RSS

Daily Archives: December 18, 2017

ચૂંટણીચકરાવો : મેક્સિકન સ્ટેન્ડઓફથી મોડર્ન મેનિફેસ્ટો !

ગુજરાત ચૂંટણી જીતવાના કપરા ચઢાણ ચડવા માટે ભાજપને હાર્દિક અભિનંદન. સારી ફાઈટથી સ્થિતિ સુધારવા માટે કોંગ્રેસને ય કોન્ગ્રેટ્સ. ગુજરાત ચૂંટણી પર આ લેખ ૬ ડિસેમ્બરે મારી કોલમમાં છપાયેલો. એ ન વાંચનારે દિલીપ પટેલનો સાવ વાહિયાત લેખ મારા નામે વોટ્સએપ પર વહેતો કર્યો કે -ભાજપને માત્ર ૫૦ સીટ્સ મળશે ને evm મશીનમાં ગોટાળા શક્ય છે. – આવી  મારા નામે ભાજપવિરોધનો ગપોડી એજેન્ડા ચલાવવાની કુચેષ્ટા સામે મેં તો ફોજદારી ફરિયાદ પણ સાઈબરક્રાઈમમાં લખાવી. ૮ ડિસેમ્બરે અંગત મિત્રો સાથેની વોટ્સએપ ચર્ચામાં મેં કહ્યું હતું કે ભાજપ ૧૦૦ આસપાસ રહેશે. હું રાજકીય લેખો લખું ત્યારે મારી ભૂમિકા પેથોલોજીસ્ટ જેવી પહેલા હોય, જે છે એનો એક્સ રે કાઢવાનો. કેટલાક હાડોહાડ મોદીવિરોધી પૂર્વગ્રહ ધરાવતા મિત્રોને મારું એક વાક્ય આમાં ખૂંચ્યું : આમ તો ગુજરાતી પ્રજામાં જન્મજાત વેપારી કોઠાસૂઝ છે. એટલે ઉપર મોસાળનું જમણ હોય ત્યારે ભાણિયાને ભાણા પરથી ઉઠાડવાની ભૂલ ન કરે.કેન્દ્ર ને રાજ્યમાં એક પક્ષની સરકાર હોય ત્યારે વિકાસના હીંચકાના સેલ્લારામાં કડાંના કીચૂડાટ ઓછા થાય, એ દિલ્હી ન સમજે પણ અમદાવાદ સમજે એટલું શાણું છે.  આ સાચું જ સાબિત થયું. ગુજરાતના મતદારે વડાપ્રધાનનું માન ને કેન્દ્ર રાજ્ય બેય માં એક પક્ષના ગુજરાતી રહે એનું ધ્યાન પણ રાખ્યું ને સાથે જે સ્થાનિક ભાજપનો અહંકાર ઉતારવાનો હતો એ ઉતારી પણ દીધો. આ વાક્યની આગળ જ લેખમાં જ લખેલું કે, આ વખતે આમ વન વે સાવ નહિ ચાલે ( જે અમુક લોકોએ વાંચતી વખતે ચાતરી ગયા હતા !)  ને રસાકસી થઇ. આ લેખ ધ્યાનથી ને બનાવટી નહિ પણ સાચા નાગરિકહિતમાં વાંચશો તો એમાં કોંગ્રેસ-ભાજપ બંને માટે ઈલેકશન પછીનું ય એનાલિસીસ દેખાશે. એમાં આગોતરા જ કારણો છે. શ માટે ભાજપની સીટ્સ ઘટશે ને કોંગ્રેસની વધશે એના. અને એ કેવળ જાતિવાદ પૂરતા નહી હોય. એમાં એ ય દેખાડેલું છે, કે આ સમસ્યા છતાં નરેન્દ્ર મોદી ભાજપનો જીત સુધી પહોંચાડી શકશે. અને જીતની ચાવી પાટીદારો પાસે રહેશે. આજે જોઈ શકો છો કે, સુરત-રાજકોટ-મહેસાણા વિસ્તારમાં પાટીદાર મતદારે ભાજપને નિર્ણાયક સરસાઈ અપાવી દીધી. અને કોંગ્રેસની સીટ પણ અમરેલી-જૂનાગઢ-ચરોતર વગેરેમાં એ જ કારણથી વધી.  એમાં એ ય લખેલું છે કે છેલ્લે જોરમાં આવેલી કોંગ્રેસ  ગુજરાતમાં લોકપ્રશ્નોની લડત આપવામાં  નિષ્ફળ ગઈ. કોંગ્રેસના મુખ્યમંત્રીપદના લગભગ બધા જ નામો હારી ગયા. એમાં આ જ કારણ છે. વિપક્ષ તરીકે પાંચ વર્ષમાં ઓછું હોમવર્ક. નહિ તો ચિત્ર હજુ જુદું હોત. પણ અહીં નવી સરકારે કરવા જેવા કામની જાતિવાદથી ઉપરની શુદ્ધ વિકાસલક્ષી એજેન્ડા પણ છે. અને આપણી બધાની ફરજ પણ. લો વાંચો એ લેખ :


ms 2

ગુજરાતમાં ચૂંટણી ચરમસીમાએ છે ત્યારે એક આપણા માટે નવો, પણ ફિલ્મોના શોખીનો માટે જાણીતો શબ્દ છે : મેક્સિકન સ્ટેન્ડઓફ. એક ઉપર બીજો બંદૂક તાકે, બીજા પર ત્રીજો કે ત્રીજી, એના પર ચોથો… અલગ અલગ દિશાએથી બધા એક બીજા પર પિસ્તોલનું નિશાન રાખીને બેઠા હોય. જેને એવું લાગતું હોય કે પોતે જંગ જીતી ગયેલો છે ત્યાં અચાનક ખબર પડે કે પાછળથી દુશ્મનના કોઇ સાગરીતે એની કાનપટ્ટી પર પિસ્તોલ તાકેલી છે. એ પિસ્તોલ તાક્વાવાલો હરખાતો હોય ત્યાં એને ખ્યાલ આવે કે એ તો વળી અન્ય કોઇ ટાર્ગેટ પર છે.

પ્રેક્ષકોના શ્વાસ અદ્ધર થઇ જાય એવી થ્રિલ. ઈશ્કિયા પાઈરેટ્સ ઓફ કેરેબિયન જેવી સેંકડો ફિલ્મોમાં આવી સીન્સ જોયા હશે. રિવોલ્વર, છરી, ગ્રેનેડ, રોકેટ લોન્ચર અલગ અલગ હથિયારથી ખેલતી શતરંજ જેવી ચેક આપવાની ચાલ ! ટૂંકમાં, એવી સ્થિતિ જેમાં રોજ નવા નવા વળાંક અલગ અલગ સામસામા મોરચા માંડી બેઠેલા લોકો દ્વારા આવ્યા કરે. અને કોણ જીતશે એ નક્કી ન થતું હોવાથી જીવ તાળવે ચોંટી જાય દર્શકોનો.

આ વખતે ગુજરાત ઈલેકશનમાં બરાબર આવી સિચ્યુએશન જ છે. હવે રિયાલીટીમાં એ આપણી અર્થાત ગુજરાતના નાગરિકો સામે ભજવાઇ રહ્યા છે. આમ તો ગુજરાતી પ્રજામાં જન્મજાત વેપારી કોઠાસૂઝ છે. એટલે ઉપર મોસાળનું જમણ હોય ત્યારે ભાણિયાને ભાણા પરથી ઉઠાડવાની ભૂલ ન કરે.

કેન્દ્ર ને રાજ્યમાં એક પક્ષની સરકાર હોય ત્યારે વિકાસના હીંચકાના સેલ્લારામાં કડાંના કીચૂડાટ ઓછા થાય, એ દિલ્હી ન સમજે પણ અમદાવાદ સમજે એટલું શાણું છે. પણ એમ વન વે પૂરી થઇ જાય તો ફિલ્મી ક્લાઇમેક્સની થ્રીલ શું આવે ? પાછળથી સરકારે જે તાબડતોબ સુધારા કરવા પડયા એવા જીએસટીના બ્યુરોક્રેટિક  એપ્રોચને લીધે વેપારીઓમાં જ ચણભણાટ થયો !

આઈઆઈટી અને આઈઆઈએમ, એમ સાયન્સ ને કોમર્સની ભારતમાં અલ્ટીમેટ એવી બે ડિગ્રી લઇને પછી રાઈટર તરીકે આર્ટસમાં નંબર વન કોમ્યુનિકેશન કરનાર વિશ્વપ્રવાસી ચેતન ભગતને પણ શરૃઆતની જીએસટી રીટર્ન ફાઈલ સીસ્ટમ જ પઝલ જેવી લાગી હતી ! વિકાસ આંતરપ્રાન્યોરશિપ ને ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રગતિ સિવાય થાય નહિ.

અને નેહરૃવિયન સમાજવાદી (વાસ્તવમાં અર્ધસામ્યવાદી !) મોડેલમાં બિઝનેસમેનને કોમનમેનનો દુશ્મન ચોર માનવાની નીતિરીતિ શરૃ થઇ એમાં જ રૃપિયો વિદ્યા બાલનને બદલે દીપિકા પાદુકોણે જેવો ઝીરો ફિગર થતો ગયો ! ચેતન ભગતે લખ્યું એમ જીએસટી રેટ્સ આર ટુ હાઈ એન્ડ ટુ મેની. સરળીકરણ થતાં થતાં કોમ્પ્લેક્સ થઇ ગયું માળખું !

જે બાબતથી મોટા ભાગના સરકારી શિક્ષકો પરેશાન હતા એ નાના મધ્યમ વેપારીઓની માથે પણ આવ્યું. મૂળ કામ છોડીને કિસમ કિસમના ફોર્મ ભર્યે રાખવાનું ! બેશક, હેતુ ઉમદા કે ભારતમાં ટેક્સ ચોરી થાય નહિ ને બધું એક જ ટેક્સમાં સ્ટ્રીમલાઈન થાય.

પણ અમલની ગૂંચ તો સતત સુધારા કરી સરકારે ઉકેલવી પડી છે. ચૂંટણીપર્વનો લોકશાહીમાં આ ફાયદો છે. પ્રશાસને પ્રજા માટે ઝૂકીને ફ્લેક્સિબલ થવું પડે. પણ વળી પબ્લિક પોપ્યુલર થવા જુના જમાનાની એ માનસિકતા દરેક પક્ષો ઘૂંટયા કરે છે : દરિદ્રનારાયણની આરતી ઉતારવાની. માટે દરેક લકઝરી પર ઊંચા ટેક્સ નાખવાના નાટકો ચાલે છે.

આમ તો, ઉલટું લોકો ખર્ચ ઓછો કરે, ટેક્સ વધુ ગુપચાવે અને દેશની ઇકોનોમીમાં પુરા પૈસા આવે નહિ. મહેનત કરીને મેળવેલા પૈસા સતત ઊંચા ટેક્સમાં જ ચૂકવવા પડે તો મહેનત જ શા માટે કરવી એ માનવસ્વભાવ છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની લૂંટ બંધ કરાવવી જ પડે, પણ સિલેબસના કે ફરજીયાત સ્પોર્ટસ ગ્રાઉન્ડના એકેડેમિક નિયમોના પાલન વિના દરેકને એક જ ફીના ધોરણે બાંધી દેવામાં પોલ્યુલારિટી મળે. ક્વોલિટી નહિ !

એટલે સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડે નહિ, એ ય ઇકોનોમિક એન્ગલથી યોગ્ય છે કે, રેગ્યુલર ઇન્કમ જેમાંથી થાય એવા સોર્સમાં આ બહાને ફરજીયાત બચત કરાવવી ! (સરકારે આ દૂઝતી ગાયને એટલે તો જીએસટીના ખૂંટે બાંધી નથી !) પણ સમસ્યા ટેક્સ કરતા વધુ ટેક્સના પૈસા એડવાન્સમાં વાહન પણ લેતી વખતે ચૂકવ્યા પછી ને ટોલ પણ ભર્યા પછી એક ચોમાસે ખાડા પડે એવા ધોવાઇ ગયેલા રસ્તા પ્રતિવર્ષ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જોવા મળે એ છે !

સતત જીત છતાં નજર સામે રોડ પરથી રખડતા ઢોર, ભસતા કૂતરાં, નડતા ખાડા, કનડતા સ્પીડબ્રેકર્સ, ગંધાતા કચરાં, ઉભરાતા નાળા અને ખોદાતા કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ્સ કરપ્શન પછી ય બંધ ન થયા.

ફિક્સ પગાર જેવી સમસ્યાઓ લંબાઇ ને કળા ને યૂથ ફ્રીડમ સામે સંકુચિતતાની તોડફોડ વધી એજ્યુકેશન ફિલ્ડમાં મોટા ભાગની યુનિવર્સિટીઝમાં મિડીયોકેર પોલિટિક્સ વધ્યું. ડિગ્રી વધવા લાગી ને એજ્યુકેશન  કથળવા લાગે એ  તો કયા જાગૃત નાગરિકને ગમે ? ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ટેકાના ભાવ ન મળ્યા ને બેરોજગારીમાં ઊછાળો આવ્યો. જ્ઞાાતિવાદી છમકલાં કે શોષણ વધ્યા.

યુવાનોને ગમતા મનોરંજન પર સેન્સરશીપ કે બેનનો કોલાહલ વધ્યો. પ્રેમીપંખીડા કે સ્ત્રીના મોડર્ન ડ્રેસ પર કડક બનતો કાયદો લુખ્ખાગુંડાઓ સામે ઢીલોપોચો પડયો, કારણ કે એમની સાંઠગાંઠ દરેક પક્ષના સ્થાનિક આગેવાનો સાથે હોય છે. લવ પર લગામ ને લુખ્ખાગીરી બેલગામ એટલે યૂથ અકળાયું. અનામતનીતિની નોટબંધી જેવી ક્રાંતિકારી સમીક્ષા કરીને એમાં કાકલૂદી નહીં, તો વૈજ્ઞાાનિક પદ્ધતિની તાતી જરૃર છે. જેથી એકને ન્યાય અપાવવામાં બીજાને અન્યાય ન થાય ને નવા ભારતવિભાજનની માનસિક સરહદો ન વધે.

તમામ વર્ગના ઘણા યુવાનોમાં એક ઘૂટન પણ છે. બેરોજગારી જગતભરમાં વધે છે. અને અમુક રાષ્ટ્રીય મુદ્દા પર ઉતાવળી પ્રજાની ધીરજ ખૂટી… એમાં સ્વયંભૂ વિકાસ ગાંડો વાળા મેસેજીઝ એ જ માધ્યમોથી ફેલાયા, જેમાંથી પ્રચારના મેસેજીઝ ફેલાતા. જે પોષતું એ મારતું જેવો ઘાટ હવે સમજાયો. એટલે જ પ્રબુદ્ધજનોએ પહેલેથી જ વોટ્સએપ વિશ્વવિદ્યાલયના ફોરવર્ડેડ ગપ્પા ચકાસણી વિના ન માનવા એ સ્ટેન્ડ રાખેલું છે.

પણ નોટબંધી પછી વિઝીબલી કોઇ મોટા બ્લેક માર્કેટીઅરને સજા થતી જોવા અને ઇન્કમટેક્સથી સરકારી કોન્ટ્રાક્ટ સુધી કેશલેસ ટ્રાન્સપરન્સી અનુભવવા તડપતી જનતાના નાગરિકોએ રિઝર્વ બેન્કના બધી નોટો જમા થયાના ખુલાસા બાદ પણ દ્રાવિડી પ્રાણાયમ કરીને કાળા નાણા પર ધોળી કોમેન્ટ આપનારા અમુક રીતસરના ચાપલૂસચક્રમો પર ગિન્નાઇને વિકાસના મેસેજીઝવાળી બંદૂક તાકી. એમાં વળી હાર્દિક પટેલ સામે ફોજદારી, તડીપારી જેવી બંદૂક તાકી ચુકેલા ભાજપ પર એણે તૂટયા વિના પાટીદાર અનામતની બંદૂક તાકી.

રાજ્યસભામાં કોંગ્રેસનો તેજોવધ કરવા એમાંથી જીતી શકે એવા ઉમેદવાર જ ખેડવવા ભાજપે વળી બંદૂક તાકી. એમાં શક્તિસિંહની ચાલાકીથી અહેમદ પટેલ વન ડે મેચ જેવા દિલધડક ડ્રામામાં જીતી જતા અચાનક ફોર્મમાં આવી ગયેલી, પણ વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવામાં સદંતર સુપરફ્લોપ રહેલી કોંગ્રેસે બંદૂક તાકી.

પાસના કાર્યકરોને જ અમિત શાહની ચાણક્યયુક્તિથી ભાજપમાં જ લેતા જવાનું નિશાન, સામે વળી આ બાબતે રોકડનો વિડીયો રિલીઝ થવાનું નિશાન, અલ્પેશ ઠાકોર ને જીગ્નેશ મેવાણી માધ્યમે અન્યાયના મુદ્દે સામાજિક ધુ્રવીકરણના કોંગ્રેસી દાવાનું નિશાન, હાર્દિકની સેક્સ સીડીનું બિલો ધ બેલ્ટ ટાર્ગેટ, એ સામે ઓઝપાયા વિનાનો હાર્દિકનો પાટીદાર મિજાજનો પડકારો એ વળતું નિશાન, ઇન્દ્રનીલ રાજ્યગુરૃનું મુખ્યમંત્રી પર ટાર્ગેટ, રાહુલ ગાંધીની અચાનક વધેલી હિંદુ મંદિરોની આસ્થાનું નિશાન, એ સામે મોકો જોઇ ટેક્ટફૂલી ઉડાવાયેલા બિનહિંદુવાળા પણ બિનજરૃરી વિવાદનું નિશાન, સરદાર ને ઇન્દિરા અને હજારો કરોડના  અસામાન્ય આંકડાબાજીનું નિશાન…

સત્તાપક્ષ ને વિપક્ષ બેઉ આખું વર્ષ વાંચવા કરતા પરીક્ષા વખતે ઉજાગરા કરતા વિદ્યાર્થીઓના મોડમાં દોડોદોડ કરી હોર્ડિંગથી સભાઓ ઝગમગાવી – ગજાવી રહ્યા છે… વિધાનસભામાં શોભે એવા ભાજપના જયનારાયણ વ્યાસ કે કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટ જેવા આધુનિક શિક્ષણમાં ટોચ પર રહે એવા યુવાચિત્ત ધરાવતા ઉમેદવારો ઓછા છે, પણ જ્ઞાાતિવાદી કે બાહુબલી સમીકરણોથી ટિકિટ આપવી પડે એવા વધુ છે. કાશ, નવી ટેલન્ટ્સને વધુ તક મળતી હોત ! સ્વચ્છ પ્રતિભાઓની જ કેબિનેટ બનતી હોત ! પણ સપના કરતા વાસ્તવિકતા  જુદી હોય છે !

‘જાને ભી દો યારો’ના ટ્રેજીકોમિક ક્લાઈમેક્સ જેવો આ ડ્રામા ચાલુ છે. એટલે ચૂંટણી એક્સાઈટિંગ થઇ છે. એટલે એક જમાનામાં આપણી બેટિંગ લાઈનઅપ જેમ સચિન પર આધારિત હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અમિતાભ ફરતે રાસ રમતી હતી એમ ભાજપના ય ઘણા સમર્થકો-કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ મીટ માંડીને ભજન ગાઇ રહ્યા છે : ઓ પાલનહારે, નિર્ગુણ ઔર ન્યારે… તુમ્હરે બિન હમરા કોઇ નહીં ! અને મોદીસાહેબ પણ એકલપંડે પોતે જ વર્ષો સુધી ખીલવેલી હોમ પીચ પર મેચવિનર બનવા તમામ શક્તિ સાથે ઝઝૂમી રહ્યા છે.

એકચ્યુઅલી, મોદી દિલ્હી ગયા એમાં ગુજરાત ભાજપની ચા મોળી પડી. એમ તો, ડોકલામ જેવી ફોરેન પોલિસીમાં મળેલી દેખીતી સફળતા કે દેશની આઝાદી ટકાવવા જનરલ બિપીન રાવતની સેનાને મળેલી ફ્રીડમ નેશનલ લેવલ પર ચગી નહિ, ને મેઇક ઇન ઇન્ડિયા માટે અનિવાર્ય ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતા ખચકાય એવા રાષ્ટ્રવાદના ઓઠા નીચે થતા મૂળ મોકળા સર્વસમાવેશક હિન્દુત્વની ઈમેજ ખરડતા અભણ વ્યક્તિના અભણ તોફાનો-નિવેદનો ગાજ્યા એ ખાળવા પણ મોદીસાહેબની મન કી બાતનું વોલ્યુમ પણ વધારવા જેવું છે.

ખરેખર જે ડિજીટલાઇઝેશન, અર્બનાઈઝેશન, ગેસલાઈન-વીજળી-સડક કે અમુક જેન્યુઈન રિફોર્મ્સ ને ડેવલપમેન્ટના વિકાસના કામો થયા અને ગુજરાતને એનો ફાયદો ય થયો. આનંદીબહેને પણ ટોલટેક્સ જેવા અમુક નિર્ણયોમાં યોગદાન આપેલું અને વિજયભાઇએ અમુક પગારપંચ જેવા નિર્ણયોમાં પ્રદાન કર્યું.

પણ નરેન્દ્ર મોદી જે રીતે વિકાસનું કોમ્યુનિકેશન સામાન્યજનને જાદૂઇ સ્પેલમાં લઇને કરી શકતા હતા, એમાં એમનો કરિશ્મા તો ભારતના ઇતિહાસમાં લખાય એવો બેજોડ છે. એટલે મોદીસાહેબની હાજરીમાં જે જીતનો સાવ ઇઝી કેચ થઇ જતી હતી, એ ગુજરાતની ચૂંટણી એમના ગયા પછી રસપ્રદ મેચ બની છે. કોંગ્રેસ આકડે મધ જોઇને જૂથવાદ પડતો મૂકી ૨૨ વર્ષની એન્ટીઇન્કમ્બન્સીનો લાભ લેવા આર યા પારના રિફ્રેશિંગ જોરમાં છે. સામે કેન્દ્રમાં  ગયા પણ મોદીસાહેબનો  જ વનમેન શો ભાજપ પાસે છે.

અને એટલે મેક્સિકન સ્ટેન્ડઓફની ટાઈટ પોઝિશનમાં ધડાકો ક્યાંથી થશે ને ગોળીબાર પછી કોણ ટપકશે ને કોણ બચશે એની આતુરતા એમાં ય પ્લેયર બનેલા મીડિયામાં વધી ગઇ છે ! કારણ કે, ગુજરાતની તાસીર સમજતા લોકોને લોકોને ખબર જ છે કે, ભલે અનેક મુદ્દા ગાજતા. આખરે ગુજરાતમાં વાત હિંદુ સંસ્કૃતિ  પર જ આવીને ટકરાવા, ટકવા  કે  અટકવાની છે.

અસ્મિતા કે અપેક્ષાભંગ બેઉ સારી નરસી અસરોના કેન્દ્રમાં તો સનાતન કાળની જેમ સોમનાથ જ રહેવાનું છે. અને નિર્ણાયક ફાયરની સરદારી આ આખા સ્ટેન્ડઓફમાં અત્યારે પાટીદાર મતદારના હાથમાં હોય એવું લાગે છે.

***

ms1
    
આતો વર્તમાનનો નિષ્પક્ષભાવે કાઢેલો ઈલેકશન એક્સ રે કે સ્કેન રિપોર્ટ થયો. પણ આ ચૂંટણીમાં જે સાઈડ ટ્રેક થઈ ગયો એ મેનિફેસ્ટોનું શું ? સોશ્યલ નેટવર્ક પર રીડરબિરાદર દર્શિત ગોસ્વામીએ એક પ્રામાણિક ને મૌલિક વિચારશીલ મતદાતાની માંગ જેવો વિકાસનો લોકલ એજેન્ડા સેટ મેનિફેસ્ટો આપ્યો છે. જરા એના સહેજ એડિટેડ વર્ઝન પર પહેલા નજર નાખો :

જ્યારે નાનકડા શહેરમાં ડહોળા પાણીનું વિતરણ ન થાય, પાણી માટે ફરજિયાત અંડરગ્રાઉન્ડ ટાંકા ના બનાવવા પડે. જ્યારે કોઈ પણ ઋતુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખાડા વિના ઘરે પડયા આખડયા વગર પહોંચી શકાય.

જ્યારે નગરજનો માટે દર થોડા થોડા અંતરે બાળકો મોજથી રમી શકે, યુગલો આનંદથી બેસી શકે તેવા સલામત ગાર્ડન બને. જ્યારે બાળકને ભણવા માટે સારી શાળામાં વ્યાજબી ભાવે ભલામણ વગર એડમિશન મળે અને ઉપદેશ વિના ખરેખર ઘડતર કરતું સારું શિક્ષણ મળે. જ્યારે કુટુંબના કોઈ પણ વ્યક્તિને બીમારી જેવા સંજોગોમાં વ્યાજબી ભાવે સારી મેડિકલ ફેસિલિટી મળે.

જ્યારે પરિવારને ઈચ્છા થાય ત્યારે સારા પુસ્તકો વાંચવા મળી રહે એવી એકાદ લાઈબ્રેરી દરેક ગામમાં જીમ્નેશિયમ સાથે હોય. જ્યારે શ્રીમતી ખરીદી કરવા જાય ત્યારે શાકભાજી કે કરિયાણાની ખરીદીમાં ભાવ વાંચી ક્વોન્ટિટી ઘટાડવી ના પડે. ને મોંઘવારી પછી ય ભેળસેળવાળી કેમિકલયુક્ત ગુણવત્તા ન મળે.

કુટુંબની કોઈ પણ મહિલા નિર્ભિક રીતે મનગમતા કપડાં પહેરીને મરજી પડે ત્યારે ને ત્યાં હરીફરી શકે. ગાડીમાં પેટ્રોલ/ડીઝલ પુરવતી વખતે ક્વોન્ટિટી મુજબ ભરાવી શકાય ના કે ઈન્ટરનેશનલથી પણ વધુ ભાવ મુજબ ! અને પછી રસ્તા સારા હોય જ પણ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ય હોય, ને ટોલ હોય ત્યાં રોડ ફરતે ફેન્સિંગ પણ હોય.

જ્યારે બહાર જવાનું થાય ત્યારે ઘરની ગાડીને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાનું સામેથી મન થાય એ વિકાસ. નોકરી ને જતાં રસ્તામાં મળતા અબ્દુલ પંચરવાળા કે પુંજાભાઈ ચા વાળા કે આઉટસોર્સમાં કામ કરતાં સિક્યોરિટી વાળાઓના મોઢા પર સાચુકલી મુસ્કાન હોય !

નોકરી દરમ્યાન રોજ મંગાતી અવનવી માહિતીઓને સમયસર તૈયાર કરવાના દબાણ વગર ખુશી ખુશીથી પોતાનું કર્મ કરી શકાય, અને સ્ટાફ સહિતના ઉપરી અધિકારીઓને પણ રોજ દબાણ વગર નોકરીએ આવવાનું મન થાય, તમામ સરકારી પોર્ટલો સારા સર્વર પર હોય તો કામ આરામથી થાય ને ઈ ગવર્નન્સથી નાના નાના કામોના ધક્કા બચે, ડિજીટલ સેટ અપ થતા ભ્રષ્ટાચારની શક્યતા ઘટે.

ઉપરાંત, ઉમેરવા જેવું એ ય લાગે કે આહારશુદ્ધિ સાથે વિહારશુદ્ધિ ને આરામશુદ્ધિ ય થાય. પ્રવાસનનો વિકાસ થાય. દારૃબંધી કે ગુટકાબંધી જેવા દંભી નાટકો સાવ દૂર ન થાય તો હળવા કરી એની એક કરપ્શન કે ક્રાઈમ વિનાની સીસ્ટમ બને. પોલીસતંત્ર નવી ભરતીથી વધુ મજબૂત બનીને ખુલીને લુખ્ખા ગુંડાઓ સામે કામ કરતું થાય. ધાર્મિક કે સામાજિક લાગણી દુભાવવાના નામે પોલિટીકલ સ્ટંટ કરી ટ્રાફિક ખોરવી નાખતી ને મન પ્રદૂષિત કરતી રેલીઓ પર અંકુશ આવે. કાયદાને ખિસ્સામાં લઈ ફરતા તત્ત્વો તળે રેલો આવે.

કોર્ટમાં માત્ર વકીલોને બદલે જજ પણ સેલિબ્રિટી મળે એવો ઝડપી ન્યાય તોળાય. સ્કોલર વિદ્વાનોના હાથમાં શિક્ષણનો જીર્ણોદ્ધાર થાય. મનોરંજનના નવા માધ્યમોને અવનવા હોબી એન્ડ કન્વેન્શન સેન્ટર્સ કે સાયન્સ મ્યુઝિયમ કે પાર્ક કે આઈમેક્સ થીએટર પણ ગુજરાતના વિકાસને ઈન્ટરનેશનલ કરે. સ્વચ્છતા સાથે ટ્રાફિકની શિસ્ત પણ આવે.

નવા વિચારો કે સર્જકતા કે સાહસ કે સ્પોર્ટસનું પણ સ્વાગત થાય. અવનવા પ્રોજેક્ટ માત્ર શરૃ જ ન થાય પણ યોગ્ય રીતે પૂરા ય થાય. કોસ્મેટિક ફેરફારોને બદલે રિયલ ચેન્જ આવે. કારણ કે ત્વચા મેક અપથી સુંદર લાગે છે, પણ સાચે સુંદર બનતી નથી.એ તો ખોરાક ને સારસંભાળથી જ ચમકે.

ટ્રાન્સપોર્ટેશન સ્પીડી બને, યુવાઓને વધુ મુક્તિ મળે ને બિઝનેસને વધુ રાહત સાથે મોટીવેશન. નેતા-અધિકારીઓના સંતાનો જ પરદેશ જાય એને બદલે પરદેશથી વધુ આધુનિક એવું જ આપણું ગુજરાત ગાંધીની કર્મઠતા અને નરસિંહના વૈષ્ણવજનના ભજન જેવી નાગરિકતા કેળવીને બને.

જેમાં સૌરાષ્ટ્રની રસધાર, ચરોતરના ખેતર, ઉત્તર ગુજરાતનો સનેડો ને દક્ષિણ ગુજરાતની વાનગીઓ સાથે મળીને ગિરનાર ને દાતાર જેવી સૂફીને સાત્વિક આધ્યાત્મિકતાનો સંગમ કરે. સાગર પર સ્પીડબોટને નર્મદા પર આંતરખોજ થતી રહે. મેળાના પીપુડાને મોલના પપુડા રંગત જમાવે. ગોંડલ સ્ટેટના મહારાજા ભગવદસિંહજીના નકશેકદમ પર ચાલે એવી નવી ધારાસભા ગુજરાતને મળે, એ દિલ બહેલાવતો ખ્યાલ હોય તો ય એ સપનાનું વાવેતર કોઈ પક્ષ કેમ ન કરે ?

નાગરિકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનો અહમ ભારતમાં ભલભલી સલ્તનતનો ય કાયમ ટક્યો નથી. આપણા દેશની આ વિશિષ્ટતા છે. ગરવ કિયો સોઈ નર હાર્યો. માટે ચૂંટણી લોકશાહીમાં મહત્વની છે. તગડા નેતાઓએ ત્યારે ધ્યાન દઈને પ્રજાના આક્રોશ કે આક્રંદનો તીણો સૂર સાંભળવો પડે છે. સાંઈરામ દવે કહે છે એમ, મત તો આપણો કિંમતી ને પવિત્ર છે. પણ ઉમેદવારો જ સસ્તા ને અપવિત્ર હોય ત્યાં શું કરવું ?

વેલ, મતદાન તો કરવું જ. તો જ ડર બની રહેને લોકોનો શાસકો પર ! અને અનિવાર્ય અનિષ્ટ જેવું ય લાગે તો ય બધા નોટા દબાવી સચ્ચાઈનો સખત મેસેજ આપી શકે એવી પુખ્ત આપણી લોકશાહી થઈ નથી. લોકશાહી તો અરીસો છે, નાગરિકો જેવી ડિઝર્વ કરે એવી જ ગર્વમેન્ટ એમને મળે ! બસ પ્રેમની ફોર્મ્યુલા અજમાવવી.

આંખ મીંચી બધા કોલાહલ પડતા મૂકી, બે મિનીટ મૌન ધ્યાન કરવું. આપણી આવતીકાલ કેવી હોય ને કોના હાથમાં વધુ સલામત લાગે કે શોભે ? કોનામાં લીડરશિપના બધા નહિ તો મહત્તમ ગુણ દેખાય છે ? કોણ અમુક કામ કરી શકે એમ છે ? કોણ આપણા પ્રશ્નોને કામચલાઉ નહિ પણ કાયમ કાન દઈ સાંભળે ને પછી દિલ દઈ ઉકેલવા પ્રયાસ કરે છે ? આપોઆપ પેટ ભરેલા હોય ત્યારે મન શાંત રહે છે. સદ્ભાવ ને સ્મિત વધે છે.

એવો સર્વાંગી વિકાસ ગુજરાત ને ભારતનો કરવામાં સહયોગી થાય એ નેતા/ઉમેદવારને મત આપવો. પણ હા, ચૂંટયા પછી કોઈ બેફામ ન થાય માટે સતત સોશ્યલ નેટવર્ક પર પોતપોતાની મનપસંદ રાજકીય વિચારધારાની આરતી ઉતારવાને બદલે સચોટ સવાલો પૂછવાનું કામ પાંચ વર્ષ માટે મતદારોએ પણ કરતા રહેવું !

ઝિંગ થિંગ

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઈ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.
એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સભા ના ઉભરાય એ જો જો.
એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.
એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.
એક તમારા મતથી ખાટુમોળું શું થાશે જાણો છો ?
એક ટીપાંથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.
એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.
એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાખો છો પણ –
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.
એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.
(કૃષ્ણ દવે)

 

 
14 Comments

Posted by on December 18, 2017 in gujarat, india