RSS

ઈલેકશન, સિલેકશન, કન્ફ્યુઝન, કન્કલુઝન!

18 May

modi 1

આજે બધા રિઝલ્ટ એનાલીસીસ કરે છે, ત્યારે થોડા સપ્તાહ અગાઉ મેં આગોતરું કરેલું ચૂંટણીનું સ્વોટ એનાલીસીસ વાંચવાની મજા પડશે ! એટલા માટે કે મતદાન પહેલા જ એડવાન્સમાં એમાં આખી ચૂંટણીની એ કુંડળી કાઢેલી હતી, જે આજે હવે બધા ગાઈવગાડીને કહે છે ! હું એટલે કોલર ટાઈટ કરી “અમે તો કહેતા’જ હતા’ને કહી શકું એમ છું, અને ભાવી પારખવામાં મારા દ્રષ્ટિ-કોણને જરા સિરિયસલી લેવો, અન્ય તકલાદી વક્રદ્રષ્ટાઓ સાપેક્ષે લોલ્ઝ્ઝ્ઝ 😉  આ લેખ તો મુંબઈ પ્રવચન માટે ગયેલો ને ત્યાં ‘ઓક્યુલસ’ ફિલ્મ જોતી વખતે મિત્ર વિપુલ પારેખે બધા પક્ષોનું એનાલીસીસ કરતો લેખ લખવા ભલામણ કરી ને બીજે દિવસે ત્યાં બેઠે બેઠે જ આ લેખ લખી નાખેલો, પુરા સંતુલનથી ! કહેવાતા પોલીટીકલ પંડિતો એકધારો પ્રલાપ કરતા હતા પણ રાજકારણ અને લોકમાનસમાં ખબર પડતી હોવી જોઈએને ! આ લેખ અહી મુકું છું જેમનો તેમ એટલે ખ્યાલ આવે કે અપુન ને એક મારા, પર સોલિડ મારા હૈ કી નહિ ! B-) 🙂

+++++======+++++

‘ટેક્ટ (મુત્સદ્દીગીરી) એને કહેવાય કે કોઈને તમે નરકમાં દોરી જતા હો, તો પણ એ યાત્રા માટે એ થનગનીને આગળ આવે!’

વિચક્ષણ રાજનેતા વિન્સ્ટન ચર્ચિલનું ક્વોટ ભારતની કોઈ પણ ચૂંટણીને લાગુ પડે એવું છે. કારણ કે, ચૂંટણીમાં અપાતા વચનમાં પછીથી ખાસ વજન રહેતું નથી. પણ ગુજરાતમાં મતદાન નજીક છે અને ભારતની ચૂંટણી એના ક્લાઈમેક્સ તરફ પહોંચવામાં છે, ત્યારે ચોક્કસ બેઠાંબેઠાં ચૂંટણી પરિબળોનું ‘સ્વોટ એનાલિસીસ’ થયા કરે છે. મેનેજમેન્ટના દરેક ટ્રેનરને કશું બીજું બોલતા ન આવડે ત્યારે હાજર સો હથિયાર નીવડતું સ્વોટ એનાલિસીસ એટલે વ્યક્તિ, વસ્તુ કે વિચારની સ્ટ્રેન્થ (મજબૂતી), વીકનેસ (નબળાઈઓ), ઓપર્ચ્યુનિટીઝ (તકો) અને થ્રેટસ (મુસીબતો)નું વાસ્તવિક વિશ્લેષણ. કોઈ ફેવર કે બાયસ વિના પર્સનલી જે કારણ-તારણના બુદબુદા દિમાગી સપાટી પર ઉઠયા, એની થોડીક ઝલક શેર કરીએ, કમ ઓન, જોઈન ટુ થિંક.

* * *

પહેલા છેલ્લા રહેવા જોઈએ એમની વાત. કહેવાતો થર્ડ (એ રેટ એવું કોણે વાંચ્યું?) ફ્રન્ટ. યાને રાષ્ટ્રીય હોવા છતાં બે-ત્રણ રાજ્યો પૂરતા સીમિત કે સાવ સ્થાનિક એવા પક્ષોનો મેળ વિનાનો મેળો. છેલ્લા ઘણા સમયથી દરેક લોકસભાને લાગેલું આ ગ્રહણ છે. જેને લીધે સરકારનું મિક્સ ઉત્તપમ થઈ જાય છે. આવા પક્ષોને ઓછામાં ઓછી સીટ મળે એવું ભોળાભટાકો માનતા હોય છે. પણ વાસ્તવમાં આવા પક્ષો અને નેતાઓ કેમ પેદા થયા, એ ઈન્ફેકશનનું નિદાન કોઈ કરતું નથી.

આઝાદી પછી ગાંધીજી સહિતના નેતાઓનો મૂળ વિચાર- અંગ્રેજી પાસે કેન્દ્રીકૃત સત્તાના વિકેન્દ્રીકરણનો હતો, જે એ જ રહ્યો- મતલબ, વિચાર. અમલ અધકચરો થયો. ઉપરાંત ભારતમાં ભાષા, ખાણીપીણી, દેખાવ, ટેવ બધી જ રીતે એકબીજાથી ઘાટી સરહદે અલગ પડતા રાજ્યો અને વિસ્તારો છે, પ્રાદેશિકતા માટે અહમ ધરાવતી પ્રજા છે. ટોલરન્સ ઓછું છે, અને સેન્ટ્રલાઈઝડ થયેલો દિલ્હી પાવર જોતાં અન્યાય વધુ છે. એને લીધે અભિમાન, અભાવ અને અન્યાયનો ત્રિવેણી સંગમ પ્રાદેશિક અસ્મિતાના યોધ્ધા સરીખા નેતાઓ અને એમના પક્ષોનો ઉદભવ થાય છે. કમનસીબે એનાથી પરેશાન એવા મુખ્ય રાષ્ટ્રીય પક્ષ એ વર્ચસ્વ તોડવા સાચું સમવાય (ફેડરલ) તંત્ર ઘડતા નથી, અને ટેકો આપવા જોડાયેલા પક્ષો શા માટે પોતાની જરૃરિયાત ખતમ કરતી આત્મઘાતક હારાકિરી કરે? સો, તમાશા ઈઝ ટુ બી કન્ટીન્યુડ. ( આ છે મમતા-જયલલિતાનું સકસેસ સિક્રેટ )

નેકસ્ટ. યોગેન્દ્ર-કેજરીવાલની ‘આપ’. ઓલરેડી એના પર ઘણુંખરું લખાઈ ગયું છે. એકસ્ચ્યુઅલી, થર્ડ ફ્રન્ટના ચીંથરાના ચંદરવા જેવું જ નિદાન આપ બાબતે લાગુ પડે છે. ભાજપને પોતાના સપનાના સ્પીડબ્રેકર તરીકે અને કોંગ્રેસને પોતાની તુમાખીમાં પંચર તરીકે આપ આંખમાં બરાબર ખટકે છે. પણ આ પેટ ચોળીને ઉભું કરેલું શૂળ છે. રાજ્ય કે કેન્દ્ર દરેક સત્તાધારી પક્ષોએ કામ કરવાની કસોટીમાં મીંઢુ મુકાવ્યું છે કે પાસિંગ માર્કસ મેળવ્યા છે. છેક છેવાડા સુધી પહોંચેલા કરપ્શનને ઓપ્શનના બદલે કમ્પલસરી બનાવી નાખ્યું છે. કરોડો સામાન્ય માણસોને પડતી મુસીબતો જાણી જોઈને ઉકેલી નથી અને સગવડો બ્યુરોક્રેટસ, કોર્પોરેટસ એન્ડ પોલિટિશ્યન્સે પોતે ભોગવી છે, પણ પબ્લિકને સુવિધાઓ આપી નથી. ૧૯૫૪થી ૨૦૧૪ આપણા પ્રશ્નો એના એ જ રહ્યા છે.

આ બ્લેક હોલના લીધે ઉભા થયેલા વેક્યુમમાં સમયાંતરે આવડતવાળો કોઈ પણ મૂવમેન્ટ જગ્યા બનાવી લે છે. જયપ્રકાશ નારાયણ, વી.પી. સિંહ અને હવે કેજરીવાલ એન્ડ કંપની. જ્યાં સુધી લોકોની હતાશા પ્રામાણિક અને નક્કર પ્રયત્નોથી દૂર નહિ થાય ત્યાં સુધી આવા તમાશા ચાલ્યા કરશે જ. કેજરીવાલની ઈનિંગનું ઓપનિંગ સોલિડ રહ્યું, પણ ભારતીય ક્રિકેટ ટીમની જેમ ચેઝ કરવાના પ્રેશર તળે મિડલ ઓર્ડર મુશ્કેલીમાં છે. એક તો એમણે દેખાડેલા હથેળીમાં ચાંદને લીધે હવે એના નાનકડા ડાઘને પણ વાંક-અદેખાઓ મેગ્નફાઈંગ ગ્લાસથી જોઈને કોલસાનું સર્ટિફિકેટ ફાડવા ઉતાવળા બેઠા છે. જેને બીજા ઝાંખાપાંખા ગ્રહોની ગરબડો તો દેખાતી જ નથી! સ્પેશ્યલી, ભિન્નમત સ્વીકારવામાં હંમેશા ઓછી ઉદાર એવી ભગવા બ્રિગેડ એમની એલર્જીમાં સનેપાત પર ચડી જાય છે. અને બેફામ રીતે જૂઠા અંગત આક્ષેપો, તદ્દન એકાંગી પૂર્વગ્રહોથી છલકાતી ગાળાગાળીઓ શરૃ કરી દે છે, જે એમનો દેશપ્રેમ કેવો ખોખલો છે, એની સાથે સાથે એમની પોલિટિકલ મેચ્યોરિટી કેટલી કાચી છે- એ પણ બતાવે છે.

પણ આ નબળી ફિલ્ડિંગનો લાભ લઈ આપ ધારી ફટકાબાજી કરી શકે તેમ નથી. શરૃઆતમાં ડ્રામાપ્રેમી ભારતનું એમણે પૂરતું ધ્યાન ખેંચ્યું, પણ પછી મીડિયા મેનિપ્યુલેશનની સૂગને લીધે એમના મુખ્ય શસ્ત્ર મીડિયા મેનેજમેન્ટને જ બૂઠ્ઠું બનાવી દીધું. મોરઓવર, દિલ્હીમાં આપના કર્તાહર્તાઓનું પાયાના સ્તરથી કામ વર્ષોથી બોલતું હતું. એવું ગ્રાસરૃટ લેવલનું કામ કરી નેટવર્ક મજબૂત કર્યા વિના જ અધીરા અભિમન્યુની પેઠે એમણે ચૂંટણી ચક્રવ્યૂહમાં ઝૂકાવી દીધું છે. ગાંધીજી પાસેથી આ પાઠ પહેલો શીખવા જેવો છે. વિલાયતી બેરિસ્ટર ગાંધી એક વરસ સુધી તો ભારતમાં ફર્યા હતા. પછી કંઈ કેટલીય મૂવમેન્ટસ અને આત્મખોજથી દાયકાઓ સુધી ટીમ અને લડત બંને કસીકસીને નક્કર બનાવી હતી. આપે આવી કશી મહેનત કર્યા વિના આડેધડ ઉમેદવારો રાખીને ઝૂકાવી દીધું છે, અને અભી બોલા અભી ફોકની હારમાળા સર્જી પોતે મક્કમ નથી એવા મેસેજીઝ આપ્યા છે. લોકશાહીમાં સમૂહભાગીદારી આદર્શ છે, પણ અલ્ટીમેટલી એના કેન્દ્રમાં લોકો છે, એન્ડ ઈન્ડિયન પીપલ લાઈક ટુ બી ગવર્ન્ડ ફર્મલી.

ટૂંકમાં, ધરતી તરસી હોવા છતાં અરવિંદ-યોગેન્દ્રના ગાજયા મેહ કમોસમી સ્થિતિમાં વરસે એમ લાગતું નથી. આમ પણ સરકારની મુશ્કેલીઓ સામે મેદાને પડતા પડતા અચાનક મોદી અને અંબાણી તરફ ઓબ્સેસ્ડ થઈ, ક્લાસિકલ મિસ્ટેક કરી રહી છે- પોતાની લીટી મોટી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવાના પ્રયાસો તણી! કાશ્મીરવાળી બદનામી એના નામે ચડી એ સ્વદેશી ભક્તોની લુચ્ચાઈ છે, અને ખોટી છે. પણ જેની બદનામી એણે વેઠી નથી એ વધુ ભયજનક છે. ભારતમાં બધા જ અબજપતિ ઉદ્યોગપતિ કંઈક ને કંઈક ખોટું કરે જ છે. એમાં બધા પાપના ઘડા એકલા અંબાણી- અદાણી માથે ફોડવા એ નર્યો પૂર્વગ્રહ છે. બીજું, આર્થિક બાબતે ‘આપ’ની નીતિરીતિ સાવ બાલમંદિર જેવી છે. ગાંધીવાદીઓ આવા જ સામ્યવાદી ખેંચાણને લીધે મૂળસોતાં ઉખડી ગયા હતા. ભારતની આર્થિક હાલત ખસ્તાહાલ છે, અને દુશ્મન ચીન સિવાયના મદદગારો પણ ઉધ્ધાર કરી શકે તેવી સ્થિતિમાં નથી.

આર્થિક રીતે ભલે બજારમાં ઠલવાતા વિદેશી ઈન્વેસ્ટમેન્ટ અને કાળા નાણાના સ્ટીરોઈડથી આપણી તબિયત તંદુરસ્ત લાગે, પણ અંદર કેન્સર ફેલાતું જાય છે. આવો પથારીવશ થઈ શકે એવા દર્દી જેવા દેશને કેજરીવાલ આદર્શવાદ માટે દોડવાનું કહે એમાં તો એ માંદામાંથી મૃત થઈ જશે! પહેલા એને સાજો કરી પછી એને પરેજી આપવાની હોય. એ રીતે કેજરીવાલ સમયથી થોડા વહેલા પ્રગટયા છે. પણ ભારતીય રાજકારણની તાસીર અને સત્તાનો કેફ જોતાં આપ અને કેજરીવાલની ભોજનમાં કારેલાં મેથી જેવી માફકસરની જરૃર છે. ઘણી વાર સારો ખેલાડી સારો કેપ્ટન ન થાય, ટીવી સિરિયલની અભિનેત્રી ફિલ્મોમાં લીડ રોલમાં ફ્લોપ જાય, એમ આપ ઉત્તમ વિરોધપક્ષ બની શકે તેમ છે, અને સંસદમાં વોચમેન તરીકે ખબરદારી રાખે એટલી હાજરી એની રહે તેવું ઈચ્છીએ, પણ નેગેટિવ મતને વેડફવા માટે આપ સેન્સિબલ ઓપ્શન અત્યારે નથી.

ઔર કોંગ્રેસ. વાઘની પીળી ચામડી સાથે કાળા ચટાપટા જેમ એકાકાર થઈ જાય એમ પોલિટિક્સ અને કોંગ્રેસ મધમાં લસોટાતા ચૂર્ણ જેમ એકમેકમાં ઓગળી ગયા છે. કોંગ્રેસમુક્ત ભારત ચિલ્લાતા ઘણા લટૂર-ભટૂર જાણતા નથી કે કોંગ્રેસ એક વૈતાલિક વાઈરસ છે, જીનેટિક પ્રિન્ટ છે. ભારતમાં એનાથી પીછો છોડાવવો એટલે શક્ય નથી એ ભારતીય પ્રજાની લુચ્ચાઈ અને મૂર્ખાઈના પડછાયાનું પ્રતિબિંબ છે. એટલે તો આજનું ભાજપ પણ મ્યુટેશન પામીને ‘કોંગ્રેસયુક્ત’ થઈ ગયું છે. નિર્ણયો લીધા વિના વાતને રમાડી કસ કાઢવાનું, થોડું કમ દેખાડી ઝાઝુ ઘર ભરવાનું, સેક્યુલરિઝમની વાતો કરી મુસ્લિમોને અને અનામતની વાતો કરી દલિતોને મૂળભૂત રીતે ભ્રમમાં રાખી રમાડવાનું, જીહજૂરી કરી આગળ વધવાનું, અંદરોઅંદર ખટપટ કરાવી બધાની શક્તિ લડવાઝગડવામાં વેડફીને રાજ કરવાનું, દંભી વાતો કરી ગામડાં અને ગરીબીનો મહિમા ગાઈ સ્પષ્ટ સ્ટેન્ડ લેવાથી ભડકવાનું અને હાઈકમાન્ડની ધૂન પર ડાન્સ કરવાનું કોંગ્રેસી કલ્ચર કોંગ્રેસ પક્ષ જાય તો પણ જવાનું નથી. હઠીલા પ્રેતની જેમ એ વળી દેહ બદલાવીને ભાજપમાં પ્રવેશી ગયું છે. પોતાની મીંઢી ફલેકિસબિલિટી અને ધીરજ તથા ચાલાકીભર્યા જુગાડને લીધે કોંગ્રેસનો આત્મા આસાનીથી નિર્વાણ પામે એમ નથી.
ભારત જેવા અસંખ્ય ટકરાવ અને અભણ હિંસાત્મક રૃઢિજડતાથી સબડતા દેશમાં એડજસ્ટમેન્ટનું બેલેન્સ બતાવનાર કોંગ્રેસ અમુક અંશે અનિવાર્ય જરૃરિયાત છે. એટલે જ એનું અસ્તિત્વ આટલું લાંબુ ટકયું છે. આપણા દેશની જનતા મલ્ટીકલર અને વિસ્ફોટક રીતે ઉન્માદી છે. ગામડા- શહેરથી અમીર- ગરીબના અંતરની સમસ્યા અપાર છે. એમાં કોંગ્રેસી બફર કયાંક વધુ ધડાકા કે લિસોટા અટકાવે પણ છે. એટલે ચુનાવી ઘેલછા ઠીક છે, પણ કોંગ્રેસ તદ્દન નાબુદ થઇ જાય તો એક ધરીવાળુ ઉંચકનીચક ફસડાઇ પડે! ઓઇલ વિનાના કડક મિજાગરા કિચૂડાટ કરવા લાગે. ફેનેટિક બ્રેઇનવોશિંગના એન્ટીડોટ તરીકે પણ ઝેરીલી લાગે તો ય કોંગ્રેસ અત્યાર પૂરતી સાવ વિસર્જન પામે એ લાંબા ગાળાના હિતમાં નથી.
પણ છેલ્લાં ૫ વર્ષમાં કોંગ્રેસે એક પછી એક સેલ્ફ ગોલ કરીને પોતાની કબર જાતે જ ખોદી છે. એની એરોગન્સનો બદલો એને બરાબર યોગ્ય જ મળ્યો છે. બેલગામ ભ્રષ્ટાચાર, ઢીલીઢફ નીતી, એક પછી એક કૌભાંડોની હારમાળા છતાં સવાલ પૂછતાં નાગરિકો પર ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી બેવકૂફી, આવનારા પડકારને પામી સારા સ્પીકર અને લીડર તૈયાર કરવામાં બેદરકારી પોતાની ઉસ્તાદી પરનું ગુમાન અને રાષ્ટ્રહિતની બાબતમાં પ્રજામાં ખોટો સંદેશ જાય એટલી હદે ઉદાસીન ભીરૃતા- કોંગ્રેસની પનોતી બેઠી છે, જે દેશ માટે મહાદશામાં ફેરવાઇ ચૂકી છે.
કોંગ્રેસમાં ઘણાં સારા નેતાઓ અને ઉમદા કામગીરી પણ છે. આધુનિક વિચારધારા છે. પણ અન્ય પક્ષોથી પણ મોટો ખતરો એના ખુદની તુષ્ટિકરણની (અ)નીતિ અને વંશવાદ છે. ભાજપ કોઇ દૂધે ધોયેલો નથી, પણ અન્ય પક્ષોની સાપેક્ષે એમાં બ્લડલાઇન વિના પણ ટોચના સ્થાને પહોંચી શકાય છે, એ સત્ય દેખીતું છે. ગાદીવારસો પર ચાલતી કંપની પ્રોફેશનલ ચેરમેન ન મળે ત્યારે ફડચામાં જતી હોય છે. કોંગ્રેસનો ચહેરો જ અત્યારે એના માટે ખતરો છે. અભિષેક બચ્ચનની જેમ લાખ પ્રયત્ને પણ રાહુલ ગાંધી લીડર તરીકે સ્ટાર બની શકે તેમ નથી. ઉલ્ટું એ જેમ વધુ એકસપોઝર મેળવે છે, એમ લોકનજરમાં એકસપોઝ થાય છે, હાંસીપાત્ર બને છે. સોનિયા ગાંધી આમ પણ ક્ષમતાથી વધુ મહત્વ મેળવી ચૂકયા છે. અશોકથી અકબર, રામથી કૃષ્ણ લગીના વંશોનું આધિપત્ય કયારેક તો ખલાસ થાય જ. જયરામ રમેશ જેવા ભારતના વડાપ્રધાન તરીકે લાયક મૂરતિયાને ઘોડે બેસાડવાને બદલે કોંગ્રેસે નબળા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. માટે રિટર્નમાં ધોવાણ થઇ શકે એમ છે, એ જેને ન દેખાય એણે સારા ન્યુરોલોજીસ્ટનો કોન્ટેકટ કરવો! અલબત્ત, ફાઇટ આપવામાં અત્યારે આળસુ લાગતી કોંગ્રેસનો એ દાવ પણ હોઇ શકે કે આર્થિક રીતે ઉધઇવાળા કબાટ જેવો બનેલો દેશ બીજાને ચલાવવા સોંપીને વધુ અપજશમાંથી ઉગરી જવું અને પોતે કરેલા પાપને ચૂકવવામાં નવી સરકાર લોકોમાં અપ્રિય થાય, ત્યારે ફરી ગોઠવાઇ જવું!
ફાઇનલી, એન્ટર ધ નરેન્દર! મોદી આ ઇલેકશનમાં ગુજરાત જ નહિં, પૃથ્વી પરના ગુજરાતીઓના બહોળા વર્ગમાં ફેવરિટ હોય, એ સમજવા માટે કંઇ પ્રશ્નકુંડળી માંડવાની ન હોય. ઇટ્સ હ્યુમન નેચર. ભારતના સરટોચના નેતાપદ સુધી પહોંચેલા ચારેય ગુજરાતીઓ ગાંધી, સરદાર, મોરારજીભાઇ અને મોદી સ્વભાવમાં પોતાનું જ ધાર્યુ કરવાવાળા અને બોલવામાં તડ ને ફડ કરાવાવાળા હતાં. એટલે અજાણતા જ ગુજરાતની ચોઇસ તો કલીઅર છે. ૨૦૧૪ની ચૂંટણીની ફાઇનલ એકઝામ આવે એના પાંચ વરસથી હોંશિયાર વિદ્યાર્થીની માફક એની આગોતરી તૈયારી એકલા મોદીની જ હતી અને બાકીના છેલ્લી ઘડીએ સફાળા આંખો ચોળતા રિવિઝન કરવા જાગ્યા, ત્યારે મોદીનો કોર્સ કયારનો ય પૂરો થયેલો હતો, એટલું તો એમના વિરોધીઓએ પણ સ્વીકારવું પડે. અને જો ન સ્વીકારે તો એ મંદબુદ્ધિના કહેવાય.
ભારતીય લોકશાહીના રાજકારણમાં ચૂંટણીઓ નર્યા સિદ્ધાંતો પર નથી લડાતી. આવું હોવું ન જોઇએ, પણ આ છે. એમ તો બધા ભારતીયોને ગોરી ચામડીનો મોહ હોય, પણ મોટાભાગનાની ત્વચા ઘઉંવર્ણી છે, એનો ઇન્કાર ન થઇ શકે. આ વખતની ચૂંટણીમાં ઉત્સાહથી મતદાન કરવાવાળો અને રેકોર્ડતોડ રીતે બહાર નીકળનારો વર્ગ ગ્રામીણ કાર્યકરોનો નહિ પણ યુવાનોનો છે, એના અંદાજથી ઉંમરમાં નાના રાહુલ- અખિલેશ- કુમાર વિશ્વાસ કરતાં ય સોશ્યલ નેટવર્ક પર મોદી વધુ એકિટવ એવા ટેકનોસેવી રહ્યા. વોટ્સએપ- ફેસબૂક- ટ્વીટરનું મહત્વ સ્વીકારી એનો અસરકારક ઉપયોગ કર્યો. ઇન્ટરનેશનલ લેવલની બ્રાન્ડ ઇમેજ બનાવવાનું કામ ઉત્સવો બાબતે લઘુદ્રષ્ટિ ધરાવતા પંચાતિયાઓની પરવા વિના શરૃ કર્યું. અને આ બધા માટે તથા ચૂંટણી લડવા અને જીતો તો એ પછી પણ ચિક્કાર ફંડ જોઇશે એની વ્યવસ્થા પણ લોકાયુક્ત વાળી ટીકાઓ પ્રત્યે કાચબાની ઢાલ જેવી ચામડી કરીને, ઉદ્યોગપતિઓ સાથે સારાસારી રાખીને, એમણે કરી છે.
આમ તો મોદીમેજીકના સોર્સ કોડનું ફુલપ્રુફ ડિસેકશન આ લખવૈયાએ અગાઉથી કરેલું જ છે. પણ હેડલાઇન્સ રિવિઝિટ કરીએ તો અડવાની વધ આવ્યો રે વાઘની બૂમરાણો પછીથી બુઠ્ઠી થઇ ગઇ, એ જ બૂડથલગીરી મોદીવિરોધીઓએ કરી છે. ૨૦૦૨ પછી મોદીની એલર્જી અનુભવીને એટલી હદે એની ટીકા એકધારી કરવામાં આવી કે મોદીને તો લાર્જર ધેન લાઇફ થવા મળ્યું જ, પણ પછીથી એની સાચી ટીકા વ્યાજબી મુદ્દે થાય તો ય સહાનુભૂતિથી સંમોહનની અવસ્થાએ પહોંચી ગયેલા લોકો જ મોદી વતી મોરચો ખોલી નાખે એવી સ્થિતિ થઇ. આ દેશમાં ૮૦%થી વધુ મતો હિન્દુ છે, જેનું ધ્રુવીવીકરણ કરનારો કોઇ (મોદી પહેલા) મહાખેલાડી આવ્યો નથી અને જૂનવાણી એવા સંઘમાં ફકત મિશન છે, વિઝનનો છાંટો રહ્યો નથી. રમખાણ કે એન્કાઉન્ટરના મુદ્દે કકળાટના અતિરેક પછી મોદીને હિન્દુત્વ આઇકોનની હિડન ઇમેજ તાસક પર ધરી દેવામાં આવી, પછી પ્રયત્ન તો ફકત સદ્દભાવશીલ વિકાસપુરૃષ બનવાનો કરવાનો હતો.
અને ભલભલા ખેરખાંઓ શબ્દની તાકાતને અન્ડર એસ્ટીમેટ કરે છે, પણ અલ્ટેમેટલી ભગવદ ગીતામાં શું છે? શબ્દો ! જીસસ, મોહમ્મદ કે ગાંધીનો જાદૂ કેવી રીતે ફેલાયો? વાણી થકી! હિટલર- રૃઝવેલ્ટ- નેપોલિયન બધા લીડર્સ અચ્છા સ્પીકર હતા. ઓબામા પણ અને ઓસામા પણ અંતે તો બોલીને જ પ્રભાવ પાડી શક્યાને અનુયાયીઓ પણ! મોદીની રઝળપાટ, વાંચન, ગ્રહણશક્તિ અને રૃથલેસ મેનિપ્યુલેટિવ ઈન્ટલેક્ટ અત્યારે એમની ગિફટ બની છે.
ચૂંટણીમાં બધા સેલ્ફ પ્રમોશનના ગેરકાનૂની ગતકડાં કરે જ છે. મોદી પ્રજાને નવા નવા સ્લોગન અને તાળીમાર ડાયલોગ્સ આપીને ફિલ્મી અનુભૂતિ કરાવવામાં કુશળ છે. રાજકારણના સોગઠીદાવ અને ખાસ તો ટાઈમિંગની બાબતમાં માસ્ટર છે. નેશનલ લેવલ પર છલાંગ મારવી સહેલી નથી, પણ પ્રજા પરિવર્તન ઝંખતી હોય- મનમોહનસિંહ અને રાહુલ નબળા વક્તા પુરવાર થયા હોય- ભ્રષ્ટાચાર, ગરીબી, મંદી, બેકારી વધતી હોય અને યુવાનો નેટક્રેઝી હોય એ પરિસ્થિતિએ મોદીને દોડવું’તું ને ઢાળ કરી દીધો છે. ભારતની ડાબેરીઓની અસરમાં અવળા ગણેશ સમાજવાદના મંડાયા ત્યારથી પત્તર રગડાઈ ગઈ છે, એટલે અત્યારે તો ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીને ડેવલપ કરી દેશનું ગ્લોબલ બ્રાન્ડ બિલ્ડીંગ કરી એવા નેતાની જરૃર છે.
મોદી આમાં એક્કા છે. પણ વિકાસ ખરેખર કરવો હોય તો ચૂંટણી જીતી જાય પછી પણ ઘણી કસરત કરવાની છે. ગુજરાતમાં પાયાની સમસ્યા ગંદકીથી ટ્રાફિક અને લુખ્ખાગીરીથી ભ્રષ્ટાચાર સુધીની ખાસ ઉકેલાઈ નથી. મોદીની ટીમ બિલ્ડિંગ સ્કિલ્સની આકરી તાવણી ચૂંટણી પછી થવાની છે. એમણે બતાવેલા બધા ગુલાબી સપના સાકાર થાય એમ નથી, એટલે એનો ધક્કો પણ મોટો લાગે. કોમવાદ કે સ્વદેશીના મુદ્દે મોદીની આસપાસ ઘણા જંગલી-ઝનૂની- પછાત વાનરોનું ઝૂંડ છે, જેમને ફાટીને ધુમાડે જવા જેવી નીસરણી મળે તો ભારત મહાસત્તા બનવાને જ બદલે કટ્ટરવાદી સાઉદી અરેબિયા જેવું બને- જ્યાં સુખસગવડ હોય પણ ધાર્મિક સાંસ્કૃતિક પાગલપનને જ વૈજ્ઞાાનિક સત્ય અને આદર્શ ન્યાય માનવામાં આવે!
જો મોદી પાવરફુલ બને તો એ વિકાસનો માસ્ક ફગાવીને હિન્દુત્વના હિડન એજેન્ડા પર આવનાર સરમુખત્યાર બનશે કે ભાજપની છબી ફગાવી અમેરિકન સ્ટાઈલનો ચેન્જ લઈ આવનાર આધુનિક અવતાર?

સસ્પેન્સ ઈઝ ઓન. ઈલેકશન ઈઝ થ્રીલર. પણ મોદી જેવો મહાત્વાકાંક્ષી અને જીદ્દી માણસ કશુંક કર્યા વિના ચૂપચાપ બેસે નહિ, અને પોતપોતાની વિવેકબુદ્ધિ વાપરીને આપણે પણ બેઠા ન રહેવું. મનગમતુ મતદાન કરવું!

ફાસ્ટ ફોરવર્ડ

તટસ્થ ભાવે આ ચૂંટણીમાં મોદીને એડવાન્ટેજ મળે એવું લાગે છે, પણ ભારતને એડવાન્ટેજ મળશે કે નહિ એ માટે આવતી ચૂંટણી સુધી રાહ જોવી પડે!

 
17 Comments

Posted by on May 18, 2014 in india, personal

 

17 responses to “ઈલેકશન, સિલેકશન, કન્ફ્યુઝન, કન્કલુઝન!

  1. Patel H M

    May 18, 2014 at 6:17 PM

    – કોંગ્રેસ ભારતીય પ્રજાની લુચ્ચાઈ અને મૂર્ખાઈના પડછાયાનું પ્રતિબિંબ છે.
    – છેલ્લાં ૫ વર્ષમાં કોંગ્રેસે એક પછી એક સેલ્ફ ગોલ કરીને પોતાની કબર જાતે જ ખોદી છે
    – કોંગ્રેસમાં ઘણાં સારા નેતાઓ અને ઉમદા કામગીરી પણ છે. આધુનિક વિચારધારા છે. પણ અન્ય પક્ષોથી પણ મોટો ખતરો એના ખુદની તુષ્ટિકરણની (અ)નીતિ અને વંશવાદ છે.
    – ભાજપ કોઇ દૂધે ધોયેલો નથી, પણ અન્ય પક્ષોની સાપેક્ષે એમાં બ્લડલાઇન વિના પણ ટોચના સ્થાને પહોંચી શકાય છે, એ સત્ય દેખીતું છે.
    – જયરામ રમેશ જેવા ભારતના વડાપ્રધાન તરીકે લાયક મૂરતિયાને ઘોડે બેસાડવાને બદલે કોંગ્રેસે નબળા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
    – ૨૦૧૪ની ચૂંટણીની ફાઇનલ એકઝામ આવે એના પાંચ વરસથી હોંશિયાર વિદ્યાર્થીની માફક એની આગોતરી તૈયારી એકલા મોદીની જ હતી અને બાકીના છેલ્લી ઘડીએ સફાળા આંખો ચોળતા રિવિઝન કરવા જાગ્યા, ત્યારે મોદીનો કોર્સ કયારનો ય પૂરો થયેલો હતો, એટલું તો એમના વિરોધીઓએ પણ સ્વીકારવું પડે. અને જો ન સ્વીકારે તો એ મંદબુદ્ધિના કહેવાય.

    તદ્દન અરિસા જેવૅ સ્પસટ વાત છે. અને ઇલેક્શન રીસલ્ટ આવી ગયા પછી શબ્દ સહ સાચી પડી છૅ.એને માટૅ થમ્બ્સ અપ. ત્યાર પછી મુકેલી મોદીની આવનારી મુસ્કેલીઓ પણ એટલી જ પ્રસ્તુત છૅ. ઍક સારી વાત ઍ છૅ કે બીજેપી નૅ ૨।૩ મેજોરીટી મલી ગઈ છૅ એટ્લે તમે ગ્રહણ કહેલો ત્રીજો મોરચો ત્રાસ નહી આપી સકે.
    બાકી તો મોદી શુ અને કેમનુ કરે છૅ એ જોવાનુ રહ્યુ.
    ઍક વાત નો વસ વસો કે એક ઉત્તમ અને મજબુત ઑપોસીશન ની કમી સાલસે સરકાર સીધી ના ચલૅ તો કાન પકડ​વા માટૅ.

    Like

     
  2. sunil

    May 18, 2014 at 6:45 PM

    Modi has given your answer in Varanasi. Very simply he told people to make kashi clean. I think he has his hidden agenda as he never speak on it. Have you ever heard PM candidate mention in his first address to public regarding their dirty city? I hope future is bright.

    Like

     
  3. Anand Rangpara

    May 18, 2014 at 6:57 PM

    કેજરીવાલ જે ભ્રષ્ટાચારના મુદ્દે મત માગવા નીકડા એમાં કંઇ ખોટુ ન હતુ, પરંતુ તેની મુર્ખામી એ કો તે આ જ મુદ્દે મોદી સામે લડ્યા. ભ્રષ્ટાચાર ને મુદ્દો બનાવી કોઇપણ કોંગ્રેસી કેબિનેટ મંત્રી કે ગાંધી સામે લડ્યા હોત તો જરુર જીતી જાત. દેશ જે કોંગ્રેસી નેતાઓનાં ભ્રષ્ટાચાર થી થાકયો હતો, તેનો ફાયદો ઉઠવી શકત.

    Like

     
  4. pravinshastri

    May 19, 2014 at 11:48 AM

    ઈલેક્શન અને પોલિટિક્સનું પરફેક્ટ પોસ્ટમોર્ટમ.

    Like

     
  5. Jaydeep Rmavat

    May 19, 2014 at 5:30 PM

    1. કાશ્મીરવાળી બદનામી એના નામે ચડી એ સ્વદેશી ભક્તોની લુચ્ચાઈ છે, અને ખોટી છે.
    2. સંઘમાં ફકત મિશન છે, વિઝનનો છાંટો રહ્યો નથી.
    3. કોમવાદ કે સ્વદેશીના મુદ્દે મોદીની આસપાસ ઘણા જંગલી-ઝનૂની- પછાત વાનરોનું ઝૂંડ છે.

    Not Acceptable above things.
    There is vast different between critisize and execution. Everyone wants ideal execution and fullproof ideology, but for panic of case by case event regularization in the pathway is not their area of interest.

    Like

     
    • jay vasavada JV

      May 21, 2014 at 8:48 PM

      તમને સ્વીકૃત ના હોય એટલે હકીકતો બદલાઈ ના જાય.

      Liked by 1 person

       
  6. miteshpathak

    May 19, 2014 at 5:59 PM

    પરફેક્ટ એનાલીસીસ, જોરદાર.

    Like

     
  7. GOPAL

    May 19, 2014 at 6:36 PM

    Election pahela kyak va6elu k
    ” a desh ma parab parna pani na glass thi laine train bathroom na tub pn bandhi ne rakhva padta hoy tyare only PM badline kai desh ma Chang na avi jay ”

    people have more expectation from NaMo

    hope for better future

    Like

     
  8. Chettri

    May 20, 2014 at 2:29 AM

    Bhavi perfect bhakho 6o agau ni post ma tame kahelu k mane pan jyotish vishe no jadbesalak anubhav thayo 6e.ane m pan kaho 6o k jyotish fun puru pade 6e to, jyotish ne ત્રાસી આંખે joine swikarnara shu kahevay? Java dyo j hoy te pan sachu bhavi bhakhta kyak astrologer na bani jata. Aa desh ne astrologer ghana mali raheshe pan tamara JVa writer bradar nahi male .

    Like

     
  9. Nimish Parikh

    May 20, 2014 at 2:38 PM

    you have done injustice by saying whether india shall get advantage or not. Believe it or not, when NAMO gets advantage, our country will get much more adavntage. You can read this post after five years!!

    Like

     
    • jay vasavada JV

      May 21, 2014 at 8:49 PM

      મારા આંખ કાન દિમાગ સાબુત છે.મેં બબર્બ્ર જ લખ્ય્જ છે, ભારતને ફાયદો થશે ત્યારે એ પણ કહીશ અત્યારે આશા રાખી શકાય. બાકી નીવડે વખાણ એ જ નાગરિકધર્મ છે.

      Like

       
  10. Deep patel

    May 21, 2014 at 1:46 AM

    Jordar lekh sir………

    Like

     
  11. yatish dave

    June 2, 2014 at 9:03 PM

    jakkas article…

    Like

     
  12. Prakash M Jain

    June 6, 2014 at 10:10 PM

    EMS Nambudripad’s Government in Kerala elected in 1957.It was first time in india,that Communist Party got power by Election in our World’s history. Government was finished by wrong use of 356 by Javaharlal Neharu. Then after congres finished his own state government also who’s CM has an ability to become PM . The chain reaction is started that state level parties got power. If 1957 and misuse of 356 was not done by any National Level parties,the government of 2 parties in our nation as like in Gujrat will be in india was a fact.This thought was discussed in our friendcircle in year 1992. Request to JV to check the details and make correction. Thanks for Superb Article.

    Like

     
  13. Triku C . Makwana

    July 2, 2014 at 8:36 PM

    5 varas ma loko ne potani bhul samjay jashe.

    તટસ્થ ભાવે આ ચૂંટણીમાં મોદીને એડવાન્ટેજ મળે એવું લાગે છે, પણ ભારતને એડવાન્ટેજ મળશે કે નહિ એ માટે આવતી ચૂંટણી સુધી રાહ જોવી પડે!

    Like

     
  14. Triku C . Makwana

    July 2, 2014 at 8:40 PM

    This is right,

    1. કાશ્મીરવાળી બદનામી એના નામે ચડી એ સ્વદેશી ભક્તોની લુચ્ચાઈ છે, અને ખોટી છે.
    2. સંઘમાં ફકત મિશન છે, વિઝનનો છાંટો રહ્યો નથી.
    3. કોમવાદ કે સ્વદેશીના મુદ્દે મોદીની આસપાસ ઘણા જંગલી-ઝનૂની- પછાત વાનરોનું ઝૂંડ છે.

    Like

     
  15. વિમલ

    July 18, 2014 at 10:53 PM

    વિમલ : ગુજરાતી ચેકિંગ 🙂

    Like

     

Leave a comment