RSS

Monthly Archives: એપ્રિલ 2013

હી-મેન હનુમાનઃ તુમ રક્ષક કાહુ કો ડરના?

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

હનુમાનજયંતી ( ૨૦૧૧ ) એ લખેલો આ લેખ કદી જુનો થવાનો નથી. કટોકટીમાં સંકટમોચન હનુમાનચાલીસાથી મળતા આત્મબળનો જાતઅનુભવ આ બંદાને છે, માટે આ લેખ પર્સનલ ફેવરીટ પણ છે. ૨૦૧૩ના અસ્મિતાપર્વની હનુમાનજયંતીએ સમાપ્તિ માં મોરારિબાપુએ  “મારા હનુમાનને માત્ર ભજનો જ નથી સંભળાવવા, ફિલ્મ ગીતો પણ સંભળાવી પ્રસન્ન કરવા છે ” એવું હળવાશથી કહ્યું એ સાથે ‘શિવતંત્ર’ને ટાંકી ચિદાનંદ ચિરંજીવ શિવસ્વરૂપ હનુમાન શબ્દ, સુર, લય, તાલ, નૃત્યના પંચરંગી અધિષ્ઠાતા બજરંગી છે – એવું માર્મિક વિવેચન કર્યું. હનુમાન ધર્મને અતિક્રમી કર્મના ગ્લોબલ આઇકોન છે ત્યારે હનુમાનજયંતીની આ ગ્રહવાસીઓને હાર્દિક શુભકામના. લેખના અંતે  ‘વાહ લાઈફ હો તો ઐસી’ અને ‘તૂફાન’ના ગીત ઉપરાંત અમિતાભ સહિત વિવિધ ગાયકોના કંઠમાં હનુમાનચાલીસા સાંભળી શકશો. 

hanu0

એક પ્રસંગ રામાયણના યુઘ્ધકાંડના ૭૪માં સર્ગમાં છે. રાવણપુત્ર ઈન્દ્રજીતે હાહાકાર મચાવીને રામ-લક્ષ્મણ સહિતની આખી વાનરસેના ઢાળી દીધી છે. જાંબુવાનની હાલત ગંભીર છે. ડચકા ખાતા અવાજે એ બોલે છે કે ‘મને દેખાતું નથી, પણ અવાજ પરથી લાગે છે કે તમે વિભીષણ છો. પણ એ કહો કે હનુમાન જીવે છે કે નહિ?’

વિભીષણને અચરજ થયું. રામ-લક્ષ્મણ કે વાનરરાજ સુગ્રીવ, યુવરાજ અંગદને બદલે આવી હાલતમાં હનુમાનના સમાચાર? જાંબુવાને એને જવાબ આપ્યો છેઃ ‘એટલા માટે કે હનુમાન જીવતા હશે, તો આ પરાજીત સેના આખી ફરી ઉભી થઈ શકશે. પણ એ નહિ હોય તો આપણે બધા જીવતા જ મરેલા છીએ! (જીવંત અપિણ મૃતાવયઃ!)’ ચારો જુગ પરતાપ તુમ્હારા એ આનું નામ!

પણ હનુમાનજીના મંદિરે શનિવારે તેલ-અડદ સાથે સિંદુર – આકડાની માળાઓ ચડાવતા ભારતે આ મહાતેજ, મહાસત્વ, મહાબલને ઓળખવાનો પ્રયાસ કર્યો છે ખરો? ‘જય બજરંગબલિ’ના પોકારો કરનારા ઘણા હનુમંતપ્રેમી સંસ્કૃતિરક્ષકોને તો બજરંગ શબ્દનો અર્થ ખબર નથી હોતી! ઈન્દ્રના આયુધ વજ્ર (થંડરબોલ્ટ!) જેવું મજબૂત અંગ/શરીર ધરાવનાર એટલે બજરંગ!

* * *

hanu8રામાયણની લોકપ્રિયતાને લીધે દેશ-દુનિયામાં એના એટલા તો વર્ઝન્સ થયા છે, કે મૂળ વાલ્મીકિ રામાયણનો પાઠ કોઈ વાંચવાની પણ તસદી લેતું નથી. જેમ કે, સ્ત્રીથી સદંતર દૂર રહેનારા ‘બ્રહ્મચારી’ હનુમાનજી તો સ્કંદપુરાણમાં પ્રગટ થાય છે! વાલ્મીકિના હનુમાન તો એવા શૃંગારને ‘હડે હડે’ કરનારા કોઈ ચોખલિયા નથી, પણ જીતેન્દ્રિય છે. ૠષિકવિ વાલ્મીકિએ દરેક પાત્રોને સહજ માનવીય રૂપમાં ચીતર્યા છે. હનુમાનનો નિવાસ કોઈ સાઘુની કુટિર નથી, પણ સ્ત્રીજનં શોભિત (યાને નારીથી પણ હર્યોભર્યો) છે. એવું વાલ્મીકિ લખે છે. થાઈલેન્ડના રામાયણમાં હનુમાન એક મત્સ્યકન્યાથી મોહિત થયા હોવાની અને એના થકી પુત્ર (મકરઘ્વજ?) હોવાની વાત જ નહિ, ભીંતચિત્રો પણ છે. ભારતમાં રામ-લક્ષ્મણને અહીરાવણ પાતાળલોકમાં લઈ જાય છે, ત્યારે અર્ધમત્સ્ય, અર્ધવાનર એવો હનુમાનપુત્ર મકરઘ્વજ એને મળે છે, એ કથા છે. જેમાં સમુદ્ર પાર કરતી વખતે વીર્યવાન વીર હનુમાનના પરસેવાનું ટીપું ગળી ગયેલી માછલી થકી ઉત્પન્ન થયેલું એ સંતાન છે. સ્વયમ હનુમાનના જન્મ અંગેની કથા જ એ પ્રમાણિત કરે છે કે એ વખતનો સમાજ આજના જેટલો સંકુચિત નહોતો.

રામાયણ-મહાભારતમાં તો સાવ સ્વાભાવિક રીતે નિયોગ જેવી અતિઆઘુનિક જીવનરીતિના ઉલ્લેખો આવે છે. હનુમાનની તેજસ્વી અને સ્વરૂપવાન માતા અંજના કેસરી વાનરની પત્ની હોવા છતાં કોઈ જ છોછ વિના મંગલમૂર્તિ હનુમાન મારૂતિનંદન (સૂર્યપુત્ર કર્ણની માફક) કહેવાય છે. આ પવનપુત્ર અંજની અને મરૂત (વાયુદેવ)ના મિલનથી જન્મેલા છે. (એક દંતકથા દશરથની વધેલી ખીર સમળી દ્વારા અંજની સુધી પહોંચ્યાની છે!) એટલે સ્તો ‘લીલ્યો તાહિ મઘુર ફલ જાનુ’ કરવા સૂરજને સફરજન સમજીને ખાવા કૂદેલા બાળહનુમાન ઈન્દ્રના વજ્રના પ્રહારથી જમીન પર પડતા દાઢી (હનુ)ને ભાંગી બેઠા. માટે તો હનુમાન કહેવાયા અને આ ઘટનાથી દેવતાઓ પર ગુસ્સે ભરાયેલા વાયુદેવના ક્રોધને ઠંડો કરવા હનુમાનને બચપણથી અવનવા વરદાનો મળ્યા!

અલબત્ત, પ્રાચીન શિવપુરાણમાં હનુમાન શિવપુત્ર છે. કથા રોમાંચક છે. વિષ્ણુના લલચામણા મોહિની સ્વરૂપના દર્શનથી શિવનું સ્તંભિત રેતસ (સિમેન) સ્ખલિત થયું અને અંજનાના દેહમાં દાખલ થતાં હનુમાન જનમ્યા. નારદીયપુરાણના હનુમાન શિવભક્ત છે. વાયુપુરાણમાં સીતાને ‘ભાનુમાન’ નામના ભાઈના હોવાનો ઉલ્લેખ આવે છે! દક્ષિણ ભારતમાં પંચમુખી આંજનેય હનુમાન પણ પૂજાય છે. આદિવાસીઓમાં સંતાનપ્રાપ્તિ માટેના ‘હડમત’ દેવ છે.

રામાયણના હનુમાન કોઈ જડબુદ્ધિ અવૈજ્ઞાનિક અર્થમાં બ્રહ્મચારી બની નહિ, પણ ‘જીતેન્દ્રિય’ સિઘ્ધ પુરૂષ છે. કામવાસના પ્રત્યે એમનો અભિગમ ભડકીને ભાગી છૂટવાનો કે બઘું પડતું મૂકીને એને જ વળગવાનો અંતિમવાદી નથી. સ્વસ્થ અને સમતોલ છે. એનું શ્રેષ્ઠ દર્શન લંકામાં પ્રવેશેલા હનુમાનના પ્રસંગોમાં છે. રાવણના મહેલમાં હનુમાન રાવણે જગતભરમાંથી મેળવેલી અત્યંત રૂપાળી સ્ત્રીઓને નિકટથી નિરખે છે, કારણ કે જેને અગાઉ જોયા નથી, એ સીતાને શોધવાના છે. સંગીત, નૃત્ય, રતિક્રીડા, મદિરામાં મસ્ત આકર્ષક પરિધાનવાળી આ સ્ત્રીઓનું રામાયણમાં થયેલું વર્ણન બેહદ રસિક છે. કોઈ પણ ફ્રેન્ચ- ઈટાલિયન ફિલ્મ દિગ્દર્શકોને લલચાવે એવું! લોજીકલ થિન્કિંગવાળા હનુમાન માત્ર ચહેરાના ભાવ અને સૂવાની સ્થિતિ પરથી સીતાના ન હોવાનો તાગ માંડે છે.

hanu7પણ પછી એ જાત સાથે સંવાદ કરે છે. ‘‘મૂળ તો ઈન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં મન રાખે છે, અને મારું મન સાબૂત છે. અહીં સૌંદર્યનો અનાવૃત વૈભવ માણવા નહિ, પણ સીતાને શોધવા હું આવ્યો છું, અને અત્યારે આ નિરીક્ષણ પણ મારી ફરજનો ભાગ છે. માટે મારામાં વિકાર નથી!’’ ક્યા બાત હૈ! આને કહેવાય કર્મ-ઘ્યાની! આ અર્થમાં હનુમાન જીતેન્દ્રિય છે. વાસનાને વિકૃતિમાં પલટાવા ન દેવા જેટલું આત્મનિયંત્રણ તેમનામાં છે. મેદાનમાં રમતી વખતે પાર્ટીમાં ચિત્ત પરોવાયેલું રહે તો સ્કોર ન થાય, એ સમજવાની બુદ્ધિ છે. ચંચળ મનની વૃત્તિઓ પર એમનો સેલ્ફ કંટ્રોલ છે!

સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગની સમાપ્તિ પછી આપણે ત્યાં કેલેન્ડરિયા ‘ધાર્મિક’ અહોભાવમાં આવા અદ્‌ભુત ચરિત્ર (કેરેકટર્સ)ના મનોભાવોનું મૌલિક નિરૂપણ લગભગ અટકી ગયું. શેક્સપિયરની સ્ટાઈલમાં હનુમાનનું પાત્ર નિહાળો, તો કેવું રસપ્રદ છે! હનુમાન વિખૂટા પડેલા પ્રેમી યુગલ રામ-સીતાને મિલન કરાવવા માટે મહેનત કરતા નાયક છે એ રોમેન્ટિક મેસેજના દૂત (મેસેન્જર) પણ બને છે. રામના પ્રણયવ્યથિત વર્ણનો સાંભળે છે, સીતામુખેથી પિયુ-પ્રિયાના ઈન્ટિમેટ રિલેશન્સના પ્રાઈવેટ પ્રસંગો સાંભળે છે પણ પુરું સંતુલન જાળવીને (હાય રે, મારા જીવનમાં આવું ક્યારે થશે? આવો પ્રેમ હોય? નર-નારી વચ્ચે આવું થાય? એવી મથામણમાં પડ્યા વિના) કોઈ પણ જાતના જજમેન્ટ-કોમેન્ટ વિના કે અંગત આક્રોશ વિના છૂટા પડેલા બે પ્રિયજનોને પૂરી નિષ્ઠાથી મેળવે છે, અને એમના રક્ષણ માટે જાત પર જોખમો ઉઠાવે છે. હનુમાનજીના નામ સાથે સંકળાયેલી રાજકીય સંસ્થાઓના અભણ કાર્યકરો રાવણગીરી કરીને રીતસરના વાનરવેડાથી આજે નિર્દોષ લવર્સને પરેશાન કરે, ત્યારે આવા દિવ્ય પ્રેમમૂર્તિ હનુમાનના જીવનકવનનું અપમાન થતું હોય એવું ન લાગે? આનું નામ કળિયુગ!

* * *

અવધી ભાષામાં લખાયેલી શ્રેષ્ઠતમ રચના કોઈ હોય, તો એ છે પર્સનલ ફેવરિટ હનુમાનચાલીસા! તુલસીદાસજીની શબ્દો પરની પક્કડ અહીં ટૂંકમાં એવી ખીલે છે કે અસર મોટી થાય! આખું ચરિત્ર થોડી લીટીઓમાં સમાવવાની સાથે હનુમાન ચાલીસામાં રીતસર હતાશ કે હારેલા માણસમાં આત્મવિશ્વાસ રિચાર્જ કરી દેતી શાબ્દિક તાકાત છે. ઈટસ ઈન્જેકશન ઓફ પોઝિટિવ ફાઇટીંગ સ્પિરિટ! રાબેતા મુજબ, ગોખણિયો પાઠ કરનારા એનો ય અર્થ સમજવા ઉંડા ઉતરતા નથી. ‘નિજ મન મુકુર સુધાર’ કરતા નથી! (મુકુર એટલે અરીસો- દર્પણ જેવા મનને હનુમાનભક્તિ પહેલા ગુરૂચરણ રજ લઈ ચોખ્ખું કરવાની વાત છે!) સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા…વાળી પંક્તિઓ કેવી સિમ્બોલિક છે! આજે મેનેજમેન્ટ થિંકર્સ કહે છેઃ ‘ગેમ્સ પીપલ પ્લે’. એક માણસ અલગ અલગ ભૂમિકા રોજ ભજવતો હોય છે. કડક પુલીસ અફસર પ્રેમાળ પિતા પણ હોય છે. તોફાની – અજ્ઞાની વિદ્યાર્થીઓને ઠપકો આપતો શિક્ષક ઉત્તમ વિદ્યાર્થીઓ સાથે હસીને વાત કરે એમ બને. સીતા સમક્ષ નાનકડા થઈ જતા વ્હાલા હનુમાન રાક્ષસો સામે રૌદ્ર-વિનાશક બને છે. પણ બઘું ય ખુદના અભિમાન માટે નહિ- રામચંદ્ર (યાને સત્ય, ન્યાય, નીતિ) કે કાજ સંવારવા માટે! ક્યા કહેને ગોસ્વામીજી!

hanu‘લંડન ડ્રીમ્સ’માં હનુમાન ચાલીસાની કડી ફાસ્ટ બીટમાં ગવાયેલી, અને ટીનેજર દોસ્તોને એની રિધમ કોઈ વર્લ્ડ ક્લાસ રેપ/રોક સોંગ કરતાં વઘુ ડોલાવી દે એવી મેગ્નેટિક લાગે છે. પણ આપણને નવી પેઢી માટે આવું ચકાચક પ્રેઝન્ટેશન કરતાં નથી આવડતું. છતાં ય ‘વાહ લાઈફ હો તો ઐસી’ જેવી ફાલતુ ફિલ્મમાં શંકર મહાદેવને મૂળ સ્વરને ખલેલ પહોંચાડયા વિના જે મોડર્ન બીટસમાં હનુમાન ચાલીસા ગાયો છે, એ આર્ગ્યુએબલી હનુમાન ચાલીસાનું ભારતવર્ષમાં થયેલું શ્રેષ્ઠત્તમ કંપોઝીશન છે! સારી સાઉન્ડ સીસ્ટમમાં સાંભળો તો રૂંવાડા ઉભા થઈ જાય!

પણ હનુમાનજી ફક્ત મહાબીર વિક્રમ જ નથી, બિદ્યાવાન ગુણી અતિ ચાતુર અને તેજ પ્રતાપ મહા જગ વંદન પણ છે. મોરારિબાપુ કહે છે, તેમ બુદ્ધિમતાં વરિષ્ઠમ છે.

તમારે રામ સરીખા વિજેતા રાજા બનવું હોય તો, હનુમાન જેવા કોમ્યુનિકેશન અને જજમેન્ટમાં એક્કા સચિવ/પર્સનલ આસિસ્ટન્ટ જોઈએ! હનુમાનની ખૂબી એ છે કે એમાં પડકાર અને સમયસૂચકતા, વીરતા અને નમ્રતા, આક્રમણ અને પલાયન, મઘુર વાણી અને કાતિલ કટાક્ષ, તાકાત અને કવિતા, સ્મિત અને આક્રોશ,આવા વિરોધાભાસી ગુણોનું કૃષ્ણ જેવું કમાલ કોમ્બિનેશન થયેલું છે! અજાણ્યા રામ-લક્ષ્મણને જોઈ સુગ્રીવ એની ભાળ મેળવવા હનુમાનને મોકલે છે, ત્યારે હનુમાન જે વિવેકથી સવાલો પૂછીને રામનું હૃદય જીતી લે છે, એ તુમાખીભરી તોછડાઈથી તપાસ કરતા સરકારી અધિકારીએ શીખવા જેવું છે. વાલ્મીકિ એ સમયે રામના મુખમાં હનુમાનની જે પ્રશંસા મૂકી છે, એની કુશળ વકતૃત્વકળાની આખી ટેકસ્ટબૂક આવી જાય! યાદ રહે કે રામ-હનુમાન સમગ્ર જીવનકાળમાં ચંદ મહિનાઓ જ સાથે રહ્યા છે, પણ છતાંય એમની દોસ્તી આજીવન સાથે રહેનારા ભાઈઓ કરતાં વઘુ ગાઢ અને ‘અન્ડરસ્ટેન્ડીંગ’વાળી છે.

વગર કહ્યે ઘણુ સમજી જતા આ અતુલિત બલશાલી હનુમાન વર્ષા પુરી થાય, ત્યારે સામે ચાલીને સુગ્રીવને એના સીતાની શોધના વચનની યાદ અપાવે છે, અને થોડા સમયમાં જ ગુસ્સાથી લાલપીળા લક્ષ્મણનો સામનો કરતી વખતે હનુમાનની સૂચનાથી સુગ્રીવે શરૂ કરેલી તૈયારી જ કામ આવે છે. સીતા શોધવા ભટકતી તરસી વાનરટૂકડીને અજાણ ગુફામાં શેરલોક હોમ્સ જેવા ડિટેક્ટિવની અદાથી ‘અહીં પક્ષીઓ ઉડે છે, માટે અંદર તળાવ કે કૂવો હોવો જોઈએ’નું તારણ કાઢી હનુમાન અંદર દોરી જાય છે, જ્યાં તપસ્વીનિ સ્વયંપ્રભા થકી અચાનક જ આગળનું માર્ગદર્શન મળે છે. જાણીતી એવી સમુદ્ર ઓળંગવાની ઘટના વખતે જ હનુમાનની અદ્‌ભુત પ્રશંસા છે- બલં બુદ્ધિ ચ તેજં ચ સત્વં હરિપુંગવ, વિશિષ્ટ સર્વભૂતેષુ… તારું બળ, બુદ્ધિ, ઓજસ, સત્વ (પ્રતિભા) તો સમગ્ર સજીવસૃષ્ટિમાં શ્રેષ્ઠ છે! અગાઉ પણ હનુમાનને વિદિતાઃ સર્વલોકાઃ- આખા જગતનો જાણતલ અને સર્વશાસ્ત્ર વિદાંવરઃ- તમામ ગ્રંથોના અભ્યાસી તરીકે નવાજવામાં આવ્યા છે.

hanu6પોતાના વખાણ વખતે હમેશા શિસ્તબદ્ધ મૌન રાખી ધીરગંભીર રામને જીતી લેતા રમુજી હનુમાન જ્યારે સામી છાતીએ લડવાની વાત આવે છે, ત્યારે ગર્જે છે. મમ ઉરૂ જંધા આવેદન, સમુત્થતઃ! મારા સાથળોના હલનચલનથી (તરું ત્યારે) સમંદરને ખળભળાવી નાખીશ! મૈનાક, સુરસા, સીહીંકા જેવા વિધ્નો વટાવી ઉડતા, તરતા હનુમાન લંકા પહોંચે છે. પછી શત્રુનગરીનું બારીક નિરીક્ષણ કરે છે. એમની સ્માર્ટનેસ જુઓ, સીતા સામે સીધા પોતે પ્રગટ થશે તો સીતા રાવણની માયા સમજશે, એમ માની સીતાનો ભરોસો જીતવા પહેલા રામનું આખ્યાન ગાય છે! એ ય રાવણને પ્રિય સંસ્કૃત ભાષામાં નહિ, વનવગડાની લોકબોલીમાં! સીતાને ભવિષ્યનો ભરોસો મળે એ માટે ‘હું તો વાનરસેનામાં સૌથી તુચ્છ છું, ને અહીં પહોંચ્યો છું. બાકી તો બધા મારાથી વઘુ ઉત્તમ છે’ એવું હૈયાધારણ પૂરતું જરૂરી અર્ધ-સત્ય પણ બોલી જાણે છે.

સીતામિલન પછી પણ સોંપાયેલું કામ જ કરવાની ભણેશરીઓની કોપીબૂક સ્ટાઈલને બદલે હનુમાન ‘અહીં સુધી આવ્યો છું, તો દુશ્મનોની નગરરચના અને તાકાતનો અંદાજ લેતો જાઉં’નો પ્રેક્ટિકલ એપ્રોચ રાખી જાણી જોઈને તોફાને ચડે છે! આદર્શ મંત્રી એક આદેશની પાછળની બીજી બાબતો પોતે જ આગોતરી વિચારીને બધી જ ડિટેઈલ્સ એક સાથે વગર પૂછયે રજુ કરે તેવો હોવો જોઈએ. એટલે જ અંગદનો બળવો ઠારવા સુગ્રીવ એમની મદદ લે છે, અને અયોઘ્યા પાછા ફરતી વખતે રામ ભરતને સંદેશ આપવા હનુમાનને મોકલે છે. જેથી હનુમાન યંત્રની જેમ મેસેજ પાઠવી દેવાને બદલે, ભરતના ચહેરા પર સિંહાસનની લાલચે કોઈ ભાવપરિવર્તન આવે છે કે નહિ- એ નિરીક્ષણથી પારખીને રામને કહી શકે!

* * *

‘‘પશ્ચિમ પાસે જે કોઈ કોમિક સુપરહીરો છે, એ તમામ સ્પાઈડર મેનથી સુપરમેન, બેટમેનથી ફેન્ટમ છેલ્લા ૧૦૦ વરસમાં ઉભા થયા છે. ભારત પાસે હજારો વર્ષોથી (જેના એક-એક પરાક્રમને ટીન્સ કોમિક બૂકમાં કે ગ્રાફિક નોવેલમાં ઢાળી શકાય એવો) વિશ્વશ્રેષ્ઠ અને આ તમામથી ચડિયાતા પરાક્રમોનો ફર્સ્ટ એન્ડ ઓરિજીનલ સુપરહીરો છેઃ હનુમાન!’’ આ વાત આજથી ૪૦ વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિના રસજ્ઞ એવા એમ.એફ. હુસેને પહેલી વખત કહી હતી! આજે કમ સે કમ ભારત પૂરતા તો ‘ડીઅર હનુ’ના સોફટ ટોયઝ એનિમેશન હનુમાન ફિલ્મ મારફતે આવ્યા છે. પણ આપણા રૂઢિચુસ્તોના વાનરવેડાં જોતાં વર્લ્ડ લેવલે હનુમાનનું સુપરહીરો તરીકે બ્રાન્ડિંગ કરવા માટે મહાભારત લડવું પડે! પથ્થર પર સિન્દુરીયો રંગ ચડે એટલે હનુમાન બને એ ય ફક્ત ‘રિલિજીયસ’ નહિ, પણ ‘આર્ટિસ્ટિક’ ઘટના નથી? વેસ્ટના ‘મંકી ગોડ’ની ખોટી ઇમેજ તોડવા હનુમાનનું મોડર્ન  પેકેજીંગ દુનિયાભરમાં કરવું જોઇએ. હાઉ એબાઉટ હનુ-મેન વિડિયો ગેઇમ?

hanu4સંજય-અર્જુન સિવાય આખી ભગવતગીતાને લાઈવ જાણનારા હનુમાનદાદા (કૃષ્ણના રથની ધજામાં બેસીને) કળાઓને પણ માણનારા છે. સંસ્કૃતનું સૌથી લાંબું હનુમાન નાટક એમના નામે છે. અકોણા શનિ પર એમનું સામર્થ્ય ચાલે છે. સાળંગપુરમાં સુવર્ણ સિંહાસન બને કે યુવરાજસિંહ પોતે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરતો હોવાની કબૂલાત કરે- બજરંગબલિ ન્યુઝમાં ય અમર છે. ફિટનેસમાં ચૂસ્ત અને મિજાજમાં મસ્ત એવા હનુમાન જીમ્નેશિયમ જનરેશનના આઇકોન છે અને અને અમેરિકન પ્રેસિડેંટ ઓબામાથી અંગકોરવાટનાં મંદિરની દિવાલો સુધી છે. બાલાજી વેફરથી લઇને મારુતિ કાર સુધી સર્વવ્યાપી હનુમંત જીવંત છે. આ લેખમાં પણ કશું  ન ગમે, તો કોઈએ મારૂતિનંદન વતી પેરવી કરવાની તકલીફ ન લેવી- કારણ કે ‘જ્યાં સુધી જગતમાં રામકથા રહેશે, ત્યાં સુધી તારા પ્રાણ રહેશે’નું ચિરંજીવ આયુષ્ય રામ પાસે આશીર્વાદરૂપે મેળવનારા સંકટમોચન ખુદ જ હાજરાહજુર હયાત છે. નહીં ગમે તો ગદાનો ગોદો ફટકારશે અને ગમશે તો આ બાળ ભોળાને મોં ફુલાવી, હસાવીને મીઠી પરસાદી આપશે! 😉

બોલો બજરંગબલિની જય.

ફાસ્ટ ફોરવર્ડ

‘કરોતી સફલ જંતુઃ કર્મ યતચઃ કરોતીયઃ’

લંકામાં સીતાની શોધમાં થાકેલા હનુમાન આ સેલ્ફ મોટિવેશનથી ફરી આળસ ખંખેરી નાખે છે. ડિપ્રેશનમાં આવી જતા દોસ્તોએ આ શ્લોકનો  અનુવાદ યાદ રાખવો – કામ સતત કરતા રહીએ, તો સફળતા અવશ્ય મળે છે!

hanuman

 
43 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 25, 2013 in india, philosophy, religion

 

હાયે રામ સાડી-ચોલી કા હૈ જમાના ! :-”

lisa 4

એક બાજુથી આપણી રોજ-બ-રોજની જિંદગીમાંથી બે રેગ્યુલર ઇન્ડિયન ડ્રેસ સાડી અને ચણિયા-ચોળી ગાયબ થઇ રહ્યા છે. જરા આસપાસ નજર કરો. નાના ગામોમાં ય ફરેફાર આવી રહ્યો છે. ને એમાં કંઈ ખોટું ય નથી આજે કરિઅર માટે બહાર નીકળતી કે ભણવા જતી યુવતીઓને દૌડભાગની જીંદગીમાં, બસ-ટ્રેનમાં ચડવા કે ટુ વ્હીલર ચલાવવા આ ફાવે નહિ. એમાં પંજાબી ડ્રેસ કે પેન્ટ શર્ટ કે સ્કર્ટ-ટોપ જ વધુ માફક આવે.

પણ આ બેઉ ટ્રેડીશનલ ઇન્ડિયન આઉટફિટસના કામણ ભારતના જીન્સમાં ડીપ રૂટેડ છે યાને એના પ્રત્યે આકર્ષિત થવાના મુળિયા મજબૂત છે. એટલે હજુ ભારતીય ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ એના અવનવા મેઘધનુષી વર્ઝન્સ આવતા જ રહે છે. ભારતમાં તો એ સાવ સહજ લાગે ( ખજુરાહો જ નહિ હજારેક વર્ષ જુના કોઈ પણ પ્રાચીન શિલ્પો કે કાલિદાસ જ નહિ, સંસ્કૃતના રામાયણ-મહાભારત સહિતના અનેક પ્રાચીન ગ્રંથોમાં નખશિખ ઢંકાયેલી નારીના વર્ણન ક્યાંય નથી ) પણ એક્ચ્યુઅલી, વેસ્ટર્ન કન્યાઓની નજરે તો આ બેઉ પોશાકો વગર ઉનાળે ગરમી ચડી જાય એવા સુપર હોટ છે. નેવલ, બેલી દેખાડતા અને અને ફેમિનાઈન કર્વ્ઝને લચક અને લહરથી ઉપસાવતા.

એની વે,  આ બધું પુરાણ કોઈ લેખ માટે અનામત રાખીએ, અત્યારે તો ઇટ્સ ફન ટાઈમ. ઇન્ડિયન સમર સેલિબ્રેશન ટાઈમ. અવનવા ફેશન મેગેઝીન્સ કે ફિલ્મ્સમાં તો એક એકથી ચડિયાતા સાડી ચોલી ના અવતારો જોવા મળે છે. દોસ્તાનાની પ્રિયંકા હોય કે પવ્વા ચડા કે ચિકની થયેલ કેટરીના હોય..કરીનાની જવાની હોય કે અમીષાની રવાની હોય…એમાં જ નજરે ચડી ગયેલી રૂડીરૂપાળી તસવીરો શેર કરવી છે એઝ ઓલ્વેઝ…

બેઉ તસ્વીરો કેનેડામાં રહેલી પણ ભારતીય મૂળની બે સુંદરીઓની છે. પશ્ચિમી જીન્સ સાથે એકરસ થયેલા  એકમાં બંગાળી જીન્સના કામણ છે તો બીજામાં પંજાબી જીન્સના આકર્ષણ છે!

સદીઓ જૂની પણ હજુ ય ભારતીયતાની પહેચાન એવી સાડી. ગરમીનો પારો વધતો જ જાય છે ત્યારે લીલાછમ બેકગ્રાઉન્ડમાં સિલ્કી સફેદ સાડી પહેરેલી લિઝા રેની આ બે તસ્વીરો સ્ત્રીઓને પણ નીરખી નીરખીને જોવી ગમે એવું એમાં સરસ (જરદૌસી?) વર્ક છે. સત્યા પૌલે સ્પેશ્યલ ડિઝાઈન કરેલી આ સાડી(અને બ્લાઉઝ પણ ) પણ સ્પેશયલ છે, કારણ કે આ ફોટોગ્રાફ લિઝા રેના વેડિંગ આલ્બમના છે. એ વેડિંગ પણ સ્પેશ્યલ છે કારણ કે લિઝા ૪૧ વર્ષે કેન્સર સામે જંગ ઝઝૂમી, જીતીને હમણાં જ પરણી.

lisa1
lisa-ray-
અને આ ઝળહળ ઝળહળ સાડી બાદ ઝગમગ ચણિયાચોળી…

ઔર કૌન ? સની લિયોની ! સની હમણાં ભારતમાં સનશાઈન મૂડમાં છે. અને એની માખણના પીંડા જેવી ઘાટીલી કાયા પર પતંગિયાની પાંખ કે મોરલાના પીંછા જેવા તળપદા ભારતીય રંગોની ગામઠી તડકભડક કા તડકા જાણે કોઈ જુના લોકમેળાનો પાવો દિલમાં વગાડે એમ છે ! હમણાં એનર્જી ડ્રીંક “ટ્રીપલ એક્સ” ( એનું તો પહેલેથી આજ નામ છે રે, કોઈ ભળતા સળતા જોકી પહેરવા નહિ 😉 ) થી ગરમીમાં ટાઢકનો બિઝનેસ વધારવા સનીએ પુરા દોઢ કરોડ રૂપિયા વસૂલી ( મફતમાં એની ટીકા કરનારાઓએ આ આંકડો ખાસ યાદ રાખવો ! lolzz 😛 ) એનું રિ-લોન્ચ કેમ્પેઈન કર્યું. અને સાથોસાથ હવે મશહૂર થયેલું પેલું “શૂટઆઉટ એટ વડાલા”નું આઈટેમ સોંગ “લૈલા” ! એના શૂટિંગ સમયની તસ્વીર.  બે ડબલ ડી સાઈઝ પોસ્ટરનુમા ફોટો ક્લિક કરતા એન્લાર્જ થશે. પણ અહી સની કરતા જોવાની મજા આવશે માત્ર ભારતમાં જ જોવા મળે એવા અફાટ રંગોનો ધોધ ઉછાળતા ચમકદમકવાળા ઠસ્સાદાર ચણિયાચોળી !

suuny 2

sunny 1
આ છે લટકમટકઝમકઝબકની શાનદાર રજવાડી રોનક ધરાવતું, હમેશા રંગોમાં નહાતું-નીતરતું ભારત ! 🙂 શ્વેત -સોનેરીનો જાજરમાન ઠસ્સો અને લાલ-લીલા-પીળા-વાદળી-નારંગી-પોપટી-ગુલાબી-જાંબલીની રસાળ રંગોળી ! ઉપર નથણી, કંગના, બિંદી, મોજડી, ઝૂલ, ફૂમતા, હાંસડી, વીંટી, ઝુમખા ઈત્યાદિનો આંખોની આરપાર વીંધે એવો શણગાર 😎 છમિયાથી છપ્પનછુરી સુધી રૂપજોબનનો ભાતીગળ મધમીઠો ઉત્સવ ! સાડી-ચણિયાચોળીમા મઢાયેલી મારકણી માદકતાનું માધુર્ય ! ભારતીય નરને ગમતી નારી આ પોશાકોમાં તો નીરખવી ગમે જ ગમે.

પરિધાનમાં પરીઓને જોઈ થયોને ગરમીમાં આંખોને ગુલાબી ઠંડકનો અહેસાસ ? 😉

 
29 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 17, 2013 in entertainment, fun, heritage, india, youth

 

ફિઝીક્સ + કેમિસ્ટ્રી x બાયોલોજી = લવ…..

slide_254017_1588211_free (1)

આ પોસ્ટ એક્ચ્યુઅલી આજના ‘અનાવૃત’ની પુરક છે. માટે પહેલા એ લેખ વાંચી લો. નહિ તો ખાસ મજા નહિ પડે.

એ વાંચવા માટે : અહીં ક્લિક કરો

*
*
*

હવે જુઓ એ ફેમસ સાયન્ટીફીક પ્રપોઝલ 😉

SKNl3VRઅને એ જોડલીનો છપાયો છે એ ઉપરાંતનો વધુ એક ફોટો…

article-2285037-184FC89A000005DC-501_638x548

આયેશા ધવનની પીઠનું ટેટુ આ રહ્યું :

aaye
અને કપલ ઓફ પિક્ચર્સ ઓફ સ્પોર્ટી કપલ :
indian-cricketer-shikhar-dhawan-wife-ayesha-mukherjee (2)

Shikhar-Dhawan-and-his-fiancee-Esha-during-the-wedding-of-Yashpal-Sharmas-daughter-Puja-at-Eros-Hilton-Hotel-in-Delhi-on-January-19-2012-

indian

અને પોપની થતા થતા રહી ગયેલી પ્રેયસી ( જે મળી હોત તો પોપ કદાચ પોપ થતા થાત રહી ગયા હોત ? જસ્ટ ગમ્મત 😀 )નો આ બુઢાપામાં ફરી જવાન બનાવતી સ્મૃતિઓની સફરનો વિડીયો નીચે જુઓ :

હેવ એ ‘લવ’લી ટાઈમ 🙂

 
18 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 10, 2013 in feelings, romance, youth

 

ગોરી-ઘોડી-સૈયાં-બૈયાં :-“

544553_415011005255400_1926000591_n

નવા ‘ચશ્મે બદદૂર’ના બહાને જૂનાને યાદ કરવામાં આવી રહ્યું છે, એમાં સઈ (સાંઈ નહિ) પરાંજપે જેવા હૃષીકેશ મુખર્જી “ઘરાના”ના દિગ્દર્શિકા આ બહાને યાદ આવ્યા એ સારું થયું. પણ એ ૧૯૮૧ની ફિલ્મને આજે ય તાજી રાખતી એક બાબત એનું સંગીત છે. આવી ગરમીભરી મોસમની શરૂઆતમાં ગમે એટલી વાર સાંભળો તો એ કંટાળો ના આપતું “કહાં સે આયે બદરા” તો કેવું મિસમેચ લાગે 😛

પણ ફિલ્મના યેસુદાસના કંઠે અમર બધા ગીતોમાં અત્યારે સાંભળવામા રજવાડી જલસો પડે એવું ગીત આ “કાલી ઘોડી” (સહગાયિકા : હેમંતી શુક્લા..રાગ દરબારી કાનડા?  નેહલ મહેતાના જણાવ્યા મુજબ શુદ્ધ કાફી ) છે. રગોને રણઝણાવતું આ ભારતીય શાસ્ત્રીય સંગીત ભારે બનાવવાને બદલે એમાં પ્રેયસી પાછળ મુગ્ધ પ્રિયતમની બાઈકને કાલી ઘોડીના રૂપકમાં મુકવાનો ડાયરેક્ટરની હાજરીનો અહેસાસ કરાવતો રમુજી “સ્પર્શ” પણ છે.

હિન્દી ફિલ્મોમાં ઘણા સંગીતકારો “અનસંગ હીરોઝ” રહ્યા છે, એમાં આ સંગીતકાર રાજકમલ. ‘લેકિન’ અને ‘માયા મેમસાબ’ જેવી ફિલ્મો ( અને બે વગદાર બહેનો છતાં) છતાં હૃદયનાથ મંગેશકર સાંભળવા ના મળે ખાસ…તો ‘સાંવરિયા’ અને ‘મિર્ચ’ ( તથા લક્ષ્મીકાંત-પ્યારેલાલ કનેક્શન ) છતાં મોન્ટી શર્મા ક્યાંક ખોવાઈ જાય ! નિખિલ-વિનય ( ચોર ઔર ચાંદ) કે નરેશ શર્મા (મૈના) કે ભાસ્કર ચંદાવરકર (નરગીસ) ક્યાં પછીથી સાંભળવા મળ્યું ? અરે જયદેવ કે ખય્યામને કોણ સાંભળે છે ? ભારતીયતાની લાંબીપહોળીઉંચી વાતો કરનારી આપણી પ્રજાને અસલી ભારતીય ફ્લેવર માટે માન તો ઠીક ભાન પણ કદી હોતું નથી. બેક ટુ રાજકમલ. ગુલશનકુમાર વેવમાં પાછળથી એમને ‘સાઝ’ જેવી ફિલ્મોમાં તક મળી બાકી ૨૦૦૫માં મરહૂમ થયેલા આ સંગીતકારને આવી ઉમદા તર્જ બનાવવા બદલ તો લોકો યાદ રાખે એમ નથી આપણે ત્યાં, પણ બી.આર.ચોપરાની ‘મહાભારત’ના સંગીતકાર તરીકે યાદ કરે એ ય ઘણું છે !

એની વે, આ રચના તો ઠુમરીઓની માફક રોમેન્ટિક શૃંગારથી છલોછલ છે, ઇન્ટરનેટ કે કોઈ પુસ્તકમાં ય આ ગીત આખું સાચું અર્થ સહીત નથી. પણ રીડરબિરાદરના દરબારમાં અહી આ નજરાણું અર્પણ છે. પહેલા શબ્દો વાંચો..પછી એક વાર આંખ મીંચી સોન્ગાસ્વાદ કાનોથી માણો..અને પછી એનો વિનોદ નાગપાલ- દિપ્તી નવલના ભાવપ્રદર્શનથી છલોછલ વિડીયો જુઓ.. 🙂

सा नि रे सा…
सा रे गा मा पा ध नि सा
सा नि धा पा मा गा रे सा
सा नि रे सा..

सा नि रे सा
सा रे गा मा पा धा नि सा
सा नि धा पा मा गा रे सा
सा नि रे सा..

काली घोड़ी द्वार खड़ी…खड़ी रे

मूँग (લાલ પથ્થર જડેલ ઘરેણા) से मोरी माँग भारी
बरजोरी (જોર કરી) सैयाँ ले जावे
तक़ित (આશ્ચર્યચકિત થઇ જોતી રહી) भई सगरी नगरी (આખું શહેર)….ताता धा..

काली घोड़ी द्वार खड़ी…खड़ी रे

भीड़ के बीच अकेले मितवा
जंगल बीच महेक गये फुलवा
कौन ए ठगवा बैयाँ धरी
तक़ित भई सगरी नगरी….ताता धा..

बाबा के द्वारे भेजे हरकारे (ટપાલી)
अम्मा को मीठी बतियां (વાતો) समजारे
चितवन (ચિત્ત) से मोको (મને) हरी (હરણ કર્યું, છીનવી લીધી)
तक़ित भई सगरी नगरी….ताता धा..

सा गा मा धा नि
सा धा नि मा धामा गा सा
सा गा मा धा नि सा
सा निधा मा गा सा
नि सा गा मा धा नि
नि धा मा गा सा नि
सा रे सा गा मा सा
मा धा नि सा गा मा
मा धा नि सा रे सा
मा धा नि सा रे सा

काली घोड़ी पे गोरा सैयाँ चमके
सैयाँ चमके
चमक चमक चमके
काली घोड़ी पे गोरा सैयाँ चमके
कजरारे (કાજળ જેવા કાળા) मेखा में बीजूरी (વીજળી) दमके
सुध बुध बिसर गयी हमरी
बरजोरी सैयाँ ले जावे
तक़ित भई सगरी नगरी….ताता धा…

काली घोड़ी दौड़ पड़ी

लाज (શરમ) चुनरिया उड़ उड़ जावे
अंग अंग की रंग रचाए (અંગે અંગ મળી- એકબીજામાં ગુથાઈને )
उनके कंधे लट बिखरी

काली घोड़ी दौड़ पड़ी

તો પિયુ-પિયાની ખટ્ટીમીઠી નોંકઝોંકમાં વહેવા લાગો મિતવા…

 
24 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 8, 2013 in art & literature, cinema, heritage, india

 

રાજકોટનું આત્મવિલોપન : કુછ ક્વેશ્ચન્સ….

“રાજકોટમાં દર બીજો ભાજપી કાર્યકર જમીન-મકાનનું કરી શહેરનું કરી નાખતો હોય છે…”
“હરામની કમાણી વિના શ્રીરામને પણ રાજકોટમાં જમીન લેવી અઘરી પડી જાય, એવો ખોટો અને અસામાન્ય ભાવવધારો છે…”

આ બેઉ ક્વોટ જે-તે સમયે મારી કોલમમાં છપાયેલા આર્ટીકલના છે. અહી એટલે મુક્યા કે આ પોસ્ટ કોઈ કોર્પોરેશનના બચાવને ધ્યાનમાં રાખી લખવામાં નથી આવી એની ખાતરી થાય. પણ આ જરૂર નેશન ખાતર લખવામાં આવી છે. રીડરબિરાદર રાજીવ એ. જોશીએ ધ્યાન ખેંચ્યું, કે તમે કશુંક લખો અને આ બ્લોગ ઉપવાસ છૂટ્યો 😛

રાજકોટનો આત્મવિલોપનનો આ બનાવ આમ તો લોકલ છે, ( વિગતો અહીં  વાંચી શકાશે) પણ પેલા અનામત માટે બળી ગયેલા રાજીવ ગોસ્વામી ( ૧૯૮૬ ૧૯૯૦ )  માફક કેટલાક નેશનલ લેવલના પ્રશ્નાર્થ જન્માવી શકે છે. ગરીબ નેપાળી પરિવારની એકસાથે પાંચ વ્યક્તિ, ઘર ડીમોલીશનના ડરથી સરાજાહેર ઓફિસમાં સળગે અને એમના ત્રણ મૃત્યુ પામે – જેમના નાના બાળકો નિરાધાર બને..એ ઘટના એટલી કરુણ અને અરેરાટીભરી છે કે દુઃખ અને સહાનુભૂતિ થયા વિના રહે જ નહિ. પણ આંસુભરી આખો ધૂંધળું જોતી હોય છે. એટલે જરા સ્પષ્ટતાથી જોવા માટે એ લુછવા પડે.

લેખક નહિ, એક અદના રાજકોટપ્રેમી નાગરિક તરીકે કેટલાક સવાલ થાય જ…

(૧) રસ્તા, સોસાયટી, સરકારી મિલકત, ખાલી પ્લોટ વિગેરે પરથી દબાણ હટાવવું એ તો કોઈ પણ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમા આવે. સોસાયટીની પણ એ પાયાની જરૂરીયાત અને અન્ય રહેવાસી સભ્યોનો હક્ક ગણાય.  વચ્ચે રાજકોટમાં રીંગ રોડ પરથી જોખમી ગાયો હટાવવા માટેની કામગીરી કરવા જનાર પોલીસ સહિતની ટીમ પર ઘાતક પથ્થરમારો થયો. અંતે એ કામગીરી થઇ જ નહિ. રખડતી ગાયો-કૂતરાનો આ શાંતિ-સલામતી માટે એવોર્ડવિનર શહેરમાં કેવો ત્રાસ છે , એ ગાડીમાં ફરતા પદાધિકારીઓને નહિ સમજાય. અને પ્રજા આવા મુદ્દે કદી આત્મવિલોપન તો શું મજબૂત આંદોલન પણ નહિ કરે. કારણ કે , અહી માંગણી પોતાના સ્વાર્થ માટે કરવાની બધાને આદત છે. સુધારા માટે નહિ. ભ્રષ્ટાચાર-શિથીલતા તો ભારતમાં સર્વવ્યાપી છે, પણ જે થોડુંઘણું કામ થાય એ પણ કોઈકની લાગણી દુભાય કે મીડિયામાં ચકચાર જાગે માટે નહિ કરવાનું ?

(૨) જે નેપાળી પરિવાર હતો એ અખબારી અહેવાલો મુજબ આગલી પેઢી યાને ૩૫ વર્ષથી સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદે કબજો કરીને બેઠેલો હતો. હવે એને સોસાયટી દ્વારા ખાલી કરાવવાની વાત આવે તો એમાં મૂળ વાંક કોનો ? યાદ રહે, એક જમાનામાં ભાડુઆતને અમર્યાદ સુરક્ષા આપતા અન્યાયી કાયદા અને ધીમા ન્યાયતંત્રને લીધે જ મુંબઈથી સૌરાષ્ટ્ર સુધી લોકલ લુખ્ખાથી મેગા માફિયા સુધીની પ્રવૃત્તિને બળ મળ્યું હતું. લોકો પોતાની મિલકત ખાલી કરાવવા મજબુરીથી જોરૂકા શખ્સોને પૈસા આપતા અને એ જંજાળમાં ફસાતા. જે ખુદ કાનૂનભંગ કરે એને પોતાના પક્ષે ન્યાયની દુહાઈ માંગવાનો હક કેટલો ? કાલ ઉઠીને કોઈ ત્રાસવાદીના સ્નેહી કોર્ટમાં આત્મવિલોપન કરે તો શું એનાથી જસ્ટીસ પ્રોસેસને પીસ પ્રોસેસમાં ફેરવવાની ? અને રાજકીય આફતથી બચવા રાહતના નામે લોકોના ટેક્સના પૈસા માનવતાને કાનૂનભંગ કરનાર પાછળ બેફામ વેડફવાના ? તો પછી આ દેશમાં અંગત હિતોની ઉપરવટ કાનૂનપાલનની શિસ્ત ક્યાંથી આવે ?

(૩)  રજનીશે ગાંધીજીના સંદર્ભે સરસ વાત કરેલી કે કોઈની સામે છરી લઈને ઉભા રહી પોતાની વાત પરાણે મનાવવી એ જેમ બ્લેકમેઈલિંગ કે ગુનો છે. એમ સતત ઉપવાસના નામે આત્મવિલોપનની ધમકી આપી પોતાની વાત ધરાર મનાવવા આગ્રહ કરવો એ ય બ્લેકમેઈલિંગ કે ગુનો જ છે ! એકમાં બીજાનો જાન લઇ પરાણે વાત મનાવવાની છે બીજામાં પોતાનો જ જાન દઈ પરાણે પોતાનું ધાર્યું જ કરાવવાનું છે. સરવાળે બેઉ કિસ્સામાં ન્યાય કે સત્ય નહિ પણ દબાણ અને ધમકી જ જીતે છે. દેશી ભાષામાં આને ત્રાગું કહેવાય. પરાણે પ્રીત કરવા માટે ધરાર પ્રેમી-પ્રેમિકાઓ બીજાના ચહેરા પર ફેંકાતી તેજાબની બોટલ કે ખુદનું કાંડું કાપતી બ્લેડનો સહારો લે એવું. આપણો ઘેટાંચાલ અને કડવા વાસ્તવને બદલે પુરાતન પલાયનના કેફી ઘેનમાં મદમસ્ત સમાજ તો ઘણી વાર અક્કલથી નહિ, પણ ટીવીની નકલથી નિર્ણયો લે છે. પ્રિન્સ બોરમાં પડે કે આખું ટોળું હોહો કરતુ પ્રાર્થના કરે , પણ ખુલ્લા બોર બંધ ના જ થાય. એવું દિલ્હી ગેન્ગરેપમાં પણ બન્યું. ટૂંકમાં, અહીં ગરીબ – લાચાર- અસહાય હોવાના નામે કાનૂની ન્યાયપ્રક્રિયા કે ધારાધોરણ મુજબની કાર્યવાહીમાંથી છટકવા આત્મવિલોપનના નામે બંધ કે બસ સળગાવવી ( આવી દરેક ઘટનામાં કોઈ રાજકીયપક્ષના નેતાના નહિ, આપણા જ ગજવા હળવા થાય છે. ગરીબો ટેક્સ ભરતા નથી. અમીરો બચાવે છે. મધ્યમવર્ગના પૈસે સરકારો ચાલે છે) કે ઘટનાને ફલાણી જ્ઞાતિ કે કોમનો રંગ આપવો એ ય પારોઠના પગલા છે, શિક્ષિત કહેવાતા સમાજના! તમે અનુશાસનનું પાલન ના કરો એટલે શું આત્મવિલોપનનો હક મળે છે ? અને જીવ રેડવો જ હોય તો કોઈ કાયમી સુધારાના દેશહિત માટે ફના થાવ ને. અંગત સ્વાર્થ માટે ? તો શું મહાસત્તા બનવાના ખ્વાબ જોતા ભારતમાં કદી માનવતાના નામે , લાગણીઓના નામે જાહેર શિસ્ત કે દબાણ હટાવની કાયમી ઝુંબેશ કરવાની જ નહિ ? નગરો આયોજન વિનાના અવ્યવસ્થિત જ રહેવા દેવાના ? ભાડૂતો જ કબજેદાર અને ઘરધણી લાચાર ? ખૈરનાર જેવા જીવતર હોમી દે પણ મુંબઈના ફેરિયા આગામી પેઢીનું કલ્યાણ કરે એવું ?

(૪) કોર્પોરેશનો આપને ત્યાં ભાજપ કે કોંગ્રેસના બધા જ મોટે ભાગે ખોટે રસ્તે ચાલે છે. રાજકોટમાં પોલીટીકલ શેલ્ટર મેળવતા જમીન માફિયાઓના મવાલી રખડુ રોટલિયાઓ વારંવાર ગમે ત્યાં ઉધમ મચાવે છે. સંસ્કાર અને સંસ્કૃતિની વાતોના વડા તળનારા મોટે ભાગે તો એમાં સામેલ હોય છે , લાભાર્થી હોય છે કે પછી આવા આવારાઓ સરાજાહેર ઉધમ મચાવતા હોય ત્યારે ખામોશ હોય છે. થીએટરમાં ૫૦૦ પ્રેક્ષક બેઠા હોય પણ એક વાયડો ગુંડો મોબાઈલ પર જોરજોરથી વાત કરે તો કોઈ એને કંઈ કહેતું નથી એવી તો નમાલી જનતા છે. બધા જુગાડ કરનારા અને ખુદનો ઈગો ઘવાય એટલા પુરતી જ ચીસાચીસ કરનારા છે. એમાં ભાગ્યે જ કશા પ્રજાલક્ષી કામો થાય છે. રાજકોટ શહેરમાં જરૂરી સ્કાયવોક કે ફ્લાયઓવર પ્રજા ખાતર નહિ પણ કોઈ ધાર્મિક સંસ્થા, રાજકીય મોટાભા કે જમીનના શાહ્સોદાગારોના ઈશારે કરવા કે અટકાવવામાં આવે છે. ટ્રાફિકનો ટેરર રોજ સહન કરવાનો આવે છે. નાગરિકની હકની ફરિયાદ કોઈને યાદ રહેતી નથી. આત્મવિલોપન જેવો મોટો કોલાહલ ના થાય ત્યાં સુધી નીમ્ભર તંત્ર પોતાના ઉલ્લુ સીધા કરવામાં વ્યસ્તમસ્ત હોય છે. અમુક જૂથનો ખાલી પ્લોટ પર ઢોરઢાંખર કે દાદાગીરીથી કબજો જમાવવાનો ઉઘાડેછોગ ગૃહઉદ્યોગ ચાલે છે. જમીન છૂટી કરાવવાના કે પાર્કિંગથી પાર્ક સુધીની જરૂરી સ્પેસ પર દબાણ કરાવવાના તાસીરા રોજના છે. બગીચામાં બેઠેલા પ્રેમી પંખીડા જેવા સોફ્ટ ટાર્ગેટ પર જનતા રેઇડ કરનારાઓ અને એને બિરદાવવાવાળાઓ આવા અસલી ન્યુસન્સ સામે મૂંગામન્તર છે. કોઈ એકલદોકલ ચડ જ બેટા શૂળી પર કરતો નીકળે પછી સમસમીને ઘરભેગો થઇ જાય છે. તો વર્ષો સુધી જાણી જોઇને ટલ્લે ચડતી ફાઈલો અને કોર્ટની પ્રોસેસ વચ્ચે ખરેખર કાયમી ધોરણે સમગ્ર શહેરમાંથી ખોટેખોટા ઈમોશનલ અત્યાચાર વચ્ચે લઇ આવ્યા વિનાની દબાણ હટાવ ઝુંબેશ કયારે થશે ? જેમાં લાગ જોઈ સેટિંગ કરનાર અધિકારી કે કોર્પોરેટરને પણ હટવું પડે ? દબાણ કરનારા સાથે એ થવા દેનારની જવાબદારી અને સજા પણ ફિક્સ થાય એ જરૂરી નથી ? નહિ તો ફરી દબાણ થશે . ફરી નિર્દોષ માસૂમો રઝળશે . ખાનદાન બિલ્ડર્સ પણ જોરતલબીની આબોહવામાં ચુપ છે. રાજકોટની આવક અને સગવડના પ્રમાણમાં જમીનના ભાવ આસમાની છે. કોના પાપે ? એમને સજા કરાવવા શું આત્મવિલોપન કરાવવાના ? ગરીબોને રહેવા મકાન આપો તો એ એના સોદા કરી ઝુંપડામાં પાછા આવી જાય છે ! એ અટકાવવાની જવાબદારી કોની ? અને આવી લુચ્ચાઈ કરનારા ગરીબો આવાસ મેળવવાને બદલે વધુ વળતર  કમાવાનો ક્રાઈમ કરે એને માનવતાના નામે છાવરવાનો હોય ?

(૫) સ્ટ્રેસ, અલ્પજ્ઞાન, દંભી આદર્શો, આભાસી રાષ્ટ્રવાદ/સમાજવાદ,જન્મજાત મૂર્ખાઈ, ગુમાન , ઝનૂન, અંધશ્રદ્ધા  આવા અનેક કારણોસર આમ આદમી આપણે ત્યાં દિવસે દિવસે સાયકો થતો જાય છે. ખુદને સાંભળી નથી શકતો. સમજ વગરનો સમાજ એક ઘેલું ટોળું બનતો જાય છે. આ ખતરાની ઘંટી છે, નાની વાતમાં લોકોને પર્સનલ લાગી આવે છે. કટ્ટરવાદી જીદ્દી થઇ જાય છે. વાયોલન્ટ અને તોફાની બને છે. મનોરોગીઓ અને મનોવિકૃતો વધતા જાય છે, જેમની ખુદની લાઈફ ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશનથી ખદબદે છે. કોઈ વાંચન કે મનનની ટેવ નથી લાંબીપહોળી સમજ કે વિવેક નથી. અધુરી કે સાવ ખોટી ગેરસમજણથી મગજ ઠસોઠસ છે. પોતાને ન્યાય શિખવાડનાર કે દંડ કરનારને જપોતાની ભૂલ જોવાને બદલે વળતા રાક્ષસ ઠેરવવાના એના મનોવલણ એને ખુદને ખબર ના પડે તેમ વધે છે. મનની અંદર મૂંઝવણ અને ભયનો આથો સડતો કોહવાતો જાય છે. જેમ વચ્ચે ‘સ્કાયફોલ’નો ડાયલોગ ટાંકી મેં મહિનાઓ પહેલા લખેલું એમ વર્લ્ડ ઈઝ મુવિંગ ઇન શેડોઝ. સાચી વાત સમજવી કે કેળવવી નથી, ફક્ત પોતાનો જ સ્વાર્થ જોવાની પશુવૃત્તિ છે.  બાકી, આ આત્મવિલોપન કંઈ ન્યાય મેળવવાની ઢીલથી કંટાળીને ફરિયાદની ચીસરૂપે થયું નથી. ઘર ગુમાવવાની જેમને બીક હોય, એને લીધે નિર્દોષ નાનકડા સંતાનોનું શું થશે એની ફિકર હોય – એ શું ઘર કરતા કિમતી એવો જાન આપી દે ? જેમને બેઘર ના જોઈ શકે એવા સંતાનોને શું કાયમી અનાથ બનાવી દે? કોઈ અદ્રશ્ય ઉશ્કેરણી અને / અથવા વાસ્તવિકતાનો અંદાજ ના મેળવી શકતા ધુમ્મસિયા નબળા મન સિવાય આ શક્ય નથી. દિવસે દિવસે માનસિક રીતે બીમાર બનતા જતા આવા ઇન્સાનો બીજા તો ઠીક એમના ખુદના માટે ય જોખમી છે, એ સત્ય કયારે અને કોણ સમજશે ? મોટી મોટી ધાર્મિક કે રાજકીય વાતોને બદલે આપણે વાસ્તવવાદી અને પરિવર્તનશીલ ક્યારે બનીશું ? સમાજમા આવા ઓછી અધુરી સમજણવાળા ય લોકોનું અસ્તિત્વ હંમેશાથી છે જ- એમાં કોઈ સરકાર કે ગુરુ કે તંત્ર કે સેવક કે ચિંતક કે અધિકારી ખાસ કશું ના કરી શકે- સિવાય કે ખેદથી પીડા અનુભવે એ ક્યારે સમજીશું ?


ફરી વાર, મૃતકોને સદગતિ અને એમના પરિવારને શાંતિ મળે એની પ્રાર્થના. કાશ, રાજકોટમાં કોર્પોરેશનમા બેઠેલા જમીન ખાઈ જતા મગરમચ્છો હવે જે ભૂલકાં છે, એમને ભણાવવાની વ્યવસ્થા કરે. અને હવેથી તંત્ર હિમ્મત કરી, સ્વાર્થ છોડી કડક, સર્વગ્રાહી, નો ફિઅર, નો ફેવર પ્રકારની તળિયાઝાટક દબાણ હટાવ ઝુંબેશ કરી શહેરને ખરા અર્થમાં રોયલ અને રંગીલું બનાવે. શહેરો બંધ કરવાને બદલે કોંગ્રેસ-ભાજપ પોતાના બંધ દિમાગો ખોલે.

 
91 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 4, 2013 in gujarat, india

 
 
%d bloggers like this: