RSS

Category Archives: Uncategorized

નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની…

IMG-20170228-WA0020.jpgજિતેશ દોન્ગા.

જણ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે. ફુરસદે વાત કરે. પૂજ્યભાવનો તો હું જ માણસ નથી, પણ એનો પ્રિયભાવ પૂરો મારા પર.

વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.જે અંદર જાય એ બહાર આવે. જિતેશ પોતાના વિશે તો ઘણું લખતો રહે, પણ પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ લખી, એના વિમોચનમાં હું GLF માં પહોંચું એવો એનો પ્રેમાગ્રહ. હું વાંચી તો ન શક્યો પણ પહોંચ્યો જરૂર યુવા ચેતનાને પોંખવા. એ ઇ બુક સ્વરૂપે સારી વંચાઇ. જિતેશનું વિઝન સંકુચિત નહિ પણ ગ્લોબલ એટલે તાવડો સારો તો ઘાણવો સારો ઉતરે.

પછી જાતભાતની સફરો એણે ફિઝિકલી એન્ડ મેન્ટલી ખેડી એવું ફેસબૂક જોઈને ને અમુક વાતચીત પરથી જાણી શક્યો. બેંગાલુરું  પ્રતિલિપિમાં ગયા પછી પણ એક કથા લખવાનું ચાલુ રાખ્યું. મોટિવેશનનો જમાનો છે, પણ તો ય એણે ફિક્શન પકડી રાખ્યું. હું અંગત રીતે વાર્તા ને નવલકથા કે કવિતા જેવા સ્વરૂપનો ચાહક. સાહિત્યની સર્જકતાનો પ્રદેશ આ જ છે.

‘નોર્થ પોલ’ એની બીજી નવલકથા છે. હમણા જ મને મોકલી. હું અત્યારે બેહદ વ્યસ્ત વ્યાખ્યાનો ને પ્રવાસોમાં. ફોન પર વાત પણ ના કરી શકું. ઓન એનો જીદ જેવો આગ્રહ કે હું વિમોચન કરુ !

આખી તો ઈચ્છા છતાં હું વાંચી નથી શક્યો ઓન જે નજર નાખી એના પરથી એટલી વાત પકડાઈ ગઈ કે યુવાહવાની, જવાનીની વાત છે. વળી, વાત વેવલી નથી પણ વાસ્તવિક છે. ફ્લેવર ચગે એમાં યૂથ ને યંગીસ્તાનની. બાકી તો કેવી છે એ વાચક નક્કી કરશે.

જિતેશની વિશ એવી કે આ કથા મફત જ ડાઉનલોડ માટે મુકવી.ને મને સર્જકતા આમ સસ્તી થાય એ ગુજરાતીપણાનું અપમાન લાગે.  સબ કુછ નહિ મિલતા રેડીમેઈડ એ મારું સ્પષ્ટ સૂત્ર. પ્રસિદ્ધ થવા કરતા સિદ્ધ થવાનો મોહ વિશેષ. મફત બાબતો પોતાનું મૂલ્ય તો ઘટાડે જ, પણ માર્કેટ પણ બગાડે. આપણા દેશની ક્રિએટીવીટી ફ્રીની ટેવ પડી એમાં ક્રિલેટિવ લોકો ફીના મોહમાં પરદેશી થઈ ગયા ! જિતેશે કહ્યું કે એની વાર્તામાં તાકાત છે. જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારામાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે લેખકે મહેનત કરી છે, અને જો તમારો આત્મા કહે કે લેખકને કશુંક આપવું જોઈએ તો જીતેશને તમે પેમેન્ટ આપી શકો એની સાઈટ પર.

એની વે, પણ જિતેશ લાગણીથી છલોછલ છે, તો એના પ્રેમનો પ્રતિસાદ આપવામાં સિદ્ધાંતો મને નડે નહિ. વળી કામ તો યુવાનોનું જ છે..યુવાન લેખક, યુવાનીની વાત કરતું પુસ્તક, ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવાનોનું. અને યુવાઓ માટે આપણે કંઇ પણ કરવા હરહમેંશ હાજર. કારણ કે, ગમે છે એ દુનિયામાં રહેવું. ક્વોલિટી યુથ વોઇસને પ્રમોટ કરવો એ મારી નૈતિક જવાબદારી બને. દબાવ્યા વિના નવી ટેલન્ટ્સને યોગ્યતા હોય તો દિલથી ચાહી છે. જિતેશની વાતો તો મારા વિચારોનું એક્સટેંશન ગણાય. એનામાં જે કશુંક કરી દેખાડવાનો સળવળિયો છે, એ મને ગમે છે. પાછું તપ પણ કરે ને તૈયારી ય. ખાલી તક ને તારીફની તમન્ના પર જીવતો નથી.

તો હવે નવલકથા જેવી લાંબી વાતને બદલે, સીધી નવલકથા જ હાજર છે. નવી તાજગી ને મને ગમતું કોલેજકાળનું રિફલેક્શન તો એમાં મહેસૂસ થયું છે. શૈલી પણ ફ્રેશ છે.  એની ઈચ્છા મુજબ જ મારા દ્વારા લોન્ચ કરી આપણી સામે મુકું છું. રસ પડે તો મારો ધુબાકા. કરો ફ્રી ડાઉનલોડ ને વાંચો. આ રહી લિંક. કરો ક્લિક.

ઓલ ધ બેસ્ટ જિતેશ. કરો ફત્તેહ. થેન્ક્સ મને ગમાડવા માટે ને શાબાશ ગુજરાતીમાં જવાનીની મશાલયાત્રા આગળ વધારવા માટે 🙂

યે હુઆ ડિજિટલ લોન્ચિંગ ! નીકળી પડે નોર્થ પોલની સફરે…

 

North Pole – http://jiteshdonga.com/

 
16 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 28, 2017 in Uncategorized

 

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

spkl1

આખું આયખું એવા કામમાં વીતાવવાનું  ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય !

—————

કયામત સે કયામત તક.

યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી.

એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક, સિનેમેટોગ્રાફર કિરણ દેવહંસ વગેરે વગેરે.

પછી પણ સેન્સિબલ ફિલ્મ્સ બનાવી  ‘જો જીતા વહી સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, શાહરૃખ-ઐશ્વર્યાવાળી ‘જોશ’. ત્યારે ય સિક્કો ચલણી હતો. અને આજે તો હિન્દી ફિલ્મોમાં ટિકિટબારી પર સૌથી વધુ પૈસા ઉસેડી શકતો મેગાસ્ટાર કઝીન આમીર સાવ ઘરનો છે જ. અને પબ્લિક તો આજકાલ વોટ્સએપનું ગ્રુપ નથી છોડી શકતી!  માલમિલકત તો દૂરની વાત છે. ફિલ્મસ્ટારોની ઝલક મેળવવા ધાર્મિક દર્શન જેવી ધક્કામુક્કી કરે છે.

પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું! આજે તો આમીરની જૂની ઓળખાણો વટાવવા લોકો કોમર્શિયલ ફાયદો જોઈને દોડી જાય, ત્યારે મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂનૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે!

spkl2પત્ની ટીના અને ટીનએજર સંતાનો પાબ્લો અને ઝયાન પણ જોડે છે. નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. થોડા વખત પહેલા પરિવાર સાથે બે વર્ષ માટે આખા ભારતની યાત્રા કરી હતી. એક આજે અપ્રાપ્ય એવું નાનકડું પુસ્તક ‘થર્ડ કર્વ’ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી.

મન્સૂર કહે છે કે ”ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!”

વાતો કરવી સહેલી છે ત્યાગની. અને ખિસ્સા ખાલી હોય ત્યારે તો બધા કરતાં જ હોય છે, પણ લક્ષ્મીથી લાઈમલાઈટ બધું જ હાથવગું હોય ત્યો એ છોડીને ફિલ્મી રોમેન્ટિક યંગથીંગ્સની જેમ દુનિયાથી દૂર શાંત સુંદર કુદરતના ખોળે એક કોટેજ બનાવી સ્વર્ગની સાધના કરવી એ અઘરું છે. ઈમ્તિયાઝ અલી શહેરમાં રહીને એ સૂફી જીંદગી વીતાવે ને પડદા પર દર્શાવે છે. મન્સૂર ખાને તો કોઈ હલ્લાગુલ્લા મીડિયા એટેન્શન વિના જ એનો અમલ વર્ષોથી કરે છે.

એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.

***

બે ઘડી બહુ અટપટી ધાર્મિક ફિલસૂફીઓ અને હથોડાછાપ ઉપદેશના ભયભીત કરી દેતા વ્યાખ્યાનો ભૂલી જાવ. એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો. મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર ‘બી વન વિથ નેચર’ થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૃરથી વધુ ભોગવવું એ ય હિંસા છે.

કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.

હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના સમય-સંજોગો સાથે પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ બ્રહ્મચર્ય બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે! સહજ મૈથુનનો આનંદ પણ પ્રાકૃતિક અને ઈશ્વરીય છે. સૌંદર્યનું સુખ પણ. પણ બળજબરી કરવી કે છેતરપિંડી કરવી એ વિકૃતિ છે. પ્રકૃતિ નથી.

ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ. ચમત્કારિક સાધનાસિદ્ધિ તો ઠીક છે છોકરાં રમાડવાના જાદૂઈ ખેલતમાશા છે. પણ જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય.

અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય. માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને…

ગાંધીયુગના રતન જેવા સ્વામી આનંદે એ જમાનાની બહુ દુર્ગમ ગણાતી ગંગોત્રી-કેદારનાથની યાત્રાના અનુભવો લખ્યા છે. એ વખતે બાબા કાલીકમલીવાલાનું સુખ્યાત સદાવ્રત. મોટાભાગના સંસારત્યાગી સાધુઓ પણ ત્યાંથી સીધુંસામાન ભરી લે. એક અજાણ્યો અલગારી સાધુ ત્યાં જાડા રોટલા એટલે ટીક્કડ ખાવા આવ્યો. લોટ સદાવ્રતમાંથી લઈ જાતે જ શેકીને ખાધા. ચાલતો થયો કે કોઈ પરગજુએ બૂમ પાડી. ‘બાબા, આગળ કશું મળશે નહિ. મોસમ ખરાબ છે. અહીંથી બે ટંકનો લોટ/રોટી લઈ જાવ.’

સાધુ થોભ્યો. પાછું વળીને કહે ”પ્યારે, સાધુ શામ કી ફિકર નહીં કરતા!”

આ થઈ સાધુતા. જેને ટીવી કેમેરાની મોહતાજી નથી. શિબિરો ભરીને સમાજમાં દેખાડો કરવો નથી. સંસાર છોડવાના બહાને નવો સંસાર વસાવવો નથી. પોતાની વિચારધારાના ચેલાચેલી શોધવા નથી. વૈભવી આશ્રમો માટે જમીનસંપાદન કરવું નથી. પોતાના કેલેન્ડર-ડાયરી છપાવી પ્રચાર કરવો નથી. લોકો આવે ને ફોટા છપાય તો સારું, ન થાય તો વધુ સારું એકાંતનો આરામ મળ્યો – એ પ્રકારની સંતુલિત સ્થિરતા સાહજિક છે. ને નવી નવી યાત્રાનો રસિક રોમાંચ છે. આવું નથી એટલે આપણે ત્યાં સંન્યાસીઓ બહુ છે, પણ સત્ય-સાત્વિકતા-સદાચાર નથી. મંદિરો વધે છે, પણ માણસાઈ વધતી નથી!

lotus_by_mattthesamuraiઆવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો – પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે? એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતા માણતા બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!

પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને. બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !

પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાાતિ, ધર્મ, રાજકીય પક્ષો કે પૈસાપાત્ર કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. ડેવિડ ફિન્ચરની ‘ફાઇટ ક્લબ’ ફિલ્મમાં આ આંધળી બહેરી અને લાઉડ બોલકી એવી રેસમાં ઘૂટન અનુભવતા સેન્સિટીવ થિકિંગ સોલની કાળઝાળ વેદના હતી. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં…. બસ, એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે ?

સ્ટોપ. એન્ડ થિંક. બધા વ્હાઇટ કોલર જોબ/ પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડી. ધર્મ- જ્ઞાાતિ, સંસ્કૃતિને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણે કોઈ ભયાનક મંદી નથી જોઈ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૃટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. બકૌલ ફાઇટ ક્લબ, વી આર મિડલ ચિલ્ડ્ર્ન ઓફ હિસ્ટ્રી. નો પર્પઝ ઓર પ્લેસ !

આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. બધા સામુહિક સપના જોયા કરે છે, ટિકિટના પૈસા વસૂલતા બિઝનેસ મોટીવેટર્સે ઉધાર આપેલા કે એક દિવસે આપણે બધાં કરોડપતિ થઈ જઈશું, બધા ફેમસ રોકસ્ટાર થઈ જઈશું, બધાની લાઇફમાં ફિલ્મી હીરો- હીરોઇન જેવા પાર્ટનર્સ આવશે, આપણા બાળકો સુપર સેલિબ્રિટી જ બની જશે.

પણ આવું થવાનું નથી. સ્કૂલોથી પોલિટિક્સનો કોર્પોરેટ પ્રોફિટ વધ્યા કરશે. પણ તમામેતમામ ભૌતિક સંપત્તિમાં ગરીબથી અમીર, ગુમનામથી નામંકિત થઈ શકવાના નથી. કારણ કે, બધા એકસરખા શ્રીમંત હોય એને શ્રીમંતાઈ જ ન કહેવાય. બધા જ ફેમસ થઈ જાય તો ફેન કોણ થાય? એ ફિલ્મમાં તો વાસ્તવના આવા વિરાટદર્શનથી હતાશ નાયક ડલ લાઇફને એક્સાઇટિંગ બનાવવા પહેલા લોહી રેડતી મારામારીના ખાનગી દંગલ યોજે છે.

ઉપરઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જેવો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, એટલે વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે ‘મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.’ એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.

જસ્ટ થિંક, એવી કેવી ઘેલછા કે એકદમ અંગત પોતીકાઓ સિવાય કોઈ નથી જોવાનું, એવા અંદર પહેરવાના બ્રા અને જાંગીયા પણ કોઈકના નામના બ્રાન્ડેડ હોય?! નિજી જીંદગીની- પસંદગી પર એડવર્ટાઇઝીંગની આવી તરાપ? ફ્રી વિલની ચોઇસ પર?

***

૧૯૯૯માં એક ફિલ્મ આવેલી ‘ઇન્સ્ટિન્ક્ટ’ બહુ વખણાઈ કે જોવાઈ નહિ. પણ લાજવાબ, અદ્ભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૃ થાય એવી!

ટોકેટિવ છતાં ઇન્ટરેસ્ટિંગ ફિલ્મનું પ્રિમાઇસ કંઈક આવું છે. એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એ માનસિક અસ્થિર અને હિંસક ગણાયેલા વૃદ્ધને જાલિમ અમેરિકન જેલમાં ટ્રાન્સફર કરાય છે, જ્યાં એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે…

skpl5અને ઉત્તમ કળાની જેમ એ ફ્રેમની બહાર જઈને સવાલો ઉઠાવે છે. એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, ‘આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૃ થયું ત્યારે માણસ જંગલી જોડે રહેતો હતો, એટેલ આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે! આજે તો મહાનગરમાં લૂંટ, બળાત્કાર, ઈજાનું જોખમ જંગલ કરતા વધુ છે!’ (બાપડા પ્રાણીઓને લાગણી તો હોય છે, પણ બેવકૂફ બદમાશ ઇન્સાનોની જેમ એ દુભાતી નથી!)

હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા. એ ખતરારૃપ નહોતા. કારણ કે એ જરૃર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૃરિયાતથી આગળ આવેલી એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.

પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી એને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો.

એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જીંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી,  એટલે એ મારું ધ્યાન રાખતા એમાં ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે… એ સ્વજન હોવાનું સુખ!”

રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને ‘બોસ’ સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને ‘ડ્રીમ ઓફ ફ્રીડમ’ ગમતું નથી.

ડાયરેક્ટર ‘ઇન્સ્ટિંક્ટ’માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે. એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠાવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય. બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ!

યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ. માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય – એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને? તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે. પણ આર્ટિસ્ટ કે રેશનાલીસ્ટ કે કવિ થઈને ફરતા લોકો, જરાક ખોતરો અને વાત એમની ગમતી માન્યતા કે આસ્થાની આવે એ પછી ખાનદાન હોય- કોમ હોય- ધર્મ હોય- વોટએવર એટલે તરત જ જડસુ, હિંસક, રેઝીસ્ટન્સ ડેવલપ કરી લે છે. લાજવાને બદલે ગાજવા લાગે છે. એન્ડ ધેટ્સ ધ પિટી, ધેટ્સ ધ ડેન્જર.

રીડર બિરાદરોને થશે કે, તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય, જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.

બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે ‘ફેક નીડ્સ’થી દૂર રહો. કન્ટ્રોલ ફ્રીક ન થાવ. જીવન મસ્તીથી રસભરપૂર માણો, પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી. મોંઘી કાર લો, તો ય જરૃર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો. ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે! બહુ બધો સંગ્રહ- પરિગ્રહ ન કરો. તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૃરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો. સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ જરા ડિટેચ્ડ રહીને. ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને. સાક્ષીભાવે. 

આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો, પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો. વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ. એક્ચ્યુઅલી, ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી – ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.

રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા ! તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું ! મરતા પહેલા એ કરવું છે? તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી. સ્ટાર્ટ ઇટ ટુડે.  (શીર્ષક પંક્તિ: ઉદયન ઠક્કર)

ફાસ્ટ ફોરવર્ડ

‘પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?’- નફરત? ઉપેક્ષા? ક્રોધ? વેર? હિંસા?… ના. ઓપોઝિટ ઓફ લવ ઇઝ ફીઅર. પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય!

(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર, તારા ગાંધી ભટ્ટાચાર્યજી)

spkl3

————-

સ્પેક્ટ્રોમીટર * જય વસાવડા
ગુજરાત સમાચાર ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭

 
25 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 10, 2017 in cinema, feelings, inspiration, philosophy, Uncategorized

 

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મઃ એક સત્યકથા!

માણસ અને દેશ ઘડવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા પાણીદાર શિક્ષકો જ જોઈશે !

jm4

એ છોકરાને ભણવું જ નહોતું! મુદ્દલે ઈચ્છા નહોતી ભણવાની. એજ્યુકેશન સીસ્ટમ પર જ બે પેઢીથી ઘરમાં શિક્ષકો જ હોવા છતાં એને જબરી ચીડ હતી. રીતસરનો તિરસ્કાર જ હતો! એનું જ્ઞાાન કે ભણવા પરથી ચિત્ત જ ઉઠી ગયું હતું. દિમાગ બળવાખોર નકસલાઈટ જેવું એન્ટી સીસ્ટમના આક્રોશમાં ધખધખતું હતું.

નેવુંના દાયકાના આરંભે ઓલરેડી બારમા ધોરણમાં એની પરીક્ષાનું વિચિત્ર પરિણામ આવતા અદાલતના ધક્કા ખાધા હતા. વ્હાલસોયા મમ્મી પપ્પા તો કશું કહેતા જ નહોતા. કારણ કે, સમગ્ર પ્રાથમિક શિક્ષણ તો એને ઘેર જ આપેલું હતું! એને ગોખણપટ્ટીની પછાત સિલેબસથી ઠેબાં ખાતી એજ્યુકેશન સીસ્ટમનો સખ્ખત કંટાળો આવતો. ક્રિએટીવિટીના બદલામાં મેમરીના માર્કસ મળતા જોઈને ઉબકા આવે એવી એલર્જી થતી.

પછી તો ગોંડલ ગામમાં ભાઈબંધો શોધવાના. ઓડિયો કેસેટની દુકાનોના પાટિયા તોડવાના. આવારગર્દી અને ઈશ્કી રોમિયોગીરીના મસાલેદાર કિસ્સાઓ સિગારેટથી દારૃ બધું જ પીતા લોકો પાસેથી સાંભળવાના. વાર્તાઓની કિતાબો રોજની એક લેખે ચાવી જવાની.

ક્યાં જવું છે એની ખબર જ ન હોય છતાં જાત સાથેના સવાલજવાબ ટાળવા રોજ ગામમાં ઘેર કશું કહ્યા વિના ભટક્યા કરવાનું. આસપાસના દંભ અને ભ્રષ્ટાચાર, ધાર્મિકતા અને ચાંપલાઈ, છોકરા-છોકરીના વેવલાઈથી ભરપૂર નૈનમટક્કાની ઘેલછા, લગ્ન જેવા પ્રસંગોમાં પહોળા થઈને ફરતા વેપારી વડીલોના દેખાડા… આ બધું જોઈને એને ઉદાસી અને ઉકળાટ બંને થતો. જાણે કાદવના ખાબોચિયામાં તરફડતા પંખી જેવી ઘૂટન થતી. જલા દો ફૂંક ડાલો યે દુનિયાનો લાવારસ બહારથી સ્થિર દેખાતા મસ્તકમાં ભભૂકતો હતો. લાઈફનો કોઈ ઉદ્દેશ જ નહિ. નો ગોલ, નો ડ્રીમ. જસ્ટ પાસ ધ ટાઈમ. ટોટલ નિહાલીસ્ટિક એટીટયૂડ. જીંદગી જ સાલી બેમતલબ બદમાશ છે.

જી હા. એકદમ છટપટાહટ, ઘૂટન, તૂટન, કન્ફ્યુઝનની કશ્મકશ. આ કહાની નથી. આ લેખકડાની જ ફર્સ્ટ પર્સન જબાની છે. આ ધૂંધવાતો છોકરો એ જ આપનો વિશ્વાસુ આ કલમદાસ. ઘરમાં ય દેવું. લેણદારો ટેપ કે ફ્રિજ ઉંચકીને લઈ જાય અને રેંકડીમાં વેંચાતા કપડાં પહેરી એકાદ ટંક ખાવાનું સ્કિપ કરવું પડે એવું! બહાર ચૈન નહિ, ઘેર આરામ નહિ. ટોટલ લોસ.

જેના અઢળક સાક્ષીઓ છે, એવી સચ્ચાઈ એટલે આજે બયાન કરવી છે કે, શિક્ષક દિન ફરી આવી પહોંચ્યો છે. અને સાત્વિક, સંવેદનશીલ, સજ્જ અને સરળ શિક્ષક શું કરી શકે- એની જાતે જીવેલી ફર્સ્ટ પર્સન દાસ્તાન કહેવી છે.

અને સલામી આપવી છે, આજે દુનિયામાં નથી પણ દિલમાં છે એવા અધ્યાપક શિક્ષકને.

***

jm1રાજકોટની ધમસાણિયા કોલેજ. માંડ ત્રણ વર્ષે બીબીએના કોર્સમાં પરાણે ભરેલું એકમાત્ર ફોર્મ. બીજા લિસ્ટમાં સરખી ટકાવારીમાં છેલ્લા ચાર નામોમાં બંદાનું નામ ધક્કામુક્કીમાં પાછળ હડસેલાતું હતું.
ત્યાં પપ્પાના એક ઓળખીતા લેકચરરને મળાયું, પણ નવા મેનેજમેન્ટ કોર્સમાં એ મદદ કરી શકે એમ નહોતા. સડિયલ અડિયલ સીસ્ટમમાં વધુ એક એકેડેમિક ઈયરનો કચરો, એવી ઝૂંઝલાહટમાં કોલેજના પગથિયાં ઉતરતો હતો, ત્યાં એક રણકદાર અવાજ કાને પડયોઃ ‘તમે સ્પોર્ટસક્વીઝમાં આવેલા કે નહિ?’

એક સાદો લાંબી બાયનો ક્રીમ શર્ટ અને નેવી બ્લુ પહોળા પેન્ટમાં વડીલ પ્રોફેસર સામે હતા. તજેસ્વી ચમકતી આંખો. એકદમ ઝીણી પાતળી મૂછ. માથે ટાલ. મુખ પર રમતું સ્મિત. સ્હેજ ભરાવદાર શરીર, શ્યામ વર્ણ પણ જ્ઞાાનસભર લલાટ. એમણે ફરી સવાલ પૂછયો.

વાત જાણે એમ કે, ત્યારે ક્રિકેટ કોમેન્ટેટર નરોત્તમ પુરીની દિલ્હી દૂરદર્શનમાં આવતી સ્પોર્ટસક્વીઝ ભારે પોપ્યુલર હતી. ને નવરાબેઠા આપણે તો આવી ક્વીઝોમાં ભાગ લેતાને જરાક પોકેટમની મળી જતા. એમાં ત્યાં જવા માટે અણધારી પસંદગી થયેલી. દિલ્હી જઈ શૂટિંગમાં ભાગ લીધો. ઉભા થઈ એક સવાલનો સાચો જવાબ પણ આપેલો. એ બહાને મમ્મી-પપ્પા સાથે તાજમહાલથી ઋષિકેશ સુધીની સફર પણ કરેલી. થોડા મહીના પહેલા જ એનો એપિસોડ આવેલો.

આ સાહેબ વળી કુદરતને કરવું તે ક્રિકેટ અને સ્પોર્ટસના શોખીન. એમને યાદ રહેલું કે કોઈ છોકરો વળી ગુજરાતમાંથી ત્યાં ગયેલો. ને એ ઓળખી ગયા. ”આવો” માનથી બોલાવી કહ્યું ”હું ડો. જે.એમ. મહેતા. અહીં બીબીએ કોર્સનો ઈન્ચાર્જ.” ઈત્તફાક! મહેતાસાહેબ જ એ વ્યક્તિ કે જે મને એડમિશન અપાવી શકે!
ખભે એમનો ટ્રેડમાર્ક કપડાનો થેલો ઝૂલાવતા એ પ્રિન્સિપાલ કે.એમ. પટેલની ચેમ્બરમાં લઈ ગયા. પટેલસાહેબ સ્વભાવના કડક અનુશાસનપ્રિય. પણ મહેતાસાહેબે અંદર જઈને જ કહ્યું ”આ છોકરાને એડમિશન આપવું જોઈએ. અત્યારે જ. કોલેજનું નામ રોશન કરશે. સ્પોર્ટસક્વીઝમાં પહોંચેલો હતો ટીવીમાં. મેં જોયો છે.” મહેતાસાહેબે દ્રઢતાથી કહ્યું ”અરે, વિચારો નહિ. આપણે આવા ક્વીઝવાળા છોકરાની કદર કરવી જોઈએ.” અને મને કહ્યું ‘ફી લાવ્યા છો? તો ભરી દો!’

અને શરૃ થઈ જીંદગીનો નકશો પલટાવી નાખતી એક સફર. એક સંગાથ ગુરૃ અને શિષ્યનો!

***

ફી તો ભરાઈ. પણ ભણવાનું તો મન જ નહોતું. હા, સવારે અપડાઉન કરવું- કોલેજ જવું એ બધામાં જલસો પડે. એ વખતે કમ્પાઉન્ડમાં સાઈકલો હોય. બાઈક તો લકઝરી ને આપણે તો બે ટાંગાની સવારીવાળા મુફલિસ. ક્લાસ શરૃ થયા ને ગાપચીઓ શરૃ થઈ.

”વસાવડાભાઈ…” મહેતાસાહેબ કાયમ સ્ટુડન્ટસને માનથી જ બોલાવે. ”તમે આમ વેડફો નહિ આ સમયને. જરાક રસ લો આ બધું જાણવામાં.” આવું લોબીમાં ચાલતા ચાલતા ખભે હાથ મૂકીને ટોકે. ”આપણે શિક્ષકના દીકરા.
મિલકતો હોય નહિ. જીવવા માટે કમાવું પડશે. એ માટે નવું શીખવું પડશે. તમારી જરૃરિયાત પેદા કરો. લોકો શોધતા આવશે સામેથી. પણ તપ કરવું પડે તપ, આમ ભાગો નહિ વાસ્તવિકતાથી. સ્વીકારો, સમજો, સંઘર્ષ કરો.” આજે બરાબર સમજાઈ ગયેલો પાઠ હજુ ત્યારે ગળે ન ઉતરતો.

”એવું કરો, તમને વાંચવાનો શોખ છે ને, તો કોલેજે આવો. જો લેકચર ભરવાનું મન ન થાય તો લાયબ્રેરીમાં બેસો. પણ જેમાં મજા આવે એટલું તો ભણો.”

”પણ ફલાણા સર જ ડબ્બા જેવા છે.”
”અરે, અરે… આમ અકળાઈ ન જાવ. કુટુંબ હોય કે કોલેજ. બધા સરખા ન હોય. બે-ત્રણ તો ચલાવી લેવા જેવા હોય જ. ભગવાનની લીલા છે. આપણે એનો આનંદ લેવાનો. આમ આકરા નહિ થવાનું.”

આમ લાયબ્રેરીની લાલચે હાજરી શરૃ થઈ. સાહેબનો પીળો પરવાનો. લાયબ્રેરિયન સેરશિયાભાઈ તો દોસ્ત બની ગયા. જોઈએ તે બૂક ઘેર લઈ જવાની, છાપા ય વાંચવાના ને લઈ જવાના. સ્પેશ્યલ ટ્રીટમેન્ટ.
કોઈ ગણગણાટ કરે તો મહેતાસાહેબ વીટો પાવર વાપરીને સ્ટાફ રૃમમાં જ કહી દે. ‘હવે આટલા પગાર પછી પ્રોફેસરો લાયબ્રેરીમાં બેસતા નથી. તો આવા હોશિયાર છોકરા એનો ઉપયોગ કરે, એમાં આટલા વર્ષોથી ખર્ચો કરીએ એ લેખે લાગે!’

અમારી બજરંગ કોલેજમાં બપોરે છોકરીઓની શિફટ. ભઈલાઓએ મહિલાઓ ખાતર કેમ્પસ ખાલી કરી દેવાનું. પણ મહેતાસાહેબના વાચનશોખને લીધે એ બેસે, અને એના પાળેલા ગલુડિયાંની જેમ હું ય બેસું ને એમાંય આપણે જાણે વીઆઈપી. સાહેબ સાથે જ મોડેથી ચાલતા ચાલતા અલકમલકની વાતો કરતા જવાનું મોટે ભાગે થાય.

સાહેબ કાયમ કોલેજથી ખાસ્સા દૂર રહેતા હોવા છતાં ચાલીને જ આવે ને જાય. સીનિયર પ્રોફેસર, પણ ન કાર, ન સ્કૂટર.
વિદ્યાર્થીઓમાં આ મજાકનો વિષય. સાહેબની ચિંગૂસીની બધા શરૃઆતના મહીનાઓમાં ચોવટ કરે. રૃપિયા બચાવવા ટાંટિયાતોડ કરે એવી ગોસિપી અફવાઓ ફેલાવી, દબાતા દબાતા ખીખીખી હસે.

પણ એક દિવસ સીટી બસની રાહ જોતા જોતા નવતર દ્રશ્ય દીઠું! પાછળ જ રહેલા મેડિકલ સ્ટોરમાં મહેતાસાહેબ કોઈ દવા લેવા ઉભેલા. એક સાવ મેલીઘેલી ચીંથરેહાલ અવસ્થામાં ગામડિયણ મજૂરણ બાઈ છોકરું તેડી દવા લેવા આવેલી. પણ કિંમત સાંભળી પ્રિસ્ક્રિપ્શનનો પરસેવામાં ચૂંથાયેલા કાગળિયો પાછો લઈ લીધો. સાહેબે તરત એને રોકી. આજથી બે દસકા પહેલા સોળસો રૃપિયાનું એનું બિલ ચૂકવ્યું. ૧૦૦ રૃપિયા બીજા આપ્યા. અને ધીમી ચાલે ડોલતા એ ઘર ભણી ચૂપચાપ નીકળી ગયા!

કંજૂસ માણસ કંઈ આમ અજાણ્યા ખાતર પૈસા ખર્ચે? બીજે દિવસે હળવેકથી સાહેબને વાહન ન વાપરવાનું કારણ પૂછયું. એ ખડખડાટ હસી પડયા. ‘અરે, મને હાર્ટ એટેક આવ્યો. ડોકટર કહે રોજ ચાલો. સ્પોર્ટસ તો છૂટી ગયું. એટલે ખાસ ચાલવા જવું એના કરતાં રોજ ચાલીને આવવા-જવાનું. કસરત ભૂલાય જ નહિ!’ (અને વગર ભણાવ્યે શીખવા મળ્યો વધુ એક પાઠઃ કોઈના વિશે સાંભળેલી ગપસપ પર તરત યકીન નહિ કરવાનું. એવું લાગે તો વિવેકથી સચ્ચાઈ પૂછી લેવાની. મોટે ભાગે બીજાઓએ છાતી ઠોકીને કાઢેલા તારણો ઉપજાવી કાઢેલા જ હોય છે!)

ધીરે ધીરે કોલેજે જવાનું વ્યસન મહેતાસાહેબના નિઃસ્વાર્થ પ્રેમને લીધે લાગ્યું. સાહેબ ક્યારેક ઈકોનોમિક ટાઈમ્સનો કટિંગ કરેલો લેખ વંચાવી ચર્ચા કરે, તો ક્યારેક કોઈક શાકાહારી સાત્વિક ટૂચકો સંભળાવે. ગંભીર થઈને ખીજાય ભાગ્યે જ. બાકી ‘લેટ ગો’ એ જ ‘ઈગો’ના સ્થાને એમની પ્રકૃતિ. છોકરાઓ એમની હાજરીમાં હળવાશ અનુભવે. સાહેબ બધાની અંગત દરકાર રાખે. નામથી ખબરઅંતર પૂછે, વિદ્યાર્થીના જ નહિ- એના મા-બાપના ય! બીજા વિષયોના નાના-મોટા પ્રશ્નો પોતે સોલ્વ કરાવીને ઘર્ષણ ટાળે. જનરલ નોલેજ વધારીને પ્રેકટિકલ થવા પર ભાર મૂકતા- અનુભવો વર્ણવે.

સાહેબ ગમતા. પણ કશુંય કરી બતાવવાની તમન્ના તો ક્યારની ઠરીને ઠીકરું થઈ ગઈ હતી. એમાં બિલકુલ શિખામણ કે ઉપદેશ વિના અચાનક સાહેબે તણખો પેટાવ્યો!

‘આ જુઓ વસાવડાભાઈ, તમારે આમાં ભાગ લેવાનો છે.’
ત્યારે રાજકોટમાં સાવ નવા શરૃ થયેલા એપલ કોમ્પ્યુટરના ક્લાસીઝે ઈન્ટરકોલેજ ક્વીઝ કોન્સ્ટેસ્ટ યોજેલી. એના આમંત્રણનો કાગળિયો છૂટીને ઘેર જવાના સમયે સાહેબે દેખાડયો.
‘મારે નથી લેવો ક્યાંય ભાગ. જવું જ નથી ક્યાંય બીજે.’ મોઢું ચડાવી કડવાશથી અપુન બોલા!

”અરે, તમે સ્પોર્ટસ ક્વીઝમાં ગયા તો આપણી ઓળખાણ થઈ ને! તો જાવ આ ક્વીઝમાં ય. કોલેજનું ઋણ અદા થશે, જીતશો તો. ને ભાગ લેવાની મજા પડશે.” સહેજ અટકીને કહે ”આમ ઉતાવળમાં ગુસ્સે ન થવાય. તમારામાં બહુ આક્રોશ છે. બહુ બધું અંદર વલોવાય છે. ઊર્જા હોય તો જ આવો આક્રોશ હોય! એને આમ હતાશામાં બખાળા કાઢવામાં વેડફો નહિ. કામે લગાડો. કંઈક સાબિત કરો પહેલા. તો તમારી ટીકાઓ કોઈક સાંભળશે!”

ઘેર વાત્સલ્યને લીધે બાપે ન કહ્યું, એ ગુરૃએ કહ્યું. તો ય ત્યારે તો ગળે ન જ ઉતર્યું. સાહેબે નવું ગાજર લટકાવ્યું.
”ક્વીઝ સાંજે છે. બપોરે બાજુમાં ગેલેક્સીમાં ફિલ્મ જોજો. ટિકિટ હું આપીશ. અને એક સિનિયર છોકરો છે પ્રવીણ ચૌહાણ. એને ય શોખ છે. પૈસા નથી, એટલે રફ નોટમાં પુસ્તકોના લખાણ ઉતારતો હોય છે. મારા ધ્યાનમાં છે. એની મદદ લેજો. નામ તો મોકલાવી દીધું છે.”

સાહેબના રીતસરના ધક્કા જેવા આગ્રહને લીધે ક્વીઝમાં ગયો. પ્રવીણ સાથે દોસ્તી બોનસમાં મળી. જેમ્સ બોન્ડની પ્રથમ ફિલ્મનું નામ શું? એ ટાઈબ્રેકરનો ‘ડો. નો’ જવાબ આપી જીત્યા. અને નવી સફળતાથી પોઝિટિવિટીએ ‘યસ’ કહ્યું!

કોલેજમાં બીજી સવારે મહેતાસાહેબને ઈનામ, પ્રમાણપત્ર, ટ્રોફી બતાવી અને સાહેબ એ ઘડીની રાહ જોઈને બેઠા હોય, એમ ઉભા થયા. ૫૧ રૃપિયા ખિસ્સામાં મૂક્યા. ને કહે ‘ચાલો.’

ક્લાસે ક્લાસે ફેરવ્યા, બધા જ વર્ગમાં. છોકરીઓની શિફ્ટમાં ય! મહેતાસાહેબ બધે લઈ જાય, ને બોલે ‘આ આપણો વિદ્યાર્થી. સ્પોર્ટસક્વીઝમાં ભાગ લીધેલો. આજે આટલા વર્ષોમાં કોલેજ માટે ક્વીઝ જીતી આવ્યો! સારું લખે છે, સારું બોલે છે. બહુ વાંચે છે. તાળીઓ પાડીને વધાવી લો!’

બધા સ્ટુડન્સને તો જોણું થયું. ભણવામાં બ્રેક પડે. એટલે હરખની ચિચિયારીઓ! કેટલીયે આંખો ટીકી ટીકીને જોયા કરે અને વાહવાહ કરે એવો પહેલો જ અનુભવ! સેન્સ ઓફ રેકગ્નિશન. વર્ષો પછી ‘હમ ભી કુછ કમ નહિ’નો અહેસાસ અંદરથી થયો. આપણે ‘રિજેકટેડ માલ’ નથી. સમાજ વખોડતો જ હોય, એવું નથી. સિદ્ધિને વ્હાલથી વધાવી પણ લે છે, એનો અનુભવ થયો. આત્મવિશ્વાસનો ઉભરો આવ્યો. દોસ્તો વીંટળાઈ વળ્યા. ચોકલેટો ખાધી. બે-ચાર કન્યાઓએ નામ પૂછયું. એકે ડિબેટમાં પાર્ટનર બનવાનું કહ્યું. પ્રોફેસરોએ પીઠ થાબડી. કરડાકીથી દરવાજો બંધ કરતા પટાવાળા પણ હસીને બોલાવતા થયા. અરે, સીટી બસની રાહ જોવાને બદલે અજાણ્યા વિદ્યાર્થીએ બસ સ્ટેન્ડ સુધી બાઈક રાઈડ આપી! ઓળખ મળ્યાનો નશો આખી રાત ઘેર પણ રહ્યો!jm3

***

અને તેજીને ટકોરો! પછી તો એક મિશન શરૃ થયું. જાતભાતની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું. મહેતાસાહેબે એ બધું સંભાળતા અધ્યાપક જ્યોતિબહેન- દલસાણીયાસાહેબને સોંપી દીધું.

નવા આચાર્ય રૈયાણીસાહેબે લેટરપેડ સહી કરી આપ્યા ભાગ લેવા માટે બંચમાં! એમાંથી મળતી આવકમાંથી જ કોલેજની ફી ભરાઈ. ટ્રસ્ટી વાલજીબાપાએ સન્માન કરી, ઇનામમાં ઘેર ટેલિફોનલાઈન લેન્ડલાઈન તણી ગિફટ આપી. પ્રવાસો શરૃ થયા, નેશનલ- ઈન્ટરનેશનલ સ્પર્ધાઓ, એન્યુઅલ ફંકશન, યુનિવર્સિટી- સ્ટેટ- નેશનલ યૂથ ફેસ્ટિવલ્સ, સ્ટુડન્ટ ઓફ ધ ઈયર… સિલસિલો વિસ્તરતો જ ગયો.

ભણતા ભણતા જ ચર્ચાપત્રો લખવાના શરૃ થયા છાપા-મેગેઝીન્સમાં. કોલેજ પૂરી થતાં પહેલા તો અત્યારે ૨૦ વર્ષની થયેલી આ કોલમ ‘ગુજરાત સમાચાર’માં આ જ સ્પર્ધાઓની જીતને લીધે શરૃ થઈ! સિવિલ સર્વિસ અડધેથી પડતી મૂકી, એ પહેલા તો લેખન-પ્રવચનની કારકિર્દીના મૂળિયા ત્રણ વર્ષમાં સાડા ત્રણસોથી વધુ સ્પર્ધાઓમાં વિજય સાથે રોપાઈ ગયા હતા. મહેતાસાહેબે જાતે એ બધી વિગતો લખીને ટાઈપ કરાવી. વિદાયમાનમાં મારા માતા-પિતાનું ઘેર કેળવણી આપવા માટે જાહેર સન્માન કર્યું…

અને અંગત સન્માન એ કર્યું કે દીકરો નહિ પણ એક જ દીકરી સંતાનમાં ધરાવતા મહેતાસાહેબે એમની એ દીકરીના લગ્નમાં જવતલ હોમવા બોલાવ્યો! સાહેબના પત્ની જ્યોતિબહેન ઘેર જાઉં તો કહે જઃ તું એનો દીકરો જ છો! સાહેબ દશા સોરઠીયા જ્ઞાાતિની શૈક્ષણિક પ્રવૃત્તિમાં ય અગ્રેસર. પહેલેથી મધ્યમમાર્ગી. ‘માથાકૂટ ન કરો, માર્ગ કાઢો’ એ એમનો જીવનમંત્ર. એટલે અમુક બાબતો એમને ગમે નહિ. પણ કશુંક સારું થાય તો સહન કરી લે!

કોલેજ પૂરી થયા પછી પણ સાહેબનું હેત ખૂટયું નહિ. વધારાની તૈયારી અને આંકડાઓ સાથે માથાફોડી ઘેર બેસાડી કરાવે. આજ્ઞાા જેવો આગ્રહ કરી, મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લેવડાવી. મફત ઘરનું કોચિંગ તો ખરું જ. જીવનની સલાહો પણ આપે. એમના જેટલો જ પુત્રવત સ્નેહ રાખતા પ્રોફેસર ફુલેત્રાસાહેબે કોલેજમાં પ્રિન્સિપાલની નોકરી ઓફર કરી, ત્યારે મહેતાસાહેબે જ કોર્સના વાઈવાની જેમ ઈન્ટરવ્યૂની તૈયારી કરાવી, સોનેરી સલાહ આપીઃ ‘આપણી પ્રાયોરિટી કમાવાની છે. યોગ્ય રીતે આવક મેળવશો તો શોખ પૂરા કરવામાં સ્ટ્રેસ નહિ થાય! જ્ઞાન વધારવા ખર્ચ થશે!’

મમ્મી ગુજરી ગયા, ત્યારે પણ સધિયારો આપવા સાહેબ હતા જ. દોહિત્રી રમાડતા, નિવૃત્ત જીવન ગાળતા. યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૃ કરાવવા ચપ્પલ ઘસતા! અચાનક જ એ અવતારકૃત્ય પૂરું થયું હોય એમ દુનિયા છોડી વિદાય લઈ ગયા!

પણ એેક સેલિબ્રિટીજગતમાં ગુમનામ ગણાય એવા એ શિક્ષકની શોકસભાનો હોલ ઠેકઠેકાણેથી સ્વયંભૂ ઉમટેલા સ્ટુડન્ટસથી છલોછલ હતો! એક આ લેખકડાની જ જીંદગીને સાહેબે દિશા નહોતી આપી, કંઈક માટીમાંથી મૂર્તિઓ બનાવેલી. ઘણા ભાગેડુઓને ‘દો આંખે, બારાહ હાથ’ના જેલરની જેમ ભરોસા અને પ્રેમથી પલોટેલા. ગોંડલમાં વિજય કારિયા નામના અંધ વિદ્યાર્થીને ય પ્રોફેસર બનાવેલો! આરંભે એબીસીડીમાં ફાંફાં હોય એને ઘાટ આપી મલ્ટીનેશનલમાં મેનેજર બનાવેલો!

આ છે શિક્ષક. ૫ સપ્ટેમ્બરના શિક્ષક દિને ડો. જે.એમ. મહેતા જેવા, એ.કે. વિરાણી જેવા, રમેશ ફૂલેત્રા જેવા અનેક ગુરૃઓને વંદન કરી વિચારજોઃ કોઈ જે.એમ. મહેતા છે, તો કોઈ જય વસાવડા છે! વાત પર્સનલ નથી, યુનિવર્સલ છે. માણસ અને દેશ ઘડવા આવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા પાણીદાર શિક્ષકો જ જોઈશે. કારણ કે, એક શિક્ષકનું કમિટેડ ઈન્વોલ્વમેન્ટ કોઈ ઠૂંઠામાં કૂંપળ કોળીને ક્રિમિનલમાંથી ક્રિએટીવ બનાવી શકે છે! આવા અનેક અનસંગ હીરોઝને સલામ!

jm2

ફાસ્ટ ફોરવર્ડ
‘સંસ્કાર એ ભીતર ધરબાયેલી વસ્તુ છે. શિક્ષણ એક આઘાત છે, એને ખોલવા માટે. વરસાદ આવે ત્યારે ધરતીમાં પડેલા અંકુરો ફુટે. શિક્ષક આવી વર્ષાનું કામ કરે છે.’ (મોરારિબાપુ)

—————-

ઘણા સમયથી લખવા ધારેલો આ લેખ લખવાનો અવસર અંતે આ વર્ષના શિક્ષક દિને આવ્યો. મારી કોલમને ૨૦ વર્ષ પુરા થયા એની ઉજવણી રૂપે જરાક અંગત સંગત. સવારમાં જ ચાર્જ કરેલી બેટરી ઉતરી જાય એટલા કોલ્સ ને મેસેજીઝ સેલફોન પર આવ્યા અને પછી તો એ સિલસિલો ચાલુ જ રહ્યો ! દિલની વાત દિલ સુધી પહોચી ગઈ ! ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોલ આવ્યો. જામનગર ડો. વી.એમ.શાહના ફંક્શનમાં સ્પીચ આપવા ગયો ત્યાં ય આ લેખનો ઉલ્લેખ થયો. ૧૨ વર્ષની બાળકીથી ૮૬ વસ્ર્હના વૃદ્ધ સુધીના સંદેશા આવ્યા. જુના શિક્ષકોના ય. અને મહામૂલી મૂડી એ કે મહેતા સાહેબના માંગરોળ સાસરે રહેલા દીકરી અને રાજકોટ રહેતા પત્નીનો પણ કોલ આવ્યો અને અમારો સ્નેહસંબંધ સાહેબની સ્મૃતિઓથી મ્હોર્યો. આનંદ થયો કે સાહેબની દોહિત્રી ભૂમિ મને ફેસબુક પર ઓલરેડી ફોલો કરે છે અને સાહેબનો વારસો જાળવી એમ.બી.એ. થઇને હવે સી.એ.ની તૈયારી કરે છે. આ લેખ વાર્તા જેવો લાગે પણ આ ઘટનાઓ બનેલી છે, વાતો થયેલી છે. એના લખ્યું એમ જુના સાક્ષીઓ છે. એમ ને એમ કોઈ કશે પહોચતું નથી . હીરા બનવા માટે કપાવું પડે છે, ઘડાવું પડે છે. કોઈને કોઈ કુશળ ઝવેરી પાસા પડે છે. બચપણમાં મને મમ્મી પપ્પાએ ઘડ્યો. પછી કોલેજમાં મહેતાસાહેબનું માર્ગદર્શન મળતું ગયું. એના પછી આખું એક પ્રકરણ એવું જ વ્હાલ મને કરી મારી કાળજી રાખનારા ફૂલેત્રાસાહેબનું મારી નોકરીના ગાળામાં લખી શકાય. અને લેખનમાં ‘ગુજરાત સમાચાર’ના નિર્મમભાઈ શાહનો અધ્યાય એ પછી આવે….હશે અંગત જીદગીની  વાતો કોલમમાં સંદર્ભ વિના ખુલીને વારંવાર કરવી નહિ એ મારો સિદ્ધાંત છે, માટે એ કિસ્સાઓ ફરી કોઈ વાર….અત્યારે તો આવા યુવા શિક્ષકોને સલામી સાથે મહેતાસાહેબ જેવા બનવાની અપીલ…  તો આ બ્લોગ પોસ્ટ શેર કરી વધુ મિત્રોને એટલે પહોંચાડજો કે આવો લેખ લખાશે કે જય કોઈ લેખક વક્તા થઇ દુનિયા ફરશે – એની કોઈ અપેક્ષા વિના જ  મહેતાસાહેબે તો પોતાનું કર્તવ્ય કરેલું ! હેપી ટીચર્સ ડે.

 

 
30 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 5, 2016 in education, personal, Uncategorized

 

વસંત વિચારઃ સૌંદર્ય, સ્વાદ, સંગીત, સ્પર્શ અને સુગંધની સમજૂતી ન હોય!

mother_nature_by_nynjakat-d62so8x

બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૃપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!

વિવિપિન પરીખની આ કવિતામાં પ્રકૃત્તિનો પ્રકાશ છે, અને માણસની વિકૃતિ પર કટાક્ષ છે. કઇ વિકૃતિ? દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ નાખવાની- દરેક બાબતમાં ગહન ચિંતન કે અર્થ કે સંદેશ શોધ્યા કરવાની વૈચારિક વિકૃતિ!

અને આનંદ નામની વસંત આડે આ વિચાર નામનું પાનખર છે. જયાં કેવળ ખોટા ચહેરા ઓઢીને ભપકાંનું લુખ્ખું પ્રદર્શન છે, જયાં સતત કોઇ પારકાંને રાજી કરી એનું પ્રમાણપત્ર મેળવવાની ભાગદૌડ છે, જયાં નિરાંતજીવે કશું માણવાની ફુરસદ નથી, જયાં મૌનની ભાષા ઉકેલવાની આવડત નથી- ત્યાં પુષ્પ નથી, ત્યાં રંગ નથી, ત્યાં પતંગિયા નથી. ત્યાં વસંત નથી!

અધ્યાત્મના નામે, ફિલોસોફીના નામે, વિદ્વતાની વાહવાહી મેળવવા માણસ દરેક બાબતની સમજૂતી શોધતો ફરે છે. જયાં સમજૂતી વધી જાય છે, ત્યાં સૌંદર્ય ઘટી જાય છે! આર્ટ કેન લોસ્ટ ઇટ્સ હાર્ટ ઇન એકસપ્લેનેશન્સ! અમુક બાબતો બસ ચાખવાની, ભોગવવાની, જીવવાની હોય છે. ચમચી લઇને બટાકાવડાને વીંખીપીંખી નાખી, અંદર જીરૃ છે કે વરિયાળી એ છૂંદીછૂંદીને શોધ્યા કરવા કરતા મજા બટાકાવડાં ગરમ હોય ત્યારે ગપ્પ દઇને ચાવી જવામાં છે! એમાં સઘળા નિબંધો આવી ગયા! ચુંબન બે હોંઠથી એના પર ભાષણ કરવાનો વિષય નથી, બીજા બે હોઠ સાથે એને જડબેસલાક ભીંસી દઇને જીભના ટેરવાઓથી મધુરસ ચાખવાનો વિષય છે!

વાસંતી રૃપથી છલોછલ છલકાતી રસવંતી સ્ત્રીઓ કેટકેટલી આ દુનિયામાં ફૂલોની જેમ જ કોમળ પાંદડીઓ અને વચ્ચે મધુરસ રાખીને ખૂશ્બો ફેલાવતી સર્જનહારે ઘડી છે! બેહિસાબ, બેનમૂન બ્યુટીઝ! એક જૂવો ને બીજી ભૂલો. અને એમાં બહુ કમ્પેરિઝન કરનારા રીયાલિટી શોના જજ બનવાની જરૃર નથી. બી ધ પરફોર્મર. એન્જોય ધ ડાન્સ. લિવ ધ મ્યુઝિક. ગીત તો કોઇપણ ગમી જાય, બધા આપણા કાનના જલસા માટે જ બન્યા છે. એના વાડાબંધી ને ખાના પાડીને મોજની ખાનાખરાબી શું કરવાની? આર.ડી. બર્મનનું હોય કે એ.આર. રહેમાનનું…. શંકર- જયકિશનનું હોય કે શંકર એહસાન લોયનું- ગમી ગયુંને? તો સાંભળો ને મસ્તીમાં ધુબાકા મારો!

આપણી આસપાસના જગતમાં કેટલીયે એવી ચીજો છે, જેની હયાતી- જેનું હોવું જ બસ, સૌંદર્ય છે. સ્તનોના ગૌર વળાંકની ખેંચાતી પણછમાંથી તકાતા એન્ટી-ગ્રિવેટી તીરમાં જે આકર્ષણ અનુભવાય છે, એ એની મેમોગ્રાફીના એકસ-રેમાં નથી. મેમોગ્રાફી કરનારા લેબ ટેકનિશ્યનોની દુનિયા એટલી ઉભરાતી જાય છે, કે ઊંડા ઉતરવાના વિચારવિવેચનમાં એ સ્પર્શ, સુગંધ, દ્રશ્ય, ધ્વનિ, સ્વાદની પંચેન્દ્રિયોની પાર્ટી મિસ કરે છે. પરમાત્માને આપણે આપણી મરજી મુજબ બનાવીને લડયા કરીએ છીએ, પણ પરમાત્માએ જે જગત બનાવ્યુ છે એને કોઇપણ લેબલ કે પૂર્વગ્રહ કે સરહદો કે અભિમાન વિના જોઇએ છીએ ખરા?

ઇશ્વર નામના કલાકારે કેટલીયે ચીજો આપણા માનવમનને અર્થહીન લાગે, એવી સર્જીને સાચવી છે- વિકસાવી છે. ઘાસમાં ઉગેલા જંગલી ફૂલો, કોઇ વહેતા ઝરણાંની આસપાસ પડેલા ચિત્રવિચિત્ર આકારના ભીના પથ્થરો, કોઇ વૃક્ષની ડાળીએ ચોંટેલું પીંછુ, કોઇ પહાડના ઢોળાવ પર ફેલાતી રૃપેરી ચાંદની- આ બધી પ્રેકિટકલી જૂઓ તો બેમતલબની ચીજો છે. પણ સેન્સિટિવલી માણો તો એનો અર્થ છે એનું સૌંદર્ય. એની અસર. એની હાજરી. નકામી લાગણી બાબતો પણ દુનિયાને સમૃદ્ધ, રિચ બનાવતી હોય છે. રેતીના કણ ફાલતુ છે. પણ એનાથી જ અફાટ રણ અને સમંદરના કિનારાઓ રચાય છે. વાદળોથી લઇને જંગલો સુધી કેટલીયે આવી અનિયમિત ડિઝાઇન્સના કોમ્બિનેશન્સ રોજ રચાય છે! અને  ભલે એમાં સ્થૂળ આકારની ટિપિકલ નમણાશવાળી મુલાય સુંદરતા ન હોય, એના  ખરબચડાપણાનું, એની કાળાશનું એના ભેંકાર સૂનકારનું પણ એક સૌંદર્ય  છે! સુંદરતા માત્ર બગીચામાં જ હોય એવું નથી. વગડાને પણ પોતાનો વૈભવ  હોય છે!

આપણે બધી જ બાબતની સમજૂતી શોધવામાં, તર્કો લડાવી કારણોનો વિચારવામાં, અર્થ માટે કજીયાકંકાસ કરવામાં બહુ સમય બરબાદ કરીએ છીએ. પણ બ્યુટી એકસપિરિયન્સનો વિષય છે, એકસપ્લેનેશનનો નહિં. સતત શિકારી કૂતરાની જેમ આકુળવ્યાકુળ થઇને બધી બાબતના મીનિંગ ને પર્પઝ શોધ્યા કરવાની જરૃર નથી.

રિઝન-ખુલાસની તલાશમાં સતત સંઘર્ષનો સ્ટ્રેસ અનુભવવાની જરૃર નથી. જીવનમાં બધું જ સમજી લેવાના ફાંફાં મારવા નહિ, કે એવું અભિમાન કેળવવું નહિ! એના કરતાં ફુલોની પાસે, વહેતા પાણીના કાંઠે થોડીક વાર બેસીને રંગીન થવું, શોખીન થવું. જે રહસ્ય સમજાય નહિ, એમાં જ જાદૂનો રોમાંચ લાગે છે!

* * *
સિગ્મંડ ફ્રોઈડે એક ‘પ્લેઝર પ્રિન્સિપલ’ આપેલો. માણસ માત્ર પ્લેઝરની પાછળ પાગલ છે, એનો સિધ્ધાંત. જાણ્યે અજાણ્યે દરેક માણસ પોતાના ધારેલા, જાણેલા, અનુભવેલા. ઈચ્છેલા કોઈ ને કોઈ સુખ પાછળ દોડે છે. આધ્યાત્મિક શાંતિ, મોક્ષ, સાદગી, સાધના પણ એક પ્રકારનું સુખ છે એના પ્રવાસીઓ માટે (પણ મોટાભાગના માટે એ નકલચી જેવી કસરત બની જાય છે- એ અલગ વાત થઈ!). એવું નથી કે ભારતીય વારસો ફક્ત ત્યાગ-વૈરાગનો જ છે. નારાયણ ભટ્ટના ‘સ્તવચિંતામણિ’ ગ્રંથમાં શ્લોક છેઃ ત્રૈલોક્યેઅપ્યત્ર યો યાવાનાનન્દઃ કશ્ચિદીક્ષ્યતે, સ બિન્દુર્યસ્ય તં વન્દે દેવમાનંદસાગરમ. સંસ્કૃતિની મોટી મોટી ગુલબાંગો હાંકનારાઓને આવું કંઈ સમજાય નહિ, અનુવાદ કરી દેવો પડે. અર્થે એવો છે કે ત્રિલોકમાં જ્યાં, જે અને જેટલો આનંદ દેખાય છે, એ તો જેનું બિંદુ છે એવા આનંદસાગરદેવ (પરમ ચૈતન્ય)ને હું વંદન કરું છું! વાહ, વિશ્વ રમણીય છે. રમવાની મજા પડે તેવું. એમાં ભૂલકાંની આંખોનું ભોળપણ પણ હોય અને મઠ્ઠા-બાસુંદીનું ગળપણ પણ હોય. એમાં જેકવેલીન ફર્નાન્ડીઝનો ડાન્સ પણ હોય અને ડિવિલીયર્સની સિકસર્સ પણ હોય!

જે ઝાઝું વિચારે અને દરેક ઘટનાનું એનાલિસિસ કરવા બેસે કે બહુ બધી ગઈ કાલની ભૂતાવળ અને આવતી કાલની ચિંતાઓ સાથે રાખીને જ જીવે એ આનંદ નામની ગિફટને ખોઈ નાખે છે. સો સેડ, સો બેડ. ઘણા તોફાની છોકરડાંઓને રમકડાંને રમવા કરતા એને તોડવામાં વધુ રસ પડે છે. એક વાર હૃદયસ્થ કવિ રમેશ પારેખે ચાલતા ચાલતા ખભે ધબ્બો મારીને કહેલું ”ગંદકી વીણતી આંખ ગમાણ સુધી પહોંચાડે, પણ ગોકુળ સુધી નહિ! એ માટે છાણ ચૂંથવાને બદલે મોરપીંઠ પર આંગળીઓ ફેરવવી પડે!”

ક્યા બાત હૈ! ગાલે ગુલમહોરની ગલીગલી થઈ જાય એવી વાસંતી વાત છે. માણસે મગરની ચામડી પહેરી લીધી છે, અને આસપાસ કોઈ પરાણે પકડી રાખેલી વિચારધારાનો ખારોઉસ દરિયો હોય છે કે ભક્તિભાવના અતિરેકનું રણ હોય છે. રણ કે દરિયામાં શું ખબર પડે વાસંતી સુગંધની? એ માટે ખુલતા, ખીલતા, ખરતા ફૂલો પાસે જવું પડે! વસંત કંઈ કેલેન્ડરમાં જુઓ ને આવે નહિ. એ તો બસ ફૂટે! જેમ ડાળીએ પાન ફૂટે, કન્યામાં યૌવન ફુટે, શિશુને વાચા ફૂટે, આંબાને કેરી ફૂટે, પલાશને કેસૂડાં ફૂટે, કોયલને ટહૂકા ફૂટે એમ આપણું ચિત્ત મધુમય થાય એટલે અંદર વસંતો ફૂટે અને પછી આપણા શબ્દોમાંથી યે સુગંધો છૂટે!

અને જર્મન લેખક પેટ્રિક સુસ્કીન્ડ કહે છે તેમ ”ગંધમાં શબ્દો, દેખાવ, લાગણીઓ કે ઈચ્છાઓ કરતાં વધુ તાકાત છે! કારણ કે, એ તમારી મરજીની મોહતાજ નથી. એ શ્વાસની સાથે જ આપણા ફેફસામાં ફરી વળે છે. આપણને અંદરથી ભરી મૂકે છે અને એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી!”

એટલે જ જેની વાત વિના વસંત અધૂરી ગણાય એવા કવિશ્રેષ્ઠ કાલિદાસ ‘માલવિકાગ્નિમિત્રમ’ નાટકમાં વસંતમાં પ્રણયક્રીડા કરવા માટે યુગલોના ‘પ્રમદવન’ની વાત છેડીને કહે છે કે, વસંતનો સુવાસિત પવન અંગ પર રેશમી સ્પર્શવાળી હથેળીની જેમ ફરી રહ્યો છે! યુવતીઓને શરમાવવા જ વસંતે પુષ્પોનો વેશ કાઢયો છે. લાલ અશોક વૃક્ષની ચમક સ્ત્રીઓના રતુમડાં હોંઠ કરતાં પણ વધુ સુંદર છે. શ્યામ, શ્વેત, લાલ ફુલો નારીના મુખશ્રૃંગારને ઓવરટેઈક કરે છે! ફુલો જાણે સ્ત્રીના ચહેરા પરનો ચાંદલો! અને રાજા અગ્નિમિત્ર પણ વસંતના વધામણા માટે વૃક્ષોની હારમાળાથી બહાર નીકળતી પ્રિયા માલવિકાને જોઈને કહે છે (થેન્કસ ડો. ગૌતમ પટેલએ આખા નાટકના કરેલા અનુવાદને!)ઃ ”ગોળ નિતંબ આગળ વિશાળ, કમરે પાતળું, સ્તનપ્રદેશે ઉન્નત અને નયને વિસ્તૃત એવું આ તો મારું જીવન (પ્રિયતમા) જ આવી રહ્યું છે!”

યસ, લવ ઈઝ ઈન ધ એર વિથ અરોમા ઓફ ફલાવરી પરફ્યુમ! ફીલિંગની ફુલગુલાબી મોસમ આવી ચૂકી છે. વસંત અને વેલેન્ટાઈન્સની આહટ આવે છે. અને હા, સુગંધ જ નહિ- સંગીતનું પણ આવું જ છે. હજુ યે સ્વાદને ઈન્કાર કરી શકો અને કરમ ફૂટયા અક્કલમઠ્ઠા હો તો સૌંદર્ય તરફ આંખ મીંચી શકો- પણ ગંધ છાતીમાં ઉતરે એમ કાન દ્વારા સંગીત પણ મનમાં રણઝણે છે. કાને આપોઆપ પડે જ. એમાં ઈન્કારનો અધિકાર નથી. જેમ મલપતી કોઈ સુંદરીની લચકતી ચાલના હિલોળા પાછળથી જોઈને જે તરંગો પુરૃષચિત્રમાં ઉઠે, એની સમજૂતી શક્ય નથી એમ જ સંગીત સાંભળ્યા પછી ચડતા ખુમારની સમજૂતી પણ શક્ય નથી!

* * *

યાની. ભારતની આઝાદીના પર્વે ૧૯૯૭માં તાજમહાલ ખાતે કોન્સર્ટ કરવા આવેલો ત્યારે અમુક સંસ્કૃતિનો ઉચ્ચાર પણ સાચો કર્યા વિના એની રક્ષા કરવા નીકળેલાઓએ એને કોઈ કેબ્રે ડાન્સર સમજીને એની સામે હોબાળો કરેલો. પણ એકવાર એણે જે દિવ્યભવ્ય સ્વર્ગીય રમણીય સંગીત રેલાવ્યું, એ દૂરદર્શન પર જોઈ-સાંભળીને આખું ભારત એના કેફમાં ડૂબી ગયેલું! જાણે સંગીતની જાદૂઈ છડીથી સઘળી દલીલો ખામોશ થઈ ગઈ અને બધા મૌન ભાવસમાધિમાં તરવા લાગેલા!

ત્યારે કળી બનીને ફૂટેલા સપનાનો ગુલકંદ થયો વીતેલી વસંતપંચમીની પૂર્વસંધ્યાએ! વડોદરાના દૈદીપ્યમાન લક્ષ્મીવિલાસ પેલેસની ગગનચુંબી છત્રછાયાના સોનેરી અજવાળે યાનીની કોન્સર્ટ સુખદ સુહૃદયોની સોબતમાં (આ સોબત પણ હવે ભૂલાવા લાગેલો પણ કેવો મધમીઠો શબ્દ છે, નહિ?) સાંભળવા મળી! કહો કે, સાંભળવાનું નહિ એમાં તરવાનું સાંપડયું! પરફેક્ટ સરાઉન્ડ સાઉન્ડ સંભળાય એવી સેન્ટર્ડ પોઝિશન મિત્રોના પ્રયત્ને બાકાયદા ટિકિટ ખર્ચીને મેળવી, અને એક-એક વાદ્ય સેપરેશનથી સંભળાય… વાયોલિન, ગિટાર, ડ્રમ, હાર્પ, કોંગો, ટ્રમ્પેટ બધા સાથે તાલ મિલાવે એમ પર્પલ, બ્લ્યુ, સિલ્વર, રેડ, યેલો, ગ્રીન, ઓરેન્જ લાઈટસ નાચે અને હૈયાનો એક-એક ધબકાર સંગીતમાં ઓગળતો જાય! જાણે વસંત રૃમઝૂમતી કાનને ચૂંબનોમાં નવડાવી દેતી હોય એવી અનુભૂતિ સિતારામઢયા આકાશની નીચે!

ગ્રીસમાં જન્મેલો યાની અલગારી ઓલિયો છે. બચપણથી પ્રકૃતિના ખોળે રમ્યો છે. વર્ષો સુધી એણે સંગીતને સાધ્ય કરવાનું તપ કર્યું છે. એ કહે છે કે કળા માત્ર ભેટ નથી કે ખોળામાં પડે. સર્જકતા અંદર હોય તો પણ એને પરિશ્રમ કરી ઘડવી પડે છે. આજે અમેરિકામાં ભવ્ય મહાલયમાં રહેતો યાની સંગીતઋષિ છે. પહેલી પ્રિયા શેરી સાથેનો ઉત્કટ રોમાન્સ અને પછી વિચ્છેદની પીડા એણે કાળજીથી ગુલાબની પાંદડીને કોઈ મલમલના રૃમાલમાં વીંટીને રાખે એમ નાજુકાઈથી સંગીતમાં ઉતારી છે. એના ગીતો ધોધની લહેરની જેમ ભીંજવી જાય છે, શબ્દો વિના! કારણ કે, એમાં અંદર અનુભવાતા અવ્યક્ત અવ્યાખ્યાયિત પ્રેમની પૂનમભરતી છે, અને તૂટેલા રડતા દિલની અમાસઓટ છે. એનું સંગીત કાબેલ કસબીઓના વાજીંત્રોમાંથી નહિ, પણ એણે તીવ્રતાથી અનુભવેલી લાગણીઓ અને રસિકતાથી જોયેલા જીવનનું પ્રતિબિંબ છે. યાનીને લાઈવ માણવો એટલે જાણે ભવસાગરની વચ્ચે સૌંદર્યના બગીચામાં ઉડતા ઉડતા આકાશને આલિંગન આપી, દરિયાના તળિયે સૂઈ જવું!

પણ આ યે લેખ છે. શબ્દો. જેમાં બધું સૌંદર્ય, સંગીત, સ્વાદ, સુગંધ અને સ્પર્શ વર્ણવી શકાય એમ નથી. એ તો જાણવું નહિ, માણવું પડે. રમેશ પારેખ કહેતા વસંત એટલે નિબંધોના કાગળમાંથી ઉડાવાતી પતંગ!

ઝિંગ થિંગ

તૂ ખુદ ભી અગર આ જાયે, તો ખૂશ્બૂ મેં નહા જાયે
હમ ઘરકો તેરે જીક્ર સે, લોબાન કિયે હુએ હૈ!
(રાહત ઈન્દોરી)

 
8 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 12, 2016 in Uncategorized

 

વિરોધ, વસવસો, વેદના, વેપલો : વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહિ હોતા !

એવોર્ડ પરત કરવાની ચર્ચા મેન્ટલ હોસ્પિટલના વોર્ડમાં પહોંચી રહી છે, ત્યારે વિચારોનું વાસ્તવિક વિરાટદર્શન!

dali 2.1

તાજો લેખ રિલેવન્ટ છે, એટલે અહીં મુક્યો. મુનવ્વર રાણા જેવા ગમતા શાયરે એવોર્ડ રકમ સહિત અને સરકારને બદલે સમાજના વિરોધમાં એવી સ્પષ્ટતા સાથે પરત કર્યો એ ક્લેરિટી ગમી પણ ખરી.

આ ખરા અર્થમાં ૩૬૦ ડીગ્રીના સત્ય વાળો લેખ પ્રગટ થયા પછી ઘણા સરસ પ્રતિભાવો મળ્યા. જાણીતા અને ખરા અર્થમાં જાનપદી એવા સંવેદનશીલ કર્મશીલ લેખક ધ્રુવ ભટ્ટે એમના મેસેજમાં કહ્યું કે એવોર્ડ કૃતિને મળે છે, વ્યક્તિને નહિ ! તો વ્યક્તિ એના પર આવો માલિકીભાવ કઈ રીતે રાખે ? પોઈન્ટ.

એવો જ સરસ મુદ્દો રીડરબિરાદર વિશાલ પારેખે કહ્યો કે, “મને તો આ સાહિત્યકારોની સન્માન પરત કરવાની ઝુંબેશની અને કોમી હુલ્લડોની મોડસ ઓપરેન્ડીમાં ઘણી સમાનતા લાગે છે. જેમ કોમી હુલ્લડમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા તત્વો કોઈ બહાનું શોધી ટોળું ભેગું કરી એને ઉકસાવે છે પછી તોફાનની શરૂઆત કરી પોતે છુમંતર થઇ જાય છે.અને બાકી નું કામ પેલું ટોળું જ પુરું કરી દે છે. એમ જ આની શરૂઆત કેટલાક ખંધા,ચીબાવલા ને મોદી વિરોધી માનસિકતાવાળા લેખકો એ કરી અને પછી, મૂળ તો આ જમાત સંવેદનશીલ ને ભાવુક, એટલે બીજા બિનરાજકીય હોવા છતાં ભાવુકતા માં આવીને જોડાતા જાય છે. અને આ ભગવા બ્રિગડ પાછી બધાને એક જ ચશ્માથી જુએ છે ને બળતામાં ઘી હોમે છે. જો બંને પ્રકારના ને એક જ નજરે જોશે તો સરકાર આ ટ્રેપમાં વધારે જ ફસાતી જશે.”

અને રીડરબિરાદર અનિલ જગડે તવલીન સિંહ જેવા વરિષ્ઠ ( અને ભૂતકાળમાં પાકિસ્તાનમાં પ્રેમલગ્ન કરી ચુકેલા પત્રકારના લેખની લિંક આપી – આ રહી એ.

=======

વર્ષો પહેલા અભિનેતા નસીરૃદ્દીન શાહે ઉત્તમોત્તમ અભિનય જેમાં કરેલો એવી અંધારીઘોર, ધીમીધીમી, ‘નિસબત’ વાળી પેરેલલ ઉર્ફે સમાંતર ગણાતી ફિલ્મો પડતી મૂકીને ત્રિદેવમાં ઓયે ઓયે લલકારવાનું શરૃ કરેલું. ત્યારે દૂરદર્શન પર એમનો ઈન્ટરવ્યૂ આવેલો. આ ‘મૂલ્યનિષ્ઠ’ ફિલ્મો પરત્વેની એમની ‘ગદ્દારી’ બાબતે એમને સવાલ પૂછાયેલો કે, એમણે કેમ ‘એસ્કેપીસ્ટ’ ગણાતી કમર્શિયલ ફિલ્મો તરફ દોટ મૂકી?

નસીરે લાંબો જવાબ આપેલો એમાં એક ઘટના કહેલી. એક એવોર્ડની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા આર્ટ ફિલ્મમેકરની ફિલ્મ મજદૂરોની વેદના અને સંઘર્ષ, શોષણ પર હતી. નસીરૃદ્દીન અને ઓમ પુરી એમાં સાવ મફતના ભાવે ‘સમાજ માટે કંઈક કરી છૂટવાના’ દાખડાથી કામ કરતા હતા. સેટ પર આવતા સાવ મામૂલી કારીગરોને દાળિયાના ફોતરાં જેવું વેતન એ નિર્માતા-નિર્દેશક ચૂકવતા હતા. એક એકસ્ટ્રા છોકરીએ આખા દિવસના થાક પછી મહેનતાણું માંગ્યું, તો એનો કંઈક ઉધડો લઈ લેવાયો. આ દ્રશ્યના સાક્ષી એવા નસીરૃદ્દીનનું મન આ નિસબતની નૌટંકી પરથી ઉઠી ગયું, અને એણે ચાલતી પકડી.

છાશવારે ગાંધીજી, મૂલ્યનિષ્ઠા, નિસબત, સામાજિક ન્યાયની દૂહાઈઓ દીધા રાખતા અમુક પત્રકારો કે લેખકો ચંદ રૃપિયા વધારે મળે એટલે થોડાક જ વર્ષોમાં કે ક્યારેક મહિનાઓમાં સરકસના ટ્રેપિઝ આર્ટિસ્ટની પેઠે નોકરી બદલાવી નાખે છે- અને પછી પાછા વાચકો માથે નીતિમત્તાના ચીપિયા ખણખણાવે છે! સારું છે, એ જોઈને રહ્યાસહ્યા કે રડયાખડયા વાચકો એમનાથી આમ મોહભંગ થતા રૃઠી નથી જતા! મર્સીડિસમાં ફરતા અને ફાઈવ સ્ટારની લોન્જમાં મધરાતે પરદેશી સિગારેટસનું પેકેટ સાફ કરી નાખતા સર્જકો પાછી ગરીબની ભૂખ અને છેવાડાના માણસની ચિંતા પ્રગટ કરે છે, ત્યારે એ જોઈને હવે ગુસ્સો નથી આવતો, હસવું આવે છે. જે પોતે એક જોક છે, એ બીજા પર જોક કરે ત્યારે કોમેડીની ટ્રેજેડી થઈ જતી હોય છે.

એનો અર્થે એવો નથી કે સરસ લાઈફસ્ટાઈલથી જીવવું ખોટું છે. પ્રામાણિક મહેનત કરનારાને ગમતી મજાઓ માણવાનો હક છે. પણ ઝૂંપડપટ્ટીવાળાને ય મનમોહન દેસાઈથી સિદ્ધાર્થ રાંદેરિયા સુધીનું મનોરંજન જ વ્હાલું લાગતું હોય, ત્યાં એની ચિંતાનો ઢોંગ કરવાનો ઢોલ વગાડવા ખોટો છે. જે પોલું હોય, એ જ જોરશોરથી વાગે. પણ એમાં ઘા મારો, તો અંદરથી નીકળેઃ હવા!

* * *

હ્યુમન બ્રેઈનમાં ‘ઈમિટેશન’ યાને નકલ કરવાનું ઘેટાંચાલ બિહેવિઅર જૂનું અને જાણીતું છે. સભાગૃહમાં કોઈ એક માણસ તાળી પાડે કે તરત સાયકોલોજીકલ રિસ્પોન્સ રૃપે બીજા પાડે. એમાંથી ઘણી સ્કિલ્સ ડેવલપ થાય, તો ઘણા ફેશન ટ્રેન્ડસતણી, સરવાણી ફૂટી નીકળે. નવરાત્રિમાં એક જગ્યાએ ભાઈ ભાઈ ભલા મોરી રામા ચાલે તો બીજે તરત એ કોપી થાય.

આવું જ સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના અચાનક સર્જાયેલા ચેઈન રિએકશનમાં થયું છે. દિલ્હીના આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાથી લઈને સ્થાનિક બૂક ફેર લગીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સ્ટોલ્સમાં કાગડા ય ઉડતા નથી હોતા, એ પરમેનન્ટ વિઝ્યુઅલ છે. એક નિયમિત ગ્રાહક તરીકે બિલ બનાવવા માટે પણ કાઉન્ટર પર નસકોરાં બોલાવતા બંધુને ઉઠાડવાનો જાતઅનુભવ છે. મતલબ એવો નથી કે સાહિત્ય અકાદમીના પ્રકાશનો બધા ફાલતુ હોય છે. ઘણા વિદ્વાનોનું ઉત્તમ સર્જનકાર્ય દાયકાઓથી એના માધ્યમે ગ્રંથસ્થ થતું રહ્યું છે. થેન્કસ, થમ્બસ અપ.

પણ પોઈન્ટ એટલો જ છે કે જેની સૌથી વધુ ચર્ચા અને ચિંતા એમાં થાય છે, એ લોકો સુધી જ આ સાહિત્ય કે એના રચયિતાઓ ભાગ્યે જ પહોંચે છે. સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના સમાચારોને ચમકાવતા પત્રકારો, વખાણતા કે વખોડતા મિત્રો- બધામાંથી આ એવોર્ડસવિજેતા પુસ્તકો ખરીદીને વાંચ્યા કેટલાએ અત્યાર સુધી- એ સર્વે કરવા જેવો છે. સ્થાનિક કક્ષાએ ફલાણોઢીકણો એવોર્ડ ન સ્વીકારનારા લેખકો પરદેશી- ફેલોશિપ કે રાષ્ટ્રીય સન્માન માટે ઝાંવા નાખતા હોય છે. આમીરખાન સ્ક્રીન-ફિલ્મફેર જેવા એવોર્ડસનો સૈદ્ધાંતિક વિરોધ કરી હાજરી ના આપે, પણ ઓસ્કાર કે નેશનલ એવોર્ડમાં હોંશે હોંશે પહોંચી જાય એમ જ.

એટલે પહેલી નવાઈ તો એ જ લાગવી જોઈએ, કે જો રાજકીય ખટપટ અને નફરત-અસહિષ્ણુતાના રાજકારણથી આટલી જ ચીડ હતી તો જે-તે વખતે આ એવોર્ડ સ્વીકાર્યો જ શા માટે? એ મળ્યો ત્યારે શું રાજકારણીઓ માનસરોવરના શ્વેત હંસ હતા અને હવે આંબલીના ઝાડ પરની ચીબરીઓ રાતોરાત થઈ ગયા? એવી ખુદ્દારી કે ખુમારી કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર પ્રત્યે આટલી જ ધૃણા હોય તો એવા એવોર્ડ લેવા જવાય જ નહિ. સિમ્પલ.

અને એવા પૂર્વગ્રહો બિલકુલ પ્રેક્ટિકલ નથી. એમ તો ક્રિકેટથી લઈને કોઠા (તવાયફોના) સુધી બધે જ સ્તરનું પતન થયું છે, ધંધાદારીપણું અને કાવાદાવા વધ્યા છે, એટલે શું જીવવાનું બંધ કરીને પેલા લેમિંગ્સની જેમ સામૂહિક આપઘાત કરવા પાણીમાં પડતું મૂકવું?

પપ્પુ પેજરો એવી દલીલો કરે છે કે ટાગોર કે ગાંધીએ સન્માન પરત કર્યા ત્યારે કોઈએ પૂછયું નહીં કે પહેલા એમણે એ પરત કેમ ન કર્યા? અને લેખકો ‘ઈન્ટોલરન્સ’ની ચિંતામાં એવોર્ડ પરત કરે છે ત્યારે કેમ બધા પૂછે છે કે કાશ્મીરી પંડિતો વખતે, કટોકટી વખતે, શીખ રમખાણો વખતે, સાબરમતી એક્સપ્રેસ કે એવા ત્રાસવાદી હુમલાઓ વખતે કે એવીતેવી ઘટનાઓ વખતે કેમ પરત ન કર્યા?

સંજય ગુપ્તા જેવા લીલા ફિલ્ટરો આંખે પરાણે ચડાવવાના આ ક્લાસિક કેસીઝ છે. બે ઘટનાઓના વાતાવરણની સરખામણી જુદી છે. આઝાદીની અહિંસક લડતમાં ગુલામ બનાવતી સરકાર સામે વિરોધ પ્રગટ કરવા રશિયા કે જર્મનીમાં પણ આવા પ્રદર્શન થયા છે. પણ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સામે આમ એવોર્ડસ પરત કરવાની ફોરેન મીડિયાને એમ્પ્લીફાય કરવા મળે એવી તક તાસક પર આપવાની લાઈન અચાનક લાગે, એમાં ‘ઘટનાનો લોપ’ થઈ જાય છે! આ તો રણજી ટ્રોફીના પ્લેયર અને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટરને એક જ ત્રાજવે તોળવાની વાત થઈ! વળતા જવાબો જડતા ન હોય, ત્યારે ભળતાસળતા ઉદાહરણોની છટકબારી કે ડાયલોગબાજી જેવા અવતરણો ન ચાલે.

રાજકીય કે ત્રાસવાદી ઘટનાઓ જવા દો. પણ વાત જો અસહિષ્ણુતાના વધારાની જ હોય, તો એ માત્ર અત્યારે જ છે, એવું માની લેવું એ નરી બનાવટ છે, વધતી ઉંમરનો સ્મૃતિલોપ- ડિમેન્શિયા છે. આઝાદી અગાઉથી આપણા દેશમાં વિવિધ કારણોથી આવી ‘ઈનટોલરન્ટ ઈન્સીડન્ટસ’ સમયાંતરે બન્યા જ કરે છે. ના જ બનવા જોઈએ. પણ બન્યા જ કરે છે. ગાંધીજીએ કેટલીવાર હિંસા-અસહિષ્ણુતાના માર્ગે જતા ટોળાથી વ્યથિત થઈ ઉપવાસ કરવા પડેલા, સરદારે ચાબખા મારવા પડેલા, નેહરૃએ ભાષણો કરવા પડેલા. ગાંધીને ગોળી મારી દેવાની ઘટના આપણામાં હાડોહાડ પેઠેલી અસહિષ્ણુતાની જ ચરમસીમા હતી ને?
અને સ્વાતંત્ર્ય પછીના શરૃઆતી દૌરને બાદ કરતા બધી જ વખતે વોટને ખાતર વટ જતો કરતી તમામે તમામ સરકારો મોટેભાગે માટીપગી જ પુરવાર થઈ છે.

એક પણ પક્ષની એકપણ સરકારનો એમાં ઉજળો હિસાબ નથી. શાહબાનોના ચૂકાદાને ઉલાટાવવામાં કે રામરથયાત્રાના ભડકાઉ ભાષણોમાં કોમવાદ નહોતો? કેરલમાં પ્રોફેસરના હાથ કાપી નાખવાની ઘટનામાં અસહિષ્ણુતા નહોતી? ગ્રેહામ સ્ટેઈન્સને જીવતા બાળી નખાયા, એ શું વીરતા ચંદ્રકને લાયક કૃત્ય હતું? શાહરૃખખાન માટે ખોટી અફવાના મેસેજીઝ ફેલાયા કે વાનખેડેની પીચ ખોદી નાખવામાં આવી- આ બધું શું સહિષ્ણુતા દર્શાવે છે? ઠાકરેના મરાઠીવાદ કે બંગાળના સામ્યવાદમાં ‘ધેટ્ટોઆઈઝેશન’ નહોતું? અભિજીતે અદનાન સામીનો વિરોધ અગાઉ નહોતો કર્યો? લવ જેહાદના કાલ્પનિક ભયમાં સમાચારપત્રો ય કોમવાદી ઝેર રેડતા નથી? પુનરપિ જન્મમ, પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ જેવો આ ‘કાળો’ કાળક્રમ છે. જે એક જ લૂપમાં ભારતમાં ચાલ્યા જ કરે છે. ન ચાલવો જોઈએ, પણ મુદ્દો એટલો જ છે કે આજકાલનો નથી. અને બધા જ સ્વાર્થી રાજકારણીઓ એને નાથવામાં નિષ્ફળ જ છે. એ નિષ્ફળતા પણ કંઈ આજકાલની નથી!

બીજું તો ઠીક, અભિવ્યક્તિની આઝાદી પર પણ નિરંતર હુમલા ચાલુ જ છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ અભય વચન પછી પણ એમ.એફ. હુસેન જેવા ચિત્રકારના ચિત્રો તૂટયાફૂટયા છે. દાભોલકરની હત્યા થઈ ત્યારે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં વર્તમાન કરતાં જુદી જ સરકાર હતી. અને વ્હીસલ બ્લોઅર બનવાના મુદ્દે જ પંકજ ત્રિવેદીની ગુજરાતમાં કે સત્યેન્દ્ર દૂબે જેવા અમુકની બીજે હત્યાઓ થઈ. અભિવ્યક્તિ સહન ન થતાં સ્વામી સચ્ચિદાનંદ પર ગોળીબાર થયેલો, કલબુર્ગી પર જ અચાનક પહેલીવાર થયો છે, એવું નથી. આસારામના સાક્ષીઓને ભડાકે દેવાયા જ છે ને! આમ જ સફદર હાશ્મીના શેરીનાટકો સહન ન થતા હત્યા નહોતી થઈ? પાશ જેવા કવિઓને મારી નથી નખાયા? તે ન માર્યા હોય તો ય દુષ્યંતકુમારોએ કે મુક્તિબોધે આજીવન સામા પૂરના તરવૈયા થઈને પોતાનો અવાજ સંઘર્ષો વખતે ઉઠાવ્યો નથી?

રજનીશથી રાજ કપૂર સુધી મોરલ સેન્સરશિપે અભિવ્યક્તિનો ટોટો પીસી દેવાનો પ્રયાસ કર્યો જ છે. ફિલ્મોની કે ટીવીની તદ્દન વાહિયાત અને પછાત સેન્સરશિપ રોજેરોજ આપણે ત્યાં લિબર્ટી એન્ડ ક્રિએટીવિટીની હત્યા કરે છે, એના વિરોધમાં કેમ કોઈ એવોર્ડ પાછો આપતું નથી?

એઆઈબી રોસ્ટથી લઈને ફાયર કે વોટર જેવી ફિલ્મોના મુદ્દે કેમ એના સર્જકોની વહારે સાહિત્યના આ મૂર્ધન્ય સર્જકો ટટ્ટાર અને મક્કમ થઈને ઉભા ન રહ્યા? પાવલીછાપ લોકો સરકારી મહેરબાનીથી અગાઉ પણ મહામહિમો કે હાકેમો થઈ જતા હતા, એ કેમ ખૂંચ્યું નહિ? ઓવૈસીના કે લાલુના વાણીવિલાસ ના ખૂંચ્યા? માયાવતીના પૂતળાનું શું? સલમાન રશદી કે તસ્લીમા નસરીનની અભિવ્યક્તિ પર હુમલા થયા એ ખોટા? તુમ્હારા ખૂન ખૂન, ઔર હમારા ખૂન પાની?

અને ફ્રેન્કલી સ્પીકિંગ, સરકાર તરફથી મળેલા એવોર્ડ જુદા-અલાયદા દેખાય છે, પણ વાસ્તવમાં ઘણા સરકારી લાભો- નોકરી- ટીએડીએ પણ આવા લોકોને કે એમના પરિવારને મળે છે. એટલે સાવ એનાથી મુક્ત બનીને જીવવાનાં ખ્વાબમાં આત્મસંતોષ હશે, પણ વિચારયજ્ઞ નથી.

એવોર્ડ પરત કરનાર વરિષ્ઠ સાહિત્યકારો તો બીજા સાથે બનેલી અસહિષ્ણુતા- ભેદભાવની ઘટનાથી દુખી થયા. પણ કેટલાય એવા છે કે જે તો સ્વયમ આ ઝેરીલી માનસિકતા સામે સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય. સાનિયા મિર્ઝાને ફેનેટિક રેડિકલ એલીમેન્ટસની આકરી તાવણીમાં તપવું પડયું છે. હવે શું આ સાહિત્યકારો એવોર્ડ પરત કરવા નીકળ્યા એટલે એ પોતાની વેદના સાચી સાબિત કરવા ખેલરત્ન એવોર્ડ પાછો આપી દે? વિમ્બલડન- યુએસઓપનના કપમાંથી નામ પાછું ખેંચી લે? નોર્થઈસ્ટની મેરીકોમ ઓલિમ્પિક ચંદ્રક પાછો આપે દે? ઈરફાનખાન કે સલીમખાન ઘરમાંથી બધી ટ્રોફીઓ પાછી આપે તો જ સેન્સિટિવ ઈન્ટલેકચ્યુઅલ?

ઘણા સર્જકો બેશક એવા હશે જ કે જેમનો જીવ દાદરી કે ગુલામઅલી જેવી ઘટનાઓથી બળ્યો હશે, બેફામ ભગવા નિવેદનોથી એમને ગુસ્સો પણ ચડયો જ હશે, લાચારી પણ મહેસૂસ થઈ હશે. પણ માનો કે એમણે એવોર્ડ પાછો ન આપ્યો, તો શું એમની વ્યથા, એમનો આક્રોશ, એમની નિસબત, એમની સંવેદનશીલતા ઓછી ગણાય?

એટલે માનો કે આ એવોર્ડ મળ્યા કરતા પાછા આપવામાં વધુ ફૂટેજ મળે, એનો પબ્લિસિટી સ્ટંટ નથી, તો ય આ ઓવર રિએકશન તો છે જ છે. તલનું તાડ! આ યાદીના મોટા ભાગના સાહિત્યકારો વયોવૃદ્ધ છે. હિન્દીમાં સઠિયા ગયા કે અંગ્રેજીમાં સીનિકલ કહેવાય એ ઉંમરે પહોંચેલા છે. આ ઉંમરે મેમરી અને રિસ્પોન્સીઝમાં ગરબડો સંભવ છે, એ તો મેડિકલ ફેક્ટ છે!

* * *

સમજણ તો સમજ્યા વિના સાહિત્યકારોના ‘વોઈસ ઓફ પ્રોટેસ્ટ’ની ખિલ્લી ઉડાડનારાએ પણ થોડીક કેળવવાની છે. કલાકાર કે સાહિત્યકાર જુદી દુનિયામાં જીવનારા જીવ હોય છે. સંવેદનશીલ એ બીજા કરતા વધુ હોય, થોડા ઘેલાદીવાનાધૂની પણ હોય. એ જ તો કવિ થાય, વાર્તાકાર થાય. નોર્મલ માણસ કરતાં એમની ફીલિંગ સેન્સિટીવિટી જરાક આળી જ હોય. સમાજ અને સરકારે હંમેશા ઉદારભાવે અને આદરભાવે સર્જકતાને એના આ અસંતુલન સાથે સાચવી લેવાની હોય, વ્હાલા બાળકની જેમ.

ક્રિએટિવ રીતે એમના નિર્ણયો પર કટાક્ષ થઈ શકે, પણ પૂરી માહિતી વિના અંગત આક્ષેપો ન થાય. એવોર્ડ પાછો આપવો પ્રતીકાત્મક છે, એમાં રકમ કેમ ન આપી, એ સવાલ ના હોય. નયનતારા સહગલ નહેરૃવંશના છે એ સાચું છે, એમ એમને ઈન્દિરા સાથે ભળ્યું નથી એ ય સાચું છે. સાહિત્ય જ શીખવાડે છે કે કેરેકટર્સ પ્રિઝમ જેવા મલ્ટીકલર, મલ્ટીલેયર્ડ હોય છે. બ્લેક એન્ડ વ્હાઈટ નહિ પણ ફૂલ ઓફ ગ્રે શેડસ. નયનતારા માટે એ સમજણ આપણે કેળવીએ એમ જ એ નરેન્દ્ર મોદી માટે પણ લાગુ પડે. એમાં ય બાયસના જેટ બ્લેક ચશ્મા ન ચાલે, અહોભાવના ફુલ વ્હાઈટ પણ નહિ!

નીંદક નીઅરે રાખિયે આંગન કુટિ છવાય. વિરોધના સૂર ઉઠે, ટીકા થાય એ તો સ્વસ્થ લોકશાહીનો પાયો છે. એ ખોટી વિગતોવાળી હોય, રૃઢિજડસુ, સંકુચિત, હિંસક કે અસંગત/ઈરરિલેવન્ટ હોય ત્યાં તોડી પાડવાની હોય, પણ બાકી તો મોકળાશથી અસંમતિ કે ભિન્નમત પ્રગટ કરવાની છૂટ આપતો અધિકાર હોય, એ દેશ જ મહાસત્તા બને, એ સમાજ જે વિભૂતિઓ પેદા કરી શકે, એ જ આગળ વધે. એ તો જટાયુથી વિકર્ણ સુધીનો ભારતીય વારસો છે. અહિંસક અભિવ્યક્તિ કે અંગત પસંદગીનો હિંસક જાહેર પ્રતિભાવ ત્રાસવાદ જ છે. દુર્ભાગ્યે, એકેડેમિક ડિબેટ અથવા ક્રિએટિવ ફ્રીડમ બાબતે આપણે જ્યુરાસિક યુગમાં છીએ.

પોઈન્ટ એટલો જ છે કે સામાજિક અસહિષ્ણુતા વધે એ ચલાવી ના જ લેવાય. એવી ધાર્મિક કટ્ટરતાના રંગે રંગાયેલી દેશદાઝને પંપાળવા જતા અળસિયાઓ કેવા અજગર થઈ જાય છે, એ આપણા જ ડીએનએ ધરાવતા પાકિસ્તાનના પ્રયોગે બતાવી દીધું છે. માટે ચેતીને ચાલવા જેવું છે. તાલિબાની કલ્ચરની વાનરનકલ એ હિન્દુત્વ નથી. બધા સામસામી ધાંધલધમાલ કરવા લાગે, તો ડાહ્યા કોણ છે, એ નક્કી કરવું અશક્ય બની જાય. માટે કોઈક ઓર્થોડોકસની નકલ કરવામાં ખુદનું લિબરાલિઝમ છોડવું ન જોઈએ. ભારતીય સંસ્કૃતિના બની બેઠેલા અભણ અને જંગલી ઠેકેદારો ગૌરવ નથી, શરમ છે. રામતત્વ રાવણ સામે લડવામાં છે, રાવણ જેવા બની જવામાં નથી. હિન્દુ શબ્દ અવ્યાખ્યાયિત છે, એ જ તો એની બેજોડ બ્યુટી છે.

સાથોસાથ, આદર્શવાદીને બદલે જરાક વાસ્તવવાદી થઈએ તો એ ય સ્વીકારવું પડે કે સવા અબજ બેવકૂફથી બદમાશ, સેવાભાવીથી સ્વાર્થી નાગરિકોના શંભુમેળા જેવા દેશમાં શિક્ષણ અને શિસ્તના અંધકારયુગમાં રાતોરાત સ્વર્ગ બની જવાનું નથી. કમનસીબ ઘટનાઓ અમુક પ્રમાણમાં પહેલા બનતી, આજે ય બને છે, આવતીકાલે ય બનશે. આપણા ધર્મગુરૃઓ, બિઝનેસમેનો અને રાજકારણીઓ ત્રણેનું કાતિલ કોકટેલ બદલાશે નહિ, ત્યાં સુધી ઉંધા રવાડે ચડી બીજાને મારનારા કે જાતે આપઘાત કરી મરી જનારા ફૂટકળિયાઓ પેદા થયા જ કરશે.

સાયન્સ, મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ ત્રણેમાં લાગુ પડતો એક કોન્સેપ્ટ છેઃ માર્જીન ઓફ એરર. દરેક યંત્ર, સમીકરણ, ઘટનામાં અમુક ટકા ભૂલો- ગફલતો સ્વીકારીને જ ચાલવાનું હોય. કારણ કે, પરફેક્ટ સીસ્ટમ હજુ જગતમાં શોધાઈ નથી. દરેક દવાની સાઈડ ઈફેક્ટનું પતાકડું કંપનીએ જ છાપેલું વાંચો, તો ભડકીને ચક્કર આવી જાય! પણ એ નિયંત્રિત જોખમ/કન્ટ્રોલ્ડ રિસ્ક હોય છે. માત્રા યોગ્ય હોય ત્યાં સુધી એ વધારાના નુકસાન કામચલાઉ હોય છે, અથવા જીવલેણ નીવડતા નથી. આપણા શરીરમાં-શ્વાસમાં રોજેરોજ ટોકસિક એલીમેન્ટસ, રજકણો, ધાતુઓ, રંગો જાય છે જ. પણ ટોલરન્સ લિમિટમાં હોય ત્યાં સુધી એ ચલાવીને આગળ વધી શકાય. પરમિસિબલ ફૂડ કલર્સ ખાવા જેવું.

એમ જ આપણા દેશમાં આવી કરૃણ-કરપીણ ઘટનાઓ બને છે, અને બેફામ ગપ્પા મારતા સોશ્યલ નેટવર્કને લીધે સરકાર મક્કમ કદમ ભાષણોને બદલે કડક સજાતણા ના ઉઠાવે, ત્યારે વધવાની ખતરનાક શક્યતા છે. પણ હજુ માર્જીન ઓફ એરરની ટોલરન્સ લિમિટ ક્રોસ થઈ ગઈ હોય એવું લાગતું નથી. નવરાત્રિમાં ગૌમૂત્ર છાંટવાની બેતૂકી ફતવાનકલનો અમલ ભાગ્યે જ કોઈ ગ્રાઉન્ડ પર રિયલમાં થાય છે. મીડિયા એકની એક નેગેટિવ ઘટના ઘૂંટયા રાખે, એમાં સેંકડો પોઝિટિવ ઘટનાઓ દટાઈ જાય છે. ભારતનું ફેબ્રિક જૂનું ને જરા ઝાંખું થયું હશે, સાવ ઝળી નથી ગયું. જાતે જ બુમાબૂમ કરી ધરાર હોરર સીનારિયો બનાવવો હોય, તો મુબારક એ લેફટીઝમ!

પણ ભલે હિન્દી સાહિત્યના ચાળે સામ્યવાદી વિચારધારાની સર્જકતાના મૂલ્યો સાથે સેળભેળ થઈ ગઈ, ઓથર કંઈ ફૂલટાઈમ એક્ટીવિસ્ટ નથી. એ રવાડે ચડવા જાય તો ઓબ્ઝર્વર કે કોમેન્ટેટર ન રહી શકે. લેખકોના સ્વાંગમાં લેફટીસ્ટસ આપણે ત્યાં સાહિત્યનું સેબોટેજ કરવા એવા ઘૂસી ગયા છે કે એમને તો અમિતાભ હિન્દી વિશે બોલે, એમાં ય વાંકુ પડે છે! ખરેખર સર્જકોએ પાયાનું કામ દુઃખી થઈને એવોર્ડ પરત કરવા સિવાય – પોગ્રેસિવ કલેક્ટિવ વોઈસ સતત નવી પેઢીમાં બુલંદ કરવાનું છે. વડાપ્રધાનને ભલે પ્રકાશસિંહ બાદલમાં નેલ્સન મંડેલા દેખાય, અસલી મંડેલા સામે બાદલની હેસિયત રાઈના દાણા જેટલી છે. કારણ કે નેલ્સન મંડેલા કહેતા કે માણસ નફરત સાથે જન્મતો નથી, નફરત એને શીખવાડવામાં આવે છે. ને જો એ શીખવાડી શકાય તો પ્રેમ કેમ નહી?

ફાસ્ટ ફોરવર્ડ

‘જેનો મોહ હોય એને તમે સાંભળો, પણ બીજાના કાજી ન બનો. અવાજ ઉઠાવો, પણ ઝંડો ન ઉઠાવો!’ (પિયુષ મિશ્રા)

સ્પેકટ્રોમીટર * જય વસાવડા ૧૮ ઓક્ટોબર, ૨૦૧૫. ગુજરાત સમાચાર.

dali1

 
16 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 19, 2015 in Uncategorized

 

My 3 lectures in usa in this weekend….

image

image

image

Three lectures in EDISON, NJ, ORLANDO & CHICAGO respectively. On 7-8-9 aug. details in photoz.

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 5, 2015 in Uncategorized

 

ટાગોરની ટાઈટેનિક ટકોર : પુણ્યશ્લોક પશ્ચિમનો પ્રજ્ઞાપ્રવાસ !

tagore y

‘પશ્ચિમ’ શબ્દની આપણે ત્યાં બડી અજીબ જેવી એલર્જી હોય છે. બાબા-બાપુઓ અને લુખ્ખા રાષ્ટ્રવાદથી બ્રેઈનવોશ થયેલા રાજકારણીઓએ વર્ષોથી ઓલરેડી ગાંધીવાદને લીધે શુષ્ક થયેલી પ્રજાને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણથી બીવડાવી દીધી છે. પણ નગીનદાસ પારેખે અનુવાદ કરેલો રવિન્દ્રનાથ ટાગોરનો એક લેખ અદ્ભુત રીતે પશ્ચિમથી ભડકતા ભોટવાશંકરોના મગજ પર ટપલી મારે તેવો છે. સતત નવું નવું શીખવા મળે, એવા એ. જ્ઞાાન-કળા-સાહિત્યના યુ.એસ.એ.-યુ.કે.ના ”અંગ્રેજી” મલકમાં વારંવાર ઉડતી વખતે આ લેખકડાને એ યાદ આવે છે. કુદરતી આફતગ્રસ્તોમાં ય રાજકારણ અને ધર્મ જોયા કરીને બહાર અળખામણા થવાની સંકુચિતતાને રાષ્ટ્રપ્રેમ કહેવાય, તો એ અભણ અડિયલપણું જોઇને ગુરુદેવનાં સચોટ નિરીક્ષણો વરસાદી યાદની જેમ ઝરમર છલકાય.

તકલીફ વેઠીને, ન્યાયનો વિચાર કરી, તકદીર બદલવાના ઉદ્યમથી યુરોપ -અમેરિકા મહાન છે, એને ફક્ત ભૌતિક સગવડોમાં જ આપણું ચિત્ત રાખીને વખોડવું ના જોઈએ! ટાગોરે એમાં જ્યાં ‘યુરોપ’ લખ્યું છે, ત્યાં ‘યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા’ કે ‘પશ્ચિમ’ એટલું  મનમાં જ સુધારીને આ જરાતરા મઠારેલો લેખ આખો વાંચો, અને પછી કોઈ પણ પશ્ચિમની સારી વાતોના વખાણ કરનારને દેશવિરોધી ફિરંગી ફોરેન એજન્ટ કહી કોચલામાં લખાઈ જવાને બદલે (ટાગોર જેટલું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાાન તો આશ્રમના મહામંડલેશ્વરોને ય હોતું નથી!) જરાક દિમાગ કી ખિડકિયાં ખોલો, અને વિચારો કે ભારતની ખામીઓની માફક પશ્ચિમની ખૂબીઓ પણ આટલા દાયકા પછી યે એટલી જ ‘રિલેવન્ટ’ સાંપ્રત કેમ છે?

ઓવર ટુ ટાગોર.

***

”મને ઘણાં પૂછે છે કે ‘તમે યુરોપમાં ફરવા શા માટે જાઓ છો?’ આનો મારે શો જવાબ આપવો એ મને સૂઝતું નથી. ફરવું એ જ ફરવા જવાનો ઉદેશ છે, એવો એક સરળ ઉત્તર જો આપુ તો પ્રશ્ન પૂછનારાઓને જરૃર એમ લાગે કે હું વાતને હસવામાં ઉડાવું છું, પરિણામનો વિચાર કરી – નફા-નુકસાનનો હિસાબ ગણાવ્યા વગર માણસને ટાઢા પાડી શકાતા નથી.

બહાર જવાની ઈચ્છા એ જ માણસને સ્વભાવસિદ્ધ છે, એ વાત આપણે છેક ભૂલી ગયા છીએ. કેવળ ઘરે આપણને એવા બાંધેલા છે, ઉંબર બહાર પગ મુકતી વખતે આપણને એટલાં બધાં કમુરત, એટલા બધાં અપશુકન નડે છે અને એટલાં બધાં આંસુનો સામનો કરવો પડે છે કે બહારનું જગત આપણે માટે અત્યંત બહારનું બની ગયું છે, ઘરની સાથે તેનો સંબંધ તદ્ન કપાઈ ગયો છે. એટલા જ માટે થોડા વખત માટે પણ બહાર જવું પડે, તો આપણે બધા આગળ ખુલાસો કરવો પડે છે.

આધ્યાત્મિક ઉન્નતિને માટે પ્રવાસની જરૃર છે, એ વાત આપણા દેશના લોકો સ્વીકારે છે. એટલા માટે કેટલાક એવી કલ્પના કરે છે કે આ ઉંમરે પ્રવાસે જવાનો મારો ઉદ્દેશ એ જ છે. એથી તેઓને નવાઈ લાગે છે, કે એ હેતુ યુરોપમાં શી રીતે સિદ્ધ થશેઃ એમને મન આ ભારતવર્ષનાં તીર્થોમાં ફરીને અહીંના સાધુ-સાધકોનો સત્સંગ કરવો એ જ એકમાત્ર મુક્તિનો ઉપાય છે.

હું શરૃઆતથી જ કહી રાખું છું કે કેવળ બહાર નીકળી પડવું એટલો જ મારો ઉદ્દેશ છે. દૈવયોગે પૃથ્વી ઉપર આવી પડયો છું તો પૃથ્વી સાથેનો પરિચય બને એટલો સંપૂર્ણ કરતા જવું. એટલું જ મારે માટે પૂરતું છે. બે આંખો મળી છે, તે બે આંખો વિરાટની લીલાને જેટલી બાજુએથી, જેટલે વિચિત્રરૃપે જોવા પામે તેટલી તે સાર્થક થશે!

હું માનું છું કે યુરોપનો કોઈ માણસ જો સાચી શ્રદ્ધાપૂર્વક ભારતવર્ષમાં પ્રવાસ કરી જાય, તો તેને તીર્થયાત્રાનું ફળ મળે. ભારતવર્ષમાં જે શ્રદ્ધાપરાયણ યુરોપીય તીર્થયાત્રીઓને મેં જોયા છે, તેમની નજરે આપણી દુર્ગતિ પડી નથી એમ નથી, પરંતુ તે ધૂળ તેમને આંધળા કરી શકી નથી, ફાટેલાં આવરણ પાછળ પણ ભારતવર્ષના અંતરતમ સત્યને તેમણે જોયું છે.

યુરોપમાં પણ સત્યને કોઈ આવરણ નથી એમ નથી. એ આવરણ જીર્ણ નથી. ઝળહળતું છે, એટલા માટે જ ત્યાંના અંતરતમ સત્યને જોવું કદાચ વધારે મુશ્કેલ છે. વીર પ્રહરીઓ વડે રક્ષાવેલા, મણિમુકતાની ઝાલરોથી શોભતા એ પડદાને જ ત્યાંની સૌથી મૂલ્યવાન વસ્તુ માની આપણે આશ્ચર્ય પામીને પાછા આવી રહીએ એમ પણ બને – તેની પાછળ જે દેવતા બેઠા છે તેમને પ્રણામ કરવાનું ન પણ બને.

યુરોપની સભ્યતા જડવાદી છે, તેમાં આધ્યાત્મિકતા નથી, એવી એક વાયકા આપણા દેશમાં પ્રચલિત થયેલી છે. પરંતુ સમાજમાં જયાં પણ આપણે જે કાંઈ માહાત્મ્ય જોઈએ, તેના મૂળમાં તો આધ્યાત્મિક શકિત રહેલી જ છે. માણસ કદી યંત્ર વડે સત્યને પામી શકતો નથી. તેને તો આત્મા વડે જ મેળવવું પડે છે. યુરોપમાં જો આપણે માણસની કોઈ પ્રગતિ જોઈએ તો તે વિકાસના મૂળમાં માણસનો આત્મા રહેલો છે, એમ આપણે ચોકકસ માનવું જોઈએ.

યુરોપમાં આપણે જોઈએ છીએ કે માણસો નવા નવા પ્રયોગો અને નવાં નવાં પરિવર્તનોને માર્ગે આગળ વધી રહયા છે – આજે જેનો સ્વીકાર કરે છે તેનો કાલે ત્યાગ કરે છે. કયાંય શાંત બેસી રહેતા નથી. બહારની વસ્તુને જ જો આખરી, સર્વોત્તમ માની લઈએ તો ભીંતરની વસ્તુને આપણે જોવા પામતા નથી. યુરોપને પણ ભીતર છે, તેને પણ આત્મા છે, અને તે આત્મા દુર્બળ નથી. યુરોપની એ આધ્યાત્મિકતાને જોઈશું ત્યારે જ તેમાં રહેલા સત્યને જોવા પામીશું.

જે વાત હું કરવાનો પ્રયત્ન કરું છું તે સહેજે સમજાય એવો એક બનાવ બન્યો છે. બે હજાર ઉતારુઓને લઈને આટલાંટિક સમુદ્રમાં એક આગબોટ ‘ટાઈટેનિક’ જતી હતી, તે સ્ટીમર મધરાતે બરફના તરતા પહાડ સાથે અથડાઈને જયારે ડૂબવાની અણી પર આવી, ત્યારે મોટા ભાગના યુરોપીય અને અમેરિકન ઉતારુઓએ પોતાનો જીવ બચાવાની અધીરાઈ બતાવ્યા વગર ીઓ અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ ભયંકર અકસ્માત આઘાતથી યુરોપનું બહારનું આવરણ ખસી જવાથી આપણે એક ક્ષણમાં તેના અંતરમાંના માનવાત્માનું એક સાચું સ્વરૂપ જોવા પામ્યા છીએ. એ જોતાંવેંત તેની આગળ માથું નમાવતાં આપણને પછી લગારે શરમ આવી નથી.

આત્મત્યાગની સાથે આધ્યાત્મિકતાને શું કશો સંબંધ નથી? એ શું ધર્મબળનું જ એક લક્ષણ નથી? આધ્યાત્મિકતા શું કેવળ માણસોનો સંગ ટાળીને પવિત્ર થઈને રહે છે અને નામજપ કર્યા કરે છે? આધ્યાત્મિક શક્તિ જ શું માણસને વીર્યવાન બનાવતી નથી?

‘ટાઈટેનિક’ આગબોટ ડૂબવાની ઘટનામાં આપણે એક ક્ષણમાં અનેક માણસોને મૃત્યુના મોઢા આગળ ઉજ્જવળ પ્રકાશમાં જોવા પામ્યા. એમાં કોઈ એક માણસની જ અસામાન્યતા પ્રગટ થઈ છે એમ નથી. સૌથી આશ્ચર્યની વાત એ કે, જેઓ લક્ષ્મીના ખોળામાં ઉછરેલા કરોડાધિપતિ હતા, જેઓ ધનને જોરે સદા પોતાને બીજા બધા કરતા ચડિયાતા માનતા આવ્યા હતા, જેમને ભોગવિલાસમાં કદી કોઈ અડચણ આવી નહોતી અને રોગમાં અને આફતમાં જેમને પોતાને બચાવવાની તક બીજા બધા કરતાં વધુ સહેલાઈથી મળતી રહી હતી, તેઓએ સ્વેચ્છાએ દુર્બળ ને અશકતને બચવાનો માર્ગ મોકળો કરી આપી મૃત્યુને વધાવી લીધું. એવા કરોડાધિપતિ એ સ્ટીમરમાં એકાદ-બે જ નહોતા.

અચાનક આવી પડેલા ઉત્પાત વખતે માણસની મૂળ વૃત્તિ જ સભ્ય સમાજના સંયમને તોડી નાખીને પ્રગટ થવા મથે છે. વિચાર કરવાનો વખત મળે તો માણસ પોતાની જાતને રોકી શકે છે. ‘ટાઈટનિક’ જહાજ ઉપર અંધારી રાતે કોઈ ઊંઘમાંથી એકાએક જાગીને તો કોઈ આનંદપ્રમોદમાંથી એકાએક બહાર આવીને પોતાની સામે અકસ્માતને કારણે આવી પડેલા મૃત્યુની કાળી મૂરત જોવા પામ્યા હતા. એવે વખતે જો એવું જોવામાં આવે કે માણસ ગાંડા જેવો થઈને નબળાને હડસેલી મૂકીને પોતાને બચાવવાનો પ્રયત્ન નથી કરતો, તો સમજવું કે એ વીરતા આકસ્મિક નથી, આખી પ્રજાની લાંબા સમયની તપસ્યા આધ્યાત્મિક શકિત સાથે મળીને ભીષણ કસોટીમાં મૃત્યુ ઉપર વિજય મેળવવા પામી છે.

આ જહાજ ડૂબવાના પ્રસંગમાં એકી સાથે અચાનક ગાઢ રૃપે જે માનવતાની, વીરતાની, એકતાની શક્તિનો અનુભવ કર્યો, તે જ શકિતને યુરોપમાં ભિન્ન ભિન્ન દિશામાં ભિન્ન ભિન્ન સ્વરૃપે શું આપણે જોઈ નથી? દેશહિત અને લોકહિતને ખાતર સર્વસ્વનો ત્યાગ કરવાનાં અને પ્રાણ પાથરવાનાં દષ્ટાંત શું ત્યાં રોજ રોજ જોવા મળતાં નથી? એ નિરંતર સંચિત થઈને ભેગા થયેલા ત્યાગ દ્વારા જ શું યુરોપની સભ્યતાએ પરવાળાના બેટની પેઠે માથું ઉંચું કર્યુ નથી?

કોઈપણ સમાજમાં એવી કોઈ સાચી પ્રગતિ થઈ શકતી નથી, જેનો પાયો તકલીફ સહન કરવા ઉપર ન હોય ! જેઓ જડ વસ્તુના દાસ છે, તેઓ એ કષ્ટ સહન કરી શકતા જ નથી. વસ્તુમાં જ જેને પરમ આનંદ હોય, તે અન્યના કલ્યાણને ખાતર વસ્તુનો ત્યાગ શા માટે કરે? કલ્યાણ એટલે બેઠાં બેઠાં માળા જપવી એમ નહિ, કલ્યાણ એટલે લોકહિતના વ્રતને માનવસમાજમાં સાર્થક કરવું.

યુરોપમાં માણસો દેશને માટે, માણસને માટે, હૃદયના સ્વતંત્ર આવેગથી એવાં દુઃખને, એવાં મૃત્યુને સદા વધાવી લેતા જોવામાં આવે છે. સત્યની ભક્તિ કરવાની આ શક્તિ અને સત્યને ખાતર દુર્ગમ બાધાઓ વળોટી જઈને – દિવસોના દિવસો સુધી પોતાની જાતને સમર્પી દેવાની આ શક્તિ, તેઓ પોતાની રાષ્ટ્રીય સાધનામાંથી જ પામ્યા હતા. અને હું પૂછું છું કે, એ શક્તિ શું આપણે આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં જોવા પામીએ છીએ ખરા?

મારે કહેવું એ છે કે, આપણામાં પણ પૂરવા જેવી એક ખામી છે. આ સાંભળતાં જ આપણા દેશાભિમાનીઓ બોલી ઉઠશે, હા, ઉણપ છે ખરી, પણ તે આધ્યાત્મિકતાની નથી, વસ્તુજ્ઞાાનની, વ્યવહારબુદ્ધિની છે – યુરોપ એને જ જોરે આગળ નીકળી ગયું છે!

એમ કદી હોઈ શકે જ નહિ. કેવળ ભૌતિક વસ્તુસંગ્રહ ઉપર જ કોઈ પ્રજાનો વિકાસ ટકી શકે નહિ. કેવળ દુન્યવી વ્યવહારબુદ્ધિને જોરે જ કોઈ પ્રજા બળ પ્રાપ્ત કરતી નથી. દીવામાં સતત તેલ રેડ રેડ કરીએ એથી કંઈ દીવો બળતો નથી. કેવળ દિવેટ વણવાના કૌશલથી જ દીવાને તેજ મળતું નથી. ગમે તે પ્રકારે પણ અગ્નિ પેટાવવો જ પડે છે.

આજે જગતમાં યુરોપ રાજય કરે છે તેના વર્ચસ્વના મૂળમાં બેશક ધર્મનું બળ જ રહેલું છે. એ તેનું ધર્મબળ ખૂબ સચેત છે. એ માણસના કોઈ પણ દુઃખને, કાંઈ પણ અભાવને ઉદાસીનતાપૂર્વક બાજુએ હડસેલી મૂકી શકતું નથી. માણસની બધી જાતની દુર્દશા દૂર કરવા માટે તે સદાસર્વદા વિજ્ઞાાન કે સર્જન કે મનોરંજન કે ઉત્પાદન કે દાનનાં અઘરા પ્રયત્નોમાં મંડેલું જ હોય છે. એ પ્રયત્નોના કેન્દ્રમાં જે એક સ્વાધીન સુબુદ્ધિ રહેલી છે, જે બુદ્ધિ માણસ પાસે સ્વાર્થત્યાગ કરાવે છે, તેને આરામમાંથી ખેંચીને બહાર કાઢે છે, અને ભાવે મૃત્યુના મુખમાં જવાની હાકલ કરે છે, તેને બળ કોણ પૂરું પાડે છે?

કદાચ ઇસુ ખ્રિસ્તના જીવનવૃક્ષમાંથી જે ધર્મબીજ યુરોપના ચિત્તક્ષેત્રમાં પડયું હતું, તે જ ત્યાં આ રીતે ફળવાન બન્યું છે. એ બીજમાં જે જીવનશક્તિ છે, તે શી છે? દુઃખને પરમ ધન તરીકે સ્વીકારવું એ જ એ શક્તિ? એટલા માટે આજે યુરોપમાં હંમેશાં એવી એક આશ્રર્યજનક ઘટના જોવા મળે છે કે, જેઓ મોઢે તો ધર્મનો ઈન્કાર કરે છે અને જડવાદનો જય પુકારતા ફરે છે – તેઓ પણ વખત આવતાં એવી રીતે ધનનો અને પ્રાણનો ત્યાગ કરે છે, નિંદાને અને દુઃખને એવા વીરની પેઠે સહન કરે છે, કે તરત જ આપણને ખબર પડી જાય કે, તેઓ પોતાના અજાણતાં પણ મૃત્યુ ઉપરવટ અમૃતને સ્વીકારે છે… અને સુખ કરતાં માનવજાતના મંગલને જ સાચું માને છે!

‘ટાઈટનિક’ જહાજમાં જેમણે પોતાના પ્રાણને નિશ્ચિત રૃપે તુચ્છ ગણીને પારકાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે બધા જ કંઈ નિષ્ઠાવાન ધાર્મિકો હતા એમ નથી. એટલું જ નહિ, તેઓમાં કોઈ કોઈ નાસ્તિક અથવા અજ્ઞેયવાદી પણ હોવાનો સંભવ છે. પરંતુ તેઓ કેવળ પોતે જુદો મત સ્વીકાર્યો છે એટલા જ કારણે આખી જાતિની ધર્મસાધનાથી પોતાને તદ્દન અલગ શી રીતે કરી શકે? કોઈપણ જાતિમાં જે તપસ્વીઓ હોય છે તેઓ આખી જાતિ વતી તપસ્યા કરતા હોય છે.

ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે માણસનાં નાનાં મોટાં બધાં દુઃખો પોતે ઉઠાવી લેવાની આવી શક્તિ અને સાધના આપણા દેશમાં વ્યાપક ભાવે જોવામાં આવતી નથી, એ વાત ગમે એટલી અપ્રિય હોય તોયે એનો સ્વીકાર કર્યા વગર આપણો છૂટકો નથી. પ્રેમભક્તિમાં જે ભાવનો આવેગ હોય છે, રસની લીલા હોય છે, તે આપણામાં પૂરતાં છે, પરંતુ પ્રેમમાં જે દુઃખનો સ્વીકાર હોય છે, જે આત્મત્યાગ હોય છે, સેવાની જે આકાંક્ષા હોય છે, જે પરાક્રમ દ્વારા જ સિદ્ધ કરી શકાય છે, તે આપણામાં ક્ષીણ છે.

આપણે જેને ઠાકોરસેવા કહીએ છીએ તે દુઃખપીડિત માણસો મારફત ભગવાનની સેવા નથી. આપણે પ્રેમની રસલીલાને જ ઐકાન્તિક રીતે સ્વીકારી લીધી છે, પ્રેમની દુઃખલીલાને સ્વીકારી નથી. પ્રેમને ખાતર દુઃખ વેઠવું એ જ સાચું ત્યાગનું ઐશ્વર્ય છે, એના વડે જ માણસ મૃત્યુ ઉપર વિજય મેળવે છે. શાસ્ત્ર માં કહયું છે કે ‘નાયમાત્મા બલહીનેન લભ્યઃ’ અર્થાત દુઃખ સ્વીકાર કરવાનું બળ જેનામાં નથી તે પોતાને સાચી રીતે પામી શકતો નથી. એનો એક પુરાવો એ છે કે આપણે પોતાના દેશને પોતે પામી શકયા નથી. આપણા દેશના માણસો કોઈના પણ પોતીકા ન થઈ શકયા. દેશ જેને પુકારે છે, તે જવાબ દેતો નથી. અહીંની જનસંખ્યા તેની શક્તિને બદલે, પોતાની દુર્બળતાને જ પ્રગટ કરે છે.

એનું મુખ્ય કારણ એ કે આપણે દુઃખ દ્વારા એકબીજાને પોતાના કરી શકયા નથી. આપણે દેશના માણસોને કશું મૂલ્ય જ ચૂકવ્યું નથી – મૂલ્ય ચૂકવ્યા વગર કશું મળે શી રીતે? મા પોતાના પેટનાં સંતાનને પણ રાત-દિવસ સેવા દુઃખનું મૂલ્ય ચૂકવીને પ્રાપ્ત કરે છે.

યુરોપના ધર્મે યુરોપને એ દુઃખપ્રદીપ્ત સેવાપરાયણ પ્રેમની દીક્ષા આપી છે. એને જોરે જ ત્યાં માણસ સાથે માણસનું મિલન સહજ બન્યું છે. એને જોરે જ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સેંકડો તપસ્વીઓ આત્માની આહુતિ આપીને આખા દેશના ચિત્તમાં રાત-દિવસ તેજનો સંચાર કરતા રહે છે. એ કઠિન યજ્ઞાહુતાશનમાંથી જે અમૃત પ્રગટે છે – તેના વડે જ ત્યાં ચિત્ર-શિલ્પ-કળા, વિજ્ઞાાન, સાહિત્ય, વેપાર અને રાજકારણનો આટલો વિરાટ વિસ્તાર થાય છે, એ તપસ્યાનું સર્જન છે, અને એ તપસ્યાનો અગ્નિ જ માણસની આધ્યાત્મિત શકિત છે, માણસનું ધર્મબળ છે!

મલેરિયાના વાહક મચ્છરથી માંડીને સમાજની અંદરનાં પાપ સુધીના બધા જ અસુરોની સાથે ત્યાં હાથોહાથની લડાઈ ચાલી રહી છે, નસીબ ઉપર જવાબદારી નાખીને કોઈ બેસી રહેતું નથી – પોતાના પ્રાણને સુધ્ધાં જોખમમાં નાખીને વીરોનાં દળ સંગ્રામ ખેલી રહયા છે.

હા, યુરોપમાં નબળી પ્રજાઓ પ્રત્યે ન્યાયનો વ્યભિચાર પુષ્કળ જોવામાં આવે છે. પરંતુ તેની સાથોસાથ એ નિુર બળના મદથી મત્ત બનેલા લોભના ખેતરમાંથી જ ધિકકારના પોકાર પણ જાગે છે. પ્રબળ અન્યાયનો પ્રતિકાર કરવા ઈચ્છે એવા સાહસિક વીરોની પણ ત્યાં ખોટ નથી, દૂર દૂરની પરાઈ જાતિનો પક્ષ લઈને દુઃખો વેઠવામાં લગારે ન ખંચાય એવી દઢનિષ્ઠાવાળી સાધુચરિત વ્યક્તિઓનો ત્યાં તોટો નથી. તેઓ સમાજમાં રહેલી ન્યાયપરાયણતાની શક્તિના પ્રતિનિધિ હોય છે. તેઓ જ ખરા ટેકીલા ક્ષત્રિય યોધ્ધા હોય છે, પૃથ્વીના સમસ્ત દુર્બળોનું ક્ષયમાંથી પ્રાણરક્ષણ કરવા માટે તેમણે સહજ ભાવે કવચ ધારણ કરેલું હોય છે. દુઃખમાંથી માણસનો ઉદ્ધાર કરવા માટે જેમણે દુઃખ વેઠયાં હતાં, મૃત્યુમાંથી માણસને અમૃતલોકમાં લઈ જવા માટે જેમણે મૃત્યુ વધાવી લીધું હતું, એવા તેમના સ્વર્ગીય મસીહાના લોહીખરડયા દુર્ગમ માર્ગે તેઓ હારબંધ ચાલ્યા જ જાય છે.

આપણામાં ઘણા અહંકારપૂર્વક કહેતા હોય છે કે, દારિદ્રય, કંગાલિયત જ અમારું આભૂષણ છે. વૈભવને પ્રાપ્ત કરવાની અને પોતાના કબજામાં રાખવાની જેમનામાં શકિત છે તેમનું જ દારિદ્રય ભૂષણ હોઈ શકે. જેમને પેટ ભરીને ખાવાનું મળતું નથી એટલા માટે જેઓ અવસાદથી ફિકકા પડી ગયા હોય છે, જેઓ કોઈ પણ ઉપાયે જીવ બચાવવા ઈચ્છે છે, છતાં જીવ બચાવવાનાં અઘરા ઉપાય લેવાની જેમનામાં શક્તિ નથી એટલે જેઓ વારંવાર ધૂળમાં આળોટી પડે છે, પોતે ગરીબ હોવાને કારણે જ જેઓ તક મળતાં બીજા ગરીબનું શોષણ કરે છે અને પોતે અશકત હોવાને કારણે જ સત્તા મળતાં જ બીજા અશકતો ઉપર ઘા કરે છે, તેમનું ‘દારિદ્રય’ એટલે કે આપણી ગરીબી ભૂષણરૃપ નથી જ.

એટલે હું કહેતો હતો કે તીર્થયાત્રાની ભાવનાથી જ જો યુરોપના પ્રવાસે જઈએ તો તે નિષ્ફળ નહિ જાય. ત્યાં પણ આપણા ગુરુ છે – એ ગુરુ તે ત્યાંના માનવસમાજની અંતરતમ દિવ્યશક્તિ.

બધે જ ગુરુને શ્રદ્ધાપૂર્વક શોધી લેવા પડે છે, આંખ ઉઘાડતાં જ કંઈ સામે મળતા નથી. ત્યાં સમાજના જે પ્રાણ-પુરુષ છે, તેમને આપણી અંધતા અને અહંકારને કારણે જોયા વગર જ પાછા આવી રહીએ એ અસંભવિત નથી. અને એવી એક વિચિત્ર માન્યતા લઈને પાછા આવીએ એમાં પણ નવાઈ નથી કે, યુરોપનું ઐશ્વર્ય કારખાનાં ઉપર આધાર રાખે છે અને પશ્ચિમ ખંડના સમસ્ત માહાત્મ્યના મૂળમાં યુદ્ધના શસ્ત્ર, વેપારનાં વહાણો, અને બાહય વસ્તુના ઢગલા રહેલાં છે.

જે પોતાની અંદર સાચી શક્તિને અનુભવી શકતો નથી તે બહુ સહેલાઈથી એમ માની બેસે છે કે, બધી શક્તિ બહારની વસ્તુઓમાં છે અને જો કોઈ પણ રીતે અમે પણ કેવળ એ બહારની વસ્તુઓ ઉપર કબજો મેળવી શકીએ, તો અમારું બધું દારિદ્રય ફીટી જાય. પરંતુ યુરોપ ચોકકસ જાણે છે કે રેલવે, યંત્રો અને કારખાનાઓને લીધે તે મોટું નથી. એટલા માટે જ વીરની પેઠે તે સત્યને ખાતર ધન અને પ્રાણ સમર્પણ કરી રહયું છે!”

ફાસ્ટ ફોરવર્ડ

”બધી ભૂલોને રોકવા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર જ રહી જશે!”( રવિન્દ્રનાથ ટાગોર)

Tagore-old

 
 
 
%d bloggers like this: