RSS

ભારતની વાસ્તવિક વ્યથાકથાઃ આ દેશની ખાજો દયા!

20130921_122747

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધરમનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે-પોતે ન પણ કાંતે-વણે,
જયાફતો માણે-ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૃ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી !

રંગ છે બહાદૂર ! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકના ટેરવે.
ને દમામેં જીતનારાને ગણે દાનેશરી
હાય, એવા દેશના જાણો ગયા છે દી’ ફરી !

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળા,
જીંદગીમાં એ પિશાચીના પછી ચાટે તળાં
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ના મૂક્તાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં,

માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતાં યે થરથરે !
જાણજો એ લોકને કાજે રહ્યા છે છાજિયાં-
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ કૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે !

નવા રાજાને કહે વાજાં વગાડીને: જિયો !
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે: હૂડિયો !
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં ! એ જ ખમ્મા, વાહ વા !

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા !

જાણજો, એવી પ્રજાના પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા !

જો આળસમાં આ ઉપર લખાયેલું કાવ્ય કૂદાવી સીધો જ લેખ વાંચવાનું શરૃ કર્યું હોય, તો પ્લીઝ… પહેલા એ કાવ્ય વાંચી જાવ- નહિ તો તમને રજાના સોગન છે ! તળપદા શબ્દોના કારણે આજે કઠિન લાગે તો યે આ કાવ્ય ફરી ફરીને એક-એક શબ્દ ગોખીને પણ વાંચવા જેવું છે. જો એ સમજાશે, તો એ વિચારતા કરી મૂકશે જ, એમાં બેમત થી. પહેલાં તો આટલું જ વિચારજો કે મૂળ તો ભારતથી અનેક કિલોમીટર છેટેના બીજા જ દેશમાં, આજથી સેંકડો વર્ષ અગાઉ વિશ્વવિખ્યાત દાર્શનિક ખલીલ જીબ્રાને લખેલી આ ‘પિટી ધાય નેશન’ નામની રચના છે, જેનો મૂળ કરતાંય ચડિયાતો એવો આગવો ગુજરાતી ભાવાનુવાદ અહીં રજુ કર્યો છે, જે મરમી ઋષિકવિ મકરંદ દવેએ વર્ષો પહેલાં કર્યો છે. નવાઈ લાગે છે ને ?

જે કંઇ ઇન્ડિયા ધેટ ઈઝ ભારતમાં ચાલી રહ્યું છે, એને આ કવિતાનો એક એક અક્ષર ચ્યૂઇંગ ગમની જેમ ચોંટી જાય છે. ભલે આજે ‘મેરા ભારત મહાન’ના બણગા છાપરે ચડીને ફૂંકવામાં આવે… હિન્દુસ્તાનના રૃપાળા મહોરા નાચે જે કદરૃપો ચહેરો છે, તેનું પ્રતિબિંબ નિહાળવાની આપણી તૈયારી નથી, કારણ કે, એ બિહામણુ દ્રશ્ય આપણું પોતાનું છે !
રાષ્ટ્રવાદીઓ, સંસ્કૃતિરક્ષકો, ધર્મપૂજકો, દંભી દેશપ્રેમીઓ… આ દેશની દયા કેમ આવે છે, એ સમજાય છે ? આ દયા દર્દમાંથી નીકળી છે. ઘણા હાઈ-ટેક હિન્દુસ્તાનથી અંજાયેલા હરખવદૂડાઓ ચકચકિત મહાલયો અને ઝગમગતી મોટરોના ખડકલા બતાવી પ્રગતિનો વટ મારશે. પાર્ટી, ડાન્સ અને સૂટબૂટના જલસા કરશે. વાંધો આ જલસા સામે નથી. પણ પ્રશ્ન એ પૂછવાનો કે એમાં ભારતનું પોતીકું શું છે ? ભારતે સોફ્ટવેરમાં હરણફાળ ભરી-પણ શું સોફ્ટવેરની શોધ કે ક્રાંતિ જગતને ભારતે બતાવી ? ના. ભારત ચાલતી ગાડીએ ચડીને આગળ નીકળ્યું.

પેલા ચકચકિત મહાલયો અને ચકમકતી મોટરોની ટેકનોલોજી શું ભારતની છે ? ના, એ પરદેશમાં શોધાઈને અહીં આવી છે ! ઉજાણીઓ અને મિજબાનીઓ ચાલે છે – પણ દુનિયામાં ડંકો વગાડે એવું કયું પરાક્રમ દેશ અને દેશવાસીઓએ કરી બતાવ્યું છે ? પહેલી અવકાશયાત્રા કરી ? મોબાઈલ ફોન કે ટેલિવિઝન કે કોમ્પ્યુટર જેવી માનવજાતની જીંદગી પલટાવી દેતી કોઈ શોધ કરી ? ઉત્તમ જીવનના ઉપદેશો ઘણાય આપ્યા, પણ દુનિયા દંગ થઇ જાય એવું કોઈ ઉદાહરણ અમલમાં મૂક્યું ? આ જે પેનથી લખાય છે એ બોલપેન અને જે પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં એ છપાય છે, એ છાપું ખુદ એક વિદેશી ભેટ છે !

વાતવાતમાં પશ્ચિમની અસરની ટીકા કરવાથી ઠાલું થૂંક ઉડે છે. વિદેશને વખોડવાને બદલે પહેલા દેશને તો વિદેશોમાં ગાજતો કરો ! આપણને સ્વાવલંબન કેટલું પસંદ છે ? આપણે પહેરવાના કપડાં કે ખાવાનું અનાજ આપણી જાતે ઘરમાં કાંતીએ કે ઉગાડીએ છીએ ? આ તો એક સિમ્બોલ છે. આપણે આપણું કામ જાતે કરતા નથી. અને બીજાની મહેનતના જોર પર નાચીએ છીએ – તેનો કટાક્ષ છે ! રોજ સવારે ઉઠીને પાશ્ચાત્ય સંસ્કૃતિની આલોચન કરવી, અને વ્યવહારમાં શુધ્ધપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની દેન જેવા પેન્ટ, શર્ટ, ટેલિફોન, કેલેન્ડર ઈત્યાદિને સ્વીકારતા જવા-આ ક્રિયાને કંઇ ‘જાગૃતિ’ નહિ, પણ ‘ઢોંગ’ કહેવાય !

પશ્ચિમમાંથી તો ટ્રેનથી લઇને ટી-શર્ટ સુધીનું અપનાવ્યું, હવે કંઇક પશ્ચિમને પણ આપો. ગુરૃકુળો કે આયુર્વેદના કેવળ ફડાકા ન મારો, ખરા અર્થમાં એલોપથીની જેમ દુનિયાના ખૂણે ખૂણે પરિણામ બતાડવા પહોંચી જાવ. વિશ્વને કંઇ વેસ્ટર્ન કલ્ચર અપનાવવાની ફરજ નથી પડતી કે શોખ નથી થતો… વધુ આકર્ષક, આરામદાયક અને અસરકારક હોઇને એ ફેલાતું જાય છે. આનો અર્થ એવો પણ નથી કે પશ્ચિમમાં બધું સારૃ અને ભારતમાં બધું નઠારૃં છે. પણ ભારતનું જે કંઇ ઉત્કૃષ્ટ છે, એના વખાણ કરવાને બદલે એમાં ઉંડા ઉતરવામાં કેટલાને રસ છે ? વિદેશના દારૃ પ્રત્યે પણ અહોભાવથી અડધા અડધા થઇ જવાય અને દેશની શુધ્ધ છાશ પીવામાં આબરૃ જાય !

સિંગાપોરના મરીન પાર્ક જોનારાઓમાંના કેટલા સૌરાષ્ટ્રના સાગરકાંઠે સહેલગાહ કરે છે ? ભારતીય નાગરિકો વાતો ભારતીય સંસ્કારવારસાની છે, વ્યવહારમાં કેટલા ભારતીય સ્થાપત્યની અણમોલ વિરાસત જેવા ખંડેરો, કિલ્લાઓ કે મ્યુઝિયમોની મુલાકાત લે છે ? પ્રવાસની પેકેજ ટૂર્સમાં મંદિરો કે શોપિંગ માટે અડધો દિવસ હોય છે, અને સંગ્રહાલય માટે અડધો કલાક ! ભારતીય સંગીતની રાગ રાગિણી કે ભારતીય સાહિત્યના રત્નોનો કોણ અભ્યાસ કરે છે ? અંગ્રેજી કવિતાઓ બાળકોને ગોખાવનાર મા-બાપોમાંના કેટલાએ સંસ્કૃત સુભાષિતોના ગુજરાતી અનુવાદો પણ વાંચ્યા ? માત્ર ‘ધન્ય ધન્ય’ કહેવાથી જ ધન્યતા નથી આવી જતી.વારતહેવારે ભારતપ્રેમનો ઝંડો ફરકાવતા નીકળી પડનારાઓ શુધ્ધ ગુજરાતી (હિન્દીની તો વાત જ રહેવા દઇએ !) બોલી કે લખી પણ નથી શક્તા !

ચાઈનીઝ મંચુરિયન ખાતાં ખાતાં હિન્દુત્વની અસ્મિતાની વાતો કરનારા હિન્દુસ્તાનમાં વધતા જાય છે ! બીજી વાતો જવા દો, રાષ્ટ્ર ગૌરવ ને સેલેબલ કોમોડિટી બનાવી દેનાર રાજકીય સંસ્થાઓ કે ધાર્મિક આશ્રમોના કેટલા સભ્યો કે ભક્તજનોએ પોતે જેમના જમના વખાણ કરતા ધરાતા નથી – એવા પ્રાચીન ભારતીય શાસ્ત્રોના અભ્યાસ જાતે કર્યો ? ‘જયહિન્દ જયભારત’ બોલવું સહેલું છે. પણ વેદ, ઉપનિષદ, પુરાણ સાંખ્ય, તંત્ર, યોગ, દર્શન આદિ પ્રાચીન ગ્રંથો કે પછી ભાગવત-રામાયણ-મહાભારત જેવી કાવ્યમય અને લોકપ્રિય કૃતિઓ પણ આખી વાંચવી પચાવવાં જરા અઘરૃં કામ છે. માટે મોટે ભાગે એ આપણે વિદેશીઓ પર જ છોડી દીધું છે ! હવે ભારતમાં ધર્મ એ ઉદ્યમ નથી, ઉદ્યોગ છે !
જો ભારતની ભૂતકાળથી વર્તમાન સુધીની આવી યાત્રા કરો તો સમજાય કે જે ‘મુક્ત જાતીયતા’ (ફ્રી સેક્સ) કે ‘સૌંદર્યવાદ’

(એપ્રિસિએશન ઓફ બ્યુટી/ફેશન)ને આપણે પાશ્ચાત્ય ભૌતિકતાનું ભારત પર આક્રમણ કહ્યું છે – એ વાસ્તવમાં તો ભારતની દેન છે ! ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’ને આવું ઝીણું કાંતવામાં રસ નથી. દેલવાડાના દહેરાથી દક્ષિણ ભારતના ગોપુરમ સુધી બધે જ અનાવૃત્ત સરસ્વતીદેવીના શિલ્પો છે, પણ એ જોયા વિના જ દિગંબર સરસ્વતીના ચિત્રો ફાડવામાં આપણને કોઈ અપૂર્વ પરાક્રમનો આનંદ આવે છે ! અને આપણી ‘પરાક્રમ’ની વ્યાખ્યા શી છે ? બે -ચાર ખૂન કરના મોહલ્લાનો ‘હિરો’ ગણાઈ જાય છે. ખલનાયકની વ્યાખ્યામાં આવનાર માણસ ચૂંટાયેલો લોકનાયક થઇ જાય છે ! ‘ફેશન ટી.વી. કે ‘એમટીવી.’ જેવી ચેનલોનો વિરોધ કરના ‘બહાદૂરો’ કદી પોતાના સ્થાનિક મવાલી કોર્પોરેટરને મોઢામોઢ સાચી વાત સંભળાવી શક્યા છે ?’

ફિલ્મોની સેન્સરશિપની ગુલબાંગો લગાડનાર પોતાની શેરીની ગંદકી સેન્સર કરી શક્યા છે ? લોકોના પૈસા ખાઈ ખાઈને બંગલા બંધાવનારાઓ પોતાની સાથે જરાક વાત કરે એ માટે હવાતિયા મારતા લોકોના દેશની દયા ન આવે ? ટપોરી કક્ષાના માણસો પૈસાના જોરે બુધ્ધિમાનોને પોતાની તહેનાતમાં કુરનીશ બજાવવા મજબૂર કરે, અને આડાઅવળા ધંધામાંથી ધાપ મારી ધનવાન બનેલા ધર્મરક્ષા, ગૌરક્ષા કે શિક્ષણરક્ષા માટે પૈસા ફેંકી-પોતાના નામની તકતીઓ લગાવી-પાછા દેશ માટે કંઇક કરી છૂટયાનું ગુમાન અનુભવે, એ દેશનું ભાગ્ય અવળું કરેલું ન લાગે ? ભાવ અને ભક્તિની સંવેદનાઓની વાતો કરવી અને વ્યવહારમાં જરાક ‘પ્રેકટિકલ’ બનાવાની શિખામણ આપવી – એમાં દેશ ભગવાનનું સ્વર્ગ બને કે શેતાનનું નરક ?

સ્વદેશી આર્થિક નીતિ અને સાદગીની વાતોથી તો છુટકુ ચુન્નુ -મુન્નુઆ પોતે પ્રસિધ્ધ થશે, પણ દેશનું અર્થતંત્ર સિધ્ધ નહિ થાય ! નાગરિક શિસ્ત અને ઉત્પાદન ક્ષમતા વધારી હોત, તો વૈશ્વકીકરણ કરવું જ ન પડયું હોત ! પહેલા આળસ કરવી પછી આત્મ પ્રશંસા કરવી અને છેલ્લે, અરેરાટીના મરશિયા ગાઈને પોક મુકવી એ આપણો નિત્યક્રમ છે. ‘ખાવું, પીવું, પરણવું’એમાજ આપણી સર્જકતા સમાય છે ? આપણી જ પ્રતિભાઓની પ્રશંસા આપણે કરી નથી ! આપણે મહાન હતા’નું મિથ્યાભિમાન આજે પણ આપણને શેખચલ્લી બનાવી દે છે. આપણી આ મહાનતાની પિપૂડી સાંભળીને કોણ તાળીઓ પાડે છે ? આપણે પોતે જ !

આ જૂની મહાનતા વાગોળવામાં કદી વિજ્ઞાાન અને વિચારની આધુનિકતાને ભારતે મહત્ત્વ ન આપ્યું – જ્યાં મૌલિક ટેકનોલોજી વિકસી ત્યાં જ આર્થિક સ્મૃધ્ધિ વિકસી – આ સરળ સત્ય જાપાનથી અમેરિકા સુધીના દ્રષ્ટાંતો નજર સામે હોવા છતાં હજુ ય આપણને સમજાયું નથી ! આપણે બીજાઓથી ઝટ ‘ઇમ્પ્રેસ’ થઇ જઇએ છીએ. પણ બીજાઓને ‘ઇમ્પ્રેસ’ કરવાના માર્કેટિંગ અને પેકેજીંગમાં કાચા છીએ. વિશ્વશાંતિના ગુણગાને આપણને ઠંડા બનાવવાને બદલે કાયર બનાવી દીધા છે. જગત જીતવાની વાત તો દૂર, અહીં તો ભારત જોવા આવનારા પ્રવાસીઓ પણ ખોબલા જેવડા ટાપુઓ કરતાં ય ઓછા થતા જાય છે !

ભારતના ગામે ગામ લશ્કરના જવાનોને બદલે રોજ ચોરી, બળાત્કાર, લૂંટફાટ, વેશ્યા વ્યવસાય ઇત્યાદિમાં અગ્રેસર ‘શૌર્યવાન’ નર-નારીઓ વધતા જાય છે. બેફામ વધતી જતી વસતિમાં કંઇક ગુનેગારો ગટરમાં સબડે છે. કંઇક ભાજીમૂળાની જેમ કપાઈ મૂએ છે. મુઠ્ઠીભર જુલમગારો લાખો બેવકૂફોને બૂટની એડી નીચે કચડીને રાખે છે. દર વર્ષે કોઈ શેરદલાલી કે મલ્ટીલેવલ માર્કેટિંગ કે ડેટા એન્ટ્રી કે મનની શક્તિ કે મની સ્કીમના નામે કરોડો લાલચુ મૂરખાઓને ઉલ્લૂ બનાવી જાય છે – છતાંય આપણે ઘાંટા પાડીએ છીએ કે ભારતમાં પૈસા કરતાં પ્રેમનું મહત્વ વધુ છે ! ચોમાસામાં ઉડતાં પાંખાળા જંતુઓ જેવી જીંદગી જીવીને ભારતના પવિત્ર નાગરિકો પોતાનો અવાજ પણ ઉઠાવ્યા વિના પારકા પ્રપંચનો ભોગ બની ડૂબી મરે છે ! પછી એમના નામના છાજીયા લઇ હાયવોય કરવાની જ બાકી રહે છે ને !

લુચ્ચા નેતાઓ રાજનીતિને બદલે કેવળ રાજ કરતા શીખી ગયા છે. પત્રકારો – લેખકો-સાહિત્યકારોનો ધર્મ જ જે કંઇ સ્થાપિત હિત છે, તેને પડકારવાનો હોય – પણ જાત – ભાતની શાબ્દિક ચાલાકીઓથી મોટા ભાગના સત્તાધારીનેતા કે ઉદ્યોગપતિની ચાપલૂસી કરે છે. અને પાછી કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણીને તર્ક અને આંકડાબાજીથી ‘પરમ સત્ય’ રૃપે ઠસાવી દઇ, શ્રોતાઓ કે વાચકોને ફસાવી દે છે. મોહનલાલ કે. ગાંધી પછી આ ભૂમિમાં કોઈ સત્યનો ઉપાસક પાક્યો જ નથી. જો છે તે ‘મારૃં સત્ય, એ જ સારૃં સત્ય’ના નારાઓ લગાવવાવાળા છે. જીબ્રાને મૂળ અંગ્રેજી કાવ્યમાં તો ફિલોસોફરને ‘જગલર’ (એક સાથે બે ત્રણ વસ્તુઓ ઉછાળીને સંતુલન રાખનાર જાદૂગર) કહ્યા છે !

આજકાલ ટ્રસ્ટીઓના પાળીતા પ્રોફેસર અન રાજકીય પક્ષોના પાળીતા પત્રકારની ફેશન પાળેલા શ્વાન કે પાળેલા પોપટની જેમ ખીલી છે. અહીં-તહીંથી ઉઠાવીને કોપી કે રિ-ફિટિંગ કરનારા મહાન લેખકો કે લોકપ્રિય ફિલ્મી સંગીતકારો -સર્જકો બનીને એવોર્ડસ લઇ જાય છે. કમાલ છે ને, કે નેવું ટકા ભારતીય કળાકારોને હંમેશા પ્રેરણા અંદરને બદલે બહારથી જ થાય છે ! આ બધાની ઉઠાંતરીની ય વાનર નકલ કરવામાં નવી પેઢીને વળી નવીનતાનો અહેસાસ થાય, અને પહેરેલા કપડા-જેટલું ય એમનું મગજ મોર્ડન ન થાય… તો દેશદયાજનક સ્થિતિમાં ન કહેવાય ?

અજમેરી લોટા જેવા આપણે ભારતીયો છીએ. જે કોઈ અધિકારી, નેતા કે વેપારીનો સિક્કો ચાલતો હોય ત્યારે એને વ્હાલા થવા માટે ગલૂડિયાની જેમ આળોટિયે છીએ. એ જ વ્યક્તિ સત્તા કે સંપત્તિના કેન્દ્રમાંથી કિનારે જાય એટલે આ જ બિરદાવલીઓ ગાતું ધાડિયું હુડુડુડુ કરતું એને બે જૂતાં વધારે ફટકારશે ! વળી કોઈ નવો દરબાર ભરાશે એમાં ફરી એ જ કિલકારીઓ અને લટૂડા-પટૂડા કરતી એ જ પ્રજા પહોંચી જશે ! જાનારાને ખોળ, અને આવનારાને ગોળ ! નહિ ગુણવત્તાને માન, નહિ કામની કદર, નહિ લાયકાતની પ્રશિસ્ત ! હિન્દુસ્તાની અવામની કરોડરજ્જુ જ હોતી નથી. ટટ્ટાર ઉભા રહેતા એને આવડયું નથી ! કાઠિયાવાડીમાં આવી કામગીરી કરનારને ‘ખૂટલ’ યાને પીઠમાં ખંજર ભોંકનાર દગાખોર કહે છે. જ્યાં આખી જનતા મૂલ્યને બદલે માલની આરતી ઉતારવામાં પાટલી બદલૂ હોય, ત્યાં દેશનું ભવિષ્ય કેવું હોય ?

આવા કાળમાં જેમની દ્રષ્ટિથી સૃષ્ટિ બદલાય એવા યુગપુરૃષો હવે કાં તો વિદાય થયા છે અથવા હાંસિયામાં ધકેલાયા છે. નવી પ્રતિભાઓ હજુ કદાચ બાલમંદિરમાં રે છે, અને માહોલ આવો જ રહ્યો તો મહેકતા પહેલા જ મૂરઝાઈ જવાની છે. ત્યારે દિવસે દિવસે પોતાના રાજ્યના નામે, જિલ્લાના નામે, ભાષાના નામે, ધર્મના નામે, જ્ઞાાતિના નામે કે ગલીના નામે પણ અન્યાયનો અવાજ ઉઠાવી, આપણે વિશાળ બનતી જતી દુનિયામાં વધુ સંકુચિત બની ગયા છીએ. કદાચ પોતપોતાની ધજા ફરકાવવામાં જે મજા છે, એ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં નથી. પોતાની જ્ઞાાતિ પ્રત્યેનું ખેંચાણ આધુનિકતા સાથે ઘટે એ પ્રગતિ છે, પણ અહીં એ વધ એને પ્રગતિ કહેવાય છે ! અવળી મતિ, ઉલટી ગતિ !

બધાને સાચા હિન્દુ સાચા મુસલમાન, સાચા શીખ, સાચા ખ્રિસ્તી થઇ જવું છે. કોઇને આધુનિક આદર્શ માનવ નથી થવું પોતાનો ધર્મ બીજાથી ઊંચો છે એમ બતાવવા મહામહોત્સવોને ધાર્મિકતા કહેવાય છે અને જાહેરમાં ગાળો બોલવી અને પાછી મીની સ્કર્ટની ટીકા કરવી એને સંસ્કૃતિ કહેવાય છે ! જેની શરમ થવી જોઇએ, એનો ગર્વ થાય છે ! બંધારણ રચાયાના ૬૬ વર્ષે પણ હજુ કોમન સિવિલ કોડ રચાયો નથી ! બોલો !

આ પ્રજાસત્તાક દિનનો સૂરજ આથમે ત્યારે એમાં ભારત દેશના પુણ્ય, ગરિમા અને સ્વપ્નોને પણ અસ્ત થતા જોઇ લેજો. દોસ્તો, સફરના સાથીઓ, આ અંધારી રાતમાં જીવનારાની ખાજો દયા ! બીજું તો શું કરી શકશો ?

20130921_125604

# લેખ જૂનો થયો છે, આપણી પ્રજાની વાસ્તવિકતા અને વ્યથા નહિ  ! ( તસવીરો સિક્કિમ નાથુલા બોર્ડરની છે )

 
3 Comments

Posted by on January 26, 2016 in india

 

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

ATT_1446753526088_Времен года)(1)

રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે !

———————————————————————————————————————-

નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ :

વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની.

એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું.

અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો એની સાથે ફી જમા કરવાની હતી.

અમે લાઈનમાં એ માટે ય ઉભા રહ્યા, પણ જેવો અમારો વારો આવ્યો, ત્યાં જ બેઠેલા સરકારી બાબુએ બારી બંધ કરીને કહ્યું કે “સમય પૂરો. હવે કાલે આવજો.”

અમે વિનંતી કરી, કહ્યું કે ‘બહારથી આવીએ છીએ. આખો દિવસ આજનો ખર્ચાઈ ગયો છે. ખાલી ફી જમા કરાવવાની જ વાત છે, ચંદ સેકન્ડસનો મામલો છે. એ લઈ લો, તો ફરી ધક્કો નહિ, આખો દિવસ જાય નહિ.’

બાબુ બગડયા. કહ્યું : ”તમે આખો દિવસ ખર્ચી નાખ્યો, તો શું મારી જવાબદારી છે? સરકારને કહોને વધુ સ્ટાફની ભરતી કરે, આ સવારથી હું એકલો જ બધું કામ કરું છું!”

ઘણી રિક્વેસ્ટ કરી, સમજાવ્યું કે આટલી દલીલોમાં તો કામ થઈ ગયું હોત. પણ ના જ માન્યો. મિત્રે કહ્યું કે સવારથી એજન્ટોનું કામ તો બધા નિયમોની ઉપરવટ એણે કરી જ નાખ્યું હતું. જરાક વગર એજન્ટનું, ઉપરની કોઈ લાગવગ કે વધારાના પૈસા વગરનું કામ આવ્યું એટલે એણે આનાકાની શરૃ કરી.

એણે કાઉન્ટર જ ક્લોઝ કર્યું. મિત્ર નિરાશ થયો. બીજે દિવસે ય આ જ હાલત થાય.

મેં વિચાર્યું, કાલ કરતાં જોઈએ, હજુ એક પ્રયત્ન કરીએ. રોફ કે રિશ્વતથી તો કામ કરાવવું નહોતું.

બાબુ એની થેલી લઈ ચાલતો થયો. ચૂપચાપ હું એની પાછળ પાછળ ચાલતો થયો. ઓફિસમાં ઉપરના માળે આવેલી કેન્ટીનમાં એ ગયો. ટેબલ પર બેસી થેલામાંથી લંચ માટેનું ટિફિન કાઢયું. એકલો એકલો ખાવા લાગ્યો.

હળવેકથી હું સામેની ખુરશીએ જઈ બેઠો. એણે તોબરો ચડાવેલું મોં બનાવ્યું. હું હસ્યો. ને પૂછયું ‘રોજ ઘેરથી જ જમવાનું લાવો છો?’

એણે રૃક્ષતાથી કહ્યું ‘હા.’

મેં કહ્યું, ‘તમારી પાસે તો ઘણું કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે નહિ?’

ખબર નહિ, એ શું સમજ્યો પણ કહેવા લાગ્યો કે ‘હા, બહુ મોટા મોટા અધિકારીઓને મળવાનું થાય. આઈએએસ, આઈપીએસ, કોર્પોરેટર એવા ય મારી ખુરશી સામે આવે.’ ચહેરા પર જરાક ગર્વ છવાયો.

મેં ચૂપચાપ સાંભળીને કહ્યું, ‘હું એક રોટલી ખાઈ શકું?’ મેં એની પ્લેટમાંથી એક રોટલી ને થોડું શાક લઈ ખાવાનું શરૃ કર્યું, એ મારી સામે જોતો રહ્યો. મેં કહ્યું ‘તમારા પત્ની જમવાનું સરસ બનાવે છે.’ એ ચૂપ રહ્યો.

મેં ફરી વાત શરૃ કરી, ‘તમે મહત્વની જગ્યાએ બેઠા છો. મોટા મોટા લોકો તમારી પાસે આવે છે. પણ તમે તમારી ખુરશીની ઈજ્જત નથી કરતા!’

એને સમજાયું નહિ. ‘એટલે?’  મેં કહ્યું  ‘ભાગ્યશાળી છો, લોકો સામેથી આવે એવા કામ પર છો, પણ કામનું સન્માન કરતા હોત તો તમારો વ્યવહાર આવો અતડો કે તોછડો ન હોત.’

એને નવાઈ લાગી. મેં કહ્યું ‘જુઓ, આ અહીં તમારા કોઈ મિત્ર નથી. આ કેન્ટીનમાં એકલા જમવું પડે છે. ખુરશી પર ઉદાસ થઈને બેસો છો. આખો દિવસ ગંભીર ચહેરો. લોકોનું કામ પુરું કરવાને બદલે કે એમાં મદદ કરવાને બદલે અટકાવવાની કોશિશ કરો છો. કોઈ બપોરે બે વાગે બારી પર પહોંચે તો સવારથી લાઈનમાં ઉભો છે, એમ માની જરાક સ્મિત કરીને શાંતિથી વાત પણ નથી કરતા.વિનંતીના જવાબમાં કાઉન્ટર બંધ કરીને કહો છો કે સરકારને કહો વધુ લોકોની ભરતી કરે. માની લો કે એવું કહીને નવી ભરતી કરાવીએ, તો તમારું મહત્વ ઘટી નહિ જાય? એવું થાય કે આ કામ રહે જ નહિ. તો મોટા મોટા લોકોને મળવાનું ક્યાંથી થાય?

ભગવાને તમને મોકો આપ્યો છે, સંબંધો વિકસાવવાનો. કોઈના મનમાં સ્થાન મેળવી એને ઉપકારવશ બનાવવાનો. પણ તમે એનો લાભ ઉઠાવવાને બદલે સંબંધો ખરાબ કરી રહ્યો છો ! મારું શું છે? કાલ આવીશ, કાલે નહિ થાય તો પરમ દહાડે આવીશ. તમે નહિ હો તો કોઈક બીજો પતાવી દેશે. એવું તો છે નહિ કે આજે નથી થયું તો કામ આજીવન થશે જ નહિ? પણ તમારી પાસે એક તક હતી કોઈના પર હાથ રાખવાની, એ ચૂકી ગયા.’

એણે ખાવાનું છોડીને મારી વાત સાંભળવાનું શરૃ કર્યું. મેં આગળ ચલાવ્યું ‘પૈસા તો તમે બહુ કમાશો. પણ સંબંધો નથી કમાયા તો બધું બેકાર છે. કરશો શું પૈસાનું? વ્યવહાર સરખો નહિ રાખો તો ઘરના લોકો ય દુ:ખી રહેશે. યારદોસ્ત તો છે નહિ.’

એનો ચહેરો ઝંખવાયો. એણે કહ્યું ‘સાચી વાત છે સાહેબ. પત્ની પણ બાળકોને લઈ ઝગડો કરી જતી જ રહી છે. આ ટિફિન પણ માનું બનાવેલું છે. એની સાથે ય વાતો થતી નથી. રાત્રે ઘેર જવાનું મન પણ ન થાય. ખબર નથી શું ગરબડ છે.’

હળવેકથી મેં કહ્યું ‘ખુદને બીજા સાથે જોડો. કોઈની મદદ થઈ શકે તો કરો. મારી પાસે તો પાસપોર્ટ છે, તો ય જુઓ મિત્રને ખાતર તમારી પાસે આવ્યો છું. મેં વિનંતી કરી, બીજાને માટે. મારો કોઈ સ્વાર્થ નહોતો. એટલે મારી પાસે દોસ્ત છે તમારી પાસે નથી.’

એ વિચારમાં પડયો. પછી ઉભો થઈને કહે ‘બારી પર પહોંચો, તમારું ફોર્મ આજે જમા કરાવી લઉં છું.’ કામ થઈ ગયું.

વર્ષો પછી દિવાળી પર હેપી દિવાળીના ઘણા ફોન આવ્યા. એમાં એક ફોન આવ્યો ‘ચૌધરી બોલું છું, સાહેબ. તમે એકવાર પાસપોર્ટ માટે આવેલા ત્યારે આ નંબર મને આપેલો, ને કહેલું કે પૈસા જ નહિ, સંબંધો પણ બનાવો.’

મેં કહ્યું ‘અરે હા..’

એણે ખુશીથી કહ્યું “તમે ગયા પછી દિવસો સુધી વિચારો કર્યા. મને ય થયું કે બધા પોતપોતાનામાં વ્યસ્ત છે. પૈસા આપી જાય છે, પણ સાથે જમવાવાળા નથી. એટલે પછી સાસરે જઈ પત્નીને લઈ આવ્યો. એ તો માનતી જ નહોતી, પણ ત્યાં એ જમવા બેઠેલી એની પ્લેટમાંથી મેં રોટલી ઉઠાવી લીધી, પૂછયું ‘સાથે ખાઈશું?’ એ હેરાન થઈ, પછી આવતી રહી.

હવે હું રૃપિયા નહિ, રિશ્તા કમાઉં છું. શક્ય હોય ત્યાં અંગત રસ લઈ મને સોંપાયેલા બીજાના કામ  હસીને કરી દઉં છું. મારી મોટી દીકરીના લગ્ન છે, આપે આવવાનું છે, ઘરમાં બધા આપને ઓળખે છે.”

એ બોલતો રહ્યો, હું સાંભળતો રહ્યો. આવી અસર થશે એવું વિચાર્યું નહોતું. પણ માણસનું સંચાલન લાગણીથી થાય છે. કારણ, તર્કથી તો ફક્ત મશીનો ચાલે છે !

* * *

રિચાર્ડ કાર્લસન નામના અમેરિકામાં મોટિવેશનલ બૂકના લેખક. એવા જ બીજા એમનાથી ઘણી ઊંચી કક્ષાના અને ઘણા વધુ નામ-દામ કમાયેલા સુપરસ્ટાર ઈન્સ્પાયરિંગ રાઈટર એટલે ડો. વેઈન ડાયર. રિચાર્ડભાઈએ એક બૂક લખી, જેની પ્રસ્તાવના ડો. ડાયર લખી દે, એવી એમની ઈચ્છા. અમેરિકામાં તો રાઈટરના દબદબા ફિલ્મસ્ટાર જેવા. એજન્ટસ કે સેક્રેટરી મારફત જ વાત થાય, બધું જ લીગલ કોન્ટ્રાકટ અને આર્થિક વળતર મુજબ થાય.

રિચાર્ડભાઈની રિકવેસ્ટનો બેહદ બિઝી ડો. ડાયર તરફથી ત્વરિત જવાબ ન મળ્યો. એમને બૂક છાપવાની ઉતાવળ હતી, એટલે પબ્લિશરને ‘ગો એહેડ’ની સૂચના આપી. માર્કેટિંગ ખાતર પ્રકાશકે ભૂતકાળમાં એક બીજા પુસ્તકમાં ડો. ડાયરે રિચાર્ડના વખાણ કરી દીધેલા, એ પેરેગ્રાફ આ પુસ્તક માટે બેઠેબેઠો ફરી છાપી દીધો. બૂક કવર જોઈને રિચાર્ડના મોતિયાં મરી ગયા. સીનિઅર પોપ્યુલર રાઈટરને કેવું લાગશે? ક્યાંક કેસ કરી વળતર માંગે તો? ગુસ્સે થઈ ધધડાવી નાખે ને જાહેરમાં રિચાર્ડની ખિલ્લી ઉડાવે તો?

પોતાનો વાંક તો નહોતો, પણ રિચાર્ડ કાર્લસને પ્રગટ થયેલી કિતાબો સ્વખર્ચે સ્ટોરમાંથી પાછી મંગાવવાના પ્રયત્નો કર્યા. હિંમત કરી અજાણતા થયેલી ભૂલની જવાબદારી પોતે સ્વીકારી ડો. ડાયરને માફી માંગતો પત્ર લખ્યો. કોઈ બીજા કહે, એ પહેલા જાતે જ ભૂલ કબૂલ કરી. બૂક જ રદ કરવાનો પ્રસ્તાવ મુક્યો.રોજ મૂંઝવણમાં દિવસો વીતાવે. અચાનક એક દિવસે એમને નાનકડો પત્ર મળ્યો.

અત્યંત વ્યસ્ત ડો. વેઈન ડાયરે એમના હસ્તાક્ષરમાં લખીને મોકલ્યું હતું : રિચાર્ડ, ધેર આર ટુ રૃલ્સ ફોર લિવિંગ ઈન હાર્મની. (૧) ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ (૨) ઈટસ ઓલ સ્મોલ સ્ટફ. લેટ ધ ક્વોટ (પ્રકાશિત પુસ્તકમાં એમના નામે છપાયેલો ફકરો) સ્ટેન્ડ. લવ. વેઈન.

એમણે કહ્યું એ જ કે, બીજા સાથે હળીમળીને સુખચૈનથી જીવવું હોય તો બે જ રસ્તા છે. જીંદગીમાં નાની નાની બાબતો માટે બહુ ચિંતા કરી, સમય-શક્તિ વેડફીને દુ:ખી કે પરેશાન થવું નહિ. અને આમ તો બધી જ બાબતો નાની જ હોય છે. જે થયું તે ભલે થયું. ચિલ. ડોન્ટ વરી, બી હેપી.

ડીડીએલજેમાં આ જ મેસેજ જુદી રીતે કહેવાયો હતો: બડે બડે દેશોંમેં છોટી છોટી બાતેં હોતી રહતી હૈ! ઈટસ નોર્મલ, ઈટસ નેચરલ. કોઈ પણ ઈસ્યૂને આપણે મહત્વ આપી આપીને બહુ મોટો બનાવી દઈએ છીએ. બળતામાં ઘી હોમ્યા જ કરો તો તણખામાંથી ભડકો થઈ જાય.

આપણા નેશનલથી લોકલ મીડિયામાં આ જ ચાલ્યા કરે છે, કારણ કે આપણને જ નવરાં બેઠાં આ બધી પંચાત કરવામાં ભારે રસ પડે છે. બીજાનો ન્યાય તોળવો એ આપણો ફેવરિટ ટાઈમપાસ છે. જાણે પોતે તો બત્રીસલક્ષણા સર્વગુણસંપન્ન દેવભાઈ અવતાર છે!

ઈન શોર્ટ, ફોડકીને ખોતરી ખોતરીને દૂઝતો જખમ બનાવી દેવાની કુટેવ ટાળવા જેવી છે. આફટરઓલ, ૫૦-૧૦૦ વરસમાં કોઈ હશે જ નહિ દુનિયામાં. ન આપણે, ન બીજાઓ. બધા નવા જ આવી ગયા હશે, નવી ડાયરી-કેલેન્ડરની માફક. તો પછી માઠું લગાડવામાં શું સતત માથાકૂટ કરવી ?

હા, એમ નહિ કે ખોટું સહન કરી લેવું, પણ એક તબક્કે એની લડત આપી સબક શીખવાડયા બાદ એ પડતું મૂકી આગળ ચાલતા રહેવું. થાય એ તો, જીંદગીમાં જાતભાતના અનુભવો ને ઈન્સાનો મળે. ન ગમે ત્યાં બહુ ન રોકાવું, ગમે ત્યાં ગુલાલ કરવો. માઠું લગાડવા કરતાં મીઠું લગાડવું સારું. વખોડવામાં જ વખત બરબાદ થઈ જાય, તો વખાણવાનું ભૂલાઈ જતું હોય છે. આફટર એ પોઈન્ટ, સત્ય અને ન્યાયનો અનિવાર્ય સંઘર્ષ ના હોય તો લીવ ઈટ, જતું કરો. લેટ ગો એન્ડ ગો ઓન.

અમુક માણસોને એકદમ ચીકણાશભરી ચોકસાઈ જ કર્યા કરવાની ટેવ હોય છે. ગમે તેવા સંબંધો એમની સાથે લાંબા ગાળે સૂકાઈ જ જાય. એ વાતે વાતે બસ ટોક્યા જ કરે, ઝીણીઝીણી તદન નકામી બાબતોમાં સતત વડચકાં જ ભર્યા કરે. સીંદરીને વળ દઈને એક-એક દોરો ગણી લે. મોસ્ટ ઈરિટેટિંગ પોતે હોય છે, એ એમને ખબર રહેતી નથી.

કોઈ પૂછે કે જરૃરી હોય ત્યાં તરત પોતાના અનુભવ કે જ્ઞાનનો લાભ આપવો જ. પણ પછી કાયમ નાની નાની વાતોમાં સાસુગીરી જેવી કચકચ એકધારી કરવાથી તમને કોઈ સુવર્ણચંદ્રક મળી જવાનો નથી. હા, બ્લડ પ્રેશર, ડાયાબીટિસ, હૃદયરોગ, સ્ટ્રોક, આધાશીશી કશુંક તો બેશક મળી જ જશે, કાયમી મહેમાન તરીકે !

કોઈ જાણી જોઇને વાયડાઈ કરે તો ઝૂડી નાખવા. પરંતુ, વાતેવાતમાં સહજભાવે કે ભોળપણની લાગણીથી વાત કરનારાઓને નજીવી ભૂલો માટે કરેકટ કરીને મિસ્ટર યા મિસીસ રાઈટ બનવાની જીદ જ રોંગ છે. પોતાનો કક્કો ખરો કરાવવાનો ઢોંગ છે. કોઈની શબ્દોમાં કોઈ ભૂલ થાય, કોઈની વર્તનમાં ભૂલ થાય. તમને બહુ જ નુકસાન થાય કે ખરાબ લાગે તો સ્પષ્ટ એકવાર કહી દો. એ ભૂલ કબૂલ કરી ધ્યાન રાખવાની ખાતરી આપે તો પડદો પડી દો એ મામલા પર.   જો એ ચર્ચા કરે તો મુદ્દાસર વાત કરી લો.

પણ પછી ના ગમે તો મૌન ધારણ કરી તમારા કામે વળગો. ભાવનાઓં કો સમજો. કોઈ ઉલ્લુ બનાવે કે જૂઠ બોલે, એને બેશક ખંખેરો પણ કોઈ સામાન્ય માણસના ઉચ્ચાર કે લખાણ કે અણસમજ માટે એનું અપમાન ના કરો. બેકગ્રાઉન્ડ, ક્ષમતા, આર્થિક સ્થિતિ કે ઉંમરમાં નાના માણસોની આ બાબતો માટે અંગત ઠેકડી ના ઉડાડો.

આગળ વધવાનું પ્રોત્સાહન આપો, સુધારા સૂચવી ચેતવણી આપો. પણ ગરીબી; જો માણસ એમાંથી બહાર આવવા સ્વમાન, ડિગ્નિટી સાથે સંઘર્ષ કરતો હોય તો ગુનો હરગીઝ નથી. એવું જ રિલેશનશિપનું છે.

સકસેસમાં ગ્રેટફુલ એટલે નમ્ર બની અલગારી અદ્રશ્ય કે સામેના મદદગારોના આભારી રહો. ડિફિટ યાને પરાજ્યમાં મગજ ગુમાવવાને બદલે ગ્રેસફુલ યાને સૌજન્યશીલ રહો. ‘ગમ ખાઈ જવો’ રૃઢિપ્રયોગ આવી જ સિચ્યુએશન માટે બન્યો છે.

પબ્લિક કહેશે, હોય કંઈ? ફલાણી સેલિબ્રિટી તો સોશ્યલ નેટવર્ક પર ભારે સ્ટબર્ન છે. ટફ છે. વેલ, એમાં અમુક લુચ્ચા દંભીઓ હોય, એમ અમુક સાવ સાચુકલાં હોય છે. વધુ બહેતર દુનિયા બનાવવા સિવાય એમનો કોઈ અંગત હેતુ હોતો નથી. નવું રિનોવેશન કરવા જૂનું હથોડાં મારીને તોડવું તો પડે. પણ ફેસબુક ઉપર ભટકાઈ જનારા કે ફોર ઘેટ મેટર વોટસએપ પર વખાણ કરનારા કે જાહેર જગ્યાઓએ સેલ્ફી ખેંચનારા (સાચો અમેરિકન ઉચ્ચાર  “સેલ્ફાઈ” છે. પણ એવી પિંજણ જરૃરી ના હોય ત્યાં નહિ કરવાની. હમણાં જ કહ્યું ને?) ચાહકો હશે, કે પારકી લોકપ્રિયતાના ઉછીના અજવાળે જરાવાર ઝગમગ થનાર ચાંદલિયા હશે – પણ સ્વજનો નથી. એ સેલિબ્રિટી એના સ્વજનો સાથે કેવી રીતે જીવે છે અને વર્તે છે, એ સત્ય જાણવાનું હોય.

વાત અહીં હરખપદુડા થઈ આખા ગામને વહાલા થવા માટે નરમ માવા થઈ જવાની નથી. ત્યાં કડક રહેવું જ પડે, જેથી પોતીકાંઓ સાથે સ્પેસ અકબંધ મળે. અને જેમને માટે આપણને દિલથી કન્સર્ન છે, જે આપણને મેટર કરે છે, એમની સાથે હૂંફાળા સેતુબંધથી, કેરિંગથી, ક્ષમા અને સ્માઈલથી જીવવાની વાત છે. બાજુવાળા બાબુભાઈ કે બચીબહેનને મૂકો તડકે. આપણી લોનના હપ્તા એ નથી ભરવાના.

એમાં ટેકો કરે એમની સાથે નિસ્બત રાખો. સુખી થવાનો ઈઝીએસ્ટ શોર્ટકટ ક્યો? બીજાઓના અભિપ્રાયોની પરવા અંગે નીંભર થઈ જાવ, એ ઓપિનિયન્સને થોડી ક્ષણો બાદ ક્રૂરતાથી શટડાઉન કરતા શીખો. આપોઆપ ખુશી વધી જશે. અને ખુદની ખુશી એ જ શત્રુઓ સામેનું શ્રેષ્ઠ વેર છે.

દર દિવાળીએ ઘર-ફર્નિચરને ચોખ્ખાં કરવા પડે, યંત્રોમાં તેલ ઊંજવું પડે (ના સમજાયું? ઓઈલિંગ કરવું પડે સ્મૂધનેસ માટે) એમ સંબંધો પણ સ્નેહ વિના સૂકાઈ ને લિસ્સાં પાનમાંથી બરછટ ઠૂંઠૂ બની જાય. ભીનાશ હોય, ત્યાં જ લીલુછમ તાજું ઘાસ ઉગે.

અમુક લોકોમાં ઓછી આવડત હોય એનું ટેન્શન આપણી માથે નહિ રાખવું, બધા સરખા મહાન હોત તો આપણી કદર ક્યાંથી થાત? કામકાજમાં, પરફોર્મન્સમાં ચોક્કસ ઊંચનીચ હોઈ શકે, પણ માણસાઈની બાબતમાં સડક પર રમકડાં પાથરીને મહેનત કરી પેટીયું રળવા બેઠેલાં ડોશીમાનું સ્ટેટસ અંબાણી-અદાણીથી નીચું નહિ ગણવાનું.

રિશ્તામાં મોટું મન રાખવાની એક સિમ્પલ ટ્રિક છે. ચાચા ગાલિબ બતાવી ગયા છે. બાઝીચા-એ-અત્ફાલ હૈ, દુનિયા મેરે આગે. હોતા હૈ શબો રોઝ, તમાશા મેરે આગે ! આ જગત તો નાના ભૂલકાંઓને ખેલવાનો બગીચો છે, એમ માની સાક્ષીભાવે ઘટનાઓનો લુત્ફ ઉઠાવવાનો પ્રયત્ન કરવો, નાના બચ્ચાંની ગરબડો કેમ માફ કરી દઈએ છીએ, થોડું તાડૂક્યાં કે ધોલ ધપાટ પછી?

એમ આ બધા તોફાનીઓ નાના બાળકો છે. છોકરમત કરે છે. આદિત્યનાથોથી લઈને ઓવૈસી સુધીના. એમને કાર્ટૂન માનીને એમાંથી ગમ્મત લેવાની. એમને સિરિયસલી લઈને બહુ મહત્વ નહિ આપવાનું. રિમેમ્બર, બધા એક દિવસે સ્મશાન કે કબ્રસ્તાનમાં જ જવાના છે. સો, સિંગ યોર સોંગ ફર્સ્ટ.

પણ જેમના માટે દિલ ધડકે છે, એમની સાથેના સંબંધોને સાચવવાની માસ્ટર કી આ લેખના ટાઈટલમાં છે. ફરીફરી ઘૂંટીઘૂંટીને વાંચો. પાઠ બરાબર પાકો કરો. દલીલ જીતવી છે કે દિલ? ક્યારેક બાળકની સાથે રમતાં મા-બાપ જાણી જોઈને હારીને જીત કરતા વધુ આનંદ મેળવે છે.

બહુ અકોણા સત્યવાદી થવાને બદલે કોઈનો ઉમળકો સાચવી લેવા ન ભાવતું એક કટોરો ખાઈ લો, ડિસ્ટર્બ કર્યા વિના કોઈ થાકેલાને ઉંઘતા મૂકી હળવેકથી તૈયાર થાવ, એમ જ જરૂર પડે એકાદ રાત ભૂખ્યા સુઈ જાવ. કોઈના પર કટાક્ષ કરો એ ના સમજે તો આપણા પર હસી લેવું મનોમન. અને કોઈ આપણા પર કરે તો વ્યક્તિ સારી હોય ત્યારે એ પચાવી જવો એના માન ખાતર. તમને ખબર જ છે એવી વાત કરે કે તમારી પાસે છે એવી હરખાઈને ગિફટ આપે, તો સાચું કહીને એને ભોંઠપનો અનુભવ ન કરાવો. હસતું મોં રાખી જરાક મસ્તીની એકટિંગ કરી લો. સામેવાળા કે વાળીના ચહેરા પર તો સાચી મસ્તી આવશે ને ! અમુક ખામી કે નબળાઈ વધુ મોટા સંબંધને ખાતર સ્વીકારી લેતા શીખો. કોઈક આપણને ય આમ જ ચાહે છે.

સતત જૂનવાણી માન્યતાઓ કે વ્યક્તિગત ફિલસૂફીની કાતર મારી રિશ્તાની ગાંઠ તોડવી નહિ. અને જો રિલેશન કે ઈન્સાન ફાલતું જ લાગે, તો તોડયા પછી ઘડીઘડી બાંધતા નહિ ! બી ફર્મ, ફીઅરલેસ, ફ્રી.

સ્ટિવ લિવેને એક પ્રશ્ન પૂછેલો. ‘ માનો કે તમારે એક જ કલાક જીવવાનું છે, અને એક જ છેલ્લો કોલ કોઈને કરી શકો એમ છો તો કોને કરશો? શું કહેશો? વિચારો.

….અને એ ય વિચારો કે તો પછી કોની રાહ જુઓ છો? મોત ક્યારે આવશે, કોને ખબર. અત્યારે જ કરી લો ને એ કોલ ! ‘

ધેટસ મેઈક હેપી ન્યુ ઈયર.

ફાસ્ટ ફોરવર્ડ

સોની ભીતર પડયો હોય છે, એક ચમકતો હીરો

ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ લકીરો

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ!

(અનિલ ચાવડા)

strange_positional_relationship_by_nagaihideyuki-d6deyfo
સ્પેકટ્રોમીટર, ગુજરાત સમાચાર, તા. 15/11/2015

 
39 Comments

Posted by on November 15, 2015 in feelings, inspiration, personal

 

દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી !

diwali x

દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?

દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !

સેવન્ટીઝ એન્ડ અર્લી એઇટીઝના આરંભકાળ સુધી દિવાળી પર બાળક તરીકે દિવાળીનું એક મોટું આકર્ષણ હતું- ‘ઝગમગ‘, ‘બુલબુલ’ વગેરે અઢળક ગુજરાતી બાળસામયિકોના દિવાળી અંકો! નાના શહેરોમાં વેકેશન પડયા પછી ટાબરિયાંવ કાગડોળે આવા અંકોની રાહ જોઇને બેસતાં. પાર્સલ આવે એટલે તાજ્જા ખુલેલા ઇસ્ત્રીબંધ દળદાર અંકો પર હાથ ફેરવીને એ છાતી સરસા ચાંપી ઘરભણી દોટ મૂકતાં! પપ્પાના પૈસે આ અંકો એકઠા કરી એના રંગીન પાનાઓ ફેરવવાનો એક રોમાંચ હતો. ટેલિવિઝન ત્યારે અજાયબી હતી. મોટેરાં પણ દિવાળીઅંકોના દીવાના હતા. અખબારી પૂર્તિઓ પણ દિવાળીની સામગ્રીથી છલકાય. થિયેટરો સૂના થઈ જાય!

બાળકો બસ બજારમાંથી આવેલા મમ્મી – પપ્પાની થેલીઓ ફંફોસીને નવા નવા બોકસ બહાર કાઢીને ઠેકડા મારતા જાય. ક્રિસમસના સાન્તાકલોઝની ‘મેઈક એ વિશ’ ની માફક દિવાળી પર જે માંગો તે હાજર! બચ્ચેલોગ માટે દિવાળી વોઝ જસ્ટ ફન, ફન એન્ડ ફન! તહેવારના દિવસોમાં છોકરાંઓને ખીજાવા પર પણ કર્ફયુ આવી જાય! લોઅર કે.જી.માં જ ટયુશન રખાવવું પડે અને વેકેશનમાં હોમવર્ક કરવું પડે… એવી ગળાકાપ હરિફાઇ હજુ આવી નહોતી. નવી પેઢીની પતિની જ રસોઇ માંડ કરતી આધુનિકા પુત્રવધૂઓ ત્યારે ખુદ બાળકીઓ હતી. અને જૂની પેઢીની કાકીઓ, મામીઓ, માસીઓ દૂર ગામેથી આવેલા ભત્રીજા- ભાણેજોને સાચવવા એ પોતાની સંયુકત કુટુંબની અણગમતી હોય તો ય અનિવાર્ય ફરજ ગણતી હતી. ધીંગામસ્તી અને ધાંધલ ધમાલનો ખુલ્લો પરવાનો એટલે દિવાળી ! લાલચટક ચાંદલા જેવા જ દેખાતા છૂટા ચાંદલિયાની ડબ્બી ખોલી ભટુરિયાઓ એને પથ્થર કે સાણસીથી ફોડીને હરખાતા.

કેટલાક પરાક્રમી કિશોરો તો પોટાશની લુગદીને લોખંડની લાંબા હાથાવાળી ‘ચાકી’માં ભરાવી, એને ટીપણી રાસની સ્ટાઇલમાં જમીન પર પછાડી- સસ્તો, સ્વદેશી અને ‘ઇકો-ફ્રેન્ડલી’ ધડાકો કરતાં! શેરીમાં ઉલાળીને લવિંગયા ફોડવાની છૂટ મેળવવા કોર્ટના ચૂકાદા વાંચવાની જરૂર નહોતી. નિર્દોષ બપોરિયા- સરપોલિયાનો દબદબો હતો. ફટાકડાની રોકેટ માટે પપ્પા પહેલાં ખાલી ડબ્બો કે બોટલ શોધતાં. મમ્મી હાથમાં ફૂલઝર લઇને હવામાં અક્ષરો બનાવતી!

બાળગોપાળો ફટાકડામાં મશગુલ હોય, ત્યારે મહિલા વર્ગ રસોડામાં ગુલતાન રહેતો. ફરસી પૂરી, તીખી સેવ, મઠિયા, ઘૂઘરા, મોહનથાળ, ઘારી, પૌંઆ-શીંગનો ચેવડો…. દિવાળીની મીઠાઇ જાતે જ બનાવવાની…. એમાં અડોશ-પડોશની મદદ લેવાય, બપોરે પાડોશણ આવીને આપણા ઘરની રાંધણક્રિયામાં શ્રમદાન આપે, અને સાંજે આપણે એના ઘરમાં!

દીવાલમાં પડેલું ગાબડું પાડોશી જોઇ ન જાય, એ માટે ત્યાં નવું કેલેન્ડર લગાડી દેવાતું. ખખડધજ ઇમારતનો રિનોવેશન અને વ્હાઇટવોશ દ્વારા ‘ફેસિયલ‘ મેકઅપ જરા સુખી કુટુંબો કરાવતા. અને સાફસફાઈનો એક મિલનમેળો ચાલતો. ઘરના બધા સભ્યો હોંશે હોંશે એમાં જોડાઈ જતાં. જૂની ચીજોમાં સંઘરાયેલી યાદોને પંપાળી એને દર વર્ષે વીમા પોલિસીની માફક રિન્યુ કરતા. એકને કચરો લાગે એ બીજાને ખજાનો લાગતો અને એમાં શું ફેંકવું અને શું રાખવું એની ન્યુઝઅવર જેવી ચીસાચીસીભરી ચર્ચાઓ થતી.

આ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પપ્પા લાલ બોલપેન લઇને શુભેચ્છાના પોસ્ટકાર્ડ લખવા બેસી જાય. કલરફૂલ પ્રિન્ટેડ દિવાળી કાર્ડસની કાળજીથી પસંદગી થાય. મોંઘા કાર્ડ્સ મોકલનારનો વટ પડે. ને સસ્તું ઓ ય સારું કાર્ડ લેનારા અક્ષર મંદિરના સુવાક્યો અને કુદરતી દ્રશ્યો વાળા કાર્ડસ જથ્થાબંધ અન્નકૂટની જેમ ખરીદી લાવતા ! કોઈ શોખીનો ચીવટથી કાર્ડની ડિઝાઈન – લખાણ જાતે તૈયાર કરે.

વેપારીઓ દુકાનના ઓટલે દિવાળીટાણે વસ્તુઓનો સજાવટવાળો ‘ડિસ્પ્લે’ કરીને બેસી જાય. કોર્પોરેટ બોનાન્ઝાની ઓનલાઈન સાઈટ્સ તો કોઈએ જોઈ નહોતી. એટલે બે આંખની શરમે મધ્યમ-દરિદ્ર વર્ગ થોડીઘણી ઝગમગતી દિવાળીની ખરીદી પેઢી દર પેઢી ખાતું ચાલવતા શેઠિયાઓ પાસેથી કરતો. અને સામાન્ય ગ્રાહકને પણ ત્યારે રાજાપાઠમાં શરબત પીવડાવાતું. એનો દરજ્જો ના વધતો પણ દિવાળીએ દુકાનદારનાં મનની મોટાઈ વધી જતી. વેપારી ન હોય એવા પરિવારો માટે વાઘબારસ દિવાળીનો ‘વોર્મ અપ ડે’ ગણાય.એ દિવસથી કથ્થાઇ રંગના માટીના કોડિયામાં સૂતરની વાટ તેલમાં ડૂબાડીને ઘરના ગોખલે, દરવાજે, બારસાખે, બારીએ દીવડા પ્રગટાવવાની શરૂઆત થાય, જે ‘ભાઇબીજ’ના ભોજન સુધી ચાલે. પછી લાભપાંચમ ને સીધી શેરડીવાળી દેવદિવાળી!

rangoli 3એ જ દિવસથી આંગણામાં રંગોળીની પહેલી ઇનિંગ શરૂ થાય. પહેલાં છાણના લીંપણથી એક ચોકઠું તૈયાર થાય. મમ્મી પાકા બાંધેલા ફળિયામાં ‘ગેરૂ’ને પલાળી એનો પટ્ટો મારે. એના પર પછી ‘ફ્રી હેન્ડ’થી સફેદ ચિરોડીની ડિઝાઇન કે દીવડાંનું ચિત્ર દોરે, કળા કરતો મોરલો ચીતરે… પપ્પા રંગની કૂલડીઓ તૈયાર કરે. રંગપૂરણી ચીવટથી થયા બાદ બધા રંગોને ભેળવી, અખબારની કિનારીથી પાથરીને બેકગ્રાઉન્ડ બનાવાય.

ધનતેરસે આસોપાલવના પાંદડા અને શ્રીફળવાળો કુંભ જ ફરજીયાત રંગોળીમાં ચીતરાય. જેને રોજે રોજ ખાલી કબાટમાં અડીને પણ સ્પર્શસુખ પામવાનું હોય એવા નવા નવા કપડાંનું સત્તાવાર ઉદ્ઘાટન ત્યારે થાય. ડિટ્ટો તાજી બનેલી રસઝરતી રંગબેરંગી મીઠાઈઓ. મોંઘી ખરીદી ત્યારે પૂરબહારમાં ખીલે. અગાઉથી ધનતેરસના શુકનનો ડિલીવરી ટાઈમ લખાવ્યો હોય. મોટાભાગની દિવાળી સ્પેશ્યલ સામગ્રી એ દિવસે બજારમાં રુમઝુમ પધરામણી કરે ! દિવાળી હજુ બે-ત્રણ દિવસ ચાલવાની છે, એનો હરખ ધનતેરસે તિજોરીમાં સોનું નાં ધરાવતા પરિવારોને પણ ધનવાન બનાવી દે ! મોટી સ્ટારકાસ્ટ અને બેનરવાળી કોઇ ને કોઇ જબ્બર ઉત્કંઠા જગાવનાર ફિલ્મ દિવાળી પર ટપકી પડે અને ધનતેરસે પહેલી કલાકમાં જ ત્રણ દિવસનું બુકિંગ હાઉસફૂલ થઇ જાય! સારા સિંગલ સ્ક્રીન સિનેમાઘરનો ડોરકીપર ડાયરેક્ટર એજવા તોરમાં રૂઆબ છાંટતો થઇ જાય.

કાળીચૌદશે સાત ધાન (જેમ કે ચણા, જુવાર, બાજરી, મગ વગેરે)ને કરકરા દળાવી એના લોટના વચ્ચે કાણાવાળા (‘મિન્ટ વિથ એ હોલ‘વાળી ‘પોલો‘ પીપરમીન્ટથી મોટું કાણું, હોંકે!) ઘેરા કથ્થાઈ રંગના વડાં તળાય. તાજાં તળેલા વડા સાથે પાણીનો લોટો લઇને ચાર રસ્તા પડે એ ચોકમાં ‘કકળાટ કાઢવા’ જવાનું. વડાં વચ્ચે મૂકી ફરતે પાણીનું ચકરડું કરી પાછું જોયા વિના આવતાં રહેવાનું. એ વખતે આ બધું રહસ્યમય દિલચસ્પી જગાડતું. હેલોવીનની તો ફિલ્મો ય જોઈ નહોતી, પણ દિવાળીના ચળકાટમાં રોમાંચનો રંગ જીવંત અનુભવે પુરાતો. વડાંનો હાર હનુમાનના મંદિરે અડદ સાથે ચડાવી, ઘેર નવા આવેલા ફ્રીઝમાં રાખેલા દહીંવડા ઝાપટવાના!

દિવાળીએ તો અચૂકપણે કેસરી, લાલ, લીલા રંગની સાડી કે નવી સીવડાવેલી ચળકતી જોડી પહેરી સહકુટુંબ મંદિરે દર્શન કરવા જવાનું જ! એ દિવસે પૂરણપોળી કે બટેટાવડાંનું ભાવતું ભોજન લઇને આડા પડખે થઇ થપ્પી કરેલા દિવાળી અંકો વાંચવાના… એ રાતની રંગોળીમાં કંકુથી નાનકડાં પગલાં અને સાથિયો તો ફિકસ! રાતના દરવાજો ઉઘાડો રાખવાનો, જેથી લક્ષ્મી પધારે!

દિવાળીએ બધાં જ નવા – નવા થઈને બની ઠનીને રોજ મંદિરે દર્શન કરવા જતાં. સવારે દાન કરતા અને સાંજે મોજ ખાતર પાના રમતાં! જૂના રાચરચીલાં (ફર્નીચર), પડદા, સોફાકવર, ટેબલકલોથ ચાદર વગેરે બદલાઈ જતા. બાળકો મમ્મી – પપ્પાની આંગળી પકડી બજારમાંથી થોડાક રૂપિયામાંથી ઝાઝા ફટાકડા હોંશભેર થઈ આવતા. રોજ રાત્રે મિત્રો ભેગા થઈ ફટાકડા ફોડે. ખૂટી જાય તો નવા લઈ આવે! અમે ભૂલકાંથી તરુણ થયેલા ત્યારે ઝાઝા ફટાકડા ફોડવાને બદલે ખુલ્લી અગાશી પર જઇને લ્હાવો માણીએ. ગગનચુંબી સ્કાયક્રેપર્સ નહિં એટલે નગર આખાના ફટાકડાની રોશની નોનસ્ટોપ દેખાય! સંધ્યાટાણે મમ્મી નવા કોડિયામાં તેલ પૂરી, તેમાં સૂતરની વણેલી વાટ રાખીને ઘરના ગોખલે, પાળીએ, બારીએ દીવડા પ્રગટાવે હાથે બનાવેલા વાંસ કે રંગીન કાગળના ફાનસ લટકાવે. કોઈ વળી રોશનીની ઈલેકટ્રિક સીરીઝ દરવાજે લટકાવતા.

મોંઘા સેલાં કે જરીભરતના વસ્ત્રો આમ પહેરો તો જોણું લાગે, પણ દિવાળીએ પહેરો તો જમાવટ લાગે! બહારગામ ભણતા કે રહેતા ઘરના સભ્યો દિવાળીએ ઘેર પાછા આવે. ઘરની બહાર ફરવાનો કાર્યક્રમ હંમેશા દિવાળી પછી જ ગોઠવાય.લાભપાંચમ સુધી દિવાળીનો ‘હેંગઓવર‘ રહે. જે વેપારી કુટુંબ હોય એમાં વડીલો કડકડતાં ધોતિયા અને સંતાનો સફાઇદાર સફારી ચડાવી, માથું ઓળી શકાય એવા ચકચકિત શુઝ ચડાવી ચોપડાપૂજનની તૈયારી આરંભે. દિવાળીની સાંજના મૂહુર્ત કઢાવાય. વિવિધ ફળો અને મીઠાઇઓનો ભોગ તૈયાર કરાય.

ભાગ્યે જ દુકાનના પગથિયાં ચડતો મહિલાવર્ગ સેલાં, પટોળાં કે ઘરચોળા પહેરીને વરસે બે-ચાર વાર બહાર કઢાતા દાગીના ધારણ કરીને બચ્ચાં-કચ્ચાં સાથે પધારી જાય. દુકાનમાં કામ કરનારાઓના ‘બોનસ‘ના શુભ્ર શ્વેત કવર્સ તૈયાર હોય. અંદર લક્ષ્મીપૂજન ચાલતું હોય ત્યારે બહાર લક્ષ્મીછાપ ટેટા અને ગણેશબ્રાન્ડ ભંભૂના ભડાકા-તિખારાની રમઝટ બોલી હોય! પૂજન પૂરૂં થયે શુભેચ્છકોને પ્રસાદના પડીકાં મોકલાવાય. લાલ પૂંઠા પર સફેદ દોરાથી ટાંકા લીધેલો કાપડમઢયો નવો ચોપડો ‘ગાદીનશીન’ થાય! બીજે દિવસે બેસતાં વરસની સવારે એમાં ‘મિત્તિ મારવા’ યાને લાલ કંકુથી ‘શ્રી સવા’ એકી સંખ્યામાં ચાંદલા કરી એનું ઉદ્દઘાટન કરવા આવવાનું હોય! દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રના નાના ગામોમાં મુસલમાન કે વ્હોરા વેપારીઓને પણ આ પૂજન કરી બોણી કરતાં- કરાવતાં સગી આંખે જોયા છે.

diwali__festival_of_lights_by_mohanirose-d2zjior દિવાળીની રાતના કોઈ સૂવે નહીં. નવા વરસની સવારે હરખાઈને સાલ મુબારક કરવા પહોંચી જાય. કોઈ ઘર ન રહી જાય તેવા વ્યવહારનું ખબરદારીથી પાલન થાય. દિવાળીની રાત એટલે કામનો ઢગલો.નવા લીધેલા પડદા લગાડાય. આસોપાલવના પાંદડાને સીંદરીની ગાંઠ મારી તોરણ બનાવાય. ઘીમાં કંકુ બોળીને મુખ્ય દ્વાર પર ‘લાભ’ અને ‘શુભ’ લખવામાં આવે.મજબૂતી એવી ઠસોઠસ કે ઘસો નહિં તો નવી દિવાળી સુધી એ અકબંધ રહે!

કબાટમાં સાચવી રાખેલા રેશમી ચાદરો- ગલેફ ગોઠવાય. મુખવાસની ડિશમાં સાકર મૂકાય.ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો કરી લેવામાં આવે.આ બધું પરવારીને સૂવાની તૈયારી કરો ત્યાં વહેલી પરોઢે નમક વેંચવાવાળાનો ‘સ..બ..ર…સ’નો બુલંદ સાદ સંભળાય! શુકનની પહેલી ખરીદી થાય, પછી જ બીજે પૈસા ખર્ચી શકાય! નવા વરસનું ‘મેનુ’ ઉંધિયું જ હોય! બહેન ન હોય એટલે ભાઇબીજ ઘરમાં જ પૂરી થાય, પણ બહેન હોય તો ભાઇ ભોજન માટે ભાગે!

બેસતાં વરસે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલાં કેટલાક થનગનભૂષણો દોડતાં આવી ગળે વળગી પડે. નવા સીવડાવેલા કે તૈયાર લીધેલા કપડાં, નવી વસાવેલી ઘરવખરી, વીતેલા વર્ષે મળેલી કે ખરીદેલી ઉપલબ્ધિઓ અને નવી બનાવેલી વાનગીઓને વરસમાં એક વાર સમાજ સામે રજૂ કરીને અહોભાવ અને આશ્ચર્ય જગાવવાની એકમાત્ર તક એટલે નવવર્ષદિન! એ દિવસે જે થાય એ આખું દિવસ થાય એવી માન્યતાને લીધે !

એ સવારે દુકાન કે ઘેર રોજીંદો વ્યવહાર રાખનાર ઝાડૂવાળા કે ચોકિયાતો ‘બોણી‘ યાને શુકનની બક્ષિસ લેવા આવે, તો મિત્ર બનેલાં ગ્રાહકો કંઇક ખરીદી ‘બોણી‘ કરાવવા આવે! નાના ગામોમાં તો જે જૂઓ તે ગળે મળે! બજારમાં બેસો તો ઓળખતાં ન હોય એ પણ ઉમળકાથી હાથ ખડી જાય એટલી વાર હાથ મિલાવી જાય. જો ગામમાં જ વડીલ સગાઓ રહેતા હોય તો પહેલા બધા ‘મોટા ઘેર’ દોડે! એમાં નાનું કુટુંબ હોય અને ઘેર કોઇ ન હોય તો ‘ક્રોસ’ થાય – પછી ધોખા થાય – માઠું લાગે – માફામાફી થાય – બીજે દિવસે ફરી જવાના કોલ દેવાય. ઘેર એક સાથે બે – ત્રણ કુટુંબો ભેગા થઇ થઇ જાય અને આગ્રહની અંધાધૂંધી થાય! અને રાત પડી કે પેટ તરબતર અને દેહ લોથપોથ!

દિવાળી એ વૈવિધ્ય અને પરિવર્તનનો મલ્ટીકલર ફેસ્ટિવલ છે. કાળચક્ર ફરતું ગયું. એક સમયે ‘વેલ કમ’ લખેલા રેડીમેઇડ થ્રી – ડી – સ્ટિકર્સ જાદૂ જેવા લાગતા અને એ લગાવ્યાનો હરખ લાભ પાંચમ સુધી ટકતો. ગ્લોબલાઈઝેશન પછી શહેરી રાજમાર્ગો પર આખું વરસ એટલી બધી ચકમકતી નિયોન લાઇટસના સાઇનબોર્ડસ અને હોર્ડિંગ્સ જોયા કે સ્ટીકર લેવાનું ય મન ન થાય! કોઇ કાળે દૂરદર્શન પર ‘ચિત્રહાર‘માં હિન્દી ફિલ્મોમાં જરીપુરાણા દિવાળી ગીતો જોઇને રાજી થવાનું રહેતું. હવે ટીવી પર રોજ દિવાળી જેવા ઠઠારા પ્રોગ્રામ્સમાં હોય છે.

ટેલિવિઝન ખાલી થાળી જેવું હતું. પછી સેટેલાઇટ ચેનલ્સની સ્વાદ્દિષ્ટ વાનગીઓ પીરસાવા લાગી. દિવાળી ધીરે ધીરે એડવર્ટાઇઝિંગ એજન્સીઓનું રમકડું બની ગઇ. બિગ બોનાન્ઝા ઓફર્સનું પ્લેટફોર્મ બની ગઇ. ૨૧મી સદીના પહેલા દાયકાના અંતે ટીવીને પર્વો માટે વિલન બનેલા મોબાઈલ ફોને હરાવી દીધું. શુભેચ્છામાંથી અક્ષર અને અવાજ ગયા. રહ્યા ફોરવર્ડ થતા મેસેજીઝ !

ફટાકડાના ખરીદી લિસ્ટમાં ‘નામ બડે ઓર દર્શન છોટે’ જેવા મોંઘાદાટ નવા આતશબાજીનાં ફિલ્મી ફટાકડાઓ ઉમેરાયા. એપલ સ્માર્ટ ફોનની જેમ એનું ઓપરેટિંગ અલાયદું શીખવું પડે! ગજવું હળવું થાય ને ટેભાં તૂટે, પણ મોભો ભારે થાય! શું થાય? જમાના સાથે રહેવું પડે ને! દીવડાને બદલે રંગીન મીણબત્તીઓ આવી! રંગોળી ચીતરવા માટે ટપકાવાળી વાંસની ભૂંગળી જતી રહી ને પ્રિન્ટેડ પૂંઠા આવ્યા. છાંટવા માટે જરી જુનવાણી થઇ ગઈ.

Diwali_by_kitsuneyaoichanસરકારે બ્રિટિશ સીસ્ટમના અનુકરણમાં આર્થિક વર્ષ માર્ચથી એપ્રિલનું બનાવી દીધું ! કોઇ પણ તહેવારની તડાફડી પાછળ મૂળ તો નગદનારાયણની છમાછમ હોય છે. ધીરે ધીરે ચોપડાપૂજન એક ઉત્સવ મટીને ઔપચારિકતા બની ગઇ. વ્યવહાર વરાળ થઇ ગયો. ટેલી જેવા સોફ્ટવેર્સે રોજમેળના જમાઉધાર પર ચોકડા માર્યા. કેલેન્ડર અને કાર્ડમાંથી ટ્રેડલ પ્રિન્ટિંગ પર છપાયેલા દેવ – દેવીઓ કે ગામડાના અને નદીઓના કુદરતી દ્રશ્યો આઉટ થઇ ગયા. દટ્ટાને બદલે ડેટસ મોબાઈલમાં દેખાવા લાગી. મિનિપંચાંગવાળા વોલકેલેન્ડર આવી ગયા. ઝડપી જમાનાને પહોંચી વળવા જ્ઞાતિ કે સંસ્થાઓ આગોતરા ‘સ્નેહમિલન’ યોજવા લાગી! એ ય હવે તો વોટ્સએપ ગ્રુપમાં !

બાળકો માટેના દિવાળી અંકો અને શેરી રમતો ઠપ્પ થઇ ગયા, ફટાકડા ફેંકાફેકી ને ઘોંઘાટનો ત્રાસ બનતા ગયા. બાળકો મેગેઝીનને બદલે મોબાઈલ ગેઈમ્સમાં ખોવાઇ ગયા. એકબીજાની ઘેર ‘દિવાળી કરવા’ જવાનું મોંઘવારીમાં બંધ થઇ ગયું. ‘મીઠાં મોઢા’ની ડિશમાં સાકરે ખસીને સૂકામેવા માટે જગ્યા કરવી પડી. મુખવાસની ડિશમાં હવે તો ગળપણને બદલે ખાટી પીપરમિન્ટ, તીખા – લવિંગ, મસાલેદાર મુખવાસ ઔર ન જાને કયાં કયા ઉમેરાઇ ગયું છે. ડિશિઝ પણ ફેન્સી ક્રિસ્ટલની આવે છે. પહેલાં ઘેર બનાવેલ પકવાન ખવાતા, હવે ડિઝાઇનર પેકેટમાં ચોકલેટ મળે છે. ડ્રાય ફ્રુટસના બોક્સ ખો-ખોની જેમ એકથી બીજા સરનામે પાસ ઓન થાય છે.

ગૃહિણીઓ સ્વાધીન થતી જાય છે. હવે વાનગીઓ બનાવાતી નથી, સબ કુછ મિલતા હૈ રેડીમેઇડ! આયા, ખાયા, ખિલાયા, ઔર હો ગયા! કડક નોટોની બોણી પણ ક્રેડિટ કાર્ડમાં ખોવાતી જાય છે. રંગોળી કરવાની જગ્યા જ નથી. રંગોળીને ડેકોરેટિવ પેઇન્ટિંગ્સ કે શો પીસ ‘રિપ્લેસ’ કરી રહ્યા છે. સંબંધ ઉષ્માથી તાજા રાખવાને બદલે ઉધામાથી સાજા રાખવાના હવાતિયાં ચાલે છે. કઢેલાં દુધના સૂરસૂરિયાં થઇ ગયા… હવે કોલ્ડ ડ્રિન્કસની બોટલોના ક્રેટ ખડકાય છે. આખી દિવાળી ચાઈનીઝ પ્રોડકટસથી જ ભારત ઉજવે છે ! નવું વર્ષ તો ગુજરાત જેવા જૂજ રાજ્યોમાં ઉજવાય છે.

હરવર્ષે જૂના વિક્રમ સંવત સાથે દિવાળીની રોનકનો વધુ એક પોપડો ખરતો જાય છે. ઉમંગ અને ફુરસદ બે’યને ‘લૂણો’ લાગ્યો છે પરિવર્તનનો ! દિવાળી એ બદલાતા પંચાંગનું સાંસ્કૃતિક સમયપત્રક નથી. લક્ષ્મીનું પૂજન નથી. રૂટિનમાંથી એસ્કેપની ઉજવણીતણી મોસમ નથી. સંબંધોમાં હળીમળીને ઓઇલિંગ કરવાની વાર્ષિક સુવર્ણ તક નથી.

તો દિવાળી હવે શું છે?

સિર્ફ હોલિડેઝ એન્ડ પરચેઝિંગ પાવર ! સમર વેકેશન જેવી રજાની મજા ! દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !

ફટાકડો ફુટયો : ધડામ… ધુમાડો રહ્યો! બાકી બધું કેવળ ભૂતકાળ. ભૂતકાળની મુલાકાત લઇ શકાય છે, પણ એમાં રહી શકાતું નથી! સ્વજનો ગયા, પરંપરાઓ ગઈ, ઉમળકો ગયો, કદીક આપણે જઇશું! પણ દિવાળીની ચમકદમક રહેશે?

કે એક પેઢી પછીનું ભારત દિવાળીને બદલે ૩૧મી ડિસેમ્બર પછી જ ‘હેપી ન્યુ ઈયર‘ કહેતું થઈ જશે ?

ફાસ્ટ ફોરવર્ડ

દીપાવલી કે દિન એક દિયે ને દૂસરે સે કહા :
તુમ આદમીમેં કબસે બદલને લગે?
મુજકો દેખ કે જલને લગે?!

(હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલું)

diwali_by_rikae-d68ho1t

સંવર્ધિત સ્પેક્ટ્રોમીટર , ગુજરાત સમાચાર, તા. ૦૮ / ૧૧ / ૨૦૧૫.

 
11 Comments

Posted by on November 11, 2015 in feelings, gujarat, heritage, india, personal, religion

 

અકેલે હૈ તો ક્યા ગમ હૈ ? ટ્રીટ યોરસેલ્ફ, સેલિબ્રેટ યોરસેલ્ફ !

”કેમ આપણી આસપાસ સુખ, શાંતિ અને સર્જકતા – હેપિનેસ, પીસ એન્ડ ક્રિએટિવિટી માણસો અને પૈસાના પ્રમાણમાં ઓછા જોવા મળે છે ?”

જમતા જમતા ફિલ્મદિગ્દર્શક સંજય ગઢવી આ લેખકડાને પૂછે છે. એ જ સંજય ગઢવી જેમણે ધૂમ સીરિઝના આગાઝથી આખો ટ્રેન્ડ સેટ કરી દીધો. દસે આંગળા ઘીમાં હોવા છતાં કશુંક નવું, નોખું કરવાના પ્રયત્નમાં સંજય ગઢવીએ એ ‘કમ્ફર્ટ ઝોન’ છોડી દીધો હતો. કામિયાબી પછીની વાત છે, સક્સેસ બાદ એવું રિસ્ક લેવાની કોશિશ પણ કેટલા કરે છે ?

એની વે, સંજયભાઇ જ જવાબ આપે છે: માણસ પાસે બધી જ બાબતો માટે સમય છે, બસ પોતાના માટે નથી ! આપણા બેસ્ટમબેસ્ટ ફ્રેન્ડ તો આપણે પોતે જ છીએ, જેને આપણી પસંદ – નાપસંદ, મૂડ – ભૂખ બધાની ખબર છે, અને આપણને ખુદની જ દરકાર નથી !

યસ, વી ડૉન્ટ લવ અવર સેલ્વ્ઝ. અરે એ તો જવા દો, વી ડૉન્ટ સ્પેન્ડ ટાઇમ વિથ અવર ઓઉન સેલ્ફ. ખુદા માટે બંદગીનો સમય છે, પણ ખુદની જીંદગીનો ય ઑવરવ્યૂ લેવાની ફુરસદ છે, જીવન કી આપાધાપી મેં ?

બધા ટાઇમ કાઢવો પડે કહીને કહેશે,જરા અમારા માટે સમય કાઢો, અમારી ફલાણી વાત સાંભળો ને ઢીંકણી મદદ કરો ને પૂંછડું કામ કરી દો. અમારા લેખો વાંચો, પ્રસ્તવના લખો, ફિલ્મ જુઓ, કવિતા વાંચો, પોસ્ટ જુઓ ! વેલ, અહીં વાત આખા ગામ માટે ‘ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ’ જેવી બાબતોમાં સમય કાઢવાની નથી. કમિટમેન્ટ સિવાયની આવી જંજાળોઓની જંઝીરો પર મક્કમતાથી છીણી મૂકીને પોતાના માટે સમય કાઢવાની વાત છે.

અને કોણ જાણે કેમ ? માણસને એની પોતાની જ કંપની નથી ગમતી. કલાક એકલા ચાલવા જવામાં એને લાલ મંકોડા ચટકા ભરે છે. ક્રિએટિવ માણસે રોજેરોજ પોતાની સ્પેસનો ‘મી ટાઇમ’ કાઢવો જ જોઇએ. મૂંજી અતડા બનવા કે ફિઝિકલી આરામ માટે નહિ, મન સાથેના મુક્ત સંવાદ માટે. પારકી પળોજણમાંથી રિલેક્સ થવા માટે. પણ લોકોને એટલી બધી નવાઇ લાગે છે આ વાતની કે તમને એકલા પડવામાં મજા આવે, એ આપણે ત્યાં કોઇ સ્વીકારી જ નથી શકતું. ધરાર બધે જ ભેગા ને ભેગા આવી જાય અને પેલો બેસ્ટમબેસ્ટ ફ્રેન્ડ વળી સાઇડમાં જતો રહે. મળવાને બદલે વળગવાવાળો સમાજ છે !

માણસ એકલો પડે એટલે મોબાઇલમાં ‘મગ્ન’ થઇ જાય. એમાં ય કશુંક રસપ્રદ વાંચે એ માટે નહિ, ફાલતુ ચૅટાચૅટી કરવા. આટલો ઉન્માદ તો લવર્સને ‘ચોંટાચોંટી’નો ય નહોતો ! હોટલના રૃમમાં આવીને ય ટીવી ચાલુ કરે, ટ્રેન કે બસમાં બેઠો બેઠો મ્યુઝિક સાંભળે. પણ ખુદ સે બાતેં કરવામાં અડધી રાતે ય એના જ ઘરમાં એને શરમ આવે !

કદાચ એટલે જ શારીરિક પીડા ઓછી હોય પણ આરામ વધુ લાંબો હોય એવી બીમારીથી આપણે ભડકી છીએ ! કારણ કે, બેડ રેસ્ટના સમયમાં સરસ પુસ્તક વાંચી શકાય કે મસ્ત ફિલ્મો જોઇ શકાય એવું તો ઘુવડગંભીર ડૉકટરો આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપતા જ નથી ને !

***

સજોડે સાહિત્યકાર એવા ડૉ. અશરફ ડબાવાલા અને એમના સહધર્મચારિણી મધુમતી મહેતા શિકાગોમાં આર્ટ સર્કલ ચલાવે છે. ડૉ. ડબાવાલા દર્દીઓને પોઝિટિવિટીની પ્રેકટિસ કરાવે છે. ઈલાજનો ઈલમ વર્ણવતા એમણે કહ્યું કે, ‘ટ્રીટ યોરસેલ્ફ, સેલિબ્રેટ યોરસેલ્ફ !’

વેલ, લાઇફમાં કમ્પેનિયન હોય – એ સારી વાત છે. અરે, બેસ્ટમબેસ્ટ બાત હૈ. લાઇક માઇન્ડેડ, જેની સાથે કંટાળો ન આવે, જેને જોતાં આંખો ન થાકે અને જેની સાથે વાતો કરવામાં વિષયો ન ખૂટે અને જેના વર્તનથી મન ન કંટાળે એવા પાર્ટનરની સાથે જીવવા, હરવાફરવા, મસ્તી માણવાની મજાઓ કંઇક ઓર જ છે. ધરાર માથે પડતા આવતા ચીટકૂચીબાવલાચાંપલાઓની વાત નથી. એ તો કમ્પેનિયનને બદલે કસ્ટોડિયન જેવા, જીવનસાથીને બદલે સાડાસાતી જેવા લાગે. બોરિંગ, હ્યુમરલેસ એન્ડ ઓર્થોડેક્સ ભટકાઇ જાય તો પ્રવાસમાં ય વાસ ગંધાવા લાગે. મુક્તિ માંગતા બંધન મળી જાય તો શક્તિનું વિસર્જન થઇ જાય.

પણ આવો પાર્ટનર ન મળે તો ? લાઇફ પાર્ટનર જવા દો, દોસ્તો પણ ન મળે તો ? બધાની પોતપોતાની લિમિટેશન હોય એટલે આપણે ય આસમાનમાં ઉડવાને બદલે લિમિટમાં રહી ધરતીની ધૂળ ફાકવાની ? વળી અન્ય મિત્રોની પ્રાયોરિટીમાં બીજા મિત્રો કે સંબંધો હોય, તો શું બોર બોર જેવા આંસુડા સારીને સેડ સોંગ્સ લલકારતાં (ઓકે, ઈયર પ્લગ્સ ભરાવી સાંભળતા) ફરવાનું ?

ફોર એ ટાઇમ બીઇંગ ભલે રડી લો, પણ ફોરએવર તો લડી લેવાનું નામ જીંદગી છે. જીંદગીની મજાઓ પ્રામાણિક મહેનત કરીને લૂંટવાનો આપણો જન્મસિદ્ધ હક છે. અને એ ભોગવવા મળે, એ ઈશ્વરકૃપાથી જડેલું લક છે. એમાં કોઇ કેર એન્ડ શેર કરીને લહેર કરે – કરાવે એવા સાથી હોય તો સોનામાં સુગંધ જ નહિ, પ્લેટીનમ ભળે. એકલા રહેવારખડવાની ઘણી તકલીફો છે. સામાન સાચવવાથી શરૃ કરીને ભીતર ઊઠેલી અનુભૂતિની ભરતીને સહન કરવા સુધીની. સિંગલ લાઇફ એટલે જ ઘણાને સેલિબ્રેશન નહિ, ફેબ્રિકેશન લાગે છે.

પણ ડબલમાં ય કોઇ એમેઝોન – ફ્લિફકાર્ટ સેલ જેવી ગેરેન્ટી નથી મળતી હન્ડ્રેડ પરસેન્ટ સેટિસ્ફેકશન એન્ડ રિટર્નની. તમારા આનંદના અબળખા કે શિશુનું વિસ્મય લઇને કોઇ પેદા ન થયું હોય ને ભેગા લટકી જાય તો એના વજનમાં આપણું બલૂન ઉડતું બંધ થઈ જાય ! અને, ક્યાંક પરદેશ નવા નવા આનંદોના આવિષ્કાર કરવા નીકળો, ને કોઇક ચા ને દાળભાત માટે વલખાં નાખે તો ? તમારી સ્પીડે કોઇ ચાલવા જેવું ફિટ ન હોય, તો ? લંચ સ્કિપ કરતા શીખો તો રોમાંચની સફર કરી શકો – એવુ ભૂખ્યા પેટે માથું દુખાડતા નબળાદૂબળાઓના ગળે શુદ્ધ વેજીટેરિયન કોળિયા વિના સાત સમંદર પાર કેમ ઉતરાવી શકો? બાવડું ઝાલીને તમે કોઇકને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ લઇ જઇ શકો, પણ ઉપરથી ન્યૂયોર્ક જોવાની એને થ્રિલ જ ન હોય તો ? હોંશે હોંશે સાયન્સ એક્સ્પોમાં ખેંચી જાવ પણ એને કૂતુહલને બદલે કોલાહલ દેખાય તો ? અને એમાં ય કોઇ મોરાલિટીના મુરબ્બા જેવા ભગતડાં ભટકાઇ જાય, તો એમની રૃઢિજડ શ્રદ્ધા  આપણા ધંધા બંધ કાવી દે !

એના કરતા એકલા ચલો રેનો ગુંજારવ કરતા ફકીરાની જેમ આ ચલ ચલા ચલ કરો તો કોઇની સાથે પરાણે કદમ મિલાવવાની માથાકૂટ જ નહિ. મન મારીને જીવવાની મથામણ કરવાના નાટકો કરવા જ ન પડે. ભૂખ કે થાક લાગે તો ખુદને કન્વિન્સ કરી શકાય કે, બચ્ચા, હજુ દમ ભરી લે ફેફસામાં, મંઝિલ દૂર હૈ. કમ ઓન, લેટ્સ વૉચ બેક ટુ બેક મૂવીઝ. રેસ્ટોરાંમાં જઇ કોણ વેઇટિંગમાં ટાઇમપાસ કરે ! દાંડિયા રમો તો પાર્ટનર જોઇએ, બ્રેક ડાન્સ કરો તો એકલા ય ઝૂમી શકો !

એક જીંદગાની જીવવા મળી (આગલાપાછલાના જનમના જમા ઉધારના સ્ટેટમેન્ટ ક્યાં કોઇ ઉપરવાળા ભગવાન કે નીચેવાળા શેતાન આપણને  મેઇલ કરે છે ?) અને એમાં એક જવાની છે, તો કોઇને નડયા કનડયા વિના અને સખત – સતત પરિશ્રમ કરીને પછી મોજમજાને વેઇટિંગ મોડમાં ન રખાય ! એના માટે જ જાતની કંપની સ્વીકારતા જ નહિ, એને માણતા અને ઉજવતાં પણ શીખવું જ પડે. ફરજીયાત.

‘ચક દે ઈન્ડિયા’માં શાહરૃખખાનનો મસ્ત ડાયલોગ છે, ”પહેલે અપની ગેમ દૂસરો સે ઊંચી કરો, ફિર અપની આવાઝ ઊંચી કરના”. માટે પહેલાતો એકલપંડે આનંદ કરવા માટે સજ્જતાથી કમાણી કરવી અને સહજતાથી એ વાપરતા શીખવું. જ્ઞાન મેળવવું અને સંબંધો કેળવવા. નોલેજ પ્લસ નેટવર્કિંગ. જમાનો એવો છે કે તમે કોઇકને બત્રીસ જાતના પકવાન જમાડવા મેસેજ કરો, તો ઘણાને એનો જવાબ પણ આપવાની ફુરસદ કે તમીઝ નથી હોતી. આવા બધાની વેલ્યૂ કરવા જતાં આપણી વેલ્યૂ સીસ્ટમ ખોરવાઇ જાય. માટે કટ ટુ સાઇઝ.

ટોળામાં પ્રતિષ્ઠા વધતી હશે, પ્રસન્નતા તો ચંદ મનગમતા મિત્રો સાથે જ વધે ! માટે, સેલિબ્રેટ એન્ડ ટ્રીટ યોરસેલ્ફ, ડેવલપ યોરસેલ્ફ – અર્ન એન્ડ લર્ન ફોર યોરસેલ્ફ અને ખુદને બેધડક બિન્દાસ પ્રાયોરિટીમાં મૂકો. ફોન આપણો છે, માટે આપણી મરજીથી સાયલન્ટ પણ હોય. ભલે, અક્કલના અધૂરિયાઓને એ એરોગન્ટ લાગે. ખોટું કરે એ શરમાય, સત્યની તલવાર તો ધારદાર જ હોય.

એટલે આડાઅવળા ઉગી જતાં ડાળખાપાંદડા અને ઝાડીઝાંખરા સાફ કરો, તો જ સેલ્ફ સેલિબ્રેશનનો બગીચો ખીલે. આપણી પ્રાઇવસીનું રિસ્પેક્ટ ન કરે, એને કાણી કોડીના કરી નાખવામાં સહેજે ય શરમ નહિ રાખવાની. ફીલિંગ કોઇ આરઓ વૉટર પ્યુરિફાયર નથી કે ત્રણ ગણું પાણી વહેવડાવી દો, ત્યારે માંડ ચોથા ભાગનું બચે. માગણી ન જ હોય, પણ લાગણીની જ્યાં કદર ન હોય – ત્યાં બીજા માટે એ વેડફી એનું કદ વધારવા કરતાં ખુદની દિશામાં થોડું વહેણ વાળી આપણી જાતને સુખી રાખવાની કોશિશ કરવી. શોખ રાખવા. લાગણીનો પડઘો સજીવો ન પાાડે, તો નિર્જીવોમાં વાળવો. લખવું ને વાંચવું, ગાવું ને સાંભળવું, જોવું ને ખાવું, નાચવું ને રખડવું, ચીતરવું ને બોલવું – વૉટએવર. અને બાકી ગલૂડિયાંઓથી ભૂલકાંઓને વ્હાલ કરવું, એ દોડતા ભાવના ભૂખ્યા થઇ પાછળ પાછળ આવશે, પણ વયસ્કોની જેમ ભાવ નહિ ખાય !

વિજયાદશમીનો તિથિ મુજબનો જન્મદિન આવે છે, ત્યારે સરવૈયામાં એ સમજણ પાક્કી થઇ છે કે લાઇફમાં કોઇ ડેડ એન્ડ્સ ડેથ સિવાય હોતા નથી. પ્રેમ એક જ વાર નહિ બીજી-ત્રીજી-ચોથી વાર પણ થઇ શકે છે. પણ પ્રતીક્ષામાં ડિપ્રેશન અનુભવવાને બદલે જીવનપરીક્ષાઓ આપીને ઈમ્પ્રેશન જમાવવી. તમારા માટે કોઇ બર્થ ડે કેક લઇ આવી સરપ્રાઇઝ ન આપે, તો ગમગીન થઇ બે આંસુડા સારવાને બદલે, બેસ્ટ બર્થ ડે કેક જાતે ઓર્ડર કરીને ટેસથી જાતે જ ઝાપટી જવી. ઉલટું, બીજાને આપણે ખવડાવવી. અને કોણે કહ્યું બર્થ ડે હોય તો જ કેક ખવાય કે તહેવાર હોય તો જ મિષ્ટાન્ન ખવાય ? ટ્રીટ યોરસેલ્ફ. મન પડે ત્યારે (એક ટંક ભૂખ્યા રહી કે કલાક ચાલીને કેલરી સરભર કરવાની તૈયારી સાથે) કોઇ પણ દિવસે આજે આપણે હયાત છીએ એનું સેલિબ્રેશન માની ટેસથી કેક લઇને બેશરમીથી એકલા એકલા ખાઇને બેફિકરાઇથી એના ફોટા ય અપલોડ કરવા !

અને એ જ રીતે મસ્ત મનભાવન ભોજન ટેસથી એકલા જ જમવા જવું – સાવ ન જમવા કરતાં એકલા જમવું શું ખોટું ? પૈસા દઈને જમવાનું છે ને? શરમ શું એમાં ? ધ્યાનભંગ ઓછો હશે તો સ્વાદ વધુ મળશે ! દિલ્હીના સેવન સ્ટાર બુખારાથી લઈને ઇટાલીના વર્લ્ડ ફૂડ એક્સ્પો સુધી, મુંબઈના સોમથી અમદાવાદની ગ્રાન્ડ હયાત સુધી આ લેખકડાએ જગતભરમાં એકલા એકલા અવનવા સ્વાદો પેટભરીને માણ્યા છે. અરે, એકલા જ સ્ક્યુબા ડાઈવિંગને પેરાગ્લાઈડિંગ કર્યું છે અને વાઘના પીંજરામાં જઈ એના પર સુવાથી લઇ રોલરકોસ્ટર રાઈડ પણ લીધી છે !

ધેટ્સ ધ કી. રાહ ન જુઓ. રાહ (માર્ગ) જાતે જ કંડારતા જાવ. કોઇ ન હોય તો ય ડિઝનીલેન્ડમાં ચીચીયારીઓ કરતાં રાઇડમાં એકલા એકલા મોજ કરો. ઈનફેક્ટ, કોઇ સાથેે હશે તો ફિલસૂફીઓ સંભળાવીને તમને લાઇન પણ નહિ મારવા દે અને મોજમાં એની હાજરીથી પંચર પાડી દેશે. એટલે હનીમૂન માટે જ સ્વીત્ઝર્લેન્ડ જવાય એવું કોણે કહ્યું ? ઓણ સાલ જ લેખકડો એકલો જ આખું અઠવાડિયું સ્વીત્ઝર્લેન્ડ ઘમરોળી આવ્યો અને એમ જ રોમેન્ટિક સિટી ઓફ ધ વર્લ્ડ એવું પેરિસ પણ ! સ્થાપત્યો કે પ્રકૃતિ થોડી ડિસ્કોથેકની જેમ કપલમાં જ એન્ટ્રી આપે છે ? સ્વ સાથે સંવાદ કરવામાં તો વિક્ષેપ ઓછો હોય એ સારું. નીકળી પડો ગજવે ક્રેડિટ-ડેબિટ કાર્ડ ને ખભે બેગ નાખીને મનમાં સિસોટી વગાડતા ! સ્માઇલ કરીને અજાણ્યા આપણા ફોટા ખેંચી દેશે, અને હવે તો સેલ્ફી છે. સિંગલ હોવાના સ્વાવલંબનની છડી પોકારવી એટલે સેલ્ફી ખેંચવી. સેલ્ફી ઇઝ સેલિબ્રેશન ઓફ સેલ્ફ પ્લેઝર મોમેન્ટ. પર-સેવા (બીજાની ખિદમત) કરતા પરસેવો પાડી ચિલ્લાઇ લો – એ જીંદગી, ગલે લગા લે !

આપણે ત્યાં ફિલ્મો જોવા માટે લોકો એકલા જતાં એવા શરમાય છે, જાણે રેડલાઇટ એરિયામાં બ્રાઉન સ્યુગરની હેરાફેરી કરવા અન્ડરએજ કિડ્સ જતા હોય ! કંપનીને જોવાની છે કે ફિલ્મ ? કમ ઓન, કોઇ સાથે આવે તો વેલકમ, નથી આવતા તો ભીડ કમ. ટિકિટ લઇ મસ્તીથી મૂવી માણો. હજારો માણ્યા છે આ લખવૈયાએ દોડી દોડીને ! ટિકિટ ઓછી લેવાની થાય ને સુખ વધુ લેવાનું થાય, યુ નો ! સેઇમ ગોઝ વિથ ટ્રાવેલ. હજારો લોકો સામે દિલ ખોલીને બોલ્યા પછીના કલાકો એકાંતમાં મૌન બની વિહરવાનો અધિકાર તો તબિયત માટે પણ ફાયદાકારક છે, જે પોતાના એકાંતમાં આનંદિત નથી, એ ક્યારેય સમૂહમાં આનંદ વહેંચી શકે નહિ. ઉત્પાદન થાય, તો વિતરણ થશે ને !

અને યારો, મેરે પ્યારો સંવેદનશીલતા અને સુંદરતાને ડાબી જમણી આંખોમાં લઇને ચાલીએ, ત્યારે અઢળક ઉઝરડા અણઘડ, અભિમાની, અભણ, અધૂરા, અણસમજ લોકો આપણા હૈયાં પર પાડતાં રહેશે. હાથપગ નહિ, તો દિલ તો છોલાતું રહેશે – આપણા વિસ્તાર સામે એની સંકુચિતતા જોઇને. આપણી ઈનસાઈટ – ફોરસાઈટ સામે એમના અંધાપા જોઇને ! સો વૉટ ? પ્રિપેર યોરસેલ્ફ. કોઇ મલમ ચોપડવા આવવાનું નથી. કોઇ બાંહોમાં ભરી હેતની હૂંફ આપવાનું નથી. માટે પોતાના ઘાની પાટાપિંડી જાતે કરતા જવાનું શીખતા જવાનું ! શરૃ શરૃમાં અઘરું લાગે તો ય નો ચોઇસ ! ફેસ ઈટ, ફાઈટ ઈટ આઉટ, આપણા જખ્મો આપણે જ ચાટવાના પશુ-પંખીની માફક ! કોઇ સપોર્ટ ન આપે, તો આપણે થોડું પડી જવાય છે ? સેલ્ફ સપોર્ટ લઇને સફરિંગનો સંતાપ ભૂલીને સફરનો સંતોષ લેવાનો લિજ્જતથી. આગે સુખ તો પીછે દુખ હૈ, પીછે દુખ તો આગે સુખ હૈ, આશનિરાશ કે રંગરંગીલે, મિતવા રે !

***

થૉમસ ગિલોવિચ નામના સાયકોલોજી પ્રોફેસરે પાક્કાં સાયન્ટિફિક સંશોધનો પછી અફલાતૂન તારણ કાઢ્યું છે, જે એમની પહેલા ય આપણે બધાએ અનુભવ્યું છે : પૈસા વસ્તુઓ કરતાં અનુભવોમાં ખર્ચો !

એનો અર્થ એવો નહિ કે અપરિગ્રહી સાધુ થઇને વસ્તુઓ ન વાપરવી. પણ એનો મોહ ઓછો, એટલા બંધન ઓછા. બહુ વસ્તુઓ જોઇએ તો બહુ બધા લોકોની ઉધારી કરી એમની ગુલામી કરવી પડે. પૈસાની અતિ ભૂખમાં આપણું રિમોટકંટ્રોલ બજા પૈસાદારો પાસે જતું રહે, આઝાદ ખુશમિજાજી છીનવાઇ જાય. આઇ બાત સમજ મેં ?

જો કે, મૂળ પોઇન્ટ આથી પણ ઉપરનો છે. આદત હંમેશા સુખની શત્રુ છે. ટેવાઇ જવામાં ખુશી ખોવાઇ જાય છે. લોકો નવું ટીવી, નવો ફોન, નવી કાર, નવું ઘર ઉપયોગીતા કરતાં વધુ દેખાડા માટે લેતા હોય છે. એમાં બીજા કરતાં વધુ સારી કે સુંદર ચીજોનો ભોગવટો કરવાનો ક્ષણિક આનંદ મળે જ છે. પણ એવા પરચેઝથી  મળતી હેપિનેસનું આયુષ્ય લાંબુ નથી.

આપણે એવું માનીએ કે પાંચ-પંદર દી’ ફરવા ગયા, કે નાચ્યા-બોલ્યા-કશુંક સર્જન કર્યું કે મળ્યાહળ્યા – આ બધા અનુભવો થોડાંક દિવસો જ હોય અને ગાડીબંગલાફોનટીવી તો લાંબો સમય સુખ આપશે. લોચો એ પડે છે કે આઇફોન સિક્સ એસ હોય કે મર્સીડિસ બ્લ્યુ ક્લાસ નવી નવી ખરીદી વખતે તો ભરપૂર મજા પડે. પણ પછી એ રૃટિન થઇ જાય. નોર્મલ થઇ જાય. રોજેરોજ નવું ઘર-ગાડી-ફોન તો ગૅટ્સ કે અંબાણીને ય ના પોસાય. પણ રોજ નવું-નવું  આવતું જ રહેવાનું, માટે જરાક આપણે પાછળ રહી ગયા ને વધુ સારું પછી આવ્યુની હતાશા ય આવે. થોડાક દિવસ પછી ગમે તેટલી કિંમતના ગાડી કે ફોન કે ટીવી હોય, એની રખાવટ કે સાચવણીમાં કુદરતી બેદરકારી આવી જ જાય. ચીજવસ્તુઓ સતત આપણી નજર સામે, પાસે હોય એ એની વિરૃદ્ધમાં જાય છે. એ પછી બેકગ્રાઉન્ડમાં ફેડ થતી જાય. માલિકી લીધે નવીનતાનો રોમાંચ ન રહે. લાઇક, મેરેજ. શાદી. લગ્ન.

પણ અનુભવો આપણી જોડે જ રહે. નવી કોઇ સ્કિલ શીખી હોય કે પ્રવાસ કર્યો હોય કે બહાર જઇ કશીક પ્રવૃત્તિ કરી હોય – આ બધા એક્સપિરિયન્સીઝ છે, જે એક્ઝિબિટ્સ કરતાં ચડિયાતા છે. કારણ કે, ચીજો લાંબો સમય રહીને જૂની થાય છે, ઘસાઇ જાય છે, જ્યારે ટૂંકા ગાળાના અનુભવોની મૂડી સમય જતાં યાદોમાં વધતી જાય છે !

ચીજો એક હદથી વધુ શેર નથી થતી, યાદો થાય છે. બીજાઓ સાથે પાર્ટીથી વૉટ્સએપ-ફેસબુક સુધી અનુભવો ફરી ફરી વાગોળીને એના રોમાંચમાં રિ-એન્ટ્રી કરી શકાય છે. એમાં બીજા ઈન્વોલ્વ થઇ શકે છે. ગમે તેવો ફ્લેટ કે કાર હોય, દેખાડો ત્યારે જરાક પ્રભાવિત થઇ બધા વાહવાહ કરે. પછી શું ? નેચરલી, આપણી ચીજમાં એ અંજાઇ જાય કે જરાક રાજી થાય એનાથી વધુ આપણો ઉમળકો બીજાઓને તો એ ખરીદીનો સ્પર્શવાનો જ નથી. ઉલટું ક્યારેક તો એમની જલન વધે અંદરખાનેથી !

વિચારજો. સારા તો ઠીક. ખરાબ અનુભવો, જેમાં નિષ્ફળતા મળી હોય, મજાક ઊડી હોય, ડર લાગ્યો હોય, સ્વજનનો વિયોગ થયો હોય – એવા ય બીજા સાથે વહેંચવામાં આજીવન એક અજીબ આનંદ મળે છે. (એટલે તો આત્મકથાઓ લખાય અને વંચાય છે !) ટાઇમ પાસ થાય, એમ શરાબની જેમ એનો નશો વધે છે. કેરેક્ટર-બિલ્ડિંગ થાય છે. જાતનું ઘડતર થાય છે. બીજા સાથે બોન્ડિંગ વધે છે.

ચીજોથી ક્યારેક ઉલટું પરિણામ આવે છે. શોઓફથી બીજાને ત્રાસ છૂટે છે. માટે ઈન્કમને હોય, એને જરૃરી પ્રોડકટ્સ સાથે ડિફરન્ટ એક્સપીરિયન્સીઝમાં પણ ઈન્વેસ્ટ કરતા રહેવી જોઇએ. સરકાર અને સમાજે પણ આનંદપ્રમોદની એક્ટિવિટી વધારવી જોઇએ. થ્રીડીમાં અચૂક જોવા જેવી ઑસ્કારલેવલ ફિલ્મ ‘ધ વૉક’ પણ આ જ મેસેજ આપે છે. એની ટેગલાઈન છે : એવરી ડ્રીમ બિગિન્સ  વિથ એ  સિંગલ સ્ટેપ.  જાનના જોખમે સાહસ શા માટે ? આપણા અસ્તિત્વની છાપ છોડતા આનંદ માટે ! ફેમ એન્ડ ફોર્ચ્યુન વિલ ફોલો..

ઝિંગ થિંગ :

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે. (મનોજ ખંડેરિયા)

અનાવૃત, ગુજરાત સમાચાર. તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૧૫ છાપભૂલોમાં જરૂરી સુધારા-ઉમેરા સાથે.

20150819_202214

 
34 Comments

Posted by on October 22, 2015 in personal

 

વિરોધ, વસવસો, વેદના, વેપલો : વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહિ હોતા !

એવોર્ડ પરત કરવાની ચર્ચા મેન્ટલ હોસ્પિટલના વોર્ડમાં પહોંચી રહી છે, ત્યારે વિચારોનું વાસ્તવિક વિરાટદર્શન!

dali 2.1

તાજો લેખ રિલેવન્ટ છે, એટલે અહીં મુક્યો. મુનવ્વર રાણા જેવા ગમતા શાયરે એવોર્ડ રકમ સહિત અને સરકારને બદલે સમાજના વિરોધમાં એવી સ્પષ્ટતા સાથે પરત કર્યો એ ક્લેરિટી ગમી પણ ખરી.

આ ખરા અર્થમાં ૩૬૦ ડીગ્રીના સત્ય વાળો લેખ પ્રગટ થયા પછી ઘણા સરસ પ્રતિભાવો મળ્યા. જાણીતા અને ખરા અર્થમાં જાનપદી એવા સંવેદનશીલ કર્મશીલ લેખક ધ્રુવ ભટ્ટે એમના મેસેજમાં કહ્યું કે એવોર્ડ કૃતિને મળે છે, વ્યક્તિને નહિ ! તો વ્યક્તિ એના પર આવો માલિકીભાવ કઈ રીતે રાખે ? પોઈન્ટ.

એવો જ સરસ મુદ્દો રીડરબિરાદર વિશાલ પારેખે કહ્યો કે, “મને તો આ સાહિત્યકારોની સન્માન પરત કરવાની ઝુંબેશની અને કોમી હુલ્લડોની મોડસ ઓપરેન્ડીમાં ઘણી સમાનતા લાગે છે. જેમ કોમી હુલ્લડમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા તત્વો કોઈ બહાનું શોધી ટોળું ભેગું કરી એને ઉકસાવે છે પછી તોફાનની શરૂઆત કરી પોતે છુમંતર થઇ જાય છે.અને બાકી નું કામ પેલું ટોળું જ પુરું કરી દે છે. એમ જ આની શરૂઆત કેટલાક ખંધા,ચીબાવલા ને મોદી વિરોધી માનસિકતાવાળા લેખકો એ કરી અને પછી, મૂળ તો આ જમાત સંવેદનશીલ ને ભાવુક, એટલે બીજા બિનરાજકીય હોવા છતાં ભાવુકતા માં આવીને જોડાતા જાય છે. અને આ ભગવા બ્રિગડ પાછી બધાને એક જ ચશ્માથી જુએ છે ને બળતામાં ઘી હોમે છે. જો બંને પ્રકારના ને એક જ નજરે જોશે તો સરકાર આ ટ્રેપમાં વધારે જ ફસાતી જશે.”

અને રીડરબિરાદર અનિલ જગડે તવલીન સિંહ જેવા વરિષ્ઠ ( અને ભૂતકાળમાં પાકિસ્તાનમાં પ્રેમલગ્ન કરી ચુકેલા પત્રકારના લેખની લિંક આપી – આ રહી એ.

=======

વર્ષો પહેલા અભિનેતા નસીરૃદ્દીન શાહે ઉત્તમોત્તમ અભિનય જેમાં કરેલો એવી અંધારીઘોર, ધીમીધીમી, ‘નિસબત’ વાળી પેરેલલ ઉર્ફે સમાંતર ગણાતી ફિલ્મો પડતી મૂકીને ત્રિદેવમાં ઓયે ઓયે લલકારવાનું શરૃ કરેલું. ત્યારે દૂરદર્શન પર એમનો ઈન્ટરવ્યૂ આવેલો. આ ‘મૂલ્યનિષ્ઠ’ ફિલ્મો પરત્વેની એમની ‘ગદ્દારી’ બાબતે એમને સવાલ પૂછાયેલો કે, એમણે કેમ ‘એસ્કેપીસ્ટ’ ગણાતી કમર્શિયલ ફિલ્મો તરફ દોટ મૂકી?

નસીરે લાંબો જવાબ આપેલો એમાં એક ઘટના કહેલી. એક એવોર્ડની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા આર્ટ ફિલ્મમેકરની ફિલ્મ મજદૂરોની વેદના અને સંઘર્ષ, શોષણ પર હતી. નસીરૃદ્દીન અને ઓમ પુરી એમાં સાવ મફતના ભાવે ‘સમાજ માટે કંઈક કરી છૂટવાના’ દાખડાથી કામ કરતા હતા. સેટ પર આવતા સાવ મામૂલી કારીગરોને દાળિયાના ફોતરાં જેવું વેતન એ નિર્માતા-નિર્દેશક ચૂકવતા હતા. એક એકસ્ટ્રા છોકરીએ આખા દિવસના થાક પછી મહેનતાણું માંગ્યું, તો એનો કંઈક ઉધડો લઈ લેવાયો. આ દ્રશ્યના સાક્ષી એવા નસીરૃદ્દીનનું મન આ નિસબતની નૌટંકી પરથી ઉઠી ગયું, અને એણે ચાલતી પકડી.

છાશવારે ગાંધીજી, મૂલ્યનિષ્ઠા, નિસબત, સામાજિક ન્યાયની દૂહાઈઓ દીધા રાખતા અમુક પત્રકારો કે લેખકો ચંદ રૃપિયા વધારે મળે એટલે થોડાક જ વર્ષોમાં કે ક્યારેક મહિનાઓમાં સરકસના ટ્રેપિઝ આર્ટિસ્ટની પેઠે નોકરી બદલાવી નાખે છે- અને પછી પાછા વાચકો માથે નીતિમત્તાના ચીપિયા ખણખણાવે છે! સારું છે, એ જોઈને રહ્યાસહ્યા કે રડયાખડયા વાચકો એમનાથી આમ મોહભંગ થતા રૃઠી નથી જતા! મર્સીડિસમાં ફરતા અને ફાઈવ સ્ટારની લોન્જમાં મધરાતે પરદેશી સિગારેટસનું પેકેટ સાફ કરી નાખતા સર્જકો પાછી ગરીબની ભૂખ અને છેવાડાના માણસની ચિંતા પ્રગટ કરે છે, ત્યારે એ જોઈને હવે ગુસ્સો નથી આવતો, હસવું આવે છે. જે પોતે એક જોક છે, એ બીજા પર જોક કરે ત્યારે કોમેડીની ટ્રેજેડી થઈ જતી હોય છે.

એનો અર્થે એવો નથી કે સરસ લાઈફસ્ટાઈલથી જીવવું ખોટું છે. પ્રામાણિક મહેનત કરનારાને ગમતી મજાઓ માણવાનો હક છે. પણ ઝૂંપડપટ્ટીવાળાને ય મનમોહન દેસાઈથી સિદ્ધાર્થ રાંદેરિયા સુધીનું મનોરંજન જ વ્હાલું લાગતું હોય, ત્યાં એની ચિંતાનો ઢોંગ કરવાનો ઢોલ વગાડવા ખોટો છે. જે પોલું હોય, એ જ જોરશોરથી વાગે. પણ એમાં ઘા મારો, તો અંદરથી નીકળેઃ હવા!

* * *

હ્યુમન બ્રેઈનમાં ‘ઈમિટેશન’ યાને નકલ કરવાનું ઘેટાંચાલ બિહેવિઅર જૂનું અને જાણીતું છે. સભાગૃહમાં કોઈ એક માણસ તાળી પાડે કે તરત સાયકોલોજીકલ રિસ્પોન્સ રૃપે બીજા પાડે. એમાંથી ઘણી સ્કિલ્સ ડેવલપ થાય, તો ઘણા ફેશન ટ્રેન્ડસતણી, સરવાણી ફૂટી નીકળે. નવરાત્રિમાં એક જગ્યાએ ભાઈ ભાઈ ભલા મોરી રામા ચાલે તો બીજે તરત એ કોપી થાય.

આવું જ સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના અચાનક સર્જાયેલા ચેઈન રિએકશનમાં થયું છે. દિલ્હીના આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાથી લઈને સ્થાનિક બૂક ફેર લગીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સ્ટોલ્સમાં કાગડા ય ઉડતા નથી હોતા, એ પરમેનન્ટ વિઝ્યુઅલ છે. એક નિયમિત ગ્રાહક તરીકે બિલ બનાવવા માટે પણ કાઉન્ટર પર નસકોરાં બોલાવતા બંધુને ઉઠાડવાનો જાતઅનુભવ છે. મતલબ એવો નથી કે સાહિત્ય અકાદમીના પ્રકાશનો બધા ફાલતુ હોય છે. ઘણા વિદ્વાનોનું ઉત્તમ સર્જનકાર્ય દાયકાઓથી એના માધ્યમે ગ્રંથસ્થ થતું રહ્યું છે. થેન્કસ, થમ્બસ અપ.

પણ પોઈન્ટ એટલો જ છે કે જેની સૌથી વધુ ચર્ચા અને ચિંતા એમાં થાય છે, એ લોકો સુધી જ આ સાહિત્ય કે એના રચયિતાઓ ભાગ્યે જ પહોંચે છે. સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના સમાચારોને ચમકાવતા પત્રકારો, વખાણતા કે વખોડતા મિત્રો- બધામાંથી આ એવોર્ડસવિજેતા પુસ્તકો ખરીદીને વાંચ્યા કેટલાએ અત્યાર સુધી- એ સર્વે કરવા જેવો છે. સ્થાનિક કક્ષાએ ફલાણોઢીકણો એવોર્ડ ન સ્વીકારનારા લેખકો પરદેશી- ફેલોશિપ કે રાષ્ટ્રીય સન્માન માટે ઝાંવા નાખતા હોય છે. આમીરખાન સ્ક્રીન-ફિલ્મફેર જેવા એવોર્ડસનો સૈદ્ધાંતિક વિરોધ કરી હાજરી ના આપે, પણ ઓસ્કાર કે નેશનલ એવોર્ડમાં હોંશે હોંશે પહોંચી જાય એમ જ.

એટલે પહેલી નવાઈ તો એ જ લાગવી જોઈએ, કે જો રાજકીય ખટપટ અને નફરત-અસહિષ્ણુતાના રાજકારણથી આટલી જ ચીડ હતી તો જે-તે વખતે આ એવોર્ડ સ્વીકાર્યો જ શા માટે? એ મળ્યો ત્યારે શું રાજકારણીઓ માનસરોવરના શ્વેત હંસ હતા અને હવે આંબલીના ઝાડ પરની ચીબરીઓ રાતોરાત થઈ ગયા? એવી ખુદ્દારી કે ખુમારી કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર પ્રત્યે આટલી જ ધૃણા હોય તો એવા એવોર્ડ લેવા જવાય જ નહિ. સિમ્પલ.

અને એવા પૂર્વગ્રહો બિલકુલ પ્રેક્ટિકલ નથી. એમ તો ક્રિકેટથી લઈને કોઠા (તવાયફોના) સુધી બધે જ સ્તરનું પતન થયું છે, ધંધાદારીપણું અને કાવાદાવા વધ્યા છે, એટલે શું જીવવાનું બંધ કરીને પેલા લેમિંગ્સની જેમ સામૂહિક આપઘાત કરવા પાણીમાં પડતું મૂકવું?

પપ્પુ પેજરો એવી દલીલો કરે છે કે ટાગોર કે ગાંધીએ સન્માન પરત કર્યા ત્યારે કોઈએ પૂછયું નહીં કે પહેલા એમણે એ પરત કેમ ન કર્યા? અને લેખકો ‘ઈન્ટોલરન્સ’ની ચિંતામાં એવોર્ડ પરત કરે છે ત્યારે કેમ બધા પૂછે છે કે કાશ્મીરી પંડિતો વખતે, કટોકટી વખતે, શીખ રમખાણો વખતે, સાબરમતી એક્સપ્રેસ કે એવા ત્રાસવાદી હુમલાઓ વખતે કે એવીતેવી ઘટનાઓ વખતે કેમ પરત ન કર્યા?

સંજય ગુપ્તા જેવા લીલા ફિલ્ટરો આંખે પરાણે ચડાવવાના આ ક્લાસિક કેસીઝ છે. બે ઘટનાઓના વાતાવરણની સરખામણી જુદી છે. આઝાદીની અહિંસક લડતમાં ગુલામ બનાવતી સરકાર સામે વિરોધ પ્રગટ કરવા રશિયા કે જર્મનીમાં પણ આવા પ્રદર્શન થયા છે. પણ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સામે આમ એવોર્ડસ પરત કરવાની ફોરેન મીડિયાને એમ્પ્લીફાય કરવા મળે એવી તક તાસક પર આપવાની લાઈન અચાનક લાગે, એમાં ‘ઘટનાનો લોપ’ થઈ જાય છે! આ તો રણજી ટ્રોફીના પ્લેયર અને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટરને એક જ ત્રાજવે તોળવાની વાત થઈ! વળતા જવાબો જડતા ન હોય, ત્યારે ભળતાસળતા ઉદાહરણોની છટકબારી કે ડાયલોગબાજી જેવા અવતરણો ન ચાલે.

રાજકીય કે ત્રાસવાદી ઘટનાઓ જવા દો. પણ વાત જો અસહિષ્ણુતાના વધારાની જ હોય, તો એ માત્ર અત્યારે જ છે, એવું માની લેવું એ નરી બનાવટ છે, વધતી ઉંમરનો સ્મૃતિલોપ- ડિમેન્શિયા છે. આઝાદી અગાઉથી આપણા દેશમાં વિવિધ કારણોથી આવી ‘ઈનટોલરન્ટ ઈન્સીડન્ટસ’ સમયાંતરે બન્યા જ કરે છે. ના જ બનવા જોઈએ. પણ બન્યા જ કરે છે. ગાંધીજીએ કેટલીવાર હિંસા-અસહિષ્ણુતાના માર્ગે જતા ટોળાથી વ્યથિત થઈ ઉપવાસ કરવા પડેલા, સરદારે ચાબખા મારવા પડેલા, નેહરૃએ ભાષણો કરવા પડેલા. ગાંધીને ગોળી મારી દેવાની ઘટના આપણામાં હાડોહાડ પેઠેલી અસહિષ્ણુતાની જ ચરમસીમા હતી ને?
અને સ્વાતંત્ર્ય પછીના શરૃઆતી દૌરને બાદ કરતા બધી જ વખતે વોટને ખાતર વટ જતો કરતી તમામે તમામ સરકારો મોટેભાગે માટીપગી જ પુરવાર થઈ છે.

એક પણ પક્ષની એકપણ સરકારનો એમાં ઉજળો હિસાબ નથી. શાહબાનોના ચૂકાદાને ઉલાટાવવામાં કે રામરથયાત્રાના ભડકાઉ ભાષણોમાં કોમવાદ નહોતો? કેરલમાં પ્રોફેસરના હાથ કાપી નાખવાની ઘટનામાં અસહિષ્ણુતા નહોતી? ગ્રેહામ સ્ટેઈન્સને જીવતા બાળી નખાયા, એ શું વીરતા ચંદ્રકને લાયક કૃત્ય હતું? શાહરૃખખાન માટે ખોટી અફવાના મેસેજીઝ ફેલાયા કે વાનખેડેની પીચ ખોદી નાખવામાં આવી- આ બધું શું સહિષ્ણુતા દર્શાવે છે? ઠાકરેના મરાઠીવાદ કે બંગાળના સામ્યવાદમાં ‘ધેટ્ટોઆઈઝેશન’ નહોતું? અભિજીતે અદનાન સામીનો વિરોધ અગાઉ નહોતો કર્યો? લવ જેહાદના કાલ્પનિક ભયમાં સમાચારપત્રો ય કોમવાદી ઝેર રેડતા નથી? પુનરપિ જન્મમ, પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ જેવો આ ‘કાળો’ કાળક્રમ છે. જે એક જ લૂપમાં ભારતમાં ચાલ્યા જ કરે છે. ન ચાલવો જોઈએ, પણ મુદ્દો એટલો જ છે કે આજકાલનો નથી. અને બધા જ સ્વાર્થી રાજકારણીઓ એને નાથવામાં નિષ્ફળ જ છે. એ નિષ્ફળતા પણ કંઈ આજકાલની નથી!

બીજું તો ઠીક, અભિવ્યક્તિની આઝાદી પર પણ નિરંતર હુમલા ચાલુ જ છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ અભય વચન પછી પણ એમ.એફ. હુસેન જેવા ચિત્રકારના ચિત્રો તૂટયાફૂટયા છે. દાભોલકરની હત્યા થઈ ત્યારે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં વર્તમાન કરતાં જુદી જ સરકાર હતી. અને વ્હીસલ બ્લોઅર બનવાના મુદ્દે જ પંકજ ત્રિવેદીની ગુજરાતમાં કે સત્યેન્દ્ર દૂબે જેવા અમુકની બીજે હત્યાઓ થઈ. અભિવ્યક્તિ સહન ન થતાં સ્વામી સચ્ચિદાનંદ પર ગોળીબાર થયેલો, કલબુર્ગી પર જ અચાનક પહેલીવાર થયો છે, એવું નથી. આસારામના સાક્ષીઓને ભડાકે દેવાયા જ છે ને! આમ જ સફદર હાશ્મીના શેરીનાટકો સહન ન થતા હત્યા નહોતી થઈ? પાશ જેવા કવિઓને મારી નથી નખાયા? તે ન માર્યા હોય તો ય દુષ્યંતકુમારોએ કે મુક્તિબોધે આજીવન સામા પૂરના તરવૈયા થઈને પોતાનો અવાજ સંઘર્ષો વખતે ઉઠાવ્યો નથી?

રજનીશથી રાજ કપૂર સુધી મોરલ સેન્સરશિપે અભિવ્યક્તિનો ટોટો પીસી દેવાનો પ્રયાસ કર્યો જ છે. ફિલ્મોની કે ટીવીની તદ્દન વાહિયાત અને પછાત સેન્સરશિપ રોજેરોજ આપણે ત્યાં લિબર્ટી એન્ડ ક્રિએટીવિટીની હત્યા કરે છે, એના વિરોધમાં કેમ કોઈ એવોર્ડ પાછો આપતું નથી?

એઆઈબી રોસ્ટથી લઈને ફાયર કે વોટર જેવી ફિલ્મોના મુદ્દે કેમ એના સર્જકોની વહારે સાહિત્યના આ મૂર્ધન્ય સર્જકો ટટ્ટાર અને મક્કમ થઈને ઉભા ન રહ્યા? પાવલીછાપ લોકો સરકારી મહેરબાનીથી અગાઉ પણ મહામહિમો કે હાકેમો થઈ જતા હતા, એ કેમ ખૂંચ્યું નહિ? ઓવૈસીના કે લાલુના વાણીવિલાસ ના ખૂંચ્યા? માયાવતીના પૂતળાનું શું? સલમાન રશદી કે તસ્લીમા નસરીનની અભિવ્યક્તિ પર હુમલા થયા એ ખોટા? તુમ્હારા ખૂન ખૂન, ઔર હમારા ખૂન પાની?

અને ફ્રેન્કલી સ્પીકિંગ, સરકાર તરફથી મળેલા એવોર્ડ જુદા-અલાયદા દેખાય છે, પણ વાસ્તવમાં ઘણા સરકારી લાભો- નોકરી- ટીએડીએ પણ આવા લોકોને કે એમના પરિવારને મળે છે. એટલે સાવ એનાથી મુક્ત બનીને જીવવાનાં ખ્વાબમાં આત્મસંતોષ હશે, પણ વિચારયજ્ઞ નથી.

એવોર્ડ પરત કરનાર વરિષ્ઠ સાહિત્યકારો તો બીજા સાથે બનેલી અસહિષ્ણુતા- ભેદભાવની ઘટનાથી દુખી થયા. પણ કેટલાય એવા છે કે જે તો સ્વયમ આ ઝેરીલી માનસિકતા સામે સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય. સાનિયા મિર્ઝાને ફેનેટિક રેડિકલ એલીમેન્ટસની આકરી તાવણીમાં તપવું પડયું છે. હવે શું આ સાહિત્યકારો એવોર્ડ પરત કરવા નીકળ્યા એટલે એ પોતાની વેદના સાચી સાબિત કરવા ખેલરત્ન એવોર્ડ પાછો આપી દે? વિમ્બલડન- યુએસઓપનના કપમાંથી નામ પાછું ખેંચી લે? નોર્થઈસ્ટની મેરીકોમ ઓલિમ્પિક ચંદ્રક પાછો આપે દે? ઈરફાનખાન કે સલીમખાન ઘરમાંથી બધી ટ્રોફીઓ પાછી આપે તો જ સેન્સિટિવ ઈન્ટલેકચ્યુઅલ?

ઘણા સર્જકો બેશક એવા હશે જ કે જેમનો જીવ દાદરી કે ગુલામઅલી જેવી ઘટનાઓથી બળ્યો હશે, બેફામ ભગવા નિવેદનોથી એમને ગુસ્સો પણ ચડયો જ હશે, લાચારી પણ મહેસૂસ થઈ હશે. પણ માનો કે એમણે એવોર્ડ પાછો ન આપ્યો, તો શું એમની વ્યથા, એમનો આક્રોશ, એમની નિસબત, એમની સંવેદનશીલતા ઓછી ગણાય?

એટલે માનો કે આ એવોર્ડ મળ્યા કરતા પાછા આપવામાં વધુ ફૂટેજ મળે, એનો પબ્લિસિટી સ્ટંટ નથી, તો ય આ ઓવર રિએકશન તો છે જ છે. તલનું તાડ! આ યાદીના મોટા ભાગના સાહિત્યકારો વયોવૃદ્ધ છે. હિન્દીમાં સઠિયા ગયા કે અંગ્રેજીમાં સીનિકલ કહેવાય એ ઉંમરે પહોંચેલા છે. આ ઉંમરે મેમરી અને રિસ્પોન્સીઝમાં ગરબડો સંભવ છે, એ તો મેડિકલ ફેક્ટ છે!

* * *

સમજણ તો સમજ્યા વિના સાહિત્યકારોના ‘વોઈસ ઓફ પ્રોટેસ્ટ’ની ખિલ્લી ઉડાડનારાએ પણ થોડીક કેળવવાની છે. કલાકાર કે સાહિત્યકાર જુદી દુનિયામાં જીવનારા જીવ હોય છે. સંવેદનશીલ એ બીજા કરતા વધુ હોય, થોડા ઘેલાદીવાનાધૂની પણ હોય. એ જ તો કવિ થાય, વાર્તાકાર થાય. નોર્મલ માણસ કરતાં એમની ફીલિંગ સેન્સિટીવિટી જરાક આળી જ હોય. સમાજ અને સરકારે હંમેશા ઉદારભાવે અને આદરભાવે સર્જકતાને એના આ અસંતુલન સાથે સાચવી લેવાની હોય, વ્હાલા બાળકની જેમ.

ક્રિએટિવ રીતે એમના નિર્ણયો પર કટાક્ષ થઈ શકે, પણ પૂરી માહિતી વિના અંગત આક્ષેપો ન થાય. એવોર્ડ પાછો આપવો પ્રતીકાત્મક છે, એમાં રકમ કેમ ન આપી, એ સવાલ ના હોય. નયનતારા સહગલ નહેરૃવંશના છે એ સાચું છે, એમ એમને ઈન્દિરા સાથે ભળ્યું નથી એ ય સાચું છે. સાહિત્ય જ શીખવાડે છે કે કેરેકટર્સ પ્રિઝમ જેવા મલ્ટીકલર, મલ્ટીલેયર્ડ હોય છે. બ્લેક એન્ડ વ્હાઈટ નહિ પણ ફૂલ ઓફ ગ્રે શેડસ. નયનતારા માટે એ સમજણ આપણે કેળવીએ એમ જ એ નરેન્દ્ર મોદી માટે પણ લાગુ પડે. એમાં ય બાયસના જેટ બ્લેક ચશ્મા ન ચાલે, અહોભાવના ફુલ વ્હાઈટ પણ નહિ!

નીંદક નીઅરે રાખિયે આંગન કુટિ છવાય. વિરોધના સૂર ઉઠે, ટીકા થાય એ તો સ્વસ્થ લોકશાહીનો પાયો છે. એ ખોટી વિગતોવાળી હોય, રૃઢિજડસુ, સંકુચિત, હિંસક કે અસંગત/ઈરરિલેવન્ટ હોય ત્યાં તોડી પાડવાની હોય, પણ બાકી તો મોકળાશથી અસંમતિ કે ભિન્નમત પ્રગટ કરવાની છૂટ આપતો અધિકાર હોય, એ દેશ જ મહાસત્તા બને, એ સમાજ જે વિભૂતિઓ પેદા કરી શકે, એ જ આગળ વધે. એ તો જટાયુથી વિકર્ણ સુધીનો ભારતીય વારસો છે. અહિંસક અભિવ્યક્તિ કે અંગત પસંદગીનો હિંસક જાહેર પ્રતિભાવ ત્રાસવાદ જ છે. દુર્ભાગ્યે, એકેડેમિક ડિબેટ અથવા ક્રિએટિવ ફ્રીડમ બાબતે આપણે જ્યુરાસિક યુગમાં છીએ.

પોઈન્ટ એટલો જ છે કે સામાજિક અસહિષ્ણુતા વધે એ ચલાવી ના જ લેવાય. એવી ધાર્મિક કટ્ટરતાના રંગે રંગાયેલી દેશદાઝને પંપાળવા જતા અળસિયાઓ કેવા અજગર થઈ જાય છે, એ આપણા જ ડીએનએ ધરાવતા પાકિસ્તાનના પ્રયોગે બતાવી દીધું છે. માટે ચેતીને ચાલવા જેવું છે. તાલિબાની કલ્ચરની વાનરનકલ એ હિન્દુત્વ નથી. બધા સામસામી ધાંધલધમાલ કરવા લાગે, તો ડાહ્યા કોણ છે, એ નક્કી કરવું અશક્ય બની જાય. માટે કોઈક ઓર્થોડોકસની નકલ કરવામાં ખુદનું લિબરાલિઝમ છોડવું ન જોઈએ. ભારતીય સંસ્કૃતિના બની બેઠેલા અભણ અને જંગલી ઠેકેદારો ગૌરવ નથી, શરમ છે. રામતત્વ રાવણ સામે લડવામાં છે, રાવણ જેવા બની જવામાં નથી. હિન્દુ શબ્દ અવ્યાખ્યાયિત છે, એ જ તો એની બેજોડ બ્યુટી છે.

સાથોસાથ, આદર્શવાદીને બદલે જરાક વાસ્તવવાદી થઈએ તો એ ય સ્વીકારવું પડે કે સવા અબજ બેવકૂફથી બદમાશ, સેવાભાવીથી સ્વાર્થી નાગરિકોના શંભુમેળા જેવા દેશમાં શિક્ષણ અને શિસ્તના અંધકારયુગમાં રાતોરાત સ્વર્ગ બની જવાનું નથી. કમનસીબ ઘટનાઓ અમુક પ્રમાણમાં પહેલા બનતી, આજે ય બને છે, આવતીકાલે ય બનશે. આપણા ધર્મગુરૃઓ, બિઝનેસમેનો અને રાજકારણીઓ ત્રણેનું કાતિલ કોકટેલ બદલાશે નહિ, ત્યાં સુધી ઉંધા રવાડે ચડી બીજાને મારનારા કે જાતે આપઘાત કરી મરી જનારા ફૂટકળિયાઓ પેદા થયા જ કરશે.

સાયન્સ, મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ ત્રણેમાં લાગુ પડતો એક કોન્સેપ્ટ છેઃ માર્જીન ઓફ એરર. દરેક યંત્ર, સમીકરણ, ઘટનામાં અમુક ટકા ભૂલો- ગફલતો સ્વીકારીને જ ચાલવાનું હોય. કારણ કે, પરફેક્ટ સીસ્ટમ હજુ જગતમાં શોધાઈ નથી. દરેક દવાની સાઈડ ઈફેક્ટનું પતાકડું કંપનીએ જ છાપેલું વાંચો, તો ભડકીને ચક્કર આવી જાય! પણ એ નિયંત્રિત જોખમ/કન્ટ્રોલ્ડ રિસ્ક હોય છે. માત્રા યોગ્ય હોય ત્યાં સુધી એ વધારાના નુકસાન કામચલાઉ હોય છે, અથવા જીવલેણ નીવડતા નથી. આપણા શરીરમાં-શ્વાસમાં રોજેરોજ ટોકસિક એલીમેન્ટસ, રજકણો, ધાતુઓ, રંગો જાય છે જ. પણ ટોલરન્સ લિમિટમાં હોય ત્યાં સુધી એ ચલાવીને આગળ વધી શકાય. પરમિસિબલ ફૂડ કલર્સ ખાવા જેવું.

એમ જ આપણા દેશમાં આવી કરૃણ-કરપીણ ઘટનાઓ બને છે, અને બેફામ ગપ્પા મારતા સોશ્યલ નેટવર્કને લીધે સરકાર મક્કમ કદમ ભાષણોને બદલે કડક સજાતણા ના ઉઠાવે, ત્યારે વધવાની ખતરનાક શક્યતા છે. પણ હજુ માર્જીન ઓફ એરરની ટોલરન્સ લિમિટ ક્રોસ થઈ ગઈ હોય એવું લાગતું નથી. નવરાત્રિમાં ગૌમૂત્ર છાંટવાની બેતૂકી ફતવાનકલનો અમલ ભાગ્યે જ કોઈ ગ્રાઉન્ડ પર રિયલમાં થાય છે. મીડિયા એકની એક નેગેટિવ ઘટના ઘૂંટયા રાખે, એમાં સેંકડો પોઝિટિવ ઘટનાઓ દટાઈ જાય છે. ભારતનું ફેબ્રિક જૂનું ને જરા ઝાંખું થયું હશે, સાવ ઝળી નથી ગયું. જાતે જ બુમાબૂમ કરી ધરાર હોરર સીનારિયો બનાવવો હોય, તો મુબારક એ લેફટીઝમ!

પણ ભલે હિન્દી સાહિત્યના ચાળે સામ્યવાદી વિચારધારાની સર્જકતાના મૂલ્યો સાથે સેળભેળ થઈ ગઈ, ઓથર કંઈ ફૂલટાઈમ એક્ટીવિસ્ટ નથી. એ રવાડે ચડવા જાય તો ઓબ્ઝર્વર કે કોમેન્ટેટર ન રહી શકે. લેખકોના સ્વાંગમાં લેફટીસ્ટસ આપણે ત્યાં સાહિત્યનું સેબોટેજ કરવા એવા ઘૂસી ગયા છે કે એમને તો અમિતાભ હિન્દી વિશે બોલે, એમાં ય વાંકુ પડે છે! ખરેખર સર્જકોએ પાયાનું કામ દુઃખી થઈને એવોર્ડ પરત કરવા સિવાય – પોગ્રેસિવ કલેક્ટિવ વોઈસ સતત નવી પેઢીમાં બુલંદ કરવાનું છે. વડાપ્રધાનને ભલે પ્રકાશસિંહ બાદલમાં નેલ્સન મંડેલા દેખાય, અસલી મંડેલા સામે બાદલની હેસિયત રાઈના દાણા જેટલી છે. કારણ કે નેલ્સન મંડેલા કહેતા કે માણસ નફરત સાથે જન્મતો નથી, નફરત એને શીખવાડવામાં આવે છે. ને જો એ શીખવાડી શકાય તો પ્રેમ કેમ નહી?

ફાસ્ટ ફોરવર્ડ

‘જેનો મોહ હોય એને તમે સાંભળો, પણ બીજાના કાજી ન બનો. અવાજ ઉઠાવો, પણ ઝંડો ન ઉઠાવો!’ (પિયુષ મિશ્રા)

સ્પેકટ્રોમીટર * જય વસાવડા ૧૮ ઓક્ટોબર, ૨૦૧૫. ગુજરાત સમાચાર.

dali1

 
15 Comments

Posted by on October 19, 2015 in Uncategorized

 

My 3 lectures in usa in this weekend….

image

image

image

Three lectures in EDISON, NJ, ORLANDO & CHICAGO respectively. On 7-8-9 aug. details in photoz.

 
13 Comments

Posted by on August 5, 2015 in Uncategorized

 

ટાગોરની ટાઈટેનિક ટકોર : પુણ્યશ્લોક પશ્ચિમનો પ્રજ્ઞાપ્રવાસ !

tagore y

‘પશ્ચિમ’ શબ્દની આપણે ત્યાં બડી અજીબ જેવી એલર્જી હોય છે. બાબા-બાપુઓ અને લુખ્ખા રાષ્ટ્રવાદથી બ્રેઈનવોશ થયેલા રાજકારણીઓએ વર્ષોથી ઓલરેડી ગાંધીવાદને લીધે શુષ્ક થયેલી પ્રજાને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણથી બીવડાવી દીધી છે. પણ નગીનદાસ પારેખે અનુવાદ કરેલો રવિન્દ્રનાથ ટાગોરનો એક લેખ અદ્ભુત રીતે પશ્ચિમથી ભડકતા ભોટવાશંકરોના મગજ પર ટપલી મારે તેવો છે. સતત નવું નવું શીખવા મળે, એવા એ. જ્ઞાાન-કળા-સાહિત્યના યુ.એસ.એ.-યુ.કે.ના ”અંગ્રેજી” મલકમાં વારંવાર ઉડતી વખતે આ લેખકડાને એ યાદ આવે છે. કુદરતી આફતગ્રસ્તોમાં ય રાજકારણ અને ધર્મ જોયા કરીને બહાર અળખામણા થવાની સંકુચિતતાને રાષ્ટ્રપ્રેમ કહેવાય, તો એ અભણ અડિયલપણું જોઇને ગુરુદેવનાં સચોટ નિરીક્ષણો વરસાદી યાદની જેમ ઝરમર છલકાય.

તકલીફ વેઠીને, ન્યાયનો વિચાર કરી, તકદીર બદલવાના ઉદ્યમથી યુરોપ -અમેરિકા મહાન છે, એને ફક્ત ભૌતિક સગવડોમાં જ આપણું ચિત્ત રાખીને વખોડવું ના જોઈએ! ટાગોરે એમાં જ્યાં ‘યુરોપ’ લખ્યું છે, ત્યાં ‘યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા’ કે ‘પશ્ચિમ’ એટલું  મનમાં જ સુધારીને આ જરાતરા મઠારેલો લેખ આખો વાંચો, અને પછી કોઈ પણ પશ્ચિમની સારી વાતોના વખાણ કરનારને દેશવિરોધી ફિરંગી ફોરેન એજન્ટ કહી કોચલામાં લખાઈ જવાને બદલે (ટાગોર જેટલું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાાન તો આશ્રમના મહામંડલેશ્વરોને ય હોતું નથી!) જરાક દિમાગ કી ખિડકિયાં ખોલો, અને વિચારો કે ભારતની ખામીઓની માફક પશ્ચિમની ખૂબીઓ પણ આટલા દાયકા પછી યે એટલી જ ‘રિલેવન્ટ’ સાંપ્રત કેમ છે?

ઓવર ટુ ટાગોર.

***

”મને ઘણાં પૂછે છે કે ‘તમે યુરોપમાં ફરવા શા માટે જાઓ છો?’ આનો મારે શો જવાબ આપવો એ મને સૂઝતું નથી. ફરવું એ જ ફરવા જવાનો ઉદેશ છે, એવો એક સરળ ઉત્તર જો આપુ તો પ્રશ્ન પૂછનારાઓને જરૃર એમ લાગે કે હું વાતને હસવામાં ઉડાવું છું, પરિણામનો વિચાર કરી – નફા-નુકસાનનો હિસાબ ગણાવ્યા વગર માણસને ટાઢા પાડી શકાતા નથી.

બહાર જવાની ઈચ્છા એ જ માણસને સ્વભાવસિદ્ધ છે, એ વાત આપણે છેક ભૂલી ગયા છીએ. કેવળ ઘરે આપણને એવા બાંધેલા છે, ઉંબર બહાર પગ મુકતી વખતે આપણને એટલાં બધાં કમુરત, એટલા બધાં અપશુકન નડે છે અને એટલાં બધાં આંસુનો સામનો કરવો પડે છે કે બહારનું જગત આપણે માટે અત્યંત બહારનું બની ગયું છે, ઘરની સાથે તેનો સંબંધ તદ્ન કપાઈ ગયો છે. એટલા જ માટે થોડા વખત માટે પણ બહાર જવું પડે, તો આપણે બધા આગળ ખુલાસો કરવો પડે છે.

આધ્યાત્મિક ઉન્નતિને માટે પ્રવાસની જરૃર છે, એ વાત આપણા દેશના લોકો સ્વીકારે છે. એટલા માટે કેટલાક એવી કલ્પના કરે છે કે આ ઉંમરે પ્રવાસે જવાનો મારો ઉદ્દેશ એ જ છે. એથી તેઓને નવાઈ લાગે છે, કે એ હેતુ યુરોપમાં શી રીતે સિદ્ધ થશેઃ એમને મન આ ભારતવર્ષનાં તીર્થોમાં ફરીને અહીંના સાધુ-સાધકોનો સત્સંગ કરવો એ જ એકમાત્ર મુક્તિનો ઉપાય છે.

હું શરૃઆતથી જ કહી રાખું છું કે કેવળ બહાર નીકળી પડવું એટલો જ મારો ઉદ્દેશ છે. દૈવયોગે પૃથ્વી ઉપર આવી પડયો છું તો પૃથ્વી સાથેનો પરિચય બને એટલો સંપૂર્ણ કરતા જવું. એટલું જ મારે માટે પૂરતું છે. બે આંખો મળી છે, તે બે આંખો વિરાટની લીલાને જેટલી બાજુએથી, જેટલે વિચિત્રરૃપે જોવા પામે તેટલી તે સાર્થક થશે!

હું માનું છું કે યુરોપનો કોઈ માણસ જો સાચી શ્રદ્ધાપૂર્વક ભારતવર્ષમાં પ્રવાસ કરી જાય, તો તેને તીર્થયાત્રાનું ફળ મળે. ભારતવર્ષમાં જે શ્રદ્ધાપરાયણ યુરોપીય તીર્થયાત્રીઓને મેં જોયા છે, તેમની નજરે આપણી દુર્ગતિ પડી નથી એમ નથી, પરંતુ તે ધૂળ તેમને આંધળા કરી શકી નથી, ફાટેલાં આવરણ પાછળ પણ ભારતવર્ષના અંતરતમ સત્યને તેમણે જોયું છે.

યુરોપમાં પણ સત્યને કોઈ આવરણ નથી એમ નથી. એ આવરણ જીર્ણ નથી. ઝળહળતું છે, એટલા માટે જ ત્યાંના અંતરતમ સત્યને જોવું કદાચ વધારે મુશ્કેલ છે. વીર પ્રહરીઓ વડે રક્ષાવેલા, મણિમુકતાની ઝાલરોથી શોભતા એ પડદાને જ ત્યાંની સૌથી મૂલ્યવાન વસ્તુ માની આપણે આશ્ચર્ય પામીને પાછા આવી રહીએ એમ પણ બને – તેની પાછળ જે દેવતા બેઠા છે તેમને પ્રણામ કરવાનું ન પણ બને.

યુરોપની સભ્યતા જડવાદી છે, તેમાં આધ્યાત્મિકતા નથી, એવી એક વાયકા આપણા દેશમાં પ્રચલિત થયેલી છે. પરંતુ સમાજમાં જયાં પણ આપણે જે કાંઈ માહાત્મ્ય જોઈએ, તેના મૂળમાં તો આધ્યાત્મિક શકિત રહેલી જ છે. માણસ કદી યંત્ર વડે સત્યને પામી શકતો નથી. તેને તો આત્મા વડે જ મેળવવું પડે છે. યુરોપમાં જો આપણે માણસની કોઈ પ્રગતિ જોઈએ તો તે વિકાસના મૂળમાં માણસનો આત્મા રહેલો છે, એમ આપણે ચોકકસ માનવું જોઈએ.

યુરોપમાં આપણે જોઈએ છીએ કે માણસો નવા નવા પ્રયોગો અને નવાં નવાં પરિવર્તનોને માર્ગે આગળ વધી રહયા છે – આજે જેનો સ્વીકાર કરે છે તેનો કાલે ત્યાગ કરે છે. કયાંય શાંત બેસી રહેતા નથી. બહારની વસ્તુને જ જો આખરી, સર્વોત્તમ માની લઈએ તો ભીંતરની વસ્તુને આપણે જોવા પામતા નથી. યુરોપને પણ ભીતર છે, તેને પણ આત્મા છે, અને તે આત્મા દુર્બળ નથી. યુરોપની એ આધ્યાત્મિકતાને જોઈશું ત્યારે જ તેમાં રહેલા સત્યને જોવા પામીશું.

જે વાત હું કરવાનો પ્રયત્ન કરું છું તે સહેજે સમજાય એવો એક બનાવ બન્યો છે. બે હજાર ઉતારુઓને લઈને આટલાંટિક સમુદ્રમાં એક આગબોટ ‘ટાઈટેનિક’ જતી હતી, તે સ્ટીમર મધરાતે બરફના તરતા પહાડ સાથે અથડાઈને જયારે ડૂબવાની અણી પર આવી, ત્યારે મોટા ભાગના યુરોપીય અને અમેરિકન ઉતારુઓએ પોતાનો જીવ બચાવાની અધીરાઈ બતાવ્યા વગર ીઓ અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ ભયંકર અકસ્માત આઘાતથી યુરોપનું બહારનું આવરણ ખસી જવાથી આપણે એક ક્ષણમાં તેના અંતરમાંના માનવાત્માનું એક સાચું સ્વરૂપ જોવા પામ્યા છીએ. એ જોતાંવેંત તેની આગળ માથું નમાવતાં આપણને પછી લગારે શરમ આવી નથી.

આત્મત્યાગની સાથે આધ્યાત્મિકતાને શું કશો સંબંધ નથી? એ શું ધર્મબળનું જ એક લક્ષણ નથી? આધ્યાત્મિકતા શું કેવળ માણસોનો સંગ ટાળીને પવિત્ર થઈને રહે છે અને નામજપ કર્યા કરે છે? આધ્યાત્મિક શક્તિ જ શું માણસને વીર્યવાન બનાવતી નથી?

‘ટાઈટેનિક’ આગબોટ ડૂબવાની ઘટનામાં આપણે એક ક્ષણમાં અનેક માણસોને મૃત્યુના મોઢા આગળ ઉજ્જવળ પ્રકાશમાં જોવા પામ્યા. એમાં કોઈ એક માણસની જ અસામાન્યતા પ્રગટ થઈ છે એમ નથી. સૌથી આશ્ચર્યની વાત એ કે, જેઓ લક્ષ્મીના ખોળામાં ઉછરેલા કરોડાધિપતિ હતા, જેઓ ધનને જોરે સદા પોતાને બીજા બધા કરતા ચડિયાતા માનતા આવ્યા હતા, જેમને ભોગવિલાસમાં કદી કોઈ અડચણ આવી નહોતી અને રોગમાં અને આફતમાં જેમને પોતાને બચાવવાની તક બીજા બધા કરતાં વધુ સહેલાઈથી મળતી રહી હતી, તેઓએ સ્વેચ્છાએ દુર્બળ ને અશકતને બચવાનો માર્ગ મોકળો કરી આપી મૃત્યુને વધાવી લીધું. એવા કરોડાધિપતિ એ સ્ટીમરમાં એકાદ-બે જ નહોતા.

અચાનક આવી પડેલા ઉત્પાત વખતે માણસની મૂળ વૃત્તિ જ સભ્ય સમાજના સંયમને તોડી નાખીને પ્રગટ થવા મથે છે. વિચાર કરવાનો વખત મળે તો માણસ પોતાની જાતને રોકી શકે છે. ‘ટાઈટનિક’ જહાજ ઉપર અંધારી રાતે કોઈ ઊંઘમાંથી એકાએક જાગીને તો કોઈ આનંદપ્રમોદમાંથી એકાએક બહાર આવીને પોતાની સામે અકસ્માતને કારણે આવી પડેલા મૃત્યુની કાળી મૂરત જોવા પામ્યા હતા. એવે વખતે જો એવું જોવામાં આવે કે માણસ ગાંડા જેવો થઈને નબળાને હડસેલી મૂકીને પોતાને બચાવવાનો પ્રયત્ન નથી કરતો, તો સમજવું કે એ વીરતા આકસ્મિક નથી, આખી પ્રજાની લાંબા સમયની તપસ્યા આધ્યાત્મિક શકિત સાથે મળીને ભીષણ કસોટીમાં મૃત્યુ ઉપર વિજય મેળવવા પામી છે.

આ જહાજ ડૂબવાના પ્રસંગમાં એકી સાથે અચાનક ગાઢ રૃપે જે માનવતાની, વીરતાની, એકતાની શક્તિનો અનુભવ કર્યો, તે જ શકિતને યુરોપમાં ભિન્ન ભિન્ન દિશામાં ભિન્ન ભિન્ન સ્વરૃપે શું આપણે જોઈ નથી? દેશહિત અને લોકહિતને ખાતર સર્વસ્વનો ત્યાગ કરવાનાં અને પ્રાણ પાથરવાનાં દષ્ટાંત શું ત્યાં રોજ રોજ જોવા મળતાં નથી? એ નિરંતર સંચિત થઈને ભેગા થયેલા ત્યાગ દ્વારા જ શું યુરોપની સભ્યતાએ પરવાળાના બેટની પેઠે માથું ઉંચું કર્યુ નથી?

કોઈપણ સમાજમાં એવી કોઈ સાચી પ્રગતિ થઈ શકતી નથી, જેનો પાયો તકલીફ સહન કરવા ઉપર ન હોય ! જેઓ જડ વસ્તુના દાસ છે, તેઓ એ કષ્ટ સહન કરી શકતા જ નથી. વસ્તુમાં જ જેને પરમ આનંદ હોય, તે અન્યના કલ્યાણને ખાતર વસ્તુનો ત્યાગ શા માટે કરે? કલ્યાણ એટલે બેઠાં બેઠાં માળા જપવી એમ નહિ, કલ્યાણ એટલે લોકહિતના વ્રતને માનવસમાજમાં સાર્થક કરવું.

યુરોપમાં માણસો દેશને માટે, માણસને માટે, હૃદયના સ્વતંત્ર આવેગથી એવાં દુઃખને, એવાં મૃત્યુને સદા વધાવી લેતા જોવામાં આવે છે. સત્યની ભક્તિ કરવાની આ શક્તિ અને સત્યને ખાતર દુર્ગમ બાધાઓ વળોટી જઈને – દિવસોના દિવસો સુધી પોતાની જાતને સમર્પી દેવાની આ શક્તિ, તેઓ પોતાની રાષ્ટ્રીય સાધનામાંથી જ પામ્યા હતા. અને હું પૂછું છું કે, એ શક્તિ શું આપણે આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં જોવા પામીએ છીએ ખરા?

મારે કહેવું એ છે કે, આપણામાં પણ પૂરવા જેવી એક ખામી છે. આ સાંભળતાં જ આપણા દેશાભિમાનીઓ બોલી ઉઠશે, હા, ઉણપ છે ખરી, પણ તે આધ્યાત્મિકતાની નથી, વસ્તુજ્ઞાાનની, વ્યવહારબુદ્ધિની છે – યુરોપ એને જ જોરે આગળ નીકળી ગયું છે!

એમ કદી હોઈ શકે જ નહિ. કેવળ ભૌતિક વસ્તુસંગ્રહ ઉપર જ કોઈ પ્રજાનો વિકાસ ટકી શકે નહિ. કેવળ દુન્યવી વ્યવહારબુદ્ધિને જોરે જ કોઈ પ્રજા બળ પ્રાપ્ત કરતી નથી. દીવામાં સતત તેલ રેડ રેડ કરીએ એથી કંઈ દીવો બળતો નથી. કેવળ દિવેટ વણવાના કૌશલથી જ દીવાને તેજ મળતું નથી. ગમે તે પ્રકારે પણ અગ્નિ પેટાવવો જ પડે છે.

આજે જગતમાં યુરોપ રાજય કરે છે તેના વર્ચસ્વના મૂળમાં બેશક ધર્મનું બળ જ રહેલું છે. એ તેનું ધર્મબળ ખૂબ સચેત છે. એ માણસના કોઈ પણ દુઃખને, કાંઈ પણ અભાવને ઉદાસીનતાપૂર્વક બાજુએ હડસેલી મૂકી શકતું નથી. માણસની બધી જાતની દુર્દશા દૂર કરવા માટે તે સદાસર્વદા વિજ્ઞાાન કે સર્જન કે મનોરંજન કે ઉત્પાદન કે દાનનાં અઘરા પ્રયત્નોમાં મંડેલું જ હોય છે. એ પ્રયત્નોના કેન્દ્રમાં જે એક સ્વાધીન સુબુદ્ધિ રહેલી છે, જે બુદ્ધિ માણસ પાસે સ્વાર્થત્યાગ કરાવે છે, તેને આરામમાંથી ખેંચીને બહાર કાઢે છે, અને ભાવે મૃત્યુના મુખમાં જવાની હાકલ કરે છે, તેને બળ કોણ પૂરું પાડે છે?

કદાચ ઇસુ ખ્રિસ્તના જીવનવૃક્ષમાંથી જે ધર્મબીજ યુરોપના ચિત્તક્ષેત્રમાં પડયું હતું, તે જ ત્યાં આ રીતે ફળવાન બન્યું છે. એ બીજમાં જે જીવનશક્તિ છે, તે શી છે? દુઃખને પરમ ધન તરીકે સ્વીકારવું એ જ એ શક્તિ? એટલા માટે આજે યુરોપમાં હંમેશાં એવી એક આશ્રર્યજનક ઘટના જોવા મળે છે કે, જેઓ મોઢે તો ધર્મનો ઈન્કાર કરે છે અને જડવાદનો જય પુકારતા ફરે છે – તેઓ પણ વખત આવતાં એવી રીતે ધનનો અને પ્રાણનો ત્યાગ કરે છે, નિંદાને અને દુઃખને એવા વીરની પેઠે સહન કરે છે, કે તરત જ આપણને ખબર પડી જાય કે, તેઓ પોતાના અજાણતાં પણ મૃત્યુ ઉપરવટ અમૃતને સ્વીકારે છે… અને સુખ કરતાં માનવજાતના મંગલને જ સાચું માને છે!

‘ટાઈટનિક’ જહાજમાં જેમણે પોતાના પ્રાણને નિશ્ચિત રૃપે તુચ્છ ગણીને પારકાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે બધા જ કંઈ નિષ્ઠાવાન ધાર્મિકો હતા એમ નથી. એટલું જ નહિ, તેઓમાં કોઈ કોઈ નાસ્તિક અથવા અજ્ઞેયવાદી પણ હોવાનો સંભવ છે. પરંતુ તેઓ કેવળ પોતે જુદો મત સ્વીકાર્યો છે એટલા જ કારણે આખી જાતિની ધર્મસાધનાથી પોતાને તદ્દન અલગ શી રીતે કરી શકે? કોઈપણ જાતિમાં જે તપસ્વીઓ હોય છે તેઓ આખી જાતિ વતી તપસ્યા કરતા હોય છે.

ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે માણસનાં નાનાં મોટાં બધાં દુઃખો પોતે ઉઠાવી લેવાની આવી શક્તિ અને સાધના આપણા દેશમાં વ્યાપક ભાવે જોવામાં આવતી નથી, એ વાત ગમે એટલી અપ્રિય હોય તોયે એનો સ્વીકાર કર્યા વગર આપણો છૂટકો નથી. પ્રેમભક્તિમાં જે ભાવનો આવેગ હોય છે, રસની લીલા હોય છે, તે આપણામાં પૂરતાં છે, પરંતુ પ્રેમમાં જે દુઃખનો સ્વીકાર હોય છે, જે આત્મત્યાગ હોય છે, સેવાની જે આકાંક્ષા હોય છે, જે પરાક્રમ દ્વારા જ સિદ્ધ કરી શકાય છે, તે આપણામાં ક્ષીણ છે.

આપણે જેને ઠાકોરસેવા કહીએ છીએ તે દુઃખપીડિત માણસો મારફત ભગવાનની સેવા નથી. આપણે પ્રેમની રસલીલાને જ ઐકાન્તિક રીતે સ્વીકારી લીધી છે, પ્રેમની દુઃખલીલાને સ્વીકારી નથી. પ્રેમને ખાતર દુઃખ વેઠવું એ જ સાચું ત્યાગનું ઐશ્વર્ય છે, એના વડે જ માણસ મૃત્યુ ઉપર વિજય મેળવે છે. શાસ્ત્ર માં કહયું છે કે ‘નાયમાત્મા બલહીનેન લભ્યઃ’ અર્થાત દુઃખ સ્વીકાર કરવાનું બળ જેનામાં નથી તે પોતાને સાચી રીતે પામી શકતો નથી. એનો એક પુરાવો એ છે કે આપણે પોતાના દેશને પોતે પામી શકયા નથી. આપણા દેશના માણસો કોઈના પણ પોતીકા ન થઈ શકયા. દેશ જેને પુકારે છે, તે જવાબ દેતો નથી. અહીંની જનસંખ્યા તેની શક્તિને બદલે, પોતાની દુર્બળતાને જ પ્રગટ કરે છે.

એનું મુખ્ય કારણ એ કે આપણે દુઃખ દ્વારા એકબીજાને પોતાના કરી શકયા નથી. આપણે દેશના માણસોને કશું મૂલ્ય જ ચૂકવ્યું નથી – મૂલ્ય ચૂકવ્યા વગર કશું મળે શી રીતે? મા પોતાના પેટનાં સંતાનને પણ રાત-દિવસ સેવા દુઃખનું મૂલ્ય ચૂકવીને પ્રાપ્ત કરે છે.

યુરોપના ધર્મે યુરોપને એ દુઃખપ્રદીપ્ત સેવાપરાયણ પ્રેમની દીક્ષા આપી છે. એને જોરે જ ત્યાં માણસ સાથે માણસનું મિલન સહજ બન્યું છે. એને જોરે જ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સેંકડો તપસ્વીઓ આત્માની આહુતિ આપીને આખા દેશના ચિત્તમાં રાત-દિવસ તેજનો સંચાર કરતા રહે છે. એ કઠિન યજ્ઞાહુતાશનમાંથી જે અમૃત પ્રગટે છે – તેના વડે જ ત્યાં ચિત્ર-શિલ્પ-કળા, વિજ્ઞાાન, સાહિત્ય, વેપાર અને રાજકારણનો આટલો વિરાટ વિસ્તાર થાય છે, એ તપસ્યાનું સર્જન છે, અને એ તપસ્યાનો અગ્નિ જ માણસની આધ્યાત્મિત શકિત છે, માણસનું ધર્મબળ છે!

મલેરિયાના વાહક મચ્છરથી માંડીને સમાજની અંદરનાં પાપ સુધીના બધા જ અસુરોની સાથે ત્યાં હાથોહાથની લડાઈ ચાલી રહી છે, નસીબ ઉપર જવાબદારી નાખીને કોઈ બેસી રહેતું નથી – પોતાના પ્રાણને સુધ્ધાં જોખમમાં નાખીને વીરોનાં દળ સંગ્રામ ખેલી રહયા છે.

હા, યુરોપમાં નબળી પ્રજાઓ પ્રત્યે ન્યાયનો વ્યભિચાર પુષ્કળ જોવામાં આવે છે. પરંતુ તેની સાથોસાથ એ નિુર બળના મદથી મત્ત બનેલા લોભના ખેતરમાંથી જ ધિકકારના પોકાર પણ જાગે છે. પ્રબળ અન્યાયનો પ્રતિકાર કરવા ઈચ્છે એવા સાહસિક વીરોની પણ ત્યાં ખોટ નથી, દૂર દૂરની પરાઈ જાતિનો પક્ષ લઈને દુઃખો વેઠવામાં લગારે ન ખંચાય એવી દઢનિષ્ઠાવાળી સાધુચરિત વ્યક્તિઓનો ત્યાં તોટો નથી. તેઓ સમાજમાં રહેલી ન્યાયપરાયણતાની શક્તિના પ્રતિનિધિ હોય છે. તેઓ જ ખરા ટેકીલા ક્ષત્રિય યોધ્ધા હોય છે, પૃથ્વીના સમસ્ત દુર્બળોનું ક્ષયમાંથી પ્રાણરક્ષણ કરવા માટે તેમણે સહજ ભાવે કવચ ધારણ કરેલું હોય છે. દુઃખમાંથી માણસનો ઉદ્ધાર કરવા માટે જેમણે દુઃખ વેઠયાં હતાં, મૃત્યુમાંથી માણસને અમૃતલોકમાં લઈ જવા માટે જેમણે મૃત્યુ વધાવી લીધું હતું, એવા તેમના સ્વર્ગીય મસીહાના લોહીખરડયા દુર્ગમ માર્ગે તેઓ હારબંધ ચાલ્યા જ જાય છે.

આપણામાં ઘણા અહંકારપૂર્વક કહેતા હોય છે કે, દારિદ્રય, કંગાલિયત જ અમારું આભૂષણ છે. વૈભવને પ્રાપ્ત કરવાની અને પોતાના કબજામાં રાખવાની જેમનામાં શકિત છે તેમનું જ દારિદ્રય ભૂષણ હોઈ શકે. જેમને પેટ ભરીને ખાવાનું મળતું નથી એટલા માટે જેઓ અવસાદથી ફિકકા પડી ગયા હોય છે, જેઓ કોઈ પણ ઉપાયે જીવ બચાવવા ઈચ્છે છે, છતાં જીવ બચાવવાનાં અઘરા ઉપાય લેવાની જેમનામાં શક્તિ નથી એટલે જેઓ વારંવાર ધૂળમાં આળોટી પડે છે, પોતે ગરીબ હોવાને કારણે જ જેઓ તક મળતાં બીજા ગરીબનું શોષણ કરે છે અને પોતે અશકત હોવાને કારણે જ સત્તા મળતાં જ બીજા અશકતો ઉપર ઘા કરે છે, તેમનું ‘દારિદ્રય’ એટલે કે આપણી ગરીબી ભૂષણરૃપ નથી જ.

એટલે હું કહેતો હતો કે તીર્થયાત્રાની ભાવનાથી જ જો યુરોપના પ્રવાસે જઈએ તો તે નિષ્ફળ નહિ જાય. ત્યાં પણ આપણા ગુરુ છે – એ ગુરુ તે ત્યાંના માનવસમાજની અંતરતમ દિવ્યશક્તિ.

બધે જ ગુરુને શ્રદ્ધાપૂર્વક શોધી લેવા પડે છે, આંખ ઉઘાડતાં જ કંઈ સામે મળતા નથી. ત્યાં સમાજના જે પ્રાણ-પુરુષ છે, તેમને આપણી અંધતા અને અહંકારને કારણે જોયા વગર જ પાછા આવી રહીએ એ અસંભવિત નથી. અને એવી એક વિચિત્ર માન્યતા લઈને પાછા આવીએ એમાં પણ નવાઈ નથી કે, યુરોપનું ઐશ્વર્ય કારખાનાં ઉપર આધાર રાખે છે અને પશ્ચિમ ખંડના સમસ્ત માહાત્મ્યના મૂળમાં યુદ્ધના શસ્ત્ર, વેપારનાં વહાણો, અને બાહય વસ્તુના ઢગલા રહેલાં છે.

જે પોતાની અંદર સાચી શક્તિને અનુભવી શકતો નથી તે બહુ સહેલાઈથી એમ માની બેસે છે કે, બધી શક્તિ બહારની વસ્તુઓમાં છે અને જો કોઈ પણ રીતે અમે પણ કેવળ એ બહારની વસ્તુઓ ઉપર કબજો મેળવી શકીએ, તો અમારું બધું દારિદ્રય ફીટી જાય. પરંતુ યુરોપ ચોકકસ જાણે છે કે રેલવે, યંત્રો અને કારખાનાઓને લીધે તે મોટું નથી. એટલા માટે જ વીરની પેઠે તે સત્યને ખાતર ધન અને પ્રાણ સમર્પણ કરી રહયું છે!”

ફાસ્ટ ફોરવર્ડ

”બધી ભૂલોને રોકવા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર જ રહી જશે!”( રવિન્દ્રનાથ ટાગોર)

Tagore-old

 
14 Comments

Posted by on મે 7, 2015 in Uncategorized

 
 
Follow

Get every new post delivered to your Inbox.

Join 4,668 other followers

%d bloggers like this: