RSS

Monthly Archives: August 2013

JSK – ફર્સ્ટ લૂક…..

અંતરાલોમાં ય લાંબા અંતરાલ પછી મળવાનું થાય છે.

અગાઉ પણ લખેલું એમ ઘરની જવાબદારીઓ અને એ નિભાવવા કરવાના વ્યાખ્યાનો માટેના સતત અને સખ્ત પ્રવાસો…( હમણાં ૭૨ કલાકમાં મુંબઈ-આણંદ-વડોદરા-અમદાવાદ પ્રવચનો માટે જવાનું થયું )ને લીધે ગેપ પડે છે.મને એ ગમતું નથી, પણ મારે જે કરવું છે નવું નવું – બજેટ વિના થતું નથી હોતું- અને ઓનેસ્ટ અર્નિંગ માટે જાત ઘસીને દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો.

અને આ બધું કમાઈને શું કરવાનું ? ખાવું,પીવું, રમવું,ભમવું ને લહેરથી જીવન માણવું ( કોઈને છેતર્યા કે આડાઅવળા તિકડમથી પૈસા કમાયા વિના, મહેનત કરી શરીર મન પાસેથી જેન્યુઈન કામ લઇને  ) એ તો ખરું જ. પણ સાથો સાથ કશુંક હટ કે વટથી કરીને બતાવવું. જે આપણા રસના અને શોખના વિષય છે એમાં ટ્રેન્ડ ચેન્જ થઇ જાય એવી ક્રિએટીવ ક્વોલિટીનું કામ કરી બતાવવાનો પડકાર ઝીલવાની થ્રિલ માણવી. નવી હવામાં જીવતા લોકોને નવી ફીલિંગ આપતી પ્રોડક્ટ અને એનું પેશનથી પ્રમોશન કરી કોઈ જીવતરના દીવડાની શગ સંકોરીને રોશની ફેલાવવા પ્રયાસ કરવો.મરેલા સમાજને સાચી દિશામાં જીવતો કરવો. એ માટે જાત તોડીને ,ઘસીને , તણાઈને પહેલા પૈસા ભેગા કરવા અને પછી એ કોઈ “ઇન્વેસ્ટમેન્ટ”માં રોકવાને બદલે બધા જ આવા ગમતા પ્રોજેક્ટમાં નાખવા…જરૂર પડે ઘરના ફર્નિચર માટે પણ ઉધાર ના લીધું હોય પણ આ માટે ઉછીના લેવા… 😛

એટલે જાતે જ બનાવ્યું ‘રિમઝિમ ક્રિએશન્સ’. વન મેન આર્મી.અલબત્ત, મિત્રો સ્વજનો માંગ્યો સહકાર જરૂર પડે ત્યારે આપે અને પ્રોફેશનલ હેલ્પ મળે તો ય અંતે તો એકલપંડે જ બધું કરવાનું. એમાં કેટલીયે જગ્યાએ મારે વહેંચાઇ જવું પડે, અને નબળું કામ મને જ ના ગમે તો બીજાને શું આપવાનું ?

એમ ગયા વર્ષે તૈયાર કરી ‘જય હો’….પ્રૂફની થોડી ત્રુટીઓ ( જે પ્રકાશનોમાં ગુજરાતીમાં આજે નોર્મલ ગણાય ) રહી, એ લર્નિગ એક્સપિરિયન્સ થયો – છતાં ય પુસ્તક કોઈ લોન્ચ પ્રોગ્રામ કે એડ. વિના જ એટલું તો સફળ થયું કે ફક્ત એક જ વર્ષ જેટલા સમયમાં એની ૮,૦૦૦ નકલો ખપી ગઈ ! ૧૨૫૦ નકલોનું ગુજરાતી સ્ટાન્ડર્ડ ગણો તો ઓલમોસ્ટ ૭ આવૃત્તિ એક જ વર્ષમાં ! અને આપઘાત રોકવાના હેતુસર મેં પણ ઘણી વાર એ કમાણીની ગણતરી વિના પહોચાડવાની કોશિશ કરી , જે સતત એના મળતા ફીડબેક પરથી લાગે છે કે કામિયાબ રહી. ટૂંક સમયમાં જ ‘જય હો’ની સંવર્ધિત આવૃત્તિ આવી રહી છે અને દિવાળી પર એમાં ય એક સરપ્રાઈઝ હશે.

પણ સાથોસાથ બાથ ભીડી એક જુનું સપનું પૂરું કરવાની. કૃષ્ણ પરની એક સુપરસ્પેશ્યલ બૂક ફોર કલરમાં તૈયાર કરવાની ! આજની જબાન અને આવતીકાલનાં મિજાજની નેવરબિફોર બૂક. અગાઉ ગુજરાતીમાં કૃષ્ણ જેવો મોસ્ટ ફેવરીટ સબ્જેક્ટ છતાં કોઈએ ના કરી હોય એવી બૂક. એકદમ જોરદાર ધારદાર કન્ટેન્ટ અને એક્સક્લુઝીવલી મેં જ પરિકલ્પના કરીને બૂક્ માટે કરાવેલા આલાતરીન ફર્સ્ટ હેન્ડ ચિત્રોનો એમાં રંગથાળ ! કશું  ય ટીપીકલ, ચવાઈ ગયેલું નહિ ! એના એ નેટ પર દેખાતા ચિત્રોની ભરમાર નહિ. કૃષ્ણની બૂક તો રસિક રંગીન જ હોય ને !

અનેક સ્પીડબ્રેકર્સ પછી આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આમ તો આજે જ પૂરી કરવાની હતી આ બુકને પણ જે ગમે જગદગુરુદેવ જગદીશને ……આમ પણ કાઠીયાવાડી ગોકુળઆઠમના દિવસે વાંચવા નવરો ના બેઠો રહે 😉  એટલે ડીઅર કાનાના જન્મદિને વધામણી આપું છું કે એકદમ જલ્દી, ટૂંક સમયમાં સપ્ટેમ્બરમાં જ મારું નવું પુસ્તક આવી રહ્યું છે. અઢળક ઉજાગરા અને જહેમત રીડરબિરાદરની મોજ ખાતર ખાસ સમય કાઢીને ઉઠાવ્યા બાદ….

JSK- જય શ્રી કૃષ્ણ નામનું આ સંપૂર્ણ રંગીન પુસ્તક ગ્લોસી આર્ટ પેપરમાં જય હોથી પણ એક ઇંચ મોટી સાઈઝમાં હશે. એના વિષે, એની ઓફર્સ વિષે..બધું ધીરે ધીરે ઘૂંઘટ ના પટ ખુલશે…અત્યારે તો એટલું જ કે આ પુસ્તક મેં તૈયાર નથી કર્યું , એ કૃષ્ણે તૈયાર કરાવ્યું છે. અને આ કોઈ ફેંકવાની વાત કે બનાવટી નમ્રતા નથી. રીતસર એમાં નરસિંહ અને શામળિયા જેવા જેવા અનુભવો મને થયા છે. એ સર્જનકથા પણ અહીં આવશે…

અત્યારે તો જન્માષ્ટમી નિમિત્તે બસ એ બુકનું કવર કેવું હશે એની એક “અન્ડરકન્સ્ટ્રકશન” પ્રોસેસની ઝલક અહીં માણો…. હેપ્પી જન્માષ્ટમી 🙂

jsk 3

 
89 Comments

Posted by on August 28, 2013 in personal