RSS

હાં થોડા દર્દ હૈ,પર ચલતા હૈ…..

28 Apr

સપના તૂટા હૈ,
તો દિલ કભી જલતા હૈ,
હાં થોડા દર્દ હુઆ,
પર ચલતા હૈ……….

આજકાલ આપણે સહુ આપણી આસપાસ હસતા,રમતા,લડતા, ઝગડતા,બોલતા,ચાલતા સ્વજનો ને ઘડીના છઠ્ઠા ભાગમાં આંખ સામે ભસ્મીભૂત થતા જોઈ રહ્યા છીએ ત્યારે થતી વેદના,પીડા કે દુઃખ અસહ્ય છે પરંતુ કોણ કોને આશ્વાસન આપે એવી સ્થિતિ હોય ત્યારે માનસિક અને શારીરિક રીતે સ્થિર રહેવું ખૂબ અઘરું છે પણ અસંભવ નથી.
કપરા સમયે કોણ પોતાના છે એની ઓળખ થઈ જાય છે અને એ પીડા મૌત કરતા પણ વધુ ભયાનક હોય છે. એ પપ્પાને ગયા ને એક મહિનામાં સમજાઈ ગયું છે. દરેક ને અનુભવો શીખવે છે. મૃત્યુ ને નજીકથી જોયા બાદ બહુ બધા વહેમો, પૂર્વગ્રહો હવામાં ઉડી ગયા છે.
આસપાસ જોઉં ત્યારે ઘમંડમાં અને હોશિયારી મા ફરતા કે પોતે ધારી લીધેલા અન્ય વિશેના અભિપ્રાયોમા જ રચ્યા પચ્યા રહેતા લોકોની દયા આવે ખરેખર. જીવનનો એક ક્ષણનો ભરોસો નથી અને આ લોકોને કેમ આવો સમય મળી જતો હશે એ મારા માટે હમેશાં આશ્ચર્ય રહ્યું છે.


કુદરતની બેલેન્સ કરવાની રીત અજીબ અને અકળ છે જેને કોઈ નથી સમજી શક્યું. અનેક લોકો પોતાના માતા-પિતા,ભાઈ – બહેન,પતિ-પત્ની, સંતાનો,મિત્રો, વડીલો ને દરરોજ ગૂમાવી રહ્યા છે ત્યારે કોઈ મોટીવેશન કામ નથી કરતું. કોઈ સહાનુભૂતિ કારગત નથી નીવડતી.
એટલે રડવું આવે તો રડી લેવું. બહાર ન નીકળી શકેલા આંસુ અને પીડા અંદરથી તમને ખોતરી નાખે છે સતત. જે કયા સ્વરૂપે બહાર આવશે એ કોઈ નથી જાણતું એ સ્વાનુભવે જ લખી રહી છું. એટલે લાગણીઓ ને દબાવો નહીં. એને વ્યક્ત થવા દો બસ ખાલી થઈ જાવ એટલે બધું સ્પષ્ટ દેખાવા લાગશે અને પછી એની બધી રમત સમજાવા લાગશે.
અને જ્યારે આ રમત સમજાઈ જશે પછી બસ શાંતિ જ શાંતિ અનુભવાશે. તમે જેને ખૂબ ખૂબ ખૂબ ચાહો છો એનું તમને છોડીને જતા રહેવું, મૃત્યુ પામવું કે બિમારી ગ્રસ્ત થવું એ બધું જ એના નિશ્ચિત સમયે ઘટે જ છે બસ આપણે એના માટે તૈયાર નથી હોતા,કદી વિચાર્યું નથી હોતું કે આવું પણ થઈ શકે અને એટલે એ ઘટના આપણને અસહ્ય આઘાત આપે છે,દર્દ આપે છે.

પણ જોવા જાવ તો વહેલા મોડા કદાચ એ ઘટવાનુ જ હતું. કોઈ બિમારી, બહાના,મજબૂરીઓ તો બસ નિમિત્ત માત્ર હોય છે જે એ સમયે આપણને નથી સમજાતું હોતું.

પણ સમય આવ્યે સમજાઈ જતું હોય છે કે આ આમ જ હતું બસ આપણે જોઈ ન્હોતા શકતા.મૃત્યુ નુ પણ એવું જ છે. એ સાશ્વત છે,પીડા અને દર્દ એ સુખની ગેરહાજરી માત્ર છે જેમ અજવાળું એ અંધકાર ની ગેરહાજરી માત્ર છે બસ એમ જ.
એટલે જે ક્ષણીક સુખની પળો મળે છે એને માણતા શીખો ,એ સમયે ગાંડપણની હદ સુધી બધું માણી લો. કોઈનો સાથ,પ્રેમ, વિશ્વાસ અને ખુશી નુ આયુષ્ય કેટલું છે એ આપણે નથી જાણતા એટલે જે તમારી સાથે બની રહ્યું છે એને ભરપૂર માણતા શીખી જાવ એટલે કદાચ એ જતું રહે તો એટલી બધી મીઠી યાદો તમારી પાસે હોય જેના સહારે જીવવું થોડું સરળ થઈ જાય. બાકી આખી જીંદગી અફસોસમા વીતી જશે ખબર પણ નહીં પડે.


આપણે બધા જ કોઈ નાટકના પાત્રો માત્ર છીએ જેને લખવાવાળો ક્યારે કયા ભાગમાં અચાનક તમારી વાર્તા પૂરી કરી નાખશે એ કોઈ નથી જાણતા અને આપણા હાથમાં ફક્ત એટલું જ છે કે આપણે આપણા ભાગે આવેલો રોલ નિભાવવામાં જીવ રેડી દઈએ.એવો અભિનય કરી જઈએ કે જ્યારે પડદો પડે ત્યારે આંખોમાં આંસુ અને હોઠો પર સ્માઈલ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન મળે .

એટલું બધું અઘરું નથી આ બધું. જાગ્યા ત્યારથી સવાર સમજી આજથી અત્યાર થી જ શરુ કરી દો ને જીવવાનું. વ્યક્ત કરી દો જે પણ મનમાં છે એ. વાત કરવી છે તો કરી લો.ગુસ્સો કાઢવો છે તો કાઢી લો.ફરીયાદ કરી લો,પ્રશ્નો પૂછી લો,માફી માગી લો, માફ કરી દો,સ્વિકારી લો,કહી દો. બસ વ્યક્ત થઈ જાવ કાલની રાહ ન જુવો. કાલે સવારે શું થવાનું છે એ આપણે નથી જાણતા તો શું કામ મનને ભારમાં રાખવાનું?

વર્તમાન સ્થિતિ જોતા ક્યારે આપણો વારો આવી જાય એ નક્કી નથી તો આટલી બધી નેગેટિવીટી વચ્ચે પણ આપણે ટકી રહેવાનું છે બસ એ નિશ્ચય કરી લો. અને જો આપણે ટકી ગયા તો એની પાછળ કોઈ કારણ હશે , કુદરત કંઈક કરાવવા માગતી હશે આપણી પાસે એમ સમજી બસ જીવી લો. જે ગયા એ પાછા નહીં જ આવે એ વાસ્તવિકતા સ્વીકારવા સીવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી આપતી કુદરત એટલે જે છે એને ખૂબ પ્રેમ આપો,એ બધું જ કહો જે કહેવા માંગો છો. એકવાર શ્વાસ બંધ થયા બાદ એની પાછળ લાખો રુ.ખર્ચ કરો,દાન કરો,રડો કે યાદ કરો ,બધું જ વ્યર્થ છે. વખાણ કરવા કોઈના મરવાની રાહ શું કામ જોવાની? અત્યારે ન કહી શકો? પ્રેમ કરો છો એ રોજ કહો,સતત કહો. કેર કરો છો,યાદ કરો છો એ જતાવતા રહો સતત. જ્યાં સુધી જીવતા છો આ બધું જ કરો. મરતા પહેલા મરવાનું નથી જ નથી આપણે એ પ્રજાતિ છીએ જે છેલ્લા શ્વાસ સુધી હાર નથી માનતી .
દરેક પરિસ્થિતિ નો હસીને સામનો કરી શકવા આપણે બધા જ સક્ષમ છીએ . હા કેટલીક પીડાઓ જીવનભર રહેશે જ સાથે પણ તો શું? હોઠો પર તો હમેશાં સ્માઈલ જ રાખવાની છે કારણકે આપણે નથી જાણતા કે આપણને ખુશ જોઈને કંઈ કેટલાયને જીવવાનું જોમ આવતુ હશે!
“આનંદ” ફિલ્મ નો મારો એક ફેવરિટ ડાયલોગ છે,
જબતક ઝિંદા હું,
તબતક મરા નહીં,
જબ મર ગયા,
તો સાલા મૈ હી નહીં….
તો ફીક્ર કીસ બાત કી?

આ ક્ષણમાં જ જીવન છે ન પાછળ કશું ન આગળ કશું. જે છે તે બસ અત્યારે આ ક્ષણે જ છે . જીવનને વર્ષોમાં નહીં ક્ષણોમાં જીવતા શીખો અને એવું જીવો કે વાર્તા ના કોઈ અમર પાત્ર થઈ જાવ. અને વાર્તાઓ કદી મરતી નથી યુગો સુધી ચાલ્યા કરે છે. યાદ રાખજો.😊😘

લવ યુ ઓલ. -Jનક 💃

દરેક પરિસ્થિતિમાં બસ હસતા રહો.❤️💃

 

3 responses to “હાં થોડા દર્દ હૈ,પર ચલતા હૈ…..

  1. akhtarvahora

    April 29, 2021 at 1:53 AM

    Beautiful!

    Like

     
  2. VikramAditya

    May 14, 2021 at 12:40 PM

    Super 🙏

    Liked by 1 person

     
    • કૃષ્ણપ્રિયા ❤️

      July 13, 2021 at 2:04 PM

      Thank u

      Like

       

Leave a comment