આ ફોટો ૭ એપ્રિલે ફેસબુક પર મુકાયો પછી જોતજોતામાં વાઇરલ થઇ ગયો છે. ફોટો બ્રાઝિલનો છે. (નેચરલી!) ઈસ્મત ચુગતાઇની ‘લિહાફ’ વાર્તાથી દીપા મહેતાની ‘ફાયર’ સુધીની કૃતિઓ એમાં સ્કીન ટાઇટ શોર્ટસ પહેરીને દુનિયાની પરવા વિના પબ્લિકલી સ્કીન ટુ સ્કીન વળગેલી બે લલનાઓની લીલા જોઇ રહ્યા હોત તો આ ખાસ ધ્યાન દઇને આગળ વાંચો! આ તસવીર લેનાર અને મુકનાર ભાઇ નેલ્સન ફિલીપીએ શું લખ્યું એની સાથે? એમના જ શબ્દોમાં ઃ
”આઇ એમ નોટ પ્રેજ્યુડાઇસ્ડ. હું કોઇ પૂર્વગ્રહપીડિત નથી. હું માનું છું કે દરેકને પોતે જે ઈચ્છે તે એની જીંદગીમાં કરવાનો અધિકાર છે. પણ મને લાગે છે કે આવું દ્રશ્ય નજરોનજર જોવું એ તો ભારે વિચિત્ર કહેવાય. કોઇ ખાનગીમાં જે કંઇ કરે એ એમનો મામલો છે. પણ જાહેરમાં જે થાય એની મને ચિંતા છે. અને છડેચોક આવો સીન જોઇને હું એને નોર્મલ તો ના જ કહી શકું.
હું કોઇના માટે ખરાબ કશું કહેવા માંગતો નથી. પણ લોકોએ જરા ધ્યાન રાખવું જોઇએ. સમાજના પ્રચલિત નિયમોને તોડવા એ બહુ ખતરનાક છે. આનો અંજામ કરુણ આવે તો જવાબદાર કોણ? હું તો નહિ જ ને!
એથીએ ખરાબ વાત તો એ કે બાળકો પર કેવું ઉદાહરણ પડે? જે બાળક રોજ આવા દ્રશ્યો જોતું હશે એના મનમાં શું વીતતું હશે? બાળકો એવું વિચારતા જ મોટા થાય ને કે, ટ્રેન માટે રાહ જોતી વખતે યેલો લાઇન / પીળા પટ્ટાની અડોઅડ ઊભવું એ સામાન્ય બાબત છે. માટે ત્યાં ઊભેલા પેલા શખ્સ તમે થતા નહિ મહેરબાની કરીને. આ બેઉ ડાહી છોકરીઓનાં ઉદાહરણમાંથી પ્રેરણા લો.. ટ્રેનની રાહ હંમેશા યેલો લાઇનથી દૂર ઊભા રહીને જ જોવી, અને જ્યારે ટ્રેન આવીને ઊભી રહે અને દરવાજો ખુલે એ પછી પીળો પટ્ટો ઓળંગવો!”
બોલો, આંખ મારવાના ચાર-પાંચ સ્માઇલી ઠઠાડી દેવાનું મન થાય છે કે નહિ!? નેલ્સનભાઇ સિરિયસલી ફની મૂડમાં છે કે સિલી સિરિયસ થઇ ગયા છે એ જીસસ જાણે. પણ ઈરાદાપૂર્વક કે અજાણતા જ એમણે કમાલની હ્યુમર અન્ડરપ્લે કરી નાખી છે. આમ તો, બ્રાઝિલમાં આ બધું જ પબ્લિકમાં નોર્મલ એટલું ગણાય છે (એટલે યેલો લાઇન પર ઊભવાની વાત નથી થતી. પણ પેલી માદક માનુનીઓના માશૂકાના અંદાજના બિન્દાસપણાની વાત છે રે!) કે ફોટામાં જુઓ તો કોઇ એ તરફ જોતું ય નથી ટીકી ટીકીને. આપણે તો સગા પતિપત્ની સ્ટેશન પર કમરમાં હાથ નાખીને ઊભા હોય એવી નેચરલ ઘટનામાં ય હોબાળો થઇ જાય!
પણ નેલ્સનભાઇએ પ્રેમના પબ્લિક ડિસ્પ્લે સામે ધોકો તાણીને ઊભા રહેતા મર્યાદામોન્સ્ટરોની આબાદ ફિરકી લઇ નાખી છે. અહીં એમનું ચિત્ત જ અવળી જગ્યાએ ઝટ ચોંટે છે, ને પાછા કકળાટ એવો મચાવે કે હાય તોબા ફલાણા કેવા સેક્સક્રેઝી છે! શેઇમ ઓન યુ. યુ ડર્ટી માઇન્ડ! ખીખીખી.
પીડીએ.
***
ના, પર્સનલ ડિજીટલ આસિસ્ટન્ટ એ શબ્દ પ્રયોગ તો જૂનો થઈ ગયો. અને મોબાઈલે પેલી ડાયરી-ફાયરીઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. પણ આ શબ્દ છે – પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન. યાને જાહેરમાં સરેઆમ પ્રણયચેષ્ટાઓ.
હં હં હં, એમ પૂંછડી આગળ ફટાકડો ફોડયો હોય એવી આખલાની પેઠે ભડકી ન જાવ. પીડીએ યાનિ કિ, છાશવારે જેની બાબતે કચકચ સંસ્કૃતિરક્ષકો કર્યા કરે છે, એ પ્રેમી યુગલોની પાર્ક કે રોડ પર એકબીજાને ચૂમવા અને વળગવાની આઝાદી પણ હજુ તો અહી પોતાની ચોઇસથી યંગથિંગ્સને કપડાં પહેરવાની પણ આઝાદી નથી ત્યાં આ બાબતે તો જનઆંદોલન થાય એ પણ સપનું છે. બાકી, જીંદગી આખી કંઇ બંધ દીવાલો વચ્ચે ખાનગીમાં જ વીતાવી દેવા માટે નથી. પાર્કમાં કે ખેતરમાં, ખુલ્લા આકાશ અને ઉછળતા ફુવારાઓ વચ્ચે, ઊડતા પંખીઓ અને લહેરાતી વૃક્ષોની ઘટાઓ તળે જો પ્રિયજનને બાહુપાશમાં લઇ પડયા રહેવાનો, કે એના વાળમાં આંગળીઓ પરોવી એને ચૂમવાનો આનંદ ન મળે, તો શું આ પ્રકૃતિને, આ રોનક, આ ઝગમગાટને મરતી વખતે પોટલું બાંધીને જમા બચત તરીકે સાથે લઇ જવાનો છે?
બેઝિકલી, વી આર નોટ રોમેન્ટિક સોસાયટી સિન્સ લોંગ. મમ્મીઓ માત્ર ત્યાગ અને સેવાની મૂર્તિઓ હોય એવું જ ઠસાવી દેવું આપણને ગમે છે. જાણે મમ્મી કદી જુવાન પ્રેયસી હોય જ નહિ! (તો બાળકની માતા કેવી રીતે બની? બેથેલહેમના ચમત્કારની જેમ કે?) એટલે પ્રેમનો એક નશો, એક ખુમાર હોય – જેમાં એકબીજાને મળવાનું, એકબીજામાં ઓગળવાનું બહુ બધું મન થતું હોય – અને બધી જ મજાઓ કંઇ સેક્સ એક્ટની જ નથી હોતી.
ધેર ઈઝ સમથિંગ કૉલ્ડ ફોરપ્લે. પોતાના પાર્ટનરના દેહને ફીલ કરવો, પંપાળવો, સ્પર્શવો. એના મખમલી કે બરછટ શરીરની હૂંફ કરીબથી મહેસૂસ કરવી. અંદરના કુદરતી ઉમળકાને સામેનાની સંમતિથી માણવો. સુખને અંધારા બંધ કમરાની ચંદ મિનિટો સુધી વેઇટિંગ મોડમાં ન રાખવું, પણ સ્નેહનું પ્રદર્શન કરવું. ગુટકાભરેલા થૂંક કે ગંધાતા મૂળમૂત્ર કે જીવડાં ફેલાવતા છાણ કે ફેફસાંમાં ઉડતી કાળા ધૂમાડાવાળી ધૂળ બધું જ સહન કરી લઇએ છીએ, પણ પ્રેમના પ્રદર્શનરૃપ આલિંગન કે ચુંબન સહન નથી કરતા.
અને આપણે તો એના પર એટલા ફોકસ્ડ થઇ બળાપા કાઢીએ છીએ કે જાણે આ જોઇને આખી જનરેશન વંઠી જ જવાની હોય. તો આ ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, યુરોપના તમામ દેશો, ઈઝરાયેલ, લેટિન અમેરિકન દેશો, સિંગાપોર – આ બધામાં સ્પોર્ટસના ખડતલ ખેલાડીઓ, ટેકનોલોજીના મહારથી ઈનોવેટર્સ, લશ્કરના શૂરવીર યોદ્ધાઓ કે કળાના ભેજાંબાજ સર્જકો પેદા જ ન થતા હોત! એ તો ઓછી વસતિમાં ય ઘણા વધુ હોય છે, ને નવા નવા આવતા જ રહે છે!
પણ આ કાલ્પનિક ભયથી નવી પેઢીને બચાવવાના ચિંતાચૂંથણ કરતાં, પેલી લાઇનમાં કેમ ઊભવું કે ચડવું – ઉતરવું કે મોબાઇલ કેમ વાપરવો કે વાત કેમ કરવી એની સિવિક સેન્સ કેમ નથી કેળવાતી એની નેલ્સનભાઇ જેવી ચિંતા તો કરો! અને કરો, જરા આમ ક્રિએબિલી કરો કે, મેસેજ બરાબર સ્ટ્રોંગ રીતે સ્પ્રેડ થાય! ભાખરી પર કેરીના મુરબ્બાની જેમ મીઠો ને ઝડપી!
***
સુવિચારનો પ્રચાર કરવા માટે સેક્સ્યુઆલિટીનો સહારો લેવામાં જરાય ખોટું નથી. ઈરોટિક ઈન્ટીમસી ઈઝ ઈન્ટીગ્રલ પાર્ટ ઓફ હ્યુમન એકઝિટન્સ. માનવજાત એના પ્રત્યે ઉત્તેજીત અને આકર્ષિત થવા સર્જાયેલું છે. એ નેચરલ ફ્લાઇટના પવનનો સહારો લઇ સરસ ઉપયોગી વાતોની ગૂગલી મિડલ સ્ટમ્પ ભણી ટર્ન કરી શકાય છે. શરત એટલે કે, એ કોમ્યુનિકેશન ક્રિએટિવ અને સ્માર્ટ હોવું જોઇએ, ચીપ અને રૃટિન નહિ. એ બે વચ્ચેનો ભેદ ખબર કેમ પડે? વેલ, એ માટે તમારે ક્રિએટિવ અને સ્માર્ટ થવાનું, શું!
આ વાત હજુ માન્યામાં ન આવતી હોય, તો આવો એકદમ ઓથેન્ટિક અનુભવીના મુખેથી સાંભળો, ઉપ્સ-વાંચો:
”દરેકે દરેક નોર્મલ વ્યક્તિ, સ્ત્રી કે પુરૃષ હંમેશા જે સેક્સ્યુઅલ છે, એનાથી એક્સાઇટ થાય જ છે. જો એ કહે કે નથી થતો, તો એ જૂઠું બોલે છે (કે એબ્નોર્મલ છે). પુરૃષો આ બાબતમાં થોડા વધુ જાહેર (વાંચો ખુલ્લા) છે. પણ સ્ત્રીઓ પણ આ જ અનુભવ કરે છે. સ્ત્રીઓ માટેના આટલા શણગારના સૌંદર્યસાધનો (કોસ્મેટિક્સ) વેંચાય છે, ટાપટીપના નુસખાઓ છે. ફેશન મેગેઝીન્સ કે પ્રોગ્રામ્સ છે- જેમાં કપડાં કે લોન્જરીઝ (અંતઃવસ્ત્રો)ની કે ઘરેણા વગેરેની વાતો એ રસથી નિહાળે છે. સ્ત્રી મેકઅપ, આભૂષણ કે અંદરના કે બહારના વસ્ત્રો – જે કંઇ પણ પહેરે એમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે – એક યા બીજા બીજી રીતે સેક્સ્યુઆલિટી પ્રગટ થાય છે, નીતરે છે કે એની અસર તો હોય જ છે. સ્ત્રીઓને રોમેન્ટિક ફિલ્મો વર્ષોથી જગતભરમાં ગમે છે. જેમાં પુરૃષો જોતા હોય એવું પોર્ન ન હોય તો ય ઈન્ટીમેટ સીન્સ હોય જ છે. જેમાં એ પોતાના મનગમતા નરની ફેન્ટેસી કરતી હોય છે. એટલે તો ગમતી સેલિબ્રિટી પાછળ ક્રેઝી થઇ એનાથી એ એરાઉઝ થતી હોય છે!
દુનિયામાં બે પ્રકારના લોકો છે. લિબરલ અને કન્ઝર્વેટિવ એડલ્ટ મટીરિયલ (પોર્ન સાઇટ્સ, નોનવેજ જોક્સ, હોટ પિકચર્સ, ઈરોટિક મૂવીઝ, બૉલ્ટ ચૅટ વગેરે)માં રસ ધરાવનાર ઘણા બધા છે. પણ એની જાહેર ચર્ચા ઘણા ટાળે છે, કારણ કે એમને માટે એ એકદમ પ્રાઇવેટ પ્લેઝર છે. જે એમના સ્વજનોથી પણ ઘણી વાર છૂપાવવામાં આવે છે.
લોકો કબૂલ કરે, કે ન કરે – સેક્સ ઈઝ એન ઈમોશન. સેક્સ ફક્ત શરીરમાં નથી. ૯૦% એ બ્રેઇનમાં છે. મુખ્ય વાત એમાં શારીરિક ઉપર હાવી થઇ જતા માનસિક આનંદની છે. મનનો રોમાંચ, ઉત્તેજના, કૂતુહલ, તડપ આ બધું ભળે નહિ તો એ કંટાળો આપતી કે થકવતી શારીરિક કસરત થઇ જાય. ફિલ્મમાં સેક્સી સીન જુઓ કે મોબાઇલમાં એડલ્ટ ક્લિપ જુઓ- અલ્ટીમેટલી, એ ઇમોશન છે, સેન્ટીમેન્ટ છે. માનસિક તૃષા અને તેની તૃપ્તિ છે. (શરીર તો એ સંવેદનાને પૂરા નહિ પણ ઘણા અંશે વ્યક્ત કરી હળવા કરતું માધ્યમ છે !) ”
ઓશો રજનીશ ? રોંગ. સિગ્મંડ ફ્રોઇડ ? નો ! ઓસ્કાર વાઇલ્ડ ? ઊહુ.
આ ચરમસીમા સુધીના પરમ સત્યનું બ્રહ્મજ્ઞાાન આપ્યું છે, સની લિયોનીએ ! જી હા, એ જ મગજ વગરની લાગતી (મોટે ભાગે સુંદર રૃપજોબન ધરાવતી દરેક સ્ત્રીને બુદ્ધુ ધારી લેવી એ માનવ સ્વભાવ છે.) નામાંકિત કે નામચીન, જે કહો તે પણ જાણીતી પોર્નસ્ટાર જરાય હળવાશથી લેવા જેવી નથી. ખબર છે ને ? મોદી કે સલમાન કરતાં ય વધુ સર્ચ થતી ગૂગલની નંબર વન આઇટમ ઓફ ધ નેશન સની લિયોની છે. પોર્નસ્ટારથી ફિલ્મસ્ટારનું ટ્રાન્સફોર્મેશન એણે એકલપંડે કરી બતાવ્યું છે, એ લટકામાં ! અને સિંગલ હેન્ડેડ એણે પોતાની જીસ્મની ‘લીલા’ થોડી વધુ રસપ્રદ વાર્તા સાથે હમણાં જ રિલિઝ કરીને વધુ એક છાકો તો પાડયો જ છે.
ભોળા પોગોપ્રેમીઓ ઘણી વાર એવી દલીલ કરે છે કે સનીને આખે આખી અનાવૃત બધું જ બતાવતી- કરતી નેટ પર જોવા મળે છે, તો ફિલ્મો કોણ જુએ ? અહી જ પેલી ‘સેક્સ ઇન એન ઇમોશન વાળી વાત બરાબર સમજવા જેવી છે. (ડોન્ટ કન્ફ્યુઝ ઓર મિક્સ ઇટ વિથ લવ. ભૂખ, તરસ, ક્રોધ પણ એક સંવેદન છે- એટલે એ પ્રેમ નથી. અહી આનંદ કે કામનાના ઇમોશનની વાત છે. સંસ્કૃતમાં જેને વાસના ઓલરેડી કહેવાયું જ છે ! સનીની પાસે કાતિલ વળાંકોવાળું કામણગારુ બોડી છે. એના પર લિસ્સિ ગોરી ત્વચાનું નેચરલ રેપિંગ થયું છે અને જો આ બે ઉપર મસ્તીભરી માસૂમિયત અને નમકીન નમણાશ ધરાવતો ફેસ હોય- અને જવાનીના જોશ સાથે પોતાની જાતને કેમ અદાથી રજૂ કરવી એનો કિલર કોન્ફિડન્સ હોય- એટલે ઔરત ન્યુટ્રોન બોમ્બ બની જાય ! ધમાકા !’
માટે થોડી ઢાંકેલી, થોડી ખુલ્લી એની કોઇ પાત્ર ભજવતી અને બોલતી, નાચતી,ગાતી ગુડિયા જેવી પડદા પર લાગે ત્યારે વધુ હ્યુમન (મિકેનિકલ પોર્ન વિડિયોઝ કરતાં) લાગતી હોઈ, સનીનો શૃંગારસૂરજ ગરમાગરમ ઝાળ લગાડી રહ્યો છે. એના એક્ટિંગમાં લિમિટેશન્સ હશે- પણ આઇપીએલ જોવા બેસનારો ક્લાસિક સ્કવેરકટની અપેક્ષા જ નથી રાખવાનો !
પણ સની લિયોનીનું નામ ટાઇટલમાં જ વાંચીને નાકનું ટીચકું ચડાવનારા (અને સપાટાબંધ આંખોથી લાળ ટપકાવતા અહી સુધી વાંચી જનારા) માંથી બધા જ પોર્નસ્ટાર સની લિયોનીને ઓળખતા હશે, જોતા હશે.
પણ આ પંજાબી પિતા અને કેનેડિયન માતાની આઝાદમિજાજ હાફ ફિરંગી, હાફ દેશી મિક્સ ગ્લેમરડોલ પાછળની સ્ત્રીને કેટલા ઓળખે છે. સનીથી સનસની અનુભવતા ઘણા ભારતીય ચાહકોને એ ય ખબર નથી કે સની શાદીશુદા છે. વળી હેપિલી મેરિડ છે. એટલું જ નહિ, એનો હસબન્ડ જ એનો મેનેજર છે. સનીની સાથે જ હોય છે. અને ફિલ્મોના સેટ પર મોજુદ હોય છે ને, સનીને મળવા માટે એને જ મળવું પડે એમ છે. અને એવું ય નથી કે પ્રસિદ્ધ પત્નીનો એ ગુમનામ ગુમાસ્તો છે. સનીને પાર્ટનર લઇ બનેલી ઇન્ટરનેટ પર (જે દેશોમાં સત્તાવાર મંજૂરી છે ત્યાં) એડલ્ટ ફિલ્મો પ્રોડયુસ કરતી અને સનીનું બ્રાન્ડ મેનેજમેન્ટ કરતી કંપની ‘સન લસ્ટ’નો એ માલિક છે, અને બેઉના લવ મેરેજ છે.
સનીના માતા-પિતા ગુજરી ગયા છે. સ્વજનમાં એનો ભાઇ (જે ય એના બિઝનેસમાં જોડાયેલો છે.) અને પતિ છે. બેઉ લગભગ સાથે જ હોય છે. પ્રોફેશનલ એસાઇનમેન્ટસ સિવાય. એટલી હદે કે સનીએ વર્ષોથી સુપરસેક્સી પોર્ન ફિલ્મો કરી, એમાં પુરુષ નાયક તરીકે હંમેશા પતિ ડેનિયલ જ લગ્ન પછી રહ્યો છે. મતલબ જે કંઇ મસાલેદાર મનોરંજન એ ભજવે છે. એમાં શરીર પર ચટાપટા જેટલા ટેટૂઝ ધરાવતો પાતળો પુરુષ એનો કાયદેસરનો ધર્મપતિ જ છે, અને એ વીડિયોઝ પતિ-પત્ની સાથે મળીને જ બનાવે છે !
“ભારતમાં છોકરીઓ માટે કે સામાન્ય રીતે જે કંઇ પાપ કે ખરાબ ગણવામાં આવે એ બધુ જ હું ૧૨ વર્ષમાં કરી ચૂકી છું, અને એ મારૃં જીવન નથી પણ મેં પસંદ કરેલું કામ છે જેને જે માનવું હોય તે માને. ન ગમે તો મારી તસવીરો કે ફિલ્મોથી દૂર રહેવું પણ હું જે છું તે આ છું. ”એવું નિખાલસતાથી બેધડક કહેનારી સની લિયોની પ્રસિદ્ધ પોર્નસ્ટાર હતી ત્યારે હબી ડેનિયલ વેબર તો ન્યૂયોર્કના મ્યૂઝિક બેન્ડમાં ગિટાર વગાડતો. બંને લાસ વેગાસમાં મળ્યા, હળ્યા ને દોઢેક મહિનામાં પ્રેમમાં પડયા. ૨૦૦૭ની આ રોમેન્ટિક ડેટ્સને યાદ કરતા ડેનિયલ કહે છે કે ”બહુ અઘરું હતું એનું દિલ જીતવાનું. એ મને ટાળવા જાણી જોઇ મોડી આવતી, પણ હું દુનિયામાં જ્યાં હોય ત્યાં ફૂલો એને મોકલાવ્યા કરતો. મળતા ગયા એમ ઉષ્માથી બરફ ઓગળ્યો, દિલ પીગળ્યા.”
પછી તો ત્રણ વર્ષ ગળાડૂબ પ્રેમમાં પડી પરણ્યા. સહજીવનની કોર્ટશિપને આઠ વરસ થઇ ગયા, ને સની ‘બિગ બોસાણી’ બની ગઇ પણ હજુ મેરેજ એન્ડ લવ બેઉ બરકરાર છે. ડેનિયલ મળી ગયા પછી સનીએ એની સાથે ન્યુડ સેક્સી વિડિયોઝ કરવાનું નક્કી કર્યું અને પત્નીપ્રેમમાં રોકસ્ટાર પણ પત્ની સાથેના શુટિંગ પૂરતો પોર્નસ્ટાર પણ બની ગયો.
તનની સાથે બેઉના મન એટલા મળી ગયા કે બેઉ સેટ પર, બિઝનેસમાં, ઘરમાં બધી જ જગ્યાએ જોડે રહેતા પાર્ટનર છે. સની પ્રોફેશનલ એસાઇનટમેન્ટ (પૈસા મળતા હોય એ) સિવાય પાર્ટીમાં જતી નથી. ઘરે જ રહે છે. પતિ-પત્ની બેઉ સારા કૂક છે.સની નવી નવી રસોઇ બનાવે છે. ડેનિયલ માટે અને ડેનિયલ સની થાકેલી હોય ત્યારે એને જમાડે છે ! ( જન્મદિવસે ડેનિયલ સાથે રહેવા રાત્રે લોસ એન્જલસથી હમણાં સની ઘેર પહોંચેલી !) સનીના કોઈ પણ પબ્લિક ફોટા ધ્યાનથી જુઓ તો પત્ની બાબતે સતત ધ્યાન રાખતો પતિ એમાં કોઈક ખૂણે દેખાશે જ.
અને ડેનિયલને પત્નીના બોડી બ્યુટીફુલની નુમાઇશ બાબતે કોઇ શંકા નથી. ટિપિકલ ભારતીય પતિ જેવો શક નથી. કાલ ઉઠીને કોઇ મામલે ખટપટ પણ થાય- પણ બેઉ ક્લીયર છે કે સનીની ઇમેજ એનું કામ છે- અને એનું ‘ડિલ’ ગમે તે ‘ડીલ’માં પૈસા કમાય, દિલ એના પ્રીતમપતિનું છે. નોર્મલ પ્રોફેશનની જેમ જ ડેનિયલ પત્નીનો બિઝનેસ કાબેલિયતથી હેન્ડલ કરે છે. પોર્નફિલ્મ્સની બહાર પણ બેઉની અંગત પ્યારભરી દુનિયા છે.
રીડરબિરાદર, પરસેપ્શન, પ્રમોશન, પ્રેફરન્સીઝ એન્ડ પ્રેજ્યુડાઇસિઝ.
આ જગતમાં કેટલું ય એવું છે જે સપાટી પર દેખાય એનાથી ઊંડાણમાં અલગ છે. પબ્લિક તો ઉતાવળમાં પોતપોતાના ઉપર જણાવેલા ચાર ‘પી’ મુજબના જજમેન્ટ બાંધી લે છે પણ હકીકત કંઇક અલગ નીકળી શકે છે. ધેટ્સ રિયલ સરપ્રાઇઝ. સોશ્યલ નેટવર્ક પર સજોડે ફોટો મૂકનાર મિયાંબીબી- વચ્ચે કાયમી અનબન હોય અને પોર્નસ્ટાર્સ લવલી કપલ પણ હોય ! ભલે સતી ન હોય, સની મળે તો ય ઘણું છે !
‘ઝિંગ થિંગ’
“ભારત એક અજીબ દેશ છે. સેક્સી સીન્સ કાપે છે. અને પોર્નસ્ટારને કાર્યક્રમોના ઉદ્ઘાટનમાય બોલાવે છે. અનોખી મજા છે એની હું અહી સ્વીફ્ટ થઈ ત્યારે એકવાર ભીડમાં મમ્મી-પપ્પા એ છ મહિનાનું બાળક મારા હાથમાં મૂકી હોશે હોશે મારો એની સાથે ફોટો લીધો. આવું હું સામે ચાલીને અમેરિકામાં કરું તો મારી સાથે કોર્ટ કેસ થઇ જાય ! (સની લિયોની)”