RSS

Category Archives: romance

દેસી માણહના દેસી પ્રેમની સુસવાટા મારતી વાતો!

સાંજના 7:30 આસપાસ એસ.જી.હાઇવે પર પૂરપાટ દોડતી ઑટો રિક્ષામાં હું બેઠેલી. ભયંકર પવન કાન સાથે અથડાતો હતો,મેં ય દેસી સ્ત્રીઓની જેમ જ સ્કાર્ફ બાંધ્યો હતો.સજ્જડ થઈને હું બેઠી હતી,ને મગજ કંઇ જ વિચારી શકવાની સ્થિતિમાં નહોતું. ઠંડીમાં ઠૂંઠવાઈને ‘નિર્વિચાર’ ભૂમિકામાં પરાણે ગોઠવાઈ હતી.

એમાં રિક્ષાવાળા ભાઈનો ફોન આવ્યો.એમણે ઈયરફોન નાંખેલા,અને સૌથી પહેલી લાઇન બોલ્યા,’અલી,હોવે.. મું એ સેટર પેરી લીધું સ..તું આટલી ખબર ના રાખીશ લી મારી..’અને એમના ગાલ પર ગુલાબી શેરડાએ દેખા દીધી.

અને આપણે સ્વભાવ પ્રમાણે કાનનું ધ્યાન એ બાજુ ઠેરવ્યું. ‘નિર્વિચાર’ને રજા આપી, અને પહેલો વિચાર એ કર્યો કે હવે મારું ઉતરવાનું જલ્દી ન આવે તો સારું!

એમનો વાર્તાલાપ: (સામેથી સ્ત્રી શું બોલી હશે એનો અંદાજ લગાવીને અહીં મારી રીતે લખું છું. ભાઈના જવાબો પરથી અનુમાન લગાવ્યું છે.)

ભાઈ : ચમ અલી છણકા કર સ?

પત્ની: તાર..બીજું સુ કરું? આ તમાર બોનો(બહેનો) ગમે તાર હેંડી આવ સ ઘરે,ન વેલેથી કે’તી નહીં.. હવ અત્તારમોં ફોન આયો સ ક બધીયો આવ સ.. રોંધી રાખજે અમારું. મન કેડો ના દુઃખાય?

ભાઈ: ઓહો હો.. તાણ ઈમાં શું રોવા બેઠી માર ચકલી? બોનો તો ભૈ ન ઘેર ના જાય,તાણ કુના ઘેર જાય,બોલ જોય? ઇ તો કુંવાસી કેવાય બકા.. રાજી થાવાનું. અન જો, તન કેડો દુઃખસ ન? ઘડીક લોંબી થઈ જા ખાટલી પર.. પસે રોંધવા લેજે. મું ય વેલો આઈ જયે આજ ઘેર..

પત્ની: બળ્યું ઇ તો ઠીક,પણ મન હાલ ભૂખ લાગી સ.મું અબ્બી હાલ આઈ મેંદી મેલીને.. હવ ભૂખ્યા પેટે ચૂલો ચેતાવાનો માર તો..

ભાઈ: જો હોંભળ, ઇમ કે ને ક ભૂખ લાગી સ ન બળતરા બોનો પર નેકળે સ.. જો તું આઈ જા આપડા રોડ પર.. મું પોક્યો દસ જ મિલેટમોં.. તન પોણીપુરી ખાવા લઈ જઉ હેંડ મારી હિરોઇન… તું ઓમ રાડો ના પાડીશ.. મન વધાર વા’લ (વ્હાલ) આવ સ..

પત્ની: બૌ મસ્કા ના મારશો હેંડો.. અન પોણીપુરી વારો તો ચ્યારનોય જતો રયો અશે..

ભાઈ: ઇમ તો ઇ જતો રેતો હશે? મું અબ્બી હાલ ઈને ફોન કરું સુ.. ઇ ઉભો જ રેશે. તું આય ઝટ રોડ પર. અન હોંભળ, તાર સાડલાનો છેડો હરખો કરીન,સેટર પેરીન આવજે. અન રૂમાલ કોન ઉપર બોંધજે,ભૂલતી નઈ. જબ્બર પવન સ બાર તો.

પત્ની: એ હો. આ આઈ મું. તમ ચેટલું બધું ધ્યોન રાખો સો મારું,નૈ?

ભાઈ: અલી મારી ચકલી, તું સ તો મારે આ ધંધો કરવાનો ન બે પૈસા રળવાનો જીવ થાય સ, તારા હાંતુ તો મું ગમ્મે ઇ કરું… તારું ધ્યોન રાખવા શિવાય માર બીજું કરવાનું સ સુ,બોલ જોય?


ફોન મુકાઈ ગયા પછી એ ભાઈએ મારી સામે જોયું, એમના અરીસામાંથી. મેં સ્માઈલ આપી. ભાઈ બોલ્યા, ‘બેન,બૈરી બચારી એનું ઘર ન મા-બાપ છોડીને,ઈનું ગોમ ન સખીઓને છોડીને આપડી જોડ આવતી હોય,અને આપડે પસી દખ આલીએ,ન ઇની વાતો ન હમજીએ નૈ, તો કુણ હમજે,બોલો જોય? ઈનું તો જી ગણો ઇ મું જ સુ. હવ ઇની બળતરા ક રાજીપો,બધું મારે જ ઝીલવું પડે ક નૈ? અન જો મું ઇ ચૂકી જઉં, તો નેહાકા નડે ક નૈ? ઇ ય કોકની તો સોડી (છોકરી) જ સ ન? ઇ ય કુંવાસી નૈ? અન બોન, ઇની ભાત તો તમ જોવો તો તમન ખબર પડે.. મેંદી તો એવી મેલી આલે ને.. બચાડી થાકી જાય સ આખો દાડો મેંદી મેલવા જાય એટલે.. માર હમજવું પડ ક નૈ?


ફરીથી એક એવો અનુભવ કે જેમાં વ્યક્તિનું ભણતર,સ્થળ,ઉછેર – કશું જ મેટર નહોતું કરતું. એનો નિખાલસ પ્રેમ,એની સમજાવટ અને એની માનવતા… ક્યાં કોઈ ખાનદાન કે ડીગ્રીની મોહતાજ હતી?

આવું બનતું રહે છે સતત,આપણી જાણ બહાર કે દેખીતી રીતે. અને એટલે જ સ્નેહની કડીઓ તૂટી નથી જતી. એ વિસ્તરે છે,એની અઢળક શાખાઓમાં વહેંચાઈ જાય છે, અને આવા સ્નેહ ઝરતા માણસો સુખની સુગંધ ફેલાવતા રહે છે. ❤️

~ Brinda Thakkar

 
1 Comment

Posted by on September 25, 2020 in life story, philosophy, romance, youth