RSS

Daily Archives: March 17, 2014

ક્વીન ઈઝ લાઈફ, લાઈફ ઈઝ ક્વીન !

queen-bollywood-movie-stills99

સામાન્ય રીતે શિરસ્તો એવો જાતે જ રાખ્યો છે કે છપાયેલા લેખો તરત બ્લોગ પર વાચક ઉઘરાવવાની લાહ્યમાં ન ચડાવી દેવા…ભલે સંજોગોવશાત સૌથી વધુ હિટ્સ મેળવતા બ્લોગમાં મહીનાઓ સુધી કંઈ મૂકી ના શકાય ને એ ભેંકાર બની રહે ! તો ય વાંક-અદેખાઓ પાછા સંભળાવતા જાય કે તમે તો બધું જ સસ્તી પ્રસિદ્ધિ માટે જ કરતા હશો કાં? અરે ટોપા, જો એવી જ સનસનાટી / પ્રસિદ્ધિની ભૂખ હોય તો જેના કેટલાય ફક્ત સપના જ જોતા હોય છે કે સો હિટ્સ માટે ઊંધા પડી જાય છે  ત્યારે…દસ લાખથી વધુ હિટ્સ મેળવનાર એવા આટલા લોકપ્રિય બ્લોગને કોઈ એમ રેઢો મૂકી દે આટલા લાંબા સમય સુધી ? પોતાની જાતને મોટા સત્યવાદી સાત્વિકમાં ખપાવનારા એવા બ્લોગબાબાઓ ( ટાઈટલ કર્ટસી : કાર્તિક મિસ્ત્રી ) અહીં પડ્યા છે કે જે મહીનાઓ સુધી પોતાની ફ્લોપ પ્રોડક્ટ્સનાં ય ઓનલાઈન કેમ્પેઈન ચલાવ્યા કરતા હોય ને પોતાના પ્રકાશનો માટે મલ્ટીનેશનલ્સને શરમાવે એવી ચિક્કાર પબ્લિસિટી એકધારી કર્યા કરે ને પાછા સેલ્ફ માર્કેટિંગનું “પાપ” બીજા જ કરે, અમે નહિ – એવા સંતભાવમાં વિહર્યા કરે ! પણ આવી સાચા-ખોટાની પરખ તણી સૂક્ષ્મ સમજ સમાજની ક્યાં કેળવાઈ છે ?

એની વે, ખરેખર તો હું શા માટે શું કરું છું એની પ્રગટ છતાં છુપી ચાવીઓ લેખમાં ધ્યાનથી વાંચનારને જડી જ આવે. કશુંક બદલાવવું છે, પણ ક્રાંતિની ભ્રાંતિ કે બોરિંગ કેમ્પેઈન્સથી નહિ..પાળીએ બેસી શીંગ-ચણા ખાતા દોસ્તો વચ્ચેની વાતચીતની માફક રસિક હળવાશ અને ખુદના મોજ-મિજાજથી 😛 અને એટલે એનું પ્રતિબિંબ પાડતું કશું દેખાય ત્યારે ઓળઘોળ થઇ જવાય ! મુન્નાભાઈની ફિલ્મો, વેન્સ્ડે, બાગબાન આવી ત્યારે તરત એ પડઘો પડતો હોય એમ લાગ્યું અને ત્યારે બ્લોગ નહોતો એટલે દિલ ફાડીને લેખો લખ્યા. પછી “ઓહ માય ગોડ” અને “રાંઝણા” ફિલ્મ વખતે એ લેખો બ્લોગ પર તરત જ મૂક્યા કારણ કે, વધુ ને વધુ લોકો એ ફિલ્મ જુએ એવો ટિકિટ ખર્ચીને ફિલ્મ જોનારા પ્રેક્ષક તરીકેનો જ ભાવ. ગ્રેવિટી કે લાઈફ ઓફ પાઈની માફક જ સદનસીબે આ લખી એ તમામ ફિલ્મો મેં રીલીઝ થતાંવેંત જોઈ ત્યારે નોન-સ્ટાર્ટર હતી. ( અમુક ખૂબ ગમેલી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ના ચાલે એટલી ક્લાસિક હોય એટલે એવો ઉલ્લેખ લેખમાં ય કરી દઉં, છતાં કોઈ કદર ખાતર લેખ લખ્યા વિના ના રહેવાય ! ) પણ મેં દરેક વખતે ભાવિ મારા માનવસ્વભાવની નાડ પારખવાના રઝળપાટથી મળેલા ધીંગા અનુભવ અને ફીલિંગનાં આધારે ભાખ્યું હોય કે આ ફિલ્મ તો વર્ડ ઓફ માઉથથી ચાલશે ને વગર સ્ટાર્સે એ નિકલ પડી હોય પાછળથી.

ઓલમોસ્ટ એક અઠવાડિયા પહેલા ફેસબુક પર મેં  આમ જ ભવિષ્ય ભાખેલું “ક્વીન” જોઇને કે આ ફિલ્મ  ધીમી શરૂઆત છતાં ચાલશે, ને આજે આ લખું છું ત્યારે ઓફિશ્યલી ક્વીન ક્લીન હીટ પુરવાર થઈ છે ! બોલીવૂડમાં બેઠેલા કહેવાતા ટ્રેડ પંડિતો માટે આ સરપ્રાઈઝ હશે, મારા માટે નથી કારણ કે હું જીવાતા જીવન સાથે જોડાયેલો છું, ને શું હૃદયને સ્પર્શે – એ ખબર પડે એટલું ચોખ્ખું તો એ હ્રદય હજુ સુધી રાખ્યું છે ! 😉 એ દિવસે મેં મુંબઈ લોઅર પરેલના પીવીઆરમાં બેક ટુ બેક ત્રણ ફિલ્મો અસ્વસ્થ તબિયત છતાં બપોરથી રાત સુધી જોયેલી. ૩૦૦ – ૨  અને ઓગસ્ટ : ઓસાજ કાઉન્ટી જેવી મજબૂત ફિલ્મો છતાં જાદૂ તો ક્વીનનો જ રહ્યો. પહેલા તો ફિલ્મ જોઇને એના જેવી જ મારી પર્સનલ જર્ની વિષે લખવાનું મન થયું- પણ એ માંડી વાળ્યું. રીડરબિરાદરોને રસ ના પડે એટલે. પણ ૧૨ ઈયર્સ એ સ્લેવ કે ડલાસ બાયર્સ ક્લબ જોઇને ગુલાંટીયા ખાવા સહેલા છે. કારણ કે ઘણી સારી હોવા છતાં આ ફિલ્મો સચ્ચાઈના નામે મેનીપ્યુલેશન કરવા જ બનાવાય છે, એ જોઇને ખબર પડે. પણ ક્વીન જેવી ફિલ્મો કોઈએ આવી કોઈ પરવા વિના જીગરના તારથી ઘડી હોય ત્યારે જ સર્જાતી હોય છે. કંગના વિષે આજે બધા છાપાની પૂર્તિઓ લખે ત્યારે એની પ્રશંસા મેં તો વર્ષો  અગાઉ કરી છે. થોડીક નજર હોય તો ખબર પડી જ જાય- આવા ભવિષ્યની ! ઇન ફેક્ટ, ૯ માર્ચના રવિવારે મારો જે લેખ છપાયો યુવતીઓ પર ( જે લખવાનો તો ૫ દિવસ પહેલા હોય ) એમાં એકઝેટ એ જ મેસેજ હતો જે પછી રજૂ થયેલી ક્વીનમાં હોય !

ખૈર, ક્વીન નાં જોઈ હોય તો ખાસ બધું પડતું મુકીને ય જોવા જાવ એવા અનુરોધ ખાતર આજના સ્પેકટ્રોમીટરનો લેખ અહીં મુકું છું. રજાનો માહોલ છે. તક મળે તો છોડતા નહિ એ જોવાની. લેખમાં આમ પણ ક્મ્પોઝ્ની અમુક મહત્વની ભૂલો છે, એક-બે શબ્દો કપાયા છે એ સુધાર્યા છે. લખતી વખતે સુઝેલા પણ પછી નહિ લખેલા પાંચ -દસ  વાક્યો ઉમેર્યા છે. એટલે આ ઓલરેડી વાંચનાર માટે  પણ ફરી વાંચવા જેવો ‘રિફાઈન્ડ’ કટ છે.  છેલ્લે પૂરક વિડિયોઝ પણ છે. લેખનું શીર્ષક મેં વર્ષો પહેલાના BAPS મંદિરના એક ઉમદા ગ્રીટિંગ કાર્ડના આધારે યાદદાસ્ત મુજબ લખ્યું છે , કોઈને સર્જકનો ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખજો.

બ્લોગને નવા રંગરૂપ આપ્યા છે, કારણ કે હવે આટલી રાહ નહિ જોવી પડે નવી પોસ્ટ્સ માટે. પણ ક્વીન સપરિવાર જોજો, અને આ વાંચી પણ ક્વીનનો હિડન મેસેજ મનમાં જ નહિ જીવનમાં ઘૂંટજો.

======

q2

ચાલ, આપણે રંગ વાવીએ…
ઝાંખા-પાંખા જીવતર ઘોળી લાગે છે કે નહિં ફાવીએ…
ચાલ, આપણે રંગ વાવીએ…

સમજણની કોરી પાટીમાં શ્વેત એકડાં ઘૂંટતા સઘળાં ભૂંસાઈ જાતાં,
સામેકાંઠે ઈચ્છાના સોનેરી હરણાં આખેઆખા પીળચટ્ટાં થઈ જાતાં.

ઈચ્છાઓના મેઘધનુને કોંટા ફૂટે એમ ચાહીએ…
ચાલ, આપણે રંગ વાવીએ…

આતમ પર અંધારપછેડો ઓઢી સૂરજ તૂટક શ્વાસે જીવે,
શૂન્યસમયના ત્રિભેટાને રાત નામની કૈં કન્યાઓ પીવે.

લીલોતરીઓ મહોરે એવો વાદળિયો વરસાદ લાવીએ…
ચાલ, આપણે રંગ વાવીએ…

wi
“જો તમે ‘ગુડબાય’ કહેવાની હિંમત રાખશો, તો જીંદગી તમને નવું ‘હેલો’ કહીને એનું વળતર આપશે!” (પાઉલો કોએલ્હો)

જોરૂ ગીડા ઉર્ફે જોગી જસદણવાળાની આ ઉપરની  કવિતાની સંગ જ એક પ્રસંગ યાદ આવે છે.

બુધ્ધ પાસે એક ખેડૂતે જઈને પરિવારની, કામની, ભક્તિની, શોખની મળીને કુલ ૮૩ સમસ્યાઓ વર્ણવીને સવાલો પૂછયા.

બુધ્ધે કહ્યું ”મારી પાસે એના કોઈ ઉકેલ નથી. પણ તારી ૮૪મી સમસ્યાનો ઉકેલ આપી ચૂક્યો છું!”

ગિન્નાયેલા ખેડૂતે પૂછયું, ”કઈ ૮૪મી સમસ્યા?”

બુધ્ધે કહ્યું ”જીવનમાં આપણી સમસ્યાઓના ઉકેલ બીજાના હાથમાં હોય છે, એ ભ્રમ પાળવો તે!”

* * *

તમે એવી ફિલ્મ જોઈ છે કે જે પૂરી થાય, ત્યારે એમ થાય કે બહુ ઝડપથી ખતમ થઈ ગઈ! હજુ ચાલ્યા જ કરે તો કેવું સારું? એવી ફિલ્મ કે જેના ભરપૂર વખાણ સાંભળીને રિલિઝથી બે દિવસ મોડા જોવાનું થાય, ત્યારે અપેક્ષાઓ ઊંચી હોવા છતાં ય એ પૂરેપૂરી સંતોષાઈ જાય! એવી ફિલ્મ કે જે આપણી આત્મકથાના વેરવિખેર પાનાઓનો જ વિડિયો લાગે! એવી ફિલ્મ કે જેમાં નવજાત બાળકને ટુવાલથી સાફ કરતી માતા જેવી ભાવભીની માવજત એના દિગ્દર્શકની ડોકાય! એવી ફિલ્મ કે જે ચાલુ પરીક્ષાએ પણ અઢી કલાક આપીને એટલે જોવાવી જોઈએ કે ત્રણ કલાકના પેપર્સની બહાર જ્યારે સંજોગોની એકઝામ આવે તો એના આઈએમપી જવાબો એમાંથી જડે!

ક્વીન! બકૌલ રીડરબિરાદર મીના જાની, ચેસબોર્ડ પર જેમ રાણીનું પ્યાદું ગમે તે ખાનામાં ફરે એમ અવનવી દિશાઓમાં ફંટાઈને અનેક નોખા-અનોખા પાત્રો અને પડકારોનો મુકાબલો કરતી નાયિકા સાચા અર્થમાં પોતાની ઓળખ પર રાજ કરતી રાણી બને છે, એનું સેલિબ્રેશન એટલે અનુરાગ કશ્યપ નિર્મિત (અને સંકલિત) તથા વિકાસ બહલ લિખિત- દિગ્દર્શિત અને કંગના રાણાવત અભિનીત, ના ના ના- જીવિત એવી ક્વીન!

ફિલ્મ નહિ, આપણી આસપાસ જીવાતી જીંદગી. બિલકુલ બોરિંગ થયા વિના ભારતીય નારીને મળતો મીનિંગ એટલે ક્વીન. બૂડબક બાવાઓ સતત જેના હાઉથી ડરાવ્યા કરે છે, એ ‘પશ્ચિમ’ની સંસ્કૃતિને ભારતને વખોડયા વિના પણ બરાબર ઉજાળીને, આપણા પૂર્વગ્રહોના અંધારા ઉલેચતી ઋષિચેતના એટલે ક્વીન. રવિવાર કે ધૂળેટીની રજામાં જેના રંગમાં વિથ ફેમિલી રંગાઈ જવાનો મોકો ચૂકાઈ ન જવો જોઈએ, એ ક્વીન! જરરૂર પડે રંગો કે ધાણીદાળિયાનું બજેટ એની ટિકિટમાં ખર્ચી શકાય એ ક્વીન!

ક્વીન ફિલ્મ નથી. ઈલ્મ (જ્ઞાાન) છે- આશા અને આત્મવિશ્વાસનું. ઈલ્મ જ નહિ, તાલીમ છે, થોડીક અક્કડ ઓછી કરી ફક્કડપણે જીવવાની! જીવનમાં બંધ થઈ ગયેલા દરવાજાઓ સામે તાકતા, આંસુ સારતા બેઠા રહેવાને બદલે ઉભા થઈ નવા દરવાજા શોધવાની મહેનત કરી, એ ખોલીને એના પર ચાલવાની કસરત કરી સ્મિત શોધવાની યુગયાત્રા છે આ નાજુકનમણી ફિલ્મમાં! આ એના ટાઈપની એક સાવ નવી જ ઓનેસ્ટ ઓરિજીનલ ફિલ્મ છે. ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જો પ્રાઈમરી સ્કૂલ હતી, તો ક્વીન માસ્ટર્સ ડિગ્રી છે.

થોડા સમય અગાઉ આવેલી હતી એક આવી જ સિન્સિયર અને સુંદર એવી ફિલ્મ ‘ચિલ્લર પાર્ટી’. એની લેખક-દિગ્દર્શક બેલડીને સલમાનનાં પિતા રાઈટર સલીમ ખાને ઘેર બોલાવીને પોતાને મળે ફિલ્મફેર આપી આપી દીધેલો. એકદમ દુરંદેશી હતી એ એમની. એ બનાવનાર એક નિતેશ તિવારી અત્યારે પ્રોમો પરથી પ્રોમિસિંગ એવી ‘ભૂતનાથ રિટર્ન્સ’ના ડાયરેકટર બન્યા, અને બીજા વિકાસ બહેલ મસ્ત મજાની ‘હસી તો ફસી’ના કો-પ્રોડયુસર રહ્યા બાદ કંગના રાણાવતની જમાવટનું પરફેક્ટ પેકેજીંગ કરતી ક્વીન લઈને આવ્યા! ભારે કોમ્પ્લિકેટેડ કેરેકટર્સ કર્યા કરતી કંગના આ ફિલ્મના સિમ્પલ કિરદારને એવી બેનમૂન રીતે જીવી ગઈ છે કે વગર ચૂંટણીએ દર્શકોના દિલોદિમાગ પર રાજ કરી શકે. ખુદ હિમાચલના મંડી જેવા નાના ગામમાંથી બોલિવૂડ આવીને સ્થાન જમાવનાર કંગનાની કારકિર્દી સફરના આધારે જ દિગ્દર્શક વિકાસ બહલે કંગનાને (એની પહેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’નાં ડાયરેક્ટર રહેલા અનુરાગ બાસુની લાગવગ લગાડીને) ક્વીનમાં વાસ્તવિક લાગતી યુવતીનું પાત્ર ભજવવા મનાવી હતી. અને કન્વિન્સ્ડ કંગનાનું કન્વિકશન એટલું કે ફિલ્મના એડિશનલ ડાયલોગ્સ પણ એના છે!

વેલ, આટલી અપીલ- આગ્રહ- આજીજી પછી આ મનોરંજન અને મનોમંથન બંને સાવ સહજતાથી કરાવતી ફિલ્મ જોવાના હશો જ એમ માનીને ફક્ત ટ્રેલર જેટલી જ વાર્તા માંડીએ. મિડલ ક્લાસ દિલ્હીની યુવતી રાણી હોમસાયન્સ ગર્લ્સ કોલેજમાં ભણ્યા પછી ( કદાચ એવા ઘોલકામાં ભરાયેલી રહેવાને લીધે જ) જરા આસાનીથી છેલબટાઉ જુવાનથી ઈમ્પ્રેસ થઈ બડે અરમાનો કે સાથ પરણવા જાય છે, અને ત્યારે નાના ભાઈને ફેસબુક પર મૂકી શકાય એવા મેરેજના ફોટા લેવાનું કહેવામાં જ જીવનના આનંદ શોધતી હોય છે. ત્યાં કડાકો બોલે છે. અચાનક હાઈફાઈ થયેલા દુલ્હેરાજાને હવે આ સાદી ઘરેલુ બીવી પોતાના જ પ્યાર છતાં પસંદ નથી. સિલ્કી રજાઈનું પગલૂછણિયું બનાવી એ તોરીલો ભાયડો ‘બિચારી’ છોકરીને કાકલૂદી વચ્ચે લગ્નના આગલે દિવસે જ રિજેક્ટ કરી દે છે! અને ના, કન્યા પ્રતિઘાતની જ્વાળા જગાવીને ગુલાબી ગેંગ રચવાના ફિલ્મી મૂડમાં નથી. નોર્મલ ઈન્સાનની માફક મૂંઝાઈ-પીડાઈને ચોધાર આંસુએ રડયા કરે છે અને આવેશમાં (ખરેખર તો કહેવાતા સગાવ્હાલાં અને પાડોશીઓની ટીકાટિપ્પણથી બચવા) એકલી હનીમૂન પર જવા યુરોપ સુધી પરિવારની પરમિશનથી પલાયન કરે છે.

ત્યાં શું એને પ્રિન્સ ચાર્મિંગ મળે છે? ના, ના ઉલટું સેકસી ‘દાસી’ (હોટલ મેઈડ) મળે છે. (લાજવાબ લિઝા હૈડનનો નવો જ નક્કર અવતાર!) અને એના સથવારે (સલાહોથી નહિ) રાણીને પ્રિન્સ કરતાં ય વધુ ચાર્મિંગ એવું કશુંક ઘરથી દૂર અને ડરની વચ્ચેવચ્ચે જડી આવે છે…

લાઈફ એન્ડ સેલ્ફ!

* * *

”સલામતીની ભૂખ દરેક મહાન અને ઉત્તમ સાહસની આડે આવે છે!”

ઈ.સ. ૫૬માં યાનિ કી આશરે ૨૦૦૦ વર્ષ અગાઉ જન્મેલા રોમન ફિલસૂફ ટેક્ટિસનું આ સનાતન સત્યસમું ક્વોટ આજે તો વધુ રિલેવન્ટ છે!

ચૂંટણી ઢંઢેરાઓમાં આપણી સડક, પાણી, વીજળી, રોટી, કપડા, મકાન જેવી સમસ્યાઓની વાતો બહુ થાય છે. પણ એક મસમોટી સ્વદેશી નબળાઈ તરફ કોઈનું ‘જનહિત’માં પણ ધ્યાન જતું નથીઃ આપણે ત્યાં જીંદગીને બહુ ‘વેલ પ્લાન્ડ’ બનાવી દેવામાં આવે છે. કોઈ કેઓસ (અંધાધૂંધી)ના ચાન્સ વિનાની. બધું જ આગોતરા આયોજન મુજબ થાય એવી જૈન ખાખરા જેવી ફિક્કી બેસ્વાદ બટકણી જીંદગી. એડવેન્ચર નહિ, થ્રિલ નહિ, ફ્રેશ એકસાઈટમેન્ટ નહિ!

જન્મથી મૃત્યુ સુધીનો આખો એક ડાહ્યોડમરો સામાજીક એપ્રુવલવાળો ગ્રાફ રેડી હોય છે. ત્રણ વરસે બાલમંદિર, પાંચ વરસે સ્કૂલ, સત્તર વરસે કોલેજ, બાવીસ વર્ષે નોકરી-ધંધો, ૨૫ વરસે મમ્મી-પપ્પા-ફોઈ-કાકા-માસી-મામાને ગમતા પાત્ર સાથે ગોઠવેલા લગ્ન, પછીના ત્રણ વરસે સંતાન, કરિઅરમાં પ્રમોશન, નાટક-સંગીતના કાર્યક્રમોમાં કે પ્રવાસ-પાર્ટીના બહાને પોતાનું  પ્રદર્શન, સંતાનોનું રિમોટકંટ્રોલ- વડીલોની સેવા, પ્રૌઢ વયે માફકસરની અને માપસરની ભક્તિ, મંડળોની મેમ્બરશિપ, પેન્શનની ઉંમરે પ્રોપર્ટીની ડીલ અને પરિવારની જરાય લાલપીળી ન હોય એવી લીલી વાડી. ફિલોસોફર ફ્રેન્ડસ અને સહનશીલ સગાં. સમાજમાં નામ અને દસ્તાવેજમાં દામ. પછી થોડીક રોજીંદી દવાઓ ગળતાં ગળતાં ને નવી પેઢીની બરબાદીની- છાપાળવી ચિંતા કરતાં કરતાં ઢબી જવાનું! ધેટસ લાઈફ ઈન ઈન્ડિયા, નો બેટર ધેન ડેથ.

આ ચાલુ ચીલાના ચકરાવાની સલામતીને જરાક ભેદી છેદીને કોઈ થોડો સ્વતંત્ર માર્ગ પકડે કે એને લાશ બનાવી મોર્ગમાં થીજાવી દેવાની કાગારોળ શરૂ થઈ જાય છે. કારણ છે, નવીનતા સામેનો ગભરાટ. પોતાની પ્રિય સેફટીના તકલાદી છીપલાંનું કોચલું ભાંગીને ભૂક્કો થઈ જશે એ વલવલાટ.

આર્કિટેકટસ બ્લ્યુ પ્રિન્ટ બનાવે, અને બ્રોશરમાં છાપવા માટે  કોમ્પ્યુટરે તૈયાર કરેલા મોડલ મુજબનું કોપી ટુ કોપી મકાન તૈયાર થઈ જાય, એવું લાઈફમાં બનતું નથી. નદીની ભેખડે ઉગેલા વૃક્ષની માફક જીંદગીની ડાળીઓ તો અનિયમિત આકારમાં આડેધડ વિસ્તરે છે, એટલે સુંદર લાગે છે. એટલે દીવાલો પર વહેતી નદી કે ઉછળતા ધોધના પોસ્ટર્સ હોય છે, ફાઈવ સ્ટાર હોય તો યે સ્વીમિંગ પૂલના નહિ!

આકાશમાં સેટેલાઈટ છોડવા હોય તો એની પ્રક્રિયા પૂર્વનિર્ધારિત હોય છે, પણ ધરતી પર કેમ જીવવું એની કોઈ પ્રિ-પ્લાન્ડ ફોર્મ્યુલા શક્ય નથી. ન ધારેલું પણ બને એ જ જીવનનો રોમાંચ છે, જેને લીધે એની સાથેનો રોમાન્સ ટકી રહે છે. આપણી ટૂંકી સમજણના ચોકઠાંમાં આ અફાટ અસીમ અગાધ જીવનનું વિરાટ વિસ્મય સમાતું નથી. ધારેલું બધું જ જીવનમાં બનતું નથી. રિશિ-નીતૂ કપૂરનો દીકરો સુપરસ્ટાર થાય, અને અમિતાભ-જયા બચ્ચનનો દીકરો સુપરફ્લોપ જાય એ સંભવ છે. રોગ-ખોટ-પ્રેમ કે પરીક્ષામાં નિષ્ફળતા, બદનામી… આ બધાની ડરીને ભાગી છૂટનારા કે ફાટી પડનારા આવી કોઈ પરિસ્થિતિ કાયમી હોતી નથી, એવું માનીને ‘જીવન ચલને કા નામ’ ગણગણી શકતા નથી.

આપણને દેખાતો ન હોય એટલે રસ્તો જ ન હોય, એવું હોતું નથી. એક સમયના જીનિયસ બ્રેઈન્સ જે પારખવામાં ડફોળ સાબિત થયા હોય, એ જ રહસ્યો પછીની જનરેશનના રિસર્ચર્સ કે સાયન્ટીસ્ટસ શોધી બતાવે ત્યારે થાય કે ‘ઓત્તારી! આ નજર સામે હતું તો ય આટલી સદીઓ સુધી જડયું નહિ?’

એટલે ન જડયું હોય કે અગાઉથી માની લીધેલી મર્યાદાને ઓળંગીને ત્યારે કોઈએ એ વિચાર્યું જ ન હોય! કે પછી એનો સમય ન આવ્યો હોય. બહુ ચોકસાઈભરી ગણત્રીઓ ક્લોઝ અપમાં એકાદા ભારેખમ સ્પેરપાર્ટને જ નિહાળે છે, પણ બધા સાથે મળીને લોંગ શોટમાં આખું ઉડતું હવાથી હળવું વિમાન બનાવી શકે છે, એ પારખી શકતા નથી.

એક સોંગ ચગેલું દાયકાઓ પહેલા ડો. આલ્બનનું : ઈટસ માય લાઈફ! સેટ મી ફ્રી… વોટસ ધ ક્રેપ – પાપા ન્યુ ઈટ ઓલ. સ્ટોપ બગિંગ મી, સ્ટોપ બોધરિંગ મી, માઈન્ડ યોર બિઝનેસ એન્ડ લીવ માય બિઝનેસ, આઈ લિવ ધ વે આઈ વોન્ટ ટુ લિવ.

આઇ મેઇક ડિસિશન્સ ડે એન્ડ નાઇટ. શો મી સાઇન્સ એન્ડ ગુડ એકઝામ્પલ્સ, ટેઇક એ ટ્રિપ ઇસ્ટ ટુ વેસ્ટ, યુ ફાઇન્ડ ધેટ યુ ડોન્ટ નો એનીથિંગ, સ્ટોપ યેલિંગ મી… ઇટસ માય લાઇફ!

નવી પેઢીને જાતે જવાબદાર નિર્ણયો લેતા આપણી શિક્ષણ પદ્ધતિ શીખવાડતી નથી. સમાજને દોરનારા પોતે જ જો નમ્રભાવે દુનિયા ફરે તો ખબર પડે કે એમનું અજ્ઞાાન કેવું વિશાળ છે. કબૂલ કે ભૂખ, તરસ, ઉંઘ, સેકસની જેમ સલામતી પણ કુદરતી વૃત્તિ યાને બેઝિક ઇન્સ્ટિંકટ છે. પણ સતત ખાધા કરવાથી કે ઉંઘ્યા કરવાથી આરોગ્ય સુધરતું નથી, બગડે છે. એમ જ જરૂરી સાવચેતી રાખી, આવશ્યક આવડતો શીખીને પછી સલામતીના અતિરેકને ફગાવવાની બહાદૂરી કેળવવી પડે. અતિ સલામતી વિકાસવિરોધી છે, પ્રગતિ માટે હાનિકારક છે. જીવનનું નામ જ જોખમ છે. રાજયાભિષેકના દિવસે રામને વનવાસ મળે અને સમરાંગણની વચ્ચે અર્જુનને ગીતાજ્ઞાાન મળે. લાઇફમાં બધું જ પ્રેડિકટેબલ નથી, અને વિધિના લેખ વાંચવાની ૧૦૦% ક્ષમતા કોઇ માનવીની નથી, એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરવાના.- એ સર્જનહારની અકળ કરામત માનીને માણ્યા કરવાનો બોધ તો ભારતીય દર્શન આપે છે.

અજાણ્યા સાથે વાત ન કરો, બહાર નીકળો તો જેકેટ પહેરો, નવું ફુડ ટ્રાય ન કરો, જોખમી જગ્યાએ ફરવા ન જાવ, નાચો નહિ, હસો નહિ- આવા બધા ડરામણા ‘ડોન્ટસ’ આપણને રસ્તા પરથી હાંસિયામાં ધકેલી દે છે. સેફેસ્ટ પાથ કંઇ બેસ્ટ જ હોય એ જરૃરી નથી. મહાચિત્રકાર પાબ્લો પિકાસોએ કહેલું કે “ઇશ્વર બહુ અજીબ કલાકાર છે, એ હાથી, જીરાફ, બિલાડી બધું જ બનાવે છે. એની કોઇ એક શૈલી નથી. ઇશ્વર હંમેશા કશુંક નવું, કશુંક અલગ કરવા પ્રયત્ન કરતો રહે છે!”

યસ, ઠાવકાપણાનો માસ્ક ઉતારો તો અંદરથી બધા જ થોડાક ક્રેઝી હોવાના. ફિર અપુન કે ક્રેઝી હોનેમેં ડર કાહે કા?

* * *

ઘર જેવું કયાં લાગે?

એવી જગ્યાએ લાગે જયાં આપણે જેવા છીએ તેવા રહી શકીએ, અને કોઇ આપણને આડાતેડા સવાલો પૂછીને સતત ક્નડ્યા ન કરે!

બસ, આ જ જર્ની છે કવીનની. અને આ જ તફાવત છે, ભારત અને પશ્ચિમનો. ફિલ્મમાં આ કોન્ટ્રાસ્ટ સરસ રીતે ઉપસાવ્યો છે- પેરિસમાં એક ભારતીય પરિવારની મુલાકાતમાં! એક બાજુ ‘વેસ્ટર્ન’ ગણાતી ફ્રેન્ચ ફ્રેન્ડ છે, જે એની ફ્રી સેકસ્યુઆલિટી બાબતે કે બ્રોકન રિલેશન્સ બાબતે સ્માઇલિંગલી ઓપન છે. બીજીબાજુ દુઃખ વ્યકત કરવામાં ય દંભી એવું દેશી કુટુંબ છે, જે કંજૂસાઇથી એક ફાલતુ ગિફટ આપવાનો સામાજિક દેખાડો જીવ ટૂંકો છે તો યે ચૂકતું નથી.

એટલે જે ભારતની બહાર એકલી નીકળતી રાણીને માઠાં અનુભવો છતાં ય પશ્ચિમ મીઠું લાગે છે. કારણ કે એક સ્ત્રી કે એક બહારની ભાષા ના જાણતી વ્યક્તિ હોવા બદલ એના તરફ ‘મેન્ટલ’ બનીને કોઇ જજમેન્ટલ થતું નથી. એ મનફાવે એમ મુક્ત બની શકે છે, કોઇની નજરો કે પરંપરાઓના ચોકી પહેરા વિના આઝાદમિજાજ. એ અનુભવે છે કે  ફુડ મેકિંગ, ગિટાર પ્લેયિંગ, ગ્રાફિટી ડ્રોઇંગ જેવી ‘કરિઅર’ પણ મમ્મી-પપ્પાના દબાણ વિના આગળ વધારી શકાય છે. કમ્યુનિકેશન માટે ભાવ અગત્યનો છે, ભાષાની પક્કડ નહિ. બિલકુલ નેચરલી છોકરા – છોકરી સાથે એક રૂમમાં રહી શકે છે. લગ્નના નામે પતિ નામના પ્રાણીની ચાવી દીધેલી ઢીંગલી બન્યા વિનાના સુખો પણ ભોગવી શકાય છે. (એકલા પ્રવાસ કરી ધીરે ધીરે ઘડાયેલી જાતમાંથી જગત માટે સરપ્રાઇઝ શોધવાનો મેસેજ હજુ ગયા રવિવારે જ અહીં આપ્યો નહોતો?) ફિલ્મમાં એક દ્રશ્યમાં એની બિચારી સખી દરેક ભારતીય ‘આદર્શ’ ઘરેલું નારીની “અંદરની વાત” કહી દે છે કે જિંદગી તો હિમ્મતથી ફોરેન ગઈ એમાં તું જીવે છે, અમે તો અહીં ઘરકામના ઢસરડા અને બાળોતિયાંમાં જ રહી ગયા.

‘કવીન’ ફિલ્મમાં હિન્દી સિનેમામાં ભાગ્યે જ જોવા મળે તેવું ડાયરેકશનનું ડેટેઇલિંગ છે, કેન્સલ્ડ મેરેજની વાત કરતી વખતે ફોન જરા ધ્રુજતા હાથે પકડવો, મેંદીવાળા હાથે મુલાકાત કર્યા પછી ટેબલ પર ખરેલી મેંદી, જેમ જેમ પ્રવાસ આગળ વધે એમ હાથમાં ઝાંખી પડતી મેંદીની ભાત, નજીક પડેલા બોકસમાંથી રડતા રડતા ખવાઇ જતો લાડુ, ભૂતકાળની કડવી બની ચુકેલી યાદોની ભૂતાવળ બની ચોમેર માનસિક પીછો કરતો એફિલ ટાવર, ભૂલમાં અબોલા લીધેલા ગમતા પાત્રને સેન્ડ થયેલ એમએમએસ…. બધું સ્વર્ગસ્થ બોબી સિંઘના કેમેરામાં કેદ કરાવાયુ છે. અમુક સીન સહજતાથી સચ્ચાઇભર્યા બનાવાયા છે. જેમ કે ટ્રાવેલ એજન્ટ ઓફિસને તાળું મારતા વાત કરે, રેસ્ટોરાંમાં એક વૃદ્ધ યુગલ યુરોપિયન ઉપેક્ષાભાવ ચહેરા પર રાખી બીજાઓની ચાલુ વાતચીતે ચુપચાપ જમતું રહે, રાજકુમાર રાવ ઘેર ઉપરના માળેથી ફોન પર ધંધાકીય વાત કરતો કરતો નીચે આવે, સ્કાઇપ ચેટમાં કલીવેજ જોઇને મિડલ ક્લાસ પાપા-બેટા બેઉ શરમાય અને નૈસર્ગિક રીતે લલચાય, વિદેશમાં ઉછરેલી સખી બહુ મેલોડ્રામેટિક શિખામણને બદલે વોર્મ હગ એન્ડ સ્વીટ સ્માઇલ આપે, બોયઝ એન્ડ ગર્લ કોઈ સામાજિક કચકચ વિના સાથે રહી શકે,  સેક્સ કે શરાબમાં ડૂબેલા બધા ખલનાયક ના પણ હોય, લેપ ડાન્સિંગના બાર કે સેકસ ટોયઝ શોપ પણ ટુરિસ્ટ પ્લેસીઝ કેપ્ચર કરતી વખતે વાર્તામાં જરાય અજુગતા ન લાગે એમ વણીને જીવનના હિસ્સા તરીકે લઇ શકાય… અને રાજૌરી ગાર્ડનની મીઠાઇથી વધુ સ્વીટ એવા વ્હાલા લગતા ને સત્ય સમજાવતા દાદીમા પણ ફકત ચાર સીન્સમાં બતાવી શકાય!

તો વિન્ટેજ સોંગ હંગામા હો ગયાને ધમાકેદાર રીતે સજીવન કરતી ફિલ્મમાં ઘણી ખૂબસુરત ખામોશી છે. અમિત ત્રિવેદીએ બનાવેલું કિનારે શાંતિથી સાંભળજો. પોતાના પ્રેમભંગની યાદ અપાવતો  વિડિયો જોતી વખતે બધું ગુમાવી ચૂકેલા જાપાનીઝ રૂમમેટના હસતા ચહેરા સામે જોઇ રાની ‘ઔરો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા’ની ફીલિંગ અનુભવે છે, એ ટ્રાન્સફોર્મેશન એના ચહેરા પર દેખાય છે. એકબીજાથી ડરનારા બધા જુદા જુદા દેશના યુવાઓ અંતે તો ગરોળીથી ડરતા અંદરથી સરખા જ માણસો છે ! વિદેશમાં ભોજનમાં આવી પડેલી વિકરાળ માછલી રાણીનો ખુદનો નબળાઈનો ભય છે જે એની સામે ડોળા ફાડતો હોય. કોઇ ખાસ ડાયલોગ વિના પુત્રીને પ્રેમ કરતા પિતાની ચિંતા અને ચાહત ઝીલાઇ છે. રાણીનું પાત્ર બંધ કળીમાંથી સૂરજમુખી બનવા ધીરે ધીરે ઉઘડે છે, એ નાનાની ઘટનાઓ ફિલ્મને વાસ્તવિક બનાવે છે. ફ્રાન્સના શરાબ કે એમસ્ટરડમનો ઈટાલીયન કૂક…બધા વિદેશી લક્ષણો અહોભાવ કે પૂર્વગ્રહ વિના સાક્ષીભાવે જે-તે દેશ મુજબ પુરા ઓથેન્ટિક અને આપણા ફોરેન ફૂડના દેશી વર્ઝન્સ પરનો કટાક્ષ પણ ફ્રેંચ ટોસ્ટવાળા સીનમાં ! એવરગ્રીન ‘ફોરેસ્ટ ગમ્પ’ની અદામાં આવી ઢગલો મોમેન્ટસ ફિલ્મને સમૃદ્ધ અને આપણને સુબોધ બનાવે છે. એની કહાનીના રોમાન્સમાં એવા પડી જવાય છે કે રાજ-સિમરન જેવા યુરોપનાં બેકડ્રોપમાં રોમેન્ટિક એંગલની ખોટ વર્તાતી નથી, અને યુરોપ ટ્રિપ બાદની અનકન્વેન્શનલ એન્ડ ક્રેડિટસની ક્રિએટિવિટી ઉપરથી જવાને બદલે અંદર પહોંચે છે! થેન્કસ ટુ કંગના રાણાવત.

તો, ફિલ્મની રાણીની માફક પોતાની ફેસબુક ટાઇમલાઇન મેરેજના ફોટોને બદલે ફ્રેન્ડશિપ, ફોરેન ટુર એડવેન્ચર, ફીમેલ ફ્રીડમ એન્ડ આઇડેન્ટિટી પ્લસ ક્રિએટિવીટીનાં અનેક રિચ અનુભવોથી કલરફૂલ બનાવતી જીંદગી જીવી લો, યારો!

ફિલ્મમાં વગર કહ્યે બતાવાયુ છે એમ જીંદગી પાણીપુરી જેવી છે. પહેલા તીખી લાગે પણ પાછળથી ચટપટી લાગે ને ભાવે. યસ, કશુંક અણગમતું બને જીવનમાં તો રોતા રોતા બેસી ન રહો, બહાર નીકળો, નાની નાની ખુશીઓ શોધો. જીવનમાં ઘણું ય જાણવામાણવા જેવું છે! લિવ લાઇફ કવીનસાઇઝ!

ફાસ્ટ ફોરવર્ડ

‘મૃત્યુ એકદમ સલામત જગ્યા છે!’ (સ્ટીફન લિવાઇન)