RSS

Daily Archives: January 26, 2012

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી…એ પાનું ફેરવી લેજો, જ્યાં મારી વાર્તા આવે !

તસવીર સૌજન્ય : મરમી, મૃદુ અને માયાળુ મિત્ર દિપક સોલિયા

‘ના, એ થોકડાને અડવાનું નથી.’

‘કેમ ?’ મમ્મીના ચહેરા પર ધનતેરસની એ રાત્રે રોષમિશ્રિત કુતૂહલ હતું.

‘એમાં સમકાલીન છે’  આઇન્સ્ટાઇનને સાપેક્ષવાદનું રિસર્ચ પેપર કબાટમાં મુકતી વખતે જેવો ગર્વ થાય, એવા ભાવથી મેં કહ્યું.

મારા સમકાલીનપ્રેમને જાણતી માએ કોઇ દલીલ ન કરી. કાળજીપૂર્વક એ થપ્પીઓ અલગ કરવાની શરૂ કરી. દિવાળીનું ઘણું કામ હજુ બાકી હતું. અમારા ઘરમાં ‘દિવાળી કાઢવી’ અસંભવ, કારણ કે દેવાળુ઼ં નીકળી જાય એટલા ખર્ચે એકઠા કરેલા મેગેઝીન્સબૂક્સડીવીડીઝના ઢગલામાં કરોળિયાઓને પણ રસ્તો શોધવો પડે.

***

૧૯૯૪ની સાલ. જીંદગીમાં પહેલી વખત મુંબઇ જોયું. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થી તરીકે માનખુર્દ પાસે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં જ રહેવાનું હતું. મુંબઇ આમ પણ ભૂલા પડી જવાય એવું લાગે. આવડા મહાનગરમાં એકલા જવાનો પહેલો અનુભવ. પણ હિંમત કરીને ફરવા નીકળ્યો. જોવાનું ઘણું હતું. એલીફન્ટાથી ઇસ્કોન મંદિર સુધી. પણ પહેલી સાંજે રસ્તો પકડ્યો, નરીમાન પોઇન્ટ પર એક્સપ્રેસ ટાવર્સનો. રાતના અંધારામાં ચમકતી મરીન લાઇન્સની રોશનીમાં રીતસર ગોખાઇ ગયેલા એ સરનામે પહોંચ્યો. વોચમેનને કહ્યું ‘સમકાલીન’. એણે લિફ્ટ તરફ ઇશારો કર્યો. લિફ્ટ તરફ જઇને ડાઉન એરો પ્રેસ કર્યો. હૈયુ ધડકતું હતું. ઉપર જઇને બીજું કશું જ કરવાનું નહોતું. માત્ર એક વ્યકિતને જોવી હતી. એને મળીને એમની સાથે વાત કરવી હતી, બસ બેપાંચ મિનિટ માટે જ.

એમનું નામ હસમુખ ગાંધી. સમકાલીન તંત્રી. એમના દિલમાં એ આગવું અખબાર હતું, અને એ સમકાલીનના દિલમાં એ. એમના લેખો વાંચીને જ ખબર પડે કે આ માણસ શાહીને બદલે લોહીથી લખતો હશે, અને એની રગેરગમાં લોહીને બદલે તેજાબ વહેતો હશે. સમકાલીન એક છાપું નહોતું. ગુજરાતી પત્રકારત્વની ચવાઇને ચૂથ્થો થઇ ગયેલા (કર્ટસીઃ હસમુખ ગાંધી) બીબાઢોળ ઢાંચામાં એક ક્રાંતિ હતી. અંધારામાં ભભૂકી ઉઠેલી એક અગનજ્વાળા હતી. બંધ ગુફાના ભેજ વચ્ચે આવતી તાજી ગરમી હવાની લહેરખી હતી. લેઆઉટ શબ્દનો અર્થ તો શું, શબ્દ પણ સાંભળ્યો નહોતો, ત્યારે એણે લેઆઉટ શું કહેવાય એની પિછાન કરાવી.

એમનું લખાણ ફ્યુઝન લેન્ગ્વેજમાં જ રહેતું. ચિક્કાર અંગેરજી શબ્દોનો સ્વાદિષ્ટ વઘાર ધીમી આંચે પકવેલી ગુજરાતી પર થયેલો હોય. ક્લાસિકલ બ્રિટિશ ઈંગ્લીશ અને તળપદી બળૂકી કાઠિયાવાડી બોલીનું એમાં ટેસ્ટ ટ્યુબ બેબીની પેટ્રિડિશની માફક પાના પર ફલન થયું હતું. કહેવાય છે કે ગાંધી સાહેબે અખબારોમાં વારંવાર વપરાતા ઘસાયેલા લિસ્સાં ફિક્કાં શબ્દોનું આખું એક ચેકલિસ્ટ બનાવી દરેક સ્ટાફ મેમ્બરને આપ્યું હતું. એવા ટિપિકલ વર્ડસના ઉપયોગ પર પ્રતિબંધ હતો. એકદમ કેચી મથાળાં અને પહેલા પાને આઠઆઠ કોલમની રસભરપૂર તસવીરો. ‘રાજનામ રાજેશરી’ નામથી આખા પાના ભરીને વાચકોના પત્રો છાપતાં. હસમુખ ગાંધીએ પ્રેસનોટિયા ઘોરખોદિયા ચર્ચાપત્રીઓની લશ્કરી મિજાજમાં છુટ્ટી કરી નાખી હતી.

હસમુખ ગાંધી એવી ‘ભારે જહેમત ઉઠાવી હતી’વાળી ફરમાસુ યાદીઓ કે ફલાણા ઢીંકણા ગુણગાન બિરદાવલિ સમિતિની જાહેરાતો ન છાપતા. પણ ચિક્કાર કોલમો, નેશનલઇન્ટરનેશનલ ન્યૂઝવ્યૂઝથી ગુજરાતી થાળીની જેમ પાનાઓ છલોછલ કરી દેતા. શ્રેણિક શ્રોફથી નિરૂ શાહના નામે પોતે પણ ઘણી વાર છાપાના બેત્રણ પાના (ચોવીસેક કોલમો !) ભરાય એટલું લખતાં. તંત્રીલેખ ઉર્ફે એડિટોરિયલને ગુજરાતી અખબારોમાં ગુમાસ્તીગીરીમાંથી એમણે આઝાદ કર્યો હતો. ભયંકર સ્ટ્રોંગ વ્યૂઝ ધરાવતો આ જીદ્દી આદમી તંત્રી તરીકે લોકશાહીનો બુલંદ બાશીંદો હતો. એમને ‘મણ મણની ટોપરાવતા’ વાચકોના પત્રો એ ખેલદિલીથી છાપીને મર્માળુ મજાક કરીને ઉત્તર વાળતા. પોતાનાથી સામા છેડાના વિચારો વાળી કોલમો આગ્રહ કરીને લખાવતા.

ગુજરાતી ભાષામાં ધ બેસ્ટ ફિલ્મ રિવ્યૂઝ એમણે અલાયદા હાસ્યલેખની ગરજ સારે એવા ચોટડૂક નિરીક્ષણો સાથે રમતિયાળ ભાષાના સ્વામી કેતન મિસ્ત્રી પાસે ‘ફીલ્મોમીટર’માં કરાવ્યા હતા. સચીન તેન્ડુલકર જેવી ઝમકદાર ફટાકાબાજી છેલ્લા પાને રોજેરોજ ‘તારીખ અને તવારિખ’ નામની સૌરભ શાહની કરિઅરબેસ્ટ કોલમમાં થતી. ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, મધુ રાય, કાંતિ ભટ્ટ, નગીનદાસ સંઘવી, સુરેશ દલાલ, દિગંત ઓઝા, રમેશ ઓઝા, રજનીકુમાર પંડ્યા સમકાલીનના તાજમાં તમામ રત્નો ઝળાંહળાં થતાં, અને એમના બીજા લખાણથી વેગળા એવા એકસ્ટ્રા ઓર્ડિનરી પીસ કે સીરિઝ લખતા. દિપક સોલિયા, કાના બાંટવા, દિલીપ ગોહિલ કે સંજય છેલ જેવા આજે જાણીતા લેખકો – સંપાદકો બની ગયેલા નામોના પત્રકારત્વની પહેલી પાઠશાળા પણ સમકાલીન હતી. શિશિર રામાવત-ધૈવત ત્રિવેદી-ઊર્વીશ કોઠારી-રાજેશ થાવાણી-નરેશ શાહ-રશ્મિન શાહ-અલ્પેશ ભાલાળા-પ્રણવ અધ્યારૂ જેવા સંભવતઃ સમકાલીનવાચકમાંથી લેખક બનેલા  સેંકડો ‘એક્સ્ટર્નલ સ્ટુડન્ટસ’ તો વળી જુદા. મુંબઇની અખબારી આલમની ફોર્મ્યુલાને આ વન મેન આર્મીએ ઉપરતળે કરી નાખી હતી. હરકિસનભાઈ અને હરીન્દ્રભાઈના મેઈનસ્ટ્રીમ જર્નાલિઝમના ગ્રીનહાઉસમાં જાણે એક ગરૂડ પાંખો ફફડાવવા લાગ્યું હતું.

તસવીર સૌજન્ય : હસમુખ ગાંધીના યાદગાર તંત્રીલેખોનું ઈમેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક

સમકાલીનની રવિપૂર્તિનું નામ વરાયટી હતું. ગાંધીભાઇ એમાં પહેલા પાને ‘કેફિયત’ લખતા. દિલ તરબતર થઇ જાય, અને હણહણતા અરબી અશ્વો દિમાગમાં ખરીઓથી ધૂળ ઉડાડતા હોય, એવી અનુભૂતિ હસમુખ ગાંધીની સ્કારલેટ જોન્સનની કાયા જેવી ચુસ્તદુસ્ત, તીખીતમતમતી, મારકણી કલમની માયામાં રહેતી. ‘પહેલો પુરૂષ એકવચન’ નામે પોતાની અને પોતાના ક્ષેત્રની જ કાલ્પનિક પાત્ર નૌતમલાલ (ચાંદીની મૂઠવાળી લાકડી, એલચીવાળું મસ્સાલેદાર પાન !)ના માધ્યમે વટભેર ઉડાડતા. એમના લેખો હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ રહેતા. ઢોંગી ધર્મગુરૂઓ, દંભી બાવામુલ્લાઓની જમાત સામે એમને એલર્જીની હદે ચીડ ચડતી, અને સુંવાળી ચિબાવલી વાતોમાં એ છુપાવવાને બદલે શબ્દોના સાટકા વીંઝીને એ પ્રહારો કરતા. આજેય અવનવા લાગે એવા સેંકડો પ્રયોગો કરનાર હસમુખ ગાંધીનું ‘સમકાલીન’ એટલે એમનું પોતીકું એક રજવાડું.

કહ્યું ને, ‘સમકાલીન’ એક અખબાર નહિ, એક સ્કૂલ હતી. ગુજરાતી પત્રકારત્વમાં હજુ પ્રવૃત્ત અને સરટોચના સ્થાને બેઠેલી આખી એક જનરેશન, એક ફૌજ, એક બ્રિગેડ એમની સરદારી નીચે શું લખવું, શું ન લખવું અને કેવી રીતે લખવું એ શીખી હતી. હું એક પણ જર્નાલિઝમની સ્કૂલમાં ( પાછળથી પ્રવચનો આપવા સિવાય) ગયો નથી. મારો પત્રકારત્વ અને લેખનને સમજવાનો અખાડો એટલે સમકાલીન. જો ગોંડલ જેવા નાના ગામમાં, મિડિયાના કોઇ બેકગ્રાઉન્ડ વિનાનો એક તરૂણ વાચક એક અખબારમાંથી આટલું મેળવી શકે, તો ટીમનું ઘડતર કેવું થતું હશે ત્યાં !

***

આ બધા જ વિચારોને મનમાં ઘોળતો ઘોળતો હું એક્સપ્રેસ ટાવર્સની લિફ્ટ પાસે ત્રણેક કલાકની સફર ખેડીને પહોંચ્યો હતો. મધરાતના એકલા પાછા જવાનું જોખમ ઉઠાવ્યું હતું. લિફ્ટ આવી પણ ઉપર જવામાં ડર લાગ્યો. હસમુખ ગાંધી તો ડિસિપ્લીનના ધરખમ આગ્રહી તંત્રી. એકએક શબ્દમાં જાણે તલવારની ધાર, ઠોસ ચટ્ટાનનું વજન. બહુ તેજસ્વી સૂરજ આંખોને આંજી દે એવો હોય. ક્યાંક અજાણ્યા કોલેજીયને પાડેલી ખલેલને લીધે હસમુખભાઇ રૌદ્રરૂપ ધારણ કરશે તો ?

એ ડરથી પાછો ફરી ગયો ! અઢળક દોસ્તો આ વાતને આજે સાંભળીને હસી કાઢે છે પણ હસમુખ ગાંધીના લેખનનો એવો જાજરમાન દોરદમામ, ઠસ્સો છવાયેલો હતો. છપાયેલા શબ્દની એ શકિત હતી.

વર્ષો પછી ‘અરિ પણ ગાશે દિલથી’ લખી ગાંધીભાઇએ ભારે હૈયે ‘સમકાલીન’ છોડ્યું. (સ્થાપનાના અગિયારમા વર્ષે ) એ એમનું સંતાન હતું. સાત ખોટનું, પહેલા ખોળાનું. કલાસ ઓડિયંસનું, એ કલાસિક અખબાર લેખકોને વાચક બનાવે તેવું સુપરહિટ એકલપંડે કરીને સેનાપતિએ વિદાય લીધી.  ગાંધીભાઇ વિનાનું સમકાલીન વેન્ટીલેટર પર ચાલતી સિસ્ટમ જેવું હતું. ખોળિયું હતું, પ્રાણ નહોતો.

હસમુખ ગાંધીએ રોજ એક પાનું ભરીને અન્ય સાંધ્ય દૈનિકોમાં લખ્યું. ઓસરીમાં ઘોડા દોડાવ્યા. અંગત જીવનમાં ઝંઝાવાતો આવ્યા. એમના એક લેખની ભૂલો બતાવતો એક પત્ર મેં વાચકની હેસિયતથી મિડ-ડેમાં લખ્યો. એ છપાયો ત્યારે વાઘની મૂછ ખેંચી લીધી હોય, એવો સોંપો પડી ગયો. મુંબઇથી દિગ્મૂઢ થઇ રહેલા વાચકોના પત્રો, પત્રકારોના ફોન આવ્યા. હસમુખ ગાંધીનો સ્પિરિટ સલામને લાયક હતો, એની પ્રતીતિ હતી જ, આ ઘટનાથી સાબિતી મળી. એમણે જાહેરમાં કોઇ ગોળગોળ વાતો કર્યા વિના પોતાનો હકીકતદોષ સ્વીકારી એક મામુલી વાચકની રોકડી પ્રશંસા કરી. કૌટુંબિક મિત્ર જેવા વડીલ સ્નેહી અરવિંદ શાહ (મિડ-ડેના તત્કાલીન સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ) એમને મુંબઇ મળવા ગયા હતા. પાન ખાતી વખતે, છેલ્લે જવા ટાણે મારી વાત કરી. મારી સમકાલીનભકિતથી એ પરિચિત. હસમુખભાઇ ત્યારે મારી નવી નવી કૌમાર્યમાં પ્રવેશતી ‘ગુજરાત સમાચાર’ની કોલમ વાંચતા. એમણે ઉમળકાથી કહ્યું, ‘જયને કહેજો, મને આવે ત્યારે જરૂર મળે. હું કોઇ વાચક પ્રેમથી પેન આપે તો પણ સ્વીકારી લઉં. પણ કોઇ સોદાગર જમીનનો પ્લોટ આપે તો ન લઉં !’

તસવીર સૌજન્ય : સૌરભ શાહના બ્લોગ પરથી

એ ક્ષણ ક્યારેય આવી નહિ. એક વખત હું પાછો ફરી ગયેલો, આ વખતે હસમુખ ગાંધીએ ઉતાવળ કરી. તારતાર થઇ ગયેલી જીંદગી જીવનારો, મિડિયોકર માણસોને પોતાનાથી આગળ નીકળતા જોઇને, એમની સફળતા નીચે કચડાતો એ અજંપાથી અકળાતો આદમી અચાનક ૧૯૯૮માં ૬૬ વર્ષ બળાપા અને અજંપાના વલોપાતમાં કાઢીને એકિઝટ કરી ગયો. આઇબીએમના એકચક્રી શાસન સામે એપલનું ટ્રેન્ડસેટર હોમપીસી મુકનાર સ્ટીવ જોબ્સને જે-તે વખતે જેમ કદી બિલ ગેટ્સ જેટલી સમૃદ્ધિ+પ્રસિદ્ધિ  ન મળી, એવું જ આ વીરલાને થયું. એને તો ન દોલત મળી, ન શોહરત મળી. જે વાચકો માટે એમણે જીંદગી ફના કરી, એ વાચકો તો ‘આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરાઇ ગઇ’ની માફક તાબડતોબ ભૂલી ગયા.

ત્યાં સુધીમાં ગાંધીભાઈ પછી તંત્રી બનેલા હરિ દેસાઈએ મને ગધ્ધાપચ્ચીસી પૂરી થાય એ પહેલા સમકાલીનનો જ કટારલેખક પ્રેમાગ્રહથી બનાવી દીધો હતો! એ વખતે ‘રામઝરુખે’ નામથી મીડિયાવોચની (ગુજરાતી પત્રકારત્વમાં શું ચાલે છે, શું હોવું જોઈએ, કોણ કેવા લચ્છા મારે છે, કેવા ગપ્પાં મારે છે-એ બતાવતી 😉 ) કોલમ પણ હું લખતો થઇ ગયેલો ! બાદમાં જનક શાહ અને છેલ્લે મેહુલ દાણીએ સંભાળ્યા બાદ પહેલેથી જ ઓછો પણ આગવો વાચકવર્ગ ધરાવતું અને ક્રમે ક્રમે એ ય ગુમાવતું સમકાલીન અંતે ઠપ્પ થઇ ગયું.

ખેર, મને તર્પણરૂપે એક શ્રદ્ધાંજલિ લેખ ૧૯૯૮મા એ ગુજરી ગયા ત્યારે લખવા મળ્યો હતો. સૌરભ શાહ ત્યારે મિડ-ડેના એડિટર હતા. એમણે ફોન કરીને ઇજન આપ્યું હતું. (ક્યારેક એ લેખ અહીં મુકીશ ) ટાઇટલ આપ્યુ : ‘વો તો હૈ અલબેલા, હજારો મેં અકેલા… સદા તુમને એબ દેખા, હુનર કો ન દેખા…’

જંગલ મેં મોર નાચા, કિસને દેખા ?

***

૨૬ જાન્યુઆરી, આ માત્ર પ્રજાસત્તાક દિન નથી. હસમુખ ગાંધીની પુણ્યતિથિ છે!

રીડર માય લોર્ડ, ગુજરાતી પત્રકારત્વ અને લેખનનું એક શિખર ગણાય એવા હસમુખ ગાંધીનું કોઇ સાહિત્ય જ આ ગુજરાતી પ્રજાએ સાચવ્યું નથી. કોઇ પત્રકારત્વની કોલેજમાં પણ એનો શાસ્ત્રીય અભ્યાસ થતો નથી. જર્નાલિઝમના સાઇબરકિડ્સ તો ભૂલાઇ ગયેલા કોઇ પેગાન દેવતાની ખંડિત પ્રતિમા બે ઘડી મુગ્ધ બનીને ટુરિસ્ટ નિહાળે, એ અદાથી જરા વિસ્મિત થઇ, ઔપચારિક વખાણ કરી કે પછી ‘હુ કેર્સ’ના ખભા ઉલાળી બ્લોગિંગ માટે લોગ ઇન થઇ જશે. હસમુખ ગાંધીના લખાણની કોઇ દળદાર અને દમદાર ગ્રંથશ્રેણી હોય તો એમની ધીંગી કામગીરીનો પરિચય ભવિષ્યના કોઇ રસિકડાંને થઇ શકે ને  વાંચી એની સરાણ પર વિચારતણખા ઝરે, ત્યારે એમની ભાષાની તીક્ષ્ણ ધાર નીકળે ને ! સમગ્ર ગુજરાતે હસમુખ ગાંધીને વિસારે પાડી દીધા છે. એક સમ ખાવા પૂરતું ચર્ચાસત્ર પણ ક્યાંય થયું ?

જો તમને પોપ્યુલર માર્કેટિંગ કે નેટવર્કિંગ આવડતું ન હોય, જો તમે સો ટચની નિષ્ઠાથી કામ કરવા સિવાય બીજું કશું મેનિપ્યુલેશન શીખ્યા ન હો, જોજો તમે સંબંધો સાચવવાની મીઠાશને બદલે સાચું બોલવાની કડવાશનો માર્ગ પસંદ કરો, જો તમે ફુરસદનો સમય વાંચન, લેખન, જ્ઞાનસાધના તણા તપમાં કાઢો અને પબ્લિક રિલેશન્સ કે સેલ્ફ મેનેજમેન્ટ પાછળ ન આપોતો આ દેશમાં તમારી જેવી (અવ)દશા થાય તેનું હસમુખ ગાંધી સ્તબ્ધ કરી દે, તેનું હોરિફિક એકઝામ્પલ છે. સત્વ અને સત્ય હોવા છતાં એમનું લખાણ જ જાણે કોઇ ઐતિહાસિક દસ્તાવેજના પાના ફાટી ગયા હોય, એમ અલોપ થઇ ગયું ! જાણે કોઇ એક્ટરની ઘણીખરી ફિલ્મોની પ્રિન્ટ ખતમ થઇ ગઇ. (ડીવીડી બને એ પહેલા !) જાણે કોઇ ક્રિકેટરનો રેકોર્ડ ભૂંસી નાખવામાં આવ્યો ! અને છતાં ય કોઇને કશી પડી જ ન હોય… મીલોં તક ખામોશી હૈ !

***

બરાબર યાદ છે (આવી વાત તો કેમ ભૂલાય ?) ગોંડલમાં એ વખતે પાંચ નંગ ‘સમકાલીન’ આવતા. એક જાહેર પુસ્તકાલય માટે, બીજું એમ.બી. કોલેજમાં, ત્રીજું એક એન્જીનીયર સાહેબ માટે, ચોથું અમારા ઘર માટે અને પાંચમુ ન્યુઝ સ્ટોલ ઉપર રાખવા (અને મોટે ભાગે પસ્તી કરવા !) એ ય મુંબઇના બહાર પડ્યા પછી ત્રીજે દિવસે હાથમાં આવે ! છતાં ય કોઇ દિવસ એ છાપું વાસી ન લાગે ! ફ્રેશ ફોરએવર. અડતાલીસ કલાક પછી પણ છાપું હમણાં જ લખાયું હોય એવું રોજેરોજ લાગે, એટલી સિદ્ધિ જ એની ક્વોલિટીને ટાઇમલેસ બનાવવા પૂરતી નથી ?

સમકાલીન લેવા ઘણી વખત રાતના ત્રણત્રણ ધક્કા ખાઇને જતો. થોડો સમય ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમને લીધે સમકાલીન આવતું બંધ થયું. ત્યારે કોલેજ માટે મારૂં રાજકોટનું અપડાઉન શરૂ થઇ ચૂક્યું હતું. એવું બન્યું જાણે કે જાહેર રજાના દિવસે કોલેજ બંધ હોય, પણ સમકાલીન જેવા છાપામેગેઝીન લેવા હું (બસનો પાસ ત્યારે ન ચાલે એટલે બે રૂપિયાના છાપાં માટે વીસ રૂપિયાનું ભાડું ખાલી ખિસ્સે પણ ખર્ચીને) જાઉં. એક વ્યસન વળગેલું. સનક હતી. બંધાણીની રગોમાં કસુંબલ અમલ વિના કડાકા થાય, મારીજુઆનાના ડ્રગ એડિક્ટને ગળે શોષ પડે એવું કમ્પલઝન હતું ત્યારે બધી કોલમો વાંચવાનું. જે કોપી વેંચાતી ન મળતી, એ વાંચવા કોલેજ પૂરી થયે, લંચ સ્કિપ કરીને બપોરે એકલો લાયબ્રેરીમાં બેસતો. કોલેજમાં ન આવ્યું હોય તો ?

એક વખતે એક્સપ્રેસ જુથનું જનસત્તા રાજકોટમાં બહાર પડતું. એની ઓફિસે જઇ એડવર્ટાઇઝિંગ માટે ત્યાં પડેલી કોપી માટે રીતસર કાકલૂદી કરવાની, છેલ્લે ઝેરોક્ષ કરાવવાની તૈયારી ! પછી ન મળે તો મુંબઇના મિત્રને કહી ત્યાં શોધાવીને કુરિયર કરાવવાનું. ગંજ ખડકાયો આમ એકઠા થયેલા સમકાલીનનો ! એની માઇક્રોફિલ્મ્સ તો ક્યાંય ધૂળ ખાતી હશે, એક્સપ્રેસ ગ્રુપની ઓફિસમાં, પણ આ સમકાલીન સાચવતા અમારો દમ નીકળી જતો. ઘરમાં અમારી પથારી સાંકડી થાય, અને સિલ્વર ફિશ જેવી અખબારી કીડાઓને મખમલી બિછાનું મળે ! બધે જ એના ઢગલા. એક આખો ઓરડો ભરાયેલો !

આ લખુ છું અને એ દ્રશ્ય મારી આંખ સામે તરવરે છે. ઉધરસ ખાતા ખાતા મારી મમ્મી એકએક છાપામેગેઝીનને તારીખવાર ગોઠવતી, અને શ્વાસની બીમારી વાળા પિતા હાંફતા હાંફતા એને વ્યવસ્થિત રાખતા એનું ! ઘણીવાર એ ખોલીને વાંચતો, માટે જીવની જેમ સાચવવાનું ફરમાન હતું. ખબર નહોતી કે આવી ઘેલછા તો મૂળ પ્રકાશનોને પણ નથી હોતી ! (આવી જ રીતે સચવાયેલા ગુજરાતી મેગેઝીન્સનું કલેકશન મૂળ મેગેઝીન્સને પણ ખપતું નથી ! અને અંગ્રેજી મેગેઝીન્સ ઓનલાઇન આર્કાઇવ્ઝ બનાવી ચૂક્યા છે) હસમુખ ગાંધીના ખરા પ્રેમીજન કહી શકાય એવા લેખક સૌરભ શાહ એક દિવસે અચાનક ઘેર આવ્યા. બાથરૂમમાં ખડકાયેલા ગંજ જોઇને કહેલું, ‘સાચવજે, એક પુસ્તક કરવું છે, એમાં આ કલેકશન કામ લાગશે.’

પુસ્તક તો ન થયું. ઉધઇ થઇ ગઇ. એ અખબારોને લીધે ઘરનો લાકડાનો દરવાજો સડીને ખવાઇ ગયો ! બેફામ વરસાદનું પાણી ત્યારે ભરાયેલું. મોટી જગ્યા રાખવા જેટલી આર્થિક આવક નહોતી. કેટલોક ખજાનો લૂંટાયા પછી પણ હજુ ખાસ્સું બચ્યું હતું. કેટલાય મૂર્ઘન્ય લેખકોવાચકોપત્રકારોને ફોન કર્યા, એસએમએસ કર્યા. કોઇને આ જોઇએ તો ! કોઇને આવી સાચવણીમાં અમારી જેમ વર્ષો બગાડવાની મૂર્ખાઇ કરવી નહોતી. ત્યારે સોશ્યલ નેટવર્ક હતું નહિ, નહિ તો રીતસર ટહેલ નાખી હોત!

મમ્મીને કેન્સરે છીનવી લીધી હતી. એકલે હાથે સચવાય એમ હતું નહિં. ખબર હતી કે આખો એક કાળખંડ ખારી શિંગના પડીકામાં ફેરવાઇ જશે. પણ અંદરથી ઉઠતી વેદનાનો ગુસ્સો હતો. અંતે એ ફેંકી દેવાનો, સાડા ત્રણ રૂપિયે કિલોની પસ્તી કરવાનો નિર્ણય લેવો પડ્યો. વાંચનના, લેખનના અને પત્રકારત્વના આવા જ નીમપાગલ દોસ્ત કિન્નર આચાર્ય એકે જ રસ બતાવીને કહ્યું, “મારી ઘેર મૂકી જા તો હું એમાંથી ગાંધીભાઇના યાદગાર લેખો તો કાપી લઉં.” ભાડે ગાડી કરીને ત્યાં થપ્પા ઠાલવ્યા. રાત દિવસ બેસીને એણે થાય એટલા લેખોના કટિંગ કર્યા. તો ય ઘણું રહી ગયું, પણ ઘણું એ રીતે બચ્યું.

સમકાલીન ગયા.  હમખ્યાલ દોસ્ત અને બીજા ‘ગાંધીજન’ વિક્રમ વકીલે એ લેખોના કટિંગ્સ કમ્પોઝ કરાવવા લીધા. ગુજરાતીમાં આજે જ્યાંજ્યાં હસમુખ ગાંધીના લખાણ છપાય છે, એની એક ગંગોત્રી મારા ઘરમાં ય હતી. એની પાછળ અડધી જુવાનીની કુરબાની છે. પણ કોઇને એની કદર તો શું, ખબર પણ નથી. હદ તો એ છે કે કોઈ પાસેથી હજુ એ લેખોની ડિજીટલ સીડી પણ મને મળી નથી. એ  કોઇ પાસે સલામત હશે, એવી ધરપત જરૂર છે. પણ એ સીડી મારા ખજાનામાંથી તૈયાર થઇ હોવા છતાં કોઈએ મને પહોંચાડી નથી. ખુદ ગાંધીભાઈ જ ભૂલાઈ જતા હોય તો સીડી શું વિસાતમાં !

હા, આ લેખ ગત વર્ષે (વર્તમાન કરતા લઘુસ્વરૂપે) લખ્યો, અને આમ જ પડ્યો રહ્યો (ગાંધીભાઈનું તો બેડ લક જ ખરાબ ! જે મેગેઝીન માટે આ લખેલો એમાં ય ના છપાયો ને મેં કોલમ શરુ કરતા પહેલા જ એકઝાટકે બંધ કરી દીધી! :-P) એ પછી હસમુખ ગાંધીના લખાણોનું સમ ખાવા પૂરતું એક પુસ્તક દિવ્યાંગ શુકલે સંપાદિત કરેલું, રહી રહીને ગયા વર્ષે ઈમેજ પબ્લીકેશને યાદગાર તંત્રીલેખો સીરીઝમાં બહાર પડ્યું છે. પુસ્તકના મર્યાદિત કદમાં એમના કસબનું પાંચ ટકા ય ઝીલાયું નથી. પણ ગાંધીભાઈ શું હતા એના ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન માટે યંગથીંગ્સ માટે એ બ્યુટીફુલ બિગીનિંગની ગરજ સારી શકે. (આ લેખના છેડે હસમુખ ગાંધીના પરિચયનું પાનું ય એ પુસ્તકને આભારી છે.) પણ એ તો કકડીને ભૂખ લાગી હોય ત્યારે અડધું બિસ્કિટનું પેકેટ મળે એવું જ. આજે મારો કોઈ ઉગ્ર કે આક્રમક લેખ વાંચી સાહજીક રીતે કોઈ બક્ષીની તેજાબી શૈલીની યાદ અપાવે ત્યારે મને હસમુખ ગાંધી ય યાદ આવે. બક્ષી સલ્ફ્યુરિક એસિડવાળી પેનથી લખતા, તો હસમુખ ગાંધી નાઈટ્રીક એસિડવાળી પેનથી. (ગોંડલિયા મરચાં જેવા એમના બે એમના પ્રમાણમાં સાવ નાના લેખો અહીં મુક્યા છે. ક્લિક કરો અને એન્લાર્જ થયેલા ફોટોમાં વાંચો )

વાત નીકળે ત્યારે સમકાલીન કે હસમુખ ગાંધીની હૈસો હૈસો વાહવાહી કરનારાઓએ મેં એ મેળવવા ખાધેલા ધક્કા કે એ જાળવવા કરેલા ઉજાગરા વેઠ્યા નથી. હજુ ય એમના કેટલાક સમાંતર-મિડ ડેના લખાણો ફાઇલબદ્ધ કરીને મેં સાચવ્યા છે. હવે એ કોઇને આપવાની હિંમત થતી નથી. ન તો એનું કશું આગળ થવાનું છે. જો કે, ખુદ હસમુખ ગાંધીની હયાતી જ જ્યાં યાદ ન હોય, ત્યાં મારી આ મહેનતની હેસિયત અંગે ફરિયાદ કરવાનો હું હકદાર નથી. નાસ્તિ મૂલમ્, કુતો શાખા ? (વિધાઉટ રૂટસ, હાઉ કેન ધેર બી એ બ્રાન્ચ ?)

દોસ્તો, સફરના સાથીઓ… આ છે આપણો વાંચનપ્રેમ ! આવા કંઇ કેટલાય મેગેઝીન્સ અને એમાં બંધ  થયેલો ટાઇમ કેપ્સ્યુલ જેવો સમયનો ઇતિહાસ હજુ મારા એને લીધે ગુજરીબજાર જેવા લાગતા ગૃહમાં થીજી ગયો છે. વાંચે ગુજરાતની હાકલો વચ્ચે પુસ્તકાલયોમાં પુસ્તકો સચવાય છે, પણ મસ્તકોમાં લેખકો સચવાય છે ખરા ? એમના લેખો ? શબ્દથી શૂન્ય સુધી ? અહીં તો હરિવંશરાય તો જ અમર થાય, જો અમિતાભ સુપરસ્ટાર થાય. રિયાલીટી બાઇટ્સ.

હસમુખ ગાંધી બહુમતી મહાજાતિ ગુજરાતીની સ્મૃતિમાં ય સચવાયા નથી, પછી એમને વિવેક ખાતર વધુ એક પુણ્યતારીખે ‘સ્મૃતિશેષ’ પણ કેમ કહેવા?

(શીર્ષક પંકિતઃ કામિલ વટવા )

હસમુખ ગાંધીની ધાણીફૂટ શૈલીનું ગરમાગરમ સેમ્પલ

હસમુખ ગાંધીની અગનઝાળ ની વધુ એક આંચ (અનુસંધાન હાલ જડ્યું નથી 😐 )

દિવ્યાંગ શુક્લ સંપાદિત પુસ્તકમાંથી સ્કેન કરેલું પ્રાથમિક પરિચય આપતું પૃષ્ઠ. કર્ટસી એન્ડ કોપીરાઈટ : ઈમેજ પબ્લિકેશન.

 
80 Comments

Posted by on January 26, 2012 in gujarat, personal