RSS

Category Archives: science

બ્રહ્મ અને બ્રહ્માંડ : ઘૂંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે !

‘ડિવાઇન લોજીક હ્યુમન લોજીકથી અલગ છે. એમાં એક વત્તા એક બે નથી એક છે, શૂન્ય છે, અનંત છે!’ (સ્વ. નાથાભાઈ જોશી)

મોઢેરા જેવા આપણા પ્રાચીન મંદિરોનાં કુંડની ડિઝાઈનમાં પિરામીડ જેવું રહસ્ય હશે એક્બીજાના અનંત મિરર યુનિવર્સની જ્યોમેટ્રી સિમેટ્રી રચવાનું ?


“દુનિયાભરમાં એક હિન્દુ ધર્મ જ છે, જે એવું માને છે કે સ્વયં બ્રહ્માંડ પણ પ્રલય અને નિર્માણના અનંત ચક્રોમાંથી પસાર થાય છે. યાનિ કી, બ્રહ્માંડ જન્મે છે, મરે છે, ફરી જન્મે છે, ફરી મરે છે.  આવી સાઇકલ સનાતન ચાલ્યા જ કરે છે અને હિન્દુ ધર્મ જ એક અજોડ પુરાતન ધારા છે, જે માને છે કે બ્રહ્માંડ એક નથી, અનેક કે યુનિવર્સ નથી, મલ્ટીવર્સ છે.

એટલે કે પ્રાચીન હિંદુ પરંપરામાં અનેક ઇશ્વર છે. એક જ દેવ-દેવીના મલ્ટીપલ રૃપ છે (વિષ્ણુનો અવતાર રામ પણ હોય અને પરશુરામ પણ! અને બંને પાછા એકબીજાને મળે પણ ખરા! વળી પદ્મનાભ પણ હોય અને બાલાજી પણ!) બધાના પોતપોતાના બ્રહ્માંડ છે. જે એકબીજાને સમાંતર ચાલે છે. આ વાર્તાઓમાં વિજ્ઞાન છે.

મોટા ભાગના ધર્મોએ સૃષ્ટિની ઉત્પત્તિ અને અંતની કલ્પના કરી છે, પણ એમની નજર હજારો વર્ષોથી આગળ પાછળ જતી નથી. પણ મોડર્ન કોસ્મોલોજી, ખગોળવિજ્ઞાાનની ખણખોદ સાથે મેળ પડે એવો બ્રહ્માંડની ઉત્પત્તિને કરોડો અબજો વર્ષો થાય, એવો પ્રચંડ આંકડો હિન્દુ ધર્મએ વિચાર્યો છે.

જેને વિજ્ઞાાનીઓ ‘બિગ બેન્ગ’ યાને મહાવિસ્ફોટ કહે છે, બ્રહ્માંડના આરંભ કાળને નક્કી કરવાનો, એમાં પૃથ્વીની ઉત્પતિને  સાડા ચાર અબજ વર્ષ થયા હોવાનું માનવામાં આવે છે અને આગામી એટલા જ વર્ષોમાં સતત વિસ્તરતા જતા બ્રહ્માંડનો એક ક્ષણ પછી ‘બિગ ક્રન્ચ’ મહાસંકોચન થતા નાશ થશે એવા તારણો કઢાય છે.

હિન્દુ ધર્મમાં એવું (વિષ્ણુ પુરાણ મુજબ) કહેવાયું છે કે સૂર્યમાળાનું આયુષ્ય આશરે ૮.૬૪ અબજ વર્ષ છે ( મતલબ બ્રહ્માના એક દિવસ પ્લસ રાત જેટલું જેમાંથી અડધી મજલ કપાઈ છે )! હિન્દુ ધર્મની સૌથી પ્રાચીન પ્રતિમા નટરાજ શિવની છે. (શિવની પૂજા ઊર્જા અને પ્રજનનના પ્રતીક, મેટર એન્ડ ડાર્ક મેટરના ફ્યુઝન જેવા લિંગ- યોનિના રૃપે થતી રહે છે !) જેમ એક હાથમાં ડમરૂ  છે જેના નાદથી સૃષ્ટિનું વિસર્જન કરી એને ભસ્મીભૂત કરે છે. ( રીડરબિરાદર, ડમરુનો આકાર વર્મ હોલ અને ટાઈમ સ્પેસની ગરણી જેવા બ્રહ્માંડ અને એની પ્રતિરચના – મિરર ઈમેજના સંગમની આધુનિક કલ્પનાને મળતો આવે છે !)  એક હાથ અભય મુદ્રામાં છે. નટરાજ નાચી રહ્યા છે, અર્થાત્ સૃષ્ટિમાં મૃત્યુ અને જીવન, પ્રલય અને નિર્માણનું નૃત્ય સતત હંમેશા ચાલુ જ રહે છે. અટકતું નથી!”

કૌંસની કોમેન્ટ તો આ લખવૈયાની છે, પણ બાકીનું કોણે લખ્યું છે આવું ? હિન્દુત્વવાદી સંસ્કૃતિ કાર્યકરે? એ બધા તો પારકી સંસ્કૃતિ બાબતે કે પ્રેમ- અશ્લીલતા સામે ઝેર ઓકવા સિવાય કશો સાચો અભ્યાસ કરે છે, ખરા? કોઈ મહાન ધર્મધુરંધરે ? એ બધા તો અહંકાર અને આશ્રમમાંથી ઉંચા આવે તો વિજ્ઞાાનને સમજે ને ? આ ક્વોટ તો એક વેસ્ટર્નરનું છે, ના, ઋષિકેશમાં ઝભ્ભો ચડાવી માળા પહેરતા ફિરંગી ટુરિસ્ટનું નહિ. પણ કાર્લ સેગાનનું !

કાર્લ સેગાન વિશ્વભરના સાયન્સ રિસર્ચર- રિપોર્ટમાં આજે મૃત્યુ પછી પણ આદરથી લેવાતું લીજન્ડરી નામ છે. દૂરદર્શનના સુવર્ણયુગમાં એમની સિરિયલ ‘કોસ્મોસ’ દર રવિવારે સવારે આવતી. જગતભરની જનરેશન્સને કોસ્મોસ અને બ્રહ્માંડના આધુનિક વૈજ્ઞાાનિક રહસ્યોનો પરિચય એમણે કરાવેલો.

સેગાનસાહેબે જેનો ઉલ્લેખ કર્યો છે તે ભારતીય કાળગણનાની રોમાંચક કહાણીઓ અને પ્રતીકો વિશેની વાત ફરી ફુરસદે માંડીશું. પણ એક ઝલક ઝીલીએ માઇક્રો સેકન્ડથી પણ નાની ‘ત્રૂટિ’ અને અબજોથી પણ ઘણા વધારે એવા ‘કલ્પ’ જેવા એકમમાં સમયને ભારતીય મહર્ષિ મનીષીઓએ માપ્યો હતો.

એવું કહેવાય છે કે, સતયુગથી કળિયુગ સુધીના ચાર યુગોની સાયકલ્સ સતત ચાલતી જ રહે છે જેમાં (હિન્દુ શાસ્ત્રો મુજબ) ઓલ્ટરનેટ રિયાલિટીના પેરેલલ યુનિવર્સ છે. મિરર કોસ્મોસ છે યાને આ લેખ લખાઈ રહ્યો છે અને પછી વંચાઈ રહ્યો છે, એ ઘટના પહેલીવાર બની નથી! છેલ્લી વારની પણ નથી! બીજે ક્યાંક પણ એ જ ક્ષણે લેખ લખાઈ રહ્યો હશે! એમાં વળી અનેક શક્યતામાંથી ઓલ્ટરનેટ રિયાલીટીએ જુદો ફાંટો લીધો હોય તો લેખ લખનારો લેખક જ નહિ બન્યો હોય અને છતાં એનું અસ્તિત્વ ત્યાં જુદી રીતે હશે ! નોલાનની ફિલ્મો જેવી ભેજાઘુમાઉ ચર્ચા પર હાલ પૂરતો પડદો પાડી દઈએ. ચાર અલગ અલગ વર્ષોનું માપ ધરાવતા સત્ય, દ્વાપર, ત્રેતા, કલિ યુગોનું ચક્ર એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષો પૃથ્વી પર માનવ જાતના. જેને એક મહાયુગ કહેવાય. આવા હજાર મહાયુગે એક કલ્પ થયો.

કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. કેવળ દિવસ, રાત્રિ નહિ, આવા બે કલ્પ એટલે બ્રહ્માના ૧ દિવસ- રાત (આપણા ૨૪ કલાકના એ.એમ. પી.એમ.ની જેમ) યાને કે ૮.૬૪ અબજ વર્ષ યાને કે બિગ બેન્ગથી બિગક્રન્ચ સુધીનાં ક્રમમાં પૃથ્વીના આયુષ્યના કુલ સમયનું સાયન્ટિફીક અનુમાન! પૃથ્વી કે સૂર્યના અસ્તિત્વનો તો સવાલ જ નથી, પણ એ જેનો હિસ્સો છે, એ સૂર્યમાળાનું કુલ આયુષ્ય એટલે બ્રહ્માનો એક દિન જ ફક્ત! અને બ્રહ્માંડનું આયુષ્ય અબજો વર્ષોમાં થાય તો એની સાથે મેળ બેસે એવા આંકડા હિંદુ ગ્રંથોમાં જ જોવા મળે એમ છે ! બધા પ્રાચીન આંકડા સાચા નથી પણ આમાં વિજ્ઞાન પણ અનુમાનની રમત રમે છે ને !

doorsઆઇન્સ્ટાઇનની ટાઇમ- સ્પેસની રિલેટિવિટી અને ઇવેન્ટ હોરાઇઝનની ઓલ્ટરનેટ રિયાલિટી સાથે સીધો સંબંધ ધરાવતી આ પુરાણકથા મુજબ આવા ૧૦૦ વર્ષનું આયુષ્ય બ્રહ્માનું છે અને આપણે જેને દુનિયા, જગત, સંસાર, સૃષ્ટિ કહીએ છીએ એ પણ વિષ્ણુની નાભિમાંથી નીકળી કમળમુખ પર બિરાજેલા બ્રહ્માનું સપનું છે. બ્રહ્માના સપનાના આપણે બધા બેહદ અત્યંત નાનકડા પાત્રો છીએ. બ્રહ્મા પોતાના ૧૦૦ વર્ષ અને માનવની ગણનાના અબજો વર્ષ પછી મહાપ્રલયમાં બધો સંકેતો કરશે, અને ફરી સપનું જોઈને પુન : શ્ચ હરિ ઓમ કરી, નવું નિર્માણ કરશે ! આનો કોઈ આદિ નથી, અંત નથી. એ જ સ્યંભૂ શિવત્વ! નો બિગિનિંગ, નો એન્ડ!

એટલે જ નટરાજ જેના પર પગ મૂકીને નાચે છે, સર્જન અને વિસર્જનના રૃપક ઉર્ફે મેટાફોર તરીકે, એ અપસ્માર પુરુષ છે. યાને ‘અજ્ઞાાન’નું પ્રતીક. પણ અજ્ઞાનને આસુરી ગણી એનો નાશ કરવામાં આવતો નથી, એને બસ ‘બ્રહ્મજ્ઞાન’ નીચે દબાવીને રાખવામાં આવે છે.

જો અજ્ઞાાનનો નાશ થાય, તો દરેક માનવી ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે’ વાળા આત્મજ્ઞાાનને પ્રાપ્ત થઈ જાય ! ને તો આ માયાની મજા જેવું કશું રહે જ નહિ ! જે ફિલ્મનું સોશ્યલ ઇફેક્ટસ સહિતનું આખું શુટિંગ તમે જોયું હોય, એ ફિલ્મમાં પ્રેક્ષક તરીકે બેસીને તમે હસી, રડી કે આશ્ચર્યચક્તિ થઈને ઇન્વોલ્વ ન થઈ શકો! કારણ કે, પછી તમે એમાં મુગ્ધતાથી ખોવાઈ શકતા નથી. સાક્ષીભાવે પડદા પર કનેક્ટ થયા વિના જ જોઈ શકો છો!

એમાં બહુ આનંદ કે થ્રિલ- રોમાંચ રહેતો નથી. પણ- આ માયા તો અસ્તિત્વ કે ચૈતન્યની વિડિયો ગેઇમ છે, અને એને કદાચ મંજૂર નથી કે બધાને એમાં સોફ્ટવેર ડિકોડ કરવા મળે ! તો પછી એમાં કોઈ પ્લેયર જ રહે નહીં ને સૃષ્ટિ જ થંભી જાય ! એટલે આરબીઆઇ નોટોનું છાપકામ ગુપ્ત અને નિયંત્રિત રાખે છે, એમ જ અદ્રશ્ય નિયંતા આ ‘કેવળ જ્ઞાાન’ની પ્રાપ્તિના અધિકારો લિમિટેડ રાખી, બહુ ઓછાને એના સોર્સ કોડ સુધી પહોંચવા દે છે !

અને જેમ મોબાઇલમાં ટપકતો ફોટો અનેક રંગબેરંગી દાણાદાર ટપકાં (પિકસેલ્સ)થી રચાય છે.  એને ‘રિએરેન્જ’ કરવાના કમાન્ડ મુજબ હેન્ડસેટ અને સ્ક્રીન એનો એ જ રહે, પણ જે ક્લિક કે ડાઉનલોડ કરો એ ડિફરન્ટ પિક્સ એમાં જ રચાઈને (ફિઝિકલી પ્રિન્ટ કરાવી મોકલ્યા ન હોય, તો ય સ્ક્રીન પર) દેખાતા રહે, એમ આપણી આસપાસ દેખાતા જગતના પિક્સેલરૃપી પરમાણુઓનો સોર્સ કમાન્ડ જેના હાથમાં આવે એ એને બદલાવી ન શકે ? અને આવું થાય એ જાદૂ કે ચમત્કાર ન લાગે ? એપ્લાઇડ સાયન્સ હોવા છતાં ! ( લાઇવ ફોટોગ્રાફી એ ન સમજતાં ભૂલકાં માટે તો એક મેજીક જ છે ને !)

એવી જ રીતે ઝીરો- વનના ‘ડિજીટલ’ (ડિજીટ એટલે આંકડા) પ્રોગ્રામથી કેશલેશ ઇકોનોમીનું ટ્રાન્ઝેક્શન થાય છે. નેટબેન્કિંગમાં પાસવર્ડ નાખી યોગ્ય પ્રોસેસ કરો એટલે ‘આરટીજીએસ’ ઉર્ફે ઓનલાઇન વાયર ટ્રાન્સમિશનથી નોટ ખિસ્સામાં રાખ્યા વિના જ એકાઉન્ટમાંથી મની ટ્રાન્સફર થઈ જાય છે પણ યુઝરનેમ, પાસવર્ડ, સિક્યોરિટી કોડ માટે રજીસ્ટર્ડ લોગઇન જોઈએ.

તો આમ એકે એક માણસ, જીવજંતુ, વૃક્ષ, મકાન, નદી, પહાડ, રણ બધું જ મરે છે, નવું રૃપ બદલે છે પણ બધાં એકસાથે ખતમ નથી થતા, એટલે સચરાચર (હોલ એન્વાયર્નમેન્ટ) સદાકાળ જીવંત લાગે છે – એવી આ સૃષ્ટિમાં અમુક લોક ખોલીને ટ્રાન્ઝેક્શન કરવા માટે લોગ ઈન પાસવર્ડ હોય તો? અને એ ટાઈપિંગને બદલે સાઉન્ડ વેવ્ઝમાં (અમુક સિક્યુરિટી એજન્સી સહીને બદલે ફિંગરપ્રિન્ટ કે ફોટાને બદલે આંખના રેટીના સ્કેન નથી કરતી?) કોડેડ હોય – તો એને મંત્ર ન કહેવાય? જૂનવાણી અંધશ્રદ્ધાને બદલે જરાક કૂતુહલનો એંગલ રાખીએ તો!

તો સમજાય કે, એક વખત ઓશો રજનીશે એવું શા માટે કહેલું કે – ‘ઉપવાસ રાખવાથી ધ્યાન લાગે’ એ સાવ અવળો દાખલો છે, એટલે આટલા બધા ઉપવાસ છતાં ભારતમાં ધ્યાન તો શું, ધન-ધાન્યના પણ ફાંફા છે. મહાપંડિતો પણ સમજ્યા વિના પોપટપાઠ કર્યા કરે છે. બાકી, વાસ્તવમાં જો બેહોશીમાંથી આત્મતત્વની જાગૃતિ આવી જાય, તો ઉપવાસ આપોઆપ થઈ જાય!’ લગ્નમાં દાંડિયારાસ લેવામાં ડિનર આપમેળે ભૂલાઈ જાય છે, મનને ભૂખ લાગવાનો અહેસાસ જ ન થાય એમ એ બીજે પરોવાઈ ગયું છે એટલે!

પૂર્વના પ્રાચીન ચિકિત્સાશાસ્ત્રો એટલે જ માઈન્ડ-બોડી-બેલેન્સની વાતો ભારપૂર્વક કરે છે. ઈન્ડિયન-ચાઈનીઝ મેડિસીનમાં ખાસ. વાત-પિત્ત-કફના ત્રિદોષથી રોગ થાય, એવું આયુર્વેદ કહે, એમાં અધ્યાત્મ દર્શન છે. સત્વ-રજસ-તમસના સંતુલનથી ચિત્ત શુદ્ધ થાય, એવું તો ગીતામાં કૃષ્ણે અર્જુનને કહ્યું છે. શરીરમાં કાલ્પનિક ચક્રો છે. મોસ્ટ ઈન્પોર્ટન્ટ મગજમાં, છાતીમાં, મૂલાધાર અને દેહના મધ્યબિંદુઓ જનનેન્દ્રિયમાં આવેલા છે. જેને રિસેટ કરો તો કોમ્પ્યુટરની જેમ સીસ્ટમ ફોર્મેટ થઈ જાય, વાઈરસ નીકળી જાય!

તાત્વિક રીતે જેમ જેમ આત્માનું પ્રાણતત્વ મજબૂત થાય એમ, શરીર એની ઊર્જાને લીધે નિર્મળ રહે. જો કે, પ્રેક્ટિકલી ઘણા સિદ્ધ ગણાતા સેવાભાવી મહાત્માઓ પણ રોગનો ભોગ બની, હોસ્પિટલમાં સર્જરી કરાવી વિદાય થાય છે. એનો વળી ખુલાસો એવો ય અપાય છે કે આત્મા તેજસ્વી થાય એમ દેહથી આગળ ગતિ કરે અને શરીરને ઘસારો કે પીડા છે, આત્માને અને આત્માની પ્રેરણાથી શરીર પાસે જે ક્રિયાઓ કરાવે છે, એ એનર્જી ઉર્ફે ‘પ્રાણ’ને એ કશું લાગુ પડતું નથી. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિં પાવક : !

અને એ આત્મા અનેક ગતિમાં ભટકે છે કે સદગતિ પામે છે, એ વિવાદાસ્પદ વિષયને ય જૂની પાંચસોની નોટની જેમ આઘો રાખીએ. પણ આત્મા છે કે નહિ એ ચર્ચા યા કાળા નાણાની ગણત્રી જેવી ગૂઢ અને અનંત છે. હમણાં લંડનમાં એક એક્સપેરિમેન્ટમાં નીઅર ડેથ એક્સપિરિયન્સથી વળી આત્માની સાબિતી આપવામાં આવી. સીધી વાત છે. ઈલેક્ટ્રિકના તારમાં વીજળી વહેતી હોય ત્યારે (ઈન્સ્યુલેશન વિના) અડો, અને ન વહેતી હોય ત્યારે અડો. બહારથી તાર સરખો દેખાશે. પણ ફરક ઝાટકાનો હશે. યાને અનુભૂતિનો.

એટલે જ ભારતીય દર્શન (વેદ, વેદાંત, સાંખ્ય, પુરાણ વગેરે)માં પરમાત્માના સાકાર સગુણ સ્વરૃપ (મંદિર, મૂર્તિ વગેરે)ને ‘લીલા’ (યાને ઈલ્યુઝન) કહીને અંતે અદૈતની ચર્ચા કરી ઈશ્વરને નામ, જાતિ, દેખાવ, રંગ, રૃપ જેવું દુન્યવી સ્વરૃપ આપવાને બદલે ‘અવ્યક્ત’ કહેવાય છે. પશ્ચિમનું વિજ્ઞાાન આત્મા અને શરીર જુદા કેમ છે? ચિત્ત એ બ્રેઈનના ન્યુરોન્સ નથી? એવા બેઝિક સવાલો પૂછે ત્યારે કન્ફ્યુઝન ટાળવા સિવાય સોલ્યુશન અપાયું  :  તત્ ત્વમ અસિ.

the_doorsછાંદોગ્ય ઉપનિષદનું આ તત્વમસિ એ ધ્રુવવાક્ય/કી-પોઈન્ટ છે. તું એ જ છો. બધું બહારથી અલગ લાગે છે, બાકી ઈન્ટરકનેક્ટેડ છે. એક જ દૂધમાંથી પનીર, રસગુલ્લા, શિખંડ, ચીઝ, બરફી, કલાકંદ, પેંડા, મિલ્ક ચોકલેટ, કોફી, ચા, ખીર, દૂધપાક, બાસુંદી, રબડી, માવો, દહીં, છાશ, મલાઈ બને એવું કંઈક! આકાર-પ્રકાર-સ્વાદ અલગ પણ મૂળ ઈન્ગ્રેડિયન્ટસ એક!

પણ આ જ્ઞાાન આપમેળે ભાગ્યે જ મળે, અને કોઈ માસ્ટર શીખવાડે તો ય અંદરની લાયકાત જોઈએ. મેથ્સનો દાખલો બોર્ડ પર ગણાતો બધા વિદ્યાર્થી નિહાળે છે. પણ જેને અંદરથી એના સમીકરણ ‘આત્મસાત’ થઈ બેસી જાય છે, એ જ એમાં આગળ વધી શકે છે. આત્મસાત, યુ નો ? ‘ઇનર’ ટેલન્ટ !

શંકરાચાર્યે વેદ-ઉપનિષદના સારાંશ જેવો ‘વિવેક ચૂડામણિ’ ગ્રંથ લખ્યો એમાં સ્પષ્ટ લખ્યું છે કે, શબ્દજાલં મહારણ્યં ચિત્તભ્રમણકારકમ્! શબ્દજાળ તો ચિત્તને ભટકાવનારું જંગલ છે! એમણે તો યોગ, સાંખ્ય, કર્મ, વિદ્યા બધાને ઝાટકીને કહ્યું છે કે પરમબ્રહ્મ (અવ્યક્ત અસ્તિત્વ) અને આત્મા (એની ચેતનાનો આપણામાં રહેલો અંશ) એ બે વચ્ચે નેટવર્ક કનેક્શનથી ફોરજી સિગ્નલમાં ડેટા ટ્રાન્સફર થાય નહિ ત્યાં સુધી કેવળ મોટી પંડિતાઈની ફિલસૂફીથી અબૂધોને આંજી દેવાથી કશું થાય નહિ! સેઈમ નરસિંહે કહ્યું જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી! માવઠાંની જેમ વૃષ્ટિ (વર્ષા) જૂઠી!

મૃત્યુના દેવ યમે જીજ્ઞાાસુ નચિકેતાને કહ્યું એવા ‘કઠોપનિષદ’માં શબ્દ છે  :  આવૃત્તચક્ષુ:  સમજૂતી એવી છે કે ઈન્દ્રિયો ‘એકસ્ટ્રોવર્ટ’ બર્હિમુખ છે. એટલે માણસ ઈન્ટ્રોસ્પેક્શન કરી ભીતર જોતો નથી. પોતાની આંખો બહારને બદલે અંદર વાળે, એ આવૃતચક્ષુ.

ઈશાવાસ્યમ્ ઉપનિષદમાં ‘અસૂર્યા નામ તે લોકા, અન્ધેન તમસાવૃત્તા :’ની વાત છે. એવું નથી કે મિસ્ટિકમાં બધું વ્હાઈટ છે. ગુડ છે. એમાં ડાર્ક સાઈડ પણ છે. સૂર્ય વિનાની જગ્યા. અસૂર્યલોક. મતલબ જ્ઞાાન, અનુભૂતિ, સાચી દ્રષ્ટિના પ્રકાશ વિનાની ખલનાયકોની દુનિયા! જ્યાં કેવળ બેઝિક ઈન્સ્ટિંક્ટ છે.

પશુ અને માનવીના ઘણા તફાવતોની વાત થઈ, પણ એક સંસ્કૃત શ્લોક સુપરહીરોને સ્પષ્ટ રીતે ડિફાઈન કરે છે  :  જ્ઞાાનાય, દાનાય ચ રક્ષણાય. બધા પશુ પોતાના પૂરતું ખાય, પીવે, જીવે, રમે. પરંતુ, માનવનું લક્ષણ એ કે એ બીજાને જ્ઞાાન આપે, બીજાને દાન આપે, બીજાનું રક્ષણ કરે. પોતાના સેલ્ફથી ઉપર ઉઠીને વિચારે.

સૂફીઓએ એટલે જ કહ્યું  :  રિદાય લાલા-ઓ ગુલ, પર્દ એ મહો અંજુમ, જહાં જહાં વો છિપે હૈ, અજીબ આલમ હૈ! લાલ ગુલાબની ચાદર પાછળ કે ચાંદતારાના પડદા પાછળ, જ્યાં જ્યાં એ છૂપાયેલા છે, ત્યાં બસ કમાલ કરે છે! અને એને ઓળખવા માટે? ‘નિગાહેં ઈશ્ક’ તો બેપર્દા દેખતી હૈ ઉસે!

પ્રેમ એ જ આરાધના. બીજાનું સુખ પોતાનું સુખ બની જાય એટલી હદે સ્વને ઓગાળી નાખવા જેટલું સમર્પણ/ભક્તિ થાય તો દિવ્યચક્ષુને વિરાટદર્શન થઈ શકે! તો મોરને નચાવતા, ફૂલને ખીલવતા, રોટલીનું લોહી બનાવતા, શ્વાસોને અટકાવતા કેન્સરને જન્માવતા અજ્ઞાાતની ઓળખ થાય! બ્રહ્મતત્વને ઉપલબ્ધ થવાનું નથી. બ્રહ્મ આપણે જ છીએ, એ અનુભવ કરવા માટે આવરણ હટાવવાના છે, અહંકાર, મોહ અને ભયના! એક વાર વાવેલું બી જો ભીનું થઈને તૂટે, તો એમાંથી અનેક બી ધરાવતા ફળનો છોડ પ્રકાશનું પોષણ મેળવીને ખીલે! અને એમાંથી ખરેલ એક બી ફરી રોપાય, અને ફરી એમાંથી…..

***

doors_

આ કયા સબ્જેક્ટ પરનો લેખ આખો દેશ પૈસાની પરેશાનીમાં પડયો છે, ત્યારે લખવા બેઠા છો એવો સવાલ થાય તો જવાબ છે  :  કોમિક્સ પરથી બનેલી અને ભારતીય દર્શનના મૂળ ભાવને આબાદ પચાવીને રસપ્રદ રીતે રજૂ કરતી અમેરિકન ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ જોયા પછી ઉઠેલી ભરતીની આ જરા છાલક છે!

અંગ્રેજી અને હિન્દીમાં ૪૮ કલાકમાં બે વાર થિયેટરમાં જઈ જોયેલી આ ફિલ્મ વેસ્ટર્ન કરતાં ઈસ્ટર્ન ઓડિયન્સને વધુ સમજાવાની છે. વિવાદો ટાળવા હિન્દુ કે સાધુ જેવા નામ લીધા વિના કાલ્પનિક જાદૂગરીનું ધામ (હિન્દુ રાષ્ટ્ર) નેપાળમાં બતાવી અનેક ઉપનિષદોની ચર્ચા વૈજ્ઞાાનિક સાયન્સ ફિક્શનમાં ઘૂંટીને એમાં મસ્ત મનોરંજક વાર્તા સાથે એકરસ કરાઈ છે. આપણા બોરિંગ બાવાઓ આવી રસિક રજુઆત જ નથી કરી શકતા આપણા વારસાની!

બીજું કંઈ નહિ તો ડીપ મેડિટેશન પછીની અવર્ણનીય અનુભૂતિ માટે ડ્રગ-માદક દ્રવ્યો લઈને ‘એઝોટેરિક એક્સપિરિયન્સ’ કરનાર આલ્ડસ હરક્સલીની વિશ્વવિખ્યાત કિતાબ ‘ડોર્સ ઓફ પરસેપ્શન’માં વર્ણવાયેલા ગેબી વિઝ્યુઅલ્સને ડચ પેઈન્ટર ઈશરના ચિત્રોની જેમ પડદા પર સાકાર થતાં જોવા એ ય ‘ડોક્ટર સ્ટ્રેન્જ’નો લ્હાવો છે! (હકસલીની બૂકને એન્ડ ટાઈટલમાં ક્રેડિટ પણ અપાઈ છે! એટલે શિવપૂજામાં ભાંગનો નશો આવ્યો હશે ? બ્રહ્માંડનું ફિલ્મમાં બતાવેલું  ટ્રેલર ઝીલવા ? )

અને ફેન્ટેસી એક્શન પ્લસ મેડિકલ સાયન્સના બેકગ્રાઉન્ડમાં શિરમોર ચર્ચા એ છે કે ‘સમય સૌથી મોટો ખલનાયક છે. જે માસૂમિયત, જવાની છીનવી લે છે, બૂઢાપો-રોગ-મરણ લઈ આવે છે. માટે અમરત્વ જોઈએ!’ અને શુભ તત્વનો જવાબ છે  :  ‘મૃત્યુથી જ જીવન અર્થપૂર્ણ બને છે. બધું અનંતકાળ સુધી ચાલતું હોત તો કંટાળાનું નરક બને છે. કશુંક અધુરું છે, માટે એને માણવાની મજા છે. સમાપ્તિ છે, એટલે ક્ષણ જીવવાની રોમાંચક તાલાવેલી અને કિંમત  છે!’

માટે જ કાયમ માટે અધૂરી ચર્ચાએ લેખ પૂરો કરીએ!

ફાસ્ટ ફોરવર્ડ:

‘શ્રદ્ધા સત્યં તદિયુત્તમ્ મિથુનમ્’  શ્રદ્ધા (ધર્મ) અને સત્ય (વિજ્ઞાન)ના સંભોગ/મૈથુનથી જ દિવ્ય સ્વર્ગ મળે! (ઐતરીય બ્રાહ્મણ)

the_doors_of_perception_by_25percent-d31f6ho

બ્લોગબોનસ :

અહીં પહેલા બે વિડીયો વારાફરતી જોશો તો ડો. સ્ટ્રેન્જ ફિલ્મમાં આ વાતો કેવી રીતે અદ્ભુત વિઝ્યુઅલ્સથી ગૂંથાઈ એની ઝલક મળશે. ત્રીજો વિડીયો ફિલ્મના ટ્રેલર્સનું સન્કલન છે અને ચોથામાં કાર્લ સેગાનના કોસમોસના ભારત પરના એપિસોડની ઝલક !

ગઈ કાલ, તા. ૨૦ નવેમ્બર, ૨૦૧૬નાં ‘સ્પેક્ટ્રોમીટર’નો મારો આ લેખ સુજ્ઞજનો માટેનું જ તપ હતું. પણ એમાં વિઘ્ન પ્રિન્ટ મિસ્ટેકનું આવ્યું. આખા લેખમાં જ ‘આત્મા’ની જગ્યાએ ‘આભા’ છપાયેલું જોઈને હું તો આભો જ બની ગયો ! 😉 પણ મોટા મોટા બ્રહ્માંડોમાં આવી નાની ઘટનાઓ તો બનતી રહે. માટે જરૂરી સુધારા અને અમુક ખાસ વધારા સાથે જ આખો લેખ અહીં એક્સ્ટ્રા ફોટોગ્રાફ્સ અને વિડીયો સાથે મુક્યો છે. ‘ભારતીય સંસ્કૃતિનું તમે કશું લખતા નથી’ એવા ઘોંચપરોણા કરતા ઘોઘાઓ આવું અનેક વખત લખ્યું છે, એ વાંચતા જ નથી કે સમજવાની એમની શક્તિ નથી. એમને મન સંસ્કૃતિ એટલે પોલિટિકલ બ્રેઈનવોશિંગથી થતી છાતી કૂટવાની સંકુચિત ધાર્મિક ગુલબાંગો. ભારતની અસલી સુગંધથી આ બધા વંચિત રહે એવી શરદીથી પીડાય છે, ત્યાં સુધી ભારતનો ઉધ્ધાર નથી. સારું છે, આપણા જ્ઞાનાભ્યાસમાં ભીડ કમ ! 😛

 
17 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 21, 2016 in cinema, india, religion, science

 
લિંક

Interstellar_ALT_Artowrk

ગયા સપ્તાહના “અનાવૃત”માં લખેલું તેમ ક્રિસ્ટોફર નોલાનની વિચારોત્તેજક ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ રજૂ નથી થઇ. ( શેઇમ શેઇમ 😛 ) અને હિન્દીમાં ડબ પણ નથી થઇ. ( હાય હાય).

તો જેમને એ જોવા ખર્ચ/પ્રવાસ કરવા જેટલું પેશન નથી અને એના હવેના અનાવૃતના બીજા ભાગ સમા લેખમાં આવતા ફિલ્મના ક્રોસ રેફરન્સ ઉકેલવાની અધીરાઈ છે – એમના માટે આ રહ્યો જરાક સહેલો બનાવેલો કથાસાર. રિમેમ્બર, આમાં બધી ઘટનાઓ સમાવાઈ નથી અને જાણી જોઇને ઘટના પર ફોકસ રહે માટે પાત્રોના અંગ્રેજી નામો ટાળવામાં આવ્યા છે. આ સારાંશ બેઝિક છે અને બિગિનર્સ માટે છે. નેચરલી, ફિલ્મ જોવી હોય એ વાંચવાનું ટાળવું. હા, ઇટાલિક બ્લ્યુ પેરેગ્રાફ પછીનો હિસ્સો જરૂર વાંચજો 🙂  

***

બહુ દૂરના નહિ એવા ભવિષ્યની ધરતીમાં બ્લાઈટ નામના ભેદી પરિબળનાં આક્રમણના પગલે ધરતી ધૂળ ધૂળ થઇ રહી છે. પાક નિષ્ફળ જાય છે. ભૂખમરામાં બધી ટેકનોલોજીકલ સિધ્ધિઓ પાછળ છૂટી ગઈ છે. ઊર્જા છે નહિ. સૈન્યો વિખેરીને બધા ખેડૂત થવા લાગ્યા છે. પત્ની રોગમાં ગુમાવીને બે બાળકો ઉછેરતો સ્પેસ પાયલોટ કૂપર અકળાયેલો છે. એની નાની દીકરી બહુ હોશિયાર અને પપ્પાથી બહુ નજીક છે. એને એના લાયબ્રેરી રૂમમાં ધૂળની ઢગલીઓ કોઈ ગેબી સંકેતો આપતા હોય એવું લાગે છે. એમાં જ અવકાશવિજ્ઞાનની સંશોધક સંસ્થા “નાસા”નું વડું મથક મળી આવે છે. જેમાં વયોવૃદ્ધ પ્રોફેસર સિક્રેટ મિશનની તૈયારી કરે છે.

અગાઉ બ્રહ્માંડમાં મોકલેલા અવકાશયાત્રીઓની માહિતીને આધારે જ્યાં પૃથ્વી છોડી કૃત્રિમ ગ્રેવિટી સાથે સ્પેસ સ્ટેશનમાં મોકલી પછી માનવજાતને વસાવી શકાય એવા ગ્રહને શોધવાનો પ્લાન “એ” છે. જો એ ફેઈલ જાય તો માનવજાતના ભ્રૂણ વર્તમાન અવકાશયાનમાં થીજાવી રાખેલા છે, એનાથી કોઈ પ્રલય પામેલી પૃથ્વી સિવાયના ગ્રહ પર નવા જ માનવો પેદા કરી નવતર માનવ પ્રજાતિ સુરક્ષિત રાખવાનો પ્લાન “બી” છે. પ્રોફેસરની યુવાન દીકરી અને અન્ય સાથીઓ સાથે કૂપર એના મતે આકાશમાં કોઈ અજ્ઞાત શક્તિ (ધે) થકી બનેલા વર્મહોલની મદદથી બ્લેકહોલ નજીકનું બ્રહ્માંડ ઘમરોળવા નીકળે છે. આ પ્રવાસ કેટલા વર્ષો ચાલશે એની ખબર નથી. પણ જતાં પહેલા મક્કમ બાપ નાનકડી વ્હાલસોયી દીકરીને પ્રોમિસ કરે છે ખુદા ગવાહ સ્ટાઈલમાં : મૈં વાપસ આઉંગા, યે મેરા વાદા રહા.

પણ દીકરી તો જવાન સાયન્ટીસ્ટ થઈ જાય છે, વૃદ્ધ વિજ્ઞાની મરતા પહેલા એને કહે છે કે પ્લાન એ પહેલેથી જ શક્ય નહોતો કારણ કે પુરતી માહિતી નહોતી. દરમિયાન સ્પેસટ્રાવેલમાં સમય ધીમો પડતો હોઈને પૃથ્વી પર દાયકાઓ વીત્યા છતાં બાપ જવાન રહે છે. એના મિશનમાં એક ગ્રહ પર માત્ર પાણી અને એના દિવાલ જેટલા ઉછળતા મોજાં છે. બીજા પર ફક્ત બરફ છે અને પોતાનો જીવ બચાવવા સ્વાર્થથી જૂઠું બોલતો હિંસક વિજ્ઞાની છે. ત્રીજા સુધી પહોંચવાનું છે. એમાં અણધારી ઘટનાઓમાં યાન ગુમાવી એ પ્રોફેસરની દીકરીને બચાવી આગળ મોકલે છે.

પણ પોતે અને રોબો ટાર્સ ઇવેન્ટ હોરાઈઝન પાસે સરકીને અકસ્માતે એક પાંચ ડાયમેન્શનના “ટિઝરેકટ” ટાઈપના ફાઈવ-ડી ટ્રાન્સપેરન્ટ ક્યુબમાં ફસાઈ જાય છે. જ્યાંથી એને પોતાનો ભૂતકાળ અને દીકરી નાની હતી, ત્યારનો લાયબ્રેરી રૂમ દેખાય છે. જેમાં એ ગુરુત્વાકર્ષણની મદદથી બ્લેક હોલના કેન્દ્રમાંથી રોબોએ ભેગો કરેલો ડેટા ભૂતકાળમાં ટ્રાન્સફર કરે છે. જેના જોરે દીકરી અધૂરા સમીકરણો પુરા કરી માનવજાતને કૃત્રિમ ગ્રેવિટી ઉભી કરવા નળાકારરૂપે ગોળ ફરતા સ્પેસ સ્ટેશનોમાં વર્તમાન માનવજાતના વંશજોને બચાવે છે. અંતે વૃદ્ધ દીકરી મરણપથારીએ છે ત્યારે દેખાવમાં જવાન રહેલા બાપ સાથે એનું ટીઅરજર્કર બોલીવૂડીશ મિલન થાય છે.

***

ઇન્ટરસ્ટેલરમાં નોલાને ખાસ્સી વૈજ્ઞાનિક ઓથેન્ટીસીટી રાખી વાહવાહી મેળવી છે, પણ સાથોસાથ ફિલ્મને ડોક્યુમેન્ટ્રી બનતા અટકાવે એવી સિનેમેટિક લિબર્ટી પણ લીધી છે. જેમ કે, એક કલાક = ૭ વર્ષ જેવો જંગી ટાઈમ ડિફરન્સ ધરાવતો ગ્રહ બ્લેક હોલે વળ આપેલા સ્પેસટાઈમની અત્યંત નજીક હોય ને તો એ ગબડી પડે. (ગ્રહને પોતાની ગરમી કે પ્રકાશ ના હોય – એ બધું તારાને હોય) એવું નાં થાય તો ય બ્લેક હોલને લીધે ગૃરુત્વાકર્ષણ પહાડ જેવા મોજાં તો ઉભા કરે, પણ અંતર વધે એમ ગ્રેવિટીનું જોર ઘટે. એટલે બ્લેક હોલ તરફના મોજાં અને દૂરની સપાટી વચ્ચે મોજાની ઈમ્પેક્ટમાં એટલો ફેર પડે કે પ્લેનેટ પર ચિક્કાર ધુમ્મસ-વેપર પેદા થાય એને એના દબાણમાં પ્લેનેટ વીખેરાઈ જાય ! માટે પહેલો વોટર પ્લેનેટ સાયન્ટીફિકલી ટકે નહિ.એવું હું જેટલું વિજ્ઞાન જાણું છું, એના આધારે લાગે છે.

બીજી એક આડવાત, ઇન્ટરસ્ટેલર માટે નોલાનના જરૂરી વખાણ બંને લેખમાં છુટ્ટી કલમે  કર્યા જ છે. ( અને અગાઉ ઇન્સેપ્શન પર લખેલી ટ્રાયોલોજી તથા ડાર્ક નાઈટ પરના લેખોમાં ય !)  પણ આ ફિલ્મ વધુ એક વખત અઠંગ સિનેરસિયાઓ માટે નોલાનની એક ફિલ્મમેકર તરીકે મર્યાદાઓ પણ છતી કરે છે. નોલાનની બધી જ ફિલ્મો જુઓ તો રાકેશ રોશનની માફક પ્લોટલાઈન સેઈમ લાગે. હીરો અમેરિકન ગોરો હોય. આયુષ્યની ત્રીસી વટાવી ચુક્યો હોય…એને ક્રેઝી કહી શકાય એવા જરા હટ કે શોખ હોય અને કોઈ એક બાબતમાં અપાર પ્રતિભાશાળી અને બુદ્ધિમાન હોય. કોઈ ખાસ બાબતનું એને પાગલ જેવું વળગણ હોય. અને ભૂતકાળની કોઈ ગમખ્વાર ઘટનાના આઘાત સામે એનો આંતરિક સંઘર્ષ ચાલતો હોય. આમાં એવો જ કોઈ વિલન કે સિચ્યુએશનના ટ્વિસ્ટસ મૂકો – અને એના લાજવાબ માનવમનના નિરીક્ષણો તથા સમાજ-આસપાસનું જગતનાં પરની વ્યાખ્યાઓ અને કોમેન્ટ્સ ભભરાવો એટલે નોલાન ફિલ્મ ઈઝ રેડી. હા, એનું આ પ્લોટ વારંવાર કહેવા માટે સતત બદલતું પ્રિમાઈસ મૌલિક અને અનોખું હોય છે. ઇન્સેપ્શનમાં સપનું કે પ્રેસ્ટીજમાં જાદૂ કે ઇન્ટરસ્ટેલરમાં સ્પેસસાયન્સ અને બેટમેન, મેમેન્ટો કે ઇન્સોમેનિયામાં થ્રીલિંગ બેકગ્રાઉન્ડ…અને સ્ટ્રોંગ આઈડિયાઝ માટે તો એ સ્લામીનો અધિકારી છે.

ઉપરાંત, નોલાન ઈઝ ક્લીઅરલી નોટ રોમેન્ટિક. એના લગભગ પાત્રો સેક્સલેસ લાગે. જાણે આવેગોને બદલે દિમાગી તરંગોથી ઉત્તેજિત થતાં હોય તેવા ! ઠંડા અને કેમિસ્ટ્રીમાં કૃત્રિમ. એક જીવંત ધબકતું નોર્મલ વિશ્વ એ આપણા સંજય ભણસાલીની જેમ જ બનાવી શકતો નથી. એને વાત કહેવા માટે એબ્નોર્મલ / અનરિયલ કે ડાર્ક નોઈર પ્રકારનું વાતાવરણ જોઈએ. ફિન્ચર કે સ્કોરસીસ કે સ્કોટ કે કુબ્રિક કે ઝેમેક્સસ કે કુરોન કે કેમેરૂન વગેરે વૈવિધ્યમાં ખાસ્સો ઉંચો સ્કોર કરી જાય. આ ટીકા નથી. પણ સ્પષ્ટ વિશ્લેષણ છે. સ્પીલબર્ગ એટલે જ નોલાનથી જોજનો ઉંચે છે. અહીં ઇન્ટરસ્ટેલરની ટાઈમલાઈન સમજાવતા બે ચાર્ટ્સ નેટ રત્નાકરમાંથી વીણ્યા છે એ જુઓ પછી ઇન્ટરસ્ટેલર માટે એને પ્રેરણા મળેલી એ ફિલ્મોની યાદીનો ચાર્ટ છે. એમાં સ્પીલબર્ગની ફિલ્મો છે જ. અને છેલ્લે બોનસમાં લિંકસ છે :નોલાનની આ ફિલ્મ બનાવવા માટે પ્રભાવિત કરનાર ૯ ફિલ્મોની ટ્રેલર સહિતની  રસપ્રદ વિગતો તથા સ્પીલબર્ગ માટે મૂળ લખાયેલી સ્ક્રિપ્ટ કેવી હતી એ બયાન કરતી એક લિંક.

interstellar
inter3
nolan1http://wallstcheatsheet.com/entertainment/9-films-that-inspired-christopher-nolans-interstellar.html/?a=viewall

http://www.slashfilm.com/interstellar-script-differences

 
25 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 26, 2014 in cinema, science

 

ભારતમાં ‘એક્ઝામિનેશન’ સીસ્ટમ છે, ‘એજ્યુકેશન’ સીસ્ટમ નથી !


વિજ્ઞાની સી.એન.આર.રાવને સચીનની સાથે વાજબી રીતે જ “ભારત રત્ન” મળ્યો ( અને સચીનને ય એનું યોગદાન અને પ્રચંડ પ્રભાવ જોતા વાજબી રીતે જ મળ્યો છે. હા, આ બહાને મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ કહે છે એમ, ખેલાડીઓની એન્ટ્રી શરુ થઇ એ સારું કમ સે કમ જુના નવા દસ ખેલાડીઓ આપણી પાસે છે – જે રાજકારણીઓથી વિશેષ આ સન્માનના અધિકારી ગણાય ! દેશ બનાવવામાં નેતા-અભિનેતા, સેનાની-વિજ્ઞાની, કલાકાર-રમતવીર, ઉદ્યોગપતિ-શિક્ષક સહુ કોઈનું યોગદાન હોય છે, મહાસત્તાઓ દરેકને બિરદાવે છે. ). રાવસાહેબનો પરિચય વાંચતાવેંત એમને સલામી આપવાનું મન થાય એવો છે. એ અહીં ક્લિક કરી વાંચો. ( ફેસબુક પર લખેલું એમ પગારભક્ષી પ્રોફેસરો અને પોદળાછાપ પદાધિકારીઓને ખાસ વંચાવવા જેવો impressive & inspiring છે.) વાંચીને ખબર પડશે રાબેતા મુજબ એમનું મન વિશાળ અને વિશિષ્ટ બનાવવામાં ય પશ્ચિમનો ફાળો સવિશેષ રહ્યો છે, અને ઘણા સાવ આસ્થાવિરોધી ડાબેરી મિજાજનાં લોકો માને છે, એથી વિરુદ્ધ આવડા મોટા ચુસ્ત વિજ્ઞાનપ્રેમી એમની માતાએ સંભળાવેલી ભારતીય વારસાની કહાનીઓ થકી આધ્યાત્મિક હોવાનું ય સ્વીકારે છે. હા, રાવસાહેબનાં અધધધ રિસર્ચ પેપર્સમાં યદાક્દા વિદ્યાર્થીઓની ક્રેડિટ અંગે વિવાદો થયા છે, એ માટે રીડરબિરાદર કથન શુક્લે ધ્યાન ખેંચેલી આ લિંક પણ વાંચો.  ( મોટે ભાગે આ સ્તરે આટલા વ્યસ્ત રહ્યા બાદ આવું કામ બીજાની દેખરેખમાં થતું હોય અને કોઈ એક જ બાબત પરથી તરત માણસની આખી જિંદગીનું જજમેન્ટ ના લેવાય એ આપણી શિક્ષણપદ્ધતિ આપણને શીખવાડતી નથી ! ફેસબુક પર કાલે રાવ સાહેબે કરેલી વિદ્યાર્થીઓની મૌન મદદના ઉદાહરણો પણ મળ્યા ! )

ખેર, રાવ સાહેબ પર અત્યારે તો બધા ઓળઘોળ થયા છે, પણ એમને બિરદાવતો પહેલો અને કદાચ એકમાત્ર લેખ ગુજરાતીમાં લખ્યાનું ગૌરવ હું સકારણ લઇ શકું. કારણ કે લેખમાં એમને જે મુદ્દે બિરદાવ્યા છે – એ વાત સ્વતંત્રપણે હું વર્ષોથી કહું છું અને આનંદ છે કે ઘરે ભણીને મારામાં જે વિચારો આવ્યા એ આ વિજ્ઞાનમહાર્ષિ આખી દુનિયાની ટોચની શિક્ષણસંસ્થાઓમાં આટલા અનુભવ પછી કહે છે. મતલબ, ઉપરવાળો આપણને સાચી દિશાના વિચારો આપે છે 🙂

આ લેખમાં લખ્યું એ ખરેખરો મુદ્દો છે, જે માટે કોઈ પણ ભેદભાવ વિના આખા દેશના સમજુ માણસોએ સાચી લાગણી દુભાવવી જોઈએ અને સુધારા માટે સમય-શક્તિ ખર્ચવા જોઈએ. બધા એકસાથે આમાં એકમત થઇ અવાજ ના ઉઠાવે ત્યાં સુધી માં કદાચ સચીનનો રેકોર્ડ તૂટી શકે , પણ આમાં પરિવર્તન આવશે નહિ ! 😦

ચાલો , વાંચો ને વિચારો એ લેખ હવે.

==================================

exam

એક્ઝામ્સ આઇપીએલ સ્ટાઈલમાં લેવાતી હોત તો ?

તો ત્રણ કલાકનું પેપર એક કલાકનું કરી દેવાયું હોત ! દર દસ મિનિટે કોમર્શિયલ બ્રેક આપવામાં આવતો હોત ! અચાનક અઘરો પ્રશ્ન આવી જાય, તો એમાં ‘ફ્રી હિટ’ લઈને સ્ટુડન્ટ બધા જ માર્કસ લઈ શકત. પહેલી અડધી કલાકને પાવર પ્લે ગણી, એમાં કલાસમાં કોઈ સુપરવાઈઝરની એન્ટ્રી જ ન હોત ! એકઝામ પહેલા જ સ્ટુડન્ટસને જોબ નહિ, એડવાન્સ સેલેરી પણ ચૂકવાઈ જતી હોત. અને હા, દરેક કલાસમાં ચીઅર ગર્લ્સ રાખવામાં આવી હોત, જે કોઈ પણ વિદ્યાર્થી એક પેજ જવાબનું લખે એટલે કોઈ સીટીમાર સોંગ પર ઠુમકા લગાવતી હોત !

* * *

વેલ, વેલ. આ તો એક જોક છે. પણ આ લેખનું શીર્ષક છે, એ શબ્દો મેં પૂરા ચૌદ વરસ પહેલા યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન)ની એકેડેમિક સ્ટાફ કોલેજના રિફ્રેશર કોર્સ ટ્રેનિંગમાં કહ્યા, ત્યારે કેટલાક સિનિયર અઘ્યાપકો એકદમ સિરિયસ થઈ ગયા હતા ! એમને આ સચ્ચાઈ ટુચકા જેવી લાગી હતી ! અને આ પૂણ્યભૂમિના કોઈ પણ વડીલશ્રી નવી વાત પર જે કરે, એવું જ કર્યું હતું : એમણે આ કવૉટને હસી કાઢ્‌યું હતું ! પાછળથી ત્યારે એનો લેખ પણ હજુ ૨૧મી સદી શરુ થાય ત્યાં જ લખેલો.

પણ અચાનક જાણે કાપલીમાંથી કોપી મારી હોય એવું ડિટ્ટો સેઈમ ક્વૉટ એક સમાચારના શીર્ષકમાં દેખાયું ત્યારે મુસ્કુરાઈ જવાયું. ‘ટ્રિવિયલ’ ન્યૂઝના હોકાગોકીરામાં ખૂણેખાંચરે દટાઈ ગયેલા રિયલ ન્યુઝની હેડલાઈન જ આ લેખનું ટાઈટલ છે ઃ ‘ભારતમાં એક્ઝામિનેશન સીસ્ટમ છે, એજ્યુકેશન સીસ્ટમ નથી !’ અને આ વાત કોણે કોને કહી છે ?

આ વાત (વારંવારના મહેણાટોણા અને અદાલતથી અન્ના સુધીની શિખામણોથી ટેવાતા જતા બિચારા) વડાપ્રધાન મનમોહનસંિહને એમના પોતાના જ સાયન્ટિફિક એડવાઈઝર ચિંતામણિ નાગેશ રામચંદ્ર રાવ ઉર્ફે સી.એન.આર. રાવ સાહેબે કહી છે ! એ ય પછી લેખિતમાં ! રાવ સાહેબ રીતસર ચિંતાતુર છે. અને એ કોઈ જેવી તેવી મિડિયા મેઈડ પૂનમ પાંડેછાપ સેલિબ્રિટી નથી. ૧૯૩૦માં બેંગાલૂરૂમાં જન્મેલા રાવજી ભારતના ખ્યાતનામ વિજ્ઞાની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ લેનારા (એટલે એમને પશ્ચિમથી અંજાયેલા કહેવામાં સાત વાર વિચાર કરવો !) સીએનઆર રાવ અમેરિકામાં પીએચડી થયા છે. પછી આઇઆઈટી કાનપુરમાં કેમિસ્ટ્રીના હેડ રહ્યા છે. દસ વર્ષ સુધી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ જેવી ભારતની સૌથી વઘુ પ્રતિષ્ઠિત એવી સંશોધન સંસ્થાના સર્વોચ્ચ વડા રહી ચૂક્યા છે. (બાય ધ વે, ૧૮૯૩માં જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની એક શિપમાં થયેલી મુલાકાતમાં થયેલી ચર્ચા પછી, આ ધરખમ સંસ્થા ૧૮૯૮માં લોર્ડ કર્ઝને અને બાદમાં લોર્ડ મિન્ટોએ મંજૂર કરેલી અને નોબેલ વિજેતા વિલિયમ રામસેએ એનો પાયો નાખવામાં ભૂમિકા ભજવેલી !) રાવસાહેબ વિશ્વપ્રસિદ્ધ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યા છે. અને અત્યારે ‘એસ.એ.સી.પી.એમ.’ યાને સાયન્ટિફિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટરના અઘ્યક્ષ છે.

આવા ઘુરંધર વિદ્વાને ધનનંદના દરબારમાં શિખા ખોલીને ઉભેલા ચાણક્ય જેવો પુણ્યપ્રકોપ વડાપ્રધાનને લખેલા પત્રમાં ઠાલવ્યો છે. કોઈ કડક શિક્ષક તોફાની વિદ્યાર્થીને કલાસરૂમ વચ્ચે ખખડાવી નાખે, એમ રાવજીએ સરકારી તંત્રને ધધલાવ્યું છે, કહો કે કાન આમળ્યો છે. પણ આપણે ત્યાં તેજસ્વી તારલાઓની જાહેરાતોથી જેટલી ‘ખલબલી’ મચે છે, એટલી ક્યાં કદી શિક્ષણ અંગેના સાચા પ્રશ્નો અંગે મચે છે ? વિશ્વવિદ્યાલયો રાજકારણીઓના રમકડાં થઈ ગયા છે, અને યુનિવર્સિટીઝની ફેવરિટ એક્ટિવિટિઝ એકેડેમિક નહિ, પણ પોલિટિકલ હોય છે. સ્ટુડન્ટસને મોરાલિટી શીખવાડવાવાળાઓ જ એટલા વેલ્યૂલેસ બનતા જાય છે કે કાયમી નોકરીમાં ચોંટેલા ન હોય, તો પોતાની જાતે પાણીપુરીની રેંકડી ન ચલાવી શકે !

આપણે એવો નઘરોળ સમાજ બનાવીને બેઠા છીએ કે અહીં સીમ પરના કિસાનોથી લઈ સરહદ પરના જવાનો માટેના ચિંતાચતુરો છે – પણ બિચારા ગામડાથી શહેર સુધીના યુવાનો માટેનો અવાજ ઉઠાવવાવાળો કોઈ એકલદોકલ ચિંતામણિ છે ! સી.એન.આર. રાવની મતદાન કરવાનું પણ ભૂલી જતા નરમ નરમ પ્રધાનમંત્રીને અપાયેલી સખત સખત ટિપ્પણીઓના અંશો વાંચવા જેવા છે. એ પત્રમાં લખાયું છે :

‘‘વી (ઈન્ડિયા) ઈઝ હેવિંગ એન એક્ઝામિનેશન સીસ્ટમ, બટ નોટ એન એજ્યુકેશન સીસ્ટમ ! વ્હેન વિલ યંગ પીપલ સ્ટોપ ટેકિંગ એકઝામ્સ એન્ડ ડુ સમથિંગ – વર્થવ્હાઈલ ? ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ, અગત્યનું કામ કરી બતાવશે ?’’

રાવ આગળ ફરમાવે છે : આપણી સમગ્ર પરીક્ષાપદ્ધતિ ફેરવિચારણા માંગી લે છે. ફાઈનલ એકઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ, ક્વોલિફાઇંગ એક્ઝામ્સ, સિલેકશન એક્ઝામ્સ….સબ કુછ છતાં ય હજુ તો મેડિકલ ગ્રેજ્યુએટ્‌સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ માટે એક્રેડિટેશન એક્ઝામની ચર્ચા ચાલે છે !

જેઈઈ જેવી ‘ધરખમ’ આઈઆઈટી એન્ટ્રસ ટેસ્ટને (અહીં ‘કેટ’ એવું વાંચી લેવાની પણ છૂટ છે !) પણ રાવજીએ ‘આડે હાથોં’ લીધી છે : આઇઆઈટી (આઈઆઈએમ પણ ખરી) એકઝામ્સ અઘરી અને હેતુપૂર્ણ હોવાનો દબદબો ધરાવે છે. પણ કૂમળા જવાન દિમાગો પર તેની નેગેટિવ ઈફેક્ટ થાય છે. આવી એન્ટ્રન્સ એક્ઝામ્સમાં યેનકેન પ્રકારે સફળ થવા યુવાવર્ગ ભારે પીડામાંથી પસાર થાય છે, અને એ બધામાં શિક્ષણ માટેનો જે સાહજીક રોમાંચ છે – એ જ ગુમાવી દે છે ! લાખ્ખો વિદ્યાર્થીઓ માટે પ્રિમિયમ ઈન્સ્ટિટયુટસના દરવાજા બંધ થઈ જાય છે, એમની ક્ષમતા નીચોવાઈ જતા એ લોકો પોતાને નકામા સમજીને હતાશ થાય છે, સારો દેખાવ કરી શકતા નથી.

આટલો તેજાબ રેડ્યા પછી રાવે ચોખ્ખું સંભળાવી જ દીઘું છે (જે મુઠ્ઠીભર સમજદાર દેશપ્રેમીઓની વર્ષો જૂની હૈયાવરાળ છે, પણ મહાન સંસ્કૃતિના નગારાનાદમાં દબાઈ જાય છે !) કે ‘‘ભારતની એક પણ (રિપીટ, એક પણ) એવી શિક્ષણ સંસ્થા નથી જે આઘુનિક વિકસિત દેશોની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓની સમકક્ષ મુકાબલા માટે ઉભી પણ રહી શકે ! આ એ સમય છે કે આપણે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ, કારણ કે આજે ભારત ‘યુવાન’’ છે. (યંગ પીપલનું પોપ્યુલેશન મેક્ઝિમમ છે). આગામી ૨૦-૩૦ વર્ષમાં શ્રેષ્ઠ તાલીમબદ્ધ માનવપ્રતિભાઓનો પૂરવઠો ભારત જગતને આપી શકે તેમ છે. આવું કરી બતાવવું એ જ આપણું રાષ્ટ્રીય ઘ્યેય હોવું જોઈએ !”

રાવજીએ માત્ર ઠપકો જ નથી આપ્યો. દિશા પણ ચીંધી છે. અમેરિકામાં હાઈસ્કૂલ પાસ કરનાર વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા માટે દેશભરમાં એમની રિઝનિંગ, લોજીક જેવી બૌદ્ધિક ક્ષમતા માપતી એક જ એક્ઝામ ‘સેટ’ (છે….ક ૧૯૦૧ થી !) લેવાય છે. જાતભાતની એડમિશન એન્ટ્રન્સ આપવાનો બોજો નહિ. વધારામાં પોતાની ક્ષમતા સાબિત કરવી હોય તો ૧૯૪૨થી ‘જીઈડી’ જનરલ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ એક્ઝામ છે. જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષાલેખન અને ભાષાવાંચન એ પાંચ સબ્જેક્ટસ હોય છે. રાવસાહેબના મતે સતત દરેક યુવા વિદ્યાર્થીને એક પૂરી કરે ત્યાં બીજી પરીક્ષાની સોયો ઘોંચીને કંતાયેલા કોથળા જેવા બનાવી દેવાને બદલે એક અધિકૃત રાષ્ટ્રવ્યાપી પરીક્ષા હોવી જોઈએ, જે એમનું હાયર એજ્યુકેશન માટેનું એન્ટ્રી લેવલ મેરિટ સેટ કરી દે. રાઈટ. સાવ પરીક્ષા નાબૂદી ન થાય, તો એને નિયંત્રણમાં લઈ શકાય ને ! આજે તો એવી હાલત છે કે નાના બાળકો સિવાય કોઈ પાસે રિયલ વેકેશન જ નથી રહ્યું ! બધા જ કોઈને કોઈ નેકસ્ટ કોર્સ કે એન્ટ્રન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં બીજાઓથી આગળ નીકળી જવાની મથામણમાં જ ગૂંચવાયેલા રહે છે.

સતત ભીડમાં ચાલો, તો બીજાઓના ઠોંસા ખાઈને, ગરમીમાં શેકાતા પોતાનું સંતુલન જાળવવાની જગ્યા કરવાનો થાક તો લાગે ને ! પછી આપણી ‘જેન્નેકસ્ટ’ પાસે નવું શીખવાની હોંશ, નવું જાણવાની ફુરસદ નથી રહેતી. અરે એમની જીંદગી, કુદરત, લાગણી, સંબંધ અંગેની સમજ પણ બફાયા વિના ઉતારી લેવાયેલા કાચા બટાકા જેવી થઈ જાય છે. એટલે કહેવાતા સકસેસફુલ અને ઈન્ટેલીજન્ટ લોકો રોજીંદી બાબતોમાં સાવ ‘ડોબા’ પૂરવાર થાય છે. અને સા’બ કે મે’મસાબને અભણ રેંકીડવાળો પણ આસાનીથી ઉલ્લૂ બનાવે છે.

એકચ્યુઅલી સીએનઆર રાવે તો એચઆરડી મિનિસ્ટ્રીને ભારતીય ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અને પડકારોના ૧૦ ચેકપોઈન્ટની યાદી જ પોતાના પત્ર સાથે પકડાવી દીધી છે. એમની ઇચ્છા એવી છે કે (લોકપાલની અદામાં) એક ટાસ્કફોર્સ બને અને એક જ વર્ષમાં આ અંગેનું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી, તેનો અમલ કરવામાં આવે. રાવસાહેબના મતે ભારતની શક્યતાઓ ધરાવતી ૧૦ ટોચની શિક્ષણસંસ્થાઓ પસંદ કરી એ ‘ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન’ જેવો વટ મારી ફી વસૂલ્યા કરે – તેને બદલે તે દુનિયાની સામે રીતસર ટક્કર લઈ શકે તેવી સ્ટ્રોંગ એન્ડ અપગ્રેડેડ બનાવવી જોઈએ. ગ્રામીણ ભારતની ટેલેન્ટસને પૂરતી તક નથી મળતી, માટે જરૂર પડે રેસિડેન્શ્યલ હાઈસ્કૂલો બનાવીને પણ ખૂણેખાંચરે પ્રતિભાઓનું ઘડતર કરવું જોઈએ. મહત્ત્વનો એમનો મુદ્દો એ ય છે કે આજે આપણે ત્યાં ડિગ્રીઓમાં ‘મેનપાવર મિસમેચ’ છે. જે બેકારી વધારે છે. કોઈ એક જ કોર્સ / સબ્જેક્ટમાં જરૂર કરતા અનેકગણા વઘુ એક્સપર્ટ દર વર્ષે આપણે પેદા કરીએ છીએ, અને કેટલાક અગત્યના ક્ષેત્રોના ઝરણા આ બધી તેજીની ગરમીમાં સૂકાઈ જાય છે.

પરંતુ, જ્યાં જીન્સ પહેરવા કે ચોકલેટ-રોઝ ડેની ઉજવણી પ્રતિબંધિત કરવાને શિક્ષણના શુદ્ધિકરણની જ્વલંત સિદ્ધિ માની લેવાતી હોય ત્યાં આ આક્રોશ અરણ્યરૂદન જ રહેવાનો !

* * *

ગુજરાતના બે જીલ્લા ભાવનગર અને સાબરકાંઠામાં જ ડિજીટલક્રાંતિ પહેલા એવા કેળવણીકારો પેદા થયા હતા કે માત્ર એમની આંગળી પકડી હોત, તો ભારત આજે મહાસત્તા બની ગયું હોત. વ્યક્તિઓ ગઈ, વિચારોમાં વૃદ્ધિ થવાને બદલે એ શો કેસમાં મૂકવાના ડેકોરેશન પીસ બની ગયા. ફોટોગ્રાફના વૃક્ષને કદી ફળ ન આવે, ન ત્યાં પંખીઓ માળા બાંધે ! અમદાવાદની સૌથી સમૃદ્ધ શિક્ષણ સંસ્થા ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ છે, એવા અહેવાલો છે (જમીન, મિલકતો ઉપરાંત ૯૦-૯૫ કરોડની સત્તાવાર સિલક છે !) પણ હજુ ત્યાં ભૂતકાળની ભવ્યતા છે, ભવિષ્યની ભવ્યતાનું શું ? હા, દિવ્યતાની વાતો જરૂર થાય છે. કારણ કે, જૂના કંકાલોને પકડી રાખવામાં આપણને અનેરો આનંદ આવે છે. નશો ચડે છે. સા વિદ્યા યા વિમુક્તયેનું સૂત્ર આપણે દેશનિકાલ કરી દીઘું છે. શિક્ષણ એ છે કે જે સ્વતંત્ર બનાવે, જે જૂનું તોડીને નવું રચનારા સાહસિકો પેદા કરે. એજ્યુકેશન ફ્રીડમ આપે, તો ક્રિએટિવિટી આવે, તો પર્સનાલિટીની તેજ ધાર નીકળે, તો ઉક્રાંતિ થાય, મા-નવ નિર્માણ થાય.

૨૦૧૧માં શિક્ષણ ઉપરની એક કાચીપાકી સફળ થયેલી ફિલ્મ આવી : ફાલતુ, રેઢિયાળ રીતે બનેલી આ ફિલ્મમાં કલાઈમેક્સના સોંગના શબ્દો-કોરિયોગ્રાફી સિવાય કશો ભલીવાર નહોતો. ફિલ્મની થીમ ઘણાને ગમી ગઈ. એમાં વિદ્યાર્થીઓની ધૂટન અંગેનો બળાપો છે. જડ સીસ્ટમ સામેનો બળવો છે. ફિલ્મ મૌલિકતાનો, ચાલુ ચીલાને છોડી પોતાની આગવી રાહ જાતે મનગમતી રીતે કંડારવાની વાત કરે છે. અંદરની ઓરિજીનલ ટેલન્ટની પહેચાન કરી આગળ વધવાનો સંદેશ આપે છે.

કલેપ કલેપ કલેપ. તાલીયાં. હવે આવો સંદેશ આપતી આ ફિલ્મ પોતે જ ૨૦૦૬ની હોલીવૂડ ટીન ફિલ્મ ‘એકસેપ્ટેડ’ની ૦.૫ મેગાપિકસેલના ચાઈનીઝ મોબાઈલ વીજીએ કેમેરામાંથી પાડેલી તસવીર જેવી નબળી નકલ છે ! એકસેપ્ટેડ (અનાવૃત, ૬/૬/૨૦૦૭  – હવે આખો લેખ વાંચો પુસ્તક “જય હો”માં) જો હીરો હતી, તો ફાલતુ એ કાચ છે. કારણ કે, પ્રેરણા લઈને પણ પછી બાકીનું ‘પૂરણ’ મૌલિક રાંધી શકે એવા સલીમ-જાવેદની કક્ષાના લેખકો આપણી પાસે રહ્યા નથી. એટલે જેટલું સારું હોય એ ઓરિજીનલમાંથી તફડાવેલું હોય છે, અને જેટલું ભંગાર હોય એ કોપીરાઈટનો કેસ ન થાય માટે જાતે વિચારેલું (!) કબાડીખાનું હોય છે. એકસેપ્ટેડ પાસે એક વોઈસ હતો પોતાનો, ફાલતુ પાસે ઘોંઘાટ છે.

મુદ્દો તો એ છે કે શિક્ષણમાં મૌલિક ક્રાંતિની વકીલાત કરતી લોકપ્રિય હિન્દી ફિલ્મ ખુદ જ મૌલિક નથી ! વિદેશી ફિલ્મની બેઠ્ઠી ઉઠાંતરી છે ! આ તો પ્રામાણિકતાનો નિબંધ બાજુવાળા (કે વાળી !) ની ઉત્તરવહીમાંથી જોઈને લખવાની વાત થઈ ! (પાછા પ્રેક્ષકો….ઉફક પરીક્ષકો એના પૂરા માર્કસ પણ આપી દે !) આ છે સવા અબજના દેશનું ક્રિએટિવ એન્ડ મોરલ સ્ટાન્ડર્ડ ? ક્યાં સુધી ઉધાર વિચારોને આપણે ‘રિસર્ચ એન્ડ એજ્યુકેશન’ કહીને જાતને છેતરીશું ?

આપણી ‘કંટ્રોલ ફ્રીક’ (અંકુશઘેલી) સોસાયટી એઝ્‌યુકેશનને એક જૂનવાણી ઢાંચામાં ફિટ કરીને રાખવામાં જ સલામતી સમજે છે. ઉચ્ચ શિક્ષણ રોજે રોજના બોજ માટે નથી. જીજ્ઞાસાની મોજ અને જ્ઞાનની ખોજ માટે છે. બીબાંઢાળ પરીક્ષાઓનો અતિરેક યંગથીંગ્સનું હીર ચૂસીને બેનૂર બનાવે છે. એકઝામના ટેન્શનમાં ડિપ્રેશન વધે છે. બધા જ લોકો જીનિયસ નથી હોતા. પણ તો બધા જ લોકોએ સતત પહેલાં નંબરે પાસ થવાની ખોટી આશાઓ પણ છોડતા શીખવું પડે. નહિ તો રાવજીની ‘રાવ’ ( ફરિયાદનો પોકાર)ને બદલે ‘પાર્ટી અભી બાકી હૈ’માં ડોલવામાં વઘુ રસ પડે. અને બાય ધ વે, એ હિટ સોંગ પણ બ્લેક આઈઝ પીના ‘માય હમ્પ્સ’ ગીતને ખાસ્સું મળતું આવે છે ! કોરી પાટી જેવા દાનવી દિમાગોમાં સાચા શિક્ષણની પાર્ટી હજુ શરૂ થવાની જ બાકી છે !

ઝિંગ થિંગ !

ધબકી રહેલા માણસો અમને ગમ્યા નથી.

પથ્થર બનાવી પૂતળાંઓ ખોડીએ છીએ ! (કરસનદાસ લુહાર)

 
38 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 21, 2013 in education, india, science, youth

 

બોઝ-બેઝ

bose1

આજના આ સ્પેકટ્રોમીટરનાં લેખમાં અમર ગોપાલ બોઝ  વિષે વાંચ્યું હશે. ના હોય તો પહેલા એ વાંચી લો, પ્લીઝ.  કારણ કે આ પોસ્ટ એની પુરવણી રૂપે છે.

જેમને સાયન્સ, રિસર્ચ અને એજ્યુકેશનથી મળતી સફળતામાં જેન્યુઈન રસ છે, એમના માટે બોઝબાબુને લગતી થોડી અગત્યની પુરક માહિતી.

* અમર બોઝનું એક જ્ઞાનથી છલોછલ પ્રવચન :  અહીં ક્લિક કરી સાંભળો 

* અમર બોઝનું વધુ એક એવું જ વ્યાખ્યાન :    અહીં ક્લિક કરી સાંભળો

* અમર બોઝના જીવન-‘કવન’ની કહાણી, અહીં વિડીયોબદ્ધ છે : મેઈડ ઓફ ઇન્ડિયા

* અહીં આ પેજ પરની તમામ લિંકસ વન બાય વન વાંચો, અને લાઈવ નિહાળો…વિદેશમાં રોડ પર ખાડા ઓછા હોવાને લીધે અને ભારત જેવા દેશોમાં એ માટે ખર્ચવાના પૈસા ઓછા હોવાને લીધે ઉમદા હોવા છતાં હજુ સાચા ‘રસ્તે’ના ચડેલી અનોખી સસ્પેન્શન સીસ્ટમનો સરળ ચિતાર :  સસ્પેન્સ ઓફ કાર સસ્પેન્શન

*કેવી રીતે કામ કરે છે , બોઝ ૯૦૧ સ્પીકરની અમર ટેકનોલોજી ? : અહીં ક્લિક કરી વાંચો

*કેવી રીતે કામ કરે છે સરાઉન્ડ સાઉન્ડ ? : અહીં ક્લિક કરી વાંચો

*કેવી રીતે કામ કરે છે બોઝ ઓટોમોબાઈલ સાઉન્ડ સીસ્ટમ ? :  અહીં ક્લિક કરી વાંચો

* આ સૌથી અગત્યની લિંક છે, બોઝનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ કેવું હતું ?  : અહીં ક્લિક કરી વાંચો

* અમેરિકન લશ્કરમાં બોઝ સિસ્ટમનું પ્રદાન શું ? : અહીં નિહાળો

* બોનસ :ફિલ્મોના સાઉન્ડ વિષે મસ્ત માહિતી : અહીં ક્લિક કરી વાંચો

અને અમર ગોપાલ બોઝનો એક યાદગાર ઇન્ટરવ્યુ , સાયન્સ મેગેઝીન “ડિસ્કવર”માં ૨૦૦૪માં છપાયેલો :

 

Amar G. Bose, 74, founder, owner, and chairman of the Bose Corporation, rocked the automotive world in August by unveiling a suspension system that could make all others obsolete. It uses computer-controlled electric motors to effectively cancel a road’s bumps and dips, giving occupants a glass-smooth ride. The system, more than two decades in development, is expected to show up on cars within four years. It may seem like an unlikely breakthrough from what many regard as a high-end speaker company, but since its founding in 1964, Bose has conquered science and engineering challenges in a variety of fields. The company, which employs 8,000 people, reflects its maverick founder and offers a unique model for revitalizing American corporate research and development. Bose was a professor of electrical engineering at MIT for 45 years.

Your father was from Calcutta and was a vocal opponent of British rule in India. When did he come to the United States?

B: He arrived at Ellis Island in 1920 with five dollars in his pocket.

Your mother was American. Was your upbringing more Indian or American?

B:  We had a small house in suburban Philadelphia, and Indian people would come stay with us for days, weeks, or months. The food we ate was Indian, and both my mother and father were very deep into the ancient philosophy of India, so it could well have been an Indian household. There were challenges. The prejudice was so bad in the United States at that time that a dark person with a white person would not be served in a restaurant. My father, mother, and I would try it occasionally. We would sit there, and the food would never come. My father would ask for the manager. He would pretend to be an African American because the prejudice was against them, not Indians. He would say in a quiet voice: “I notice that we are good enough to earn money to cook the food, good enough to earn money serving the food, good enough to give our lives in the war for our country. Could you explain to me why it is that we are not good enough to pay money and eat the food?” When he spoke in a quiet voice like that, everyone in the whole restaurant would fall silent, too, and listen to it. Then he would say to my mother and me, “It is time for us to go.”

You admired him?

B: Yes. He lectured from Philadelphia to Washington, D.C., for 15 years for the Indian underground movement, describing the atrocities he had seen under British rule in India that were not unlike those in Nazi Germany.

When did you get into electronics?

B: I joined the Boy Scouts when I was 12. One of the other scouts had a radio transmitter. I learned that if I correlated the parts in the transmitter with a diagram, I could learn to read schematic drawings. At 13, I realized that I could fix anything electronic. It was amazing, I could just do it. I started a business repairing radios. It grew to be one of the largest in Philadelphia.

When you went to MIT to study electrical engineering in 1947, what was your goal?

B: I really wanted to do research. That has never changed.

When did you get into acoustics and speaker design?

B: I had studied violin from age 7 to 14. I loved music, and in my ninth year at MIT, I decided to buy a hi-fi set. I figured that all I needed to do was look at the specifications. So I bought what looked like the best one, turned it on, and turned it off in five minutes, the sound was so poor. I was so curious to find out why. In the spring of 1956, I went to India to teach on a Fulbright scholarship, and I read about acoustics at night. In a concert hall, only a tiny bit of the sound comes to you directly; most of it arrives after many reflections from the surfaces of the room. Only about 2 percent of the sound is absorbed with each reflection, so there are many, many reflections. Yet people had been designing loudspeakers that only radiate forward. We did experiments with the Boston Symphony for many years where we measured the angles of incidence of sound arriving at the ears of the audience, then took the measurements back to MIT and analyzed them.

When you started your company in 1964, was your intention to do research?

B: Yes. That’s still the case. One hundred percent of our earnings are reinvested in the company, and a great deal of that goes to research.

Did you have lean times because of that commitment?

B: Sure. There were a couple of times when we were within two weeks of being nonexistent. We passed narrowly over the fire.

Couldn’t you have survived by going public?

B: Yes, but that would have destroyed everything.

You would rather have let the company die than go public?

B: Yes. There was a time when I was wondering about this business of going public, so I visited about a half-dozen companies in the Boston area, all of them formed by MIT faculty and all had gone public. Every one of those CEOs said: “If only we had known the consequences, we never would have gone public. We are spending two-thirds of our time on image building to keep the stock price up.”

Are you the sole owner?

B: Well, I own the vast majority.

So you can set any research goal you choose?

B: Yes. I formed this company solely for the excitement of doing really unique research.

Talk about your nonaudio research.

B: Well, one was cold fusion. Martin Fleischmann and Stanley Pons came out with this result [that power-producing atomic fusion reactions could occur at subthermonuclear temperatures] in 1989. I went to a conference at MIT where the chemists and the physicists were literally shouting at one another about it. I said, by God, I am going to assemble a team and find out if this exists or not. We worked for two years. We spent a year simply perfecting measuring systems. Then we repeated experiments that had been done by others. We verified an experiment similar to that of Fleischmann and Pons and were about to break out the champagne bottles. But then one of our team members checked a recombinant [chemical] reaction that had been regarded by everyone else as negligible in this type of experiment. Bang, there was the energy. Take that out and all of the experiments came to zero. The paper we produced had a significant impact.

But this yielded nothing to the Bose Corporation’s bottom line?

B: That’s right [laughs]. But it was interesting.

What about other research?

B: It used to be that the systems that amplified audio signals or converted power were very inefficient. I got interested because one day in 1960 I was lying on my couch, and there was a 100-watt stereo amplifier near my head, and it was pouring out huge quantities of heat. I thought, my God,

isn’t there a way to design an amplifier that does not boil you when you listen to it? That heat was a result of inefficiency. We came up with a technology that can bring efficiencies into the 90 percent range. All military and most commercial aircraft use our designs that process power from jet engines.

What about the auto-suspension research?

B: All of the other attempts to look at an automotive suspension focused on the hardware first—for example, how do you optimize the performance of a hydraulic system? We did it differently. We chose to determine mathematically the best that a system’s performance could be. Only then did we embark on a search for how to do it. We looked at all of the other technologies that were and are available, and the only way to do it was electromagnetically, the linear-motor approach.

It wasn’t easy, was it?

B: No, we spent 24 years on this project.

There aren’t many companies that would invest 24 years on any project.

B: Research in this country is going down. Prior to World War II, the United States was rather poor in research; that’s why radar was invented in England and Germany. We learned the value of research in World War II. But today the quickest way to save your bottom line is to cut off research. In the automobile industry, for example, the average CEO’s tenure is just 4.7 years, so the money you spend on research won’t help while you are CEO. That’s why there is great pressure to do something that will sell now, but on a national basis this kind of ethic is very dangerous.

Do you feel that you, personally, are as creative as you’ve ever been?

B: Yes, it is still what I love. The excitement level for me working on projects is really not a bit different from when I was 26.

You are 74. What will ultimately happen to the company?

B: I’m forming a charitable institution for education. At MIT, I had the good fortune for seven years to teach network theory, which is basic to many disciplines, to one-third of the undergraduate student body. It was an experiment to see how high we could bring their level of understanding, and it exceeded all of my expectations. I hope that the institution will succeed in maximizing students’ potential in the same way. I will give all of my stock to this institution. It will own the Bose Corporation and be funded by the Bose Corporation.

bose2

 
 

સુપરમેન : વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી…

ઉપ્સ, ગરબડગોટાળો !મૂળ તો આ રવિવારે સ્પેકટ્રોમીટરમાં નવી રિલીઝ થયેલી સુપરમેન ફિલ્મ ( મેન ઓફ સ્ટીલ ) પરના લેખના અનુસંધાનમાં અગાઉની ફિલ્મ ( સુપરમેન રીટર્ન્સ – જે એની ટીકા છતાં મને તો ખુબ ગમેલી..સરસ રોમેન્ટિક એન્ડ રિયલ ફિલ્મ હતી ) રિલીઝટાણે લખેલા બે લેખો અહીં બ્લોગ પર મુકવાના હતા કારણ કે એમાંના એક નિરીક્ષણનું અનુસંધાન વર્તમાન લેખમાં હતું. ( જાતે જ પીઠ થાબડી લેવાનો મોકો ય 😉 lolzzz ) સતત પ્રવાસને લીધે બે લેખો સેવ કરીને રવિવારે અપલોડ કરવા રાખેલા. પણ ભૂલમાં જુનો અનએડિટેડ ડ્રાફ્ટ જ ક્લિક થઇ ગયો. પછી એ જોવાયું જ નહિ. હજુ ભુજ આજ રાતના કાર્યક્રમ માટે જવાનું છે એમાં જેમ તેમ કરી ટાઈમ કાઢી આ ડેમેજ કંટ્રોલ કરી લઉં છું. સોરી ફ્રેન્ડસ, ટાઈપની ભૂલો ને કોઈ પૂર્વાપર સંબંધ વિના જ રજુ થઇ ગયેલા બે લેખો માટે. હવે નવો લેખ પણ જરૂરી કાપકૂપ સાથે એમાં લિંક આપ્યા ઉપરાંત પણ જોડી જ દીધો છે. જેથી સળંગ સમગ્ર વાંચી શકાય. ત્રણે લેખો એકસાથે જોડ્યા છે, પણ કલર ટોન ડિફરન્ટ રાખ્યો છે. ટાઈપિંગની ભૂલો ગઈ કાલે હતી, એ શક્ય તેટલી સુધારી લીધી છે. ડેરડેવિલ, ઈલેકટ્રા વાળો જસ્ટીસ લીગનો જૂની ભૂલનો સુધારો સૂચવવા માટે રીડરબિરાદર ભાવિનનો સોરીસહ આભાર 🙂

પહેલા બે લેખો તો મેં હું ૨૦૦૬માં જર્મની હતો, ત્યાં બેઠા બેઠા લખ્યા હતા. ત્યારે બ્રાયન સિંગર એક્સ મેનથી અને ક્રિસ્ટોફર નોલન બેટમેન બિગીન્સથી કોમિક બૂક કેરેક્ટરના ફિલ્મી અવતાર માટે જાણીતા યુવા નામો હતા. સિંગરનો સુપરમેન ઓછી એક્શનનાં લીધે બ્રાન્ડોન રૂથ દંતકથામય અને સુપરમેન બનવા જ અવતરેલા ક્રિસ્ટોફર રીવ પછી સારો સુપરમેન હોવા છતાં ફિલ જોઈએ તેટલી સફળ નાં થઇ, અને નવી ફિલ્મ નોલાને લખી ને પ્રોડ્યુસ કરી. સાત વરસમાં તખ્તો પલટાઈ  ગયો. સિંગર હવે વુલ્વરીન લઈને આવે છે. પણ નોલાન આગળ નીકળી ગયા. સુપરમેનમાં ભરપુર એક્શન ઉમેરવા ઝેક સ્નાઈડરને સાથે રાખીને. જેમને પહેલી વાર લોઈ લેનને અગાઉથી જ બધા રહસ્યોની ખબર હતી એવું લોજીક પણ બતાવ્યું છે , અને સુપર પાવરની સુપર સાઈડ ઈફેક્ટ પણ હોય એવું તબાહીનું નુકસાન પણ !  એમ તો એમાં એક સેટેલાઈટ પર બ્રુસ વેઇનનો  લોગો બતાવ્યો છે, અને એક બિલ્ડીંગ પર લેક્સ લુથરની કંપનીનું સાઈનબોર્ડ છે. 

સુપરમેનની પહેલી અને બીજી ક્લાસિક ફિલ્મ્સ મેં મમ્મી-પપ્પાની આંગળી ઝાલી, એ વખતે રાજકોટ ગેલેક્સીમાં જોઈ છે. એના ઘણા કોમિક્સનું કલેક્શન આજે ય મારી પાસે હિન્દી /ગુજરાતી / અંગ્રેજીમાં છે. ફોરેનનો ફિલ્મથી પરિચયમાં આવેલો એ પહેલો સુપરહીરો હતો.  અને એ રીતે એ સદાય સ્પેશ્યલ છે. પણ આ પોસ્ટ ફક્ત કોમિક બૂક સુપરહીરોના ફેનની નથી. એથી આગળના ઘણા જીવનઉપયોગી અર્થઘટનો એમાં છે ! 


ss1

કઈ સાલ પહલે કી એક બાત હૈ…!

આપણે ત્યાં આઝાદીની ચળવળો અને ગોળમેજી પરિષદો કે દાંડીયાત્રાઓ થવાની હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માનવીમાંથી ‘મહાત્મા બનીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા, એ અરસામાં અમેરિકામાં બે દોસ્તો સ્કૂલેથી ભાગીને ખેતરો અને ગુફાઓમાં અલગારી રખડપટ્ટી કરતા. એમની એક ફેવરિટ અવાવરૂ ગુફા હતી એક મિત્ર કેનેડિયન હતો, એનું નામ જો શૂસ્ટર અને બીજો અમેરિકન હતો એનું નામ જેરી સીગલ. એકને કલમ સાથે દોસ્તી, બીજાને પીંછી સાથે ! એક શબ્દોથી ચિત્રો દોરે, બીજો ચિત્રો બનાવી જોનારના મનમાં શબ્દો ઉભા કરે !`

એક રાત્રે ગુફામાં બેઠા-બેઠા બંનેને એક પાત્ર સર્જવાનો વિચાર ઝબુક્યો કોલસાથી એક આકાર ભીંત પર એમણે દોરવાનો શરૂ કર્યો. એક બોલે, બીજો સુધારા કરે.

ફાઇનલી 1932માં એ કેરેક્ટરના ઘાટ ઘડાઈ ગયા. લાડમાં જેને ‘જાંગીયો પેન્ટની ઉપર પહેરે તે’ એવો એ સુપરમેન રચાઈ ગયો એનું નામ અતિ પ્રભાવશાળી છતાં અતિ સરળ હતું. બસ, સુપરમેન ! બેઉ ભાઈબંધો જુવાન હતા ડિટેક્ટીવ કોમિક્સ (પછીથી ‘ડીસી` ઉર્ફે ડાલ્ટન કોમિક્સ)ને પોતાની ચિત્રવાર્તા વેચવા ગયા. પોતાના મૌલિક આઇડિયાની એમને ખુદને ખબર નહોતી, અને ભોળા સર્જકોની દગાખોર દુનિયાને કદી કદર હોતી નથી. કહેવાય છે કે શૂસ્ટર અને જેરી સીગલે સર્જેલું, ચિતરેલું, વિચારેલું સુપરમેનનું પાત્ર અને એની કહાણી ડીસી કોમિક્સે તમામ હક હિસ્સા સાથે, ફૂલ એન્ડ ફાઇનલ ફક્ત ત્રણસો એક ડોલરમાં ખરીદી લીધી પછીથી પણ કોઈ રોયલ્ટી નહિ ! 1938માં ‘એક્શન કોમિક્સ’ ના ટાઇટલ નીચે સુપરમેનનો પહેલો ઇસ્યૂ બહાર પડયો !

સુપરમેન કદી સુપરહિટ ગયા વિના રહે ખરો ? રાજાની કુંવરીની માફક જ એની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધવા લાગી… વર્ષો સુધી એ કોમિક્સની દુનિયાનો સરતાજ રહ્યો. સુપરમેન પરથી પછી ટીવી સીરીયલ્સ જ નહિ, ચાર-ચાર હોલિવુડ ફિલ્મો બની. સ્વર્ગસ્થ ક્રિસ્ટોફર રીવ એનું પાત્ર ભજવીને ઇતિહાસમાં અમર થઈ ગયો. 30મી જૂને, 2006ના રોજ  ‘સુપરમેન રીટર્ન્સ’ નામની પાંચમી ફિલ્મ જગતભરમાં રજૂ થવાના પડઘમ ગાજ્યા. 

પણ જગતભરના પીડિતોને અન્યાય દૂર કરનારો આ સુપરમેન પોતાના ઘડવૈયાઓનો અન્યાય આજીવન દૂર ન કરી શક્યો. સીગલ અને શૂસ્ટર બંને આ દુનિયામાં આજે પણ નથી. પણ એમના પાત્રથી કરોડો રૂપિયા રળી લીધા. કોમિક્સ કંપનીઓ, ટી.વી. ચેનલો, માર્કેટીંગ કંપનીઓ, ટોય કંપનીઓ, ફિલ્મ પ્રોડયુસરો એક્ટરો… બધાએ ! પરંતુ, એ બે બદનસીબોને એમાંથી ફૂટી બદામ પણ ન મળી ! એમણે તો ખોબે ભરાય એટલા દામમાં દરિયો ઉલેચાય એવો ખજાનો ખાલી કરી નાંખ્યો હતો. પાછળથી મિડિયાના અહેવાલો અને લોકજાગૃતિને લીધે એમને થોડું વળતર મળ્યું, પણ દુનિયા બદલી નાંખનારો એમનો – આઇડિયા એમની ભૂલે કે એમની ઉસ્તાદીથી ઉલ્લુ બનાવનારા શોષણખોરોની છેતરપીંડીને લીધે એમને ફળ્યો જ નહિ. સુપરમેન વેચાઈ ગયો, સીગલ-શૂસ્ટર ખોવાઈ ગયા !

* * *

સુપરમેનનું સર્જન થયું, એ કાળમાં પશ્ચિમી દેશોમાં સાયન્સ ફિક્શનનો નશો બરાબર ચડયો હતો. પણ સુપરમેન જેવું આધુનિક પાત્ર કોઈ સર્જી શક્યું નહોતું. સુપરમેનની કહાણી – સરળ છતાં (કે એટલે જ) સરસ રીતે ગૂંથાયેલી હતી.

ક્રિપ્ટન નામનો એક ગ્રહ હતો. દૂર આકાશગંગાના એ ગ્રહ પર પણ માણસો જેવી જ વસ્તી હતી. ત્યાં પ્રલયની સંભાવના આવી. સુપરમેન ત્યારે તો તાજું જ જન્મેલું બાળ હતો. એના માતાપિતાએ એને એક ‘સ્પેસ કેપ્સ્યુલ’માં મૂકીને અવકાશમાં મોકલી, પ્રલયમાંથી બચાવી લીધો. પોતે ભસ્મીભૂત થઈ ગયા. સુપરમેન ત્યારે માત્ર મામુલી બચ્ચા તરીકે એક નિઃસંતાન પ્રૌઢ દંપતીને પૃથ્વી પર (નેચરલી, અમેરિકામાં) મળી આવ્યો. એમણે અવકાશયાન પડતાં અચાનક મળી આવેલા બાળકને દીકરાની જેમ ઉછેર્યો. નાનપણમાં જ પોતાની અલૌકિક શક્તિઓનો સુપરમેનને અહેસાસ થયો એનામાં અપાર બળ હતું. એ પૂરપાટ ઝડપે પવનને ચીરીને આસમાનને ચૂમવા ઉડી શકતો. એની આંખોનું વિઝન એક્સ-રે વિઝન કપડા જ નહિ, કોંક્રીટની દીવાલો વીંધીને અંદર જોવા સક્ષમ હતું અને ‘ડેઇલી પ્લેન્ટ’ (જૂનું નામ ‘ડેઇલી સ્ટાર’) છાપામાં ચશ્મીસ ખડ્ડૂસ રિપોર્ટર ક્લાર્ક કેન્ટ તરીકે જોડાયો. મોટા શહેરમાં બનતા દરેક ક્રાઇમની ફોટોગ્રાફર દોસ્તી જામી પત્રકાર તરીકે એને ખબર પડે, અને ચપ્પટ પટિયા પાડેલા વાળ અને માસ્તરિયો કોટ-ટાઇ છોડી એ રેડ-બલ્યુ કલરના એવરગ્રીન ડ્રેસમાં દુશ્મન સામે જંગ છેડવા ઝૂકાવી દે ! સાથી રિપોર્ટર લુઈસ (લોઈ) લેન સાથે નવરાશમાં એ તારામૈત્રક રચે ! રૂડી રૂપાળી લુઇસને ક્લાર્ક કેન્ટ દીઠ્ઠો ન ગમે, પણ સુપરમેન પાછળ એ ઘેલી ઘેલી થઈને ફરે ! (સારઃ છોકરીઓને સુપરમેન સીધોસાદો, શાંત સ્નેહાળ પ્રેમી બનીને સાક્ષાત પ્રગટ થાય તો પારખતા નથી આવડતું, એમને આકર્ષવા માટે સ્ટાઇલ, પાવર એન્ડ ચાર્મ જોઈએ !)

સુપરમેન પૃથ્વી ગ્રહ પર ક્રિપ્ટન ગ્રહના બાળક કાલ-એલમાંથી સુપરમેન કેવી રીતે બન્યો ? એનું કારણ એવું અપાયું છે કે પૃથ્વીના પીળા સૂર્યને લીધે સુપરમેનના શરીર ફરતું ઊર્જા કવચ રચાયું. (સન ઓફ સન ગોડ ? ) એ એલીયન (બહારના ગ્રહનો) હોઈ અહીંના વાતાવરરણમાં કિરણોત્સર્ગી અસરને લીધે દિવ્ય શક્તિઓનો સ્વામી બની ગયો ! પણ સુપરમેનની નબળાઈ એના જ ગ્રહક્રિપ્ટનનો લીલો ક્રિપ્ટોનાઇટ પદાર્થ હતો, જેની હાજરીમાં એની તમામ શક્તિ હણાઈ જતી ! એના સુપર વિલન લેક્સ લૂથરને એ બરાબર ખબર હતી !

* * *

બીજા વિશ્વયુદ્ધને લીધે સુપરમેનને પ્રગટતા વેંત જ અપરંપાર સફળતા મળી. સુપરમેન થોડા દાયકાઓમાં તો ફેન્ટમ, ટારઝન, મેન્ડ્રેક, સ્પાઇડરમેન, બેટમેન જેવા લોકપ્રિય કોમિક હીરોઝને હટાવીને અમિતાભ બચ્ચન બની ગયો. એનો  અમેરિકન રાષ્ટ્રધ્વજમાંથી આવેલો એવો રેડ બ્લ્યુ કલરને પેપ્સીએ અપનાવી લીધો. એની નકલમાં કેટલાય નવા પાત્રોનું સર્જન થયું એ આજે પણ ચિત્રપટ્ટીનું પાત્ર નહિ બલ્કે એક વિશેષણ છે એની જેમ પાછળ લબાદો રાખીને ફરવાની કે કપાળે વાંકી લટ રાખવાની ફેશન ચાલી નીકળી. એની ફિલ્મના પણ ઉપરાછાપરી ચાર ભાગ બની ગયા ! સમય મુજબ લેખકો સુપરમેનની આજુબાજુનું બેકગ્રાઉન્ડ આધુનિક બનાવતા ગયા… સુપરમેન અમેરિકન સમાજનો ઇશ્વર થઈ ગયો !

પણ જમાનો બદલાયો, એમ જનરેશન ફાસ્ટ બનતી ગઈ. ધીરે ધીરે સુપરમેનના વળતા પાણી શરૂ થયા. હળવે હળવે એની ચિત્રવાર્તાઓ ઘટતી ચાલી. એ લગભગ બંધ પડી ગયા પછી – 1986માં જોન બેયર નામના લેખકે ડીસી કોમિક્સ માટે જ ‘મેન ઓફ સ્ટીલ’ તરીકે એનો પુનર્જન્મ કરાવ્યો. જૂના સુપરમેનની વાર્તામાં ઘણાં ફેરફારો સાથે મોડર્ન સુપરમેન રજૂ થયો. આ સુપરમેન ‘ટેસ્ટ ટયુબ બેબી’ તરીકે (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) જન્મેલો બતાવાયો હોઈને એ પૃથ્વી પરનો જ માનવી સિદ્ધ કરાયો… 1990માં સ્પેશ્યલ વેડિંગ આલ્બમ બહાર પાડીને એના લગ્ન કરાવ્યા (અફ કોર્સ, એની સ્વીટહાર્ટ લુઈસ લેન સાથે… આ કોમિક્સ છે, જીંદગી નથી કે એમાં પ્રેમ નિષ્ફળ જાય !) નવા ખલનાયકો આવ્યા બેટમેન, રોબિન, વન્ડરવુમન,ગ્રીન લેન્ટર્નસાથે સુપરમેનની દોસ્તી બતાવાઈ. ફ્લેશ ઇત્યાદિ સાથે મળીને ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા` (જે.એલ.એ.)ની સુપરમેને સ્થાપના કરી.

પણ કોમ્પ્યુટર યુગ પારણામાંથી પોકારો કરતો હતો. કોલ્ડવોર (રશિયા સાથેની) પૂરી થઈ ગઈ હતી. અમેરિકા સુપરપાવર બની ગયું હતું. હવે સુપરમેન એટલો મહાન દેખાતો નહોતો અંતે 1993માં ‘ડ્રમ્સ ડે` નામના વિલન સામે બાથ ભીડતા એને માર્યા પછી પ્રેમિકા લુઈસ લેનની બાહોમાં સુપરમેન મરી પરવાર્યો ! પછીથી ‘સુપરબોય` નામે એના ભૂતકાળના પરાક્રમો અને બ્લેક સિલ્વર ડ્રેસમાં ‘કાર્લ એલ` નામે એના બીજા ગ્રહના પરાક્રમો થોડા સમય પ્રગટ થયા પણ પછી બાળકો માટે વિડિયો ગેઇમ્સના નવા અજીબોગરીબ એબ્સર્ડ સુપરહીરો આવતા ગયા કાર્ટૂન નેટવર્ક, પોકેમોન, નવા સ્વરૂપે ફિલ્મોથી છવાયેલા બેટમેન અને સ્પાઇડરમેન… આમાં સુપરમેને રિટાયર થયા વિના છૂટકો નહોતો ! મેચ્યોર્ડ પબ્લિકને અતિશય પરાક્રમી ‘સુપરહીરો’ કરતાં ‘હ્યુમન હીરો’માં વધુ રસ પડતો, અને યંગ કિડ્સ માટે સુપરમેન આઉટડેટેડ હતો.

પણ દિગ્દર્શક બ્રાયન સિંગરે ખૂબ બધી તલાશ પછી બ્રોન્ડોન રૂથને લઈને ‘સુપરમેન રીટર્ન્સ’ ફિલ્મ બનાવી વર્ષો બાદ. ( જે જૂની વન અને ટુપછીની સિકવલ છે.થ્રી-ફોર નબળી હોઈ ને !)  એ સફળ છતાં થોડી નબળી પડતા હવે નોલન સ્નાઈડરે એને રીબુટ કરી કહાની એકડે એકથી માંડી છે ) કિંગકોંગ પાછો આવ્યો, સ્પાઇડરમેનને સુપર સક્સેસ મળી… એક્સમેને વિક્રમી કમાણી કરી છે ! માટે દેખીતી રીતે નવા સુપરમેન માટે તકો ઉજળી છે. જેમ્સ બોન્ડની માફક સુપરમેન બ્રાન્ડ ફરી સજીવન થશે ? ક્રિસ્ટોફર રીવને બદલે બ્રોન્ડોન રૂથ કે હેનરી કેવિલને લોકો નવો ચહેરો હોવા છતાં સ્વીકારી લેશે ? સુપરમેનની નવી ફિલ્મ કેવી હશે ?

આ બધા સવાલો કરતાં પણ વધુ અગત્યના કેટલાક સવાલો છે. સુપરમેનનું સપનું માનવજાતને કેમ આવ્યા કરે છે ? અમેરિકાની વાસ્તવિક જિંદગીમાં સુપરમેનનો કશો રોલ ખરો ? જગત માટે સુપરમેનનું પાત્ર કઈ રીતે કોમિક્સ હીરોથી જરાપણ વિશેષ સંદેશો લઈ આવે છે ?

***

superman_man_of_steel_by_cyrilt-d4rge9x

ગોડ ઈઝ ડેડ.

ઈશ્વર મરી ચૂક્યો છે – આ એક વાક્ય લખીને જર્મન ફિલસૂફ ફ્રોડરિક નિત્શેએ સર્જેલો ખળભળાટ હજુ શમ્યો નથી. અલબત્ત, આજે આ વાક્યની ચર્ચા કરીને સૂતેલા સર્પને છંછેડવો નથી. પણ ઈશ્વરનો ઇન્કાર કરનાર આ જીનિયસ ચિંતકે એક કલ્પના કરી હતી. એ હતી ‘ઓવરમેન`ની કલ્પના. ઈશ્વરમાં માણસ જે અલૌકિક શક્તિઓ આરોપિત કરે છે, એ ક્યારેક એ પોતે પણ ધરાવી શકે… એવો કંઇક એનો સૂર હતો. દેવતાઈ અવતારોની રાહ જોવા કરતાં માનવમાંથી જ કોઈ ગાંધી, આઈન્સ્ટાઈન, અમિતાભ કે કાસ્પારોવ જેવો ‘ઓવરમેન` પેદા થઇ શકે છે. નિત્શે કરતાં જુદા જ એવા આધ્યત્મિક એંગલથી મહર્ષિ અરવિંદે એમની ખૂબ જાણીતી એવી ‘અતિમનસના વિસ્તાર` વાળી વાત તરતી મૂકી હતી. માણસમાં પેઢી દર પેઢી વધુ સ્માર્ટ, વધુ તેજસ્વી બાળકો પેદા થતાં જાય છે. પૃથ્વી પર આવા પ્રચંડ મેધાવી પ્રજ્ઞાપુરુષો (અને અફકોર્સ સ્ત્રાeઓ)નું પ્રમાણ વધતું જશે અને નકામા, નિર્બળ, નિસ્તેજ, નિર્માલ્ય માનવીઓનું અસ્તિત્વ કુદરત જ ઘટાડતી જશે. (ડાર્વિન મીટ્સ ડિવાઇનિટી !) કોમ્પ્યુટરયુગના કદમ પછી આમ પણ માણસ વધુ હોશિયાર અને ચબરાક બનતો જતો હોય એવું નથી લાગતું ?

ખેર, બકરી અને માણસમાં ‘મેં… મેં… મેં…`નો ધ્વનિ સરખો જ નીકળે છે. કોમિક હીરો સુપરમેનના ડ્રેસ પર જો ‘એસ` લખેલો દેખાતો હોય, તો દરેક કોમિક જીંદગી જીવતા કોમનમેનની છાતી પર પણ કેપિટલ ‘આઈ` કોતરાયેલો હોય છે. અલબત્ત, એ કદી દેખાતો નથી ! સુપરમેનનું સપનું એ આપણો જ વિરાટ પડછાયો છે. અજેય, અભેદ્ય, આકર્ષક, અદ્ભુત અને અલૌકિક વ્યકિતત્વની માનસિક તલાશનો જવાબ !

* * *

ધાર્મિક પુરાણકથાઓ હોય કે વિદેશી કોમિક બુક…. દરેકના, અરે ફાલતુ ફિલ્મોના પણ વીરનાયકોમાં આટલી વાતો તો લાગુ પડવાની. સ્પાઇડરમેનથી ટારઝન અને હનુમાનથી હરકયુલીસ સુધી આ બધી વાતોના છેડા લંબાવીને ગૂંચળું વીંટાળી શકાય. પણ ‘સુપરમેન’ નામનો એક જમાનાનો અમેરિકાની ઓળખાણ જેવો હીરો આ બધી ફિલસૂફી ઉપરાંત પણ કંઈક જુદી જ માયા ધરાવે છે. આખી દુનિયા જેમાંથી બટકું ભરવા માંગે છે, એ ‘બિગ એપલ’ (ન્યૂયોર્કનું હુલામણું નામ) પણ એમાં છુપાયેલું છે, અને એની ડાળી જેવા યુ.એસ.એ.ના મેગ્નેટનું મેજીક પણ!

પૃથ્વી પરનો એકમાત્ર સત્તાવાર સુપરપાવર એવો દેશ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા` આખરે શું છે ? એનાં મૂળિયાં શું ? એનો ઇતિહાસ શું ? એની સંસ્કૃતિ શું ? ભારતમાં જ નહિ, યુરોપમાં પણ લોકો આ સવાલોને હંસીમજાક અને ટીકાટિપ્પણનો મુદ્દો બનાવે છે. પ્રમાણમાં પછાત ગણાતા ભારતથી લઇને હાઈ ટેક ગણાતા જર્મની… દરેક દેશની નવી પેઢી અમેરિકન કલ્ચરમાં કંઇક વિશેષ આનંદ અનુભવે છે. અમેરિકાના ખરા અસ્તિત્વને માંડ બે સદી થઇ છે, પણ જગતભરની નદીઓ આ સમુદ્રમાં ઠલવાઇ જવા માટે બે કાંઠે ઉભરાઇ જાય છે. અને એટલે જ યુ.એસ.એ.નું નામ છે : કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટસ ! પરદેશી પંખીડાંઓ ઉર્ફે બહારના વસાહતીઓનો દેશ ! ભારતીયો, ચાઈનીઝ, સ્પેનિશ, મેકસિકન, ફ્રેન્ચ, બ્રિટિશ, આફ્રિકન.. અમેરિકા દરેક પ્રજા, દરેક રંગનું છે !

લોહિયાળ આંતરવિગ્રહ અને વિકરાળ રંગભેદ જોઈ ચૂકેલા અમેરિકામાં મુખ્યત્વે આજે મહત્ત્વ વ્યકિત કઈ ભાષા, દેશ, રંગ કે જાતની છે, એનું રહ્યું નથી, મહત્ત્વ છે, એની ક્ષમતાનું, એની પ્રતિભાનું અને એની આવડતનો ઉપયોગ કરવાની તથા આર્થિક વળતર મેળવવાની આઝાદીનું ! દેશમાં યુ.એસ. વિઝા કોન્સ્યુલેટ સામે લાગતી લાંબી કતારો આ ‘લેન્ડ ઓફ લિબર્ટી`ની ઇમેજને આભારી છે. અમેરિકન કલ્ચર (જો એવું કંઇ હોય તો) શા માટે રવાના શીરાની જેમ લસરક દરેકના ગળે ઉતરી જાય છે ? મેકડોનાલ્ડસથી મિકી માઉસ શા માટે બધે જ એકસરખા લોકપ્રિય બને છે ? પોપસોંગ્સ, એમટીવી, ડાયનોસોર, હોલીવૂડ, હુ વોન્ટસ ટુ બી મિલિયોનર (કૌન બનેગા કરોડપતિ !), સિડની શેલ્ડન… આ બધાના ઝંડા કેમ માત્ર અમેરિકાને બદલે બધે જ લહેરાય છે ? એનાથી ક્યારેક વધુ ટેલન્ટ કે ક્રિએટિવિટી બીજા દેશોમાં હોવા છતાં દુનિયાથી દૂર સમંદરપાર બેઠેલા અંકલ સેમ (અમેરિકાનું લાડકું નામ)ની ગોદ કેમ બધાને વ્હાલી લાગે છે ? આઇન્સ્ટાઇન કે સ્પીલબર્ગ જેવા યહૂદીઓ અમેરિકન બને છે. ઓસ્ટ્રuલિયન મેલ ગિબ્સન કે નિકોલ કિડમેન અમેરિકન સુપરસ્ટાર ગણાય છે. બ્રાઝિલ, આર્જેન્ટિના ઇત્યાદિ દક્ષિણી દેશોના રિકી માર્ટિન કે જેનીફર લોપેઝ કે નીગ્રો કાર્લ લુઇસ અને મુસ્લિમ મોહમ્મદ અલી પણ અમેરિકન થઇ જાય છે. બ્રિટિશ જેમ્સ બોન્ડ અને ફ્રેન્ચ ઓપેરા અમેરિકામાં જીવંત છે. જર્મન ‘સિન્ડ્રેલા` અને આફ્રિકન ‘લાયન કિંગ` અમેરિકન છે !

આ કોયડો ઉકેલવાની ઘણી ચાવીઓ છે, જેમાંની એક ગુરુચાવી છે – સરલીકરણ ! સિમ્પ્લી ફેકેશન ! અમેરિકા પર હજારો વર્ષોના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસનો બોજ નથી. જેમ શાસ્ત્રીય સંગીત કરતાં રિમિક્સ પોપ વધુ સરળ લાગે છે, એમ અમેરિકન લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચર પણ સમજવા – અપનાવવામાં સરળ છે. દાખલા તરીકે, અમેરિકન ટ્રેડિશનલ ડ્રેસ શું ? જીન્સ-ટી શર્ટ ! અમેરિકન ટ્રેડિશનલ ફૂડ શું ? ઇટાલિયન પિત્ઝા ! અમેરિકન ઝંડાના રંગો પણ બ્રિટિશ છે. ભૂતકાળના નામે કોલંબસની એન્ટ્રી પછી ખતમ થઇ ગયેલા રેડ ઇન્ડિયન્સ છે.. અને બોલીવૂડ કે ભાંગડા પણ ત્યાં ગુંજી ઊઠે છે.

આવું કેમ થયું ? ફક્ત પ્રયત્નોથી થયું નથી. આપમેળે થયું છે. બિકોઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ એ નેશન ઓફ ઇમિગ્રન્ટસ ! માટે અવનવા દેશ અને બેકગ્રાઉન્ડના માણસોને સમજાય અને અપીલ કરે એવો જીંદગીની મોઝમજાનો નકશો તૈયાર થતો ગયો છે. પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી નીતારવાની… એક ‘મેલ્ટિંગ પોટ’ સર્જી દેવાની પ્રક્રિયા આસાન નથી. એમાં ઘણુ પીલાવું પડે છે. કાળા લોકો કે એશિયન લોકો રાતોરાત સ્વીકૃત નથી થયા… હજુ પણ બહારથી સ્વસ્થ દેખાતા શરીરમાં અંદર શ્વેતકણો અને રોગના જંતુઓ વચ્ચેનું યુધ્ધ ચાલુ જ છે.

* * *

સુપરમેનનું પાત્ર દાર્શનિક રીતે અમેરિકન જીવનમાં આ ‘ઇમિગ્રન્ટસ`નું પ્રતિનિધિત્વ કરે છે. સુપરમેન ઉર્ફે કાલ એલ ઉર્ફે કલાર્ક કેન્ટ અમેરિકન બોર્ન સિટિઝન નથી ! એ દૂરની આકાશગંગાના ગ્રહ ક્રિપ્ટનનો વતની છે ! એના મૂળ, એનું કુળ, એની ખરી ભાષા, એનું ખરું કુટુંબ બધું જ અલગ છે. એના ગ્રહમાં જે સામાન્ય ગણાય એવી બાબતો પૃથ્વી પર અસામાન્ય શક્તિરૂપ ગણાય છે ! એને એની આગવી ઓળખાણ – ‘સ્પેશ્યલ આઇડેન્ટીટી` અમેરિકામાં (કે ધરતી પર) મળે છે, માટે હવે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ એને પોતીકા લાગે છે. છતાં ય ઘણી વખત પોતે પૃથ્વીવાસી નથી, એ સત્ય નકારાત્મક રીતે (મોટે ભાગે ખલનાયકો દ્વારા નબળાઇ તરીકે) એની સામે વિકરાળ મોં ફાડીને ઉભું રહે છે ! એ વખતે જગત ઉપરાંત ટકી રહેવા માટે એણે જાત સાથે પણ લડવું પડે છે. એની પ્રેયસી લોઇ લેને પણ આ સત્ય સ્વીકારીને એને પ્રેમ કરવો પડે છે… અને એક ‘બહાર`નો માણસ અમેરિકન જીવનમાં લોકપ્રિયતા, પ્રેમ, પરિવાર, પ્રતિષ્ઠા બધું જ મેળવે છે. એ અમેરિકન સિટીઝન બનીને અમેરિકાના દુશ્મનો સામે લડે છે.

પણ સુપરમેનની લડત જ્યોર્જ બુશ જેવી પૂર્વગ્રહ કે સ્વાર્થપ્રેરિત નથી. એ બાળકોનો નાયક છે, ચૂંટણીનો નેતા નથી. એ લડે છે ન્યાય, સત્ય અને શંિતની ખાતર ! જે વળી બીજી રીતે જોઈએ તો પરમેશ્વરના પાશ્ચાત્ય પ્રતિનિધિ એવા ઇસુ ખ્રિસ્તનો સંદેશો છે. બાઇબલની કથાઓ અને ચર્ચના પોલિટિકસને બાજુએ મૂકો તો આ ગાંધીજીના સંદેશ જેવી ‘યુનિવર્સલ’ વાત છે. જાનના જોખમે પણ સુપરમેન આ મૂલ્યોને વળગી રહેવાની કોશિશ કરે છે. અને એ સંઘર્ષમાં પરિવારને પણ દાવ પર લગાડીને મોતના મુખમાં પહોંચે છે. ‘મેન’માંથી ‘સુપરમેન’ બનેલા મહાત્મા મોહનદાસ ગાંધીએ પણ આ જ પરાક્રમ કરી બતાવેલું ને ?

સુપરમેનના કેરેકટરની એક ઓર સ્પેશ્યાલિટી પણ છે, જે રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં આબાદ ઉપસાવી હતી. એક નાના ગામડાનો માણસ મોટા શહેરમાં આવીને પોતાની જાતને સાબિત કરવાનો જંગ છેડે એ વાત ભારત આસાનીથી સમજી શકે છે. ગંગા કિનારેવાલા કંઇક છોરાઓ આજે મુંબઇના ‘મોટા માણસો` બની ગયા છે. ચરોતરનાં ગામડાંઓમાં રહેતા પાટીદારો ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા જઇને પોતાનો પાવર બતાવે છે. અભણ પટેલો પરદેશમાં કોઠાસૂઝ અને આપબળના જોરે મોટા વેપારી બની જાય છે. દક્ષિણ ભારતના લૂંગીધારી ગામડિયાઓ બિલ ગેટની ‘સિલિકોન વેલી’ના સર્જકો બને છે. પંજાબ દા પુત્તરો સરસોં કા ખેતમાંથી નીકળીને દુનિયા હલાવી દે છે.

જર્મનીના જ નહિ, યુરોપના આર્થિક મહાનગર ગણાતા ફ્રેન્કફર્ટના ગગનચુંબી સ્કાયક્રેપર્સની ટોચે આવેલી ઓફિસમાં મેકેન્ઝી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી જેવી વિરાટ કંપનીના ડાયરેકટર ક્રિસ્ટોફ વોલ્ફ બેઠા છે. એ વારંવાર ભારત આવે છે. ભારતીય વાનગીઓ રાંધી જાણે છે. અને એમને લાલુ પ્રસાદ યાદવ એકદમ ફની અને લવેબલ પોલિટિશ્યન લાગે છે ! લાલુને વગર કારણે પણ કોઇ પરદેશી શા માટે યાદ કરે ? કારણ કે, લાલુએ એક બ્રાન્ડ ઉપસાવી છે. ‘ગમાર દેહાતી’. મોટા શહેરોમાં જઇને સિક્કો જમાવે એની ઓળખના જોરે એણે મત ઉસેટયા છે. માટે અંગ્રેજી આવડતું હોવા છતાં એ બોલે નહિ, હજામ હાજર હોવા છતાં હેરસ્ટાઇલ ફેરવે નહિ !

નાના ગામમાંથી મોટા શહેરમાં વટ પાડી દેવાની વાત બહુમતી જનતાને હીરોઇક લાગે છે. આ પણ એક બહુ મોટું યુધ્ધ છે, અને એના વિજેતાઓ સલામીને લાયક છે ! સુપરમેન પણ ‘સ્મોલવિલે’ નામના નાનકડા ગામમાં ઉછરેલો છે. અને પછી ‘મેટ્રોપોલિસ’ (જે દેખાવે અને સ્વભાવે ન્યૂયોર્ક જ છે !) જેવા કાલ્પનિક મહાનગરમાં સુપરમેન તરીકે સ્થાપિત થાય છે ! ‘સ્મોલ’થી જે ભડવીર નર કે નારી ‘મેટ્રો’ સુધી પહેચાન બનાવીને પોતાના જૌહર બતાવે – એ દરેક સુપરમેન કે સુપરવુમન છે.. ભલે ને એમની કોમિકબૂક, ટીવી સિરિયલ કે ફિલ્મો ન બને…. કે આવા લાંબાલચ વિશ્લેષણવાળા લેખો એમના પર ન લખાય !

***

man_of_steel_wallpaper_3_0_by_estogarza-d4e2nmj

 

બરાબર ૭ વર્ષ પહેલાં ‘ગુજરાત સમાચાર’માં ૨૦૦૬ની સાલમાં આ જ અરસામાં ‘સુપરમેન’ પર લખેલા આ લખવૈયાના લેખના આ અંશો છે. એ વખતે ‘સુપરમેન રિટર્ન્સ’ ફિલ્મ રીલિઝ થવાના રણશિંગા ફુંકાતા હતા ત્યારે  સુપરમેન ફ્રેન્ચાઇઝી રિબટ કરી ક્રિસ્ટોકર નેલાન જેવા ક્રિએટિવ જીનિયસ (ડાર્ક નાઇટ સીરિઝ, મેમેન્ટો, ઇન્સેપ્શન, પ્રેસ્ટિજ વગેરે)ને રાઇટર-પ્રોડયુસર તરીકે લઇ એકશનમેન ઝેક સ્નાઇડરને (૩૦૦, વોચમેન, સકરપંચ) ડાયરેકટર તરીકે લેવાનો વોર્નર બ્રધર્સનો કોઇ પ્લાન નહોતો.

સો નેચરલી, રિલિઝ થતા વેત અમેરિકા અને ભારતમાં પણ બોક્સ ઓફિસ પર સુપરપંચથી ભુક્કા બોલાવતી સફળતા મેળવી રહેલી ‘મેન ઓફ સ્ટીલ’ ફિલ્મના ગર્ભાધાનની પણ પહેલા એમાં સુપરમેનના ચરિત્રના જે પાસા પર ભેજાભાજોએ ભાર મુક્યો છે, એની ચર્ચા સાત સમંદર પાર ગુજરાતી ભાષામાં આગોતરી જ થઇ ચુકી છે ! મેન ઓફ સ્ટીલ ન બનો, તો યે બ્રેઇન ઓફ સ્કિલ બનો- યારો, જમાનો સુપરથોટ્સનો છે !

અને ધૂમધડામની વચ્ચે પણ કશીક ઉમદા થોટફૂલ વાત કહેતી ફિલ્મ જોયા પછી થોટ્સ આવવા સ્વાભાવિક છે. વાત ફક્ત ફિલ્મની પણ નથી. વાત તો ધ સુપરમેનની છે. એક એવો કેમિક્સ આઇકોન જે અમિતાભની જેમ અલ્ટીમેટ મહાનાયક છે. જે દેશ અને પેઢીઓની ઉંમરની સરહદો વટાવીને પણ પોતાના કાલ્પનિક અસ્તિત્વનો વાસ્તવિક વિજયવાવટો ફરકાવવા સક્ષમ છે. બચપણમાં ગુજરાતના ગામડા સુધી આ ડીસી કોમિક્સના સહકારથી ‘સ્ટાર કોમિક્સ’માં જેની કથાઓ ફેન્ટમ-મેન્ડ્રેકની માફક ગુજરાતી- હિન્દીમાં પણ ડીએનએ પર ઇમ્પ્રિન્ટ થઇ ચૂકી છે. ભલે સ્પાઇડર-નોલાન એને પ્રયત્નપૂર્વક પોતાના ડાર્ક-ગ્લૂમી- ઉડી ગયેલા ઝાંખા રંગોવાળા બેટમેન / ૩૦૦ વિશ્વમાં એની ફિલ્મ લઇ આવ્યા, કારણ કે એ આજકાલ ‘ચાલે’ છે.

પણ આ સુપરમેનનું અસલી વિશ્વ નથી. સુપરમેન કોમિકસના પાનાઓ પર પણ બ્રાઇટ, વાઇબ્રન્ટ રંગોની છોળો છવાયેલી રહેતી. એ મેઇનસ્ટ્રીમ હીરો હતો. જયારે સુપરમેન ન હોય ત્યારે ‘ડેઇલી પ્લેનેટ’ અખબારમાં કલાર્ક કેન્ટ તરીકે કામ કરતો. એમાં ય ચશ્મા પહેરે કે વાંકડિયા ઝૂલ્ફાવાળા વાળને પાથી પાડે એમ એ ન ઓળખાય એવું ન્હોતું. કારણ કે, સુપરમેન ચહેરો માસ્કથી ઢાંકનારો હીરો નથી. પણ કલાર્ક કેન્ટની પર્સનાલિટી જ સુપરમેનથી સાવ ઓપોઝિટ હોય. એ ગફલતો કરતો ગૂફી, નર્વસ એવો નરમ, હ્યુમરસ એવો હસમુખો ને ડિસીપ્લીન્ડ એવો ડાહ્યોડમરો જ હોય! એટલે એના પર શંકા જ ન જાય!


પણ સુપરમેન કોમિકસ સુપરહીરોઝના યુનિવર્સમાં, કહો કે ઓલ્ટરનેટ રિયાલીટીમાં સ્પેશ્યલ છે. આ વર્ષે જયારે ૧૯૩૮માં એનું બે જવાન છોકરાઓએ સર્જન કર્યું, એને ૭૫ વર્ષ થઇ રહ્યા છે, ત્યારે પણ એ એકો અહમ, દ્વિતીયો નાસ્તિ જેવો જ અજોડ રહ્યો છે. એ કેવી રીતે મેચલેસ, એકસકલુઝિવ છે- એનો બહુ જ સચોટ ખુલાસો જીનિયસ ફિલ્મમેકર કવાન્ટીન ટેરેન્ટીનોએ એની સુપર એકશન થ્રીલર ફિલ્મ “કિલબિલ”ના બીજા ભાગના એક સંવાદમાં આપ્યો છે : 

દરેક સુપરહીરોની દંતકથામાં એક સુપરહીરો હોય છે, અને એક એનો ઓલ્ટર ઇગો. (યાને દુનિયાને દેખાડવાનું એક સ્વરૂપ, બીજી પહેચાન!) બેટમેન ખરેખર તો બ્રુસ વેઇન છે. સ્પાઇડરમેન- વાસ્તવમાં પીટર પાર્કર છે. એ જયારે સવારે ઉઠે છે, ત્યારે પીટર પાર્કર છે. એણે સ્પાઇડરમેન બનવા કોસ્ચ્યુમ પહેરવો પડે છે. (ડિટ્ટો ફેન્ટમ, આયર્નમેન, હલ્ક, કેપ્ટન અમેરિકા, કેટ વુમન ઇત્યાદિ) અને અહીં સુપરમેન એકલો બીજાથી અલગ ઉભો છે. ટટ્ટાર, સુપરમેન તો જન્મજાત જ સુપરમેન છે. એ જન્મ્યો છે જ સુપરમેન તરીકે (જેમ કે, ભારતના ચમત્કારિક અવતારો) એ સવારે ઉઠે છે ત્યારે પણ સુપરમેન જ હોય છે. આમ આદમી કલાર્ક કેન્ટ બનવું એ એનો ઓલ્ટર ઇગો છે! એનો છાતી પર એસ લખેલો સૂટ (જેમાંથી હવે આમ પણ લાલ અન્ડરવેર છેલ્લી ફિલ્મમાં નીકળી જતા એ ડ્રેસ જ અન્ડરવેઅર બની ગયો છે!) એના કાયમી કપડા છે. જે કલાર્ક કેન્ટ પહેરે છે, એ ચશ્મા, ફોર્મલ સૂટ-ટાઇ, હેરક્રીમ એ છેતરામણો કોસ્ચ્યુમ છે. જે એ એટલે પહેરે છે કે એ માનવજાત સાથે ભળી શકે. અને કલાર્ક કેન્ટ નબળો છે, પોતાના અંગે થોડો નારાજ છે, કન્ફયુઝડ છે, કાયર છે. આ સુપરમેન માનવજાતિને ખરેખર કયા સ્વરૃપમાં અંદરથી નિહાળે છે એનું ચિત્રણ છે. આ મનુષ્ય પરની સુપરમેનની કોમેન્ટ છે!

યસ, સુપરમેન ઇઝ બોર્ન સુપરમેન. હી ઇઝ એલીયન. એ આ દુનિયાનો નથી. બહારથી આવેલો છે. જુદો બંદો છે. એ બધા સાથે ભળવાનો અને મદદરૃપ થવાનો પ્રયત્ન કરે છે, એ એની સારપ છે. પણ એના મૂળિયા, એના શકિતઓ, એના સંસ્કારો, એનું વ્યકિતત્વ ઘડતર એને સામાન્ય સંસારથી અલગ જ રાખે છે. કારણ કે, એ કોમન નથી એટલે એ સુપર છે. અને એ સુપર છે, એટલે એકલોઅટૂલો છે. એલોન એટ ધ ટોપ. જન્મદાતા અને ઘડવૈયા માતાપિતાની હુંફ અને સાચી સલાહોથી ભરપૂર સ્મૃતિઓ સાથે પણ એ અલ્ટીમેટલી જુદો પડીને ઉભો છે.

* * *

મેન ઓફ સ્ટીલ ફિલ્મમાં અમુક જગ્યાએ જરૃર લોઢુ સ્ટેઇનલેસ સ્ટીલને બદલે કટાઇ ગયેલું છે. એકધારો ચાલતો ટ્રાન્સફોર્મર, એવેન્જર્સ જેવો સ્કાયસ્કેપર્સનો કચ્ચરઘાણ કાઢતો કલાઇમેકસ છે. નોલાન (અને એના પાળીતા સહલેખક ડેવિત ગ્રોયર)ની ડેપ્થ અદ્દભૂત હોય છે. પણ વરાયટીની રેન્જ ટૂંકી હોય છે. (એટલે જ સ્પીલબર્ગ- સુપરડાયરેકટર છે!) માટે અહીં સુપરમેનને પૂછવું પડે તેમ છે, વ્હાય સો સીરિયસ? પેલો સુપરમેન રિટર્ન્સ (૨૦૦૬)નો બ્રાન્ડોન રૂથ (જે વર્તમાન હેનરી કેવિલ કરતા વધુ સ્ટાન્ડર્ડ સુપરમેન દેખાતા)  જો લવસિક દેવદાસ જેવો ઓવરસેન્ટીમેન્ટલ હતો તો અહીં એ વધુ પડતો સ્થિરગંભીર છે!

અને જે સુપરમેનના વાળ પણ કાપી શકાતા નથી, એને દાઢી ઉગે છે એ તો સમજયા પણ આગમાં યથાવત રહેતી એ દાઢી પૃથ્વી પરની કઇ ધાતુની બ્લેડથી કપાઇ? કોમિક ટચ આપતા ગાબડા પણ છે.

છતાંય  મનોરંજન પછી પણ મનોમંથન કરાવે એવી મેજીકલ મોમેન્ટસને લીધે! અહી એ કોઇ ફિલોસોફિકલ સ્પિરિચ્યુઅલ એપિક બને છે,  જેમ કે, સુપરમેન કરતા ‘થોર’ની વધુ હોય એવી રીતે રજૂ કરેલી ક્રિપ્ટન ગ્રહની બેકસ્ટોરી. સુપરમેનનો મૂળ ગ્રહ કેમ ખતમ થયો, એનું સચોટ અને સો ટચના સોના જેવું વિઝન અપાયું છે. બધી રીતે એડવાન્સ્ડ એવા મહાન ક્રિપ્ટનમાં જન્મતા પહેલાં જ બાળકોના ડીએનએનું કોડિફિકેશન અને મોડિફિકેશન થઇ જતું હતું. એટલે જ વર્કર કલાસના હોય એ વર્કર બને અને ઓફિસર કલાસના હોય એ ઓફિસર. સોલ્જરથી સાયન્ટીસ્ટ સુધી આ જડબેસલાક ચોકઠાં રહેતા!

જાણીતું લાગે છે ને? હા, આપણી જ વર્ણવ્યવસ્થાની કરૂણકથા છે આ હોલીવૂડ ફિલ્મમાં! દર્શન- ચિંતન- સર્જનમાં ભવ્ય વારસો ધરાવતી ભારતીય સંસ્કૃતિ ગુલામ અને પછાત કેમ બની? ક્રિએટીવિટીનો ધસમસતો ધોધ અને ઓરિજીનાલિટી કયાં સુકાઇ ગઇ? કારણ કે, બહારના આક્રમણથી નહિં, પણ અંદરની ફોલ્ટલાઇનથી પરાજય થતો હોય છે જીવનમાં! સુપરમેનના પિતા જોર-એલ ‘મેન ઓફ સ્ટીલ’માં ભાર મૂકીને આ કહે છે કે સમાજ પરના નિયંત્રણ (મર્યાદા- રૂલ્સ)ના અભિમાનમાં અમે પ્રગતિનો પાયો જ છીનવી લીધો- ચોઇસ. માણસ એની દિશા જાતે નક્કી કરે, એ પહેલાં જ જન્મથી એના પર બંધનો ઠોકી બેસાડવામાં આવ્યા. એને જાતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા કે એ માટેની તાલીમ ન રહી. પરિણમે લાંબા ગાળે (અમુક મુસ્લીમ દેશોમાં બન્યું છે તેમ) ઘરેડમાં ચાલતો ક્રિપ્ટન નવા પડકારો ઝીલી બદલાવાને બદલે ભાંગી પડયો!

એવી જ રીતે આ પેરન્ટીંગના સેક્રિફાઇસની, બલિદાનની પણ કહાની છે. જન્મદાતા અને પાલક બંને પિતા, પોતાના સંતાનને હુકમો નથી આપતા, પણ એને જાતે જ દાખલો બેસાડીને મૂલ્યો શીખવાડે છે. બીજાનું ભલું કરવાના ઉચ્ચ આદર્શો કેળવવા હોય તો કશુંક ગમતું છોડવાની તૈયારીનું તપ કરવું પડે છે. અને આવા ઘડતર થકી જ ફકત ચહેરાના ઘાટ કે આંખો- વાળના રંગ કે અવાજમાં જ નહિં, પણ વ્યકિતત્વમાં પિતા (કે માતા) પુત્રમાં (કે પુત્રીમાં) જીવંત રહે છે!

‘ડુ ગુડ’ કહેવુ સહેલું છે, એટલું કરવું સહેલું નથી. પાવર સુપર હોય, તો પેઇન પણ સુપર હોય છે. દુનિયા ખુદ સામાન્ય, મીડિયોકર, નોર્મલ હોવાની એટલે પાગલથી ડરે, એમ જીનિયસથી પણ ડરે છે, તીવ્ર તેજસ્વીતા કે અદ્દભૂત રિજેકટ કરે છે કે એના વિશે ગેરસમજ કરે છે કે એનાથી અંદરખાનેથી અસલામતી અનુભવે છે. સુપરશકિતઓ કયારેક જીંદગી જીવવામાં વરદાનને બદલે શ્રાપ બને છે. સૂરજના તેજને વખાણનારા એને માટે જરૂરી તાપથી અકળાઇ જાય છે. કયારેક વધુ જ્ઞાન મનની કેદ બની જાય છે. જેમ ફિલ્મમાં બાળક કાલ એલની કોઇ પણની આરપાર જોવાની ગિફટ એના માટે ભૂતાવળનું હોરર સર્જન કરે છે!

અને સુપરમેન પણ પીડા અનુભવી શકે છે, મુંઝાઇ શકે છે, સહારાની તરસ (ફ્રાય ફેર સપોર્ટ) એને ય કોરી નાખે છે.

એક જમાનામાં સુપરમેનના કેરેકટરની સિમ્બોલિક સરખામણી જીસસ ક્રાઇસ્ટ સાથે થતી. પુખ્ત વયના બોય સ્કાઉટ જેવા ચિત્રણની પાછળ આ ઉંડાણ પણ છે. ખ્રિસ્તી ધર્મ મુજબ ગોડ (જોર એલ) સ્વર્ગમાંથી જ કાઢી મૂકાયેલા શેતાન લ્યુસિફર (જનરલ ઝોડ) સામે સચ્ચાઇ અને સ્નેહનો સંદેશ આપવા પોતાના પુત્ર જીસસ (સુપરમેન)ને ધરતી પર મોકલે છે. જે ખરતા તારાની જેમ આકાશમાંથી એક નાના ગામના નિઃસંતાન દંપતી જોસેફ-મેરી (જોનાથન- માર્થા કેન્ટ)ને મળે છે. જીસસની માફક એ ય અલગારી રખડપટ્ટી કરતા મોટો થાય છે, ગુમનામ જગ્યાએ આવેલી ફોરટ્રેસ ઓફ સોલિડયુડમાંથી, પોતાના જીવન કર્તવ્યોનો બોધ લઇ લોકો વચ્ચે પાછો ફરે છે. અને ખાસ વારસાની વિશેષતા છતાં સામાન્ય માણસો વચ્ચે તેમના જેવો થઇને રહે છે. એમને સતત દિશા બતાવી, ન્યાય અને નીતિના માર્ગે વાળવાની કોશિશ કરે છે. પોતાની ચમત્કારિક શકિતઓથી એમની મદદ કરે જ છે, પણ એથી વધુ એમના સફરિંગ (પીડા)માં બહારનો દેવતાઇ હોવા છતાં પોતાની સમજીને સંવેદનાથી સહભાગી બને છે, એમને ખાતર છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમીને માણસમાં ઉંડે ઉંડે રહેલી સારપને શોધીને ઢંઢોળી બહાર લઇ આવવા મથે છે!

જે ખરા સંતો, દિવ્ય મહાપુરૃષો છે- એ જ્ઞાાતિ, ધર્મ, દેશ કે પૂર્વ-પશ્ચિમ જેવી કોઇ વાડાબંધીમાં માનતા નથી. બ્રહ્માંડ આખું એમના માટે ઘર છે. અન્યાય, અસત્ય, શોષણ, સિતમ, લાલસા, ક્રૂરતા એમના શત્રુઓ છે. પ્રેમ, પરોપકાર, પરાક્રમ એમનો ધર્મ છે. એ આસ્તિક ઉપદેશો કે જૂના જડ પરંપરાગત નિયમો ઠાલવતા નથી, પણ શિક્ષકની માફક જ્ઞાાનના અજવાળે અજ્ઞાાનનો અંધકાર ઉલેચે છે.  અલબત્ત, નોલાન-ગોયર- સ્નાઇડરે (અને અગાઉ સિંગરે પણ) આ ડોનરના જુના અલૌકિક સંત સુપરમેનને ‘મેન’ યાને સહજ સ્વાભાવિક ઇન્સાન હોવા પર ફોકસ રાખ્યું છે. જેમ રૃથનો સુપરમેન પોતાની પ્રેયસીને બીજા સાથે જતી જોઇ એકસ રે વિઝનનો ઉપયોગ કરી નાખતો હતો (અને છેલ્લે પ્રેમિકાના પતિના સદ્દભાવને લીધે ભારે હૈયે બ્રેક અપનું વજન ખમી શકયો હતો) એમ હેનરીને સુપરમેન લડે-ઝગડે છે. મુંઝાય છે ‘શ્રદ્ધા રાખ તો ભરોસો આપોઆપ બેસી જશે’ જેવું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવે છે. એ દુશ્મનની કતલ કરતો રૌદ્ર યૌદ્ધા કૃષ્ણ બની શકે છે. એ તમામને બચાવી શકોત અવાસ્તવિક આદર્શ નથી. એના લીધે કોલોટરલ ડેમેજ (ઇરાદો ન હોય છતાં મોટું કામ કરવા કરતાં અજાણતા કોઇને નાનું નુકસાન પહોંચે તે) સર્જાય છે, લડાઇમાં! અને એની સામેનો જનરલ ઝોડ પણ ટિપિકલ વિલન નથી. એ ય સિદ્ધાંત ખાતર, પોતાની પ્રજા માટે લડે છે. જેમ આજના અમુક માનવજાતના દુશ્મનો વાસ્તવમાં ખરાબ હોવા કરતાં પોતાના ધાર્મિક આદેશો કે ‘ખુદના અંગત નહિં પણ જ્ઞાાતિ / ધર્મ / દેશના સ્વાર્થથી આંધળા બનેલા ખલનાયકો હોય છે એમ જ!

અને એટલે જ સુપરમેન મેન ઓફ સ્ટીલ એની તાકાતથી નહિ, હાર્ટ ઓફ ગોલ્ડથી બને છે. એ ય બહારનો છે, પણ ગાંધીની જેમ બે દુનિયા વચ્ચે પ્રેમનો સેતુ ઝંખે છે. જીન્નાહની જેમ શ્રેષ્ઠતાના દાવે અલગ વસાહત નહિં, શંકાઓ વચ્ચે એ પોતાના પૃથ્વી પર હોવાનું કારણ શોધે છે, અને એ છે કે માનવીઓ એનાથી નબળા છે, કયારેક આગળ વધવા જતા પડશે, લથડશે પણ એણે એમને સૂર્યના પ્રકાશ તરફ ઉડીને લઇ જવાના છે! એટલે જ ફિલ્મમાં સુપરમેન આશાનું પ્રતીક છે. એ લડતી-ઝગડતી-ડરતી સ્વાર્થી માનવજાતનાં સુધારાની આશા છે.નવી ફિલ્મમાં તો એની છાતી પરના “એસ”ને હોપનો જ સિમ્બોલ કહ્યો છે. જુદા છે,  એમાં ય ખુદા જોઇને એમની મદદે ચડવામાં એને ખૌફ કે ક્ષોભ નથી. પોતાના લોકો સામે એ આ ન્યાય અને સત્યના સિધ્ધાંત ખાતર પડી શકે છે. 

ફિલ્મમાં જોનાથન કેન્ટ ઉછેરેલા દીકરાને કહે છે કે ‘તારે જ પસંદગી કરતા શીખવાનું છે કે મોટો થઇને તું કેવો માણસ બનવા માંગે છે- સારો કે ખરાબ, જેવો બનીશ એવી રીતે દુનિયા બદલાશે!’

અને ફિલ્મને કવિતાની ઉંચાઈ  પર લઇ જતાં દ્રશ્યમાં રૂમમાં ભરાઇ પડેલો નાનકડો બાળક મમ્મી માર્થાને કહે છે ‘દુનિયા બહુ મોટી (અને બિહામણી) છે, મમ્મી’

અને મમ્મી કહે છે ‘ધેન મેઇક ઇટ સ્મોલ સન. મારા અવાજ પર ધ્યાન દે, અને માની લે કે એ દરિયા વચ્ચેનો આરામનો ટાપુ છે!’
સુપર!

ફાસ્ટ ફોરવર્ડ
‘એ ખરેખરો સુપરમેન હતો, મેન ઓફ સ્ટીલ. એણે શકિતઓના ઉપયોગથી દર્દીઓને  બચાવ્યા, અશકતોને પ્રેરણા આપી. વચ્ચે કેટલીક સુપરમેન ફિલ્મોમાં કામ  પણ કર્યું સુપરમેન હીરો એના પાવરને લીધે નથી. એને મળેલા પાવરના  સમજણપૂર્વકના સાચા ઉપયોગથી છે!’
(ઘોડેસ્વારીના અકસ્માત પછી વ્હીલચેરમાં ય છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરી ચેરિટી કરીને પ્રેરણામૂર્તિ બનનાર રિયલ સુપરમેન ક્રિસ્ટોફર રીવને અંજલિ! મેનમાં સુપરમેન છુપાયેલો જ હોય છે ને!)*શીર્ષકપંક્તિ : ઉમાશંકર જોશી 

ss2

 

સ્ત્રીઓની મુક્તિ… વિજ્ઞાનની શક્તિ !

wom

 

સ્ત્રી ડરે છે, એકલી રહેવાથી

એ ડરે છે – અંધકારથી,

ને દિવસના અજવાળાથી.

પરિચિત – અપરિચિત પડોશીથી

ભરબપોરે વાગતી ડોરબેલથી

અડધી રાત્રે રણકી ઉઠતા ટેલિફોનથી

ને ટેલિગ્રામના નામમાત્રથી…

સ્ત્રી ડરે છે, તેના સુંદર દેખાવથી

રસ્તા પર પસાર થતા પુરૃષથી

સાસુ, પતિ, પુત્રથી

વાંદા, ઉંદર, ને ઘરમાં ફરતી ગરોળીથી

સ્ત્રીને જોઈએ છે, સુરક્ષિતતા

ટેકો – ભલે તે કોઈનો પણ હોય,

કુમકુમથી માંડીને કૂખ-

એવી તો લાખ વસ્તુઓથી

તે સજાવી લે છે પોતાના સ્ત્રીત્વને

પોતાની શક્તિને બાંધી લેતી

એ તમામ વસ્તુઓનું તે જીવથીયે વધુ જતન કરે છે.

આકરા અવાજથી

તે શિથિલ બની જાય છે.

બારી બારણા બંધ કરી લઈને

પવન, વરસાદ કે સૂર્યપ્રકાશ

ઇન્દ્રિયોના દરેક ઉઘાડને તે રોકી લે છે.

સ્ત્રી ડરે છે,

તેના પોતાના મનથી, વિચારથી,

માગણી કરતાં શરીરથી.

સ્ત્રી ડરે છે,

તેના પોતાથી

અંત સુધી !

કવિતા મહાજનની એક મર્મવેધક રચનાનો આ ગુજરાતી અનુવાદ મનીષા જોશીએ કર્યો છે. વાત અહીં કેવળ સાહિત્યિક નથી, વાસ્તવિક છે. સ્ત્રીનું સદીઓથી એક ચિત્રણ જ ‘ગભરું અબળા’ એવું થયું છે. મનુ મહારાજ ‘ન સ્ત્રી સ્વાતંત્રમર્હતિ’ એવું ફરમાન બહાર પાડે કે, મોહમ્મદ સાહેબના અનુયાયીઓ ‘બે નારીની સાક્ષી બરાબર એક નરની સાક્ષી’નો ફતવો ચલાવે, ને મસીહા (જીસસ)ના કેટલાંક શિષ્યો વળી સ્ત્રી સાથેના સંબંધને જ ‘ઓરિજીનલ સીન’ (પાયાનું પાપ) ગણે – ત્યાં સ્ત્રી પુરુષની કેદમાં અને સમાજની નાગચૂડમાં નખશિખ પકડાયેલી અને દબાયેલી રહેતી. ધીરે ધીરે યુરોપમાં રેનેસાં (નવજાગરણ)ની લ્હેરખીઓ આવી, આધુનિક શિક્ષણે સ્ત્રીઓને સ્વતંત્ર પહેચાન માટે પ્રવૃત્તિ કરી. પછી બે પ્રકારનાં આંદોલનો ચાલ્યા. એક સ્ત્રીઓ તરફ થતા અન્યાય અને અત્યાચારને રોકી સામાજિક-ધાર્મિક કુરિવાજો કે કાયદો હટાવવાની ઝુંબેશ ચાલી. જેમકે, ભારતમાં વિધવાવિવાહ, પશ્ચિમમાં છૂટાછેડા પછી ભરણપોષણ વગેરે. બીજી નારીવાદી ચળવળ ચાલી. મજાકમાં જેને ‘બ્રા-બર્નિંગ’ કહેવામાં આવે છે, એવી આ ક્રાંતિમાં ખાસ્સો કોલાહલ થયો અને થાય છે. આ મથામણનાં હેતુઓ ઉમદા હતા. નારીને પોતાનું આગવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય એ વાતનો સ્વીકાર કરી, એને ખુદની મરજી મુજબ જીવવા દેવાની વાત હતી. ઘરકામના ઢસરડા કે જરીપુરાણી માનસિકતા કે પુરુષના ત્રાસના બોજમાંથી આઝાદ કરવાની વાત હતી. સ્ત્રીને પોતાની રીતે પગભર બની પોતાની મરજીથી સુખી કે આનંદિત થવાની વાત હતી.

પણ ધીરે ધીરે રાજકીય ચળવળોની જેમ નારીવાદ માત્ર નિવેદનોમાં સીમિત થઈ ગયો. છતાંય, ઘણા ફેમિનિસ્ટસ આજે સંતોષની નીંદર લે છે કે પહેલાના પ્રમાણમાં સ્ત્રીઓ ખાસ્સી મુક્ત થઈ છે. નોકરી કરે છે, બહાર નીકળે છે. પોતાના સંબંધોના નિર્ણય જાતે લે છે. લગ્ન પછી પણ કઠપૂતળી બનતી નથી. સ્વતંત્ર આવક મેળવે છે. સ્વતંત્ર રીતે ‘એન્ટરટેઈન’ થવાની એની પાસે ચોઈસ છે. એના કપડાં અને કોસ્મેટિક્સની રેન્જ પણ વધુ વેરાયટીવાળી થઈ છે. ટીવીનું રિમોટ એના હાથમાં છે. યુનિવર્સિટીઝની ડિગ્રીઝ પણ!

સરસ, પણ આમાં ફેમિનિસ્ટસના ફાળા કરતાં સાયન્ટિસ્ટસનો ફાળો વધુ છે. તેનું શું ? સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક અભિગમ સ્ત્રીસંસ્થાઓને લીધે થોડોક (રિપિટ, થોડોક) બદલાયો હશે – પણ સ્ત્રીની સ્વતંત્રતાની જ વાત કરતા હોઈએ તો એ વિજ્ઞાાને અપાવી છે !

બાત હજમ નહીં હુઈ ? ચાલો, પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. નારીમુક્તિની ચળવળ શરૃ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે – સ્ત્રીને શ્રમવિભાજનના અન્યાયી ભાગરૃપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડયું છે. ઘરની ‘લક્ષ્મી’ના નામે એની શબ્દોથી પૂજા થાય છે, પણ વાસ્તવમાં એ ઘરની ‘દાસી’ બની જાય છે. માત્ર માનસિક અકળામણ જ નહિ. શારીરિક થાક અપાવે એટલું ‘ઘરકામ’ રોજેરોજ નિરંતર, આજીવન (કે બહુ સાસ ન બને તબ તક!) એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઊઠીને કૂવેથી પાણી ભરવા જતી પનિહારીઓના ગીતો રચાતા.

કવિઓ તો ‘પાણી ભરવા ગ્યા’તા’, કરીને પનિહારીના રસિક ગીતો લખે… પણ ક્યારેય વિચાર કર્યો છે કે સવારના પહોરમાં સૂરજ ઊગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કૂવે જવું, જાડું રાંઢવું (દોરડું) લઈ એને કૂવામાં નાંખી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ ‘હાશ’ કરીને નિરાંતે આરામ ન કરવાનો હોય – ગામડું હોય તો છાણ-વાસીદું કે દૂધ દોહવાનું ચાલું થાય… શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય… અને આ બધા વચ્ચે ચૂલો તો સળગી જ જાય!

કલાકારો કે મહિલા મોરચાઓએ આ રોજીંદી જાત નિચોવી દેતી ઘટમાળ સામે બૂમરાણો તો ખૂબ કરી… પણ ઉકેલ શું આપ્યો ? કેવળ ચિત્કાર, સહાનુભૂતિ કે બહુ બહુ તો બળવાખોરી ? ચાલો, બળવો કરીને સ્ત્રી (પુખ્ત હોય તો) એકલી રહેવા જતી રહી. પછી? પછી કપડાં-રસોઈ-પાણીની કડાકૂટ એના માથે નહિં આવે ? જસ્ટ ઈમેજીન, ફલશ – ટોઈલેટને બદલે જૂના જાજરૃ રહ્યા હોત તો કોની માથે સમાજ એનો ભાર નાખત?

આ ઉકેલ વિજ્ઞાાને આપ્યો. નળની પાઈપલાઈન્સ આવી! પાણીની મોટર કે ડીપવેલ આવી! ઘેર બેઠાં ફટાફટ પાણી ભરાઈ જાય! (ગેરવહીવટને લીધે પાણી આવે જ નહિં – એ અલગ મુદ્દો થયો!) ચૂલા સામે બેસીને રાખ ઉડતી હોય ત્યારે ધમણની જેમ છાતીઓ ફૂલાવી ફૂંક મારી આગ પેટાવવી પડે – એ વખતે આંખમાંથી પાણી નીકળ્યા વિના રહે જ નહિ ! એ આંસુ ટેકનોલોજીની શોધથી હવે ઘેર ઘેર પહોંચેલા ગેસના સ્ટવ કે કૂકિંગ રેન્જ જેવા ગેસના ચૂલાએ આપ્યો. દિવાસળીનું સ્થાન લાઈટરે લીધું. કિચનમાં જઈને જરા મોડર્ન હોમ એપ્લાયન્સીસ તો નિહાળો! એકે એકમાં તમને સ્ત્રીની નિરાંતનો અહેસાસ થશે. તપેલામાં ઉકળતા પાણીમાં શાક બાફવું પડતું અને ગરમ પાણીમાં હાથ નાખીને ચકાસવું પડતું. ત્યાં પ્રેશર કૂકરની સિટીઓ નારીનિરાંતની સાઈરનની જેમ વાગવા લાગી!

નોકરી કરતી સ્ત્રીએ ઘેર આવીને ફટાફટ ખાવાનું ગરમ કરવાનું છે ? કુછ ફિકર નહિ. બસ, દો મિનટ ! માઈક્રોવેવ ઓવનમાં રાખી દો! ચા બનાવવાની છે? ઈન્સ્ટંટ ટીમેકર કે ટીબોક્સ હાજર ! ઢોકળાં-ગુલાબજાંબુ બનાવવા છે? ઈન્સ્ટંટ મિક્સ ઈઝ રેડી, મેડમ ! આ કશું જ નથી કરવું ? બહારથી પિઝાની હોમ ડિલિવરી મંગાવી લો. એ કેવી રીતે ઘેર બેઠા મંગાવશો ? નેચરલી, ટેલિફોનથી ! એ દેવા માટે ડિલિવરીબોય ચાલીને આવશે ? ના, વાન કે સ્કૂટર કે બાઈક પર આવશે ! સાયન્સે કોમ્યુનિકેશન કે ટ્રાન્સપોર્ટેશનની ક્રાંતિ ન કરી હોત તો ?

કપડાંને ચોકડીમાં ધોકે ધોકે ધોઈને બાવડાં દુઃખાડવાને બદલે વોશિંગ મશીન આવી ગયા. રોજેરોજ દૂધ કે શાકભાજી લેવાની દોડધામમાંથી ‘વેલકમ બ્રેક’ અપાવતા રેફ્રિજરેટર્સ આવી ગયા. ગળણે ગાળીને પાણી ભરવા કે ચોખ્ખાં પીવાના પાણી માટે બે શેરી દૂર પદયાત્રા કરવાની જગ્યાએ વોટર પ્યુરિફાયર્સ આવી ગયા. વાંકા વળીને કચરો સાફ કરવાને બદલે વેક્યુમ કિલનર્સ આવી ગયા. ‘રેડી ટુ સર્વ’ ડ્રિન્કસ કે આઈસ્ક્રીમ પેક આવી ગયા. શરબત બનાવવાની મહેનતને સ્થાને સોફ્ટ ડ્રિન્કસ આવ્યા. ચટણી પીસવાના પથ્થરો કે ખાંડણી-દસ્તાની ઉપર મૂઠ્ઠીઓ ભીંસવાને બદલે સ્વિચ દાબીને મિક્સર ચાલુ કરવાનું રહ્યું. આંગળા દાબીને જ્યુસ કાઢવાને સ્થાને જ્યુસર આવ્યું. સ્ત્રીને લાડમાં બધાં ‘રસોડાની રાણી’ ભલે કહે. ખરા અર્થમાં એ ‘કિચન ક્વીન’ વૈજ્ઞાાનિક આવિષ્કારોથી જ બની છે. આ બધી નાની-નાની લાગતી ક્રિયાઓમાં સાથી પુરુષ (પતિ, પિતા કે પુત્ર) મદદ કરે પણ ખરો, અને ન પણ કરે… પણ સાયન્સે તો અનકન્ડિશનલ ‘હેલ્પિંગ હેન્ડ’ લંબાવી જ દીધો છે ! હવે વાંદા-મચ્છર મારવા હાથ નહીં, સ્પ્રે કે મોસ્કિટો મેટ ચલાવવી પડે છે!

છોડો રસોડાને… નારીને તો એમાંથી બહાર લઈ આવવી છે ને ? ચાલો, સ્ત્રીને આર્થિક રીતે પગભર કરીએ. માત્ર રાહતકાર્યોમાં મળતી મજૂરીની જેમ દયાભાવથી નહિ – ખરા અર્થમાં એને પોતાની – પસંદગી મુજબ જીવવા મળે એવી સારી કમાણી સાથે… તો, એમાં એક જમાનો એવો હતો કે ખાસ પ્રકારના ટેકનિકલ કામો કે મહેનતના, યુદ્ધના કામોની બોલબાલા હતી. આજે વિજ્ઞાાનની પ્રગતિને લીધે સ્ત્રી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીના સોફટવેર ડેવલપ કરી શકે છે ! સાયન્સને લીધે ઉદ્યોગ અને શિક્ષણના કેટકેટલા ક્ષેત્રોના દરવાજા ખુલ્યા જ્યાં સ્ત્રીઓની કર્મચારીઓ તરીકે જરૂર પડી ! અને એવા રોજિંદા કામકાજમાં પણ સ્ત્રીને સુરક્ષા અને સગવડતા આપવા વિજ્ઞાાન વ્હારે આવ્યું જ! અગાઉની નર્સે કપડું ફાડીને પાટો બાંધવો પડતો, આજે બેન્ડ એઈડ લઈને ચોંટાડવાની રહે છે – એવું જ કંઈક ! સ્ત્રીઓની સાથેના વર્તન-વ્યવહારમાં વધુ પારદર્શકતા રાખવી જ પડે એવી ‘સ્ટિંગ ઓપરેશન’ ટાઈપની કેમેરા કે વોઈસ રેકોર્ડરની ભેટ પણ વિજ્ઞાાને જ આપી છે ને ! જાતીય સતામણીને ઓફિસમાં થતી રોકી, રંગે હાથ ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ મેકર’ને પકડવો હોય, તો એ માટેનું ફોરેન્સિક સાયન્સ પણ ‘સાયન્સ’ જ છે !

બળાત્કાર કે જાતીય શોષણના ગુનાઓની ફરિયાદી સ્ત્રી સિમેન ટેસ્ટ કે ડી.એન.એ. ટેસ્ટ વિના કેટલી પાંગળી થઈ જતી હોત ? સ્ત્રીને આવા અપરાધો છતાં પણ પ્રાકૃતિક રીતે સ્વરૃપવાન દેખાવું ગમે છે. પહેલાં આમાં પણ એણે પુરુષની રહેમનજર નીચે રહેવું પડતું. વિજ્ઞાાને સ્ત્રીને બ્રા આપી છે, ફેશને નહિ ! પછી અન્ડરગાર્મેન્ટસનું માર્કેટિંગ ફેશન ઈન્ડસ્ટ્રીએ કર્યું, એ ખરું ! લેટેસ્ટ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટસથી નારીને ત્વચા, આંખ, હોઠ, શરીર, વાળનું સૌંદર્ય વધારવા અને જાળવવામાં (અને એના જોરે જગતને ઝૂકાવવામાં) વૈજ્ઞાાનિક સહાય મળતી રહી છે. ચામડીના દાગને લીધે અગાઉ વગર વાંકે છોકરીનું ભવિષ્ય અમાસના ચંદ્ર જેવું થઈ જતું. આજે સિમ્પલ કોસ્મેટિક સર્જરીમાં એનો ઉકેલ છે. બોટોક્સના કરચલી હટાવતા ઈન્જેકશનથી લઇને સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટસ સુધી નારીની નમણી નજાકતને નિખાર વિજ્ઞાાન આપતું રહ્યું છે. કુદરતે અધૂરા મૂકેલા વળાંકો મઠારતું રહ્યું છે.

મુદ્દો એકદમ ડિબેટેબલ છે. પણ નિર્ણય પુરુષને બદલે સ્ત્રીને સોંપો તો ક્યારેક બળાત્કાર જેવી મજબૂરીમાં ગર્ભપાત પણ સ્ત્રી માટે જ આશીર્વાદરૂપ બની શકે – કારણ કે, બાળઉછેરની સઘળી જવાબદારી આપણે ત્યાં મા પર જ ઢોળી દેવાય છે. એ સળગતા અંગારાને ન પકડો તો પણ કોન્ડોમ કે બર્થ કંટ્રોલ પિલ્સને લીધે સ્ત્રી કેટલી સુખી થઈ છે! માતૃત્વ અણધાર્યું કે અનિચ્છિનીય આવે ત્યારે બંધન અને પીડા બને છે. હવે સ્ત્રી સેક્સ માણી શકે છે, પણ મુમતાઝની જેમ પ્રેમની પાછળ આવતી પ્રસૂતિપીંડામાં શહીદ થઈ મકબરાના પાત્ર બનવાનો ભય એને સતાવતો નથી. મુશ્કેલ સ્થિતિમાં વિજ્ઞાાન પ્રસૂતિ પણ સિઝેરિયનથી કરીને એનો જીવ બચાવે છે. માસિક સ્ત્રાવને લીધે કામ કર્યા વિના પિંજરે પૂરાયેલા પંખીની જેમ ‘ખૂણો પાળતી’ સ્ત્રીને સેનેટરી નેપકિને કે બચ્ચાના બાળોતિયાં બદલાવતી થાકેલી માતાને ડાઈપર્સે કેટલી મોકળાશ અપાવી છે – એ તો સ્ત્રીના ખોળિયામાં પ્રવેશ કરો તો જ પૂરું સમજી શકો ! વિમેન ફિગરને શેપમાં રાખતા જીમ્નેશ્યિમ ડાયેટ પ્લાન્સ પણ સાયન્ટિફિક ગિફ્ટ છે !

… અને સ્ત્રીમુક્તિ એટલે સ્ત્રીના સ્વતંત્ર નિર્ણયના અધિકાર અને અંગત જિંદગીના એકાંતનો આદર એવું માનો, તો યાદ રાખજો કે સેલફોન અને ઈન્ટરનેટના જોરે સાયન્સે એ શસ્ત્રો સ્ત્રીને આપ્યા છે, જેની સામે રિવોલ્વર કે તલવાર પણ કંઈ વિસાતમાં નથી. સ્ત્રીને કોઈ કાળે (અને આજે પણ) મિલકત ગણવામાં કોઈને શરમ નથી આવતી! માટે બુરખા કે લાજની નીચે સ્ત્રીને ચાર દીવારીમાં ચૂપ કરી રખાતી. હવે સ્ત્રી કોઈ પણ ખૂણેથી જગતના કોઈ પણ ખૂણે પળવારમાં ફોન, મેઈલ, ચેટ કે એસએમએસ કરી શકે છે. પોતાના બિઝનેસનો વિસ્તાર કરી શકે છે. મુંઝાય તો મદદ માટે પોકાર કરી શકે છે… અને કોઈનીયે ચોકીદારી છતાં ય મનગમતા સંબંધો બાંધી શકે છે. અત્યાર સુધી બહાર નીકળવાની મોકળાશને લીધે આ એકાધિકાર પુરુષોનો હતો. સાયન્સે સ્ત્રીને જ્ઞાાન જ નથી આપ્યું, પ્રાઈવસી પણ આપી છે ! ખરા અર્થમાં આઝાદ એ જ કહેવાય જેની પાસે પોતાનો ટાઈમ અને સ્પેસ હોય ! ખુદની મરજીથી ચાલતી ચોઈસ હોય. ઈન્ટરનેટ પર ફેસબુક જેવા નેટવર્ક નારીને સ્વધીન કરે છે.

કોમ્યુનિકેશન ક્રાંતિએ એકલી પડતી સ્ત્રીઓને કંપની આપી છે. ટેલિવિઝન, મોબાઈલ કે ઈન્ટરનેટ/કોમ્પ્યુટર માત્ર મનોરંજન નથી એક સથવારો છે. સામી માંગણીઓ મૂક્યા વિના મળતો આનંદ અને તાજગીભર્યો સહારો છે. ગોગલ્સથી શૂઝ અને પર્સથી લિપસ્ટિક સુધીની તો વાત આપણે છેડી જ નથી. પણ હજુ યે વિજ્ઞાાને નારી મુક્તિની પાંખોમાં પૂરેલા પવન અંગે મનડું ડામાડોળ હોય તો જરાક વિચારજો – સિલાઈ મશીન ન શોધાયું હોત તો ? આજના ડ્રેસિંગ કેવી રીતે બનત ? અને વાહનો ન શોધાયા હોત તો ? જેને કામિની નહિ પણ માનુની બનવું છે એવી બાળાઓ શાળા-કોલેજ કેવી રીતે જાત ? ઝાંસીની રાણી ભલે તલવાર ને અશ્વ લઈને ક્રાંતિની ચિંગારી લઈને ચાલી, ૨૧મી સદીની લક્ષ્મીઓ સ્કૂટી પર સવાર થઈ સેલફોન કમરે ઝૂલાવીને જગતને પડકારવાની છે ! ૮ માર્ચનો મહિલા દિન પસાર થઈ જાય પછી પણ સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે !

ઝિંગ થિંગ

”જીંદગી ઔરતો માટે કેટલી હસીન હોત… જો મચ્છર લોહીને બદલે ચરબી ચૂસી લેતા હોત !”

(સેજલ શાહ – લંડન )

#૨૦૧૧નો લેખ, ૨૦૧૩નાં નારી દિન ( ૮ માર્ચ )ને સમર્પિત.

 
48 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 7, 2013 in inspiration, science

 

૨૦૧૨: મય કેલેન્ડરની માયા, આશંકાના ઓછાયા!

2012 -1

‘૨૦૧૨’ ફિલ્મની ભારતમાં બોક્સ ઓફિસે શરૂઆતએ દુનિયાની છેલ્લી ફિલ્મ હોય, તેવી અઝઝીમોશાન બનાવી દીધી હતી. જો કે, બીજી ફિલ્મોમાં છેલ્લી દસ મિનિટ હોય એવા દિલધડક દ્રશ્યો જેમાં મિનિટે મિનિટે પથરાયા છે, એવી આ મેગા ડિઝાસ્ટર ફિલ્મ ખુદ એના સર્જકે કહ્યું છે તેમ ‘એવી અલ્ટીમેટ બની છે, કે હવે કોઇ ડિઝાસ્ટર ફિલ્મ જ બનાવી નહિ શકે!’ આથી વઘુ મોટા સ્કેલમાં બીજું શું દેખાડી શકાય? આખું અમેરિકા ગરક થાય એવો ભૂકંપ- લાવા વિસ્ફોટ કે હિમાલય ડુબાડે તેવા ૧૫૦૦ ફૂટના ત્સુનામી મોજાં તો આવી ગયા, પડદા પર!

પણ પ્રેક્ષકને થિએટર સુધી મુકવા આવેલો રિક્ષાવાળો પણ રિક્ષા પાર્ક કરી ફિલ્મ જોવા ગોઠવાઇ જાય એવો આ ફિલ્મનો ક્રેઝ ચોટદાર સંવાદો, માનવતાનો સંદેશ કે સ્પેશ્યલ ઇફેકટસના સાયન્સ ફિકશનને આભારી નહોતો. તમામ ન્યુઝ ચેનલ્સ પર સતત અફીણના ડોડવા મસળ્યા હોય એવા કેફમાં રાખતાં ‘સનસનીખેજ’ સમાચારોને આભારી છે! અમેરિકામાં  હિસ્ટરી ચેનલે એક પ્રોગ્રામ બનાવ્યો, અને સતત સર્વનાશના ફફડાટમાં જીવતી માનવજાત અને એ ભય પર પોતાની દુકાન ચલાવી જીવતા ગુરૂજીઓ કે કળાકારોને મોકળું મેદાન મળ્યું! ‘સમથિંગએકસાઇટિંગ’ હોય, તો જ લાઇફ હેપનિંગ થાય ને!

મૂળભૂત રીતે આ પૃથ્વી પર પાંગરેલી અઢળક સંસ્કૃતિઓ (માત્ર અંધઅભિમાની ભારતીયોને જ એમ છે કે બધી સંસ્કૃતિ, સભ્યતા ભારતમાં જ વિકસી હતી, પણ સોરી ટુ સે – આવું છે નહિં. સર્જનહારે પૃથ્વી બનાવી છે. એકલું ભારત નથી બનાવ્યું!)માં પુરાતત્વવિદોને બહુ આકર્ષતી એક સંસ્કૃતિ એટલે ‘મય’ સંસ્કૃતિ! ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ આદિવાસી હોઇને ‘દાનવ’ કહીને ‘મયદાનવ’ એવા ઉલ્લેખ છે, જે શિલ્પીઓએ હવામાં તરતા ત્રિપુર નગરો (જેનો શિવે નાશ કરેલો) તથા ઇન્દ્રપ્રસ્થમાં દૂર્યોધનને ગોથું ખવડાવતો જાદૂઇ મહેલ બનાવેલો! આમ પણ આજના અમેરિકા ખંડ (ફકત અમેરિકા દેશ નહંિ)માં વિકસેલી સભ્યતાઓમાં સ્પેનિશોના હાથે ખતમ થયેલી મય સભ્યતા એઝટેક કે ઇન્કાની સાપેક્ષે શિલ્પ, ગણિત, ભાષામાં વઘુ સજજ હતી. લોકોને ફકત પ્રલયમાં જ રસ છે. પણ મય સંસ્કૃતિના રોમાંચક ઇતિહાસ, સ્થાપત્યો, પરંપરાઓ ઇત્યાદિમાં રસ નથી.

તો વિશ્વવિનાશની અટકળોનું પારણું ઝુલ્યું છે આ મય સંસ્કૃતિના કેલેન્ડરને કારણે! હવે એ કાળમાં મય લોકો એક નહીં, પણ ત્રણ ત્રણ કેલેન્ડરનો ઉપયોગ કરતાં. વળી એ કેલેન્ડર્સ એકબીજા સાથે જોડાયેલા કે પૂરક નહોતા. આજે તારીખીયાના જાણીતા ડટ્ટાઓમાં વિક્રમ સંવત, હિઝરી, શાલિવાહન શાકે બધાના અલગ અલગ દિવસો એક જ તારીખે દેખાય છે, એવો કંઇક ઘાટ હતો. માત્ર મય જ નહીં, પ્રાચીન અમેરિકા ખંડની બધી સંસ્કૃતિમાં એક જાણીતું કેલેન્ડર ત્ઝોલ્કિન હતું. જેમાં ૨૬૦ દિવસનું વર્ષ હતું. ૨૬૦ એટલા માટે કે એ ૧૩ અને ૨૦નો ગુણાંક હતો, જે ત્યારે અગત્યના અંકો ગણાતા. કારણ કે માણસને ૨૦ આંગળીઓ છે, અને શરીરમાં ધુંટણ, કોણી, કાંડા જેવા ૧૩ સાંધાઓ (જોઇન્ટસ) છે. વળી એ ગાળો ગર્ભાવસ્થાના નવ મહિનાના ગાળાનું પણ પ્રતિનિધિત્વ કરતો હતો. આ ત્ઝોલ્કિન કેલેન્ડરમાં વળી ૧૩ દિવસનું અઠવાડિયું આંકડાઓથી ગણાતું અને ૨૦ દિવસનું અઠવાડિયું નામથી! બધા નામ- નંબર રોજ બદલાય! એક દિવસે ‘૩ સીમી’ હોય તો બીજે દિવસે ‘૪ માનિક’! એને લગતાં શુભાશુભતા સિદ્ધાંતો પણ હતાં!

આટલો ગરબડગોટાળો ઓછો હોય તેમ વળી સૂર્યવર્ષને અનુસરવા (પૃથ્વી પરિભ્રમણનો મેળ બેસાડવા) ૩૬૫ દિવસનું ‘હાબ’ કેલેન્ડર હતું. જેમાં ૨૦ દિવસના એક એવા ૧૮ મહિના અને ૫ ‘ઉયાબ’ નામના વધારાના દિવસો રહેતાં! જેમાં ૦થી ૧૯ના નંબરથી દિવસો ગણાતા. સાદું ગણિત જાણો, તો ખ્યાલ આવે કે ૨૬૦ (ત્ઝોલ્કિન) અને ૩૬૫ (હાબ)થી ભાગી શકાય એવો આંકડો ૧૮,૯૮૦ છે માટે ૫૨ વર્ષે બંને કેલેન્ડરમાં નવા વરસનો દિવસ એક જ આવે એવી ઘટના સર્જાય! માટે ૫૨નો આંકડો પણ ખૂબ મહત્વનો ગણાતો!

પણ આ ગૂંચવાડાને લીધે ઇતિહાસ યાદ રાખવામાં દિવસોનું સરલીકરણ થતું નહોતું. માટે મય સભ્યતાએ એ હેતુ માટે વળી ત્રીજું જ કેલેન્ડર વિકસાવ્યું, જેને નામ આપ્યું ‘લોંગ કાઉન્ટ!’ (આ નામ સંશોધકોએ ફોઇબા બની પાડેલું છે!) લોંગ કાઉન્ટમાં અત્યાર સુધી વાંચી એવી દિવસોના મેળ બેસાડવાની કડાકૂટ નહોતી. એમાં ૨૦નો એકમ આધારમાં હતો. ૨૦ દિવસનું ઝૂમખું ‘યુનાઇલ’ કહેવાય, ૧૮ યુનાઇલ (૩૬૦ દિવસ) એટલે ‘ટુન’. ૨૦ ટુન એટલે કાટૂન, ૨૦ કાટૂન (૧,૪૪,૦૦૦ દિવસ) એટલે ‘બાકટુન’ દરેક ૧૩ બાકટુન પુરા થાય પછી કારના સ્પીડોમીટરની માફક નંબર રિસેટ કરવાનો, ફકત આગળનો આંકડો એક ક્રમ આગળ વધે. માટે ધારો કે મય સંસ્કૃતિમાં સોનાના ખજાનાનો ચેક ૮.૩. ૨. ૧૦.૧૫ એવી તારીખ લખીને ફાડવામાં આવે તો એ ૮ બાકટૂન, ૩ કાટુન, ૨ ટુન, ૧૦ યુનાઇલ અને ૧૫ દિવસ એમ ગણવાના! કયારથી ગણવાના? ક્રિએશન એટલે સૃષ્ટિ – સંસ્કૃતિના સર્જનને સ્ટાર્ટંિગ પોઇન્ટ માનીને! નિષ્ણાંતોના મતે મય લોકોએ એ કટ ઓફ પોઇન્ટ ઝીરો ઇસ્વીસન પૂર્વે ૩૧૧૪ની ૧૧ ઓગસ્ટનો નક્કી કર્યો હતો.

અત્યારથી પ્રલય કુંડળીનો આ આંકડાબાજી સાથે સીધો હિસાબ એ છે કે ૧૩મું બાકટુન પૂરૂં થઇ રહ્યું છે. મય લોંગ કાઉન્ટ કેલેન્ડર ૧૩.૦.૦.૦.૦ થવાનું છે – અનુમાન મુજબ ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ (કેટલાકના મતે ડિસેમ્બર ૨૩)ના રોજ!

ફરી વાંચો. કેલેન્ડર પૂરૂં થવાનું છે! દુનિયા નહીં ! છતાંય યે હંગામા કયું હૈ બરપા?

મૂળ તો ૧૯૫૬માં મય સંશોધક માઉદ મેકમ્સને ૧૩ બાકટૂન પુરા થવાની ઘટનાને મહત્વ આપ્યું હતું. ૧૯૬૬માં માઇકલ કોએ પોતાના પુસ્તકમાં તેને પ્રલય સાથે જોડી દીઘું! (કુ)તર્ક એવો પણ આપવામાં આવે છે કે આ મામલો સૃષ્ટિ સર્જનના ‘પુનરપિ જન્મમ્‌, પુનરપિ મરણમ્‌’વાળા અભિગમને છે. કેટલાક ભારતીય પંથો પણ એવો ફફડાટ ફેલાવે છે કે આ દુનિયા ‘રિપિટેશન’માં ચાલે છે. આ લેખ લખાય છે કે આપ આ લેખ વાંચો છો આ બઘું જ અગાઉ પણ અનેક વખત બની ચૂકયું છે. ચાર યુગ ફરી ફરીને આવ્યા કરે છે. કલિયુગ પછી ફરી સતયુગ આવે છે, જેમાં દિવ્યાત્માઓને જ પ્રવેશ છે (અને આ દિવ્યાત્મા એકસપ્રેસમાં એડવાન્સ બુકિંગ માટે અમારા પૂજય ફલાણાશ્રી કે ઢીંકણીશ્રીના ચરણોમાં તન, મન અને ભૂલ્યા વિના ધનથી સમર્પિત થઇ જાવ!)

આવું જ ફેકટની ખંડિત પ્રતિમાને ફેન્ટેસીથી પુરી કરનારા ફળદ્રુપ ભેજાંબાજો માને છે કે અગાઉ ૧૩-૧૩ બાકટુનના ત્રણ સૃષ્ટિ નિર્માણના પ્રયોગો નિષ્ફળ ગયા પછી વર્તમાન ૫૧૨૬ – વર્ષની બાકટુન સાયકલ પૃથ્વી પર સફળ રહી હતી. હવે ફરી એકવાર પૃથ્વીને જળબંબાકાર કરી, બઘું દટ્ટણ સો પટ્ટણ કરી નોઆહઝ આર્ક કે મત્સ્યાવતારની કહાની મુજબ પૃથ્વી પર નવેસરથી સૃષ્ટિસર્જન થશે. ૨૦૧૨ના અંતથી આરંભ થનારી આ ક્રિયા માટે જ મય કેલેન્ડરનું કાઉન્ટર ફરી ઝીરો થઇ જશે!

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના! પુપુલ વાહ જેવા પ્રાચીન મયગ્રંથોમાં આવું તો કશું સોઇઝાટકીને સ્પષ્ટપણે કહેવાયુંં નથી. બધા જ ધર્મગ્રંથોની માફક એમાં પણ અગડમ બગડમ રીતે અષ્ટમ પષ્ટમ સંદેશાઓ અપાયા છે. એના આધારે કેટલાક સ્યુડો સાયન્ટિસ્ટસના ‘ફિકશન’ને ફેકટના વાઘા પહેરાવી વેપલો કરી રહ્યા છે. સારૂં, ૨૦૧૨ ફિલ્મ જેવું મસ્ત મનોરંજન મળે છે. પણ એ ફિલ્મના સર્જકો ય અત્યારથી ૨૦૧૨ પછીની સાલમાં રિલિઝ થનારી ફિલ્મોનું પ્લાનિંગ કરી રહ્યા છે! નાસાના વિજ્ઞાની ડેવિડ મોરિસને આમ છતાં નોંઘ્યું છે કે ૨૦૦૯માં જ ૨૦૧૨ના પ્રલય પર અંગ્રેજીમાં ૨૦૦ પુસ્તકો બહાર પડયા છે!

બે દસકા પહેલાં ઠોકબજાકેમય સંસ્કૃતિના હવાલે ૨૦૧૨ને માનવજાતનું ફાઇનલ ઇયર ગણનારા મિસ્ટિક (ઓર મિસ્ટિરિયસ?) જોઝ આગ્યુએલેસે આ કાળવાણી કહી હતી. પણ એમ તો જોઝભાઇ એવું ય કહી ચૂકયા છે કે પૃથ્વી નિબિરૂ નામના કોઇ ભેદી ગ્રહના ટકરાવથી બનેલી છે, અને માનવજાત નિબિરૂના એલીયન્સે પૃથ્વી પર સર્જેલી છે. જોઝભાઇ ધડાધડ પુસ્તકો છાપે છે, કેલેન્ડરો બનાવે છે. ભારતમાં જેની બહુ ફેશન છે તેમ અડધાપડધી સાયન્ટિફિક રિસર્ચની વાતો તોડીમરોડીને પોતાને પાછા ગૂઢવિદ્યા સાથે વિજ્ઞાનને જોડનારા આઘુનિકતાવાદી તરીકે ખપાવે છે. જે એમ માને છે કે ૨૦૧૨ પછી દુનિયા વઘુ હાર્મોનાઇઝ થશે, ઘ્યાનસ્થ થશે. ટેલિપથીથી એકબીજા સાથે જોડાઇ જશે. એક એનર્જી ફિલ્ડ રચાશે.

હતાશ, ત્રસ્ત, અભાવમાં પીડાતા લોકોને આવું બઘું સાંભળવું બહુ ગમતું હોય છે. ભલેને પછી એનર્જી ફિલ્ડ રચી દેતાં અને બજારમાંથી ધાણાદાળની પડીકી ખરીદવા હોય એમ કુંડલિની જાગૃત કરી આપતાં આ સિદ્ધ-પ્રસિદ્ધ નર-નારીઓ પોતે બીમાર પડે એટલે હોસ્પિટલ ભેગા થઇ જતાં હોય!

માટે સ્તો પબ્લિકને બીવડાવવા માટે આજે ધાર્મિક ગપ્પાંબાજી પર વિજ્ઞાનનો વરખ ચડાવાય છે. બહારના લધુગ્રહની ટક્કરથી પૃથ્વી ખળભળી ઉઠે એ વાત વૈજ્ઞાનિક તથ્ય છે, પણ એવો કોઇ જ પ્લેનેટ એકસ કે નિબિરૂ ૨૦૧૨માં પૃથ્વીની નજીક ફરકવાનો નથી. કાગળ ઉપર તો પૃથ્વી કયારનીયે બ્લેક હોલ બની જાય એવા ચાન્સીસ તેના ઉદ્દભવકાળથી છે (એમ તો પ્રત્યેક સેકન્ડે આપણા મરી જવાની શકયતા પુરી પચાસ ટકા છે!) પણ આપણે બ્રહ્માંડના એક અટૂલા ખૂણામાં પડયા છીએ.

જાણકારો આવી બધી ‘ચેતવણી’ને ‘કોસ્મોફોબિયા’ કહે છે. જેમ કે, ૨૦૧૨ની ભૂતાવળ ઘુણાવવા ‘પ્લેનેટરી એલાઇનમેન્ટ’ યાને ગ્રહોની યુતિનું તૂત ચાલ્યું છે. નરી આંખે દેખાતા બુધ, મંગળ, ગુરૂ, શનિ, શુક્ર અને ચંદ્ર ૨૫ ડિગ્રી કે તેથી ઓછાના પરિઘમાં જોડાજોડ આવી જાય એવી ઘટના સાવ નવી નથી. એ ૧૯૬૨ અને ૨૦૦૦માં થઇ ચૂકી છે. (સપ્ટેમ્બર, ૨૦૪૦માં થવાની છે) જયોતિષ શાસ્ત્રની રીતે પણ તેનાથી વઘુ આફતોના યોગ સર્જાય, પણ દુનિયા ખતમ થઇ જવાની કોઇ આગાહી નથી. વિજ્ઞાન તો એને કુતૂહલ અને રોમાંચથી જ નિહાળે છે.

સામાન્ય, સરેરાશ યુતિઓ તો પ્રત્યેક વર્ષે રચાતી જ હોય છે અને બ્રહ્માંડ, સૂર્યમાળા કે આકાશગંગાની સિમ્પલ ‘થ્રી-ડી’ રચના પ્લેનેટોરિયમમાં જોઇ હોય તે સમજી શકે કે, કોઇ પણ બે ગ્રહો કાલ્પનિક રીતે એક બીજાની સીધમાં રહે, તેવી રેખા દોરી જ શકાય છે- સગવડતા મુજબ! કોઇક વળી ગ્રહોના ગુરૂત્વાકર્ષણથી સૂર્યમાં અસ્થિર થવાની વાત કરે છે- એવું થવાનું હોત તો કરોડો વર્ષોથી થઇ રહ્યું હોત. એક તુક્કો સૂર્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ધ્રુવોને અસ્તવ્યસ્ત કરે, તેવો ચગાવાય છે. સૂર્યને આવા કોઇ ચૂંબકીય ધ્રુવો જ નથી! અને રાતોરાત ઉત્તર-દક્ષિણ ધ્રુવ ઉલટાપુલટા થઇ ન શકે. એ બદલાય ખરા પણ એ ધીમી ચાલતી પ્રક્રિયા છે. તેને પાંચમા ગીઅરમાં નાખો તો ય શતાબ્દીઓ ચાલે!  (છેલ્લે આવી ઘટના ૭,૮૦,૦૦૦ વર્ષ પહેલાં થઇ હોવાનું અનુમાન છે!)

એમ તો સૂર્યના ‘ગેલેકટિક પ્લેન’ કહેવાતી બ્રહ્માંડિય સપાટીના કેન્દ્રમાં આવી જવાથી થતી ઉથલપાથલનો મુદ્દો બહુ ચર્ચાય છે. એ સાચું કે ‘મિલ્કી વે’ કહેવાતો દુધિયા પટ્ટો આકાશગંગાને બે ભાગમાં વહેંચે છે અને બ્રહ્માંડના કેન્દ્ર ફરતે આપણી સૂર્યમાળા આખી ચકરાવો લે છે, પણ એમા એક ભ્રમણ પૂરૂં કરવામાં અબજો વર્ષ લાગે તેમ છે. અફવા એવી ચાલે છે કે દર ૨૫,૮૦૦ વર્ષ સૂર્ય દૂધગંગાના કેન્દ્રને સમાંતર આવી જાય છે જે ઘણી ગરબડોને નિમંત્રણ આપશે, અને એ ઘટના ૨૦૧૨ના ડિસેમ્બરમાં બનશે.

હકીકત એ છે કે સૂર્ય એ કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર ભ્રમણ કરે છે. (એકડા ઉપર તેર મીંડા- એટલા કિલોમીટર એટલે એક પ્રકાશવર્ષ!) ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ના રોજ સૂર્ય તો બ્રહ્માંડ કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાથી પણ પોતાના વ્યાસના અગિયારગણા અંતર જેટલો દૂર હશે! (એ કેવી રીતે, એ માટે ગાણિતિક માથાપચ્ચી કરવી પડે છે. જે રવિવારની રજામાં આ વાંચતી વખતે બહુ પચવાની નથી!) અગાઉ વઘુ નજીક તો એ ૧૯૯૮માં હતો. રહી વાત પૃથ્વી અને સૂર્ય એક જ સીધમાં નજીક આવવાની. તો એ ઘટના દર વર્ષે બે વખત જૂન અને ડિસેમ્બરમાં થાય જ છે. અત્યાર સુધીમાં તો દર વર્ષે બે વખત પ્રલય આવી જવો જોઇએ! પણ ચિ. પ્રલયકુમાર તો એક વખત આવી જાય પછી બીજાને આવવા માટે પૃથ્વી જ કયાં રહે! એવું જ સૂર્ય આકાશગંગાના ‘ડાર્ક રિફટ’ કહેવાતા ઘેરા પટ્ટામાં પ્રવેશી જશેની ગોસિપનું છે. એક તો ઘેરો પટ્ટો ખૂબ દૂર છે, અને બીજું એને સમાંતર તો ૨૦૦૭થી સૂર્યમાળા છે. ૨૦૧૨માં તો દૂર જતી રહેશે!

રહી વાત, ભૂકંપ, વાવાઝોડા, સુનામી, દુકાળ, કાતિલ ઠંડી-ગરમી અને જવાળામુખી વિસ્ફોટોની. એ તો દર વર્ષે થાય છે. હજુ પણ થવાના. પર્યાવરણ ખાતર પ્રકૃતિ વસતિવિસ્ફોટનું સંતુલન તો કરેને! તેને ૨૦૧૨ સાથે શું સંબંધ?

બિચ્ચારા મય લોકો! જેમ હમણાં આપણું કેલેન્ડર ડિસેમ્બર ૩૧ની રાત્રે બાર વાગે પૂરૂં થઇ નવા કેલેન્ડર માટે જગ્યા કરશે, એવી રીતે રચેલા કેલેન્ડરના સ્વાભાવિક અંતને કેવડો મોટો બિઝનેસ બનાવી દેવાયો! મય લોકોએ તો પૃથ્વી પર પ્રલયની કશી આગાહી કરી જ નથી! એ બાપડાઓ તો પોતાની સંસ્કૃતિના નાશનું ભાવિ પણ કયાં જોઇ શકયા હતાં!

ફાસ્ટ ફોરવર્ડ

 

‘દુનિયા ક્ષણભંગુર છે. આ દેહ તો ભાડાનું મકાન છે. ગમે ત્યારે ઉપરવાળાનું તેડું આવી જવાનું છે. કોઇ કશું સાથે લઇને ગયું નથી…’

 

‘… હવે તો બઘું છોડીને ભગવાનની ભકિત કરીશને!’

 

‘ના. જલસા કરીશ. દરેક દિવસ છેલ્લો હોય એમ માનીને ચસચસાવીને , મુકત મને માણીને જીવવા માટેના આ સચોટ કારણો મળી ગયા!’

(પ્રલય પ્રલયના પોકારો વચ્ચે એ શા માટે થવાનો નથી અને શા માટે એની વાતો થઇ રહી છે એ સ્પષ્ટ કરતો ત્રણ વર્ષ જુનો લેખ પ્રલય માંથી બચી ગયેલી જેવી ગ્રહની સજીવસૃષ્ટિને અર્પણ  😉 )

 
22 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 22, 2012 in education, history, science

 
 
%d bloggers like this: