RSS

બ્રહ્મ અને બ્રહ્માંડ : ઘૂંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે !

21 Nov

‘ડિવાઇન લોજીક હ્યુમન લોજીકથી અલગ છે. એમાં એક વત્તા એક બે નથી એક છે, શૂન્ય છે, અનંત છે!’ (સ્વ. નાથાભાઈ જોશી)

મોઢેરા જેવા આપણા પ્રાચીન મંદિરોનાં કુંડની ડિઝાઈનમાં પિરામીડ જેવું રહસ્ય હશે એક્બીજાના અનંત મિરર યુનિવર્સની જ્યોમેટ્રી સિમેટ્રી રચવાનું ?


“દુનિયાભરમાં એક હિન્દુ ધર્મ જ છે, જે એવું માને છે કે સ્વયં બ્રહ્માંડ પણ પ્રલય અને નિર્માણના અનંત ચક્રોમાંથી પસાર થાય છે. યાનિ કી, બ્રહ્માંડ જન્મે છે, મરે છે, ફરી જન્મે છે, ફરી મરે છે.  આવી સાઇકલ સનાતન ચાલ્યા જ કરે છે અને હિન્દુ ધર્મ જ એક અજોડ પુરાતન ધારા છે, જે માને છે કે બ્રહ્માંડ એક નથી, અનેક કે યુનિવર્સ નથી, મલ્ટીવર્સ છે.

એટલે કે પ્રાચીન હિંદુ પરંપરામાં અનેક ઇશ્વર છે. એક જ દેવ-દેવીના મલ્ટીપલ રૃપ છે (વિષ્ણુનો અવતાર રામ પણ હોય અને પરશુરામ પણ! અને બંને પાછા એકબીજાને મળે પણ ખરા! વળી પદ્મનાભ પણ હોય અને બાલાજી પણ!) બધાના પોતપોતાના બ્રહ્માંડ છે. જે એકબીજાને સમાંતર ચાલે છે. આ વાર્તાઓમાં વિજ્ઞાન છે.

મોટા ભાગના ધર્મોએ સૃષ્ટિની ઉત્પત્તિ અને અંતની કલ્પના કરી છે, પણ એમની નજર હજારો વર્ષોથી આગળ પાછળ જતી નથી. પણ મોડર્ન કોસ્મોલોજી, ખગોળવિજ્ઞાાનની ખણખોદ સાથે મેળ પડે એવો બ્રહ્માંડની ઉત્પત્તિને કરોડો અબજો વર્ષો થાય, એવો પ્રચંડ આંકડો હિન્દુ ધર્મએ વિચાર્યો છે.

જેને વિજ્ઞાાનીઓ ‘બિગ બેન્ગ’ યાને મહાવિસ્ફોટ કહે છે, બ્રહ્માંડના આરંભ કાળને નક્કી કરવાનો, એમાં પૃથ્વીની ઉત્પતિને  સાડા ચાર અબજ વર્ષ થયા હોવાનું માનવામાં આવે છે અને આગામી એટલા જ વર્ષોમાં સતત વિસ્તરતા જતા બ્રહ્માંડનો એક ક્ષણ પછી ‘બિગ ક્રન્ચ’ મહાસંકોચન થતા નાશ થશે એવા તારણો કઢાય છે.

હિન્દુ ધર્મમાં એવું (વિષ્ણુ પુરાણ મુજબ) કહેવાયું છે કે સૂર્યમાળાનું આયુષ્ય આશરે ૮.૬૪ અબજ વર્ષ છે ( મતલબ બ્રહ્માના એક દિવસ પ્લસ રાત જેટલું જેમાંથી અડધી મજલ કપાઈ છે )! હિન્દુ ધર્મની સૌથી પ્રાચીન પ્રતિમા નટરાજ શિવની છે. (શિવની પૂજા ઊર્જા અને પ્રજનનના પ્રતીક, મેટર એન્ડ ડાર્ક મેટરના ફ્યુઝન જેવા લિંગ- યોનિના રૃપે થતી રહે છે !) જેમ એક હાથમાં ડમરૂ  છે જેના નાદથી સૃષ્ટિનું વિસર્જન કરી એને ભસ્મીભૂત કરે છે. ( રીડરબિરાદર, ડમરુનો આકાર વર્મ હોલ અને ટાઈમ સ્પેસની ગરણી જેવા બ્રહ્માંડ અને એની પ્રતિરચના – મિરર ઈમેજના સંગમની આધુનિક કલ્પનાને મળતો આવે છે !)  એક હાથ અભય મુદ્રામાં છે. નટરાજ નાચી રહ્યા છે, અર્થાત્ સૃષ્ટિમાં મૃત્યુ અને જીવન, પ્રલય અને નિર્માણનું નૃત્ય સતત હંમેશા ચાલુ જ રહે છે. અટકતું નથી!”

કૌંસની કોમેન્ટ તો આ લખવૈયાની છે, પણ બાકીનું કોણે લખ્યું છે આવું ? હિન્દુત્વવાદી સંસ્કૃતિ કાર્યકરે? એ બધા તો પારકી સંસ્કૃતિ બાબતે કે પ્રેમ- અશ્લીલતા સામે ઝેર ઓકવા સિવાય કશો સાચો અભ્યાસ કરે છે, ખરા? કોઈ મહાન ધર્મધુરંધરે ? એ બધા તો અહંકાર અને આશ્રમમાંથી ઉંચા આવે તો વિજ્ઞાાનને સમજે ને ? આ ક્વોટ તો એક વેસ્ટર્નરનું છે, ના, ઋષિકેશમાં ઝભ્ભો ચડાવી માળા પહેરતા ફિરંગી ટુરિસ્ટનું નહિ. પણ કાર્લ સેગાનનું !

કાર્લ સેગાન વિશ્વભરના સાયન્સ રિસર્ચર- રિપોર્ટમાં આજે મૃત્યુ પછી પણ આદરથી લેવાતું લીજન્ડરી નામ છે. દૂરદર્શનના સુવર્ણયુગમાં એમની સિરિયલ ‘કોસ્મોસ’ દર રવિવારે સવારે આવતી. જગતભરની જનરેશન્સને કોસ્મોસ અને બ્રહ્માંડના આધુનિક વૈજ્ઞાાનિક રહસ્યોનો પરિચય એમણે કરાવેલો.

સેગાનસાહેબે જેનો ઉલ્લેખ કર્યો છે તે ભારતીય કાળગણનાની રોમાંચક કહાણીઓ અને પ્રતીકો વિશેની વાત ફરી ફુરસદે માંડીશું. પણ એક ઝલક ઝીલીએ માઇક્રો સેકન્ડથી પણ નાની ‘ત્રૂટિ’ અને અબજોથી પણ ઘણા વધારે એવા ‘કલ્પ’ જેવા એકમમાં સમયને ભારતીય મહર્ષિ મનીષીઓએ માપ્યો હતો.

એવું કહેવાય છે કે, સતયુગથી કળિયુગ સુધીના ચાર યુગોની સાયકલ્સ સતત ચાલતી જ રહે છે જેમાં (હિન્દુ શાસ્ત્રો મુજબ) ઓલ્ટરનેટ રિયાલિટીના પેરેલલ યુનિવર્સ છે. મિરર કોસ્મોસ છે યાને આ લેખ લખાઈ રહ્યો છે અને પછી વંચાઈ રહ્યો છે, એ ઘટના પહેલીવાર બની નથી! છેલ્લી વારની પણ નથી! બીજે ક્યાંક પણ એ જ ક્ષણે લેખ લખાઈ રહ્યો હશે! એમાં વળી અનેક શક્યતામાંથી ઓલ્ટરનેટ રિયાલીટીએ જુદો ફાંટો લીધો હોય તો લેખ લખનારો લેખક જ નહિ બન્યો હોય અને છતાં એનું અસ્તિત્વ ત્યાં જુદી રીતે હશે ! નોલાનની ફિલ્મો જેવી ભેજાઘુમાઉ ચર્ચા પર હાલ પૂરતો પડદો પાડી દઈએ. ચાર અલગ અલગ વર્ષોનું માપ ધરાવતા સત્ય, દ્વાપર, ત્રેતા, કલિ યુગોનું ચક્ર એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષો પૃથ્વી પર માનવ જાતના. જેને એક મહાયુગ કહેવાય. આવા હજાર મહાયુગે એક કલ્પ થયો.

કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. કેવળ દિવસ, રાત્રિ નહિ, આવા બે કલ્પ એટલે બ્રહ્માના ૧ દિવસ- રાત (આપણા ૨૪ કલાકના એ.એમ. પી.એમ.ની જેમ) યાને કે ૮.૬૪ અબજ વર્ષ યાને કે બિગ બેન્ગથી બિગક્રન્ચ સુધીનાં ક્રમમાં પૃથ્વીના આયુષ્યના કુલ સમયનું સાયન્ટિફીક અનુમાન! પૃથ્વી કે સૂર્યના અસ્તિત્વનો તો સવાલ જ નથી, પણ એ જેનો હિસ્સો છે, એ સૂર્યમાળાનું કુલ આયુષ્ય એટલે બ્રહ્માનો એક દિન જ ફક્ત! અને બ્રહ્માંડનું આયુષ્ય અબજો વર્ષોમાં થાય તો એની સાથે મેળ બેસે એવા આંકડા હિંદુ ગ્રંથોમાં જ જોવા મળે એમ છે ! બધા પ્રાચીન આંકડા સાચા નથી પણ આમાં વિજ્ઞાન પણ અનુમાનની રમત રમે છે ને !

doorsઆઇન્સ્ટાઇનની ટાઇમ- સ્પેસની રિલેટિવિટી અને ઇવેન્ટ હોરાઇઝનની ઓલ્ટરનેટ રિયાલિટી સાથે સીધો સંબંધ ધરાવતી આ પુરાણકથા મુજબ આવા ૧૦૦ વર્ષનું આયુષ્ય બ્રહ્માનું છે અને આપણે જેને દુનિયા, જગત, સંસાર, સૃષ્ટિ કહીએ છીએ એ પણ વિષ્ણુની નાભિમાંથી નીકળી કમળમુખ પર બિરાજેલા બ્રહ્માનું સપનું છે. બ્રહ્માના સપનાના આપણે બધા બેહદ અત્યંત નાનકડા પાત્રો છીએ. બ્રહ્મા પોતાના ૧૦૦ વર્ષ અને માનવની ગણનાના અબજો વર્ષ પછી મહાપ્રલયમાં બધો સંકેતો કરશે, અને ફરી સપનું જોઈને પુન : શ્ચ હરિ ઓમ કરી, નવું નિર્માણ કરશે ! આનો કોઈ આદિ નથી, અંત નથી. એ જ સ્યંભૂ શિવત્વ! નો બિગિનિંગ, નો એન્ડ!

એટલે જ નટરાજ જેના પર પગ મૂકીને નાચે છે, સર્જન અને વિસર્જનના રૃપક ઉર્ફે મેટાફોર તરીકે, એ અપસ્માર પુરુષ છે. યાને ‘અજ્ઞાાન’નું પ્રતીક. પણ અજ્ઞાનને આસુરી ગણી એનો નાશ કરવામાં આવતો નથી, એને બસ ‘બ્રહ્મજ્ઞાન’ નીચે દબાવીને રાખવામાં આવે છે.

જો અજ્ઞાાનનો નાશ થાય, તો દરેક માનવી ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે’ વાળા આત્મજ્ઞાાનને પ્રાપ્ત થઈ જાય ! ને તો આ માયાની મજા જેવું કશું રહે જ નહિ ! જે ફિલ્મનું સોશ્યલ ઇફેક્ટસ સહિતનું આખું શુટિંગ તમે જોયું હોય, એ ફિલ્મમાં પ્રેક્ષક તરીકે બેસીને તમે હસી, રડી કે આશ્ચર્યચક્તિ થઈને ઇન્વોલ્વ ન થઈ શકો! કારણ કે, પછી તમે એમાં મુગ્ધતાથી ખોવાઈ શકતા નથી. સાક્ષીભાવે પડદા પર કનેક્ટ થયા વિના જ જોઈ શકો છો!

એમાં બહુ આનંદ કે થ્રિલ- રોમાંચ રહેતો નથી. પણ- આ માયા તો અસ્તિત્વ કે ચૈતન્યની વિડિયો ગેઇમ છે, અને એને કદાચ મંજૂર નથી કે બધાને એમાં સોફ્ટવેર ડિકોડ કરવા મળે ! તો પછી એમાં કોઈ પ્લેયર જ રહે નહીં ને સૃષ્ટિ જ થંભી જાય ! એટલે આરબીઆઇ નોટોનું છાપકામ ગુપ્ત અને નિયંત્રિત રાખે છે, એમ જ અદ્રશ્ય નિયંતા આ ‘કેવળ જ્ઞાાન’ની પ્રાપ્તિના અધિકારો લિમિટેડ રાખી, બહુ ઓછાને એના સોર્સ કોડ સુધી પહોંચવા દે છે !

અને જેમ મોબાઇલમાં ટપકતો ફોટો અનેક રંગબેરંગી દાણાદાર ટપકાં (પિકસેલ્સ)થી રચાય છે.  એને ‘રિએરેન્જ’ કરવાના કમાન્ડ મુજબ હેન્ડસેટ અને સ્ક્રીન એનો એ જ રહે, પણ જે ક્લિક કે ડાઉનલોડ કરો એ ડિફરન્ટ પિક્સ એમાં જ રચાઈને (ફિઝિકલી પ્રિન્ટ કરાવી મોકલ્યા ન હોય, તો ય સ્ક્રીન પર) દેખાતા રહે, એમ આપણી આસપાસ દેખાતા જગતના પિક્સેલરૃપી પરમાણુઓનો સોર્સ કમાન્ડ જેના હાથમાં આવે એ એને બદલાવી ન શકે ? અને આવું થાય એ જાદૂ કે ચમત્કાર ન લાગે ? એપ્લાઇડ સાયન્સ હોવા છતાં ! ( લાઇવ ફોટોગ્રાફી એ ન સમજતાં ભૂલકાં માટે તો એક મેજીક જ છે ને !)

એવી જ રીતે ઝીરો- વનના ‘ડિજીટલ’ (ડિજીટ એટલે આંકડા) પ્રોગ્રામથી કેશલેશ ઇકોનોમીનું ટ્રાન્ઝેક્શન થાય છે. નેટબેન્કિંગમાં પાસવર્ડ નાખી યોગ્ય પ્રોસેસ કરો એટલે ‘આરટીજીએસ’ ઉર્ફે ઓનલાઇન વાયર ટ્રાન્સમિશનથી નોટ ખિસ્સામાં રાખ્યા વિના જ એકાઉન્ટમાંથી મની ટ્રાન્સફર થઈ જાય છે પણ યુઝરનેમ, પાસવર્ડ, સિક્યોરિટી કોડ માટે રજીસ્ટર્ડ લોગઇન જોઈએ.

તો આમ એકે એક માણસ, જીવજંતુ, વૃક્ષ, મકાન, નદી, પહાડ, રણ બધું જ મરે છે, નવું રૃપ બદલે છે પણ બધાં એકસાથે ખતમ નથી થતા, એટલે સચરાચર (હોલ એન્વાયર્નમેન્ટ) સદાકાળ જીવંત લાગે છે – એવી આ સૃષ્ટિમાં અમુક લોક ખોલીને ટ્રાન્ઝેક્શન કરવા માટે લોગ ઈન પાસવર્ડ હોય તો? અને એ ટાઈપિંગને બદલે સાઉન્ડ વેવ્ઝમાં (અમુક સિક્યુરિટી એજન્સી સહીને બદલે ફિંગરપ્રિન્ટ કે ફોટાને બદલે આંખના રેટીના સ્કેન નથી કરતી?) કોડેડ હોય – તો એને મંત્ર ન કહેવાય? જૂનવાણી અંધશ્રદ્ધાને બદલે જરાક કૂતુહલનો એંગલ રાખીએ તો!

તો સમજાય કે, એક વખત ઓશો રજનીશે એવું શા માટે કહેલું કે – ‘ઉપવાસ રાખવાથી ધ્યાન લાગે’ એ સાવ અવળો દાખલો છે, એટલે આટલા બધા ઉપવાસ છતાં ભારતમાં ધ્યાન તો શું, ધન-ધાન્યના પણ ફાંફા છે. મહાપંડિતો પણ સમજ્યા વિના પોપટપાઠ કર્યા કરે છે. બાકી, વાસ્તવમાં જો બેહોશીમાંથી આત્મતત્વની જાગૃતિ આવી જાય, તો ઉપવાસ આપોઆપ થઈ જાય!’ લગ્નમાં દાંડિયારાસ લેવામાં ડિનર આપમેળે ભૂલાઈ જાય છે, મનને ભૂખ લાગવાનો અહેસાસ જ ન થાય એમ એ બીજે પરોવાઈ ગયું છે એટલે!

પૂર્વના પ્રાચીન ચિકિત્સાશાસ્ત્રો એટલે જ માઈન્ડ-બોડી-બેલેન્સની વાતો ભારપૂર્વક કરે છે. ઈન્ડિયન-ચાઈનીઝ મેડિસીનમાં ખાસ. વાત-પિત્ત-કફના ત્રિદોષથી રોગ થાય, એવું આયુર્વેદ કહે, એમાં અધ્યાત્મ દર્શન છે. સત્વ-રજસ-તમસના સંતુલનથી ચિત્ત શુદ્ધ થાય, એવું તો ગીતામાં કૃષ્ણે અર્જુનને કહ્યું છે. શરીરમાં કાલ્પનિક ચક્રો છે. મોસ્ટ ઈન્પોર્ટન્ટ મગજમાં, છાતીમાં, મૂલાધાર અને દેહના મધ્યબિંદુઓ જનનેન્દ્રિયમાં આવેલા છે. જેને રિસેટ કરો તો કોમ્પ્યુટરની જેમ સીસ્ટમ ફોર્મેટ થઈ જાય, વાઈરસ નીકળી જાય!

તાત્વિક રીતે જેમ જેમ આત્માનું પ્રાણતત્વ મજબૂત થાય એમ, શરીર એની ઊર્જાને લીધે નિર્મળ રહે. જો કે, પ્રેક્ટિકલી ઘણા સિદ્ધ ગણાતા સેવાભાવી મહાત્માઓ પણ રોગનો ભોગ બની, હોસ્પિટલમાં સર્જરી કરાવી વિદાય થાય છે. એનો વળી ખુલાસો એવો ય અપાય છે કે આત્મા તેજસ્વી થાય એમ દેહથી આગળ ગતિ કરે અને શરીરને ઘસારો કે પીડા છે, આત્માને અને આત્માની પ્રેરણાથી શરીર પાસે જે ક્રિયાઓ કરાવે છે, એ એનર્જી ઉર્ફે ‘પ્રાણ’ને એ કશું લાગુ પડતું નથી. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિં પાવક : !

અને એ આત્મા અનેક ગતિમાં ભટકે છે કે સદગતિ પામે છે, એ વિવાદાસ્પદ વિષયને ય જૂની પાંચસોની નોટની જેમ આઘો રાખીએ. પણ આત્મા છે કે નહિ એ ચર્ચા યા કાળા નાણાની ગણત્રી જેવી ગૂઢ અને અનંત છે. હમણાં લંડનમાં એક એક્સપેરિમેન્ટમાં નીઅર ડેથ એક્સપિરિયન્સથી વળી આત્માની સાબિતી આપવામાં આવી. સીધી વાત છે. ઈલેક્ટ્રિકના તારમાં વીજળી વહેતી હોય ત્યારે (ઈન્સ્યુલેશન વિના) અડો, અને ન વહેતી હોય ત્યારે અડો. બહારથી તાર સરખો દેખાશે. પણ ફરક ઝાટકાનો હશે. યાને અનુભૂતિનો.

એટલે જ ભારતીય દર્શન (વેદ, વેદાંત, સાંખ્ય, પુરાણ વગેરે)માં પરમાત્માના સાકાર સગુણ સ્વરૃપ (મંદિર, મૂર્તિ વગેરે)ને ‘લીલા’ (યાને ઈલ્યુઝન) કહીને અંતે અદૈતની ચર્ચા કરી ઈશ્વરને નામ, જાતિ, દેખાવ, રંગ, રૃપ જેવું દુન્યવી સ્વરૃપ આપવાને બદલે ‘અવ્યક્ત’ કહેવાય છે. પશ્ચિમનું વિજ્ઞાાન આત્મા અને શરીર જુદા કેમ છે? ચિત્ત એ બ્રેઈનના ન્યુરોન્સ નથી? એવા બેઝિક સવાલો પૂછે ત્યારે કન્ફ્યુઝન ટાળવા સિવાય સોલ્યુશન અપાયું  :  તત્ ત્વમ અસિ.

the_doorsછાંદોગ્ય ઉપનિષદનું આ તત્વમસિ એ ધ્રુવવાક્ય/કી-પોઈન્ટ છે. તું એ જ છો. બધું બહારથી અલગ લાગે છે, બાકી ઈન્ટરકનેક્ટેડ છે. એક જ દૂધમાંથી પનીર, રસગુલ્લા, શિખંડ, ચીઝ, બરફી, કલાકંદ, પેંડા, મિલ્ક ચોકલેટ, કોફી, ચા, ખીર, દૂધપાક, બાસુંદી, રબડી, માવો, દહીં, છાશ, મલાઈ બને એવું કંઈક! આકાર-પ્રકાર-સ્વાદ અલગ પણ મૂળ ઈન્ગ્રેડિયન્ટસ એક!

પણ આ જ્ઞાાન આપમેળે ભાગ્યે જ મળે, અને કોઈ માસ્ટર શીખવાડે તો ય અંદરની લાયકાત જોઈએ. મેથ્સનો દાખલો બોર્ડ પર ગણાતો બધા વિદ્યાર્થી નિહાળે છે. પણ જેને અંદરથી એના સમીકરણ ‘આત્મસાત’ થઈ બેસી જાય છે, એ જ એમાં આગળ વધી શકે છે. આત્મસાત, યુ નો ? ‘ઇનર’ ટેલન્ટ !

શંકરાચાર્યે વેદ-ઉપનિષદના સારાંશ જેવો ‘વિવેક ચૂડામણિ’ ગ્રંથ લખ્યો એમાં સ્પષ્ટ લખ્યું છે કે, શબ્દજાલં મહારણ્યં ચિત્તભ્રમણકારકમ્! શબ્દજાળ તો ચિત્તને ભટકાવનારું જંગલ છે! એમણે તો યોગ, સાંખ્ય, કર્મ, વિદ્યા બધાને ઝાટકીને કહ્યું છે કે પરમબ્રહ્મ (અવ્યક્ત અસ્તિત્વ) અને આત્મા (એની ચેતનાનો આપણામાં રહેલો અંશ) એ બે વચ્ચે નેટવર્ક કનેક્શનથી ફોરજી સિગ્નલમાં ડેટા ટ્રાન્સફર થાય નહિ ત્યાં સુધી કેવળ મોટી પંડિતાઈની ફિલસૂફીથી અબૂધોને આંજી દેવાથી કશું થાય નહિ! સેઈમ નરસિંહે કહ્યું જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી! માવઠાંની જેમ વૃષ્ટિ (વર્ષા) જૂઠી!

મૃત્યુના દેવ યમે જીજ્ઞાાસુ નચિકેતાને કહ્યું એવા ‘કઠોપનિષદ’માં શબ્દ છે  :  આવૃત્તચક્ષુ:  સમજૂતી એવી છે કે ઈન્દ્રિયો ‘એકસ્ટ્રોવર્ટ’ બર્હિમુખ છે. એટલે માણસ ઈન્ટ્રોસ્પેક્શન કરી ભીતર જોતો નથી. પોતાની આંખો બહારને બદલે અંદર વાળે, એ આવૃતચક્ષુ.

ઈશાવાસ્યમ્ ઉપનિષદમાં ‘અસૂર્યા નામ તે લોકા, અન્ધેન તમસાવૃત્તા :’ની વાત છે. એવું નથી કે મિસ્ટિકમાં બધું વ્હાઈટ છે. ગુડ છે. એમાં ડાર્ક સાઈડ પણ છે. સૂર્ય વિનાની જગ્યા. અસૂર્યલોક. મતલબ જ્ઞાાન, અનુભૂતિ, સાચી દ્રષ્ટિના પ્રકાશ વિનાની ખલનાયકોની દુનિયા! જ્યાં કેવળ બેઝિક ઈન્સ્ટિંક્ટ છે.

પશુ અને માનવીના ઘણા તફાવતોની વાત થઈ, પણ એક સંસ્કૃત શ્લોક સુપરહીરોને સ્પષ્ટ રીતે ડિફાઈન કરે છે  :  જ્ઞાાનાય, દાનાય ચ રક્ષણાય. બધા પશુ પોતાના પૂરતું ખાય, પીવે, જીવે, રમે. પરંતુ, માનવનું લક્ષણ એ કે એ બીજાને જ્ઞાાન આપે, બીજાને દાન આપે, બીજાનું રક્ષણ કરે. પોતાના સેલ્ફથી ઉપર ઉઠીને વિચારે.

સૂફીઓએ એટલે જ કહ્યું  :  રિદાય લાલા-ઓ ગુલ, પર્દ એ મહો અંજુમ, જહાં જહાં વો છિપે હૈ, અજીબ આલમ હૈ! લાલ ગુલાબની ચાદર પાછળ કે ચાંદતારાના પડદા પાછળ, જ્યાં જ્યાં એ છૂપાયેલા છે, ત્યાં બસ કમાલ કરે છે! અને એને ઓળખવા માટે? ‘નિગાહેં ઈશ્ક’ તો બેપર્દા દેખતી હૈ ઉસે!

પ્રેમ એ જ આરાધના. બીજાનું સુખ પોતાનું સુખ બની જાય એટલી હદે સ્વને ઓગાળી નાખવા જેટલું સમર્પણ/ભક્તિ થાય તો દિવ્યચક્ષુને વિરાટદર્શન થઈ શકે! તો મોરને નચાવતા, ફૂલને ખીલવતા, રોટલીનું લોહી બનાવતા, શ્વાસોને અટકાવતા કેન્સરને જન્માવતા અજ્ઞાાતની ઓળખ થાય! બ્રહ્મતત્વને ઉપલબ્ધ થવાનું નથી. બ્રહ્મ આપણે જ છીએ, એ અનુભવ કરવા માટે આવરણ હટાવવાના છે, અહંકાર, મોહ અને ભયના! એક વાર વાવેલું બી જો ભીનું થઈને તૂટે, તો એમાંથી અનેક બી ધરાવતા ફળનો છોડ પ્રકાશનું પોષણ મેળવીને ખીલે! અને એમાંથી ખરેલ એક બી ફરી રોપાય, અને ફરી એમાંથી…..

***

doors_

આ કયા સબ્જેક્ટ પરનો લેખ આખો દેશ પૈસાની પરેશાનીમાં પડયો છે, ત્યારે લખવા બેઠા છો એવો સવાલ થાય તો જવાબ છે  :  કોમિક્સ પરથી બનેલી અને ભારતીય દર્શનના મૂળ ભાવને આબાદ પચાવીને રસપ્રદ રીતે રજૂ કરતી અમેરિકન ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ જોયા પછી ઉઠેલી ભરતીની આ જરા છાલક છે!

અંગ્રેજી અને હિન્દીમાં ૪૮ કલાકમાં બે વાર થિયેટરમાં જઈ જોયેલી આ ફિલ્મ વેસ્ટર્ન કરતાં ઈસ્ટર્ન ઓડિયન્સને વધુ સમજાવાની છે. વિવાદો ટાળવા હિન્દુ કે સાધુ જેવા નામ લીધા વિના કાલ્પનિક જાદૂગરીનું ધામ (હિન્દુ રાષ્ટ્ર) નેપાળમાં બતાવી અનેક ઉપનિષદોની ચર્ચા વૈજ્ઞાાનિક સાયન્સ ફિક્શનમાં ઘૂંટીને એમાં મસ્ત મનોરંજક વાર્તા સાથે એકરસ કરાઈ છે. આપણા બોરિંગ બાવાઓ આવી રસિક રજુઆત જ નથી કરી શકતા આપણા વારસાની!

બીજું કંઈ નહિ તો ડીપ મેડિટેશન પછીની અવર્ણનીય અનુભૂતિ માટે ડ્રગ-માદક દ્રવ્યો લઈને ‘એઝોટેરિક એક્સપિરિયન્સ’ કરનાર આલ્ડસ હરક્સલીની વિશ્વવિખ્યાત કિતાબ ‘ડોર્સ ઓફ પરસેપ્શન’માં વર્ણવાયેલા ગેબી વિઝ્યુઅલ્સને ડચ પેઈન્ટર ઈશરના ચિત્રોની જેમ પડદા પર સાકાર થતાં જોવા એ ય ‘ડોક્ટર સ્ટ્રેન્જ’નો લ્હાવો છે! (હકસલીની બૂકને એન્ડ ટાઈટલમાં ક્રેડિટ પણ અપાઈ છે! એટલે શિવપૂજામાં ભાંગનો નશો આવ્યો હશે ? બ્રહ્માંડનું ફિલ્મમાં બતાવેલું  ટ્રેલર ઝીલવા ? )

અને ફેન્ટેસી એક્શન પ્લસ મેડિકલ સાયન્સના બેકગ્રાઉન્ડમાં શિરમોર ચર્ચા એ છે કે ‘સમય સૌથી મોટો ખલનાયક છે. જે માસૂમિયત, જવાની છીનવી લે છે, બૂઢાપો-રોગ-મરણ લઈ આવે છે. માટે અમરત્વ જોઈએ!’ અને શુભ તત્વનો જવાબ છે  :  ‘મૃત્યુથી જ જીવન અર્થપૂર્ણ બને છે. બધું અનંતકાળ સુધી ચાલતું હોત તો કંટાળાનું નરક બને છે. કશુંક અધુરું છે, માટે એને માણવાની મજા છે. સમાપ્તિ છે, એટલે ક્ષણ જીવવાની રોમાંચક તાલાવેલી અને કિંમત  છે!’

માટે જ કાયમ માટે અધૂરી ચર્ચાએ લેખ પૂરો કરીએ!

ફાસ્ટ ફોરવર્ડ:

‘શ્રદ્ધા સત્યં તદિયુત્તમ્ મિથુનમ્’  શ્રદ્ધા (ધર્મ) અને સત્ય (વિજ્ઞાન)ના સંભોગ/મૈથુનથી જ દિવ્ય સ્વર્ગ મળે! (ઐતરીય બ્રાહ્મણ)

the_doors_of_perception_by_25percent-d31f6ho

બ્લોગબોનસ :

અહીં પહેલા બે વિડીયો વારાફરતી જોશો તો ડો. સ્ટ્રેન્જ ફિલ્મમાં આ વાતો કેવી રીતે અદ્ભુત વિઝ્યુઅલ્સથી ગૂંથાઈ એની ઝલક મળશે. ત્રીજો વિડીયો ફિલ્મના ટ્રેલર્સનું સન્કલન છે અને ચોથામાં કાર્લ સેગાનના કોસમોસના ભારત પરના એપિસોડની ઝલક !

ગઈ કાલ, તા. ૨૦ નવેમ્બર, ૨૦૧૬નાં ‘સ્પેક્ટ્રોમીટર’નો મારો આ લેખ સુજ્ઞજનો માટેનું જ તપ હતું. પણ એમાં વિઘ્ન પ્રિન્ટ મિસ્ટેકનું આવ્યું. આખા લેખમાં જ ‘આત્મા’ની જગ્યાએ ‘આભા’ છપાયેલું જોઈને હું તો આભો જ બની ગયો ! 😉 પણ મોટા મોટા બ્રહ્માંડોમાં આવી નાની ઘટનાઓ તો બનતી રહે. માટે જરૂરી સુધારા અને અમુક ખાસ વધારા સાથે જ આખો લેખ અહીં એક્સ્ટ્રા ફોટોગ્રાફ્સ અને વિડીયો સાથે મુક્યો છે. ‘ભારતીય સંસ્કૃતિનું તમે કશું લખતા નથી’ એવા ઘોંચપરોણા કરતા ઘોઘાઓ આવું અનેક વખત લખ્યું છે, એ વાંચતા જ નથી કે સમજવાની એમની શક્તિ નથી. એમને મન સંસ્કૃતિ એટલે પોલિટિકલ બ્રેઈનવોશિંગથી થતી છાતી કૂટવાની સંકુચિત ધાર્મિક ગુલબાંગો. ભારતની અસલી સુગંધથી આ બધા વંચિત રહે એવી શરદીથી પીડાય છે, ત્યાં સુધી ભારતનો ઉધ્ધાર નથી. સારું છે, આપણા જ્ઞાનાભ્યાસમાં ભીડ કમ ! 😛

 
18 Comments

Posted by on November 21, 2016 in cinema, india, religion, science

 

18 responses to “બ્રહ્મ અને બ્રહ્માંડ : ઘૂંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે !

  1. Dipen Bhanushali

    November 21, 2016 at 6:19 PM

    જોતા જાઓ અને માણતા જાઓ. રિગ્વેદમાં રીષીઓ એ જે અખિલ બ્રહ્માંડ અને કણ કણ ની વાત કરી છે એ સાક્ષાત રજુ થયો છે. https://www.youtube.com/watch?v=Usj6viU0AaI

    Like

     
  2. Ajaysinh Jadeja

    November 21, 2016 at 6:51 PM

    Khub saras sir pan dhire dhire vachavu pade che kemke samajavama thodi var lage che … 3 4 var vachya pachi samajai jase evu lage che..

    Like

     
  3. Sanjay Chuahan

    November 21, 2016 at 7:06 PM

    Jay Bapu, The Excellent Analysis! I think, no-one (any Indian author) can think/understand/write such awesome things of our ‘Hindu Religion’ in concern to ‘Doctor Strange Movie’. Why american guys did not give credit to us. Unfortunately we never able to express/present our things to ‘The World’ in ways of Movies or Books!!

    Like

     
  4. Maulik Parmar

    November 21, 2016 at 9:33 PM

    I want read all those books you have mentioned JV SIr!!!
    Can you tell me authentic source of it?

    Like

     
  5. Ajaysinh Jadeja

    November 21, 2016 at 10:09 PM

    શંકરાચાર્યે વેદ-ઉપનિષદના સારાંશ જેવો ‘વિવેક ચૂડામણિ’ ગ્રંથ લખ્યો એમાં સ્પષ્ટ લખ્યું છે કે, શબ્દજાલં મહારણ્યં ચિત્તભ્રમણકારકમ્! શબ્દજાળ તો ચિત્તને ભટકાવનારું જંગલ છે! એમણે તો યોગ, સાંખ્ય, કર્મ, વિદ્યા બધાને ઝાટકીને કહ્યું છે કે પરમબ્રહ્મ (અવ્યક્ત અસ્તિત્વ) અને આત્મા (એની ચેતનાનો આપણામાં રહેલો અંશ) એ બે વચ્ચે નેટવર્ક કનેક્શનથી ફોરજી સિગ્નલમાં ડેટા ટ્રાન્સફર થાય નહિ ત્યાં સુધી કેવળ મોટી પંડિતાઈની ફિલસૂફીથી અબૂધોને આંજી દેવાથી કશું થાય નહિ! સેઈમ નરસિંહે કહ્યું જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી! માવઠાંની જેમ વૃષ્ટિ (વર્ષા) જૂઠી!

    આમાં કાઈ ખબર નાં પડી કાંઇ દ્રષ્ટિ પાળો…

    Like

     
  6. Chhaya Arabastani

    November 21, 2016 at 11:12 PM

    A line from hanuman chalisa
    યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લિલ્યો તાહિ મધુર ફલ જાનુ’
    1 yug = 12000 years,
    1 sahastra=1000,
    1 yojan = 8 miles.
    yug x sahastra x yojan = par bhanu.
    12000 x 1000 x 8 miles = 96,000,000 miles.
    1 miles = 1.6 kilometers.
    96,000,000 x 1.6 = 1536,000,000 kilometers (as per Tulsidas, distance of sun from earth)
    As par NASA, exact distance between sun and earth = 1500,000,000 km.

    Like

     
  7. cvagood

    November 21, 2016 at 11:13 PM

    A line from hanuman chalisa
    યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લિલ્યો તાહિ મધુર ફલ જાનુ’
    1 yug = 12000 years,
    1 sahastra=1000,
    1 yojan = 8 miles.
    yug x sahastra x yojan = par bhanu.
    12000 x 1000 x 8 miles = 96,000,000 miles.
    1 miles = 1.6 kilometers.
    96,000,000 x 1.6 = 1536,000,000 kilometers (as per Tulsidas, distance of sun from earth)
    As par NASA, exact distance between sun and earth = 1500,000,000 km.

    Like

     
  8. Chhaya Nayak

    November 22, 2016 at 3:47 AM

    A line from hanuman chalisa
    યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લિલ્યો તાહિ મધુર ફલ જાનુ’
    1 yug = 12000 years,
    1 sahastra=1000,
    1 yojan = 8 miles.
    yug x sahastra x yojan = par bhanu.
    12000 x 1000 x 8 miles = 96,000,000 miles.
    1 miles = 1.6 kilometers.
    96,000,000 x 1.6 = 1536,000,000 kilometers (as per Tulsidas, distance of sun from earth)
    As par NASA, exact distance between sun and earth = 1500,000,000 km.

    Like

     
  9. ALPAM

    November 22, 2016 at 11:14 AM

    Reblogged this on Bindass Alpam.

    Like

     
  10. Kaushikk Vyas

    November 22, 2016 at 12:47 PM

    khub saras and saro abhyas karine mahiti aapi cche.

    Pan ek j afsos ccheke aapna maharajo aavi koi vaat karatajnathi ke jethi loko ni khoti bramnao ochi thay ane sachi vigyanic mahiti jane.

    Like

     
  11. falguni Vyas

    November 22, 2016 at 2:43 PM

    Just awesome..I loved it..

    Like

     
  12. Narendra

    November 22, 2016 at 3:17 PM

    બ્રમ્હ, બ્રહ્માંડ ને સમજવા જાત ને સમજવી પડે અને તે માટે જાત ને ભૂલવી પડે. લીટી દોરતા દોરતા પાછલી લીટી ભુંસાઈ જવી જોઈએ તો જ સમગ્રતા દેખાય. આંખ ને ખોલી ને દ્રશ્ય ને વીંધવું પડે તો જ્ઞાન, કે અજ્ઞાન? ની ઓળખ થાય.
    અદભૂત લેખ, હવે મુવી જોવું પડશે જ.

    Like

     
    • Kanan

      November 22, 2016 at 6:46 PM

      Awesome

      Like

       
    • dhinal satikuvar

      November 23, 2016 at 1:40 PM

      Amazing full stop
      Just read and read
      Jakkkkkkssss jv

      Like

       
  13. Asha pandit

    November 25, 2016 at 3:08 AM

    Superb Article , jay bhai ! Liked very much . Always proud of our philosophy & also proud of u , beta ! Hearty Blessings forever !

    Like

     
  14. Sahil Kandoi

    December 7, 2016 at 3:32 AM

    Excellent Article. I will watch movie this week end.

    Like

     
  15. DealDil.com

    December 19, 2016 at 12:33 PM

    Buy Jay Vasavada’s All Books and Video DvD Collection with Discount Click Link https://goo.gl/5UMkcS or Visit http://www.dealdil.com

    Like

     
  16. હરીશ દવે (Harish Dave)

    December 25, 2016 at 3:43 PM

    આપની રજૂઆત જે વિશાળ ફલક પર થઈ છે, તે ઘણા ઊંડા અભ્યાસનું પરિણામ છે. જયભાઈ! આવા વિષય પર લેખ લખવા માટે આપને અભિનંદન.
    આપના વાચકોને ઊભા થતા પ્રશ્નો માટે વાચકોને એટલું જ જણાવવાનું કે ભારતીય ફિલોસોફીનાં મૂળિયાં ગહન છે, તેને ઊંડાણમાં જઈ સમજશો. ચેતનાને ઝકઝોરતી અધ્યાત્મયાત્રા જેમ જેમ આગળ વધે, અંતરનાં દ્વાર ખુલતાં જાય તેમ તેમ ઊઠેલા પ્રશ્નોના જવાબ મળે.
    અધ્યાત્મનું એક વિજ્ઞાન છે. તેમાં કહેવાતાં ધર્મ અને તમારાં માની લીધેલા જ્ઞાનનો નગણ્ય રોલ છે. શબ્દને સહી પરિપ્રેક્ષ્યમાં સમજી આગળ વધવું પડે. જયભાઈએ જે વાત અહીં ડૉ સ્ટ્રેન્જ ફિલ્મ માં ઝલકાતી ભારતીય કે પૌર્વાત્ય ફિલોસોફીની કરી છે, તે મહત્ત્વની વાત છે. રસ ધરાવતા મિત્રો આ પહેલાં મેટ્રિક્સ, ઇન્સેપ્શન તથા ઇન્ટરસ્ટેલર ફિલ્મો માણશે અને સમજશે તો ઑર આનંદ આવશે.
    જયભાઈની મંજૂરીની અપેક્ષાએ આપ વાચક મિત્રોને મારા ‘મધુસંચય’ અને ‘અનામિકા’ બ્લૉગ ની મુલાકાત લેવા વિનંતી કરું છું જ્યાં આ ફિલ્મોની વાત કરી છે, ઇડા-પિંગળા-સુષુમ્ણાની વાત કરી છે, સાકેડેલિક એક્સ્પિયરન્સના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રયોગોના પ્રણેતા ડૉ આલ્પર્ટની વાત કરી છે અને લેરિ બ્રિલિયંટ-સ્ટીવ જોબ્સ-ઝકરબર્ગના નીમ કરોલી બાબાના આશ્રમના સંબંધો વર્ણવ્યા છે.
    અભિનંદન , જયભાઈ અને ધન્યવાદ.

    Like

     

Leave a comment