RSS

એકાદ નહિ આ ભારતમાં ઇન્સાન કરોડો એવા છે… ના સીમ મહીં કો ખેતર છે, ના ગામ મહીં ઘર રહેવા છે!

04 May

ind 7

तुम्हारे कटोरे सोने के हों

और तुम उनमें जवाहरातों की सौगात बटोरो

फिर भी तुम्हारा साथ निभाता हूँ।

क्यूंकि मैं – अपने काठी कटोरे में रोटी

और अपने बटोरे में चाँद चाहता हूँ।

दुनिया और रोटी दोनों एक जैसी हैं

पढ़े लिखे कहते हैं दोनों गोल हैं

फर्क इतना है  कि रोटी थोड़ी छोटी है.

मेरी निगाह में एक फर्क और है

रोटी मेरी दुनिया है और

दुनिया तुम्हारी रोटी है.

रोटियों की दरख़्त होती

तो उसकी भी लकड़ी काट

तुम अपने घर के दरवाजे बनाते.

और हम बेच के तुम्हें अपना दरख़्त

उसी दरवाजे को पोंछ पोंछ

अपनी रोटी कमाते खाते.

मेरे ही खेत का गेहूँ

तुम्हारे घर में जाता है

और उसी गेहूँ की रोटी

मेरा बच्चा खाता है.

फिर तुम्हारे घर में

ऐसा क्या मिलाया जाता है?

कि तुम्हारा बच्चा ‘सर’

और मेरा ‘छोटू’ कहलाता है?

मैं गिरा हुआ हूँ

रोटी सी छोटी चीज के लिए चिल्लाता हूँ

मेरी बुद्धि, रोटी का छोटापन नहीं समझ पाती है

तुम उठे हुए हो – आसमान से देखते हो;

और दूर से हर चीज छोटी नजर आती है.

रोटी रोटी करते करते

एक दिन मैं भी रोटी हो जाऊँगा

फिर तुम मुझे खा लेना

फिर मैं नहीं चिल्लाऊंगा।

હિન્દી કવિતાઓમાં જેવો દર્દ અને વિદ્રોહનો ગરીબીમાં મૌન ઘૂંટાયેલી ચીસોનો પડઘો જોવા મળે , એવો કદાચ બીજી ભાષામાં નહિ હોય. સાહિર, કૈફીથી વાયા પાશ, દુષ્યંતકુમાર આ નવી પેઢીના કવિ વિકાસકુમારની કવિતા છે. રોટી એ તો ભૂખની કવિતા છે. નાનો માણસ કહેવાય છે, એવા શ્રમજીવીની, મજૂરની, ગરીબની કવિતા છે.

ઓલમોસ્ટ દોઢસો વરસ પહેલા વર્લ્ડ ક્લાસિક એવી “દુ:ખિયારા (લા મિઝરેબલ) ” નવલકથામાં વિક્ટર હ્યુગોએ માત્ર ઝૂંપડે ભૂખ્યા ભાઈ-બહેન માટે રોટી ચોરવા માટે મુજરિમ બનીને વર્ષો સુધી કેદખાનામાં સબડતા અને ભીષણ ગુનેગાર બની ગયેલા જ્યાં-વાલ્જ્યાંની કરમકહાણી લખી હતી. આપણને એમ થયા કે એ તો દૂર દેશનો ભૂતકાળ. માત્ર વાર્તા.

પણ આ ચૈત્રી નવરાત્રિમાં ગત આસો નવરાત્રિના એક કાળજું રોવડાવતાં સમાચાર યાદ કરો. મધ્યપ્રદેશમાં સાગર જીલ્લામાં રહેલી તાલુકામાં આવ્યું હતું ટીકાટોરિયા નામના સ્થળે દુર્ગા મંદિર. એક સવારે એની દાનપેટીમાંથી અઢીસો રૂપિયા જેવી ‘માતબર’ રકમ ચોરાઈ ગઈ ! એટલે મંદિરસંચાલકોએ પોલીસ ફરિયાદ કરી, અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તાબડતોબ ચોર પકડીને અદાલતના હવાલે કર્યો. મુદ્દામાલના પુરાવા સહીત ચોરીની કબૂલાત કરવામાં આવી એટલે ચોરને સજા પણ થઇ ગઈ.

વાહ ઝડપી ન્યાય થયો પવિત્ર જગ્યાએ ચોરી કરનાર દુષ્ટ પાપી ચોરનો ! – એવું માની તાળીઓ પાડશો તો એ તાબોટા જેવી લાગશે. ચોર બાર વરસની એક નાની ગરીબ દીકરી હતી ! એની પાસે પગમાં પહેરવા ચંપલ નહોતા. અઢીસોમાંથી રોકડા સિત્તેરનો મુદ્દામાલ એના ફાટેલા દફતરમાં મળી આવ્યો હતો. સાતમાં ધોરણમાં ભણતી એ દીકરી માત્ર દીકરી નથી. નમાયા આઠ અને છ વર્ષના બહેન અને ભાઈની મા ય છે. એ ય અન્નપૂર્ણા માતા ! કારણ કે એની મા મરી ગઈ, ત્રણ વર્ષ પહેલા. ઘરે બીજું કોઈ ખવડાવે એવું છે નહિ. બાપ મજૂરી કરે. એ શાક વઘારે ને આ છોકરી રોજ આવડે એવી રોટલી બનાવે. ત્યારે ચાર જણ ખાય. એમાં કોઈ વેકેશન નહિ. તહેવાર નહિ. નવ વર્ષની રમકડે રમવાની ઉંમરે એની માથે ભણતા ભણતા બધાનું પેટ ભરવા રસોઈ કરતા શીખવી પડી. તો ય ચોરી નહોતી કરી, ભીખ નહોતી માંગી.

પણ એક દિવસ બાપ રાશન લઇ આવ્યો મહિનાનું. ઘઉં દળવા માટે એ છોકરીને આપ્યા. લોટ દળવાની ઘંટીએ એના ઘઉં ખોવાઈ ગયા. એની ફરિયાદ પર કોઈએ ધ્યાન ન આપ્યું. મૂંઝાઈને હીબકાં ભરતા પાછી ફરી ત્યારે એને બાપના મારની બીક લાગી. ફફડીને એ ખોટું બોલી કે ધઉં ઘંટીએ રાખ્યા છે. રહેવા માટે એની પાસે મકાન નથી. દસ બાય દસનું એક ઢોર પણ ન રહે એવું, તૂટેલી દીવાલે ઘાસનું ઝુંપડું છે, જેમાં ચાર જણ રહે.

સવારમાં સ્કૂલ જવાના નામે ઉઠીને ભાંડરડાની ભૂખથી ગભરાતી છોકરી મંદિરે ગઈ. ને દાનપેટીમાંથી એણે અઢીસો રૂપિયા ચોર્યા ! બોલો કોઈ ખાઈબદેલો ખુંટીયો હોત તો આખી સડક ચોરી લેત, સેટિંગના કોન્ટ્રાકટ કરીને. કરોડો ચોરીને લંડન જતો રહેત લહેરથી. આ નાદાન જ કહેવાય ને કે મૂરખે ચોરી ચોરીને એક મલ્ટીપ્લેક્સમાં નાચોઝ પણ ના આવે એટલા અઢીસો રૂપિયા ચોર્યા. કોને ખબર, ભગવાને રૂબરૂ આવીને એને કાનમાં કહ્યું હશે કે “ બેટા, મારે જરૂર નથી. તું લઇ જા લહેરથી આ મારા નામે ઉઘરાવાયેલું દાન. એ તારા માટે જ છે !” કિડ્સ આર ગોડ, યુ નો.

ખેર, પોલીસતપાસમાં ખુલ્યું કે એમાંથી એકસો એંશી રૂપિયાનો એણે લોટ લીધો. કેમેરામાં જ ઝીલાઈ ગઈ હતી. આ થોડો કોઈ ધોળા કપડાંવાળો ચોર હતો કે ધરપકડ તરત ન થાય ? એટલે ચોરી સબબ એની ફટાફટ અટકાયત થઇ. એની પાસે સેલિબ્રિટી વકીલો હોય નહીં, માટે કોર્ટે એને જુવેનાઈલ જેલ ગણાતા બાળસુધાર ગૃહમાં મોકલી દીધી. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના… કવિતા હકીકત બની ગઈ !

કદાચ માતાજીની આંખમાં જ આ વ્યથાના વીતક ને પેટ ખાતરના પાપ જોઇને પૂર વિના લાગણીના પાણી ઉભરાયા હશે કે, થાણાના એક ઇન્સ્પેકટર યાદવને જ પેલા દુ:ખિયારાના ઇન્સ્પેકટર જેવર્ટની જેમ દ્વિધા થઇ ને એમણે એક સ્થાનિક વકીલને કહ્યું, એ વકીલ ફી વગર કેસ લડવા તૈયાર થયા ને મામલો સ્થાનિક વિપક્ષી નેતાઓ પાસે ગયો અને હૈયે રામ વસતા તત્કાલીન મધ્યપ્રદેશ સરકારે ( આપણે ત્યાં તો વગર ચૂંટણીએ સરકારો બદલાઈ જાય છે ને. પાછા ‘અણમોલ’ એવા ધારાસભ્યોના ભાવ ઉંચકાય ત્યારે ય શાકભાજીની લારીવાળાના ભાવ ગગડી જાય !) તાત્કાલિક છોકરીને છોડી મુકવા ઉપરથી હુકમ કર્યા અને સહાય આપી.

ટ્રેજેડીની ધારે ઉભેલી સત્યકથાનો આમ અચાનક કોઈ દૈવી ચમત્કારની જેમ હેપી એન્ડ આવ્યો. નહિ તો હાન્સ એન્ડરસનની લિટલ મેચ ગર્લની કહાની માફક ઠંડીમાં કોઈએ માચીસ ન ખરીદતા, ભૂખ્યા પેટે ઠૂઠવાઈને રાતના સડક પર મૃત્યુ પામેલી અનાથ બાળકી જેવો આવ્યો હોત ! અને છોકરી જેલમાંથી કયા રસ્તે ધકેલાઈ ગઈ હોત આ કુમળી ઢીંગલીઓને ય વાસનાથી પીંખી નાખતા શેતાની સમાજમાં તો ?

અઢીસો રૂપિયા ! એવડી મોટી રકમ ઘણા માટે નહિ હોય, પણ એમાંથી આપણા દેશમાં કેટલાય પરિવારોના પેટ ભરાય છે. ભૂખ માટે, જીવ પર આવીને કરેલી ચોરીને પાપ કહેવું કે નહિ – એ મોરલ ડાયલેમા આ આંખમાં ઝળઝળિયાં આવી જાય એવા દારુણ સત્યમાં છે. ગરીબી, ભૂખ અને મજબૂરીમાં સ્ત્રી દેહ વેંચે કે બાળક અભણબીમાર રહી જાય તો સ્વસ્થ સમાજ બને નહિ ને ગુનાખોરીની અરાજકતા જ વ્યાપે એ જ સૂર તો ‘દુઃખિયારાં’નો હતો.

માણવા જ જોઈએ જલસા દિલ નીચોવીને. પણ સાથે આવા આપણા બાળકોને સ્વમાનભેર જીવવા-ભણવા ને પેટની આગ ઠારવામાં મદદ કરવી એ ય શક્તિપૂજા જ છે. માનવતાની સેવામાં હરિનો હાથ ને માનો નાદ છે. એ યાદ રહે તો ય ઘણું છે. આપણા ધર્મસ્થાનકોની પેટીઓ કે તિજોરીઓ કટોકટી વિના પણ કાયમ માટે આવા સાચા જરૂરિયાતમંદ પેટ અને દિમાગના ભૂખ્યા બાળકોના અન્ન, આરોગ્ય ને અભ્યાસ માટે ન ખુલે તો પોતાના પ્યારા પુષ્પોની આવી મુરઝાયેલી ચીમળાયેલી કરમાયેલી હાલત જોઇને સોનાના શિખરો કે દરવાજામાં પ્રભુને ગુંગળામણ નહી થતી હોય ?

***

લોકડાઉન તો કોરોનાના કોપને ખાળવા અતિશય અનિવાર્ય છે. અને મહાસત્તાઓ મૂંઝવણમાં છે, ત્યારે તત્કાળ એનો નિર્ણય લઇ કડક અમલ માટે ભારત સરકાર શાબાશીની સંપૂર્ણ હકદાર છે જ. આપણો હિસાબ ત્યારે નરેન્દ્રભાઈથી વિજયભાઈ સુધીના બધાના સહિયારા પ્રયાસોને લીધે જગતભરમાં કોરોના મામલે હજુ સુધી ઉજળો છે. પણ પછી જે ટોળાઓ મજૂરોના ઉમટ્યા એ દ્રશ્યો જોઈ ઘેર બેઠાં ઘણા સુખી લોકોએ બળાપા કાઢ્યા જાણે એ ગરીબો જ વાઈરસ હોય એમ કે, આ નાલાયકોને કશી પડી જ નથી એને લીધે બીજાઓ બરબાદ થઇ જશે બ્લા બ્લા.

પણ એ ટોળા જે બહાર ઉમટે છે ,એ બધા કોઈ શહેરી વિસ્તારમાં સરકારી સૂચનાને સિરિયસલી ન લઇ પોલીસ ભાઠા ન મરે ત્યાં સુધી ભમરડાની જેમ ભમતા યુવાઓના નથી. એ કોઈ બીડી-ગુટકા માટે તડપતા બંધાણીઓના નથી. એ કોઈ ખાડિયામાં થયું એમ થાળી પીટવા કે ઘંટડી વગાડવા કે સામૂહિક મંત્રજાપથી વાઈરસ નાબૂદ થઇ જશે એવું માની સડક પર સરઘસ કાઢતા મંદબુધ્ધિઓના નથી કે નિઝામુદ્દીનમાં બંદગી માટે ધક્કામુક્કી કરતા મૂર્ખ મઝહબી ઘેટાંબકરાઓના નથી. એ એવા લોકોના છે જેમને આપણે ઇન્ફેકશનથી બચવા હાથ ધોવાનું કહીએ તો ખબર પડે કે એ છોકરાં ય દિવસો સુધી નવડાવી શકતા નથી તો હાથ શું ધુએ ?

ભારત વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશ છે. પરદેશમાં ફસાયેલા લોકો માટે આપણે વિમાન ઉડાડી એમને લઇ આવ્યા ને ઘણા કિસ્સાઓમાં તો અમેરિકાની જેમ બિલ પણ ન માંગ્યું. એ બધા સ્ટુડન્ટ કે ટુરિસ્ટ ત્યાં પણ સલામત હતા. વધુ હાઈજેનિક જગ્યાઓએ હતા, તો ય એમને ગંદાગોબરા ગણાતા વતન કેમ ઉડીને આવવું હતું ? કરણ કે મરણ હોય કે દિવસો-મહિનાઓ સુધીનો એકાંતવાસ કે તહેવારની રજા – માણસમાત્રને પહેલા ઘર સાંભરે. ફાઈવ સ્ટાર હોસ્પિટલ કરતા ઘરની ફાટેલી ગોદડી પર સૂવાનું મન હોય. કોરોના તો માત્ર મીડિયા માર્કેટિંગ છે એવું છાપરે ચડીને પોકારનારાઓ ય હવે આ મામલે વડાપ્રધાનની ગંભીરતા જોતા યુ ટર્ન મારી સ્ટે હોમનો નિત્યપાઠ કરતા થઇ ગયા છે. ત્યારે પેલા ગરીબમજદૂરકિસાનને વાઈરસની પૂરી ખબર ન હોય , પણ એમની ઈચ્છા કોઈ પણ કટોકટીમાં ઝટ ઘરભેગા થવાની હોય.

હવે તમે કહો કે મૂરખાઓ મરી જશે, પણ એ રોજ થોડું થોડું મરે જ છે. એમને બીજી કશી ઝાઝી ગતાગમ અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષ સિવાય છે જ નહીં. જે પરિવાર પાળવા માટે કાળી મજૂરી કરે છે, એની સાથે કટોકટીમાં જવાની ઈચ્છા તો એમને ય થાય જ ને. આ તો ચૂપચાપ મજૂરી કરે છે, ને રોજી લઇ ચાલતા થાય છે. પણ લૂંટફાટે આ ટોળા ચડે તો એને ફિલસૂફીઓ સંભળાવી શું રોકી શકો ? એટલી પોલીસ ફોર્સ પણ ન હોય. એમને માટે વ્યવસ્થા કરવી પડે, જે ઘણી જગ્યાએ થઇ રહી છે. એમાં લોકડાઉનનો હેતુ માર્યો જાય છે એ ખરું. પણ રાતના આઠ વાગે જાહેરાત થાય અને બાર વાગે અમલ થાય એમ ચાર કલાકમાં ભલભલા અમીરો પાસે ય ત્રણ અઠવાડિયાના લોકડાઉનનું કોઈ આયોજન વિચારવાની જગ્યા ન રહે.

કમ સે કમ ચોવીસ કલાકનો સમય જેમ જનતા કર્ફ્યું માટે આગોતરો ત્રણેક દિવસનો મળેલો એમ મળવો જોઈતો હતો. ખેર, જે થયું તે. સરકારની બેશક મજબૂરી હશે જ કે અળખામણા થઈને ય નિર્ણય લીધો. પણ સામે માંડ થાળે પડે એવા વ્યવસ્થાના પ્રશ્નો ભારતમાં સર્જાય. કારણ કે ભારત એ નથી જે સેલિબ્રિટીઝને ફોલો કરતા મિડલ ક્લાસના લોકોથી ફેસબુક, ટવીટર, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે. એક ભારત આ ય છે, જેમને એ ઝગમગ દુનિયાની ખબર જ નથી. પેટ માટે રળવા વેઠ કરવી એ જ એની નીયતિ છે. અને એ નાનુંસુનું નથી. એટલે જ મનરેગા, જનધન, આયુષમાન ભારતની યોજનાઓ ય એને પહોંચી ન શકે એવી કરોડોની સંખ્યામાં છે. એ બહુ નડતુંકનડતું નથી, એનો જશ આપણા જીન્સમાં વણાઈ ગયેલી શ્રદ્ધાને છે. જેથી ધરમના ટેકેટેકે ‘હશે આ ભવમાં આપણા કરમ’ એમ આ ચાલી જાય છે.

આમ પણ આપણે ત્યાં ભણેલા ય સ્વયંશિસ્ત કે મેનર્સની બાબતમાં અભણ હોય છે, ત્યાં અભણ જ હોય એની પાસે શું અપેક્ષા રાખવી? અને જનતાનો વસતિવધારો તો આપણે ત્યાં વાઈરસથી વધુ જોખમી ને કાયમી છે. એ રોકવા માટે લોકડાઉન જેવા જ ક્વિક એક્શન પ્લાનની જરૂર છે. આ તો સારું છે, કોઈ આફત આવે ત્યારે ઋષિઓએ સીંચેલું માનવતાનું ડીએનએ ઉદ્યોગપતિઓ,કલાકારો, ધર્મસંસ્થાઓ બધામાં હજુ એક્ટીવેટ રહે છે, એટલે પશ્ચિમની જેમ સાવ બધા સીસ્ટમ ડિપેન્ડન્ટ હોઈને ઘાંઘા કે આફ્રિકાની જેમ રક્તપાતમાં તરબોળ પરોપજીવી નથી થતા. જાતે એકબીજાને ટેકે ‘એડજસ્ટ’ કરી લે છે , સર્વાઇવલ માટે. જુઓ ને, બસ નહોતી, તો કેટલાય દેહાતી દિહાડી કામગારોએ ઘેર જવા પગપાળા ચાલવાનું શરુ કર્યું ! એક બિચારો જુવાન તો કોરોનાને બદલે એમાં મર્યો ! અને હજુ કોને ખબર વાઈરસ પહેલા કોઈ લાઠીગોળી કે ભૂખથી કે ધક્કામુક્કીમાં ય મરે.

એવું જોઈ બેશક ઘણાએ ઘેર બેઠાં એસી ચાલુ કરી ટીવીમાં જોઇને સ્માર્ટફોન મચડતા છીંકોટા નાખ્યા કે આ પોતે ય મારશે ને આપણને ય મારશે. બસ, આપણને મારશે એ વાંધો. બાકી ભલે મરી જાય તો ઓછા એવો ભેદનો ભાવ પણ અમુકમાં ખરો ! યુવાઉત્સાહીઓને જેમ ‘રબ્બીશ’ બસ્તી ને ઝૂંપડપટ્ટી ખૂંચે એમ જ. બિલકુલ, એ ગેરકાનૂની છે. હેલ્થ હેઝાર્ડ જ છે. પણ એમને માટેની જમીનો, પરદેશપ્રવાસો, સંતાનો માટે બેસ્ટ એજ્યુકેશન ને પૈસા પોલિટીકલ, રિલીજીયસ ને કોર્પોરેટ વર્લ્ડ ખાઈ ગયું એટલે બાકીના રેઢીયાળ બની રસ્તે રઝળતી વાર્તાઓ થઇ ગયા એ દેખાય છે ?

આ જ તો સીન હતો ‘સ્વદેશ’ ફિલ્મનો. ભાડું વસૂલ કરવા ગયેલ એનઆરઆઈને સમજાય છે કે માણસ પોતાની ચામડી ય ખાય એમ નથી, એ ય ચોંટી ગઈ છે. ત્યાં કરજ શું ચૂકવે ? અને પછી એને રેલ્વે સ્ટેશને પાણી વેંચતા છોકરાને બાળમજૂરી પર ભાષણ આપવાને બદલે એનું પવાલું પાણી પીને એને પૈસા આપવાનું મન થાય છે ! આ જ તો સીન હતો ‘દીવાર’માં કે રોટી ચોરતો છોકરો પોલીસના હાથે મરે ને દાણચોર તાગડધિન્ના કરે. આ જ વાત હતી ‘ભૂતનાથ રિટર્ન્સ’માં, જેમાં મકાન ખાલી કરાવી બિલ્ડર પાસેથી પૈસા લેતા ભૂતને એ ઉંચી ઇમારતો નીચે કચડાઈ ગયેલ શ્રમિક વર્ગની વેદનાનો અહેસાસ થતા એ ઈલેકશન લડવા જાય છે. મુનશી પ્રેમચંદ જેવાઓનું સાહિત્ય હોય કે શ્યામ બેનેગલ જેવાઓનું સિનેમા. અર્થાત, સમાયંતરે આવા રિમાઇન્ડર કળાજગત આપે , પણ પછી ઉપર ચડીને બંગલા બન્યા બાદ એ ય ધીરે ધીરે એ અહેસાસ ભૂલવા લાગે.

ઓલો ખોટા ખૂટલો માટે ખપી ગયેલો આજની દુનિયા માટે ગમારગાંડોવેદિયોવેવલો એવો ગાંધીડોસો આની ચિંતામાં જ પોતડી પહેરી, સ્વરાજના જાપ કરતો ફરતો હતો ! ભારતમાં એમની ઓળખ બની એ બિહારના ચંપારણમાં પહેલા જ સત્યાગ્રહમાં એમણે ચંપલ વિનાના ખેડૂતો જોઈ લંડન ભણ્યા ત્યારે પાલિશ કરેલા જૂતાં કાઢી નાખ્યા હતા. અને ફાટેલી મેલી સાડી બીજી બદલવાની છે નહિ એટલે સ્ત્રીઓ વારાફરતી આવે એવું કસ્તૂરબાએ કહ્યું એ પછી કપડાને બદલે આજીવન પોતડી પહેરી.  એનું સરસ પોએટિક રૂપાંતર ગાંધી ફિલ્મમાં બ્રિટીશ એટનબરોએ ઝીલ્યું છે.

એને લાગ્યું કે રાજાઓ, નવાબો, શ્રીમંતો, ગોરા લાટસાહેબો જે દુનિયામાં જીવે છે , એમાં આ કન્સર્ન કનેક્શન કટ છે ને ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગે ને બધું નક્સલવાદ જેવી ડાબેરી હોળીમાં ભસ્મીભૂત થાય એ પહેલા આપણે એમની પાસે જવાની ઇન્ટેગ્રિટી રાખવી પડે. એ માટે ભલે અંગત જલસા છોડવા પડે. ને એટલે એની ભેગા જવામાં મહેલ ને બદલે જેલ, ને ઉજાણી ને બદલે ઉપવાસ હોવા છતાં જગતના શ્રેષ્ઠ બુદ્ધિમાનો, આલીશાન અમીરો, કમાલ કલાકારો, ધુરંધર રાજનેતાઓ  ને દરિદ્ર કંગાળો એનાથી એકસરખા આકર્ષાયેલા. એટલીસ્ટ, એનો અવાજ ગુલામ રહેલા લોકોમાં ય સંભળાતો કારણ કે એ પીડા ન હરી શકે તો ય એ માટે લાગણી અને નિષ્ઠા પ્રગટ કરીને ભાગીદાર બનતો. દોઢસો વરસનો ડોસો ઘણી બાબતમાં ન ગમે તો ય ,એણે આ નાડ પારખેલી કે ભારતના આ સેલિબ્રિટીઝથી દૂરની તળેટીએ  નહી પહોંચો, ત્યાં સુધી શિખર મજબૂતાઈથી સલામત રહેવાના નથી !

આ ય એક આસપાસનું જગત છે. આ ય કાયમ લલાટે લખાયેલું દરદ છે આપણું. આપણી સગવડોની પાર સતત અગવડમાં જીવનારાનું. આપણા દેશમાં ત્રીસેક ટકા વસતિ છે જેણે સ્કૂલ તો ઠીક, બે ટંક ભોજન રોજ મળે તો મોટી વાત છે ! જે મહેનત કરે છે, ચોરી નથી કરતા એવા કંગાલોનું. એમને વેદનામાં મદદ ન કરી શકીએ તો કંઈ નહિ,પણ એમની સ્થિતિ સમજી ઠોંસા ન મારીએ કે  ઠેકડી ન ઉડાડીએ એટલી સંવેદના રાખીએ તો ય ઘણું. જે કવિતા શીર્ષકમાં છે એના કવિ સ્મૃતિમાં નથી પણ આગળની વકતૃત્વ સ્પર્ધામાં સાંભળેલી પંક્તિઓ છે :

આ રગતપીતિયા, ધાનમૂઆ

ભૂખે મરતા મડદાંઓ

મરવું છે પણ મરતા નથી
આ જીવનભૂખ્યાં કેવા છે!

sureal 2

 

ઝિંગ થિંગ

 જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
( સૌમ્ય જોશી )

*ગુજરાત સમાચાર ૧ એપ્રિલ, 2020 શતદલ પૂર્તિમાં છપાયેલો જય વસાવડાની કોલમ ‘અનાવૃત’નો લેખ*

( લેખના શીર્ષક અને છેડે મુકેલી ગુજરાતી કવિતા જેમની પાસે વર્ષો પહેલા સાંભળેલી એ પ્રાધ્યાપક સંજય કામદારે તરત જ ચીવટથી લખી મોકલી એ માટે એમનો આભાર. કવિનું નામ એમને પણ ભૂલાયું છે. કોઈને ખ્યાલ હોય તો કહેજો. )

 

 
5 Comments

Posted by on May 4, 2020 in Uncategorized

 

5 responses to “એકાદ નહિ આ ભારતમાં ઇન્સાન કરોડો એવા છે… ના સીમ મહીં કો ખેતર છે, ના ગામ મહીં ઘર રહેવા છે!

  1. Harish

    May 4, 2020 at 11:30 PM

    Good

    Like

     
  2. bookmyfriend

    May 5, 2020 at 7:26 AM

    ખુબ ગમગીન થઈ જવાઈ તેવી પરિસ્થિતીની વાત છે. અહીં ના સહી શકાય કે ના મુંગા રહી શકાય એવી વાત છે. જ્યાં સુધી ઠોસ મજબૂત પગલાં ઉપરથી નહી લેવાય ત્યા સુધી આ લોકોનું જીવન “”ઉપરવાળા”” ના ભરોસે જ રહેશે. અહીં આ લોકો એટલે આમ લોકો અને આમ લોકો તમને આમ તેમ બધી જ જગ્યાએ મળશે. હાશ…. તમારો લેખ વાંચીને કોઈના કાળજા કંપે, મન નો વલોપાત થાય અને કાંઈક કામનું “નવનીત” ઉતારે… જય હો.

    Like

     
  3. Leena

    May 8, 2020 at 2:23 PM

    We don’t deny their suffering. But they can’t feed their own self but hv many kids. Whts d point??

    Like

     
  4. mukund parekh

    May 11, 2020 at 5:08 PM

    excellent. I love your articles.

    Like

     

Leave a comment