RSS

Daily Archives: જુલાઇ 3, 2013

રાંઝણા – 1

સૈદ્ધાંતિક રીતે અન્ય લેખકોની માફક છપાય એ સાથે જ  સેલ્ફ પબ્લીસીટી માટે ભૂખાળવો થઇ લેખો હું બ્લોગ / એફ.બી.પર મુક્તો નથી, પણ “રેર” અપવાદ આજે કરવો પડે છે. ( અને રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી રવિવારે ય થશે 😦  ) એનું કારણ અદભુત એવી “રાંઝણા” ફિલ્મ છે. આજકાલ કમ્પોઝીટરોની બેદરકારીને લીધે મારા લેખો વારંવાર મુદ્રારાક્ષસનો કોળીયો બને છે. ફૂલસ્ટોપ / કોમા ફરી જાય છે અને વાક્યો પણ. એપીજીનેટીક્સનાં લેખમાં ય હમણાં આવું જ થયેલું. પણ આજે તો સવારમાં ‘અનાવૃત’ વાંચતી વખતે મગજમાં ખાટો ઘચરકો આવી ગયો ! લગભગ ૭૦% અંગ્રેજી શબ્દોની વાટ લાગી ગઈ છે. માળાનું માથા થાય એ તો અપેક્ષિત કહેવાય ( એટલે એ શબ્દ ઘૂંટ્યો હતો લખતી વખતે – તો ય હોની કો કૌન ટાલ સકતા હૈ ? 😛 ) પણ પ્રેમલક્ષણાનું દ્રગલક્ષણા ? લવ ઈઝ ડ્રગ , રિયલી ! અમીર ખુશરોની પંક્તિ ય અધુરીને અમુક શબ્દોમાં લોચા. (ઝિંગ થિંગમાં ગલીનું મોહલ્લો મેં કરી નાખ્યું છે, ફરી ફિલ્મ જોઇને 😉 )

વેલ, રીડરબિરાદરો તો ઘૂંટડે ઘૂંટડે લેખ પી ગયાને નશામાં ઝૂમ્યા…એ તો સવારમાં ઉઠું એ પહેલા જ વોટ્સએપ અને સેલ પર આવતા મેસેજીઝના ઢગલાથી કળાઈ ગયું. ( મારો મોબાઈલ નમ્બર મારા તમામ પુસ્તકોમાં છપાતો હોઈ ઘણા વાચકોના ફીડબેક ડાયરેક્ટ મળે છે. એફ બી પર સીધી પોસ્ટ ના કરી શકતા મિત્રો મેસેજીઝ મોકલે  છે ) પણ રાંઝણા”નાં લેખમાં ગરબડ એટલે જાણે નવી લીધેલી બી.એમ.ડબ્લ્યુમાં શો રૂમથી ઘેર પહોંચે એ પહેલા ચીરો પડે , ત્યારે દિલ પર સ્ક્રેચ પડી જાય – એવી અસર મને થાય 😀 – કારણ કે આવા લેખો અંગત રીતે એકદમ દિલની કરીબ હોય, અને ખૂન નીચોવીને લખાયા હોય. અને લેખન ફક્ત પ્રોફેશન નહિ, પેશન છે મારા માટે. ના જોઈ હોય તો અચૂક જુઓ, વારંવાર જુઓ  એવી “રાંઝણા” એટલી વ્હાલી ફિલ્મ છે કે એનો મેસેજ ધૂંધળો થાય એ ના ગમે. માટે વાંચો આજે જ છપાયેલું અનાવૃત..શક્ય તેટલા સુધારા સાથે 🙂 

જલ જાયે, જલ જાયે ઈશ્ક મેં, જલે સે કુંદન હોય…

જલતી રાખ લગા લે માથે, લગે તો ચંદન હોય!

Raanjhanaa-Movie-Images

‘પ્રેમ કાચની બારી જેવો હોય છે. આમ તો એ ગમે તેવી ભીષણ મોસમની થપાટો સહી જાય છે. પણ જો એક ચોક્કસ જગ્યાએ પ્રહાર થાય, તો એ ખણણણ કરતી તૂટી જાય છે. અને પછી જો તમે એના વીખરાયેલા ટૂકડા ઉપાડવા જાવ, તો એ તમારી આંગળીઓને પોતાની ધારથી કાપી નાખે છે!’

આ દિમાગને સુન્ન કરી નાખતું ટેલર હોઈતનું ક્વોટ આત્મસાક્ષાત્કાર જેવું છે. બધાને સમજાવાનું નથી. અજ્ઞાતનો પથ કઠિન છે, બધા માટે નથી. જેમાં બેકાબૂ બની ફના થઈ જવાનું હોય છે, કસોટીની ધારે! એમાં અહંકાર ઓગાળી ફક્ત સેવાભર્યો સ્વીકાર કરવાનો છે. એ અકળ રહસ્ય છે. એની અનેક વ્યાખ્યાઓ છે, એના અઢળક રંગરૂપ છે. બધા વિરોધાભાસી છતાં બધા જ સાચા છે. એમાં આનંદ, દર્દ, બલિદાન, ત્યાગ, ઝનુન, ભરોસો, આસ્થા, લાગણી, નિર્વાણ છે. જાતે અનુભવીને જ ખબર પડે એનું નામ ઈશ્વર, એનું જ નામ લવ.

ઈશ્ક ઈશ્વરની પોકેટ એડિશન છે. હાર્ટમાં આ લવ એપ્લીકેશન ઈન્સ્ટોલ થઈને રન થવા લાગે, પછી આખી સીસ્ટમ કરપ્ટ કરીને પ્રોસેસરનો કબજો લઈ લે છે. લોજીકને હેંગ કરી નાખે છે. થોટ્સને ક્રેશ કરી નાખ છે. સીસ્ટમ ફોરમેટ કરીને ઓરિજીનલ સેટિંગ્સમાં ફરી જઈ શકાતું નથી. ઈશ્કને નિકમ્મા કર દિયા… યે આગ કા દરિયા હૈ… યુ નો!

પાતી પ્રેમ કી બીરલા જ વાંચી શકે છે. પળ પળ પ્રિયજનના સુમિરનના જપતપનું પુણ્ય બહુ ‘રેર’ રસિકડાઓના લલાટે લખાયું હોય છે. ચાહતની કવિતાઓ વાંચીને કે ફિલ્મો જોઈને એની તડપ, એના ઉંહાકારા, એની બહારથી નોર્મલ પણ અંદરથી અંગેઅંગના ગૂંચળાવાળી દેતી કીલિંગ ફીલિંગ્સનો અહેસાસ થતો નથી. એ માટે પ્રેમાગ્નિમાં પલ પલ ભડ ભડ બળવું પડે છે. અંદરથી તંદૂરમાં શેકાતાં ખુદના હૃદયના માંસની ગંધ સતત આવે, એ જીરવવી પડે છે. જાણે ધમનીઓમાં કોઈ મરીનો ભૂકો છાંટીને લીંબુ નીચોવે છે. જાણે પગના તળિયાની ચામડી ઉતરડીને કોઈ મરચીના બી ભરી દે છે. જાણે આંખોમાં લોખંડના કાટની ભૂકી પડે છે. જાણે હાથમાં તપાવેલા તવેથા ચામડી સાથે ચોંટે છે. જાણે ખોપરીની આરપાર કોઈ ધારદાર ખીલો નાખીને પછી એને ગોળ ગોળ ફેરવે છે. હાડકાઓના પોલાણમાં સીસોટી વાગે છે. આંતરડા ઉછળીને અન્નનળી સુધી આવે છે.

આ ભરડિયામાં કદી પીસાયા છો? જો નહિ, તો દિગ્દર્શક આનંદ રાય (તનુ વેડ્સ મનુ), લેખક હિમાંશુ શર્મા (સેઈમ) એક્ટર ધનુષ (જેવી સસરા રજનીકાંતની લોકપ્રિયતા એવી દોઢી જમાઈની અભિનયક્ષમતા) અને સંગીતકાર રહેમાન (ધ વન એન્ડ ઓન્લી, ધ લોર્ડ એન્ડ લવલી)ની લાજવાબ ‘રાંઝણા’ની લિજ્જત પુરેપુરી નહિ અનુભવી શકો. કારણ કે આ ફિલ્મ નથી, ‘સદમા’ અને ‘દિલ સે’ની જેમ ‘રોકસ્ટાર’ અને ‘આશિકી ટુ’ની જેમ આંખોથી પીવાતો એસિડનો જામ છે! કબીરના દોહાનો અર્થવિસ્તાર છેઃ

પ્રેમ પિયાલા જો પીયે

શીશ દક્ષિણા દેય!

મહોબ્બત, અસલી ઓરિજીનલ હોય તો માથું ઉતારી દેવું પડે છે, અને એય એક ઝાટકે નહિ, હપ્તે હપ્તે!

* * *

raanjhanaa_film_still_-_h_2013‘રાંઝણા’ જોઈને ઝવેરચંદ મેઘાણીને પહાડોમાં વાગતા જંતરના સૂર સંભળાયા હોત, કનૈયાલાલ મુનશીને પ્રભાતના હવનમાં વેદની ઋચાઓ સંભળાઈ હોત, બક્ષીના કાને અથડાયું હોત સ્કોચ વ્હીસ્કીનું ચીઅર્સ અને રમેશ પારેખના માળામાંથી સોનલનો ટહૂકો ખરી પડયો હોત…

આ ફિલ્મ નથી, ગાલિબની ગઝલ છે. શેક્સપીઅરનું નાટક છે. એમાં રવિન્દ્રનાથ ટાગોરની ફરફરતી દાઢી છે, અને જલાલુદ્દીન રૃમીની બળબળતી રેતી ! એમાં ટંકાયા છે, વિન્સેન્ટ વાન ઘોઘના સળગતા સૂરજમુખી અને એમાંથી નીતરે સિમ્ફની  વિવાલ્ડીની ફોર સીઝન્સ! (ઈનફેક્ટ પેલા સોનમના ઘરની બહાર પરફોર્મ થતા સદમાછાપ જુની યાદોના માઈમવાળા સીન વખતે એ ભજવતા પ્રેરણા માટે ધનુષે એ સિમ્ફની સાંભળી હતી! )એ રજનીશનું પ્રવચન છે, અને શાહજહાંનું ગુલાબ છે. યશ ચોપરા પણ હયાત હોત તો આને ન્યાય ન આપી શકત (ઈમ્તિયાઝ અલી આપી શકે કદાચ) એવી આ અંદરથી કોમ્પલેક્સ છતાં બહારથી સિમ્પલ પ્રેમકથા છે. એમાં મહોબ્બતનો માસૂમ ચહેરો ય છે, અને કાતિલ વાંસો ય છે. આમ તો એ બેની નહિ, એક વ્યક્તિની જ પ્રેમકથા છે, પણ એવી છે કે એ એકમાં બીજું અસ્તિત્વ ઓગળીને એના માટે એનો કાયમી હિસ્સો બની ગયું છે!

બહોત સાલો કે બાદ, એવી ફિલ્મ આવી છે કે જેનો હીરો તેજાબના મુન્ના કે મેરા નામ જોકરના રાજુની જેમ બાવડું પકડીને ધસડીને પોતાની પ્રેમકથા બતાવવા આપણને સીટ પરથી સ્ક્રીનમાં ખેંચી જાય! આરસપહાણના નિર્જીવ ચોસલાં જેવા રૂપકડા એસેમ્બલી લાઈન હીરો કરતા જલતા કોલસા જેવો ઓર્ડિનરી ધનુષ આપણા પર એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેમબાણ ચલાવે છે. ઓલ્વેઝ સાહિત્યકૃતિ કક્ષાની પોએટિક ફિલ્મ્સ જ સિલેક્ટ કરતી સોનમ આ વખતે ફાઈનલી બોક્સ ઓફિસ પર ગોલ્ડમાઈન જેવી હિટ મેળવી શકી છે. રાંઝણાના એક એક કિરદાર સાથે ઈન્સ્ટન્ટ કનેક્શન બની જાય છે. એમાં જેટલા હાસ્યના ઠહાકા છે, એટલા જ પીડાના ડુસકાં છે. ઉમંગનો ડાન્સ છે એટલો જ વિધાતાનો ચાન્સ છે!

સ્માર્ટફોનથી લેન્ડલાઈનવાળા તમામ વર્ગ પર એકસાથે જાદુ કરી શકે એવી આ ફિલ્મના નેરેશનમાં ઓલિમ્પિક રનર જેવી એડિટિંગની ચુસ્તી છે. નોર્મલ ફિલ્મ આખી બને એટલી ઘટના તો પહેલા પોણા કલાકમાં જ છે. સતત પ્રેડિક્ટેબલને ડિસેબલ કરતા શાર્પ ટ્વીસ્ટસ છે. સીધા ગેબમાંથી શબનમની બુંદો બની કાગળને મઘમઘાવતા હોય એવા ઈરશાદ કામિલના ગીતો પર ફૂલોના રસ ચૂસતા પતંગિયાની પાંખો જેવું રહેમાનનું રંગીન સંગીત છે. પીપરમિન્ટની માફક ચગળવી ગમે તેવી અસંખ્ય ખટમધુરી મોમેન્ટસ છે. પ્રેમલક્ષણા ભક્તિનો મિનિ મોક્ષ છે!

પણ હવે આગળ વાંચતા પહેલા થીયેટરમાં ફિલ્મ જોઈ નાખજો, પછી કહેતા નહિ કે વાર્તા ખબર પડી ગઈ!

* * *

raanjhanaa 1‘રાંઝણા’ બહુ જ સ્માર્ટલી હીર-રાંઝાની પુરાતન કહાનીને નવા જ ઢાંચામાં મૂકી દે છે. મૂળ હીર-રાંઝાની લોકકથામાં ય હીરના રૂપથી અંજાઈને સીમમાં જતા પ્રેમમાં પડેલો રાંઝા એની ઘેર એના પશુઓનો કરેટકેર બને છે. જેમ કુંદન અહીં ઝોયાના ઘરનો ‘હાથવાટકો’ બને છે તેમ. ઈર્ષાળુ અને પોલિટિક્લ કાકા કૈદોની ચાડીચુગાલીથી હીર-રાંઝાની જુદાઈ થાય છે. હીરના બીજે લગ્ન થતા ભગ્ન થઈ ભટકતા રાંઝાને જોગી ગોરખનાથ મળતા એ ભેખ લઈ લે છે. (ગંગાકિનારે કર્મયોગનું જ્ઞાન પામી અને ફક્ત પસ્તાવાને બદલે જાતે જ ભૂલ સુધારવા માટે એનો સામનો કરીને, ભાગેડુને બદલે આગેવાન બનવાનો પથ પકડતા કુંદનની માફક) અને ફરી હીર સાથે મિલન, ફરી લગ્નના દિવસે જ દગાથી ખવડાવેલા ઝેરી લાડુને લીધે હીર-રાંઝાનું મોત! અને પોલિટિકલ એમ્બિશન કે વેરનો ઝેરી લાડું હીર પહેલા ખાઈને જીવતે જીવ મરે પછી આપણો રાંઝણા ય ખતમ થાય છે.

પણ એક ધાગો લઈ કરેલું નવું જ ભરતકામ છે. આજની સ્માર્ટ શહેરી મોડર્ન જનરેશન ટ્રાન્સપેરન્ટ છે, ઓનેસ્ટ છે, પણ કરીઅરથી માંડી લવના મામલે બધા કેલ્ક્યુલેટિવ થતા જાય છે. પેઈનથી ડરે છે. રોવું, તરફડવું, પ્રેમમાં પાગલ બની પ્રિયપાત્રને નુકસાન નહિ પણ એની સેવા માટે સમર્પિત થવું આ બધું બહુ ઓલ્ડ ફેશન્ડ લાગે છે. કારણ કે ઝટ કોઈ વિશ્વાસ મુકતું નથી. અને વિશ્વાસ એ તો પ્રેમના શ્વાસ છે! અને રાંઝણાની સફળતા હજુ એ સાચા પ્રેમનું સપનું જીવંત છે, એનો પુરાવો!

એક્ચ્યુઅલી, રાંઝણા એના પ્લેટીનમની ધાર જેવા તીક્ષ્ણ સંવાદો સાથે આ વાત (ફિલ્મમાં કુંદન કહે છે તેમ દિલ ડાબે કે જમણે નહિ સેન્ટરમાં ધબકે છે. સ્ટ્રેઈટ ન્યુટૂલ!) કોઈ એકતરફી જજમેન્ટલ એંગ્લ વિના કહેવા માંગે છે. અહીં હીરો બનારસમાં વસેલો તામિલિયન પંડિત છે. હજુ મેટ્રોની રૂથલેસનેસ અને કોમર્શિયલ સોદાબાજીની હવા એને નથી લાગી. એ બનારસના ઘાટ જેવો પવિત્ર છે. એટલે એ એવો પ્રેમ કરે છે, જેમાં તૂટીને પણ પ્રિયાની જિંદગી જોડી દેવાની હોય! ભોળપણનું ગળપણ એમાં બરકરાર છે. થોડોક ઘેલો હોય, એ જ પ્રેમમાં પહેલો આવી શકે.

પણ અત્યાર સુધીની લવસ્ટોરીઝમાં આવતા હિન્દુ મુસ્લિમ કે અમીર-ગરીબ કે દેહાતી-વિલાયતી કે બે ખાનદાન જેવા તમામ અજમાવાયેલા સંઘર્ષ/કોન્ફલિક્ટ/વિલનને બદલે રાંઝણા એક લગભગ નેવરબિફોર સ્ટેટમેન્ટ કરે છે. એનો પબ્લિકને જે સેકન્ડ હાફ થોડોક ઓછો પચે છે, એ બતાવવાનો હેતુ પોલિટિક્સ કે સામાજિક ક્રાંતિ નથી, એ તો દિગ્દર્શક આદર્શઘેલી સામ્યવાદી માનસિક્તાથી અંજાયેલા યુવાનોની સૈદ્ધાંતિક બાધાઈ પર જોરદાર કટાક્ષ કરતા, પેલા કુંદન ફરતે ઘેરો બેઠેલા વિદ્યાર્થીઓ એને જે રીતે ચોર ઠેરવે છે, ત્યાં જ ક્લીઅર કરી દે છે! સો ફની!

તો પછી? અહીં આખો મામલો એકદમ નેચરલ છે. બે એકબીજાને પસંદ કરતા વ્યક્તિમાંથી એક આગળ વધે છે, બીજો તો લવ-સિક થઈ ત્યાં જ ગુલાબી ઘેનમાં ઊભો રહે છે. ઝોયા કમ્ફર્ટ ઝોન છોડી, ટિપિકલ છોકરીને બદલે વિચારતી ભણતી યુવતી બને છે. એનું રિવોલ્યુશનમાં ઈવોલ્યુશન થતાં એની જિંદગીની પ્રાયોરિટીઝ, એની ચોઈસીઝ બદલાય છે. મૂડ સ્વિંગ થાય છે. પોતાની પાછળ લબડતા છોકરાને બદલે, એને ઓછો ભાવ આપે છે. એવા છોકરાના આધિપત્ય પર એ ફિદા થઈ જાય છે. હવે એની દુનિયા અને કુંદનની દુનિયા એક નથી. કુંદન બિચારો આ સમજી શકતો નથી, એ ફક્ત સીધીસાદી રીતે પ્રેમ કરી શકે છે. ઝોયા એનાથી વધુ પગથિયા ચડી ઊંચે પહોંચી ચૂકી છે, એ રીતે એ વિલન નથી.

પણ કુંદન પ્રેમી છે, પગલૂછણીયું નથી. એનામાં પ્રેમનો મસ્તક ટટ્ટાર રાખતો ખુમાર છે, જે એ બિંદિયાને પાજામાના નાડા અને ચોલીના હૂકવાળા સંવાદમાં રણટંકારની જેમ સંભળાવે છે. એટલે એ સાવ લલ્લુની જેમ તળિયા ચાટતો શરણે નથી થતો. કાંડુ મરડીને ઝોયાને ખુદારીનું ભાન કરાવે છે, ઘઘલાવે છે. તક મળે ત્યારે લગ્નના દિવસે છેલ્લો ચાન્સ પણ એ તોડાવી બાજી પોતાની ફેવરમાં થતી હોય તો લેવા જાય છે. પણ પોતાનું અને ઝોયાનું ભલું કરવા જતાં અજાણતા કોઈ નિર્દોષનું બુરું થાય એનો એને ભયંકર વસવસો છે.

પણ અહીં એક અદૃશ્ય દીવાલ સ્મોલ ટાઉન ડ્રીમ્સ વર્સીસ બિગ સિટી/યુનિવર્સિટી ઈન્ટેલેકચ્યુઅલ સ્યુડો ડ્રીમ્સની રચાય છે. પોતાની જાતને બુદ્ધિ/જ્ઞાાનમાં વધુ તેજસ્વી સમજતી ઝોયા માટે કુંદન પછાત ગમાર કાર્ટુન છે અને પાછો એના પ્રેમના નાતે ભરોસાપાત્ર તાબેદાર પણ! ઝોયા જસજીતને પણ કેટલાક ‘મોર ધેન ઈક્વલ’ હોય કહીને પોતાની સોચ બતાવી દે છે. કુંદન સાબિત કરી દે છે કે જેમ ઈશ્વરનો સાક્ષાત્કાર કૂહાડી છાપ કાલિદાસને કવિકુલગુરૃ બનાવે, એમ પ્રેમનો પારસમણિ કથીરને કુંદન બનાવે ! એ તો પોતાની ધીંગી કોઠાસૂઝથી ઝોયા જેનાથી ઈમ્પ્રેસ છે, એ ઈન્ટેલીજન્ટ સ્માર્ટ પોલિટિકલ દુનિયામાં સડસડાટ પોતાનો સિક્કો જમાવી દે છે. માણસ (ખાસ કરીને પુરુષ) પ્રેમમાં હોય ત્યારે થોડો ઢીલો, વલ્નરેબલ, નરમ, પોચટ લાગે. એનો અર્થ એવો નથી કે એનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ એવું હોય એનો પ્રેમ જ એને શૂરવીર યોદ્ધો ય બનાવી દે. ઝોયાને કુંદનમાં એને સ્પેશ્યલ દેખાતું નથી, અને પોતાના પ્રેમનો ભંગ કરાવનાર કે લગ્નમંડપમાંથી પ્રિયતમને છીનવનાર દુશ્મન જ દેખાય છે.

પણ કુંદન તો જોગી, તપસ્વી, ફકીર મિજાજમાં છે. એ પોલિટિક્સમાં એટલે નથી કે એને કશુંક બનવાની મહત્વાકાંક્ષા છે. એની તો એક જ અપેક્ષા છે કે એના પ્યારનું એ કશુંક ભલું કરે, એનું રક્ષણ કરે અને એની પ્રિયાને સામે જોઈ, એની પાસે છતાં દૂરની કંપનીમાંથી પણ પોતાના લવની બેટરી ચાર્જ કર્યા કરે! એનો જીવ સત્તામાં નથી, એનું સત્ય એની પ્રિયતમા જ છે.

ગણત્રીબાજ સ્વાર્થી દુનિયામાં આવા ખામોશ સેલ્ફલેસ લવનું સ્થાન નાયકનું નહિ, પ્યાદાનું હોય છે. પ્રેમમાં ય પોલિટિક્સ હોય છે. પ્રેમ કેટલો કરે છે એ નહિ જોવાનું, દુનિયાની નજરમાં જોડી કેવી લાગશે એ ય વિચારવાનું. ઉંમર કે કલરની કે કલ્ચર કે ડોલરના ભેદ નજરમાં રાખી મા-બાપ દીકરીને કોણ સલામત અને સુખી રાખશે એની પોલિટિકલ સલાહો આપી, એના પ્રેમની હત્યા નથી કરી નાખતા આપણી જ આસપાસ?

ફિલ્મ સટલ રેફરન્સીઝની પાઠશાળા છે. પહેલી વાર ઝોયા સ્કૂલબોય કુંદનને તમાચા ઝીંકે છે, ત્યારે જ પાછળના આગળના એંઘાણની જેમ પોલિટિક્લ રેલી નીકળે છે! બાળ કુંદન ‘નમાઝ વો પઢતી થી, ઔર દુઆ હમારી કબૂલ હો ગઈ’ કહી ઝોયાને પહેલી નજરનો પ્રેમ કરી બેસે છે, ત્યારથી અંત સુધી એનું હૃદય તો બાળક જેટલું જ સહજ સરળ રહ્યું છે. ગાયને પ્રસાદ ખવડાવી, સીધી રીતે હાથમાં ના આવતા પ્રેમની માનતા માનતી કુંદન જેટલી જ સેલ્ફલેસ બિંદિયા કેટલી રિયલ લાગે છે! કુંદન ઝોયાની મદદ ખુવાર થઈને કરે છે, તો બિંદિયા કુંદનની! એ છેલ્લે લોહીના કોગળા કરતા કુંદનને જોઈ ઝોયાને ‘યે મેરા કુંદન નહિ હૈ’, કહે છે ત્યારે જ એ મુદ્દો સ્પષ્ટ થઈ જાય છે કે સાચો પ્રેમ રિજેક્ટ થઈ માણસને અપરાજીતમાંથી કેવો નબળો પાડી દે! કિંગકોંગની માફક! છોકરીએ જ મગજના બધા કોષોનો કબજો લીધો હોય, પછી બીજા વિચાર કે કામ પૂરી તાકાતથી થઈ જ ન શકે ને ! 

ફિલ્મમાં ઝોયા-કુંદનની એક એક ધડકન સાથે આપણા ધબકારા તાલ મિલાવે છે. હમકા ઈસ્સક હુઆ હૈ ની મસ્તી હોય કે હમ ખૂન બહાયે, તુમ આંસુ, સાલા આશિકી ન હો ગયા લાઠી ચાર્જ હો ગયા કે આશિક કી તબ નહિ ફટતી જબ મહેબુબા કી શાદી હો મગર તબ ફટતી હૈ જબ ખુદ કી શાદી હો જેવા એક એકથી ચઢિયાતા ઢાંસુ ડાયલોગ્સની મિરચી દોસ્ત મુરારી (મોહમ્મદ ઝીશાન અયુબની  દિલાવરી) કપડાંની દુકાનમાં રડતો હીરો, અને ખુદના લગ્નના બેન્ડબાજા મૈયત જેવા લાગે એવી પરિસ્થિતિમાં કપાતો હીરો.

અને હીરા જેવા ઝળહળતા રણઝણતા ગીતો! નીડર જવાનો નીકળે હમસે વફાયેં લેના, તાઝા હવાયે લેના લલકારતા પણ શરૂઆત હઝરત અમીર ખુશરોની પંક્તિ, ‘તુ મુન શુદી, મુન તુ શુદમ’ના ફારસી શબ્દોથી કરે- મતલબ, તું હું બની ગઈ હું તું બની ગયો. ( જો તુમ હો વો મૈં, જો મૈં વો તુમ – we are the one ! )

રાંઝણામાં નાયકને નાયિકા મેળવવાનો મોહ નથી. બસ, એ જે કહે કરે – એમાં જાન આપીને ય એને ખુશ કરવી છે !

ઈશ્કને ઈબાદતની કક્ષાએ પહોંચાડતી અક્કલ પરના બીજા પડદા ઉંચકતી રાંઝણા પછીની થોડી વાતો આવતા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં!

ઝિંગ થિંગ

‘મોહલ્લે કે લૌંડો કા પ્યાર અકસર ડોક્ટર-એન્જિનીયર લે જાતે હૈ!’

(સચ્ચાઈનું ગાંધી પારિતોષક અપવો પડે, એવો રાંઝણાનો ડાયલોગ)

raanjhanaa-stills-1

 
70 ટિપ્પણીઓ

Posted by on જુલાઇ 3, 2013 in cinema, feelings, romance, youth

 
 
%d bloggers like this: