RSS

Category Archives: interaction

આપણે Apps પરના apes!

આપણે Apps પરના apes!

આપણે પણ જુદી જુદી “apps” પર કુદકાઓ મારતા “apes” થઈ ગયા છીએ! ને આપણને પણ થોડી સ્પેસ મળી રહે ને આપણા દિમાગ હેંગ ના થઇ જાય એ માટે પેલા ઓકટાકોર સ્નેપડ્રેગનની જેમ હવે કોઈ આઠપગા સાંપ કે ડ્રેગનની જરૂર હોય એવું લાગે છે! જે જમતી વખતે આપણા હાથમાંથી ફોન તુરંત લઇ લે અને લાફો ઠોકી દે!(હવેના મમ્મી પપ્પા આ કામ કરતા ગભરાય છે ક્યાંક એમનું સંતાન ઇન્સ્ટા પર વાંચેલી કોઈ સ્ટોરી પરથી ઈન્સપાયર થઈને એમના પર કેસ ના ઠોકી દે!)

ઘણા મિત્રો બસ એક જ કોલ દૂર હોય છે આપણાથી!

જેમ કોઈને ગાળો આપવા, સંભળાવી દેવા કે દુઃખ દર્શાવવા માટે “ભૂલથી” ડ્રન્ક કોલ થઈ જાય છે , એમ ક્યારેક જાણીજોઈને કોઈની ખબર પૂછવા,પ્રશંસા કરવા,સહકાર આપવા ,સહાનુભૂતિ આપવા કે પછી “બસ એમ જ” જો આપણાથી કોલ થઇ જતાં હોય તો ઘણાની જીન્દગીઓ બચી જાય! વ્યસ્ત હોવાનો ઢોંગ કરતી વખતે આપણે કેવા સ્વસ્થ હોઈએ છીએ નહિ? ને પછી કોઈના ગયા પછી શું કહીશું? રોજ એના સ્ટેટ્સ જોતો ત્યારે થતું કે કંઈક તો સમસ્યા લાગે છે!

રોજ અમે એકબીજાને સ્નેપ મોકલતા! આજે એનો સ્નેપ આવ્યો નહિ એટલે મને જરા નવાઈ તો લાગી! પણ પછી થયું કે આજે બીઝી હશે કે ભૂલી ગયો હશે! ભઈલુ તું બિઝી હતો કે ભૂલી ગયો એ હવે સ્વીકારીશ કે નહીં? જેટલી લાંબી તમારી સ્નેપસ્ટ્રીક હોય એટલો લાંબો, મજબૂત ટકાઉ તમારો સંબંધ હોય એ જરૂરી છે છે ખરૂ? કદાચ હવે સમજાય છે કે ગિલી દંડાથી શરૂ થઈ ઘડપણમાં ચાલવા માટેની સ્ટીક સુધી લંબાયેલો સંબંધ કેટલો મજબૂત હતો!

પ્રેમ શોધવા માટે ટીન્ડર જોઈએ!(અરે સોરી! ત્યાં તો મોટેભાગે બધા ફ્રેન્ડશિપ માટે જ હોય છે નો હુકઅપ્સ, નો ડેટીંગ,નો સિરિયસ રિલેશનશીપ્સ😂) મતલબ હવે જોડી ઉપરથી નથી બનતી!એપ પર બને છે!કોને ક્યાં મેચ કરવા એ કોઈ એપ નક્કી કરે! એમાં વળી પ્રીમિયમ કરાવો એટલે તમારો સ્કોપ વધી જાય! !

ઘણા બિચારા એવાય હોય છે જેમને પૈસા દીધે પણ પ્રીત સુખ નથી મળતું બોલો! 500 શબ્દોનો બાયો.(ઘણાની તો એટલામાં આખી બાયોગ્રાફી આવી જતી હોય છે!) એય વળી ક્યારેક ક્યાંકથી કોપી કરેલો,કોઈનો ઉધાર લીધેલો સ્વપરિચય! એ બાયો,હવે તમારી વેલ્યુ નક્કી કરે છે! 500 કેરેકટર્સની લિમિટમાં કોઈનું કેરેક્ટર નક્કી થાય?

દિવસભર ચાલતી સ્વાઇપ્સમાં ઘણાંને તલવારબાજી કરતા હોય એવો આંનદ આવે! કંઈ ખોટું નથી એમ તો! કોઈને એમના મનના માણીગર મળી રહે તો આપણા પેટમાં કેમ દુખે ભાઈ? પણ પુષ્કળ સમય અને પૈસા ખર્ચ્યા પછી પણ આપણને છેલ્લે ખુશી મળે છે ખરી? મોટે ભાગે આવા સંબંધોમાં જેના લીધે મળ્યા હોઈએ એ જ એપ કે ડીવાઈસ પાછળથી કરડવા દોડે! કેમ કે આ એવો પુલ છે જેના પરથી કોઈ પણ આવી શકે અને જઈ શકે, પ્રવાસીઓની અવરજવર ચાલુ જ રહે.

ઇનસિક્યોરિટીઝ,ઓવરપઝેશન,લેક ઓફ અટેન્શનના કારણે જે પહેલા હતી એનાથી વધારે બેચેની વધારે દર્દ અને એકલતાથી જીવનને ભરી દે છે! ઘણા લોકોના દુનિયા,સમાજ અને જીવન માટેના અભિપ્રાયો હંમેશ માટે બદલાય જાય એમ પણ બને! બ્રેકઅપ થયા પછી તમારો મુડ બનાવી રાખવા માટે એવા દુઃખભર્યા ગીતો સંભળાવતી એપ!!

ડુડ સિરિયસલી? થોડું વધી ના ગયું? બ્રેકઅપ થાય પછી તમને વધારે ગમગીન કરે એવા પેજ હોય જ છે ઇન્સ્ટા પર! ને એ બધી જ પોસ્ટ તમારા માટે જ લખાઇ હોય ને તમને જ લાગુ પડતી હોય એવું તમને લાગે! જન્મેં એના બીજા દિવસે જેનું હજુ નામ નક્કી નથી હોતું એવા બેબીઝના પણ ઇન્સ્ટા આઇડી હોય છે બોલો! આ તો એક લક્ઝરી છે કારણકે એને મોટા થયા પહેલા જ ફોલોઅર્સ હોય છે! અને બીજો ફાયદો એ કે એનેે પોતાનું બાળપણ સચવાયેલું જોવા મળે!

અહીં કોઈ રાતોરાત સેલિબ્રિટી બની જાય ને કોઈ રાતોરાત દેશદ્રોહી! કોઈને જનતા ફૂલડે વધાવે ને કોઈને લાફો મારવા માટે પણ એપ ડાઉનલોડ કરો! અરે કોઈની સાથે વાત કરવા માટે પણ app જોઈએ?? બોલાયેલું વચન અને છુટેલું તીર પાછુ નથી વળી શકાતું. પણ સેન્ડ થઈ ગયેલો મેસેજ પાછો ખેંચી શકાય છે! કોઈક વાર થાય છે કે જીવાતી જિંદગી પણ “ડીલીટ એવરીવન” જેવો કોઈ વિકલ્પ આપતી હોત તો?

ગુસ્સામાં આવીને કેટલા બધા સંબંધો બગાડી મુક્યા!અને અભિમાનના કારણે કદી સુધારવા પ્રયત્નો પણ ન કર્યા! એ શબ્દો પાછા ખેંચી શકાય તો? હવે આપણા પસ્તાવા પણ ડિજિટલાઈઝડ થતા જાય છે! ક્યારેક થાય છે કે અમુક લોકોને પેલ્લેથી જ ક્લોઝ ફ્રેન્ડ અને અમુકને પ્રાઈવસી માં નાખી દીધા હોત તો સારું હોત!કાશ! અમુક પળોને કેપ્ચર કરી લીધી હોત! અને અમુક લોકોને અમુક પ્રસંગોએ ટેગ કરી શકાયા હોત!  અમુક લોકોને પેલ્લેથી જ લેફ્ટ સ્વાઇપ કરી દીધા હોત તો આટલું દુઃખ હોત? અમુક કોન્ટેક્ટ્સ “હાર્ટ ડ્રાઈવ” માં સેવ કરી લેવા જેવા હતા!

મને લાગે છે કે અંગૂઠાને હવે છઠ્ઠી કર્મેન્દ્રીય તરીકે અલગ સ્થાન મળી જવું જોઈએ! સારું છે પેલી ગુરુદક્ષીણા વાળી પ્રથા અત્યારે નથી! રખેને કોઈ ગુરુ પોતાના કલાસમાં સતત મોબાઇલ યુઝ કરનાર વિદ્યાર્થી પાસેથી અંગુઠો માંગી લે તો? લોચા પડી જાયને? વધારે વપરાશમાં ન આવતા અંગો  વેસ્ટીજીયલ ઓર્ગન બની જાય છે! માનવદીમાગ વહેલામોડુ આ કેટેગરીમાં આવી જાય તો નવાઈ નહી!પણ અંગુઠાના કોઈ ચાન્સ નથી! અરે માનવજાતના અસ્તિત્વ પછી પણ ટકી રહે એટલો ઉપયોગ આપણે કરી લીધો છે!

પણ આ એપ્સનું એક આખું પ્લેનેટ ગજવામાં લઈને ઘૂમીએ તો પણ આપણો સાચો સંસાર તો ‘ઘર’ જ છે. કારણકે હજુ કોઈ એપ આપણી મમ્મીના હાથનું જમવાનું ડીલીવર નથી કરી આપતી. હજુ કોઈ એપ કોઈ ગમતાંને સ્પર્શ કર્યા પછી થતી ઝણઝણાટી નથી ફિલ કરાવતી, અને હજુ કોઈ એપ ભાઈબંધના ખભે હાથ મૂકીને ચાલવાની લકઝરી નથી આપતી.

~ ડો. મયુર સોલંકી

 
2 Comments

Posted by on September 12, 2020 in feelings, interaction, management, youth