RSS

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મઃ એક સત્યકથા!

05 Sep

માણસ અને દેશ ઘડવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા પાણીદાર શિક્ષકો જ જોઈશે !

jm4

એ છોકરાને ભણવું જ નહોતું! મુદ્દલે ઈચ્છા નહોતી ભણવાની. એજ્યુકેશન સીસ્ટમ પર જ બે પેઢીથી ઘરમાં શિક્ષકો જ હોવા છતાં એને જબરી ચીડ હતી. રીતસરનો તિરસ્કાર જ હતો! એનું જ્ઞાાન કે ભણવા પરથી ચિત્ત જ ઉઠી ગયું હતું. દિમાગ બળવાખોર નકસલાઈટ જેવું એન્ટી સીસ્ટમના આક્રોશમાં ધખધખતું હતું.

નેવુંના દાયકાના આરંભે ઓલરેડી બારમા ધોરણમાં એની પરીક્ષાનું વિચિત્ર પરિણામ આવતા અદાલતના ધક્કા ખાધા હતા. વ્હાલસોયા મમ્મી પપ્પા તો કશું કહેતા જ નહોતા. કારણ કે, સમગ્ર પ્રાથમિક શિક્ષણ તો એને ઘેર જ આપેલું હતું! એને ગોખણપટ્ટીની પછાત સિલેબસથી ઠેબાં ખાતી એજ્યુકેશન સીસ્ટમનો સખ્ખત કંટાળો આવતો. ક્રિએટીવિટીના બદલામાં મેમરીના માર્કસ મળતા જોઈને ઉબકા આવે એવી એલર્જી થતી.

પછી તો ગોંડલ ગામમાં ભાઈબંધો શોધવાના. ઓડિયો કેસેટની દુકાનોના પાટિયા તોડવાના. આવારગર્દી અને ઈશ્કી રોમિયોગીરીના મસાલેદાર કિસ્સાઓ સિગારેટથી દારૃ બધું જ પીતા લોકો પાસેથી સાંભળવાના. વાર્તાઓની કિતાબો રોજની એક લેખે ચાવી જવાની.

ક્યાં જવું છે એની ખબર જ ન હોય છતાં જાત સાથેના સવાલજવાબ ટાળવા રોજ ગામમાં ઘેર કશું કહ્યા વિના ભટક્યા કરવાનું. આસપાસના દંભ અને ભ્રષ્ટાચાર, ધાર્મિકતા અને ચાંપલાઈ, છોકરા-છોકરીના વેવલાઈથી ભરપૂર નૈનમટક્કાની ઘેલછા, લગ્ન જેવા પ્રસંગોમાં પહોળા થઈને ફરતા વેપારી વડીલોના દેખાડા… આ બધું જોઈને એને ઉદાસી અને ઉકળાટ બંને થતો. જાણે કાદવના ખાબોચિયામાં તરફડતા પંખી જેવી ઘૂટન થતી. જલા દો ફૂંક ડાલો યે દુનિયાનો લાવારસ બહારથી સ્થિર દેખાતા મસ્તકમાં ભભૂકતો હતો. લાઈફનો કોઈ ઉદ્દેશ જ નહિ. નો ગોલ, નો ડ્રીમ. જસ્ટ પાસ ધ ટાઈમ. ટોટલ નિહાલીસ્ટિક એટીટયૂડ. જીંદગી જ સાલી બેમતલબ બદમાશ છે.

જી હા. એકદમ છટપટાહટ, ઘૂટન, તૂટન, કન્ફ્યુઝનની કશ્મકશ. આ કહાની નથી. આ લેખકડાની જ ફર્સ્ટ પર્સન જબાની છે. આ ધૂંધવાતો છોકરો એ જ આપનો વિશ્વાસુ આ કલમદાસ. ઘરમાં ય દેવું. લેણદારો ટેપ કે ફ્રિજ ઉંચકીને લઈ જાય અને રેંકડીમાં વેંચાતા કપડાં પહેરી એકાદ ટંક ખાવાનું સ્કિપ કરવું પડે એવું! બહાર ચૈન નહિ, ઘેર આરામ નહિ. ટોટલ લોસ.

જેના અઢળક સાક્ષીઓ છે, એવી સચ્ચાઈ એટલે આજે બયાન કરવી છે કે, શિક્ષક દિન ફરી આવી પહોંચ્યો છે. અને સાત્વિક, સંવેદનશીલ, સજ્જ અને સરળ શિક્ષક શું કરી શકે- એની જાતે જીવેલી ફર્સ્ટ પર્સન દાસ્તાન કહેવી છે.

અને સલામી આપવી છે, આજે દુનિયામાં નથી પણ દિલમાં છે એવા અધ્યાપક શિક્ષકને.

***

jm1રાજકોટની ધમસાણિયા કોલેજ. માંડ ત્રણ વર્ષે બીબીએના કોર્સમાં પરાણે ભરેલું એકમાત્ર ફોર્મ. બીજા લિસ્ટમાં સરખી ટકાવારીમાં છેલ્લા ચાર નામોમાં બંદાનું નામ ધક્કામુક્કીમાં પાછળ હડસેલાતું હતું.
ત્યાં પપ્પાના એક ઓળખીતા લેકચરરને મળાયું, પણ નવા મેનેજમેન્ટ કોર્સમાં એ મદદ કરી શકે એમ નહોતા. સડિયલ અડિયલ સીસ્ટમમાં વધુ એક એકેડેમિક ઈયરનો કચરો, એવી ઝૂંઝલાહટમાં કોલેજના પગથિયાં ઉતરતો હતો, ત્યાં એક રણકદાર અવાજ કાને પડયોઃ ‘તમે સ્પોર્ટસક્વીઝમાં આવેલા કે નહિ?’

એક સાદો લાંબી બાયનો ક્રીમ શર્ટ અને નેવી બ્લુ પહોળા પેન્ટમાં વડીલ પ્રોફેસર સામે હતા. તજેસ્વી ચમકતી આંખો. એકદમ ઝીણી પાતળી મૂછ. માથે ટાલ. મુખ પર રમતું સ્મિત. સ્હેજ ભરાવદાર શરીર, શ્યામ વર્ણ પણ જ્ઞાાનસભર લલાટ. એમણે ફરી સવાલ પૂછયો.

વાત જાણે એમ કે, ત્યારે ક્રિકેટ કોમેન્ટેટર નરોત્તમ પુરીની દિલ્હી દૂરદર્શનમાં આવતી સ્પોર્ટસક્વીઝ ભારે પોપ્યુલર હતી. ને નવરાબેઠા આપણે તો આવી ક્વીઝોમાં ભાગ લેતાને જરાક પોકેટમની મળી જતા. એમાં ત્યાં જવા માટે અણધારી પસંદગી થયેલી. દિલ્હી જઈ શૂટિંગમાં ભાગ લીધો. ઉભા થઈ એક સવાલનો સાચો જવાબ પણ આપેલો. એ બહાને મમ્મી-પપ્પા સાથે તાજમહાલથી ઋષિકેશ સુધીની સફર પણ કરેલી. થોડા મહીના પહેલા જ એનો એપિસોડ આવેલો.

આ સાહેબ વળી કુદરતને કરવું તે ક્રિકેટ અને સ્પોર્ટસના શોખીન. એમને યાદ રહેલું કે કોઈ છોકરો વળી ગુજરાતમાંથી ત્યાં ગયેલો. ને એ ઓળખી ગયા. ”આવો” માનથી બોલાવી કહ્યું ”હું ડો. જે.એમ. મહેતા. અહીં બીબીએ કોર્સનો ઈન્ચાર્જ.” ઈત્તફાક! મહેતાસાહેબ જ એ વ્યક્તિ કે જે મને એડમિશન અપાવી શકે!
ખભે એમનો ટ્રેડમાર્ક કપડાનો થેલો ઝૂલાવતા એ પ્રિન્સિપાલ કે.એમ. પટેલની ચેમ્બરમાં લઈ ગયા. પટેલસાહેબ સ્વભાવના કડક અનુશાસનપ્રિય. પણ મહેતાસાહેબે અંદર જઈને જ કહ્યું ”આ છોકરાને એડમિશન આપવું જોઈએ. અત્યારે જ. કોલેજનું નામ રોશન કરશે. સ્પોર્ટસક્વીઝમાં પહોંચેલો હતો ટીવીમાં. મેં જોયો છે.” મહેતાસાહેબે દ્રઢતાથી કહ્યું ”અરે, વિચારો નહિ. આપણે આવા ક્વીઝવાળા છોકરાની કદર કરવી જોઈએ.” અને મને કહ્યું ‘ફી લાવ્યા છો? તો ભરી દો!’

અને શરૃ થઈ જીંદગીનો નકશો પલટાવી નાખતી એક સફર. એક સંગાથ ગુરૃ અને શિષ્યનો!

***

ફી તો ભરાઈ. પણ ભણવાનું તો મન જ નહોતું. હા, સવારે અપડાઉન કરવું- કોલેજ જવું એ બધામાં જલસો પડે. એ વખતે કમ્પાઉન્ડમાં સાઈકલો હોય. બાઈક તો લકઝરી ને આપણે તો બે ટાંગાની સવારીવાળા મુફલિસ. ક્લાસ શરૃ થયા ને ગાપચીઓ શરૃ થઈ.

”વસાવડાભાઈ…” મહેતાસાહેબ કાયમ સ્ટુડન્ટસને માનથી જ બોલાવે. ”તમે આમ વેડફો નહિ આ સમયને. જરાક રસ લો આ બધું જાણવામાં.” આવું લોબીમાં ચાલતા ચાલતા ખભે હાથ મૂકીને ટોકે. ”આપણે શિક્ષકના દીકરા.
મિલકતો હોય નહિ. જીવવા માટે કમાવું પડશે. એ માટે નવું શીખવું પડશે. તમારી જરૃરિયાત પેદા કરો. લોકો શોધતા આવશે સામેથી. પણ તપ કરવું પડે તપ, આમ ભાગો નહિ વાસ્તવિકતાથી. સ્વીકારો, સમજો, સંઘર્ષ કરો.” આજે બરાબર સમજાઈ ગયેલો પાઠ હજુ ત્યારે ગળે ન ઉતરતો.

”એવું કરો, તમને વાંચવાનો શોખ છે ને, તો કોલેજે આવો. જો લેકચર ભરવાનું મન ન થાય તો લાયબ્રેરીમાં બેસો. પણ જેમાં મજા આવે એટલું તો ભણો.”

”પણ ફલાણા સર જ ડબ્બા જેવા છે.”
”અરે, અરે… આમ અકળાઈ ન જાવ. કુટુંબ હોય કે કોલેજ. બધા સરખા ન હોય. બે-ત્રણ તો ચલાવી લેવા જેવા હોય જ. ભગવાનની લીલા છે. આપણે એનો આનંદ લેવાનો. આમ આકરા નહિ થવાનું.”

આમ લાયબ્રેરીની લાલચે હાજરી શરૃ થઈ. સાહેબનો પીળો પરવાનો. લાયબ્રેરિયન સેરશિયાભાઈ તો દોસ્ત બની ગયા. જોઈએ તે બૂક ઘેર લઈ જવાની, છાપા ય વાંચવાના ને લઈ જવાના. સ્પેશ્યલ ટ્રીટમેન્ટ.
કોઈ ગણગણાટ કરે તો મહેતાસાહેબ વીટો પાવર વાપરીને સ્ટાફ રૃમમાં જ કહી દે. ‘હવે આટલા પગાર પછી પ્રોફેસરો લાયબ્રેરીમાં બેસતા નથી. તો આવા હોશિયાર છોકરા એનો ઉપયોગ કરે, એમાં આટલા વર્ષોથી ખર્ચો કરીએ એ લેખે લાગે!’

અમારી બજરંગ કોલેજમાં બપોરે છોકરીઓની શિફટ. ભઈલાઓએ મહિલાઓ ખાતર કેમ્પસ ખાલી કરી દેવાનું. પણ મહેતાસાહેબના વાચનશોખને લીધે એ બેસે, અને એના પાળેલા ગલુડિયાંની જેમ હું ય બેસું ને એમાંય આપણે જાણે વીઆઈપી. સાહેબ સાથે જ મોડેથી ચાલતા ચાલતા અલકમલકની વાતો કરતા જવાનું મોટે ભાગે થાય.

સાહેબ કાયમ કોલેજથી ખાસ્સા દૂર રહેતા હોવા છતાં ચાલીને જ આવે ને જાય. સીનિયર પ્રોફેસર, પણ ન કાર, ન સ્કૂટર.
વિદ્યાર્થીઓમાં આ મજાકનો વિષય. સાહેબની ચિંગૂસીની બધા શરૃઆતના મહીનાઓમાં ચોવટ કરે. રૃપિયા બચાવવા ટાંટિયાતોડ કરે એવી ગોસિપી અફવાઓ ફેલાવી, દબાતા દબાતા ખીખીખી હસે.

પણ એક દિવસ સીટી બસની રાહ જોતા જોતા નવતર દ્રશ્ય દીઠું! પાછળ જ રહેલા મેડિકલ સ્ટોરમાં મહેતાસાહેબ કોઈ દવા લેવા ઉભેલા. એક સાવ મેલીઘેલી ચીંથરેહાલ અવસ્થામાં ગામડિયણ મજૂરણ બાઈ છોકરું તેડી દવા લેવા આવેલી. પણ કિંમત સાંભળી પ્રિસ્ક્રિપ્શનનો પરસેવામાં ચૂંથાયેલા કાગળિયો પાછો લઈ લીધો. સાહેબે તરત એને રોકી. આજથી બે દસકા પહેલા સોળસો રૃપિયાનું એનું બિલ ચૂકવ્યું. ૧૦૦ રૃપિયા બીજા આપ્યા. અને ધીમી ચાલે ડોલતા એ ઘર ભણી ચૂપચાપ નીકળી ગયા!

કંજૂસ માણસ કંઈ આમ અજાણ્યા ખાતર પૈસા ખર્ચે? બીજે દિવસે હળવેકથી સાહેબને વાહન ન વાપરવાનું કારણ પૂછયું. એ ખડખડાટ હસી પડયા. ‘અરે, મને હાર્ટ એટેક આવ્યો. ડોકટર કહે રોજ ચાલો. સ્પોર્ટસ તો છૂટી ગયું. એટલે ખાસ ચાલવા જવું એના કરતાં રોજ ચાલીને આવવા-જવાનું. કસરત ભૂલાય જ નહિ!’ (અને વગર ભણાવ્યે શીખવા મળ્યો વધુ એક પાઠઃ કોઈના વિશે સાંભળેલી ગપસપ પર તરત યકીન નહિ કરવાનું. એવું લાગે તો વિવેકથી સચ્ચાઈ પૂછી લેવાની. મોટે ભાગે બીજાઓએ છાતી ઠોકીને કાઢેલા તારણો ઉપજાવી કાઢેલા જ હોય છે!)

ધીરે ધીરે કોલેજે જવાનું વ્યસન મહેતાસાહેબના નિઃસ્વાર્થ પ્રેમને લીધે લાગ્યું. સાહેબ ક્યારેક ઈકોનોમિક ટાઈમ્સનો કટિંગ કરેલો લેખ વંચાવી ચર્ચા કરે, તો ક્યારેક કોઈક શાકાહારી સાત્વિક ટૂચકો સંભળાવે. ગંભીર થઈને ખીજાય ભાગ્યે જ. બાકી ‘લેટ ગો’ એ જ ‘ઈગો’ના સ્થાને એમની પ્રકૃતિ. છોકરાઓ એમની હાજરીમાં હળવાશ અનુભવે. સાહેબ બધાની અંગત દરકાર રાખે. નામથી ખબરઅંતર પૂછે, વિદ્યાર્થીના જ નહિ- એના મા-બાપના ય! બીજા વિષયોના નાના-મોટા પ્રશ્નો પોતે સોલ્વ કરાવીને ઘર્ષણ ટાળે. જનરલ નોલેજ વધારીને પ્રેકટિકલ થવા પર ભાર મૂકતા- અનુભવો વર્ણવે.

સાહેબ ગમતા. પણ કશુંય કરી બતાવવાની તમન્ના તો ક્યારની ઠરીને ઠીકરું થઈ ગઈ હતી. એમાં બિલકુલ શિખામણ કે ઉપદેશ વિના અચાનક સાહેબે તણખો પેટાવ્યો!

‘આ જુઓ વસાવડાભાઈ, તમારે આમાં ભાગ લેવાનો છે.’
ત્યારે રાજકોટમાં સાવ નવા શરૃ થયેલા એપલ કોમ્પ્યુટરના ક્લાસીઝે ઈન્ટરકોલેજ ક્વીઝ કોન્સ્ટેસ્ટ યોજેલી. એના આમંત્રણનો કાગળિયો છૂટીને ઘેર જવાના સમયે સાહેબે દેખાડયો.
‘મારે નથી લેવો ક્યાંય ભાગ. જવું જ નથી ક્યાંય બીજે.’ મોઢું ચડાવી કડવાશથી અપુન બોલા!

”અરે, તમે સ્પોર્ટસ ક્વીઝમાં ગયા તો આપણી ઓળખાણ થઈ ને! તો જાવ આ ક્વીઝમાં ય. કોલેજનું ઋણ અદા થશે, જીતશો તો. ને ભાગ લેવાની મજા પડશે.” સહેજ અટકીને કહે ”આમ ઉતાવળમાં ગુસ્સે ન થવાય. તમારામાં બહુ આક્રોશ છે. બહુ બધું અંદર વલોવાય છે. ઊર્જા હોય તો જ આવો આક્રોશ હોય! એને આમ હતાશામાં બખાળા કાઢવામાં વેડફો નહિ. કામે લગાડો. કંઈક સાબિત કરો પહેલા. તો તમારી ટીકાઓ કોઈક સાંભળશે!”

ઘેર વાત્સલ્યને લીધે બાપે ન કહ્યું, એ ગુરૃએ કહ્યું. તો ય ત્યારે તો ગળે ન જ ઉતર્યું. સાહેબે નવું ગાજર લટકાવ્યું.
”ક્વીઝ સાંજે છે. બપોરે બાજુમાં ગેલેક્સીમાં ફિલ્મ જોજો. ટિકિટ હું આપીશ. અને એક સિનિયર છોકરો છે પ્રવીણ ચૌહાણ. એને ય શોખ છે. પૈસા નથી, એટલે રફ નોટમાં પુસ્તકોના લખાણ ઉતારતો હોય છે. મારા ધ્યાનમાં છે. એની મદદ લેજો. નામ તો મોકલાવી દીધું છે.”

સાહેબના રીતસરના ધક્કા જેવા આગ્રહને લીધે ક્વીઝમાં ગયો. પ્રવીણ સાથે દોસ્તી બોનસમાં મળી. જેમ્સ બોન્ડની પ્રથમ ફિલ્મનું નામ શું? એ ટાઈબ્રેકરનો ‘ડો. નો’ જવાબ આપી જીત્યા. અને નવી સફળતાથી પોઝિટિવિટીએ ‘યસ’ કહ્યું!

કોલેજમાં બીજી સવારે મહેતાસાહેબને ઈનામ, પ્રમાણપત્ર, ટ્રોફી બતાવી અને સાહેબ એ ઘડીની રાહ જોઈને બેઠા હોય, એમ ઉભા થયા. ૫૧ રૃપિયા ખિસ્સામાં મૂક્યા. ને કહે ‘ચાલો.’

ક્લાસે ક્લાસે ફેરવ્યા, બધા જ વર્ગમાં. છોકરીઓની શિફ્ટમાં ય! મહેતાસાહેબ બધે લઈ જાય, ને બોલે ‘આ આપણો વિદ્યાર્થી. સ્પોર્ટસક્વીઝમાં ભાગ લીધેલો. આજે આટલા વર્ષોમાં કોલેજ માટે ક્વીઝ જીતી આવ્યો! સારું લખે છે, સારું બોલે છે. બહુ વાંચે છે. તાળીઓ પાડીને વધાવી લો!’

બધા સ્ટુડન્સને તો જોણું થયું. ભણવામાં બ્રેક પડે. એટલે હરખની ચિચિયારીઓ! કેટલીયે આંખો ટીકી ટીકીને જોયા કરે અને વાહવાહ કરે એવો પહેલો જ અનુભવ! સેન્સ ઓફ રેકગ્નિશન. વર્ષો પછી ‘હમ ભી કુછ કમ નહિ’નો અહેસાસ અંદરથી થયો. આપણે ‘રિજેકટેડ માલ’ નથી. સમાજ વખોડતો જ હોય, એવું નથી. સિદ્ધિને વ્હાલથી વધાવી પણ લે છે, એનો અનુભવ થયો. આત્મવિશ્વાસનો ઉભરો આવ્યો. દોસ્તો વીંટળાઈ વળ્યા. ચોકલેટો ખાધી. બે-ચાર કન્યાઓએ નામ પૂછયું. એકે ડિબેટમાં પાર્ટનર બનવાનું કહ્યું. પ્રોફેસરોએ પીઠ થાબડી. કરડાકીથી દરવાજો બંધ કરતા પટાવાળા પણ હસીને બોલાવતા થયા. અરે, સીટી બસની રાહ જોવાને બદલે અજાણ્યા વિદ્યાર્થીએ બસ સ્ટેન્ડ સુધી બાઈક રાઈડ આપી! ઓળખ મળ્યાનો નશો આખી રાત ઘેર પણ રહ્યો!jm3

***

અને તેજીને ટકોરો! પછી તો એક મિશન શરૃ થયું. જાતભાતની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું. મહેતાસાહેબે એ બધું સંભાળતા અધ્યાપક જ્યોતિબહેન- દલસાણીયાસાહેબને સોંપી દીધું.

નવા આચાર્ય રૈયાણીસાહેબે લેટરપેડ સહી કરી આપ્યા ભાગ લેવા માટે બંચમાં! એમાંથી મળતી આવકમાંથી જ કોલેજની ફી ભરાઈ. ટ્રસ્ટી વાલજીબાપાએ સન્માન કરી, ઇનામમાં ઘેર ટેલિફોનલાઈન લેન્ડલાઈન તણી ગિફટ આપી. પ્રવાસો શરૃ થયા, નેશનલ- ઈન્ટરનેશનલ સ્પર્ધાઓ, એન્યુઅલ ફંકશન, યુનિવર્સિટી- સ્ટેટ- નેશનલ યૂથ ફેસ્ટિવલ્સ, સ્ટુડન્ટ ઓફ ધ ઈયર… સિલસિલો વિસ્તરતો જ ગયો.

ભણતા ભણતા જ ચર્ચાપત્રો લખવાના શરૃ થયા છાપા-મેગેઝીન્સમાં. કોલેજ પૂરી થતાં પહેલા તો અત્યારે ૨૦ વર્ષની થયેલી આ કોલમ ‘ગુજરાત સમાચાર’માં આ જ સ્પર્ધાઓની જીતને લીધે શરૃ થઈ! સિવિલ સર્વિસ અડધેથી પડતી મૂકી, એ પહેલા તો લેખન-પ્રવચનની કારકિર્દીના મૂળિયા ત્રણ વર્ષમાં સાડા ત્રણસોથી વધુ સ્પર્ધાઓમાં વિજય સાથે રોપાઈ ગયા હતા. મહેતાસાહેબે જાતે એ બધી વિગતો લખીને ટાઈપ કરાવી. વિદાયમાનમાં મારા માતા-પિતાનું ઘેર કેળવણી આપવા માટે જાહેર સન્માન કર્યું…

અને અંગત સન્માન એ કર્યું કે દીકરો નહિ પણ એક જ દીકરી સંતાનમાં ધરાવતા મહેતાસાહેબે એમની એ દીકરીના લગ્નમાં જવતલ હોમવા બોલાવ્યો! સાહેબના પત્ની જ્યોતિબહેન ઘેર જાઉં તો કહે જઃ તું એનો દીકરો જ છો! સાહેબ દશા સોરઠીયા જ્ઞાાતિની શૈક્ષણિક પ્રવૃત્તિમાં ય અગ્રેસર. પહેલેથી મધ્યમમાર્ગી. ‘માથાકૂટ ન કરો, માર્ગ કાઢો’ એ એમનો જીવનમંત્ર. એટલે અમુક બાબતો એમને ગમે નહિ. પણ કશુંક સારું થાય તો સહન કરી લે!

કોલેજ પૂરી થયા પછી પણ સાહેબનું હેત ખૂટયું નહિ. વધારાની તૈયારી અને આંકડાઓ સાથે માથાફોડી ઘેર બેસાડી કરાવે. આજ્ઞાા જેવો આગ્રહ કરી, મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લેવડાવી. મફત ઘરનું કોચિંગ તો ખરું જ. જીવનની સલાહો પણ આપે. એમના જેટલો જ પુત્રવત સ્નેહ રાખતા પ્રોફેસર ફુલેત્રાસાહેબે કોલેજમાં પ્રિન્સિપાલની નોકરી ઓફર કરી, ત્યારે મહેતાસાહેબે જ કોર્સના વાઈવાની જેમ ઈન્ટરવ્યૂની તૈયારી કરાવી, સોનેરી સલાહ આપીઃ ‘આપણી પ્રાયોરિટી કમાવાની છે. યોગ્ય રીતે આવક મેળવશો તો શોખ પૂરા કરવામાં સ્ટ્રેસ નહિ થાય! જ્ઞાન વધારવા ખર્ચ થશે!’

મમ્મી ગુજરી ગયા, ત્યારે પણ સધિયારો આપવા સાહેબ હતા જ. દોહિત્રી રમાડતા, નિવૃત્ત જીવન ગાળતા. યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૃ કરાવવા ચપ્પલ ઘસતા! અચાનક જ એ અવતારકૃત્ય પૂરું થયું હોય એમ દુનિયા છોડી વિદાય લઈ ગયા!

પણ એેક સેલિબ્રિટીજગતમાં ગુમનામ ગણાય એવા એ શિક્ષકની શોકસભાનો હોલ ઠેકઠેકાણેથી સ્વયંભૂ ઉમટેલા સ્ટુડન્ટસથી છલોછલ હતો! એક આ લેખકડાની જ જીંદગીને સાહેબે દિશા નહોતી આપી, કંઈક માટીમાંથી મૂર્તિઓ બનાવેલી. ઘણા ભાગેડુઓને ‘દો આંખે, બારાહ હાથ’ના જેલરની જેમ ભરોસા અને પ્રેમથી પલોટેલા. ગોંડલમાં વિજય કારિયા નામના અંધ વિદ્યાર્થીને ય પ્રોફેસર બનાવેલો! આરંભે એબીસીડીમાં ફાંફાં હોય એને ઘાટ આપી મલ્ટીનેશનલમાં મેનેજર બનાવેલો!

આ છે શિક્ષક. ૫ સપ્ટેમ્બરના શિક્ષક દિને ડો. જે.એમ. મહેતા જેવા, એ.કે. વિરાણી જેવા, રમેશ ફૂલેત્રા જેવા અનેક ગુરૃઓને વંદન કરી વિચારજોઃ કોઈ જે.એમ. મહેતા છે, તો કોઈ જય વસાવડા છે! વાત પર્સનલ નથી, યુનિવર્સલ છે. માણસ અને દેશ ઘડવા આવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા પાણીદાર શિક્ષકો જ જોઈશે. કારણ કે, એક શિક્ષકનું કમિટેડ ઈન્વોલ્વમેન્ટ કોઈ ઠૂંઠામાં કૂંપળ કોળીને ક્રિમિનલમાંથી ક્રિએટીવ બનાવી શકે છે! આવા અનેક અનસંગ હીરોઝને સલામ!

jm2

ફાસ્ટ ફોરવર્ડ
‘સંસ્કાર એ ભીતર ધરબાયેલી વસ્તુ છે. શિક્ષણ એક આઘાત છે, એને ખોલવા માટે. વરસાદ આવે ત્યારે ધરતીમાં પડેલા અંકુરો ફુટે. શિક્ષક આવી વર્ષાનું કામ કરે છે.’ (મોરારિબાપુ)

—————-

ઘણા સમયથી લખવા ધારેલો આ લેખ લખવાનો અવસર અંતે આ વર્ષના શિક્ષક દિને આવ્યો. મારી કોલમને ૨૦ વર્ષ પુરા થયા એની ઉજવણી રૂપે જરાક અંગત સંગત. સવારમાં જ ચાર્જ કરેલી બેટરી ઉતરી જાય એટલા કોલ્સ ને મેસેજીઝ સેલફોન પર આવ્યા અને પછી તો એ સિલસિલો ચાલુ જ રહ્યો ! દિલની વાત દિલ સુધી પહોચી ગઈ ! ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોલ આવ્યો. જામનગર ડો. વી.એમ.શાહના ફંક્શનમાં સ્પીચ આપવા ગયો ત્યાં ય આ લેખનો ઉલ્લેખ થયો. ૧૨ વર્ષની બાળકીથી ૮૬ વસ્ર્હના વૃદ્ધ સુધીના સંદેશા આવ્યા. જુના શિક્ષકોના ય. અને મહામૂલી મૂડી એ કે મહેતા સાહેબના માંગરોળ સાસરે રહેલા દીકરી અને રાજકોટ રહેતા પત્નીનો પણ કોલ આવ્યો અને અમારો સ્નેહસંબંધ સાહેબની સ્મૃતિઓથી મ્હોર્યો. આનંદ થયો કે સાહેબની દોહિત્રી ભૂમિ મને ફેસબુક પર ઓલરેડી ફોલો કરે છે અને સાહેબનો વારસો જાળવી એમ.બી.એ. થઇને હવે સી.એ.ની તૈયારી કરે છે. આ લેખ વાર્તા જેવો લાગે પણ આ ઘટનાઓ બનેલી છે, વાતો થયેલી છે. એના લખ્યું એમ જુના સાક્ષીઓ છે. એમ ને એમ કોઈ કશે પહોચતું નથી . હીરા બનવા માટે કપાવું પડે છે, ઘડાવું પડે છે. કોઈને કોઈ કુશળ ઝવેરી પાસા પડે છે. બચપણમાં મને મમ્મી પપ્પાએ ઘડ્યો. પછી કોલેજમાં મહેતાસાહેબનું માર્ગદર્શન મળતું ગયું. એના પછી આખું એક પ્રકરણ એવું જ વ્હાલ મને કરી મારી કાળજી રાખનારા ફૂલેત્રાસાહેબનું મારી નોકરીના ગાળામાં લખી શકાય. અને લેખનમાં ‘ગુજરાત સમાચાર’ના નિર્મમભાઈ શાહનો અધ્યાય એ પછી આવે….હશે અંગત જીદગીની  વાતો કોલમમાં સંદર્ભ વિના ખુલીને વારંવાર કરવી નહિ એ મારો સિદ્ધાંત છે, માટે એ કિસ્સાઓ ફરી કોઈ વાર….અત્યારે તો આવા યુવા શિક્ષકોને સલામી સાથે મહેતાસાહેબ જેવા બનવાની અપીલ…  તો આ બ્લોગ પોસ્ટ શેર કરી વધુ મિત્રોને એટલે પહોંચાડજો કે આવો લેખ લખાશે કે જય કોઈ લેખક વક્તા થઇ દુનિયા ફરશે – એની કોઈ અપેક્ષા વિના જ  મહેતાસાહેબે તો પોતાનું કર્તવ્ય કરેલું ! હેપી ટીચર્સ ડે.

 

 
30 Comments

Posted by on September 5, 2016 in education, personal, Uncategorized

 

30 responses to “ગુરૂ સાક્ષાત પરબ્રહ્મઃ એક સત્યકથા!

  1. નિરવ

    September 5, 2016 at 10:17 PM

    મૂળમાં ધબકતો માણસ કોઈને પણ જીવંત બનાવી શકે છે , ખાલી એવા આપણને ચાવી ભરી દોડતા કરી શકે છે આવા શિક્ષકો . [ જોકે અમે તો વાંચીને અને સાંભળીને જ શિક્ષણની એ મજલ કાપી નાખી પણ અમોને કોઈ ન મળ્યું ! ]

    આપે અમી રૂપી અંજલિ આપી એ ખુબ ગમ્યું .

    Liked by 1 person

     
    • Sunil chhaya

      September 5, 2016 at 10:40 PM

      Loved the post. I , like many others , owe everything in my life to teacher , in particular one sir Haresbbhai Dholakia
      lovely

      Like

       
  2. MEHUL SAKHIA

    September 5, 2016 at 10:36 PM

    Mehta sir ne lakh lakh vandan….Happy Teachers day!
    bov time pachi blog par dekhaya jaybhai

    Like

     
  3. MEHUL SAKHIA

    September 5, 2016 at 10:40 PM

    Mehta Saheb ne lakh lakh vandan…happy teachers day!
    bov time pachi blog par dekhaya jaybhai

    Like

     
  4. Manish Solanki

    September 6, 2016 at 12:08 AM

    Great inspiring story Vasavadabhai….
    Happy teachers day.
    You are Mehtasir for us.
    Thanks JV

    Like

     
  5. મનસુખલાલ ગાંધી

    September 6, 2016 at 6:08 AM

    અરેબીઅન નાઈટ્સની વાર્તાઓ તો વાંચી છે, સાક્ષાતકાર આજે થયો….વીરલાઓ તો ઘણા હશે, પણ એમની કથા તો ત્રીજાના મુખે કહેવાઈ હશે, પણ, સ્વમુખે સાંભળવામાં-વાંચવામાં એક સંતોષનો ઓડકાર પણ લઈ શકાય…શુન્યમાંથી સર્જન કરવું તે આનું નામ…માટીમાંથી હીરો તો લોકો શોધી શકે પણ, એ મહેતા સાહેબ, જ્યોતિબેન, ફુલેત્રા સાહેબ અને બીજા અનેકો જેઓએ, માટીને ગુંદીને રતન બનાવ્યું…અને અમને જય વસાવડા મલ્યા, એ માટે અમારા પણ એ બધાને માનપુર્વક વંદન…

    Like

     
  6. Pravin Patel

    September 6, 2016 at 6:53 AM

    ગુરુ તર્પણનો લેખ વાંચી ઈર્ષા થઈ,મને આવા શિક્ષક કેમ મળ્યા નહી !
    એક માર્ગદર્શક શિક્ષક મળ્યો હોત તો જીવનમાં અલગ પહેલ પડ્ય્ા હોત !

    Like

     
  7. Kartik Purohit

    September 6, 2016 at 9:23 AM

    Thanks Jaybhai aa laganisabhar lekh badal… Vachta vachta aankho bharai avi. Sachi vat che tamari ek teacher dhare to ek simple manas mathi ek leader banavi shake che eni life ni disha j change kari shake che. Khub j saras. E teacher e shat shat salam and vandan ke jemni mahenat na lidhe amne Jay Vasavda malya ane tme janavyu em bija anek pratibhashali yuvano aa samaj ne aapya. Bhagvan ne etli j prarthna ke aava doormdeshi, sacha, honest teachers apna India ne malta rahe ane ek divas India akha world ma knowledge kingdom bane, pratibhavan yuvano thi samruddh desh bane.

    Like

     
  8. ઢીંમર દિવેન

    September 6, 2016 at 11:10 AM

    આહા…
    ક્યારેક વધુ કામ-
    ક્યારેક ઓછું વળતર-
    કયારેક જવાબદારીનો બોજ-
    કયારેક અણગમતું સ્થળ-
    તો
    ક્યારેક
    અપેક્ષાઓ વિરૂદ્ધ પરિણામ
    શિક્ષકને પજવે છે.
    આ બધા વચ્ચે
    ઉજજવળ ભાવિના સપના જોતો બાળક
    વાલી આપણને સોંપે છે
    આ સમૃદ્ધિ નાની સૂની તો નથી જ…….
    શિક્ષક દિનની શુભકામના 🌹

    Liked by 1 person

     
  9. Ashok Mehta

    September 6, 2016 at 11:12 AM

    i am his nephew and was in tears reading this article in the morning
    honestly was not aware that my uncle was such a great human being

    Like

     
  10. Dhimmar Diven

    September 6, 2016 at 11:14 AM

    આહા….
    ક્યારેક વધુ કામ-
    ક્યારેક ઓછું વળતર-
    કયારેક જવાબદારીનો બોજ-
    કયારેક અણગમતું સ્થળ-
    તો
    ક્યારેક
    અપેક્ષાઓ વિરૂદ્ધ પરિણામ
    શિક્ષકને પજવે છે.
    આ બધા વચ્ચે
    ઉજજવળ ભાવિના સપના જોતો બાળક
    વાલી આપણને સોંપે છે
    આ સમૃદ્ધિ નાની સૂની તો નથી જ…….
    શિક્ષક દિનની શુભકામના 🌹

    Liked by 1 person

     
  11. Sanjay

    September 6, 2016 at 11:15 AM

    Very nice !!!!…Belated Happy Teachers day!

    Like

     
  12. physicschanakya

    September 6, 2016 at 5:19 PM

    ખુબ અદ્ભુત લેખ જય ભાઈ….આપની કલમ અને બુક્સ નો વરસો થી વાચક અને ચાહક છું અને મુવીઝ તમને ગમતો વિષય છે , એટલે જ આ વાંચીને મને Set Mex વાળા ઓ નું ફેવરીટ મુવી સૂર્ય વંશમ નો ડાયલોગ ધ્યાન માં આવ્યો…. છીણી અને હથોડી વાળો….Anyways, unnecessary time and space waste કર્યા વિના તમારા બેવ ની આ “છીણી અને હથોડી ” ની અદ્ભુત જોડી ને દિલ થી વંદન…. તમને એટલે કારણ કે તમારા લેખો અને વક્તવ્યો થી તમે પણ ઘણા ની જિંદગીઓ માં positive changes આણેલા છે. જો કે, કોઈ personal recognition ની અપેક્ષા વગર એક વાત કહેવાનું મન થાય છે, કે આવી જ કૈક જિંદગીઓ માં શક્ય contribution આપવાની ભાવના થી જ મેં પોતે મારી ડાયરેક્ટર અને વ્યવસાયી તરીકે ની કારકિર્દી ને છેલ્લા ૩-4 મહિના થી શિક્ષણ તરફ વાળી છે. આશા છે કે વિદ્યા ના આ યજ્ઞ માં મારા વિદ્યાર્થીઓને મારાથી બનતું શ્રેષ્ઠ આપી શકીશ.

    હેપ્પી ટીચર્સ ડે. 🙂

    Like

     
  13. dilip patel Ahmedabad

    September 6, 2016 at 6:00 PM

    I really appreciate …in my life also some teachers help me better advise for my life today I following when I m depressed…..and also u sir thx u also my teacher my happiness now for reading your all words…happy teachers day

    Like

     
  14. Piyush S. Shah

    September 6, 2016 at 6:16 PM

    Truly Inspiring… Salute to teachers like Mehta sir and students like you, Jay bhai..

    Like

     
  15. baarin

    September 6, 2016 at 8:21 PM

    Really Superb . Pranams to you Jaybhai and to your Guruji Shri Mehta sir

    Liked by 1 person

     
    • eshani

      September 7, 2016 at 9:11 PM

      Oh ho jay bhai to hu tamari senier thai hu b dhamsaniya jyare co education hatu tyare student hti and Dhamsaniya college ne General knowledge mate ame 4 students
      Shield lavela…anyways apno lekh vanchi ne college na time nu akhu smaran thai gyu..jane fari thi college life ma dokiyu kari lidhu hoy….

      Like

       
  16. Prakash Gamit

    September 9, 2016 at 9:46 AM

    Seems Like a My Story. Hope k Hu Pan aavi Rite Kaik Prove Kari Saku. 🙂

    Like

     
  17. કુમાર મયુર

    September 9, 2016 at 5:14 PM

    Wonderful, Nice Blog

    Like

     
  18. janak dodiya

    September 10, 2016 at 12:27 PM

    amazing article based on real life events. so much inspiring to me as a teacher.salute to GURU and STUDENT both. Jaybhai you made my day.

    Like

     
  19. maulikjanimech15

    September 10, 2016 at 12:55 PM

    Absolutely inspiring . thanks For Sharing Wonderful journey,salute that Teacher…

    Like

     
  20. Prempriya

    September 11, 2016 at 8:42 PM

    ખૂબ જ સુંદર અને પ્રેરણાસભર લેખ….

    Like

     
  21. Charan Patel

    September 20, 2016 at 11:21 AM

    Excellent. Somebody have to make Biopic of this in Gujarati / Hindi Cinema. Transforming rough rock into diamond, a polished DIAMOND yaar. Very inspiration and amazing real story.

    Like

     
  22. dinpatel2

    September 20, 2016 at 7:28 PM

    હશે અંગત જીદગીની વાતો કોલમમાં સંદર્ભ વિના ખુલીને વારંવાર કરવી નહિ એ મારો સિદ્ધાંત છે, માટે એ કિસ્સાઓ ફરી કોઈ વાર….
    I wants this days come in near time so please !!!!! we alaways wel come you Jaybhai ! for Us…….

    Like

     
    • Mayur kapadiya

      November 7, 2016 at 1:14 PM

      Superb motivational story , aaje aapde aava sikshak ni khub jaroor6e

      Like

       
  23. બેશક

    December 1, 2016 at 9:28 PM

    આજે ફરી વખત વાંચ્યો ,,,નાગરિક બેંક માં સાંભળ્યા બાદ ,,,આ લેખ ,,,,,જીવનભર આપનો ઉત્તમ લેખ રહેશે ,,,એ ગુરુ ઓ ને વંદન ,,,

    Like

     
  24. DealDil.com

    December 19, 2016 at 12:43 PM

    Buy Jay Vasavada’s All Books and Video DvD Collection with Discount Click Link https://goo.gl/5UMkcS or Visit http://www.dealdil.com

    Like

     
  25. Kmer

    March 28, 2017 at 7:56 AM

    shu ghanto aape?

    Like

     
  26. Vivek Teraiya

    April 10, 2017 at 4:59 PM

     

Leave a comment