RSS

Daily Archives: May 17, 2013

વેકેશનમાં ફિલ્મદર્શન : સિનેમાના કોચીંગ કલાસ પૂરા ડઝન!

આ વર્ષની વેકેશન આર્ટિકલ્સ સિરીઝમાં છેલ્લે વારો આવ્યો ફિલ્મોનો. આ વખતે આખો લેખ અહી મુકું છું. એટલા માટે તો થોડી રાહ જોઈ કારણ કે પ્રિન્ટની શાહી સુકાય એ પહેલા કોઈ દેખીતા કારણ વિના ફક્ત ઓડીયન્સ ઉઘરાવવા માટે જે પ્રિન્ટ મીડિયા તમને સ્પેસ અને પૈસા આપે છે, એની મજાક ઉડાવતા હો એટલા સેલ્ફસેન્ટર્ડ થવું મારી મોરાલીટમાં બંધ બેસતું નથી. પોતાની જાતને નિસબતી અને નૈતિક મૂલ્યોના રખેવાળ કહેવડાવતા લોકો લોકપ્રિયતાની અંદર બળતી લાહ્યમાં બેશરમીથી આ પાયાનો સિધ્ધાંત ચાતરી જાય છે. એમના જેવડા બેવડા કાટલાં રાખીને આપણો તો ખભો દુખી જાય ! 😉 

પણ આ લેખ જેમનો તેમ મુક્વ્પો હોત તો લિંક જ ધરી દીધી હોત ,  ,  , આ અને પાસ્ટ પોસ્ટ્સ માફક. ઓડિયો-વિઝ્યુઅલ મીડિયાની વાત છે એમાં કશુંક ઉમેરવું છે એટલે તો અહી લેખ મુકવો છે, તાળીઓ ઉઘરાવવા નહિ યાર ! માટે લેખને છેડે ક્યાંક આખી ફિલ્મ ક્યાંક ટ્રેલર તો ક્યાંક દ્રશ્યો મુક્યા છે અને આખો અનુભવ પ્રિન્ટ કરતા અલાયદા લેયરમાં ટ્રાન્સફર કરવાની કોશિશ કરી છે. દરેક ફકરાના છેડે આવી અપડેટ્સ છે. આ લીસ્ટ પરફેક્ટ નથી જ. પણ હું તો સતત ફિલ્મો ઘણી રીતે સજેસ્ટ કરું જ છું…આટલું તો પહેલા માણો 😛 

eyes

ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે, અને આજે  (૧૨ મે, ૨૦૧૩) મધર્સ ડે પણ છે. સિને-મા પણ એના ચાહકોની મા જેવી હોય છે, વ્હાલી અને હંમેશા જેના ખોળામાં માથું મૂકીને બીજું બધુ જ ભૂલી જવાનું મન થાય એવી અનેક રૃપમાં ય હંમેશા આકર્ષક એવી કળા! સિનેમાનું ધાવણ ધાવ્યા બાદ જીવનભર એના સુગંધ – સ્વાદની મેહફિલ છૂટતી નથી!

સો વેકેશન આર્ટિકલ્સના ટ્રેન્ડસેટર કોન્સેપ્ટને ૧૨ વર્ષ પૂરા થયા, એ નિમિત્તે ટ્રાવેલ, ગેઈમ્સ, મ્યુઝિક, વીંડિયો,બૂકસ અને વેબસાઈટ બાદ ફાઈનલી મૂવિંગ ઓન ટુ મૂવીઝ! લેટ્સ ચેક વન મોર લિસ્ટ ઓ ફેન્ટાસ્ટિક ફિલ્મ્સ!

(૧) મામા : મધર્સ ડેના નિમિત્તે જોવા જેવી હોરર ફિલ્મ! ફિલ્મના પ્લોટ જગતભરમાં ચીલાચાલુ જ હોય છે. પણ મામા ઈઝ એ ટ્રિબ્યુટ ટુ મધરહૂડ મા વિનાની બે નાનકડી બાળકીઓને લઈ પોલિસથી બચવા બેફામ ડ્રાઈવિંગ કરતો બાપ અકસ્માત કરી બેસે છે, અને જંગલમાં એક ભૂતાવળ જેવી ઝૂપડીમાં બે અનાથ ભૂખી બાળકીઓ મરવા માટે રહી જાય છે, અને ત્યાં વસતું એક સ્ત્રીનું ખૌફનાક પ્રેત એમને જંગલીયત છતાં વ્હાલથી ઉછેરે છે. થોડા વર્ષો બાદ બાળકીઓને એના પ્રેમાળ કાકા શોધી ઘેર લઈ આવે છે, પણ ”મામા” યાને માતા તરીકે વર્તતું પેલું ભૂત પણ પાછળ પાછળ આવે છે, અને કંપારી છૂટે એટલા દિલધડક દ્રશ્યો વચ્ચે ય કોઈ ગ્લોરિફિકેશન ન હોવા છતાં ભૂત અને માણસ વચ્ચે બની ગયેલા માતૃત્વનું મજબૂત બનેલું બંધન એક પછી એક ટ્રેજેડી સર્જે છે. મેક્સિકન ડિરેકટર ગુઈલેર્મો ડેલ ટોરો (બ્લેડ, હેલબોય)ની આ સ્પેનિશ – કેનેડિયન અમેરિકન ફિલ્મ લખી અને ડિરેકટ કરી છે એન્ડી મુશ્ચેઈતીએ. ટિપિકલ હોરર ફિલ્મોથી અલગ અંધકારનો સૂનકાર!

ફિલ્મનું ટ્રેલર:

“મામા” જેના પર આધારિત હતી એ શોર્ટ ફિલ્મ (થેન્ક્સ હિતાર્થ દવે ) :

(૨) કથા : ચશ્મે બદદુર નથી ઠીકઠાક હોવા છતાં હીટ ગઈ, અને એ બહાને જૂની ચશ્મે બદદુરનું બ્રાન્ડિંગ તો થયું છેજ, નાના પાયે રિ-રિલિઝ પણ થઈ. હૃષિકેશ મુખર્જી ‘ઘરાના’ના સઈ પરાંજપે સંવેદનશીલ અને હળવીફૂલ ફિલ્મો બનાવવામાં કવીન ગણાતા. પણ એમની સંગીતને બાદ કરતા, સારી પણ જરૂર કરતાં વધુ વખાણાયેલી ચશ્મે બદદુર કરતાં ય અચૂક જોવા જેવી અને શીખવા જેવી કોઈ જૂની ફિલ્મ આજની જનરેશન માટે પણ હોય, તો એ છે કથા! મામલો એવરગ્રીન છે, છોકરી કેવા છોકરાના પ્રેમમાં પડે? છોકરીને દિલ ફાડીને પ્રેમ કરવો અને એનો પ્રેમ જીતવો – એ બાબત જુદી કેમ છે? – આવા બધા સવાલોના જવાબમાં સઈએ પેલી આપણી જાણીતી બોધકથા સસલા અને કાચબાની દોડવાની સ્પર્ધાનું એડોપ્શન કર્યું એન્ડ વોટ એ ટેલ! ચાલમાં રહેતા સીધાસાદા રાજારામ જોશી (નસીરૃદ્દીન શાહ)ને ગમતી છોકરી સંધ્યા (દીપ્તી નવલ)ને એનો જ છોકરીઓના મામલે ઉસ્તાદ કારીગર જેવો જુગાડુ દોસ્ત બાસુદેવ ભટ્ટ (ફારૃક શેખ) એની નજર સામે પડાવી જાય છે. આ દુનિયામાં ભલા, નેકદિલ, પરગજુ, સૌમ્ય, સરળ, ડાહ્યા થવા જાવ તો બીજા ઉસ્તાદ, ચલતાપૂર્જા, ખેલાડી કલંદરો આપણી કેવી વાટ લગાડી તેની પ્રેકટિકલ કોમેડી અહીં છે. છોકરીઓ સાચા હૃદયનાં પ્યારને બદલે સ્માર્ટ નુસખા અને અધિકારભાવનાથી કેમ ભોળવાઈ જાય એની કદીએ વાસી ન થતી કહાની છે, અને છેલ્લે એક વીંધી નાખતો સવાલ કે – જો સારાનો જ છેવટે વિજય થાય, તો એ અંતે જ કેમ? એ માટે જોવી પડતી હાલમાં જે સહન કરવું પડે તેનું શું? મસ્ટ શી જોયરાઈડ, કથા પોતાની ફિલ્મ ‘સ્પર્શ’ની રીલિઝમાં વાર લાગતા સઈ પરાંજ્પેએ ‘વચગાળા’માં બનાવી અને પ્રોડયુસર બાસુ ભટ્ટાચાર્ય પર ચુટકી લેવા નેગેટિવ કેરેકટરનું નામ બાસુ રાખેલું! દરેક છોકરા – છોકરીએ ફરજીયાત જોવા જેવી ફિલ્મ!

કથા ફિલ્મ આખેઆખી જુઓ, જોવાનો મોકો ચુકતા નહિ, શરૂઆતના ટાઈટલ ગ્રાફિક્સ જોઇને જ જલસો પડી જશે   :

(૩) અપ : બચ્ચાપાર્ટીની સાથે જ બેસીને બૂઢાપાર્ટી પણ ગેલ કરી શકે એવી મસ્તમજાની એનિમેશન ફિલ્મ. આબાલવૃધ્ધને બોખું હાસ્ય કરવા તો મજબૂર કરે જ પણ સાથેસાથ દિલના તાર રણઝણાવી દેતા ઝળઝળિયાં પણ આપે! એક સીધી લીટીનો છોકરો કાર્લ દિલદાર છોકરી એલીને મળે, બેઉ ખોવાયેલી દુનિયાની સફરે જોવાના સપના જોતાં સંસાર વસાવે, એલીના મોત બાદ સંતાન વિનાનો બૂઝૂર્ગ કાર્લ એકલો પડે અને અચાનક ઘરને ફુગ્ગાથી ઉડાડી પહાડો – જંગલોની અજાણી દુનિયામાં જવાના સાહસનું સપનું પૂરું કરે, અને ત્યાં ધરાર એની સાથે જોડાય એટુ ચીટકૂ ઉત્સાહી બાળક, એક બોલતો કૂતરો અને એક કેવિન નામનું અજાયબ પંખીડું… ને એક જૂનો વિલન! ફિલ્મ્સમાં અનેક અપ્સ એન્ડ ડાઉન્સની થ્રીલ્સ એન્ડ ફન છે. પણ ખાસ વારંવાર જોવા જેવા દ્રશ્યો છે – કાર્લ અને એલીની કોર્ટશિપ અને સહજીવનની મેમોરબલ મોમેન્ટસના અને ડ્રીમ ગમે તે ઉંમરે પુરૂ કરવા માટે બાળક બની જવાના સાહસિક સ્પિરિટના! બે ઓસ્કાર કંઈ એમ જ નથી મળ્યા!

“અપ”માં આંખના ખૂણા ભીના થાય અને હૃદય હસી ઉઠે એવી અદ્ભુત લાવ સ્ટોરી એનિમેશનથી બતાવાઈ છે. ચંદ મીનીટમાં આખી જિંદગીની મેજિક મોમેન્ટસ સમાઈ જાય છે. અચૂક જુઓ એ ક્લિપ.

(૪) ગર્લ નેક્સ્ટ ડોર : એક ડાહ્યો ભણેશરી છોકરો. પાડોશમાં રહેવા આવી એક ફટાકડી રૃપે પૂરી, રંગે રૃડી, નટખટ નમણી સુંદર સોહામણી છોકરો – તો જોતાવેંત થઈ ગયો લટ્ટુ, પણ એકરાર કરવામાં હતો ફટ્ટૂ! ધીરે ધીરે રોમાન્સનો ચાન્સ મળ્યો. છોકરીએ પણ સ્ટાઈલબાજ લંગૂરોને બદલે આ સરળ હૃદયનો છોકરો પસંદ કર્યો. અને અચાનક ખબર પડયો છોકરીનો પાસ્ટ. ના બ્રેકઅપ તો ઠીક, પણ છોકરી હતી સની લિયોનીની માફક એકસ પોર્નસ્ટાર! આવું વાંચીને જ ભડકી જનારા (અને પછી ફિલ્મની ડીવીડી મેળવવા ઠેકડા મારનારા) આપણે ત્યાં ઘણા ય હશે. પણ ફિલ્મ બેઝિકની ફની સ્વીટ રોમાન્સ છે. સાથોસાથ ‘પોર્નસ્ટાર’ શબ્દની સૂગ પાછળનું વાસ્તવ પણ એમાં છે. જે સનીના કોન્ટેકસ્ટમાં આ ગરમીની મોસમમાં જોવાની મજા પડે એવો હોટ પ્લોટ ખરો! એન્ડ હીરોઈન એલિશા.. આલીશાન!

ફિલ્મનું ટ્રેલર:

અને એની મીઠડી માદક હિરોઈનનાં જલવા :

(૫) ટેલ નો વન : ને લે દિસ અ પર્સોને. ના સમજાયું ને? ફ્રેન્ચ નામ છે ફિલ્મ પણ ફ્રેન્ચ છે. આ લખ્યું એ તો ઈંગ્લીશ ડબીંગનું ટાઈટલ છે. પણ રોમન પોલાન્સ્કીના ચાઈનાટાઉન કે હિચકોકનાં નોર્થ બાય નોર્થવેસ્ટને ભૂલાવી દે એવી જોરદાર, ધારદાર, શાનદાર સસ્પેન્સ ફિલ્મ છે આ! એક વાર શરૂ થયા પછી જો ખોવાઈ જાવ તો એક જ પોઝિશનમાં બેસીને ફિલ્મ જોવાને લીધે પૂરી થાય ત્યારે શરીરમાં ખાલી ચડી ગઈ હોય એવી ટકાટક સસ્પેન્સ થ્રીલર! રહસ્યના એક પછી એક પડ દિલધડક રીતે ખુલ્યા કરે ફિલ્મની વાર્તાની સાથે હૃદયનાં ધબકાર પણ તેજ ગતિએ ધકધક વધ્યા કરે! ૮ વર્ષ પહેલા પોતાની પત્નીનું સિરિયલ કિલર દ્વારા ખૂન થયેલું, એનો ગમ હજુ ભૂલી ન શકનાર એક ભલો ડોકટર છે, જે પત્નીની સાથે જ મરેલી બીજી લાશો અચાનક મળતા ખુદ શંકાના દાયરામાં આવી જાય છે, અને ત્યાં એને ભેદી ઈમેઈલ મળે છે – જેમાં વધેલી ઉંમરની પણ એની પત્ની તો સહીસલામત જીવતી છે એવા ફોટો એટેચ્ડ છે! અને શરૃ થાય છે એક રોમાંચક રમત. વન ઓફ ધ બેસ્ટ સસ્પેન્સ એવર સીન. પરફેકટ ફોર વેકેશન.

“આર્ગો” ફેમ બેન એફ્લેક જેની રિમેક અંગ્રેજીમાં બનાવવાનું વિચારે છે, એવી આ બેનમૂન, અદભૂત સસ્પેન્સ ફિલ્મની એક લાજવાબ રીયલ ચેઝ સિક્વન્સ :

(૬) અર્જુન – ધ વોરિયર પ્રિન્સ : ભારતમાં ધીરે ધીરે એનિમેશન ફિલ્મો બનવાની શરૃઆત તો થઈ, પણ એવી એનિમેશન કવોલિટી હોય છે, કે બનાવનારા કાર્ટૂન જેવા લાગે! ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રનાં પાળિયાઓની રોકડી થતી, એમ એનિમેશનમાં ઈન્ડિયન માયથોલોજીનો વેપલો ચાલે છે! એવામાં અર્નાબ નામના દિગ્દર્શકે પૂરા ૫ વર્ષે બનાવેલી આ ફિલ્મ રીલિઝ થઇ ત્યારે જ લક્ષ્યવેધ જેવી લાગેલી. મહાભારત કાળનું જે સેટિંગ્સ આ ફિલ્મમાં ઓથેન્ટિકલી છે, એ ચાણકય સીરિયલની ગુણવત્તા યાદ અપાવે તેવું છે. વળી જૂની ને જાણીતી વાર્તા એમ જ કહી દેવાને બદલે ‘ડાર્ક નાઇટ’ સ્ટાઇલમાં હીરો પોતાના જ ડર સામે લડતો હોય એવા લેયર્સ ઉમેરી વેદવ્યાસને પટકથામાં સાચી અંજલિ અપાઇ છે. કારકિર્દીના ઉંબરે થતી કશ્મકશ અને અંદર ચાલતી મૂંઝવણની મનોદશાનો ચિતાર અહીં છે. કાશ, અર્જુનના મેકર્સ આખું ‘મહાભારત’ બનાવે તો…. પણ એ માટે આપણે અર્જુન જોઇને બિરદાવવી તો પડે ને પહેલાં!

આ જૂની પોસ્ટનું ફ્લેશબેક :  અહીં ક્લિક કરો 

(૭) રેવનઃ  રેવન એટલે પશ્ચિમમાં જોવા મળતો કદાવર કાળો કાગડો. અશુભનું, કાળાશનું, ખૂંખાર શિકારીપણાનું પ્રતીક. પણ આ ફિલ્મ કંઇ વાઇલ્ડ લાઇફની નથી. એકચ્યુઅલી, વાતે વાતમાં કોઇ કારણ વિના માતૃભાષાના વખાણ કરવાના કે હેંગઓવરમાં ચડી જતા આપણે સહુએ તો આ ફિલ્મ એના ચુસ્ત પ્લોટ ઉપરાંત પણ ડોળા ફાડીને જોવાની જરૃર છે. એક સાહિત્યકારને કેવી રીતે સલામી આપી શકાય, એવું જવલંત અને જડબેસલાક ઉદાહરણ એટલે રેવન. વિશ્વભરમાં આધુનિક ટૂંકી વાર્તાઓના જનક એવા અમેરિકાના સુખ્યાત થ્રીલર રાઇટર એડગર એલન પો અહીં સેન્ટ્રલ કેરેકટર રૂપે છે. પણ આ કોઇ ધીમી ધીમી બોરિંગ જીવનકથા નથી. આ પોને અંજલિ આપતું એવું ફિકશન છે કે જેમાં એક હત્યારો એક પછી એક હત્યાઓ એડગર એલન પોની વાર્તાઓના આધારે એમાં લખેલી તરકીબો મુજબ જ કરે છે, અને ચાવીઓ મૂકે છે. એની તપાસ કરતો ડિટેકટિવ ખુદ પોનો સહારો ભેદભરમ ઉકેલવા લે છે, પણ કિલર સ્માર્ટ છે. એ પોની પ્રેમિકા જ ઉઠાવી લે છે. ૧૯મી સદીના સેટઅપમાં પણ સ્પીડમાં ભાગતી ટેકનિકલી સુપર્બ એકશન ધરાવતી ફિલ્મમાં એક નવી જ વાર્તા રચી, પોને જ નાયક બનાવી એની ઘણી કહાની અને આખેઆખા પેરેગ્રાફસના વર્ણનો એમાં ગૂંથી લેવાયા છે કે ફિલ્મની વાહ સાથે આહ નીકળે- આપણે ટિપિકલ ગુણગાનને બદલે મેઘાણી, બક્ષી, મડિયા, મહેતા, ભટ્ટ, મુનશી, દેસાઇ, આચાર્ય ઇત્યાદિને આવી સર્જનાત્મક સલામ કયારે કરીશું?

આનંદો. આખેઆખી ફિલ્મ જ જોઈ નાખો ! ટકાટક ફિલ્મ છે.

(૮) ધ કોલઃ બેક ટુ બેક કિલર થ્રીલર્સ. વિમેન એસોલ્ટના બનાવો વધતા ચાલે છે. નારીસુરક્ષાની ચિંતા ઓલરેડી ભીરૃ સમાજને ભડકાવી અને ડરાવી રહી છે. ત્યારે વિકૃત દિમાગના નરપશુઓ તો કેન્સર- ડાયાબિટીસની જેમ સર્વકાલીન સર્વવ્યાપી છે- પણ એના મુકાબલા માટે કેવી સીસ્ટમ ભારતમાં ગોઠવવી જોઇએ એની તાલીમ જેવી આ લેટેસ્ટ ફિલ્મ મસ્ટ સી છે. અમેરિકાની ‘૯૧૧’ની ઇમરજન્સી સેવા પોલિસ સાથે અને ટેકનોલોજી સાથે તાલ મિલાવી નાગરિકોની સુરક્ષા માટે કેવા પ્રયાસો કરે છે, કેમ કામ કરે છે એનો આબેહૂબ લાઇવ ચિતાર આ ફિલ્મમાં મળે છે. પણ થેન્ક ગોડ, એ પકાઉ ડોકયુમેન્ટરી નથી, એ શ્વાસ અદ્ધર કરી દે તેવી ચીલર થ્રીલર છે. સ્ટ્રેઇટ પોઇન્ટ પર આવે છે, અને કલાઇમેકસ સિવાય કયાંય ગ્રીપ ચૂકતી નથી. એક યંગ ગર્લનું શોપિંગ મોલ પાર્કિંગમાંથી રેપિસ્ટ કિલર અપહરણ કરે છે અને બચાવમાં એની પાસે છે ફકત ઇમરજન્સી કોલ સર્વિસ! વોચ ઇટ, ફીલ ઇટ.

ટ્રેલર :

(૯) વ્હેર ઇઝ ધ ફ્રેન્ડઝ હોમ?: અબ્બાસ કિરોસ્તાખીની આ ૧૯૮૭માં બનેલી ફિલ્મ અંગ્રેજી નથી. ઇરાનિયન છે. જેમાં એનું ટાઇટલ છેઃ ‘ખાને યે દોસ્ત, કોદવીસ્ત?’ ના રે, ફિલ્મ કંઇ અટપટી નથી, અને એ સમજવા માટે ભાષાની જરૃર નથી- કારણ કે, એ હૃદયની ભાષા બોલે છે નાનકડા બાળકો- કિશોરો જ નહિં, પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને જોવા જેવી! આઠ વરસનો બાળક અહેમદ કઇ અમીરજાદો નથી, પણ ભણવા માટે હોંશે હોંશે સ્કૂલે જાય છે. એક સાંજે એને ખબર પડે છે કે એના ભાઇબંધની નોટબુક ભૂલથી એની પાસે આવી છે. હવે એ દોસ્ત હોમવર્કમાં કાચો છે ને બીજે દિવસે જો નોટબૂક એનો મિત્ર પોતે હોમવર્ક કરી બતાવે નહિં તો સ્કૂલમાંથી એની છૂટ્ટી થઇ જાય! નાનકડો એહમદ મિત્રનુ દૂર આવેલું ઘર શોધી એ દેવા જવાનું નક્કી કરે છે, પણ ઘર એણે જોયું નથી. પરિવારના મોટાઓ તો એની વાત સિરિયસલી લેતાં જ નથી! એની સચ્ચાઇને પ્રોત્સાહન આપવાને બદલે એને રોકેટોકે છે અને બીવડાવે પણ છે! પણ એક નાનકડું સાચું કામ રોજીંદી જીંદગીમાં પણ કરવા એ કમિટેડ છે. એ હિંમત એને દેવા જાય છે રાતના અને અવનવી સાહજીક ઘટનાઓ બને છે. દિગ્દર્શક અબ્બાસ કિઆરોસ્તમીએ રૃંવાડે રૃંવાડે ‘ફીલિંગ’ થાય એવી મર્મવેધક હૃદયસ્પર્શી ફિલ્મ બનાવી છે! એમાં મૂળ વાત છે, કોઇ નોંધ ન લેવાનું હોય તો ય સાચા રસ્તે ચાલવાનો નિર્ણય લઇ, એ માટે હૈયામાં હામ રાખવાની. અને સમાજ આવી વાત વખાણવાને બદલે કેવો વિધ્નરૃપ બને તેની!

વાહ, આ હ્રદયસ્પર્શી ફિલ્મ પણ આખી ઘેરબેઠા જોઇને અદભૂત આહલાદ્ક અનુભવ કરી શકશો એની ગેરંટી. મસ્ટ સી. બસ આ લિંક પર ક્લિક કરો નીચે.

http://www.shiatv.net/view_video.php?viewkey=621608460b0e5589556a

(૧૦) લિમિટલેસઃ આપણે બધા જ સાંભળીએ છીએ કે આપણા દિમાગનો આપણે મર્યાદિત ઉપયોગ કરીએ છીએ, અને ઘણી સ્કૂલ- કોલેજોમાં તો ‘તારામાં મગજ નથી’ જેવી કોમેન્ટસ પણ સાંભળીએ છીએ! પણ ખરેખર બ્રેઇનમાં જેટલી કેપિસિટી છે, એટલો એનો યુઝ થાય તો? બીજા શબ્દોમાં, કારમાં સ્પીડોમીટર પર ૨૮૦ લખેલું હોય એ મેકિસમમ સ્પીડ પર જ એ ભગાડવાની થાય તો? એક હતાશ- નિષ્ફળ માણસને આવી જ દવા મળે છે, જે એના બ્રેઇનને ઇન્સ્ટંટ પાવરફુલ બનાવી દે છે. જેના લીધે એ ફટાફટ દિમાગી પ્રોસેસ કરી ઢગલો રૃપિયા રળવા લાગે છે, પણ જેમ ફુલ સ્પીડમાં ભાગતી કારના પૂરજા ખખડવા લાગે એવી સાઇડ ઇફેકટ શરૃ થાય છે, અને… વેલ, નોર્મલ બ્રેઇનનું ઇમેજીનેશન ખતમ થઇ ગયું હોય, એવા નબળા અંતને બાદ કરતા વિચારતા કરે એવી સાયન્સ ફિકશન!

ટ્રેલર :

(૧૧) ચલતી કા નામ ગાડીઃ હમ થે, વો થે ઔર સમા રંગીન સમજ ગયે ના! વેલ, સિનેમાના ૧૦૦ વર્ષની વાત નીકળે એટલે બધા ગાઇડ, પ્યાસા, બદિની, આનંદ કે શ્રી ૪૨૦ની જ વાતો કરવા લાગે છે. પણ આ ઓલરેડી જોયેલી હોય તો પણ ફરી ફરીને જોવાનું મન થાય, એવી સુપરહિટ કલ્ટ કોમેડીને તો કોઇ યાદ જ નથી કરતું? બેડ બેડ બેડ. એની તો કાં અનીસ બઝમી પાસે સ્ક્રિપ્ટ લખાવી પ્રિયદર્શન પાસે ધમાલ રિમેક બનાવવી જોઇએ, કાં એને ફરીથી એટલે જોવી જોઇએ કે એમાં કપૂર ફેમિલી જેટલું જ પ્રભાવ છોડનાર ગાંગુલી ફેમિલી છે. એમાં હિન્દી સિનેમાનો શ્રેષ્ઠ પાર્શ્વગાયક મલ્ટીટેલેન્ટેડ કિશોર અને બેસ્ટ બ્યુટી મધુબાલા છે- અને એ ય સેકસી ભીગી ભાગી સી! પાંચ રૂપૈયા બારહ આના ના જમાનામાં જવા ગાડી નહિં, ડીવીડી પકડો? સત્યેન બોઝની આ ફિલ્મની!

બે મસ્ત ગીત : 

(૧૨) મેરી પોપિન્સ :  ઓહ, નાઉ ધેટ્સ રિયલ વેકેશન કલાસિક. એ ગ્રેટ મ્યુઝિકલ રેઇનબો ફેન્ટેસી. જયારે પણ જુઓ ત્યારે ચોટલી જ કરકરી ને તાજી! કેવા એના ચિરંજીવ સોંગ્સનું દિલડોલ મ્યુઝિક! ચિમ ચિમ ચીમરી ચીમરી… લેટ્સ ગો ફલાય ધ કાઇટ! અને પેલો ભેદી જીભના લોચા વળી જાય બોલવામાં એવો શબ્દ! એક બિઝી બિઝી એવા શિસ્તબદ્ધ ગંભીર બાપ, એક ઘર સંભાળવામાં વીખેરાઇ જતી ભોળી સહનશીલ મા, બંને વચ્ચે ગૂંચવાતા નટખટ તેજસ્વી બાળકો અને ઘરમાં અચાનક પ્રગટ થતી એક શબ્દશઃ જાદૂઇ આયા! મેરી પોપિન્સ- પ્રેકટિકલી પરફેકટ! એની સીડીઓ પર હાથની તીર જેવી નિશાની કરી ચડવાની અદા! કોઇપણ સમસ્યાથી હાર્યા કે ગભરાયા વિના મુકાબલો કરવાનો એનો મસ્તીખોર મિજાજ! એની નાચતાગાતા મધુર સ્મિત અને હૃદયની હૂંફથી જીંદગીના સાચા અને અઘરા પાઠ શીખવવાની આવડત! મેરી પોપિન્સ એવી તો પોપ્યુલર ફિલ્મ (અને બ્રોડ વે મ્યુઝિકલ) છે કે પોપિન્સની રંગબેરંગી પોપરમિન્ટ આવી એના પરથી! ટ્રેવરની વાર્તા અમર બની ગઇ ડિઝનીના ટચથી. પોઝિટિવ ફીલગુડ સ્પિરિટના ઘૂઘવતા સમંદર જેવી ફેમિલી ફિલ્મ! આજના દિવસે દિવસે નિરાશ અને નેગેટિવ બનતા સમાજ અને સ્નેહસંપર્કના અભાવે તૂટતા પારિવારિક સંબંધોમાં ‘સ્પૂનફૂલ ઓફ સ્યુગર’ યાને અંદરની મીઠાશ ઉમેરી, સાચાસારા રહેવાની મધરલી કેર આપતી ફિલ્મ. મધર્સ ડેની પરફેકટ ટ્રિબ્યુટ. મા હોય તો મેરી પોપિન્સ જેવી! સોફટ એન્ડ કોન્ફિડન્ટ. ઇમોશનલ એન્ડ ઇન્ટેલીજન્ટ. અને વ્હાલથી વિચારો ભણાવે તેવી!

ટ્રેલર અને કેટલાક સોંગ્સ :

રીડરબિરાદર, જોવા જેવી ફિલ્મો જ નથી હોતી… હોય છે સિરિયલો પણ – જો કે, જરા જુદા પ્રકારની. ડિસ્કવરી પર મેન વર્સીસ વાઇલ્ડ જુઓ કે હિસ્ટરી પર મોડર્ન માર્વેલ્સ નિહાળો! અને ગુજરાતીમાં જ સારા નાટકો દોડીને નિહાળો (એટલે નબળા બનતા બંધ થાય!) જેમ કે ટુ ઇડિયટ્સ કે સંતુ રંગીલી કે ૧૦૨ નોટ આઉટ!

પોઇન્ટ ઇઝ, વેકેશનો ખૂટી જશે- ખજાનો નહિં ખુટે. કદી જાણવા-માણવાનો.

ફાસ્ટ ફોરવર્ડ : 

‘મને ભોળપણ કરતાં એ ગુમાવવાના રોમાંચમાંથી વારંવાર પસાર થવું વધુ ગમે! (એફ. સ્કોટ ફિઝટ્ઝરાલ્ડ)

 
17 Comments

Posted by on May 17, 2013 in cinema