RSS

Existential Crisis : ગમ હોતે હૈ જહાઁ ઝહાનત હોતી હૈ.. દુનિયા મેં હર શય કી કિંમત હોતી હૈ..

24 Oct

જ્યારે અખબારો અને ન્યુઝ ચેનલો માં કોઈ યુવા અને તેજસ્વી પ્રતિભા એ અકાળે પોતાનું જીવન ટુંકાવ્યા ના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર આવે ત્યારે કાયદેસર અભિપ્રાયો નો વંટોળ ઉઠતો હોય છે. બધા પોતપોતા ના દૃષ્ટિકોણથી અને પોતાની પરિપક્વતા અનુસાર કારણો અને અનુમાનો જાહેર ચર્ચા ના વહેણ માં વહેતા મુકે. બધા પોતે એ ઘટના ને જાણે ઉકેલી લીધી હોય એમ એક્સપર્ટ ઓપિનિયન આપે. પણ શું થયું અને શા માટે થયું એવા સવાલો ના જવાબો તો એ વ્યક્તિ સાથે જ આ દુનિયા છોડી ચુક્યા હોય છે. પણ એક એવું કારણ કે પરિબળ હોય છે એક વિચારશીલ અને ચેતનવંતા વ્યક્તિ ના જીવન માં જે ભાગ્યે જ કોઈ ની નજર માં કે સમજ માં આવે છે. અને એ છે existential crisis.

જીવન શું છે? જીવન શા માટે છે? અસ્તિત્વ નો અર્થ શું? અને આવા અનેક સવાલો એવા છે જેના જવાબ આપવા ફિલસુફો થી લઈ ને કવિઓ સદીઓ થઈ મથે છે, બધા પોતાના વક્તવ્યો, મંતવ્યો, ગીતો કે કવિતા ઓ થી આ અસ્તિત્વ ના અગાધ સાગર ને અભિવ્યક્તિ ના પ્યાલા માં પીરસવા ના પ્રયત્નો કરે છે. અને આજ પ્રક્રિયા ના ભાગ રૂપે માનવજાત ને અદભૂત કળા, સાહિત્ય અને ફિલસુફી નો ખજાનો આગલી પેઢીઓ થી વારસા માં મળ્યો છે. અને નવા વિચારકો, લેખકો અને કવિઓ આજે પણ એ ખજાના માં વૃદ્ધિ કરતા જ જાય છે. તેમ છતાં આ ખજાના માં પણ તમે જો અસ્તિત્વ ના અર્થ માટે ના જવાબો શોધો તો કોઈ નિશ્ચિત, “ક્લિયર કટ” જવાબ એમાં પણ નહીં મળે. એટલેજ તો શેક્સપિયર પણ હેમલેટ માં “To be or not to be..” નો મોનોલોગ લખી માનવમન ને સતત ડંખતા સવાલો ની ઘૂંટન ઠાલવે અને ક્યારેક કંટાળી ને ગાલિબ પણ કહી દે કે ” ડૂબોયા મુઝકો હોને ને.. ના હોતા મેં તો ક્યા હોતા..”

આ એક એવી મૂંઝવણ છે, એક એવી બેચેની છે જે બધા ને અનુભવાતી નથી. પણ અમુક લોકો ની અંદર સતત જાણવા અને પામવા ની એક તરસ, એક તલબ પ્રકૃતિ એ મૂકી હોય છે. વિચારશીલ વ્યક્તિ સ્વભાવે જ જિજ્ઞાસુ હોઈ દરેક વસ્તુ ને સવાલો ના તારાજુ થી તોલે, એવા સવાલો એના મન માં થાય જે સામાન્ય રીતે લોકો ને ન થાય. અને આ રીતે એની ચેતના વિકસતી અને વિસ્તરતી જાય. પણ જે રીતે એક સીમા થી વધુ કમાણી કરતી વ્યક્તિ એ ઇનકમ ટેક્સ ભરવો પડે એ રીતે ચેતનવંતા મન ને પણ એક સીમા પછી એની કિંમત ચૂકવવી પડે જે વાત શીર્ષક માં લખેલા જાવેદ અખ્તર ના શેર માં બખૂબી વ્યક્ત થઈ છે. અંગ્રેજી ભાષા માં થોમસ ગ્રે ની કવિતા નું એક ક્વોટ છે, “Where ignorance is bliss, ’tis folly to be wise.”

જીવન માં અમુક સવાલો, અમુક ચિંતાઓ એવી હોય છે છે પેન્ડોરા ના બોક્સ ની જેમ પડી જ રહે તો સારું, એના થી જેટલું અંતર હોય એટલું સારું. પણ આગળ કહ્યું એમ વિચારતા મન પર એક સીમા પછી ટેક્સ ના રૂપે આ પેન્ડોરા નું બોક્સ સામે થી આવી ને રસ્તા માં મળે છે. અને પછી જ્યારે આ પેન્ડોરા નું બોક્સ ખુલે ત્યારે માણસ ના તમામ સુખ ચેન પર ગ્રહણ લગાવે છે. આ એક એવી ‘ખલિશ’ છે કે માણસ ને સતત અંદર થી કોતરી ખાય. આ અંદર થી ડંખતો એવો કાળો નાગ છે જે સફળતા ના શિખર પર બેઠેલી વ્યક્તિ ને પણ ઘણી વાર સતાવતો હોય છે. જીવન માં બધું પામી લીધા પછી, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માં વેલ સેટલ્ડ હોવા છતાં, પોતા ના ફિલ્ડ માં સક્સેસ ના પરચમ લહેરાવી દીધા હોય તો પણ શક્ય છે કે એ વ્યક્તિ અંદરખાને ઉદાસ અને દુનિયા થી disillusioned રહેતો હોય.

સતત કશુંક ઘટતું હોય, હજુ પણ અધૂરપ અનુભવાતી હોય અને જીવન એક અર્થહીન અસ્તિત્વ છે એવી ફીલિંગ આવે અને એવું લાગે કે બસ જીવવા માટે જ આપણે જીવ્યા કરીએ છીએ. ફ્રેડી મર્ક્યુરી ના સોન્ગ ની લાઇન્સ “Nothing really matters..” ની જેમ આખી દુનિયા જ બેમતલબ ની લાગે. શેક્સપિયરે પોતાના મેકબેથ નાટક માં એક અદભૂત મોનોલોગ માં જીવન વિશે લખે છે “It is a tale told by an idiot, full of sound and fury, signifying nothing.” આ જીવન ના વ્યર્થ લાગવા ટીસ માનવજાત જેટલી જ જૂની છે. અને માણસ નો આની સાથે નો દ્વંદ્વ પણ એટલો જ સનાતન છે.

સામાન્ય રીતે માણસ આ વેદના સહન કરી લે પણ ઘણી વાર બાહર થી આવતાં આઘાતો આ અંદર ની આગ ને હવા આપતા હોય છે. આ દુનિયા માં વધું સંવેદનશીલ લોકો ને વધુ દુઃખ દર્દ ભોગવવા પડે છે અને એટલે જ જ્યારે પ્રેમ માં દિલ તૂટે કે કોઈ મોટી નિષ્ફળતા નો “નૉક આઉટ પન્ચ” લાગે ત્યારે આ આગ માં જાણે ઇંધણ રેડાય છે. અને આ બહેરુપિયા જેવી આગ બીજા કારણો ની સાથે મળી ને માણસ ને કન્વીન્સ કરી દે કે જીવન તદ્દન અર્થહીન અને નકામું બની ગયું છે. અને આવેગ ની કોઈ ક્ષણે માણસ આક્રોશ માં આવી ને જીવન ને ઠોકર મારી દેતો હોય છે.

જીવન ને કોયડો સમજી ઉકેલવા જતા એને ઉકેલનાર પોતે જ ગૂંચવાય જાય છે. જીવન કદાચ ખરેખર સમજવા ની વસ્તુ છે જ નહીં. જો જીવન ને એનલાઈઝ કરવા જાઓ તો જેવી રીતે ડુંગળી ના એક એક સ્તર ખોલો એમ આંખો બળે અને એ તમને રડાવે એવી રીતે પીડા જ મળે અને અંતે બધા જ સ્તરો કાઢતા કશું જ ના બચે અને હાથ માં ફક્ત emptiness જ આવે. પણ જો જીવન ને માત્ર માણવા ના ભાવ થી જુઓ તો એ બોર જેવું છે, ખાટી મીઠી મોમેન્ટસ નો ઢગલો. એ બોર માં વચ્ચે વચ્ચે દુઃખો ના ઠળિયા ય આવે, પણ બોર માણી ને ઠળિયા બેફિકરી થી થુકી નાખવા.

જીવન એક અનુભૂતિ છે એટલે જ વિચારો ના સિમિત પરિમાણ માં એ કદી સમાવાનું નથી. ચોમાસા ના વરસાદ ની જેમ એમાં પલળી ને જ એને માણી શકાય, બારી એ બેસી ને વરસાદ નું આકલન કરવાથી નહીં. અને જિંદગી માણવી એટલે એને સમજવા ના ચક્કર માં પડ્યા વિના એને આત્મસાત કરી લેવા નું નામ. જેવી રીતે નદી સાગર માં ભળી ને એક થઈ જાય એમ. એટલે જ વિચારો ના આકાશ પ્રત્યેનું વિસ્મય સારી વસ્તુ છે, પણ જે પ્રેઝન્ટ મોમેન્ટ ના બાગ માં બેઠા છો તેના લીલા ઘાસ માં આંગળી ઓ ફેરવવી એ જીવન નો પ્રત્યક્ષ અનુભવ કહેવાય.

માયા એન્જેલુ કહેતા કે “A bird doesn’t sing because it has an answer, it sings because it has a song.” એક સર્જક ની અભિવ્યક્તિ ના કોન્ટેકસ્ટ માં કહેવાયેલા આ શબ્દો દુનિયા ની તમામ કળા અને સાહિત્ય ની ગંગોત્રી છે. અને જીવન નો અર્થ શોધવા મથતા મન માટે પણ એટલા જ યથાર્થ છે. જીવન એ ઉકેલવાનો કોયડો નથી પણ ગાવા નું ગીત છે. તેથી જ સવાલ-જવાબ ની ભૂલભૂલૈયા માં પડ્યા વિના જીવન સંગીત સાથે તાલ મિલાવી, નિજાનંદ માં મસ્ત થઈ ગીત ગાવા ના બહાના શોધતા રહેવું.

– ધનવંત પરમાર

 
2 Comments

Posted by on October 24, 2020 in art & literature, feelings, philosophy, youth

 

2 responses to “Existential Crisis : ગમ હોતે હૈ જહાઁ ઝહાનત હોતી હૈ.. દુનિયા મેં હર શય કી કિંમત હોતી હૈ..

  1. ram karavadra

    October 19, 2020 at 5:30 PM

    જયભાઈ, મારા જેવા ઈમોસન માં વારેવારે ફસડાઈ જતા ને ખુબજ ઠંડક આપે એવું લખ્યું છે .ધન્યવાદ

    Like

     
    • dhanvantparmar

      October 20, 2020 at 9:50 AM

      Hi, thank you for the feedback. This article is written by me.

      Liked by 1 person

       

Leave a comment