RSS

Monthly Archives: ફેબ્રુવારી 2017

નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની…

IMG-20170228-WA0020.jpgજિતેશ દોન્ગા.

જણ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે. ફુરસદે વાત કરે. પૂજ્યભાવનો તો હું જ માણસ નથી, પણ એનો પ્રિયભાવ પૂરો મારા પર.

વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.જે અંદર જાય એ બહાર આવે. જિતેશ પોતાના વિશે તો ઘણું લખતો રહે, પણ પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ લખી, એના વિમોચનમાં હું GLF માં પહોંચું એવો એનો પ્રેમાગ્રહ. હું વાંચી તો ન શક્યો પણ પહોંચ્યો જરૂર યુવા ચેતનાને પોંખવા. એ ઇ બુક સ્વરૂપે સારી વંચાઇ. જિતેશનું વિઝન સંકુચિત નહિ પણ ગ્લોબલ એટલે તાવડો સારો તો ઘાણવો સારો ઉતરે.

પછી જાતભાતની સફરો એણે ફિઝિકલી એન્ડ મેન્ટલી ખેડી એવું ફેસબૂક જોઈને ને અમુક વાતચીત પરથી જાણી શક્યો. બેંગાલુરું  પ્રતિલિપિમાં ગયા પછી પણ એક કથા લખવાનું ચાલુ રાખ્યું. મોટિવેશનનો જમાનો છે, પણ તો ય એણે ફિક્શન પકડી રાખ્યું. હું અંગત રીતે વાર્તા ને નવલકથા કે કવિતા જેવા સ્વરૂપનો ચાહક. સાહિત્યની સર્જકતાનો પ્રદેશ આ જ છે.

‘નોર્થ પોલ’ એની બીજી નવલકથા છે. હમણા જ મને મોકલી. હું અત્યારે બેહદ વ્યસ્ત વ્યાખ્યાનો ને પ્રવાસોમાં. ફોન પર વાત પણ ના કરી શકું. ઓન એનો જીદ જેવો આગ્રહ કે હું વિમોચન કરુ !

આખી તો ઈચ્છા છતાં હું વાંચી નથી શક્યો ઓન જે નજર નાખી એના પરથી એટલી વાત પકડાઈ ગઈ કે યુવાહવાની, જવાનીની વાત છે. વળી, વાત વેવલી નથી પણ વાસ્તવિક છે. ફ્લેવર ચગે એમાં યૂથ ને યંગીસ્તાનની. બાકી તો કેવી છે એ વાચક નક્કી કરશે.

જિતેશની વિશ એવી કે આ કથા મફત જ ડાઉનલોડ માટે મુકવી.ને મને સર્જકતા આમ સસ્તી થાય એ ગુજરાતીપણાનું અપમાન લાગે.  સબ કુછ નહિ મિલતા રેડીમેઈડ એ મારું સ્પષ્ટ સૂત્ર. પ્રસિદ્ધ થવા કરતા સિદ્ધ થવાનો મોહ વિશેષ. મફત બાબતો પોતાનું મૂલ્ય તો ઘટાડે જ, પણ માર્કેટ પણ બગાડે. આપણા દેશની ક્રિએટીવીટી ફ્રીની ટેવ પડી એમાં ક્રિલેટિવ લોકો ફીના મોહમાં પરદેશી થઈ ગયા ! જિતેશે કહ્યું કે એની વાર્તામાં તાકાત છે. જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારામાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે લેખકે મહેનત કરી છે, અને જો તમારો આત્મા કહે કે લેખકને કશુંક આપવું જોઈએ તો જીતેશને તમે પેમેન્ટ આપી શકો એની સાઈટ પર.

એની વે, પણ જિતેશ લાગણીથી છલોછલ છે, તો એના પ્રેમનો પ્રતિસાદ આપવામાં સિદ્ધાંતો મને નડે નહિ. વળી કામ તો યુવાનોનું જ છે..યુવાન લેખક, યુવાનીની વાત કરતું પુસ્તક, ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવાનોનું. અને યુવાઓ માટે આપણે કંઇ પણ કરવા હરહમેંશ હાજર. કારણ કે, ગમે છે એ દુનિયામાં રહેવું. ક્વોલિટી યુથ વોઇસને પ્રમોટ કરવો એ મારી નૈતિક જવાબદારી બને. દબાવ્યા વિના નવી ટેલન્ટ્સને યોગ્યતા હોય તો દિલથી ચાહી છે. જિતેશની વાતો તો મારા વિચારોનું એક્સટેંશન ગણાય. એનામાં જે કશુંક કરી દેખાડવાનો સળવળિયો છે, એ મને ગમે છે. પાછું તપ પણ કરે ને તૈયારી ય. ખાલી તક ને તારીફની તમન્ના પર જીવતો નથી.

તો હવે નવલકથા જેવી લાંબી વાતને બદલે, સીધી નવલકથા જ હાજર છે. નવી તાજગી ને મને ગમતું કોલેજકાળનું રિફલેક્શન તો એમાં મહેસૂસ થયું છે. શૈલી પણ ફ્રેશ છે.  એની ઈચ્છા મુજબ જ મારા દ્વારા લોન્ચ કરી આપણી સામે મુકું છું. રસ પડે તો મારો ધુબાકા. કરો ફ્રી ડાઉનલોડ ને વાંચો. આ રહી લિંક. કરો ક્લિક.

ઓલ ધ બેસ્ટ જિતેશ. કરો ફત્તેહ. થેન્ક્સ મને ગમાડવા માટે ને શાબાશ ગુજરાતીમાં જવાનીની મશાલયાત્રા આગળ વધારવા માટે 🙂

યે હુઆ ડિજિટલ લોન્ચિંગ ! નીકળી પડે નોર્થ પોલની સફરે…

 

North Pole – http://jiteshdonga.com/

 
16 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 28, 2017 in Uncategorized

 

પ્રેમ અને ડ્રીમ : યૂં હોતા તો ક્યા હોતા…

lala-2
‘લા લા લેન્ડ’ માથે ઘાત તો ધારેલી જ હતી. ભારતીય લિબરલ્સના વન વે સેક્યુલરિઝમમાં જેમ એક પક્ષ તરફ અઢળક ઢળવામાં આવે છે. જેમાં આજની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરાનો ડબ્બો ૫૯ કારસેવકોના જીવ લેતો બાળવામાં આવેલો એ ભૂલાઈ જાય પણ ગોધરાકાંડનાં હવાલે રાજકોટના યુવકોની  isis બ્રેઈનવોશિંગ કરી શકે, એમ એની આનુષંગિક રમખાણોની ઘટનાઓ યાદ રહી જાય…બાબરી ઢાંચાના ઉદાહરણો દેવાય પણ મલબો પાડવાના બદલામાં ડી કંપનીએ સેંકડો નિર્દોષોને ભૂંજી નાખેલા, ને પછી ય ક્સાબ કંપની હુમલો કરવા પહોંચી ગયેલી એ બધું વિસારે પાડી દેવાય. આવું જ અમેરિકન લિબરલ્સમાં ગે અને બ્લેક જેવી સામાજિક ઉપેક્ષાનો ભોગ બનેલાઓનું છે. ‘મૂનલાઈટ’ જેવી સારી ( એવોર્ડ તો ઠીક, ઓસ્કાર નોમિનેશનનું એક લેવલ તો હોય જ છે, સાવ લાલિયાવાડી એમાં હોતી નથી. માટે નોમીનેટ થયેલ લગભગ બધી ફિલ્મો સારી, જોવાલાયક તો હોય જ. ) ફિલ્મમાં વળી ગે ને બ્લેક બેઉ દુખતી રગ એકસાથે પકડવામાં આવી છે. એટલે જો વધુ મજબૂત હરીફો સામે પ્રમાણમાં નબળી એવી ‘૧૨ ઈયર્સ એ સ્લેવ’ અપસેટ સર્જી શકે તો એનાથી બેહતર મૂનલાઈટ ઘણો મોટો અપસેટ સર્જી શકે.

આ ભીતિ ઓસ્કાર અગાઉ મેં જ નહી, કેટલાય રસિયાઓએ અગાઉ વ્યક્ત કરેલી જ. આ મેરિટ ખાઈ જતી અનામતપ્રથા જેવું છે. બાકી ઓલમોસ્ટ ઇન્ડિયન એવી ‘લાયન’ પણ ખરેખર સરસ ફિલ્મ છે. પણ એમાં ગે અને બ્લેકના ધજાપતાકા નથી એ કેમ ચાલે ? 😉 રૂપાળો અને રૂપાળી છોકરી રોમાન્સ કરે એ ભલે નેચરલ હોય તો શું થયું , બે કાળા અને એય બે ય છોકરા જ પરસ્પર કરે એ પ્રેમ મહાન કહેવાય શું ? 😛 ચાંપલાઓ વાહ વાહ  કર્યા કરે. લુપીટા નિયોગી અને ફ્રેડા પિંટોને આમ જ બધા બ્યુટીફૂલ બ્યુટીફૂલ કહેતા ફરતા હતા. કેટલાએ આ ‘હોટ બ્યુટીઝ’ના વોલ પેપેર ડાઉનલોડ કર્યા ? એના કરતા અનેકગણી વધુ વખત સલમા હાયેક ખાનગીમાં સર્ચ થઇ હશે. ભલેને એવોર્ડ ના મળે એને ! ( એક્ટિંગની વાત નથી,પોલિટિકલ કરેક્ટનેસના નામે “સૃષ્ટિ વિરૂધ્ધના સત્યો” ની વાહવાહી કરવાના ડોળની વાત છે, વાસ્તવ એનાથી ઉલટું હોય છે એમાં તો મોદી કે ટ્રમ્પને ટોચ સુધી પહોંચવાનો ચાન્સ મળે છે !)

આજે તો શૂળીનો ઘા સોયથી ટળ્યો. છેલ્લે ‘પોપટિયા પડદો પાડ’ જેવો ટ્રેજીકોમિક ભગો સર્જાણો પછી બેલેન્સ કરવા ‘ટાઈ’નાં વિકલ્પે ટોસની જેમ બેસ્ટ ડાયરેક્ટર એકને અને બેસ્ટ પિક્ચર બીજાને આપી બે ય ને સાચવી લેવાનું ગઠબંધન આપણા નાયબ મુખ્યમંત્રીઓ જેવું જુનું ને જાણીતું છે. એટલે લા લા લેન્ડને બેસ્ટ ડાયરેક્ટર અને મૂનલાઈટને બેસ્ટ પિક્ચર આપવામાં આવ્યું, એમાં બલા ટળી. નહિ તો બીજી દરેક ડિઝર્વિંગ ફિલ્મો સામે મૂનલાઈટ ગે બ્લેક સાગા તરીકે છવાઈ જાત. ઓવરરેટેડ એરાઈવલ તો એટલું કન્ડમ હતું કે એનો ચાન્સ જ નહોતો. પણ મૂનલાઈટ તો પાછું સારું ય હશે જ એનાથી તો. એમ તો મેલ ગિબ્સનનું હોય એટલે ‘હેકસો રીજ’ ને ડેન્ઝ્લનું હોય એટલે ‘ફેન્સીઝ’ પણ કમ નહી હોય ને ‘માનચેસ્ટર બાય ધ સી’ પણ વખણાયેલું જ છે.

જો કે, આ બધા લાસ્ટ મોમેન્ટ ડ્રામામાં એ ભૂલાઈ ગયું કે ગોલ્ડન ગ્લોબ અને બાફટાની જેમ લા લા લેન્ડ  તો ઓસ્કારમાં ય મેઈન સ્ટ્રીમમાંઆ વર્ષે સૌથી વધુ એવોર્ડ લેનારી ફિલ્મ બનીને રેરેસ્ટ ઓફ રેર હેટ્રીક કરી ચૂકી છે. આજે છવાઈ જનાર ફિલ્મ તો લા લા લેન્ડ જ હતી. , છે અને રહેશે. વર્ષમાં દરેક ક્વોલીફાઈડ એવોર્ડ્સમાં સૌથી વધુ એને જ મળ્યા છે, અને આજના ઓસ્કારમાં ય હાઇએસ્ટ, બેસ્ટ ડાયરેક્ટર સહિત. એ ય આજના જમાનામાં એક મ્યુઝિકલ રોમેન્ટિક ફેરીટેલને ! સો, yes you guessed it right – અપુન ને તો પહેલે સે હી બોલ દિયા થા, ક્યા  😛

આ ફુલણજી કાગડો તો હમો જાણે હક્કથી થઇ શકીએ એમ છીએ તો બેશરમ થઈને થશું જ. 😀 પણ ઓન સિરિયસ નોટ, અમસ્તી જ લા લા લેન્ડ બધે ઝંડા નથી નાખતી. લૂક, ૧૧ ઓસ્કાર તો લોર્ડ ઓફ ધ રિંગ્સ -૩ ને મળ્યા હતા ને એ ય સુપરહિટ ને સારી હતી જ. પણ યાદ તો તમને મહાન ફિલ્મોની વાત નીકળે તો ગેરેન્ટીથી ‘ટાઈટેનિક’ જ આવશે. મૂનલાઈટ પાંચ વર્ષમાં ભૂલાઈ જશે. પણ લા લા લેન્ડ ટાઈમલેસ ક્લાસિક છે. ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ કે ‘કાસાબ્લાન્કા’ની જેમ. કોઈ એવોર્ડ નહોતા ને ફિલ્મ હજુ રિલીઝ થઇ હતી ત્યારે જ એના પર માત્ર જોઇને જ હમો કોઈ ફિલ્મમેકિંગના અનુભવ વિના માત્ર ઓડિયન્સના અનુભવે ફિદા થઇ ગયેલા એ હવે જગ જાહેર છે. એક લેખ લખ્યો છે ને હજુ કમ સે કમ બે-ચાર લખી શકું એટલી અનુભૂતિ તો મારી પાસે છે. આજે જે થયું એ જ તો એક્ચ્યુઅલી ફિલ્મનો ક્લાઈમેક્સ પણ છે જ ને ! ઓલ્ટરનેટ રિયાલીટીમાં હેપી હાર્ટ ને એક્ચ્યુઅલ એન્ડ પોઈન્ટ પર અચાનક જ હેવી હાર્ટ ! આથી મોટી ઐતિહાસિક અંજલિ ડાયરેક્ટર ડેમિયનને બીજી કઈ હોય ?  જરાક વાર માટે, થઇ ગયું ને બધા ઓસ્કાર  જોનાર ને ને લેનાર ને ય કે….યૂં હોતા તો ક્યા હોતા ! ધેટ્સ લવ, ધેટ્સ લાઈફ. આ માટે ય લા લા લેન્ડ કાયમ માટે યાદ તો રહેશે જ  નવી પેઢીઓને !

તો વાંચો  ‘લા લા લેન્ડ’ જોઇને ૧૭ ડિસેમ્બરની મધરાતે ચાચા ગાલિબનાં આ જ ટાઈટલ સાથે લખેલો આ લેખ, જે ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ગુજરાત સંચારના અનાવૃતમાં છપાયો હતો.  એ ય વિચારજો કે ફિલ્મ ભલે અંગ્રેજી હોય, એના વિષે લખવાનો ઠેકો અંગ્રેજીનો જ નથી. અંગ્રેજીમાં લખાયા એની પહેલા ગુજરાતીમાં ય બંદાએ આવો લેખ  માતૃભાષામાં ઓરિજીનલ લખેલો છે. રસિયા હો તો આ તારીખ પછીના કે આસપાસના અંગ્રેજી લેખ સાથે એની ક્વોલીટી પણ સરખાવી લેજો  🙂 ફિલ્મના તો રાજકોટ ગેલેક્સી સિનેમાંના સહકારથી સ્પેશ્યલ શો કર્યા , અને આ લેખકડાના ભરોસે રીડરબિરાદરો એ એ હાઉસફુલ કર્યા…એ દાસ્તાન બહુ  જાણીતી છે. પણ  હજુ ય મેળ પડે તો એના શો કરવા છે, ને  વધુ લેખ પણ લખવા છે !

lala-1

બિના પંખો કા એક પરિન્દા, દુનિયા જીસ કો દિલ કહેતી હૈ, તેરી પાક હંસી કી આહટ સુન કે ઉડ જાતા હૈ (ઈરશાદ કામિલ)

la-la-land-featured-2

લવના મોસ્ટ મીનિંગફૂલ કોન્વર્સેશન્સ ક્યારે થાય? સ્વીત્ઝર્લેન્ડના પહાડો પર? કાશ્મીરના બગીચામાં? ફાઈવસ્ટાર હોટલની લોન્જમાં? એરબસ એ-૩૮૦ના બિઝનેસ ક્લાસમાં? ઝાકઝમાળ ક્રિસમસ પાર્ટીમાં? લક્ઝુરિયસ હવેલીના ભવ્ય બેડરૃમમાં? ઓવર ધ ડ્રિન્ક ઈન બાર?

ના. એ થાય રાત્રે કે ઢળતી સાંજે ચાલતાં ચાલતાં! પ્રિફરેબલી, આસ્ફાલ્ટની કાળી સડકો પર. બહુ બધા અવાજો અને અવરજવર ન હોય, દિવસની રોજીંદી ઘટમાળના કામ સૂરજ સાથે ઢળી ચૂક્યા હોય, મોબાઈલમાં વાગતી રિંગોમાં ઓટ આવે, થાકેલું ડીલ અને જરા ભરાયેલું દિલ હળવા થવા માટે ઝંખતું હોય, અને મનગમતી કંપની સંગાથમાં હોય, કોઈપણ રેન્ડમ ટૉપિક પર નોર્મલ વાતો બંધ જ ન થાય… વાટ (રસ્તો) ખૂટે, પણ વાતો ન ખૂટે!

હળવે હળવે ચમકતા તારા શીતળ પવનની ધીમી લહેરોમાં ગૂંથીને રૃપેરી ચાંદની આસપાસ રેલાવતા હોય કે ઢળતી સંધ્યાની કેસરી રતુમડી ઝાંય વૃક્ષોના પાંદડામાંથી ચળાતી આવતી હોય, કાં પંખીના ડહૂકા કાં ખળખળ વહેતા પાણીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય… ને આવું કશું ન હોય, તો ય બે ધડકતા દિલ હોય, બસ!

આમાં શબ્દોનું બહુ મહત્વ નથી. આવા રોમેન્ટિક કોન્વર્સેશન્સમાં મૌન પણ બોલતું હોય છે. ઈનફેક્ટ, આંખો અને જીભ જુગલબંધી કરીને જાણે ઓટોમેટિકલી કોરિયોગ્રાફ થતું નૃત્ય રચતા હોય ત્યારે!

આ એવી મોમેન્ટસ છે, જે પૂરી થઈ ગયા પછી પણ પસાર થતી નથી! ઈનફેક્ટ, નાની નાની આડીઅવળી વાતો ભૂલાઈ જાય તો ય એ વખતે જે આનંદનો અહેસાસ થયો હોય છે, એ ભૂલાતો નથી! આ ફિલીંગ તો ધીરે-ધીરે સંવાદ અને સંગાથના સમાપન પછી પણ ‘ગ્રો’ થયા કરે છે. બીજમાંથી ફૂટતા ફૂલના છોડની જેમ એ મોસમ બદલાય એમ ખીલતી જાય છે!

સિનેમાઘરના અંધકારમાં કોઈ સભર ફિલ્મ જોયા પછી પણ આવી જ તૃપ્તિના ઓડકાર લાંબા સમય સુધી આવ્યા કરે છે. શૉ પૂરો થયા પછી પણ રીલ દિલોદિમાગમાં ફર્યા કરે છે. ફરી ફરી, ફરી ફરી એ રિ-વિઝિટ થયા કરે છે.

અને એક સીટ પર બેઠાં-બેઠાં એક અનોખા વિશ્વની સફર ખેડાયેલી એની યાદની મોસમ ઝરતાં-ઝરતાં પારિજાતની માફક કોમળ કોમળ સુગંધ પ્રસરાવ્યા કરે છે, ભીતરમાં!

***

આપણે બધા એકલા જ આવ્યા છીએ આ ધરતી પર. સ્વજનો મોટા કરે છે. મોટા થયા બાદ એ જ સ્વજનો બંધન લાગે છે, કારણ કે પોતાની પાંખ ફૂટે એની ઉંચી ઉડાન ભરવી હોય છે. ત્યારે જ મળી જાય છે, કોઈ સ્ટ્રેન્જર.

આપણાથી અલગ રીતે, અલગ પરિવારમાં, અલગ વાતાવરણમાં, અલગ વ્યક્તિત્વ સાથે ઉછરેલી કોઈ વ્યક્તિ… જે મળ્યા બાદ અજાણી નથી રહેતી. મજાની બની જાય છે.

શરૃ શરૃમાં હોય છે, સિમિલારિટિઝનું શેરિંગ. સરખા શોખ, સરખી વેદના, સરખી મંઝિલના હમસફર. અને થોડું અલગ પણ હોય છે કશુંક. જે રહસ્ય પેદા કરીને ખેંચે છે, ચૂંબકની જેમ!

પછી બે અજાણ્યાઓ આવે છે એકબીજાની કરીબ. મહેસૂસ કરે છે આત્માનું સંગીત અને આત્મીય બની જાય છે, એના અદ્રશ્ય તાલ પર! ખુદ સાથે વીતાવેલો જે સમય કંટાળો આપે છે, એ જ સમય કોઈ પ્રિયજનના સથવારે રૃપાળો થઈ જાય છે.

નાની નાની ઈંટોથી આખી ઈમારત ચણાય, અને એક આકાર બની જાય, એમ જ સેંકડો નગણ્ય લાગતી ક્ષણોની પાંદડીઓ બાજુબાજુમાં જોડાઈને એક પુષ્પ રચી દે છે, ધીરેથી ઉઘડીને મહેકતું! જેટલી સ્મોલ લિટલ મોમેન્ટ્સ વધુ, એટલો ફીલિંગનો સિમેન્ટ પાક્કો!

એવું થાય ત્યારે રચાય છે, સંગીત. ડુ યુ નો? મ્યુઝિક ઈન એન ઓલ્ડેસ્ટ આર્ટ! ચિત્રો ય માણસે પછી દોર્યા હશે. પણ પહેલાં તો સાંભળ્યું હશે સંગીત! પ્રકૃતિ પાસેથી, પોતાનાઓ પાસેથી. સૂર અને સ્વર. એમાંથી પ્રગટયું હશે નૃત્ય. તબલાં હોય કે બાંસુરી, વાયોલીન કે સિતાર, ગિટાર કે પિયાનો, ઢોલ કે સંતૂર… મ્યુઝિક એક મેજીક છે. મ્યુઝિક ઈઝ શેડો ઓફ લવ. જ્યાં પ્રેમ છે, ત્યાં ગીત છે, સંગીત છે.

એની તાન છાતીમાં રહેલા હૃદયને જેમ કઢાઈમાં મોહનથાળ તવેથાથી હલાવવાનો હોય એમ વલોવે છે. લાગણીઓની સરવાણીઓ સંગીતના સથવારે એકરસ થાય છે! જ્યાં શબ્દની સરહદ પૂરી થાય છે, ત્યાં સંગીતનું ભાવજગત શરૃ થાય છે.

મ્યુઝિકનું મેજીક લવ ફ્યુઅલ છે. પ્રેમની વસંત હોય કે બ્રેકઅપની પાનખર, આપણી વ્યક્ત થઈ ન શકતી લાગણીઓને સંગીતની લાઈફ સપોર્ટ સીસ્ટમ મળે છે! એમાં ય ફિલ્મો ન હોત, તો સંગીતના સાઉન્ડનું વિઝ્યુઅલ કોમ્બિનેશન સાથેનું અમરત્વ ન હોત!

ખાલી વાદ્યો વાગે તો ઘોંઘાટ થાય. રાગ અને રાગડા વચ્ચે પણ તફાવત હોય છે. મ્યુઝિકનું ય રિલેશનશીપ જેવું છે. બેઉમાં સુખ ત્યારે જ મળે જ્યારે ‘રિઝોનન્સ’ હોય. રિઝોનન્સ એટલે બે વેવલેન્થ મેચ થઈ જાય, એકબીજામાં બધા સૂર, અને સ્વર ભળી જાય, જેમ ગરબામાં ડ્રમની બીટ સાથે પગના ઠેકા આપોઆપ જુદા-જુદા હોવા છતાં મેચ થઈ જાય, એવું કંઈક. ફ્રીકન્વન્સીની ફાઈન ટયુન્ડ હાર્મની.

અને આવું સંગીત જ્યારે ફિલ્મી પડદે રણઝણે ત્યારે જો અભિનય અને કહાનીનો સ્ટ્રોન્ગ સપોર્ટ હોય, તો વગર ધ્યાનશિબિરે સમાધિ લાગી જાય!

પણ હા, એ માટે પ્રેમભીનું દિલ જોઈએ. મ્યુઝિકનું વાવેતર એ વિના ઉગી શકતું નથી. પ્રેમભીનું નહિ, તો પ્રેમભગ્ન હૃદય પણ ચાલે. જે પુરું થાય એ તો ભૂલાઈ જાય. પણ જે અધૂરું હોય એની તડપ શેરડીના મીઠા રસ ચૂસાઈ ગયા પછી ફાંસ જીભમાં ભોંકાઈને ધીમે ધીમે લાલ લોહીની ટશર કાઢે, એમ ભોંકાયા કરે!

પછી ગીત પડઘા બની જાય, સ્પર્શ પ્રેત બની જાય! ક્યારેક બે જણ મળે, ત્યારે એકબીજામાં ઠંડીમાં ટૂંટિયુ વાળી ધાબળાં નીચે ઢબૂરાઈને સૂતી હોય એવી પોતાની પ્રતિભા તણી શક્યતાઓ મનમીતના સહવાસમાં સફાળી ઠેકડો મારીને જાગી જાય. આપણી અંદરની રોશનીની અચાનક આપણને ઓળખાણ થાય.

પણ એલિઝાબેથ ગિલ્બર્ટ ‘ઈટ, પ્રે, લવ’માં લખે છે તેમ એવું ઢાંકણું ઉઘાડવા પૂરતું, છાલ ઉતારી ગર બહાર કાઢવા પૂરતું જ સોલમેટનું અવતારકૃત્ય હોય, એમ ક્યારેક એ વિખૂટા પડીને એવા દૂર ફંગોળાઈ જાય કે એમને મિસ કરીને રાહ જોવી કે ભૂલીને આગળ વધવું એ સમજાય નહિ.

એક સમયે જે ગીત મિલનના મહોત્સવનું હતું, એ પછી વિરહની વેદનાનું બની જાય. સંગીત એ જ છે, સંગ એ રહ્યો નહિ!

***

ફૈઝ અહમદ ફૈઝની મશહૂર એવી ટચૂકડી રચના છે : _વો લોગ બહુત ખુશકિસ્મત થે, જો ઈશ્ક કો કામ સમજતે થે… યા કામ સે આશિકી કરતે થે… હમ જીતે જી મસરૃફ (વ્યસ્ત) રહે, કુછ ઈશ્ક કિયા… કુછ કામ કિયા! કામ ઈશ્ક કે આડે આતા રહા, ઔર ઈશ્ક કામ સે ઉલઝતા રહા… ફિર આખર તંગ આકર હમને દોનોં કો અધૂરા છોડ દિયા!_

સાહિત્ય કે સિનેમાની કહાનીઓમાં ઈશ્ક હોય છે, પણ એના પાત્રો દેખાવ પુરતું કશુંક કામ કરતા હોય છે. રિયલ લાઈફમાં કામ મોટે ભાગે પ્રેમને ખાઈ જાય છે. બધાના સપના મોટાં થઈને, આગળ વધીને નામ કે દામ કમાવાના હોય છે. કોઈ કહેતું નથી કે મેચ્યોર થઇને પ્રેમ કરીશું!

એટલે તો કવિતા કરતાં સફળતાના પુસ્તકો વધુ વેચાય છે. પૈસા જોઈએ છે, પ્રાઈવસી જોઈએ છે, ગાડીબંગલા ને દોલતશોહરત જોઈએ છે. લાઈફનું સેટલમેન્ટ જોઈએ છે. અને એ બધા પાછળ દોડવામાં મોહબ્બત ડ્રાઈવિંગ સીટમાંથી કારની ડિકીમાં ફંગોળાઈ જાય છે, હપ્તે હપ્તે!

કોમ્પ્રોમાઈઝ એન્ડ કોન્ફલિક્ટ્સ લવનું ભક્ષણ કરી જાય છે. પ્રેમની મોસમ વાસંતી હોય ત્યારે ગુલાબી ધુમ્મસનું સૌંદર્ય હોય છે. પણ સમયના તાપમાં એ શબનમ, એ બાષ્પ ઊડી જાય છે. ને રહી જાય છે, બળેલા બાવળિયાના કાંટાળા ઠૂંઠા અને ચીરાઇ ગયેલી કડવી વાસવાળી ડામરની સડકો !

લવ ઈઝ એ ડ્રીમ. મેઘધનુષી સપનું હોય છે પ્રેમ. એક એવી દુનિયા જ્યાં સિતારાઓની સફર પરીઓની પાંખે ઊડીને કરી શકાય, એવી સૃષ્ટિ જ્યાં ફૂલો ગાય અને પતંગિયા નાચે, એવું વિશ્વ જ્યાં ચોકલેટની ખૂશ્બુ હોય અને વાઇનનો કેફ. જે મસ્ત મધુર જગત બહાર કશે ન હોય, પણ આપણે પ્રેમમાં હોઇએ કોઇના તો આપણી અંદર રચાવા ને ઉઘડવા લાગે ! જ્યાં કાંટા વિનાના લાલચટ્ટક ગુલાબો હોય અને આંખોમાં મોરપીંછ આંજેલા હોય ! જ્યાં સ્મિત એ ગીત બની જાય, અને વાતોમાં મ્યુઝિક સંભળાવા લાગે. જ્યાં કોઇ વૃધ્ધ કે જૂના થાય જ નહિ, હંમેશા યુવા અને તરોતાજા રહે ! જ્યાં પ્રકાશસંશ્લેષણની જેમ સનશાઇનના ઘૂંટડા પીવાતા હોય અને મૂનલાઇટના ચોસલાં ચવાતા હોય ! જ્યાં મેજીક કાર્પેટ પર વગર વિઝાએ પૃથ્વીની સફર થતી હોય અને રોમાંચના ઘૂઘવતા મોજાં અંદર સમંદર ડોલાવતા હોય !

આવો માયાવી કલ્પનાલોક એટલે લા લા લેન્ડ. કલરફૂલ મ્યુઝિકલ ડાન્સિંગ એવો પ્રેમનો પ્રદેશ, પરીલોક. આપણે જ્યારે ઉંધેકાંધ પ્રેમમાં પડયા હોઇએ ત્યારે આ વન્ડરવર્લ્ડના દરવાજા ખૂલે છે, અને એની સોહામણી રળિયામણી ઝલકનો આપણને રોમ રોમ સ્પર્શ થાય છે. એક અર્થમાં દરેક કળા, સિનેમા, સર્જન અને લા લા લેન્ડ છે. વાસ્તવ ભૂલાવી દેતી રંગબેરંગી દુનિયા !

પણ રોમાન્સના ડ્રીમલેન્ડથી આગળ ડ્રીમ્સ હોય છે લોકોને. પોતાની ઈનબિલ્ટ પેશનના, હિડન ટેલન્ટના, મહત્વાકાંક્ષાના. જેમ બહુ ચમકતું ગિફ્ટ રેપર પાતળું હોય પણ ખરબચડું લાકડું એનાથી લાંબુ ટકે, એમ જ લવનું લા લા લેન્ડ બ્યુટીફુલ છતાં ઓછી આવરદાનું તકલાદી નીવડે છે. પોતાની જાતને દુનિયાના રિજેક્શન સામે કમિયાબીના રેકગ્નિશન તરીકે મૂકવાનું ડ્રીમ લોંગ લાસ્ટિંગ છે.

રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓ મોટી ઉંમરે પણ એમાં એક્ટિવ હોય છે. અને એમ્બિશનના ડ્રીમ સેક્રિફાઇસ માંગે છે. ભોગ માંગે છે, બલિ માંગે છે. તમારી ફીલિંગ્સનો, તમારી માસૂમિયતનો, તમારી ફુરસદનો.

પ્રેમમાં હોવું ને રહેવું તો નવરા માણસોનું કામ છે. એટલે જ પ્રેમ એકધારો એવો ને એવો હંમેશા રહી શકતો નથી. સ્વભાવ બદલાય છે, પ્રાયોરિટી ચેન્જ થાય છે. ઓપ્શન વધી જાય છે સુખી થવાના ! અને પ્રેમની કિંમત ચૂકવીને પોતપોતાના સપના પર ચોકથી અલગ-અલગ દિશામાં ફંટાઇ જતા એક રસ્તાની જેમ રિયલ લાઇફમાં મોટા ભાગના પ્રેમીઓ જુદા થઇ જતા હોય છે.

બાયોડેટામાં સ્પાઉઝના નામ લખાય છે, મ્યુઝના યાને આશિક-માશૂકના નહિ. સારા હોય એ વિશ કરીને ગુડ ફ્રેન્ડસ રહે, ને બાકી જેમ કોલેજના બડી ક્લાસમેટ્સ ધીરે ધીરે વૉટ્સએપ ગ્રુપ સિવાય મળતાં જ ન હોય, અને એકબીજાથી દૂર પોતપોતાના સંસારમાં ખોવાઇ જાય એવી ઘટનાઓ બની જાય છે.

પણ રહી જાય છે, દિલના ખૂણે પીપરમિન્ટ જેવી પેલી લા લા લેન્ડમાં વીતાવેલી ઉડનખટોલા જેવી મેજીક મોમેન્ટ્સની ખટમીઠી યાદ !

સ્વ. રાવજી પટેલની કવિતા છે : “એકલતામાં પણ ભીડ જામી કેટલી ? આ કો’ક મીઠી છોકરી જેવી હવા… મુજને ઘસાતી જાય. કાંટા બેઉ છલકાતાં, વધી અંધારાની હેલી. ડગલું ભરાતું માંડ ત્યાં, રોમ પણ જરી ઊંચુ ન થાય એવો હવાનો પાશ ! આ પુલની પેલે તરફના લોકમાં થોડું ફરી આવું. ડગલું ભરાતું માંડ…. રે, એક જણની ભીડનો મને ન્હોતો જરીએ ખ્યાલ !”

આ વૉટ્સએપમાં ટૂચકા ફેંકતો કવિ નથી. એટલે અહીં પારદર્શક, વજનહીન એવી હવા કવિને સ્પર્શે છે, એમાં દબાણ લાગે છે. હવા દેખાય નહિ, અનુભવાય. એમ કવિને છૂટી ગયેલા / રહી ગયેલા પ્રેમની અદ્રશ્ય યાદ ઘેરી વળે છે, જે સતત એમની સાથે જ ચાલે છે. પણ એમના સિવાય બીજા કોઇને દેખાતી નથી !

સૂસવાટા મારતા પવનમાં પર્વતશિખરે ફોટો પાડો, તો ફોટામાં એ આપણને ધસમસતો મહેસૂસ થતો પવન કોઇને દેખાય નહિ, પણ એનું પ્રેશર આપણને તો ખબર હોય !

પોએટ્રી હોય કે પિકચર, એનો ક્વોલિટી ટેસ્ટ એ જ છે કે, એમાં ખોવાઇ ગયા પછી આપણને એવી વાતો યાદ આવી જાય છે કે, જે હજુ સુધી યાદ છે કે કેમ, એની આપણને ય ખબર નથી હોતી !

પ્રેમ એટલે જ પરમનો મારગ છે, જ્ઞાન નહિ. ઈર્શાદ કામિલ એટલે જ કહે છે કે સમજદાર લોગ પ્યાર નહિ કર સકતે, સિર્ફ કારોબાર કર સકતે હે ! માઇકલ ફોકસડે લખે છે, એમ ‘લોસ્ટ ઈઝ એ પ્લેસ વ્હેન યુ એન્ડ આઈ મીટ !’ ક્યાંક ખોવાઇ જશો, તો પ્રેમને જડશો કે પ્રેમ તમને મળશે ! જસ્ટ લાઈક લા લા લેન્ડ. લિજેન્ડરી મૂવી !

***

માત્ર ૩૧ વર્ષના ડેમિયન શેઝલે ત્રીજી જ ફિલ્મ તરીકે બનાવેલી ‘લા લા લેન્ડ” ખામોશીમાં કોઇ થિએટરમાં જુઓ તો રૃંવે રૃંવે ઈશ્ક રાસડા લેવા લાગે ! ઑસ્કાર માટે હોટ ફેવરિટ ફ્રન્ટરનર ગણાતી આ ફિલ્મ ટાઇટેનિક ક્લાસનું દિલની આરપાર નીકળી જતું, ના કાયમ દિલમાં જ ડેરાતંબુ તાણીને રહી જતું અમર સર્જન છે.

વૉટ એ મૂવી ! જાણે સરોવર પર વરસાદ પડતો હોય કમળો અને ગુલાબોની સાક્ષીએ એવું લાગે જોતી, ના ના અનુભવતી વખતે ! લા લા લેન્ડ ઓલ્ડ રોમેન્ટિક મ્યુઝિકલ ચાર્મનો રિમાઇન્ડર છે. જરાય ડ્રામેટિક નહિ. છતાં ભારોભાર ડ્રામા ઊભો કરતા વાતચીતના સંવાદ, દેવતાઇ અસર ઊભી કરતા એના ચિરસ્મરણીય અને શબ્દોમાં ય ઊંડાણ ધરાવતા ગીતો, અને ફેન્ટેસીના માધ્યમે કહેવાતી રિયાલિટીની દાસ્તાન ! ઈટ્સ ફેસ્ટિવલ ઓફ કલર્સ.

આંખો, ભાવ, સ્પર્શથી વાત કરતા બે પાત્રોની કહાની લા લા લેન્ડ છે. મિયા (એમા સ્ટોન) એક વેઇટ્રેસ છે, પણ ‘રંગીલા’ની મિલીની જેમ સપના જુએ છે. એને એક્ટ્રેસ બનવું છે, પણ પારાવાર રિજેક્શન જ મળ્યા છે. ચાન્સ એન્કાઉન્ટરમાં એની પાસેથી પોતાની પર્સનાલિટી જેવી વિન્ટેજ ખખડધજ કાર લઇ પસાર થઇજતો સેબસ્ટીયન (રાયન ગૉસલિંગ) જાઝ મ્યુઝિકનો દીવાનો જુવાનિયો છે. ફિલ્મની જેમ જ એનો નાયક રેબેલિયસ ટ્રેડિશનલીસ્ટ છે. જૂની ભૂલાતી ભૂંસાતી જતી ખૂબસુરતીને નવા રૃપે રજુ કરીને બચાવી લેવાના સપના જુએ છે.

વાસ્તવની ઝીણી ઝીણી કતરણો પરોવીને કલ્પનાનો ચંદરવો ફિલ્મમાં રચાય છે. સિનેમેટાગ્રાફી અને લાઇટિંગ વિન્ટેજ છતાં બ્રાઇટ ટેક્નિકલર ટેક્સ્ટચર ઊભું કરે છે. બીજી મુલાકાત બંનેની થાય છે, એમાં કશુંક કનેકશન છે, એવું દર્શકને દેખાય છે પણ પાત્રોને થતું નથી.

પછીની મુલાકાતમાં અંતે એકબીજા નજીક આવે છે. નજીક પાર્ક થઇ હોવા છતાં પોતાની ગાડી દૂર છે, એવો દેખાવ કરી છોકરીની સાથે ચાલવા જતો હીરો, એમાં લિટરલી સિન્ડ્રેલાના ગ્લાસ સ્લીપર્સની જેમ શૂઝ બદલાવી થતું નૃત્ય અને સમીસાંજે રચાતી ફેરી ટેલ જેવી દોસ્તી… અને નિર્દોષ યુવા હૈયાઓનું થિએટરના અંધકારમાં જરાક નજીક સરકવું અને શરીરથી નહિ મનથી ઓગળવું અને ‘સિટી ઓફ ડ્રીમ્સ’ એવા લોસ એન્જલ્સમાં ભટકવું, પોતાની નવરાશના ખાલીપાને પ્રિયજનની સોબતથી ભરવી…

બેઉ નજીક આવે છે, સપનાના માધ્યમે. કારણ કે, બેયને કોઇ ઓળખતું ન હોય એવી ભીડમાંથી બહાર નીકળી ઉપર ઊઠવાના ઓરતાં છે. ફિલ્મની શરૃઆતમાં જ (અગેઇન, રંગીલાના ટાઇટલ સોંગ જેવી જ ભાવના ધરાવતા) ટ્રાફિક જામમાં ફસાયેલી કારના છાપરે કૂદકા મારતા યંગસ્ટર્સની દિલફેંક મસ્તી, એનર્જી અને સપનાની તાકાત બતાવાઇ છે. શરૃ શરૃમાં બેઉ એકબીજાની મદદ કરે છે. એકબીજાની અંદર પડેલી શક્યતાઓને પ્રેરણા આપી ઢંઢોળે છે. પણ ડ્રીમ્સ અધૂરાં હોય, ત્યારે પ્રેમ મધૂરો લાગે છે !

મીટિંગ ટુ મેટિંગની યાત્રામાં મીનિંગ ત્યારે બદલાય જ્યારે બેઉના કે બેમાંથી કોઇનું ડ્રીમ પુરું થાય, અને ત્યાંથી એ નજીકમાંથી દૂર સરકતું દેખાય કે બીજાને એના જજમેન્ટ્સમાં અસલામતી લાગે કે ફીલિંગ હોય પણ ટાઇમ બચે નહિ, એકબીજા માટે એ ટાંકણી પરપોટાંને ફોડી નાખે !

પાર્ટનર અને કરિઅર વચ્ચેની કશ્મકશ વાળી ટિપિકલ લાગતી વાતને એકદમ ફ્રેશ નોવેલ્ટી સાથે રજૂ કરાઇ છે. પિકચર પરફેક્ટ લાગતો રોમાન્સ કોઇના ય વાંક વિના ક્યારેક કેવી રીતે દીવાલ પરના રંગો કુદરતી ઝાંખા પડે એમ ફેડેડ થતો જાય… અને (સ્પોઇલર એલર્ટ) પારો-દેવદાસની જે એક ક્ષણ એવી સર્જાય જ્યાં પ્રેમની મુલાકાત સિમ્બોલિક રીતે બતાવાયેલા કેકના ધુમાડાનીજેમ મીઠાશને બદલે આંખો બાળી ગૂંગળાવે…

ફિલ્મના જ ગીતમાં ગવાય છે એમ… સિટી ઓફ સ્ટાર્સ, હુ નૉઝ ઈઝ ધિસ ધ સ્ટાર્ટ ઓફ વન્ડરફૂલ એન્ડ ન્યુ, ઑર વન મોર ડ્રીમ આઈ કેન નૉટ મેઇક ટ્રુ ! અને લા લા લેન્ડ ફિલ્મની સાથે આપણે પણ ફીલ કરતાં થઇ જઇએ છીએ.

આ ફિલ્મ ઓર્ગેઝ્મિક કુંડલિની જાગરણ જેવી છે. ગમે તેટલું લખો, એની અનુભૂતિને શબ્દોમાં ઢાળવી શક્ય નથી. એમાં લેયર્સ પણ એટલા બધા છે ! ગ્રીફિથ ઓબ્ઝરવેટરીના પ્લેનેટોરિયમમાં ‘રેબેલ વિઘાઉટ કૉઝ’ ફિલ્મમાં લોકેશન જોઇ ધસી જતા પ્રેમીઓ ગળાબૂડ પ્રેમમાં છે. ત્યારે હીરોઇનનો ડ્રેસ વાયબ્રન્ટ ગ્રીન છે. પણ પહેલું કન્ફ્રન્ટેશન બે વચ્ચે તડ પાડતું થાય ત્યારે દીવાલોનો રંગ ઉદાસ એવો ડલ ગ્રીન છે !

ફિલ્મનું સિમ્પલ સ્ટોરીટેલિંગ પણ બદલાતી સીઝન મુજબ ચેપ્ટર પાડીને કરાયું છે. બંને પાત્રોની રિલેશનશિપના ચેન્જ થતાં ગીઅર દેખાડવા ! એક જગ્યાએ ‘કાસબ્લાન્કા’ ની બારી પાછળ પેરાપ્યુલી લખેલું દેખાય છે, એ લા લા લેન્ડ જેવી કહાની ધરાવતી ૧૯૬૪ની ફ્રેન્ચ ફિલ્મને અંજલિ છે. ફૂટપાથ પરની દીવાલો પરના વિન્ટેજ પોસ્ટર્સ હોય કે કળાને અવગણી પોતાનામાં જ ખોવાયેલો રહેતો સમાજ બતાવતા દર્દીલા છતાં રમૂજી દ્રશ્યો હોય…

કરિઅરમાં રિજેક્શનનું દર્દ ઈમોશનલ આઉટબર્સ્ટ જેવા સીનમાં હીરોઇન કહે છે, એ આપણો ય અનુભવ હોય એમ લાગે. હીરો જેઝ મ્યુઝિક માટે જે પેશન ફીલ કરે એ આપણા ય જોશેઝનુનનું પ્રતિબિંબ લાગે. સામાન્ય માણસને ય સમજાય અને એક્સપર્ટસ પણ જેના લેયર્સ ઉકેલી શકે એવી ફિલ્મો રેર હોય છે.

લા લા લેન્ડ યાદ દેવડાવે છે કે ફિલ્મો કેવી હોય ને શા માટે બને. એના જ સંવાદ મુજબ પેશોનેટલી જે કરો, એ બીજાનું ધ્યાન ખેંચે જ. અને એ ય બતાવે છે કે કરણ જોહરો તથા આદિત્ય ચોપરાઓ કેવા કન્ફયુઝ્ડ છે, નવી જનરેશનને બતાવવામાં !

જે સપના આપણને ભેગાં કરે, એ જ ધીરે ધીરે વિખૂટાં ય પાડી શકે. અને પછી રહી જાય, અંદરોઅંદર જ ઘૂંટાતી એક અફસોસની વાત.. એક પળ માટે વીતેલી જીંદગીનું કામ છે કહીને ઈશ્કના ‘મરીઝો’ ખુદાને ગમે તેટલી વીનવણી કરે… જીંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ, ફિર નહીં આતે !

પોતપોતાની કરિઅર તરફ જતાં બેઉ પાર્ટનર વિચારે તો છે કે, ‘આપણું’ ( સાથે ) ભવિષ્ય શું, લેકિન… આપણે જે ચોઇસ કરીએ છીએ, એના ટપકાંઓનો ગ્રાફ જોડાઇને આપણી કિસ્મતના વિધિલેખ લખી નાખે છે.

પછી ફરી જવું હોય છે, ફુર્સત કે રાતદિનમાં પણ જઇ શકાય છે ખરું ? અને ગાલિબે લેખન શીર્ષકની એક લીટીમાં કહી એવી ઑલ્ટરનેટિવ રિયાલિટી લા લા લેન્ડનો માસ્ટર ક્લાઇમેકસ છે. કાશ, આમ જો થયું હોત તો… તો આપણી જિંદગી કેવા અલગ માર્ગે ત્યાંથી ફંટાઇ હોત !

ફિલ્મના કેરેક્ટર્સ અને સ્ક્રીપ્ટ રિમાઇન્ડર આપે છે : બધા આખી જીંદગી ખજાનો ભેગો કરતાં કરતાં એક જ ખજાનો શોધે છે : પ્રેમનો ! ટુ લવ, એન્ડ ટુ બી લવ્ડ ! આંખોથી કામ લેતા અભિનેતાઓ અને સંગીતકાર તથા સર્જકને સલામ.

*ઝિંગ થિંગ*

‘લવ ઈઝ એન્સર ઓફ ઓલ વ્હાયઝ…’ (અદ્ભુત ફિલ્મ કોલોટરલ બ્યુટીનો સંવાદ)
la-la-land-festival-poster

 
19 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 27, 2017 in cinema, feelings, romance

 

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

spkl1

આખું આયખું એવા કામમાં વીતાવવાનું  ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય !

—————

કયામત સે કયામત તક.

યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી.

એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક, સિનેમેટોગ્રાફર કિરણ દેવહંસ વગેરે વગેરે.

પછી પણ સેન્સિબલ ફિલ્મ્સ બનાવી  ‘જો જીતા વહી સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, શાહરૃખ-ઐશ્વર્યાવાળી ‘જોશ’. ત્યારે ય સિક્કો ચલણી હતો. અને આજે તો હિન્દી ફિલ્મોમાં ટિકિટબારી પર સૌથી વધુ પૈસા ઉસેડી શકતો મેગાસ્ટાર કઝીન આમીર સાવ ઘરનો છે જ. અને પબ્લિક તો આજકાલ વોટ્સએપનું ગ્રુપ નથી છોડી શકતી!  માલમિલકત તો દૂરની વાત છે. ફિલ્મસ્ટારોની ઝલક મેળવવા ધાર્મિક દર્શન જેવી ધક્કામુક્કી કરે છે.

પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું! આજે તો આમીરની જૂની ઓળખાણો વટાવવા લોકો કોમર્શિયલ ફાયદો જોઈને દોડી જાય, ત્યારે મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂનૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે!

spkl2પત્ની ટીના અને ટીનએજર સંતાનો પાબ્લો અને ઝયાન પણ જોડે છે. નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. થોડા વખત પહેલા પરિવાર સાથે બે વર્ષ માટે આખા ભારતની યાત્રા કરી હતી. એક આજે અપ્રાપ્ય એવું નાનકડું પુસ્તક ‘થર્ડ કર્વ’ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી.

મન્સૂર કહે છે કે ”ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!”

વાતો કરવી સહેલી છે ત્યાગની. અને ખિસ્સા ખાલી હોય ત્યારે તો બધા કરતાં જ હોય છે, પણ લક્ષ્મીથી લાઈમલાઈટ બધું જ હાથવગું હોય ત્યો એ છોડીને ફિલ્મી રોમેન્ટિક યંગથીંગ્સની જેમ દુનિયાથી દૂર શાંત સુંદર કુદરતના ખોળે એક કોટેજ બનાવી સ્વર્ગની સાધના કરવી એ અઘરું છે. ઈમ્તિયાઝ અલી શહેરમાં રહીને એ સૂફી જીંદગી વીતાવે ને પડદા પર દર્શાવે છે. મન્સૂર ખાને તો કોઈ હલ્લાગુલ્લા મીડિયા એટેન્શન વિના જ એનો અમલ વર્ષોથી કરે છે.

એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.

***

બે ઘડી બહુ અટપટી ધાર્મિક ફિલસૂફીઓ અને હથોડાછાપ ઉપદેશના ભયભીત કરી દેતા વ્યાખ્યાનો ભૂલી જાવ. એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો. મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર ‘બી વન વિથ નેચર’ થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.

કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.

હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના સમય-સંજોગો સાથે પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ બ્રહ્મચર્ય બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે! સહજ મૈથુનનો આનંદ પણ પ્રાકૃતિક અને ઈશ્વરીય છે. સૌંદર્યનું સુખ પણ. પણ બળજબરી કરવી કે છેતરપિંડી કરવી એ વિકૃતિ છે. પ્રકૃતિ નથી.

ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ. ચમત્કારિક સાધનાસિદ્ધિ તો ઠીક છે છોકરાં રમાડવાના જાદૂઈ ખેલતમાશા છે. પણ જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય.

અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય. માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને…

ગાંધીયુગના રતન જેવા સ્વામી આનંદે એ જમાનાની બહુ દુર્ગમ ગણાતી ગંગોત્રી-કેદારનાથની યાત્રાના અનુભવો લખ્યા છે. એ વખતે બાબા કાલીકમલીવાલાનું સુખ્યાત સદાવ્રત. મોટાભાગના સંસારત્યાગી સાધુઓ પણ ત્યાંથી સીધુંસામાન ભરી લે. એક અજાણ્યો અલગારી સાધુ ત્યાં જાડા રોટલા એટલે ટીક્કડ ખાવા આવ્યો. લોટ સદાવ્રતમાંથી લઈ જાતે જ શેકીને ખાધા. ચાલતો થયો કે કોઈ પરગજુએ બૂમ પાડી. ‘બાબા, આગળ કશું મળશે નહિ. મોસમ ખરાબ છે. અહીંથી બે ટંકનો લોટ/રોટી લઈ જાવ.’

સાધુ થોભ્યો. પાછું વળીને કહે ”પ્યારે, સાધુ શામ કી ફિકર નહીં કરતા!”

આ થઈ સાધુતા. જેને ટીવી કેમેરાની મોહતાજી નથી. શિબિરો ભરીને સમાજમાં દેખાડો કરવો નથી. સંસાર છોડવાના બહાને નવો સંસાર વસાવવો નથી. પોતાની વિચારધારાના ચેલાચેલી શોધવા નથી. વૈભવી આશ્રમો માટે જમીનસંપાદન કરવું નથી. પોતાના કેલેન્ડર-ડાયરી છપાવી પ્રચાર કરવો નથી. લોકો આવે ને ફોટા છપાય તો સારું, ન થાય તો વધુ સારું એકાંતનો આરામ મળ્યો – એ પ્રકારની સંતુલિત સ્થિરતા સાહજિક છે. ને નવી નવી યાત્રાનો રસિક રોમાંચ છે. આવું નથી એટલે આપણે ત્યાં સંન્યાસીઓ બહુ છે, પણ સત્ય-સાત્વિકતા-સદાચાર નથી. મંદિરો વધે છે, પણ માણસાઈ વધતી નથી!

lotus_by_mattthesamuraiઆવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો – પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે? એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતા માણતા બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!

પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને. બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !

પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાાતિ, ધર્મ, રાજકીય પક્ષો કે પૈસાપાત્ર કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. ડેવિડ ફિન્ચરની ‘ફાઇટ ક્લબ’ ફિલ્મમાં આ આંધળી બહેરી અને લાઉડ બોલકી એવી રેસમાં ઘૂટન અનુભવતા સેન્સિટીવ થિકિંગ સોલની કાળઝાળ વેદના હતી. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં…. બસ, એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે ?

સ્ટોપ. એન્ડ થિંક. બધા વ્હાઇટ કોલર જોબ/ પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડી. ધર્મ- જ્ઞાાતિ, સંસ્કૃતિને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણે કોઈ ભયાનક મંદી નથી જોઈ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૃટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. બકૌલ ફાઇટ ક્લબ, વી આર મિડલ ચિલ્ડ્ર્ન ઓફ હિસ્ટ્રી. નો પર્પઝ ઓર પ્લેસ !

આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. બધા સામુહિક સપના જોયા કરે છે, ટિકિટના પૈસા વસૂલતા બિઝનેસ મોટીવેટર્સે ઉધાર આપેલા કે એક દિવસે આપણે બધાં કરોડપતિ થઈ જઈશું, બધા ફેમસ રોકસ્ટાર થઈ જઈશું, બધાની લાઇફમાં ફિલ્મી હીરો- હીરોઇન જેવા પાર્ટનર્સ આવશે, આપણા બાળકો સુપર સેલિબ્રિટી જ બની જશે.

પણ આવું થવાનું નથી. સ્કૂલોથી પોલિટિક્સનો કોર્પોરેટ પ્રોફિટ વધ્યા કરશે. પણ તમામેતમામ ભૌતિક સંપત્તિમાં ગરીબથી અમીર, ગુમનામથી નામંકિત થઈ શકવાના નથી. કારણ કે, બધા એકસરખા શ્રીમંત હોય એને શ્રીમંતાઈ જ ન કહેવાય. બધા જ ફેમસ થઈ જાય તો ફેન કોણ થાય? એ ફિલ્મમાં તો વાસ્તવના આવા વિરાટદર્શનથી હતાશ નાયક ડલ લાઇફને એક્સાઇટિંગ બનાવવા પહેલા લોહી રેડતી મારામારીના ખાનગી દંગલ યોજે છે.

ઉપરઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જેવો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, એટલે વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે ‘મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.’ એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.

જસ્ટ થિંક, એવી કેવી ઘેલછા કે એકદમ અંગત પોતીકાઓ સિવાય કોઈ નથી જોવાનું, એવા અંદર પહેરવાના બ્રા અને જાંગીયા પણ કોઈકના નામના બ્રાન્ડેડ હોય?! નિજી જીંદગીની- પસંદગી પર એડવર્ટાઇઝીંગની આવી તરાપ? ફ્રી વિલની ચોઇસ પર?

***

૧૯૯૯માં એક ફિલ્મ આવેલી ‘ઇન્સ્ટિન્ક્ટ’ બહુ વખણાઈ કે જોવાઈ નહિ. પણ લાજવાબ, અદ્ભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૃ થાય એવી!

ટોકેટિવ છતાં ઇન્ટરેસ્ટિંગ ફિલ્મનું પ્રિમાઇસ કંઈક આવું છે. એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એ માનસિક અસ્થિર અને હિંસક ગણાયેલા વૃદ્ધને જાલિમ અમેરિકન જેલમાં ટ્રાન્સફર કરાય છે, જ્યાં એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે…

skpl5અને ઉત્તમ કળાની જેમ એ ફ્રેમની બહાર જઈને સવાલો ઉઠાવે છે. એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, ‘આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૃ થયું ત્યારે માણસ જંગલી જોડે રહેતો હતો, એટેલ આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે! આજે તો મહાનગરમાં લૂંટ, બળાત્કાર, ઈજાનું જોખમ જંગલ કરતા વધુ છે!’ (બાપડા પ્રાણીઓને લાગણી તો હોય છે, પણ બેવકૂફ બદમાશ ઇન્સાનોની જેમ એ દુભાતી નથી!)

હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા. એ ખતરારૃપ નહોતા. કારણ કે એ જરૃર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૃરિયાતથી આગળ આવેલી એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.

પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી એને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો.

એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જીંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી,  એટલે એ મારું ધ્યાન રાખતા એમાં ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે… એ સ્વજન હોવાનું સુખ!”

રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને ‘બોસ’ સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને ‘ડ્રીમ ઓફ ફ્રીડમ’ ગમતું નથી.

ડાયરેક્ટર ‘ઇન્સ્ટિંક્ટ’માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે. એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠાવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય. બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ!

યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ. માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય – એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને? તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે. પણ આર્ટિસ્ટ કે રેશનાલીસ્ટ કે કવિ થઈને ફરતા લોકો, જરાક ખોતરો અને વાત એમની ગમતી માન્યતા કે આસ્થાની આવે એ પછી ખાનદાન હોય- કોમ હોય- ધર્મ હોય- વોટએવર એટલે તરત જ જડસુ, હિંસક, રેઝીસ્ટન્સ ડેવલપ કરી લે છે. લાજવાને બદલે ગાજવા લાગે છે. એન્ડ ધેટ્સ ધ પિટી, ધેટ્સ ધ ડેન્જર.

રીડર બિરાદરોને થશે કે, તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય, જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.

બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે ‘ફેક નીડ્સ’થી દૂર રહો. કન્ટ્રોલ ફ્રીક ન થાવ. જીવન મસ્તીથી રસભરપૂર માણો, પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી. મોંઘી કાર લો, તો ય જરૃર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો. ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે! બહુ બધો સંગ્રહ- પરિગ્રહ ન કરો. તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૃરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો. સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ જરા ડિટેચ્ડ રહીને. ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને. સાક્ષીભાવે. 

આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો, પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો. વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ. એક્ચ્યુઅલી, ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી – ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.

રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા ! તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું ! મરતા પહેલા એ કરવું છે? તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી. સ્ટાર્ટ ઇટ ટુડે.  (શીર્ષક પંક્તિ: ઉદયન ઠક્કર)

ફાસ્ટ ફોરવર્ડ

‘પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?’- નફરત? ઉપેક્ષા? ક્રોધ? વેર? હિંસા?… ના. ઓપોઝિટ ઓફ લવ ઇઝ ફીઅર. પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય!

(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર, તારા ગાંધી ભટ્ટાચાર્યજી)

spkl3

————-

સ્પેક્ટ્રોમીટર * જય વસાવડા
ગુજરાત સમાચાર ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭

 
25 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 10, 2017 in cinema, feelings, inspiration, philosophy, Uncategorized

 

કરે છે આગેકૂચ પૂરબહારમાં ફૂલો, નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે !

shakuntala-dushyanta

જો મરવાનું જ હોય
તો અમને વનવગડામાં મરવું છે
ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે
ઇન્ટ્રાવિનસ નીડલને બદલે
વાંસના રોપા શરીરે ભોંકાતા હોય
આસપાસ સગાંસંબંધી નહીં
ચાર-છ ખિસકોલી હોય તો ગમશે
બામણોના મુખે થતા, પંદરમાં અધ્યાયના પઠનને નહીં
ઝાડઝાંખરમાંથી સરી જતા, પવનને સાંભળતાં સાંભળતાં
મરવું છે અમારે
બપોરના પરસેવાયુક્ત આલસ્યમાં
કે રાતની ભેંકારતામાં
મરવાની મજા ન આવે
બ્રાહ્મમુહૂર્ત હોય
અને આંખે ઓસનાં આંસુ બંધાતા હોય
તો છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા કાઢે ને
એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ
પણ આવું બધું કહીશું તો માનશે કોણ ?
વ્યવહારકુશળ સજ્જનો છૂપું હસશે
પંડિતો ઠપકારશે કે વત્સ,
મરવા જેવી ચીજમાં, સ્થળ અને સમયની આસક્તિ રાખો છો ?
તો હવે ગઝલ સ્વરૃપે કહી જોઈએ
પ્રાસના વિશ્વાસ સાથે
છંદ પ્રબંધ સાથે
કદાચ અમારી વાત કોઈ સિરિયસલી સાંભળે….

પરોઢે પહેલા કલરવમાં, મને ચુપચાપ મરવા દો
ઉષાના મંગલોત્સવમાં, મને ચુપચાપ મરવા દો
શિયાળામાં પડયા રહી, ઓસભીની લાલ માટી પર
અહીં તરણાના નીરવમાં, ચુપચાપ મરવા દો
જુઓ ત્યાં પગલીઓ મૂકી, પવન પર ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં, મને ચુપચાપ મરવા દો
પવનની પ્યાલી અડક્યાથી, તૃણોના ઓષ્ઠ પલળ્યા છે
આ ઝાકળભીના આસવમાં, મને ચુપચાપ મરવા દો
આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં, મને ચુપચાપ મરવા દો

ઉદયન ઠક્કરની આ કવિતા વસંતપંચમીએ કરવા જેવી પ્રાર્થના સમાન છે. કવિ અહીં પ્રકૃતિના ગોદમાં મોત માંગે છે. વિદાયનો પણ વૈભવ બનાવે, એ લાગણીનું નામ છે વસંત !

એક્ચ્યુઅલી, ભારતીય સંસ્કૃતિના નામે મેસેજીઝની ઠોકાઠોક કરનારા એટલું ય જાણતા નથી કે, વસંતના વધામણા ફાગણ સાથે થાય. આપણી મોસમમાં પણ ચાલીસ દિવસ પહેલા ઋતુનું ગર્ભાધાન થાય (પ્રસવ સવા મહિને થાય એ બાદ !) એની વૈજ્ઞાાનિક વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ વસંતપંચમી વહેલી ઉજવાઈ જાય ! ટેકનિકલી, ફાગણી પૂનમ પછી ધૂળેટી સંગાથે વસંત શરૃ થાય. અત્યારે તો શિશિર ચાલે છે.

જો ભારતીય પંચાંગ ખબર હોય તો મોબાઇલ પર ‘નેચરલ સીનસીનેરી’ના ફોટો જોઈને હરખાતી પ્રજા મોબાઇલ સ્વીચ ઓફ કરી નેચરની સાથે થોડી મિનિટો મૌન બેસી નથી શકતી. બસ, નીરખવાની પ્રકૃતિને, આપણી આસપાસની સચરાચરની સૃષ્ટિને. પવનની લહેરખી પાંદડાઓને ડોલાવે તે જોવા અને સાંભળવાનું, લીલા ઘાસ સાથે પગના ખુલ્લાં તળિયા ઘસવાના, ફૂલોની કોમળ પાંદડીઓથી આંગળીને ટેરવે ઝાકળના ટીપાં ફોડવાના. આકાશના બ્લ્યુ બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ કલાઉડસની લસરકે અદ્રશ્ય ચિત્રકારે દોરેલા રેન્ડમ પેઇન્ટિંગ્સ માણવાના. નદી તળાવના પાણીમાં ઉઠતા વમળો પર હળવેકથી ચાલી જતું કોઈ ઢાલીયું જીવડું જોતાં જોતાં વહેતી-ટપકતી જળધારાઓનો કલકલ ધ્વનિ સંભળવાનો ! ટાગોરના શબ્દોમાં કુદરત પાસેથી પ્રેમ કરવાની કળાની દીક્ષા લેવાની.

વસંતપંચમી આજે લગ્નનું મુહૂર્ત થઈ ગયું, પણ ભારતીય જનજીવનમાં એ પ્રેમ કરવાની મોસમ હતી એટલે શિયાળો સાવ ગયો ન હોય અને ગુલાબી ગુલાબી ઠંડી હોય, ઉનાળો સાવ આવ્યો ન હોય પણ જરાતરા ગરમાટાવાળી હૂંફ હોય અને આ સમય છે, પ્રેમીઓનો (પતિ-પત્ની હોવું ફરજીયાત વસંતવિહારના સંસ્કૃત સાહિત્યના ઉલ્લેખો મુજબ નથી. પ્રિયજનો જ છે, એકબીજાને ગમતા હોય અને પરસ્પર સંબંધ હોય એવા યુવક-યુવતીઓ)નો આનંદમય પ્રણયક્રીડા કરવાનો ! ફીલિંગ હોર્ની અનુભવવાનો.

સંસ્કૃત ગ્રંથ ‘રસમંજરી’નો શ્લોક છે આખો જોડાક્ષરોથી બનેલો હોઈને ટાઇપ કરેલો વાંચવામાં ય આંખોના લોચા વળી જશે. પણ ‘પ્રેમે દિદ્દક્ષા રમ્યેનું….’થી શરૃ થઈ ચોથા ચરણમાં ‘ક્રીડાસંયોગ : સપ્તધા સમાત્’થી પૂરો થાય છે. એમાં ડેફિનેશન છે : રમણીય અને સુંદર, મનગમતી વ્યક્તિને જોયા કરવાની ઇચ્છાથી પ્રેમ શરૃ થાય છે. તેની (અને તેનો સાથ રહેવાની) ચિંતા થાય એ અભિલાષા થયા કરે. બુદ્ધિ બધા તર્ક-વિચાર છોડીને એના રાગ (મોહ)માં આસક્ત (એટેચ્ડ) થઈ જાય. એ ખેંચાણ એટલું તીવ્ર થાય કે પછી થોડોક વિયોગ-જુદાઈ પણ અસહ્ય થાય અને જીરવાય નહિ. એ પ્રણયનો સ્નેહતાંતણો અને એમાંથી કામદેવ અને પત્ની રતિના મૈથુન/ લવમેકિંગ પરથી આવેલો સેકચ્યુઅલ મેટિંગનો શબ્દ ‘રતિક્રીડા’ની ઇચ્છા જાગૃત થાય ! એકમેકમાં ગૂંથાઈ-પરોવાઈને પીગળી જઈ એકકાર થવાની એ સમાગમ થાય… – આ આખી ઘટના જાણે શેરડીના સાંઠામાંથી રસ, તેમાંથી ગોળ, ખાંડ, મોલાસીસ એમ રૃપાંતર થાય એમ પ્રેમના વિવિધ તબક્કા આકર્ષણથી મિલન સુધી પહોંચે એને શૃંગારરસ કહેવાયો છે ! આ ય શાસ્ત્રોક્ત છે, જો વેલેન્ટાઇન્સ ડે પડતો મૂકી ભારતીય પ્રેમોત્સવ વસંતપંચમીએ મનાવવો હોય તો !

શાસ્ત્રો પરથી યાદ આવ્યું. રાજામાંથી ઋષિ બનેલ ભર્તૃહરિએ સુખ્યાત ‘માલતી શિરસિ જુમ્ભણં…સ્વર્ગ એશ : પરિશિષ્ટ આગમ : ‘ વાળો શ્લોક ‘શૃંગાર-શતક’માં લખ્યો છે. માથા પર માલતીના પુષ્પોની માળા (મતલબ સજાવટ-સુગંધ), મુખમાં કેફી ઘેનની ફુરસદના બગાસા, દેહ પર કેસર ઘોળેલા ચંદનનો લેપ, અને છાતી પર પડેલી માદક મસ્તીના મૂડમાં રહેલી પ્રેયસી-સ્ત્રી-આને જ સ્વર્ગ કહેવાય. બાકીના શાસ્ત્રો તો પરિશિષ્ટ યાને વધારાના, બિનજરૃરી છે ! ક્યા બાત !

ભર્તૃહરિએ વૈરાગ્ય શતક પણ લખેલું એવું જનમઘરડાઓ યાદ દેવડાવશે. એમને જત જણાવવાનું કે પહેલા ભોગ માણ્યા બાદ, એમને વૈરાગના વિચાર આવેલા. આપણી નવી પેઢીને તો ધરાર સામાજીક ઠેકેદારો શૃંગારના કોઈ અનુભવ વિના જ વૈરાગી બનાવવા ઉપર તૂટી પડયા છે. પ્રેમ ન કરતો સમાજ પછી વ્હેમમાં આવીને હિંસા જ કરવા લાગે !

એવું નથી કે કેવળ સંસ્કૃતવાળો હાઇ-ફાઇ, ઉમરાવ ભદ્રવર્ગ જ આવું વિચારતો. આપણા લોકસાહિત્યના દોહરા જોઈ લો. ‘સૂરજ ઢલતે દેખ કે, ચકવી બૈઠી રોઈ…ચલો, ભયા ઉણ દેશ મેં (જહાં) રૈન કભી ન હોઈ !’ અજવાળામાં દિવસે મિલન શક્ય, પણ રાત પડયે પાછા વિખૂટાં પડવું પડે એવા ( કોલેજીયન) પ્રેમીઓની વાસંતી વ્યથા અહીં છે. તો સામે પક્ષે કાઉન્ટર દોહરો છે. સજ્જન સકાળે જાયેંગે, નૈન ભરેંગે રોય…બિધ ! તું ઐસી રૈન કર, ભોર કભી ન હોય ! સાંજ પડયે વિરહિણી પ્રિયા આનંદમાં આવે છે કે આખો દિવસ ઘરની બહાર રહેતો પિયુ મને હવે મળશે, પણ સવાર પડયે વિલાસ છોડી પાછો ચાલ્યો જશે, તો આવી સવાર કદી પડે જ નહિ એવી જ પ્રાર્થના વિધાતાને કરવાની !


એટલે જ રમેશ પારેખે વાસંતી રતિવૃત્તિને વધાવતી કવિતા લખી હશે : બાંધી ન બંધાઈ કંચૂકીમાં એની પોટલી, વક્ષ ચડિયાતાં થયા ગુલમહોર મ્હોર્યા એટલે…! વાયુ અણિયાળો થયો, તેની ય ના પરવા કરી, મન ઉઝરડાતાં થયા ગુલમહેર મ્હોર્યા એટલે !…શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના-પર્વ ઉજવાતાં થયા, ગુલમહોર મ્હોર્યા એટલે!….કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વ્હેવું ‘રમેશ,’ ભાન ડહોળાતાં થયા, ગુલમ્હોર મ્હોર્યા એટલે ! વાહ, શબ્દ અને શરીર બે ય કોશની બહાર ઉજવાતું પર્વ એટલે પરસ્પરના જીન્સી આવેગનો પ્રેમ !


પુંકેસર અને સ્ત્રીકેસરની પરાગરજથી ખીલેલા ફૂલો પર એની પ્રજનન માટે ઉન્મત્ત સુગંધથી આકર્ષાયેલી મધમાખીઓનું ઝૂંડ આવી ચડે એટલે ભારતમાં વસંતની મોસમને ‘મધુમાસ’ કહેવાયો. શિવે ક્રોધમાં ભસ્મ કર્યા પછી વરદાન આપીને ‘અનંગ’ (મિસ્ટર ઇન્ડિયા જેવા ઇન્વિઝિબલ) રૃપે સજીવન કરેલા કામદેવનો હેપી બર્થ ડે, એટલે વસંત પંચમી ! માટે પોતાને ધર્મની વિરુદ્ધ ન હોય એવો કામ (એટલે અહીં ધર્મ માને સોશ્યલ કોડ ઓફ કન્ડકટ માટે બળાત્કાર-છેતરપિંડી-બળજબરી જેમાં ન હોય એવી કામવૃત્તિ, યાને રસિકતા) કહેનાર કૃષ્ણ જ પોતે વસંત છે, એવું ગીતામાં કહે છે. આ સરસ્વતીપૂજનનું પણ પર્વ છે. અને બેંગાલુરૃની ઘટના જેવા વાસનાલોલુપ લાળટપકાઉ ફિમેલ મોલેસ્ટેશન કરનારાઓ માટે લગ્ન વિનાના મુક્ત પ્રણયના હિમાયતી કાલિદાસે પણ ‘અભિજ્ઞાાન શાકુંતલમ’માં વોર્નિંગ સાઇન્સ આપી છે.


પ્રકૃતિપ્રેમી શકુંતલાને ભોળી હરણી અને એના પર મોહિત થઇ (પછી એને ભૂલી જતા) રાજા દુષ્યંતને ભમરાની સાથે કાલિદાસે સિમ્બોલિકલી જોડયા છે. શકુંતલા એટલી સેન્સિટિવ છે કે ફુલો ચૂંટીને તોડતી નથી, પણ નીચે ખરેલા શિરીષના પુષ્પો પોતાની માળા અને વેણી માટે લે છે, કાનમાં ઈયરિંગ્સની જગ્યાએ પહેરે છે. અને વિચારે છે કે ભોગી પુરૃષો વિલાસ પછી જે રીતે સ્ત્રીને તરછોડી દે, એવી જ (અવ)દશા આ ખરેલા ચીમળાતા પુષ્પોની છે ! અને એક દ્રશ્યમાં તડપીને શકુંતલાને યાદ કરતો પ્રેમી દુષ્યંત એનું ચિત્ર બનાવે છે, ત્યારે મૃગના શિંગડાની અણીએ પોતાની આંખ સાફ કરતી મૃગી (હરણી) બતાવે છે. મતલબ, સહવાસમાં એવો વિશ્વાસ હોવો જોઇએ કે હરણ શિંગડાને સ્થિર રાખશે એ ભરોસે હરણી આંખ ખંજવાળે છે ! આ છે ભરોસો પેદા કરતો (પ્રેમ)ભાવ ! બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં : ‘વસંતઋતુ આવી મારા વ્હાલા, રંગભર ફાગ રમાડો… કાનકુંવર કરૃણાના સાગર, પૂરણ રસ દેખાડો !’


અને માટે જ શીર્ષક પંક્તિમાં કવિ હિતેન આનંદપરા યૌવનના આનંદી મિજાજને સાંજ પડયે ખીલેલા દેખાતા બગીચામાં જોતા હોય એવી પંક્તિઓ રચે છે, હર્ષદ ચંદારાણા આ પ્રણયપર્વને ક્લિક કરી લેતા લખે છે : હોય મારી બાજુમાં તું, એ પ્રસંગો ઝડપવા… ફૂલના કેમેરા લઇ નીચા વળે છે ગુલમહોર ! જેબ્બાત !

***

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત આવે ત્યારે સ્ટ્રેપ્ટોમાઇસીસ નામના બેક્ટેરિયા ‘જીઓસ્મિન’ નામના રસાયણનો સ્ત્રાવ કરે છે. જેને લીધે પશ્ચિમમાં આપણે ત્યાં વરસાદમાં જે ભીની માટીની સુગંધ આવે એવી મહેક આવવાની શરૃ થઇ જાય છે. પછી તો ત્યાંની પાનખર બાદ નવા તાજાં લીલા પાન આવે કે પંખી-પશુઓના બચ્ચાંઓ દેખાવ એટલે સ્પ્રિંગટાઇમની તિતલીમય છડી પોકારાઇ જાય. શિયાળાના દિવસો ટૂંકા હોય, પણ વસંતથી દિવસો લંબાય, એ છોડની ‘સર્કાડેયન રિધમ’ને ખબર પડી જાય, કારણ કે લીલા પાંદડામાં ફોટોરિસેપ્ટર્સ હોય, જે પ્રકાશ બાબતે સેન્સિટીવ હોય.

એક થિયરી એવી પણ છે કે, ડૉપામાઇન નામનો દિમાગનો મેજીકલ કેમિકલ જે આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને યાદશક્તિ માટે કારણભૂત ગણાતો હોય છે, એ વસંતના આગમન સાથે યુવાનોમાં વધુ પ્રમાણમાં ઝરે છે. કારણ કે, એનો સંબંધ સૂર્યપ્રકાશ સાથે છે ! (ભારત જેવા દેશોમાં તો કૂણા તડકાવાળો શિયાળો પણ એ રીતે જરા રોમેન્ટિક જણાય !) એટલે જ વસંતપંચમી અને વેલેન્ટાઇન ડે જેવા યૂથ ફેસ્ટિવલ્સ એક જ ગાળામાં આવતા હશે ? પોઝિટિવ યૂથફૂલ એનર્જીનું પ્રમાણ આ ફેબ્રુઆરીમાં વધારે હોય એટલે ?

ડેફિનિટલી, સર્કાડયન રિધમ એટલે ૨૪ કલાકના દિવસમાં ક્યારે સ્ફૂર્તિ-મૂડ વધુ હોય અને ક્યારે સુસ્તી-આળસ વધે, ઝોલાં આવે એ બોડી ક્લોકની સાયકલ પર તો વસંતની અસર થાય જ. વિનિયલ ગ્લેન્ડ ગ્રંથિમાંથી ઝરતો મેલાટોનીન હોર્મોન ડાર્કનેસ (અંધારુ) વધે, એમ ઘેન વધારી આપણને ઊંઘાડી દે ! એના લેવલમાં ગરબડ થાય તો ધ્યાન (ફોક્સ) અને યાદશક્તિ પર અસર થવા લાગે. જો આપણે પરાણે લાઇટો ચાલુ રાખી ઉજાગરા વેઠી મોબાઇલ મચડયા ન કરીએ, તો વસંતમાં એ એકદમ સંતુલિત રહે ! એટલે આ ‘રિજુવિનેશન’ની મોસમ ગણાઇ હશે ? આમ પણ ચોમેર રંગબેરંગી ફૂલો હોય તો મૂડ મસ્ત ક્રિએટિવ જ રહે ને !

પણ ‘નવપલ્લવિત’ (રિજુવિનેટનું ભાષાંતર, બડી) થવાને બદલે જો દિલોદિમાગ પર ધૂળ બાઝી જાય તો ? કુદરત પાસેથી માણસ શીખતો નથી કે રૃટિન બ્રેક કરતાં રહેવું જોઇએ, મોસમ બદલાતી રહેવી જોઇએ ! નહિ તો ધીરે ધીરે લાઇફ મોનોટોનસ અને મિકેનિકલ થઇ જાય. પછી વસંતપંચમીએ કંકોત્રી છપાવનારા એકબીજાને નોટિસો મોકલતા થઇ જાય ! માણસ થોડો બોર-જામફળ છે કે તોલમાં જ એને જોખવાનો હોય ? એ તો મોગરો-આંબો છે, જે ઊભા ઊભા પોતાની સુવાસ આસપાસ ફેલાવી દે !

માટે વસંત એટલે બી લેઝી, બી ક્રેઝી, બી ઈઝી) ! થોડો આરામ, થોડી મસ્તી, થોડી સરળતા. થાક ખંખેરીને ભીતરથી ખીલવા અને ખુલવાનું રિમાઇન્ડર. ભૂલકાંઓ જેવું કૂતુહલ અને પતંગિયા જેવી ચપળતા. બહાર ચોંટાડીને ફરીએ છીએ એ પ્લાસ્ટિકનું સ્મિત ક્યારેક ઘરના જ પાર્ટનર સામે અનાયાસ ફરકાવીને આંખ મિચકારી લેવાની ઋતુ ! વિરાટ કોહલીનું પૌરૃષ અને સની લિયોનીની માદકતાને ઉજવી લેવાની સીઝન.

અને એ યાદ રાખવાનું કે માણસોને લિબરલ કહી મજાક કરી ઉતારી પાડો, પણ પ્રકૃતિનો મેસેજ તો ઈશ્વર સેન્ડ કરે છે, એ ચિત્તને ક્લિક કરી વાંચો ! કોમળ, સુંદર ફૂલોને યૌવન અને રંગ આપતી વખતે ધરતી એમાં કાંટા મુકતી નથી. નહિ તો એની નાજુક પાંદડીઓ ચીરાઇ જાય. પણ એ ફુલોના રક્ષણ માટે કુદરત સિક્યોરિટી ગાર્ડ જેવા અણીયાળા કાંટા રાખે છે. જેથી કોઇ અળવીતરાં અધૂરિયા કે લુચ્ચા લુખ્ખા એ યુવાપુષ્પોને નડે કે કનડે નહિ. એમને તોડે-મરોડે નહિ, એમને મસળે કે રગદોળે નહિ !

આ ફુલો એટલે યૌવનમત્ત યુવતીઓ, આ ફૂલો એટલે ટ્રાન્સપેરન્ટ ટીનએજર્સ, આ ફૂલો એટલે સમાજના સાચા સર્જકો, આર્ટીસ્ટસ. આ બધા કીમતી છે. એને પવને ઝૂલાવવાના છે, પાણી-પ્રકાશ આપી પોષવાના છે. કચડવાના નથી, તરછોડવાના નથી, મારવા-કૂટવાના કે મોલેસ્ટ કરવાના નથી. કારણ કે, એ સંસારની વસંત છે. નમણી રમણીઓ જીવનમાં ઉલ્લાસ પૂરે છે. બાગ ખેદાનમેદાન કરો, તો એનું સૌંદર્ય માણી ન શકો. સૌંદર્યનો ઉત્સવ હોય, એને બળજબરી કરી ઉકરડો ન બનાવાય. તરૃણો-ટીન્સ આઝાદીથી પોતાની જવાની માણવા ભોગવવા ઈચ્છે છે, કારણ કે રિઝર્વ બેંકની તમામ નોટો ભેગી કરીને પણ તરોતાજા જવાનીનો એ તરવરિયો થનગનાટ ખરીદી શકાતો નથી ! કલાકારો જીંદગીને એમની કળા – ચિત્ર, સંગીત, અભિનય, સિનેમા, શિલ્પ, લેખન, નૃત્ય વગેરેથી કંટાળાજનક બનતી અટકાવે છે. મનોરંજન અને મનોમંથનના વિસામા આપે છે.

સો-દોઢસો મવાલીઓ ઓછા થશે તો બીજા એવા જ હજારો ઊભરાયા કરે છે, પણ એક સર્જકની સર્જકતા એન્ટીલિબર્ટી કોમવાદી – ધાર્મિક – જ્ઞાાતિવાદી – પરંપરાવાદી માનસ તોડી નાખે, એનું રિપ્લેસમેન્ટ ફોરવર્ડેડ સોશ્યલ નેટવર્ક કોમેન્ટસથી થઇ શકતું નથી. ‘હેતુ’થી પોલિટિકલ પ્યાદાંઓ બનનારા એટલા વધી ગયા છે કે સંતત્વના નામે વસંતત્વનો ‘સેતુ’ બનનારાઓને પરેશાન કરતા જ રહે છે ! સાચેસાચી સમસ્યા ઉકેલવાના બદલેએ કલાકારોની પાછળ પડી એમના પંથ પર કાંટા વિખેરવામાં વિકૃત આનંદનો વિજયનાદ કરે છે. આ પરાક્રમ નથી, ચક્રમવેડાં છે. જ્યાં પૂર્વગ્રહની નફરત હોય ત્યાં વસંત મૂરઝાઇ જાય. પછી નવું કશું ખીલે જ નહિ. જિંદગી બંજર-વેરાન થઇ જાય. રમ્ય ઉદ્યાન ઉજ્જડ રણ બની જાય !

માટે કાંટા બની ફૂલોને પીંખવાને બદલે, કંટક તરીકે એના રક્ષણનો સંકલ્પ લઇએ, એ ય વસંતપંચમીની શુભ સરસ્વતીપૂજા છે. ગુટકાથી ગોલમાલ સહન કરી લેતો દેશ આજે સહજ પ્રેમની મુક્ત અભિવ્યક્તિને ‘ટૉલરેટ’ કરી શકતો નથી. જો સ્નેહપ્રદર્શનની મોકળાશ જ ન આપો તો આયાતી વેલેન્ટાઇન્સ ડે યંગથીંગ્સને અંદરખાનેથી આકર્ષ્યા જ કરશે. એનો વિરોધ રૃઢીજડ પછાતપણું દર્શાવે છે, જે ભારતનો અસલી વારસો નથી.

છોકરા-છોકરી પ્રેમની વાસંતી ક્ષણો માણે, એનાથી માનવસંસ્કૃતિના આનંદનો પિંડ બંધાણો છે. એના વિલન બનવામાં બહાદુરી નથી, બદમાશી છે. ઈશ્કની ઈર્ષા અનુભવતો સમાજ ચંપક થાય, ચેમ્પીયન નહિ. લૅટ ધેમ બ્લોસમ. યૌવન એટલે વસંતનું વન. પ્રણયક્રીડા તો સ્પ્રિંગનું સ્પ્રિંકલર છે. નહીં તો શું આદર્શના અને ભક્તિના સ્લોગનો ગોખીને જ મરી જવાનું છે ? પાર્કિંગના ગાર્ડ બનવાને બદલે પાર્કના ગાઇડ બનવાની ટેવ રાખો ! શરમના ધોકાને બદલે શાબાશીનો ધબ્બો મારી મૈત્રીમહોત્સવ કરતાશીખો !

મનનો મેલ નીતારશો, તો તનને મળશે શુભ વસંતપંચમી ! વોલ્ટ વ્હીટમેનની ભાષામાં આઈ સેલિબ્રેટ માયસેલ્ફ એન્ડ સિંગ માયસેલ્ફ !

ઝિંગ થિંગ

जहां में फिर हुई ऐ ! यारों आश्कार बसंत
हुई बहार के तौसन पै अब सवार बसंत
निकाल आयी खिजाओं को चमन से पार बसंत
मची है जो हर यक जा वो हर कनार बसंत
अजब बहार से आयी है अबकी बार बसंत

जहां में आयी बहार और खिजां के दिन भूले
चमन में गुल खिले और वन में राय वन फूले
गुलों ने डालियों के डाले बास में झूले
समाते फूल नहीं पैरहन में अब फूले
दिखा रही है अजब तरह की बहार बसंत

दरख्त झाड़ हर इक पात झाड़ लहराए
गुलों के सर पै बुलबुलों के मंडराए
चमन हरे हुए बागों में आम भी आए
शगूफे खिल गए भौंरे भी गुंजन आए
यह कुछ बहार के लायी है वर्गों बार बसंत

कहीं तो केसर असली में कपड़े रंगते हैं
तुन और कुसूम की जर्दी में कपड़े रंगते हैं
कहीं सिंगार की डंडी में कपड़े रंगते हैं
गरीब दमड़ी की हल्दी में कपड़े रंगते हैं
गर्ज हरेक का बनाती है अब सिंगार बसंत

कहीं दुकान सुनहरी लगा के बैठे हैं
बसंती जोड़े पहन और पहना के बैठे हैं
गरीब सरसों के खेतों में जाके बैठे हैं
चमन में बाग में मजलिस बनाके बैठे हैं
पुकारते हैं अहा! हा! री जर निगार बसंत

कहीं बसंत गवा हुरकियों से सुनते हैं
मजीरा तबला व सारंगियों से सुनते हैं
कहीं खाबी व मुंहचंगियों से सुनते हैं
गरीब ठिल्लियों और तालियों से सुनते हैं
बंधा रही है समद का हर एक तार बसंत

जो गुलबदन हैं अजब सज के हंसते फिरते हैं
बसंती जोड़ों में क्या-क्या चहकते फिरते हैं
सरों पै तुर्रे सुनहरे झमकते फिरते हैं
गरीब फूल ही गेंदे के रखते फिरते हैं
हुई है सबके गले की गरज कि हार बसंत

तवायफों में है अब यह बसंत का आदर
कि हर तरफ को बना गड़ुए रखके हाथों पर
गेहूं की बालियां और सरसों की डालियां लेकर
फिरें उम्दों के कूंचे व कूंचे घर घर
रखे हैं आगे सबों के बना संवार बसंत

मियां बसंत के यां तक रंग गहरे हैं
कि जिससे कूंचे और बााार सब सुनहरे हैं
जो लड़के नाजनी और तन कुछ इकहरे हैं
वह इस मजे के बसंती लिबास पहरे हैं
कि जिन पै होती है जी जान से निसार बसंत
बहा है जो जहां में बसंत का दरिया
किसी का जर्द है जोड़ा किसी का केसरिया
जिधर तो देखो उधर जर्द पोश का रेला
बने हैं कूच ओ बााार खेत सरसों का
बिखर रही है गरज आके बेशुमार बसंत

‘नज़ीर’ खल्क में यह रुत जो आन फिरती है
सुनहरे करती महल और दुकान फिरती है
दिखाती हुस्न सुनहरी की शान फिरती है
गोया वही हुई सोने की कान फिरती है
सबों को ऐश की रहती है यादगार बसंत

(नज़ीर अकबराबादी १८ वीं शताब्दी  )

spring-2-copy

~ જય વસાવડા ( ગુજરાત સમાચાર, અનાવૃત * ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ )

 
6 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 4, 2017 in art & literature, romance, youth

 
 
%d bloggers like this: