RSS

તે હિ નો દિવસાઃ ગતાઃ … થિએટરમાં ફિલ્મ જોવાનો વૈભવ !

25 Jun

cinema 4

૧૬૮૮ની સાલમાં માત્ર ૧૯ જ વર્ષના સ્વિત્ઝર્લેન્ડના એક યુવા ડોક્ટર જોહાનિસ હોફર. એણે એક નવી ‘બીમારી’ની શોધ કરી. એનું નામ : નોસ્ટાલ્જ્યા. ગુજરાતીની આભિજાત્યભરી ભાષા વાપરો તો અતીતરાગ. ભૂતકાળમાં ખોવાઈ જવાની, ડાઉન મેમરી લેન યાને યાદોંની ગલીઓમાં વિહાર કરવાની ઘટના.

હોફર નેચરલી ખુદ યુવાન હતો એટલે ઉંમર વધતા જેની અસર વધે એવી આ ઘટનાને સાક્ષીભાવે જોઈ શક્યો હશે. એમે જોકે એ ‘રોગ’ને વતનથી, ઘરથી દૂર રહેવાની ‘હોમસિકનેસ’ તરીકે જ લીધો હતો. એના તારણ મુજબ એ માનસિક વળગણ હોય ઘરનું, એને લીધે શારીરિક બીમારી ઉદાસી-બેચેની-અસ્વસ્થતા-તાવ-અનિદ્રા વગેરે દેખાઈ શકે.

હજુ હમણા એટલે ૧૯૭૦ના દસકા સુધી આ શબ્દ મોટેભાગે મેડિકલ/મનોવિજ્ઞાાનના ક્ષેત્રનો હતો. પણ પછી એની ચર્ચા કળા-સાહિત્યમાં દુનિયાભરમાં ગુજરાત સહિત થવા લાગી. નેગેટિવ બીમારી કરતાં એ પોઝિટિવ ઇમોશન ગણાઈ ગયો. નોસ્ટાલ્જ્યા…મનગમતી યાદોમાં ખોવાઈ જવું. ‘જોની ગદ્દાર’ જેવી થ્રીલર ફિલ્મમાં ડાયરેકટર શ્રીરામ રાઘવને એક મદહોશ રોમેન્ટિક સીન પણ રચેલો.

પ્રૌઢ ધર્મેન્દ્ર હાથમાં શરાબનો જામ લઇ સોફા પર બેઠો છે. સામે ફ્લેટના પેસેજમાં નજર જાય છે, ને અચાનક આસપાસના રંગો ફરી જાય છે. એક જુદી જ ચમક ને નોસ્ટાલ્જ્યા સ્પેશ્યલ ગણાતા સેપિયા ટોનમાં (તસવીરોમાં બ્લ્યુ પણ) આખો કાળખંડ ખરી પડે છે. ભૂતકાળમાં ટાઈમ ટ્રાવેલ થઇ જાય છે. અને યુવાનીમાંએની હવે સદગત પત્ની નહાઈને વાળ ભીના લૂછતી, ‘ગોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે…’ મીઠું ગણગણતી આંખો નચાવતી, મુસ્કુરાતી સામે આવે છે, ને કેશ ઝાટકીને ઝાકળ સરીખા ટીપાં પિયુના ચહેરા પર છંટકોરે છે, ને બસ વર્તમાનમાં જાણે એનું રિફ્લેક્સ એકશન આવતું હોય એમ ધર્મેન્દ્રનો ચહેરો જરાક ઝટકો ખાય છે, આંખ ઝીણી થાય છે. ભૂતકાળના ઝરામાં ડૂબકીનું સ્વપ્ન તૂટી જાય છે.

ધેટ્સ સિનેમા. જે માણવાનું હોય થિએટરમાં, સિનેમાઘર, ઓડિટોરિયમમાં. ‘ટોકીઝ’ પણ કહેવામાં આવતી એક સમયે એ જગ્યાઓને. મોટો સફેદ પડદો. સહેજ વળાંકવાળા અર્ધવર્તુળમાં ફરતે ગોઠવાયેલી સીટસ. નીચે અપર કે વીઅર ક્લાસ. આગળની આંખો પહોળી કરી ડોક ઘુમાવ્યા કરવી પડે એ લાઈનો થર્ડ. ઉપર જરા વધુ આરામદાયક બાલ્કનીને એમાં ફેમિલી કે કપલ માટે ખાસ બોક્સ. હીરોની એન્ટ્રી વખતે થર્ડના ‘લોઅર’ ક્લાસના ‘અમીર’ પ્રેક્ષકો રીતસર છુટ્ટા પૈસા ઉડાડે, સીટીઓ, તાળીઓ, ચિચિયારીઓ. સ્ટાર પાવરનો નશો શું હોય એનો ઠાવકા મોઢે ચૂપ બાલ્કનીમાં બેઠેલાઓને ય બંધ કાચ વચ્ચે તિરાડમાંથી પવનની લહેરખી આવે, એમ સ્પર્શ થાય !

અને હજુ ય જે શબ્દ વપરાય છે, એ ટિકિટબારી ઉર્ફે ‘બોક્સ ઓફિસ’! ‘ઓનલાઈન’નો જમાનો નહોતો, ત્યારે મોટી ફિલ્મની રજુઆત વખતે ત્યાં લાઈનો ‘ઓન’ રહેતી, લાકડીઓ લઇને થિએટરના ચોકીદારો ગાળો બોલતા એને સરખી કરતા જાય. પોતાના ગમતા હીરો કે હીરોઇનની સ્ટાઇલ કરી આવતા છોકરા-છોકરીઓને વર્ષોથી સિનેશોખીન વડીલો બધા બૂકિંગથી કલાકો વહેલા મનગમતી સીટ્સ માટે ગોઠવાઈ જાય. એક ચાર્મ હતો મોટી અને ગમતા સ્ટારની ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સ્કૂલ કોલેજમાં ગુટલી મારીને ય જોવાનો ! અરે, ગીતો ય ધણધણતી સાઉન્ડ સીસ્ટમમાં સાંભળવાનો.

લાઈનો લંબાઈને થિએટરના કમ્પાઉન્ડની બહાર ફૂટપાથ સુધી ફેલાય. બહેનો કે બહેનપણીઓને ‘ભાઈબાપા’ કરી ઘણા આગળ કરે, કારણ કે, છોકરીઓને પહેલા ટિકિટ મળે. અમુક વળી જાણે લોન બેન્કમાંથી લેવાની હોય એવા અંદરના સ્ટાફ જોડે સેટિંગ કરે. કોઈ રોમેન્ટિક ફિલ્મની ધક્કામુક્કીમાં વિજેતા સેનાપતિની જેમ ટિકિટો લઇ આવનાર પરાક્રમી પુરુષનો રોમાન્સમાં ચાન્સ લાગે. ટિકિટો લઇ આવનાર ફ્રેન્ડસ કે ફેમિલી ગ્રુપમાં હીરો બની જાય ! ને કાળા બજાર, એક કા ડબલવાળા લાસ્ટ મોમેન્ટે ચમત્કારિક કૃપા કરવાવાળા તો ખરા જ !

આ બધી જહેમતનો પસીનો અંદર ફોયર કહેવાતી લોબીમાં પગ મૂકો એટલે પછી શો શરૃ થતા દરવાજે ખૂલતા એસીની કેવી હવા આવશે એની મનમોહક ફેન્ટેસીમાં સૂકાવા લાગે. ભલે જમીને આવ્યા હો, પણ એ કેન્ટીનમાંથી સેન્ડવીચની સોડમ ભૂખ લગાડે. ધાણી તડાકાભેર ફૂટતી હોય ને વેફર ખાવાની તો મોસમ જ ફિલ્મદર્શન ગણાય. જોડે સોસીયો, વિમટો, કાલાખટ્ટા… જેવા સોફ્ટ ડ્રિન્કસ ચિલ્ડ. બહાર ફિલ્મના કેટલાક પોસ્ટર્સ હોય, કે ફોટો હોય . શો કેસમાં આગાઉ આવેલી સિલ્વર , ગોલ્ડન, પ્લેટીનમ જ્યુબિલીની ટ્રોફીઝ હોય. એની સામે કોઈ ફિલ્મસ્સ્ટાર સામે જોતા હોય એમ મુગ્ધતાથી જોયા કરવાનું ! અરે, ફિલ્મ પહેલા ફિલ્મ્સ ડિવિઝનની ડોકયુમેન્ટ્રી ફિલ્મમાં કોનો અવાજ છે, એની ય કલ્પનાઓ કરવાની.

કચ્ચાંબચ્ચાંનો કકળાટ, શો શરૃ થતાં સીટ્સ પર પહોંચવાનો ધમધમાટ, અંધારામાં કોઇનો પગ કચરાઇ જાય તો એના ઉહંકારા, ત્રાંસી આંખે જરા એકાંત મળે અલાયદું એ માટે કોર્નરની કપલ સીટ્સ પર લાળ ટપકાવતા ધખારા, ‘નંબરિયા’ પડે યાને સેન્સર સર્ટિવાળું ટાઈટલ આવે એ પહેલા પહોંચી જવાની ભાઈબંધો સાથેની શરત, પછી એક નવીનક્કોર ફિલ્મની શરૃઆત થાય ત્યારે રોમાંચમાં તેજ થતી ધડકનને રંગરોશનીના તેજપ્રહારે પહોળી થતી, સંકોચાતી આંખોની કેમેરાના લેન્સ જેવી કીકીઓ…

ઢિશૂમ, ઢિશૂમ, સોંગ્સ, ફૂડ ફેસ્ટિવલ જેવો ઇન્ટરવલ. યુરિનલ ઉર્ફે મૂતરડીમાં જઇ ઝટ પાછા ફરવાની નવી ધક્કામુક્કી, જોડીદારો કે પરિવારો માટે સંજીવની બુટ્ટીના પહાડની અદામાં નાસ્તો લઇ આવવાની ઉદારતા, અચાનક ઝબકીને જાગી જતાં ભૂલકાંઓના ભેંકડા અને એમના મમ્મી પપ્પા વચ્ચે બદલાતા ‘વારા’ (રોટેશન)ના ખોળા, ને વધુ રૃદનથી આજુબાજુની છીત્ છીત ના સીસકારા વધે ત્યારે એમને ઉભા થઇને પગથિયાંની લાઇટો બતાવતાં છાનાં રાખતા બહાર લઇ જવાના. કોઈ અંદરોઅંદર ફિલમની આગળની કહાનીની જોરશોરથી રનિંગ કોમેન્ટ્રી કરનાર ઉત્સાહીઓને ટપારવાના. ને આગળ વધતી ફિલ્મ સાથે આ અદ્ભુત કહાની ખતમ થઇ જશે હમણા એનો વિષાદ, કે એ પકાઉ ડબ્બો નીકળે તો ક્યારે પૂરી થશે એની અકળામણ.

વચ્ચે ગીતોમાં ‘બીડી-બ્રેક’ લેનારા બાજુમાં હોય તો એમના ઉચ્છવાસમાંથી આવતી ગંદી વાસની ચીડ. અને શો પૂરો થતા પડદા પર શાનથી પડતો મખમલી પડદો ને ઝગમગ પ્રકાશતી લાઈટો. પછી મુગ્ધ નયને બહાર નીકળતા પોસ્ટરોને તાક્યા કરવાના નીરખીને જાણે કોઈ દેવી-દેવતાઓના દર્શન (સાઉથમાં તો સાચ્ચે જ એવી પૂજા પણ ખરી. રાજકારણ સુધી !) અને ફિલ્મના ગમેલા સીન વાગોળતા, એન્ડની ચીરફાડ કરતા, ન ગમતી વાતોની ખિલ્લી ઉડાડતા ઘરભણી ચાલતા કદમો… જેમાં ફિલ્મ ફરીથી પટ્ટી વગર દિમાગમાં ચાલુ થઇ ગઇ હોય !

વળી હોરર ફિલ્મો હોય તો કોઈ ટીખળી પ્રેક્ષક બિલાડી બોલાવે, હીરો-હીરોઇનના હોઠ નજીક આવે તો કોઈ અતૃપ્ત આત્મા ‘એય એય’ કઇ હાકોડા નાખે. કોઈ ધીમી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકના અભાવે આગળની લાઈનના નસકોરાં દેખાય, કોઈ કચરો ફિલ્મમાં ડાયલોગ કરતા પાછળની લાઈનની સ્માર્ટ કોમેન્ટસ વધુ હસાવી દે, કોઈ ફ્લોપ ફિલ્મમાં સ્કૂલ-કોલેજ બંક કરીને આવેલા ટીનએજર્સ એમની ઇરોટિક ફિલ્મ ચાલુ કરી લાઇફનો જવાન ઉન્માદ હિટ કરી દે, કોઈ બિહામણા દ્રશ્ય બાદ ડરેલું ચાલુ ફિલ્મે સરકી જાય !

આ બધા તો સિંગલ સ્ક્રીનના મોજકટોરા હતા, જેમાંના ઘણા બદલતા તાલે મલ્ટીપ્લેક્સમાં ફોરવર્ડ પણ થયા. શરૃઆતમાં ખોખાં જેવા ટચૂકડા ડબ્બાબંધ મલ્ટીપ્લેકસ થયા. પણ હવે એમાં ય મોટા સ્ક્રીનવાળા નવા વર્ઝન્સ આવ્યા. ટ્રેન્ડી સ્માર્ટ ફૂડ માર્કેટથી ઉભરાતા ઝળહળ ડેકોરેટેડ ફોયર્સ, આગળવાળાને સહેજ નીચા બેસવાની રિકવેસ્ટ ન કરવી પડે એવી માથું ટેકવી શકાતી આરામદાયક સીટ્સ, બટન દબાવી શકાય એવી રિક્લાઇનર્સ સોફાસીટ, ત્યાં ઓર્ડર મુજબ સર્વ થતિ વિધવિધ વાનગીઓ અને એને લીધે થતો મૂવીતપસ્યામાં ધ્યાનભંગ. મોબાઈલ પર થતું બૂકિંગ ને મેટલ ડિકટેટરના દ્વારે બારકોડથી થતું સ્કેનિંગ.

એમાં નડતર ને કળતર થતા. બહારથી ફલાણું ને ઢીકણું નહિ ખાવાનું લાવવાનું ને અંદરનું મોંઘુદાટ હેલ્ધી નહિ એવું ફાસ્ટફૂડ જ ખાવાનું એવા કાળા કાયદાઓ સામે કોર્ટે ધીંગાણા થયા. મોબાઈલના ત્રાસવાદે ચાલુ ફિલ્મે બીજાની આંખમાં સ્ક્રીનના અજવાળા જાય એમ ચેટ કરતા કે જોરશોરથી રિંગ વગાડી વાતોકરતા સર્કસિયા જનાવરોને થિએટરમાં છુટ્ટા મૂક્યા. જેમની સાથે બબાલો  કરવામાં પડદા પરની ફિલ્મ ચૂકાઈ એવી નવી ફિલ્લમ શરૃ થઈ જતી. ચીડ ચડતા કોઈ અઠંગ સિનેસાધકને થાય જ કે આના કરતાં ઘેર શાંતિથી ફિલ્મ જોવી સારી. એમાં થિએટરવાળાઓ ક્યારેક ગંદકી રાખે. સ્ટાફ બોતડો કે તોછડો હોય. ઓછી ટિકિટે શો ન કરવો હોય એટલે લીલા તોરણે પટ્ટી પઢાવી (જે કેન્સલેશન ઓન ધ સ્પોટ ગેરકાનૂની હોવા છતાં) પ્રેક્ષકોને ધરમધક્કો ખવડાવે.

પણ આ બધી ફરિયાદો છતાં માત્ર બે-અઢી મહિનામાં જ થિએટરનો ‘અહાંગળો’ કહો કે નોસ્ટાલ્જ્યા પિક્ચરની પાઠશાળાના વિદ્યાર્થીઓને, કેમેરાના કુંડલિની જાગરણના શિબિરાર્થીઓને, સાઉન્ડના સુપરસેવક એવા રસિકોને વર્તાવા લાગ્યો છે. આફટરઓલ, સિનેમા ઈઝ ફોર થિએટર. એ જાયન્ટ ગ્રાન્ડ સ્ક્રીન આઈમેક્સ જેવો. એ અરાઉન્ડ સાઉન્ડના સ્પીકરમાંથી ઉઠતી – ધણધણાટી. ધેટ્સ લાર્જર ધેન લાઈફ ઈમ્પેક્ટ. જે સ્મોલ હોમ થિએટર કે ટીવીમાં કદાપિ ન આવે. એટલે જ ફિલ્મસ્ટારનો મેજીક કદી વેબસીરિઝ કે ટીવી સિરિયલોના સ્ટારમાં દેખાય નહિ. ભલે એપિસોડ વધુ કર્યા હોય.

નાટકોમાં ય નહિ. મૂવીનો મેજીક ચાર્મ જ થિએટર છે. અંધારામાં પથરાતો ઉજાસ ! જેમાં બૂટ પડતા હોય ફરસ પર એ અવાજ હૃદયના ધબકાર સાથે તાલ મિલાવે, રેડ લિપસ્ટિકવાળા હોઠ લચકતી કમરિયા સાથે લહેરાય ત્યારે રીતસર સીટમાં બેઠેલાને વામણા કરે. કોઈ લોકેશનની ફ્રેમ પથરાય ત્યારે એની વચ્ચે હોવાનો અહેસાસ થાય. કોઈ મશીન સ્ક્રીન પર તૂટે તો ખખડાટ જાણે આપણા પગ પાસે થાય, કોઈ ધોધ નીચે પાતળા કપડાંમાં સ્નાન કરે અને આમંત્રણમાં આપણાથી ભીંજાઈ જવાય !

એ દિવસો અચાનક જ લોક થઈ ગયા. હવે સરખું પ્રોજેકશન નથી ને અવાજ આવતો નથી, કલર પકડાતા નથી, થ્રીડી બરાબર નથી, સીટ તૂટેલી છે, લાઇટો ચાલુ છે – એવી ફરિયાદો ક્યાં કરવાની ? પહોળા થઈ ઘેર આરામથી ફિલ્મો જોવાની. નોનસ્ટોપ. રસથાળ હાજર છે. નવી ડાયરેક્ટ ટુ હોમ આવી રહી છે. પણ પેલી તો આખી એક ઈવેન્ટ હતી, સિનેમાઘરમાં ફિલ્મ જોવા જવાની. ભલે તે ઘરની પાસે હોય કે દૂર. એ ‘કિક’ લિજ્જતની ન આવે, ફિલ્મ ટીવી સ્ક્રીન કે દીવાળ પર પિકચર પાડતા પ્રોજેક્ટરમાં જોવામાં. એ સજના-સંવરના વાળી વાત જ ગાયબ ફિલ્મ જોવા જતી વખતે ! ને વેબ સીરિઝનું વધતું ચલણ તો મોટી નવલકથા વાંચવામાં આવતો કંટાળો બતાવે છે. ભલે નાની પણ આ વેબસીરિઝોમાં જે કલાકો જાય, એમાં કેટલી અવનવી ફિલ્મો જોવાઈ જાય ? નવા પાત્રો, નવા મનોભાવો, નવી નવી કહાનીઓ, નવી નવી સિચ્યુએશન્સ, નવી ફીલિંગ્સ, અલગ અલગ મેકર્સની અવનવી સ્ટાઈલ્સ !

જેમ ઝૂમ મીટિંગમાં ગરબે ઝૂમવાની મજા નથી, જેમ ઘેર મેંગો મિલ્કશેઈક પીવામાં ફ્રેન્ડસ જોડે ક્રીમના લચકા વાળી કોફી પીવાનો સ્વાદ નથી, એમ જ ફિલ્મોની ફ્રેમ જ સેટ થાય છે, થિએટર માટે. એટલે જે નવતર સર્જકો આવ્યા જે અંધારી કાળીકાળી ફ્રેમ ક્રિએટીવિટીના નામે બનાવવા લાગ્યા કે પછી સ્મોલટાઉનના બહાને ફિલ્મનો સ્કેલ જ નાટક જેવો સાવ સસ્તો સ્મોલ ચંદ પાત્રો, બે-ત્રણ લોકેશન ને ક્લોઝ અપ શોટ્સનો રચવા લાગ્યા એ થિએટર હત્યારાઓ જેવા ભાસવા લાગ્યા. બીબાંઢાળ ‘મેલોડીલેસ’ મ્યુઝિકે ગીતો છીનવી લીધા ને આ આર્ટના ફોલ્ડરિયાઓએ થિએટર્સ ! એન્ટરટેઈનમેન્ટનો તો જલસો જ સાઈઝ ને સ્કેલ ધમાકેદાર હોય ત્યારે છે. મોબાઈલમાં તે મૂવી જોવાના હોય ? એ જે જુએ એનું વિઝન પણ એવડું જ રહે. ખોબા જેવડું ! ખીખીખી.

Screenshot_20200526-180427_WhatsApp

***

પર્સનલી, આખી થિએટરસફર દરેક લવસ્ટોરીની જેમ અણધારી જ શરૃ થયેલી. વર્ષો સુધી બચપણમાં બૂક્સનો નાતો. એ વખતે ટીવી-ઈન્ટરનેટ એંશીના દાયકામાં હતા નહિ આજ માફક. પણ આઠમના લોકમેળામાં થિએટરની કચરાટોપલીમાં ગયેલ રીલોથી ‘ફિલ્લમ’ દસ મિનિટ માટે પાડતા ને બહાર ચોકથી પાટીમાં એનું નામ લખતા ભૈયાજીઓ આવતા. ત્યાંથી સિને-માના ખોળે પગલીઓ પાડવા મળી. ક્રિકેટની જેમ ફિલ્મ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ બનાવનાર ફેડરિક સ્ટીવન્સના દીકરા ચાર્લ્સે પારસીઓની ડિમાન્ડથી રીગલ સિનેમા બાંધેલું. જ્યાં ભવ્ય પ્રીમિયરમાં સ્ટાર્સ કે નેતાઓ ય આવતા.

ગોંડલ સ્ટેટ ભગાબાપુના ભગવદ્ રંગમંડપમાં સેન્ટ્રલ ને પછી વિક્ટરી ને રોમા એ ત્રણ સિનેમા. પણ લાઈફ સ્કૂલ બન્યું પૂરા પચાસ વર્ષ આડીખમ રહી અંતે એકાવનમાં વર્ષે ડોલ્બી એટમોસ સજ્જ થઈને ય કોરોનાને લીધે કાળગ્રસ્ત થયેલ રાજકોટનું ગેલેક્સી સિનેમા. આખું કોઈ એક પુસ્તક કોઈ સિનેમાઘરને અર્પણ કર્યું હોય એવો દાખલો એટલે તો બેસાડ્યો ! વિરાટ સ્ક્રીન. સુપર સાઉન્ડ. સિક્કો પડે તો ખનક પગ પાસે સંભળાય. હેલિકોપ્ટરની ઘરઘરાટી માથા ફરતે ચકરાવો લે. સેવન્ટીએમએમ શૂટ થયેલી વાઈડ ફ્રેમ હોલીવૂડ ફિલ્મો એમાં માણવા મળી અને જાણે દિવ્યચક્ષુ ખુલી ગયા કળા માટેના ! કોલેજની રિસેસમાં ભાગીને, ઘેર ગોંડલ જઈ સાંજે ફરી બસમાં બેસી આવીને, ભરબપોરે સામે રેસકોર્સના બગીચે ટાઈમપાસ કરીને, મિત્રોની બોર્ડિંગની રૃમમાં ચોરીછુપીથી રોકાઈને ય ચિક્કાર બેસુમાર ફિલ્મો ત્યાં પેશનેટ સંચાલકોના સહારે જોઈ. એના પોસ્ટર ભેગા કર્યા. માચીસની સાઈઝના ફોટાઓ ફૂટપાથ પરથી ખરીદ્યા.

જોઈ તો એવી જોઈ કે વાવાઝોડાં ને રીતસર સાથળ સમાણા પાણીમાં વરસાદે ચાલીને કે કોઈ ભાઈબંધની ઉધાર સાઈકલમાં એને પાછળ બેસાડીને ખાસ થિએટરમાં ફિલ્મો જોવાનું ‘સાહસ’ ખેડયું. પરીક્ષાના આગલા દિવસે ને હોસ્પિટલમાંથી નીકળી બીજા દિવસે જ જોઈ. ફ્રેક્ચર થિએટરના કમ્પાઉન્ડમાં થયું તો ય ફિલ્મ પૂરી કરી પછી જ ડૉક્ટરની મુલાકાત લીધી ! એ ડોક્ટર પણ વળી કોલ કર્યો તો ફિલ્મ જોવા બેઠાં હતા બીજે ! ધીરે ધીરે એવી મજાઓ અલગ-અલગ નગરના પીવીઆરમાં કરી. ટેકનોલોજીમાં બેસ્ટ, ને માત્ર એક પ્રેક્ષકમાં શો સ્ટાર્ટ કરવાની શાહી લકઝરી ભોગવવા દે એટલે મનપસંદ. એમાંથી ચાનક ચડી જે દેશમાં જઈએ એના થિએટરો જોવાની !

ને કેટકેટલા થિએટરતીર્થના દર્શન થયા ! જયપુર રાજમંદિર તો સાવ ઓવરરેટેડ કચરો છે. પણ જ્યાં હિટલરને મારવાનું કાવત્રું ગોઠવાયેલું એ અહીં આર્ભે જેનો ફોટો છે એ પેરિસનું આલીશાન ગ્રાં પ્રિ રોક્સ હોય કે મેનહટનમાં મધરાતે બે વાગે શો ગોઠવતું એએમસી હોય ! લંડનથી ઓકલેન્ડ, દુબઈથી વેનિસ, વેનકુંવરથી બેંગકોક, એમ્સ્ટરડેમના ઓપેરા સ્ટાઈલથી વિએનાના યૂથડૂલ મોડર્ન દીવાલે દીવાલે ક્વોટવાળા સિનેમાઘર સુધી ! ટિકિટ કરતાં ટેક્સી મોંઘી થાય, બેકટુબેક ફિલ્મોમાં બપોરથી રાત પડી જાય – પણ અવનવા થિએટરો જોવાના. ફિલ્મની સાથે એની સજાવટ, બાંધણી ને વ્યવસ્થા જોવાની

વીસીઆર, ડીવીડી, બ્લુ રે ને પાઈરસીથી બંધ ન થયેલા થિએટરો વાઈરસને લીધે હવે ખુલે તો ય કેવી રીતે ચાલશે, એની ચર્ચાઓ છે. સીટો વચ્ચે ખાલી રખાશે કે નવા ક્યુબ બનશે ? પેલો ગેટટુગેધરનો મેળો કેમ ભરાશે ? પેલો બેઝિક ઈન્સ્ટીન્કટ કે બ્લ્યુ લગૂન જોવાનો ઈરોટિક રોમાંચ કેમ આવશે ? એ વખતે માદક ટુકડાઓ ય અમુક સસ્તા થીએટરવાળા જોડી દઈને યુવાસેવા કરતા ! ખીખીખી. પણ એની સામે પરદેશી જલવાનો ઠાઠ અનેરો રહેતો.  બો ડેરેક “ટેન”માં એવી તો ટનાટન લાગતી મોટા પડદે ! આવું દોસ્તારો સાથે મળીને જોવાની ફિલ્મી લિજ્જતનું શું ? થિએટર પર સમોસા બનાવવાવાળાથી લઈને પોતાં મારવાવાળા સુધીના ઘર નભતા એમની ડાર્ક લાઈફ કેવી હશે પ્રોજેક્ટરના લેમ્પ વિના ?

મિસિંગ ધેટ સિનેમા. બિગ સ્ક્રીનના મુગ્ધ આકર્ષણ પાકટ વયે પણ જાળવવા ટ્રાફિકમાં અદ્ધર શ્વાસે થતી ભાગદૌડ, હાંફતા હાંફતા પહોંચીને પોસ્ટર જોઈને ઝટ ગોઠવાઈ જવાનું આસપાસના ક્રાઉડને જોતાંજોતાં. પરફેક્ટ સીટ ન મળે, તો મખમલી લાલાશ મગજમાં ચચર્યા કરે અફસોસની. ધીમે ધીમે ઓસરતો પ્રકાશ ને એક નવી જ વાર્તાના, નવા જ વિશ્વમાં સફર શરૂ થશે એનો પરીકથામય રોમાંચ ! પર્સનલ ટેસ્ટ મુજબ કોઈ ગમે, કોઈ ન ગમે. કોઈ ભલે મગજ વગરની પણ દિલને ગુલઝાર કરતી મોજની ફિલ્મો હોય, તો કોઈ આંખના ખૂણા ભીના કરી મગજને કસી નાખે એવી. પડદા પરના એ કેટકેટર્સ, એમની ખૂબીઓ અને ખામીઓ, ભવ્યતા અને ભૂલો, આનંદ અને આંસુઓ, મિલન અને વિરહ, વિરોદાભાસો અને વિપ્લવ, રમૂજ અને સૌંદર્ય, ફિલ્મમાંથી ફીલિંગ્સની ભાવસમાધિ !

રહસ્યના તાણાવાણા અને વાઈલ્ડ પેશનની ભરતી સુધીની અનુભૂતિમાં ઓગળતા કેમેરામેનની લાઇટિંગના લસરકા અને કમ્પોઝરના મ્યુઝિકના ઉપસતા તરંગો ! સ્ક્રીન પર કોઈ ચહેરો જોઈ દિમાગમાં ખુલી જતું કોઈ પ્રિયજનનું બંધ ફોલ્ડર, ત્યાં કોઈ ઘટના સાથે આબાદ મળી જતું આપણી લાઈફનું કોઈ ચેપ્ટર ! પડદા પરના મૃત્યુથી યાદ આવતો આપણો વિચ્છેદ અને એની રમૂજમાં ભૂલાઈ જતા આજના ટેન્શન. ઈટાલીયન ન્યુરોસાયન્ટીસ્ટ વિટ્ટોરિયો ગેલીઝના મતે એ ‘મિરર ન્યૂરોન્સ’ છે. કોઈ વીરનાયક હીરો દુષ્ટ વિલનને ખતમ કરવા બાઈક પર હાથ ફેરવે ત્યારે ગતિ આપણને ફીલ થાય. એ ઈમ્પેક્ટ મોટા પડદે જ મેક્સિમમ આવે.

કારણ ત્યાં એકાંત છે. કટ ઓફ છે. છતાં ય ભીડ છે. અજાણ્યાઓએ એક ફિલ્મ જોવા રચેલું કુટુંબ છે ! ફિલ્મ ઈન થિએટર એક સોશ્યલ ઘટના છે. મૂવીલવર મેંહોલા ડાર્ગીસના મતે ‘બી એલોન વિથ અધર્સ’ વાળી. ‘આઈ’ને ‘વી’માં ફેરવતી સેલ્ફએન્ટર્ડ જીંદગીમાં. જ્યાં એક કિસ, જોક કે પંચ સાથે એક સાથે કેટલા અપરીચિત લોકો એક ક્ષણમાં કનેક્ટ થઈ એક સમાજ બનાવી કાઢે છે, ખુદનો. થોડી મિનિટો માટે બધા ભેદ ભૂલી પૃથ્વીવાસી તરીકે એકાકાર થઈ જાય છે ! જીવનની જેમ જ બ્લેન્ક સ્ક્રીન પર રંગોળી રચાઈ જાય શ્વાસો સાથે ઘટનાઓના વિસ્તારની એ સિનેમા ! ફિલ્મો સારી કે ખરાબ હોઈ સકે. બિઝનેસની રોકડી એમાં હોઈ શકે. પણ થિએટરમાં જાત ખોઈ નાખવાનો અનુભવ સારો જ છે, ચૈતસિક છે.

ઝિંગ થિંગ

સાધનો ફિલ્મ નથી બનાવતા, માણસો બનાવે છે !” (માર્ટીન સ્કોર્સીઝ)

cinema 3

 જય વસાવડાએ ૨૭ મે, ૨૦૨૦ ગુજરાત સમાચારની કોલમ ‘અનાવૃત’ માટે લખેલો લેખ.

 

6 responses to “તે હિ નો દિવસાઃ ગતાઃ … થિએટરમાં ફિલ્મ જોવાનો વૈભવ !

  1. vikramjbhattVikram Bhatt

    June 25, 2020 at 10:43 AM

    આહા હા હા હા હા હા!!! ઓહો!
    નોસ્ટાલ્જ્યા નો પણ નોસ્ટાલ્જ્યા અનુભવ્યો. ભારે કરી ભાઈ, આ lockdown કાળમાં. નતું લખવાનું આવું. આ અહંગરો કાં યાદ કરાવ્યો? આજેજ છપાયું કે mauliplex તો બંધજ રહેશે. નખ્ખોદ જાય મુવા કોરોનાનું. ક્યારે એ એની લપ મુકશે અને ક્યારે PVR/Big Cinema ખુલશે?
    પણ લેખ વાંચીને આનંદ આનંદ થઇ ગયો, જુવાની કાળમાં એક શ્વાસે લટાર મારવાનો. માત્ર થિયેટર જ નહી, સાથોસાથ કેટકેટલી યાદો virus ની જેમ ચોંટી ગઈ. ધીમે ધીમે નશો ઉતરશે.
    ખાસ તો એ યાદ આવી ગયું કે જયારે જયારે મોડા પડતા પાડોશી પ્રેક્ષક એવું પૂછતા કે “કેટલું ગયું” ત્યારે મનમાંનો તોફાની જવાબ છુપાવીને ખોટે ખોટું કહેતા કે બસ થોડુંજ ગયું છે, પણ તે ખુબ અગત્યનું હતું. અને આ સાંભળીને એના ચેહરા પરના પલટાતા હાવભાવ (confusion) પડદા પરના હીરો કરતાં પણ લાજવાબ રહેતા. જે જોવાની અને એની હેરાનગતી માણવાની પણ એક ઓર મઝા હતી.
    જયભાઈ, ખુબ મઝા આવી, બસ આવુંજ લખતા રહો અને મોજે દરિયા કરાવતા રહો.

    Like

     
  2. NIKHIL

    June 25, 2020 at 12:04 PM

    GOOD

    Like

     
    • Dipak V. Joshi

      June 26, 2020 at 2:49 PM

      તમે તો સિનેમાની જેમ જૂનો સમય યાદ કરાવી દીધો.. ટોકીઝ અને વેબ સિરીઝ નો તફાવત આપે બરાબર સમજાવ્યો..પહેલા રસ નાં છાંટણા હતા સાહેબ, હવે તો રસ નાં ઘૂંટણા થઈ ગયા..
      પ્રાથમિક શાળામાં હતા ત્યારે વેકેશન પડવાના સમય પહેલા જ મહુવા મામાના ઘરે જવા માટે સથવારો ગોતવાનું કામ પપ્પાનું.. બસમાં એકલા તો મોકલે નહિં.. વતન ચલાલા (જી.અમરેલી), ખોબા જેવડું ગામ.. મારું મોસાળ પૂ.મોરારીબાપુનું મહુવા..ત્યારે મહુવામાં બે ટોકીઝ, મેઘદૂત અને ગ્લોબ ટોકીઝ.. મામા પોપટભાઈ ત્યાં વૈદ હતા – આયુર્વેદનું દવાખાનું હતું તેમના મિત્ર રમણીકભાઈનું ગ્લોબ ટોકીઝ. તો મામા તેના ઉપર ચિઠ્ઠી લખી આપે એટલે અમારી આખી કઝીન્સ ટોળી મૂવી માટે તૈયાર.. જ્યારે ફરી નવું મૂવી આવે અને અમે મામાના દવાખાને જઈને મૂંગા મોઢે તેમની વિશિષ્ટ સેવા કરવા લાગીએ એટલે મામા સમજી જ જાય કે નક્કી આ ટીંગર ટોળીને મૂવી જોવા જવાનું લાગે છે..
      મેઘદૂત સિનેમામાં દિલીપકુમારનું મૂવી ગોપી જોઈને બહાર નીકળ્યા પછી ખબર પડી કે મારા એક પગમાં જ ચંપલ છે બીજું ત્યાં રહી ગયું..તો પપ્પા ખિજાતા ખિજાતા ફરી અંદર જઈને લઈ આવ્યા.. નાની ઉંમરમાં ભારેખમ દીલીપ કુમાર સમજાયા નહિ હોય તો ક્યારે ઊંઘી ગયો હોઈશ ખબર નહિ.. મૂવી જોવા લઈ જવાનું પ્રલોભન આપીને મામીએ વાસણ પણ ઉટકાવ્યા છે સાહેબ… બોબી ની બિકીની વખતે ભર જુવાની.. તમે તો ચોરી છીપે જોયેલું બ્લ્યુ લગૂન અને બો ડેરેક ને ય યાદ કરાવી દીધી.. ગિટાર ના હાઈ ઓક્ટિવ તારો ઉપર કોઈ સ્ટ્રોક પડે એમ એ પોસ્ટરો રૂંવે રૂંવે ઝનકાર પેદા કરી દેતા..
      હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે ચલાલામાં દાનબાપુની જગ્યા સામે એક પ્રતાપ ટોકીઝ થઈ..(કાનજી ભુટ્ટા બારોટના ઘર ના રોડની સામે બાજુ એક ટૂરિંગ ટોકીઝ પણ થયેલી- અત્યારે “ટૂરિંગ ટોકીઝ” કોને કહેવાય એ ય ઘણાને ખબર નહિં હોય) ત્યારે રાતનો એક જ શૉ હોય અને શૉ શરૂ થતાંના કલાક પહેલાં ફિલ્મી ગીતોની ગ્રામોફોન રેકર્ડ્સ વાગ્યા કરતી, તો ત્યાં મેદાનમાં જાણે મેળો ભરાણો હોય એમ જુવાનિયાઓ ભેગા થાય, ગીતો સાંભળીએ, અને ખિસ્સામાં જો વેંત થયો હોય ત્યારે ફિલ્મ જોવાનો ય લાહવો લઈએ.. ત્યાં થર્ડ કલાસમાં સાવ નીચે જ બેસવાનું, પલોઠી ચડાવીને બેસી જવાનું.. પાકિઝાના ગીતોમાં બાલ્કનીમાંથી છુટા પૈસા ના ઘા કરે તો માથું જાળવીને રાખવું પડે..
      આમ થર્ડ કલાસ થી લઈને મલ્ટીપ્લેક્સ તેમજ ગાંધીનગરના આઇમેક્સ સુધીની સફર જોઈ લીધી, માણી લીધી સાહેબ..
      જયભાઈ, બહુ બધી યાદો છે, થાય કે શેર કરું, પણ જો લખવા બેસું તો મોટો લેખ લખાઈ જશે, તો અટકું હવે… 😝
      પ્રણામ..
      ~ DIPAK JOSHI
      Superintendent Prohibition & Excise
      9978910855 – dipvjoshi@gmail.com

      Like

       
  3. rajni

    June 25, 2020 at 4:12 PM

    single screen jevi maja multiplex ma nathi aavati…..

    Like

     
  4. Bhagyapalsinh Jadeja

    June 25, 2020 at 6:13 PM

    👌👌

    Like

     
  5. Jaimin madhani

    June 26, 2020 at 11:06 PM

    ૧૦ માં ધોરણ ના ગણીત ના પેપર પહેલા જામનગર ના અનુપમ ટોકીઝ માં શહેનશાહ જોયેલી. પછી તો મિત્રો એ “શહેનશાહ” નામ પાડી દિઘેલુ

    Like

     

Leave a comment