RSS

Monthly Archives: ડિસેમ્બર 2011

લેટ્સ ગો પાર્ટી : જવાની જાનેમન, હસીન દિલરુબા !સચીને સેન્ચુરીની સેન્ચુરી પૂરી કરી. હવે શું કરવાનું? પાર્ટી! મૂકેશ અંબાણીએ મહાવિરાટ વૈભવી નિવાસનું બાંધકામ પુરું કર્યું. હવે એ શું કરશે ત્યાં? પાર્ટી! મોહનનો બર્થડે છે – પાર્ટી હો જાયે. મોહિનીના મેરેજ છે? ઈટ્સ પાર્ટીટાઈમ! મકાન લીઘું? પાર્ટી ક્યારે આપો છો, યાર? એવોર્ડ મળ્યો? થ્રો એ બિગ પાર્ટી!

પણ હજુ યે આપણે ત્યાં ચિ. મુન્ની અને ચિ. શીલાને પરેશાન કરનારા અવળચંડાઓ બેઠા છે. આ બે ધમાલકમાલ ગીતો ‘છીછીછીઅરરરર’ હોઈને એને હટાવવાની હાઈકોર્ટમાં રિટ થઈ છે. અરે બાબા, બે નબળી ફિલ્મોમાં જે કંઈ છે, એ આ બે ગીતો તો છે! એ ય કાઢો તો શું જીંદગી આખી ખાટલામાં ઝંડુ બામ ચોપડતા માળા ફેરવ્યા કરવાની?

જલસા, સેલિબ્રેશન, ઉત્સવ, મોજમજાની આપણે ત્યાં ‘નેશનલ એલર્જી’  હોય, એવો ડોળ કરવામાં આવે છે. ‘બઘુ અહીં રહેવાનું છે, કશું સાથે આવવાનું નથી’નો ડારો ગળથૂથીમાં પાવામાં આવે છે. છો ને ન આવે સાથે – અહીં છીએ ત્યાં સુધી તો મિડલ ક્લાસ એસ્કેપિઝમ છોડીને એને હસીખુશીથી ભોગવી લઈએ! કટાણું મોં કરવાને બદલે જરા મસ્તી કે ફનનો ગિલ્ટ (અપરાધભાવ) છોડીને થોડું નાચીકૂદીઝૂમી લઈએ!

પ્લેઝર બીજાના ભોગે હોય તો રેઝરની જેમ અડે ત્યાં લોહીઝાણ વેદના આપે છે. પણ બીજાની સાથે સહભાગી થઈને હોય તોય તો મેમોરેબલ ટ્રેઝર બને છે. એન લેન્ડર્સનું રમતિયાળ ક્વૉટ હતું – દરેક પાર્ટીમાં બે પ્રકારના લોકો હોય છે. એક જેમને મોડે સુધી રોકાવું હોય છે. બીજા જેમને વહેલા ઘેર જવું હોય છે. અને બંને એકબીજાને મોટેભાગે પરણેલા હોય છે! સ્માર્ટ જોક પર હસવાની ખુશી પણ ઘણાને ગુનો લાગે છે!

એ જ લોજીકને જીંદગીને ચસચસાવીને, દિલ ફાડીને, ટેસડાથી જીવી લેનારાઓ ‘જવાની જાનેમન, હસીન દિલરૂબા, મિલે દો દિલ જવાં… નિસાર હો ગયા… ઓહો!’ નટખટ અંદાજમાં નિહાળે છે. કશું જ સાથે આવવાનું નથી, તો અહીં જ ભોગવી નાખો. સમય આપણા જન્મ પહેલા આપણે માટે હતો નહિ. આપણી ફાઈનલ એક્ઝિટ પછી રહેશે નહિ. જો ભી હૈ, બસ યહી ઈક પલ હૈ! તો પછી? ઈસ પલ મેં જીના યાર સીખ લે! લિવ ધ મોમેન્ટ!

એ કેવી રીતે?

સિમ્પલ. વર્ક હાર્ડ. પાર્ટી હાર્ડર!

***

પાર્ટી શબ્દનો અર્થ જુહાપુરાના સ્કૂલે જતાં ટાબરિયાંથી લઈને જૂહૂ બીચ પર નારિયેળપાણી પીતા વડીલશ્રી સુધી કોઈને ય ડિક્શનેરીમાં જોઈને સમજાવવો પડે તેમ નથી. ગેટટુગેધર. ડાન્સ. મ્યુઝિક. ડ્રિન્ક. ઈટીંગ આઉટ. ગોઇંગ વાઈલ્ડ. બીઇંગ ક્રેઝી. હલ્લાગુલ્લા, હંગામા… બ્રેક ફ્રી પાર્ટી… ધેટ્સ પાર્ટી! ભારતની કુલ વસતિના સંદર્ભે ખ્રિસ્તીઓની આબાદી નજીવી ગણી શકાય તેમ છે. બાઈબલનું પાનું પણ ઉઘાડીને કોઈ જોતું નહિ હોય. મેજર ફેસ્ટિવલ દિવાળી, હોળી, ઇદ, સંકરાત છે. તો પછી અચાનક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો આટલો મહિમા કેમ? ચર્ચમાં જઈને ઈસુને પ્રાર્થના કરવા? હોય કંઈ? અરે સાહિબાન, કદરદાન… ઉજવણી કરવા! ખાવા પીવા, નાચવા કૂદવા… બીજું શું? ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કૅવરથી દિલ્હીના ચાંદની ચોક સુધી… ઇયર એન્ડ, થર્ટી ફર્સ્ટ એટલે પાર્ટીવાલો કો પાર્કી કા બહાના ચાહિએ! (ગાના આયે યા ન આયે, ગાના ચાહિએ!)

અપર ક્રસ્ટના એલાઈટ્સ તો બારે માસ આ જ કરતા રહેતા હોય છે. લાઈફ સ્ટાઈલના મિડનાઈટ ટીવી પ્રોગ્રામ્સ કે હાઈ બ્લિટ્ઝ્ડ, ઓકે, હેલ્લો, એન્ડસ્પ્રેડ, કોસ્મોપોલિટન, પીપલ જેવા મેગેઝીન્સ આ પાર્ટીઓની ગ્લેમર અને ગોસિપ પર તો નભે છે! ઢિનચાક ઢિનચાક… ચક ઘૂમ! પણ થર્ટી ફર્સ્ટના નામે મિડલ ક્લાસને બે ઘડી આ મિડનાઈટ ડ્રીમ જીવવા મળી જાય છે અને એક એન્ડલેસ ડિબેટ આવતી રહે છે.

રૂઢિચુસ્ત, પાર્ટીને પાપ સમજીને ભડકી જનારા, જડભરત જગતકાજીઓ એને વખોડ્યા કરે છે. આમ તો ખ્રિસ્તી ધર્મમાં વાસના, લોભ, ઈત્યાદિ જે સાત મહાપાપ ગણાવાય છે, એ જ બધા ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણીને નામે પાર્ટીઓમાં ફૂંફાડા નાખે છે! એક ફ્લેવર ઓફ જેસિકા લાલ મર્ડર કે બીજલ જોશી રેપ જેવી ઘટનાઓની! કોકટેલ ડેન્જરસ છે. ઈટ્સ જંગલ આઉટ ધેર. પાર્ટીમાં આવતા શેતાનોને બદલે પાર્ટીને જ શેતાન માની લેવાય છે.

બીજા છે, યંગસ્ટર્સ, સેલિબ્રિટીઝ. હિપ હોપ હેપનિંગ ક્રાઉડ. એ લોકો કહે છે, અમારે માટે જીંદગી એક સતત ચાલતી ઉજાણી છે. કાયમી ચાલુ રહેતું ઉઠમણુ નથી. અમે ધુવડગંભીર સોગિયાં ડાચા રાખી ઘરમાં નહિ બેસીએ. અમે કામ કરીએ છીએ. ઉજાગરા કરીએ છીએ. અમારી લાખેણી જુવાનીનો કીંમતી સમય કરિઅર, જોબ, બિઝનેસ એક્ઝામિનેશનની ચક્કીમાં પીસી નાખીએ છીએ. અમારા માટેનો સમય બોસને, ક્લાયન્ટને ઇન્સ્ટિટ્યુશનને, ફેમિલીને આપી દઈએ છીએ. આ કુરબાની મફતમાં થોડી હોય? લેટ્સ ગો પાર્ટી ટુનાઈટ. આ ઝાકળમાળના ચાલકબળ તરીકે અમારો એ હક છે!

અને સ્પેનના ઈબિઝાની પાર્ટી હોય, બ્રાઝિલનો કાર્નિવલ હોય કે રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાના ફાર્મહાઉસ હોય… રેવ પાર્ટી હોય કે સિમ્પલ પજામા પાર્ટી, બર્થડે પાર્ટી હોય કે ન્યુ ઈયર ઈવ પાર્ટી… પાર્ટીની જાન હોય છે – નોટી હોટ્ટી! નખરાળી ભમરાળી કમસીન કામિનીઓ! બેબ્સ! ભલે રસ્તાની માફક સ્ત્રીઓમાં પણ જેટલા વળાંકો વઘુ, એટલું જોખમ વઘુ… પણ એટલું રિસ્ક તો કોઈ પણ લે જ ને! બિકોઝ વિમેન સ્પાઈસ અપ ધ પાર્ટીઝ! કેટલીક ડાન્સિંગ ડિવાઝ હોય તો કેટલીક ચુલબુલી ચટરપટર. કોઈ ગર્વિષ્ઠ માનુની હોય તો કોઈ હસતી હસાવતી હસીના! વી લાઈક ટુ પાર્ટી, બિકોઝ પાર્ટી ઈઝ સેક્સી થિંગ!

એન્ડ ગર્લ્સ ડુ લાઈક ટુ હેવ ફન! ધે ઓલ્વેઝ ડ્રેસ્ડ ટુ કિલ એન્ડ ચીઅર અપ ધ થ્રીલ! ગુજરાત-મુંબઈ તો આમ પણ માદાઓ માટે સુરક્ષિત અભ્યારણ્યો ગણાય છે (બીજા વિસ્તારોની સરખામણીએ હોં કે!) માટે વિમેન કેન ગો વાઈલ્ડ હિઅર. રાત, રસ્તો, રખડપટ્ટી, રમૂજ અને રૅઝમતાઝ! ન્યુ ઈયર ઈવ આવે એ પહેલા જ બ્યૂટી સલૂન્સ અને ફેશનેબલ ગાર્મેન્ટ્સવાળાની સાંજ સુધરવા લાગે! તેજ સ્ત્રીઓને કદી મંદી નડતી નથી, કારણ કે દેવું કરીને પણ એમના માટે ખિસ્સા ખાલી કરનારા ખિદમતદારો મળતા જ રહે છે. એક સ્ટ્રિક્ટલી એડલ્ટ્સ ઓન્લી, પણ સેન્ટ પરસેન્ટ સાચું ક્વૉટ હતું : વુમન હેવ સોફ્ટ કર્વ્ઝ, વિચ કેન સેટ મેની થિંગ્સ સ્ટ્રેઇટ એન્ડ હાર્ડ! કોઈ ટેટૂ કરાવે તો કોઈ મિનિ સ્કર્ટ પહેરે. કોઈ ફન્કી જ્વેલરીમાં જાય તો કોઈ ટ્રેન્ડી હેરકટ માટે! બટ, ઓવરઓલ ધે લવ ટુ લૂક બ્યૂટીફૂલ, કારણ કે પછી પાર્ટીમાં વગર નશાએ મદહોશ થઈ જનારા ફૂલ્સ મળી રહે છે!

ડોલ્સ પછીનું પાર્ટીનું આ બીજું રિઝન છે – ફિન્ક. ગુજરાત તો કાગળ પર ડ્રાય સ્ટેટ છે. બાકી, તો કોલેજીયન કન્યાઓને પણ વન્સ ઇન એ વ્હાઈલ ‘રાત ભર જામ સે જામ ટકરાયેલા, જબ નશા છાયેગા તબ મજા આયેગા’ની ફેન્ટેસી પંપાળવી ગમે છે! ‘તરસ્યા’ ગુજેશકુમારો માટે તો બોટલ ખોલી દો, એ જ પાર્ટી – એવી હાલત હોય છે! જીંદગીના નશાને ચાખવાનો જમાનો એવો છે કે મમ્મી જેવી રસોઈ બનાવતી રમણીઓ હવે પપ્પાની જેમ પેગ પણ ભરી શકે છે.

એન્ડ ધ ડાન્સ, ડીજે, મ્યુઝિક. રિધમ ઇઝ ગોન્ના ગેટ યુ! પીપલ આર સ્માર્ટ. જે ઘરમાં કે ઓફિસમાં બેસીને કરી શકાય એવી જ – એક્ટિવિટિઝમાં શું ચિલ આઉટ થાય? બેઝિકલી, કોઈ પણ મોજ ત્યારે જ મજા આપે છે, જ્યારે એમાં જાતને ભૂલી જવાતી હોય. મેરી ગો રાઉન્ડ હોય કે કોમેડી કાર્ટૂન – ધેટ્સ ધ સિક્રેટ. માટે સારા ડિસ્ક જોકીના નામ પર પાર્ટીમાં એન્ટ્રી પાસ મેળવવા પડાપડી થાય છે!

શરીરના ગુરૂત્વમઘ્ય કેન્દ્રને ફંગોળીને હિલોળા લેવાની એક મસ્ત લિજ્જત હોય છે. ડાન્સ માટે પેશન એન્ડ ઓબ્સેશન જોઈએ. પેપ્પી કેચી સોંગ્સથી પાર્ટી ધમાકેદાર શરૂ થાય, અને મ્યુઝિક જ હંમેશા પાર્ટીનો મૂડ સેટ કરે. ડાન્સિંગ એન્ડ ડીજેનો સાથ તો મોબાઈલ હેન્ડસેટ અને સીમકાર્ડ જેવો છે. લોન્જ, ટેકનો, હિપહોપ, કન્ટ્રી, રોક, જાઝ એન્ડ બોલીવૂડ ધમ્માલ… જો બીટ્સ નથી, તે હાર્ટબીટ્સ નથી. સો, પાર્ટી પાર્ટનર બનવું છે? તો ડાન્સ પે ચાન્સ માર લે! માણસ માત્રમાં એક્ઝિબિશનિઝમનો સેકસ્યુઅલ ઇન્સ્ટિંક્ટ હોય છે! (પૂછો ઉપદેશક મહાત્માઓને!) સો, ‘વાઉ’ ઈમેજ ક્રિએટ કરવી હોય તો પ્રેક્ટિસ હોલ ઈયર, એન્ડ શૉ એટ ઇયર એન્ડ!

નેક્સ્ટ? ઓહ ડિનર! ગુડ ફૂડથી મૂડમાં ન આવે તો એ ગુજરાતી ન કહેવાય! યમ યમ, મમ મમ. પાસ્તાથી પિત્ઝા અને પાતરાથી પિકલ્સ! ખાયે જાવ, ખાયે જાવ ઔર પાર્ટી કે ગુણ ગાયે જાવ! અલબત્ત, પાર્ટી અને રિસેપ્શનમાં ફેર હોય છે. ઉસ્તાદ અને અનુભવી પાર્ટીગોઅર્સ જેટલું પાર્ટીમાં પીએ છે, તેટલું ખાતા નથી! વઘુ વાનગી ખાવ તો આળસ ચડે, ઘેન ચડે… સતત પાર્ટીમાં ફરનારાની સ્કિન કે એનર્જી ડાઉન થતી જાય! તો પછી ડાન્સ એન્ડ ગોસિપ કોણ કરે?

યસ, ગોસિપ… શાનદાર પાર્ટી કી જાન! મહાસેલિબ્રિટીઝને પણ કોન્ટ્રોવર્સી ન થાય એ માટે બોડીગાર્ડસ કે ગોગલ્સ સાથે પાર્ટીમાં આવવું પડે, પણ એમની નોંધ ન લેવાય એ ન ગમે! બેઝિકલી, પાર્ટી માત્ર ફૂડ કે ડેકોરેશનથી થતી નથી. ફક્ત મ્યુઝિકની પણ મસ્તી પૂરતી નથી. મોટા મોટા માથાઓને એટિકેટમાં મળીને હાય-હલ્લો કરવાનું રહે, પણ પાર્ટીની ખરી રંગત તો બધી એટિકેટ-કર્ટસી છોડીને મુક્ત બનવામાં છે! અને એ માટે જોઈએ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફની કંપની! ફ્રેન્ડ સર્કલ, યુ સી!

અને જ્યાં દોસ્તો હોય ત્યાં તો ગોસિપ થવાની જ ને! ઓલો આમ, ને પેલી તેમ! ઓસ્કાર વાઈલ્ડ કહેતા ‘તમે જો કોઈનું ખરાબ બોલતા નથી, અને કોઈનું ખરાબ સાંભળતા નથી તો તમને કોઈ જ પાર્ટીમાં બોલાવવાનું નથી! હાઉ ટ્રુ! પાર્ટી ગોસિપથી ઘણી વખત લાઈફ કે જોબ માટે ઈમ્પોર્ટન્સ ઈન્ફોર્મેશન મળે છે. લિવરપુલ યુનિ.ના સાયકોલોજીસ્ટ રોબર્ડ ડન્બાર તો કહે છે કે પ્રાણીઓમાં જેમ જીભ ચાટવા કે સૂંઘવાથી બોન્ડિંગ થાય છે, એમ હ્યુમન ઈવોલ્યુશનમાં ગુ્રપમાં ભરોસો બતાવવા ગોસિપિંગ આવ્યું છે! બીજાની કૂથલી જેના મોંએ કરી શકાય, એ આપણો વિશ્વાસુ!

એકચ્યુઅલી, દરેક પાર્ટીનો અસલી ધબકાર ડ્રગ્સને બદલે આવી વ્યક્તિઓની હરકતોમાં હોય છે. આજે ક્રેઝ બની ચૂકેલી થીમ પાર્ટીઝમાં તો ખાસ! દરેક પાર્ટીમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોવાના, એક તો એ કે જે અવનવી અદા કરે આવડતથી બંધાનું ઘ્યાન ખેંચે! જે જરા બોહેમિયન, બહિર્મુખ હોય – ખુલ્લેઆમ નાચ, દારૂ પીને ટુન્ન થઈ જાય, શરમ વિના જોક્સ કરે, અવનવી ડ્રેસિંગ-ફેશનની સ્ટાઈલ કરે… અને બીજા એ કે જે આ પહેલા ગ્રુપને ઓબ્ઝર્વ કરી કાં ઈમ્પ્રેસ થાય અને કાં ડિપ્રેસ થાય! આ બંનેનું ‘ઈન્ટરડિપેન્ડન્સ’ યાને પરસ્પરાવલંબન હોય છે! એક્ટર અને ઓડિયન્સની માફક! ટુગેધર, ધે મેઈક ઓર બ્રેક ધ પાર્ટી!

પાર્ટી ઈઝ કન્વર્ઝેશન. પાર્ટી ઇઝ ક્રાઉડ. પાર્ટી ઈઝ ક્રેઝ. લાઈફ જરૂર નોનસ્ટોપ પાર્ટી છે. પણ પાર્ટી અને નોનસ્ટોપ લાઈફ નથી. સમટાઈમ્સ, પાર્ટીની ભીડ વચ્ચે પણ કોઈ તન્હા તન્હા મહેસૂસ કરે છે, કોઈ સમવન સ્પેશ્યલને મિસ કરે છે. ક્યારેક, કોઈ સ્વીટહાર્ટ સાથે હોય તો જાણએ આખી દુનિયા પાર્ટીમાં ઝૂમી રહી હોય એવો મેળો લાગે છે! કંઈક રિલેશન્સ દુનિયામાં પાર્ટીમાં બન્યા, બગડ્યા કે મઘમધ્યા છે.

ક્યારેક બધી ધાંધલથી દૂર કોઈની સાથે ખુલ્લા આકાશના તારા ગણતા ધીમું સંગીત સાંભળતા, મનગમતું પુસ્તક વાંચવું કે ફિલ્મ જોવી એ પણ પાર્ટી છે. ક્યારેક બસ, અલગારી રખડપટ્ટીમાં શહેરથી દૂર કુદરતમાં કૂદાકૂદ કરવી કે પાણીમાં ઘુબાકા લેવા એ પણ પાર્ટી છે. લેટ નાઈટ હલ્લાગુલ્લાની પણ મજા છે, પણ ગુજરાતી થાળીમાં નમકીન ફરસાણ જેવી! રોજ ફક્ત એ જ ખાતા રહીએ, તો પછી ક્યારેય ન ખાઈ શકાય એવી માંદગી આવી જવાનું જોખમ રહે!

એક ઓર સાલ જીંદગીનું ખતમ થવાની ગમગીનીને મોજમજાનો કશ લઈ ઘુઆં ઘુંઆ કરી નાખો… નેતાઓ ફાઈવસ્ટારમાં પાર્ટી કરે, અને જુવાનિયાંઓ બિચારા સ્ટારી નાઈટ્સમાં બહાર નીકળે તો ય એમના પર ચોકીપહેરો થાય! કલમાડી કે અશોક ચવાણની જાસૂસી ન થાય, પણ એક છોકરો-એક છોકરી એકબીજામાં પરોવાય કે ગૂંથાય, તો ગામ આખું ડિટેક્ટિવ થાય! ૨૧મી સદીના દસ વરસ પછી યે હજુ પબ્લિકલી હગ કે કિસ કરવામાં આપણે લાજી મરીએ છીએ, પણ કચરો ફેંકવામાં કે છીછીપીપી કરવામાં નહિ!

ફરગેટ ઇટ. આવું બઘું ઘડીબેઘડી ભૂલી જવાની મોસમ એટલેસ્તો પાર્ટી. ગમતી સોબતનો સંગાથ મળે, તો હર ઘડી એક પાર્ટી બની જાય. અને ન મળે? તો પાર્ટીમાં જઈને એ શોધો યાર!

૧૯૨૨માં પ્રકાશિત થયેલી જ્યોર્જ સાંતાયાનની નોવેલ ‘વોર શ્રાઈન્સ’નું બેનમૂન ક્વોટ હતું : સ્પેન્ડ ધ ટાઈમ. યુ કાન્ટ ટેઈક ઈટ વિથ યુ!

સમયને ખર્ચી નાખો. ખોટી બચત એની ન કરો. શક્ય તેટલી સુખની ક્ષણો સર્જી નાખો. કારણ કે, સમય મૃત્યુ પછી સાથે આવવાનો નથી. સો સ્ટાર્ટ એન્જોયિંગ એટ મેક્સિમમ સ્પીડ… નાઉ!

જો આ કરી શકો, તો ન્યુ ઇયર હેપી હેપી રહેશે. વિશિંગ ગ્રેટ ૨૦૧૨.

અને ત્યાં સુધી રાત બાકી, બાત બાકી…હોતા હૈ જો, હો જાને દો…

ઝિંગ થિંગ

જો મજા ન કરવી હોય તો એક વરસ વધારે જીવવાનો મતલબ જ શું છે? વઘુ પીડા, દુઃખ ભોગવવા?

 

#ગયા વર્ષ નો લેખ

 
34 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 30, 2011 in Uncategorized

 

સંતાપ, સપના, સ્મિતઃ જીંદગીના જીંગલ બેલનું સંગીત !

 

* સાન્તાકલોઝનું સાયન્સ + ફેરીટેલની ફેન્ટેસી + કિસ્મસની કમાલ + બાળકોની  ધમાલ = હેપીનેસ ઓફ હાર્ટ! *

 

 

ક્રિસ્મસ સેલિબ્રેશન્સ.

નોર્વેની બાલ્કન પહાડીઓમાં થતા સ્પ્રુસના ગગનચુંબી સ્પ્રુસના વૃક્ષો ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લંડનના ટ્રફેલ્ગર સ્ક્વેરમાં ક્રિસ્મસ ટ્રી તરીકે ઝગમગી ઉઠે એ મોસમ. ‘પવિત્ર રાતનું પુષ્પ’ ગણાતા લાલચટ્ટક મેકસિકન પોઈનસેટ્ટીયા સજાવવાનો તહેવાર. ચાર્લ્સ ડિકન્સની ‘ક્રિસ્મસ કેરોલ’ નવલકથાથી વિશ્વવિખ્યાત થઈ ગયેલા ૧૫મી સદીથી પ્રચલિત એવા ફ્રૂટસ, નટસ, બ્રેડક્રમ્બ, તજ, લેમન, ઓરેન્જ સાથે શેરી, રમ, બ્રાન્ડી ભેળવીને બનાવાતા ઈંગ્લીશ પુડિંગગને હડપ કરી જવાનો ઉત્સવ. મધ, ફૂલો અને સૂકાં ફળોમાંથી ઈજીપ્શ્યન્સ બનાવતા; એ કેન્ડીની દાદાજીની લાકડી જેવી વ્હાઈટ ‘J’ શેઈપ સ્ટિક્સ પર લ્હેરાતી રેડ સ્ટ્રાઈપ્સ ચૂસવાની સીઝન.

ક્રિસ્મસ. રોમના પિયાઝાથી જર્મન બવારિયાની જીંજરબ્રેડ સુધી વિસ્તરેલું પર્વ. વિએનામાં રોશનીથી તરબોળ બર્ગથિએટરમાં હેન્ડમેઈડ ચોકલેટસ ચગળતા સંભળાતી સંગીતની સૂરાવલિઓ. પ્રાગમાં ચળકતા ક્રિસ્ટલ, વૂડ, રિબિનમાંથી બનેલા રમકડાંઓ અને બ્રસેલ્સમાં શેરીઓ વચ્ચે ઝૂમતા ફ્‌લેમેન્કો ડાન્સર્સના જલવા. ડેન્માર્કના કોપનહેગનમાં નદીકિનારે આવેલા ટ્રિવોલી ગાર્ડનનો ઝળહળી ઉઠતો સરોવરકિનારે સાતેક કિલોમીટરમાં પથરાયેલો વેભવ. બદામ, દ્રાક્ષ અને લવિંગથી તમતમતા રેડ વાઈન સાથે બ્લેક કરન્ટ જામ પથરાયેલા આઈસ્ડ ડોનટસ ચાવવાની લિજજત. સ્વીડનના સ્ટોકહોમમાં મળતા ડ્રાઈડ પ્લમ્સ અને હેઝલનટના બનાવેલા જીસસના આકારો અને સ્કેન્ડેવીઅન દેશોની પડોશમાં આવેલું ગ્રાન્ડરેડ સાન્તાક્લોસનું ઘર… સફેદ બરફથી ઢબુરાયેલું ગ્રીનલેન્ડ! જે સાન્તાદાદાની ટપાલો વળી ફિનલેન્ડના લેપલેન્ડ ટાઉનમાં આવે છે, જેમાં દુનિયાભરની બચ્ચાપાર્ટી જનલોકપાલ કરતા ય વઘુ જોરશોરથી ડિમાન્ડ કરે છે, ગિફટસની!

* * *

એક ટિપિકલ ગુજ્જુ શેરબજારિયો સવાલ છે. માનો કે સાન્તાક્લોસ છે. તો ઉત્તર ધ્રુવમાંથી એક જ રાતમાં જગતના કરોડો-અબજો બાળકોને એક સાથે મનગમતી ભેટસોગાદો કેમ પહોંચી શકે?

આમ તો ધારવાનું જ છે. પણ આવી રીતે કલ્પનાની કૂકરી ગાંડી કરવાથી જ જગતભરમાં અવનવી શોધો અને કળાઓ, અરે રમતો અને વાનગીઓ પણ જન્મી છે. ઘનચક્કર લાગતા તરંગોમાં રંગપૂરણી કરવાથી!

તો પલંગના કિનારે મોજું લટકાવીને ગિફટની વિશ કરીને સૂઈ જતા બાળકો કુલ વસતિના કેટલા ટકા હશે? કેટલા સાન્તા જોઈએ એક જ રાતમાં ગિફટસ ડિસ્ટ્રીબ્યુશન માટે? રોજર હાઈફિલ્ડ નામના ભેજાંબાજ લેખકે તો ‘કેન રેન્ડીઅર ફ્‌લાય?’ નામનું એક ઈન્ટરેસ્ટિંગ પુસ્તક જ લખી નાખ્યું છે. જેમાં યુનાઈટેડ નેશન્સના આધારે પૃથ્વી પર ૧૧ વર્ષની નીચેના ૨.૧ અબજ બાળકો છે, એમ સ્વીકાર્યું છે. એક ઘર દીઠ સરેરાશ અઢી બાળકો (હવે આંકડાશાસ્ત્ર આવું જ અળવીતરું હોય છે, જીવતા જાગતા વનપીસ ભૂલકાંને કટિંગ ચાયની માફક અડઘું કરી નાખે! આસ્ક એની સ્ટુડન્ટ!) ગણો તો ક્રિસ્મસની રાત્રે સાન્તાબાપાની પેલી રેન્ડીઅરવાળી સ્લેજ ગાડીએ ૮૪ કરોડ સ્ટોપ કરવા પડે!

જો કે, સાન્તાજી ‘ઈશ્માર્ટ ભાભા’ હોય, તો એમની પાસે થોડોક એકસ્ટ્રા ટાઈમ પણ રહે. પૃથ્વી પોતાની ધરી પર જે દિશામાં ફરે છે, એનાથી અવળી દિશામાં સાન્તા ક્લોસ પ્રવાસ શરૂ કરે, તો વિવિધ લોકેશન્સ પર અક્ષાંસ-રેખાંશ સાથે સંતાકૂકડી કરતા સૂરજદાદાને પ્રતાપે સાન્તા પાસે ૨૪ને બદલે ૪૮ કલાક ચીમનીમાંથી નીચે સરકીને ગિફટસ વહેંચવા માટે રહે. એ માટે ૦.૨ મિલિસેકન્ડસ એકથી બીજા ઘેર ઠેકડો મારવા માટે મળે. અને એની ગાડી એમણે ૨૦૯૩ કિમી/સેકન્ડની સ્પીડે ભગાવવી પડે! જે આજના કોઈ પણ ઉપલબ્ધ એરક્રાફટની પણ સ્પીડ નથી! અલબત્ત, એ પ્રકાશવેગ કરતા ઘણી ધીમી સ્પીડ હોઈને એમ તો એચિવેબલ છે. પણ કાગળ પર!

હમમમ. એન્જીનીઅરિંગ પ્રોફેસર લેરી સિલ્વરબર્ગ વળી એવું સાયન્ટિફિક લોજીક લડાવે છે કે – સ્પેશ્યલ થીઅરી ઓફ રિલેટિવિટી મુજબ સાન્તાક્લોસ ‘રિલેટિવિટી ક્લાઉડ’માં છે. જેને લીધે આખી દુનિયા એમને માટે પોઝનું બટન દબાવેલુ ડીવીડીની માફક ફ્રીઝ થઈ ગયેલી છે. આ ભાંજગડ પડતી મુકો, તો ય એક ક્વેશ્ચન વધે. ટાઈમ અને સ્પેસનું તો સમજ્યા, પણ વજનનું શું? આટલી બધી ગિફટસ આ રેડ એન્ડ વ્હાઈટ દાદાજીના કોથળામાં સમાય? વીસેક લાખ ટનનું વજન ખેંચી શકે બાપડા રેન્ડીઅર્સ?

વેલ, કદાચ એમણે ગિફટસ ક્યાંય ઉંચકીને લઈ જવાની જ ન હોય તો? સકળ આ સચરાચરની સૃષ્ટિ તો અંતે પદાર્થ, તત્વ, રંગ, સોલિડ, લિક્વિડ, એર બઘું જ અણુ-પરમાણુનું બનેલું છે. તો પછી સાન્તાદાદા ‘હો હો હો’ બોલી રહે, એટલી વારમાં બાળકની ભેટ આસપાસના અણુમાંથી જ ન બની જાય?

અને ધારો કે, ૨૧મી સદીમાં મેજીક સાન્તા ન હોય, પણ હાઈ ટેક સાન્તા હોય તો?

* * *

આર્થર ક્રિસ્મસ.

ના, ના… મેરી ક્રિસ્મસની ટ્રેડિશનમાં કંઈ ફેરફાર નથી થયો. આ તો એક તાજી બ્રિટિશ એનિમેશન ફિલ્મનું નામ છે. પરફેક્ટ હોલીડે મૂવી એવી આ ફિલ્મમાં એક નાનકડી પરાણે વ્હાલી લાગે એવી ગરીબ બાળકી છે, ગ્વેન. એ ઢીંગલીના દોસ્તો આ લેખ વાંચી અકળાતા મુઠ્ઠીભર સૂક્કાંભઠ તાર્કિક વાચકોની માફક એને ચીડવે છે. ‘સાન્તાક્લોસ એક ભ્રમ છે, એવું કંઈ ન હોય!’

ઢીંગલી ગુમસુમ બને છે. પછી એને થાય છે કે ‘લાવોને, ડાયરેક્ટ સાન્તાને જ પૂછી લઈએ, તમે દાદાજી છો કે પછી માર્કેટિંગ ગિમિક છો?’ અને એક ગુલાબી કાગળ લખે છે, સાન્તાના સરનામે. ‘મને એક ટ્રાઈસિકલ આપશો, આ ક્રિસ્મસ પર?’

કટ ટુ. સાન્તા આઈએનસી. ગ્રાન્ડસાન્તા રિટાયર્ડ છે. ડેડી સાન્તાનો કારોબાર હવે મોટો દીકરો સ્ટીવ કોર્પોરેટ સ્ટાઈલમાં સંભાળે છે. પૂરા દસ લાખ એલ્વ્ઝ (સાન્તાના મદદગાર વહેંતિયાઓ)ની એની પાસે ફોજ છે. કર્મચારીઓની વર્કિંગ ફોર્સ છે. હવે પેલી આઉટડેટેડ સ્લેજ ગાડી નથી. જાયન્ટ સ્પેસશિપ છે. કોમ્પ્યુટર પર ઓટોમેટિકલી મેનેજ થતો ગિફટ ડિસ્ટ્રીબ્યુશનની શિફટનો કારોબાર છે. ક્રિસ્મસ નાઈટ શરૂ થતાંની સાથે ફટાફટ મિશન પૂરું કરવામાં આવે છે. ટાર્ગેટ એચિવ થયા પછી સેલ્સ ટીમને ડ્રિન્ક, ડાન્સ, ડિનરની પાર્ટી આપવાની હોય, એમ ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલે છે.

અને સાન્તાનો નાનો દીકરો આર્થર, જે ઘેલો હોઈને ટપાલો વાંચવાનું ફાલતું લાગતું કામ જ સંભાળે છે, એ કહે છે કે લોડિંગ વખતે કન્વેયર બેલ્ટ પરથી પડી ગઈ હોઈને એક ગિફટની ડિલીવરી રહી ગઈ છે. પેલી ઢીંગલીની ગિફટ!

બધા મોં મચકોડે છે. આવડા મોટા કારોબારમાં એકાદી ચીજ રહી જાય. આમતેમ થઈ જાય, ભૂલ થાય. લિવ ઈટ, ફર્ગેટ ઈટ લેટસ પાર્ટી ફોર મેરી ક્રિસ્મસ, આટલી માર્જીન ઓફ એરર તો હોય.

પણ આર્થર મક્કમ છે. સવાલ એક ગિફટનો નથી. એક નાનકડી બાળકીની શ્રઘ્ધાનો છે. એણે રોજ રાહ જોઈ હશે, રોજ સપનું જોયું હશે. રોજ એ મૂંઝાતી હશે, કોઈ એની ઈચ્છાની કંઈ કદર કરશે કે નહિ! સાન્તાકલોસની સકસેસ પ્રોફિટ એન્ડ બેલેન્સશીટ પર નહિ એની શાખ, રેપ્યુટેશન પર છે. અને એ છે લાગણી વ્હાલ.

અને સવાર પડવાને માત્ર બે કલાક બાકી છે, ત્યારે આર્થર કમર કસે છે, દુનિયાના બીજે છેડે હું જઈશે! ઘૂની, વાયડા એવા નિવૃત્ત દાદાજી એમના જમાનાની ખખડધજ સ્લેજ ગાડી અને હવે ટેકનોલોજીને લીધે છૂટા થઈ ગયેલા રેન્ડીઅર્સને ફરી યાદ કરે છે. પડતા – આખડતા અવનવા દેશોમાં અવનવા અનુભવોમાંથી પસાર થતાં અંતે ગિફટ ટાણાસર પહોંચાડીને જ આર્થર પોતાની ક્રિસ્મસની ઉજવણી પૂરી કરે છે!

અને વળતી ગિફટમાં મળે છે, ઢીંગલીના ચહેરા પર છવાતું સ્મિત!

* * *

રમૂજ અને થ્રીડી મનોરંજન સાથે ‘આર્થર ક્રિસ્મસ’ આપણી કોર્પોરેટ સ્ટાઈલમાં ઢળતી જતી જીંદગી પરનો વેધક કટાક્ષ છે. દુનિયામાં બઘું જ પ્રોડકટ નથી. પીપલ પણ છે. એમના ટીઅર્સ, એમના ચીઅર્સ પ્રાઈસલેસ છે.

હજારો વર્ષ પહેલા એક મક્કમ પણ શાંત યુવાને એકલપંડે આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો. દોલતને બદલે દિલની માવજત કરવાનો એ આજે જેનો હેપી બર્થ ડે છે, એ જીસસ ક્રાઈસ્ટ! એને કંઈ ધર્મ સ્થાપવો નહોતો (ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુના મૃત્યુ પછી થઈ છે), એને તો પ્રેમ સ્થાપવો હતો. પારકાંની પીડા ધોઈ નાખતો કરૂણાસાગર વહેવડાવો હતો.

ઈસુના મિરેકલ્સ કંઈ હીલિંગના નથી, હાર્ટના છે. અને લાઈફમાં સતત નસોમાંલોહીને બદલે ઝેરનું પરિભ્રમણ કરતા લોકો પાસે રોમેન્ટિકમાંથી રોબોટિક બનતી લાઈફને ફિકસ કરવા માટે ‘હોલી-ડે’ની રજા આવતી નથી.

એક ગિફટ ભૂલાઈ જવાની કોમ્પ્યુટરાઈઝડ એરરમાં બચ્ચાંના તુટી જતાં ડ્રીમનું ડૂસકું રજીસ્ટર નથી થતું. એ માટે સમ-સંવેદનથી ધબકતું જીગર ધરાવતો કોઈ ઈન્સાન જોઈએ ! ભપકાદાર હવાઈજહાજથી ન થાય, એ તૂટલીફૂટલી નકામી ગણી ફગાવી દેવાઈ કોઈ લાકડાની સ્લેજગાડીથી થઈ શકે. એવું જ નકામા ગણી કચરાટોપલીમાં ફગાવી દેવાયેલા માણસોનું પણ છે. એટીએમથી ઈમેલ સુધી માણસ બીજા માણસનો સંપર્ક મેળવે છે, પણ સ્પર્શ નહિ! ટેકનોલોજી કંઈ ખરાબ બાબત નથી, પણ એની ગુલામી સારી બાબત નથી. મોબાઈલ સાયલન્ટ થાય, તો માણસનો અવાજ સંભળાય!

એન્ડ ક્રિસ્મસ કિડ્‌સ. બાળકો જન્મે ત્યારે પોતાની આગવી ઓળખ લઈને આવે છે. ત્યારે એ ભગવાનના છે, એના હાથોમાં સલામત છે. રડે છે, હસે છે, શ્વસે છે, જીવે છે. પછી મોટાં થતાં જાય એમ આપણા બીબાંમાં ઢળતા જાય છે. પછી એ રમાડતા શીખી જાય છે, રમતા બંધ થઈ જાય છે! ચાઈલ્ડ ખોવાયું એટલે અંદરથી માઈલ્ડ અને વાઈલ્ડ બેઉ એલીમેન્ટ્‌સ ખોવાયા સમજી લો!

તો સવાલ એ નથી સાન્તાકલોસ છે કે નહિં? સવાલ એ છે કે બાળસહજ હૃદય પાસે અચંબો, આનંદ, આશા છે કે નહિં? એની બંધ આંખોમાં સપના અને ખુલ્લી આંખોમાં માસુમિયત છે કે નહિં? સવાલ “ઇશ” (ઇશ્વર)નો નહિ, “વિશ” (ઇચ્છા)નો છે. બાળકોની ભોળીભોળી વિશ પૂરી કરે, એનું નામ સાન્તાકલોસ. એ ટીચર પણ હોઇ શકે અને પેરન્ટસ પણ!

કદી વિચાર્યું છે કે આ પ્લેનેટ પર કેટલાય ગરીબ, અનાથ, ગ્રામીણ બાળકો હશે, જેમની કેટલીય સાવ નાની નાની સાદી સીધી વિશિઝ પૂરી નથી થતી! એમને માટે ચોકલેટ, કેક, આઇસ્ક્રીમ, પેસ્ટ્રી, કોમિકસ, કાર્ટુન, ટોય, પિકનિક- બઘું જ મિશન ઇમ્પોસિબલ છે. અને એમના સ્માઇલમાં ઇસુનો રોજ પુનરાવતાર (રિઝરેકશન) થતો રહે છે! સેલિબ્રેટ ધ ફેસ્ટિવલ બાય મેઇક ધેમ હેપી, એન્ડ વી કેન બિકમ હેપી ટુ! એમને ખુશ કરો, અને ખુદકુશીને બદલે ખુદ ‘ખુશી’નો પણ અનુભવ કરો, યારો!

* * *

પંદર વર્ષ પહેલાં હાન્સ એન્ડરસન પરના લેખમાં ‘સ્પેકટ્રોમીટર’ કટાર માટે જ એની અદ્દભૂત વાર્તા ‘લિટલ મેચ ગર્લ’નો સંક્ષિપ્ત અનુવાદ કરેલો. એ આંખ જ નહીં- હૃદય ખોલીને વાંચો…..

કાળજું કંપાવે તેવી ટાઢ હતી. જોરદાર બરફવર્ષા વચ્ચે ગાઢ અંધકાર થઇ ગયો હતો. નાતાલના આગલા દિવસની એ સાંજ હતી. શહેર આખું ઉત્સવની, તૈયારીઓમાં વ્યસ્ત હતું, ત્યારે એક નાનકડી ઢીંગલી જેવી માસુમ છોકરી ફાટેલા- તૂટેલાં કપડે અને ઉઘાડે પગે શેરીઓમાં ભટકતી હતી. ‘દિવાસળી લો કોઇ… દિવાસળી’ બોલી બોલીને તેનો સાદ બેસી ગયો હતો. એના હાથમાં થોડી દીવાસળીઓ હતી. થોડીક મેલાઘેલા ઝબ્બામાં હતી. દિવસોથી એણે કંઇ ખાઘું નહોતું. ટાઢમાં એનું શરીર જકડાઇ ગયું હતું. દીવાસળી વેચ્યા વગર ઝુંપડી જેવા ઘેર જાય તો આરામને બદલે બાપનો માર પડે તેમ હતો. પરંતુ, લોકોને ફેન્સી દુકાનો મૂકી એ બાળકી પાસેથી દીવાસળી જેવી તુચ્છ ચીજ લેવામાં રસ નહોતો!

થાકીને લોથ થઇ ગયેલી છોકરી એક મજાના ઘરની દીવાલને ટેકો દઇ બેઠી. બહેર મારી ગયેલા હાથને ગરમાવો આપવા એ દીવાસળી સળગાવે ત્યાં એને ઘરની અંદરના ઠાઠમાઠ, ભાતભાતના ભોજનની રસલ્હાણ, અવનવાં રમકડાં વગેરેનો અહેસાસ થયો. એણે વગર વેચાયેલી પહેલા દીવાસળી સળગાવી અને એને લાગ્યું કે કદી ન ચાખેલી મીઠાઇઓથી થાળી ટેબલ પરથી કૂદકો મારી પોતાની પાસે આવી છે! પણ દીવાસળી હોલવાઇ અને દ્રશ્ય ગાયબ! બીજી દીવાસળી સળગાવી કે અત્યાર સુધી દુકાનોના કાચમાં જ જોયેલા મોંઘા રંગબેરંગી રમકડાંવાળુ ક્રિસ્મસ ટ્રી દેખાયું. પણ જોતજોતાંમાં દીવાસળીના પ્રકાશ સાથે આ દ્રશ્ય ગુમ! પછીની દીવાસળી સળગાવી કે એને પોતાના ગુજરી ગયેલા દાદીમાં સ્મિત કરતાં દેખાયા. છોકરી રડી પડી. એ બોલી… ‘દાદીમા, મને તમારી સાથે એવી જગ્યાએ લઇ જાવ જયાં ભૂખ- તરસ- થાક કે દુઃખો નથી. દીવાસળી પુરી થઇ જશે તો તમેય જતાં રહેશો, જેમ મીઠાઇઓ અને પેલું ક્રિસ્ટમસ ટ્રી જતું રહ્યું!’ એમ બોલી એણે દીવાસળીની આખી ઝુડી સળગાવી નાખી. એના પ્રકાશમાં એ જાણે રાજી થઇને નહાઇ રહી!

સવારે તહેવાર મનાવવા નીકળેલા લોકોએ કોકડું વળી સૂતેલી છોકરીનો નિર્જીવ દેહ જોયો. આજુબાજુ વેરાયેલી દીવાસળીઓ વચ્ચે એ લાશના ચહેરા પર હાસ્ય હતું! લોકોએ એ બિચારીના કમનસીબ પર ભારેખમ શબ્દોમાં અફસોસ પ્રગટ કર્યો પણ એમને ખબર નહોતી કે એ છોકરીએ મરતાં પહેલાં કલ્પનાવિહારમાં કેવો અવર્ણનિય આનંદ માણ્યો હતો.

* * *

કેટલાક આનંદો માત્રો સપનાની કલ્પના બનીને જ થીજી જતાં હોય છે. હકીકત બનતા નથી!

તો?

બી એ ચાઇલ્ડ, મેઇક અ વિશ, રીડરબિરાદર…. અને જો પોસિબલ હોય તો કોઇ બાળકના ખ્વાબ, ખ્વાહિશને પૂરી કરવા ય પ્રયત્ન કરો. એમનું ઉપરવાળા સાથે ડાયરેકટ ડાયલિંગ હોય છે,  આપણને ઘેરબેઠા સાન્તા બનવા મળશે, કોઇ એકાદ લિટલ ગર્લ, બોયના સંજોગોની ટાઢ જો આપણી દિવાસળીના હુંફાળા અજવાળે ઉડે….

……તો ગોડ વિલ સે-

મેરી ક્રિસ્મસ!

 

ફાસ્ટ ફોરવર્ડ

‘જયારે જગતમાં પહેલું બાળક જન્મીને પહેલી વાર હસ્યું, ત્યારે એ હાસ્ય હજારો ટૂકડાઓમાં વહેંચાઇ ગયું! અને એ પરીઓની શરૂઆત હતી! આજે ય નવું બાળક જયારે જન્મે છે, ત્યારે એનું પહેલું હાસ્ય પરી બની જાય છે, માટે દરેક છોકરા કે છોકરી માટે એક પરી તો હોય જ છે!’ (‘પીટર  પાન’માં જેમ્સ મેથ્યુ બેરી)


બાળકો અને પરીલોકની ફેન્ટેસી માટેના લેખો  લખવા મને શૃંગાર અને પ્યાર બાબતના લેખો  લખવા જેટલા જ પ્રિય રહ્યા છે (કેટલાક લોકોને અમુક જ લખાણો યાદ રહી જાય છે, ને આવા ચુકી જાય છે – એ એમનો પ્રોબ્લેમ હશે- મારો નહિ ! :P)….આખી રાત જાગીને એક સપ્તાહ પહેલા દોડતી કારમાં પીળા લેમ્પના અજવાળે આ લેખ ખૂને-જીગરથી લખ્યો હતો. પૂર્તિ તો વર્ષાંતે સ્વાભાવિક ‘ગુડ બાય’ ફીચરને લીધે કેન્સલ થઇ, પણ ક્રિસ્મસની રાત વીત્યા પછી કિડ્સ માટે  આ લેખનો ચાર્મ બિલેટેડ બર્થ ડે જેવો થઇ જાય ! સદનસીબે આ બાબતે મારાથી પણ વધુ સંવેદનશીલ એવા પ્રિય એડિટરસાહેબે કાળજીપૂર્વક આ લેખ અખબારમાં જગ્યાની જબ્બર કટોકટી છતાં લેવડાવ્યો. ક્યાંક કદાચ ના આવ્યો હોય, પણ ખાસ તો બહાર રહેતા ઓન લાઈન વાચકોને  વાંચવા ના મળ્યો અને ફરમાઈશનો ધોધ વછૂટ્યો ! ઘેર બેઠાં આટલું આપવા જેટલી ‘સાન્તાગીરી’ કરી જ શકાય ને આ રાત્રે…એટલે વધુ સજાવટ સાથે મુકું છું. આ વાંચીને વાહવાહી કે ટીકાટિપ્પણ તો ઠીક, પણ ‘કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે’ ની વૃત્તિ પ્રવૃત્તિમાં બદલાય તો મારાં દિલમાં દીવા થશે 🙂 ….અને હા, અહીં બે વિડીયો મુકું છું, એ જોવાનું આળસમાં ટાળી ના દેતા પ્લીઝ. પ્રથમ વિડીયો અનુવાદ કરતી વખતે મને ય રડાવી ગયેલી ‘લિટલ મેચ ગર્લ’ના હૃદયસ્પર્શી એનિમેશન અવતારનો છે. આ ટચૂકડી ફિલ્મ ડીવીડી બોનસ તરીકે ડિઝની (હુ એલ્સ?) સ્ટુડિયોએ બનાવી હતી. મસ્ટ સી. બીજામાં ‘આર્થર ક્રિસ્મસ’નું  મસ્ત ટ્રેલર છે.સાન્તાક્લોઝ અત્યારે દોડમદોડ કરતા અહીં પણ નજર નાખી ફૂમતું ફરકાવતા હશે, અને જીસસ સ્માઈલ આપતા હશે. કેમ? આવું કશું વાંચીને તમારા હ્રદયમાં એ સ્મિતનું સંગીત ગુંજતું નથી? :-“

 

 
 

ઇસુ ખ્રિસ્ત ખરેખર કેવા દેખાતા હતા?

ઉંડાણભરી નિર્મળ આસમાની આંખો… તેજોમય… કપાળ… પાતળા રકતરંગી હોઠ… ખભા સુધી લહેરાતા સુંવાળા વાળના ઝૂલ્ફા… પ્રમાણસરની રતાશ પડતી ત્રિકોણાકાર દાઢી… લાંબુ નાક.. ગૌરવર્ણી ગાલ… સૌમ્ય સ્મિત અને દિવ્ય કરૂણામય આભાનું મિશ્રણ જે ચહેરામાં જોવા મળે, એ ચહેરો કદાચ વિશ્વનો સૌથી પ્રસિઘ્ધ ચહેરો હોઇ શકે. કારણ કે, આ વર્ણન ઇસુ ખ્રિસ્ત યાને જીસસ ક્રાઇસ્ટના મુખારવિંદનું છે. આટલું વાંચતા જ મનોમન આ વિશ્વવિખ્યાત ચહેરો સજીવન થઇને તરવરી ઉઠે! પછી સાકાર થાય લાંબા ઝભ્ભાધારી એક પ્રભાવી દેહની આકૃતિ!

હવે જરા ધારી ધારીને આ લેખ સાથે શરૂઆતમાં જ મુકેલી એકસકલૂઝિવ તસવીરને જુઓ. ઇસ ચહેરે મેં કુછ જાના -પહેચાના સા લગતા હૈ? યા ચહેરા હી અન્જાના સા લગતા હૈ? આ તસવીર કંઇ ખાસ પરિચિત નહિ લાગે. પહેલી નજરે કોઇ કૂતૂહલના ભાવ પ્રગટ કરનાર પ્રાચીન પૃથ્વીવાસીની કે ગામડાના અલગારી ખેડૂતની તસવીર લાગશે. ખાસ વ્યવસ્થિત સજાવટ કે વસ્ત્રો ધારણ ન કરનાર કોઇ ભટકતા વણઝારા કે ફકીરની ઝાંય પણ એમાં મળી શકે. પણ નાતાલ છે એટલે બાય ગોડ, આ તસવીર ઇસુ ખ્રિસ્તની છે!

એટલે કે એ ઇસુ – ખ્રિસ્તનો કોઇ પ્રમાણભૂત ફોટો નથી, પણ વિજ્ઞાનીઓ, કળાકારો અને ટેકનોક્રેટસે તૈયાર કરેલો આ ઇસુનો આજ દિન સુધીનો સૌથી વઘુ વાસ્તવિક, અધિકૃત અને વૈજ્ઞાનિક ચહેરો છે. અને આવો દાવો કંઇ ખ્રિસ્તી વિરોધી સંસ્થાઓનો નહિ, પણ ખ્રિસ્તના સામ્રાજયનો ડંકો દુનિયામાં વગાડનાર બ્રિટનની વર્લ્ડ ફેમસ અને દરેક તથ્યને સત્તર ગળણે ગાળીને પીતી સમાચાર સંસ્થા ‘બીબીસી’નો છે!

આ ચહેરાને જીસસનો સૌથી વઘુ નજીદીકી પ્રમાણભૂત ચહેરો ગણાવીને બીબીસીએ ૧૫ લાખ પાઉન્ડ (રૂપિયાથી ગુણી કાઢજો ને પછી દસ વર્ષનો ફુગાવો ઉમેરજો !) ખર્ચીને ‘સન ઓફ ગોડ’ નામની ડિજીટલ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવીને માં બ્રિટનમાં ૨૦૦૨માં બતાવી પણ દીધી છે. પછી તો ખાસ ન વંચાતા ટેકનીકલ મેગેઝીનોએ પણ આ બાબતના સંશોધન કાર્યના ભારેખમ અહેવાલો પ્રગટ કર્યા છે. એમાં સામાન્ય માણસને મજા પડે એવું કંઇ નથી – સિવાય કે જીસસનો આ બધી કસરતને અંતે તૈયાર થયેલો બ્રાન્ડ ન્યૂ ફેઇસ!

આમ તો ઐતિહાસિક મહાપુરૂષોના ચહેરા અને દેખાવ શ્રઘ્ધાળુઓની કલ્પના પર વઘુ આધારિત હોય છે અને વૈજ્ઞાનિક સચ્ચાઇ પર ઓછા! એનું સહુથી કલાસિક ઉદાહરણ કૃષ્ણનું છે. જેમનું નામ જ ‘શ્યામ’ છે, એવા આ અવતારી પુરૂષ અંગેના કાવ્યાત્મક ગ્રંથોમાં પણ કાનજીને ‘કાળા’ સોઇઝાટકીને કહેવાયા છે. ખુદ કૃષ્ણ કે કૃષ્ણ ચરિત્રના પ્રાચીન ગ્રંથકારોએ આ શ્યામ વર્ણનો સ્વીકાર કર્યો છે. પણ ભગવાન કંઇ કાળા હોય? એટલે ચિત્રકારોએ છટકબારી શોધીને એમને ‘બ્લ્યુ’ યાને વાદળી રંગના બતાવ્યા. પછી ફિલ્મ – ટી.વી.ના પડદે તો મેક – અપના થથેડા સહિત રૂડારૂપાળા હેન્ડસમ કૃષ્ણ સ્થાપિત થઇ ગયા.

‘મહાભારત’ કે ‘રામાયણ’ કાળમાં મોગલ દરબાર જેવા અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો- ઝુમ્મરોના ઠઠારા પણ નહોતા. સ્ત્રીઓ માત્ર કમર નીચેનું કટિવસ્ત્ર પહેરતી. ઉપર કેવળ આભૂષણો કે ખાસ કિસ્સામાં કંચૂકી (બ્લાઉઝની આદિમાતા) પહેરતી. ભવ્યાતિભવ્ય મહાલયોમાં ઝગમગાટ કરતા પથ્થર અને લાકડાની કોતરણીનું મહત્ત્વ વિશેષ હતું. ‘મહાભારત’ના યુદ્ધ વખતે તો કૃષ્ણ-અર્જુન બધા ઓફિશ્યલી વૃદ્ધ થઈ ગયા હતા!

શ્યામ બેનેગલે એની અફલાતૂન ટી.વી. શ્રેણી ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં આ સલીમ ધાઉસ (‘સોલ્જર’ ફિલ્મનો વિલન, ‘સુબહા’ ટીવીસિરિયલનો નાયક)ને કૃષ્ણ અને ઓમપુરીને દુર્યોધન તરીકે લઈને સાદાસીધા કળાત્મક રાજદરબાર દર્શાવતો એપિસોડ બનાવેલો. પ્રચલિત લોકમાન્યતા વિરૂદ્ધનું ચિત્રણ પ્રજાને જરાય પસંદ નહોતુ પડયું! (જુઓ યુદ્ધ પહેલા કૌરવો સાથે ‘વિષ્ટિ’ (negotiation) નું ચિત્રણ નીચેના વિડીયોમાં)  હજુય દાઢીધારી શિવ કરતા ક્લીન શેવન શંકર જ પોપ્યુલર છે. આસ્થાળુ બધેય ધોળા! હિન્દુ હોય, મુસ્લીમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય!

શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર હોતી નથી. અહીં વાત કોઈ ધર્મની શ્રદ્ધાની છે જ નહિ. વાત કેવળ ઈતિહાસની છે, જ્યાં સબૂતોથી વાત સાબિત થતી હોય છે. ખ્રિસ્તી શોધકોએ જ ઈસુની અસલી ઓળખની તલાશ કરી છે. પણ રામકૃષ્ણ પરમહંસને મળતો આવતો આ ચહેરો કેવી રીતે બન્યો, વાત માંડતા પહેલાં અત્યારે સત્તાવાર ગણાતો ઇસુનો ચહેરો કેવી રીતે બન્યો એની તવારિખ ટૂંકમાં જોઈ લઈએ. જે ચહેરાને ‘જાદૂગર’ ફિલ્મમાં અમિતાભે ભજવી બતાવેલો અને હાલ ‘આર્ટ ઓફ લિવિંગ’વાળા રવિશંકરશ્રી જેને ‘હાઈલાઈટ’ કરી રહ્યા છે, એવા ઈસુના લોકપ્રિય ચહેરાનું મૂળ અને કુળ શું છે? લેટસ ફાઈન્ડ આઉટ. (એ પહેલા માર્ટીન સ્કોર્સીસની વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ ફિલ્મમાં યુવાન ઇસુનો થોડો ઓફબીટ દેખાવ અહીં વિડીયોમાં જોઈ શકો છો )

આમ તો ઈસુના દેખાવ કે વ્યક્તિત્વની કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ઈસુના જીવન અને ચરિત્રનો મુખ્ય સ્ત્રોત બાઈબલ છે. બાઈબલમાં પણ ‘ન્યુ ટેસ્ટામેન્ટ’નો વિભાગ છે. એમાંય ‘ગોસ્પેલ’ નામે ઓળખાતા ૪ ખંડ સૌથી વઘુ મહત્વપૂર્ણ ગણાય છે, જે સંત મેથ્યુ, સંત માર્ક, સંત લ્યૂક અને સંત જોન નામના ઈસુના ૪ શિષ્યોએ લખ્યા છે. બાકીના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’વાળા ઈઝરાયેલી યહૂદીઓની હિબ્રુ ભાષામાં લખાયેલા ભાગમાં પુરાતન કથાઓ અને મસીહાના આગમનની એંધાણીઓ છે.

ગ્રીક ભાષામાં ‘શુભ સમાચાર’ એવો અર્થ ધરાવતા ‘ગોસ્પેલ’માં પણ ફોક્સ ઈસુના વિચારો- ઉપદેશ પર છે. ઈસુના જન્મ અને મૃત્યુ પહેલાના થોડા વર્ષો સિવાય એમના જીવનમાં બનેલી અન્ય ઘટનાઓ વિશે કે તારૂણ્ય અને યુવાની વિશે ખાસ ઉલ્લેખ નથી. શારીરિક વર્ણનની તો વાત જ ક્યાં કરવી? એ વખતે ઈસુ ચોક્કસ સમુદાય સિવાય ખાસ વિખ્યાત પણ નહોતા. માટે પ્રારંભકાળના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ‘ક્રોસ’ જેવા પ્રતીકોની વઘુ પૂજા કરતા.

veronica's veil art from 17th century

ઈસુની અત્યારે મશહૂર ઈમેજીઝ મુખ્યત્વે મઘ્યયુગીન ચર્ચોમાંથી ‘કોપી’ કરવામાં આવી છે. એ માટેનો ‘પ્રાઈમ સોર્સ’ ૧૨મી સદીમાં મળી આવેલ ‘વેરોનિકાનો પડદો’ ગણાતો હતો. એ અગાઉ વર્જીન મેરી અને બાળકનું વિખ્યાત ચિત્ર ઈસુના પટ્ટશિષ્ય સેઈન્ટ લ્યુકે બનાવી રોમમાં મૂક્યું; પરંતુ વેરોનિકાનો પડદો વળી જુદી જ માયા હતી. ઈસુને માથે ઝાંખરાનો મુગટ પહેરાવી ક્રોસ ઉપાડીને વધસ્તંભ પર લઈ જવામાં આવ્યા, ત્યારે વેરોનિકા નામની એક સેવકશિષ્યા એની સાથે ચાલતી હતી. (એક માન્યતા મુજબ ઈસુએ ચમત્કારિક રીતે બિમારીમાંથી સજી કરી એ સ્ત્રીનું નામ વેરોનિકા હતું) વેરોનિકા ઈસુના ચહેરા પરથી નીતરતો પસીનો અને કાંટાને કારણે કપાળ પરથી દડતું લોહી એક પડદાનો ગમછો બનાવી, એનાથી વારંવાર લૂછતી હતી. આ કારણે એ પડદા પર લોહી અને પરસેવાની કાયમી છાપ બની, જેમાં ઈસુના ચહેરાની રેખાઓ અંકાઈ ગયેલી. આ પડદાનો ટૂકડો વેટિકનમાં ૧૨મી સદીમાં આવ્યો ત્યારે એ ઈસુના ચહેરાનો પ્રગટ પુરાવો મનાયો. પણ ઈ.સ. ૧૫૨૭ માં રોમ ભાંગ્યું ત્યારે આ સ્મરણાવશેષ નાશ પામ્યો.

pieta

બાદમાં ઈ.સ. ૧૪૯૮-૯૯માં વિખ્યાત કળાકાર માઈકલ એન્જેલોએ એના સર્જન દ્વારા ઈસુનો આજે અનિવાર્ય ગણાતો ચહેરો સ્થાપિત કર્યો. એના ‘પિએતા’  શિલ્પમાં વાંકડિયા વાળ, સફાઈદાર દાઢી અને મૃદુ ભાવવાળા ઈસુ પ્રગટ થયા. એ અરસામાં હિનોમીમોસ નામના ચિત્રકારે પણ ‘ક્રાઈસ્ટ યોકડ’ નામના ચિત્રમાં ઈસુનું પ્રેમાળ શાંત વદન પેશ કર્યું.

બસ, ફિકર તો નીકલ પડી! રેનેસાં (નવજાગરણ) યુગના તમામ ચિત્રકારો માટે લાંબા વાળ, સુરેખ દાઢી અને સ્હેજ ફિક્કો લાગે એવો નાજુક ચહેરો જાણે નિયમ બની ગયા. ૧૬મી સદીમાં હાન્સ હોલ્બીને વળી પર્શિયન યાને ઈરાની શૈલીના ઈસુ ચીતર્યા. કારોવાગિયો નામના એક ચિત્રકારે વળી દાઢી વિનાના સફાચટ ચહેરાવાળા ઈસુની કલ્પના કરી (રસ પડે એવી વાત છે, જરા આંખો મીંચીને મગજ દોડાવો! નહિ તો આગળ મુકેલું ચિત્ર જોઈ લેજો) તો મેથિયસ ગ્રનેવાલ્ડ નામના ચિત્રકારે પ્રથમવાર બ્લોન્ડ યાને સોનેરી વાળવાળા ગોરા (વ્હાઇટમેન) ઈસુ રજુ કર્યાં.

jesus without beared

અને આવ્યો લિયોનાર્દો દ વિન્ચી (ઓફ મોનાલિસાફેમ)નું યાદગાર ચિત્ર ‘લાસ્ટ સપર’! જાણે હૂબહૂ લેવાયેલો ફોટોગ્રાફ હોય એવા આ ચિત્રમાં ઈસુની ઢળતી આંખો, કોમળ ચહેરો અને ખભા સુધી પથરાતા સુંવાળા વાળ ઈશ્વરીય દૈવીતત્ત્વના પ્રતીક બની ગયા! ધાર્મિક ક્રિશ્ચિયન ચિત્રકારોએ પછી રૂપાળા, ઝૂલ્ફાદાર, દાઢીધારી અને ભૂરી આંખોવાળા સ્નેહમૂર્તિ ઈસુને આજદિન સુધી અમર કરી દીધા છે. વિલિયમ ડિફોએ ‘લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ’માં ફરી ઈસુને કથ્થાઈને બદલે સોનેરી કેશવાળા દર્શાવ્યા… પણ ઈસુનું મુખ જડબેસલાક રીતે ગોઠવાઈ ગયું.

shroud of turin on photo negative

એમાં વળી ૧૯મી સદીમાં ‘તુરીન શ્રાઉડ’ તરીકે ઓળખાતું ઈસુના કફનનું કાપડ મળ્યું, જે ૧૪મી સદીમાં ફ્રાન્સના એક લશ્કરી અફસરે તૂર્કીના ઈસ્તંબૂલમાંથી શોઘ્યા બાદ ખાનગી માલિકીમાં ગાયબ થઈ ગયેલું. હાલ ચર્ચ પાસે રહેલ આ કફનમાં ઈસુનો મૃતદેહ વીંટાયેલો, એમ મનાય છે. લાંબા સમય સુધી એમાં દેહ રહ્યો હોઈ, એના પર લોહીના ડાઘ અને ચહેરા-શરીરની આકૃતિ અંકાઈ ગઈ છે. આ કાપડની સત્યતા અંગે વિવાદ ચાલે છે. પણ એને અધિકૃત માનીએ તો ઈસુની ઉંચાઈ ૫ ફૂટ ૧૧ ઈંચથી ૬ ફૂટ ૨ ઈંચ વચ્ચે હોવાનું નક્કી મનાય છે. એમાં સ્પષ્ટ ચહેરો દેખાતો નથી, પણ દાઢીનો અણસાર જરૂર મળે છે. તો પછી ઈસુનો આ અજાણ્યો લાગતો ચહેરો કયાંથી આવ્યો?

આ કાલ્પનીક ચિત્ર પાછળ આઘુનીક ફોરેન્સીક સાયન્સ, પ્રાચીન કળા કૃતિઓ, કોમ્પ્યુટર, નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ અને રસાયણ જ્ઞાનનો વાસ્તવિક સંગમ છૂપાયેલો છે! ઉત્ખનન (ખોદકામ) કરતાં મળી આવેલ ૨,૦૦૦ વર્ષ જૂની એક યહૂદીની ખોપરીની સાથે ૬ઠ્ઠી સદીમાં રચાયેલા ચિત્રોની ઝીણી ઝીણી વિગતોનો સંગમ કરાયો છે. એ વખતના આછાપાતળા સાંયોગિક પુરાવા અને પુરાણી હસ્તલિપિઓના વર્ણનોના આધારે જેમ અપરાધીનો ચહેરો પોલિસ તંત્ર તૈયાર કરે, એમ નિષ્ણાતોએ અહીં એમની નજરે દેખાતા હોય એવા ‘ઇશ્વરપુત્ર’ (જોકે, બાઇબલમાં ઘણી વાર ઇસુએ પોતાને ‘સન ઓફ મેન’ તરીકે પણ ઓળખાવ્યા છે)ની તસ્વીર બનાવી.

ઇસુ જન્મે યહૂદી હતા. માટે યહૂદીઓની આનુવંશિક લાક્ષણિકતાઓને ઘ્યાનમાં રખાઇ. ‘ક્રૂસેડ’ બ્રાન્ડ ધર્મયુદ્ધો પછી ગોરી ચામડીના ન હોય, એ ખ્રિસ્તવિરોધી જ હોય એવી લોકમાન્યતા યુરોપમાં પ્રચલિત હતી. માટે બધાએ ઇસુને ગોરા ચીતર્યા. પણ રણપ્રદેશમાં ફરતા ભરવાડની ત્વચા તડકો અને ઘૂળ ખાઇને તાંબાવરણી બની ગઇ હોય! માટે નવા ચહેરામાં ચામડીનો રંગ ઘેરો કરાયો.

યહૂદીઓની કદ-કાઠી ગ્રીકો જેવી ભવ્ય નહીં પણ સ્હેજ બેઠી દડીની હોય છે. વળી, એ કાળમાં રોમનો લાંબા વાળ રાખતા, બેથેલહેમ -નાઝરથ વિસ્તારના સામાન્ય માણસો નહીં ! માટે વાળ ટૂંકા થયા. સતત રખડપટ્ટી કરનાર શ્રમજીવીના વાળ લિસ્સા લ્હેરાયેલા ન હોય…. એ માટે ગૂંચળાવાળા દર્શાવાયા. જીનેટિકસના આધારે નાક સ્ત્રૈણને બદલે કડક ચીતરવામાં આવ્યું.

કાળની થપાટો ખાઇને ખડતલ બનેલ આદમીના ચહેરા પર કૂમાશ નહીં પણ સ્નાયુબદ્ધ, સખતાઇ હોય, એમ માનીને ગાલ ભરાવદાર અને આંખો ઉંડી બતાવાઇ. ચહેરા પર ‘પરમ શાંતિ’ના રોમેન્ટિક ભાવપ્રદર્શનને બદલે ‘નિર્દોષ વિસ્મય’ના બાળસહજ ભોળપણનું નિરૂપણ કરાયું. વિદ્વાનોના મતે ઇઝરાયેલના જેરૂશાલેમમાં આજેય આ આકૃતિને મળતી આવતી વ્યકિતઓ મળી શકે છે! આ તજ્‌જ્ઞોએ નાઝીઓની ગેસ ચેમ્બરમાં કેદીઓને થયેલા અનુભવોના આધારે આવી સ્થિતિમાં પરસેવાને બદલે લોહી પણ ઝમી શકે છે, એમ સાબિત કરીને એ દંતકથાને પુષ્ટિ આપી, પણ દિવ્ય ચહેરાવાળી દંતકથાને તોડી પાડી!

જે કેવળ આંધળો અનુયાયી નહિ, પણ ખરો ખ્રિસ્તી છે, એને કશી શંકા-કુશંકા થવાની નથી. ઇસુના મુખ કરતાં એમના મોંમાંથી નીકળેલા સદ્‌ભાવના શબ્દો વઘુ અણમોલ છે. જે ભક્તિ નહિ, પણ જીસસને પામ્યો છે, એની શાંતિ અને કરૂણાસભર નજરોમાં પૃથ્વીનો પ્રત્યેક ચહેરો ઇસુનો ચહેરો છે. ઇસુ જીવતા હોત, તો કહેતઃ ‘કોઇપણ માણસને જુઓ, અને એમનામાં મને નિહાળો!’

મેરી ક્રિસમસ.

ફાસ્ટ ફોરવર્ડ

લંડનના ગાર્ડિયન અખબારમાં નાતાલની ઉજવણીરૂપે ‘ઇસુ કોણ હતા?’ એની કટાક્ષિકા પ્રગટ થઇ છે. એમાં રમૂજના રંગમાં વાસ્તવિક વેદનાની વેધકતા ભળેલી છેઃ જેમ કે

(એ) ‘ઇસુ કાળા નીગ્રો હતા.’

કારણ એકઃ એમને કદી સાચો ન્યાય ન મળ્યો!

(બી) ‘ઇસુ યહૂદી હતા’

કારણ બેઃ (૧) એ ૩૩ વર્ષ સુધી ઘેર રહી, પછી પિતાના ધંધામાં જોડાઇ ગયેલા! (૨) એ એમની માતાને કુંવારી માનતા, અને એમની માતા એમના પુત્રને ભગવાન માનતી!

(સી) ‘ઇસુ સ્ત્રી હતા’

કારણ ત્રણ : (૧) એમણે ટોળાને મિનિટોમાં વગર સામાને ભોજન જમાડયા, (૨) ઢગલો પુરૂષોને એમણે એવો સંદેશો આપ્યો, જે પુરૂષોને ઝટ સમજાયો નહીં! (૩) મૃત્યુ પછી પણ એમણે ઉઠવું, પડયું કારણ કે ઘણું કામ એમની માથે બાકી હતું ! 😛

# ૯ વર્ષ અગાઉનો લેખ ફરી નાતાલ ટાણે ઝબકી ગયો અને વધુ સારી સજાવટ સાથે રજુ થઇ શક્યો. હજુ યે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (રાજકુમાર સંતોષી )માં  કે ‘પેશન ઓફ  ધ ક્રાઈસ્ટ’ (મેલ ગિબ્સન)માં પરંપરાગત ચહેરાવાળા જ જીસસ રજુ થાય છે. લોકમાનસમાં જો કલ્પના છવાઈ જાય, તો વાસ્તવ એને હંફાવી ના શકે એનો આથી વધુ મોટો પુરાવો શો હોઈ શકે? આ કળાનો વિજ્ઞાન પર વિજય હશે? રજાઓમાં વિચારજો.

 
23 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 25, 2011 in art & literature, heritage, history, religion, science

 

માયાવી મોલ : માલામાલ સે કંગાલ તક

લેખ છપાયા કે તરત બ્લોગ પર ના મુકવા, એ મારી પોલીસી આ પ્લેનેટના નિયમિત પ્રવાસીઓ માટે અજાણી નથી. પરંતુ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આ વખતનું સ્પેકટ્રોમીટર ગુજરાત સમાચારની સાઈટ પર વંચાતું ના હોવાની રીડરબિરાદરોએ એક્રોસ ધ ગ્લોબ ફરિયાદ કરી (આ છે ગ્લોબલાઇઝેશન !  😛 ) હું પણ બહારગામ હોઉં છું, મોટા ભાગે. તો હાજર છે એ લેખ. એ વાંચતા પહેલા એના ‘પ્રિક્વલ’ સમો આ બ્લોગ પરનો જ લેખ ના વાંચ્યો હોય તો જરૂરથી જોઈ જવો. અને ફેસબુક પર ચાલેલીચર્ચા પણ- અલબત્ત, જેમાં જીંજરા કરતા ફોતરાં વધુ છે 😀

૧૯૭૮ની એક હોરર ફિલ્મ હતી ‘ડોન ઓન ધ ડેડ’ (મૃતદેહોનું પ્રભાત) રાબેતા મુજબ દુનિયાનો કબ્જો માણસમાંથી માનવભક્ષી થઇ ગયેલા ઝોમ્બીઓએ લઇ લીધો હતો. જે થોડા નોર્મલ નર-નારીઓ બચ્યા હતા, એમને રાક્ષસોથી બચવા એવી જગ્યાએ સંતાવું પડે તેમ હતું જયાં પાણી, ખોરાક, જરૂરી સામાન, ઇંધણ વગેરે મળી રહે. શહેરની બહાર એ ન મળે, માટે એ લોકોએ એક મોલમાં છુપાવાનું નક્કી કર્યું.

એ લોકો વેરાન પડેલા મોલમાં આવ્યા, ત્યારે હોરર ફિલ્મની ગભરાયેલી હીરોઇને કહ્યું ‘તમે બધા આ જગ્યાથી હિપ્નોટાઇઝડ થઇ ગયા છો. એ એટલી ચોખ્ખી અને ઝગમગતી છે કે તમે જોઇ શકતા નથી કે એ એક જેલ છે!’

કમનસીબે, એનો ડર ત્યારે ફિલ્મમાં સાચો પડયો, અને પોતાના અગાઉના ઇન્સ્ટિન્કટથી દોરવાયેલા ઝોમ્બીઓ વ્યસનીની માફક મોલમાં લટાર મારતા થઇ ગયા!

* * *

બીજા વિશ્વયુદ્ધે દુનિયા પાસેથી જે છીનવ્યું છે, એનો અંદાજ તો ઘણાંને છે, પણ જે આપ્યું છે એ અજાણ રહી ગયું છે. એને લીધે ફાટી નીકળેલી સ્પેસ વોર સેટેલાઇટ સુધી પહોંચી. સંરક્ષણની વધતી ચોકસાઇમાં ઇન્ટરનેટ આવ્યું. મોડર્ન મેનેજમેન્ટ કે સ્ટોરકીપિંગની થિયરીઝ આવી. એવી બીજી ઘણી બાબતો સાથે પાછલા દરવાજેથી મોલ પણ આવ્યા.

અફ કોર્સ, ઇનડાયરેકટલી. હિટલરના નાઝીઓએ કબ્જે કરેલ વિએનામાંથી એક યહૂદી વિકટર ગ્રુએન રેફયુજી તરીકે અમેરિકામાં આવ્યો. એક માણસ ધારે તો દુનિયા પોતાની રચીને બહારની દુનિયા કેવી રીતે બદલાવી શકે, આઇડિયાના જોરે લાઇફને ટવીસ્ટ આપી શકે, એનો વઘુ એક પુરાવો એટલે વિકટર ગ્રુએન. જો આ માણસ ન હોત, તો દિવસોની રાડારાડ પછી અને ભવિષ્યમાં જનતાના પૈસા બચાવવાના નામે એના પૈસા વર્તમાનમાં જ બરબાદ કર્યા પછી ચાલતી એફડીઆઇ ઇન રિટેઇલિંગવાળી ડિબેટે આટલું જોર પણ ન પકડયું હોત. એઝ ઓલ્વેઝ, કન્ફર્મેશનને બદલે વેઇટિંગ બાસ્કેટમાં ફેંકાઇ ગયેલા આ મુદ્દા પછી પણ આપણે ત્યાં એક સીધોસાદો બેઝિક કવેશ્ચન ભલભલા પંડિતોને (થેન્કસ ટુ અવર અડિયલ એજયુકેશન સીસ્ટમ) થયો નહિ, કે મોલને બદલે ફકત વોલમાર્ટ પૂરતા હાયવોયમાં જ ફેરવાઇ ગયેલું આ મોલ કલ્ચર શરૂ કેવી રીતે થયું? કયારે થયું?

સો લેટ્‌સ ગેટ બેક ટુ સ્કવેર વન. વિકટર ગ્રુએન યુરોપથી અમેરિકા આવ્યો, ત્યારે એ છેલછોગાળો કહી શકાય એવો રંગીન તબિયતનો આદમી હતો. પહેલાં તો એણે એક કેબ્રે ડાન્સનું થિએટર શરૂ કરેલું, જે ધબ્બાય નમઃ થઇ ગયું. પછી એણે વળી ન્યુયોર્કમાં પોતાના જેવા વિદેશથી આવેલા વસાહતીઓ (ઇમિગ્રન્ટસ) માટે શોપ્સ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. ૧૯૩૦ની મંદી અને યુદ્ધમાંથી બેઠા થઇ રહેલા અમેરિકામાં શોપ ડિઝાઇનમાં ગ્રુએને એક સિમ્પલ માસ્ટર સ્ટ્રોકથી નવી ક્રાંતિ કરી. એ દુકાનોના ડિસ્પ્લે ‘આય લેવલ’ યાને ચાલતા ચાલતા આપોઆપ નજરમાં આવે એટલી જ હાઇટ પર રખાવતો હતો. એ જમાનાના એના ટીકાકારો એની દુકાનોને ‘માઉસટ્રેપ’ યાને ગ્રાહક નામના ઉંદરને ડિસ્પ્લેથી લલચાવીને પકડવાનું પિંજરૂં કહેતા હતાં!

એ જમાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનો હતો. મહાકાય મોલ તો થિંક બિગમાં માનતા અમેરિકાના ય સપનામાં નહોતા. ૧૯૪૭માં કેલિફોર્નિયા એલ.એ.માં એક શોપિંગ સેન્ટર ખુલ્યું હતું. જેમાં બે મોટા સ્ટોર, કેટલીક નાની દુકાનો અને એક કાર પાર્ક હતો. પણ એ તો કેલિફોર્નિયાના ગરમ હવામાન મુજબ ઓપનએર હતો. (ત્યાં વરસાદ અને ઠંડી બંને ઓછી પડે.)

પણ ગ્રુએને ૧૯૫૬માં મિનેસોટા સ્ટેટમાં સાઉથડેલ ખાતે જે શોપિંગ કોમ્પ્લેકસ બનાવ્યું એમાં ઉપર છાપરૂં હતું. ગ્રાઉન્ડ ફલોર છોડીને સીધા જ ફર્સ્ટ ફલોર પર જવાય તેવો શોપિંગ રોડ હતો. નીચી બાલ્કનીમાંથી ચકડોળની પાલખીમાંથી મેળો દેખાય એમ વ્યુ બધી દુકાનોનો આવતો હતો. વિશાળ પાર્કિંગને અલગ-અલગ પ્રાણીઓના ચિત્રો મુકી ઝોનમાં વહેંચી દેવાયું હતું. યુરોપના સિટી સેન્ટરની ભૂગોળને ગ્રુએન અમેરિકાના કોમર્સમાં ભેળવી રહ્યો હતો. આ હતો દુનિયાનો પહલો શોપિંગ મોલ!

એ વખતે આપણા ગામડા અને મહાનગરો દેખીતી રીતે જ અલગ પડે છે, એવું જ અમેરિકામાં હતું. સબર્બ યાને પરાં / ઉપનગરોમાં ગુ્રએને મેટ્રો સિટીની લકઝરીનો અહેસાસ આપ્યો હતો. ગ્રુએને ચુસ્તપણે પોતાની ઇમારતોને ટ્રાફિકના ઘોંઘાટ અને ખીચોખચ પાર્ક થતી કાર્સથી મુક્ત રાખી હતી. આખા સ્ટ્રકચરને સેન્ટ્રલી એરકન્ડીશન્ડ બનાવી, ૨૪ ડિગ્રીના કૂલિંગ પર સેટ કરાયું હતું. ઇનફેકટ, એની જાહેરાતમાં જ લખવામાં આવેલું ‘ઇટર્નલ સ્પ્રિંગ’ (શાશ્વત વસંત) અંદર જળવાયેલી છે!

ગ્રુએનનો વિચાર જો કે શેરીઓની દુકાનોને ખત્મ કરવાનો નહોતો. રસ્તા પર ઉભા રહેતાં ફેરિયાઓ / રેંકડીઓ પાસે ખાવાપીવા કે વાપરવાની હલકી ગુણવત્તાની ચીજો મળે, તેની સામે એક જ જગ્યાએ વિશ્વાસપાત્ર વસ્તુઓ આપવાનો હતો. ગ્રુએનના મનમાં મોલ ફકત ખરીદ- વેંચાણને બદલે પરિવાર સાથે હરવા-ફરવા અને બેસવાનો ‘માહોલ’ બને, એવો બગીચાનુમા ઓપ્શન આપવાનો ખ્યાલ હતો. મિત્રો મોલ પર કોફી પીતા પીતા કોઇ બૂક કે ફિલ્મ પર ડિબેટ કરતા હોય, એ માટે જ તેણે એન્ટ્રી અને ખરીદી વિના પણ બેસવાનું મફત અને અનલિમિટેડ રાખ્યું હતું.

૧૯૭૦ના દાયકામાં તો ગ્રુએને આખા અમેરિકામાં પોતાના વિચારનો પ્રચાર કરી નાખ્યો હતો. એ વખતે વળી અમેરિકામાં બે ઘટના બની, નવા વિશાળ બિલ્ડીંગના ખર્ચને ટેકસમાં ખર્ચ બતાવીને બાદ કરાતો હતો. અને પ્રોપર્ટી ટેકસના સુધારાને લીધે ઘટેલી આવક સરભર કરવા રાજય સરકારો નવા નવા ધંધાઓને મખમલી જાજમ પાથરીને બોલાવવા ઉત્સુક હતી. મોલ ગુજરાતના હાઇવે પર આડેધડ ગાંડા બાવળ ફેલાયા છે, એમ વિસ્તરતા ગયા.

યુરોપીઅન આઈડિયા અમેરિકન પેકેજીંગમાં આવવાને લીધે મોલ્સ યુરોપમાં ય અમેરિકન જ ગણાયા, અને ફેલાયા જમાનો એવો આવ્યો કે મોલ અમેરિકન કલ્ચરનો ભાગ બની ગયા. મોલમાં જ ખુલતી ફૂડ ચેઈન માટે નવી વાનગીઓ બનવા લાગી. મોલમાં રોલરકોસ્ટરથી લઈને આઈસ્કીઈંગ સુધીની રમતો રમવા લાગી. મોલ પર પોપગીતો રચાયા. ફિલ્મોના શૂટિંગના એ બેકડ્રોપ લોકેશન બન્યા! વોલમાર્ટ જેવી ચેઈન એ ફકત ગ્રોસરી સ્ટોર યાને કરિયાણાની દુકાનનું / નવોલ્ટી સ્ટોરનું સુપરમાર્કેટ સ્વરૂપ છે. જેનાં એ પહોળા અને પથરાયેલી હોય, અને જથ્થાબંધ ખરીદીને લીધે ખેડૂતોને કસીને ગ્રાહકને ફાયદો કરાવતી હોય. જયારે મોલ એ કેવળ ગ્રોસરી સુપરમાર્કેટ નથી. બ્રાન્ડેડ શોટસ, અઢળક આઈટેમ્સનો એક સ્ટાઈલિશ, મોર્ડન, ઈન્ડોર લોકમેળો છે.

પણ પરિસ્થિતિ બદલાતી ગઈ. કંપનીઓએ ડાયરેકટ રિટેઈલ આઉટલેટસ શરૂ કર્યાં. અમુક ખાસ વસ્તુઓ (જૂનાં, રમકડાં, ફર્નિચર)ના જાયન્ટ સ્ટોર શરૂ થયા. ઓનલાઈન શોપિંગ આવ્યું. શોપિંગ એજેન્ડા વિનાના ટીનેજર્સ કસ્ટમર તરીકે આવ્યા. અને ભૂતકાળમાં અનેક વખત બન્યું છે, તેમ બહારની હરીફાઈ કરતાં મોલ પોતાના જ પાપે વઘુ ખતમ થતા ગયા – અતિરેકને લીધે!

ક્રિકેટનો કસ કાઢવાના નામે એનો રસ જ વઘુ ને વઘુ મેચો રમાડીને ખતમ કરવામાં આવે, એમ અમેરિકામાં મોલની સંખ્યામાં બેફામ વસતિવધારો થયો! (આ જ ભારતમાં થઈ રહ્યું છે, થવાનું છે!) ‘ગ્રીડ ઈઝ ગુડ’ના સિઘ્ધાંતે તેજીમાં તંદુરસ્તી મેળવવા બધા જ તૂટી પડયા એક મોલમાંથી બહાર નીકળી ગલીમાંથી વળો ત્યાં વળાંક પર બીજો મોલ હોય! મંદી આવે એ પહેલા જ મોલ એકબીજાને ફાડી ખાવા લાગ્યા. કોઈને ભવ્ય ઝાકળઝમાળ પછી પૂરતી આવક થાય જ નહિ! અને એસી/ લાઈટિંગનો ખર્ચ તો ચડે જ! થોડાક કમાયા. કેટલાક ટકયા. બાકીના વીંખાયા!

મોલના માહોલમાં આખી એક વેસ્ટર્ન જનરેશન એવી તો ઉછરી છે કે ડેડમોલ્સ ડોટકોમ જેવી સાઈટસ પર પોતાનો ગમતો મોલ બંધ થવાથી શ્રઘ્ધાંજલિઓ જોવા મળે! એ ફેવરિટ મોલમાં નાના હતા ત્યારે કેવા જતાં, કેમ ગમતી ગર્લ્ફેન્ડને પ્રપોઝ કરેલું, કેવું પહેલું વોલેટ કે પર્સ લીધેલું, કયારે ત્યાં પહેલી વેકેશન જોબ કરેલી એવા સંવેદનશીલ સ્મરણો લોકો લખવા લાગ્યા! ગમતા મોલમાટે અંદરોઅંદર ઝગડી પડે કોઈ વળી ફેવરિટ મોલ સ્વર્ગસ્થ થશે, એવી ખબર હોત તો બીજેથી ખરીદી ન કરતની પોક મૂકે!

જો કે, અમેરિકન મંદી વચ્ચે રિક કારૂસો નામનો એક આદમી ગ્રુએનની માફકમોલ – કલ્ચરમાં ક્રાંતિ કરવા મેદાન પડયો છે. એ જુદા પ્રકારના મોલ બનાવે છે, જેને એ લાઈફસ્ટાઈલ સેન્ટર્સ કહે છે. ગુ્રએને ‘ઓપન ટુ સ્કાય’ શોપીંગને ઈન્ડોર કર્યું. રિક એને ફરી ઓપન ટુ સ્કાય કરે છે. સ્ટ્રીટની ‘ડાઉનટાઉન’ ઈફેકટ આપે છે. ઉત્સવ જેવો માહોલ ઉભો કરી ખરીદી માટેનો હોલિડે મૂડ બનાવે છે. કયાંક એકથી બીજી દુકાને ઘોડાગાડીમાં બેસીને જવાનું, તો કયાંક સ્ટુડન્ટસ રીડિંગ કરી શકે એ માટેની બેઠકવ્યવસ્થા! રિક માને છે કે, ફકત પ્રોફિટ પોઈન્ટ નહિ, પણ આવા સેન્ટર સોશ્યલ મીટિંગ પોઈન્ટ બને, તો જ ટકી શકશે.

આમ પણ, કે મજૂરીના કોઈ કાયદાનું પાલન ન કરાવતું (અને છતાં મજૂરતરફી કોમ્યુનિસ્ટ કહેવાતું!) ચીન યુરોપ અમેરિકાની ઉત્પાદકતાને જોરજબરદસ્તીથી ઘરઆંગણે કરાવેલા મફતિયા ભાવના (ઘણી વાર તકલાદી) પ્રોડકશનથી ટાયનોસોરસ રેકસના જડબાની માફક ભચડી રહ્યું છે!

* * *

ભારતીય રિટેઈલ માર્કેટમાં એફડીઆઈ હવે આઉટડેટેડ ટોપિક બની ગઈ છે. પણ આંખો મીંચી મીંચી દેવાથી તોફાન અટકતું નથી. આપણી ટ્રેજેડી એ છે કે, આપણે નાની નાની બાબતોને દૂરંદેશીથી ‘મેનેજ’કરી શકતા નથી, એટલે મોટા મોટા ખંભાતી તાળા ઝીંકવાના ‘કંટ્રોલ’ને જ મેનેજમેન્ટ માનીએ છીએ! આ સુધારા નહિ, પ્લાયનવાદ છે. કેન્યા, ઝિમ્બાબ્વે, કેનેડા, બાંગ્લાદેશ સામે જ મેચો રમીને ચેમ્પીયન બનવા જેવી લુચ્ચાઈ છે. ત્રેવડ હોય તો રમોને બાઉન્સી, સ્પોર્ટિંગ, સ્વિંગિંગ વિકેટ પર!

એ ખરું કે આપણને ફોરેન ટેકનોલોજીની ખાસ રિટેઈલ સેકટરમાં જરૂર નથી. પણ જરૂર છે કોમ્પિટિશનને લીધે સુધરતી સર્વિસ એન્ડ કવોલિટીની ! આપણે મહાનતાના ગમે તેટલા ફાંકા મારીએ, અંદરથી આપણે ડરપોક છીએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સલામતીની માનસિકતાના પ્રતિબિંબ જેવી અનામત, સબસિડી અને એરેન્જડ મેરેજની પ્રથા છે. વી ડોન્ટ લાઈક ન્યુ એડવેન્ચર, રિસ્ક. કોઈ પણ દેશ માટે ૬૦ વર્ષ આંતરિક તાકાતની ધાર કાઢવા માટે પૂરતો સમય ગણાય. એને આપણે કામચોરી, ગ્રાહકોના શોષણ, લુચ્ચાઇ, આળસ, ભ્રષ્ટાચારમાં રીતસર વેડફી નાખ્યો છે, અને હવે આપણી જાતની આત્મખોજ કરવાને બદલે વિદેશી કંપનીઓને રાક્ષસ ચીતરવામાં તૂટી પડીએ છીએ. એવું તે કેવું સ્વદેશી જે ફકત ૩૦ શહેરોમાં, ૧૦૦% નહિ  – એવી એફડીઆઇથી ડરીને ફાટી પડે? આ જ આપણો ડર બતાવે છે. પડકારને બદલે પલાયન બતાવે છે.

ભારત બનાવટી સમાજવાદમાંથી નકલી મૂડીવાદ તરફ જ ફેંકાયું છે. ખરા લિબરાઇઝડ રિફોર્મ્સ અહીં થયા જ નથી. કોક- પેપ્સીથી ડરીને થમ્સ અપ, કેમ્પા કોલા, સોસીયો લડયા વિના જ શરણે થઇ ગયા. પણ કેલોગ્સ અને મેકડોનાલ્ડસ સામે વડાપાઉં, ઇડલી, બટાકાપૌઆ, કચોરી, ફાફડા, ખાખરા, જલેબી છાતી કાઢીને ઉભા છે! હજુ ય લગ્ન સમારંભોમાં સ્વીટમાં બાસુંદી, મેસુબ, અડદિયા, શીખંડ, રસ હોય છે, ચોકલેટસ કે કેક નહીં ! મતલબ, વ્યવસ્થિત અને ગુણવત્તાસભર રીતે કરો, તો મુકાબલો શકય છે. વિદેશી કંપનીઓ પર કમાણી અહીં જ રોકવા જેવા નિયંત્રણો મુકવાની કે ભારતીય પ્રોડકશનને પ્રોટેકશન આપવાની એવી શરતો મૂકવાની કોણ ના પાડે છે? પણ આપણા અભણ અને ભ્રષ્ટ નેતાઓને એ કદી ફાવતું નથી. વિરોધપક્ષો કંઇ જનતાના ફાયદા માટે નહિ, આગામી ચૂંટણીમાં ફોરેન કંપનીઓને બ્લેકમેઇલ કરીને ઘર ભરવા માટે જ લુખ્ખી દાદાગીરી બતાવી રહ્યા છે.

પણ પોતે નાહ્યા ન હોય, એટલે ધરાર બીજાને ય ઘરમાં ન આવવા દેવા, અને એ માટે ખુદનો વાંક કાઢવાને બદલે જે આવનાર છે, એનો વાંક કાઢવાનો એવી અવળચંડાઇ આપણી છે. વોલમાર્ટ શોષણખોર છે, તો અત્યારે જે  ભારતીય કંપનીઓ રિટેઇલ માર્કેટમાં મોલ/સુપરમાર્કેટ ખોલીને બેઠી છે એ વળી ક્યાં પંચામૃતમાં શુઘ્ધોદક સ્નાન કરીને આવેલી છે ? મોબાઇલ આવે ત્યારે એસટીડીવાળા બૂમાબૂમ કરે, ટેક્સી આવે તો ઘોડાગાડીવાળા, ડીટીએચ આવે તો કેબલવાળા ને રોપ-વે આવે તો ડોલીવાળા ! તો શું આખા દેશને મ્યુઝિયમ બનાવીને જ રાખવાનો છે ? તો પછી હિન્દુસ્તાન છોડીને અફઘાનિસ્તાનની સિટીઝનશિપ લઇ લેવી જોઇએ ! ગેઇમના રૂલ બનાવો, નેટ પ્રેકટિસ કરો, પણ રમવાનો જ ઇન્કાર ?

બે રૂપિયાના ય ન હોય એવા નારિયેળના રેંકડીવાળો ૨૫ રૂપિયા લઇ લે છે. એકે ય શાકવાળો તોલમાપ સાચા જોખતો નથી. કરિયાણાની દુકાનો ટેક્સ ભરતી જ નથી. આપણા દેશમાં ગ્રાહકના હિતની વાત ગુનેગારી છે, ખેડૂતોના હિતની વાત ચૂંટણીમાં વફાદારી છે ! ભારતમાં ખેતીમાં હોવી જોઇએ, એથી અનેકગણી વઘુ વસતિ સંકળાયેલી છે. આ અસંતુલનને લીધે પણ ગરીબી વધે છે. એ બધાને બીજા સેકટરમાં કામે લગાડવા પડશે ! ( ફરક સમજો : વિદેશમાં ટેકનોલોજી અને સરકારના સંનિષ્ઠ પ્રયત્નોને લીધે ઉત્પાદન એટલું વઘ્યું છે કે ખેડૂતોના ભાવ ટકાવી રાખવા સબસિડી સરકારે આપવી પડે ! આપણે ત્યાં ખેતી ટકાવી રાખવા આપવી પડે છે !) ભારતમાં તો સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટના અભાવે જ કેટલીય ચીજવસ્તુઓ રોજ નાશ પામે છે ! સારી ક્લિપ કે અન્ડરવેઅર્સ શોધતા નાકે દમ આવી જાય છે! ચોકલેટથી લઇને રેઇનકોટની રેન્જ હોતી નથી.

તો અમેરિકામાં થયું, એવું જ ભારતમાં થશે ? વેલ, એનો જવાબ નેધરલેન્ડસમાં છે. ત્યાંની સરકારે અમેરિકન છૂટ્ટો દોર આપ્યો ત્યારે ત્યાં ‘મોમ એન્ડ પોપ’ સ્ટોર કહેવાતી પરંપરાગત દુકાનોએ ફેમસ ડેરી-એગ્રો પ્રોડક્ટસ વેંચવા નવો નુસખો શોઘ્યો. ‘ફાર્મ ફ્રેશ’! મોલમાં તરત જ તાજી વસ્તુ મેળવવી શક્ય નથી. એનો વિકલ્પ ઘરઘરાઉ દુકાનોમાં આવ્યો. કલાકોમાં આવતી તાજી ચીજવસ્તુઓ ઉલટી ઉંચા ભાવે વેંચાય છે ! નવી સજાવટ કરી અને આપણે ત્યાં છે એવી (મોલમાં કદી ન મળે તેવી) માસિક ઉધારી ખાતા સીસ્ટમ પણ એ દુકાનદારોએ કરી !

માથે પડે, તો મગજ દોડે ! ડાઉનટાઉન શોપિંગ માર્કેટમાંથી મોલ બને, મોલમાંથી ફરી ઓપન એર શોપિંગ સ્ટ્રીટ બને- ઇટ્‌સ સર્કલ ઓફ લાઇફ. પુનરપિ જન્મમ્‌ પુનરપિ મરણમ્‌!

ફાસ્ટ ફોરવર્ડ

‘લોકો અહીં કામ કરવા નથી આવતા. લોકો અહીં કશું લેવાય નથી આવતા. લોકો અહીં બસ આવે છે !’ (મોલરેટ્‌સ ફિલ્મનો સંવાદ !)

 
15 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 21, 2011 in history, india, management

 

લાયસન્સ ટુ ચિલ! શિયાળાના તડકા-છાયા…

વોટ એ વન્ડરફુલ એન્ડ કૂઉઉલ કૂઉઉઉલ સીઝન! ઓલ્ડ થઇ જનારાને કોલ્ડ થવું નહિ ગમતું હોય, પણ યંગબર્ડસ માટે તો આ પાંખો ફફડાવીને ઉડવાની મોસમ છે. ફલેશ ગોર્ડનના કોમિકસમાં ‘ફ્રિજીયા’ નામનો એક ગ્રહ આવતો, જેમાં બારેમાસ શિયાળો રહેતો! વાઉ! ત્યાં જઇને રહેવા માટે વિન્ટરલવરનું દલડું ધડામ ધડૂમ કરતું ધબકે એમાં કોઇને ય સરપ્રાઇઝ ન થવું જોઇએ! ઠંડા ઠંડા કૂલ કૂલ હોવાને લીધે જ તો પશ્ચિમના મુલકો જોઈને આપણું મનડું મલકાય છે.

ગુજરાતી સાહિત્યમાં શિયાળાની સવાર પર અફલાતૂન નિબંધો લખાયા છે. અંગ્રેજી સાહિત્યમાં શિયાળાની રાત પર બહેતરીન કવિતાઓ રચાઇ છે. અલબત્ત, બંનેના મૂડ અને ટેમ્પરામેન્ટ ડિફરન્ટ છે. શિયાળાની સવારના તડકાનું ગુજરાતી વર્ણન હંમેશા ચીઅરફુલ હોય છે. વૃક્ષોના પર્ણોના મર્મર ઘ્વનિમાંથી ચળાઇને આવતા કૂણાકૂણા સૂર્ય કિરણોની તાજગી ને એવું બઘું ! શિયાળાની ઠંડી રાતનું અંગ્રેજી વર્ણન નિત્ય સેડ રોડ હોય છે. સફેદ બરફમાં થીજી ગયેલી પ્રકૃતિ પૃથ્વીનું હાડપીંજર દર્શાવે છે. એટ સેટરા.

‘જેન્નેકસ્ટ’ (જનરેશન નેકસ્ટનું શોર્ટ ફોર્મ. યુ.સી.? યંગથીંગ્સ પાસે ટાઇમ નથી હોતો ને?)માં આવા બ્લેક વર્સીસ વ્હાઇટ, જોય વર્સીસ સોરોના લિસ્ટિંગ માટેના જાણીતા વર્ડિંગ્સ છે. ટર્ન ઓન, ટર્ન ઓફ.

કોઇ જોશીલો જુવાનિયો નીચું માથું ઘાલી પોતાની ઘૂનમાં સીટી વગાડતો જતો હોય, ત્યાં વગર સિગ્નલે ટ્રાફિક થંભાવી દે એવી કોઇ છરહરી છોકરી નીકળે અને જુવાનજી પોતાનો મારગ મેલીને, યાને કે પોતાની દિશા ધૂમાવીને એ છોકરીનો પીછો કરવા લાગે ત્યારે એણે શું કર્યું કહેવાય? ટર્ન મારવા માટે મજબૂર થયો કહેવાય! મતલબ કે બાબત તમને ઉત્તેજીત કરી મૂકે, જાત ભૂલાવે તેવી લલચાવી શકે, એ થઇ ટર્ન ઓન! અને કોઇ ડાહીડમરી ડોલ જેવી કન્યા ઠુમકતી મલપતી પોતાની મંઝિલે જતી હોય અને કોઇ આવારા અલેલટપ્પુ કોલર ટાઇટ કરી ગુટકા ચાવતો બાઇક પર ધૂમરીઓ લગાવે, ને છોકરી ફટ પોતાનો રસ્તો બદલાવી નાખે એ શું થયું? એણે પણ પોતાની દિશા ફેરવી, અલબત્ત નેગેટિવલી! જે ખેંચાણને બદલે અવળો ધકકો લગાવે, તે છે ટર્ન ઓફ!

તો ૨૧મી સદીનો વિદ્યાર્થી એની ૧૧મી સદીની સ્ટાઇલમાં લેવાતી પરીક્ષાઓના નિબંધમાં લખી શકે એવું એક લિસ્ટ બનાવીએ. વિન્ટરના ટર્ન ઓન્સ, ટર્ન ઓફ્‌સનું. હાઇ એન્ડ લોનું! કિસીઝ એન્ડ કિક્‌સનું! શિયાળાની સવારના કુમળા તડકા જેવા ટર્ન ઓન અને શિયાળાની મધરાતની ઠરી ગયેલી અંધારી છાયા જેવા ટર્ન ઓફ કયા કયા છે? મતલબ, આપણા ફુલગુલાબી (આ ઠંડી ગુલાબી જ કેમ હોતી હશે? એમાં પર્પલ, ચેરી રેડ, મેજેન્ટા, મરૂન, ફલ્યુરોન્સન્ટ વાયોલેટ, એવા શેડસ કેમ ન હોય?) સ્વદેશી શિયાળાની ૨૧ મોડર્ન વાહ અને આહની વાતો!

(૧) શિયાળાની રાત્રે પંખા થાય નહિ, બારી-બારણા ખુલ્લા હોય નહિ ને બ્લેન્કેટમાં ધૂસી ગયેલો મચ્છર ગુન ગુન ગુન કરી ચટકા ભર્યા કરે, બિગ ટર્ન ઓફ! રીતસર લોહી પી જાય, મચ્છરિયો!

પણ શિયાળાની રાતોએ ઘણાને જે ભેંકાર, સૂનકાર લાગે તેવી નીરવ શાંતિ હોય, અને ગાદલામાં લપાઇને આરામથી કશું વાંચી શકાય… કોમ્પ્યુટર પર ટકાટક કરી શકાય… ટીવી/મુવી નોનસ્ટોપ, વિધાઉટ ડિસ્ટર્બન્સ માણી શકાય… હમમમ… ટેરિફિક ટર્ન ઓન!

(૨) શિયાળાને ખાતર શરીરને જરૂર ન હોય તો પણ બેસ્વાદ ઉકાળા ફેશનના ભાગ રૂપે પીવા, ને પછી પાછું મન ફાવે તે ‘પીવું’ ને ઉકાળા ય જાતે બનાવવાની તસદી નહિ લેવાની… ઉફફ.. ટર્ન ઓફ!

પણ શિયાળાની મદમસ્ત ઠંડીમાં હોટમહોટ ચોકલેટ કે ઠંડીની સામે ગરમી જીભડો કાઢતી હોય એવા ઘૂમાડા નીકળતી ગરમા ગરમ કોફીની ચુસ્કીઓ લેવી, ઉપર મોંમાં આદૂની કટકી ચગળવી! એકદમ હુંફાળું ટર્ન ઓન!

(૩) શિયાળામાં આઇસ્ક્રીમ ખાવા પર નાહકનો જ દોઢડાહ્યાઓ પ્રતિબંધ મૂકી દે છે. શિયાળુ શરદી એલર્જી અને કાનમાં ધૂસી જતા પવનથી થાય છે, આઇસ્ક્રીમથી નહિ બાપલા! બહાર પણ ટાઢક હોય અને અન્નનળીથી જઠર સુધી પણ ટાઢક હોય એવો અનુભવ વૈદરાજો અને મોટેરાઓ કડકાઇથી ન લેવા દે, અને ‘આઇસ્ક્રીમોફોબિયા’થી પીડાતી પબ્લિક આઇસ્ક્રીમ ખાય નહિ, એ છે ટર્ન ઓફ!

પણ આ ૠતુમાં જ વિટામીન સીથી છલોછલ, દાંત અંબાઇ જાય એવા ઓરેન્જ, જામફળ, દાડમ, આમળા, ચણીબોર વગેરે ફળો ખાવા મળે… સુપર હેલ્ધી શેરડી ને ખજુર ઝાપટવા મળે… ટર્ન ઓન!

(૪) લોકો એક-બે દિવસ ન્હાવામાંથી ગુલ્લી મારી જાય ને બગલ બાજુવાળાને ગંધાય.. યક્‌…. ટર્ન ઓફ!

પણ અડદિયા, તલસાંકળી કે શિંગની ચીકી ગરમ થવાની સોડમ નાકમાં પ્રવેશે.. યમ્મી.. ટર્ન ઓન!

(૫) ગમે તેટલા ઘુઓ ને ઓળો.. વાળ ચટ-પટ વીંખાઇને શિંગડા જેવા થઇ જાય! ટર્ન ઓફ!

પણ બિન્દાસ જાતભાતની રંગબેરંગી ટોપીઓ ચડાવી, ફેંટા વીંટીને ઘરમાં પણ બેસી શકાય… ટર્ન ઓન!

(૬) શિયાળામાં રાત્રે પથારીમાં પણ હળવાફુલ રહેવાને બદલે ઠંડી કડકડતી હોય તો બઘું પહેરી ગોટપોટ થઇ જવું પડે ને જયાં બહારગામ જવાનું હોય ત્યાં સ્વેટર, પુલઓવર, કોટ જેવા તગડાં વસ્ત્રો પેટીમાં પેક કરવાથી મસમોટી બેગનું વજન ઉંચકીને ફર્યા કરવું પડે, ટર્ન ઓફ!

પણ શરીરનું બેડોળ અદોદળાપણું ઢંકાઇ જાય એવા, પ્રાચીન કાળમાં યોઘ્ધાઓ કવચ પહેરતા એમ જોધપુરી સુટ, કલરફુલ સ્વેટર્સ, થ્રીલર ફિલ્મના હીરો જેવા ઓવરકોટ, મફલર, જાકીટ, સેકસી પુલઓવર્સ, હિપ હગિંગ જીન્સ, શૂઝ પહેરી શકાય… એમાં ય નીચે એકનું એક શર્ટ-અન્ડરવેઅર ચોળાયેલું ઠઠાડો તો ય ચાલે! પણ શરીરને ચપોચપ સ્વેટર-જાકીટ તો શું શાલ પણ ઠંડીમાં રૂંવાડે-રૂંવાડે જે ખરબચડી ભીંસ આપે, એની ‘સેન્સ ઓફ સિકયુરીટી’ જગાડતી અને ‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ હોવાનો કોન્ફિડન્સ આપતી ફીલિંગ… ટર્ન ઓન!

(૭) વહેલી પડી જતી સાંજ ઝટ ઠપ્પ થઇ જતી જીંદગી, સન્નાટાના સાપની કાંચળી જેવી વેરાન, ભેંકાર લાંબી લાંબી રાતોનું નિર્જન એકાંત… નેચરલી ટર્ન ઓફ!

લેકિન, સવાર-સવારમાં ઘેર બેઠાં હિમાલય જેવા હિલ સ્ટેશને પહોંચાડી દેતું રહસ્યમય ઘુમ્મસ! વાદળ ઉપર ચાલતા હોઇએ એવો ફોગમાં વોક લેવાનો સ્વર્ગીય આનંદ. સૂરજ ઉગે એમ શ્વેતમાંથી ગોલ્ડન ટોન પકડીને ઓગળી જતાં ઘુમ્મસમાંથી ઉપસતા સડકો, મકાનો, વૃક્ષો, પહાડો અને ઇન્સાનોના દ્રશ્યો! મોમાંથી ઘૂમાડા કાઢીને ગરદન ટટ્ટાર કરી ચિલ્લાવાનું ટર્ન ઓન!

(૮) ઘટ્ટ જામેલા શિયાળામાં ફ્રોસ્ટ બાઇટ (હિમડંખ) લાગે, ને ચામડી તડતડી જાય, સફેદ કિનારીઓ ફાટવા લાગે, હોઠથી ટેરવા દુઃખવા લાગે ને પેટ્રોલિયમ જેલીમાંથી બનેલા સુગંધી ક્રીમ ઘસ્યા કરવા પડે..! વાઢિયા પર કોકમનું ઘી લગાડવું પડે, ટર્ન ઓફ!

પણ શિયાળામાં પરસેવો ખાસ વળે જ નહિં, અને ચામડી ચીકણી બને જ નહીં! પછી તો સ્નાન પહેલાં સરસવ કે ઓલિવ ઓઇલનું ચમકદાર માલિશ ‘કરાવી’ને (માલિશ કરવામાં તનને ફાયદો છે, કરાવવામાં તન-મન બંનેને એડવાન્ટેજ છે!) બોડીની શાઇનિંગ ‘બિઓવુલ્ફ’માં ઝળહળતી એન્જેલીના જોલીની ઘાટીલી કાયા જેવી કરી શકાય એ વાત અલગ છે! બટ નોન સ્ટિકી સ્વેટ ફ્રી સ્કીન- ટર્ન ઓન!

(૯) શાલ, ધાબળા, બંડી, હેડ ગીઅરનો ખર્ચો કરી ત્રણ મહીના બાદ એ બધાને ઘરમાં ઢબુરી દેવા પડે, ટર્ન ઓફ!

પણ એના એ ફરીથી બીજા શિયાળે વાપરી શકાય અને ભારતમાં સતત ઇલેકટ્રિસિટી બિલ વધારતાં ફેન, એરકન્ડીશનર જેવા ‘એન્ટી હીટ ઇકિવપમેન્ટસ’ ઓન કરવા જ ન પડે! ટર્ન ઓન!

(૧૦) શિયાળો એટલે જ લગનગાળો! કપલ્સ માટેની હનીમુન સીઝન (અમસ્તા કંઇ જગતના અસંખ્ય સેલિબ્રિટીઝ ૧૦મા મહિના ઓકટોબરમાં જન્મેલા લિબ્રન હોય છે?) ટીવી પર ચાલતી સિંગિંગ- ડાન્સિંગ કોમ્પીટિશન્સ કરતાં વઘુ પ્રમાણમાં એક દિવસમાં મેરેજ ઇન્વિટેશન્સ હોય છે પણ આ મેરેજીઝના ભપકાદાર ભોજન સમારંભોમાં ઠંડી હોવાથી વઘુ મીઠી લાગતી શિખંડ, બાસુંદી, રસમાઘુરી, ફ્રુટ સલાડ જેવી સ્વીટસને બદલે ટાઢને લીધે સુકી ગરમ મીઠાઇઓ જ જમાડયા કરે, ટર્ન ઓફ!

પણ ઘેર બેઠાં લાલચટ્ટક દેશી ટમેટાંના સૂપના સબડકા ભરી શકાય. ઘરમાં જ ‘હરિયાળી ક્રાંતિ’ આવી હોય એવા લીલા લીલા કઠોળ ચાવી ચાવીને ખાઇ શકાય. લીલું લસણ, લીલી ડુંગળી, લીલી ભાજી… ગ્રીનપીસ મુવમેન્ટ! પ્રોટીન ડાયેટના પાઉડર લેવાને બદલે જરા રીંગણાનો ઓળો કે ઉંધિયુ બનાવવા શાક માર્કેટમાં લટાર તો મારો! બેટરી ચાર્જ થઇ જશે! ટર્ન ઓન.

(૧૧) ચોમાસામાં છોકરીઓ વળ ખાતી, અમળાતી, સંતાતી, પલળતી જોવા મળે. ભીના થઇને પારદર્શક થયેલા વસ્ત્રોની સિલવટોમાંથી બુંદોની સાથે વળાંકો પણ ટપકતાં નિહાળવાની તૃપ્તિ મળે. પણ શિયાળામાં છોકરીઓ બધી ઢંકાઇ જાય! સ્વેટર, કોટ, શાલ, કેપ, સ્કાર્ફમાં બોકસ પેક બાળાઓના ગિગલિંગ સ્માઇલ સિવાય બીજું કશું દેખાય જ નહીં! હયુઉઉજ ટર્ન ઓફ.

પણ શિયાળામાં શરીરના વળાંકો સાથે જ વળ લેતા સ્વેટર-જીન્સ પહેરતી ‘હોટ ચિકસ’ના ચીક રતુમડાં સફરજન જેવા દેખાય, અને ગર્લ્સના એ ગુલાબી ગુલાબી ગાલ જોઇને તબિયત લાલ ટમેટાં જેવી ફુલગુલાબી થઇ જાય… રિયલ ટર્ન ઓન.

(૧૨) સ્કૂલ કે કોલેજે જવા માટે પરાણે ગોદડામાંથી ઉઠીને ઉંઘરેટી આંખે તૈયાર થવું, ટર્ન ઓફ.

ગોદડામાં લપાઇને ગાદલાની અંગત સંગતમાં મોડે સુધી ઘસઘસાટ ‘નીની’ કર્યા બાદ આખો દિવસ ફ્રેશ રહેવું ટર્ન ઓન, યુસી?

(૧૩) શિયાળાના ફટાફટ ખતમ થતાં ટૂંકા દિવસો, ટર્ન ઓફ.

શિયાળાની જો ફંકશનમાં કે ફરવા જવું હોય તો નિરાંતની રાહત આપતી લાંબી રાતો. ટર્ન ઓન.

(૧૪) શિયાળો આવે કે વાતવાતમાં યોગ, વસાણા, મોર્નિંગ જોગિંગ, પાક, આયુર્વેદિક ફાયદાઓ, ડાયેટિશ્યનની સલાહો, ફિટનેસ એકસપર્ટના અભિપ્રાયો ફટકારતાં મિડિયાને ઓન કરીને એકની એક વાતોના રિપિટેશનથી બોર થતાં રહેવું જસ્ટ સ્વીચ ઓફ ધેમ. ટર્ન ઓફ!

પણ આવી ગ્લોસી ટિપ્સ વાંચ્યા- સાંભળ્યા કરવાને બદલે ખરેખર કોઇ કંપની ન મળે તો પણ ટ્રેક, ટીશર્ટ ને શુઝ ચડાવી દોડવા નીકળવું, જીમમાં જઇને એકસરસાઇઝ કરવી, ફિલસૂફીઓની ચોવટમાં શ્વાસ વેડફવાને બદલે ચૂપચાપ પ્રાણાયામ કરવું. વઘુ ભૂખને લીધે ઇનપુટ વધારતા બોડીનો આઉટપુટ વધારવા એકિટવ થવું. ટર્ન ઓન.

(૧૫) શિયાળામાં હોટ શાવરબાથને બદલે ફરજીયાત ટાઢાંબોળ પાણીએ ન્હાવું પડે એ ફૂટેલા કરમ, ટર્ન ઓફ.

ન્હાઇને વઘુ સમય સુધી મહેંક જાળવી રાખતી સીઝનમાં મઘમઘતું પરફયુમ છાંટીને એનર્જેટિક થઇ ડબલ ફોર્સથી કામે ચડવું. ટર્ન ઓન.

(૧૬) બરફની કાતિલ હિમવર્ષા થાય એવી જગ્યાએ જઇ ભૂખ્યા ફસાઇ રહેવું, ટર્ન ઓફ.

સ્નો ફોલમાં તરબોળ થઇ રૂના પોલ જેવા બરફને હથેળીમાં ઝીલવો, આવડે તો આઇસ સ્કીઇંગ કરવું કે હિમમાનવ બનાવવો ને સ્નો બોલની ફેંકાફેંકી કરવી… વિષુવવૃત્તીય વિસ્તારમાં રહેવાવાળાઓ માટે તો આવા સપનાં કે ફિલ્મી સીન પણ છેઃ ટર્ન ઓન!

(૧૭) માત્ર ફેમિલી વેકેશન સમરટાઇમમાં આવતું હોઇને ભઠ્ઠીમાં શેકાતાં, ભીડમાં પીસાતા, પરસેવે ન્હાતા ઉનાળામાં જ ફરવા જવાની કુટેવ ટર્ન ઓફ.

ગમે તેમ સમય કાઢીને રણ અને હિલ સ્ટેશન સિવાયના ભારતનું ભ્રમણ ચેરેશ્મેટિક એન્ડ રોમેન્ટિક વિન્ટરમાં કરવું, અને પ્રાઇવસીની લિજજત માણવી. ટર્ન ઓન.

(૧૮) ઠંડીને લીધે મળવા ઓછા આવતા નજદીકી મિત્રો ફોન પર લોંગ ચેટ કરે છે પણ ખરી મજા તો ટોળા ઓછા ઉમટે એવી મોસમમાં દોસ્તો સાથે લોંગ ડ્રાઇવ કરવાની છે! કોલ્ડ સીઝનમાં કોઇ ન મળે તો કોમ્પ્યુટર સામે કલાકો સુધી કૂકડા બનીને બેસી રહેવું.. ટર્ન ઓફ.

એને બદલે વિન્ટરની ડાર્ક નાઇટમાં આકાશ સામે (ભલે, કાચ બંધ રાખીને) જોઇને સ્કાય ડાયમંડસ જેવા સિતારાઓને જોવા… સવારના મુલાયમ તડકાનો વરખ પહેરીને અગાસીમાં કે બાલ્કનીમાં હોમવર્ક કરવા બેસવું, ગમતા ગીતો સાંભળવા, આવડે એવું કશુંક લખવું- ચીતરવું એ શબનમી પ્રવૃત્તિઓ કરો.. ટર્ન ઓન!

(૧૯) લીકર (લિકયોર)ને હીટર, ટર્ન ઓફ.

તાપણું ને વરાળિયા શાકનો ધુંટો. ટર્ન ઓન.

(૨૦) શિયાળામાં ગેલ, ગમ્મત ને ગપસપ કરવાને બદલે બંધ ઓરડામાં કેદ થઇ પરીક્ષાઓની એકલા એકલા તૈયારી કરવી. ટર્ન ઓફ!

શિયાળામાં અચૂક ભારત આવતા વિદેશવાસી એન.આર.આઇ. મહેમાનોની સંગાથે હરવા ફરવા ને ખાણીપીણી કરવા મળે, ગિફટસ એકસચેન્જ થાય, ક્રિસ્મસ બ્રેક ને ઉતરાણનો ઉત્સવ આવે. ટર્ન ઓન.

(૨૧) શિયાળાની રાતો એકલા એકલા ઓશિકાં મરોડતાં, ચાદર પર આળોટીને રજાઇ ચૂંથતા કાઢવાની ખાલીપાની લાચારી તો એક મોત નોતરતી બીમારી છે. શિયાળાની ટાઢમાં શરીરને માત્ર વૂલનો જ ટચ થયા કરે એ રિયાલિટીથી તનની ટાઢ ઉડાડી હશે, મન ફ્રીઝકોલ્ડ થઇ જાય છે. ટર્ન ઓફ!

ઊનના સ્થાને ઉન્માદ આવે, એક કંબલની નીચે બે વ્યકિતનું યુગલ પોઢે, અનાવૃત થઇને એકમેકને ઓઢતી નર-નારીની ત્વચાઓના સંગમમાંથી નીપજતી ઉષ્મા સામે જગત આખાના લેધરવેઅર પણ ટાઢાબોળ થઇ જાય, એવી હનીસ્વીટ ફેન્ટેસી… ટર્ન ઓન, પ્લીઝ.

 

યે ઈક્કિસ એલીમેન્ટસ કો ફ્રીઝ કિયા જાયે? કે પછી તમે તમારૂં પોતાનું લિસ્ટ બનાવીને ઠંડીને ઠમઠોરી નાખશો?

 

ફાસ્ટ ફોરવર્ડ


કૂંપળ ફૂટયાનું મને સપનું આવ્યું

ને મારી ઉગી’તી લીલ્લી સવાર

સૂરજ પહેરીને થયો હરિયાળા સાફાને

લીલુડે ઘોડે અસવાર…

આખ્યુંની છાજલીઓ વારતાઓ થઇ ગઇ ને

છત્રીનો ઉતર્યો ખુમાર

તડકાઓ આજ હવે લાગે છે છાંયડાને

છાંયડાઓ મળતા ખુવાર…

રણમાં લ્હેરાય હવે લીલા વંટોળ

નથી મૃગજળનો સ્હેજે અણસાર

ધરતીયે ટાઢકથી ધગધગતી આજ

જાણે મખમલીયો મ્હોર્યો જુવાર…

ભાલેથી દડદડતાં પ્રસ્વેદી સસલાંઓ

ઝાકળનો જાણે અવતાર

અગનિની પરબુંને માંડે જે ભામાશા

એને છે ઝાઝા જુહાર

મારી ઉગી’તી લીલ્લી સવાર.

(ડો. જગદીપ નાણાવટી)

#દર શિયાળે નવો થઇ જતો ૪ વર્ષ જુનો લેખ !

 
33 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 19, 2011 in entertainment, youth

 

bollywood ka boss !

in 2008, sahara Tv had started one nice quiz show with boman irani as quiz-master “bollywoood ka boss”. i had been selected and won almost 1.5 lakh first prize for an episode of it. meeting fellow contestant and researcher / writer rajiv vijaykar and lively lovely parsi boman is really price-worthy experience. (though a bitter experience is , even after paying money, yet to get a cd of my episode due to carelessness of one employee there!) at that time producer sidhdharth basu used to fill up the form for the participants, which reveal something about his/her views on cinema. incidentally, i found it today, while looking for something today.  my view (looks) are changed in last couple of years, but not my views on films (thoughts)…its interesting share , so sharing it. enjoy!

*

Favourite Hindi Film:                          Lage Raho Munnabhai

Favourite Hindi Film Stars:                Amitabh Bachchan, Madhubala

Favourite Hindi Film Dialogue:          ‘sawal jis jaban me poochha jaye, javab bhi usi jaban me dena chahiye, maloom …’

(Amitabh in “Agnipath”)

Favourite Hindi Film Song:                har kisi ko nahi milta (“Jaanbaaz”)

Favourite Hindi Film Screen Couple: RIshi Kapoor – Neetu Singh

Favourite Hindi Film Character:        Munnabhai (played by sanjay datt)

Favourite Hindi Film Director:           Mukul s. Aanand

Favourite Hindi Film Comedian:      kishor kumar

***

Q) Which film do you think most closely depicts your life? Why?

 Satyakam (hrishikesh mukharji). I have constantly tried to live by truth, love, honesty but people

Who always appreciated such ideals in public, reacts differently in personal life when they find

such ‘unconventional’ person in reality. Society acts like Hypocrite jungle which tries to mould you

in their corrupt mentality & lies. Like film, ultimately person with heart is loser rather than hero…


Q) If you could be a star for a day, which one would you be? Why?

 Shahrukh Khan. Because he shares some traits with me ! He has genuine sharp wit like Oscar

Wilde, he has superb skills of promotion, branding and marketing. He never shows arrogance of

popularity. Despite being a page 3 celebrity, he is very much man of middle class family values

and loyal friendship in his personal life. He is sweet charmer and instant communicator. He loves

reading, aware with literature, politics, science-all what is happening around-and holds his clear

views as true Indian. Moreover, he has achieved of his own as struggling outsider in Bollywood.

 

Q) In four lines describe what attracts you to films? What do you love most about Hindi movies

 Films have unique combination of all entertaining arts explored by mankind…painting, poetry,

dancing, designing, sculpture, music, writing, photography every possible expression melts here

to absorb you in ‘neverland’ of dreams and life. Hindi films have special spicy flavor which carries

all 9 Rasa! Its loud,emotional,musical,vibrant,colorful celebration of Indian sentiments on screen.


Q) Which according to you is the worst movie you’ve ever seen? /Any bad experiences while watching a movie?

“Ram Gopal varma ki AAG”! Its ‘gang rape’ with an immortal classic which was my first love with

Cinema-SHOLAY. It was an unbelievable terror torture from otherwise supremely talented team.

I just love to watch film in theatres and once almost resigned from college principalship to do so,

but it’s always irritating while I am in trans of movie magic, somebody starts talking loudly on cell!


Q) Which was the first movie you ever saw, and what are recollections about it?

 ‘Sholay’. I am proud of it. Actually, I was studying at home without going to school, so I didn’t see

a film in early childhood. At that time (in early ‘80s) in local annual carnival in my town, in tents,

thrown or used ‘reels’ of sholay have been displayed for fifteen minutes @ 1rs. Tickets. Amitabh

has just mesmerized me and I fell in instant affair with mystical evergreen beauty called cinema!

 

Q) If you were to direct a film, what kind of a movie would you make, who would be in the star cast and why?

I would love to adopt victor hugo’s classic French novel Les Misérables which tells kaleidoscopic

Journey of an aged criminal’s transformation due to unconditional love. It has vivid span with

dynamic characters and dramatic turns. Though made twice (kundan,devtaa), still it was not

justified at all. In this epic of human heart, Amitabh is fully fit for the larger than life lead role,

alongwith vidya(prostitute),sonam (adopted daughter), naseer(priest), paresh raval (hotel owner),

ranbeer (son in law) and irfan (inspector). 
27 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 18, 2011 in cinema, personal

 

ઓ મારિયો ઓ હો હો…

હું હમણાં નડિયાદ, દાહોદ, સુરત, અમદાવાદ, ભુજ, મુંબઈ, જુનાગઢ….સતત પ્રવાસોમાં હોઉં છું, ને હજુ ય ઇન્શાલ્લાહ આમ જ રહેવાનું છે, થોડો સમય. વિન્ટર ઇઝ સીઝન ઓફ લેક્ચર.

પ્રવાસ દરમિયાન જ ખબર પડી કે આર.કે. લક્ષ્મણ અને અજીત નિનાન જેવા જ ફેવરિટ અને દિગ્ગજ  કાર્ટૂન આર્ટિસ્ટ મારિયો મિરાન્ડા એમના પ્રિય ગોવાને હમેશ માટે છોડી ચાલ્યા ગયા. પેલી બકઝ્મ બોમ્બ સેક્રેટરી મિસ ફોન્સેકાને આપણા માટે મજા કરવા છોડી ને ! ગોવામાં બીચ, બિકીની, ફેણી, રેમો અને ચર્ચ પછી સૌથી વધુ ફેમસ એ જ હશે. (શ્યામ બેનેગલની ‘ત્રિકાલ’નું શૂટિંગ એમના મકાનમાં થયું હોવાનું સાંભળ્યું હતું). ડેડલાઈન પર લાસ્ટ મોમેન્ટ કામ કરતા. ઓફિસે ભાગ્યે જ આવતા. કાર્ટૂનકલાની કોઈ જ ફોર્મલ ટ્રેનિંગ એમણે લીધી નહોતી. એમનું કાર્ટૂનમાં કે એ સિવાય પણ  ગ્રાફિક ડીટેઇલિંગ લાજવાબ રહેતું.  રોજ એકલા એકલા ફિલ્મો જોવા જવાના એ અઠંગ શોખીન હતા – અપૂન કે માફિક, ક્યા ! 🙂  ગઈ કાલે બ્લોગ પર “છબી – છબછબિયાં”માં એમના કેટલાક કમાલ કાર્ટૂનિશ ચિત્રોની લિંક મૂકી હતી. (મારિયોના કાર્ટૂનવિશ્વ પરથી પણ એક ઝમકદાર ટીવી સીરીઅલ બની શકે તેમ છે, )

ફનીમેન મારિયોના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ગ્રાફિક્સ અફલાતૂન રહેતા. બચપણથી એ માણવાની આદત. આજે ય એમના સેંકડો વિઝ્યુઅલ્સ ધરાવતા થોકબંધ મેગેઝીન્સ મારી પાસે જતનથી સચવાઈને પડ્યા છે, પણ એ ખજાનો કદી’ક વેળાસર ખુલ્લો મુકીશું.

મારિયો તો ૮૫ વર્ષે  અગ્નીશીખામાં વિલય પામ્યા (એમના પત્ની હબીબાના જણાવ્યા મુજબ ખ્રિસ્તી હોવા છતાં એમનો એમની ઈચ્છા મુજબ અંતિમસંસ્કાર અગ્નિદાહ આપી કરાયો હતો !). ક્યારેક હજાર શબ્દો ના કહે , એ એક ચિત્ર કહી શકે, અને સેંકડો ચિત્રો ના કહી શકે એ એક કાર્ટૂન આસાનીથી કહી શકે – એટલે તો ગ્લોબલ સેલિબ્રિટી મારિયો મિરીન્ડા મહાન છે, હતા અને રહેશે. આજે એમની સલામીમાં સતીશ આચાર્યનું એક કાર્ટૂન જ બસ. (મૂળ બ્લોગની લિંક કાર્ટૂન નીચે છે)

હજુ હમણાં જ રવિપૂર્તિમાં પ્રગટ થયેલા દેવ આનંદ પરના અંજલિલેખના પહેલા ભાગના અંતે ફાસ્ટ ફોરવર્ડ મુકેલું (લેખ તો અખબારી પૂર્તિના શિરસ્તા મુજબ છપાયાના છ દિવસ પહેલા જ લખાઈ ગયો હતો ) કે સ્વર્ગમાં જરૂર કોઈ અપ્સરાઓનો મેગા એન્ટરમેઇન્ટ શો છે. દેવ-શમ્મી નાચવા ગાવા, હુસેન આર્ટ ડિરેક્શન માટે, સ્ટીવ ઇવેન્ટના ટેકનીકલ મેનેજમેન્ટ માટે અને ભીમસેન-ભૂપેન-જગજીત-સુલતાનખાન વગેરે સંગીત માટે ત્યાં તેડાવાયા છે ! (કદાચ પટૌડી ફિટનેસ કોમેન્ટ્રી માટે !) સો, વોચ ધ સ્ટાર્સ ઇન સ્કાય… પ્રગટ થયો ત્યાં તો મારિયો પણ ગયા.

યોગાનુયોગે આ કાર્ટૂન પણ કંઇક આવું જ કહે છે. હવે હેવન્સ વોલ પર ગ્રાન્ડ ગ્રાફિટી જરૂર રચાશે ! ચેક ધ ક્લાઉડસ 😛

રેસ્ટ ઇન પીસ,  ઉપ્સ, રેસ્ટ ઇન જોય માસ્ટર મિરાન્ડા.


*મારિયો મિરાન્ડા વિષે વધુ જાણવા અને માણવા અચૂક ક્લિક કરો :
  http://www.mariodemiranda.com

 
14 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 14, 2011 in art & literature, fun

 
 
%d bloggers like this: