RSS

સલામ-એ-સચીન : રોશની ગઈ, નિશાની રહી… જવાની ગઈ, કહાની રહી!

17 Nov
sachin

સચીન શું છે, એ જાણવા સમજવા માટે આ કમાલ પોસ્ટરને ક્લિક કરી એન્લાર્જ કરી વાંચો !

સચીનને ભારત રત્ન મોડો જાહેર થયો એવું બંદાનું દ્રઢપણે માનવું છે. ૨૦૧૧માં જ ફેસબુક પર મેં સ્ટેટ્સ મુકેલું કે સચીન અને બચ્ચનને તત્કાલ ભારતરત્ન આપો. વિજ્ઞાનીઓ કે નેતાઓ કે બીજા મહાનુભાવોને ના આપો એમ નહિ, પણ જેમણે ખરા અર્થમાં કરોડો ભારતવાસીઓનાં દિલો પર દાયકાઓ સુધી રાજ કર્યું હોય , એમને જ ભારતનાં રત્નો નહિ ગણવાના ? આ તે ક્યાંનો ન્યાય ? લોકપ્રિયતા મેળવવી અને ખાસ તો જાળવવી જરા એ સહેલી બાબત નથી. જેમને ના મળી હોય એમના આંતરિક વલખાં અને વલોપાત જોજો ક્યારેક ઝીણી નજરે …. તરત સમજાઈ જશે ! આ કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. ભારત ચાહે તે ભારત રત્ન બને. સિમ્પલ.

સચીનની નિવૃત્તિ બાબતે મારું સ્ટેન્ડ ક્રિકેટ અને અને એના ચાહક બંને તરીકે ક્લીઅર હતું. એ લાંબી ચર્ચા અહીં જ ચાલી ચુકી છે. સતત બધી વસ્તુ બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવાની કુટેવવાળો આપણો સમાજ બધું ખાના પાડીને જોવા જ ટેવાયેલો છે. સચીનનો બિલકુલ વિરોધી ના હોય એ માણસ પણ એની નિવૃત્તિ / પરફોર્મન્સ બાબતે તર્ક અને તથ્યપૂર્ણ સાચી વાત કરી શકે. અને સાથોસાથ સચીનને પ્રેમ કરી શકે.મારા ‘જય હો’પુસ્તકમાં તો અમિતાભ અને તેન્ડુલકર પરનો એક જોરદાર મોટીવેશનલ આર્ટીકલ છે, હાઈસ્કુલની ટેક્સ્ટબુકમાં મુકવા જોઈએ ( મારે માટે નહિ રે, સચીન-બચ્ચન માટે ). કેટલાક ખાટસવાદિયાઓએ જાણી જોઈ મને સચીનદુશ્મન ચીતરવાનાં ઉધામા કરેલા. આપણું સચીન જેવું, બોલવાવાળા બોલ્યા કરે,રમવા વાળા રમ્યા કરે B-)

અફસોસ, ઘરમાં ચાલતા ધમાધમ કામને લીધે સચીનની વિદાય ટીવીને બદલે પાછળથી વિડીયો પર જોવી પડી. પણ સચીન પર ખૂબ લખાયું છતાં શું લખું ? ની મૂંઝવણ છતાં લખેલો લેખ તો એક સપ્તાહ પહેલા જ લખીને આપી દીધેલો. મિત્ર મિતુલ ધોળકિયાએ અગાઉથી યાદ અપાવ્યું એ માટે એમને થેન્ક્સ. વાચકો ઉઘરાવવા સતત બધા કોલમના લેખો છપાય એટલે તરત બ્લોગ પર મુકવા કે એની ઓનલાઈન લિંકસ શેર કર્યા કરવાના આત્મરતિના ભુખાળવાવેળા મને ગમતા નથી એમાં તો આ બ્લોગ લાંબો સમય રીટાયર થયો છે ! 😉 ( છતાં ય અમુક પગલાદીવાના મને સેલ્ફ માર્કેટિંગ કિંગ કહે છે ! હશે ડિંગ હાંકનારાને શું કહીએ ? 😀 )

પણ આજે તો સ્પેશ્યલ ઓકેઝન  છે , એટલે સચીન પરનો લેખ અહીં આજુએ જ મુકું છું. ક્રિકેટ ભારતનો નશો છે, એમાંથી હું થોડોઘણો મુક્ત થઇ શક્યો છું પણ એથી ભારતીયોનો ક્રિકેટપ્રેમ ઓછો નથી થતો, અને દુનિયાનાં દરેક દેશને કોઈ રમતનું ને રમતવીરોનું ઘેલું હોય જ છે. ભારતમાં ફક્ત ક્રિકેટનો જ ક્રેઝ છે, એની ટીકા થઇ શકે પણ ક્રિકેટના ક્રેઝની જ ટીકા ગેરવાજબી જ નહિ, હાસ્યાસ્પદ છે. ચોવીસે કલાક કંઈ દેશ ભૂતકાળના શહીદોની જ ગાથાઓ પરાણે સાંભળીને બોર ના થાય. કોઈ દેશ નથી થતો. આપણી રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને ક્લ્પના તદ્દન અવાસ્તવિક અને વેવલી છે. અને માત્ર  નારા-લવારા ને થોથાંમાં જ શોભે એવી અવ્યવહારુ છે. એની વે, એ અત્યારનો સબ્જેક્ટ નથી. ટૂંકમાં એટલું કે સચીન જેવા આઇકોન કોઈ પણ દેશ માટે એના આર્મી કર્નલ કે ક્રાંતિકારી જેટલા જ મહત્વના છે, ફક્ત ફિલ્ડ જુદું છે એટલું જ. સચીનની ગઈ કાલની જાદુઈ ફેરવેલ સ્પીચ જેમણે સાંભળી ( હાડો હાડ કોમર્શિયલ કોન્ટ્રાક્ટસને લીધે એના પ્રેમીઓ માટે પણ એનો ઓફિશ્યલ વિડીયો ઉપલબ્ધ નથી, સો સેડ ! ) એમને અહેસાસ હશે જ કે એ કોઈ વિભૂતિના ભાષણ કરતાં ઓછી યાદગાર નહોતી.

તો જોડાઈ જાવ મારી સાથે…લેખ સત્યે સહમત ના પણ થાવ ..સલામમાં તો જોડાશોને? 😛 …સચીન ના ગમતો હોય એમનામાં ય આટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જ જોઈએ. લેખના અંતે બોનસ લેખની લિંક છે, હું ઘણી વાર લખી ચુક્યો છું એમાં ઔર ભી બેટ્સમેન કયું હૈ સચીન કે સિવાની ગવાહી પુરતી. હું તો ઘેર બેઠાં ગટ ફીલિંગથી જે કહું છું, એ ચિક્કાર પૈસો લઇ, ભરપૂર રિસર્ચ કરી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે. શાંત ચિત્તે એ બીબીસીની લિંક વાંચજો. એના લીધે સચીન પ્રત્યેનો આપણો પ્રેમ ઘટી નથી જવાનો. પ્રેમ તો ખામીઓમાં ય ખૂબી જોઈ શકે એને જ કહેવાય ને ! 🙂

===============================================

sachin_ramesh_tendulkar_

 સચીન ક્રિકેટર નથી, કાળખંડ છે. લિબરલાઈઝેશન પછી સતત વિકસતા ભારતીય મિડલ ક્લાસનો અરીસો છે!

”ક્રિકેટના મેદાન પર બેટસમેન એકલો જતો હોય છે…

…પણ તેંડુલકર નહિ! જ્યારે જ્યારે તેંડુલકર ક્રીઝ પર જતો હોય છે, ત્યારે આખો ભારત દેશ એની સાથે ચાલતો હોય છે!”

* * *

મલયાલમ કવિ સી.પી. સુરેન્દ્રનની આ કવિતા ખરેખર તો નરી વાસ્તવિકતા છે. દંતકથારૃપ વ્યક્તિત્વો, લિવિંગ લીજેન્ડસ બે વાર મરતા હોય છે. એક વાર મહાન તરીકે, એક વાર માણસ તરીકે. અને ખેલાડી કે કલાકાર રિટાયર થાય ત્યારે લોકોની યાદદાસ્તમાંથી ધીરે ધીરે ધુમ્મસભરી ખીણમાં ભૂંસાતા જવાને લીધે ગ્રેટનેસનું ગ્રેવયાર્ડ નજર સામે અનુભવે છે. સચીન નામનો ઈન્સાન શતાયુ થાય એ શુભેચ્છા, પણ સચીન નામના ક્રિકેટરને આખરી અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

અને ભલે આમાં કોઈ આશ્ચર્યનો આંચકો નથી, પણ ગમગીનીની નમી જરૃર છે! ભલે, આ ઘટના એક દિવસ થવાની હતી અને એ દિવસ નજીક છે એવા અણસાર છેલ્લા કેટલાક વર્ષોથી હતા- પણ તો યે એકચ્યુઅલી એ દિવસ આવીને ઉભો છે, ત્યારે સિમ્યુલેટર પર સો વાર ગાડી ચલાવી હોય, તો યે રોડ પર એ ચલાવવાનું રિયલ પ્રેશર અનુભવાય એમ જ એક વેક્યુમ, ખાલીપો સતાવે છે. ઘરના કોઈ વૃદ્ધ વડીલ ભલે અશક્ત હોય, બહુ હરતાફરતા ખાતાપીતા કે બોલતા ન હોય, યાદશક્તિ ઘસાઈ ગઈ હોય- તો ય એમના હોવાનો અહેસાસ કલેજાને ટાઢક આપતો હોય કે એ છે! સચીન પણ ભલે પસંદગીની જ મેચો ઘણા સમયથી રમતો હોય, અપેક્ષિત દેખાવ ઘણી વાર ન યે કરતો હોય- પણ છતાં ય એની હાજરીની ધરપત એક રહેતી, સચીન તેંડુલકર છે ખરો ટીમમાં! બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ (જરૃર પડે તો કીપિંગ પણ કરી લેત!) કોઈ પણ રીતે, કોઈ પણ પાસામાં પોતાનું કૌવત બતાવવા!

ખરું, દરેક વાતમાં સૌમ્ય અને શાંત સચીને નિવૃત્તિના નિર્ણય સુધી પહોંચવામાં હજુર આતે આતે બહુત દેર કર દી જેવો ઘાટ થયો, અને દેખીતી રીતે એને માનભેર પણ વિદાય કરી દેવાનું રીતસર ‘સીરિઝ ફિક્સિંગ’ ઓફિશ્યલી કરવું પડયું! કબૂલ, સચીન લવર કરતાં વધુ ક્રિકેટ લવર હો તો તરત દેખાય કે એના રિફલેકસીસ આ શારીરિક શક્તિ માંગી લેતી સ્પોર્ટમાં ઉંમરને લીધે ધીમા પડયા છે, અને ટેલન્ટના ચમકારે હજુ યે ઝમકદાર ઈનિંગ્સ રમાતી હોવા છતાં હવે એમાં બે વચ્ચેનું અંતર પેલી દૂરદર્શનની ‘જચ્ચા ઔર બચ્ચા’ વાળી જાહેરાતમાં દર્શાવાતા બે સંતાન વચ્ચેના તબીબી અંતર જેવડું વિસ્તરતું જતું હતું. એગ્રી, કે સ્પોર્ટપર્સનનું પ્રોવિઝન ન હોવા છતાં રિટાયરમેન્ટ અગાઉના પેન્શન પ્લાન તરીકે મેદાન પર કદી પોલિટિકસ ન રમનાર સચીને એની ટ્રેડમાર્ક તટસ્થતા છોડી પોલિટિકલ પાર્ટીના સપોર્ટથી રાજ્યસભાની મેમ્બરશિપ સ્વીકારી બતાવી. તદ્દન સાચું કે એક સમયે સચીન આઉટ થાય એટલે એકસામટી નેશનલ પાવર ગ્રીડમાંથી વીજળીની બચત થતી કારણ કે રસિયાઓ ટીવી બંધ કરી દેતા! અને આજે વિરાટ કોહલીઓ કે શિખર ધવનો કે રોહિત શર્માઓ ધોની-શ્રીકાંતના ઈન્વેસ્ટમેન્ટનું બ્લુચિપ રિટર્ન આપતા હોઈ, દ્રવિડ, ગાંગુલી, લક્ષ્મણ પણ બહુ મિસ નથી થતા. તથ્ય તો એ પણ બરાબર કે અન્ડર ક્રાઈસીસ ફાઈટિંગ સ્પિરિટના બેટિંગ ક્લાસમાં લારા, ગાવસ્કર, રિચાર્ડસ, ધોની, કાલિસ, વોઘ, ડિસિલ્વા, મિયાંદાદ, માર્ટીન ક્રો એટસેટરા રેકોર્ડ બૂકમાં નહિ, પણ ગ્રાઉન્ડલૂકમાં ક્યાંક ચડિયાતા પુરવાર થાય…

પણ આ લખ્યા એ તમામ પણ કબૂલ કરે જ છે કે સચીન ઈઝ ગ્રેટેસ્ટ! અને એટલે જ શહેનશાહને શાહી સેલ્યુટ આપતી વખતે વિષ્ણુનું ૧૦૦૯મું નામ શોધવા જેવું સ્વીટ કન્ફ્યુઝન થાય છે. સચીનને કોમ્પ્યુટરાઈઝડ સ્કોરરની જરૃર ન પડે, એટલા બધા ચાહકો તેના રેકોર્ડસનો ડેટા મહામૃત્યુંજય મંત્રની પેઠે કંઠસ્થ કરીને રાખે છે! સચીનને લગતા અવનવા કિસ્સાઓ તો દાદીમાના વૈદાં કરતા ય ઓટલે ને આંગણે વધુ ચર્ચાય છે. ૨૦૦ ટેસ્ટ, સો ક્રિકેટ સદીઓ, છ વન ડે વર્ડ કપ અને ૨૪ વર્ષ ઉંચી સ્ટ્રાઈક રેટે રમી ચૂકેલા ભારતના અમિતાભ સિવાયની લોકપ્રિયતામાં સૌથી લાંબી ઈનિંગ રમી ચૂકેલી સેલિબ્રિટી માટે બીજું શું લખીએ? લમણે સલામીની મુદ્રામાં ટેકવેલી હથેળીના ટેરવાં અને ઝળઝળિયાંભરી આંખોથી દુઆઓ કરવા સિવાય?

ગાંધીજી માટે આઈન્સ્ટાઈને કહેલું કે ”હાડચામનો બનેલો આવો માણસ સદેહે પૃથ્વી પર ચાલેલો એ આવનારી પેઢીઓ માનશે નહિ!” આઈન્સ્ટાઈન કે ગાંધીને જોવાનો લ્હાવો નથી મળ્યો, પણ ક્લાસ પર્સોનિફાઈડ એવા સચીન તેંડુલકરની વિદાયવેળાએ આ જ ક્વોટ કહેવાનું મન થાય છે. હવે જન્મેલા બાળકો સચીન નામનો એક કુદરતી કરિશ્મા લાઈવ રમતો ત્યારે જોઈને કેવો રોમાંચ થતો, એની વાર્તાઓ જ સાંભળી શકશે પણ એ અનુભવી નહિ શકે!

* * *

બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીના થ્રીડી એલઈડી કે ટચસ્ક્રીન પેડ સુધીના કાળખંડ સુધી એક છેડે અણનમ ઉભેલું કોઈ ટટ્ટાર નામ હોય તો એ છે- સચીન તેંડુલકર! એ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા આવ્યો ત્યારે હજુ રજનીશ જીવતા હતા, વી.પી. સિંહમાં લોકોને ભારત ભાગ્યવિધાતા દેખાતા હતા, બી.આર. ચોપરાની મહાભારત સિરિયલ હજુ પૂરી નહોતી થઈ, ગુલશનકુમારના મ્યુઝિકલ વરસાદના વાદળા બંધાતા હતા, યશ ચોપરાની ચાંદનીથી લવગુરૃ બનવાની યાત્રા શરૃ થઈ હતી, નરસિંહરાવના આર્થિક સુધારાને પણ બે વર્ષની વાર હતી.

આજે સચીન કર્ટન કોલ કહે છે, ત્યારે આ તમામ ગુજરી ચૂક્યા છે! બોલીવૂડમાં અનિલ-જેકી-મિથુન ગયા ને એમના સંતાનો પણ આવી ગયા. ખાનયુગ શરૃ થયો તે અસ્તાચળે પહોંચ્યો. ટીવી રાત્રે ૧૦-૨૦ કલાકે આવતી સિરિયલોમાંથી ૧૬ કરોડ ઘરોમાં વિસ્તરી ગયેલું સેંકડો પરદેશી ચેનલોનું સામ્રાજ્ય બની ગયું. અમેરિકા રશિયાની કોલ્ડ વોર પૂરી થઈ અને બે જર્મની વચ્ચેની બર્લિન વોલ તૂટી ગઈ! ચીન મહાસત્તા થઈ ગયું અને માઈક્રોસોફટે કોમ્પ્યુટર ઘેર ઘેર પહોંચાડયું, જેને એન્ડ્રોઈડ ફોનની ક્રાંતિ હંફાવી રહી છે! બાબરી મસ્જીદથી ઉદય પામેલા અડવાણીનો મોદી મેજીકમાં અસ્ત પણ થઈ ગયો અને કપિલ-શાસ્ત્રીથી અઝહર-જાડેજા અને કૈફ-ગાંગુલી અને શ્રીનાથ-કુંબલેની આખી પેઢીઓ પસાર થઈ ગઈ… સ્ટેફી-સબાતિની મમ્મીઓ થઈ ગઈ!

પણ સચીન રમતો રહ્યો, રન કરતો રહ્યો, વિકેટો લેતો રહ્યો અને એથીએ વધુ કરોડો ભારતવાસીઓના દિલમાં વગર પેસમેકરે સતત ધબકતો રહ્યો. સચીન કદી મોટો થયો જ નહિ, આજે ય એ ‘લાલા’ની માફક દરેક હિન્દુસ્તાની માનો ડાહ્યોડમરો બેટડો જ બનીને રહ્યો. કોઈ વિવાદ નહિ, કોઈ ફસાદ નહિ, કોઈ ફરિયાદ નહિ- બસ, તારણહાર કૂળદીપક. ભારતમાતાનો આદર્શ પનોતો પુત્ર!

૧૯૮૩ના વર્લ્ડકપ વિજય પછી ભારતમાં ક્રિકેટ ક્રેઝ અચાનક ફિલ્મોની કોમ્પિટિશન કરવા લાગેલો, કારણ કે હવે એ કાનથી સંભળાતી કોમેન્ટરીને બદલે આંખથી જોવાતું ટીવી હતું! ત્યારના સ્કૂલ સ્ટુડન્ટસની આખી એક પેઢી આઝાદી પછીનું સૌથી મોટું પરિવર્તન- રાજકારણથી મનોરંજન, ટેકનોલોજીથી ઈકોનોમી, ફંકશનથી ફિલ્મ્સ, લાઈફસ્ટાઈલથી ડ્રીમ્સમાં જોવા જઈ રહી હતી.

ત્યારે એંગ્રી યંગ મેનના એસ્કેપીસ્ટ દૌરમાં, કરપ્ટ સીસ્ટમથી થાકેલી દેશમાં વિનોદ કાંબલી સાથે ૬૬૪ રનની વિક્રમી ભાગીદારી કરનારો એક સ્કૂલબોય સમાચારોમાં ચમક્યો. એક સાહિત્યપ્રેમી પિતાનો મિડલક્લાસ સીધોસાદો શાંતસરળ છોકરડો. અને કેવળ ટેલન્ટ, ફક્ત પરફોર્મન્સના જોરે એ આગળ વધતો જ ગયો. પાકિસ્તાનની પેલી સુખ્યાત સીરિઝમાં ઈમરાન-કાદિરના શબ્દશઃ છક્કા છોડાવી દીધા ત્યારે કોન્ટ્રાસ્ટ ઈફેક્ટ ગજબનાક હતી! પાકિસ્તાનનો ભારતને હંમેશા હંફાવતો રાક્ષસી પઠાણી બોલિંગ એટેક, અને સામે અંગૂઠા જેવડો એક છોકરડો. બેબી ફેઈસ, બેબી વોઈસ. બટ જાયન્ટ સુપરહીરો ફ્રોમ વિધિન!

ડેવિડ વર્સીસ ગોલિઆથ જેવી એ તખ્તા પર એન્ટ્રી હતી, જેણે તેંડલકરને કાલીનાગને નાથનારા શામળિયા કે ગોવર્ધન ઉંચકનાર ગિરીધરની જેમ ઓવરનાઈટ ઉંમરથી ઉપર બેસાડી દીધો, લોકહૃદયનો રાજાધિરાજ બનાવી દીધો. મિડલ ક્લાસનો એક છોકરો લાગવગથી ચાલતા દેશમાં પોતાની વગ ચલાવે એવો ધરખમ ધુરંધર બની શકે- એ ફક્ત અને ફક્ત પરફોર્મન્સ એન્ડ ટેલન્ટના જોર પર! ઈટસ એ ફેરીટેલ. પબ્લિકને જાણે પોતાના સપનાનો સાક્ષાત્કાર થતો લાગ્યો. સચીન એક ક્રિકેટર નહિ, એક જીવંત આશા બની ગયો- સફળતાના- એવરેસ્ટ પર ચડવાની, ત્યાં અટક્યા વિના ટકવાની! સ્વભાવનો હળવો અને નમ્ર, પણ ફિલ્ડ પર વજનદાર બેટથી ક્રિકેટ બૂકના તમામ શોટસ નિર્દયતાથી ફટકારનારો વાયુપુત્ર આયર્નમેન! ઠિચૂક ઠિચૂક ચાલતા સુષ્ઠુ સુષ્ઠુ ક્રિકેટમાં આવતાવેંત ફર્સ્ટ ક્લાસ ઇન્ટરનેશનલ મેચમાં ૧૮ દડામાં ૫૦ રન ઝીંકી દેનાર સચીનમાં પ્યોર એન્ટરટેઈનમેન્ટ હતું. ભારતે કદી જોયો નહોતો એવો એ ચમત્કાર હતો. અગાઉના શ્રીકાંત-પાટિલ- કપિલ દિવાળીના ભંભૂ હતા. થોડા ચમકારા વેરીને ખરી પડે. સચીન જ્વાળામુખી હતો, જે એકધારો સતત રન-અગન ઓક્યા જ કરે અને ભવ્ય આતશબાજીનો નજારો કરાવે! જાણે શાસ્ત્રીય સંગીતના ઉંઘરેટા બોરિંગ જલસામાં અચાનક કોઈએ બોંગો બીટસ અને રોક ગિટાર પર બ્રેક ડાન્સ શરૃ કર્યો!

રેસ્ટ ઈઝ નોટ જસ્ટ હિસ્ટ્રી, બટ હિઝ સ્ટોરી! સચીનમાં ભીમની ગદાની આક્રમકતા અને મહાવીરના તપની સમતાનું અજોડ કોમ્બિનેશન હતું. એટલે જ એને આદર્શ માની રમવાનું શરૃ કરેલો સેહવાગ ઓલમોસ્ટ ફેંકાઈ જવા આવ્યો, ત્યારે ય સચીન પોતાની શરતોએ એકઝિટ લઈ શકે એટલું ટક્યો. એટેકથી એણે માસની તાળીઓ મેળવી, ડિફેન્સથી એણ ક્લાસની વાહવાહી મેળવી. ટૂંકમાં બ્લોકબસ્ટર ફિલ્મને ક્રિટિકસ એવોર્ડ પણ મળે એવો સ્થિરતા અને સનસનાટીનો સજજ સંતુલિત સંગમ સચીનમાં હતો. તેંડુલકર મીન્સ પોપ્યુલર! ભાઈ અજીતની બિઝનેસ સેન્સ પણ ભળી એન્ડ સચીન ઈઝ ફર્સ્ટ ગ્લોબલ હ્યુમન બ્રાન્ડ ફ્રોમ ઈન્ડિયા આફટર રિફોર્મ્સ. શૂમાબરથી ફેડરરનો, સાનિયા મિર્ઝાથી ડોન બ્રેડમેનનો લાડકો પ્લેયર.

એન્ડ સ્માર્ટ પ્લેયર. આ ઈગોઈસ્ટિક દેશમાં બોલો તો કોન્ટ્રોવર્સી થાય એની સમજ સચીનને સમાજ ફટકારે એ પહેલા આવી ગઈ હશે. એટલે એણે હોંઠ ભીડીને બેટને જ બોલવા દીધું. એનું જેન્ટલમેન ટેમ્પરામેન્ટ લીડરશિપ માટેનું નહોતું. એટલે નિષ્ફળતા બાદ ખૂબીપૂર્વક ખસીને અન્ય કેપ્ટનોને સપોર્ટ કરી એમનો ચહેતો પણ રહ્યો. ટેનિસ એલ્બો બાદ રમવામાં સિલેક્ટિવ રહ્યો. આટલું એનું એકચક્રી પ્રભુત્વ, અકબર- અશોક જેવા સમ્રાટોથી વધુ વિસ્તરેલી એની આંતરરાષ્ટ્રીય ‘આણ’ (રેપ્યુટેશન યુ નો?) અને એના નાક નીચે મોંગિયાથી મયપ્પન સુધીના મેચ ફિક્સિંગ કૌભાંડો ચાલે અને આઈપીએલની હાટડીબજાર ભરાય, ત્યાં સુધી એને ગંધ પણ ન આવે? બેમત નથી કે સચીનની પવિત્રતા સીતા જેવી શુદ્ધ રહી છે. એના પર આંગળી ચીંધામણ થઈ હોત તો ક્રિકેટપ્રેમીઓએ આપઘાત કર્યા હોત. એણે એની જાતને શોર્ટકટના પ્રલોભનમાંથી મુક્ત જ રાખી છે. પણ આ અંગે અવાજ ઉઠાવવા કે જાણ કરવા કે ખુલીને કશુંક કહેવાની ક્રાંતિના ઘર્ષણથી પણ મુક્ત રાખી છે! કુશળતાપૂર્વક સચીનને ચકરાવે ચડાવતી ડિલિવરીને રમ્યા વિના જ છોડતા આવડે છે. એટલે આજે એની કોઈ બિટર મેમરીઝ નથી, બટરફ્લાય વિંગ્સ જેવું રેઈનબો જ છે! માર્ક મસ્કરહાન્સે પારખુ ઝવેરીની નજરથી વર્લ્ડટેલ માટે આ હીરાને ઘડયો અને સચીન મોસ્ટ પોપ્યુલર ક્રિકેટ બ્રાન્ડ તરીકે હાઈએસ્ટ પેઈડ ક્રિકેટર થયો!

બહોત ખેલ્યો સચીન. પણ દિમાગના ડબ્બામાં લોક કરીને પાસવર્ડ ખોઈ નાખવાનો હોય તો પેલી ૧૯૯૮ના એપ્રિલની ગરમીમાં શારજાહમાં બેકટુબેક આવેલી મૂશળધાર બારિશના ડેઝર્ટ સ્ટોર્મમાં ધોવાઈ ગયેલા ઓસ્ટ્રેલિયાને યાદ કરવું પડે. એ ઈનિંગોએ સચીનને ઈન્સાનમાંથી દેવતાઈ ફિરસ્તો બનાવી દીધો. મુશ્કેલ દૌરમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ત્યારે એકમાત્ર સચીન જ કરોડરજજુના બધા મણકાનો ભાર ઉંચકતી કમર બની રહ્યો હતો. બાકીના બધા ધબાય નમઃ ! ભારતીય ક્રિકેટે આખો એક દસકો જોયો છે કે ઓપનિંગથી મિડલ ઓર્ડર- ફક્ત સચીન તેંડુલકર ઉપર જ બેટિંગનો, જીતવાનો, ક્રિકેટમાં ખર્ચેલ સમય-સંપત્તિ વસૂલ કરવાનો દારોમદાર હોય! બાઉન્સરોનો સિકસરોમાં જવાબ દેતા ભારતીય ક્રિકેટને સચીને કેળવ્યું. અને સચીને વન મેન આર્મીનો એ ક્રૂઝેડિંગ જવાબદારી કોલર ઉંચા કર્યા વિના કાંડુ ઉંચુ કરીને નિભાવી જાણી. એકલવીર બેટિંગકિંગ. એક તરફ રેમ્બોની માફક લિટલ માસ્ટર એકલો, બીજી તરફ પરફોર્મ ન કરતી ભારતીય ટીમનો ટોપલો અને ભલે જૂના જમાના જેવા ઘાતક નહિ તો યે પાણીદાર હરીફો- પીચોનો ખડકલો! પણ સચીન ચટ્ટાન બની તૂફાનોને ગટગટાવતો રહ્યો.

ખબર ન પડી કે ક્યારે આ ટીમ ગેઈમનો ચહેરો- શરીર- હાથપગ બધું જ માત્ર એક ખેલાડી બની ગયો! હી બિકેઈમ ગોડ! કોઈને ઝટ ભગવાન બનાવી ઘેલાં કાઢવાની આપણી રાષ્ટ્રીય કુટેવ છે. પણ ઢોંગી ધાર્મિક ‘ગોડમેન’ કરતા લાખો લોકોની ગાંડીતૂર અપેક્ષાઓનું ઘોડાપૂર વિચલિત થયા વિના આ ક્રિકેટિંગ ગોડે પચાવી જાણ્યું છે, એ કહેવું પડે. એટલે જ રેસિંગ કાર, ફાસ્ટ વેસ્ટર્ન મ્યુઝિક, ઈન્ટરનેશનલ ક્યુઝિન (ફૂડ)નો શોખીન હોવા છતાં સચીન જૂની પેઢીને પણ નવી પેઢીને મિસાલ આપી શકાય તેવો ડિસીપ્લીન્ડ એન્ડ ડિગ્નીફાઈડ લાગે છે. આઈકોન સ્ટાઈલિશ, યંગ, પ્રોફેશનલ હોવા છતાં કેટલો સ્થિર, ભરોસાપાત્ર, સંયમી હોય એનું રોલ મોડલ આ વારંવાર માની લીધેલા ભગવાનોથી છેતરાતા દેશને સચીને પૂરું પાડયું છે. સ્ટેન્ડિંગ ઓવેશન એન્ડ થમ્બસ અપ.

* * *

”સચીન પર એક પુસ્તક કરવું છે, તમે લખો તો સરસ થાય. હજુ સુધીએ કોઈએ કર્યું નથી. ઈન્ટરવ્યૂનું ગોઠવી દઉં અને વેલ રિસર્ચ્ડ લાઈફ સ્ટોરી.”

દસકાથી પણ વધુ સમય પહેલા મુંબઈમાં એમની ઓફિસમાં ગ્રાહક તરીકે ગયેલા આ લખવૈયાને આ ઓફર મૂકી સ્વ. સુરેશ દલાલે! મનમાં તો પાઈનેપલ પેસ્ટ્રી અને ચોકલેટ કેક ફુટવા લાગી. ખંતપૂર્વક એનો માળો એક પછી એક સળીથી ગૂંથવાનો ચાલુ કર્યો. ત્યાં જ મમ્મીને કેન્સરમાં ગુમાવવાની વેળા આવી. બેસુમાર કતરનોના ટાંચણો કોથળા ભરાઈને પડયા રહ્યા. ફરી એ હાથમાં લેવાનું થાય, ત્યાં તો આ ગુમાવેલી ઓવર્સમાં પેંગ્વીને સ્કોર કર્યો, ગુલ્લુ એઝકિલ પાસે લખાવેલી સચીનની ઓફિશ્યલ બાયોગ્રાફી આવી ગઈ. પહેલી વાર એ કરવાનો ચાર્મ ઓસરી ગર્યો પછી બેઉ પક્ષે વાત પડતી મૂકાઈ, નહિ તો સચીનની પ્રથમ સત્તાવાર બાયોગ્રાફી યોર્સ ટ્રુલીએ બડી સિન્સિયરલી ભારતભરમાં લખી હોત!

પણ સચીને આ અમારી આખી જનરેશનની બાયોગ્રાફી લખી છે. સેઈમ એજ, ડિફરન્ટ ફિલ્ડ. એ પહેચાન બનાવવા મેદાન પર ઝઝૂમતો હતો, ત્યારે આખી એક પેઢી બારમાની પરીક્ષાના દરવાજે આઈડેન્ટીટીના દસ્તક દેતી હતી! એ એક પછી એક પગથિયાં ચડતો ગયો, અમે ય ચડતા ગયા. હી વોઝ લાઈક ફેલો ટ્રાવેલર. યૂથ વોઈસ અગેઈન્સ્ટ ઓલ્ડ જંક. ક્રિકેટ ઓછું થતું ગયું, પણ સચીનના અચળાંકની હાજરી જાણે ક્રિકેટ ટીમમાં ખુદની પ્રેઝન્સ પુરાવી ચાલુ વર્તમાનકાળમાં રાખતી હતી. હવે એ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. અચાનક જાણે આયનામાં દેખાતું પ્રતિબિંબ પરીકથાઓના પાત્રોની જેમ અકાળે વૃદ્ધ થઈ ગયું. એ ફિટ હતો ત્યાં સુધી સેવન્ટીઝમાં જન્મેલી આખી જનરેશનને જવાનીનો અમરપટ્ટો મહેસૂસ થતો હતો. નાઉ, વોર્નિંગ એહેડ. સચીન જેવા સચીને પણ મેદાન છોડવું પડે છે!

સિલેકટર સચીન, ટીચર સચીન, કોમેન્ટેટર સચીન… નવો દાવ રાહ જોઈ રહ્યો છે તારી… કીપ હિટિંગ.

ફાસ્ટ ફોરવર્ડ

આપણી પાસે ભારત હતું, એ બ્રિટિશરોએ જીતી લીધું. બ્રિટિશરો પાસે ક્રિકેટ હતું, એ તેંડુલકરે જીતી લીધું!

sachin_tendulkar
* આ સચિનથી આગળ ક્રિકેટના પણ પ્રેમીઓ માટે ની લિંક :  કરો ક્લિક 

 
20 Comments

Posted by on November 17, 2013 in feelings, india, inspiration, life story, youth

 

20 responses to “સલામ-એ-સચીન : રોશની ગઈ, નિશાની રહી… જવાની ગઈ, કહાની રહી!

  1. Siddharth

    November 17, 2013 at 8:09 PM

    “ભારત રત્ન” આ શબ્દ સાંભળીને તમને જે વ્યક્તિ યાદ આવે, ભલે તે કોઈ પણ field પરથી કેમ ના હોય? તેને આ પદ આપવું જ જોઈએ એમાં બેમત ના હોવો જોઈએ
    હું પણ જોવાનું ચુકી ગયો હતો, પણ આજની રવીપુર્તીએ એ ખોટ પૂરી કરી દીધી 🙂

    Like

     
  2. Maulik Patel

    November 17, 2013 at 8:27 PM

    ફાસ્ટ ફોરવર્ડ માટે સચિનને અને તમને પણ ત્રણ (ઓછી છે પણ બીજુ ઓનલાઈન બીજું કશું થાય એવું પણ નથી ) તાળીનું માન

    Like

     
  3. sanatkumar dave (Dadu)

    November 17, 2013 at 8:28 PM

    dearest Jaybhai hat’s off to u for such a Briiliant article WORTH PRESERVING in the Diary…n yes AT last SACHIN recd BHARAT RATNA but sorry we did Smell some SETTING ..i may be Wrong …but HAPPY also as to though DELAYED rather than NEVER ….
    sp thnx again..
    gbu jsk jmj jj
    SD.
    @9.59 am 17.11.13..USA….

    Like

     
  4. Rishi Kakkad

    November 17, 2013 at 8:29 PM

    સલામ “આમચી” સચિન 🙂

    Like

     
  5. Himanshu Patel

    November 17, 2013 at 9:03 PM

    now, no Cricket with True Sportsmanship, Spirit and Good Manners (probably)

    My eyes are wet…. My heart is crying…..

    unbelievable but true….

    Thank You SACHIN !!!!!

    I will always cheers for you,,,,,,

    Sachin ….. Sachin………..
    Sachin ….. Sachin………..

    Like

     
  6. Denis

    November 17, 2013 at 11:05 PM

    સચીન ની બાબતમાં મે એક જોઇયેલી હકીકત કહું તો…. જ્યારે સચીન સ્ટેડિયમ ની ફેરવેલ સ્પીચ આપતો હતો ત્યારે હું બજાર માં હતો. જુદી જુદી જગ્યા પર લોકો ટીવી પર તેને સાંભડતા હતા જેમાં થી મોટા ભાગ ના લોકો ના આખો ના ખૂણા ભીના અને અવાજ ગડગડા હતા…..આવું મે મારી જિંદગી માં પ્રથમ વાર જોયું. બાકી કેટલાય મોટા ગજાના નેતા,અભિનેતા,ખેલાડીઓ એ સ્વર્ગની ટિકિટ કપાવી તોય આવું તો નથી જ જોયું….સચીન ના ટીકાકારોને પણ એ સ્પીચ સાંભડી રડતાં જોયા છે….આવા માણસ ને ભારત રત્ન આપવો જ જોઇયે….મે મારી અડધી જિંદગી માં ક્રિકેટ સચીન સાથેનું જ જોયું છે……બાકીની અડધી …??

    Like

     
  7. Parth Veerendra

    November 17, 2013 at 11:39 PM

    Superb article JV nd hats off to sachin….will miss him a lot …..pan boss JV sachin ni bhim ni akrmkta ne mahavir na tap wali waat to boss aajna dhamakedar article ne pan lagu pade……hatsoff to u for ds article…..akhu time travel krayu 90’s nu..ne fast forward to hamnesh mujab six..wo bhi stadium ke bahar…

    Like

     
  8. Chintan Oza

    November 18, 2013 at 12:06 AM

    Simply superb..an amazing artical JV.

    Like

     
  9. Dipika – Furthest one lone star who dares to shine!

    November 18, 2013 at 12:16 AM

    ક્લસિક લેખ અને ક્લસિક તસ્વીરો વેસે તસ્વીરે બોલતી કુછ ભી નહિ પર બહોત કુછ દિખાતી હે..સુપર્બ! 🙂 આજ નો લેખ વાચતા વાર્ષિક પરીક્ષા વખત ની દરેક મેચ યાદ આવી ગઈ અને એ પરીક્ષા માં એ મેચ ના લીધે આવેલા ઓછા માર્ક પણ અને જે ફક્ત સચિન ટીમ માં હોવા ને આભારી રેહતું..:D પેહલા જેવી ક્રિકેટ માં રૂચી તો રહી નથી જેના કારણો છે પણ ક્રિકેટ આજે પણ એક ગેમ તરીકે દિલ ની નજીક છે જેના માટે નો શ્રેય દરેક ભારતીય એ સચિન ને જ આપવાનો રહ્યો.. કોઈ કારણ સર ટીવી મોડું ચાલુ કરાયું હોય અને ઇન્ડિયા નો દાવ હોય ને 2 -3 વિકેટ પડી ગઈ હોય તો પેહલો સવાલ સચિન ગયો?? એવો નઈ પણ સચિન છે ને?? એવો પૂછાતો અને એવો ભવ્ય ભૂતકાળ ક્રિકેટ નો અને સચિન નો ભૂલવો જરા અઘરો છે … SRT ની લાગણીસભર સ્પીચ જોઈ હોય કે એના વિષે એના પછી જે કઈ પણ લખાય એને એ ડીસર્વ કરે છે કેમકે જેમકે પેહલી તસ્વીર માં જેવું વ્યક્તિત્વ છે સચિન નું એ સચિન નું વાસ્તવ માં પણ ખરું જ જે બનાવવું એ લાખો મેં એક વાળી વાત છે, લારા થી લઇ અમુક ઘણા ઈગો અને ક્રિકેટ બહાર ની દુનિયા ની ચકા ચૌન્દ માં ક્રિકેટ ભૂલી ને ભૂલ કરી ગયા.. સચિન ના અને એના ક્રિકેટ ના પ્લસ – માયનસ તો એના પર દલીલો નઈ “ચર્ચા” જરૂર થઇ શકે.. બાકી એમ તો “shrewd ” ધોની એ ઇન્ડિયન ક્રિકેટ નું સાચા સેન્સ માં evolution છે..:P ના ક્રિકેટ ધર્મ છે ના સચિન ભગવાન અને એવું જ ગાયા રાખતા લોકો માટે દલીલો એ જ ચર્ચા કેહવાય છે..

    Like

     
  10. ARVIND PATEL

    November 18, 2013 at 10:25 AM

    Sachin a milestone in game of cricket history, with treasure one golden chapter closed here forever

    Like

     
  11. Dipak Parmar

    November 18, 2013 at 10:27 AM

    આભાર જય સર , હું આ બધું વિચારતો હતો પરંતુ તેને શબ્દો માં ઢાળી નહોતો શકતો … તમે અમારી લાગણી ને કાગળ પર વાચા આપી….
    કોઈ આ લેખ ને અગ્રેજી ભાષા માં અનુવાદિત કરી આપે તો મજા પડી જાય…

    Like

     
  12. Dhwani

    November 18, 2013 at 3:22 PM

    I dn’t like cricket.. Not At All interested in cricket. Bt when That “MAN” ws giving the speech I hd Tears in my eyes. Such Magnificent Persona. 🙂

    Like

     
  13. dev

    November 18, 2013 at 4:22 PM

    સચિન ને અત્યારે ભારતરત્ન આપી દયે તો હજી તેને ૮૦ વર્ષ ઓછામાં ઓછુ જીવવાનું છે, હવે વિચારો આ નેતા લોગ તેની સાથે લતાજી અને આમર્ત્ય સેન જેવું વર્તન કરે તો. સચિન કે ધ્યાનચંદ ખુદ જ ભારત રત્ન છે, તેને જરૂર નથી

    Like

     
  14. Brijesh B. Mehta

    November 18, 2013 at 6:39 PM

    very well said sir 🙂

    Like

     
  15. Brijesh B. Mehta

    November 18, 2013 at 6:46 PM

    Reblogged this on Revolution.

    Like

     
  16. Rahul Panchal

    November 18, 2013 at 9:51 PM

    Great article by a great writer…..

    Like

     
  17. Himanshu

    November 19, 2013 at 3:00 PM

    Hi JV here is the official video of his farewell speech. (but of course from STAR SPORTS You Tube channel !!

    Like

     
  18. raju patel

    November 25, 2013 at 4:50 PM

    લોકલાગણી ને લક્ષ માં રાખી લખાયેલો લેખ.

    Like

     
  19. pravin solanki

    November 25, 2013 at 6:27 PM

    superb jaibhai!!!!!!

    Like

     

Leave a comment