RSS

Category Archives: religion

શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો, વિધાર્થીઓ અને દેશના તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:

1962થી આપણે જેમના જન્મદિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવીએ છીએ એવા ફિલોસોફર પ્રેસિડન્ટ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના એજ્યુકેશન પરના વિચારો વિશે જાણવા ગૂગલ કરતા સ્પાર્ક થયો કે આ મહાનુભવે તો એવા એવા ક્રાંતિકારી વિચારો રજુ કર્યા છે કે આ વિચારો અમલમાં મુકાય તો ભારતદેશ ફરીથી બેશક રામરાજ્ય બની જાય. પણ તકલીફ તો એ છે કે વિદ્વાન રાષ્ટ્રપતિના વિચારોમાંથી શીખ લેવાને બદલે એમના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને આપણે ફક્ત ઉજવણી પૂરતો જ સીમિત રાખ્યો. બાકી જો ધારીએ તો એમના અમુક ચુનંદા કવોટ્સમાંથી જ આખું નાગરિકશાસ્ત્ર શીખી શકાય એમ છે.

  1. પુસ્તકો એ માધ્યમ છે જેના દ્વારા આપણે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે બંધનું નિર્માણ કરી શકીએ છીએ:

બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્ને માર્કસના ચક્કરમાં પાઠ્યપુસ્તકો સિવાયના બીજા પુસ્તકોને વર્જ્ય માની બેઠા છે. મહિને એકાદ પુસ્તક કે બે ત્રણ મેગેઝીન વાંચતા હોય એવા શિક્ષકો પણ હવે જૂજ રહ્યા છે. સ્કૂલ હોય કે ટ્યુશન હોય, એજ્યુકેશનનો મતલબ જ ગોખણપટ્ટી કરીને ઢગલામોઢે માર્ક્સ લાવવાનો થઈ ગયો છે. (કોઈ ક્રાંતિકારી શિક્ષક બીજા પુસ્તકો વિશે જ્ઞાન આપવાની કોશિશ કરે તો વાલીઓ જ હોબાળો મચાવે એવી દયનીય પરિસ્થિતિ છે.) પણ કરન્ટ અફેર્સથી માહિતગાર રહેતા હોય એવા નાગરિકો સમજતા હશે કે ડોકટર્સ, એન્જિનિયર કે એમ.બી.એ કરતા હાલના તબક્કે વધારે ક્રેઝ સિવિલ સર્વિસનો છે. યુપી, બિહાર અને રાજસ્થાન સિવાય હવે ગુજરાતમાં પણ સિવિલ સર્વિસનો વાયરો યુવાવર્ગમાં જે રીતે ફેલાઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં ફરીથી જનરલ નોલેજ અને સાહિત્યનો જમાનો આવવાનો જ છે. પર્સનલ કરીઅર સિવાય રાષ્ટ્રીય એંગલથી વિચારીએ તો પણ વાંચનના અભાવે સંસ્કૃતિઓ વચ્ચે પુલનિર્માણની વાત તો દૂર રહી, ઊલટું ખીણ વધુ પહોળી ને ઊંડી થતી જાય છે.

  1. શિક્ષકો દેશનું શ્રેષ્ઠ બુદ્ધિધન હોવા જોઈએ:

આ ક્વોટને પહેલા કવોટના અનુસંધાનમાં લઈએ તો વાંચન જ ઘટતું જાય છે અથવા તો યોગ્ય દિશામાં જ્ઞાનપ્રાપ્તિનો મોહ જ પૂરો થઈ રહ્યો છે ત્યાં ‘શ્રેષ્ઠ બુદ્ધિધન’ બનવાની વાતો જ બહુ દુરની છે. બહુ ઓછા શિક્ષકો એવા હશે જે વિદ્યાર્થીકાળથી જ ખાસ શિક્ષક બનવાનું સપનું સેવીને બેઠા હશે. બાકી તો ડોકટર-એન્જિનિયર બનતા રહી ગયા હોય એવા સ્ટુડન્ટસ જ શિક્ષક તરીકેની કારકિર્દી પસંદ કરતાં હોય છે. (આમાં ઉંચા માર્કસને રેફરન્સ તરીકે જોવા કરતા ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ વધારે ધ્યાનમાં લેવું.) અનિચ્છાએ પસંદ કરેલી કારકિર્દીમાં પગાર સિવાયના બહુ ઓછા કલ્યાણકારી ટાર્ગેટ મગજમાં હોય એ સ્વભાવિક છે. એટલે ફરીથી શિક્ષક તરીકે સફળતાની કેસેટ ટકાવારી પર આવીને અટકી જાય છે. વિજ્ઞાન, ટેકનોલોજી કે ઇતિહાસની પરફેક્ટ સમજ પાઠ્યપુસ્તકોની બહાર પણ આપી શકે એવા શિક્ષકો પણ આંગળીને વેઢે ગણાય એટલા જ રહ્યા છે. કારણ કે ‘ શ્રેષ્ઠ બુદ્ધિધન’ તરીકેની ઓળખ માટે માર્કસની બહાર પણ એક દુનિયા હોય એ ડો.રાધાકૃષ્ણનનું સપનું શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ભૂલી ગયા છે.

  1. શિક્ષક એ નથી જે તથ્યોને વિધાર્થીઓના મગજમાં બળજબરીથી ઠૂંસે, પણ સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીઓને આવતીકાલના પડકારો માટે સજ્જ કરે:

આ કવોટની કરુણતા એ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ‘તથ્યો’થી જ આપણે દૂર થતાં જઈએ છીએ. કદાચ ડો. રાધાકૃષ્ણનના જમાનામાં અતિશય આદર્શવાદી કે ગાંધીને ઓળખ્યા વગર ‘ગાંધીવાદી શિક્ષક’ તરીકે પ્રસિદ્ધ થવાની ફેશન હોવાથી આ ક્વોટ લખાયું હશે. પણ હવે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝના મુશળધાર મારાની સામે પૂરતા વાંચનના અભાવે ‘તથ્યો’થી તો ક્યારેક શિક્ષકો પોતે જ માહિતગાર નથી હોતા. (દરેક સજ્જ શિક્ષકે ભાવિ નાગરિકોને સજ્જ બનાવવા હોય તો સોશિયલ મીડિયામાં ફેલાતા ફેક ન્યુઝથી જાગૃત કરવા, વિજ્ઞાન અને ટેકનોલોજીની વૈશ્વિક લેટેસ્ટ ખબરો વિશે જાણકારી આપવા માટે દરરોજ બે પાંચ મિનિટ ફાળવવી જ જોઈએ.) વિધાર્થીઓ તથ્યોને પચાવતા શીખશે તો જ ભવિષ્યના પડકારો માટે તૈયાર થઈ શકશે. બાકી ધર્મ અને રાજકારણના ગંદા કાદવમાં ઊંડા ને ઊંડા ખૂપતા જશે.

  1. આપણા દેશમાં ભગવાનની પૂજા નથી થતી, પણ ભગવાનના નામે બોલનારાઓની પૂજા થાય છે:

લગભગ પચાસ વર્ષ પહેલાં ડોકટર સાહેબે જે લખ્યું એ આજે એક હજાર ને એક ટકા સાચું કેમ લાગે છે? મોરારીબાપુ કાયમ કહે છે કે આપણે ગીતાને બહુ માનીએ છીએ પણ ગીતાનું નથી માનતા. બહુ કડવું પણ સદીઓથી પેસી ગયેલા (અ)ધાર્મિક ઇન્ફેક્શનનો આ ચોખ્ખો રિપોર્ટ છે. દરેક ધાર્મિક ગ્રંથોમાંથી સીધું જ્ઞાન મહેનત કરીને લેવામાં આપણે સદંતર નિષ્ફળ ગયા. ( કુરાનનો ક્રૂર દુરુપયોગ આખા જગતે અનુભવ્યો છે.) પરિણામે ધર્મને સમજવા માટે આપણે બહુ સરળ પડે એમ ફાલતુ કટ્ટર નેતાઓ અને ધર્મના બની બેઠેલા ઠેકેદારોની મદદ લેવી પડી. પાળેલા પશુઓની જેમ રાજકારણીઓ અને ધર્મધુરંધરો દોરે એ દિશામાં દોરાતા રહ્યા. અંતિમ પરિણામરૂપે ધર્મનું જ્ઞાન અને ડહાપણ એમના ભાગે આવ્યું જ્યારે આપણા જેવા નાગરિકોના ભાગે આવ્યું ફકત અને ફક્ત ધર્મનું ઝનૂન કે ધર્માંધતા!
(એક ફિલ્મમાં જોયેલું કે એક મુસ્લિમ કોલેજીયન યુવતી કુરાનના ખોટા અર્થઘટન કરીને લોકોને ઉશ્કેરતા મૌલવીને જાહેરમાં સાચું અર્થઘટન કરીને સ્તબ્ધ કરી દે છે. એ સિવાય હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં પણ સીધા અભ્યાસને બદલે ધર્મગુરુઓની વાતો આંખો અને મગજ બંધ કરીને સ્વીકારી લેવાથી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને સંઘર્ષોની વણઝાર બહુ ઊંડી ઉતરેલી છે.)

  1. કોઈ પણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી જ્યાં સુધી વિચારોની આઝાદી પ્રાપ્ત ના થાય. કોઈ પણ ધાર્મિક વિચાર કે રાજકીય સિદ્ધાંત સત્યની શોધમાં બાધારૂપ ના બનવો જોઈએ:

આ વિચારથી તદ્દન વિપરીત આપણે તો આપણું સત્ય જ ધાર્મિક-રાજકીય માન્યતાઓ મુજબ ઢાળતા ગયા. ધર્મ અને રાજકારણ એક એવો ઝનૂની પડદો છે, જે સત્યની આડે આવી જાય તો ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર પણ ભુલાવી દે છે. ‘સત્ય’ અને ‘તથ્ય’ સાથેનો સંબંધ અળગો થતો ગયો એથી આજે સોશિયલ મીડિયામાં નહેરુ, ગાંધી, સરદાર અને સાવરકર જેવા ક્રાંતિકારીઓ વિશેની આડેધડ વાતો આપણે જોયા કરીએ છીએ. લગભગ સાચી પણ માની લઈએ છીએ. પણ એ પડદો ખસેડવામાં અપૂરતું વાંચન આડે આવે છે. માટે ખુલીને સત્યરૂપી અરીસો બતાવવામાં નિષ્ફળ જઈએ છીએ. ( દરેક શિક્ષક જો ગાંધી, નહેરુ અને સરદાર પ્રત્યેની ધડમાથા વગરની અફવાઓથી પોતાના વિદ્યાર્થીઓને માહિતગાર કરે તો એ પણ ભારતદેશના વર્તમાન અને ભવિષ્ય માટેનું એક પવિત્ર ‘સત્ય’ જ કહેવાશે.)

ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે. માટે દોષનો ટોપલો શિક્ષકો અને વિધાર્થીઓ પર ઢોળી દેવાથી આપણે આપણા નાગરિક ધર્મથી છટકી નથી શકતા. અહીંયા શિક્ષકોને ફક્ત સ્કૂલ-ટ્યુશન પૂરતા સીમિત ગણવાના નથી. વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લેખક, પત્રકારો અને વક્તાઓ પણ શિક્ષકો જ છે. સોશિયલ મીડિયામાં લખતા તમામ નાગરિકો જે પોતાના વિચારો અન્યો સુધી પહોંચાડે છે એ પણ શિક્ષક જ છે.

ટૂંકમાં, દરેક નાગરિક શિક્ષક અને વિદ્યાર્થીનો રોલ દરરોજ ભજવતો રહે છે. એ દ્રષ્ટિએ ડો. રાધાકૃષ્ણનના અણમોલ વિચારો જીવનમાં એક ટકો પણ ઉતારીએ તો પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવા પાછળની એમની ઉજળી ભાવનાનું તેજસ્વી પ્રતિબિંબ ભવિષ્યમાં ભવ્ય ભારત તરીકે દુનિયાભરમાં ઝળકી ઉઠશે અને આપણે સાચા અર્થમાં ‘વિશ્વગૃરુ’ તરીકે ડંકો વગાડીશું. બાકી તો એમના જ શબ્દોમાં ‘ જે નાનકડા ઈતિહાસને સર્જાતા સદીઓ લાગે છે, એ જ ઈતિહાસ બીજી સદીઓ સુધી ફક્ત પરંપરાઓ બનીને રહી જાય છે.

~ ભગીરથ જોગિયા