RSS

આપણા સુવર્ણયુગના સપ્ત સિક્રેટ્સ : ઓલ્ડ ભારત “ગોલ્ડ” કેવી રીતે બન્યું હતું ?

26 Jan

india_in

 

કાં તો સામ્યવાદીઓની માફક આપણને સપના જોવા ગમે છે. વો સુબહ કભી તો આયેગી. ડ્રીમ મર્ચન્ટ્સ ઉર્ફે સપનાના સોદાગરોનો સુવર્ણયુગ હંમેશા ભવિષ્યમાં હોય છે. એ બધા ઉસ્તાદો પબ્લિકને ફોસલાવે છે. એક દિન હમ હોંગે કામિયાબ….પછી સૌ સારા વાના થઇ જશે અને એ…યને બધા હેપિલી એવર આફ્ટર રહેતા હશે. સમાજકલ્યાણના ચિબાવલા ચિંતાચતુરોનો સુવર્ણયુગ હંમેશા ભવિષ્યમાં જ હોય છે. અવાસ્તવિક આશાઅરમાનોના વેંત છેટા ગાજર પાછળ એ દોડતા રહે છે, ને બીજાને દોડતા રાખે છે.

તો ધાર્મિક કટ્ટરવાદીઓનો સુવર્ણયુગ ભૂતકાળમાં હોય છે. કોઈને ઇસ્લામનો પહેલા જેવો ચૌદ ભુવનમાં ડંકો ફરી વગાડવો છે, તો કોઈને વૈદિક સનાતન ધર્મ તરફ પાછા વળવું છે. વન્સ અપોન એ ટાઈમની મોટે ભાગે તો વાર્તા કે ગપ્પાની સેળભેળવાળી ફેરીટેલથી એ બધા ફેસિનેટ થઈને આજે નાઝીઓની જેમ ફાસીસ્ટ થઇ જાય છે ! વો દિન ભી ક્યા દિન થે એવી કહાનીઓથી અર્ધદગ્ધ-અર્ધમુગ્ધ જનતાનું આ પાસ્ટપ્રેમીઓ બ્રેઈનવોશિંગ કર્યા કરે છે. એ પૂર્વજોની માની લીધેલી ગોલ્ડન ગ્લોરી ચેઝ કરવા માટે ફેનેટિક ફંડામેન્ટલિસ્ટ બનવામાં કોઈને શરમ નથી આવતી, બલ્કે ગૌરવ થાય છે. ક્યારે પહેલા જેવો આપણો ભવ્ય ભૂતકાળ સજીવન થશે એની રાહમાં એમને અકળામણની કીડીઓ ચટકા ભરે છે.

એક્ચ્યુઅલી, ડાલ ડાલ પે સોને કી ચિડિયાની ફેન્ટેસીનાં ભાવતાં ભોજન ચાટતાં મોટા ભાગના ભારતીયો પુરાતન ભારતનાં સુવર્ણયુગની આભામાં જ પોતાનું આયખું વીતાવી દે છે. અને બાકીના ફરીથી એ જ સુવર્ણયુગમાં પોતાને જીવવા મળશે એની વાંઝણી આશામાં ! આપણને આ સુવર્ણયુગની ઝગમગતી ઝાંખી ફક્ત ધાર્મિક વ્યાખ્યાનોમાં જ મળતી રહે છે. અને બાકીની ઠોકમઠોકથી છલોછલ વેવલી વાહવાહી હિન્દુત્વવાદી સંસ્થાઓના પ્રચારસાહિત્યમાં !

જેની વાતો કરવામાં આપણે ગેલમાં આવી ગલોટિયાં ખાતા હોઈએ છીએ, એ મહાન પ્રાચીન ભારતનો એ યાદગાર સુવર્ણયુગ આખરે કઈ બાબતો પર આધારિત હતો ? એ કયા પરિબળો હતા જેણે આ સુવર્ણયુગને સોને મઢ્યો હતો ? જે ભારતીય વારસાનાં પ્રતિનીધિ તરીકે આપણે જાણવા-સમજવા બેહદ જરૂરી છે. ચાલો, ભારતનો ભૂતકાળ ભવ્ય બનાવનારા એ રમ્ય એલીમેન્ટ્સના ઉત્ખનનમાં !

***            

(૧) પડકારથી પરાક્રમ :


જરાક જુના ભારતના ઈશ્વરોના વર્ણનો કે ચિત્રો પર નજર ફેરવો. દરેકનો દેહ સ્નાયુબદ્ધ હશે અને પ્રત્યેકના હાથમાં કોઈ હથિયાર દેખાશે ! ત્રિશૂળ, તલવાર, તીરકમાન, ગદા, ખડગ, ફરસી ( પરશુ ), ભાલો , અંકુશ, સુદર્શનચક્ર, વજ્ર એટ સેટરા. મતલબ ? સંસાર અસાર છેની સુફિયાણી વાતો વધુ મિથ્યા છે. સંસારમાં રહેવું હોય તો ટકવું અને જીતવું પડે. અને એ માટે વીરતાથી ડોબાઓ ડરે એવો ડારો ય રાખવો પડે ! આપણા મોટા ભાગના પૌરાણિક ગ્રંથોમાં યુદ્ધ આવે છે. ફક્ત શાંતિપાઠ નથી. હા, આ સંગ્રામ કોઈ નિર્દોષને નડવા માટે કે નબળાને દબાવવાની લબાડ લુખ્ખાગીરી માટે નથી. બીજાની દેશભક્તિના ઘેર બેઠાં સત્ય જાણ્યા વિના પ્રમાણપત્ર આપી, જૂઠા આક્ષેપો કરવા માટે કે ગંદી નફરત ફેલાવવાની હિંસક મનોવૃત્તિને એમાં સ્થાન નથી. એ તો કાયરતા છે.

પણ ન્યાય, નીતિ અને નિયમનાં ખાતર પ્રચંડ પરાક્રમ દેખાડવામાં પ્રાચીન ભારત ગભરાતું નહોતું. અને બહાદૂરીનો અભય કેવળ ફેસબુક કોમેન્ટ્સ જેવી વાતોને બદલે જીવનનાં અભિગમમાં હતો. રાજાઓ શૂરવીર શિકારીઓ હતા, અને ડુંગળી-લસણ ખાવામાં ય ગભરાઈને ફફડી ઉઠે એવા પોપલાં પોચટ નહોતા. માંસાહાર અને સુરાપાનની સૂગ પણ આજ જેટલી વ્યાપક નહોતી, એટલે લોહી રેડાતું જોઈ શકતા હતા અને ગમે ત્યાં જંગલી રખડપટ્ટીમાં ય દાલ-ચાવલ શોધ્યા કરવાને બદલે ખડતલ કસરતી  શરીરો અને લડાયક મન બનાવી ટકી શકતા હતા.

(૨) અભિવ્યક્તિની આઝાદી :

આજે જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ડેવલપ્ડ વેસ્ટર્ન વર્લ્ડમાં લોકશાહીનું હૃદય ગણાય છે, એ ગોલ્ડન ઇન્ડિયાનું પ્રાણતત્વ હતું. આજે કોઈ પોતાની રીતે કોઈ ધાર્મિક ઘટના કે ચરિત્રનું આધુનિક મિજાજમાં ચિત્ર દોરે તો સંસ્કૃતિનાં સિપાઈઓ એના પર ગોકીરો મચાવી દે છે. જ્યારે ત્યારે કવિઓ કે કળાકારોને અદભૂત સ્વતંત્રતા હતી એટલે તો શિલ્પ કે સાહિત્યમાં અભિવ્યક્ત થયેલી એમની આઝાદી આજનાં ભારત સુધી પહોંચી શકી જળવાઈને ! ભારતના પ્રાચીન પુસ્તકોમાં દેવતાઓ કે ઈશ્વરોની ટીકા કે મજાકના પણ પ્રસંગો આલેખાયા છે. એમના સૌન્દર્ય, વાસના, નિષ્ફળતા, પ્રેમ, લફરાં, વન નાઈટ સ્ટેન્ડ, મોજમજા, સુહાગરાત સઘળાના બિન્દાસ વર્ણનો છે.

એ હદ સુધીની છૂટ હતી કે મહાભારત જેવા ગ્રંથનાં પ્લોટમાં પણ ફેરફાર કરી કોઈ ભાસ “ઉરુભંગમ” જેવું સંસ્કૃત નાટક રચે ને દુર્યોધનને વિલનને બદલે હીરો બતાવી, પાંડવોને એના પુત્રનાં હાથે મરતા દર્શાવીને આખી કુરુક્ષેત્રની કહાની જ ટ્વિસ્ટ કરી નાખે ! આજે આવું કોઈ કરે તો એના સન્માનને બદલે એનો સંહાર થાય એટલી સંકુચિતતા છે ! એટલે જ કેટલીક હાસ્યાસ્પદ કે અયોગ્ય બાબતો પણ વ્યક્ત થઈ, કારણ કે મત રજુ આઝાદી દરેકને સરખી જ મળે ! કળાનાં ક્ષેત્રમાં કશું પણ મૂકી શકાય એ ક્રાઈમ ન ગણાય, માફ થાય. જે ફીલ કરો એ એક્સપ્રેસ કરી શકાતું. ભૂંડાબોલી ગાળો પણ અને ઉન્માદક પ્રણય પણ, સત્તાધીશોની ટીકા પણ અને ચાર્વાક જેવા નાસ્તિક રેશનલ થોટ્સ પણ. ઇન ફેક્ટ, ભારતમાં બહુ બધા ફિરકા-સંપ્રદાય-અવતાર છે એ ડાઈવર્સિટી પાછળ પણ આસ્થા બાબતે મનગમતી મોકળાશ આપવાની પુરાતન સ્વતંત્રતા છે !

 (૩) સર્જકતાનું સન્માન :

ક્રિએટિવિટી વિના કોઈ સમાજ પ્રગતિ કરી શકે નહિ. સુખ ફક્ત પાવર કે પૈસામાં જ નથી, કશુંક નવું કરી બતાવવાના રોમાંચમાં પણ છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની લિબરલ વેલ્યુ એટલે જ બેહદ જરૂરી છે, કે એના વિના ક્યારેય સર્જનાત્મકતા ખીલી ના શકે. આપણા ગુરુકુળો કે તપોવનોનાં સમજ્યા વિના જ ભીના ભીના થઈને વખાણ કરનારા માત્ર મોરાલિટી કે ગુરુ-શિષ્યનાં આદરની વાતો કર્યા કરે છે. પણ ક્રિએટિવિટીની વાત તો સમજતા જ નથી તો શું કરે ? એ સમયે ક્રિએટિવ બ્રેઈન્સ પાસે જેમણે કશુંક શીખવું હોય એમણે ઘર કે સુખ મૂકી જવું પડતું,  નેચરલ એક્સ્પેરિમેન્ટસ તથા ઓપન ડિસ્કશન થતા . (ઈગોઈસ્ટીક ડિબેટ નહિ, જે જાણકાર ગુરુ હોય એ શિષ્યને ખખડાવે તો બેવકૂફ શિષ્યે ડિનાયલની ‘અહંકારી પગતાઈ’ કર્યા વિના એ ઠપકો સાંભળીને જાત સુધારવી પડે ! ) નચિકેતાઓ સગા બાપને પણ સવાલ પૂછી શકતા ને યમદ્વારની સજાથી ડર્યા વિના નવું જ્ઞાન મેળવતા.

કોઈ પણ સંશોધક વિદ્વાન કે કળાકાર-સંગીતકાર-ચિત્રકાર-શિલ્પકાર-કવિ-ચિંતકને રાજ્યસત્તા અને સમાજ ભરપૂર આદર આપતા અને ફક્ત કોરી પ્રશંસા જ નહિ, ધન અને સુવિધાઓ આપતા. આવા લોકો રોજેરોજ કમાવાની ચિંતામાં કમાઈને પોતાની ગોડગિફ્ટનાં કિમતી યુવાવર્ષો વેડફી નાખે એ પહેલા એમને રાજ્યાશ્રય અપાતો – જેમાં એમને ઉત્તમ સુખસગવડો આપી શાસન સાચવી લેતું અને દૈનિક જવાબદારીઓમાંથી મુક્ત જિંદગી જીવવા દેતું. અને લોકાશ્રય પણ મળતો જ્યાં લોકો ખબર ના પડે તો ય એમની સર્જકતાને સલામી આપી એમનો ઉત્સાહ વધારતા. ઋષિ અગત્સ્યને કુંવરી લોપામુદ્રા આપી દેવાની હોય પાર્ટનર તરીકે કે ઋષિ વસિષ્ઠ પાસે કામધેનુ ગાય યાને જે ચાહો તે મફતમાં હાજર થાય એવી સગવડ હોય – એ ધાર્મિકતા કરતા સર્જકતાનાં સન્માનના સિમ્બોલ છે. એટલે નવા નવા આઈડિયાઝ ફ્લોટ થતા અને અવનવું મૌલિક મનોરંજન ફોરેનથી કોન્સેપ્ટ કોપી કર્યા વિના પણ મળતું અને નવી પેઢી માટે કળા-સાહિત્ય-સંશોધનનું ક્ષેત્ર મેઈનસ્ટ્રીમ આકર્ષણ ગણાતા એની આગળ ચેઈન ચાલતી. રિમેમ્બર, ભારતમાં આ બધું થતું હતું ત્યારે આજના પ્રગતિશીલ દેશોમાં અક્ષરજ્ઞાનના પણ ફાંકા હતા ! જ્યારે અહીં રિદ્ધિ અને સિદ્ધિ મતલબ ક્રિએટિવિટી અને કમ્ફર્ટસ શુભનાં આઇકોન ગણેશની પત્ની ગણાતી હતી !

(૪) સંશોધનાત્મક સાહસવૃત્તિ :

ઋષિઓ મોટા રિસર્ચર હતા એ તો બધા પોતાની આજની નિષ્ફળતાઓ ઢાંકવા કહ્યા કરે છે, પણ રિસર્ચ શું એ ખબર સુધ્ધાં હોતી નથી. સંશોધનમાં અંગત પૂર્વગ્રહો અને ગપ્પાની માન્યતાઓ ના ચાલે. વર્ષો સુધી મનગમતા ફિલ્ડમાં ભૂખ કે આરામ છોડીને જાત ઘસી નાખવી પડે ઘડતર અને જ્ઞાન-ઉપાર્જન માટે. સલામતીનું કોચલું તોડી અજાણ્યા પ્રદેશોમાં સતત હાડમારી ભોગવીને પણ પ્રવાસ કરવો પડે, જોખમી જીવન જીવવું પડે. અહં રાખ્યા વિના ગમે તેવા ક્રોધી આચાર્ય કે હોશિયાર મજૂરની પાસે પણ નવું શીખવું પડે. બધી ગણત્રીઓ તારણ-કારણ સહિતના વિચારો કરી એનું સંપાદન કરવું પડે અને રસાળ ભાષામાં રજૂઆત કરી આવનારી પેઢીઓ માટે એ વધુ આગળ સંશોધન કરે એનું પ્લેટફોર્મ બનાવવું પડે. એ માટે દુનિયાદારીથી અલગારી બનવું પડે. જરૂર પડે નકામો સમય કોઈ વેડફી ના નાખે સોશ્યાલાઇઝિંગમાં, એટલે પરિવાર-પ્રિયતમા સહીત જગલમાં એકાંત મેળવવા જતું રહેવું પડે. અને કોઈ ફેંસલો કે પરિણામ આખરી માનવાને બદલે પોતાને જડેલું સત્ય પણ ઓપન એન્ડેડ રાખવાની ઉદારતા જોઈએ.

એટલે ભારતમાં કોઈ એક જ ઈશ્વર કે ગ્રંથ કે આદેશ-ઉપદેશ-ફિલસુફીને અલ્ટીમેટ માની એના ચીલે ચાલવાનો જડબેસલાક ઇન્કાર થયો. જે સાયન્સનો મૂળ મંત્ર છે કે કોઈ એક સિદ્ધિને ફાઈનલ ટ્રુથ માની બેઠાં ના રહેવું પણ “ચરૈવેતિ”નાં સિધ્ધાંત મુજબ એમાં પરિવર્તન અને વૈવિધ્યની નવી નવી શક્યતાઓ શોધતી રહેવી. એ માટે કમ્ફર્ટ ઝોન જેવા વતન કે જન્મસ્થળ છોડીને બહાર વિહાર કરવો. અને હા, બધી દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત કરવાના પોઝીટિવ ગ્લોબલાઇઝેશન સાથે, સંસારત્યાગીઓનાં મઠોને બદલે નાલંદા કે તક્ષશીલા જેવી સંસાર સમજાવતા  શિક્ષણની સંસ્થાઓ ઉભી કરવી !

(૫) ઉત્પાદકતાનો ઉદ્યમ :

ભારતમાં ધર્મ કેવો દુનિયાને દિશા બતાવનારો હતો એની ગળચટ્ટી વાતો સહુ કરે છે પણ એ તો દરેકને પોતપોતાનો ધર્મ અદભુત અજોડ લાગે ( અલબત્ત, તત્વદર્શનની રીતે ભારતીય અધ્યાત્મ ખરેખર અલ્ટીમેટ છે, પણ એની વાતોમાં તો ભોટ ભારતપ્રેમીઓને ભાન સુધ્ધાં પડતું નથી – ચેનલિયા કે નવીનતાવિરોધી ભાષણીયા બાવાઓને તો બિલકુલ નહિ ! ). પણ ભારત સોને કી ચીડિયા જગતમાં ગણાયું હોય ને વિશ્વનું ધ્યાન એ વખતે ખેંચાયું હોય તો એ પરલોકની વાર્તાઓને લીધે નહિ, પણ આ લોકમાં મેળવેલી ભૌતિક – જી હા, મટીરીયલિસ્ટીક સફળતાને લીધે ! ( લક્ષ્મીને સંસારપાલક વિષ્ણુની પત્ની ગણી એના પૂજનને સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ ગણનાર દેશ કઈ રીતે સંપત્તિ અને સુવિધાનો વિરોધી બની શકે ?)

૨૧મી સદીના ભારત માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારસો છે. જ્યાં સુધી પ્રોડ્કટીવિટી નાં હોય, ત્યાં સુધી પ્રોફિટ પણ ના હોય. અને એના વિના મહાસત્તા બનવાના ખયાલી પુલાવ ના પકાવાય. આજની સબસીડીપસંદ આળસુ જનતાને કામ કર્યા વિના કમાણીનો શોર્ટકટ ગમે છે. પણ ગોલ્ડન ઇન્ડિયા ગ્લોબલ બ્રાન્ડ એના ઉત્પાદનોથી બનેલું. કૃષિ અને કિસાનની ભારતીય સંસ્કૃતિની વાતોના વડા તળનારા એ ભૂલી જ જાય છે, કે ભારત એની ક્રાફ્ટસમેનશિપ યાને હુન્નર-ઉદ્યોગને લીધે જગપ્રસિદ્ધ અને સમૃદ્ધ હતું. સિકંદર અહીં આવ્યો ત્યારે શેરડીમાંથી ખાંડ બનતી જોઈ ચક્કર કાઈ કયો એમાં તો સંસ્કૃત શબ્દ શર્કરા ખાંડ બનાવવાની વિદ્યા સાથે યુરોપ પહોંચતા સ્યુગર શબ્દ આવ્યો. આંગેજો ડાઈ કરવાની ગળી જોઇને દિગ્મૂઢ થઇ ગયા એમાં તો એ માટેનો અંગ્રેજી શબ્દ ઈન્ડીગો મશહૂર થયો. આપણી ધાતુની તલવારોથી પર્શિયનોએ ગ્રીકોને હરાવ્યા. અહીં મરીમસાલાતેજાનાથી ખોરાક સ્વાદિષ્ટ બનાવી પ્રિઝર્વેશન કરવાની તરકીબથી આકર્ષાઈ કોલંબસો કે વાસ્કો ડી ગામાઓ અહીં આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ. હુન્નરને લીધે દોલતથી છલોછલ ખજાના લૂંટવા તો નાદિરશાહો કે ગઝનવીઓ આવી ચડેલા ! ત્યારના સમય મુજબ આધુનિક કહેવાય એવા રસાયણથી હર્બલ મેડિસિન સુધીના ઇનોવેશન અને વ્યાપારની સોદાગીરીની સૂઝબૂઝને લીધે ઇન્ડિયન ઈકોનોમી ટોપ ગીઅરમાં હતી.

(૬) રંગીલી રસિકતા :

સેક્સની બાબતમાં પશ્ચિમ ખુલ્લું ને ઉઘાડું એ નર્યો ( વર્તમાન ) ભારતીય ભ્રમ છે. એમાં લસ્ટફૂલી લિબરલ ભારતવર્ષનો મુકાબલો કોઈ કરી શકે એમ જ નથી. આપણા તો ધાર્મિક ગ્રંથોમાં પણ શૃંગારપ્રચૂર વર્ણનો જરૂર ના હોય ત્યાં ફૂટી નીકળે છે અને પરમ તત્વને લિંગ માનીને એની જાહેર પૂજા કરવાનો આટલો પ્રચલિત રિવાજ પૃથ્વીના પટ પર શોધ્યો જડે એમ નથી ! દરેક પ્રાચીન હેરિટેજ સાઈટ પર પોર્નોગ્રાફીને ભૂ પીવડાવે એવા યૌન-મૈથુન શિલ્પો મળે, અધ્યાત્મનો સર્વોચ્ચ બોધ ગણાતો ગીતા એકથી વધુ સ્ત્રીઓ સાથે રોમેન્ટિક સંબધો ધરાવતા બે સંસારીઓ વચ્ચેના સંવાદ રૂપે યુદ્ધકથામાં મુકાય ! ધાર્મિક ગણાતા તહેવારોમાં ઉન્માદક નૃત્યો અને ગીતો લોકપરંપરાથી ભળી જાય અને સેક્સ એજ્યુકેશન તો શું એના પ્લેઝર મેક્સિમાઈઝેશનનો બેનમૂન ગ્રંથ લખનાર વાત્સ્યાયન ઋષિ ગણાય અને ચોસઠ કળાઓમાં કામકળાને સ્થાન મળે. વસંતથી વર્ષાની કામુકતાનો આનંદમય ઉત્સવ મનાવાય. આપણા મોટાભાગના પર્વો શાસ્ત્રોક્ત નથી, લોકજીવનમાં થી આવેલા છે. લાઈફ ઈઝ સેલિબ્રેશન – એ રોમેન્ટિક સ્પિરિટ ત્યારે ઇન્ડિયન ફિલોસોફીનો હતો અને પંચતંત્ર જેવા ગ્રંથોમાં પણ આડા સંબંધો કે વિલાસોની કથાઓ મુકાતી. સારું છે, બધા સંસ્કૃત શ્લોકોના અર્થ આજે ઘણાને સમજાતા નથી, નહિ તો કુમળા બાળકોની અસર ખાતર  સેન્સરશિપ એને નાબૂદ કરી નાખત !

આજે પણ સ્પોર્ટ્સ, બુદ્ધિ કે યુદ્ધનો ઈતિહાસ જોશો તો જે પ્રજાની કામઊર્જા વધુ તીવ્ર અને મુક્ત હોય એ જ એમાં અવ્વલ રહે છે. વસ્ત્રો કે આભૂષણોનાં શૃંગારમાં સ્ત્રીઓને ઉદારતા હતી, અને નારી એકથી વધુ પતિ ધરાવે એવી નાયિકા હોય કે સ્વયંવરથી જાતે મનગમતો માણીગર ચૂંટે એવી ! લિવ ઇન કે જસ્ટ ફોર ટાઈમપાસ ફન કેઝ્યુઅલ રિલેશનનો છોછ નહોતો. લગ્ન વિનાના પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણ આજે ય સહજતાથી પૂજાય છે. સ્ત્રી પોતાના શરીરની સ્વામિની તરીકે ઇચ્છે ત્યારે ભોગ માણે, પણ નામરજી હોય તો શ્રાપ પણ આપે ! ‘મનુસ્મૃતિ’ જેવા પછાતપણામાં જડસુ અન્ય ધર્મોની પંગતમાં બેસતા ગ્રંથને બદલે સાચું ભારત ઓળખવું હોય તો ઈશાવાસ્ય ઉપનિષદ જેવા પુસ્તકો વાંચવા જોઈએ. જેમાં તો મોક્ષની વાત પણ કવિતા તરીકે લખાઈ છે. ભાષાના ઉપમા-અલંકારો હોય કે વાનગીઓનાં સ્વાદનો ચસ્કો, સંગીતના રાગ-રાગિણી કે અવકાશના ગ્રહ-નક્ષત્રો બધી જ વાતમાં ભારતમાં જીવનરસનાં ફુવારા ઉડતા જોવા મળતા !

(૭) ચૈતન્યનું ચિંતન :

શ્રદ્ધા અને વિજ્ઞાન પરસ્પર સાવ વિરોધી વાત લાગે પણ ખરેખર તો સત્યશોધનનાં એક સિક્કાની બે બાજુ છે. એકમાં સાધન ઉપાસનાપદ્ધતિઓ અને વીધિવિધાનોનાં છે, અને બીજામાં ટેકનોલોજીનાં. અંતે તો બંને આસપાસની સૃષ્ટિને દૂરના બ્રહ્માંડનો તાગ લેવાના રહસ્યમય વિસ્મયની ભૂખ છે. વૈજ્ઞાનિક અભિગમ એટલે દરેક વિષયને તટસ્થભાવે ઊંડાણમાં જઈ તપાસવો અને આદર્શને બદલે વાસ્તવવાદી તથા પ્રકૃતિસહજ રીતે સમજવો. એ માટે ડરપોક રિચ્યુઅલ્સની આદતોથી ફ્રી એવું ઈન્ડીપેન્ડન્ટ બ્રેઈન જોઈએ. પાવર ઓફ થોટથી વિકસતું અને નિરંતર વિસ્તરતું વિશ્વ જોઈએ. ભારતે એટલે બુદ્ધિમાન અને વિચારશીલ ચરિત્રોને અને પ્રકૃતિના પ્રત્યેક તત્વોને ઈશ્વર માનીને પૂજ્યા. બ્રાહ્મણ શબ્દનું મહત્વ જ્ઞાતિ કરતા વધુ બ્રહ્મથી નજીક પહોંચનાર જ્ઞાની તરીકે વધતું ગયેલું.

તત્વ દર્શન અને આંતરિક “બ્રહ્મજીજ્ઞાસા” ખાતર લોકોએ ઘરબાર છોડી દીધા એટલા એ શિખર સર કરવા ઉત્સાહી હતા. તપસ્યા માટેની અતૂટ એકાગ્રતા અને કોઈ પણ કામના ધ્યાનમાં તલ્લીન થઇ જવાનું ફોકસ જીવનશૈલીમાં વણાયેલું હતું. આસ્થા સંઘર્ષની દ્રઢતા અને ભવિષ્યની આશાને પોષે એવી સકારાત્મક હતી. તેજસ્વી પ્રમાણિક સાત્વિકતા અને પારદર્શક માનવીય મૂલ્યોને લીધે જાહેર અનુશાસન અને નિષ્ઠાનું ધોરણ ઊંચું રહેતું ને ગેબી મદદની કૃપા મળતી રહે એવું હતું, કારણ કે લોકો આત્માને પરમાત્મા માનતા. બધા વિરોધાભાસોનો એક અનંતની લીલા તરીકે દેશ-કાળનાં ભેદ વિના સ્વીકાર અને સ્વાગત કરવાની આધ્યાત્મિકતા રાખતા. ખોટું કરવા બદલ નારાજ થતા કે ડરતા. સ્વચ્છતા, શાંતિ, સેવા અને ક્ષમા જેવા સદગુણો અને બીજાની કાળજી લેવાના સંસ્કારોનો વિનયવિવેક આમ આદમીમાં ય રહેતો. વિદ્યાનું મૂળ તત્વ જ્ઞાનનો આનંદ અને આત્મખોજનાં જજમેન્ટનું ઘડતર રહેતું, ફક્ત કારકિર્દીલક્ષી આર્થિક કમાણી કે સામાજિક પ્રતિષ્ઠા નહિ.

***

રીડરબિરાદર, આ સાત સિક્રેટ્સની સરગમ જ્યારે જ્યારે જે ભૂમિ કે પ્રજામાં વાગી ત્યારે ત્યારે એનો સુવર્ણયુગ આવ્યો છે. પછી એ ગ્રીસ હોય કે ઈજીપ્ત, જાપાન હોય કે બ્રિટન. દ. કોરિયા હોય કે અમેરિકા. ડેન્માર્ક હોય કે ફ્રાન્સ. આ ડહાપણના મેઘધનુષનું સંતુલન જયારે જયારે વીખાયું ત્યારે જે-તે રાષ્ટ્ર કે જનસમૂહ નિષ્ફળતાથી પીંખાયો છે. ભારતની લાંબા સમયથી ચાલી આવતી હાર અને અગાઉ મળતી રહેલી જીત પાછળના આ અસલી રિઝન છે. પણ એ વિઝનનું મિશન બનાવવાની તૈયારી આજે સુતેલા ભારતની છે ખરી ?

ફાસ્ટ ફોરવર્ડ

‘ક્ષણે ક્ષણે યદ નવતાં ઉપૈતી તદેવ રૂપં રમણીયતાયા :’
અર્થ : જે પ્રત્યેક ક્ષણે નવીન લાગે, એ જ રમણીયતાનું રૂપ છે ( માઘ, શિશુપાલવધ )

[મારો બે વર્ષ જુનો લેખ, પણ કાયમ માટે શાશ્વત ! મહાસત્તા જ બનવાની ફોર્મ્યુલા એમાં છે, સુખી સ્વસ્થ સમાજ અને ઉત્તમ માનવનિર્માણની રેસિપી આ લેખમાં છે. એની આ બ્લોગની લિંક મહત્તમ શેર કરવા વિનંતી – જય વસાવડા]

 
21 Comments

Posted by on January 26, 2017 in history, india, inspiration

 

21 responses to “આપણા સુવર્ણયુગના સપ્ત સિક્રેટ્સ : ઓલ્ડ ભારત “ગોલ્ડ” કેવી રીતે બન્યું હતું ?

  1. Kaushikk Vyas

    January 26, 2017 at 8:25 AM

    If we come out of singing songs of our past glory and take further that knowledge which is described in various GRANTHS, and books. What we are collecting is information not knowledge. Jay Bhai what you did is really excellent , you have studied, and then SMARAN,. CHINTAN, MANAN WHiCh MAKES THIS KNOWLEDGE SULABH FOR Readers and followers like you.

    very good.

    Liked by 1 person

     
  2. Ajaysinh Jadeja

    January 26, 2017 at 6:59 PM

    વાહ ખૂબ સરસ…

    જૂનો લેખ છે પણ તમે કહ્યુ તેમ ભારત બદલવાનું નહીં એટલે નવો જ રહેવાનો છે.😉

    Like

     
  3. Jaimin madhani

    January 26, 2017 at 7:26 PM

    સાહેબ, હજારો વરસથી ગામ મા ગાય કે બળદ મરી જાય તો ચમાર એને લઈ જતા એનું ચામડુ ઉતારતા અને એનુ માંસ ધરે લઈ જતા અને ખાતા, મે ખુદે 15 વરસ પહેલાં નજરે જોયા છે. હવે માસ ખાવા ની વાત જાવા દયો મરેલ ઢોર ઉપાડવા ય આવતા નથી.

    Like

     
  4. VADODARA

    January 27, 2017 at 7:11 AM

    nice presentation and analysis

    Like

     
  5. ajitjalu92

    January 27, 2017 at 8:52 AM

    Good

    Sent from my iPhone

    >

    Like

     
  6. Nitin Bhatt

    January 27, 2017 at 9:37 AM

    જયભાઈ, તમે લખ્યું છે એમ સચોટ ભાષામાં અગત્યની બાબતો આલેખતો આ લેખ શાશ્વત છે અને રહેવાનો. દરેક વિકસિત દેશ આ બાબતોને કારણે આગળ આવ્યો છે તે નિર્વિવાદ છે. હું એમ માનું છું કે આ સાતેય બાબતો એકમેક સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી છે. એક વાક્યમાં ક્ષતિ જણાઈ. “બહાદૂરીનો અભય કેવળ ફેસબુક કોમેન્ટ્સ જેવી વાતોને બદલે જીવનનાં અભિગમમાં નહોતો.” અહીં ‘નહોતો’ ને બદલે ‘હતો’ શબ્દ હોવો જોઈએ એમ લાગે છે.

    Like

     
  7. gopalkhetani

    January 27, 2017 at 3:45 PM

    Reblogged this on ગુજરાતી રસધારા and commented:
    આર્યાવર્તનું કેન્દ્ર – ભારતવર્ષ બનવાને માટે પ્રજાએ વાંચી, સમજી અને પ્રણાલીમાં ઉતારવા જેવો JVનો આ લેખ વાંચવો જ રહ્યો !

    Like

     
  8. Deepti Antani

    January 27, 2017 at 4:30 PM

    Nice article.

    Like

     
  9. ankitsadariya

    January 27, 2017 at 8:17 PM

    vah khub j saras …save kri ne rakhva jevo article 👍👌

    Liked by 1 person

     
  10. chirag

    January 27, 2017 at 10:24 PM

    tiger and peacock Picture is awesome. Never seen like this pic. (y)

    Like

     
  11. Ravikumar Sitapara

    January 27, 2017 at 10:38 PM

    Wow.. એકાદ વર્ષ પહેલા મેં મારા બ્લોગમાં એક પોસ્ટ મૂકી હતી.આના લગતી જ હતી. ભવ્ય ભૂતકાળના ગાણા ગાઈ લોકો એ કહેતા ફરે છે કે આપણા ભારતમાં તો બધી શોધ થઈ હતી, તે લોકોને કહેવાનું મન થાય કે જો બધી શોધ ભારતમાં થઈ હતી તો આપણે આગળ કેમ ના વધ્યા. ex. ગ્રેહામ બેલે ટેલીફોનની શોધ કરી હતી. તો શું એના દેશ વાળા બસ એના ગુણગાન જ ગાય છે. હા ક્રેડીટ આપે છે. પણ અપડેટેશન આવે જ છે. ટેલીફોન થી માંડી સ્માર્ટફોન શોધાયા. આપણે શા માટે આવું નથી કરતા ? કારણ એ જે તમે કહ્યું. ભૂતકાળ ખરેખર ભવ્ય છે. જીવનશૈલી દમદાર હતી. નમાલી કે પોપલી ન હતી, પણ આપણે એ નથી જોતા. કોઈ બોધપાઠ નથી લેતા. બસ જે અધુરીયા ઘડાઓ ધર્મના ધુરંધરો થઈને પશ્ચિમને ધુત્કારીને પોતાની તંગદી ઊંચી રાખે છે, તેઓ જે બતાવે તે જોઈએ છીએ.

    બાકી આ લેખ તો અમારા ‘ વાંચનાલય ‘ ગ્રુપમાં શેર થવાને સંપૂર્ણ હકદાર છે.

    Liked by 1 person

     
  12. somabhai

    January 28, 2017 at 11:27 PM

    Nice artcle

    Like

     
  13. Gopish

    January 29, 2017 at 1:51 PM

    Adbhut….

    Like

     
  14. Ad Gamit

    November 12, 2017 at 11:13 AM

    NAVI BATLI MA JUNO DARU BHARYA KRE CHHE DHARMDHURANDHARO

    Like

     
  15. Ad Gamit

    November 12, 2017 at 11:17 AM

    NAVI BATLI MA JUNO DARU BHARYA KRE CHHE DHARMDHURANDHARO BHARAT NE KAI DISHA MA LAI JASE KAHEVATA NE BNI BETHELA GYANI PANDITO

    Like

     
  16. Ashish Desai

    March 13, 2018 at 5:52 PM

    Really true and an excellent article. I had read it long ago – just revisited it and loved it again! Hope to spend some time with you when you come to NJ for Sunilbhai’s show or one more show with us – Gujarati Literary Academy.

    Like

     
  17. Deepak Kadam

    April 25, 2020 at 12:39 PM

    ફક્ત વાતો છે. ભાજપ આવ્યા બાદ લોકશાહી નું ચિરહરણ થવા લાગ્યું છે

    Like

     
  18. Kalpesh Prajapati

    July 9, 2020 at 11:22 AM

    તમને શું લાગે છે… આ મૂલ્યો કેટલે સુધી જળવાય રહ્યા છે??
    આજની તારીખે પણ જડસુ ઓ બદલાવ થી ડરે છે

    એટલે જ..
    કાળે કાળે ને ક્રમે ક્રમે જે ના બદલે જે ના ફરે,
    રહી જાય છે સફર માં એકલા એ જે આત્મખોજ ના કરે.

    It takes time to reform restrained.

    Like

     

Leave a comment