RSS

ધ ગ્રેટ લીપ ફોરવર્ડ : ચીનના ભૂતકાળની ભૂતાવળ દાસ્તાન

06 Jul

આજે જયારે ભારત અને ચીન વચ્ચે તંગદીલીનો માહોલ છે ત્યારે એક નજર ભૂતકાળની એ ઘટના પર નાખીએ જેને સદીની સૌથી મોટી માનવસર્જિત હોનારતનો તાગ રચ્યો હતો . સત્તા અને વિશ્વમાં સર્વોપરી બનવાની લાલસામાં જયારે કપટી ચીને પોતાના જ લોકોનો ખાત્મો કઈ રીતે કર્યો હતો તે જોઈએ. નાપાક ચીનના વીતેલા વર્ષોના કાંડ પરથી વાચકને અંદેશો આવી જશે કે જે ચીન પોતાના દેશના લોકોનું ના થયું એ આપણું શું સારું વિચારશે.

૧૯૪૯ સુધી ચાઈનામાં ખેતી એ અર્થતંત્ર નો મુખ્ય હિસ્સો હતો. દેશ ની ૯૦ % વસ્તી ગામડાઓમાં રહેતી હતી, અને જમીન મુખ્યત્વે કોટુમ્બીક સમ્પંતી ગણાતી. ૧૯૫૦ની ખેતજમીનમાં ક્રાંતિ આવી અને જમીનદારી નષ્ટ થઇ અને જમીનદારની પ્રથા નાબુદ થતા એ જમીનો જમીન વિહોણા ખેડૂતો અને ખેત મજુરોને ભાગે વહેચવામાં આવી (વ્યક્તિ દીઠ આશરે ૧ વીઘું  એટલે ૨૩૭૮ સ્ક્વેર મીટર). શરૂઆતી સમયમાં ચીનને આર્થીક અને ઔદ્યોગિક રીતે સદ્ધર થવા માટે એક સામ્યવાદ દેશ તરીકે સોવિયેત સંઘ (આજનું રશિયા) એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં ચીનને મદદ કરી.

પરંતુ એ મદદ લાંબો સમય સુધી ના ટકી શકી કારણ કે ગણતરીના વર્ષોમાં જ ચીન અને સોવિયેત સંઘના સંબંધો માં તિરાડ પડવાની શરૂઆત થઇ અને સ્તાલીન (સોવિયેત સંઘનો એ સમયનો સુપ્રીમ લીડર )ના મૃત્યુ પછી તો ચિત્ર સાવ બદલાઈ ગયું. ૧૯૫૩ માં સોવિયત સંઘમાં સ્તાલીનના મૃત્યુ પછી સત્તામાં આવેલા નિકિતા ખુર્શ્કોવ, સ્તાલીન નીતિના પ્રખર વિરોધી હતા, પહેલાની જૂની સ્તાલીનની નીતિ ચાઈના માટે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા મહંદઅંશે હિતકારી હતી માટે નિકિતા ખુર્શ્કોવના સત્તા ગ્રહણ પછી ચાઈનાને પગભર થવાની જરૂરિયાત સર્જાઈ હતી તેથી જ કરીને માઓને “ધ ગ્રેટ લીપ ફોરવર્ડ” માં સોવિયત નો વિકલ્પ દેખાય રહ્યો હતો.

૧૯૫૭ અને ૧૯૫૮ દરમિયાન માઓ ઝેદોંગ ( એ સમયનો ચીનનો સુપ્રીમ લીડર / સરમુખ્ત્યાર) એક અતિ મહત્વાકાંક્ષી અને તુઘલકી વિચારથી બંધાયો કે, “પ્રથમ પાંચ વર્ષ (૧૯૫૩-૫૭) દરમિયાન આયોજિત અને ક્રમિક માર્ગ દ્વારા ઘડાયેલ સાધારણ રૂપી વિકાસને બદલે, ચાઇનામાં આર્થિક વિકાસ અતિ ઝડપથી આગળ વધી શકે છે.” માઓની શ્રેષ્ઠ થવાની અભિલાષા ના કેન્દ્રસ્થાને “ધ ગ્રેટ લીપ ફોરવર્ડ” ની શરૂઆત થઇ.

આ યોજના પાછળનો કેન્દ્રીય ઉદેશ્ય, કૃષિ અને ઔદ્યોગીકરણનો સમાંતર ઝડપી વિકાસ હતો પરંતુ પાછળથી તે માત્ર ને માત્ર ઔદ્યોગિક વિકાસ પાછળ જ ઢળી ગયો હતો . માઓએ તેના મંતવ્યોને એકધારી રીતે આગળ ધપાવ્યા, અને તેના બદલાતા વિચારો અને પસંદગીઓએ ૧૯૫૮ થી ૧૯૬૦ ની મહત્વપૂર્ણ ઘટનાઓને આકાર આપ્યો. જોકે માઓનું પ્રારંભિક લક્ષ્ય “પંદર વર્ષમાં બ્રિટનને પાછળ છોડી દેવું” હતું , જે બ્રિટનને આધુનિક ક્રાંતિ માં ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ લાગ્યા હોઈ તે સ્થાન માત્ર ૧૫ વર્ષમાં સર કરવું એ સંપૂર્ણ રીતે અવાસ્તવિક તો હતું જ. પરંતુ દેશ ના લોકોનો ભોગ લઈને પૂરું કરવું તો એકેય અંશે વ્યાજબી ના જ કેહવાય. એમાં પણ આંતરિક સમયપત્રક ધીરે ધીરે ૨ વર્ષમાં ટૂંકું થઈ ગયું જ્યારે અસંખ્ય મહત્વાકાંક્ષી યોજનાઓ સતત એક જ ખૂંટોમાં આવીને વલોટાય ગઈ.

Commune during the great leap forward

૧૯૫૩-૫૭ની પ્રથમ પંચવર્ષીય યોજના મુજબ સોવિયેત સંઘથી પ્રેરાઈને સહકારી સામુહિક ખેતીની શરૂઆત થઈ જેમાં ખેડૂતો એકસાથે ભાગીદારીમાં એક સરખો જ પાકની વાવણી કરતુ અને કાપણી બાદ સરકાર એકીસાથે આ બધા પાકને ખરીદી લેતું ( સાચું જોતા સરકારના પગાર પર ખેડૂત પોતે જ પોતાની જમીન સરકાર માટે ખેડી આપતો હતો, અને એક સરકારી ખેતમજૂર બની ગયો હતો ) આ સામુહિક ખેતરો આશરે ૧૦,૦૦૦ એકર જેટલા મોટા, અને ૧૦,૦૦૦ મજુરો આવા એક સામુહિક ખેતરમાં એકીસાથે કામ કરતા હતા. આ સામુહિક ખેતરોમાં કામ કરતા લોકો માટે રહેવા માટે હોસ્ટેલ્સ અને એકસાથે જમવા માટે લોજ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્ષમ લોકો પૂરી ખંત થી કામ કરી શકે તે માટે ખેત મજુરો ના પરિવાર ના સભ્યો જેવા કે નાના બાળકો નર્સરી અને વૃદ્ધો માટે ઘરડા ઘરની વ્યવસ્થા પણ આ સામુહિક ખેતરો ( Commune )ની ભીતર હતી. અને આ નાના બાળકો અને વૃદ્ધો ની કાળજી લેવા માટે સ્ફૂર્તીલા યુવક યુવતીની ભરતી કરવામાં આવી હતી પરંતુ આગળ જતા આ જ પરિચારિકાઓ ને ખેતમજુરોની અછત સર્જાતા ખેતીકામમાં ધકેલવામાં આવી હતી.

સરકાર પકવેલા અનાજને સાવ નજીવા સરકારી દરે ખરીદી લેતી અને એ અનાજ શહેરો માં ફેક્ટરીઓમાં કામ કરતા કારીગરો અને શહેરના લોકોના રાશન પુરતી માં વાપરતી હતી. એ વખતની ચીનની સરકાર એટલી ભૂંડી હતી કે દુકાળના સમયે ખેત પેદાશ માં ધરખમ ઘટાડો થયો હોવા છતાં ખેતર માં ઉગેલા પાકનો મોટા ભાગનો જથ્થો ઉપાડી જતી હતી જેથી કરી ગામડાઓમાં ધાનની અછત સર્જાઈ કારણ કે બાકી વધેલ ધાન માંથી ખેડૂતે આગળ ની ફસલની વાવણી માટે બીજ અલગ કાઢવા પડતા અને ખાવા માટે પણ અલાયદા રાખવા પડતા. તમે જાતે વિચારી શકો છો કે, જે ખેડૂતો એ પસીનો પાડીને દુષ્કાળના કપરા સમયમાં મહામહેનતે પાક ઉગાડ્યું હોઈ અને સરકાર ભૂખડી બારશની માફક આવીને મોટા ભાગનું અનાજ ઝાપટી જાય. આ બધું ઓછુ હોઈ એમ વિશ્વમાં પોતાની નામના કેળવવા માટે અલ્બેનિયા જેવા દેશોમાં અનાજના જથ્થાનું રાહતસહાયના નામે નિકાસ કરવાની શરૂઆત કરી “ઘર ની ગાય ભૂખે મરે ને ગોંદરે ધરમ કરે

વધ્યું ઘટ્યું સત્યાનાશ સામુહિક ખેતરોના નિરીક્ષકો એ પૂરું કર્યું. ખેતીના પાઠ ના ભણ્યા હોઈ એવા પોઠિયા જેવા નિરીક્ષકો મન ફાવે એવા પાક ની વાવણી ખેડૂતો પાસે કરાવતા. જેમ કે લ્યુઓકાંગ નામના સામુહિક ખેતરના નિરીક્ષકે એકવાર અડધા ભાગના ઉભા પાકને કપાવીને તેના પર શક્કરિયાની ખેતીનું વિચાર્યું અને પાક કપાવી નાખ્યો. વળી પાછું મન બદલાતા મગફળી વાવી છેલ્લે એમાં પણ મજા ના આવતા અંતે તેને પણ કાપીને જમીન માં ડાંગરની વાવણી માટે જગ્યા કરી. આમ એકધારા પાક કરીને જમીનની ફળદ્રુપતા માં ઘટાડો થવા લાગ્યો એમાં પાછુ વધારે પાકની પેદાશ માટે હદ બહારના કેમિકલયુક્ત ખાતરોનો ઉપયોગ કરાતો, ક્યારેક હેક્ટર દીઠ ૩૦ ટન જેટલું( મોઢા માંથી બાપ..રે નીકળી ગયું ને? ) ક્યારેક ભર શિયાળે વાવણી કરાવાતી જેના લીધે બીજ થીજી જતા અને પાક નિષ્ફળ જતો.

સોવિયેત સંઘ સાથેની ચડસા ચડસીમાં અને અમેરિકા / બ્રિટન કરતા આગળ નીકળી જવાની લ્હાયમાં ચીને પોતાના ખેતી ના મૂળભૂત મુલ્યોને ખોઈ નાખ્યા હતા. સુપ્રીમ લીડર માઓએ, ખેતી કરવા કરતા ઔદ્યોગીકરણ પર ભાર મુક્યો અને વ્યવસાયે ખેડૂતો જેમને સ્ટીલ ઉત્પાદનનો નજીવો અનુભવ પણ નહતો તેમને પરાણે સ્ટીલ ઉત્પાદન કરવા માટે દબાણપૂર્વક પ્રેર્યા .સરકારે ગામે ગામે લોકોને તેમના રોજબરોજના ઉપયોગમાં આવતા લોઢાના ઓજારો, વાસણો, ઘરવખરીના સામાનને સ્ટીલના ઉત્પાદન માટે જમા કરવાનો બેતુકો આદેશ આપ્યો. ગામના લોકોને તેમના ઘરના વાડા માં લોખંડ ઓગળવાની ભટ્ઠી બનાવવા કહેવામાં આવ્યું અને કાચો માલ આજુબાજુથી સરભર કરીને ભેગો કરી સ્ટીલનું ઉત્પાદન મહત્તમ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. સ્ટીલના ઉત્પાદન પરના જોરદાર દબાણ ચોક્કસથી ઉત્પાદનને ટૂંકા ગાળાના ઉછાળા( ૧૯૫૭ માં ૫.૩૫ મિલિયન ટનથી ૧૯૬૦ માં ૧૮.૬૬ મિલિયન ટન) તરફ દોરી ગયો, પરંતુ તે પછી સંપૂર્ણ દાયકામાં ઘટાડો થયો (કારણ : શિખાઉ કારીગર અને ઘરની પરંપરાગત ભઠ્ઠી દ્વારા ઉત્પાદિત સ્ટીલ આધુનિક ફેક્ટરીમાં તાલીમદાર કર્મચારીઓ દ્વારા બનતા સ્ટીલ ની સરખામણીએ હલકી ગુણવત્તાનું હતું )

ઉદાહરણ , બેઇજીંગમાં બનતા સ્ટીલ ના કુલ ઉત્પાદનમાંથી ૨૦ % સ્ટીલ ખામી વાળું હતું જયારે હેનાન પ્રાંતમાં આનો દર ૫૦ % સુધીનો હતો. તદુપરાંત, સ્ટીલ બનાવવાની આ દોડમાં ભારે માત્રમાં કચરો અને ક્ષેત્રીય અસંતુલનની સમસ્યા ઉભી થતી હતી. લુયોંગના લોખંડના સ્ટીલ પ્લાન્ટની બહાર ૨૫૦૦ ટનનો કચરો જેમનો તેમ જ પડી રહ્યો.અનિયંત્રિત મૂડી ખર્ચ, પ્રચંડ બગાડ, ખામીયુક્ત ઉત્પાદનો, પરિવહનના અંતરાયો, મજૂર શિસ્તમાં ધાંધલી જેવી ઘણી સમસ્યાઓને કારણે આ બધી ફેકટરીઓ ઉતરતી કક્ષાની પુરવાર થતી હતી. માઓએ તેની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે બીજું એક અવળું કદમ એ ઉપાડ્યું કે ખેતરમાં કામ કરતા ખેતમજુરોને ખેતી કરવા કરતા આ સ્ટીલ ઉત્પાદનના કામે લગાડ્યા. જેથી ખેતીની પેદાશ ઓછી થવા લાગી ૧૯૫૯-૬૧ ના દુકાળ વખતે અનાજ ની અછતમાં આને પણ સૌથી મોટો ભાગ ભજવ્યો કહેવાય .

ઘરમાં બનાવેલ પરમ્પાગત લોખંડ અને પોલાદ ગાળવાની ભટ્ઠી

ગંદકીનું પ્રમાણ પણ ચોતરફ વધી રહ્યું હતું. ફેક્ટરીઓમાં બાથરૂમની વ્યવસ્થા સાવ નિમ્ન હોવાને કારણે કામદારો કારખાનામાં ગમે ત્યાં પેશાબ કરવા માંડ્યા જેથી કરી બીમારીનું ઘર બન્યું. કારખાનાની કેન્ટીનોમાં સ્વચ્છતાના અભાવે જીવજંતુઓ અને ઉંદરોનો વધારો થયો. ગુવાન્તાંગની કોલસાની ખાણમાં કામ કરતા કિશોરો જો કામ પર મોડા પડતા તો તેમને ખાવાનું આપવામાં ન આવતું અને ૧૦ કલાક સુધી સતત કામ કરાવવામાં આવતું. આ બધી જગ્યા એ કામ કરતા મજુરોને રહેવા માટે ૧ થી ૧.૫ મીટરની નાની કોટડી ફાળવવામાં આવતી

વાંગ રેન્ઝોંગ નામના એક નેતા તો વળી એમ કહેતા કે, અસાધારણ મુશ્કેલ પરિસ્થિતિઓ સર કરવા અસાધારણ પગલાં ઉઠાવવા પડે – કહેવા પાછળનો સાર પાછો એવો કે અનાજ તો શહેરના ઔદ્યોગિક લક્ષ્યાંકો પૂરું કરવા જ વપરાશે ગામડા ના લોકો એ દુકાળને પોતાની રીતે વેઠી લેવું. ઝૂઉ એન્લાઇ, ચીનના પ્રથમ પ્રધાનમંત્રી ત્યાં સુધી માનતા કે લોકોના ભૂખમરા કરતા સ્ટેટની ડિમાન્ડ ( ઔદ્યોગિક લક્ષ્યાંક) વધારે જરૂરી છે.

સમાનતા એ સામ્યવાદી વિચારધારાનો આધારસ્તંભ કહી શકાય , પરંતુ કહેવાતા સામ્યવાદી ચીનમાં સમાનતામાં આભ જમીનનો ફર્ક દેખાય આવતો હતો. શહેર અને ગામડાઓને ઉંચી દીવાલ થી અલગ પાડવામાં આવ્યાં હતા. દીવાલની બીજી તરફ પણ કોને કેટલા લાભ મળવાપાત્રની અનુશ્રેણીઓ દ્વારા તફાવત કરવામાં આવતો હતો. દરજ્જા પ્રમાણે અલગ અલગ ગુણવત્તાનું રાશન વહેચવામાં આવતું હતું. દુષ્કાળ વધતો ગયો તેમ તેમ ,એક સામાન્ય વ્યક્તિનું અસ્તિત્વ વધુને વધુ જૂઠ્ઠાણું, વશીકરણ, છુપાવવું, ચોરી, મક્કારી, દાણચોરી, યુક્તિ, ચાલાકી પર નિર્ભર થવા માંડ્યું.

ઘણા ખેડૂતો માટે હિંસા એ અંતિમ ઉપાય સુઝતા, કેટલાકે અનાજના વખારો પર હુમલો કરવાનું શરુ કર્યું પરંતુ સરકાર દ્વારા ભારે હથિયારબંધ બંદોબસ્ત ગોઠવી દેવાતા એ આશા પણ નઠારી ઠરી. ટ્રેનો પર દરોડા પણ સામાન્ય હતા. ખેડુતો રેલ્વે સ્ટેશન પર ભેગા થતા અને માલ ગાડીઓ લૂંટી લેતા, તેમની સંખ્યાબળ નો ઉપયોગ કરીને રક્ષકો પર છવાઇ જતા . 1960ના અંત પછીથી, આ વધુને વધુ સામાન્ય બન્યું, કેમ કે શાસન દ્વારા સામૂહિક ભૂખમરાની હદનો અહેસાસ થવાનું શરૂ થયું અને પક્ષના કેટલાક અપમાનજનક સભ્યોની સફાઇ શરૂ થઇ. પરંતુ કંઇ પણ શાસનને અસ્થિર કરી શક્યું નહીં કારણ કે નાના સરખા બળવા ને સરકાર ઘણી જ પાશવી રીતે દબાવી નાખતી હતી અને પકડાયેલા ઉગ્રવાદીઓને કાં તો મારી નાખવામાં આવતા કાં તો શ્રમશિબિર ( Gulag Camp – આના વિષે ક્યારેક પછી વિસ્તાર થી લેખ લખીશ વાચકોની માંગ હશે તો )માં મોકલી આપવામાં આવતા જ્યાં પ્રાણીઓ કરતા પણ વધારે યાતના આપવામાં આવતી.

૧૯૫૯ના શિયાળામાં અનાજ ની અછત સર્જાતા ગામમાં રહેતા ખેડૂતો એ શહેર તરફ પ્રયાણ કરવાનું શરુ કર્યું એ આશામાં કે શહેરમાં સારી જોબ મળી જશે અને આ દુકાળ ની પરિસ્થિતિમાં લડવા માટેનો રસ્તો નીકળી જશે પરંતુ શહેરમાં પરિસ્થિતિ સાવ જુદી હતી અહી શહેરોમાં ગામડા કરતા પણ વિકટ સ્થિતિ હતી, રોજગારની કાળાબજારીમાં દરેક ને જોબ નસીબ થતી નહતી, શહેરના આ ભેંકાર પડછાયામાં જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા ઘણા લોકો ચોરી કરવા પર, ભીખ માંગવા પર, મારામારી કરવા પર અને પોતાની જાતને વેચવા પર મજબુર થયા. 

યુવતીઓ શહેરની મધ્યમાં ગ્રાહકો ની માંગ કરતી નજરે પડતી હતી. પા શેર અનાજ માટે પોતાનું શરીર વેચવા તેઓ રસ્તા વચ્ચે પણ મજબુર થતી. આ બધા કારણોને કારણે શહેરોમાં ગામડાથી આવેલા લોકો માટે અણગમો પેદા થયો શહેરના ઉચ્ચ વર્ગના લોકો તેમને સુગની નજરે જોવા લાગ્યા અને પકડતા જ તેમને પાછા ગામડા તરફ ધકેલી દેવામાં આવતા હતા. લાંઝુ નામના શહેરમાં માત્ર બ્રેડનો એક ટુકડો ખાવા માટે ૨૫૦૦૦૦ મજુરો વગર વેતનએ કામ કરતા હતા.

સામુહિક ખેતરો અને ફેક્ટરીઓમાં બનાવેલ નર્સરીમાં રહેતા નાના બાળકો થોડા મોટા થતા તેમને શાળામાં દાખલ કરવાની જગ્યાએ શ્રમ વાળા કામોમાં ધકેલી દેવામાં આવતા હતા. સ્ટીલ ઉત્પાદનના કામોમાં તે ના માત્ર લોખંડને ભંગાર ઉઘરાવવા નું કામ કરતા પરંતુ ભટ્ઠી ને ચલાવવા પણ મજબુર થતા અને ઘણીવાર તે ભટ્ઠી ચલાવતા જ બેહોશ થઇ જતા. ઘણા કિસ્સાઓમાં માતા પિતા તેમના બાળકોને ભૂખમરાની સ્થિતિમાં મારી નાખતા હતા અથવા રઝળતા છોડી મુકતા. વુહાન શહેર( હા, કોરોના જ્યાંથી વકર્યું એ જ)માં ઉનાળાના સમયમાં ૨૧૦૦૦ જેટલા નિરાધાર બાળકોને અનાથ આશ્રમમાં ભરતી કરવામાં આવ્યાં હતા.

કમકમાટી ઉપજાવતી એવી પણ ઘટનાઓ સામે આવી જેમાં વાલી દ્વારા પોતાના જ બાળકને મારીને એને ખાવામાં આવ્યું હોય ! શરમને કારણે અને પાપનો ભારો પોતાને માથે ના લેવા ઘણી વાર ગામમાં બાળકોની આપ-લે કરવામાં આવતી જેથી પોતાના જ ખૂનને પોતાના હાથથી મારવું ના પડે. માનવ માંસ આરોગવા પર આવેલા લોકો આગળ બાકીના જીવોનું તો શું મૂલ્ય રહેવાનું? હાલતી ચાલતી દરેક ચીજ, પ્રત્યેક સજીવ જીવોને મારીને ખાવાનું ચલન આ દુકાળ પછી જ ચીની લોકો માં વધ્યું હતું અને આજે આખું વિશ્વ તેમની વિચિત્ર આહારશૈલી થી પરિચિત છે.

‘ધ ગ્રેટ લીપ ફોરવર્ડ’ના સમયગાળા દરમ્યાન અલગ-અલગ સંદર્ભ મુજબ અંદાજીત સાડા ચાર કરોડ લોકોના મૃત્યુ આંકવામાં આવે છે. આ બધી જ મૃત્યુ કઈ ભૂખમરાને જ કારણે ન હતી. આમાંથી આશરે ૨૫ લાખ લોકોની ધરપકડ બાદ યાતનાઓને કારણે, ૧૦ થી ૩૦ લાખ જેટલા લોકો આત્મહત્યાને કારણે મર્યા હતા. આ સમયગાળા માં દેશ માં જન્મના દર કરતા મૃત્યુનો દર ઉંચો જોવા મળતો હતો મતલબ કે લોકો જેટલા જન્મતા હતા એના કરતા મૃત્યુ વધારે સંખ્યા માં પામતા હતા.

યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાના પ્રોફેસર યેંગ સુ મુજબ, ૧૯૫૯-૬૧ નો દુકાળ એ કુદરતી કરતા રાજકીય રમત અને મહાત્વાકાંક્ષા નું પરિણામ હતું. ૧૯૬૨ માં, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાના બીજા અધ્યક્ષ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ વાઇસ ચેરમેન લિયુ શાઓકીએ દુકાળને ૩૦ % કુદરતી આફતો અને ૭૦% માનવસર્જિત નીતિઓ દ્વારા જવાબદાર ગણાવ્યા હતા. માઓને વિશ્વાસ હતો કે દેશમાં પરિવર્તન લાવવા માટે દરેક ચાઇનીઝને એકત્રિત કરીને ઉત્પાદનને વેગ આપીને ઝડપી આર્થિક વિકાસ અને સામાજિક પ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે પણ શ્રેષ્ટતાની આ દોડમાં એ પોતાના જ લોકોને ભરખી ગયો.

ચાઈનાના ઈતિહાસમાં આ સમયગાળો ચોક્કસથી એક પત્થરની લકીર સમાન હતો. છતાં, તે દુ: ખદ અને વ્યંગિક બાબત બંને હતી કેમ કે સામૂહિક સુખબોધ, રાજકીય વાવાઝોડાંનો અણવિકાસ અને સંપૂર્ણ ગતિશીલતાની પ્રચંડપણાને કારણે દેશ એક આર્થિક આપત્તિમાં દોરાઈ ગયું હતું , જ્યાંથી તે ૧૯૬૫ સુધી ઉગર્યું ન હતું. આર્થિક વિકાસની દ્રષ્ટિએ સંપૂર્ણ આઠ વર્ષ વેડફાઈ ગયા હતા અને ખોવાયેલી તકની કિંમત ખૂબ મોટી હતી, તે ધ્યાનમાં લેતા જ્યારે અન્ય એશિયન દેશો તેમના આર્થિક ઉપાડનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે ચાઈના માટે આ મોટો આંચકો હતો. ક્ષતિપૂર્તિ માટે વધુ નાણાને છાપવામાં આવ્યા જેને કારણે ફુગાવો ઉદભવ્યો.

જીવનશૈલીમાં ધરખમ ઘટાડો, ત્રણ વર્ષની કુદરતી આફતો દ્વારા વિકસિત દુષ્કાળ, ભૂખમરો, આ બધા કારણો દેશને નિરાશા તરફ દોરી ગયા.એકંદર પરિણામ વીસમી સદીનું સૌથી ગંભીર વિનાશ તરીકે મુલવી શકાય એમ હતું, આ સમયગાળા (૧૯૫૮-૬૧) દરમિયાન અંદાજે સાડા ચાર કરોડ લોકો નો ભોગ લેવાયો હતો.

આવતા લેખમાં આપણે ચીનની અમાનુષ “સાંસ્કૃતિક ક્રાંતિ (Cultural Revolution)” વિશે જોઈશું. વાચક મિત્રો, લેખ માટે આપના સલાહ સૂચન તમે ટ્વીટ થકી કે ડાયરેક્ટ મેસેજ ટ્વીટર :  @ardent_geroy પર આપી શકો છો.

This article is Curated By @ardent_geroy (Current

 
8 Comments

Posted by on July 6, 2020 in history

 

Tags: , , , , ,

8 responses to “ધ ગ્રેટ લીપ ફોરવર્ડ : ચીનના ભૂતકાળની ભૂતાવળ દાસ્તાન

  1. H.B. Gohel

    July 9, 2020 at 9:39 AM

    Very good article. Many things get to know about Chinese history.

    Liked by 1 person

     
  2. Rajendra A Anand

    July 10, 2020 at 12:17 PM

    A good analytical news of the past which many youngsters may not know, thanks for sharing

    Liked by 1 person

     
  3. jinu2020

    July 10, 2020 at 1:27 PM

    Eye opening article,

    Liked by 1 person

     
  4. Jaimin madhani

    July 13, 2020 at 12:42 PM

    ખુબ જ સરસ👍

    Liked by 1 person

     
    • Gandhi tinu

      July 14, 2020 at 10:28 PM

      Eye opening article young generation should read

      Liked by 1 person

       
  5. Parth Paun

    July 14, 2020 at 10:33 PM

    Very intersting so much to learn about chinise history

    Liked by 1 person

     
  6. Keyur

    July 15, 2020 at 6:00 PM

    very interesting and informative also… thanks for this artticle

    Liked by 2 people

     

Leave a comment