RSS

Category Archives: philosophy

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

spkl1

આખું આયખું એવા કામમાં વીતાવવાનું  ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય !

—————

કયામત સે કયામત તક.

યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી.

એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક, સિનેમેટોગ્રાફર કિરણ દેવહંસ વગેરે વગેરે.

પછી પણ સેન્સિબલ ફિલ્મ્સ બનાવી  ‘જો જીતા વહી સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, શાહરૃખ-ઐશ્વર્યાવાળી ‘જોશ’. ત્યારે ય સિક્કો ચલણી હતો. અને આજે તો હિન્દી ફિલ્મોમાં ટિકિટબારી પર સૌથી વધુ પૈસા ઉસેડી શકતો મેગાસ્ટાર કઝીન આમીર સાવ ઘરનો છે જ. અને પબ્લિક તો આજકાલ વોટ્સએપનું ગ્રુપ નથી છોડી શકતી!  માલમિલકત તો દૂરની વાત છે. ફિલ્મસ્ટારોની ઝલક મેળવવા ધાર્મિક દર્શન જેવી ધક્કામુક્કી કરે છે.

પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું! આજે તો આમીરની જૂની ઓળખાણો વટાવવા લોકો કોમર્શિયલ ફાયદો જોઈને દોડી જાય, ત્યારે મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂનૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે!

spkl2પત્ની ટીના અને ટીનએજર સંતાનો પાબ્લો અને ઝયાન પણ જોડે છે. નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. થોડા વખત પહેલા પરિવાર સાથે બે વર્ષ માટે આખા ભારતની યાત્રા કરી હતી. એક આજે અપ્રાપ્ય એવું નાનકડું પુસ્તક ‘થર્ડ કર્વ’ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી.

મન્સૂર કહે છે કે ”ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!”

વાતો કરવી સહેલી છે ત્યાગની. અને ખિસ્સા ખાલી હોય ત્યારે તો બધા કરતાં જ હોય છે, પણ લક્ષ્મીથી લાઈમલાઈટ બધું જ હાથવગું હોય ત્યો એ છોડીને ફિલ્મી રોમેન્ટિક યંગથીંગ્સની જેમ દુનિયાથી દૂર શાંત સુંદર કુદરતના ખોળે એક કોટેજ બનાવી સ્વર્ગની સાધના કરવી એ અઘરું છે. ઈમ્તિયાઝ અલી શહેરમાં રહીને એ સૂફી જીંદગી વીતાવે ને પડદા પર દર્શાવે છે. મન્સૂર ખાને તો કોઈ હલ્લાગુલ્લા મીડિયા એટેન્શન વિના જ એનો અમલ વર્ષોથી કરે છે.

એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.

***

બે ઘડી બહુ અટપટી ધાર્મિક ફિલસૂફીઓ અને હથોડાછાપ ઉપદેશના ભયભીત કરી દેતા વ્યાખ્યાનો ભૂલી જાવ. એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો. મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર ‘બી વન વિથ નેચર’ થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.

કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.

હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના સમય-સંજોગો સાથે પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ બ્રહ્મચર્ય બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે! સહજ મૈથુનનો આનંદ પણ પ્રાકૃતિક અને ઈશ્વરીય છે. સૌંદર્યનું સુખ પણ. પણ બળજબરી કરવી કે છેતરપિંડી કરવી એ વિકૃતિ છે. પ્રકૃતિ નથી.

ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ. ચમત્કારિક સાધનાસિદ્ધિ તો ઠીક છે છોકરાં રમાડવાના જાદૂઈ ખેલતમાશા છે. પણ જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય.

અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય. માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને…

ગાંધીયુગના રતન જેવા સ્વામી આનંદે એ જમાનાની બહુ દુર્ગમ ગણાતી ગંગોત્રી-કેદારનાથની યાત્રાના અનુભવો લખ્યા છે. એ વખતે બાબા કાલીકમલીવાલાનું સુખ્યાત સદાવ્રત. મોટાભાગના સંસારત્યાગી સાધુઓ પણ ત્યાંથી સીધુંસામાન ભરી લે. એક અજાણ્યો અલગારી સાધુ ત્યાં જાડા રોટલા એટલે ટીક્કડ ખાવા આવ્યો. લોટ સદાવ્રતમાંથી લઈ જાતે જ શેકીને ખાધા. ચાલતો થયો કે કોઈ પરગજુએ બૂમ પાડી. ‘બાબા, આગળ કશું મળશે નહિ. મોસમ ખરાબ છે. અહીંથી બે ટંકનો લોટ/રોટી લઈ જાવ.’

સાધુ થોભ્યો. પાછું વળીને કહે ”પ્યારે, સાધુ શામ કી ફિકર નહીં કરતા!”

આ થઈ સાધુતા. જેને ટીવી કેમેરાની મોહતાજી નથી. શિબિરો ભરીને સમાજમાં દેખાડો કરવો નથી. સંસાર છોડવાના બહાને નવો સંસાર વસાવવો નથી. પોતાની વિચારધારાના ચેલાચેલી શોધવા નથી. વૈભવી આશ્રમો માટે જમીનસંપાદન કરવું નથી. પોતાના કેલેન્ડર-ડાયરી છપાવી પ્રચાર કરવો નથી. લોકો આવે ને ફોટા છપાય તો સારું, ન થાય તો વધુ સારું એકાંતનો આરામ મળ્યો – એ પ્રકારની સંતુલિત સ્થિરતા સાહજિક છે. ને નવી નવી યાત્રાનો રસિક રોમાંચ છે. આવું નથી એટલે આપણે ત્યાં સંન્યાસીઓ બહુ છે, પણ સત્ય-સાત્વિકતા-સદાચાર નથી. મંદિરો વધે છે, પણ માણસાઈ વધતી નથી!

lotus_by_mattthesamuraiઆવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો – પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે? એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતા માણતા બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!

પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને. બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !

પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાાતિ, ધર્મ, રાજકીય પક્ષો કે પૈસાપાત્ર કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. ડેવિડ ફિન્ચરની ‘ફાઇટ ક્લબ’ ફિલ્મમાં આ આંધળી બહેરી અને લાઉડ બોલકી એવી રેસમાં ઘૂટન અનુભવતા સેન્સિટીવ થિકિંગ સોલની કાળઝાળ વેદના હતી. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં…. બસ, એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે ?

સ્ટોપ. એન્ડ થિંક. બધા વ્હાઇટ કોલર જોબ/ પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડી. ધર્મ- જ્ઞાાતિ, સંસ્કૃતિને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણે કોઈ ભયાનક મંદી નથી જોઈ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૃટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. બકૌલ ફાઇટ ક્લબ, વી આર મિડલ ચિલ્ડ્ર્ન ઓફ હિસ્ટ્રી. નો પર્પઝ ઓર પ્લેસ !

આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. બધા સામુહિક સપના જોયા કરે છે, ટિકિટના પૈસા વસૂલતા બિઝનેસ મોટીવેટર્સે ઉધાર આપેલા કે એક દિવસે આપણે બધાં કરોડપતિ થઈ જઈશું, બધા ફેમસ રોકસ્ટાર થઈ જઈશું, બધાની લાઇફમાં ફિલ્મી હીરો- હીરોઇન જેવા પાર્ટનર્સ આવશે, આપણા બાળકો સુપર સેલિબ્રિટી જ બની જશે.

પણ આવું થવાનું નથી. સ્કૂલોથી પોલિટિક્સનો કોર્પોરેટ પ્રોફિટ વધ્યા કરશે. પણ તમામેતમામ ભૌતિક સંપત્તિમાં ગરીબથી અમીર, ગુમનામથી નામંકિત થઈ શકવાના નથી. કારણ કે, બધા એકસરખા શ્રીમંત હોય એને શ્રીમંતાઈ જ ન કહેવાય. બધા જ ફેમસ થઈ જાય તો ફેન કોણ થાય? એ ફિલ્મમાં તો વાસ્તવના આવા વિરાટદર્શનથી હતાશ નાયક ડલ લાઇફને એક્સાઇટિંગ બનાવવા પહેલા લોહી રેડતી મારામારીના ખાનગી દંગલ યોજે છે.

ઉપરઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જેવો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, એટલે વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે ‘મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.’ એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.

જસ્ટ થિંક, એવી કેવી ઘેલછા કે એકદમ અંગત પોતીકાઓ સિવાય કોઈ નથી જોવાનું, એવા અંદર પહેરવાના બ્રા અને જાંગીયા પણ કોઈકના નામના બ્રાન્ડેડ હોય?! નિજી જીંદગીની- પસંદગી પર એડવર્ટાઇઝીંગની આવી તરાપ? ફ્રી વિલની ચોઇસ પર?

***

૧૯૯૯માં એક ફિલ્મ આવેલી ‘ઇન્સ્ટિન્ક્ટ’ બહુ વખણાઈ કે જોવાઈ નહિ. પણ લાજવાબ, અદ્ભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૃ થાય એવી!

ટોકેટિવ છતાં ઇન્ટરેસ્ટિંગ ફિલ્મનું પ્રિમાઇસ કંઈક આવું છે. એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એ માનસિક અસ્થિર અને હિંસક ગણાયેલા વૃદ્ધને જાલિમ અમેરિકન જેલમાં ટ્રાન્સફર કરાય છે, જ્યાં એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે…

skpl5અને ઉત્તમ કળાની જેમ એ ફ્રેમની બહાર જઈને સવાલો ઉઠાવે છે. એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, ‘આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૃ થયું ત્યારે માણસ જંગલી જોડે રહેતો હતો, એટેલ આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે! આજે તો મહાનગરમાં લૂંટ, બળાત્કાર, ઈજાનું જોખમ જંગલ કરતા વધુ છે!’ (બાપડા પ્રાણીઓને લાગણી તો હોય છે, પણ બેવકૂફ બદમાશ ઇન્સાનોની જેમ એ દુભાતી નથી!)

હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા. એ ખતરારૃપ નહોતા. કારણ કે એ જરૃર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૃરિયાતથી આગળ આવેલી એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.

પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી એને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો.

એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જીંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી,  એટલે એ મારું ધ્યાન રાખતા એમાં ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે… એ સ્વજન હોવાનું સુખ!”

રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને ‘બોસ’ સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને ‘ડ્રીમ ઓફ ફ્રીડમ’ ગમતું નથી.

ડાયરેક્ટર ‘ઇન્સ્ટિંક્ટ’માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે. એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠાવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય. બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ!

યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ. માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય – એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને? તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે. પણ આર્ટિસ્ટ કે રેશનાલીસ્ટ કે કવિ થઈને ફરતા લોકો, જરાક ખોતરો અને વાત એમની ગમતી માન્યતા કે આસ્થાની આવે એ પછી ખાનદાન હોય- કોમ હોય- ધર્મ હોય- વોટએવર એટલે તરત જ જડસુ, હિંસક, રેઝીસ્ટન્સ ડેવલપ કરી લે છે. લાજવાને બદલે ગાજવા લાગે છે. એન્ડ ધેટ્સ ધ પિટી, ધેટ્સ ધ ડેન્જર.

રીડર બિરાદરોને થશે કે, તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય, જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.

બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે ‘ફેક નીડ્સ’થી દૂર રહો. કન્ટ્રોલ ફ્રીક ન થાવ. જીવન મસ્તીથી રસભરપૂર માણો, પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી. મોંઘી કાર લો, તો ય જરૃર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો. ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે! બહુ બધો સંગ્રહ- પરિગ્રહ ન કરો. તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૃરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો. સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ જરા ડિટેચ્ડ રહીને. ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને. સાક્ષીભાવે. 

આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો, પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો. વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ. એક્ચ્યુઅલી, ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી – ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.

રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા ! તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું ! મરતા પહેલા એ કરવું છે? તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી. સ્ટાર્ટ ઇટ ટુડે.  (શીર્ષક પંક્તિ: ઉદયન ઠક્કર)

ફાસ્ટ ફોરવર્ડ

‘પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?’- નફરત? ઉપેક્ષા? ક્રોધ? વેર? હિંસા?… ના. ઓપોઝિટ ઓફ લવ ઇઝ ફીઅર. પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય!

(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર, તારા ગાંધી ભટ્ટાચાર્યજી)

spkl3

————-

સ્પેક્ટ્રોમીટર * જય વસાવડા
ગુજરાત સમાચાર ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭

 
25 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 10, 2017 in cinema, feelings, inspiration, philosophy, Uncategorized

 

JSK – વન બાય ટુ દિવાળી સ્પેશ્યલ

20131022_000945

જેએસકે – જય શ્રી કૃષ્ણ પુસ્તક વિષે આ ગ્રહ પર અહીં અને અહીં વાંચ્યું તમે.

પુસ્તક તો બહાર પડવાની સાથે જ એવી લોકચાહનાને પ્રાપ્ત થયું કે ફક્ત એક મહિનામાં જ હું તો મોટે ભાગે એમાં સિક્કિમ પ્રવાસે હોવા છતાં એની ૩૦૦૦ જેટલી નકલો હોંશે હોંશે ગુજરાતી વાચકોએ વધાવી લીધી અને અત્યારે તો એની બીજી આવૃત્તિ પણ થઇ ગઈ. એના ખુબ સરસ ફીડબેક મળ્યા. ગૃહિણીઓથી ટીનેજર્સ સુધી, એનઆરઆઈથી કંપની/સંસ્થાઓ સુધી. મુખ્ય વિક્રેતા નવભારતનો ય સહયોગ ભરપૂર. એવો જ રાજેશ બૂક સ્ટોર રાજકોટનો.

બધી કરામત કૃષ્ણની, આપણો તો લીમ્બડજશ 😛

એવી જ ચમત્કારિક રીતે આ પુસ્તકમાં અણધારી મૂળ દક્ષિણ ગુજરાતના એવા એક પટેલ મિત્રની મળી. એમનો ખુદનો જ આગ્રહ કે નામ નહિ આપવું, એટલે હાલ લખતો નથી. ક્યારેક આવી પ્રભુકૃપાની સર્જનકથા માંડીશ. એમની ભાવના અને કૃષ્ણપ્રીતિને ન્યાય મળે અને કેવળ લાયબ્રેરીના કબાટોમાં કેદ રહેવાને બદલે ખરેખર જેમને જરૂર છે અને પોસાતું નથી એવા સામાન્ય વાચકો સુધી પહોંચે એ માટે મર્યાદિત સમય પુરતી જ એક અભૂતપૂર્વ યોજના ઘડવામાં આવી. દિવાળી સુધી, ૫૦૦ રૂપિયાનું અણમોલ પુસ્તક ફક્ત ૨૫૦ રૂ. મળે એ માટે. અમુક જરૂરિયતમંદ વાચકોની, વિદ્યાર્થીઓની પોસાતું નથી વાળી ફરિયાદ દુર થાય એ માટે. મારો હેતુ પુસ્તક પ્રકાશનમાં કમાઈ લેવાનો નહિ, પણ કશુંક સાબિત કરવાનો અને વધુ લોકો સુધી વાંચન પહોચાડવાનો સર્જનાત્મક છે. એટલે મેં ય મંજુરી આપી. તો વળી એમાં કેટલીક ફરિયાદો ઉઠી કે વહેલું લેનારનો શું વાંક ? અરે, આવું પેટ્રોલ પુરાવતી બખ્તે ભાવફેર સરકાર અમુક સમય પુરતો કરે ત્યારે કહો છો ? શેર બજારથી બિગબાઝાર જેવા મોલમાં કહો છો ? હું તો એ અર્લી બર્ડ રીડરબિરાદરો પ્રત્યે નતમસ્તક છું , કે એમના પ્રતિસાદને લીધે જ વધુ લોકો સુધી કૃષ્ણ પહોંચાડવાનું આ કૃષ્ણકાર્ય થયું. આ યજ્ઞમાં એમની આહુતિ પહેલા જ ગણાશે.

જેએસકે વિષે “આજકાલ” દૈનિકમાં છપાયેલું :

“પુસ્તકમાં રેગ્યુલર કરતા મોટી સાઈઝના તમામ ૧૬૪ પૃષ્ઠો કલરફુલ છે. આ માત્ર પુસ્તક ના રહેતા એક આગવો અનુભવ છે, જે કૃષ્ણચરિત્રના અલગ અલગ પાસાઓમાંથી પસાર થયા બાદ વાચકનું નવું જ ઘડતર કરે છે.

૧૮ સ્પેશ્યલ લેખોમાં વહેંચાયેલું આ પુસ્તક શ્રીકૃષ્ણ પર અત્યાર સુધીમાં લખાયેલા અઢળક પુસ્તકો કરતા અલાયદું અને વિશિષ્ટ છે. જેમાં કૃષ્ણનાં સહારે આજનો માનવી કોઈ પણ પરિસ્થિતિ કે ઉંમરમાં પોતાની સમસ્યાઓ કેમ ઉકેલી શકે, માર્ગ કઈ રીતે કાઢી શકે અને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઇ પોતાનું વર્તમાન જીવન વધુ બહેતર કેવી રીતે કરી શકે એની સુંદર છણાવટ છે. જે બોરિંગ જુનવાણી ઉપદેશને બદલે આજની પેઢીની ભાષા, અભિગમ અને દ્રષ્ટાંતો સાથે કરવામાં આવી છે. ભારત પરદેશી સુપરહીરોઝની પાચલ પાગલ બને છે ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિટી સાથે મોડર્ન સ્ટાઈલમાં ઓરીજીનલ સુપરપાવર કૃષ્ણને પ્રજા સુધી સાચી સમાજથી પહોંચાડતું આ આકર્ષક સાહસ છે.

“જેએસકે” જેવું નિત્ય પરિવર્તનશીલ કનૈયાને ગમે એવું આધુનિક નામ ધરાવતા આ પુસ્તકમાં જય વસાવડાએ બાળ કૃષ્ણથી લઇ આકર્ષક પૂર્ણ પુરુષ કૃષ્ણ, લીડરથી લવર અને મેનેજરથી મોટીવેટર કૃષ્ણ, ફ્રેન્ડથી ફિલોસોફર અને યોદ્ધાથી લઇ યોગેશ્વર કૃષ્ણ જેવા કૃષ્ણનાં મેઘધનુષી સ્વરૂપની અદભૂત ઝાંખી કરાવી છે. આત્મવિશ્વાસ આપતું મોડર્ન ગીતાજ્ઞાન છે. ગીતા દ્વારા લાઈફ, કરિઅર અને બિઝનેસનું મેનેજમેન્ટ સમજાવ્યું છે. કૃષ્ણ જ આજના જમાનામાં સર્વશ્રેષ્ઠ ચેતના શા માટે એની રસપ્રદ દલીલો આપી છે. રાધા અને રાસનું રસિક વર્ણન કર્યું છે. વૈષ્ણવજન ભજનથી સારા નાગરિકનાં પાઠ ભણાવ્યા છે. રુક્મિણીનાં પ્રેમપત્ર અને સત્યભામાની ભેટની મનોહર કહાની લખી છે. દ્વારકાનો ઈતિહાસ અને કૃષ્ણની પીડા પણ અહી રજુ થઇ છે. યંગ જનરેશન સાથે કૃષ્ણની આજના યુગમાં નવી જ વાતો કહેતો ક્રાંતિકારી અભૂતપૂર્વ વાર્તાલાપ પણ છે. કૃષ્ણ વિષે અસંખ્ય ઓછી જાણીતી માહિતીનો અનેક પ્રાચીન ગ્રંથોમાંથી એકત્ર કરેલ ખજાનો છે.

કૃષ્ણ પરના મોબાઈલ યુગમાં બહુ જોવા મળતા ચીલાચાલુ ચિત્રોને બદલે તદ્દન નવા વિવિધ શૈલીઓના ફ્યુઝન જેવા નવા જમાનાને અનુરૂપ ચિત્રોનો છપ્પનભોગ જેએસકેમાં છે. નયનરમ્ય ટાઈટલ આંખથી હ્રદયમાં ઉતરે એવું છે. ચૂંટેલી કૃષ્ણકવિતાઓનો મઘમઘતો ગુલદસ્તો પણ છે. કન્ટેન્ટ અને આર્ટ, શબ્દ અને રંગ-રેખાનો એમાં બાંસુરી અને બાંકેબિહારી જેવો અજોડ સમન્વય થયો છે. ચળકતા કાગળમાં ઉત્તમ રીતે છપાયેલું આ પુસ્તક પ્રોડકશન ક્વોલિટીમાં દુનિયાનાં કોઈ પણ વિકસિત દેશના બેસ્ટ પ્રોડક્શનને ટક્કર આપી કિંમતનાં પ્રમાણમાં તો એનાથી આગળ નીકળી શકે તેવું છે.”

 જેએસકે તો શરુ થઇ ત્યારથી ‘બ્લેસ્ડ બૂક’ રહી છે. નરસિંહ મહેતાનાં કિસ્સા સાવ કાલ્પનિક નહિ હોય, એવો ભરોસો થાય એટલા તો અનુભવ અત્યાર સુધીમાં થઈ ગયા છે ! 

જેએસકેનાં પ્રીમિયમ કન્ટેન્ટ અને ક્વોલિટી અંગે તો જેમની પાંચે ય સેન્સિઝ સલામત છે એવો કોઈ શંકા ના કરી શકે એટલી ઉત્તમ એ દેખીતી જ બની છે. પણ એ કરવામાં એનો ભાવ વધુ રાખવો પડે એ લકઝરી કરતા લાચારી વધુ છે. મુકુન્દ પાધરા જેવા દોસ્તોએ ગાંઠનું ગોપીચંદન કરી એ લાગણીથી પહોચાડી એ માટે ય એમને વંદન.

આગળ કહ્યું એક કૃષ્ણપ્રેમી દાતાની સામે ચાલીને મળેલી સહાયથી મારા તરફથી પણ થોડું જોખમ લઇને ખાસ આ વર્ષની દિવાળી અને બુકની સક્સેસના સેલિબ્રેશનને ધ્યાનમાં લઇ કોઈ લલચામણી યોજનાઓને બદલે વાચકોને જ ફ્લેટ ૫૦% વળતર આપીને કૃષ્ણકાર્ય કરવાનો શુભ સંકલ્પ કર્યો છે. એક રોકેટ/ ભમ્ભૂનાં બોક્સ કે એક પેકેટ મીઠાઈ/ડ્રાયફ્રુટનાં ભાવમાં પુસ્તક ગ્રીટિંગ રૂપે લઇ અને આપી શકાય ! પહેલા ખરીદ્યું હોય તો ગિફ્ટમાં આપી શકાય. આજે તાતી જરૂર છે એ કૃષ્ણના આચાર- વિચારોનો આધુનિક જમાનાને જીવતી જીંદગીમાં ઉપયોગી બને એવો સ્પર્શ રંગબેરંગી આનંદ સાથે થાય, એ યજ્ઞમાં સ્વેચ્છાએ કોઈ અપેક્ષા વિના મિત્રો પણ જોડાયા. કાયમી મુખ્ય વિક્રેતા એવા નવભારતે પણ સ્નેહથી આ માટે ઉદારતા રાખી.

દિવાળીનાં દિન સુધી ફક્ત મર્યાદિત દિવસો માટે જ કૃષ્ણપ્રેમી દાતાની સહાયથી, ફક્ત એમના આયોજનથી પસંદગીની જગ્યાઓએ પુરા ૫૦% વળતરથી અડધી કિંમતે ફક્ત ૨૫૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ખાસ ડિસ્કાઉન્ટની આ આકર્ષક ઓફર ફક્ત મર્યાદિત નકલોના સ્ટોક પુરતી અને માત્ર દશેરાથી દિવાળી યાને ૧૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી જ કામકાજના સમય પુરતી ખુલ્લી રહેશે. વધુ વિગતો માટે  ૯૫૩૭૫૩૭૩૭૩ નમ્બર પર સંપર્ક થઇ શકે છે. આ  કોઈ ન વેંચાતા પુસ્તકને ખપાવી દેવાનો કીમિયો નથી. ( જેએસકેનાં ઓનલાઈન પ્રતિભાવો જગજાહેર છે – અને મારા પ્રિય પુસ્તક “પ્રીત કિયે સુખ હોય”ની પાંચમી આવૃત્તિ બજારમાં આવી છે, અને એક વર્ષમાં ૮૦૦૦ નકલ વેંચાઈ ચુકેલા “જય હો”ની ચોથી સંવર્ધિત આવૃત્તિ દિવાળી બાદ આવી રહી છે, યુવાહવાની ત્રીજી આવૃત્તિ પણ પૂરી થવામાં છે. જેએસકેની  લોન્ચ સમયથી જ પડાપડી થાય છે.) માટે ફરી આ જ પુસ્તક દિવાળી બાદ મૂળ ૫૦૦ રૂપિયાની કિંમતે જ હમેશા બૂક સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે ( નીચેની પ્રાપ્તિસ્થાનોની યાદી સિવાય અન્ય બૂક સ્ટોરમાં આજે ય એ મૂળ કિંમતે જ મળે છે જ ) અને આ ઓફર કોઈ પણ સંજોગોમાં લંબાશે નહિ. 

સહજભાવે આનાયાસ થયેલા આ આયોજનમાં પણ કમનસીબે અમુક વાચકોએ પહેલા ખરીદી હોવાનો વાંધોવચકો ઉઠાવ્યો. કોઈએ એ વળી બિચારા બૂક સ્ટોરના મિત્રોને આ અલગ પ્રાપ્તિસ્થાનો ફેસબુક પર મુક્યા હોવા છતાં વગર વાંકે ડિસ્કાઉન્ટ માટે પરેશાન કર્યા. બીજા કેટલાક ન ગમે એવા બનાવો ય બન્યા. અગાઉ કહ્યું એમ, આ કોઈ રાસ્તે કે માલ સસ્તે મેંની ઓફર નથી. માર્કેટિંગ સ્કીમ નથી. ફક્ત કૃષ્ણપ્રેમી દાતાઓની લાગણીની ભરતીમાં એવા જ હેતુથી લેખક / પ્રકાશક તરીકે જાતે ઘસાઈને મદદરૂપ થવા ઉજવેલો, વાચકનો તહેવાર સુધારવાનો ઉત્સવ છે. છતાં ય એનાથી કોઈને ઈરાદો ના હોવા છતાં ગેરસમજ કે મનદુઃખ થયું હોય તો ક્ષમસ્વ.

આ પુસ્તક હવે ગણત્રીનાં જ બાકી રહેલા દિવસોમાં આગળ ફોટામાં છે , એવા સ્ટીકર સાથે મળશે. જેથી અન્ય પુસ્તક કરતા આનું વિતરણ ખાસ સહાય અન્વયે જુદું છે, એ ખ્યાલ આવે અને એનો કોઈ વ્યવસાયિક બદઈરાદાથી ઉપયોગ કરી બૂક સેલર મિત્રોને મૂંઝવણમાં મુકે નહિ.

જે.એસ.કે. “વન બાય ટુ” દિવાળી ડિસ્કાઉન્ટ ઓફરના પ્રાપ્તિસ્થાનો ( ખાસ નોંધ આ ઓફરનો લાભ આ સ્થળો સિવાય બીજી કોઈ જગ્યાએ કે બૂક સ્ટોરમાં મળશે નહિ, આ સરનામાંઓમાં હવે કોઈ સ્થળ ઉમેરાશે નહી. પછી આ ડિસ્કાઉન્ટ પાછું જ ખેંચાઈ જશે તરત જ ) :

*રાજકોટ :

૧. ગાથા કોમ્યુનિકેશન, જીગર પાનની બાજુમાં, મોટી ટાંકી ચોક, રાજકોટ. ફોન : ૯૫૩૭૫૩૭૩૭૩

૨. ભારત ફ્રુટ કોર્નર, એસ્ટ્રોન ચોક, રાજકોટ.

*અમદાવાદ :

૧. પરમાર ટ્રેડલિંક, ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ, માનવ મંદિર સામે, ડ્રાઈવ ઇન-ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ ફોન : ૯૮૨૫૧૨૨૩૦૫

*સુરત :

૧. જે. ડી. ગાબાણી લાયબ્રેરી, સરગમ કોમ્પ્લેક્સ અને સારથી ડોક્ટર હાઉસની સામેની ગલી, સારથી કોમ્પ્લેક્સ, હીરાબાગ, સુરત ફોન : ૨૫૫૮૮૧૪

૨. એલ. પી. સવાણી વિદ્યાલય, અડાજણ, પરેશ સવાણી ફોન : ૯૯૦૯૦૧૯૫૪૧

૩. પાર્થ નોલેજ ઇન્સ્ટીટયુટ, ૨૦૧ / ઈ – અંબિકા પાર્ક કોમ્પ્લેક્સ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટથી પુનાગામ રોડ, સુરત ફોન : ૬૯૯૮૦૫૯

૪. સમર્પણ ટેકનો સ્કુલ, વિક્રમનગર -૪, સીતાનગર સર્કલથી કેનાલ રોડ, પુનાગામ, સુરત ફોન : ૭૬૯૮૮૮૧૪૪

*ભૂજ :

૧. ઇન્સ્ટીટયુટ ફોર યુથ ડેવલપમેન્ટ, ૨૩, અંબિકા પાર્ક સોસાયટી, ભુજ, રસનિધિ અંતાણી ફોન : ૯૮૨૫૭૩૦૩૧૫

*જામનગર :

૧. સાંઈનાથ મેડિકલ, વિકાસ રોડ, ગાંધી સોડા શોપ પાસે, જામનગર, રવિ ફોન : ૦૯૪૨૮૪૧૫૦૧૪

*પોરબંદર :

૧. વૈદેહી કલેક્શન, લિબર્ટી રોડ, ઇન્દ્રલોક કોમ્પ્લેક્સ, ફોન : ૯૯૯૮૧૨૧૯૮૯

*વડોદરા :

૧. ચરોતર નમકીન, એસબી-૧૨, ઋતુરાજ કોમ્પ્લેક્સ, એચડીએફસી બેન્ક પાસે, વાસણા રોડ, વડોદરા , બિમલ પટેલ ફોન : ૯૯૨૫૦૮૯૩૪૧

*મુંબઈ :

Vipul Parekh 8655062649

*ભાવનગર :

વિશાલ ચશ્માવાળા, વોરા બજાર, નાગરપોલ ડેલા, ભાવનગર, ફોન : હકીમભાઈ : ૦૯૮૨૪૯૫૭૬૦૯

………..ફરી વાર, કેટલીક અગત્યની વાતોનું રિવિઝન >>>>>>>>

# ઉપરના સ્થળો સિવાય કોઈ પણ બૂક સ્ટોરમાં આ ઓફરનો લાભ મળશે નહિ એની ખાસ નોંધ લેવી.બૂક સ્ટોરમાં અત્યારે પુસ્તક ઓફર વિના ઉપલબ્ધ છે જ. ડિસ્કાઉન્ટ તત્કાલ અસરથી પાછું જ ખેંચાઈ જશે, સ્ટોક અને સેન્ટર્સ ક્લોઝ થઇ જશે. અને અત્યારે બીજે મળે છે એમ જ ફરી પુસ્તક મૂળ કિંમતે જ ખરીદવાનું રહેશે. JSK ઓનલાઈન પણ એમેઝોન.ઇન, બુક્સ ફોર યુ જેવી સાઈટ્સ પર મળે જ છે. પણ આ ઓફરનો લાભ તો ફક્ત પ્રાપ્તિસ્થાનો ઉપર છે ત્યાં જ મળશે. ઓનલાઈન આવી કોઈ સ્કીમ નથી. કોઈ મારફતે આ જગ્યાઓ પરથી મંગાવી લેવા બહારના મિત્રોને વિનંતી છે.

# આ ઉપરોક્ત સ્થળો બૂક સ્ટોર નથી. સહાય કરનાર કૃષ્ણપ્રેમી મિત્રોની મદદથી દાતાઓનો હેતુ પૂરો પાડવા ટૂંકા ગાળા માટે ગોઠવાયેલી વ્યવસ્થા છે. એ માટે પુસ્તકોની દુકાનમાં જઈ પરાણે માંગણી ના કરવા વિનંતી છે.

# ઓફર અંતર્ગત હવે પુસ્તક સ્ટીકર કે “સહાયથી”નાં લખાણ સાથે જ મળશે. એ પુન:વેંચાણ કે અદલાબદલી માટે નથી. કોઈને અંગત હેતુ માટે જથ્થાબંધ જોઈએ તો ૯૫૩૭૫૩૭૩૭૩ નંબર પર સંપર્ક કરવો. કાયમી ધોરણે વેંચાણ કે લાયબ્રેરી ઈત્યાદિમાં મંગાવવું હોય તો નવભારત સાહિત્ય મંદિરનો સંપર્ક કરવો.

# આ વન બાય ટુ ઓફર દિવાળીનાં તહેવારો બાદ પૂરી જ થઇ જશે. પછી કોઈ પણ સંજોગોમાં રિપીટ થશે નહિ. નવા આવનારા કોઈ રિમઝિમ / જય વસાવડાના પુસ્તકોમાં પણ (પ્રવચનોના સ્થળ પરની વ્યવસ્થા સિવાય ) હવે આવી કોઈ ઓફરની અપેક્ષા રાખવી નહિ. આ તો કૃષ્ણકાર્ય ,માટેનો ઉમદા હેતુ છે. વારંવાર આવે એવો કોઈ બિઝનેસ એજેન્ડા નથી. એટલે જ પુસ્તકની કવોલીટીમાં સહેજ પણ સમાધાન વિના કે કોઈ અન્ય શરતો / છેતરામણી સ્કીમો વિના આ યોજના એક અપવાદ તરીકે આ વખતે મૂકી છે, જે કાયમી નિયમ નથી.

# ઉપરના સ્થળો સિવાય પુસ્તક અન્ય જગ્યાએ આ ઓફરમાં ઉપલબ્ધ કરાવવું શક્ય નથી. મિત્રો-સ્નેહીજનો મારફતે આ જગ્યાઓથી મેળવી લેવું, જો આપના નિવાસ્થ / ગામમાં એ ના હોય તો. એક એક નકલ પોસ્ટથી પણ મોકલાવવી શક્ય નથી. વધુ નકલ હોય તો નીચેના ફોન નંબર પર વિનંતીથી વિચાર કરાશે.

# આ માટેની તમામ માહિતી / માર્ગદર્શન / મદદ અને કોઈ સુચન કે વધુ સ્પષ્ટ સમજણ – દરેક બાબત માટે નીચેના નંબર પર સંપર્ક કરવો : ૯૫૩૭૫૩૭૩૭૩

# આ જરૂરી સુચનાઓ શક્ય તેટલી ફેલાવી સહકાર આપવા વિનંતી. આભાર. જય શ્રી કૃષ્ણ. 🙂

 

સુપરમેન : વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી…

ઉપ્સ, ગરબડગોટાળો !મૂળ તો આ રવિવારે સ્પેકટ્રોમીટરમાં નવી રિલીઝ થયેલી સુપરમેન ફિલ્મ ( મેન ઓફ સ્ટીલ ) પરના લેખના અનુસંધાનમાં અગાઉની ફિલ્મ ( સુપરમેન રીટર્ન્સ – જે એની ટીકા છતાં મને તો ખુબ ગમેલી..સરસ રોમેન્ટિક એન્ડ રિયલ ફિલ્મ હતી ) રિલીઝટાણે લખેલા બે લેખો અહીં બ્લોગ પર મુકવાના હતા કારણ કે એમાંના એક નિરીક્ષણનું અનુસંધાન વર્તમાન લેખમાં હતું. ( જાતે જ પીઠ થાબડી લેવાનો મોકો ય 😉 lolzzz ) સતત પ્રવાસને લીધે બે લેખો સેવ કરીને રવિવારે અપલોડ કરવા રાખેલા. પણ ભૂલમાં જુનો અનએડિટેડ ડ્રાફ્ટ જ ક્લિક થઇ ગયો. પછી એ જોવાયું જ નહિ. હજુ ભુજ આજ રાતના કાર્યક્રમ માટે જવાનું છે એમાં જેમ તેમ કરી ટાઈમ કાઢી આ ડેમેજ કંટ્રોલ કરી લઉં છું. સોરી ફ્રેન્ડસ, ટાઈપની ભૂલો ને કોઈ પૂર્વાપર સંબંધ વિના જ રજુ થઇ ગયેલા બે લેખો માટે. હવે નવો લેખ પણ જરૂરી કાપકૂપ સાથે એમાં લિંક આપ્યા ઉપરાંત પણ જોડી જ દીધો છે. જેથી સળંગ સમગ્ર વાંચી શકાય. ત્રણે લેખો એકસાથે જોડ્યા છે, પણ કલર ટોન ડિફરન્ટ રાખ્યો છે. ટાઈપિંગની ભૂલો ગઈ કાલે હતી, એ શક્ય તેટલી સુધારી લીધી છે. ડેરડેવિલ, ઈલેકટ્રા વાળો જસ્ટીસ લીગનો જૂની ભૂલનો સુધારો સૂચવવા માટે રીડરબિરાદર ભાવિનનો સોરીસહ આભાર 🙂

પહેલા બે લેખો તો મેં હું ૨૦૦૬માં જર્મની હતો, ત્યાં બેઠા બેઠા લખ્યા હતા. ત્યારે બ્રાયન સિંગર એક્સ મેનથી અને ક્રિસ્ટોફર નોલન બેટમેન બિગીન્સથી કોમિક બૂક કેરેક્ટરના ફિલ્મી અવતાર માટે જાણીતા યુવા નામો હતા. સિંગરનો સુપરમેન ઓછી એક્શનનાં લીધે બ્રાન્ડોન રૂથ દંતકથામય અને સુપરમેન બનવા જ અવતરેલા ક્રિસ્ટોફર રીવ પછી સારો સુપરમેન હોવા છતાં ફિલ જોઈએ તેટલી સફળ નાં થઇ, અને નવી ફિલ્મ નોલાને લખી ને પ્રોડ્યુસ કરી. સાત વરસમાં તખ્તો પલટાઈ  ગયો. સિંગર હવે વુલ્વરીન લઈને આવે છે. પણ નોલાન આગળ નીકળી ગયા. સુપરમેનમાં ભરપુર એક્શન ઉમેરવા ઝેક સ્નાઈડરને સાથે રાખીને. જેમને પહેલી વાર લોઈ લેનને અગાઉથી જ બધા રહસ્યોની ખબર હતી એવું લોજીક પણ બતાવ્યું છે , અને સુપર પાવરની સુપર સાઈડ ઈફેક્ટ પણ હોય એવું તબાહીનું નુકસાન પણ !  એમ તો એમાં એક સેટેલાઈટ પર બ્રુસ વેઇનનો  લોગો બતાવ્યો છે, અને એક બિલ્ડીંગ પર લેક્સ લુથરની કંપનીનું સાઈનબોર્ડ છે. 

સુપરમેનની પહેલી અને બીજી ક્લાસિક ફિલ્મ્સ મેં મમ્મી-પપ્પાની આંગળી ઝાલી, એ વખતે રાજકોટ ગેલેક્સીમાં જોઈ છે. એના ઘણા કોમિક્સનું કલેક્શન આજે ય મારી પાસે હિન્દી /ગુજરાતી / અંગ્રેજીમાં છે. ફોરેનનો ફિલ્મથી પરિચયમાં આવેલો એ પહેલો સુપરહીરો હતો.  અને એ રીતે એ સદાય સ્પેશ્યલ છે. પણ આ પોસ્ટ ફક્ત કોમિક બૂક સુપરહીરોના ફેનની નથી. એથી આગળના ઘણા જીવનઉપયોગી અર્થઘટનો એમાં છે ! 


ss1

કઈ સાલ પહલે કી એક બાત હૈ…!

આપણે ત્યાં આઝાદીની ચળવળો અને ગોળમેજી પરિષદો કે દાંડીયાત્રાઓ થવાની હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માનવીમાંથી ‘મહાત્મા બનીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા, એ અરસામાં અમેરિકામાં બે દોસ્તો સ્કૂલેથી ભાગીને ખેતરો અને ગુફાઓમાં અલગારી રખડપટ્ટી કરતા. એમની એક ફેવરિટ અવાવરૂ ગુફા હતી એક મિત્ર કેનેડિયન હતો, એનું નામ જો શૂસ્ટર અને બીજો અમેરિકન હતો એનું નામ જેરી સીગલ. એકને કલમ સાથે દોસ્તી, બીજાને પીંછી સાથે ! એક શબ્દોથી ચિત્રો દોરે, બીજો ચિત્રો બનાવી જોનારના મનમાં શબ્દો ઉભા કરે !`

એક રાત્રે ગુફામાં બેઠા-બેઠા બંનેને એક પાત્ર સર્જવાનો વિચાર ઝબુક્યો કોલસાથી એક આકાર ભીંત પર એમણે દોરવાનો શરૂ કર્યો. એક બોલે, બીજો સુધારા કરે.

ફાઇનલી 1932માં એ કેરેક્ટરના ઘાટ ઘડાઈ ગયા. લાડમાં જેને ‘જાંગીયો પેન્ટની ઉપર પહેરે તે’ એવો એ સુપરમેન રચાઈ ગયો એનું નામ અતિ પ્રભાવશાળી છતાં અતિ સરળ હતું. બસ, સુપરમેન ! બેઉ ભાઈબંધો જુવાન હતા ડિટેક્ટીવ કોમિક્સ (પછીથી ‘ડીસી` ઉર્ફે ડાલ્ટન કોમિક્સ)ને પોતાની ચિત્રવાર્તા વેચવા ગયા. પોતાના મૌલિક આઇડિયાની એમને ખુદને ખબર નહોતી, અને ભોળા સર્જકોની દગાખોર દુનિયાને કદી કદર હોતી નથી. કહેવાય છે કે શૂસ્ટર અને જેરી સીગલે સર્જેલું, ચિતરેલું, વિચારેલું સુપરમેનનું પાત્ર અને એની કહાણી ડીસી કોમિક્સે તમામ હક હિસ્સા સાથે, ફૂલ એન્ડ ફાઇનલ ફક્ત ત્રણસો એક ડોલરમાં ખરીદી લીધી પછીથી પણ કોઈ રોયલ્ટી નહિ ! 1938માં ‘એક્શન કોમિક્સ’ ના ટાઇટલ નીચે સુપરમેનનો પહેલો ઇસ્યૂ બહાર પડયો !

સુપરમેન કદી સુપરહિટ ગયા વિના રહે ખરો ? રાજાની કુંવરીની માફક જ એની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધવા લાગી… વર્ષો સુધી એ કોમિક્સની દુનિયાનો સરતાજ રહ્યો. સુપરમેન પરથી પછી ટીવી સીરીયલ્સ જ નહિ, ચાર-ચાર હોલિવુડ ફિલ્મો બની. સ્વર્ગસ્થ ક્રિસ્ટોફર રીવ એનું પાત્ર ભજવીને ઇતિહાસમાં અમર થઈ ગયો. 30મી જૂને, 2006ના રોજ  ‘સુપરમેન રીટર્ન્સ’ નામની પાંચમી ફિલ્મ જગતભરમાં રજૂ થવાના પડઘમ ગાજ્યા. 

પણ જગતભરના પીડિતોને અન્યાય દૂર કરનારો આ સુપરમેન પોતાના ઘડવૈયાઓનો અન્યાય આજીવન દૂર ન કરી શક્યો. સીગલ અને શૂસ્ટર બંને આ દુનિયામાં આજે પણ નથી. પણ એમના પાત્રથી કરોડો રૂપિયા રળી લીધા. કોમિક્સ કંપનીઓ, ટી.વી. ચેનલો, માર્કેટીંગ કંપનીઓ, ટોય કંપનીઓ, ફિલ્મ પ્રોડયુસરો એક્ટરો… બધાએ ! પરંતુ, એ બે બદનસીબોને એમાંથી ફૂટી બદામ પણ ન મળી ! એમણે તો ખોબે ભરાય એટલા દામમાં દરિયો ઉલેચાય એવો ખજાનો ખાલી કરી નાંખ્યો હતો. પાછળથી મિડિયાના અહેવાલો અને લોકજાગૃતિને લીધે એમને થોડું વળતર મળ્યું, પણ દુનિયા બદલી નાંખનારો એમનો – આઇડિયા એમની ભૂલે કે એમની ઉસ્તાદીથી ઉલ્લુ બનાવનારા શોષણખોરોની છેતરપીંડીને લીધે એમને ફળ્યો જ નહિ. સુપરમેન વેચાઈ ગયો, સીગલ-શૂસ્ટર ખોવાઈ ગયા !

* * *

સુપરમેનનું સર્જન થયું, એ કાળમાં પશ્ચિમી દેશોમાં સાયન્સ ફિક્શનનો નશો બરાબર ચડયો હતો. પણ સુપરમેન જેવું આધુનિક પાત્ર કોઈ સર્જી શક્યું નહોતું. સુપરમેનની કહાણી – સરળ છતાં (કે એટલે જ) સરસ રીતે ગૂંથાયેલી હતી.

ક્રિપ્ટન નામનો એક ગ્રહ હતો. દૂર આકાશગંગાના એ ગ્રહ પર પણ માણસો જેવી જ વસ્તી હતી. ત્યાં પ્રલયની સંભાવના આવી. સુપરમેન ત્યારે તો તાજું જ જન્મેલું બાળ હતો. એના માતાપિતાએ એને એક ‘સ્પેસ કેપ્સ્યુલ’માં મૂકીને અવકાશમાં મોકલી, પ્રલયમાંથી બચાવી લીધો. પોતે ભસ્મીભૂત થઈ ગયા. સુપરમેન ત્યારે માત્ર મામુલી બચ્ચા તરીકે એક નિઃસંતાન પ્રૌઢ દંપતીને પૃથ્વી પર (નેચરલી, અમેરિકામાં) મળી આવ્યો. એમણે અવકાશયાન પડતાં અચાનક મળી આવેલા બાળકને દીકરાની જેમ ઉછેર્યો. નાનપણમાં જ પોતાની અલૌકિક શક્તિઓનો સુપરમેનને અહેસાસ થયો એનામાં અપાર બળ હતું. એ પૂરપાટ ઝડપે પવનને ચીરીને આસમાનને ચૂમવા ઉડી શકતો. એની આંખોનું વિઝન એક્સ-રે વિઝન કપડા જ નહિ, કોંક્રીટની દીવાલો વીંધીને અંદર જોવા સક્ષમ હતું અને ‘ડેઇલી પ્લેન્ટ’ (જૂનું નામ ‘ડેઇલી સ્ટાર’) છાપામાં ચશ્મીસ ખડ્ડૂસ રિપોર્ટર ક્લાર્ક કેન્ટ તરીકે જોડાયો. મોટા શહેરમાં બનતા દરેક ક્રાઇમની ફોટોગ્રાફર દોસ્તી જામી પત્રકાર તરીકે એને ખબર પડે, અને ચપ્પટ પટિયા પાડેલા વાળ અને માસ્તરિયો કોટ-ટાઇ છોડી એ રેડ-બલ્યુ કલરના એવરગ્રીન ડ્રેસમાં દુશ્મન સામે જંગ છેડવા ઝૂકાવી દે ! સાથી રિપોર્ટર લુઈસ (લોઈ) લેન સાથે નવરાશમાં એ તારામૈત્રક રચે ! રૂડી રૂપાળી લુઇસને ક્લાર્ક કેન્ટ દીઠ્ઠો ન ગમે, પણ સુપરમેન પાછળ એ ઘેલી ઘેલી થઈને ફરે ! (સારઃ છોકરીઓને સુપરમેન સીધોસાદો, શાંત સ્નેહાળ પ્રેમી બનીને સાક્ષાત પ્રગટ થાય તો પારખતા નથી આવડતું, એમને આકર્ષવા માટે સ્ટાઇલ, પાવર એન્ડ ચાર્મ જોઈએ !)

સુપરમેન પૃથ્વી ગ્રહ પર ક્રિપ્ટન ગ્રહના બાળક કાલ-એલમાંથી સુપરમેન કેવી રીતે બન્યો ? એનું કારણ એવું અપાયું છે કે પૃથ્વીના પીળા સૂર્યને લીધે સુપરમેનના શરીર ફરતું ઊર્જા કવચ રચાયું. (સન ઓફ સન ગોડ ? ) એ એલીયન (બહારના ગ્રહનો) હોઈ અહીંના વાતાવરરણમાં કિરણોત્સર્ગી અસરને લીધે દિવ્ય શક્તિઓનો સ્વામી બની ગયો ! પણ સુપરમેનની નબળાઈ એના જ ગ્રહક્રિપ્ટનનો લીલો ક્રિપ્ટોનાઇટ પદાર્થ હતો, જેની હાજરીમાં એની તમામ શક્તિ હણાઈ જતી ! એના સુપર વિલન લેક્સ લૂથરને એ બરાબર ખબર હતી !

* * *

બીજા વિશ્વયુદ્ધને લીધે સુપરમેનને પ્રગટતા વેંત જ અપરંપાર સફળતા મળી. સુપરમેન થોડા દાયકાઓમાં તો ફેન્ટમ, ટારઝન, મેન્ડ્રેક, સ્પાઇડરમેન, બેટમેન જેવા લોકપ્રિય કોમિક હીરોઝને હટાવીને અમિતાભ બચ્ચન બની ગયો. એનો  અમેરિકન રાષ્ટ્રધ્વજમાંથી આવેલો એવો રેડ બ્લ્યુ કલરને પેપ્સીએ અપનાવી લીધો. એની નકલમાં કેટલાય નવા પાત્રોનું સર્જન થયું એ આજે પણ ચિત્રપટ્ટીનું પાત્ર નહિ બલ્કે એક વિશેષણ છે એની જેમ પાછળ લબાદો રાખીને ફરવાની કે કપાળે વાંકી લટ રાખવાની ફેશન ચાલી નીકળી. એની ફિલ્મના પણ ઉપરાછાપરી ચાર ભાગ બની ગયા ! સમય મુજબ લેખકો સુપરમેનની આજુબાજુનું બેકગ્રાઉન્ડ આધુનિક બનાવતા ગયા… સુપરમેન અમેરિકન સમાજનો ઇશ્વર થઈ ગયો !

પણ જમાનો બદલાયો, એમ જનરેશન ફાસ્ટ બનતી ગઈ. ધીરે ધીરે સુપરમેનના વળતા પાણી શરૂ થયા. હળવે હળવે એની ચિત્રવાર્તાઓ ઘટતી ચાલી. એ લગભગ બંધ પડી ગયા પછી – 1986માં જોન બેયર નામના લેખકે ડીસી કોમિક્સ માટે જ ‘મેન ઓફ સ્ટીલ’ તરીકે એનો પુનર્જન્મ કરાવ્યો. જૂના સુપરમેનની વાર્તામાં ઘણાં ફેરફારો સાથે મોડર્ન સુપરમેન રજૂ થયો. આ સુપરમેન ‘ટેસ્ટ ટયુબ બેબી’ તરીકે (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) જન્મેલો બતાવાયો હોઈને એ પૃથ્વી પરનો જ માનવી સિદ્ધ કરાયો… 1990માં સ્પેશ્યલ વેડિંગ આલ્બમ બહાર પાડીને એના લગ્ન કરાવ્યા (અફ કોર્સ, એની સ્વીટહાર્ટ લુઈસ લેન સાથે… આ કોમિક્સ છે, જીંદગી નથી કે એમાં પ્રેમ નિષ્ફળ જાય !) નવા ખલનાયકો આવ્યા બેટમેન, રોબિન, વન્ડરવુમન,ગ્રીન લેન્ટર્નસાથે સુપરમેનની દોસ્તી બતાવાઈ. ફ્લેશ ઇત્યાદિ સાથે મળીને ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા` (જે.એલ.એ.)ની સુપરમેને સ્થાપના કરી.

પણ કોમ્પ્યુટર યુગ પારણામાંથી પોકારો કરતો હતો. કોલ્ડવોર (રશિયા સાથેની) પૂરી થઈ ગઈ હતી. અમેરિકા સુપરપાવર બની ગયું હતું. હવે સુપરમેન એટલો મહાન દેખાતો નહોતો અંતે 1993માં ‘ડ્રમ્સ ડે` નામના વિલન સામે બાથ ભીડતા એને માર્યા પછી પ્રેમિકા લુઈસ લેનની બાહોમાં સુપરમેન મરી પરવાર્યો ! પછીથી ‘સુપરબોય` નામે એના ભૂતકાળના પરાક્રમો અને બ્લેક સિલ્વર ડ્રેસમાં ‘કાર્લ એલ` નામે એના બીજા ગ્રહના પરાક્રમો થોડા સમય પ્રગટ થયા પણ પછી બાળકો માટે વિડિયો ગેઇમ્સના નવા અજીબોગરીબ એબ્સર્ડ સુપરહીરો આવતા ગયા કાર્ટૂન નેટવર્ક, પોકેમોન, નવા સ્વરૂપે ફિલ્મોથી છવાયેલા બેટમેન અને સ્પાઇડરમેન… આમાં સુપરમેને રિટાયર થયા વિના છૂટકો નહોતો ! મેચ્યોર્ડ પબ્લિકને અતિશય પરાક્રમી ‘સુપરહીરો’ કરતાં ‘હ્યુમન હીરો’માં વધુ રસ પડતો, અને યંગ કિડ્સ માટે સુપરમેન આઉટડેટેડ હતો.

પણ દિગ્દર્શક બ્રાયન સિંગરે ખૂબ બધી તલાશ પછી બ્રોન્ડોન રૂથને લઈને ‘સુપરમેન રીટર્ન્સ’ ફિલ્મ બનાવી વર્ષો બાદ. ( જે જૂની વન અને ટુપછીની સિકવલ છે.થ્રી-ફોર નબળી હોઈ ને !)  એ સફળ છતાં થોડી નબળી પડતા હવે નોલન સ્નાઈડરે એને રીબુટ કરી કહાની એકડે એકથી માંડી છે ) કિંગકોંગ પાછો આવ્યો, સ્પાઇડરમેનને સુપર સક્સેસ મળી… એક્સમેને વિક્રમી કમાણી કરી છે ! માટે દેખીતી રીતે નવા સુપરમેન માટે તકો ઉજળી છે. જેમ્સ બોન્ડની માફક સુપરમેન બ્રાન્ડ ફરી સજીવન થશે ? ક્રિસ્ટોફર રીવને બદલે બ્રોન્ડોન રૂથ કે હેનરી કેવિલને લોકો નવો ચહેરો હોવા છતાં સ્વીકારી લેશે ? સુપરમેનની નવી ફિલ્મ કેવી હશે ?

આ બધા સવાલો કરતાં પણ વધુ અગત્યના કેટલાક સવાલો છે. સુપરમેનનું સપનું માનવજાતને કેમ આવ્યા કરે છે ? અમેરિકાની વાસ્તવિક જિંદગીમાં સુપરમેનનો કશો રોલ ખરો ? જગત માટે સુપરમેનનું પાત્ર કઈ રીતે કોમિક્સ હીરોથી જરાપણ વિશેષ સંદેશો લઈ આવે છે ?

***

superman_man_of_steel_by_cyrilt-d4rge9x

ગોડ ઈઝ ડેડ.

ઈશ્વર મરી ચૂક્યો છે – આ એક વાક્ય લખીને જર્મન ફિલસૂફ ફ્રોડરિક નિત્શેએ સર્જેલો ખળભળાટ હજુ શમ્યો નથી. અલબત્ત, આજે આ વાક્યની ચર્ચા કરીને સૂતેલા સર્પને છંછેડવો નથી. પણ ઈશ્વરનો ઇન્કાર કરનાર આ જીનિયસ ચિંતકે એક કલ્પના કરી હતી. એ હતી ‘ઓવરમેન`ની કલ્પના. ઈશ્વરમાં માણસ જે અલૌકિક શક્તિઓ આરોપિત કરે છે, એ ક્યારેક એ પોતે પણ ધરાવી શકે… એવો કંઇક એનો સૂર હતો. દેવતાઈ અવતારોની રાહ જોવા કરતાં માનવમાંથી જ કોઈ ગાંધી, આઈન્સ્ટાઈન, અમિતાભ કે કાસ્પારોવ જેવો ‘ઓવરમેન` પેદા થઇ શકે છે. નિત્શે કરતાં જુદા જ એવા આધ્યત્મિક એંગલથી મહર્ષિ અરવિંદે એમની ખૂબ જાણીતી એવી ‘અતિમનસના વિસ્તાર` વાળી વાત તરતી મૂકી હતી. માણસમાં પેઢી દર પેઢી વધુ સ્માર્ટ, વધુ તેજસ્વી બાળકો પેદા થતાં જાય છે. પૃથ્વી પર આવા પ્રચંડ મેધાવી પ્રજ્ઞાપુરુષો (અને અફકોર્સ સ્ત્રાeઓ)નું પ્રમાણ વધતું જશે અને નકામા, નિર્બળ, નિસ્તેજ, નિર્માલ્ય માનવીઓનું અસ્તિત્વ કુદરત જ ઘટાડતી જશે. (ડાર્વિન મીટ્સ ડિવાઇનિટી !) કોમ્પ્યુટરયુગના કદમ પછી આમ પણ માણસ વધુ હોશિયાર અને ચબરાક બનતો જતો હોય એવું નથી લાગતું ?

ખેર, બકરી અને માણસમાં ‘મેં… મેં… મેં…`નો ધ્વનિ સરખો જ નીકળે છે. કોમિક હીરો સુપરમેનના ડ્રેસ પર જો ‘એસ` લખેલો દેખાતો હોય, તો દરેક કોમિક જીંદગી જીવતા કોમનમેનની છાતી પર પણ કેપિટલ ‘આઈ` કોતરાયેલો હોય છે. અલબત્ત, એ કદી દેખાતો નથી ! સુપરમેનનું સપનું એ આપણો જ વિરાટ પડછાયો છે. અજેય, અભેદ્ય, આકર્ષક, અદ્ભુત અને અલૌકિક વ્યકિતત્વની માનસિક તલાશનો જવાબ !

* * *

ધાર્મિક પુરાણકથાઓ હોય કે વિદેશી કોમિક બુક…. દરેકના, અરે ફાલતુ ફિલ્મોના પણ વીરનાયકોમાં આટલી વાતો તો લાગુ પડવાની. સ્પાઇડરમેનથી ટારઝન અને હનુમાનથી હરકયુલીસ સુધી આ બધી વાતોના છેડા લંબાવીને ગૂંચળું વીંટાળી શકાય. પણ ‘સુપરમેન’ નામનો એક જમાનાનો અમેરિકાની ઓળખાણ જેવો હીરો આ બધી ફિલસૂફી ઉપરાંત પણ કંઈક જુદી જ માયા ધરાવે છે. આખી દુનિયા જેમાંથી બટકું ભરવા માંગે છે, એ ‘બિગ એપલ’ (ન્યૂયોર્કનું હુલામણું નામ) પણ એમાં છુપાયેલું છે, અને એની ડાળી જેવા યુ.એસ.એ.ના મેગ્નેટનું મેજીક પણ!

પૃથ્વી પરનો એકમાત્ર સત્તાવાર સુપરપાવર એવો દેશ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા` આખરે શું છે ? એનાં મૂળિયાં શું ? એનો ઇતિહાસ શું ? એની સંસ્કૃતિ શું ? ભારતમાં જ નહિ, યુરોપમાં પણ લોકો આ સવાલોને હંસીમજાક અને ટીકાટિપ્પણનો મુદ્દો બનાવે છે. પ્રમાણમાં પછાત ગણાતા ભારતથી લઇને હાઈ ટેક ગણાતા જર્મની… દરેક દેશની નવી પેઢી અમેરિકન કલ્ચરમાં કંઇક વિશેષ આનંદ અનુભવે છે. અમેરિકાના ખરા અસ્તિત્વને માંડ બે સદી થઇ છે, પણ જગતભરની નદીઓ આ સમુદ્રમાં ઠલવાઇ જવા માટે બે કાંઠે ઉભરાઇ જાય છે. અને એટલે જ યુ.એસ.એ.નું નામ છે : કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટસ ! પરદેશી પંખીડાંઓ ઉર્ફે બહારના વસાહતીઓનો દેશ ! ભારતીયો, ચાઈનીઝ, સ્પેનિશ, મેકસિકન, ફ્રેન્ચ, બ્રિટિશ, આફ્રિકન.. અમેરિકા દરેક પ્રજા, દરેક રંગનું છે !

લોહિયાળ આંતરવિગ્રહ અને વિકરાળ રંગભેદ જોઈ ચૂકેલા અમેરિકામાં મુખ્યત્વે આજે મહત્ત્વ વ્યકિત કઈ ભાષા, દેશ, રંગ કે જાતની છે, એનું રહ્યું નથી, મહત્ત્વ છે, એની ક્ષમતાનું, એની પ્રતિભાનું અને એની આવડતનો ઉપયોગ કરવાની તથા આર્થિક વળતર મેળવવાની આઝાદીનું ! દેશમાં યુ.એસ. વિઝા કોન્સ્યુલેટ સામે લાગતી લાંબી કતારો આ ‘લેન્ડ ઓફ લિબર્ટી`ની ઇમેજને આભારી છે. અમેરિકન કલ્ચર (જો એવું કંઇ હોય તો) શા માટે રવાના શીરાની જેમ લસરક દરેકના ગળે ઉતરી જાય છે ? મેકડોનાલ્ડસથી મિકી માઉસ શા માટે બધે જ એકસરખા લોકપ્રિય બને છે ? પોપસોંગ્સ, એમટીવી, ડાયનોસોર, હોલીવૂડ, હુ વોન્ટસ ટુ બી મિલિયોનર (કૌન બનેગા કરોડપતિ !), સિડની શેલ્ડન… આ બધાના ઝંડા કેમ માત્ર અમેરિકાને બદલે બધે જ લહેરાય છે ? એનાથી ક્યારેક વધુ ટેલન્ટ કે ક્રિએટિવિટી બીજા દેશોમાં હોવા છતાં દુનિયાથી દૂર સમંદરપાર બેઠેલા અંકલ સેમ (અમેરિકાનું લાડકું નામ)ની ગોદ કેમ બધાને વ્હાલી લાગે છે ? આઇન્સ્ટાઇન કે સ્પીલબર્ગ જેવા યહૂદીઓ અમેરિકન બને છે. ઓસ્ટ્રuલિયન મેલ ગિબ્સન કે નિકોલ કિડમેન અમેરિકન સુપરસ્ટાર ગણાય છે. બ્રાઝિલ, આર્જેન્ટિના ઇત્યાદિ દક્ષિણી દેશોના રિકી માર્ટિન કે જેનીફર લોપેઝ કે નીગ્રો કાર્લ લુઇસ અને મુસ્લિમ મોહમ્મદ અલી પણ અમેરિકન થઇ જાય છે. બ્રિટિશ જેમ્સ બોન્ડ અને ફ્રેન્ચ ઓપેરા અમેરિકામાં જીવંત છે. જર્મન ‘સિન્ડ્રેલા` અને આફ્રિકન ‘લાયન કિંગ` અમેરિકન છે !

આ કોયડો ઉકેલવાની ઘણી ચાવીઓ છે, જેમાંની એક ગુરુચાવી છે – સરલીકરણ ! સિમ્પ્લી ફેકેશન ! અમેરિકા પર હજારો વર્ષોના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસનો બોજ નથી. જેમ શાસ્ત્રીય સંગીત કરતાં રિમિક્સ પોપ વધુ સરળ લાગે છે, એમ અમેરિકન લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચર પણ સમજવા – અપનાવવામાં સરળ છે. દાખલા તરીકે, અમેરિકન ટ્રેડિશનલ ડ્રેસ શું ? જીન્સ-ટી શર્ટ ! અમેરિકન ટ્રેડિશનલ ફૂડ શું ? ઇટાલિયન પિત્ઝા ! અમેરિકન ઝંડાના રંગો પણ બ્રિટિશ છે. ભૂતકાળના નામે કોલંબસની એન્ટ્રી પછી ખતમ થઇ ગયેલા રેડ ઇન્ડિયન્સ છે.. અને બોલીવૂડ કે ભાંગડા પણ ત્યાં ગુંજી ઊઠે છે.

આવું કેમ થયું ? ફક્ત પ્રયત્નોથી થયું નથી. આપમેળે થયું છે. બિકોઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ એ નેશન ઓફ ઇમિગ્રન્ટસ ! માટે અવનવા દેશ અને બેકગ્રાઉન્ડના માણસોને સમજાય અને અપીલ કરે એવો જીંદગીની મોઝમજાનો નકશો તૈયાર થતો ગયો છે. પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી નીતારવાની… એક ‘મેલ્ટિંગ પોટ’ સર્જી દેવાની પ્રક્રિયા આસાન નથી. એમાં ઘણુ પીલાવું પડે છે. કાળા લોકો કે એશિયન લોકો રાતોરાત સ્વીકૃત નથી થયા… હજુ પણ બહારથી સ્વસ્થ દેખાતા શરીરમાં અંદર શ્વેતકણો અને રોગના જંતુઓ વચ્ચેનું યુધ્ધ ચાલુ જ છે.

* * *

સુપરમેનનું પાત્ર દાર્શનિક રીતે અમેરિકન જીવનમાં આ ‘ઇમિગ્રન્ટસ`નું પ્રતિનિધિત્વ કરે છે. સુપરમેન ઉર્ફે કાલ એલ ઉર્ફે કલાર્ક કેન્ટ અમેરિકન બોર્ન સિટિઝન નથી ! એ દૂરની આકાશગંગાના ગ્રહ ક્રિપ્ટનનો વતની છે ! એના મૂળ, એનું કુળ, એની ખરી ભાષા, એનું ખરું કુટુંબ બધું જ અલગ છે. એના ગ્રહમાં જે સામાન્ય ગણાય એવી બાબતો પૃથ્વી પર અસામાન્ય શક્તિરૂપ ગણાય છે ! એને એની આગવી ઓળખાણ – ‘સ્પેશ્યલ આઇડેન્ટીટી` અમેરિકામાં (કે ધરતી પર) મળે છે, માટે હવે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ એને પોતીકા લાગે છે. છતાં ય ઘણી વખત પોતે પૃથ્વીવાસી નથી, એ સત્ય નકારાત્મક રીતે (મોટે ભાગે ખલનાયકો દ્વારા નબળાઇ તરીકે) એની સામે વિકરાળ મોં ફાડીને ઉભું રહે છે ! એ વખતે જગત ઉપરાંત ટકી રહેવા માટે એણે જાત સાથે પણ લડવું પડે છે. એની પ્રેયસી લોઇ લેને પણ આ સત્ય સ્વીકારીને એને પ્રેમ કરવો પડે છે… અને એક ‘બહાર`નો માણસ અમેરિકન જીવનમાં લોકપ્રિયતા, પ્રેમ, પરિવાર, પ્રતિષ્ઠા બધું જ મેળવે છે. એ અમેરિકન સિટીઝન બનીને અમેરિકાના દુશ્મનો સામે લડે છે.

પણ સુપરમેનની લડત જ્યોર્જ બુશ જેવી પૂર્વગ્રહ કે સ્વાર્થપ્રેરિત નથી. એ બાળકોનો નાયક છે, ચૂંટણીનો નેતા નથી. એ લડે છે ન્યાય, સત્ય અને શંિતની ખાતર ! જે વળી બીજી રીતે જોઈએ તો પરમેશ્વરના પાશ્ચાત્ય પ્રતિનિધિ એવા ઇસુ ખ્રિસ્તનો સંદેશો છે. બાઇબલની કથાઓ અને ચર્ચના પોલિટિકસને બાજુએ મૂકો તો આ ગાંધીજીના સંદેશ જેવી ‘યુનિવર્સલ’ વાત છે. જાનના જોખમે પણ સુપરમેન આ મૂલ્યોને વળગી રહેવાની કોશિશ કરે છે. અને એ સંઘર્ષમાં પરિવારને પણ દાવ પર લગાડીને મોતના મુખમાં પહોંચે છે. ‘મેન’માંથી ‘સુપરમેન’ બનેલા મહાત્મા મોહનદાસ ગાંધીએ પણ આ જ પરાક્રમ કરી બતાવેલું ને ?

સુપરમેનના કેરેકટરની એક ઓર સ્પેશ્યાલિટી પણ છે, જે રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં આબાદ ઉપસાવી હતી. એક નાના ગામડાનો માણસ મોટા શહેરમાં આવીને પોતાની જાતને સાબિત કરવાનો જંગ છેડે એ વાત ભારત આસાનીથી સમજી શકે છે. ગંગા કિનારેવાલા કંઇક છોરાઓ આજે મુંબઇના ‘મોટા માણસો` બની ગયા છે. ચરોતરનાં ગામડાંઓમાં રહેતા પાટીદારો ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા જઇને પોતાનો પાવર બતાવે છે. અભણ પટેલો પરદેશમાં કોઠાસૂઝ અને આપબળના જોરે મોટા વેપારી બની જાય છે. દક્ષિણ ભારતના લૂંગીધારી ગામડિયાઓ બિલ ગેટની ‘સિલિકોન વેલી’ના સર્જકો બને છે. પંજાબ દા પુત્તરો સરસોં કા ખેતમાંથી નીકળીને દુનિયા હલાવી દે છે.

જર્મનીના જ નહિ, યુરોપના આર્થિક મહાનગર ગણાતા ફ્રેન્કફર્ટના ગગનચુંબી સ્કાયક્રેપર્સની ટોચે આવેલી ઓફિસમાં મેકેન્ઝી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી જેવી વિરાટ કંપનીના ડાયરેકટર ક્રિસ્ટોફ વોલ્ફ બેઠા છે. એ વારંવાર ભારત આવે છે. ભારતીય વાનગીઓ રાંધી જાણે છે. અને એમને લાલુ પ્રસાદ યાદવ એકદમ ફની અને લવેબલ પોલિટિશ્યન લાગે છે ! લાલુને વગર કારણે પણ કોઇ પરદેશી શા માટે યાદ કરે ? કારણ કે, લાલુએ એક બ્રાન્ડ ઉપસાવી છે. ‘ગમાર દેહાતી’. મોટા શહેરોમાં જઇને સિક્કો જમાવે એની ઓળખના જોરે એણે મત ઉસેટયા છે. માટે અંગ્રેજી આવડતું હોવા છતાં એ બોલે નહિ, હજામ હાજર હોવા છતાં હેરસ્ટાઇલ ફેરવે નહિ !

નાના ગામમાંથી મોટા શહેરમાં વટ પાડી દેવાની વાત બહુમતી જનતાને હીરોઇક લાગે છે. આ પણ એક બહુ મોટું યુધ્ધ છે, અને એના વિજેતાઓ સલામીને લાયક છે ! સુપરમેન પણ ‘સ્મોલવિલે’ નામના નાનકડા ગામમાં ઉછરેલો છે. અને પછી ‘મેટ્રોપોલિસ’ (જે દેખાવે અને સ્વભાવે ન્યૂયોર્ક જ છે !) જેવા કાલ્પનિક મહાનગરમાં સુપરમેન તરીકે સ્થાપિત થાય છે ! ‘સ્મોલ’થી જે ભડવીર નર કે નારી ‘મેટ્રો’ સુધી પહેચાન બનાવીને પોતાના જૌહર બતાવે – એ દરેક સુપરમેન કે સુપરવુમન છે.. ભલે ને એમની કોમિકબૂક, ટીવી સિરિયલ કે ફિલ્મો ન બને…. કે આવા લાંબાલચ વિશ્લેષણવાળા લેખો એમના પર ન લખાય !

***

man_of_steel_wallpaper_3_0_by_estogarza-d4e2nmj

 

બરાબર ૭ વર્ષ પહેલાં ‘ગુજરાત સમાચાર’માં ૨૦૦૬ની સાલમાં આ જ અરસામાં ‘સુપરમેન’ પર લખેલા આ લખવૈયાના લેખના આ અંશો છે. એ વખતે ‘સુપરમેન રિટર્ન્સ’ ફિલ્મ રીલિઝ થવાના રણશિંગા ફુંકાતા હતા ત્યારે  સુપરમેન ફ્રેન્ચાઇઝી રિબટ કરી ક્રિસ્ટોકર નેલાન જેવા ક્રિએટિવ જીનિયસ (ડાર્ક નાઇટ સીરિઝ, મેમેન્ટો, ઇન્સેપ્શન, પ્રેસ્ટિજ વગેરે)ને રાઇટર-પ્રોડયુસર તરીકે લઇ એકશનમેન ઝેક સ્નાઇડરને (૩૦૦, વોચમેન, સકરપંચ) ડાયરેકટર તરીકે લેવાનો વોર્નર બ્રધર્સનો કોઇ પ્લાન નહોતો.

સો નેચરલી, રિલિઝ થતા વેત અમેરિકા અને ભારતમાં પણ બોક્સ ઓફિસ પર સુપરપંચથી ભુક્કા બોલાવતી સફળતા મેળવી રહેલી ‘મેન ઓફ સ્ટીલ’ ફિલ્મના ગર્ભાધાનની પણ પહેલા એમાં સુપરમેનના ચરિત્રના જે પાસા પર ભેજાભાજોએ ભાર મુક્યો છે, એની ચર્ચા સાત સમંદર પાર ગુજરાતી ભાષામાં આગોતરી જ થઇ ચુકી છે ! મેન ઓફ સ્ટીલ ન બનો, તો યે બ્રેઇન ઓફ સ્કિલ બનો- યારો, જમાનો સુપરથોટ્સનો છે !

અને ધૂમધડામની વચ્ચે પણ કશીક ઉમદા થોટફૂલ વાત કહેતી ફિલ્મ જોયા પછી થોટ્સ આવવા સ્વાભાવિક છે. વાત ફક્ત ફિલ્મની પણ નથી. વાત તો ધ સુપરમેનની છે. એક એવો કેમિક્સ આઇકોન જે અમિતાભની જેમ અલ્ટીમેટ મહાનાયક છે. જે દેશ અને પેઢીઓની ઉંમરની સરહદો વટાવીને પણ પોતાના કાલ્પનિક અસ્તિત્વનો વાસ્તવિક વિજયવાવટો ફરકાવવા સક્ષમ છે. બચપણમાં ગુજરાતના ગામડા સુધી આ ડીસી કોમિક્સના સહકારથી ‘સ્ટાર કોમિક્સ’માં જેની કથાઓ ફેન્ટમ-મેન્ડ્રેકની માફક ગુજરાતી- હિન્દીમાં પણ ડીએનએ પર ઇમ્પ્રિન્ટ થઇ ચૂકી છે. ભલે સ્પાઇડર-નોલાન એને પ્રયત્નપૂર્વક પોતાના ડાર્ક-ગ્લૂમી- ઉડી ગયેલા ઝાંખા રંગોવાળા બેટમેન / ૩૦૦ વિશ્વમાં એની ફિલ્મ લઇ આવ્યા, કારણ કે એ આજકાલ ‘ચાલે’ છે.

પણ આ સુપરમેનનું અસલી વિશ્વ નથી. સુપરમેન કોમિકસના પાનાઓ પર પણ બ્રાઇટ, વાઇબ્રન્ટ રંગોની છોળો છવાયેલી રહેતી. એ મેઇનસ્ટ્રીમ હીરો હતો. જયારે સુપરમેન ન હોય ત્યારે ‘ડેઇલી પ્લેનેટ’ અખબારમાં કલાર્ક કેન્ટ તરીકે કામ કરતો. એમાં ય ચશ્મા પહેરે કે વાંકડિયા ઝૂલ્ફાવાળા વાળને પાથી પાડે એમ એ ન ઓળખાય એવું ન્હોતું. કારણ કે, સુપરમેન ચહેરો માસ્કથી ઢાંકનારો હીરો નથી. પણ કલાર્ક કેન્ટની પર્સનાલિટી જ સુપરમેનથી સાવ ઓપોઝિટ હોય. એ ગફલતો કરતો ગૂફી, નર્વસ એવો નરમ, હ્યુમરસ એવો હસમુખો ને ડિસીપ્લીન્ડ એવો ડાહ્યોડમરો જ હોય! એટલે એના પર શંકા જ ન જાય!


પણ સુપરમેન કોમિકસ સુપરહીરોઝના યુનિવર્સમાં, કહો કે ઓલ્ટરનેટ રિયાલીટીમાં સ્પેશ્યલ છે. આ વર્ષે જયારે ૧૯૩૮માં એનું બે જવાન છોકરાઓએ સર્જન કર્યું, એને ૭૫ વર્ષ થઇ રહ્યા છે, ત્યારે પણ એ એકો અહમ, દ્વિતીયો નાસ્તિ જેવો જ અજોડ રહ્યો છે. એ કેવી રીતે મેચલેસ, એકસકલુઝિવ છે- એનો બહુ જ સચોટ ખુલાસો જીનિયસ ફિલ્મમેકર કવાન્ટીન ટેરેન્ટીનોએ એની સુપર એકશન થ્રીલર ફિલ્મ “કિલબિલ”ના બીજા ભાગના એક સંવાદમાં આપ્યો છે : 

દરેક સુપરહીરોની દંતકથામાં એક સુપરહીરો હોય છે, અને એક એનો ઓલ્ટર ઇગો. (યાને દુનિયાને દેખાડવાનું એક સ્વરૂપ, બીજી પહેચાન!) બેટમેન ખરેખર તો બ્રુસ વેઇન છે. સ્પાઇડરમેન- વાસ્તવમાં પીટર પાર્કર છે. એ જયારે સવારે ઉઠે છે, ત્યારે પીટર પાર્કર છે. એણે સ્પાઇડરમેન બનવા કોસ્ચ્યુમ પહેરવો પડે છે. (ડિટ્ટો ફેન્ટમ, આયર્નમેન, હલ્ક, કેપ્ટન અમેરિકા, કેટ વુમન ઇત્યાદિ) અને અહીં સુપરમેન એકલો બીજાથી અલગ ઉભો છે. ટટ્ટાર, સુપરમેન તો જન્મજાત જ સુપરમેન છે. એ જન્મ્યો છે જ સુપરમેન તરીકે (જેમ કે, ભારતના ચમત્કારિક અવતારો) એ સવારે ઉઠે છે ત્યારે પણ સુપરમેન જ હોય છે. આમ આદમી કલાર્ક કેન્ટ બનવું એ એનો ઓલ્ટર ઇગો છે! એનો છાતી પર એસ લખેલો સૂટ (જેમાંથી હવે આમ પણ લાલ અન્ડરવેર છેલ્લી ફિલ્મમાં નીકળી જતા એ ડ્રેસ જ અન્ડરવેઅર બની ગયો છે!) એના કાયમી કપડા છે. જે કલાર્ક કેન્ટ પહેરે છે, એ ચશ્મા, ફોર્મલ સૂટ-ટાઇ, હેરક્રીમ એ છેતરામણો કોસ્ચ્યુમ છે. જે એ એટલે પહેરે છે કે એ માનવજાત સાથે ભળી શકે. અને કલાર્ક કેન્ટ નબળો છે, પોતાના અંગે થોડો નારાજ છે, કન્ફયુઝડ છે, કાયર છે. આ સુપરમેન માનવજાતિને ખરેખર કયા સ્વરૃપમાં અંદરથી નિહાળે છે એનું ચિત્રણ છે. આ મનુષ્ય પરની સુપરમેનની કોમેન્ટ છે!

યસ, સુપરમેન ઇઝ બોર્ન સુપરમેન. હી ઇઝ એલીયન. એ આ દુનિયાનો નથી. બહારથી આવેલો છે. જુદો બંદો છે. એ બધા સાથે ભળવાનો અને મદદરૃપ થવાનો પ્રયત્ન કરે છે, એ એની સારપ છે. પણ એના મૂળિયા, એના શકિતઓ, એના સંસ્કારો, એનું વ્યકિતત્વ ઘડતર એને સામાન્ય સંસારથી અલગ જ રાખે છે. કારણ કે, એ કોમન નથી એટલે એ સુપર છે. અને એ સુપર છે, એટલે એકલોઅટૂલો છે. એલોન એટ ધ ટોપ. જન્મદાતા અને ઘડવૈયા માતાપિતાની હુંફ અને સાચી સલાહોથી ભરપૂર સ્મૃતિઓ સાથે પણ એ અલ્ટીમેટલી જુદો પડીને ઉભો છે.

* * *

મેન ઓફ સ્ટીલ ફિલ્મમાં અમુક જગ્યાએ જરૃર લોઢુ સ્ટેઇનલેસ સ્ટીલને બદલે કટાઇ ગયેલું છે. એકધારો ચાલતો ટ્રાન્સફોર્મર, એવેન્જર્સ જેવો સ્કાયસ્કેપર્સનો કચ્ચરઘાણ કાઢતો કલાઇમેકસ છે. નોલાન (અને એના પાળીતા સહલેખક ડેવિત ગ્રોયર)ની ડેપ્થ અદ્દભૂત હોય છે. પણ વરાયટીની રેન્જ ટૂંકી હોય છે. (એટલે જ સ્પીલબર્ગ- સુપરડાયરેકટર છે!) માટે અહીં સુપરમેનને પૂછવું પડે તેમ છે, વ્હાય સો સીરિયસ? પેલો સુપરમેન રિટર્ન્સ (૨૦૦૬)નો બ્રાન્ડોન રૂથ (જે વર્તમાન હેનરી કેવિલ કરતા વધુ સ્ટાન્ડર્ડ સુપરમેન દેખાતા)  જો લવસિક દેવદાસ જેવો ઓવરસેન્ટીમેન્ટલ હતો તો અહીં એ વધુ પડતો સ્થિરગંભીર છે!

અને જે સુપરમેનના વાળ પણ કાપી શકાતા નથી, એને દાઢી ઉગે છે એ તો સમજયા પણ આગમાં યથાવત રહેતી એ દાઢી પૃથ્વી પરની કઇ ધાતુની બ્લેડથી કપાઇ? કોમિક ટચ આપતા ગાબડા પણ છે.

છતાંય  મનોરંજન પછી પણ મનોમંથન કરાવે એવી મેજીકલ મોમેન્ટસને લીધે! અહી એ કોઇ ફિલોસોફિકલ સ્પિરિચ્યુઅલ એપિક બને છે,  જેમ કે, સુપરમેન કરતા ‘થોર’ની વધુ હોય એવી રીતે રજૂ કરેલી ક્રિપ્ટન ગ્રહની બેકસ્ટોરી. સુપરમેનનો મૂળ ગ્રહ કેમ ખતમ થયો, એનું સચોટ અને સો ટચના સોના જેવું વિઝન અપાયું છે. બધી રીતે એડવાન્સ્ડ એવા મહાન ક્રિપ્ટનમાં જન્મતા પહેલાં જ બાળકોના ડીએનએનું કોડિફિકેશન અને મોડિફિકેશન થઇ જતું હતું. એટલે જ વર્કર કલાસના હોય એ વર્કર બને અને ઓફિસર કલાસના હોય એ ઓફિસર. સોલ્જરથી સાયન્ટીસ્ટ સુધી આ જડબેસલાક ચોકઠાં રહેતા!

જાણીતું લાગે છે ને? હા, આપણી જ વર્ણવ્યવસ્થાની કરૂણકથા છે આ હોલીવૂડ ફિલ્મમાં! દર્શન- ચિંતન- સર્જનમાં ભવ્ય વારસો ધરાવતી ભારતીય સંસ્કૃતિ ગુલામ અને પછાત કેમ બની? ક્રિએટીવિટીનો ધસમસતો ધોધ અને ઓરિજીનાલિટી કયાં સુકાઇ ગઇ? કારણ કે, બહારના આક્રમણથી નહિં, પણ અંદરની ફોલ્ટલાઇનથી પરાજય થતો હોય છે જીવનમાં! સુપરમેનના પિતા જોર-એલ ‘મેન ઓફ સ્ટીલ’માં ભાર મૂકીને આ કહે છે કે સમાજ પરના નિયંત્રણ (મર્યાદા- રૂલ્સ)ના અભિમાનમાં અમે પ્રગતિનો પાયો જ છીનવી લીધો- ચોઇસ. માણસ એની દિશા જાતે નક્કી કરે, એ પહેલાં જ જન્મથી એના પર બંધનો ઠોકી બેસાડવામાં આવ્યા. એને જાતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા કે એ માટેની તાલીમ ન રહી. પરિણમે લાંબા ગાળે (અમુક મુસ્લીમ દેશોમાં બન્યું છે તેમ) ઘરેડમાં ચાલતો ક્રિપ્ટન નવા પડકારો ઝીલી બદલાવાને બદલે ભાંગી પડયો!

એવી જ રીતે આ પેરન્ટીંગના સેક્રિફાઇસની, બલિદાનની પણ કહાની છે. જન્મદાતા અને પાલક બંને પિતા, પોતાના સંતાનને હુકમો નથી આપતા, પણ એને જાતે જ દાખલો બેસાડીને મૂલ્યો શીખવાડે છે. બીજાનું ભલું કરવાના ઉચ્ચ આદર્શો કેળવવા હોય તો કશુંક ગમતું છોડવાની તૈયારીનું તપ કરવું પડે છે. અને આવા ઘડતર થકી જ ફકત ચહેરાના ઘાટ કે આંખો- વાળના રંગ કે અવાજમાં જ નહિં, પણ વ્યકિતત્વમાં પિતા (કે માતા) પુત્રમાં (કે પુત્રીમાં) જીવંત રહે છે!

‘ડુ ગુડ’ કહેવુ સહેલું છે, એટલું કરવું સહેલું નથી. પાવર સુપર હોય, તો પેઇન પણ સુપર હોય છે. દુનિયા ખુદ સામાન્ય, મીડિયોકર, નોર્મલ હોવાની એટલે પાગલથી ડરે, એમ જીનિયસથી પણ ડરે છે, તીવ્ર તેજસ્વીતા કે અદ્દભૂત રિજેકટ કરે છે કે એના વિશે ગેરસમજ કરે છે કે એનાથી અંદરખાનેથી અસલામતી અનુભવે છે. સુપરશકિતઓ કયારેક જીંદગી જીવવામાં વરદાનને બદલે શ્રાપ બને છે. સૂરજના તેજને વખાણનારા એને માટે જરૂરી તાપથી અકળાઇ જાય છે. કયારેક વધુ જ્ઞાન મનની કેદ બની જાય છે. જેમ ફિલ્મમાં બાળક કાલ એલની કોઇ પણની આરપાર જોવાની ગિફટ એના માટે ભૂતાવળનું હોરર સર્જન કરે છે!

અને સુપરમેન પણ પીડા અનુભવી શકે છે, મુંઝાઇ શકે છે, સહારાની તરસ (ફ્રાય ફેર સપોર્ટ) એને ય કોરી નાખે છે.

એક જમાનામાં સુપરમેનના કેરેકટરની સિમ્બોલિક સરખામણી જીસસ ક્રાઇસ્ટ સાથે થતી. પુખ્ત વયના બોય સ્કાઉટ જેવા ચિત્રણની પાછળ આ ઉંડાણ પણ છે. ખ્રિસ્તી ધર્મ મુજબ ગોડ (જોર એલ) સ્વર્ગમાંથી જ કાઢી મૂકાયેલા શેતાન લ્યુસિફર (જનરલ ઝોડ) સામે સચ્ચાઇ અને સ્નેહનો સંદેશ આપવા પોતાના પુત્ર જીસસ (સુપરમેન)ને ધરતી પર મોકલે છે. જે ખરતા તારાની જેમ આકાશમાંથી એક નાના ગામના નિઃસંતાન દંપતી જોસેફ-મેરી (જોનાથન- માર્થા કેન્ટ)ને મળે છે. જીસસની માફક એ ય અલગારી રખડપટ્ટી કરતા મોટો થાય છે, ગુમનામ જગ્યાએ આવેલી ફોરટ્રેસ ઓફ સોલિડયુડમાંથી, પોતાના જીવન કર્તવ્યોનો બોધ લઇ લોકો વચ્ચે પાછો ફરે છે. અને ખાસ વારસાની વિશેષતા છતાં સામાન્ય માણસો વચ્ચે તેમના જેવો થઇને રહે છે. એમને સતત દિશા બતાવી, ન્યાય અને નીતિના માર્ગે વાળવાની કોશિશ કરે છે. પોતાની ચમત્કારિક શકિતઓથી એમની મદદ કરે જ છે, પણ એથી વધુ એમના સફરિંગ (પીડા)માં બહારનો દેવતાઇ હોવા છતાં પોતાની સમજીને સંવેદનાથી સહભાગી બને છે, એમને ખાતર છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમીને માણસમાં ઉંડે ઉંડે રહેલી સારપને શોધીને ઢંઢોળી બહાર લઇ આવવા મથે છે!

જે ખરા સંતો, દિવ્ય મહાપુરૃષો છે- એ જ્ઞાાતિ, ધર્મ, દેશ કે પૂર્વ-પશ્ચિમ જેવી કોઇ વાડાબંધીમાં માનતા નથી. બ્રહ્માંડ આખું એમના માટે ઘર છે. અન્યાય, અસત્ય, શોષણ, સિતમ, લાલસા, ક્રૂરતા એમના શત્રુઓ છે. પ્રેમ, પરોપકાર, પરાક્રમ એમનો ધર્મ છે. એ આસ્તિક ઉપદેશો કે જૂના જડ પરંપરાગત નિયમો ઠાલવતા નથી, પણ શિક્ષકની માફક જ્ઞાાનના અજવાળે અજ્ઞાાનનો અંધકાર ઉલેચે છે.  અલબત્ત, નોલાન-ગોયર- સ્નાઇડરે (અને અગાઉ સિંગરે પણ) આ ડોનરના જુના અલૌકિક સંત સુપરમેનને ‘મેન’ યાને સહજ સ્વાભાવિક ઇન્સાન હોવા પર ફોકસ રાખ્યું છે. જેમ રૃથનો સુપરમેન પોતાની પ્રેયસીને બીજા સાથે જતી જોઇ એકસ રે વિઝનનો ઉપયોગ કરી નાખતો હતો (અને છેલ્લે પ્રેમિકાના પતિના સદ્દભાવને લીધે ભારે હૈયે બ્રેક અપનું વજન ખમી શકયો હતો) એમ હેનરીને સુપરમેન લડે-ઝગડે છે. મુંઝાય છે ‘શ્રદ્ધા રાખ તો ભરોસો આપોઆપ બેસી જશે’ જેવું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવે છે. એ દુશ્મનની કતલ કરતો રૌદ્ર યૌદ્ધા કૃષ્ણ બની શકે છે. એ તમામને બચાવી શકોત અવાસ્તવિક આદર્શ નથી. એના લીધે કોલોટરલ ડેમેજ (ઇરાદો ન હોય છતાં મોટું કામ કરવા કરતાં અજાણતા કોઇને નાનું નુકસાન પહોંચે તે) સર્જાય છે, લડાઇમાં! અને એની સામેનો જનરલ ઝોડ પણ ટિપિકલ વિલન નથી. એ ય સિદ્ધાંત ખાતર, પોતાની પ્રજા માટે લડે છે. જેમ આજના અમુક માનવજાતના દુશ્મનો વાસ્તવમાં ખરાબ હોવા કરતાં પોતાના ધાર્મિક આદેશો કે ‘ખુદના અંગત નહિં પણ જ્ઞાાતિ / ધર્મ / દેશના સ્વાર્થથી આંધળા બનેલા ખલનાયકો હોય છે એમ જ!

અને એટલે જ સુપરમેન મેન ઓફ સ્ટીલ એની તાકાતથી નહિ, હાર્ટ ઓફ ગોલ્ડથી બને છે. એ ય બહારનો છે, પણ ગાંધીની જેમ બે દુનિયા વચ્ચે પ્રેમનો સેતુ ઝંખે છે. જીન્નાહની જેમ શ્રેષ્ઠતાના દાવે અલગ વસાહત નહિં, શંકાઓ વચ્ચે એ પોતાના પૃથ્વી પર હોવાનું કારણ શોધે છે, અને એ છે કે માનવીઓ એનાથી નબળા છે, કયારેક આગળ વધવા જતા પડશે, લથડશે પણ એણે એમને સૂર્યના પ્રકાશ તરફ ઉડીને લઇ જવાના છે! એટલે જ ફિલ્મમાં સુપરમેન આશાનું પ્રતીક છે. એ લડતી-ઝગડતી-ડરતી સ્વાર્થી માનવજાતનાં સુધારાની આશા છે.નવી ફિલ્મમાં તો એની છાતી પરના “એસ”ને હોપનો જ સિમ્બોલ કહ્યો છે. જુદા છે,  એમાં ય ખુદા જોઇને એમની મદદે ચડવામાં એને ખૌફ કે ક્ષોભ નથી. પોતાના લોકો સામે એ આ ન્યાય અને સત્યના સિધ્ધાંત ખાતર પડી શકે છે. 

ફિલ્મમાં જોનાથન કેન્ટ ઉછેરેલા દીકરાને કહે છે કે ‘તારે જ પસંદગી કરતા શીખવાનું છે કે મોટો થઇને તું કેવો માણસ બનવા માંગે છે- સારો કે ખરાબ, જેવો બનીશ એવી રીતે દુનિયા બદલાશે!’

અને ફિલ્મને કવિતાની ઉંચાઈ  પર લઇ જતાં દ્રશ્યમાં રૂમમાં ભરાઇ પડેલો નાનકડો બાળક મમ્મી માર્થાને કહે છે ‘દુનિયા બહુ મોટી (અને બિહામણી) છે, મમ્મી’

અને મમ્મી કહે છે ‘ધેન મેઇક ઇટ સ્મોલ સન. મારા અવાજ પર ધ્યાન દે, અને માની લે કે એ દરિયા વચ્ચેનો આરામનો ટાપુ છે!’
સુપર!

ફાસ્ટ ફોરવર્ડ
‘એ ખરેખરો સુપરમેન હતો, મેન ઓફ સ્ટીલ. એણે શકિતઓના ઉપયોગથી દર્દીઓને  બચાવ્યા, અશકતોને પ્રેરણા આપી. વચ્ચે કેટલીક સુપરમેન ફિલ્મોમાં કામ  પણ કર્યું સુપરમેન હીરો એના પાવરને લીધે નથી. એને મળેલા પાવરના  સમજણપૂર્વકના સાચા ઉપયોગથી છે!’
(ઘોડેસ્વારીના અકસ્માત પછી વ્હીલચેરમાં ય છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરી ચેરિટી કરીને પ્રેરણામૂર્તિ બનનાર રિયલ સુપરમેન ક્રિસ્ટોફર રીવને અંજલિ! મેનમાં સુપરમેન છુપાયેલો જ હોય છે ને!)*શીર્ષકપંક્તિ : ઉમાશંકર જોશી 

ss2

 

ટાગોર-આઈન્સ્ટાઇન : બે મિસ્ટિક… એક મ્યુઝિક !

einstein tagore1

ટાગોરના નોબલ પ્રાઇઝ વિનર પુસ્તક ‘ગીતાંજલિ`નું નામ ઘણાએ સાંભળ્યું હશે, પણ અભ્યાસક્રમોમાં શેક્સપિયરના નાટકો અને વ્હીટમેનના કાવ્યો (એ પણ અદ્ભુત છે) યાદ રાખતા અને ક્વોટ કરતા ઘણા દોસ્તો ટાગોરને વાંચતા નથી. જીબ્રાન કે રૂમી જેવા જ આપણા આ મિસ્ટિક પોએટ છે. જે ઇબાદતની સાથે જ ઇશ્કની મુલાયમ, રમણીય વાતો કરી શકે છે. ધુમકેતુને વાંચનારી પેઢીને યીટસે ગીતાંજલિના આરંભે ટાગોર માટે શું લખ્યું, એ યાદ હશે પણ નવજાત ભાવકોના લાભાર્થે એની એક હાઈલાઇટ માણીએ…

‘રવિદ્રનાથ ટાગોરના શબ્દોમાં સંગીત વહે છે. એના શબ્દો જાદૂઇ છે. તાજાં છે. ઉત્સફૂર્ત (ઉફ્ફ, સ્પોન્ટેનિયસ, યુ સી) છે. એમાં આવેશમાંથી પ્રગટતી ઉત્કટ બહાદૂરી છે. એમાં સુખદ આશ્ચર્યના આંચકા છે, કારણ કે એ કદી કશું બચાવમાં, કૃત્રિમ કે અસહજ કરતા નથી. આ શબ્દો શણગારેલા પુસ્તકોના સ્વરૂપે બગાસાં ખાતી સ્ત્રીઓના ટેબલ પર પડયા રહેવા માટે નથી, કે જેમના માટે જીંદગી અર્થહીન છે. કે પછી એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નથી કે જે લોકો જ્યારે જીંદગી શરૂ થાય છે, ત્યારે પુસ્તકો બાજુએ મૂકી દે છે.`

પણ જેમ જેમ પેઢીઓ પસાર થતી જશે, એમ રસ્તા પરનો કોઈ પ્રવાસી (ટાગોરના શબ્દો) ગણગણશે. ખળખળ વહેતી નદીમાં એ સંભળાશે. પ્રેમીઓ એક બીજાની રાહ જોતા જોતા આ ગીતો ગાશે. એમને દીવાનગીનું ઝનૂન દૈવી જાદૂઈ ઝરણાથી સ્વચ્છ થઇ નવજીવન પામશે. પથારીમાં પ્રિયજને આપેલી ગુબાલની પાંદડીઓ શોધતી છોકરી જેવા સંકેતોથી કવિ તત્ત્વ અને સત્ત્વની પ્રતીક્ષાની વાત કરે છે. એક એવી (ભારતીય) સંસ્કૃતિ… જ્યાં કવિતા અને ધર્મ એક જ ધારા છે.`

આવા રવિદ્રનાથ ટાગોર, સદીના જ નહિ સહસ્ત્રાબ્દીના મહામેધાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળે ત્યારે ? ટાગોરે કળાથી જે સૃષ્ટિના રહસ્યગર્ભમાં ડોકિયું કર્ય઼ું, એ જ વિરાટદર્શન આઈન્સ્ટાઇને વિજ્ઞાનથી કર્ય઼ું. સાપેક્ષવાદની એમની બ્રહ્માંડનો ભેદ ઉકેલતી થિયરીમાં પણ કોઈ અદ્રશ્ય ‘પાઇડ-પાઈપર` (વાંસળીવાળા)ની કરામતનો એમણે ઉલ્લેખ કર્યો છે. જેની થિઅરીઝ પૂરી સમજવા માટે પણ સુપરજીનિઅસ હોવું જરૂરી છે એવા પ્રજ્ઞાવાન આઈન્સ્ટાઇન દ્રઢપણે માનતા કે સાંપ્રદાયિક રૂપે ચીતરાય છે, એવો ઇશ્વર નથી… પણ એક પરમ ચૈતન્ય એક અવ્યાખ્યાયિત ઊર્જા, એક ડિવાઇન ફોર્સ છે, જ્યાં વિજ્ઞાન, જ્ઞાન અને કર્મકાંડની પણ સરહદો પૂરી થઇ જાય છે. હર તરફ, હર જગહ, હર કહીં પે હૈ હાં ઉસી કા નૂર, કોઈ તો હૈ જીસકે આગે હૈ આદમી મજબૂર…

પૂર્વ અને પશ્ચિમના બે ઋષિઓ, બે મીનીષીઓ, બે ‘બોર્ન જીનિયસ` જેવા પ્રકાંડ પંડિતો, બે ઉમદા કળામર્મજ્ઞો, સૃષ્ટિના મૌન સંગીતને સાંભળનારા બે કીમિયાગરો અને એય પાછા જીવનવિરોધી, સંસારત્યાગી, નિરાશાવાદી ઉપદેશકો નહીં, પણ આનંદની તપસ્યા કરતા ઉલ્લાસ અને પ્રેમના પૂજારીઓ એકબીજા સાથે સંવાદ કરે ત્યારે ?

બુધ્ધ અને મહાવીર, રજનીશ અને કૃષ્ણમૂર્તિ એક જ સમયમાં થયા હોવા છતાં ક્યારેય સાથે મળીને એમણે ગોષ્ઠિ ન કરી, અને જગત કદાચ કેટલાક પરમ સત્યોથી વંચિત રહી ગયું. પણ આપણા સદનસીબે રવિદ્રનાથ ટાગોર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા હતા !

જુલાઈ 14, 1930 બર્લિન ખાતે આઈન્સ્ટાઈન એમના અને ટાગોર બંનેના મિત્ર ડૉ. મેન્ડેલના ઘેર મહેમાન બનેલા ગુરૂદેવને મળ્યા. (અગાઉ ટાગોર આઈન્સ્ટાઈનના ઘેર પણ ગયેલા). બંને વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી, જે વર્ષો અગાઉ ‘રિલિજીયન ઓફ મેન’ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવી.

બ્રહ્માંડમાં નરી નજરે ન દેખાતા સત્યોને જોઈ શકનાર, ‘ડિવાઈન ડિઝાઈન`ને માણી શકનાર અને જીવનનૃત્યના સહજ સાધકો એવા આ બે યુગપુરૂષોએ થોડી અઘરી લાગે એવી વાતોમાં શું ગહન ચિંતન કર્ય઼ું ? ચાલો, એની છાલકમાં ભીંજાઈએ.

* * *
einstein tagore2

ટાગોર : નવા ગણિતિક સંશોધનો થયા છે કે વાસ્તવમાં અનંત સુધી રચાતા અણુબંધારણમાં ‘ચાન્સ` (અણધાર્યા વળાંકો)ની પણ ભૂમિકા છે. અસ્તિત્વનો આ ખેલ સાવ જ ‘પ્રિ-ડેસ્ટાઇન્ડ` (પૂર્વનિર્ધારિત) નથી.

આઈન્સ્ટાઈન : હકીકત એ છે કે વિજ્ઞાન પણ કાર્યકારણના સંબંધને નજરઅંદાજ કરતું નથી.

ટાગોર : હશે, પણ મને લાગે છે આવા અચાનક બનતા અકસ્માતો કે વળાંકો મૂળ તત્ત્વો (પંચમહાભૂત ?) માં નથી. પણ આ સુનિયોજીત બ્રહ્માંડમાં કોઈ બીજા બળો પણ ઉત્પન્ન થાય છે.

આઈન્સ્ટાઈન : જેમ જેમ ઉપર ઉડીને નજર કરો કે કેવી વ્યવસ્થા છે, તો ખબર પડે છે કે કોઈ અદ્રશ્ય વ્યવસ્થા તો છે જ. જેમાં મોટી બાબતો સાથે મળીને અસ્તિત્ત્વ (બીઇંગ, એક્ઝિસ્ટન્સ) તરફ દિશાસૂચન કરે જ છે. પણ નાની બાબતો (એલીમેન્ટસ) કેવી રીતે આ વ્યવસ્થામાં વર્તે છે, એનું અનુમાન મુશ્કેલ છે.

ટાગોર : આ ડયુઆલિટી (દ્વૈત, બેવડી રમત) અસ્તિત્ત્વનું જ ઊંડાણ છે. વિરોધાભાસો અને મુક્ત તરંગી ઘટનાઓથી જ કદાચ સુઆયોજીત વ્યવસ્થા નિર્માણ થતી જાય છે.

આઈન્સ્ટાઈન : આધુનિક ભૌતિકવિજ્ઞાન એમ તો નહિ કહે કે આ બધું વિરોધાભાસી છે. આપણને દૂરથી વાદળ એક જ અખંડ દેખાય છે. પણ એને નજીકથી જઇને જુઓ તો એ આડેધડ, અવ્યવસ્થિત રીતે એકઠાં થયેલા જળબિંદુઓ છે !

ટાગોર : હું એવું જ માનવીના મનમાં જોઉં છું. આપણી કામનાઓ અને દીવાનગીઓ નિરંકુશ છે, બેહિસાબ છે. પણ આપણું ચરિત્ર કે વ્યક્તિત્વ એને સુસંવાદિત (હાર્મોનાઇઝ) કરે છે (એને ચોક્કસ લયમાં બેસાડે છે). શું આવું જ ભૌતિક જગતમાં બને છે ? એમાં પણ અચાનક કોઈ ક્રાંતિકારી , ગતિશીલ, આગવો તરંગ ઉઠે છે ? અને ભૌતિક જગતમાં કોઈ નિયમ છે જે આવા અનાયાસ ચમકારાને વ્યવસ્થાના નિયમોમાં ગોઠવે ?

આઈન્સ્ટાઈન : કોઈ તત્વ  ગાણિતિક આયોજનથી બહાર નથી. રેડિયમના કિરણોત્સર્ગ પણ આજે, અત્યારે આવતીકાલે એક ચોક્કસ વ્યવસ્થાને જ અનુસરશે. તમામ ભૌતિક તત્ત્વો પાછળ એક ગાણિતિક માળખું છે.

ટાગોર : નહીં તો અસ્તિત્ત્વનો આ ખેલ બહુ જ ‘અફડાતફડી`વાળો (રેન્ડમ) થઇ જાય ! મને લાગે છે કે ચાન્સ (અણધારી ઘટનાઓ) અને ડિટરમિનેશન (નિયમો, નિર્ણયો) વચ્ચેનું સંતુલન જ આ જગતને શાશ્વત તાજું અને જીવંત રાખે છે.

આઈન્સ્ટાઈન : હું માનું છું કે આપણે જે કંઇ કરીએ છીએ, જીવીએ છીએ એની પાછળ એક ચોક્કસ કાર્ય-કારણનો સંબંધ (કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન) રહેલો છે. એ સારું છે, પણ આપણે એને પુરેપુરો જોઇ કે સમજી શક્તા નથી.

ટાગોર : માનવજીવનમાં પણ થોડીક લવચીકતા (ઇલસ્ટિસીટી) જરૂર હોય છે. થોડાક અંશે મુક્તિ મળે, આઝાદી મળે જે આપણા વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે. આ ભારતીય સંગીત જેવું છે, જેને પાશ્ચાત્ય સંગીતની જેમ જડતાથી એક ચોક્કસ માળખામાં બેસાડી દેવામાં આવ્યું નથી. અમારા કમ્પોઝર્સને એક ચોક્કસ રૂપરેખા અપાય છે. એક મેલોડી અને રિધમિક એરેન્જમેન્ટની સીસ્ટમ હોય છે. પણ (એ આઉટલાઈનમાં) કેટલીક હદે સંગીતકાર ‘ઈમ્પ્રુવાઇઝ’ કરી શકે છે. એણે ચોક્કસ લય-તાલ અને સૂરના નિયમ સાથે એકાકાર બનવાનું છે, પણ સાથોસાથ તમામ ‘પ્રિસ્કાઇબ્ડ` નીતિનિયમોની વચ્ચે એની મ્યુઝિકલ ફીલિંગમાંથી આવતું સાહજીક અને તત્કાળ (સ્પોન્ટેનિયસ) એક્સપ્રેશન પણ આપવાનું છે. અમે સંગીતકારને એની બુનિયાદી માળખુ ગોઠવવાની પ્રતિભા અને રાગ-રાગિણીઓની સમજ માટે બિરદાવીએ છીએ. પણ અમે એવી ય અપેક્ષા રાખીએ કે કળાકારની પોતાની આવડતથી એ એમાં કશુંક નવું વૈવિધ્ય ખીલવે, નવી તરત જ કે નવી વાદ્યરચના રજુ કરે. સર્જનમાં આપણે અસ્તિત્ત્વના પાયાના મૂળભૂત નિયમોનું પાલન કરીએ, પણ આપણે આપણી જાતને એને લીધે બંધાયેલી ન રાખીએ. આપણી પાસે આપણા વ્યક્તિત્વને અનુરૂપ ‘સેલ્ફ એક્સપ્રેશન`ની પૂરતી મોકળાશ હોવી જોઇએ !

આઈન્સ્ટાઈન :  આવું કમ સે કમ સંગીતમાં ત્યારે જ શક્ય બને જ્યારે કળાત્મકતાનો એક મજબૂત વારસો આગળથી ચાલ્યો આવતો હોય. યુરોપમાં તો (ક્લાસિકલ વેસ્ટર્ન) સંગીત લોકો અને લોકપ્રિયતાથી દૂર જઇને ચોક્કસ પરંપરાની ‘સિક્રેટ આર્ટ` બની ગયું છે.

ટાગોર : તમારે આ જટિલ પશ્ચિમી સંગીતમાં સંપૂર્ણપણે આજ્ઞાકારી રહેવું પડે. ભારતમાં તો ગાયકની સર્જનાત્મક પ્રતિભાનો માપદંડ એની આગવી ઓળખ છે. એ મેલોડીના સર્વસામાન્ય નિયમોનું આગવું અર્થઘટન કરી, પોતાની ક્રિએટિવિટીથી એ કમ્પોઝરનું સોંગ જુદી રીતે ગાઈ શકે.

આઈન્સ્ટાઈન : ઓરિજીનલ મ્યુઝિકમાં પોતાના આઇડિયા ઉમેરવા માટે ઉચ્ચ કક્ષાની કળા જોઇએ. અમારે ત્યાં તો વૈવિધ્ય પણ અગાઉથી સૂચવવામાં આવે છે !

ટાગોર : જો આપણે આપણા વિચારમાં સારપ રાખીu, ‘ઉત્તમ` રહેવાનો નિયમ અનુસરીએ તો આપણને સ્વ-અભિવ્યક્તિની ખરી સ્વતંત્રતા મળે. કેમ વર્તવું (જીવવું) એનો સિધ્ધાંત તો છે જ, પણ આપણા ચરિત્રમાં આપણે એને કેવી રીતે સાચો બનાવીએ છીએ એ આપણું આગવું સર્જન છે. અમારા સંગીતમાં જેમ આઝાદી અને વ્યવસ્થાનો વિરોધાભાસી છતાં મનોહર સંગમ છે, તેમ !

આઈન્સ્ટાઈન : શું ભારતમાં ગીતો પણ મુક્ત હોય છે ? ગાયક પોતાના શબ્દો ગાઈ શકે ?

ટાગોર : બંગાળમાં અમારે કીર્તન થતા હોય છે, જેમાં ગાયક મૂળ ગીતમાં પોતાની કોમેન્ટસ ઉમેરી શકે. એ ઉત્સાહમાં આવી જાય તો એના સુંદર ઉમેરાથી ભાવકો ઝૂમી ઉઠે.

આઈન્સ્ટાઇન : ને એ સંગીતનું ચોક્કસ સ્વરૂપ હોય ?

ટાગોર : હા. રિધમની મર્યાદા ધ્યાનમાં રાખવી પડે, અને સમયની પણ. યુરોપિયન સંગીતમાં સમયની બાબતે મોકળાશ છે. પણ એમાં માધુર્ય ઓછું છું.

આઈન્સ્ટાઇન : ભારતીય સંગીતમાં શબ્દો વિનાના ગીત હોય ? એ સમજાય ?

ટાગોર : ઘણી વખત એવા ગીતો હોય જેમાં શબ્દોને બદલે નોટસને મદદ કરતા અવાજો (લા…લા…લા) હોય. ઘણા વિસ્તારોમાં માત્ર વાદ્યનું જ સંગીત હોય, જે મેલોડીનું વિશ્વ રચી આપે.

આઈન્સ્ટાઇન : એ પોલિફોનિક (એકથી વધુ  ઈન્સ્ટ્રુમેન્ટસ વાળું ) ન હોય ?)

ટાગોર : વાદ્યો હોય, પણ સંવાદિતા માટે નહિ, મધુરતા અને ઊંડાણ માટે તમારા સંગીતમાં વાદ્યોની હાર્મનીમાં મેલોડી ખોવાઈ ગઈ હોય એવું નથી લાગતું ?

આઈન્સ્ટાઇન : ક્યારેક વાદ્યો મધુરતાને ગળી જતા હોય છે.

ટાગોર : મેલોડી (લય) અને હાર્મની (વાદ્યોનો તાલ) ચિત્રના રંગો અને રેખાઓ જેવા છે. એક સાદું શ્વેત-શ્યામ ચિત્ર બેહદ સુંદર હોય. એમાં જેમ-તેમ રંગો પૂરવા જાવ તો વિચિત્ર અને બેહૂદું લાગે. પણ રેખાઓની સાથે સંયોજન કરી કુશળતાથી રંગો પૂરો તો તો મહાન ચિત્ર બને. મૂળ ભાવને ખતમ કરવાને બદલે ઉપસાવે એવું રંગ-રેખાનું કોમ્બિનેશન જોઇએ.

આઈન્સ્ટાઈન : સરસ સરખામણી કરી. રેખાઓ મૂળભૂત છે, પછી નવીન રંગો આવે છે. એટલે જ તમારા સંગીતની મધુરતા પહેલા છે, પછી માળખું…

ટાગોર  : પૂર્વ અને પશ્ચિમના સંગીતની મન પરની અસર પારખવી મુશ્કેલ છે. જો કે, મને પશ્ચિમી સંગીત પણ ડોલાવે છે. હું માનું છું કે એનું સ્ટ્રકચર વિશાળ છે અને કમ્પોઝિશન ભવ્ય હોય છે. અમારા ગીતો અંદરથી સ્પર્શે છે, પણ પાશ્ચાત્ય સંગીત એક મહાગાથા જેવું છે… પહોળા અને ફેલાયેલા પ્રાચીન મહેલ જેવું…

આઈન્સ્ટાઈન : અમે પાશ્ચાત્યો જવાબ ન આપી શકીએ એવો આ સવાલ છે, કારણ કે અમને અમારા સંગીતની ટેવ છે. અમે જાણવા માંગીએ છીએ કે અમારા સંગીતમાં માનવસંવેદનો કેટલા ઝીલાય છે ? શું અમારા સ્વરસંયોજન – નિયોજન પ્રાકૃતિક છે ?

ટાગોર : કોણ જાણે કેમ પિઆનો મને ગુંચવે છે. વાયોલીન ખુશ કરે છે.

આઈન્સ્ટાઈન : એક ભારતીય કે જેણે બચપણમાં ક્યારેય યુરોપિયન મ્યુઝિક ન સાંભળ્યું હોય, એના પર એની કેવી અસર થાય એનો અભ્યાસ રસપ્રદ રહે.

ટાગોર : મેં એક અંગ્રેજ સંગીતકારને મારા માટે એક શાસ્ત્રાeય સંગીતની રચનાનું વિશ્લેષણ કરી એની સુંદરતા વર્ણવવાનું કહ્યું હતું.

આઈન્સ્ટાઈન : શ્રેષ્ઠ સંગીત પૂર્વનું હોય કે પશ્ચિમનું, એની સૌથી મોટી કઠિનાઈ એ છે કે એને માણી શકાય, એનું એનાલિસિસ ન થાય.

ટાગોર : સાવ સાચું, અને જે શ્રોતાને ગેહરી અસર કરે એ એનાથી પર હોય છે. અલૌકિક !

આઈન્સ્ટાઈન : આ જ અચોક્કસતા, રહસ્ય આપણા દરેક અનુભવોના પાયામાં હંમેશા રહેવાની છે. સાપેક્ષ દ્રષ્ટિકોણ.. પછી યુરોપ હોય કે એશિયા કે કળા પ્રત્યેનો પ્રતિભાવ… આ તમારા ટેબલ પર રહેલું લાલ ગુલાબ પણ તમારા અને મારા માટે એકસરખું નહિ હોય…

ટાગોર : અને છતાંય હંમેશા એ બે અલગ દ્રષ્ટિને એકાકાર કરવાની પ્રક્રિયા ચાલશે, જેમાં વ્યક્તિની સ્વતંત્ર રૂચિ સાથે બ્રહ્માંડની અખિલાઈનો સમન્વય થાય.

einstin tagor 3
* આજના વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ભારત, પશ્ચિમ, સંગીત અને જીવનને સમજાવતા એક કળામહર્ષિ અને એક વિજ્ઞાનમહર્ષિનાં ઉપનિષદતુલ્ય સુરીલા સંવાદનો થોડા વર્ષો પહેલાનો સહેજ અઘરો પણ અનન્ય લેખ થોડી કાપકૂપ સાથે. happy world music day :-” 

 

હી-મેન હનુમાનઃ તુમ રક્ષક કાહુ કો ડરના?

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

હનુમાનજયંતી ( ૨૦૧૧ ) એ લખેલો આ લેખ કદી જુનો થવાનો નથી. કટોકટીમાં સંકટમોચન હનુમાનચાલીસાથી મળતા આત્મબળનો જાતઅનુભવ આ બંદાને છે, માટે આ લેખ પર્સનલ ફેવરીટ પણ છે. ૨૦૧૩ના અસ્મિતાપર્વની હનુમાનજયંતીએ સમાપ્તિ માં મોરારિબાપુએ  “મારા હનુમાનને માત્ર ભજનો જ નથી સંભળાવવા, ફિલ્મ ગીતો પણ સંભળાવી પ્રસન્ન કરવા છે ” એવું હળવાશથી કહ્યું એ સાથે ‘શિવતંત્ર’ને ટાંકી ચિદાનંદ ચિરંજીવ શિવસ્વરૂપ હનુમાન શબ્દ, સુર, લય, તાલ, નૃત્યના પંચરંગી અધિષ્ઠાતા બજરંગી છે – એવું માર્મિક વિવેચન કર્યું. હનુમાન ધર્મને અતિક્રમી કર્મના ગ્લોબલ આઇકોન છે ત્યારે હનુમાનજયંતીની આ ગ્રહવાસીઓને હાર્દિક શુભકામના. લેખના અંતે  ‘વાહ લાઈફ હો તો ઐસી’ અને ‘તૂફાન’ના ગીત ઉપરાંત અમિતાભ સહિત વિવિધ ગાયકોના કંઠમાં હનુમાનચાલીસા સાંભળી શકશો. 

hanu0

એક પ્રસંગ રામાયણના યુઘ્ધકાંડના ૭૪માં સર્ગમાં છે. રાવણપુત્ર ઈન્દ્રજીતે હાહાકાર મચાવીને રામ-લક્ષ્મણ સહિતની આખી વાનરસેના ઢાળી દીધી છે. જાંબુવાનની હાલત ગંભીર છે. ડચકા ખાતા અવાજે એ બોલે છે કે ‘મને દેખાતું નથી, પણ અવાજ પરથી લાગે છે કે તમે વિભીષણ છો. પણ એ કહો કે હનુમાન જીવે છે કે નહિ?’

વિભીષણને અચરજ થયું. રામ-લક્ષ્મણ કે વાનરરાજ સુગ્રીવ, યુવરાજ અંગદને બદલે આવી હાલતમાં હનુમાનના સમાચાર? જાંબુવાને એને જવાબ આપ્યો છેઃ ‘એટલા માટે કે હનુમાન જીવતા હશે, તો આ પરાજીત સેના આખી ફરી ઉભી થઈ શકશે. પણ એ નહિ હોય તો આપણે બધા જીવતા જ મરેલા છીએ! (જીવંત અપિણ મૃતાવયઃ!)’ ચારો જુગ પરતાપ તુમ્હારા એ આનું નામ!

પણ હનુમાનજીના મંદિરે શનિવારે તેલ-અડદ સાથે સિંદુર – આકડાની માળાઓ ચડાવતા ભારતે આ મહાતેજ, મહાસત્વ, મહાબલને ઓળખવાનો પ્રયાસ કર્યો છે ખરો? ‘જય બજરંગબલિ’ના પોકારો કરનારા ઘણા હનુમંતપ્રેમી સંસ્કૃતિરક્ષકોને તો બજરંગ શબ્દનો અર્થ ખબર નથી હોતી! ઈન્દ્રના આયુધ વજ્ર (થંડરબોલ્ટ!) જેવું મજબૂત અંગ/શરીર ધરાવનાર એટલે બજરંગ!

* * *

hanu8રામાયણની લોકપ્રિયતાને લીધે દેશ-દુનિયામાં એના એટલા તો વર્ઝન્સ થયા છે, કે મૂળ વાલ્મીકિ રામાયણનો પાઠ કોઈ વાંચવાની પણ તસદી લેતું નથી. જેમ કે, સ્ત્રીથી સદંતર દૂર રહેનારા ‘બ્રહ્મચારી’ હનુમાનજી તો સ્કંદપુરાણમાં પ્રગટ થાય છે! વાલ્મીકિના હનુમાન તો એવા શૃંગારને ‘હડે હડે’ કરનારા કોઈ ચોખલિયા નથી, પણ જીતેન્દ્રિય છે. ૠષિકવિ વાલ્મીકિએ દરેક પાત્રોને સહજ માનવીય રૂપમાં ચીતર્યા છે. હનુમાનનો નિવાસ કોઈ સાઘુની કુટિર નથી, પણ સ્ત્રીજનં શોભિત (યાને નારીથી પણ હર્યોભર્યો) છે. એવું વાલ્મીકિ લખે છે. થાઈલેન્ડના રામાયણમાં હનુમાન એક મત્સ્યકન્યાથી મોહિત થયા હોવાની અને એના થકી પુત્ર (મકરઘ્વજ?) હોવાની વાત જ નહિ, ભીંતચિત્રો પણ છે. ભારતમાં રામ-લક્ષ્મણને અહીરાવણ પાતાળલોકમાં લઈ જાય છે, ત્યારે અર્ધમત્સ્ય, અર્ધવાનર એવો હનુમાનપુત્ર મકરઘ્વજ એને મળે છે, એ કથા છે. જેમાં સમુદ્ર પાર કરતી વખતે વીર્યવાન વીર હનુમાનના પરસેવાનું ટીપું ગળી ગયેલી માછલી થકી ઉત્પન્ન થયેલું એ સંતાન છે. સ્વયમ હનુમાનના જન્મ અંગેની કથા જ એ પ્રમાણિત કરે છે કે એ વખતનો સમાજ આજના જેટલો સંકુચિત નહોતો.

રામાયણ-મહાભારતમાં તો સાવ સ્વાભાવિક રીતે નિયોગ જેવી અતિઆઘુનિક જીવનરીતિના ઉલ્લેખો આવે છે. હનુમાનની તેજસ્વી અને સ્વરૂપવાન માતા અંજના કેસરી વાનરની પત્ની હોવા છતાં કોઈ જ છોછ વિના મંગલમૂર્તિ હનુમાન મારૂતિનંદન (સૂર્યપુત્ર કર્ણની માફક) કહેવાય છે. આ પવનપુત્ર અંજની અને મરૂત (વાયુદેવ)ના મિલનથી જન્મેલા છે. (એક દંતકથા દશરથની વધેલી ખીર સમળી દ્વારા અંજની સુધી પહોંચ્યાની છે!) એટલે સ્તો ‘લીલ્યો તાહિ મઘુર ફલ જાનુ’ કરવા સૂરજને સફરજન સમજીને ખાવા કૂદેલા બાળહનુમાન ઈન્દ્રના વજ્રના પ્રહારથી જમીન પર પડતા દાઢી (હનુ)ને ભાંગી બેઠા. માટે તો હનુમાન કહેવાયા અને આ ઘટનાથી દેવતાઓ પર ગુસ્સે ભરાયેલા વાયુદેવના ક્રોધને ઠંડો કરવા હનુમાનને બચપણથી અવનવા વરદાનો મળ્યા!

અલબત્ત, પ્રાચીન શિવપુરાણમાં હનુમાન શિવપુત્ર છે. કથા રોમાંચક છે. વિષ્ણુના લલચામણા મોહિની સ્વરૂપના દર્શનથી શિવનું સ્તંભિત રેતસ (સિમેન) સ્ખલિત થયું અને અંજનાના દેહમાં દાખલ થતાં હનુમાન જનમ્યા. નારદીયપુરાણના હનુમાન શિવભક્ત છે. વાયુપુરાણમાં સીતાને ‘ભાનુમાન’ નામના ભાઈના હોવાનો ઉલ્લેખ આવે છે! દક્ષિણ ભારતમાં પંચમુખી આંજનેય હનુમાન પણ પૂજાય છે. આદિવાસીઓમાં સંતાનપ્રાપ્તિ માટેના ‘હડમત’ દેવ છે.

રામાયણના હનુમાન કોઈ જડબુદ્ધિ અવૈજ્ઞાનિક અર્થમાં બ્રહ્મચારી બની નહિ, પણ ‘જીતેન્દ્રિય’ સિઘ્ધ પુરૂષ છે. કામવાસના પ્રત્યે એમનો અભિગમ ભડકીને ભાગી છૂટવાનો કે બઘું પડતું મૂકીને એને જ વળગવાનો અંતિમવાદી નથી. સ્વસ્થ અને સમતોલ છે. એનું શ્રેષ્ઠ દર્શન લંકામાં પ્રવેશેલા હનુમાનના પ્રસંગોમાં છે. રાવણના મહેલમાં હનુમાન રાવણે જગતભરમાંથી મેળવેલી અત્યંત રૂપાળી સ્ત્રીઓને નિકટથી નિરખે છે, કારણ કે જેને અગાઉ જોયા નથી, એ સીતાને શોધવાના છે. સંગીત, નૃત્ય, રતિક્રીડા, મદિરામાં મસ્ત આકર્ષક પરિધાનવાળી આ સ્ત્રીઓનું રામાયણમાં થયેલું વર્ણન બેહદ રસિક છે. કોઈ પણ ફ્રેન્ચ- ઈટાલિયન ફિલ્મ દિગ્દર્શકોને લલચાવે એવું! લોજીકલ થિન્કિંગવાળા હનુમાન માત્ર ચહેરાના ભાવ અને સૂવાની સ્થિતિ પરથી સીતાના ન હોવાનો તાગ માંડે છે.

hanu7પણ પછી એ જાત સાથે સંવાદ કરે છે. ‘‘મૂળ તો ઈન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં મન રાખે છે, અને મારું મન સાબૂત છે. અહીં સૌંદર્યનો અનાવૃત વૈભવ માણવા નહિ, પણ સીતાને શોધવા હું આવ્યો છું, અને અત્યારે આ નિરીક્ષણ પણ મારી ફરજનો ભાગ છે. માટે મારામાં વિકાર નથી!’’ ક્યા બાત હૈ! આને કહેવાય કર્મ-ઘ્યાની! આ અર્થમાં હનુમાન જીતેન્દ્રિય છે. વાસનાને વિકૃતિમાં પલટાવા ન દેવા જેટલું આત્મનિયંત્રણ તેમનામાં છે. મેદાનમાં રમતી વખતે પાર્ટીમાં ચિત્ત પરોવાયેલું રહે તો સ્કોર ન થાય, એ સમજવાની બુદ્ધિ છે. ચંચળ મનની વૃત્તિઓ પર એમનો સેલ્ફ કંટ્રોલ છે!

સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગની સમાપ્તિ પછી આપણે ત્યાં કેલેન્ડરિયા ‘ધાર્મિક’ અહોભાવમાં આવા અદ્‌ભુત ચરિત્ર (કેરેકટર્સ)ના મનોભાવોનું મૌલિક નિરૂપણ લગભગ અટકી ગયું. શેક્સપિયરની સ્ટાઈલમાં હનુમાનનું પાત્ર નિહાળો, તો કેવું રસપ્રદ છે! હનુમાન વિખૂટા પડેલા પ્રેમી યુગલ રામ-સીતાને મિલન કરાવવા માટે મહેનત કરતા નાયક છે એ રોમેન્ટિક મેસેજના દૂત (મેસેન્જર) પણ બને છે. રામના પ્રણયવ્યથિત વર્ણનો સાંભળે છે, સીતામુખેથી પિયુ-પ્રિયાના ઈન્ટિમેટ રિલેશન્સના પ્રાઈવેટ પ્રસંગો સાંભળે છે પણ પુરું સંતુલન જાળવીને (હાય રે, મારા જીવનમાં આવું ક્યારે થશે? આવો પ્રેમ હોય? નર-નારી વચ્ચે આવું થાય? એવી મથામણમાં પડ્યા વિના) કોઈ પણ જાતના જજમેન્ટ-કોમેન્ટ વિના કે અંગત આક્રોશ વિના છૂટા પડેલા બે પ્રિયજનોને પૂરી નિષ્ઠાથી મેળવે છે, અને એમના રક્ષણ માટે જાત પર જોખમો ઉઠાવે છે. હનુમાનજીના નામ સાથે સંકળાયેલી રાજકીય સંસ્થાઓના અભણ કાર્યકરો રાવણગીરી કરીને રીતસરના વાનરવેડાથી આજે નિર્દોષ લવર્સને પરેશાન કરે, ત્યારે આવા દિવ્ય પ્રેમમૂર્તિ હનુમાનના જીવનકવનનું અપમાન થતું હોય એવું ન લાગે? આનું નામ કળિયુગ!

* * *

અવધી ભાષામાં લખાયેલી શ્રેષ્ઠતમ રચના કોઈ હોય, તો એ છે પર્સનલ ફેવરિટ હનુમાનચાલીસા! તુલસીદાસજીની શબ્દો પરની પક્કડ અહીં ટૂંકમાં એવી ખીલે છે કે અસર મોટી થાય! આખું ચરિત્ર થોડી લીટીઓમાં સમાવવાની સાથે હનુમાન ચાલીસામાં રીતસર હતાશ કે હારેલા માણસમાં આત્મવિશ્વાસ રિચાર્જ કરી દેતી શાબ્દિક તાકાત છે. ઈટસ ઈન્જેકશન ઓફ પોઝિટિવ ફાઇટીંગ સ્પિરિટ! રાબેતા મુજબ, ગોખણિયો પાઠ કરનારા એનો ય અર્થ સમજવા ઉંડા ઉતરતા નથી. ‘નિજ મન મુકુર સુધાર’ કરતા નથી! (મુકુર એટલે અરીસો- દર્પણ જેવા મનને હનુમાનભક્તિ પહેલા ગુરૂચરણ રજ લઈ ચોખ્ખું કરવાની વાત છે!) સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા…વાળી પંક્તિઓ કેવી સિમ્બોલિક છે! આજે મેનેજમેન્ટ થિંકર્સ કહે છેઃ ‘ગેમ્સ પીપલ પ્લે’. એક માણસ અલગ અલગ ભૂમિકા રોજ ભજવતો હોય છે. કડક પુલીસ અફસર પ્રેમાળ પિતા પણ હોય છે. તોફાની – અજ્ઞાની વિદ્યાર્થીઓને ઠપકો આપતો શિક્ષક ઉત્તમ વિદ્યાર્થીઓ સાથે હસીને વાત કરે એમ બને. સીતા સમક્ષ નાનકડા થઈ જતા વ્હાલા હનુમાન રાક્ષસો સામે રૌદ્ર-વિનાશક બને છે. પણ બઘું ય ખુદના અભિમાન માટે નહિ- રામચંદ્ર (યાને સત્ય, ન્યાય, નીતિ) કે કાજ સંવારવા માટે! ક્યા કહેને ગોસ્વામીજી!

hanu‘લંડન ડ્રીમ્સ’માં હનુમાન ચાલીસાની કડી ફાસ્ટ બીટમાં ગવાયેલી, અને ટીનેજર દોસ્તોને એની રિધમ કોઈ વર્લ્ડ ક્લાસ રેપ/રોક સોંગ કરતાં વઘુ ડોલાવી દે એવી મેગ્નેટિક લાગે છે. પણ આપણને નવી પેઢી માટે આવું ચકાચક પ્રેઝન્ટેશન કરતાં નથી આવડતું. છતાં ય ‘વાહ લાઈફ હો તો ઐસી’ જેવી ફાલતુ ફિલ્મમાં શંકર મહાદેવને મૂળ સ્વરને ખલેલ પહોંચાડયા વિના જે મોડર્ન બીટસમાં હનુમાન ચાલીસા ગાયો છે, એ આર્ગ્યુએબલી હનુમાન ચાલીસાનું ભારતવર્ષમાં થયેલું શ્રેષ્ઠત્તમ કંપોઝીશન છે! સારી સાઉન્ડ સીસ્ટમમાં સાંભળો તો રૂંવાડા ઉભા થઈ જાય!

પણ હનુમાનજી ફક્ત મહાબીર વિક્રમ જ નથી, બિદ્યાવાન ગુણી અતિ ચાતુર અને તેજ પ્રતાપ મહા જગ વંદન પણ છે. મોરારિબાપુ કહે છે, તેમ બુદ્ધિમતાં વરિષ્ઠમ છે.

તમારે રામ સરીખા વિજેતા રાજા બનવું હોય તો, હનુમાન જેવા કોમ્યુનિકેશન અને જજમેન્ટમાં એક્કા સચિવ/પર્સનલ આસિસ્ટન્ટ જોઈએ! હનુમાનની ખૂબી એ છે કે એમાં પડકાર અને સમયસૂચકતા, વીરતા અને નમ્રતા, આક્રમણ અને પલાયન, મઘુર વાણી અને કાતિલ કટાક્ષ, તાકાત અને કવિતા, સ્મિત અને આક્રોશ,આવા વિરોધાભાસી ગુણોનું કૃષ્ણ જેવું કમાલ કોમ્બિનેશન થયેલું છે! અજાણ્યા રામ-લક્ષ્મણને જોઈ સુગ્રીવ એની ભાળ મેળવવા હનુમાનને મોકલે છે, ત્યારે હનુમાન જે વિવેકથી સવાલો પૂછીને રામનું હૃદય જીતી લે છે, એ તુમાખીભરી તોછડાઈથી તપાસ કરતા સરકારી અધિકારીએ શીખવા જેવું છે. વાલ્મીકિ એ સમયે રામના મુખમાં હનુમાનની જે પ્રશંસા મૂકી છે, એની કુશળ વકતૃત્વકળાની આખી ટેકસ્ટબૂક આવી જાય! યાદ રહે કે રામ-હનુમાન સમગ્ર જીવનકાળમાં ચંદ મહિનાઓ જ સાથે રહ્યા છે, પણ છતાંય એમની દોસ્તી આજીવન સાથે રહેનારા ભાઈઓ કરતાં વઘુ ગાઢ અને ‘અન્ડરસ્ટેન્ડીંગ’વાળી છે.

વગર કહ્યે ઘણુ સમજી જતા આ અતુલિત બલશાલી હનુમાન વર્ષા પુરી થાય, ત્યારે સામે ચાલીને સુગ્રીવને એના સીતાની શોધના વચનની યાદ અપાવે છે, અને થોડા સમયમાં જ ગુસ્સાથી લાલપીળા લક્ષ્મણનો સામનો કરતી વખતે હનુમાનની સૂચનાથી સુગ્રીવે શરૂ કરેલી તૈયારી જ કામ આવે છે. સીતા શોધવા ભટકતી તરસી વાનરટૂકડીને અજાણ ગુફામાં શેરલોક હોમ્સ જેવા ડિટેક્ટિવની અદાથી ‘અહીં પક્ષીઓ ઉડે છે, માટે અંદર તળાવ કે કૂવો હોવો જોઈએ’નું તારણ કાઢી હનુમાન અંદર દોરી જાય છે, જ્યાં તપસ્વીનિ સ્વયંપ્રભા થકી અચાનક જ આગળનું માર્ગદર્શન મળે છે. જાણીતી એવી સમુદ્ર ઓળંગવાની ઘટના વખતે જ હનુમાનની અદ્‌ભુત પ્રશંસા છે- બલં બુદ્ધિ ચ તેજં ચ સત્વં હરિપુંગવ, વિશિષ્ટ સર્વભૂતેષુ… તારું બળ, બુદ્ધિ, ઓજસ, સત્વ (પ્રતિભા) તો સમગ્ર સજીવસૃષ્ટિમાં શ્રેષ્ઠ છે! અગાઉ પણ હનુમાનને વિદિતાઃ સર્વલોકાઃ- આખા જગતનો જાણતલ અને સર્વશાસ્ત્ર વિદાંવરઃ- તમામ ગ્રંથોના અભ્યાસી તરીકે નવાજવામાં આવ્યા છે.

hanu6પોતાના વખાણ વખતે હમેશા શિસ્તબદ્ધ મૌન રાખી ધીરગંભીર રામને જીતી લેતા રમુજી હનુમાન જ્યારે સામી છાતીએ લડવાની વાત આવે છે, ત્યારે ગર્જે છે. મમ ઉરૂ જંધા આવેદન, સમુત્થતઃ! મારા સાથળોના હલનચલનથી (તરું ત્યારે) સમંદરને ખળભળાવી નાખીશ! મૈનાક, સુરસા, સીહીંકા જેવા વિધ્નો વટાવી ઉડતા, તરતા હનુમાન લંકા પહોંચે છે. પછી શત્રુનગરીનું બારીક નિરીક્ષણ કરે છે. એમની સ્માર્ટનેસ જુઓ, સીતા સામે સીધા પોતે પ્રગટ થશે તો સીતા રાવણની માયા સમજશે, એમ માની સીતાનો ભરોસો જીતવા પહેલા રામનું આખ્યાન ગાય છે! એ ય રાવણને પ્રિય સંસ્કૃત ભાષામાં નહિ, વનવગડાની લોકબોલીમાં! સીતાને ભવિષ્યનો ભરોસો મળે એ માટે ‘હું તો વાનરસેનામાં સૌથી તુચ્છ છું, ને અહીં પહોંચ્યો છું. બાકી તો બધા મારાથી વઘુ ઉત્તમ છે’ એવું હૈયાધારણ પૂરતું જરૂરી અર્ધ-સત્ય પણ બોલી જાણે છે.

સીતામિલન પછી પણ સોંપાયેલું કામ જ કરવાની ભણેશરીઓની કોપીબૂક સ્ટાઈલને બદલે હનુમાન ‘અહીં સુધી આવ્યો છું, તો દુશ્મનોની નગરરચના અને તાકાતનો અંદાજ લેતો જાઉં’નો પ્રેક્ટિકલ એપ્રોચ રાખી જાણી જોઈને તોફાને ચડે છે! આદર્શ મંત્રી એક આદેશની પાછળની બીજી બાબતો પોતે જ આગોતરી વિચારીને બધી જ ડિટેઈલ્સ એક સાથે વગર પૂછયે રજુ કરે તેવો હોવો જોઈએ. એટલે જ અંગદનો બળવો ઠારવા સુગ્રીવ એમની મદદ લે છે, અને અયોઘ્યા પાછા ફરતી વખતે રામ ભરતને સંદેશ આપવા હનુમાનને મોકલે છે. જેથી હનુમાન યંત્રની જેમ મેસેજ પાઠવી દેવાને બદલે, ભરતના ચહેરા પર સિંહાસનની લાલચે કોઈ ભાવપરિવર્તન આવે છે કે નહિ- એ નિરીક્ષણથી પારખીને રામને કહી શકે!

* * *

‘‘પશ્ચિમ પાસે જે કોઈ કોમિક સુપરહીરો છે, એ તમામ સ્પાઈડર મેનથી સુપરમેન, બેટમેનથી ફેન્ટમ છેલ્લા ૧૦૦ વરસમાં ઉભા થયા છે. ભારત પાસે હજારો વર્ષોથી (જેના એક-એક પરાક્રમને ટીન્સ કોમિક બૂકમાં કે ગ્રાફિક નોવેલમાં ઢાળી શકાય એવો) વિશ્વશ્રેષ્ઠ અને આ તમામથી ચડિયાતા પરાક્રમોનો ફર્સ્ટ એન્ડ ઓરિજીનલ સુપરહીરો છેઃ હનુમાન!’’ આ વાત આજથી ૪૦ વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિના રસજ્ઞ એવા એમ.એફ. હુસેને પહેલી વખત કહી હતી! આજે કમ સે કમ ભારત પૂરતા તો ‘ડીઅર હનુ’ના સોફટ ટોયઝ એનિમેશન હનુમાન ફિલ્મ મારફતે આવ્યા છે. પણ આપણા રૂઢિચુસ્તોના વાનરવેડાં જોતાં વર્લ્ડ લેવલે હનુમાનનું સુપરહીરો તરીકે બ્રાન્ડિંગ કરવા માટે મહાભારત લડવું પડે! પથ્થર પર સિન્દુરીયો રંગ ચડે એટલે હનુમાન બને એ ય ફક્ત ‘રિલિજીયસ’ નહિ, પણ ‘આર્ટિસ્ટિક’ ઘટના નથી? વેસ્ટના ‘મંકી ગોડ’ની ખોટી ઇમેજ તોડવા હનુમાનનું મોડર્ન  પેકેજીંગ દુનિયાભરમાં કરવું જોઇએ. હાઉ એબાઉટ હનુ-મેન વિડિયો ગેઇમ?

hanu4સંજય-અર્જુન સિવાય આખી ભગવતગીતાને લાઈવ જાણનારા હનુમાનદાદા (કૃષ્ણના રથની ધજામાં બેસીને) કળાઓને પણ માણનારા છે. સંસ્કૃતનું સૌથી લાંબું હનુમાન નાટક એમના નામે છે. અકોણા શનિ પર એમનું સામર્થ્ય ચાલે છે. સાળંગપુરમાં સુવર્ણ સિંહાસન બને કે યુવરાજસિંહ પોતે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરતો હોવાની કબૂલાત કરે- બજરંગબલિ ન્યુઝમાં ય અમર છે. ફિટનેસમાં ચૂસ્ત અને મિજાજમાં મસ્ત એવા હનુમાન જીમ્નેશિયમ જનરેશનના આઇકોન છે અને અને અમેરિકન પ્રેસિડેંટ ઓબામાથી અંગકોરવાટનાં મંદિરની દિવાલો સુધી છે. બાલાજી વેફરથી લઇને મારુતિ કાર સુધી સર્વવ્યાપી હનુમંત જીવંત છે. આ લેખમાં પણ કશું  ન ગમે, તો કોઈએ મારૂતિનંદન વતી પેરવી કરવાની તકલીફ ન લેવી- કારણ કે ‘જ્યાં સુધી જગતમાં રામકથા રહેશે, ત્યાં સુધી તારા પ્રાણ રહેશે’નું ચિરંજીવ આયુષ્ય રામ પાસે આશીર્વાદરૂપે મેળવનારા સંકટમોચન ખુદ જ હાજરાહજુર હયાત છે. નહીં ગમે તો ગદાનો ગોદો ફટકારશે અને ગમશે તો આ બાળ ભોળાને મોં ફુલાવી, હસાવીને મીઠી પરસાદી આપશે! 😉

બોલો બજરંગબલિની જય.

ફાસ્ટ ફોરવર્ડ

‘કરોતી સફલ જંતુઃ કર્મ યતચઃ કરોતીયઃ’

લંકામાં સીતાની શોધમાં થાકેલા હનુમાન આ સેલ્ફ મોટિવેશનથી ફરી આળસ ખંખેરી નાખે છે. ડિપ્રેશનમાં આવી જતા દોસ્તોએ આ શ્લોકનો  અનુવાદ યાદ રાખવો – કામ સતત કરતા રહીએ, તો સફળતા અવશ્ય મળે છે!

hanuman

 
43 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 25, 2013 in india, philosophy, religion

 

હર તરફ, હર જગહ, હર કહીં પે હૈ; હાં, ઉસી કા નૂર…. રોશની કા કોઇ દરિયા તો હૈ; હાં, કહીં પે જરૂર !


pi 3
તો આ વખતે એકેડેમીએ દગો ના દીધો. દર વખત કરતા ચુસ્ત નોમિનેશન્સ રહ્યા અને દર વખત કરતા તંદુરસ્ત પરિણામો પણ. અપેક્ષા મુજબ. આર્ગો બેસ્ટ ફિલ્મ થઇ અને લાઈફ ઓફ પાઈની નવલકથાને આબેહૂબ સજીવન કરવા માટે એને શ્વસી ગયેલા વિઝ્યુઅલ વિઝાર્ડ  દિગ્દર્શક એંગ લી બેસ્ટ ડાયરેક્ટર. આર્ગો પરનો લેખ સ્પોઈલર્સથી ભરવો પડે ને એ વળી ભારતમાં કોઈએ ભાગ્યે જ જોઈ હોય એટલે લખ્યો નહિ. પણ લાઈફ ઓફ પાઈ તો ભારતમાં મેગાહીટ નિવડેલી. એનો લેખ મેં જે લખેલો મારી કોલમમાં, એ અહીં મુકું છું. 

લાઈફ ઓફ પાઈ કેવળ એક કિતાબ કે ફિલ્મ નથી. એમાં અનહદનો અનાગત નાદ સ્પષ્ટ સંભળાય છે. એ એક અર્થમાં “લાઈફ ઓફ જય” પણ છે. આ લેખમાં મેં જે લખવા ધારેલું એનો કેવળ ત્રીજો ભાગ જ સમજી વિચારીને મુકેલો. બાકીનાનો હજુ સમય નથી આવ્યો. આટલું પચે તો ય ઘણું છે. પણ એટલું કહું છું કે આ બધા વિચારો વહેંચવા માટે લાઈફ ઓફ પાઈ એક નિમિત્ત છે. એ શુદ્ધ ભારતીય તત્વદર્શનનું સર્જન છે. ( જે હાકલાપડકારાના સંકુચિત અને ધાર્મિક હિન્દુત્વમાં ક્યાંય ખોવાઈ ગયું છે ) અને જેની ભીતરની આંખ થોડીકે ય ખુલી હોય એ જ એમાં નિહાળી શકે તેમ છે. 

આ લેખ ફિલ્મેં ફરી ગાઢ કરેલી અંતરની અનુભૂતિનો અણસાર છે, ગેબના ગૂઢ સંગીતનો એમાં ક્યાંક પુરેપૂરો વર્ણવી ના શકાય ( પણ અનુભવી શકાય ) એવો તાર છે. એંગ લી સિવાયના કોઈ વેસ્ટર્ન સર્જકને કસોટીમાં મુકાવું પડ્યું હોત ભારતમાંથી કેનેડિયન યાન માર્ટેલને સૂઝેલી કથાના રૂપાંતર માટે.

કેટલી વાર ઓસ્કારના સતેજ પર બેસ્ટ ડાયરેક્ટરની સ્પીચનો અંત ભારતના હિન્દી નમસ્તે થી આવ્યો હશે ? પહેલી વાર આ થયું ! થેન્ક્સ એંગ લી. મુક્ત પારદર્શતાને લીધે પરદેશીઓ એ પામી જશે , જે  બંધન અને દંભને લીધે પાસે હોવા છતાં ભારત ખોઈ રહ્યું છે !

જીવન, મૃત્યુ, ઇશ્વર અને સંઘર્ષની એક આધુનિક સર્જનાત્મક ગાથામાંથી ઉકેલાય છે સૃષ્ટિના સનાતન રહસ્યો!


pi 2

‘શ્રદ્ધા એવું ઘર છે, જેમાં અવનવા અનેક ઓરડાઓ મોજૂદ છે.’

‘પણ શંકાનું એમાં કોઇ સ્થાન નથી હોતું, ખરૂંને?’

‘અરે, દરેક માળે એની તો જગ્યા હોય છે. સંશય તો જરૃરી છે, એ શ્રદ્ધાને મજબૂત કરે છે. જયાં સુધી કસોટીએ ન ચડે ત્યાં સુધી શ્રદ્ધાની તાકાત આપણને પૂરી ઓળખાતી નથી!’

આ સંવાદ આવતા વર્ષે ઓસ્કારની રેસમાં ફ્રન્ટરનર નીવડવાની છે, એવી તાઇવાનના દિગ્દર્શક એંગ લીની અદ્દભૂત ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’નો છે. ૧૦ વરસ પહેલાં જ સાહિત્યનું નોબેલ પછીનું પ્રતિષ્ઠિત ગણાતું બૂકર પ્રાઇઝ જીતનારી નોવેલનું એ આબેહૂબ ફિલ્મી એડોપ્શન છે! યુવાન કેનેડિયન લેખક યાન માર્ટેલે આ કથા ભારતીય પરિવારમાં સેટ કરી છે, કારણ કે એક બ્રાઝિલિયન કથામાંથી નાવડીમાં પ્રાણી સાથે રહેતા સર્વાઇવરનો આઇડિયા જડયા પછી આ કથાનું પોત એમને દિશાહીન અવસ્થામાં દુનિયામાં રઝળપાટ કરતા હતા, ત્યારે ભારતમાં માથેરાન મુકામે સૂઝયું હતું! કેવળ પૂર્વેનો જ દિગ્દર્શક ન્યાય આપી શકે, એવી આ કહાની હાડોહાડ ભારતીય છે. એના પાને પાને (અને ફિલ્મની ફ્રેમે ફ્રેમે) ઉપનિષદોના મંત્રોચ્ચાર સાંભળી શકાય છે. ટીવી ચેનલો પર ફિલસૂફીના ફોતરાં ઠાલવતા ગોખણિયા ગુરૃઓના ઉલટાપુલટા ઉપદેશને બદલે અહીં સોલિડ સત્ય છે. વાંચતા-જોતાંવેંત ખબર પડી જાય કે એનો સર્જક ફકત લેખક નથી ‘એ કશુંક ભાળી ગયો છે, કશુંક પામી ગયો છે!’

એટલે ‘લાઇફ ઓફ પાઇ’ ઇશાવાશ્યમ ઇદમ સર્વમ ની માનવની પ્રકૃતિ સાથે સંવાદિતા (હાર્મની)ના મધુર સૂર રણઝણાવતી મહાગાથા છે. મહાન કળાઓ માટે અનિવાર્ય ગણાય, એવી એ મલ્ટીલેયર્ડ છે, જેમાં સીધી સાદી લાગતી વાર્તાના આપણી આસપાસની અજાયબ સૃષ્ટિ જેવા અનેક પડ ધીરે ધીરે એનો ભાવક જો સંવેદનશીલ અને સર્જકમિજાજ હોય, તો ખુલે છે. એક તરફથી એ માણસના સાહસની, જીવનના પડકારો સામે હાર માન્યા વિના ઝઝુમવાની જીજીવિષાની સુપર્બ ‘સ્ટોરી ઓફ સર્વાઇવલ’ છે. મોટિવેશનલ મેજીકથી ભરપૂર! પણ સાથોસાથ આ જ સંજોગોના તોફાની મોજાંઓ વચ્ચે બાવડાં ફુલાવીને નાવડી હુંકારવાનું જોર કરતી વખતે, પાર ઉતારવા માટે સુકાન હરિને હાથ સોંપી દેવાની, અર્જુનના ગાંડીવટંકાર માટે રથના સારથી શ્રીકૃષ્ણને બનાવવાની, પરમ શ્રદ્ધા અને બિનશરતી સમર્પણની, એ આધ્યાત્મિક દિવ્યજયોતિ છે – જેના અભયનું અજવાળું માણસને કાતિલ કટોકટીમાં માર્ગ બતાવે છે, જીવન-મૃત્યુ વિશેના કેટલાક અઘરા કોયડાઓનો સહજ અને સરળ ઉકેલ આપે છે!

અને ‘થેયસ’ (આનાતોલ ફ્રાન્સ) કે સિદ્ધાર્થ (હરમાન હેસ) કે જીન ક્રિસ્તોફ (રોમાં રોલા) કે ઓલ્ડ મેન એન્ડ ધ સી (અર્નેસ્ટ હેમિંગ્વે) કે કોન-ટિકી (થોર હાયરડાલ) કે મોબી ડિક (હરમાન મેલવિલ)ની કલાસિક સ્મૃતિઓને એકસાથે તાજી કરી આપતી ‘લાઇફ ઓફ પાઇ’ ટ્રિબ્યુટ ટુ ક્રિએટિવિટી એન્ડ ઇમેજીનેશન છે. વાસ્તવની વેદનાના ઉકાળામાંથી નીપજતી કલ્પનાનો કમાલ સ્વાદ! પાઇ પટેલ લેખકને કહે છે, એમ આપણે બધા વિષ્ણુના સપનાનો જ હિસ્સો છીએ!

જી હા, પડદા પર ફિલ્મ નિહાળતી વખતે આપણે એવું માનીએ છીએ કે આ રિયાલિટી નથી. છતાં થોડી ક્ષણો માટે એમાં એકરૂપ થઇને ખોવાઇ જઇએ છીએ. પાત્રોના દુઃખે દુઃખી અને સુખે સુખી થઇ શકીએ છીએ… અને ફરી આપણી જીંદગીમાં ગોઠવાઇ જઇએ છીએ.

વેલ, એ જીંદગી રિયાલિટી છે? કે પછી ફકત રિલેટીવિટી જ છે! જેને આપણે હકીકત કહીએ છીએ એ ય દ્રષ્ટિકોણ જ છે ને! યાન માર્ટેલે એક મુલાકાતમાં કહેલું કે ‘રિયાલિટી ઇઝ ઇન્ટરપ્રિટેશન. વી કો-ક્રિએટ ઇટ’ મતલબ, વાસ્તવ મોટેભાગે તો આપણું આપણને થયેલા અનુભવોનું અર્થઘટન છે જયારે આપણે મૂડમાં હોઇએ, પગારમાં અણધાર્યો વધારો હોય, પ્રિયજનની ચુંબનની ભીનાશ હોઠ પર તાજી હોય, ચૂંટણીમાં ચકચકિત વિજય હોય, અચાનક રાતની રસોઇમાંથી છુટ્ટી હોય ત્યારે દુનિયા હસીનરંગીન લાગે અને મૂડ ઓફ હોય, કોર્ટ- હોસ્પિટલની દોડાદોડીના ચક્કર હોય, નવી તકની તલાશ હોય, પાછલા પ્રોજેકટસ ફલોપ હોય, નણંદનું કાળજે લાગેલું મહેણું હોય ત્યારે દુનિયા સાક્ષાત નરક જેવી લાગે છે. દૂરની સોસાયટીમાં આવેલું મકાન કોઇ મુલાકાતીને શાંત અને કોઇ વિઝિટરને બોરિંગ લાગી શકે છે. જૈસી જીસ કી સોચ્ચ!

જીવનની બધી ઘટનાઓ આપણે પસંદ કરી શકતા નથી. ત્યાં માણસ રંગમંચની કઠપૂતળી છે. પણ એ ઘટનાઓનું અર્થઘટન એના હાથમાં છે. ત્યાં એ પોતાના કેરેકટરનો ડાયરેકટર છે!

એટલે સ્તો બુદ્ધને, મહાવીરને, મોહમ્મદને, કૃષ્ણને, નાનકને, જીસસને, જરથુષ્ટ્રને, મોઝિસને મૂળ તો પરમ તત્વનો,  મા ઇવા (કર્ટસી : અવતાર)નો, તાઓનો, બ્રહ્મનો, ફોર્સ (કર્ટસીઃ સ્ટાર વોર્સ)નો ચૈતન્યનો એક જ પ્રકાશ દેખાય છે. કોઇ તેજોલેશ્યાની વાત કરે છે તો કોઇ ખુદાઇ નૂરની. કોઇ લીડ કાઇન્ડલી લાઇટ કહે છે તો કોઇ તમસો મા જયોર્તિગમય, કોઇ ઓમ ર્ભૂભૂવસ્વઃ ની પ્રાર્થના કરે છે તો કોઇ અપ્પ દીપો ભવની અહાલેક આપે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવા રૃપે અનંત ભાસે!

અનુભૂતિ એક છે, પણ અર્થઘટન અલગ અલગ છે. એમાંથી જ ધર્મો રચાય છે. એમાંથી જ જેમને જે રીતે અનુભૂતિ થઇ એના કર્મકાંડનું- જાળું ઉપવાસથી નમાઝ, માળાથી બ્રહ્મચર્ય, મીણબત્તીથી દીવા, વૃક્ષથી શિખર, શાકાહારથી માંસાહાર જેવા પોતે અર્થઘટન કરેલા બેકગ્રાઉન્ડમાં ગોઠવે છે અને દર્શનને બદલે ધર્મનું તત્વ ઘર્ષણ થઇ જાય છે. ખુદમાં ઝાંકવાને બદલે બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા થઇ જાય છે.

માટે ઇશ્વરના અસ્તિત્વનો અકળ કોયડો ધર્મોથી ઉકેલાતો નથી, ગૂંચવાય છે. કહેવાતા ધર્મ ઇશ્વર માટે માલિકીભાવ રાખે છે! રોંગ! જે સમગ્ર સચરાચર (હોલ યુનિવર્સ) સાથેના સંપર્કથી જડે છે, એને કેવળ તર્કથી ઓળખવાના પ્રયાસોમાં વિજ્ઞાાનનો વખત પણ વેડફાય છે.

પણ જેમ એક લેખક ઘેર બેસીને અવનવી ફેન્ટેસી રચી કાઢે, અને એમાં આપણે માની શકતા હોઇએ તો આ સૃષ્ટિના સર્જનહારમાં કેમ નહિં? આ શબ્દોમાં સમજાવવું અઘરૃં છે. જેમ જીવનની વ્યાખ્યા કોઇ વિશ્વની સ્પષ્ટ સમજાવી શકતો નથી, પ્રેમમાં તરબોળ હોવા છતાં પ્રેમનું વર્ણન કોઇ પ્રેમી કરી શકતો નથી, એમ જ સાચો આસ્થાવાન આસ્થાને અનુભવી શકે છે, પણ વર્ણવી શકતો નથી. ઈશ્વર તર્કથી નહિ, જીવંત જગતના સંપર્કથી જડે છે!

‘લાઈફ ઓફ પાઈ’ના આખો મેસેજ ફક્ત ત્રણ લીટીમાં એના લેખક યાન માર્ટેલે વર્ણવ્યો હતોઃ ”જીંદગી એક વાર્તા છે. તમે તમારી વાર્તા પસંદ કરી શકો છો. જે વાર્તમાં સર્જકતા અને કલ્પનાશીલતાનું માયાવી આવરણ હોય, એ વાર્તા બેહતર હોય છે!”

આ માયાવી આવરણ એટલે ધર્મ. કર્મથી ધર્મ વચ્ચેનો સંબંધ જોડતી, હિન્દુ-મુસ્લીમ-ખ્રિસ્તી ત્રણ ધર્મોનો પાયો તો એક જ સર્વશક્તિમાન પરમતત્વ સામેના શ્રદ્ધાપૂર્વકના સમર્પણમાં છે, એવું કહેતી આ કૃતિ છે. હિન્દુત્વનું પરમાત્મા અલગ સંચાલક નહિ પણ સ્વયં કણ-કણમાં વસેલી ઊર્જા અને સમયનું રૃપ છે વાળું દર્શન, ખ્રિસ્તી ધર્મની પ્રેમ અને પીડા (સફરિંગ)માંથી પસાર થઈ શુદ્ધ થવાનું વર્તન, અને ઈસ્લામનું સકળ બ્રહ્માંડની સામે ઝૂકીને એની મરજીનો કોઈ શરત વિના સ્વીકાર કરીને જીવવાનું ચિંતન ત્રણેનો ત્રિવેણી સંગમ એટલે કથાનાયક પાઈ પટેલ.

* * *

૨૦૦૧માં બહાર પડેલી નવલકથા અને એક મહિનાથી ભારતમાં સૂરજ શર્મા, ઈરફાન, તબૂને લીધે પોતીકી બનીને ધૂમ મચાવતી ફિલ્મને લીધે લાઈફ ઓફ પાઈનો કથાસાર હવે જાણીતો જ હોવાનો.

શિકારીનું ભૂલથી નામ ધારણ કરેલા રિચાર્ડ પારકર નામના કદાવર વાઘ સામે મુકાબલો કરી અને પછી વાઘ સાથે દરિયાઈ તોફાનો અને ભૂખ, થાક, એકલતાનો મુકાબલો કરી પાઈ અવનવા અનુભવોમાંથી પસાર થાય છે, અને છેલ્લે છે કહાની મેં ટવીસ્ટ. સોરી, કહાની જ એક ટવીસ્ટ છે. સત્ય શું? એ બાબતે પ્રેક્ષક-વાચક કન્ફ્યુઝ થાય છે, લી/માર્ટેલનો માસ્ટરસ્ટોક ઈમેજીનેશનથી ઈશ્વરની ખાલી જગ્યા પૂરવાનો છે!

* * *

પાઈનો બે જાપાનીઝો બચ્યા બાદ ઈન્ટરવ્યૂ લે છે ત્યારે (શેષશાયી વિષ્ણુના આકારના) માણસખાઉં ટાપુનું વર્ણન સાંભળીને એ લોકો ચોંકીને કહે છે કે ”આવા કોઈ ટાપુનું અસ્તિત્વ જ નથી” એટલે પાઈ કહે છે ”કારણ કે, તમે એના વિશે સાંભળ્યું નથી!” આ પ્યોર રેશનલ એપ્રોચની મર્યાદા છે. જે એને દેખાય- સંભળાય- પરખાય નહિ એનો એમાં સ્પષ્ટ ઈન્કાર છે. પણ આપણી આસપાસ કેટલીયે એવી બાબતો છે, જેનો તાગ અકળ છે. ફેકટર એક્સ. માણસના શરીરથી આકાશગંગા સુધી! અહીંથી શ્રદ્ધાનું ક્ષેત્ર શરૃ થાય છે. ‘ગોડ’ એક શોર્ટહેન્ડ છે, ભૌતિક પદાર્થની નજરે માપી ન શકાય એવા નિર્ણાયક પ્રવાહનું!

પાઈ કંઈ એટલે જ વિજ્ઞાાનનો વિરોધ નથી. વિજ્ઞાાન પણ સત્યની શોધ અને કાર્યકારણ સંબંધમાં, એના સિદ્ધાંતોમાં શ્રદ્ધા રાખે છે. પાઈ માટે એ ય એક ઈશ્વરદત્ત પગથિયું છે, સમજણના શિખરે પહોંચવાનું! સાયન્સ પાસે સીસ્ટમ છે, લોજીક છે- જે દુનિયા પર કંટ્રોલ કરવા જરૃરી છે. આફતોથી બચવા અનિવાર્ય છે. પાઈ એના પિતાએ અને શિક્ષકોએ આપેલા એ વૈજ્ઞાાનિક જ્ઞાાનનો ઉપયોગ કરીને જ વાઘને કાબૂમાં કરે છે, દરિયા વચ્ચે એકલો ટકે છે.

પણ વિજ્ઞાન રિસોર્સીઝના સોલ્યુશન આપે છે, ટેન્શનના નહિ. આનંદ અને આશા, રૂદન અને હતાશા એના ક્ષેત્રો નથી. બ્રહ્માંડનું પુરું અને સાચું ચિત્ર મેળવવા એમાં તાળો મેળવવાની ખૂટતી રકમ ઉમેરવી પડે તેમ છે, જે કશુંક મિસ્ટિક, અતાર્કિક, ગળે ન ઉતરે એવું છે. એ છે ઈશ્વર! ઈરરેશનલ એડેડ ટુ રેશનલ કમ્પલીટસ ધ યુનિવર્સ!

માટે જ કથાનાયકનું નામ અહીં રસપ્રદ છે. પાઈ. બધા નામો સિમ્બોલિક છે. (પાઈની દીકરીનું નામ ઉષા, પિતાનું નામ સંતોષ છે!) પાઈનું મૂળ નામ ફ્રેન્ચ ‘પિસિંગ’ છે, જે સ્વીમિંગ પુલનું નામ છે, જેનો માયથોલોજીકલ અર્થ છે- સુંદર દેવતાઓ નહાતા હોય એ હોજ! પાઈના જન્મથી જ જળ સાથેની એની ઘાત અને જોડાણ જાણે નક્કી છે. સાયન્ટિફિક રીતે પણ માનવશરીરમાં ત્રણ ચતુર્થાંશથી વધુ બહુમતી પાણીની છે. એટલે આપણી અંદર દરિયાનો અંશ છે. પણ દરિયો એટલે નથી કે આપણું પાણી લિમિટેડ છે, માપી શકાય તેમ છે. જ્યારે સમંદરનું પાણી અનંત છે, અગાધ છે. પાઈ દરિયા વચ્ચે છે, ત્યારે માત્ર દેહ જ એના અને સમુદ્રના પાણી વચ્ચેનું આવરણ છે.

આવું જ ઈશ્વરનું છે! આપણી જ અંદર એનો અંશ છે. એ અલગ નથી. એ શક્તિ અનંત બને ત્યારે માનવીય મટી, દેવતાઈ બને છે. દેહનું આવરણ મટે તો પાણી પાણી સાથે એકાકાર થવાનું જ છે! એ અનંત આકાશ, અફાટ સમુદ્ર એટલે માપી ન શકાય તેવા ઈરરેશનલ ઈશ્વર!

એટલે જ પિસિંગ પટેલનું બીજું નામ પાઈ છે. ગણિતમાં પાઈ ઈન્ટરેસ્ટિંગ આંકડો છે. એ ગ્રીક ફિગર ‘ઈરરેશનલ નંબર’ (અતાર્કિક સંખ્યા) ગણાય છે, પણ એનો સમીકરણમાં ઉપયોગ કરી રેશનલ પરિણામો મેળવી શકાય છે! વળી ૩.૧૪થી ટૂંકો થતો એ આંકડો વાસ્તવમાં લોબોલચ, અનંત છે. દશાંશ પછીના એના આંકડા યાદ રાખવામાં માનવમગજની મર્યાદા આવી જાય! અને પાઈની મદદથી વર્તુળનું (સર્કલ ઓફ લાઈફ?) માપ કાઢી શકાય!

ઈશ્વર પણ પૂરી દિમાગથી ન મળે એવો ઈરરેશનલ એન્ટીટી છે. ઈશ્વર તો માત્ર સરળતાથી સમજવાનું નામ છે. બાકી એ છે અગાધ અલૌકિક મહાશક્તિ. સાયન્સ માને છે, વિશ્વમાં એક વ્યવસ્થા- ઓર્ડર છે, જેની ખોજ કરતા રહેવાની છે. સ્પિરિચ્યુઆલિટી માટે વિશ્વ એક કેઓસ અંધાધૂંધી છે- જેમાં સમજવાનું નથી, પણ માનવાનું છે. અને આ બધામાં ધર્મગ્રંથો બહુ કામમાં આવતા નથી. ગીતા, બાઈબલ, કુરાનના પાઠ કર્યે ભગવાન સુધી પહોંચાતું નથી. નરસિંહ મહેતા જેવા કદી ગુજરાતની બહાર ન નીકળનારા ૫૦૦ વર્ષ પહેલા કહી ગયા… ‘ગ્રંથે ગરબડ કરી, વાત ન ખરી કરી… સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પરે… જોગી જોગંદરા કો’ક જાણે!’

જે ઝૂકે છે, એ જ આ યાત્રામાં ઉપર ઉઠે છે! દરેક ધર્મ પાસે માન્યામાં ન આવે તો ય આકર્ષક લાગે એવી અદભુત કહાનીઓ ઈશ્વરની છે એને ભેદીને એના સત્ય, એના પ્રકાશને પામવાનો છે. કર્મકાંડો એમાં ક્યાંક મદદરૃપ થાય, જેમ કે દરિયાનું એકાંત ભાંગવા પાઈ પ્રાર્થના, બંદગી બધું જ કરે છે. એ રીતે પોતાની જાતને એક નિયમમાં બાંધે છે – જસ્ટ ઈશ્વરની હાજરી પોતાને યાદ દેવડાવવા, પણ એટલા માત્રથી ચમત્કાર થતાં નથી.

ચમત્કાર (જો માનો તો, નહિ તો યોગાનુયોગ!) ત્યારે થાય છે, જ્યારે પાઈ ફરિયાદ નથી કરતો, કેવળ સુખ નથી માંગતો- બસ, ‘હરિ તું કરે તે ખરી’ના અભિગમથી કોઈ અજંપા વિના શરણે થઈ જાય છે. ક્રાઈસ્ટની માફક સફરિંગ- પીડામાં ય એને પરમાત્માની લીલા દેખાય છે. જો ઈશ્વર છે તો બધું કેમ સારું નથી થઈ જતું એવી ઘેલી દલીલો કરનારા વિશ્વભરના દુખો અને વેદનાઓનો હવાલો આપે છે. પણ ઈશ્વર કોઈ ફેકટરીનો બોસ નથી. સંસાર ડિવાઈન ડિઝાઈન સાથે ઓટોપાયલોટ પર ચાલે છે, જેમાં નિર્ણયોથી અને કર્મોથી દિશા અને દશા પલટાવી વિકાસ પામવાની છૂટ છે.

યાન માર્ટેલ લખે છે- દુર્દશામાં વધારે પડતી આશા રાખવી અને કામ ઓછું કરવું એ જોખમી છે! પુરું પેશન રાખો કામ બાબતે, બસ પરિણામ બાબતે ડિટેચ્ડ રહો! એમાં ખુદનો નહિ, ખુદાનો ભરોસો રાખો! દુખ અને પીડા પણ ઈશ્વરનું નિર્માણ છે. તર્ક અસ્તિત્વ ટકાવવા માટે જરૃરી છે, પણ અસ્તિત્વ પામવા માટે નહિ! જીવનના તોફાનો પણ ઈશ્વરની કૃપા છે, જે તમને મેચ્યોર બનાવે છે, ઘડતર કરે છે. તમારી ખૂબી-ખામીઓની ઓળખ કરાવે છે. મુસીબતો ઈશ્વરની ગેરહાજરીનો અહેસાસ કરાવતી નથી, એ ઈશ્વરથી વધુ નજીક આવવાની તક આપે છે. જેમાં એ સ્વયમ તમારી પીડાનો ભાગીદાર બને છે, અને તમારા એની સાથેના કનેકશનની જગ્યા ખુલે છે! જે હવા પ્રાણ ટકાવે છે, એ જ પ્રાણઘાતક ઈન્ફેકશન આપે છે. એમ તોફાનોમાં પણ ઈશ્વરનું સૌંદર્ય હોય છે, અને સુંદરતામાં પણ તોફાન!

એટલે જ પાઈ સાથે રિચાર્ડ પારકર છે. એક વાઘ. જે પ્રતીક છે, માણસમાં જ છુપાયેલા આક્રમકતા અને હિંસાના એનિમલ ઈન્સ્ટિંક્ટનું! જે એકલતા અને આફતોમાં વિકરાળ સ્વરૃપે બહાર પ્રગટ થાય છે! જ્યાં ઉપરછલ્લી ફોર્માલિટી ખરી પડે છે. માણસ પશુ બને છે, જીવવા માટે! અને બીજાનો શિકાર કરવા પ્રેરાય છે. આપણી અંદરના આ જાનવરથી ડરવાને બદલે એને કાબૂમાં લેતા શીખવાનું છે. ઈશ્વર માટે બહાર દલીલો કે તમાશા કરવાના નથી, અંદરના આ મહાસંગ્રામને જીતી એના સુધી પહોંચવાનું છે.

યુ નો ?,૧૮૮૪માં મિગ્નોરેટ્ટે શિપમાંથી બચેલા ૪ લોકોમાં એક રિચાર્ડ પારકર નામનો છોકરો હતો, જેને અન્ય ત્રણે ખાવા માટે મારી નાખ્યો હતો! એડગર એલન પોની વિખ્યાત નવલકથા  ‘આર્થર પીમ’ (૧૮૩૮)માં એવો જ અંજામ પાર્કર નામના ખલાસીનો હતો ! આ કહાનીમાં દરેક નામની પાછળ પણ એક કહાની છે !

અને આ રિચાર્ડ પારકર આપણી જ અંદરની તાકાત, ક્રોધ, પશુતા, ક્રૂરતા, ભવ્યતા, શિકારનું બીજું નામ છે! અને ઈશ્વરની હાજરીનો અહેસાસ. જેના મૌન ટેકાથી યાત્રા પસાર કરી શકાય છે!

યસ, કોઈ તો હૈ, જીસ કે આગે હૈ આદમી મજબૂર… કોઈ તો હૈ જો કરતા હૈ મુશ્કિલ હમારી દૂર!

ફાસ્ટ ફોરવર્ડ

જીવન એટલે એક પછી એક બધું છોડતા જવાની કળા !….. દરેક દેશમાં ફરો ; તો અલગ-અલગ સ્ટેજ પર ભજવાતું એક જ નાટક!

(યાન માર્ટેલ)

 
25 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 25, 2013 in cinema, heritage, india, philosophy, religion

 

યારા – દિલદારા – દુ:ખિયારાં !

Les Miserables-Cosette

વર્ષોથી મારી આ અતિપ્રિય એવી કૃતિ “દુખિયારાં” ઉપર લખવાનું હું ટાળતો હતો. કારણ કે , જે અનુભવ્યું એ પૂરું વ્યક્ત નહિ કરી શકું એવું લાગતું હતું. આવી જ રીતે ગયા વર્ષે જ ‘સાહસિકોની સૃષ્ટિ’ પર લખાયું અને હવે ૧૫૦ વર્ષ અને ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ નિમિત્તે થયું કે અત્યારે જો નહિ લખું તો ક્યારે લખીશ ? અને ત્રણ ભાગમાં આ પહોળા પને લખ્યું. ( આથી એ લાંબા આસ્વાદોની લાલચ પર લગામ રાખવી જોઈએ. કારણ કે તો તો પછી મહાનવલ જ ના લખી નખાય નવી ? lolzzz)  અને મને મારી આ સ્વતંત્રતા વહાલી છે, બાકી બીજા કયા તંત્રીમાં ત્રેવડ હોય આ બધું યથાતથ છાપવાની ? પણ મને બહુ જ વ્હાલ મળ્યું છે ‘ગુજરાત સમાચાર’નું કે હું આ બધું મારી મોજથી લખી શકું છું.

અને આ નાનકડી લેખત્રયી ( triology ) વાચકોને ખૂબ ખૂબ ગમી. લખી લખીને તમે બધા શું ઉકાળી શકો ? એવા સવાલનો મારી પાસે લાંબો જવાબ તૈયાર હોય છે. પણ એક ટૂંકો અનુભવ કે લખાણની કેવી અસર હોય છે – આ લેખો છપાતા ગયા એમ પ્રચંડ માંગ ઉઠતી ગઈ એની “ આજે કોઈ વાંચતું જ નથી “ એવું જેમના માટે ( ખોટું ) કહેવાય છે એવા નવી પેઢીના વાચકોમાં – કે વર્ષોથી અપ્રાપ્ય એવી આ કૃતિ તાબડતોબ રિ-પ્રિન્ટ થઇ ! એની ફોટોકોપી કરવીને વાંચવા માંગતા મિત્રો માટે શુભ સંચાર કે ગયા સપ્તાહે જ મૂળ ‘દુખિયારાં’ની નવી આવૃત્તિ અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાંથી આવી ગઈ છે ! આપણું આટલું જોર ? આનંદ થયો કે એનો આવો સદુપયોગ થયો !

રસ ધરાવનારે ફોન ૦૭૯-૨૨૧૪૪૬૬૩ પર ગુર્જરમાં સંપર્ક કરવો ( રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – ૧ ) મારાં જ નહિ, સારા પુસ્તકો ખરીદીને ભેટમાં આપતા ફરવાની મને જૂની ટેવ છે એટલે મેં તો તત્કાળ એની ૧૫ નકલ ખરીદી જ લીધી – કોઈ વળતરની અપેક્ષા વિના. એક ગ્રાહક તરીકે. ( ઘણા સમજ્યા વિના પોતાના ગંદા મન મુજબ ગાંડા આક્ષેપો કરતા વાચકોને ય ખબર પડે કે હું જે કંઇ લખું – બોલું છું – વખાણ કે ટીકા એ મારી મરજી ને મોજ મુજબ હોય છે. કોઈ ગણત્રી કે સેટિંગ માટે નહિ એટલે ફક્ત ૧૫% ડિસ્કાઉન્ટનું એનું કુલ ૩૧૫૦નું બિલ પણ સાચવ્યું છે !)

અગાઉ આ બ્લોગ પર આ પોસ્ટ પર “લા મિઝરાબ” પર થોડું લખ્યું છે. એ અચૂક જોઈ જજો. નવી બહુચર્ચિત ફિલ્મ ઓસ્કારમાં બળુકા હરીફો સામે છે. હું ખાસ એ જોવા માટે છેક મુંબઈ દોડતો ગયેલો. મૂળ કૃતિને ખાસ્સી વફાદાર છે, અને પાત્રવરણી- સેટ અપ અદભૂત છે. પણ લગભગ સંવાદહિન કહી શકાય એવો મ્યુઝિકલનો અતિરેક એની અસલી મજા મારી નાખે છે. છતાં ય જોવી તો જોઈએ જ. હજુ અમિતાભ-નસીરને લઇ એનું આધુનિક વર્ઝન સિરિયલ સ્વરૂપે બનાવી શકાય એવું મને થયા કરે !

ઈરોટીકા મને બહુ ગમે, પણ હું આવા ય ઘણા લેખો લખું છું કારણ કે મને તો બધું જ ગમે છે. પણ કેટલાક વાચકોને ખુદને રસ હોય એટલે પેલા શૃંગારી લેખો જ યાદ રહી જતા હોય છે. આ ત્રણે લેખ છપાયા ત્યારે ઓનલાઈન પ્રોબ્લેમને કારણે ખાસ કરીને બહાર રહેતા ઘણા વાચકો એનાથી વંચિત રહ્યા હતા. માટે આ એકસાથે અહીં પરોવીને મૂકી દઉં છું. સુરત પુસ્તકમેળાનાં ઉદઘાટન નિમિત્તે ( ૨૨ ફેબ્રુઆરી, સવારે ૧૧, વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ) જાઉં છું ત્યારે આના પર પણ બોલવાનો છું. પણ આ વાંચ્યા પછી હવે આસાનીથી ઉપલબ્ધ દુખિયારાં ખાસ વાંચજો. હું ફક્ત મારી બૂક કે મિત્રોની  માટે જ કહું એવો નથી. મને જે ગમે, જે સારું સાચું લાગે એનો ઝંડો લઈને નીકળતો જ રહેવાનો ! 🙂

les_miserables_poster_by_grodansnagel-d5kwhqo


સુખ કી કલિયાંદુખ કે કાંટેમન સબ કા આધાર…

મન સે કોઈ બાત છૂપે નામન કે નૈન હજાર !

les-miserables-jean-valjean-hugh-jackman-candlesticks

બારણું ખૂલ્યું.

વટેમાર્ગુ દાખલ થયો પાદરીએ આ આગંતુક તરફ એક પ્રેમભરી નજર નાખી. તે કંઈક પૂછવા જતો હતો ત્યાં મુસાફર એક ડગલું આગળ વધ્યો. પોતાનાં દંડા ઉપર બંને હાથ ટેકવીને ત્રણે જણ તરફ ઝડપથી નજર નાખીને મોટેથી તે બોલી ઉઠયો : “હું જિન – વાલજિન’. ઓગણીસ વરસની સજા ભોગવીને ચાર દી પહેલાં છૂટયો છું. ચાલતો ચાલતો મારે ઘેર જાઉં છું, આખા દીનો ભૂખ્યો છું. શહેરમાં બધી વીશીવાળાઓએ મને કૂતરાની જેમ બહાર કાઢયો છે. તમારા કેદખાનામાંયે મને ન રાખ્યો. કૂતરાની ઓરડીમાંથી કૂતરાએ કાઢયો, ખેતરમાંથી આકાશનાં વાદળાંએ મને ડરાવ્યો. કોઈક ડોસીએ મને આ ઘર બતાવ્યું. આ વીશી છે? મારી ઓગણીસ વરસની આ કમાણી એકસો નવ રૃપિયા મેં સાચવી રાખ્યા છે. આ લો પૈસા આગળથી, મારે કંઈ મફત નથી ખાવું. થાક તો એવો લાગ્યો છે – આખા દિવસમાં ચાલીસ કિલોમીટર પંથ કાપ્યો છે! ભૂખ તો કકડીને લાગી છે – અહીં કંઈ સગવડ થશે?”

‘બેન! એક ભાણું તૈયાર કરજો.’

મુસાફર વળી આગળ આવ્યો. ટેબલ પાસે આવીને એ ઊભો રહ્યો અને કહેવા લાગ્યો : ”ઊભા રો.’ મેં શું કીધું તે સમજાવું. હું પહેલેથી વાત કરી દઉં. હું ઓગણીસ વરસની સજા ભોગવેલો ગુનેગાર કેદી છું. આ જુઓ પીળો પરવાનો. લો, વાંચી લો – આવડે છે ને વાંચતાં? મને વાંચતાં આવડે છે. અમારે ત્યાં એક નિશાળ પણ હતી. જુઓ, શું લખ્યું છે? – ‘જિન-વાલજિન ગામનો સજા પૂરી થતાં તેને છૂટો કરવામાં આવે છે. સજાના પ્રકારો : રોટીની ચોરી માટે પાંચ વર્ષ, ચૌદ વર્ષ કેદમાંથી ચાર વાર ભાગવા માટે. આ માણસ ઘણો ભયંકર છે…’ સાંભળ્યું ને? આટલા માટે કોઈ મને સંઘરતું નથી.

”બેન! આ ઓરડામાં મહેમાનનો ખાટલો ઢાળજો.” નોકરબાઈ કંઈ પણ બોલ્યા વગર સોંપેલું કામ કરવા ગઈ.

”ભાઈ! ઘડીક બેસો, તાપો ત્યાં તો ખાવાનું તૈયાર થઈ જશે અને પથારીયે થઈ જશે.” પાદરીએ મુસાફર તરફ ફરીને કહ્યું.

મુસાફર જાણે કે હવે કંઈક સમજયો. તેના ચહેરા પર મૂઢ વિષાદની જગ્યાએ શંકા, આનંદ અને આશ્ચર્યથી વિરોધી રેખાઓ ઝબકી. તે થોથવાતી જીભે બોલ્યો ઃ ”હેં! મને અહીં રહેવા દેશો? કાઢી નહિ મૂકો! ચોર છું, બધાય મને કૂતરાની જેમ હાંકી કાઢે છે. ને તમે મને ‘ભાઈ’ કહો છો? મને અહીં ખાવાનું ને સૂવાનું બેય મળશે? મને બનાવતા તો નથી?”

”ના… રે,ના! એવું તે હોય!”

”આ વીશી નથી. હું તો પાદરી છું.”

પાદરીએ ઊભા થઈને શેરીમાં પડતું બારણું અંદરથી બંધ કર્યું. ”બહાર ઠંડી બહુ છે. નહિ? તમનેય ટાઢ બહુ ચડી ગઈ લાગે છે.” પાદરીના શબ્દે શબ્દે તેનાં થીજી ગયેલ રૂવાંમાં હૂંફ ભરાવા માંડી. ઓગણીસ વરસમાં ‘ભાઈ’ સંબોધન તેણે આ પહેલી વાર સાંભળ્યું. પાદરી તેને પડખે જ જમવા બેઠો.

”શરમાશો નહિ, હો ભાઈ!” પાદરીએ મુસાફરના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું. ”આ ઘર મારૃં છે જ નહિ – ઈશ્વરનું છે. અહીં આવનારને પોતાનું નામ કે ઓળખાણ આપવાની જરૃર નથી – તેને શું જોઈએ છે તે જ કહેવાનું છે. કોઈ પણ ભૂખ્યા, તરસ્યા, દુઃખી કે ભૂલા પડેલાને માટે આ ઘરનાં દ્વાર ચોવીસે કલાક ખુલ્લાં છે… અને મારે તારૃં નામ જાણવાની જરૃર પણ શી હતી? હું તો પહેલેથી જ તારું નામ જાણું છું.”

”હે! સાચેસાચ!” મુસાફરની આંખમાં વળી ગભરાટ દેખાયો.

”હા, હા! તારું નામ ‘ભાઈ’ છે.”

”તમારાં આવાં વેણથી હું મૂંઝાઈ જાઉં છું.”

પાદરીએ ફરી તેની સામે જોયું. ”તું બહુ દુઃખી લાગે છે!”

”એ વાત ન પૂછશો. એ ભયંકર બેડીની સાંકળો, એ કડકડતી ટાઢ, એ બાળી નાખતો તડકો, એ લોહીની સેરો ઉડાડતા કોરડા, એક શબ્દ ઉચ્ચારતાંની સાથે દિવસોનાં દિવસો સુધી અંધારા ભંડકિયામા પુરાવાની સજા! અમારા પગની સાંકળ મરણપથારી સુધી છૂટતી નથી હોતી. કૂતરાંને જોતાંવેંત અમને તેની અદેખાઈ આવે છે. આ રીતે એક રોટી ચોરવામાં મેં ઓગણીસ વરસ કાઢયાં. આજે છેંતાલીસ વરસની ઉંમર થઈ. આ પીળો પરવાનો એ અમારું ઈનામ… બસ!”

”હા.” પાદરીએ કહ્યું. ”તું એ નરકમાંથી છૂટયો. તારા દિલમાં મનુષ્યજાતિ પ્રત્યે તિરસ્કાર અને વેરની લાગણી સળગતી હશે. એમાં મને નવાઈ પણ નથી લાગતી. પણ તારા દિલમાં એ લાગણીઓની જગ્યાએ જયારે દયા, નમ્રતા અને શાંતિના ભાવો ભર્યાં હશે ત્યારે તું અમારા સૌના કરતાં પણ મહાન બનીશ!”

ખાઈ રહ્યો ત્યાં સુધી મુસાફર એક શબ્દ પણ બોલ્યો નહિ. તેને બોલવાની નવરાશેય કયાં હતી!

”ચાલો, હવે થાકયા – પાકયા સૂઈ જઈએ. ચાલો તમારી પથારી બતાવું.” ટેબલ ઉપરથી રૃપાની દીવી લઈને આગળ થયો અને મુસાફર તેની પાછળ પાછળ ચાલ્યો. પહેલાં પાદરીનો સૂવા માટેનો ઓરડો આવ્યો. પાદરીની બેન પથારીની માથે આવેલ કબાટમાં રૃપાની રકાબીઓ મૂકી રહી હતી. ત્યાંથી પસાર થઈને છેલ્લા ઓરડામાં બંને ગયા.

મુસાફર એટલો બધો થાકી ગયો હતો કે શ્વાસનાં એક ફૂંફાડે મીણબત્તી ઓલવીને એ ને એ કપડે અને પહેરેલ જોડે પથારીમાં પડયો અને થોડીક જ ક્ષણોમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો.

* * *

સવારમાં રોજનાં નિયમ મુજબ પાદરી બગીચામાં લટાર મારી રહ્યો હતો. ત્યાં નોકર – બાઈ એકાએક કોઈ દિવસ ન લે તેવી છૂટ લઈને પાદરીની ઠેક પાસે આવીને  બોલી ઉઠી :

”ભાગી ગયો! રકાબીયે ચોરતો ગયો! જુઓ, આ બગીચામાંથી જ ભાગ્યો છે! આ… પણે વંડીની ઈંટ ખરી ગઈ છે. હાય! હાય! મને તો આવતાંવેંત જ ધ્રાસકો પડયો હતો. હું એને પગમાંથી વરતી ગઈ હતી. મારો રોયો ખાઈ ગયો ને ખોદતો ગયો એનું નખ્ખોદ જાય!” દાસીનું ભાષણ પાદરીને ઉદ્દેશીને હતું. તેમાંથી સ્વાગત બની ગયું, અને એ કયાં સુધી ચાલત તે નક્કી નહોતું. પાદરીએ ગંભીર મુખમુદ્રાથી તેની સામે જોયું એટલે એ વિલાપ અટકી ગયો.

”એ રકાબીઓ કોની… આપણી હતી?” દાસી આ પ્રશ્ન સમજી જ નહોતી. ”એ રકાબીઓ મેં અત્યાર સુધી નકામી સંઘરી રાખી હતી. એ તો ગરીબ લોકોની રકાબીઓ  હતી. અને આપણે ત્યાં આવેલ મહેમાન પણ ગરીબ જ હતો ને!”

નાસ્તો પૂરો થવા આવ્યો. ઊઠવાની તૈયારી થતી હતી ત્યાં બારણાં પર ટકોરો પડયો.

ટકોરાની સાથે જ તેનો પડઘો હોય એમ જ પાદરીનાં મુખમાંથી હમેશ નીકળતો શબ્દ નીકળ્યો : ”આવો!”

ત્રણ ડાઘિયા જેવા પોલીસોએ એક એમનાં જેવા પણ દેખાવમાં વધારે ભયંકર માણસને ગળેથી પકડયો હતો. એ જિન – વાલજિન જ હતો. ભાગતાં ભાગતાં એ સપડાઈ ગયો. એક જમાદાર જેવા પોલીસે આગળ આવીને લશ્કરી ઢબે સલામ કરી. પાદરી તેની સામે જોયા વગર જિન-વાલજિનની તરફ જોઈને આનંદથી બોલી ઉઠયો : ”લો, તમે તે કયાં હતા, ભલા માણસ! પેલી રૃપાની દીવીઓ તો રહી જ ગઈ! એ પણ સારી કિંમત ઉપજે એવી હતી.”

જિન-વાલજિન ફાટી આંખે એની સામે જોઈ રહ્યો.

”બાપુજી!” જમાદારે કહ્યું, ”ત્યારે… આ માણસ કહેતો હતો તે સાચું છે. અમે તો આને ભાગતો દીઠો એટલે શક ઉપરથી પકડયો. તપાસ કરતાં થેલામાંથી રૃપાની રકાબીઓ નીકળી. એને પૂછયું ત્યારે એ કહે કે મને આ ઘરડા પાદરીએ આપી છે.”

”અરે! એ તો મારા મહેમાન છે. રાત મારે ત્યાં રહ્યા હતાં. તમે એને પકડી લાવ્યા? આ તો બધું આંધળે બહેરૃં કુટાઈ ગયું.” પાદરીએ હસતાં હસતાં કહ્યું.

”એમ હોય તો આપ કહો તો એને છોડી મૂકીએ.”

”હા, હા. છોડી જ મૂકો વળી?”

”મને છોડી મૂકો છો?” તે જાણે ઊંઘમાં બોલતો હોય એમ મોટેથી બોલી ઉઠયો.

”જુઓ ભાઈ! તમારે જવું હોય તો ખુશીથી જાઓ, પણ આ રૃપાની દીવીઓ રહી ગઈ છે તે લેતા જાઓ.” તેણે ઊભા થઈને ટેબલ પર પડેલી બેય દીવીઓ લાવીને તેના હાથમાં મૂકી. જિન-વાલજિન તેના અંગેઅંગમાં ધ્રૂજી રહ્યો હતો. તેણે સાવ શૂન્યમનસ્ક હોય તેમ આ બંને દીવીઓ હાથમાં લીધી.

”હવે નિરાંતે જાઓ. ફરી વાર વળી કો’કદી આવજો. પણ હવે બારીએથી બગીચામાં થઈને જવાની જરૃર નથી. ગમે ત્યારે મારાઘરનો આગલો દરવાજો ખુલ્લો જ હોય છે, એ રસ્તેથી જ અવરજવર કરજો.” પોલીસો તરફ ફરીને તેણે કહ્યું ઃ ”હવે તમે પણ જઈ શકો છો!” પોલીસો પણ ચાલ્યા ગયા. જિન-વાલજિનને થયું કે હમણાં તેને મૂર્છા આવી જશે. પાદરી તેની સાવ પાસે ગયો. તેના ખભા પર હાથ મૂકીને ધીમે અવાજે તેણે કહ્યું ઃ ”ભાઈ! આટલું યાદ રાખજે. આટલું કદી ભૂલતો નહિ કે મારી આ નાનકડી ભેટનાં બદલામાં પ્રમાણિક મનુષ્ય બનવાનું તેં વચન આપ્યું છે.”

”જિન-વાલજિનને આવું કોઈ વચન આપ્યાનું યાદ નહોતું. તે તો મૂઢ નજરે જોઈ રહ્યો.

”જિન-વાલજિન! ભાઈ! આજથી તારે માટે અંધકાર અદ્રશ્ય થાય છે ને પ્રકાશમાં તું પ્રવેશ કરે છે. દુષ્ટ વાસનાના સમુદ્રને તળિયે પડેલ તારા આત્માના મોતીને મેં બહાર આણ્યું છે. એ મોતી હું આજે ઈશ્વરને ચરણે અર્પણ કરું છું.”

છાનોમાનો નાસી જતો હોય એવી રીતે જિન-વાલજિન ગામની બહાર નીકળી ગયો. તેને આ ગામ જેટલું બને તેટલું જલદી દેખાતું બંધ થાય તે જોઈતું હતું. તેને મનુષ્યની વસ્તીથી દૂર ભાગી જવું હતું. તે સડક છોડીને પગકેડી ઉપર જ ચાલવા લાગ્યો. એ કેડી તેને કયાં લઈ જાય છે તેનું તેને ભાન નહોતું. આખી સવાર તે કેડીના ચકરાવામાં ફર્યો કર્યો. તેણે ખાધુ નહોતું. છતાં તેને ભૂખ દેખાતી ન હતી. અસંખ્ય અને અપૂર્વ એના મનોભાવો તેના આખા દિલને ઘેરી વળ્યા હતાં. છેલ્લા બાર કલાક અને તે પહેલાંનાં વીસ વરસની વચ્ચે જાણે તેના દિલમાં યુધ્ધ જામ્યું હતું. વીસ વરસ સુધી જે ગૂઢ શાંતિ તેના ચિત્તસાગરમાં ભરી હતી તેમાં આ બાર કલાકના બનાવોએ ખળભળાટ મચાવી મૂકયો. તે વિચાર કરતો હતો, પણ શા તેની ખબર નહોતી પડતી. આ ને આમ આખો દિવસ તેણે ભટકવામાં કાઢી નાખ્યો. હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાંથી આંસુનો ધોધ છૂટયો. વીસ વરસે તે આજ પહેલી વાર રડયો.

પાદરીને ત્યાંથી તે નીકળ્યો ત્યારથી તેને કદી ન થયેલા એવા મનોભાવો થવા લાગ્યા. અલબત્ત, તેને શબ્દોમાં સમજવા જેટલી સ્પષ્ટતા ન હતી. પાદરીની એ ભવ્ય અને નિતાન્ત પવિત્ર એવી મૂર્તિની સામે તેનો આખો ભૂતકાળ જાણે લડી રહ્યો હતો. નીકળતી વખતના પાદરીના છેલ્લા શબ્દો ભૂલવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો તેમ તે વધારે ને વધારે સ્પષ્ટ થવા લાગ્યા. જાણે કે આ આખરી સંગ્રામ હતો. જો પવિત્રતા જીતે તો દુનિયાને એક પવિત્ર આત્મા સાંપડતો હતો; જો દુષ્ટતા જીતે તો દુનિયાના દુઃખમાં વધારો થતો હતો. વીસ વરસના અગાધ અંધકારમાં રહીને બહાર નીકળ્યા પછી આ પાદરીના જીવનના સૂર્ય જેવા પ્રકાશથી તેની ઈંદ્રિયો અંજાઈ ગઈ હતી. તેની આંખો આ પ્રકાશમાં પોતાનું ભવિષ્ય જોઈ શકતી નહોતી. તેને એટલું તો સમજાયું હતું કે, આ હવે પહેલાંનો જિન-વાલજિન નથી. જીવનમાં અનેક યુગોની નિંદ્રા પછી જાગેલ વિવેકબુધ્ધિએ તેના હૃદયમાં પશ્ચાત્તાપનો અગ્નિ પ્રગટાવ્યો, અને તે અગ્નિમાં વર્ષોથી જામી ગયેલ મેલનો થર ઓગળવા માંડયો, અને એ જવાળા મુખીમાંથી નીકળતા લાવારસની જેમ આંખોમાંથી આંસુ દ્વારા વહેવા લાગ્યો. તેનો ભૂતકાળ કોઈ નાનકડા કાળા વાદળાની જેમ ક્ષિતિજની પેલે પાર અદ્રશ્ય થઈ ગયો. પછી શું કર્યું – તે કયાં ગયો – તેની કોઈને ખબર નથી. પણ તે રાતે એક ગાડીવાળાએ ક.. નગરમાં પાદરીના ઘર પાસે એક રસ્તાને કાંઠે અંધારામાં એક માણસને ઘૂંટણિયે પડેલો દીઠો હતો!

* * *

જગ સે ચાહે ભાગ લે પ્રાણી… મન સે ભાગ ના પાયે! વિશ્વનું સૌથી મોટું કુરુક્ષેત્ર, ગુડ વર્સિસ ઈવિલની જેહાદે અકબર આપણી અંદર છે!

યસ રીડરબિરાદર… આ જે વાંચ્યું એ કોઈ ટૂંકી વાર્તા નથી પણ પૂરા દોઢસો (જી હા, ૧૫૦ વર્ષ પહેલા) લખાયેલી એક અમર ફ્રેન્ચ નવલકથાના અદ્ભુત ગુજરાતી અનુવાદના શરૂઆતી બે – ત્રણ પ્રકરણનો સંક્ષેપ છે! વિશ્વસાહિત્યની સરટોચની આ નવલકથા એટલે વિકટર હ્યુગોની ‘લા મિઝરાબ’! અનુવાદમાં મૂળ ફ્રેન્ચ પાત્ર જ્યાં- વાલ્જયાંનું નામ જીન-વાલજીન થયું, અને કથાને ગુજરાતમાં લે મિઝરેબ્લ તરીકે ઓળખવામાં આવી, પણ કમનસીબે વર્તમાન ગુજરાત આ ગંગાસ્નાન સમાન કૃતિને ભૂલતું જાય છે, જેમાં મૂળ વાર્તાનો તમામ ચરબી કાઢીને એનો હાથમાં લો તો રાત જતી રહે પણ પુસ્તક હાથમાંથી ન છૂટે એવો અનુવાદ કરવામાં આવેલો અને એને નામ અપાયેલું ‘દુખિયારાં’! આ લેખકડાએ જીવનમાં જે કંઈ વાંચ્યું એમાં પહેલા નંબરે આવતું અણમોલ સર્જન! જે જીંદગીનો મૂલ્યશિક્ષણનો અભ્યાસક્રમ છે,  ફક્ત કથા નથી!

ઓસ્કારવિનર ડાયરેકટર ટીમ હૂપરની આ જ કથાની મ્યુઝિકલ ફિલ્મ ગોલ્ડન ગ્લોબમાં ફત્તેહ કરી ઓસ્કારમાં ય નોમિનેટેડ છે. વારંવાર વાંચવાનું જોવાનું મન થાય એવી આ ઉપનિષદની સમકક્ષ કથા ખરેખર તો આશા, પ્રેમ, ઉદારતા, ક્ષમા અને ઘસાઈને ઉજળા થવાની માનવતાની દાસ્તાન છે. માત્ર સંજોગોને ખાતર બ્રેડ ચોરવા મજબુર થયેલો જિન-વાલજીન પછી સમાજની કઠોર ઠોકરો ખાઈને શેતાન બનતો જાય છે. ત્યારે એક પારસમણિ જેવા પવિત્ર આત્માનો સ્નેહ માણસના મનનો મેલ કેવી રીતે ધોઈ શકે એની ઝલક આ પાદરીની દીવીઓ વાળા પ્રસંગમાં છે. એવી સદભાવનાનો મંગલસ્પર્શ ખરાબે ચડેલા વાહનને ફરી સાચા રસ્તે વાળી દે છે. મૂળશંકરભાઈનો અનુવાદ કેટલો રસાળ અને ભાષાંતરની પાઠશાળા જેવો છે, એ તો અહી વાંચ્યું જ હશે. પણ આગળ શું થયું અને એમાંથી આપણી જીંદગીના અંધારા ઉલેચતું અજવાળું કેમ શોધવું એની વાત ત્યારે એની જરા વધુ વિગતે વાત હવે અનાવૃત કરીશું!

ફાસ્ટ ફોરવર્ડ

‘Life is to give, and not to take!’

(જીવન આપવા માટે છે, છીનવવા માટે નહિ) – લા મિઝરાબનો સંદેશ

ઘાયલ મન કા પાગલ પંછી, ઉડને કો બેકરાર…

પંખ હૈ કોમલ, આંખ હૈ ધૂંધલી, જાના હૈ સાગર પાર…!

Film-Tom Hooper

‘જા,ઘોડાને પાણી પાઈ દે!”

”પણ હવે પાણી નથી.” કોઝેટે પોતાની સમગ્ર હિંમત ભેગી કરીને કહ્યું.

”તો ડોલ લઈને જા, જલદી લઈ આવ!” શેઠાણીએ બારણું ઉઘાડીને દૂર અંધારામાં હાથ લંબાવીને હુકમ કર્યો. કોઝેટે ખૂણામાં પડેલી ડોલ ઉપાડી. કોઝેટ આખી અંદર નિરાંતે બેસી શકે એવડી એ ડોલ હતી. ખાલી ડોલનું વજન પણ એટલું જ હતું. શરીરને કેડથી ડોલવાળા હાથની બીજી બાજુએ નમાવીને કોઝેટ ઘડીક ઊભી રહી. તેને હતું કે કોઈ તેની મદદે આવશે.

”આમ ઝોડની જેમ ઊભી છે કેમ? ચાલવા માંડ!” શેઠાણી તાડૂકયાં.

કોઝેટનાં પગ ઊપડયા. બારણું તેની પાછળ બંધ થયું. કોઝેટને આધારે વીંટી લીધી.

પણ એ અંધકાર ક્ષણિક જ હતો. તે જરાક આગળ ચાલી ત્યાં તો નાતાલના મેળાનું બજાર જામી ગયું હતું. દુકાને દુકાને દીવાઓની હાંડી ઝૂલી રહી હતી અને દુકાનોમાંથી ભાતભાતની વસ્તુઓ ઉપર તેનો પ્રકાશ નાચતો હતો. પહેલી જ દુકાન રમકડાંની હતી, અને એ દુકાનમાં પણ સૌથી પહેલી નજરે ચડે એવી વસ્તુ એક મોટી પૂતળી હતી. કોઝેટ કરતાં પણ કદમાં એ મોટી હતી. તેના ગુલાબી ગાલ પર હાસ્ય છલકાતું હતું. પહોળા હાથ કરીને જાણે હમણાં જ કોઝેટને ભેટી પડશે કે શું એમ લાગતું હતું. કોઝેટ આ પૂતળી સામે એકીટશે જોઈ રહી – તે કેટલી બધી સુખી છે! બસ, તેને તો દુકાન પર બેસીને આખો દિવસ હસ્યા જ કરવાનું. તેની જગ્યાએ મને બેસારે તો કેવું સારૃં! ઘડીભર તે જગત આખું ભૂલી ગઈ. આ પૂતળી એ જ સર્વસ્વ બની ગયું. ડોલનો આંકડિયો હાથમાં રાખીને તે કયાં સુધી ઊભી રહી એનું તેને ભાન ન રહેત, પણ તરત જ વીશીના બારણામાંથી શેઠાણીની ત્રાડ સંભળાઈ, કોઝેટે ડોલ ઉપાડીને ગુપચુપ મારી મૂકી.

બજાર વટાવીને તે આગળ ચાલી એટલે વળી તેની આસપાસ અંધકાર વીંટાઈ વળ્યો. આ અંધકારની સાથે એકાંત પણ વધવા લાગ્યું. આ નાની ગભરૂ બાળા ભયને લીધે ધ્રૂજતી હતી. તેને ચારેય બાજુથી ભણકારા વાગવા લાગ્યા. તેના પગ પાછા પડવા લાગ્યા : ”પાછી જાઉં ને શેઠાણીને કહું કે વહેળિયામાં પાણી નથી.” એ પાછી ફરી. બજાર સુધી આવી, એને પેલી પૂતળી સાંભરી. પૂતળીની દુકાન પાસે એ પહોંચવા આવી ત્યાં પેલી ત્રાડના ભણકારા ગાજવા લાગ્યા. તે પાછી પાણી લેવા ઝડપભેર ઉપડી. આટલો વખત બગાડયો તેનું પરિણામ તેને સ્પષ્ટ દેખાતું હતું. અંધકારના ભય ઉપર મારના ભયે વિજય મેળવ્યો. તે ડોલ ઉપાડીને શ્વાસભેર દોડી. જોતજોતામાં ગામની વસ્તી પૂરી થઈ અને અંધકારે તથા ભયંકર શાંતિએ તેને ઘેરી લીધી. ડોલના આંકડિયાનો કિચૂડ-કિચૂડ અવાજ કરી તે અવાજને પોતાનો સાથી ગણીને તે આગળ વધ્યે જતી હતી. એકાંતની ઊંડી ને ઊંડી ગુફામાં તે આગળ વધી રહી હતી. આસપાસનો ભય હવે તેને અટકાવી શકે તેમ નહોતો. તેની શેઠાણીની ક્રુરતાભરી આંખોમાંથી નીકળતા અગ્નિના પ્રકાશમાં તે ઠેઠ ઝરણા સુધી પહોંચી ગઈ. તે અંધકારથી ડરી શકે તેમ નહોતું, જંગલોમાંના ભૂતો પણ તેને અટકાવી શકે તેમ નહોતાં, અને ભયથી એ રડી શકે એમ પણ નહેતું. એક બાજુએ અંધકારનું જૂથ હતું અને બીજી બાજુએ પૂંભડા જેવી આ છોકરી હતી. આ અંધકારમાં પણ એ રસ્તો ન ભૂલી એ કાંઈ ઓછી નવાઈની વાત છે?

પાણીનો એક કુદરતી ધરો હતો અને એમાંથી એક નાનકડું વહેળિયું બહુ જ ધીમે અવાજે વહી રહ્યું હતું. કોઝેટને આ માર્ગ, આ ઝરણું અને તેના કાંઠા પરના એકેએક પથ્થરનો પૂરો પરિચય હતો. બીકનું ભાન થાય એટલો સમય પણ ન જાય, એ માટે એકશ્વાસે ઝરણા પર ઝૂકી રહેલ ઓકના ઝાડની એક ડાળી પકડી. નીચે નમીને ડોલ પાણીમાં નાખી અને પાણી ભરાઈ ગયું એટલે એ જ ડાળીને વળગી જોર કરીને ભરેલી ડોલ બહાર કાઢી. આટલું જોર તેનામાં કયાંથી આવ્યું હશે? ભરેલ ડોલ બહાર કાઢીને તેણે ઘાસ પર મૂકી, પણ હવે તેની તાકાતની હદ આવી ગઈ હતી. તેનું આખું શરીર થાકીને લોથ થઈ ગયું હતું. આ ડોલ ઉપાડીને તેનાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ ન હતું. તે ઘાસ પર બેસી પડી. ઘડીક આંખો મીંચી પાછી ઉઘાડી. માથા પરનું આકાશ કાળાં વાદળાંથી ઘેરાયેલું હતું. દૂર પશ્ચિમમાં ગુરુનો ગ્રહ આથમી રહ્યો હતો અને ધુમ્મસને કારણે કોઈ દૈત્યની લાલઘૂમ આંખ જેવો દેખાતો હતો. ઠંડો પવન આખા જંગલમાં ઝાડની ડાળોને તથા પાંદડાને થરથર ધ્રૂજાવી રહ્યો હતો.

બાળકી આ બધું જોઈ રહી હતી. તેના મનમાં કાંઈ વિચારો આવતા ન હતાં, પણ ભયની એ જ તીવ્ર લાગણી તેના અંગે અંગમાં તથા મનની એકેએક જ્ઞાનેન્દ્રિયમાં વ્યાપી ગઈ હતી. હિમ પડે ને કળી જેમ ઠીંગરાઈ જાય તેમ તે ઠીંગરાઈ જવા લાગી હતી. મનુષ્યમાં રહેલી પ્રબળ જિજીવિષાએ તેને થોડીક મદદ કરી. તેણે એક, બે, ત્રણ એમ મોટેથી ગણવા માંડયુ. દસ ગણીને વળી પાછું એકડે એકથી તેણે ગણવા માંડયું. પણ પછી શું?

તે ઊભી થઈ. તેને થયું કે ભાગીને વસ્તીમાં પહોંચી જાઉં – જયાં અજવાળું હોય ત્યાં દોડી જોઉં. પણ ડોલનું શું કરવું? ડોલ મૂકીને ચાલ્યા જવાનો વિચાર પણ તેને માટે એટલો જ ભયંકર હતો. તેણે બે હાથે ડોલ ઉપાડી જોઈ. તે ઊંચી પણ થાય એમ નહોતું. તો પણ તેણે પોતાનું સમસ્ત જોર એકઠું કર્યું. બે પગ વચ્ચે ડોલ રાખી શરીરનો ઉપલો ભાગ આગળ નમાવી બે હાથે ડોલ ઊંચી કરીને તેણે એક ડગલું ભર્યું, બીજું ડગલું ભર્યુ ં- ડોલનાં ભારે તેના હાથ તૂટું તૂટું થતા હતા. તો પણ તેણે આગળ વધવા માંડયું. આંચકા લાગવાને કારણે ડોલમાંથી પાણી છલકાતું હતું. તેના ઉઘાડા પગ પર આ ઠંડું પાણી પડતું હતું અને તેના પગ ઠરી જતા હતા. અંધકારનાં એક ખૂણામાં માનવની નજરથી કયાંય દૂર આ બની રહ્યું છે. ફકત ઈશ્વર સિવાય બીજું કોઈ આ દ્રશ્યનું સાક્ષી નથી. કદાચ તેની મા આ જોઈ રહી હોય – આવાં દ્રશ્યો કબરમાંથી માને પણ ખળભળાવી મૂકે છે?

તેના શ્વાસોચ્છવાસ ભારે થવા લાગ્યા. ડૂમો ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો. એ રડી શકે એમ તો નહોતું, કારણ કે તેની શેઠાણીની ધાક તેના રુદનને થંભાવી દેતી હતી. તેની શેઠાણી તેના જીવન સાથે એવી જડાઈ ગઈ હતી કે તેની કોઈ પણ ક્રિયાના પરિણામની કલ્પના તે થેનાર્ડિયરને સામે રાખીને જ કરી શકતી. તેણે પોતાની ગતિ જેટલી બની શકે તેટલી વધારી, તો પણ તે હજુ માંડ પંદરથી વીસ ડગલાં આગળ વધી હતી. હજુ તો જંગલ પણ પુરૃં થયું નથી. તેનાથી હવે ન રહેવાયું. તે મોટેથી રડી ઊઠી : ”હે ભગવાન!”

તે જ વખતે એકાએક તેની ડોલનો ભાર જાણે કે હળવો થઈ ગયો. તેની ડોલના આંકડિયામાં તેના કોમળ હાથની પડખે જ એક પંજાદાર કદાવર હાથ બિડાયેલો તેણે જોયો. તેણે પોતાનું માથું ઊંચુ કર્યું. એક કાળી વિશાળ આકૃતિ જાણે કે અંધારામાંથી કોતરી કાઢી હોય એમ એણે જોઈ. તે આકૃતિ માણસની જ હતી. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર ડોલ ઉપાડી લીધી. માણસમાં એક એવી અદભુત આંતરદ્રષ્ટિ છે જે કટોકટીના કાળમાં ખૂલી જાય છે. આ બાળકીનું પણ એમ જ બન્યું. તેને આ પ્રસંગે જરા પણ ભય ન લાગ્યો.

આગંતુકે નીચા નમીને ગંભીર અને ધીમા અવાજે કહ્યું ”આ ડોલમાં તો બહુ ભાર છે, નહિ બચ્ચી?”

કોઝેટે ઊંચે જોઈને કહ્યું : ”હાજી!”

”લાવ, મને આપ. હું ઉપાડી લઈશ.”

કોઝેટ ડોલનો આંકડિયો છોડી દીધો. પેલો માણસ તેની સાથે સાથે ચાલવા લાગ્યો.

”ડોલ સાચે જ બહુ વજનદાર છે! તને કેટલાં વરસ થયાં?”

”આઠમું ચાલે છે.”

”આ ડોલ કયાંથી લાવે છે?”

”ધરામાંથી ભરી લાવી.”

”કેટલે જવાનું છે?”

”ગામમાં.”

પેલો માણસ થોડી વાર થોભ્યો. પછી પૂછયું ઃ

”તે… તારે મા નથી?”

”મને ખબર નથી.”, પેલો ફરી કંઈ પૂછે તે પહેલાં છોકરીએ કહ્યું ઃ ”મને એમ છે કે મારે મા નહિ હોય. બીજાં બધાયને મા મારે નથી.” પછી ઘડીક અટકીને બોલી ઃ ”મારે તો કોઈ દી માં હતી જ નહિં.”

* * *

૫૦ વખત.

બચપણથી આજ સુધી કમ સે કમ આટલી વખત ‘લા મિઝરાબ’નો આલાતરીન ગુજરાતી અનુવાદ ‘દુખિયારાં’ વાંચ્યો હશે, અને દરેક વખતે આ લાંબો પ્રસંગ જે પેશ-એ-ખિદમત કર્યો એ વાંચતી વખતે અટકવું પડયું છે- આંખોમાં આવેલા- ઝળઝળિયાં લૂછવા અને ગળે ભરાયેલ ડૂમો નીચે ઉતારવામાં! ‘હાલાજી તારા હાથ વખાણુ કે પટ્ટી તારા પગ વખાણું’ની માફક દોડતી ઘોડી જેવી વિકટર હ્યુગોની બળૂકી કૃતિને એનો યશ આપવો કે એની રેવાલ ચાલના અસવાર એવા અનુવાદક સ્વ. મૂળશંકર મો. ભટ્ટને એક એક શબ્દ હૃદયમાં જડાઈ જાય તેવા ભાવસભર અનુવાદ માટે ક્રેડિટ આપવી – એ હજુ સમજાયું નથી.

પણ સમજાઈ છે કેવળ શબ્દચિત્રથી સાકાર થતી પેલી વીશી યાને હોટલમાં ગદ્ધાંવૈતરું આઠ વરસની માસૂમ બચ્ચી કોઝેટની વેદના, એના મૌન ચિત્કારો, એના તૂટીને દિમાગમાં ભોંકાતા બાળસહજ સપનાઓ!

કોણ આ કોઝેટ? ફેમિલી મેમ્બર છે? સેલિબ્રિટી છે? રિયાલિટી શોની સ્પર્ધક છે? ક્લાસરૂમ ટોપર છે? એની ઓળખાણ શું વળી? કેમ એ વ્હાલી લાગે? કેમ એના દુખનો ભાર આપણી નસોને તંગ કરે?

મેજીક ઓફ ક્લાસિક. આ ઉત્તમોત્તમ સાહિત્યના સ્પર્શનો જાદૂ છે, જ્યાં કેવળ શબ્દચિત્રથી પાત્ર તમારા મનમાં જ નહિ, તમારા જીવનમાં સજીવન થઈ જાય, તમારા સંસારનું આજીવન સભ્ય બની જાય! હ્યુગો/ભટ્ટજી અહીં ફક્ત ઘટનાનું છાપાળવું રિપોર્ટિંગ કરતા નથી. એના વર્ણનોમાં જાણે લોહીમાંસ પૂરીને એને માનવીય ઘાટ આપે છે. સંવેદના પેદા કરતા એકેએક ચેતાતંતુને કલમના ટેરવે અડીને રણઝણાવે છે! ‘દુખિયારાં’/લા મિઝરાબમાં અઢળક પાત્રો છે, પણ ‘નવરા હાથે’ અને ‘નરવા હાથે’ ઘડાયેલા છે. બધા જ કાગળની બહાર ઉપસી આવે છે. બૂઢો માળી કે રખડુ ગાવરોશ, એકતરફી પ્રેમમાં ફના થઈ જતી ઈયોનાઈન કે યૌવનના વનમાં ભૂલી પડી ભટકવાને લીધે બરબાદ થઈ જતી ભોળી ફેન્ટાઈન, સ્વપ્નીલ રોમેન્ટિક મેરિયસ કે લુચ્ચો ખંધો થેનાર્ડિયર…

અને ઈન્સ્પેકટર જેવર્ટ. અહીં નાયકની સામે ખલનાયક તો સંજોગો છે, નિયતિ છે. પણ પ્રતિનાયક જેવર્ટ છે. જ્યાં-વાલ્જયાં (ઉર્ફે જીન-વાલજીન) નામના પ્રોટેગનીસ્ટ સાથે આ ‘જે.વી.’ની પણ છાયા બંધાઈ ગઈ છે. કડક, સિધ્ધાંતનિષ્ઠ, ચુસ્ત ફરજ પરસ્ત અને પ્રામાણિક અમલદાર. જે આકરો એટલે લાગે છે કે એ બધું જ કાનૂની/ગેરકાનૂની કે નૈતિક/ અનૈતિકના બ્લેક એન્ડ વ્હાઈટ અંતિમેથી જ જોયા કરે છે. એની દ્રષ્ટિમાં નિયમનો યમ છે, પણ તરંગના રંગ નથી. ગ્રે એરિયા, માનવસ્વભાવ, લાગણીઓની ભરતી-ઓટના પલટા, આવું કશું એને સમજાતું નથી. સમાજની જડતા, સમાજની લોખંડી પરંપરા, સમાજનાં લેબલ લગાડી ફ્રેમમાં ફિટ કરી દેવાની કુટેવ, સમાજની ગૂંગળાવી નાખતી શિસ્ત અને સમાજની બીજાની જીંદગીની પંચાત કરતી કૂથલીખોર નજરનું પર્સોનિફિકેશન એટલે જેવર્ટ. પણ હ્યુગો એ કંઈ જેવર્ટ નથી, માટે આવા પાત્રને પણ એમણે તો ગ્રે એરિયાવાળું રાખીને એને ય ગરિમાના વસ્ત્રો પહેરાવ્યા છે.

વિકટર હ્યુગો ફક્ત લોકેશન્સનું કે કોસ્ચ્યુમ્સનું જ વર્ણન કરી બેસી રહેનાર નવલકથાકર નથી. એણે તો દરેક પાત્રોના મનમાં ચાલતા નિરંતર દ્વંદ્વ (ડયુએલ), સંગ્રામની એપિક- મહાગાથા આલેખી છે. ઉપમા- અલંકારનો બ્રેકફાસ્ટના ઉપમાથી પણ સુપાચ્ય એવો ઉપયોગ કર્યો છે. હળવા કટાક્ષો, એકાદ આખા ધર્મગ્રંથનું ડહાપણ સાચવીને બેઠા હોય એવા ટાઇમલેસ કવોટ્સ અને ગદ્યમાં પદ્યનો મદ્ય ઉમેરીને એને કવિતાના આંસુ અને ઉર્મિઓના પસીનાની ખારાશથી મોણ નાખીને વર્ણનોની કણક બાંધી છે.

એટલે અહીં ફકત એક પાના પૂરતો દેખાતો જીપ્સી છોકરો પીટિટ જર્વિસ પણ યાદ રહી જાય છે. હયુગો માસ્ટર સ્ટોરીટેલર એટલે છે કે અહીં પાત્રોમાં આવતું પરિવર્તન છે, પણ એ ટીવી સિરિયલ્સની જેમ સેકન્ડોમાં આવતું નથી. એનો નક્કર નકશો અને ક્રમિક વિકાસ છે! આ લેખના પ્રથમ ભાગમાં જે પાદરીની દીવીઓ વાળો પ્રસંગ ટૂંકાવીને મૂકેલો, એનું ય વિઝયુઅલ વર્ણન લાંબુ છે. જયાં- વાલ્જયાં કંઇ સીધો જ બધું ચોરતો નથી. વિચારે ચડે છે, દુનિયાને ફકત નાનકડા ભાણેજડા માટે ખાવાનું મેળવવા જતા આપેલી સજાઓ, શંકાઓ, અપમાનો, તિરસ્કારો, ઉપેક્ષાનું તોફાન એને સતાવે છે. ગુમાવેલા વર્ષોની જવાનીનું ફ્રસ્ટ્રેશન જાગે છે. સતત ટોકી ટોકીને, વખોડીને એને બધાયે નકામો અને નાલાયક નરાધમ જ ચીતર્યો છે, તો એ જ સ્વરૃપ બતાવી દઇ જગત સામે વેર વાળવાનું ઝનૂન એનામાં જાગે છે. એ આગમાં તપીને જાણે કોઇ બીજા વ્યકિતત્વના કબજામાં હોય એમ પોતાના જ મદદગારને ત્યાં ચોરી કરે છે. એ પહેલાં પાદરીના ચહેરા પર ચાંદનીનો પ્રકાશ જોઇ ખચકાય પણ છે. (સાત્વિક પ્રેમની દિવ્યતાનું એ જ તેજ કથાના અંતે લેખક નાયકમાં બખૂબી ટ્રાન્સફર કરી એની સફળ રહેલી સદ્દભાવના સંઘર્ષયાત્રાનું ફુલ સર્કલ બનાવે છે.)

અને પાદરી એની ભલાઇને જગાવવા એને મુક્ત કરે પછી પણ એ તરત બદલાતો નથી. અંદરના વેરવૂલ્ફને બહાર કાઢતુ તોફાન ઉઠે છે, છેલ્લો ક્રાઇમ પણ જર્વિસનો સિક્કો ચોરી એ કરે છે. અને બહારના નહિં, પણ અંદરના ફટકાથી એ પીગળીને લોઢામાંથી સોનું બને છે!

ડિટ્ટો આજે જેનું વર્ણન છે, એ કોઝેટ. યૌવનમાં કરેલા એક રેશમી સાહસના બદલામાં રમકડું બનીને દીકરીને આપવાનું ઈનામ મેળવનાર કમનસીબ ફેન્ટાઈનની પુત્રી. જેને સારો ઉછેર આપવાની લાલચમાં મા બિચારી કાળી મજૂરી કરે છે અને ઈર્ષાખોર અદેખી દુનિયાના પાપે એ ય હાથમાં ન રહેતા પોતાનાં દેહની દુકાન માંડીને દીકરીના ઉછેર માટે તડપે છે, જે તો લુચ્ચા શેઠલોકોએ કામવાળી બનાવીને રાખી છે, જયાં પેલો અવતારી યુગપુરૃષ જેવો મુસાફર અચાનક પ્રગટ થાય છે, (અને પછી તો કોઝેટને એ પેલી પૂતળી યાને ડોલ કેવી વટથી લઈ આવે છે, જેનાથી રમતા ય કોઝેટને ડર લાગે છે, એનું હૃદયદ્રાવક વર્ણન છે!) અને પછી… વેલ વાંચો ને યાર મૂળ કથા!

૧૬ વરસ આયખાનો પા ભાગ આપેલો આ કથા સર્જવામાં હ્યુગોએ! ૧૮૪૫માં પોતે એક વેશ્યાને ટોળાથી બચાવી એ પ્રસંગ અને રિયલ લાઈફમાં ક્રિમિનલમાંથી બિઝનેસમેન બનેલા ફ્રેન્ચમેન યુજીન વિડોકના જીવનમાંથી બીજ લઈ એણે આ લખવાની શરૃઆત કરેલી. અને ૧૮૬૨માં આજથી ૧૫૦ વર્ષ પહેલા એની બહાર પડતાવેંત પહેલા જ ધડાકે ૪૮,૦૦૦ કોપીઝ વેંચાઈ એવી એ બેસ્ટ સેલર બનેલી! આજે ભીડભર્યા મુંબઈમાં બાળ ઠાકરેની અંતિમયાત્રામાં લાખો માણસો આવે તો બધા દંગ રહી જાય છે, હ્યુગો ૧૯મી સદીના યુરોપમાં મર્યો ત્યારે ૩૦ લાખ લોકો આવેલા એક સર્જકને વિદાય દેવા!

અને હિન્દીમાં કુંદન (સોહરાબ મોદી) તથા દેવતા (સંજીવકુમાર, ડેની) જેવા અધકચરા પ્રયાસો ( રીડરબિરાદર હકીમ રંગવાલાનાં સૂચન મુજબ ‘ક્રોધી’ અને મેધા વૈષ્ણવ-અંતાણીના નિરીક્ષણ મુજબ ‘હમ’ને પણ જરૂર આ ળા મિઝરાબ પ્રેરિત કૃતિની પંગતમાં રાખી શકાય !) બાદ અને પશ્ચિમનાં સુપરહિટ ઓપેરા બાદ અંતે ૧૫૦૦ પાનાની આ લાંબી છતાં એકી બેઠકે વંચાય તેવી કથાને પરફેકટ કાસ્ટિંગ (હ્યુ જેકમેન, રસેલ ક્રો, એન હાથવે) સાથે ઢાળીને મૂળ કૃતિને બરાબર વફાદાર ફિલ્મ બનાવાઈ, એ  ભારત આવી છે.

ત્યારે લા મિઝરાબ છપાયાના પછી જન્મેલા, અને એના, આદર્શને આચરણમાં ઉતારી એનું ગુજરાતી અવતરણ શક્ય કરાવનાર એક માનવમાંથી મહાત્મા બનેલા પ્રવાસીની યાદમાં માણસ બનવાની કળા શીખીશું આપણા આસ્વાદના અંતિમ ભાગમાં!

ઝિંગ થિંગ

જીવનનું સર્વોત્તમ સુખ છે, આપણને કોઈ બહુ ચાહે છે એનો અહેસાસ! (લા મિઝરાબ)

દુઃખિયારાં : વીજળીના ચમકારે મોતીડાં પરોવતી અંતરાત્માની અદાલત!

les_miserables

ઓગણીસ વરસો દરમિયાન જિન-વાલજિન કેવી કેવી શારીરિક યાતનાઓમાંથી પસાર થયો હશે તેનું વર્ણન કરીને કરુણ રસ જમાવવો એ બહુ મહત્વની વાત નથી. પરંતુ એક ભોળો દુનિયાદારીથી અજાણ્યો, કુટુંબવત્સલ જુવાનિયો આ વરસો દરમિયાન દિલનાં કેવાં કેવાં તોફાનમાંથી પસાર થયો હશે. અને આ તોફાનોના સપાટા ખાઈ ખાઈને કેવી રીતે આ જડદશાને પામ્યો હશે તે જાણવાનું વધારે ઉપયોગી થઈ પડશે.

સમાજ એક બાજુથી પોતાનાં ગરીબ બાળકો તરફ અસહ્ય બેદરકારી બતાવે છે અને એ બેદરકારીને પરિણામે થતા ગુનાઓ ઉપર નિર્દયપણે કાળજી બતાવે છે. સમાજને રોટલો આપવા કરતાં સજા આપવામાં વધારે મજા આવે છે. અને આ બધું સહન કરવાનું ગરીબોને જ હોય છે. આ બધા વિચારો કરતો કરતો જિન-વાલજિન આ સમાજને જ ગુનેગાર ગણવા લાગ્યો. તે તેનો ન્યાયાધીશ બન્યો. તેણે સમાજને ભયંકરમાં ભયંકર શિક્ષા કરી – અને તે પોતાનાં દિલનાં ઊંડા ધિક્કારની, આ ધિક્કાર ઓગણીસ વરસ સુધી તેનાં દિલમાં પડયો પડયો ઊંડો ઊંડો ઉતરતો ગયો. તેને મન આનંદ, પ્રેમ, દયા, ઉલ્લાસ – એવા કોઈ ભાવો હયાતી જ ધરાવતા ન હતા. જગતમાં એક માત્ર ભાવ સર્વોપરી હતો. અને તે ધિક્કાર. ઓગણીસ વરસ સુધી પીઠ પર કોરડા, ગાળો, લોઢાની સાંકળો, કલાકોનાં કલાકો સુધી વહાણના નીચેના અંધારિયા ભંડકિયામાં યંત્રની જેમ હલેસાં મારવાની ક્રિયા. ટાઢ, તડકો, ભૂખ – આ બધાંએ તેના દિલમાં ખૂણે – ખાંચરે છુપાઈ રહેલી કોઈ કોમળ લાગણી હોય તો તેને પણ કચરી નાખી હતી.

મધદરિયે વહાણ ચાલ્યું જાય છે. એક માણસને તેમાંથી ઊચકીને દરિયામાં ફેંકી દેવામાં આવે છે. વહાણ પોતાને માર્ગે ચાલ્યું જ જાય છે – જાણે કે કંઈ બન્યું જ નથી. પાણીમાં પડતાંવેંત પહેલાં તો તે મુસાફર પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. પાછો ઘડીક બહાર દેખાય છે. પાછો ડૂબકી મારી જાય છે. વળી હાથનાં તરફડિયાં મારતો બહાર દેખાય છે. તે દૂર દૂર ચાલ્યા જતા વહાણ તરફ નજર નાખીને બૂમ મારે છે. વહાણ પવનથી ફૂલેલ સઢનાં જોરે વેગથી ચાલ્યું જાય છે. વહાણના ઉતારુઓ અને ખલાસીઓ દરિયામાં ઊછળતાં મોજાંઓની અંદર એક નાનકડું બેબાકળું મોઢું જુએ છે. ડૂબતો માણસ વહાણ તરફ એક છેલ્લી કરુણ દ્રષ્ટિ નાખી હૃદયફાટ ચીસ પાડે છે. વહાણ ચાલ્યું જાય છે – ક્ષિતિજનાં વળાંકમાં સરતું જાય છે. સઢનાં થાંભલાની ટોચ પણ હવે તો દેખાતી બંધ થાય છે. હજી તો થોડાક જ વખત પહેલાં આ જ મુસાફર વહાણ ઉપર બીજા બધા ઉતારૂઓની વચ્ચે તેમનામાંનો એક થઈને જીવતો હતો. પણ તેનો પગ લપસ્યો. કોઈએ તેને ધક્કો માર્યો. તે પડયો… બસ… ખલાસ! તેની નીચે અતાગ પાણી છે. ચારે બાજુથી ઉછળતાં મોજાની ભીંસ આવે છે. ને બકરાને જેમ અજગર ગળી જાય તેમ ગળી જાય છે. મૃત્યુ તેને પોતાની ગુફામાં ઊંડે ને ઊંડે ખેંચી જાય છે. મોજાં બિલાડી ઉંદરને રમાડે તેમ તેને ઘડીક ઉછાળે છે – પછાડે છે, ઘડીક દુર ફંગોળે છે. એમ લાગે છે જાણે દુનિયા આખીની નિર્દયતાએ અહીં પ્રવાહી રૂપ ધારણ કર્યું છે.

આમ છતાં પણ આ માણસ આ ઘોર કુદરત સાને પૂરા ઝનૂનથી ઝઝૂમે છે. તે પોતાનો બચાવ કરે છે. સમુદ્રની સપાટી પર ટકી રહેવાનો ભગીરથ પ્રયત્ન એ કરે છે. આવી મોટી પ્રચંડ વિનાશક શક્તિ સામે તે બાથ ભીડે છે. પણ આખરે તે થાકે છે – હારે છે. પોતાની ઝાંખી પડતી જતી આંખોથી છેલ્લી વાર ક્ષિતિજ તરફ અદ્રશ્ય થતા વહાણને તે જુએ છે : ઊંચે જુએ છે, આસપાસ જુએ છે.ઉપર આભ અને નીચે પાણી દેખાય છે. પણ તે બંને જાણે એક બનીને તેને પોતાનાં કબ્રસ્તાનમાં ઉપાડી જાય છે. ધીરે ધીરે આ માનવી પણ પોતાની જાતને આ સમુદ્રનું જ એક મોજું ગણવા લાગે છે. દરિયાનું ગાંડપણ તે ગાંડણપણ જ બની જાય છે. રાત પડે છે. કલાકોનાં કલાકો સુધી તરફડિયાં મારીને તેનું બળ ખલાસ થઈ ગયું છે. આખી સૃષ્ટિમાં તેની ધા ( મદદ માટે ચીસ)  ને હોંકારો દેનાર કોઈ નથી. છેલ્લો મરણિયો પ્રયત્ન કરીને તે બૂમ મારે છે : ‘કોઈ બચાવો!’ કોઈ કાળા માથાનો માનવી છે નહિ. તે ઈશ્વરને બૂમ મારે છે. તે કયાં છે? કોઈ જવાબ આપતું નથી. સૃષ્ટિ મૌન છે. આકાશ હોઠ બીડીને બેઠેલું છે. અંધકાર, તોફાન, નિશ્ચિતન છતાં ભયંકર ઊછળતાં પાણી, હિમ જેવો જોરથી ફૂંકાતો પવન- આ બધાંની વચ્ચે તેનાં અંગો ખોટાં પડી જાય છે. શરીરનાં બધાં અંગો તેનાં પ્રાણને કામ કરવાની ના પાડે છે. પુરુષાર્થ હારે છે. પ્રાણ પોતાનાં દેહને હવે સમુદ્રને સોંપી દે છે – જેમ હારેલો રાજા પોતાનાં શત્રુને તરવાર સોંપી દે તેમ. અને આ રીતે એક જીવનનો છેલ્લો કરુણ અંક પૂરો થાય છે.

અને સમાજ તો પ્રગતિને પંથે છે! આવા કેટલાક નિર્દોષ જીવોનાં મૃત્યુ એ જાણે કે આ પ્રગતિના માર્ગનાં માર્ગસૂચક સ્તંભો છે. સમાજનાં કાયદા અને નીતિ જેટલા જેટલાને આવી રીતે મધદરિયે સમુદ્રમાં ધકેલી દે છે તે બધાય તેના પેટાળમાં સમાઈ જાય છે. અને મડદાં થઈને સપાટી પર તર્યા કરે છે. આ મડદાંમાં કોણ પ્રાણ પૂરશે?

* * *

”સબાર ઉપર મનુષ આછે, તાહર ઉપર કછુ નાઈ!”

ભક્ત કવિ ચંડીદાસની આ પંક્તિઓ ઉમાશંકર જોશીએ વિકટર હ્યુગોની લે મિઝરેબ્લ (સાચો ઉચ્ચાર : લા મિઝરાબ) પરથી મૂળશંકર મો. ભટ્ટે અનુવાદિત કરેલી અમર કૃતિ ‘દુઃખિયારાં”ની પ્રસ્તાવનામાં લખી હતી. માણસની આત્મસન્માનનું ગૌરવ અને એની માણસાઈનું મહિમાગાન કરીને કવિ એને સૌથી ઉપર મૂકે છે!

આરંભે વાંચેલા ‘દુઃખિયારા’ના વધુ એક અંશના વર્ણનમાં હાલકડોલક થતી નાવડી એ અંતરાત્મા અને દરિયો એટલે સંજોગોથી સર્જાતા દૂષણો! લોકો હાલતા ને ચાલતા પોતાના મનસ્વી અને બેહૂદા અભિપ્રાયોથી, ટીકાબાણોથી, વાયડા અને વેવલા વિરોધથી કોઈ બહારથી નક્કર, પણ અંદરથી નરમ એવા માણસની લાગણીઓ તોડતા રહે છે. છાતી પરનું બટન તૂટે એ તો દેખાય છે, પણ અંદર ભીના હૃદયમાં જે સંવેદનાઓ તૂટે છે, ત્યારે બહાર કોઈ અવાજ નથી થતો, પણ અંદર એના પડઘા દિમાગને ખોખલું કરી નાખે છે. અભાવ, આક્રોશ અને અવસાદ (ડિપ્રેશન)ની જલતી જવાલાઓ એવા લાગણીભીના ઈન્સાનના હૃદયની કોર બાળીને એને કાળી અને કડક બનાવી દે છે. રોમાન્સને બદલે મળતું રિજેકશન એની આંખોનાં ખૂણે ભરાતા લોહીમાંથી લાલ અંધકારમાં એને તપાવે છે. એની મદદની મૌન ચીસ કોઈ સાંભળતું નથી.નફરતની નેગેટિવિટી એને સિનિકલ કે ક્રિમિનલ બનાવી દે છે.

અને એની વચ્ચે કોઈ એકાદ સહારો જો એના આતમરામને જગાડી જાય, એની અંદર બૂઝાઈ ગયેલી રોશની એને મળેલા વ્હાલા અને વિશ્વાસનાં એક તણખે ફરી પ્રગટી જાય, તો તળિયે ડૂબેલું એ વ્યક્તિત્વ શિખરની ટોચ સુધી પહોંચી શકે છે. વાત છે ગીચોગીચ સ્વાર્થ વચ્ચે દબાઈ – ચેપાઈ જતી માસૂમિયતને બચાવીને જાળવી રાખવાની! વાત છે ઉપરથી સૂક્કા પથ્થરો વચ્ચેથી આશા, પ્રેમ અને માનવતાની સરવાણી સૂકાવા ન દેવાની! નિયતિના વળાંકોના વાવાઝોડાંમાં ફંગોળાઈને પણ પાંદડા ઉખડે, તો ય મૂળિયા પકડી રાખવાની ! અને આ કંઈ મોટા મોટા ઉપદેશો અને શાસ્ત્રોની પત્તર ફાડયા કરવાથી થતું નથી. અંદરથી ધક્કો લાગે તો જેસલ ચોરટો જગનો પીર થઈ શકે છે. પોતાનો અવાજ કાન દઈને સાંભળે તો વાલિયો લૂંટારો વાલ્મીકિ બની શકે છે. દુઃખિયારાં (લા મિઝરાબ)ની પહોળા પને પથરાયેલી આખી મહાગાથાનો સાર સાવ ટૂંકો ને ટચ છે :

”જગતની સૌથી મોટી અદાલત અંતરાત્માની અદાલત છે!”

યસ, જો એના ન્યાયને માન આપતા શીખીશું તો આ બ્યુટીફુલ વન્ડરફુલ દુનિયા જીવવા જેવી રહેશે. નહિં તો કેટલા સીસીટીવી મૂકીશું? કેટલી દીવાલો ચણીશું? કેટલી ઉલટ તપાસ કરીશું? આ જૂઠ અને દંભતી ખદબદતી દુનિયામાં, પોતાની ભૂલ સ્વીકાર કરવામાં ય અભિમાનથી અક્કડ થઈ પલાયન થઈ જતા જગતમાં, લાપરવાહી અને લુચ્ચાઈ, બેવકૂફી અને બદમાશીથી ઉભરાતા સંસારમાં, વાહવાહીના વમળો અને ફાયદાઓના ફંદાઓમાં ગૂંચવાતા વિશ્વમાં – સચ્ચાઈ અને ભલાઈ, ઓનેસ્ટી એન્ડ હ્યુમનિટી કેમ ટકશે?

‘લા મિઝરાબ’ના જ્યાં… વાલજ્યાં (જીન-વાલજીન)ને આમ જુઓ તો સતત સંઘર્ષ સિવાય કશું સાંપડતું નથી. જુવાનીમાં નાનકડાં ભાણેજોની ભૂખ ભાંગવા ભોળા ભાવે બ્રેડ ચોરવા જતાં કેદ મળે છે, એ જેલ પૂરી થાય છે પણ સજા પૂરી નથી થતી. લોકો તો જૂના લેબલ મારીને જ બધી બાબતોનો ન્યાય તોળ્યા કરે છે. નજરોથી અને કટાક્ષોથી વીંધ્યા કરે છે. પણ એ પીડા વચ્ચે એને સંત પાસેથી જે પ્રેમનો પ્રકાશ મળે છે, એમાંથી ‘વર્સ્ટ’માંથી એ ‘બેસ્ટ’ બને છે. આ કથા માનવ ચેતનાના પ્રવાસનો ઈતિહાસ છે. માણસ મક્કમ બનીને પોઝિટિવ રહે તો પોતાની જાત જ નહિ, બીજા કેટલાઓનું ભાગ્ય પલટાવીને એને મદદ કરી શકે, એની આ દાસ્તાન છે!

જ્યાં-વાલજ્યાં નામનો ખૂંખાર ક્રોધી ગુનેગાર એક અંતિમ છે, તો મેયર મેડેલીન એક જ માણસમાં છુપાયેલી સામા છેડાની શક્યતાઓનું બીજુ અંતિમ છે. હ્યુગોએ સતત કથામાં સમજ વગરનાં સમાજથી દુભાતી નિર્દોષ વ્યક્તિઓની વ્યથા પર ફોકસ કર્યું છે. ચૂપચાપ પોતાની બાળકીને મજૂરી કરી ભણાવવા માંગતી ફેન્ટાઈનને ચરિત્રહીન ગણી એના પાપ ઉઘાડા કરવાના ઉત્સાહમાં સમાજ એને, અને ઓલમોસ્ટ એની દીકરી કોઝેટને પરંપરાનો જડ ન્યાયાધીશ બનીને ખતમ કરે છે. કાનૂનની નજરમાં છટકી શકે તેમ હોવા છતાં ઈશ્વરની નજરને માન આપી જયોં-વાલ્જયોં મેયર મેડેલીન નામના નવા રૂપમાં મેળવેલી બધી પ્રતિષ્ઠા અને પૈસો દાવ પર લગાવીને પણ ફરી હાજર થાય છે, અને અજાણતા જ પોતાનાથી થયેલ ભૂલના વળતર રૃપે એ મહાસ્વાર્થી થેનાર્ડિયર દંપતિ પાસેથી કોઈ સંબંધ વિના બાળકી કોઝેટને મુકત કરાવે છે.

… અને એ નાનકડી દીકરી જ્યાં – વાલજ્યાંને એ વર્ષો આપે છે, જે એને જીંદગીમાં દાયકાઓ સુધી નહોતું મળ્યું – એક એવી તક કે જયાં એ એનો પ્રેમ વરસાવી શકે, એની અંદરની લાગણીઓ વહાવી શકે – પણ નિયતિ એની કસોટી મુક્તી નથી. પ્રાણપ્રિય પાલકપુત્રીના પ્રેમથી ખફા થવાને બદલે એ એમાં ય ભાવિ જમાઈનો મદદગાર થવા માંગે છે, અને પોતાની છાયા એ પ્રેમીઓ પર ન પડે એટલે એની ગલી સુધી આવી કેટલીયે વાર અંદર અંદર સોસવાતો એ ઘરડો બાપ એકલો ચૂપચાપ પાછો જતો રહે છે, પણ પોતે બળીને બીજાને નવજીવન આપવાનું ચૂકતો નથી! કાયમી શૂળ જેવા ઈન્સ્પેકટર જેવર્ટ માટે એ ચોર જ છે, પણ એ એનો ય જીવ બચાવે છે. કારણ કે, સ્વબચાવ સિવાય એ આક્રમણ તાકાત હોવા છતાં કરતો નથી! ધક્કાના બદલામાં ધક્કો દેવાની ચેઈન એને તોડવી છે.

વો બૂરાઈ કરે, હમ ભલાઈ કરે, ના બદલે કી હો કામના… નેકી પર ચલે, બદી સે ટલે, તાકિ હંસતે હુએ નીકલે દમ!

* * *

દુઃખિયારાં એવું પુસ્તક તો છે જ જેમાં ‘વ્હોટ નેકસ્ટ’નો ધસમસતો ઘટનાપ્રવાહ અને એકેએક પાત્રાલેખનથી ઉભી થતી મ્યુઝિકલ સિમ્ફની ધીરે ધીરે ચલતીનો વેગ પકડીને બાંધી રાખે પણ એવું પુસ્તકે ય છે જેમાં બધા પેરેલલ ચાલતા ટ્રેકસ ભેગા થઈને એક મહાન રાજમાર્ગ તૈયાર કરી આપે મૂલ્યોની કેળવણી – વેલ્યુ એજયુકેશનનો! એ બતાવે છે કે લોખંડની સાંકળો તોડવી સહેલી છે, પણ મનમાં જામી ગયેલા પૂર્વગ્રહો – બાયસની જંઝીરો તોડવી અઘરી છે!

ફ્રેન્ચ ગર્ભની આ ગુજરાતી કોખમાં પ્રસૂતિ એવી રીતે થઈ છે કે વાંચતા વાંચતા આપણું હૃદય ચકનાચૂર થઈને ભાંગી જાય, પણ ફરી એ વધુ મજબૂત બનીને જોડાઈ જાય! આ પુસ્તક પુરું કર્યા બાદ વધુ સારા વાચક જ નહિ, વધુ સારા માણસ બની શકાય તેમ છે. કાચાપોચા દિલવાળા માટે તો આમે ય આ નથી, એમાં એટલા પાત્રોને સ્પષ્ટ બેકગ્રાઉન્ડ આપી સજીવન કરાયા છે, અને એટલા જ વળાંકો અને ઢોળાવવાળા દ્રશ્યો રચાયા છે કે જાણે ભવ્ય ગાઢ જંગલોવાળી ગિરિકંદરાઓ!

અંગ્રેજી લા મિઝરાબ ખૂબ મેદસ્વી છે. એની સુંદર લેટેસ્ટ ફિલ્મ ડાયલોગ્સ વિના ફકત ગીતોની જ હોઈને મૂળ અર્થમાં પચાવતી અમુક દ્રશ્યો બાદ કરતાં અઘરી છે. પણ સ્વામી આનંદ જેવા ય જેની ઉપનિષદોની જેમ પારાયણ કરવાનું લખી ગયા છે, એ ગુજરાતી ‘દુખિયારા’માં કથાનું હાર્દ બરાબર ઉપસે છે. ( લા મિઝરાબના ‘પતિતપાવન’ નામના અને એક મહેશભાઈ દવેના ય અનુવાદો છે, પણ વધુ પડતા સંક્ષેપમાં અને ઓછા રસાળ છે – પરફેક્ટ હોય તો ફક્ત આ દુખિયારાં જ . વાંચવો હોય તો એ જ વાંચવો !)

મૂળભૂત રીતે અહીં જીંદગીની કલ્યાણની નહિ, આત્માના કલ્યાણની – પાપ સામે પ્રાયશ્ચિતભર્યા પ્રતિક્રમણ અને જાતે જ પોતાના શિક્ષક અને ચોકિયાત બનવાનો સંદેશ છે. આ આખી મહાગાથા અભાવ અને અધૂરપથી છલોછલ છે, જેમાં દરેકને કશું સંપૂર્ણ મળતું નથી. પણ એમનાં પ્રેમ ખાતરનું એમનું બલિદાન એમને હ્યુમનમાંથી હીરો બનાવે છે. દીકરી ખાતર ફેન્ટાઈન શરીર અને જીવ આપે છે, સિધ્ધાંત ખાતર જેવર્ટ, એકતરફી પ્રેમમાં મેરિયસ ખાતર ઈપોનાઈનની કુરબાની, ક્રાંતિ ખાતર ગાવરોશ, અને પ્રેમ-ક્ષમા ખાતર જયાઁ – વાલજયોંનું હૃદયપરિવર્તન!

અને એટલે જ હ્યુગો આ કથામાં નરી સારપની સાકરને બદલે વાસ્તવિક વિચારો રમતા મૂકે છે. ધર્મચુસ્ત સાધ્વી જડ ધર્મપરંપરાની ઉપરવટ જઈ, દેખીતી રીતે ભાગેડુ – પણ આમ જોઈએ તો બચવાને લાયક જ્યાં – વાલજ્યાંને બચાવવા જૂઠ બોલે છે, એ અસત્ય વધુ પવિત્ર ગણાય છે! વાર્તા દરમિયાન જ હ્યુગો કહે છે –“દુનિયામાં સિવિલ વોર કે ફોરેન વોર જેવા યુધ્ધો નથી, માત્ર ન્યાય માટેનું યુધ્ધ અને અન્યાય માટેનું યુધ્ધ હોય છે… ઉપર ઉડવાથી પડવાની શકયતાઓ ખતમ નથી થઈ હતી, વધતી જતી હોય છે! ગ્રહોની જેમ માણસોને પણ ગ્રહણ લાગતું હોય છે, પણ પ્રભાતની જેમ એમનો ય પુનરાવતાર શકય છે, અને એ ગ્રહણમાંથી મુકત થઈ ધારે તો ફરી ઝળહળી શકે છે… પ્રભુ જેને પ્રેમ અને પીડાની ભેંટ આપે છે, એ આત્મા જ સૃષ્ટિનું સત્ય પામી શકે છે… માણસના મનને પારખવું હોય તો એના સપનાઓ પર નજર નાખો… હાસ્ય એવો સૂર્યપ્રકાશ છે, જે ચહેરા પરના ઠંડાગાર શિયાળાને ઉડાડી શકે છે… આપણી આસપાસ બોલવાવાળી ઘણી જીભો છે, પણ વિચારવાવાળા માથાં બહુ થોડા છે… આવતીકાલ (આશા)ને નકારવાનો એક જ માર્ગ છે : મૃત્યુ!”

‘લા મિઝરાબ’ના રખડુ છોકરો ગાવરોશને પૂછાય છે : કયાંથી આવ્યો? એ કહે છે: શેરીમાંથી. કયાં જવાનો : શેરીમાં!

વેલ, ૧૮૬૨માં એકસાથે આઠ શહેરોમાં દસ ભાષામાં ‘લોન્ચ’ થયેલ આ બૂકની પ્રસ્તાવનામાં જ વિકટર હ્યુગોએ લખ્યું હતું કે : ”વિશ્વમાં જડ નિયમો અને પરંપરાને લીધે માણસ – માણસ વચ્ચે દુઃખથી ખદબદતા નરક સર્જાય છે, મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે. જયાં સુધી આજના ત્રણ મહાપ્રશ્નો ગરીબાઈને લીધે ગુનેગાર થતો માનવી, ભૂખ અને પ્રેમની તડપમાં દેહ વેંચવા ય મજબૂર થતી સ્ત્રી અને માનસિક તથા શારીરિક કેળવણી – ઉછેરના અભાવમાં ક્ષુદ્ર બની જતાં બાળકોના પ્રશ્નો ઉકેલાશે નહિ, જયાં સુધી અજ્ઞાન માણસનાં ઉજ્જવળ ભાવિને અંધકારમય કરી નાખે છે… ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી!”

યસ, નથી જ થઈને! બાળમજૂરી આજે ય કાલીઘેલી જીભોની ભોળી ભોળી આંખોમાંથી આનંદ અને આત્મીયતા છીનવી લે છે. અને ગરીબાઈ કે ભૂખ કે અજ્ઞાનના લીધે ‘દુખિયારાં’ ઓ વધતા જાય છે! એની વચ્ચે આ મિઝરેબલ્સ કેવી રીતે મહાન બને એની આ કહાની છે. અને એનો એક સંદેશ એકબીજાને પ્રેમ કરતા શુધ્ધ હૃદયનાં સ્વપ્નીલ યુવાન પ્રેમીઓના મિલન અને રક્ષણ માટે જીવ આપી દેવાના પુણ્યનો પણ છે! જડતા સામે ક્રાંતિનો ય છે, અને ફકત કાનૂનની કડકાઈને બદલે એના માનવીય અર્થઘટનનો પણ છે.

અને કોણે કહ્યું આ બધું ફકત કાલ્પનિક નવલકથામાં જ શકય છે? જરાક આ આખો લેખ ૩૦ જાન્યુઆરીએ જેમનો નિર્વાણદિન છે, એવા મહાત્મા મોહનદાસ ગાંધીના જીવનને નજરમાં રાખી ફરી વાંચો! આજ કોયડો ઉકેલવામાં તો આ જીવંત જીનવાલજીન સત્યના અને સદભાવના પ્રયોગો કરતા શહીદ થયા ને!

ઝિંગ થિંગ

બાળકો છરી સાથે રમતા હોય, એમ સ્ત્રીઓ પોતાના સૌંદર્ય સાથે રમે છે, અને ખુદને જ ઘાયલ કરે છે!‘ (લા મિઝરાબમાં વિકટર હ્યુગો)

les mis 2

 
44 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 20, 2013 in art & literature, inspiration, personal, philosophy

 
 
%d bloggers like this: