RSS

Daily Archives: September 11, 2012

સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !



આ જુનો  લેખ વધુ એક વાર આ વખતે બ્લોગના માધ્યમે રિ-માઈન્ડર રૂપે…

આજે ૧૧ સપ્ટેમ્બર શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદે આપેલા વ્યાખ્યાનના સ્મરણનો દિવસ છે ત્યારે બધા જ વિશ્વમાં એમણે લહેરાવેલી ભારતીય સંસ્કૃતિની ધજાપતાકાનો પોપટપાઠ કરી રહ્યા છે. પણ એ મુલાકાત થકી એમના દિમાગ પર જેનો ઝંડો લહેરાયેલો એ અમેરિકાના વેસ્ટર્ન કલ્ચર વિશેના એમના એ સમયના નિરીક્ષણો ટાંકવા તો શું, વાંચવાની યે કોઈ તસ્દી લેતું નથી ! આજે રેફરન્સ વિના વાંચો તો સ્વામી સચ્ચિદાનંદના લાગે એવા આ એમના વાસ્તવમાં આટલા જુના વિચારો  કે આજે ૨૦૧૨માં મારાં જેવો કોઈ અમેરિકા જઈ જે ઓબ્ઝેર્વેશન કરે એમાં કોઈ ફરક લાગે છે? મતલબ ત્યારે પણ અમેરિકાનું જે મેરિટ હતું એ જળવાયું છે, ને ત્યારે પણ આપણી જે ખામીઓ હતી એ સુધરી નથી !

સ્વામી વિવેકાનંદના નામે પશ્ચિમી સંસ્કૃતિ પર થૂ થૂ કરીને  ભારતીય સંસ્કૃતિની મહાનતાના બણગા ફૂંકતા ફૂંકતા ગલોટિયાં ખાઈ જનારાઓ એ તો ખરેખર  બેંચ પર ઉભા ઉભા આ પત્રોના અંશો ૧૦૦ વાર લખવા જોઈએ.

યુવાવર્ગનું સઘળું ઘ્યાન પશ્ચિમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરોવાઈ ગયું છે, એવું ઘરડી માનસિકતાવાળા ઘણા માને છે. યુવામહાપુરૂષની વાત આવે અને વીરનર સ્વામીવિવેકાનંદનું નામ યાદ ન આવે? સામાજીક સંસ્થાઓ સ્વામીજીની તસવીરોને હારતોરા કરે છે. પણ સ્વામીજીના અક્ષરદેહ રૂપે જળવાયેલા પુસ્તકો વાંચવાની તસદી લેવાની એમને ફુરસદ નથી.

એની વે, ઓગણીસમી અને વીસમી સદીના પ્રત્યેકભારતીય ક્રાંતિકારીઓની માફક સ્વામીજીના ઘડતરમાં પશ્ચિમી પવનોનો ખાસ્સોમહત્વનો ફાળો હતો. એમની ગ્રંથમાળાના પુસ્તકો (ક્રમ ૫,૧૦,૧૧,૧૨)માં છપાયેલાએમના પત્રોમાં જરા પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જીવન અંગે એમની જ વાણીના ધૂંટડા ભરવા જેવા છે. થોડુંક ચાખી લો :

 

(૧) હરિપદ મિત્રને, શિકાગોથી: અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાંય જોઈ નથી.આપણા દેશમાં સુશિક્ષિત પુરૂષો તો છે પણ અહીંના જેવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવામળે… અહો! તેઓ કેટલી સ્વતંત્ર છે! સામાજીક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જનિયમન કરે છે. અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ઉભરાય છે, જ્યારે આપણાદેશમાં તો સ્ત્રીઓને રસ્તા પર સલામતીથી ફરવા પણ ન દેવાય! ….અહીં સ્ત્રીઓકેવી પવિત્ર અને સંયમી હોય છે! હવામાં ઉડતા પક્ષીઓ જેવી મુક્ત હોય છે…પૈસા કમાય અને તમામ પ્રકારનું કાર્ય કરે. રખેને આપણી છોકરીઓ ભ્રષ્ટ અને અનીતિમય થઈ જશે, એ ભયે આપણે એમને અગિયાર વર્ષમાં પરણાવી દેવામાં બહુ જ ચોક્કસ છીએ. આઘ્યાત્મિકતાની બાબતમાં અમેરિકનો આપણાં કરતા ઘણે દરજ્જે ઉતરતાછે. પણ એમનો સમાજ આપણા સમાજ કરતા ઘણે દરજ્જે ચડિયાતો છે. (૨૮ ડિસેમ્બર, ૧૮૯૩)

(૨) ગુરૂબંઘુઓને, ન્યુયોર્કથી: આ દેશની અપરણીત છોકરીઓ બહુ ભલી છે અને ખૂબ સ્વમાની છે… તેમને મન શરીરની સેવા એ જ મોટી વસ્તુ છે, તેઓ તેને ઘસીને ઉજળું કરે છે ને તમામ પ્રકારનુંલક્ષ આપે છે. નખ કાપવાના હજારો સાધન, વાળ કાપવાના દસ હજાર અને પોશાક, સ્નાનસામગ્રી તથા સુગંધી દ્રવ્યોની વિવિધતાની તો ગણતરી જ કોણ કરી શકે? તેઓ ભલા સ્વભાવના માયાળુ ને સત્યનિષ્ઠ છે. તેમનું બઘું સારું છે, પરંતુ ભોગ જ તેમનો ઈશ્વર છે. આ દેશમાં ધન નદીના પ્રવાહની જેમ વહે છે. સૌંદર્ય તેના વમળો છે, વિદ્યા તેના મોજાં છે. દેશ મોજશોખમાં આળોટે છે.

અહીં મક્કમતાઅને શક્તિનું અદ્ભૂત દર્શન થાય છે. કેવું વાળ, કેવી વ્યવહારદક્ષતા ને કેવું પૌરૂષ!… અહીં જબરદસ્ત શક્તિનો આવિર્ભાવ નજરે ચડે છે… મૂળ વાત પર આવુંતો આ દેશની સ્ત્રીઓને જોઈને મારી અક્કલ કામ કરતી નથી! જાણે હું બાળક હોઉં તેમ તેઓ મને દુકાનોએ તથા બીજે બધે લઈ જાય છે. તેઓ બધી જાતના કામ કરે છે. હું તો તેઓના સોળમા ભાગનું પણ ન કરી શકું. તેઓ સોંદર્યમાં લક્ષ્મી જેવી છે, સદગુણોમાં સરસ્વતીઓ છે. તેઓ ખરેખર મા ભગવતીનો અવતાર છે. તેમને ભજવાથી માણસને સર્વમાં પૂર્ણતા મળે છે. હે ભગવાન! આપણે શું માણસોમાં ગણાઈ એવા છીએ?…. અહીંની સ્ત્રીઓને જોઈને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ જાઉં છું. માભગવતી તેમના પર કેટલાં કૃપાળુ છે! તે કેવી અદ્ભૂત નારીઓ છે! (૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪)

(૩) સ્વામી રામકૃષ્ણાંનંદ (શશી)ને શિકાગોથી: લોકો (અહીં) કલા અને સાધનસામગ્રીમાં સૌથી આગળ પડતા છે. આનંદપ્રમોદ અનેમોજશોખમાં આગળ પડતા છે, તથા પૈસા કમાવા અને વાપરવામાં મોખરે છે… લોકો જેટલું કમાય છે, તેટલું ખર્ચે છે. બીજાનું ખરાબ બોલવું અને બીજાની મહાનતાજોઈને હૃદયમાં બળવું એ આપણું (ભારતનું) રાષ્ટ્રીય પાપ છે. (જાણે) ‘મહાનતાતો મારામાં જ છે. બીજા કોઈને તે મળવી ન જોઈએ!’

આ દેશની સ્ત્રીઓ જેવી દુનિયામાં બીજે ક્યાંય નથી. કેટલી પવિત્ર, સ્વતંત્ર, આત્મશ્રદ્ધાવાળી અનેમાયાળુ! સ્ત્રીઓ જ આ દેશનું જીવન અને આત્મા છે. તેઓમાં બધી વિદ્યા અને સંસ્કાર કેન્દ્રિત છે. અમેરિકાની સ્ત્રીઓ જોઈને હું આશ્ચર્યથી મૂક થઈ જાઉંછું. અહીં હજારો સ્ત્રીઓ એવી છે, જેમના મન આ દેશના બરફ જેવા શુભ અને પવિત્રછે… જ્યારે આપણે બૂમો પાડીએ છીએ, ‘માયારૂપી આ નારી કોણે સર્જી?’ અને એવું એવું ભાઈ! દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચલા વર્ણને જે રીતે પજવેછે, તેના ભયંકર અનુભવો મને થયા છે. મંદિરોમાં જ કેવા હીન વ્યભિચાર ચાલે છે! …જે દેશ (ભારત)માં લાખો લોકો મહુડાના ફૂલ ખાઈને જીવે છે અને દસ-વીસ લાખ સાઘુઓ અને એકાદ કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે… તેનેદેશ કહેવો કે નરક? આ તે ધર્મ કહેવાય કે પિશાચનું તાંડવ! ભાઈ, અહીં એક વાતપૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયું છે…આપણા જેવી ‘કૂપમંડૂકતા’  જગતમાં બીજે ક્યાંય જોઈ નથી. પરદેશમાંથી કંઈ પણ નવું આવશે કે પહેલું અમેરિકા તે સ્વીકારશે. જ્યારે આપણે? ‘આપણી આર્ય પ્રજા જેવા માણસો જગતમાં છે જ ક્યાં!’  આ ‘આર્યત્વ’ ક્યાં દેખાય છે તે જ હું જોઈ શકતો નથી! (૧૯ માર્ચ, ૧૮૯૪)

 (૪) આલાસિંગા પેરૂમલ તથા શિષ્યોને, ન્યુયોર્કથી: આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારોને મુક્ત રાખ્યા અને આપણને પરિણામે અપૂર્વ ધર્મ મળ્યો. પણ તેમણે સમાજને ભારે સાંકળોથી જકડી રાખ્યો અને પરિણામે આપણો સમાજ, ટૂંકમાં કહીએ તો, ભયંકર પૈશાચી બની ગયો છે. પશ્ચિમમાં સમાજ હંમેશાં સ્વતંત્ર હતો. તેનું પરિણામ જુઓ. બીજુ બાજુએ તેમના ધર્મ તરફ નજરકરો.વિકાસની પ્રથમ શરત છે :  સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.

આપણે ભૌતિક સંસ્કૃતિ વિરૂઘ્ધ મૂર્ખાઈ ભરેલી વાતો કરીએ છીએ, કેમકે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ માનો કે સમગ્ર ભારતમાં માત્ર એકલાખ જેટલાં જ સ્ત્રી પુરૂષોના સાચા આઘ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડ (એ સમયના ભારતની વસતિ)ને જંગલીપણા અને ભૂખમરામાં ડૂબાડવા?…. મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું – ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન!… ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુદ્ધાં જરૂરી છે. … ભારતમાં બહુ બહુ તો તમારી પ્રશંસા થશે. પણ તમારા કામ માટે એક પૈસો પણ મળશે નહીં! (૧૯ નવેમ્બર, ૧૮૯૪)

(૫) ઈ.ટી. સ્ટડીને, ન્યુયોર્કથી: અવશ્ય, હું ભારતને ચાહું છું. પણ દિવસે દિવસે મારી દ્રષ્ટિ વધારે ચોખ્ખી થતી જાય છે. ભારત, ઈંગ્લેન્ડ કે અમેરિકા, અમારે મન શું છે? અમે તો જેને અજ્ઞાનીઓ ‘મનુષ્ય’ કહે છે, તે ઈશ્વરના દાસ છીએ. જે મૂળમાં પાણી રેડે છે તે આખા વૃક્ષને પાણી પાતો નથી? સામાજીક, રાજકીય કે આઘ્યાત્મિક કલ્યાણ માટેની ભૂમિકા માત્ર એક છે: તે એ કે હું અને મારો બંઘુ ‘એક’ છીએ એનું ભાન. બધા દેશો અને બધા લોકો માટે આ સાચું છે અને હું તમને કહી દઉં કે પૌર્વાત્યો કરતાં પાશ્ચાત્યો તેનો વધારે ઝડપથી સાક્ષાત્કાર કરશે. (૯ ઓગસ્ટ, ૧૮૯૫)

 (૬) દીવાન હરિદાસ બિહારી દેસાઈને, શિકાગોથી: પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમ છે : તેઓ રાષ્ટ્રો છે, આપણે નથી. એટલે કે સમૃદ્ધિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે અહીં પશ્ચિમમાં સહુને મળે છે. આમજનતા સુધી પહોંચી જાય છે. ભારતના અને અમેરિકાના ઉચ્ચ વર્ગો તો એક પ્રકારના છે, પણ બંને દેશોના નીચલા વર્ગો વચ્ચેના લોકોનું અંતર અગાધ છે… પશ્ચિમના લોકો પાસે મહાન મનુષ્યોને પસંદ કરવાનું ક્ષેત્ર વધારે વિશાળ છે. મારા માયાળુ મિત્ર, મારા વિશે અન્યથા ન સમજશો, પણ આપણી પ્રજામાં જ મોટી ખામી છે, અને તે દૂર કરવી જોઈએ. (૨૦ જૂન, ૧૮૯૪)

(૭) મૈસૂરના મહારાજાને,શિકાગોથી: આ દેશ (અમેરિકા) અદભૂત છે, અને આ પ્રજા પણ ઘણી રીતે અદભૂત  છે. આ દેશનાલોકો રોજીંદા વ્યવહારમાં યંત્રોનો ઉપયોગ કરે છે, તેટલો બીજી કોઈ પ્રજા કરતીનહીં હોય. યંત્રો સર્વસ્વ છે… તેમની દોલત અને સુખસાધનોને કોઈ સીમા નથી… મારો નિર્ણય તો એ છે કે તે લોકોને વધારે આઘ્યાત્મિક સંસ્કૃતિની અનેઆપણને વધારે ભૌતિક સંસ્કૃતિની જરૂર છે. (૨૩ જૂન, ૧૮૯૪)

 (૮) આલાસિંગા પેરૂમલને,અમેરિકાથી: તમારા (ભારતના) પૂર્વજોએ આત્માને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી. પરિણામે ધર્મનો વિકાસ થયો. પરંતુ એ પૂર્વજોએ શરીરને તમામ પ્રકારના બંધનોમાં જકડી રાખ્યું અને પરિણામે સમાજનો વિકાસ અટકી ગયો. પશ્ચિમના દેશોમાં આથી ઉલટુંબન્યું. તેમણે સમાજને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી, પણ ધર્મને કંઈ નહિ…પરંતુ પૂર્વ અને પશ્ચિમ બંનેનો આદર્શ આગવો અને ભિન્ન રહેશે. ભારતનો આદર્શ ધાર્મિક અથવા અંતર્મુખી, અને પશ્ચિમનો વૈજ્ઞાનિક અથવા બહિર્મુખી. પશ્ચિમઆઘ્યાત્મિકતાનો એકેએક કણ સામાજીક સુધારણા દ્વારા ઈચ્છે છે. તેવી જ રીતે પૂર્વ પણ સામાજીક સત્તાનો એકેએક અંશ આઘ્યાત્મિક દ્વારા ઈચ્છે છે. (૨૯ સપ્ટેમ્બર, ૧૮૯૪)

 (૯) શ્રીમતી સરલ ઘોષલને, બર્દવાન મહારાજાનો બંગલો (દાર્જીલિંગ)થી: મારી હંમેશા એ દ્રઢ માન્યતા રહી છે કે જ્યાં સુધી પશ્ચિમના લોકો આપણી મદદે નહીં આવે, ત્યાં સુધી આપણું ઉત્થાન થઈ શકશે નહિ. આપણા દેશમાં હજી ગુણની કદર જેવું કશું દેખાતું નથી, નાણાંકીય બળ નથી, અને સૌથી વધારે શોચનીય તો એ કે તેમાં વ્યાવહારિકતાનું તો નામનિશાન પણ મળતું નથી. કાર્યો તો અનેક કરવાના છે, પરંતુ એ કરવાના સાધનો આ દેશમાં ઉપલબ્ધ નથી. આપણી પાસે બુદ્ધિ છે, પણ કાર્યકરો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે, પણ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિતછે, પણ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઉભા કરીએ છીએ… આ દેશના લોકોમાં સામર્થ્ય ક્યાં છે? નાણા ખર્ચવાની શક્તિ ક્યાં છે?… આ દેશના લોકો સંપત્તિની કૃપાથી વંચિત, ફૂટેલા નસીબવાળા, વિવેકબુદ્ધિ વિહોણા, પદદલિત, કાયમી ભૂખમરાનો ભોગ બનેલા, કજીયાખોર અને ઈર્ષાળુ છે….સ્વાર્થ અને આસક્તિરહિત સર્વોચ્ચ કક્ષાના કાર્યનો બોધ ભારતમાં જ અપાયો હતો. પણ વ્યવહારમાં ‘આપણે’  જ અત્યંત ક્રૂર અને નિષ્ઠુર છીએ. (૬ એપ્રિલ, ૧૮૯૭)

 (૧૦) મિસ મેરી હેઈલગે, ન્યુયોર્કથી: સંપ્રદાયો અને તેમના છળપ્રપંચો, ગ્રંથો અને ગુંડાગીરીઓ, સુંદર ચહેરાઓ અને જૂઠા હૃદયો, સપાટી પર નીતિમત્તાના બૂમબરાડા અને નીચે સાવ પોલંપોલ અને સૌથી વિશેષ તો પવિત્રતાનો આંચળો ઓઢાડેલી દુકાનદારી-આ બધાથી ભરેલા આ જગત પ્રત્યે, આ સ્વપ્ન પ્રત્યે, આ ભયંકર ભ્રમણા પ્રત્યે મને ધિક્કાર છૂટે છે. (૧ફેબ્રુઆરી, ૧૮૯૫)

 (૧૧) આલાસિંગા પેરૂમલને, શિકાગોથી : ઈર્ષા પ્રત્યેક ગુલામ પ્રજાનો મુખ્ય દુર્ગુણ છે… જ્યાં સુધી તમે ભારતવર્ષની બહાર નહિ જાવ, ત્યાં સુધી મારા વિધાનમાં રહેલા સત્યનો તમને પ્રત્યક્ષ અનુભવ નહિ થાય. પશ્ચિમવાસીઓની સફળતાનું રહસ્ય તેમની આ સંગઠનશક્તિમાં રહેલું છે. સંગઠનશક્તિનો પાયો છે – પરસ્પર વિશ્વાસ અને એકમેકના દ્રષ્ટિબિંદુ સમજવાની શક્તિ. (૧૮૯૪)

 (૧૨) સ્વામી રામકૃષ્ણાનંદ (શશી)ને, અમેરિકાથી : સંકુચિત વિચારોથી જ ભારતનો વિનાશ થયો છે. આવા વિચારો નિમૂર્ળ ન કરાય ત્યાં સુધીતેની આબાદી થવી અશક્ય છે. મારી પાસે પૈસા હોત તો હું તમને દરેકને જગતના પ્રવાસે મોકલત. માણસ નાનકડા ખૂણામાંથી બહાર ન નીકળે, ત્યાં સુધી કોઈ મહાન આદર્શને હૃદયમાં સ્થાન નથી મળતું. સમય આવ્યે આ ખરૂં સાબિત થશે. (૧૮૯૫)

 

      આ ડઝનબંધ અંશો પૂરા પત્રો નથી. એવું નથી કે સ્વામીજીએ ભારતની ટીકા કેપશ્ચિમના વખાણ જ કર્યા છે. ગરીબી, દંભ, વેદાંત, સેવા ઘણા વિષયો પર ઘણુબઘું એમાં છે. પણ એક સદીથી વધારે સમય પહેલાનો વિવેકાનંદનો આ આક્રોશ (દેશપ્રત્યે) અને અહોભાવ (પશ્ચિમ પ્રત્યે)આજે તો કદાચ વઘુ સાચો લાગે છે. અને આ અભિપ્રાયો કંઈ ભારતને ન ઓળખનાર મુગ્ધ અને વેસ્ટર્ન ગ્લેમરથી અંજાયેલા કિશોરના નથી. આમ પણ, સ્વામી વિવેકાનંદની વીરતા કે ઈરાદા કે દેશપ્રેમ પ્રત્યે તો શંકા જ ન હોય. કરૂણતા તો એ છે કે સ્વામીજીની વાહવાહી અને પોસ્ટરો બધે જ છે-પણ એમણે ઈચ્છી હતી એ મુક્તિ કે સંપત્તિ ભારતીય યુવાપેઢીને એક-દોઢ સદી પછી પણ મળી નથી…અને ૧૦૦-૧૫૦  વર્ષ પહેલાનો જમાનો પણ ક્યાં સતયુગ હતો ? વાંચો અને વંચાવો  આ વેસ્ટર્ન વાસ્તવદર્શી  વિવેકાનંદને !

 
54 Comments

Posted by on September 11, 2012 in india, religion, youth