તિ લેવી હોય તો છેલ્લી ફિલ્મ ટાઈટેનિક જોવી ! એ જેમ્સ હોર્નરનું ગીત સાંભાળવા ત્યારે લીધેલી ૧૦૦ રૂપિયાની ‘મહામોંઘી’ ઓરીજીનલ કેસેટ…એ બસમાં લટકીને, ગોંડલથી રાજકોટ પહોંચીને એકલા ને પછી પરિવાર મિત્રમંડળ સાથે ફિલ્મ જોવા ખાધેલા ધક્કા….એ મોબાઈલમાં કેમેરા અને ગૂગલમાં ઈમેજીઝ ના હોય એવા યુગમાં ય સિનેમાઘરની દીવાલે લટકતા એક અનુપમ અલૌકિક અનન્ય આરઝુના પોસ્ટરની ફોટોકોપી કરાવવા લઇ જવા દેવા માટે કરેલી વિનવણી-કાકલુદીઓ…

અને એ વિન્ટેજ પોસ્ટર પર છલકાતાં સૌંદર્યનું માઘુર્ય….જાણે આંખોમાં ટહુકા અને ટેરવાં પર સીસકારા !

* * *

અહા, ટાઇટેનિક ! ઓહો, કેટ વિન્સલેટ ! બંદાનો ફર્સ્ટ ક્રશ ! એન્ડ વોટ એ હ્‌ય્યુઉઉજ વન ! ટાઇટેનિક નિહાળીને આવ્યા પછી ન વિરાટ સ્ટીમર દેખાય, ન અસીમ અફાટ સમુદ્ર દેખાય… બસ આખી રાત (સપનામાં નહિ, યાર…નીંદર કોને આવી હતી, બોસ ?) દિમાગને હેલોજન લાઇટની જેમ ઝળહળ રોશન કરે કેટ વિન્સલેટનું કામણ ! વોટ અ બ્યુટી ! થિસોરસમાં સૌંદર્યના પર્યાય તરીકે કેટ કેમ નહિ લખાયું હોય ?

એ વખતે લખેલા લેખમાં લખાઇ ગયું જાણે ઇશ્વરે મેરેલીન મનરો અને મઘુબાલાને ભાંગીને એ રો મટિરિયલમાંથી એક અપ્સરા, એક હુસ્નપરી, વીનસ પર્સોનિફાઇડ જેવી કેટ વિન્સલેટ સર્જી હશે ! ચુસ્ત, તંદુરસ્ત, ફુલગુલાબી ! એની છાતીના ધવલ ઉત્તુંગ શિખરો પર રમતો નેવી બ્લ્યુ શેફાયર જોઈને આંગળીએ નીલમ ધારણ કરવાની ખ્વાહિશનું ગર્ભાધાન થયું હતું ! એની માંસલ ભુજાઓ, મખમલી ત્વચા, ગૌર વળાંકો… સંસ્કૃત સાહિત્યની ‘રતિ’શીલ નાયિકા જેવા હર્યાભર્યા સાથળો અને મલપતી ચાલે ડોલતા ઘટાદાર ઘન નિતંબો ! સોનેરી કેશની લટો નીચે મેજીક આયઝ વિથ મેગ્નેટિક સ્માઇલ ! ‘ત્રિવલ્લી’ પામતું માખણના પીંડા જેવું પેટ ! તન્વીશ્યામા શિખરદશના પકબિમ્બાધારોષ્ઠી શ્રોણીભારાદલસહમના સ્તોકનમ્રા સ્તનાભ્યામ્‌….હેવી હિપ્સ, જ્યુસી લીપ્સ, બિગ બોસમ, આયઝ ઓસમ…ગુડ ગોડ !

બંદાથી તારીખ મુજબ એક દિવસ અગાઉ પાંચ ઓક્ટોબરે જન્મેલી આ લિબ્રન ગર્લ આજે ય બે બાળકોની મા, અને સમયના દોઢ દસકાના ખેડાણ પછી એવી જ મધમીઠી દેખાય છે. પણ હવે નજરના જામમાં કેવળ એનું રૂપ જ છલકાતું નથી. એના અવર્ણનીય અભિનય પર પણ આફરીન થઇ જવાય છે ! ‘લોર્ડ ઑફ ધ રંિગ્સ’ના ડાયરેકટર પીટર જેકસનની ‘હેવન્લી ક્રીચર્સ’ ફિલ્મમાં ૧૭ વર્ષે જ હોલીવૂડ પહોંચેલી કેટ આમ તો એ અગાઉ એક બીબીસી ટીવી સિરિયલ જ કરી હતી. પણ ટાઇટેનિક અગાઉ જ અભિનય માટે ‘સેન્સ એન્ડ સેન્સિલિબિટી’માં સપોદીએકટ્રેસના ઓસ્કાર નોમિનેશન સુધી પહોંચી ગઇ હતી !

આજે તો કેટ વિન્સલેટ નામ પડે, અને એનું મેધધનુષી રંગછટાઓ ધરાવતું કામ યાદ આવે. કેટને અને સાહિત્યને બહુ જુનો અને જાણીતો સંબંધ છે. જેન ઓસ્ટીન, થોમસ હાર્ડી, શેક્સપિઅર જેવા લેખકોની કૃતિઓની નાયિકાઓ એ સિલ્વર સ્ક્રીન પર ગોલ્ડન ટચ આપી સજીવન કરી ચૂકી છે. (સેન્સ એન્ડ સેન્સિબિલિટી, જ્યુડ, હેમ્લેટ) ‘કવીલ્સ’ કે ‘ફાઇન્ડંિગ નેવરલેન્ડ’માં વાસ્તવિક લેખકોના જીવન પર આધારિત પટકથામાં એનની પ્રેયસી બની ચૂકી છે. (ક્રિસ્મસ કેરોલ માટે સરસ રીતે ગીત પણ ગાઇ ચૂકી છે !) ૨૦૦૮ના વર્ષે ટાઇટેનિક સ્ટાર અને ક્લોઝ ફ્રેન્ડ લિઓનાર્દો ડિ કેપ્રિઓ સાથે પુનરાગમન થયું એ પૂર્વ-પતિદેવ સામ મેન્ડીસ (જે લેટેસ્ટ બોન્ડ ફિલ્મ બનાવે છે)ની ફિલ્મ ‘રિવોલ્યુશનરી રોડ’ રિચાર્ડ પેટસની, તો આખરે ઓસ્કાર એવોર્ડ અપાવનાર ‘રીડર’ (ઉમદા ફિલ્મ ને અભિનય, પણ રોમાન્સમાં સેક્સ અને નગ્નતાના ઉલ્લેખ માત્રથી કપાળ વલૂરવા લાગતા મર્યાદામસ્ત ગુજેશકુમારો અને કુમારીઓએ એ નિહાળતા પહેલા ચક્ષુશુદ્ધિકરણ માટે માળા-હવન ઇત્યાદિ કરી લેવું !) જર્મન લેખક બર્નહાર્ડ શ્વ્લીન્કની નવલકથા પર આધારિત છે ! એ કથા વરસો પહેલા કેટે વાંચી ત્યારે જ એને ગમેલી, પણ ફિલ્મમાં અગાઉ ગોર્જીયસ દિવા, સેન્સ્યુઅસ સાઇરન નિકોલ કિડમેન હતી, જે પ્રેગનન્ટ થતા કેટનો ચાન્સ લાગી ગયો. ઓસ્કાર નોમિનેટેડ ‘આઇરિસા’માં તો કેટે અલ્ઝાઇમર્સ (વિસ્મૃતિ)ના રોગથી પીડાતી લેખિકા આઇરિસ મર્ડોકનું પાત્ર જ્યુડી ડેન્ચ સાથે ‘શેર’ કરીને ભજવ્યું હતું.

અલબત્ત, ‘લીટલ ચિલ્ડ્રન,’ ‘ઇનિગ્મા,’ ‘લાઇફ ઓફ એ ડેવિડ ગેલ,’ ‘હોલિડે’, ‘હોલી સ્મોક’ (ભારતના ધાર્મિક બાબાઓની છેતરપિંડીના બેકડ્રોપવાળી ફિલ્મ) ‘કન્ટેજિઅન’ (સોડરબર્ગ) અને પોલાન્સ્કીની તાજાતારીન અને આલાતરીન ‘કાર્નેજ’….આ બધી જ ફિલ્મો પછી શિરાધમનીઓમાં રોઝ બુકાટેર પછી કેટનું કોઇ પાત્ર છવાયેલું હોય તો (અગેઇન ઓસ્કાર નોમિનેટેડ) એ કેરેકટર છે-કલેમેન્ટાઇન. ‘ઇટર્નલ સનશાઇન ઓફ એ સ્પોટલેસ માઇન્ડ’ની ક્રેઝી છતાં સેન્ટીમેન્ટલ નાયિકાના પાત્રમાં રિયલ ડાયમંડ જેવા મલ્ટીકલર શેડસ હતા ! પડદા પર એના વાળની જાંબલી-લીલી-લાલ-વાદળી લટોમાં ગૂંથાતા ! ‘રીડર’ અને ‘કાર્નેજ’ના પાત્રો પણ ન નેગેટિવ, ન પોઝિટિવ એવા બહુ કોમ્પલેક્સ, મલ્ટીલેયર્ડ છે. પણ કેટ જેનું નામ. એના અભિનયની બારીકી એ છે કે એની ખામોશી કંઠ કરતા વઘુ બોલે છે. આંખો અને હાવભાવ તો ખરા જ પણ ટોટલ બોડી લેંગ્વેજ ! એ સાવ ડી-ગ્લેમરાઇઝડ પાત્રો કે જીવંત વાયગ્રા જેવા ઇરોટિક પાત્રો બંને એકસરખી આસાનીથી ભજવી શકે છે !

અને કેટને એનું વોલ્પ્ચ્‌યુઅસ (ઘાટીલું) બોડી પાત્રને અનુરૂપ બનાવવા માટે પણ કદી વાંધો આવ્યો નથી. આ ચોકલેટ કેક વારંવાર અનકવર્ડ ‘કર્વ્ઝ’ સાથે સર્વ થઇ છે ! અને છતાં ય કેટ વિન્સલેટ પિન અપ ગર્લ કે સેક્સ સિમ્બોલ ટોય નથી ! એકચ્યુઅલી હોલીવૂડના ‘સ્લીમ એન્ડ ટ્રિમ’ સ્ટાન્ડર્ડ મુજબ તો એને ‘જાડુડી લાડુડી’ કહીને વેસ્ટર્ન મિડિયાએ બહુ ચીડવી છે ! એમ તો કેટ એવોર્ડ લેવા જાય ત્યારે રડી પડે અને પારદર્શકતાથી સ્પીચ આપે ! (રીડર માટેની ઓસ્કાર એસેપ્ટન્સ સ્પીચમાં દૂર બેઠેલા મમ્મી-પપ્પાને સીટી વગાડવાનું કહી એ એમની સામે નાનકડી ઢીંગલીની જેમ ઉછળી પડી હતી !) ધુવડગંભીર બ્રિટિશરોએ તેની ટીકા કરતા કેટે રોકડું પરખાવેલું, આઇ લાફ વ્હેન આઇ વોન્ટ, ક્રાય વ્હેન આઇ વોન્ટ ! બિકોઝ ઇટસ એબાઉટ મી, નોટ યુ. આઇ ડોન્ટ કેર ! એ ૮૧મા એકેડમી એવોર્ડ પહેલા પણ કેટે એના બાળકો (પહેલા પતિ જીમથી) ૯ વર્ષની મિયા અને (બીજા સામથી) ૬ વર્ષના જોને જ પૂછેલું ઃ ‘‘મમ્મીને એવોર્ડ મળે તો મમ્મી શું કરે ? બચ્ચા પાર્ટીએ કહ્યું, ‘મમ્મી, ગો ઇમોશનલ.’ કેટે કહ્યું, ‘મારા બાળકો રાજી તો પછી શું કરે જગતનું (મિડિયા) કાજી ?’

નાઉ ધેટ્‌સ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટંિગ રોલ, ઉપ્સ રોલ મોડલ. કેટ વિન્સલેટ. ધ મધર, ધ વાઇફ, ધ વુમન !

* * *

કેટના તનની સાથે મનનું આ પાસું પરિવારપ્રેમી, ભારતીયોને રસ પડે તેવું છે. આવી ‘રોઝ ચોકલેટી’ સ્વપ્નસુંદરી ગ્લેમરવર્લ્ડના શિખરે પણ જલકમલવત્‌ રહી છે. કેટ શબ્દો ચોર્યા વિના કહે છેઃ હું લોઅર મિડલ કલાસ બ્રેડગ્રાઉન્ડમાંથી આવું છું. રોજનું કમાઈને રોજ ખાવાવાળા ઘરમાં અમે ત્રણ બહેનો ઉછરી છીએ. એ સ્વીકારતા મને કોઇ સંકોચ નથી. જીંદગીની હાડમારીઓ મેં નજીકથી જોઇ છે. નાની હતી ત્યારે મારા પિતાને અકસ્માતથી પગમાં કાયમી ઇજા થઇ. હું એમની સાથે દરિયાકિનારે દોડવા જતી. મને ફોસલાવવા એમ કહી દેવાયું હતું કે એક વરસ પછી પપ્પા દોડશે, અને હું કાગડોળે વરસ પૂરું થવાની રાહ જોતી. અંતે મને સમજાયું, જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહંિ આતે !

કેટ સ્પષ્ટપણે કહે છે-હું નાઇટકલબમાં જતી નથી. કદી ડ્રગ્સને હાથ અડાડ્યો નથી. સોશ્યલ ડ્રિન્કંિગ સિવાય આલ્કોહોલ પણ નહિ. હા, પાણી પીને સુંવાળી ત્વચા રાખું. ક્યારેય કેર ફ્રી રખડુ ટીનએજ ગર્લ રહી નથી. એક જ બાબત માટે મને અપરાધભાવ થાય છે, એ મારા ડિવોર્સીઝ ! આજે કંઇ લગ્ન-છૂટાછેડા અને એ પણ મારા ક્ષેત્રમાં નવી વાત નથી. છતાં ય, મને સંબંધો તૂટ્યા એનો આજે ય રંજ છે. પહેલી વાર પરણી ત્યારે ૨૩ની જ હતી. જીમ ‘હાઈડિયસ હિન્કી’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. જે હોય તે, પણ એનો એક જખમ મારી દીકરીને લીધે મારા હૃદયમાં રહી ગયો છે. જે હોસ્પિટલમાં પોતે જન્મી એમાં જ તેર વર્ષ પહેલા જન્મેલા બ્રિટિશ દિગ્દર્શક સામ મેન્ડિસને પછી મળી. બંને સાત વર્ષ સુધી હેપિલી મેરિડ કપલ તરીકે હોલીવૂડથી દૂર ન્યૂયોર્કમાં શાંત એકાંત જગ્યાએ રહેતા. કહેવાય છે કે પત્નીને જ ફિલ્મમાં ડિરેકટ કરવા જતા સંસારનું થૂલું થઇ ગયું. ફિલ્મ બની, પણ દાંપત્ય બગડ્યું. કેટ કે સામ એકબીજા વિષે નેગેટિવ આક્ષેપો કર્યા વિના ક્રિએટીવ ડિફરન્સના મામલે અલગ થઇ ગયા. પછી ક્યાંક નામ તો જોડાયું પણ આ કોમલ, ચંચલ, નિર્મલ, શીતલ…ફૂલ એન્ડ હોટ સલોની સ્વપ્નસુંદરી કુલ સર્કલ પૂરું કરીને ટાઇટેનિક ફરી રિલીઝ થાય છે ત્યારે તો સંિગલ છે. અહા, સોંચણે મેં હિ કિન્ની સોણી મીઠ્ઠી મીઠ્ઠી ગલ હૈ યે કુડિયોં કે કદરદાનો ! કિડંિગ, નેચરલી.

કેટ તરૂણાવસ્થામાં હતી ત્યારે પોતાનાથી ૧૨ વર્ષ મોટા બ્રિટિશ એક્ટર-રાઇટલ સ્ટેનલીના પ્રેમમાં હતી. ટાઇટેનિક રજુ થાય એ પહેલા સ્ટેનલીનું બોન કેન્સરમાં અવસાન થયું. ઇન ફેક્ટ, ટાઇટેનિકના ૧૯૯૭માં થયેલા પ્રીમિયમમાં હાજર રહેવાને બદલે એ પ્રથમ પ્રેમની અંતિમવિધિમાં હાજર રહી હતી ! કેટ કહે છે કે મારા પાત્રોની ડાર્ક સાઇડ આ બધી ટ્રેજીક ઇમોશન્સના ખાલીપામાંથી આવે છે. જીમ-સામ સાથે કદાચ ‘અભિમાન’ની કહાની ભજવાઇ હશે. (એક જ ક્ષેત્રમાં પતિથી વઘુ સફળ અને આકર્ષક પત્ની) પણ કેટે આજ દિન સુધી એ અંગે હરફ ઉચ્ચાર્યો નથી. કેટ પહેલેથી જ કોન્ફિડન્ટ એન્ડ ટ્રાન્સપેરન્ટ છે. અને છતાં ય એથિકલ વેલ્યુબેઝડ પણ ! એ કહે છે કે હું જેવી છું, એવી સ્વીકારો. ઓસ્કારની સ્પીચમાં સંકોચ વિના એણે કહ્યું કે હું પહેલા બાથરૂમમાં શેમ્પુની બોટલ લઇને અરીસા સામે રિહર્સલ કરતી ! આજે ય શોફર ડ્રીવન લકઝુરિયસ કારને બદલે એ ઘણી વાર ટ્રેનમાં મુસાફરી કરી નાખે છે !

સાંઠીકડા જેવી ‘કુપોષણ’થી ગ્રસ્ત કાયા પ્રત્યેના પશ્ચિમી જગતના ફેશનેબલ ક્રેઝની તો સ્વદેશી વિદ્યા માફક કેટને ભારે ચીડ છે ! એને સ્ટાર બન્યા પછી બધા ‘ફેટ કેટ’ કહી ચીડવતા. કેટ કહે છેઃ હું ફેટી નથી, હેલ્ધી છું અને મને મારૂં આ શરીર ગમે છે. હું બીજાની નજરમાં સારી દેખાવા ગમતું ખાવાનું બંધ કરૂં, મોં માં આગળી નાખી ઉલટી કરૂં કે સતત ફક્ત કસરત જ કરૂં એવું નહંિ કરૂં. હું તો મારા બાળકોને મારૂં ‘પલમ્પ ટમી’ (ભરાવદાર પેટ) બતાવી કહું છું કે આ સુંદર છે, અહીંથી તમે આવ્યા છો ! મને તો સ્કુલમાં બધા ‘બ્લબર’ (જાડી) કહેતા. સો વ્હોટ ? હું કોઇ કોમ્પિટિશનમાં નથી. દુનિયામાં કેટલીયે સ્ત્રીઓ મારા જેવી છે. મારા ગાલે ય ફોલ્લી થાય છે, એ તો મને છુપાવતાં આવડે છે, મારા વ્યવસાયને લીધે ! પણ હું જરૂરથી વઘુ કોસ્મેટિક્સ વાપરતી જ નથી. મને તો ડર જ છે કે ક્યાંક મારી દીકરીને જુવાન થઇને ‘સાઇઝ ઝીરો’ બનવાનું ઘેલું ન ઉપડે, માટે મેં એવા (વાંસડા જેવી વામાઓના વખાણ કરતા) મેગેઝીન્સ પણ મંગાવવાના બંધ કર્યા છે. સોનાકેશી કેટનું એક સોનેરી સત્યવચન છે: ‘મને બે બાબતની ખબર છેઃ એક-નોર્મલ નારીની જેમ મારા બ્રેસ્ટ અને બોટમ ઘાટીલા, સરસ છે. અને બે-અસલી પુરૂષોને આવી સ્ત્રી જ ગમે છે.’

ભારત આવી ચૂકેલી અને જયપુરથી હરદ્વાર સુધી ફરેલી, યોગ શીખેલી શાસ્ત્રોક્ત અપ્સરાનો આકાર ધરાવતી કામિની કેટે બાળકો સાથે રહેવા માટે અનેક મોટા પ્રોજેક્ટસ જવા દીધા છે. ક્યારેક આખે આખો વર્ષનો બ્રેક લીધો છે. એણે ટ્રેનર કે કૂક રાખ્યો નથી. છોકરાઓને તૈયાર કરી સ્કૂલે મુકવા જાય છે, જાતે રાંધી જમાડે છે. ડાયમંડ રિંગ  કે ફાઇવ સ્ટાર ડિનરને બદલે ઘરની ખરીદી માટે ગ્રોસરી સ્ટોરમાં જવું કે કુટુંબ સાથે પિકનિક પર જવું એને ગમે છે. વાંચવું બહુ ગમે છે. લવ યુ કેટ, દેખાવની બ્યુટીને લીધે તો ખરું, પણ આ પારદર્શક સંવેદનશીલ સ્વભાવની પ્યોરીટીને લીધે ય ! તુમ તો મેરેલીન મનરો હો, કાશ હમ ભી આર્થર મિલર હોતે ! (એલઓએલ્ઝ ! આર્થર મિલર જગવિખ્યાત લેખક હતા અને સૌથી લાંબો સમય મહાબ્યુટી મેરેલીનના પતિ રહેવાનું સદ્‌ભાગ્ય કે દુર્ભાગ્ય એમને મળ્યું હતું ! આને કહેવાય મુંગેરીલાલના હસીનાના સપના. હીહીહી. જોક પુરો.)

બટ કેટ ઇઝ ટાવરિંગટાઇગ્રેસ, બ્યુટી મીટ્‌સ બ્રેઇન મીટ્‌સ બોલ્ડનેસ મીટ્‌સ બિલિયન્સ. અ બિગ બ્લોન્ડ બોમ્બશેલ. ગોરા ગાલ પર ટટ્ટાર ઉભેલો કાળો તલ. સોનેરી વાળ અને માંજરી આંખોવાળી ધોળી બિલાડી. જાડુડી લાડુડી. સમરાશિના જેકે સાચું જ કહેલું આઈ વિલ નેવેર લેટ યુ ગો…ફિલ્મ પૂરી થઇ આંખો સામેથી જાય છે. ફીલિંગ હૃદયમાંથી ધ એન્ડ થઇને જતી નથી હોતી…!

* * *

ટાઇટેનિક વોઝ ફિલ્મ ઓફ ડ્રીમ્સ. આંખોથી દરિયો પી જવાનું શીખવાડતી કલાકૃતિ ! એ ફિલ્મ નહોતી, પ્રેમનો પારસમણિ હતો. એમાંથી ઉમટ્યા આથમતી સંઘ્યાના રંગો..એમાંથી ફૂંકાયો હિમશીલા પરથી આવતો નીલો પવન…બોધિવૃક્ષને બદલે એણે કરાવ્યો પ્રેમરસની ભાવસમાધિનો અદ્રશ્ય સાક્ષાત્કાર…કમકમાટી અને કટોકટી વચ્ચે કાળજે ભોંકાતી કોર્ટશિપ એન્ડ કમિટમેન્ટની કટારી…

એન્ડ માય હાર્ટ ઇઝ સ્ટિલ ગોઇંગ ઓન….

હેપી બર્થ ડે, કેટ વિન્સલેટ….( 5 ઓક્ટોબર) ફ્રોમ એ મેન બોર્ન ઓન ઓક્ટોબર  6 ! 😉 :-*

ઝિંગ થિંગ

ખુલ્લી તલવાર જેવી છોકરીએ, સુરજની સામે ઉગામ્યો છે ચહેરો

એનું મારકણું સ્મિત, એની આંખોની ધાર, ઘ્વસ્ત થતા કૈંક શહેરો !

(સ્વરચિત)

*article from the past for the artist in the heart 😛

 
41 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 5, 2012 in cinema, feelings, personal

 
 
%d bloggers like this: