RSS

Monthly Archives: ડિસેમ્બર 2012

યુવતીઓના મોડર્ન ડ્રેસ : પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા?

YOG1

તમને આમાં કેટરીનાનું યોગમુદ્રા વાળું પદ્માસન ના દેખાય તો એનો શું વાંક? એની તો આંખો બંધ છે ! તમારી નજરને નિયંત્રણમાં રાખતા શીખો અને પચાવતા શીખો 😉

વર્ષ ૨૦૧૨ના અંતકાળે ” સ્વ.દામિની એવોર્ડ કોઈ બહાદુર મહિલાને આપવો હોય તો?

તો એ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી સુપુત્રી શર્મિષ્ઠા મુખરજીને આપવો જોઈએ. પોતાના સાંસદ ભાઈ અભિજિતની લવારીને સરેઆમ ઝાટકીને એના વતી માફી માંગવા બદલ. બ્રેવો. ભારતના એક એક ઘરમાં શર્મિષ્ઠા જેવી કોઈ બહેન -દીકરીની જરૂર છે , જે વાર તહેવારે સંસ્કૃતિ અને સંસ્કારના નામે ઘરની સ્ત્રીઓ પર બંધન મુકવાના પ્રતિબંધો ઠોક્યા કરે છે એવા ઘરના બાપ-ભાઈઓ સામે રંક બનવાને બદલે રણકાવાળો અવાજ ઉઠાવે એવી !

પણ હજુ ય ધર્મગુરુઓ અને અમુક ગુજરાતી લેખકો બેફામ વાણીવિલાસ રોજેરોજ કરે છે : સ્ત્રીઓને મર્યાદામાં રાખો. એમને ફેશન ના કરવા દો. એમને ફાંકડા આધુનિક વસ્ત્રો ના પહેરવા દો. એમના ઉત્તેજક વસ્ત્રો જ બળાત્કારને આમંત્રણ આપે છે. એમની આવી હરકતોને લીધે જ બળાત્કાર થાય છે. ઇત્યાદિ ઇત્યાદિ.

આ મુદ્દો આજકાલનો નથી, પુરા એક દસકા અગાઉ મેં એક લેખ એના પર ખુલીને લખેલો, દસ વર્ષે ય કોઈ એની નક્કર દલીલોનો જવાબ પુરુષો અને જુનવાણી મગજના ખાંધિયા ખખડધજ દિમાગો પાસે નથી. આપણો દંભી સમાજ બીકણફોશી છે અને પશ્ચિમની જેમ રેપ જેવા ક્રાઈમ સામે લડવાને બદલે વર્ષોથી શરણે થઇ સ્ત્રીઓ પર જ મર્યાદાના બંધનો નાખી એને માનસિક રીતે રીમોટ કંટ્રોલમાં રાખવા જ ટેવાયેલો છે. એમના કાલ્પનિક ડરને લીધે એ નારીની સહજ શૃંગારની પ્રકૃતિને વિકૃતિ તરીકે જોઈ, પોતાની લુચ્ચાઈ માટે બિચારી છોકરીની મુક્તિ અને મસ્તીને જ આરોપી ગણે છે ! ધિક્કાર છે. પાણીથી પેટના રોગો થાય એમ માનીને પાણી પીવાનું જ બંધ કરવાનું હોય કે એને જંતુમુક્ત કરવા માટે ઝઝૂમવાનું હોય ? કહેવાતા સંસ્કારનો ચીપિયો પછાડતા અને માં-બાપને સાવચેત રહેવાની લાલબત્તી ઉપરાઉપરી ધાર્મિક જડતાને આગળ કરી દેતા લેખકો ખુદ જ આ મામલે આજીવન ખરડાયેલા હોય છે, ને બીજાને પવિત્રતાની શિખામણ આપતા ફરે છે. મૂળ તો સ્ત્રી સ્વતંત્ર થાય એમાં એમને ડર લાગે છે, અને પોતાની ગુલામી કરાવી જમાવેલો ગરાસ લુંટાઈ જશે એવો ભય લાગે છે.

દામિનીના નામે ઈમોશનલ અપીલો કરીને, વેવલા સમાજની ઘેલી અણસમજનો લાભ લઇ જુવાન છોકરીઓ ફરતે આડેધડ પ્રતિબંધો વગર વાંકે ઠોકીને એને સપનાની પરીને બદલે સાવચેતીની આડમાં ઉદાસીન સાધ્વી બનાવી દેવાનો એક પ્રવાહ ઉછળે છે, એની સામે દસ વરસેય સાંપ્રત આ લેખ થોડીક મજબૂત પાળ બાંધી શકશે , તો આ કર્મ લેખે લાગશે. અને ઘર કરી ગયેલી સમાજની મર્યાદા અને સંયમની ખોટી વ્યાખ્યાઓ ( જેના અતિરેક છતાં ક્રાઈમ તો વધે જ છે ) તોડવા મંગતા હો તો આ સચ્ચાઈનો સંદેશ ચોમેર ફેલાવો પ્લીઝ. સુંદર હોવું, દેખાવું અને ફરવું એ ગુનો નથી. પણ પારકી સુંદરતાને પરાણે પોતાની બનાવવા જવી એ ગુનો છે.

કહ્યુંને , આપણને હજુ ઘણી વધુ શર્મિષ્ઠા મુખરજીઓ જોઈશે , જે મોડર્ન થતી જતી છોકરીઓ જોઈને અકળાતા ઘરના માલિકીભાવ ધરાવતા જ અભિજીતો પર લગામ તાણી શકે. આ વસ્ત્રાહરણ પછી વસ્ત્રોમાં મર્યાદા રાખવાને બદલે દુશાસનના લોહીથી ચોટલો ના બંધાય ત્યાં સુધી વાળ ખુલ્લા રાખી ફરતી કૃષ્ણની પ્રિય સખી દ્રૌપદીનો પણ દેશ છે. એ કેટલી વાર યાદ કરાવવું?

ઓવર ટુ આર્ટિકલ.

દાયકાઓ પહેલા આવેલી અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ ‘દોસ્તાના’માં એક સિચ્યુએશન હતી. નાયિકા ઝિન્નત અમાન વેસ્ટર્ન આઉટફિટમાં સજજ થઇને નીકળી હોય, ત્યારે કેટલાક રોડસાઇડ રોમિયો તેની છેડતી કરે છે. ઝિન્નત ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યારે ઇન્સ્પેકટર અમિતાભ કપડાંમાંથી પ્રગટ થતી તેની સુડોળ કાયાને પગથી માથા લગી નિહાળીને કોમેન્ટ કરે છેઃ ‘અગર આપ ઐસે કપડે પહન કે ઘૂમેંગી ફિર તો…’ હોલ તાળીઓ અને સીટીઓથી ગૂંજી ઉઠતો. આ ટાઇપની ઘટના અને સંવાદો પછી આજ દિન સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં આવ્યા છે. દરેક વખતે તેને વધાવી લેવાયા છે.

નાઉ, ચેન્જ ધ સીન. ફિલ્મી પડદામાંથી આ ઘટનાક્રમ હકીકતમાં ભજવાતો થયો છે. રીલને બદલે રિયલ લાઇફના સેમ્પલ જુઓઃ

* મુંબઇમાં ચસોચસ ફિટિંગવાળું લો-કટ બ્લાઉઝ અને સ્કર્ટ પહેરેલી એક મોડર્ન યુવતીનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો, ત્યારે પોલીસે માત્ર વસ્ત્રો ઉપરથી એને ‘કોલગર્લ’ ઠેરવીને કેઇસ ફાઇલ કરેલો. બાદમાં અદાલતે ‘‘કાયદો વ્યકિતના વ્યકિતત્વનું વિશ્લેષણ કરવા માટે છે, એના વસ્ત્રોનું નહિ’’ એવા રિમાર્ક સાથે મિડિયાને અને પોલીસને ઠપકો આપેલો.

* વિહિપના આગેવાન વિષ્ણુ હરિ દાલમિયાએ ‘જીન્સ પહેરવાથી બળાત્કારની શકયતા વધે છે’ એવું વિધાન કર્યા પછી ઘણી ચળવળિયા ખુજલી ધરાવતી યુવા સંસ્થાઓએ કાનપુર જેવા શહેરોની શિક્ષણ સંસ્થાઓમાં પરાણે જીન્સ પહેરેલી યુવતીઓ પર ડામર ફેંકયો હતો અને હિન્સક દેખાવો કર્યા હતા. બાય ધ વે, હિન્દુત્વપ્રેમી આગેવાનના આ તર્કને તાત્કાલિક ટેકો જામા મસ્જીદના ઇમામે આપી તત્કાળ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતીક જેવા જીન્સને ફગાવી સ્ત્રીઓને મર્યાદામાં રહેવાની ચીમકી આપેલી!

* કાશ્મીરમાં જાહેરમાં બુરખો પહેરીને જ મહિલાઓએ નીકળવાનો ફતવો કેટલાક ત્રાસવાદીઓએ બહાર પાડયો છે. તો દેશના કેટલાક જાણીતા મંદિરોમાં ‘બદનપ્રદર્શન’ થાય તેવા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતી છોકરીઓ સામે મહંતો, વ્યવસ્થાપકોએ સખત નારાજગી પ્રગટ કરી છે.

* ‘જીસ્મ’ ફિલ્મ રિલિઝ થયા બાદ એક રેસ્ટોરાંમાં બેઠેલી સેકસી અભિનેત્રી બિપાશા બાસુને એક અજાણ્યા યુવાને અડપલું કરતા બિપાશાના બોયફ્રેન્ડ જોન અબ્રાહમે એને ઠમઠોર્યો હતો. પછી દેશભરના મિડિયાએ ‘શું બિપાશાના ઉત્તેજક વસ્ત્રોને લીધે એ સેકસ્યુઅલ હેરેસમેન્ટનું ટારગેટ બની છે?’ એવો ગોકીરો મચાવ્યો હતો.

* મુંબઇની ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ પાદરીજીએ વિદ્યાર્થીનીઓના તડક – ભડક તંગ વસ્ત્રોથી અકળાઇને ‘ડ્રેસ કોડ’ દાખલ કરી દીધો છહતો. સંભવિતપણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની (બાય ધ વે, ભારતીય ભાષામાં વિદ્યાર્થીની અને છાત્રા જેવા અલાયદા શબ્દપ્રયોગો છે. અંગ્રેજીમાં સ્ટુડન્ટ ઇઝ સ્ટુડન્ટ. પછી ગર્લ હોય કે બોય!) ઓ માટે ‘ડ્રેસ કોડ’ દાખલ થતા થતા રહ્યો હતો. જેમાં પ્રસ્તાવ હતો કે કોલેજમાં સ્લીવલેસ ટોપ, શોર્ટ ટી શર્ટ, મિનિસ્કર્ટ, શોર્ટ સ્કર્ટ, શોર્ટ શોર્ટસ (ટૂંકી ચડ્ડી), સ્કીનટાઇટ જીન્સ કે સ્કર્ટ કે કોઇ પણ રીતે ઉત્તેજક વસ્ત્રો પહેરનાર યુવતીઓ પાસેથી દંડ વસૂલ કરાશે. શિક્ષાત્મક પગલાં લેવાશે. જરૂર પડે વાલીઓને સમજાવાશે, અને આ રીતે અંદાજીત ૬૦,૦૦૦ જેટલી ટીનેજર કન્યાઓને લાજશરમનું ભાન કરાવાશે. આવા જ પ્રતિબંધની માંગ વડોદરાથી લખનૌ સુધીની અનેક યુનિવર્સિટીઓમાં છે. જય હો!

લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ. જો આ અંગપ્રદર્શનવાળા માદા વસ્ત્રપ્રદર્શનને ગ્લોબલાઇઝેશન પછીની સમસ્યા માનતા હો… તો જરા છેલ્લા મુદ્દામાં ચમકેલા અમદાવાદમાં જ ૨૬ ડિસેમ્બર ૧૯૬૯માં આચાર્ય રજનીશે કરેલા પ્રવચનનો એક અંશ શબ્દશઃ વાંચી લોઃ

‘‘વાઇસ ચાન્સેલર બૈઠકર કમિટિયાં કરતે હૈ ઔર વિચાર કરતે હૈ કિ લડકિયોં કો કૈસે કપડે પહનકર આને દેના હૈ… વાઇસ ચાન્સેલરોં કો ઔર કોઇ કામ નહીં બચા હૈ સોચને કા? લડકિયોં કે કપડોં કી ઇતની ચિન્તા હૈ? વાઇસ ચાન્સેલરો કે દિમાગ કા કુછ ઇલાજ હોના ચાહિયે. લડકિયાં કપડે પહનતી હૈ, યહ ઉનકા સુખ હૈ. કપડે કમ હોંગે. મેરી અપની સમજ ઐસી હૈ કિ શરીર મેં જો – જો કુરૂપ હૈ ઉસે ઢાંકને કે લિયે હમને કપડે ઇજાદ કિયે હૈ. જો – જો સુંદર હૈ, હમને પ્રગટ રખા હૈ.’’

ઉતાવળિયા વાચકબિરાદરો માટે ફરી વારઃ આ વાક્યો આજથી ૪૩ વર્ષ પહેલા કહેવાયા છે. આ લખનારે નહિ, રજનીશે કહ્યા છે.

w9જો કે મુદ્દો માત્ર કોલેજના ડ્રેસ કોડનો નથી. લેખના પ્રારંભે જ ઝલક બતાવી તેમ એક દ્રઢ માન્યતા બહુમતી જનતામાં છે કે ફિટ્ટમફિટ અને એક્સપોઝરવાળા વેસ્ટર્ન ડ્રેસીઝ પહેરીને જાહેરમાં બહાર નીકળવાને લીધે જ સ્ત્રીઓ સામે ચાલીને પોતાની છેડતીને કે બળાત્કારને આમંત્રણ આપે છે. ઈવ ટિઝિંગ (છેડછાડ), સેકસ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) કે રેપને ટાળવા માટે સ્ત્રીઓએ જાતે જ એમના કપડા સેન્સર કરવા જોઈએ અને મર્યાદાશીલ પોશાકમાં જ બહાર નીકળીને સલામત રહેવું જોઈએ. (અને જે ખુલ્લેઆમ નથી કહેવાતું એવું પૂરક વાક્ય એ છે કે જો બેવકૂફ અબળાઓ એ નહિ સમજે તો સમાજની નીતિમત્તાના ઠેકેદાર ધર્મગુરૂઓ, નેતાઓ કે વડીલો જેવા ‘પુરૂષોત્તમો’ એમને એ બળજબરીથી સમજાવશે.)

વાહ વાહ. અને પુરૂષોએ શું પહેરવું એ એમને કોણ કહેશે? દિગંબર સંન્યાસીઓની તો ભારતના વિવિધ ધર્મો/સંપ્રદાયોમાં પરંપરા છે. કોઈ કોલેજીયન યુવતી વટકે સાથ કહે કે- લંગોટી કે પંચિયુ પહેરીને ૭૫% બદન ઉઘાડું બતાવતા કોઈ સાઘુશ્રીને જોઈને, એક સ્ત્રી તરીકેની તેની સુરૂચિનો ભંગ થયો છે… તો શું જવાબ આપશો? મહાનગરોની ગીચોગીચ ચાલમાં તો અડધો દિવસ પુરૂષો બગલના વાળ અને પેટના વાટા દેખાય એવી અવસ્થામાં ટુવાલ કે લૂંગી કે લેંઘો પહેરીને વ્યવસાય પણ કરતા હોય છે. એ ‘અંગ પ્રદર્શન’ સામે કેમ સમાજને વાંધો નથી હોતો?

પુરૂષ ઉઘાડે છોગ નહાઈ શકે, તો સ્ત્રીના સ્વીમિંગ કોસ્ચ્યુમમાં લજ્જા કેવી? ન્યાય દરેક માટે સમાન હોય તો જ ન્યાય કહેવાય. કેટલીક કોલેજોમાં મવાલીટાઈપ માથાભારે છોકરાઓ શર્ટના ત્રણ બટન ખુલ્લા રાખીને આંટા મારે છે. મોંમાં ગુટકા ચાવે છે. એમના પર કેમ ‘બાન’ નથીં? સિનેમા થિયેટરમાં ચાલુ ફિલ્મે મોબાઈલ પર જોર જોરથી વાત કરવામાં પણ ‘અશિસ્ત’નું પ્રદર્શન ૯૯% પુરુષો જ કરે છે. કેમ આ ક્રિયાને એકીઅવાજે વખોડાતી નથી?

૨૦૦૩માં રિલિઝ થયેલી એક બકવાસ ફિલ્મ ‘ખ્વાહિશ’ એના હીરો-હિરોઈનના ઉત્તેજક દ્રશ્યોને લીધે ચર્ચામાં હતી. એને લીધે રાતોરાત એની નાયિકા મલ્લિકા શેરાવત સેલિબ્રિટી થઈ ગઈ. ટીવી ચેનલો એની મુલાકાત લેવા તૂટી પડી. મલ્લિકો જ્યારે હિન્દી ફિલ્મોમાં બિન્દાસ બનતી જતી અભિનેત્રીઓ અને એણે કરેલા ૧૭ ચૂંબનો અંગે પૂછાયું ત્યારે એણે સણસણતો જવાબ આપ્યોઃ ‘‘હીરોઈન જ શું કામ? ફિલ્મમાં શું ૧૭ ચૂંબન મેં એકલીએ આપ્યા છે? એટલી જ કિસ હીરો હિમાંશુ મલિકે પણ કરી છે! એને કેમ કોઈ જઈને બોલ્ડ બનતા જતા હીરોની સ્ટોરી માટે પૂછતું નથી? મેં ટુ પીસ બિકિની પહેરીને જે હોટ સીન્સ કર્યા, ત્યારે હીરોએ વન પીસ બ્રીફ (યાને જાંગિયો!) જ પહેરી હતી- તો તેની ટીકા કેમ ન થઈ?’’ પોઈન્ટ ટુ બી નોટેડ.

મૂળ વાત જરા ઉંડાણમાં ઉતરીને સમજો. આ પુરૂષપ્રધાન સમાજ છે. પુરૂષનું ઘ્યાનભંગ ન થાય કે એ મર્યાદાહીન ન થાય એની જવાબદારી પણ સ્ત્રીઓના માથે છે! હે ભારતીય નારીઓ, તમે એટલા માટે તમારું સુંદર તન સાંગોપાંગ ઢાંકીને નીકળો કે અમે, આઘ્યાત્મિક ભારતના દિવ્ય પુરૂષો તમારો દેહવૈભવ જોઈને અમારી જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી!! કમાલ છે ને! પોતાના પર અંકુશ રાખવાની કે પવિત્ર રહેવાની ફરજ કોની? નેચરલી, ખુદની જ. પણ યુવતીઓએ અહીં એટલે મનગમતા ડ્રેસ ન પહેરવા, કે એની આજુબાજુના પુરૂષમાં સળવળતું પશુ ઢંકાયેલું રહે! મતલબ, જેમને સજા થવી જોઈએ એમના માટે જેમનો કોઈ વાંક નથી એવી નિર્દોષ નારીઓ, મન મારીને સંયમિત શૃંગાર કરે!

જસ્ટ થિંક. તમે કોઈ જગ્યાએ જમવા ગયા છો. તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે. તમે એ ઓહિયાં કરવા જાવ છો, ત્યાં કોઈ આવીને તમને હૂકમ કરે છેઃ ‘‘એ ગુલાબજાંબુ થાળીમાંથી બહાર ફેંકી દો. કદી જાહેરમાં ગુલાબજાંબુ અડતા જ નહિ’’ પૂછો કેમ? તો એ કહે છેઃ ‘‘કારણ કે, મને ડાયાબિટિસ છે. તમે ગુલાબજાંબુ ઝાપટો છે, એ જોઈને હું રહી શકતો નથી. મને એ ખાવાનું મન ન થાય, માટે તમે પણ ન ખાવ.’’ કેવી બેહૂદી લાગશે આ વાત તમને! હજુ ન સમજાયું હોય તો બીજું ઉદાહરણઃ તમારા પાડોશી એક દિવસ તમારા ઘરમાં આવીને કહેશે કે તમે ઘરમાં જે બ્લૂ રંગ કર્યો છે, એ સોસાયટીમાં બીજા કોઈને ગમતો નથી. માટે તમે ત્યાં સફેદ રંગ કરો. તમારો સ્વાભાવિક જવાબ શું હશે? ‘‘અલ્યા, આ મારું ઘર છે, મને ગમતો રંગ મારા ખર્ચે મેં કરાવ્યો છે. એને બદલવાનું કહેનાર તું કોણ?’’

kajalબસ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણનું શરીર એ સુવાંગ એનું પોતાનું છે. સમાજનું પણ નથી અને માતા-પિતાનું પણ નથી. આપણા દેહના માલિક આપણે પોતે. એને કેમ સજાવવો કે કેટલો દેખાડવો એ નક્કી કરવાનો હક આપણો. હા, દરેક વ્યવસ્થાના એક નિયમો હોય, અને એ ન ઓળંગાય એ જોવાની નૈતિક ફરજ પણ આપણી જ. પણ આ મામલે વિવાદ થાય તો નિયમોનું અર્થઘટન કરવા જ કાનૂની વ્યવસ્થાતંત્રની શોધ થઈ છે. એ નિર્ણય લે… અને નિર્ણય તમામ માટે સમાન જોઈએ. મુંબઈના મરીન ડ્રાઈવ પર તમે જે પહેરી શકો, એ કોલેજ કોરીડોરમાં કે માધવપુરના મેળામાં પહેરી શકો… કોઈને એ ન ગમે… ધેટસ ફાઈન. પણ એથી એ ‘કોઈ’ જાતે જ જગતકાજી થઈને પ્રતિબંધ ઠોકે કે તમને હલકા ઠેરવતા અભિપ્રાય આપે- એ અપમાન છે!

સ્માર્ટ અને ફેશનેબલ સ્ત્રી એટલે દેશી ભાષામાં ‘ચાલુ’ અને પરદેશી ભાષામાં ‘અવેલેબલ’ સ્ત્રી- એમ માનવું એ એક વિરાટ ભ્રમણા છે. સુંદર હોવું અને સુંદર દેખાવું એ જાણે અપરાધ હોય એવી રીતે આજકાલ ચોખલિયાઓ એની ટીકા કરવા તૂટી પડે છે. જ્યાં સુંદર, સુડોળ, ઘાટીલું ચમકીલું શરીર હોય, ત્યાં એને બતાવવાનું ‘એક્ઝિબિશનિઝમ’ (પ્રદર્શનવૃત્તિ) આવે, એ પ્રકૃતિમાં નિરંતર બનતી ઘટના છે.

પશુ-પંખીઓનું વિશ્વ જરા જોઈ લેજો. અગાઉના પ્રમાણમાં ફિગર અને ફિટનેસ માટે શહેરી યુવતીઓની સભાનતા વધી છે. એમનું પેટ અંદર છે, નિતંબ વળાંકવાળા છે, છાતીમાં ઉભાર છે અને ચાલમાં ખુમાર છે. ઇટસ નેચરલ. સ્ત્રીમાં એવું ન હોય ત્યારે ખરેખર તો ચિંતા થવી જોઇએ.

સાવ સાચું કહેજો… આગલી પેઢીમાં કેટલી એવી મહિલાઓ હતી જે એમના સાથળ કે ખભા કે ઉદર (બેલી, યુ સી!) દર્શાવી શકે? એ હોય જ એવા બેડોળ કે એને સાડી- બુરખામાં છુપાવી દેવા પડે! અને હા, વિદ્વાનો જે કહે તે- સામાન્ય ઇવ ટિઝિંગ (યાને એકાદ કોમેન્ટ, સ્માઇલ કે સિસોટી) તો બનીઠનીને નીકળતી કન્યાને અંદરથી ગમતું પણ હોય છે. સ્ત્રીઓને સતામણી નથી ગમતી – પણ કોઇનું ઘ્યાન ખેંચાય અને કોઇ પ્રશંસા કરે, એના માટે તો આ મેકઅપ, ડ્રેસીઝ, ઓર્નામેન્ટસ કે એકસરસાઇઝનો ભાર એ ઉપાડે છે! વળી ચુસ્ત કપડાંથી ટીનએઇજમાં આપોઆપ એક તરવરાટ, એક જુસ્સો આવે છે. ધે ફીલ એનર્જેટિક. આર્મીના જવાનોને ઝભ્ભો- ધોતિયાં પહેરાવીને પરેડ કરી શકાય? માઉન્ટેનીયર બચેન્દ્રી પાલ કે ટીનએજ ટેનીસસ્ટાર સાનિયા મિર્ઝા કે એથ્લેટ અંજુ જ્યોર્જ  કે બોક્સર મેરી કોમ એમની પ્રવૃત્તિ સાડી પહેરી, ધુમટો તાણી, બુરખો ચડાવી ફરે?

ભારતમાં આમ પણ કદાચ આ જ કારણોથી દુનિયામાં છવાય એવી ફિમેલ સ્પોર્ટસ્ટાર ભાગ્યે જ આવે છે. જે આવી છે એ પણ આફટર ગ્લોબલાઇઝેશન! સ્પોર્ટસ માટે સ્કૂલ ટાઇમથી જ શરીર ઢાંકવાનો ક્ષોભ છોડી દેવો પડે. એ જ રીતે એક જમાનામાં કળાનું ધામ ગણાતો આ દેશ આજે એસ્થેટિક સેન્સ (સૌંદર્યદ્રષ્ટિ) ગુમાવી બેઠો હોય તેમ લાગે છે. જે પ્રાચીન ભારતની સંસ્કૃતિની ડ્રેસ કોડ માટે દુહાઇ દેવામાં આવે છે- એ પ્રાચીન ભારતનો પોશાક જો લાગુ કરવામાં આવે તો પુરૂષો મદહોશ થતાં પહેલાં બેહોશ થઇ જાય!

પુરાતન ભારતમાં કોઇ કાળે સ્ત્રીઓ માત્ર એક જ વસ્ત્ર કટિ (કમર) નીચે પહેરતી અને ટોપલેસ એવા ઉપરના ભાગને ચંદનલેપ, આભૂષણો કે ફૂલોથી જ ઢાંકતી. ઝાઝો પુસ્તકિયો અભ્યાસ ન કરવો હોય તો કોઇપણ પ્રાચીન શિલ્પ જોઇ લેજો. પછી કંચુકી (ચોળી) આવી. સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે! ટી શર્ટ, કોર્સેટ કે સ્લીવલેસ ટોપમાં હજુ પેટ ઢંકાયેલું રહે- પણ સાડી? યશ ચોપરાની ફિલ્મોમાં શ્રીદેવી નથી જોઇ? એની વે, સ્ત્રીઓએ મર્યાદાશીલ વસ્ત્રો પહેરવાની પરંપરા ખરેખર તો ઇસ્લામિક અને ખ્રિસ્તી અસર નીચે ભારતમાં આવી હોય તેવું લાગે છે. ગુલામ નારીઓ શીલના રક્ષણ માટે વઘુને વઘુ સાદગી અપનાવી, દુશ્મન રાજકર્તાઓની નજરમાંથી બચવા માંગતી હોય એવું પણ બને.

હિન્દુત્વ એક ગૌરવશાળી જીવનધારા છે પણ ટ્રેજેડી એ થઇ છે કે જે બાબતનો એ વિરોધ કરે છે, કયારેક તેના સમર્થકો અજાણતામાં જ તેની નકલ કરે છે! તાલિબાનો અફઘાનિસ્તાનમાં ડ્રેસકોડ દાખલ કરી, સ્ત્રીઓની મનગમતાં કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવી લે એવું જ કેટલાક હિન્દુત્વપ્રેમી દોસ્તો ભારતમાં કરે! બંને પાછા ધર્મ અને સંસ્કૃતિની જ દુહાઇ આપે! આ તો હિન્દુત્વનું જેહાદી ઇસ્લામીકરણ થયું! ખરેખર તો ભારતે હિન્દુત્વની વિશાળતા અને લવચીકતા (ઇલાસ્ટિસિટી) બતાવવા સંકુચિત ધાર્મિકતાથી મુકત એવા દ્રષ્ટાંતો દુનિયા સામે બેસાડવાના હોય. અમેરિકન સરકારો પોતાના નાગરિકોની લાઇફસ્ટાઇલમાં ચંચૂપાત નથી કરતી, એટલે જ છુપી રીતે ભારતની યુવાપેઢીને અમેરિકન ફ્રીડમ આકર્ષે છે. વિરોધ, પ્રતિબંધ કે ઇન્કારથી એ હકીકત ભૂંસાઇ જવાની છે? આંખો મીંચવાથી ઝંઝાવાત શમી જવાનો છે?

gul4અને નારી યુવાનીમાં જો ચપોચપ અને સેન્સ્યુઅસ ટૂંકા વસ્ત્રો ન પહેરે તો કયારે બૂઢાપામાં પહેરશે? સફેદ વાળ ખરતા હોય અને ચામડી પર સેંકડો કરચલી હોય, કરોડરજ્જૂ વાંકી વળી ગઈ હોય અને આંખે મોતિયો હોય ત્યારે મિનિ સ્કર્ટ પહેરાય? ઉત્તેજક વસ્ત્રો પહેવાના ઉન્માદની પણ એક ઉંમર છે, એ ચાલી ગયા પછી પાછી નથી આવતી.

જો વાત માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પંજાબી કે ચૂડીદાર પહેરવાની હોય તો પછી તમામ છોકરાઓના પેન્ટ-શર્ટ ઉતરાવી કેડિયા-ચોરણા-ધોતિયા પહેરાવો! પેન્ટ-શર્ટ કયાં ભારતીય છે? અને ગુજરાતની અસ્મિતાને અનુરૂપ જો તમામ યુવતીએ માત્ર ચણિયા-ચોળીમાં જ ફરશે તો? એ ‘ચિત્તાકર્ષક’ પોશાક નથી? પછી એના પર પ્રતિબંધ મુકીશું? પ્રોફેસરો કંઈ પોલિસ કોન્સ્ટેબલ નથી. અને ખુદ પોલિસ હવાલદારો પણ કે નીતિમત્તાના ન્યાયાધીશ નથી.

સવાલ શિક્ષણનું સ્તર સુધારવાનો છે, વસ્ત્રોના અસ્તર નહિ. કેટલાય ડફોળ લાગવગિયા શિક્ષકો પર કે વિદ્યાર્થીનીઓનું ખરેખર શોષણ થાય છે તેવી કોલેજની ચૂંટણીઓ પર પહેલા બાન મૂકવાની જરૂર છે. આજે યુવતીઓના ડ્રેસથી અભ્યાસમાં ઘ્યાનભંગ થઈ જાય છે, કાલે બહાર પડતા વરસાદના ઘ્વનિથી ઘ્યાનભંગ થઈ જશે. આ જ લોજીક હોય તો તો દરેક ફિલ્મી હીરોનું ઘ્યાન એકટિંગમાંથી હટી જવું જોઈએ! જો અભ્યાસક્રમ રસપ્રદ હોય અને લેકચરરમાં દમ હોય તો સ્ટુડન્ટનું ઘ્યાન કયાંય ભટકવાનું નથી. અને શિક્ષણનો મૂળ હેતુ જ સ્વયંશિસ્ત કેળવવાનો છે. શિસ્ત લાદવી પડે એ ભૂતકાળની કે વર્તમાન શિક્ષણપઘ્ધતિ અને તાલિમમાં રહેલી ખામીઓ જ ઉઘાડી કરે છે!

રહી વાત કોલેજ બહારની દુનિયાની, ધર્મસ્થાનકોમાં ધારો કે કોઈ યૌવના વાંધાજનક (?) પોશાકમાં ગઈ – તો પછી પ્રભુ-ખુદા-ગોડની પ્રાર્થનામાં મગ્ન શ્રઘ્ધાળુઓનું મન ત્યાં કેમ ખેંચાય છે? મીરા કે નરસિંહહ કે રાબિયાની જેમ જો તમે ભકિતમાં લીન થઈ ગયા હો, તો પછી પરમાત્માને બદલે પ્રમદામાં નજર જ કેમ જાય? વાંધાજનક એ બાળાના વસ્ત્રો નથી. વાંધાજનક આપણી ધાર્મિકતાનો દંભ છે. બ્રહ્મજ્ઞાન આત્માને થાય છે કે કપડાંને? તો પછી દેહ શા માટે નિહાળો છો?

06golds7વાતને કેવળ તર્ક કહીને હસી ન કાઢતા જો સ્ત્રી સુરક્ષાની પરોપકારી દલીલ કરવી હોય તો વાંચી લોઃ ન્યુ દિલ્હીના ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન્સ સેલના તત્કાલીન જોઈન્ટ પોલિસ કમિશ્નર વિમલા મહેરાએ કહેલું કે ૧૯૫૦થી ૧૯૯૦ સુધીના દેશભરની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલેલા બળાત્કારના કેસનો અભ્યાસ કરો તો તમામ બળાત્કાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર થયા છે! ઈન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણમાં એમ જણાવેલું કે ૮૫ ટકા બળાત્કાર નજીકના મિત્ર ની વ્યાખ્યામાં આવતા પરણિત પુરૂષોએ કર્યા છે! કોલેજીયન ટપોરીઓને તો હજુ ય ઠાવકી ભારતીય નારીનું રૂપ જ ભાગ્યશ્રી (મૈંને પ્યાર કિયા) કે ભૂમિકા (તેરેનામ) માં દેખાય છે! કોલકાટ્ટાની સામાજીક સંસ્થા ‘સ્વયમ્‌’ના અભ્યાસનું તારણ એવુ નીકળ્યું કે ઈવ ટિઝિંગના ૭૭% કિસ્સાઓમાં સ્ત્રીના કપડા મોડર્ન નહિ પણ પરંપરાગત ભારતીય હતા! મોડર્ન માનુનીથી તો ઉલટાના છેલબટાઉ છોરાં ડરે છે! કેલિફોર્નિયા યુનિવર્સિટીનો એક અભ્યાસ પણ કહે છે કે ઉઘાડા કપડા આકર્ષણ પેદા કરે છે. પણ બળાત્કાર માટે તો પુરૂષ જ જવાબદાર છે.

ગર્લ્સને ફેશન શીખવાડવાની જરૂર નથી. હા, વ્યકિતત્વ, રૂપ, ફિગર અને પરિસ્થિતિને અનુકૂળ ડ્રેસિંગ કરવાની સૂઝ અને આત્મવિશ્વાસ શીખવાડો. પોઝિટિવ એટિટયૂડ પ્રતિબંધની નકારાત્મકતા કરતાં વઘુ અસરકારક રહે. બાકી હોટલનો અભણ વેઈટર માઈક્રો મિનીમાં સજજ કસ્ટમર કન્યાની છેડતી કરી શકે? કારણ કે, એના પર નોકરીની ધાક છે, આવો ખૌફ પુરૂષ રાહગીરને કેમ નથી? શરમ ફુલફટાક ફરતી સ્ત્રીઓને નહિ, પણ એને પરેશાન કરતા પુરૂષને થવી જોઈએ!

-ફાસ્ટ ફોરવર્ડ-

આઘુનિકતા અગાઉના યુગમાં કદાચ સ્ત્રીઓ બે જ હેતુથી વસ્ત્રાભૂષણનો સાજ શણગાર કરતીઃ (૧) પુરૂષનું ઘ્યાન ખેંચવા (૨) અન્ય સ્ત્રી કરતા વઘુ રૂપાળી – આકર્ષક દેખાવા! (એલન પીઝ)

 
79 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 29, 2012 in india, religion, youth

 

મંઝર, મઝાર, મિર્ઝા…..

gaalib

કાસિદ કે આતે આતે ખત ઇક ઔર લિખ રખું
કિ મૈં જાનતા હું, વો જો લિખેંગે જવાબ મેં !

( પ્રિયજનનો સંદેશ લઈને આવતો મેસેન્જર કે મેસેજ  આવે એ પહેલા નવો પત્ર કે મેઈલ  લખીને તૈયાર રાખું, કારણ કે જવાબમાં એ શું લખશે એ તો મને રજેરજની ખબર છે, એવો હું એમની મહોબ્બતમાં ગળાબૂડ છું ! )

૨૧૫ વર્ષ.

એકમેવ. અજોડ. અદ્વિતીય. અનન્ય…આ તમામ વિશેષણોની સાપેક્ષે લઇ શકાય એવું એક નામ :  મિર્ઝા ગાલિબ. ૧૭૯૭ની ૨૭ ડિસેમ્બરે જન્મેલી આ ટાવરીંગ ટેલન્ટ કોઈ પણ એન્ગલથી એની સાથે જ બર્થ ડેટ શેર કરતા સલમાન ખાનથી પણ વધુ ફેન ફોલોઈંગ મેળવવા દરજ્જેદાર છે. ટાગોર, ગાલિબ, હુસેન, ઓશો, કબીર…આ પાંચ દાઢીઓ ભારત સાંસ્કૃતિક ખુશ્બૂનું પંચામૃત છે !

કમબખ્ત મિયાં ગાલિબ…… ટીન એજમાં જ પપ્પાના પ્રતાપે એમનો દીવાન વંચાઈ ગયા પછી અડદિયો ખાધા પછીની કોફી મોળી લાગે, એમ બહુ વખણાતી કે ગવાતી અમુક શાયરીઓ પણ ફિક્કી જ લાગે છે, તાઉમ્ર ..આજીવન ! ગાલિબ એટલે શહેનશાહે શાયરી. ધ અલ્ટીમેટ. નરસિંહ મહેતાની જેમ પેલે પાર કશુંક ભાળી ગયેલો ઈશ્કમસ્ત મૌલા. આગઝરતા કટાક્ષના તણખા વેરતી ભાષા અને નાભિમાંથી ઉઠેલી પીડાની કાળી ચીસ. બે પંક્તિઓમાં આખી નવલકથા કહેવાનું જૌહર અને હુનર રાખનાર આદમી.

વાંચીએ તો લાગે કે આદમી નહિ પાંખો વિના ફરતો ફિરસ્તો હોવો જોઈએ, જેના કદમ ચૂમીને ત્યારના દિલ્હીની ધૂળ સોનેરી બની ગઈ હશે અને વાંચીને આજે ય દિલમાં હીરા મઢાઈ જાય છે. શું કસબ, શું કમાલ ! ૧૬ વરસ પહેલા લેખનની શરૂઆતમાં જ એમના પર ખૂન નીચોવીને લખ્યું એ આજે સોલ્ડ આઉટ અને હવે સંવર્ધિત આવૃત્તિ રૂપે ફરી આવનારા મારા પુસ્તક ” સાહિત્ય અને સિનેમા”માં વાંચવા મળશે. એટલે આજે એમના પર કશું લખવું નથી, પણ એમને સજદો કરવો છે. પાનની દુકાને ઉભેલા આશિક આવારાઓની ચિઠ્ઠીબાજી કે ચોકોચિપ્સ આઈસ્ક્રીમ ખાતાં થતી એસ.એમ.એસ.બાજીની ડાયરીછાપ શાયરીઓ માટે ગાલિબ નથી. એ ખરા અર્થમાં  શેર કહે છે. દહાડતો , ગરજતો, ધ્રુજાવતો બબ્બર શેર!

વર્ષોની તમન્ના બાદ આ વર્ષના શિયાળે દિલ્હીના આંતરરાષ્ટ્રીય બુક ફેરની મુલાકાત દરમિયાન દોસ્તો સાથે ગાલિબની મજાર પર જવાનું થયું. એક જમાનામાં મૂતરડીમાં ફેરવાઈ ગયેલી જગ્યા આજે મીડિયા અને ચાહકોના હોબાળા પછી જરાક વ્યવસ્થિત થઇ છે. ઇલાકો ગીચ, ગરીબ ને ગંદો છે પણ અમે ગયા ત્યારે મજાર ચોખ્ખી હતી. અને કેમ ના હોય? ત્યાં એવી કોઈ અવરજવર જ નહોતી કે એ બહુ ખરાબ થાય ! મહાન આત્માઓ પેદા કરવાનું વરદાન અને ભૂલી જવાનો શ્રાપ બંને આ દેશના લલાટે લખાયો છે. જો કે બાજુમાં રહેલી સરકારી ઈમારતમાંથી વાજબી ભાવે બે-ત્રણ સરસ પુસ્તક જરૂર મળ્યા. અને મળી યાદો અને ત્યાં મનમાં ગુંજી ઉઠેલા ચંદ અશઆર.

ગાલિબ લોકપ્રિયતા અને ગુણવત્તા, વરસો નહિ, દસકાઓ નહિ, સદીઓ સાથોસાથ હોઈ શકે છે , એનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે. આસમાનની બુલંદીને ચુમતું એક આતિશી નામ, સાગરની ગહેરાઈઓ સુધી ઉછળતું એક ધોધમાર કામ.  એક જીવતી જાગતી હ્યુમન બ્રાન્ડ, જે શાયરી નામના શબ્દનો આજે ય બેન્ચમાર્ક છે, પર્યાય છે. એક નશો છે ખુમારનો , એક નકશો છે બહારનો…સલામ ગાલિબસાહબ, ચમનમેં આપ કિ ફિઝા હી કુછ ઐસી બિખરી હૈ કિ ગુલ તો ખીલતે રહેંગે જઝબાતો ઔર ખયાલાતો કે ! સાકીને કુછ મિલા હી દિયા હૈ શરાબ મેં…

મિર્ઝાની મજાર સામે  ઉપર ફોટોમાં ઝૂકીને માથું ટેકવી ( ક્લિક કરીને ફોટો ક્લોઝ અપમાં નિહાળી શકશો )  આજે ફેસબુક પર મુકેલી એક રચનાની આ ચુનંદા પંક્તિઓ માણો અને ગાલિબ ટકોરાબંધ જીવંત કરનાર નસીર-ગુલઝાર-જગજીતની સિરીયલના આ ચિરંજીવ કૃતિઓમાંથી પ્રતિનિધિ રૂપે બે સૌથી પોપ્યુલર રચનાઓ…

ख़ुदाया जज़्बा-ए-दिल ( मन का भाव ) की मगर तासीर उल्टी है
कि जितना खिंचता हूं और खिंचता जाए है मुझसे…

उधर वह बदगुमानी है, इधर ये नातवानी ( निर्बलता ) है
न पूछा जाये है उससे, न बोला जाये है मुझसे !

हुए हैं पाँव ही पहले नबर्दे-इश्क़ ( प्रेम का संघर्ष )में ज़ख़्मी
न भागा जाये है मुझसे, न ठहरा जाये है मुझसे…!

 
24 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 27, 2012 in art & literature, feelings, heritage, india, travel

 

હેતાળ હાલરડું…. :-“

pi 4

ટ્રાન્ઝીસ્ટર રેડિયો કે ફોટોફિલ્મ જેવી સદંતર લુપ્ત થતી બાબતોની યાદીમાં એક નામ આસાનીથી ઉમેરી શકાય : હાલરડું.

અંગ્રેજીમાં કહીએ, તો લલબાય. ( ‘લાલા’ને પોઢાડવામાંથી આ શબ્દ આવ્યો હશે? નંદજીના લાલ નટવર નાના જાણે ! 😛 )

વેલ, હાલરડાંઓ અને લલબાય્ઝની આખી દુનિયા છે. ને માના ખોળાની વ્હાલસોયી એ સૃષ્ટિ અંગે આખો એક લેખ લખવાનું મન થઇ જાય…

પણ આજે વાત એક તાજાં ખીલેલા કોમળ પારિજાતના પુષ્પ જેવાં સુગંધી સંગીતની. એક લેટેસ્ટ લલબાયની.

ઈશ્વર, પ્રકૃતિ અને સર્જકતા ત્રણેની પહેચાન રસિકતાથી કરાવતી અને મને અત્યંત ગમેલી ( જાણે પડદા પર ‘લાઈફ ઓફ જય’ રિવાઈન્ડ કરતો હોઉં એવી !) ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ અંગે તો બે લેખ લખવાની ઈચ્છા પડતી મૂકી આ એક લેખ હમણાં જ લખ્યો ( કારણ કે, થ્રી-ડીમા જ અચૂક જોવા જેવી આ ફિલ્મ મોડી જોઈ, ને જોઈ ત્યારે બે વાર જોઈ !), પણ એમાં ય દાખલ થતાંવેંત પ્રકૃતિ સાથે એકાકાર કરતા દ્રશ્યો સાથે હળવે હળવે રેલાતું અને નસે નસમા ફેલાતું આ હાલરડું જાણે મનમાં ચંદનનો ઠંડો લેપ કરી ગયું…જાણે સુંવાળું કોઈ પીછું શરીરની અંદર ફરી ગયું….

આ જરાક મોડા પડો તો ફિલ્મમાં સીટ શોધવાની મથામણમાં ચૂકી જવાય તેવો  શબ્દશઃ મધમીઠો ટ્રેક “pi’s lullaby” શીર્ષક હેઠળ શુદ્ધ ભારતીય સંગીતના તરબોળ નિતાર રૂપે છે. કર્ણાટકી સંગીત અને તમિલ ફિલ્મોની મશહૂર યુવા ગાયિકા ‘બોમ્બે જયશ્રી’એ બેનમૂન રીતે એ ગાયો છે. અને કમ્પોઝીશન માન્યામાં ના આવે પણ સુખ્યાત કેનેડિયન સંગીતકાર માઈકલ ડાના નું છે. અનેક જાણીતી હોલિવૂડ ફિલ્મ્સ સાથે જોડાયેલા આ માઇકલભાઈ પણ ભારત અને એના સંગીતથી અજાણ નથી. દીપા મહેતાની ‘વોટર’માં રહેમાન સાથે અને મીરા નાયરની ‘કામસૂત્ર’માં પણ સંગીત આપી ચૂક્યા છે. અને જયદેવના “ગીતગોવિંદ” પરથી પશ્ચિમમાં બનેલા મ્યુઝિકલ બેલેને પણ એમણે જ સંગીતબદ્ધ કરેલું, અને અંગ્રેજી શબ્દ “soothing”ના ‘સૂરવિસ્તાર’ સમું આ મુલાયમ મખમલી સોંગ સાંભળીને ખાતરી થાય કે તેઓ એ જવાબદારી સુપેરે પાર પડી ચૂક્યા હશે !

કર્મણ્યે…થી શરુ થઈને જીભના ગૂંચળા વળી જાય એવા ચંદ શબ્દો ધરાવતા આ ટ્રેકનો શબ્દશઃ અર્થ તો સાઉથ ઇન્ડિયન લેન્ગ્વેજીઝનો કોઈ જાણકાર જ કહી શકે. પણ ફિલ્મની જેમ કદાચ હાલરડાંમા ય ભગવદગીતાનો શાશ્વત સંદેશ ગૂંથી લેવાયો હશે એવું ‘ઈમેજીન’ કરવાનું મન જરૂર થાય ! સ્ટીરિયો ઇફેક્ટમાં હ્રદય રણઝણાવતું સંગીત છે. બાંસુરી અને તંતુવાદ્યોના ઇન્ટરલ્યુડસમાં બોમ્બે જયશ્રીનો સ્નિગ્ધ કંઠ પણ એક વાદ્ય બનીને જે હાર્મની રચે છે એ અનુભવવા જેવી છે..અને ફરી વાર, એ આપણને યાદ અપાવે છે કે સંગીતને કોઈ ભાષા નથી હોતી !

તો શિયાળાની એક આ રાત્રે, ક્રિસમસની પૂર્વસંધ્યાએ , દિવસભરનો થાક ઉતારવા દિમાગની તંગ નસોમાં ચાંદનીનું અમૃત ઘોળીને પોઢવા આ એક રેશમી ટ્રેક જરૂર સાંભળો….વિડીયોમાં કશું જોવાનું છે જ નહિ , માટે ક્લિક કરી સંભાળતા સાંભળતા આંખો મીંચીને વાદળોના ઓશીકે પરીઓની પાંખોમાં ઢબુરાઈ જવાની છૂટ છે. 🙂

#અપડેટ : રીડરબિરાદર પ્રકાશ ખાનચંદાનીએ યુટ્યુબ પરથી આ સોંગનું ટ્રાન્સલેશન શોધી કાઢ્યું છે. થેન્ક્સ. શબ્દો ય સંગીત જેવા સોહામણા છે.

KaNNe, KaNmaNiye
KaNNurangai ponne

Mayilo, thogai mayilo,
Kuyilo, koovum kuyilo
Nilavo, Nilavin oLiyo
Imaiyo, Imaiyin kanavo

Rararo…Rararo…
Rararo…Rararo…

Malaro, malarin amudho,
Kaniyo, senkaniyin suvaiyo

Rararo…Rararo…

……..

My dear one, the jewel of my eye,
Sleep my dear precious one.

You are the peacock, the dancing peacock,
You are the koel, the singing koel,
You are the moon, light of the moon,
You are the eyelid, dreams that wait on the eyelids.

Rararo…Rararo…
Rararo…Rararo…

You are the flower, nectar of the flower
You are the fruit, sweetness of the fruit.

Rararo…Rararo…

🙂

 
22 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 24, 2012 in art & literature, cinema, feelings

 

૨૦૧૨: મય કેલેન્ડરની માયા, આશંકાના ઓછાયા!

2012 -1

‘૨૦૧૨’ ફિલ્મની ભારતમાં બોક્સ ઓફિસે શરૂઆતએ દુનિયાની છેલ્લી ફિલ્મ હોય, તેવી અઝઝીમોશાન બનાવી દીધી હતી. જો કે, બીજી ફિલ્મોમાં છેલ્લી દસ મિનિટ હોય એવા દિલધડક દ્રશ્યો જેમાં મિનિટે મિનિટે પથરાયા છે, એવી આ મેગા ડિઝાસ્ટર ફિલ્મ ખુદ એના સર્જકે કહ્યું છે તેમ ‘એવી અલ્ટીમેટ બની છે, કે હવે કોઇ ડિઝાસ્ટર ફિલ્મ જ બનાવી નહિ શકે!’ આથી વઘુ મોટા સ્કેલમાં બીજું શું દેખાડી શકાય? આખું અમેરિકા ગરક થાય એવો ભૂકંપ- લાવા વિસ્ફોટ કે હિમાલય ડુબાડે તેવા ૧૫૦૦ ફૂટના ત્સુનામી મોજાં તો આવી ગયા, પડદા પર!

પણ પ્રેક્ષકને થિએટર સુધી મુકવા આવેલો રિક્ષાવાળો પણ રિક્ષા પાર્ક કરી ફિલ્મ જોવા ગોઠવાઇ જાય એવો આ ફિલ્મનો ક્રેઝ ચોટદાર સંવાદો, માનવતાનો સંદેશ કે સ્પેશ્યલ ઇફેકટસના સાયન્સ ફિકશનને આભારી નહોતો. તમામ ન્યુઝ ચેનલ્સ પર સતત અફીણના ડોડવા મસળ્યા હોય એવા કેફમાં રાખતાં ‘સનસનીખેજ’ સમાચારોને આભારી છે! અમેરિકામાં  હિસ્ટરી ચેનલે એક પ્રોગ્રામ બનાવ્યો, અને સતત સર્વનાશના ફફડાટમાં જીવતી માનવજાત અને એ ભય પર પોતાની દુકાન ચલાવી જીવતા ગુરૂજીઓ કે કળાકારોને મોકળું મેદાન મળ્યું! ‘સમથિંગએકસાઇટિંગ’ હોય, તો જ લાઇફ હેપનિંગ થાય ને!

મૂળભૂત રીતે આ પૃથ્વી પર પાંગરેલી અઢળક સંસ્કૃતિઓ (માત્ર અંધઅભિમાની ભારતીયોને જ એમ છે કે બધી સંસ્કૃતિ, સભ્યતા ભારતમાં જ વિકસી હતી, પણ સોરી ટુ સે – આવું છે નહિં. સર્જનહારે પૃથ્વી બનાવી છે. એકલું ભારત નથી બનાવ્યું!)માં પુરાતત્વવિદોને બહુ આકર્ષતી એક સંસ્કૃતિ એટલે ‘મય’ સંસ્કૃતિ! ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ આદિવાસી હોઇને ‘દાનવ’ કહીને ‘મયદાનવ’ એવા ઉલ્લેખ છે, જે શિલ્પીઓએ હવામાં તરતા ત્રિપુર નગરો (જેનો શિવે નાશ કરેલો) તથા ઇન્દ્રપ્રસ્થમાં દૂર્યોધનને ગોથું ખવડાવતો જાદૂઇ મહેલ બનાવેલો! આમ પણ આજના અમેરિકા ખંડ (ફકત અમેરિકા દેશ નહંિ)માં વિકસેલી સભ્યતાઓમાં સ્પેનિશોના હાથે ખતમ થયેલી મય સભ્યતા એઝટેક કે ઇન્કાની સાપેક્ષે શિલ્પ, ગણિત, ભાષામાં વઘુ સજજ હતી. લોકોને ફકત પ્રલયમાં જ રસ છે. પણ મય સંસ્કૃતિના રોમાંચક ઇતિહાસ, સ્થાપત્યો, પરંપરાઓ ઇત્યાદિમાં રસ નથી.

તો વિશ્વવિનાશની અટકળોનું પારણું ઝુલ્યું છે આ મય સંસ્કૃતિના કેલેન્ડરને કારણે! હવે એ કાળમાં મય લોકો એક નહીં, પણ ત્રણ ત્રણ કેલેન્ડરનો ઉપયોગ કરતાં. વળી એ કેલેન્ડર્સ એકબીજા સાથે જોડાયેલા કે પૂરક નહોતા. આજે તારીખીયાના જાણીતા ડટ્ટાઓમાં વિક્રમ સંવત, હિઝરી, શાલિવાહન શાકે બધાના અલગ અલગ દિવસો એક જ તારીખે દેખાય છે, એવો કંઇક ઘાટ હતો. માત્ર મય જ નહીં, પ્રાચીન અમેરિકા ખંડની બધી સંસ્કૃતિમાં એક જાણીતું કેલેન્ડર ત્ઝોલ્કિન હતું. જેમાં ૨૬૦ દિવસનું વર્ષ હતું. ૨૬૦ એટલા માટે કે એ ૧૩ અને ૨૦નો ગુણાંક હતો, જે ત્યારે અગત્યના અંકો ગણાતા. કારણ કે માણસને ૨૦ આંગળીઓ છે, અને શરીરમાં ધુંટણ, કોણી, કાંડા જેવા ૧૩ સાંધાઓ (જોઇન્ટસ) છે. વળી એ ગાળો ગર્ભાવસ્થાના નવ મહિનાના ગાળાનું પણ પ્રતિનિધિત્વ કરતો હતો. આ ત્ઝોલ્કિન કેલેન્ડરમાં વળી ૧૩ દિવસનું અઠવાડિયું આંકડાઓથી ગણાતું અને ૨૦ દિવસનું અઠવાડિયું નામથી! બધા નામ- નંબર રોજ બદલાય! એક દિવસે ‘૩ સીમી’ હોય તો બીજે દિવસે ‘૪ માનિક’! એને લગતાં શુભાશુભતા સિદ્ધાંતો પણ હતાં!

આટલો ગરબડગોટાળો ઓછો હોય તેમ વળી સૂર્યવર્ષને અનુસરવા (પૃથ્વી પરિભ્રમણનો મેળ બેસાડવા) ૩૬૫ દિવસનું ‘હાબ’ કેલેન્ડર હતું. જેમાં ૨૦ દિવસના એક એવા ૧૮ મહિના અને ૫ ‘ઉયાબ’ નામના વધારાના દિવસો રહેતાં! જેમાં ૦થી ૧૯ના નંબરથી દિવસો ગણાતા. સાદું ગણિત જાણો, તો ખ્યાલ આવે કે ૨૬૦ (ત્ઝોલ્કિન) અને ૩૬૫ (હાબ)થી ભાગી શકાય એવો આંકડો ૧૮,૯૮૦ છે માટે ૫૨ વર્ષે બંને કેલેન્ડરમાં નવા વરસનો દિવસ એક જ આવે એવી ઘટના સર્જાય! માટે ૫૨નો આંકડો પણ ખૂબ મહત્વનો ગણાતો!

પણ આ ગૂંચવાડાને લીધે ઇતિહાસ યાદ રાખવામાં દિવસોનું સરલીકરણ થતું નહોતું. માટે મય સભ્યતાએ એ હેતુ માટે વળી ત્રીજું જ કેલેન્ડર વિકસાવ્યું, જેને નામ આપ્યું ‘લોંગ કાઉન્ટ!’ (આ નામ સંશોધકોએ ફોઇબા બની પાડેલું છે!) લોંગ કાઉન્ટમાં અત્યાર સુધી વાંચી એવી દિવસોના મેળ બેસાડવાની કડાકૂટ નહોતી. એમાં ૨૦નો એકમ આધારમાં હતો. ૨૦ દિવસનું ઝૂમખું ‘યુનાઇલ’ કહેવાય, ૧૮ યુનાઇલ (૩૬૦ દિવસ) એટલે ‘ટુન’. ૨૦ ટુન એટલે કાટૂન, ૨૦ કાટૂન (૧,૪૪,૦૦૦ દિવસ) એટલે ‘બાકટુન’ દરેક ૧૩ બાકટુન પુરા થાય પછી કારના સ્પીડોમીટરની માફક નંબર રિસેટ કરવાનો, ફકત આગળનો આંકડો એક ક્રમ આગળ વધે. માટે ધારો કે મય સંસ્કૃતિમાં સોનાના ખજાનાનો ચેક ૮.૩. ૨. ૧૦.૧૫ એવી તારીખ લખીને ફાડવામાં આવે તો એ ૮ બાકટૂન, ૩ કાટુન, ૨ ટુન, ૧૦ યુનાઇલ અને ૧૫ દિવસ એમ ગણવાના! કયારથી ગણવાના? ક્રિએશન એટલે સૃષ્ટિ – સંસ્કૃતિના સર્જનને સ્ટાર્ટંિગ પોઇન્ટ માનીને! નિષ્ણાંતોના મતે મય લોકોએ એ કટ ઓફ પોઇન્ટ ઝીરો ઇસ્વીસન પૂર્વે ૩૧૧૪ની ૧૧ ઓગસ્ટનો નક્કી કર્યો હતો.

અત્યારથી પ્રલય કુંડળીનો આ આંકડાબાજી સાથે સીધો હિસાબ એ છે કે ૧૩મું બાકટુન પૂરૂં થઇ રહ્યું છે. મય લોંગ કાઉન્ટ કેલેન્ડર ૧૩.૦.૦.૦.૦ થવાનું છે – અનુમાન મુજબ ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ (કેટલાકના મતે ડિસેમ્બર ૨૩)ના રોજ!

ફરી વાંચો. કેલેન્ડર પૂરૂં થવાનું છે! દુનિયા નહીં ! છતાંય યે હંગામા કયું હૈ બરપા?

મૂળ તો ૧૯૫૬માં મય સંશોધક માઉદ મેકમ્સને ૧૩ બાકટૂન પુરા થવાની ઘટનાને મહત્વ આપ્યું હતું. ૧૯૬૬માં માઇકલ કોએ પોતાના પુસ્તકમાં તેને પ્રલય સાથે જોડી દીઘું! (કુ)તર્ક એવો પણ આપવામાં આવે છે કે આ મામલો સૃષ્ટિ સર્જનના ‘પુનરપિ જન્મમ્‌, પુનરપિ મરણમ્‌’વાળા અભિગમને છે. કેટલાક ભારતીય પંથો પણ એવો ફફડાટ ફેલાવે છે કે આ દુનિયા ‘રિપિટેશન’માં ચાલે છે. આ લેખ લખાય છે કે આપ આ લેખ વાંચો છો આ બઘું જ અગાઉ પણ અનેક વખત બની ચૂકયું છે. ચાર યુગ ફરી ફરીને આવ્યા કરે છે. કલિયુગ પછી ફરી સતયુગ આવે છે, જેમાં દિવ્યાત્માઓને જ પ્રવેશ છે (અને આ દિવ્યાત્મા એકસપ્રેસમાં એડવાન્સ બુકિંગ માટે અમારા પૂજય ફલાણાશ્રી કે ઢીંકણીશ્રીના ચરણોમાં તન, મન અને ભૂલ્યા વિના ધનથી સમર્પિત થઇ જાવ!)

આવું જ ફેકટની ખંડિત પ્રતિમાને ફેન્ટેસીથી પુરી કરનારા ફળદ્રુપ ભેજાંબાજો માને છે કે અગાઉ ૧૩-૧૩ બાકટુનના ત્રણ સૃષ્ટિ નિર્માણના પ્રયોગો નિષ્ફળ ગયા પછી વર્તમાન ૫૧૨૬ – વર્ષની બાકટુન સાયકલ પૃથ્વી પર સફળ રહી હતી. હવે ફરી એકવાર પૃથ્વીને જળબંબાકાર કરી, બઘું દટ્ટણ સો પટ્ટણ કરી નોઆહઝ આર્ક કે મત્સ્યાવતારની કહાની મુજબ પૃથ્વી પર નવેસરથી સૃષ્ટિસર્જન થશે. ૨૦૧૨ના અંતથી આરંભ થનારી આ ક્રિયા માટે જ મય કેલેન્ડરનું કાઉન્ટર ફરી ઝીરો થઇ જશે!

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના! પુપુલ વાહ જેવા પ્રાચીન મયગ્રંથોમાં આવું તો કશું સોઇઝાટકીને સ્પષ્ટપણે કહેવાયુંં નથી. બધા જ ધર્મગ્રંથોની માફક એમાં પણ અગડમ બગડમ રીતે અષ્ટમ પષ્ટમ સંદેશાઓ અપાયા છે. એના આધારે કેટલાક સ્યુડો સાયન્ટિસ્ટસના ‘ફિકશન’ને ફેકટના વાઘા પહેરાવી વેપલો કરી રહ્યા છે. સારૂં, ૨૦૧૨ ફિલ્મ જેવું મસ્ત મનોરંજન મળે છે. પણ એ ફિલ્મના સર્જકો ય અત્યારથી ૨૦૧૨ પછીની સાલમાં રિલિઝ થનારી ફિલ્મોનું પ્લાનિંગ કરી રહ્યા છે! નાસાના વિજ્ઞાની ડેવિડ મોરિસને આમ છતાં નોંઘ્યું છે કે ૨૦૦૯માં જ ૨૦૧૨ના પ્રલય પર અંગ્રેજીમાં ૨૦૦ પુસ્તકો બહાર પડયા છે!

બે દસકા પહેલાં ઠોકબજાકેમય સંસ્કૃતિના હવાલે ૨૦૧૨ને માનવજાતનું ફાઇનલ ઇયર ગણનારા મિસ્ટિક (ઓર મિસ્ટિરિયસ?) જોઝ આગ્યુએલેસે આ કાળવાણી કહી હતી. પણ એમ તો જોઝભાઇ એવું ય કહી ચૂકયા છે કે પૃથ્વી નિબિરૂ નામના કોઇ ભેદી ગ્રહના ટકરાવથી બનેલી છે, અને માનવજાત નિબિરૂના એલીયન્સે પૃથ્વી પર સર્જેલી છે. જોઝભાઇ ધડાધડ પુસ્તકો છાપે છે, કેલેન્ડરો બનાવે છે. ભારતમાં જેની બહુ ફેશન છે તેમ અડધાપડધી સાયન્ટિફિક રિસર્ચની વાતો તોડીમરોડીને પોતાને પાછા ગૂઢવિદ્યા સાથે વિજ્ઞાનને જોડનારા આઘુનિકતાવાદી તરીકે ખપાવે છે. જે એમ માને છે કે ૨૦૧૨ પછી દુનિયા વઘુ હાર્મોનાઇઝ થશે, ઘ્યાનસ્થ થશે. ટેલિપથીથી એકબીજા સાથે જોડાઇ જશે. એક એનર્જી ફિલ્ડ રચાશે.

હતાશ, ત્રસ્ત, અભાવમાં પીડાતા લોકોને આવું બઘું સાંભળવું બહુ ગમતું હોય છે. ભલેને પછી એનર્જી ફિલ્ડ રચી દેતાં અને બજારમાંથી ધાણાદાળની પડીકી ખરીદવા હોય એમ કુંડલિની જાગૃત કરી આપતાં આ સિદ્ધ-પ્રસિદ્ધ નર-નારીઓ પોતે બીમાર પડે એટલે હોસ્પિટલ ભેગા થઇ જતાં હોય!

માટે સ્તો પબ્લિકને બીવડાવવા માટે આજે ધાર્મિક ગપ્પાંબાજી પર વિજ્ઞાનનો વરખ ચડાવાય છે. બહારના લધુગ્રહની ટક્કરથી પૃથ્વી ખળભળી ઉઠે એ વાત વૈજ્ઞાનિક તથ્ય છે, પણ એવો કોઇ જ પ્લેનેટ એકસ કે નિબિરૂ ૨૦૧૨માં પૃથ્વીની નજીક ફરકવાનો નથી. કાગળ ઉપર તો પૃથ્વી કયારનીયે બ્લેક હોલ બની જાય એવા ચાન્સીસ તેના ઉદ્દભવકાળથી છે (એમ તો પ્રત્યેક સેકન્ડે આપણા મરી જવાની શકયતા પુરી પચાસ ટકા છે!) પણ આપણે બ્રહ્માંડના એક અટૂલા ખૂણામાં પડયા છીએ.

જાણકારો આવી બધી ‘ચેતવણી’ને ‘કોસ્મોફોબિયા’ કહે છે. જેમ કે, ૨૦૧૨ની ભૂતાવળ ઘુણાવવા ‘પ્લેનેટરી એલાઇનમેન્ટ’ યાને ગ્રહોની યુતિનું તૂત ચાલ્યું છે. નરી આંખે દેખાતા બુધ, મંગળ, ગુરૂ, શનિ, શુક્ર અને ચંદ્ર ૨૫ ડિગ્રી કે તેથી ઓછાના પરિઘમાં જોડાજોડ આવી જાય એવી ઘટના સાવ નવી નથી. એ ૧૯૬૨ અને ૨૦૦૦માં થઇ ચૂકી છે. (સપ્ટેમ્બર, ૨૦૪૦માં થવાની છે) જયોતિષ શાસ્ત્રની રીતે પણ તેનાથી વઘુ આફતોના યોગ સર્જાય, પણ દુનિયા ખતમ થઇ જવાની કોઇ આગાહી નથી. વિજ્ઞાન તો એને કુતૂહલ અને રોમાંચથી જ નિહાળે છે.

સામાન્ય, સરેરાશ યુતિઓ તો પ્રત્યેક વર્ષે રચાતી જ હોય છે અને બ્રહ્માંડ, સૂર્યમાળા કે આકાશગંગાની સિમ્પલ ‘થ્રી-ડી’ રચના પ્લેનેટોરિયમમાં જોઇ હોય તે સમજી શકે કે, કોઇ પણ બે ગ્રહો કાલ્પનિક રીતે એક બીજાની સીધમાં રહે, તેવી રેખા દોરી જ શકાય છે- સગવડતા મુજબ! કોઇક વળી ગ્રહોના ગુરૂત્વાકર્ષણથી સૂર્યમાં અસ્થિર થવાની વાત કરે છે- એવું થવાનું હોત તો કરોડો વર્ષોથી થઇ રહ્યું હોત. એક તુક્કો સૂર્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ધ્રુવોને અસ્તવ્યસ્ત કરે, તેવો ચગાવાય છે. સૂર્યને આવા કોઇ ચૂંબકીય ધ્રુવો જ નથી! અને રાતોરાત ઉત્તર-દક્ષિણ ધ્રુવ ઉલટાપુલટા થઇ ન શકે. એ બદલાય ખરા પણ એ ધીમી ચાલતી પ્રક્રિયા છે. તેને પાંચમા ગીઅરમાં નાખો તો ય શતાબ્દીઓ ચાલે!  (છેલ્લે આવી ઘટના ૭,૮૦,૦૦૦ વર્ષ પહેલાં થઇ હોવાનું અનુમાન છે!)

એમ તો સૂર્યના ‘ગેલેકટિક પ્લેન’ કહેવાતી બ્રહ્માંડિય સપાટીના કેન્દ્રમાં આવી જવાથી થતી ઉથલપાથલનો મુદ્દો બહુ ચર્ચાય છે. એ સાચું કે ‘મિલ્કી વે’ કહેવાતો દુધિયા પટ્ટો આકાશગંગાને બે ભાગમાં વહેંચે છે અને બ્રહ્માંડના કેન્દ્ર ફરતે આપણી સૂર્યમાળા આખી ચકરાવો લે છે, પણ એમા એક ભ્રમણ પૂરૂં કરવામાં અબજો વર્ષ લાગે તેમ છે. અફવા એવી ચાલે છે કે દર ૨૫,૮૦૦ વર્ષ સૂર્ય દૂધગંગાના કેન્દ્રને સમાંતર આવી જાય છે જે ઘણી ગરબડોને નિમંત્રણ આપશે, અને એ ઘટના ૨૦૧૨ના ડિસેમ્બરમાં બનશે.

હકીકત એ છે કે સૂર્ય એ કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર ભ્રમણ કરે છે. (એકડા ઉપર તેર મીંડા- એટલા કિલોમીટર એટલે એક પ્રકાશવર્ષ!) ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ના રોજ સૂર્ય તો બ્રહ્માંડ કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાથી પણ પોતાના વ્યાસના અગિયારગણા અંતર જેટલો દૂર હશે! (એ કેવી રીતે, એ માટે ગાણિતિક માથાપચ્ચી કરવી પડે છે. જે રવિવારની રજામાં આ વાંચતી વખતે બહુ પચવાની નથી!) અગાઉ વઘુ નજીક તો એ ૧૯૯૮માં હતો. રહી વાત પૃથ્વી અને સૂર્ય એક જ સીધમાં નજીક આવવાની. તો એ ઘટના દર વર્ષે બે વખત જૂન અને ડિસેમ્બરમાં થાય જ છે. અત્યાર સુધીમાં તો દર વર્ષે બે વખત પ્રલય આવી જવો જોઇએ! પણ ચિ. પ્રલયકુમાર તો એક વખત આવી જાય પછી બીજાને આવવા માટે પૃથ્વી જ કયાં રહે! એવું જ સૂર્ય આકાશગંગાના ‘ડાર્ક રિફટ’ કહેવાતા ઘેરા પટ્ટામાં પ્રવેશી જશેની ગોસિપનું છે. એક તો ઘેરો પટ્ટો ખૂબ દૂર છે, અને બીજું એને સમાંતર તો ૨૦૦૭થી સૂર્યમાળા છે. ૨૦૧૨માં તો દૂર જતી રહેશે!

રહી વાત, ભૂકંપ, વાવાઝોડા, સુનામી, દુકાળ, કાતિલ ઠંડી-ગરમી અને જવાળામુખી વિસ્ફોટોની. એ તો દર વર્ષે થાય છે. હજુ પણ થવાના. પર્યાવરણ ખાતર પ્રકૃતિ વસતિવિસ્ફોટનું સંતુલન તો કરેને! તેને ૨૦૧૨ સાથે શું સંબંધ?

બિચ્ચારા મય લોકો! જેમ હમણાં આપણું કેલેન્ડર ડિસેમ્બર ૩૧ની રાત્રે બાર વાગે પૂરૂં થઇ નવા કેલેન્ડર માટે જગ્યા કરશે, એવી રીતે રચેલા કેલેન્ડરના સ્વાભાવિક અંતને કેવડો મોટો બિઝનેસ બનાવી દેવાયો! મય લોકોએ તો પૃથ્વી પર પ્રલયની કશી આગાહી કરી જ નથી! એ બાપડાઓ તો પોતાની સંસ્કૃતિના નાશનું ભાવિ પણ કયાં જોઇ શકયા હતાં!

ફાસ્ટ ફોરવર્ડ

 

‘દુનિયા ક્ષણભંગુર છે. આ દેહ તો ભાડાનું મકાન છે. ગમે ત્યારે ઉપરવાળાનું તેડું આવી જવાનું છે. કોઇ કશું સાથે લઇને ગયું નથી…’

 

‘… હવે તો બઘું છોડીને ભગવાનની ભકિત કરીશને!’

 

‘ના. જલસા કરીશ. દરેક દિવસ છેલ્લો હોય એમ માનીને ચસચસાવીને , મુકત મને માણીને જીવવા માટેના આ સચોટ કારણો મળી ગયા!’

(પ્રલય પ્રલયના પોકારો વચ્ચે એ શા માટે થવાનો નથી અને શા માટે એની વાતો થઇ રહી છે એ સ્પષ્ટ કરતો ત્રણ વર્ષ જુનો લેખ પ્રલય માંથી બચી ગયેલી જેવી ગ્રહની સજીવસૃષ્ટિને અર્પણ  😉 )

 
22 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 22, 2012 in education, history, science

 

નરેન્દ્ર મોદીની વાણીનો જાદૂ…!

modi11

કાર્ટૂન કર્ટસી : મનોજ કુરીલ

એઝ યુઝવલ, અગાઉ અમે કહેલું એનું આજે બધા પુનરાવર્તન કરે છે 😉 ગુજરાતની ચૂંટણીમાં સામા પૂરે તરીને મેળવેલી ધારણા મુજબ જ મેળવેલી હેટ્રિક બદલ તમામ નિષ્ણાતો, ટીકાકારો અને માધ્યમો વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વક્તૃત્વકળા બિરદાવવાની હોડ લાગી છે. ત્યારે ચૂંટણી પહેલા જ  લખેલો એમના ભાઈ સોમભાઈ મોદી સંપાદિત એક સુંદર પુસ્તકમાં છપાયેલો આ લેખ શેર કરું છું. આ જાદૂનો પરચો તો પ્રચાર દરમિયાન વાનર હોવાના જવાબમા “હું તો ગુજરાતનો હનુમાન છું” કહી દિલ જીતી લેનાર અને ગઈ કાલે વિજયસભામાં દિલ્હી જવાના નારાઓને એક દિવસ માટે જવાનું કહી હળવાશથી ઠંડા કરનાર મોદી હજુ યે આપતા જ રહ્યા છે. ગુજરાત પાસે દરેક ક્ષેત્રે કુશળ વક્તાઓની જબરી ખોટ છે, ત્યારે લોકપ્રિય સી.એમ.માંથી પ્રેરણા લઇ આવતી કાલના નાગરિકો ઉત્તમ વક્તા બને તો ય ભયો ભયો 🙂

શેક્સપિયર અને કિલયોપેટ્રાના પ્રતાપે જુલિયસ સીઝર નામના રોમના સમ્રાટનું નામ દુનિયાભરમાં જાણીતું છે. સીઝરના વિશ્વાવિખ્યાત નાટકમાં શબ્દશકિતનું ઐતિહાસિક દ્રષ્ટાંત મળી આવે છે. મૂળ તો રોમન ગણરાજયમાં સીઝર જ પોતાની પ્રભાવશાળી વાણીનો ઉપયોગ કરી સમ્રાટ બની ગયો હતો. સીઝરની હત્યા એના જ મિત્ર બ્રુટ્સે છરી ભોંકીને કરી… લોકપ્રિય સમ્રાટના હત્યારાને મારવા રોષે ભરાયેલા લોકોનું ટોળું ભેગું થઇ ગયુંત્યારે કહેવાય છે કે બ્રુટસે કહ્યું: મને મારવો હોય તો મારી નાખો, પણ પહેલા ફ્ક્ત પાંચ મિનિટ મને આપો અને મેં સીઝરની હત્યા શા માટે કરી, એનો ખુલાસો સાંભળી લો.

બ્રુટ્સની ધારદાર વાણીથી પ્રજાજનો અભિભૂત થઇ ગયા. બ્રુટ્સે જાણે ભૂરકી છાંટી દીધી. ઘડી પહેલા બ્રુટ્સને મારવા માંગતા લોકો હવે સીઝરના મૃત્યુને વાજબી ઠેરવવા લાગ્યા. ત્યારે સીઝરનો મિત્ર એન્ટાનિયો ઉભો થયો, એણે કહ્યું કે, ’તમે બ્રુટ્સને પાંચ મિનિટ આપી, મને ફ્ક્ત ત્રણ મિનિટ આપો. પછી નક્કી કરો કે બ્રુટ્સની વાતમાં તથ્ય કેટલું છે?’ અને એન્ટોનિયોના નાનકડા પ્રવચન બાદ બ્રુટસને કેદ પકડી લેવાનું ઘડી પહેલા એના શબ્દોથી અંજાયેલા લોકોએ જ દબાણ કર્યુ !

નાનપણથી આવા યાદગાર ઐતિહાસિક કિસ્સાઓ વાંચતો, ત્યારે થતું કે કેવો હશે એ યુગ ? જયાં પ્રતાપી વ્યકિતત્ત્વોની પ્રભાવી વાણી લાખો લોકોની વિચારધારાનો નકશો બદલાવી દેતી હશે ? રોમ કે ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિ જ નહિ, જગતભરમાં વાણીના જાદૂથી ઇતિહાસ જ નહિ, ભવિષ્ય પણ બદલાયું છે. કૃષ્ણે અર્જુનને ગીતા વાંચવા નહોતી આપી, સંભળાવી હતી ! લવકુશ રામને રામાયણ સંભળાવવા આવ્યા હતા. ઇસુ ખ્રિસ્તે ગિરિપ્રવચનો કરીને ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. મોહમ્મદ પયગંબરે કલમ પછી, તલવાર પણ પછી પહેલા વાણીના જોરે ઇસ્લામના આદેશો પ્રસરાવ્યા હતા.

અબ્રાહમ લિંકનથી મહાત્મા ગાંધી સુધીના લોકમાનસમાં છાપ છોડી ગયેલા નેતાઓ વકીલ શા માટે હતા ? મોહમ્મદ અલી જીન્નાહથી સરદાર પટેલ પણ ! કારણ કે, એ જમાનાના વકીલો કુશળ વક્તા હોય એ અનિવાર્ય હતું !

લેખનવાંચનથી તમે કોઇના દિમાગ સુધી પહોંચી શકો, પણ પ્રવચનવાણીથી લોકોના હૃદય સુધી પહોંચી શકાય છે. મોરારિબાપુને વાંચવાની નહિ, સાંભળવાની ભાવસમાધિ એ લ્હાવો છે. લખાયેલા શબ્દ એક સાથે સમૂહ (માસ) સુધી નથી પહોંચતો, પણ બોલાયેલા શબ્દની ગજવેલ જેવી તાકાત આજના વિઝયુઅલ મિડિયાના યુગમાં પળવારમાં ચિકનગુનિયાના ચેપની માફ્ક ફેલાઇ શકે છે. ગબ્બરસિંહથી લઇને મુન્નાભાઇના ડાયલોગ લોકજીભે જે ઝડપથી ચડે છે, એટલી ઝડપથી કોઇ ગુજરાતી સાહિત્યકારથી કથાના શીર્ષક પણ લોકજીભે ચડે છે ?

ખેર, થતું તો એ જ કે આ બધું હવે વાંચવાસાંભળવાનું… જીવતેજીવ શબ્દબ્રહ્મના આવા સંપૂર્ણ સાધકો જવા નહિ મળે ! આવો અફ્સોસ નિરંતર કચોટતો હતો, ત્યાં જાદૂઇ રીતે ગુજરાતના રાજકારણના સેન્ટર સ્ટેજ પર નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઇ. આમ તો ચૂપચાપ પક્ષના આદેશને માથે ચડાવનાર કાર્યકર્તાની છાપ… પણ અચાનક મોદીની વાણીના ધારાપ્રવાહમાં ગુજરાત તણાવા લાગ્યું અને મોદી જાણે ક્રિસ ગેઈલ હોય એમ સટાસટ સિકસર્સનો વરસાદ એમના ભાષણોમાંથી વરસવા લાગ્યો !

શરીરના સાવ નરમ એવા, હાડકા વગરના અંગ જીભની મદદ લઇને નરેન્દ્ર મોદીએ રાજકીય અને બિનરાજકીય અખાડાના કાંઇક મલ્લ જેવા માથાભારેપહેલવાનોના વગર લાઠીએ હાડકા ખોખરા કરી નાખ્યા છે. વાણી પોલાદને પણ ચીરી નાખે એવો તેજાબ છે, અને મોદીને ખબર છે કે તેજાબને ફુવારા મારી વેડફ્વાનો ન હોય, માત્ર લક્ષ્ય નક્કી કરી ગણત્રીના બૂંદ જ રેડવાના હોય ! મોદી જરૂર પડે ત્યારે જ બોલે છે, બાકી તો એમનું મૌન જ ભલભલાની બોલતી બંધ કરી દે છે. વિચક્ષણ કહેવાતા પત્રકાર રાજદીપ સરદેસાઇના કપાળે મોદી ૨૦૦૭ની ચૂંટણી જીત્યા પછી વળેલો પરસેવો ટીવીકેમરાએ બરાબર ઝીલ્યો હતો. આ પરસેવો એ મોદીની શબ્દશકિતને મળેલો ઓસ્કાર એવોર્ડ છે !

‘બોલે એના બોર વેંચાય’ એવી ગુજરાતી કહેવત હવે જૂની થઇ ગઇ છે. કુશળ વક્તા એ કહેવાય કે જેના બોલવાથી બોર જ નહિ, ઠળિયા પણ વેંચાય ! ચૂંટણીસભાઓના ’માસ્ટર બ્લાસ્ટર’ ગણાતા મોદી જેનું નામ. લોકોએ તો ઠીક, પક્ષના કાર્યકર્તાઓએ પણ ન સાંભળ્યુ હોય, એને એકલે હાથે, ઉપ્સ જીભે વિજયી બનાવી શકે છે. છેલ્લી મહાનગરપાલિકાઓની ચૂંટણી એનું ઉદાહરણ છે. અમેરિકાના વિઝા રિજેકશન હોય કે આમીર ખાનનું મેધા પાટકરનું સમર્થન હોય… પોતાના તરફ્ ફેંકાયેલી ઈંટોમાંથી જીભના જોરે મહેલ ચણી બતાવવાનું અજોડ સામર્થ્ય નરેન્દ્ર મોદી અનેક વાર દર્શાવી ચૂક્યા છે.

મોદીના પ્રવચનો માહિતી ખાતાની પ્રેસનોટ કે પી.એ.શ્રીની નોંધોના મોહતાજ નથી. કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિક્સ, સાયન્સપોલિટિક્સ કે ધર્મશિક્ષણ કોઇપણ વિષય પર પૂર્વ તૈયારી વિના પણ મોદી ક્વોટેબલ કવોટ્સ આપી શકી છે. નરેન્દ્ર મોદીનું મેજીક જડબેસલાક છે, એની સીધી સાબિતી એમની સભાઓમાં થતી મહિલાઓની હાજરી છે. મોદી વિદેશી નિષ્ણાતોને, સૂટબૂટધારી એક્સપર્ટસ પ્રોફેકશનલ્સને, પ્રોફેસરોને… અને ગામડાના ગરીબ પ્રજાજનને, ગૃહિણીને, શાળામાં ભણતા બાળકોને એકસરખી કુશળતાથી મોહિત અને પ્રભાવિત કરી શકે છે. જરાય ભાર ન લાગે એવી રીતે અટપટા આંકડાઓ રજૂ કરી શકે છે. બોલતી વખતે એમની છટા, ડ્રેસિંગ, બોડી લૈંગ્વેજ અને પોશ્ચર પણ સેન્ટ પરસેન્ટ પરફેક્ટ હોય છે.

શબ્દો તો ઠીક, ક્યારે કઇ ભાષા વાપરવી એમાં પણ મોદી માહેર છે. કાર્યક્રમ સ્થાનિક હોય પણ મુદ્દો વૈશ્વિક કે રાષ્ટ્રીય હોય ત્યારે એ હિન્દીમાં કે અંગ્રેજીમાં બોલશે. સાંપ્રત પરિસ્થિતિ પર મગનું નામ મરી પાડ્યા વિના જ એ કટ ફ્ટકારી શકે છે. કોથળામાં પાંચશેરી ફ્ટકારવાની વિદ્યામાં એ ચેમ્પીયન છે. ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ મૂડમાં હોય તો માર્મિક વાતોનો ખજાનો મળી જાય, અને ટૂંકમાં પતાવે તો ધારદાર કોમેન્ટસ મળી જાય ! સ્ટાર ન્યૂઝની એક ચર્ચામાં ’જવાબ લંબે હોતે હૈ, ભઇ’  કહીને આડેધડ સવાલો પૂછાપૂછ કરનારા એન્કરની મોદીએ હવા કાઢ઼ી નાખી હતી. મોદીની વાણીનો જાદૂ એ ચર્ચામાં એવા છવાયો હતો કે એક તબક્કે મોદીએ તત્કાલીન વિપક્ષી નેતા સ્વ. અમરસિંહ ચૌધરીનો બચાવ કરવો પડ્યો હતો !

મોદીની આતશબાજીમાં ક્યારેક સોનિયારાહુલના મુદ્દે થયું, એમ ’હસવામાંથી ખસવું’ પણ થઇ જાય છે. અલબત્ત્,  મોદીની વાણીનો જાદૂ અહીં પણ શેખર ગુપ્તા સાથેની વાતચીતમાં જોવા મળેલો… ’ક્યારેક નો બોલ, કે વાઇડ બોલ થઇ જાય’  એવું કહીને મુત્સદ્દીગીરીથી એમણે વાત વાળી લીધી હતી. જરૂર પડે ત્યારે એમને ચતુરાઈથી વાતને બૂમરેંગ ઘુમાવ દેતા આવડે છે. એમના વિશાળ વાંચનને લીધે પોતાના પર થયેલા આરોપો કે અપમાનોને એ કોઈ જનમાનસમાં લોકપ્રિય સંદર્ભ આપીને કટાક્ષના ઘોડાપૂરમાં ફેરવી નાખે છે. મોદી અંગત વાતચીતમાં પણ બહુ બોલબોલ કરતા નથી, જયારે કરે છે ત્યારે સીધો આરપાર ઘા જ કરે છે.

બોડીલાઈન બાઉન્સર સામે સિક્સર મારવાની ખાસિયતને લીધે મોદી જનતાને કદી બોરિંગ લાગ્યા નથી. શરીરના બે સૌથી કોમળ સ્નાયુ – દિમાગ સાથે જીભ -નો ઉપયોગ કરી એમણે ભલભલાના મોરચામાં મરચાં લગાવ્યા છે. પડકારને પોતાના ભાગ્યવિધાતા ગણતા એમના શબ્દો અને મૌન બંનેમાં ગજવેલ જેવી ઠંડી પણ લોખંડી તાકાત છે. રાજકીય વક્તાઓમાં એ અમિતાભ છે. એમની હાજરી માત્ર કે લહેકો માત્ર ક્રાઉડ પુલર છે. એમણે ચમકાવવાથી ટી.આર.પી. ચેનલને ઇન્સ્ટન્ટ મળે છે. પાંચ વર્ષના ટાબરિયાંથી ૭૫ વર્ષના ભાભાના હ્રદય સુધી એ પહોંચી શકે છે. માઈક પર એ સિંહની ડણક પેદા કરી શકે એવી ચમક ધરાવે છે. સિદ્ધિ, રિદ્ધિ અને પ્રસિદ્ધિનો થ્રી ઇન વન કસાટા આઈસ્ક્રીમ પ્રજા સાથે ‘ડાયરેક્ટ ડાયલિંગ કરી આરોગતા એમણે આવડે છે. બ્રાન્ડ પોઝિશનિંગ અને માર્કેટિંગ અંગે આઈ.આઈ.એમ. અમદાવાદે એમનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ !

મોદી પાસે મિડાસ ટચ છે, ઔપચારિક કાર્યક્રમોને ઐતિહાસિક બનાવવાનો. કર્તૃત્વશક્તિની મર્યાદા પણ એ વક્તૃત્વશક્તિથી ઢાંકવામાં માસ્ટરમાઈન્ડ છે. અંગત રીતે એમની વાણીના ધોધમાર પાણીમાં સ્ટેજ પર કે સ્ટેજની સામે અનેકવાર ભીંજાયો છું. રમણલાલ સોનીને અંજલિ આપતા એ મોડાસામાં પોતે કાર્યકર તરીકે ફરતા એ અનુભવથી ઇઝરાયેલમાં એક સમાધિ પર પુષ્પ ના ચડાવવાના આગવા આદેશ  સુધી અનુસંધાન મેળવે! વડનગર પર તસવીરકલાનું શૈલેશ રાવલ પુસ્તક કરે તો કોઈ સજ્જ ફોટોગ્રાફરને બે વાત હસતા રમતા શીખવાડે એવું બોલે ! હોસ્પિટલના ઉદઘાટનમાં હબીલ ખોરાકીવાલા સંગાથે બેસી આપણી પ્રજા અંગત જીવનમાં સ્વચ્છ પણ જાહેરમાં અનહાયજેનિક છે , એ ચૂંટલી પણ ખણી ચલે ! ‘વાંચે ગુજરાત’મા બાળકોને ચિક્કાર વાંચન પછી મુખે આવેલા અગાધ જ્ઞાનના અભિગમથી ભીંજવે, તો ‘જ્યોતિપુંજ’ના લોકાર્પણમાં લેખક નરેન્દ્રભાઈ હૈયું ખોલીને નમ્ર સેવક બને. રમુજી સ્મિતથી ઘણી વાર પત્રકારોને હેડલાઈન માટે સંકેત પણ આપી દે અને સાહિત્યમાં તો હોમવર્ક એવું કરે કે એ ‘જોમ’વર્ક થઇ જાય !

જબાન એ નરેન્દ્ર મોદીની પ્રાઈમ એસેટ છે. ક્યાંક કોઈક કચાશ શિક્ષણથી કાયદો-વ્યવસ્થા સુધી મુખ્યમંત્રી મોદીની રહે , ત્યારે મુખ્ય વક્તા નરેન્દ્રભાઈ બાજી સંભાળી લેતા હોય છે. એવું નથી કે એ ફૂલપ્રૂફ કે ભૂલપ્રૂફ છે. પણ કેવળ એમની કસાયેલી કોમ્યુનિકેશન સ્કિલ જાણે બહુમતી જનતાના સ્કલમાં ડ્રીલ કરતી હોઇને એમનો વિકલ્પ સહેલાઈથી જનતાને ય દેખાતો નથી ! એમના વર્તનની બહુ ચર્ચાતી એરોગન્સને બદલે એમની વાણીમાં તો રમૂજની રંગત દેખાય. સંસ્કૃતિની સંકુચિતતા વિના એમણે યુવા પેઢીને આધુનિકતા અને આઝાદી આપીને બદલામાં એમના જીગર મેળવી લીધા છે. નરેન્દ્ર મોદીના ગુણ-અવગુણ કે સરકારની રાજકીય સમીક્ષા કે ગુજરાતની ઘટનાઓ ઈત્યાદિ ચર્ચવાનો અત્રે ઉપક્રમ નથી. આ તો બસ એમની શાનદાર શબ્દશક્તિને પોંખવાની પ્રસન્નતા છે.

મોદીના આ મેજીકનું સિક્રેટ શું છે ? વાંચન ? સેન્સ ઓફ્ હ્યુમર ? પાવર ? પર્સનાલિટી ?… ના, વિચાર વગર કયારે સરસ્વતી જીભ પર આમ સહજ સાધ્ય ન થાય. મોદી માત્ર સારા વક્તા નથી, ઉત્તમ વિચારક, વિચક્ષણ રાજનેતા છે, અને સૌથી વધુ જયાં પ્રલાપ ચાલે છે, એવા રાજકારણમાં એમને સમય મુજબ ચુપ રહેતા કે  ‘બોલતા’  આવડે છે ! ટાવરિંગ ટાઈમિંગ ! એમનેમાણવા એક અભૂતપૂર્વ આનંદદાયી અનુભવ છે. “એડમિનિસ્ટ્રેટર” મોદી કરતા ય “ઓરેટર” મોદી વધુ વાયબ્રન્ટ અને અપફ્રન્ટ છે. એમની સમસ્યા જો કે મેસેજ આપવાની નહિ, પણ રિસ્પોન્સ મેળવવાની છે. અને આટલા વૈવિધ્યસભર વક્તવ્યો ભારતમાં કોઈ પણ ચીફ મિનિસ્ટરે આપ્યા હોય, એનાથી વધુ વરાયટી અને બ્યુટી ધરાવતા છે! એ પ્રવચનોનું ય નું ય સંક્લન પ્રકાશિત થવું જોઈએ. ( અને બ્લુ રે ડિસ્ક પણ !)

લગે રહો નરેન્દ્રભાઇ  ! 😎

 
69 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 21, 2012 in gujarat, inspiration, youth

 

ચટાકેદાર શિયાળો, લહેજતદાર શિયાળો !

soup1

આખા શહેર ફરતે અંધકારે ઘેરો ઘાલ્યો છે. સ્વેટર પેહર્યા પછી પણ કસોકસ ભીંસીને શાલ ઓઢવી પડે એવી ઠંડી છે. પંખા- એ.સી. બંધ હોવાથી શ્વાછોશ્વાસનો અવાજ તાલબદ્ધ રીતે સંભળાય છે. દૂર કશુંક ધીમું સંગીત વાગી રહ્યું છે. ફાયર પ્લેસનું કે તાપણાનું ઝાંખુ અજવાળું છે.

અને ટેબલ પર ખટમઘુરાં અને દેખાવે જરા આંકા પાડેલા લાલચટ્ટક દેશી ટમેટાંનો ગરમાગરમ સૂપ ભરેલું બાઉલ પડેલું છે. રક્તવર્ણી સૂપ પર તેલની આછેરી મેઘધનુષી ઝાંય તરવરે છે, જેમાં નીરખો તો તમારી આંખના ચળકાટનું પ્રતિબિંબ ઝળકે છે. દરિયામાં તરતી શાર્ક જેમ અલપઝલપ દેખાય એમ ડુંગળી અને લસણ ‘રેડ એન્ડ વ્હાઈટ’ કોમ્બિનેશન રચતા તરે છે. ગરમ સૂપમાં બફાઈને પોચા પડેલા ઓનિયન-ગાર્લિક બાઈટસ! લાલ-લીલી ચણિયાચોળીની માફક લીલીછમ કોથમીર રાતા સૂપ પર લહેરાતી હોય અને વઘારમાં દેશી કથ્થાઈ ગોળ સાથે પડયું હોય શ્યામરંગી લવિંગ!

બસ, જરા તાકી તાકીને ફળફળતા ગરમ સૂપ સામે નિહાળો. એના ઉઘડતા લાલ રંગને આંખોમાં આંજી લો. ઉંડો શ્વાસ લઈને એની તાજગીસભર મહેક ફેલાવતી વરાળને ફેફસાંની સૈર કરાવો. પછી બઘું જ ભૂલી જઈ, હળવેકથી મોટા ચમચામાં એ ભરીને ધૂંટડો સીધો જ ગળે ઉતારવાને બદલે જરા જીભ ફેરવીને ચગળો! એની ગરમાહટ અન્નનળીથી જઠર સુધી મહેસૂસ કરો, જાણે કાસ્ટિંગ આયર્ન ફેકટરીના પાઈપમાં રાતુંચોળ પ્રવાહી પોલાદ પ્રસરતું હોય!

વેલ, શિયાળામાં જ લ્હાવો લેવા જેવી આ ક્રિયાને ‘સૂપ મેડિટેશન’ ન કહેવાય?

* * *

વિન્ટર ઈઝ સીઝન ફોર ફૂડ હન્ટર! કેટકેટલા મજેદાર શાક મળે શિયાળામાં! આમ તો એ બારેમાસ મળતા હોય આજના હાઈબ્રીડ યુગમાં… પણ જસ્ટ થિંક, ફ્રોઝન મટર ખાવ અને લીલા છમ કૂણાં કૂણાં વટાણા, જેની છાલ બફાઈને એના ફરતે ફૂટબોલ જેવી ભાત રચે, તે આરોગો એમાં ફરક તો ખરો ને! ને રીંગણા છો બારેમાસ મળતા, એનો મસ્સાલેદાર ઓળો ખાવાના ટેસડા તો ટાઢોડામાં જ પડે ને! ઠંડીમાં ઠુઠવાઈ ગયેલા ટેરવાઓ શેકાયેલા ગોળ લીલેરા કે લાંબા જાંબુડિયા રીંગણના ભડથાની બળી ગયેલી કાળી ગરમ પોપડીઓને સ્પર્શીને હૂંફ મેળવે છે! (પ્રિયાના દેહને વસ્ત્રવિહીન કરવા જેવી નજાકત અને નફાસત માંગી લેતું આ કામ છે!) બેઝિકલી, આયુર્વેદથી એલોપથિક સાયન્સ એક બાબતમાં સંમત છેઃ શિયાળામાં ભૂખ વઘુ લાગે. શરીરનો પાચકરસ અને અગ્નિ તેજ હોય, હવામાન સૂકું હોય એટલે નોર્મલ રૂટિન કરતાં વઘુ ખવાઈ જાય, અને એ કુદરતી ક્રમમાં પચી પણ જાય!

યાનિ કી, મધર નેચર ખુદ શિયાળામાં આપણે ખાઈ-પીને તાજામાજા અને તગડાતંદુરસ્ત બનીએ એવું માનીને લાડ લડાવે છે! આમ પણ, મમ્મીના હાથની રસોઈ મિસ કરવાની મોસમ શિયાળામાં જ આવે ને! જેમ કે, ગુજરાતના ઘણા ઘરમાં જ ખવાતી (અને બજારૂં પ્રોડકટ ન બનેલી સૂંઠ-ગોળની ગોળી! સવારમાં તાજા લીંબુ-આદૂના મધ નાખેલા હૂંફાળા શરબત પછી સૂંઠ ગોળની ગોળી ચાવી જાવ એટલે ગુટકાબાજોની જબાનમાં કહીએ તો અંદરથી એક ‘કિક’ લાગે! પછી ભલેને આખો દહાડો શીંગની, તલની, ટોપરાની, દાળિયાની, કાજુ-બદામની વિવિધ પ્રકારની ચીકીનું કટક-બટક થયા કરે!

ગુજરાતમાં શિયાળાની વિશ્વશ્રેષ્ઠ વાનગીઓ ઉપલબ્ધ છે. એલચી નાખેલા ગરમ ગોળ-ઘીની ‘પાઈ’ જેમણે ઘેર શિયાળામાં ખાવાનું સૌભાગ્ય કેળવ્યું હશે, તેમને માટે કેડબરી જેવી ચોકલેટ હંમેશા બચ્ચન સામે શાહરૂખ નંબર ટુ જ રહે, તેમ ‘સેકન્ડરી’ રહેશે! બસ એ પાઈનું થીજાવેલું રૂપ એટલે જ કાળા-ધોળા તલ કે શિંગ- દાળિયા- મેવા મઢેલી ચીકી! જાણે આભલા મઢેલી લહેરાતી સાડીનો પાલવ! અને મમરા-રાજગરાના લાડુ તો ખરા જ! મિષ્ટ અન્નથી સંતૃપ્ત થવું હોય તો એવો જ દબદબો ખજૂરનો પણ છે! ખજૂરને ગરમ દૂધમાં અંજીર સાથે પલાળીને પીવો તો બોર્નવિટા, હોર્લિક્સ પાણી ભરે જ નહિ, એની સામે પાણી જેવા જ લાગે! સવારમાં ઘી-ખજૂર અને ટોપરા- ગોળનું કાઠિયાવાડી શિરામણ કરો તો ભુજાઓમાં ‘લોંઠકુ’ બળ સળવળાટ કરી મૂકે! ખજુરની ખાંડ વિનાની જ ડ્રાયફ્રુટવાળી મીઠાઈ પણ બને છે. અને ટેસ્ટ ચેન્જ કરવો હોય તો ગરમાગરમ કાજુ-કિસમિસથી ભરપૂર દૂધમાં બનાવેલો ગાજરનો હલવો! રેડ-ઓરેન્જ શાઈનિંગમાં જાણે સૂરજને સોનામાં મસળ્યો હોય એવું લાગે! રેડ સિગ્નલથી ભડકતા લોકો માટે ગ્રીન સિગ્નલ જેવો દૂધીનો હલવો પણ ઠંડીમાં ય અંદરથી કૂલ કૂલ ઈફેક્ટ લઈ આવે ને! રેડ ઓર ગ્રીન, હલવા ટ્રાફિક ઓલ્વેઝ ઈન!

એમ તો બિટર ટેસ્ટના શોખીનોએ સ્વીસ-બેલ્જીયમની મોંઘી ચોકલેટસ સુધી જવાની જરૂર નથી. વસાણા સાથેનો મેથીપાક મોજૂદ છે! ખાવ એટલે ઊંધા હાથની અડબોથ ઝીંકાઈ હોય એવું જ મોં થઈ જશે! પણ આવા ગુણકારી સ્વાસ્થ્યહિતવર્ધક સાલમપાક કે ગુંદપાક માટે તો વિન્ટર ઈઝ હિઅર! એમ તો ચોખ્ખા ઘીમાં નીતરતા મોહનથાળ, સૂંઠ નાખેલી ઘૂઘરાયિળી સુખડી, ચણાના લોટનો મગસ (મગજ!) કે મગની દાળના ફાડાનું મગદળ જેવી મીઠાઈઓ છે. પણ શિયાળાનો સ્વીટકિંગ એટલે ગડદિયા જેવું બોડી બિલ્ડિંગ કરતો અડદિયો! એમાં કેસર, ગુંદ, ડ્રાયફ્રુટસ અને તેજ મસાલો નાખ્યો હોય તો મુઠ્ઠીભર અડદિયા થ્રી કોર્સ ડિનરની ગરજ સારે! અડદિયાનો લોટ શેકાતો હોય અને ઘીમાં એને તવેથાથી અમળાવી-લસોટીને એકરસ કરાતો હોય એ સોડમ કોઈ ફ્રેન્ચ પરફ્યુમની માફક જ ઉત્તેજીત કરીને મદહોશ કરી દેવાને કાબિલ છે!

વેલ વેલ, બહું ગળ્યું ખાવ, લખો કે બોલો- જીભ અને મન તરત ‘ભાંગી’ જાય. સો લેપ્સ એડ સમ સ્પાઈસ ઈન ટુ ધ સીઝન ઓફ આઈસ! આજકાલ ‘ગોઇંગ ગ્રીન’ વાળી ઈકો-ફ્રેન્ડલી હર્બલ મૂવમેન્ટસ બહુ ચાલે છે. શિયાળો પણ રસોડાંને લીલુછમ (અને ભર્યા પેટે મનને હરિયાળું!) કરવાની ઋતુ છે. વાલોળ, ગલકા, ભીંડા, ગુવાર જેવા લીલોતરી શાક, મૂળાના લીલા પાંદડા કે કાચા લીલા ટમેટામાં શેકેલા ચણાના લોટથી બનતું ખારિયું, લીલી તુવેરના રમવાનું મન થાય એવા એમરાલ્ડ શેઈપના સુંવાળા ગોળ દાણા! કિડની બીન્સ જેવા રાજમા- ચોળા કે કમનીય વળાંકવાળા ગ્રીન-વ્હાઈટ-રેડિશ વાલ! લીલી કોથમીર અને લીલી મરચીની હોટ્ટમહોટ્ટ ચટણી કે જે ખાતાવેંત માથાના ખરી જતા વાળ ઉભા થઈ જાય! તાંદળજા, મેથી, પાલક જેવી રેસાદાર નરમ નરમ ભાજી આપણને તૃણાહારની તાજગી આપે, તો અળવીના પાન પર ચણાનો લોટ ભરીને તલ છાંટી વધારાય ગ્રીન ગ્રીન વિન વિન પાતરા! ફ્રેશ તુવેરની લીલવાની કચોરી પણ તળાવ અને પોપ્યુલર પર્પલ મોગરી સાથે લીલી મોગરી પણ મળે જ! લીલી કોબીનું લાલ ટમેટાં સાથે ધાણાજીરૂ નાખીને કરેલું કચુંબર અને લીલા ફૂદીનાથી તર-બ-તર ઘાટી માખણદાર છાશ સાથે ‘લેડી મેકબેથ’ ભજવ્યા વિના લોહિયાળ હાથ કરી દેતું લાલમલાલ બીટ!

લાલ છાલવાળા રતાળુ (શક્કરિયા) તો શિયાળામાં જીમ્નેશિયમમાં ગયા પછી થતા ગઠીલા બદનના ટ્રાઈસેપ્સ કે એબ્સ જેવા હોવાનો અહેસાસ થાય! અધધધ શાક મળે શિયાળામાં! વેજીટેબલ સૂપના શણગાર જેવી ફણસી અને ભૂખ લાગે ત્યારે ગુલાબ કરતાં વઘુ મનમોહન લાગતું ધોળું મજાનું ફ્લાવર! કોઈ અવકાશી ગ્રહના અવશેષ જેવું સુરણ અને વિદ્યા બાલનની શાઈનિંગ કર્વી કાયા જેવા રૂપાળાં રૂપાળાં બટાકા! નાનકડા રીંગણા-બટેટાનું ભરેલું શાક પણ થઈ શકે અને આલુ-મટર-ટમેટા- ઓનિયનવાળી પાંઉભાજીની ભાજી… હાજી હાજી! રોટલી- થેપલા- બ્રેડ- પાંઉ નાજી નાજી!

તો? ફર્સ્ટ ચોઈસઃ બાજરાનો રોટલો! જાણે અલખનો ઓટલો! હાથના ટપાકાથી ઘડાયેલા પટલાણીના કાઠિયાવાડી રોટલામાં હથેળીની રંગોળી પુરાતી હોય છે! નેકસ્ટઃ વેલણથી ચાંદલા કર્યા હોય એવા ચંદ્રની ખાડાખબડાવાળી સપાટીને પૂરક કડક બિસ્કિટ જેવી ભાખરી! લીલા લસણ-ડુંગળીમાં શુદ્ધ સિંગતેલમાં વઘારેલા ઓળા સાથે તો રોટલાનો સાથ એટલે જનમ જનમ કા સાથ નિભાવતી રબને બના દી જોડી!

આવી જ જુગલજોડી શિયાળામાં ખાણીપીણી માટે સમગ્ર ગુજરાતમાં જેનું નામ પડે અને જીભ હોંઠ પર ફરે એવા ‘સુરત’ શહેરમાં રચાય છે! લીલા ખેતરોની વચ્ચે લ્હેરાતા પીળા દુપટ્ટાની માફક  જુવારના પોંક સાથે ખવાતી સેવ! લીલા ધાનને બાફીને પોંક બને અને તેની સાથે મૂડ કે ટેસ્ટ મુજબ ચાર પ્રકારની સેવનું કોમ્બિનેશન થાય… લીંબુ-મરીની સેવ (મોસ્ટ ફેવરિટ!), લસણની સેવ, મોળી સેવ અને તીખી સેવ! સુરતમાં તો એરકન્ડીશન્ડ રેસ્ટોરાંમાં ન હોય એવડી લાંબી કતાર શિયાળામાં પોંકવડા, પોંક પેટિસ માટે લાગે! સાથે છાશ, લસણની લાલ મરચાની ભૂકીવાળી ચટણી અને વરિયાળીના ઉપર ભભરાવેલા દાણા! મૂળ ખત્રી સમાજે લોકપ્રિય બનાવેલું ‘બટાકાનું કાચું’ શિયાળામાં ચપોચપ ઉપડે! બાફેલા બટાકામાં તેલ-લસણ-મસાલા મિક્સ અને અગાઉ તાડી/વ્હીસ્કી તો આજે નીરોથી બનતી પુરી! (આ ‘કાચું’ મુળ તો માંસાહારી વાનગી, હોં કે!) આ ખાઈને થાકો તો નવસારી- બિલિમોરા સુધી ફેલાયેલું ઊંબાડિયું તો ખરૂં જ! જેમાં બીજા શાક નહિ પણ રતાળુ, બટાકા, સૂરણ, કેળા વગેરે કંદ લેવાના. ખાસ બે મહિના જ આવતી કતારગામની જાડી પાપડી નાખવાની. બઘું ભેળવીને માટલામાં નાખી, લોટની કણકથી માટલાનું મોં સીલ કરી, જમીનમાં ખાડો કરીને કોલસા કે લાકડાના પ્રાકૃતિક તાપમાં ગરમ કરવાનું! પછી એ મલાઈ (ક્રીમ) કે મલાઈવાળું દહીં બાંધીને એમાં એલચી સાકર ભેળવીણે કરેલાં મઠ્ઠા સાથે લિજજતથી ઝાપટવાનું!

સૌરાષ્ટ્રમાં લગભગ આવી જ રીતે વરાળિયુ શાક બને. જેમાં ભીંડો, કારેલા, ટીંડોરા જેવા ચીકણા શાક સિવાયના બધા શિયાળુ શાકને આવી જ રીતે ખેતરમાં ખાડો ગાળી તપાવવાનું અને સવાદ પૂરતું નમક-મરી- મરચું નાખી ગરમાગરમ ઓગળીને એકરસ થયેલા શાકને ન્યાય આપવાનો! આવું જ વિવિધ ફળો માટે કરવામાં આવે, એ રેસિપિનું નામ ‘ધૂંટો’! ‘ડિનર ડિપ્લોમસી’ના દેશી જવાબ જેવી સૌરાષ્ટ્રની ‘ચાપડી-તાવા’ની પ્રથા તો આજે પબ્લિક રિલેશનમાં દિલ્હીની ‘ઈફતાર’ પાર્ટીને ટક્કર મારે તેવી શાખ ધરાવે છે. પંજાબી જેવું ગ્રેવીવાળું શાક એ તાવો, અને ખારાશ પડતાં તપેલા પરોઠા જેવી એની ‘ચાપડી’!

આવું બઘું કૂકબૂકની ફેશનેબલ ચોપડીઓમાં કંઈ વાંચવા ન મળે! એ માટે તો સ્વાદશોખીન બનવું પડે. ઘરની બહાર નીકળી સ્વાદેન્દ્રિયને પંપાળવી પડે. ખાવા-ખવડાવવાના નશાનું અઠંગ ‘બંધાણ’ કેળવવું પડે. જેમ કે, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખીચડીમાં વચ્ચે ખાડો કરી ગાયનું ચોખ્ખું ઘી નાખી, એમાં લસણની કળીઓ મૂકીને ઉપર ગરમ ખીચડીનો થર કર્યો છે? પછી એના પર થાળી ઢાંકો, નેચરલ ‘બાફ’થી લસણ કકડે અને ચોળીને ખાઈ જાવ! બાફેલું લસણ એવી જ રીતે બરફીલી રાતોમાં વરાળ નીતરતા ઢોકળાંની સાથે બાઈટ કરવાની પણ મજા પડી જાય! સાથે તલનું મરચાંનો ભૂકો નાખેલું તેલ… જેબ્બાત! ગરમ ખીચું કે ફળફળતો હાંડવો – જાણે જઠરમા મંગલ માંડવો ! સુસવાટા મારતા ટાઢોડિયામાં એમ તો ફ્રેશ બેક્ડ સ્પાઈસી પિઝા કે ફ્રેંચ ફ્રાઇઝ પણ ગટક કરતા ગળે ઉતરે અને લીલા જિંજવા પર લીંબુ ડુંગળી મરચું જિંજર કે રવા -બદામ-કિસમિસનો ના મળે તો જિંજવાનો શીરો ય ક્યા કહેને !

અને શિયાળાની સવારના મોર્નિંગ જોગિંગ પછી ધૂંટડે ધૂંટડે ફ્રેશનેસ ફેલાવતો તાડનો રસ નીરો… કે પછી વિન્ટર સ્પેશ્યલ કાવો, તજ-લીંબુ- મરી મસાલાથી જીભ તમતમાવતો! સાત્વિક સ્વદેશી કેફ જેવો જ નશો છે (એઈ, એ કોને બીઅર, જીન, વોડકા, રમ યાદ આવે છે?) ઠંડીગાર હિમ વરસાવતી શિયાળુ રાતે ક્રીમી મિલ્કમાં બનાવેલી ગરમાગરમ ફિલ્ટર કોફીના મગને એક હોટ એન્ડ વેટ કિસ કરવાનો! કોફી બીન્સની કડક ખૂશ્બોદાર મર્દાના ભાપ અને એનો સેક્સી વાઈલ્ડ ટેસ્ટ! કોણે કહ્યું ગરમાટો ફક્ત ઊનમાંથી મળે? ફોતરાં કાઢવાથી શેકાઈ જતા આંગળામાં રમતી ગરમાગરમ ખારી શિંગ કંઈ ગરમ ઉનાળા કે ભેજવામાં ચોમાસામાં થોડી જામે?

અમદાવાદમાં કાળા તલનું કચરિયું (મસાલા સાની) ખાવ કે રાજકોટમાં મળતો રીતસરના તુલસી અને જડીબુટ્ટીવાળો આયુર્વેદિક હર્બલ હેલ્ધી આઈસ્ક્રીમ ઝાપટો… મરચાના વઘારવાળી અડદની દાળના સબડકા ભરો કે ટોસ્ટેડ બ્રાઉન બ્રેડ પર બટર સાથે કેસર-સાકરવાળો આમળાનો તાજો મુરબ્બો પેટમાં પધરાવો… ‘એગીટેરિયન’ હો તો ટમેટાં-ડુંગળીવાળી ઓમલેટથી બ્રેકફાસ્ટ કરો કે ઊંધિયા- આથેલા લીંબુ- મરચાનું ડિનર… શ્રાવણમાં શિવપૂજા, નવરાત્રિમાં દેવીપૂજા તો શિયાળામાં કરો પેટપૂજા, ઔર ન રખો કામ કોઈ દૂજા! (લગનગાળો કંઈ અમથો આ ઋતુમાં ખીલે છે?)

એમ? તમે ડાયેટ પર છો? તો ચ્યવનપ્રાશ ચાટો અને સ્ટ્રોબેરી, જામફળ, પાઈનેપલ, સંતરા, શેરડી, સફરજન, ચેરી જેવા જ્યુસી સાઈટ્રસ ફ્રુટસની રસના ફૂવારા ઉડાડતી બાઈટસમાં બાથ લેજો, બસ? બાકી જો શિયાળામાં આવું કશું ખાવું જ ન હોય…?

તો જીવવું શા માટે, ભલા? ધક્કો થયો આ પૃથ્વીલોક, ગણિયલ ગુર્જર ભોમકા અને ભારત મુલકનો તમારે!

Bajri no rotlo ne olo
( આ ઓળા-રોટલાની તસવીરનું સૌજન્ય રીડરબિરાદર પૂજાના બ્લોગનું છે. her posts are served in english but cooked with kathiyavadi heart and delicious to read n prepare something at home 😛 here is the link http://creativepooja.blogspot.in/2008/02/gujarati-thats-what-i-am.html )

*એક પણ નવા શિયાળે જુનો ના થાય એવો જુનો લેખ !

 
43 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 18, 2012 in entertainment, gujarat, heritage

 

ગુજરાતનું પ્રભાત, જ્ઞાતિવાદને લાત !

guj2
વ્હાલા રીડરબિરાદરો, ખાસ્સા લાંબા સમયના અંતરાલ બાદ ફરી વર્ચ્યુઅલ વર્લ્ડમાં મળીએ છીએ… 🙂

મારો હમણાં એવો સમય ચાલ્યો છે કે સમય પુરપાટ ઝડપે વહી રહ્યો છે. તમારા બધાની દુઆઓ અને ડોક્ટરદોસ્તોની અથાક જહેમતને લીધે પપ્પા સુપેરે સાજા થઇ રહ્યા છે, પણ હજુ ઘણી સંભાળની જરૂર છે, ને એને લીધે બીજા ઘણા મોરચાઓ પણ ખુલેલા છે. ડોન્ટ વરી, એમ કંઈ થાકું એવો હું ય નથી અને એવી કોઈ ગમગીનીબેચેનીનો માહોલ પણ નથી. પારાવાર વ્યસ્તતા છે,  હાથમાં લીધેલા બધા અગત્યના એસાઇનમેન્ટસ્ પણ લગભગ બાજુએ મુકવા પાડ્યા છે, અને એનો કોઈ રંજ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારો (ભલે ને એક વ્યક્તિનો !) પરિવાર છે. અને મારી બાબતમાં તો એમ જ હોવાનું . આ મારી ફિતરત છે. 😛

પણ અત્યારે એ બધી અંગત વાતો માંડવા અહીં આવ્યો નથી. એ ય બધું અત્યારે દુર્લભ એવી ફુરસદ મળે ત્યારે લખવું જ છે. અને ઇન્શાલ્લાહ, આવડો મોટો ગેપ પાડ્યા વિના ઝટ લખીશ પણ ખરો. પણ હાલ પૂરતી એ પર્સનલ ચેપ્ટર પર તમારા બધાની લાગણી અને કાળજીના દિલ સે થેન્ક્સ સાથે પોઝ. જરા એ વાત સાઈડમાં રાખીએ, નેક્સ્ટ પોસ્ટસ માટે.

અત્યારે તો કેવળ એક ગુજરાતી નાગરિક તરીકેની ફરજ કે ઉભરો જે માનો તે, ઠાલવવા અહીં આવ્યો છું. કારણ કે , વક્ત ફટાફટ બદલાય ને અવસર ચુકાય એ પહેલા મારે આ વાત વહેંચવી હતી, ધાર્યું હતું કે ૧૨.૧૨.૧૨ની તારીખે આ પોસ્ટ વહેલી મુકીશ, પણ પૃથ્વીનો પ્રલય ન થતા છેક અત્યારે માંડ થોડુંક આ લખવાનો ટાઈમ મળ્યો ! 😉

ગુજરાતની ચૂંટણીનો પહેલો દૌર ૧૩/૧૨ના રોજ શરુ થઇ રહ્યો છે, ત્યારે મને જે મુદ્દાની વાત લાગે છે, એ સહુ ગુજરાતીઓ સમક્ષ રાખવી છે.

આમ તો આ ચૂંટણીમાં કોઈ સ્પેશ્યલ ઇસ્યુ જ નહોતો અને નથી. ભાજપ માટે વિકાસની વ્યાખ્યા બનેલા નરેન્દ્ર મોદીનો ક્રેઝ પણ સમય જતાં થોડું સેચ્યુરેશન પામે એ સમસ્યા છે  , અને કોંગ્રેસને તો એ જુવાળ ઉભો  કરવો એ સમસ્યા છે. માટે ઉભય પક્ષે ( ઓન બોથ સાઈડ) અવનવા એડ કેમ્પેઈન્સ અને ચટપટા વાકયુધ્ધો માણવાના હતા, તાજા બેસેલા શિયાળાના ઓળા-અડદિયા સાથે. 😀

પણ રહી રહી ને માધ્યમો અને મિત્રો સાથેની વાતચીત કે મારાં પોતાના નિરીક્ષણોમાં ટર્ન લેતી પીચના અનઇવન બોડીલાઈન બાઉન્સ જેવો એક ડેન્જરસ મુદ્દો વર્ષો પછી આળસ મરડી ગુજરાતનું ગળું મરડવા બેઠો થવા ઝાવાં નાખતો હોય એવું લાગે છે. અને એ છે દિવસે દિવસે સધ્ધર અને કટ્ટર બનતો જતો જ્ઞાતિવાદ. જ્ઞાતિની લાક્ષણિકતાનું રમુજી દર્શન કે ગંભીર આકલન નહિ, ઓળખનું વિષ્લેશણ કે પરંપરાનું પિંજણ પણ નહિ. પણ રાષ્ટ્રના રસ્તા માટે સરદાર પટેલથી ગાંધીજી જેનું સૌથી મોટું સ્પીડબ્રેકર ‘ભાળી’ ગયેલા એ આપણી મજબૂત માણસને બદલે  હાડોહાડ જન્મજાત જ્ઞાતિવાદી વિભાજનવાળા ટોળાં બનવા / બનાવવાની ખતરનાક જીનેટિક કુટેવ.

ટીકિટોની વહેંચણીથી પ્રચારના પડઘમ સુધી સંવાદને બદલે વિખવાદ પેદા કરતા જ્ઞાતિવાદનું જ જોર બધે દેખાય છે. એમાં ટૂંકા ગાળા માટે ઈગો સંતોષતો હશે પણ લાંબા ગાલે નવી પેઢીના નક્કર ગુજરાતને ડિંગો જ મળવાનો છે. લડવું હોય તો પોતાની તાકાત પર લડો, એ ના  ફાવે તો હરીફની નબળાઈ પર લડો. ફાઈન. પણ બધું હડસેલી ફક્ત ધર્મ કે જ્ઞાતિ માટે જ લડવાનું હોય તો આ ય પ્રવૃત્તિ ભલે નિર્દોષ લાગે, વૃત્તિ તો તાલિબાની ફતવા જેવી છે. ક્યાં સુધી આ દેશનું રાજકારણ આતંકવાદી કે તકવાદી મુદ્દાઓથી મડદું બનાવ્યા કરીશું? બધી જ્ઞાતિઓ પોતપોતાની મહાનતા સિદ્ધ કરી, બીજાને નીચાજોણું કરાવવા જશે – એમાં કાસ્ટીઝમનું કોસ્ટિંગ ચુકવવામાં ગુજરાત ગળતું જશે.

માટે પ્લીઝ, જેમણે મત આપવો હોય એમને આપો. જેમને હરાવવા હોય એમને હરાવો..જીતાડવા હોય એમને જીતાડો. પણ ધર્મ કે જ્ઞાતિના મુદ્દે નહિ. સારા-નરસા પાસાના લેખાજોખાં કરીને. સર્વગુણસંપન્ન વિકલ્પ તો છે નહિ , ત્યારે કોણ ઓછું ખરાબ છે એની ગુજરાતી કોઠાસૂઝ વાપરીને. અલગ અલગ બાબતોમાં સારા ખરાબ પરફોર્મન્સ મુજબ માર્ક આપી કે કાપીને ફાઈનલ ટોટલમાં કોના માર્ક વધે છે, એના હાથમાં આપણો ભૂતકાળ નહિ, પણ ભવિષ્ય સોંપીને.  ૧૨.૧૨.૧૨ની તારીખની માફક દાયકાઓમાં એક વાર આવે એવો નેશનલ લેવલ પર એકમેવ ગુજરાતી લીડરશીપનું બ્રાન્ડિંગ કરવાનો નેવરબિફોર રેરેસ્ટ ઓફ રેર ચાન્સ માનીને મત આપવો હોય તો એમ આપવો,  ઝળહળ લાગતી ટોચ નીચે કોઈક એકહથ્થુ આપખુદીનીઅંધાધુંધીનું અંધારું અને મોટા ઢોલમાં મોટી પોલ લાગતી હોય તો એમ આપવો. મત આપણો, મરજી આપણી.

પણ આપણે ધર્મ કે જ્ઞાતિના ઝનૂનમાં આવીએ, ત્યારે જોશ રહે છે, હોશ નહિ. પછી મત રિમોટથી ચાલતી રમત થઇ જાય છે. શ્રીકૃષ્ણની સોનાની દ્વારકા ય દુશ્મનના આક્રમણને બદલે અંદરોઅંદરની યાદવાસ્થળીમાં ખતમ થઇ ગઈ હતી આ જ ગુર્જરભૂમિ પર !

૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતે સાચા સર્વધર્મસમભાવનું સ્થાન લઇ બેઠેલી બનાવટી બિનસાંપ્રદાયિકતાના સગવડિયા અને સિલેક્ટીવ સેક્યુલારિઝમને સણસણતો જવાબ આપ્યો હતો. પછી અમુકતમુક બાજુએ ઢાળ વગર પણ ઢળ્યા કરતું નેશનલ મીડિયા  એ ચમત્કાર સામે નમસ્કાર કરી કેવું તટસ્થ અને ડાહ્યુંડમરું થઇ ગયું એ જગત આખાએ જોયું. હવે ૨૦૧૨માં ભારતભરની ચૂંટણીને હમેશા ચીંટીયો ભરતા આ જ્ઞાતિવાદને જડબેસલાક જવાબ આપીને દાખલો બેસાડવાની ગુજરાતને તક છે.

એવું હરગીઝ ના માનશો કે હું આ અપીલ કોઈ પોલિટિકલ પ્લેટફોર્મ માટે કરું છું. લાગ્યું તે લખ્યું તે મારો સ્વ-ભાવ છે. ભલે એ લખ્યું એ જેને લાગવું હોય તો લાગેવાગે ! B-) મને નિયમિત વાંચનારા કે ઓળખનારા ચોક્કસ સાહેદી પુરાવી શકશે , કે ભારતવિભાજનના એપિસેન્ટર જેવા આ જ્ઞાતિવાદ / વર્ણવ્યવસ્થાનો હું વર્ષોથી કેવો ચુસ્ત ટીકાકાર, વિરોધી રહ્યો છું. મને કોઈ ફક્ત નાગરના જ ચોકઠામાં જુએ તો ઘણી  કડવી વાતો એ બાબતે ય લખી છે. આ મુદ્દે મારાં સ્ટેન્ડમાં સાતત્ય છે. મેં હમેશા આ અંગે સ્પષ્ટ સંદેશો જ આપ્યો છે. નો કન્ફ્યુઝન. જસ્ટ કન્ક્લુઝન. કાસ્ટિઝમ એક  ઝેરી કચરો છે. સારા સામાજિક હેતુઓ માટે જ્ઞાતિગત કાર્યક્રમોમાં જવા મને આમંત્રણ મળે ત્યાં મારી નીતિરીતિ મુજબ હું કોઈ દ્વેષ વિના પ્રેમથી મારી વાત કહેવા જાઉં, પણ એમાં ય જે-તે જ્ઞાતિની ખૂબી-ખામીઓની ચર્ચા કરીને ય  જ્ઞાતિવાદની માનસિકતા દેશને સિક (માંદો ) બનાવે એ તો કહ્યા વગર રહેવાય જ નહિ. ધર્મ કે નાતજાતના વાડા આપણે છોડીશું નહિ, ત્યાં સુધી આગળ વધવામાં ખાડા જ આવ્યા કરશે. ગુણમાં લલિત છે કે નહિ એ જોવાને બદલે અટકમાં દલિત છે કે નહિ એવું જોવાથી સમાનતા નથી આવવાની. અને એના વિના મહાનતા પણ નથી આવવાની !

ગુજરાત વિધાનસભાને સક્ષમ જનપ્રતિનિધિઓ મળે એમાં મને એક ગુજરાતી મતદાર તરીકે રસ છે. એમાં કોઈ પક્ષાપક્ષી નથી. બધાને જાણવાનું મારું ગજું નથી પણ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હિમાંશુ વ્યાસ, શંકરસિંહ વાઘેલા,  બ્રિજેશ મેરજા, અતુલ રાજાણી  વગેરે  ઉમેદવારો મારાં મનપસંદ છે, તો ભાજપમાં ય નરેન્દ્ર મોદી, જયનારાયણ વ્યાસ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વલ્લભ કાકડિયા  ઇત્યાદિ  મારાં ફેવરિટ છે. ક્યાંક તો રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કશ્યપ શુક્લ જેવા બે મિત્રો ( અને એકબીજાના વેવાઈ)  વચ્ચેની  પસંદગીની મીઠી મૂંઝવણ પણ થાય. અને ઉભા નથી તો ય ભાજપમાંથી આઈ.જી.સૈય્યદ કે કોંગ્રેસમાંથી અહેમદ પટેલ પણ લડે તો એ જીતે એ મને ગમે. વ્યક્તિગત તાકાત પર કર્મઠ ધુરંધરો  કેશુભાઈ પટેલ અને કનુભાઈ કળસરિયા પણ જીતવા જ જોઈએ. કારણ કે,  આ મેરિટવાળા નામો છે. હારવો જોઈએ અહંકાર અને તિરસ્કારને પોષતો જ્ઞાતિવાદ !

ફરજીયાત મતદાનનો હું સકારણ વિરોધી છું, પણ અનિવાર્ય સંજોગો સિવાય મતદાન માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને સતત માણસને બદલે જ્ઞાતિ જ જોયા કરતા સમાજ (સોસાયટી, ધેટ ઇઝ) ને ઈવીએમથી કમસેકમ યુવા મતદાતાઓએ તો સમજ આપવી જ જોઈએ. કમ ઓન.

દોટ કરો, વોટ કરો…..જ્ઞાતિવાદ પર ચોટ કરો ! 🙂

( સાચું લાગે તો શેર કરવું – spread it ! )

 
69 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 13, 2012 in gujarat

 
 
%d bloggers like this: