RSS

Daily Archives: December 30, 2011

લેટ્સ ગો પાર્ટી : જવાની જાનેમન, હસીન દિલરુબા !



સચીને સેન્ચુરીની સેન્ચુરી પૂરી કરી. હવે શું કરવાનું? પાર્ટી! મૂકેશ અંબાણીએ મહાવિરાટ વૈભવી નિવાસનું બાંધકામ પુરું કર્યું. હવે એ શું કરશે ત્યાં? પાર્ટી! મોહનનો બર્થડે છે – પાર્ટી હો જાયે. મોહિનીના મેરેજ છે? ઈટ્સ પાર્ટીટાઈમ! મકાન લીઘું? પાર્ટી ક્યારે આપો છો, યાર? એવોર્ડ મળ્યો? થ્રો એ બિગ પાર્ટી!

પણ હજુ યે આપણે ત્યાં ચિ. મુન્ની અને ચિ. શીલાને પરેશાન કરનારા અવળચંડાઓ બેઠા છે. આ બે ધમાલકમાલ ગીતો ‘છીછીછીઅરરરર’ હોઈને એને હટાવવાની હાઈકોર્ટમાં રિટ થઈ છે. અરે બાબા, બે નબળી ફિલ્મોમાં જે કંઈ છે, એ આ બે ગીતો તો છે! એ ય કાઢો તો શું જીંદગી આખી ખાટલામાં ઝંડુ બામ ચોપડતા માળા ફેરવ્યા કરવાની?

જલસા, સેલિબ્રેશન, ઉત્સવ, મોજમજાની આપણે ત્યાં ‘નેશનલ એલર્જી’  હોય, એવો ડોળ કરવામાં આવે છે. ‘બઘુ અહીં રહેવાનું છે, કશું સાથે આવવાનું નથી’નો ડારો ગળથૂથીમાં પાવામાં આવે છે. છો ને ન આવે સાથે – અહીં છીએ ત્યાં સુધી તો મિડલ ક્લાસ એસ્કેપિઝમ છોડીને એને હસીખુશીથી ભોગવી લઈએ! કટાણું મોં કરવાને બદલે જરા મસ્તી કે ફનનો ગિલ્ટ (અપરાધભાવ) છોડીને થોડું નાચીકૂદીઝૂમી લઈએ!

પ્લેઝર બીજાના ભોગે હોય તો રેઝરની જેમ અડે ત્યાં લોહીઝાણ વેદના આપે છે. પણ બીજાની સાથે સહભાગી થઈને હોય તોય તો મેમોરેબલ ટ્રેઝર બને છે. એન લેન્ડર્સનું રમતિયાળ ક્વૉટ હતું – દરેક પાર્ટીમાં બે પ્રકારના લોકો હોય છે. એક જેમને મોડે સુધી રોકાવું હોય છે. બીજા જેમને વહેલા ઘેર જવું હોય છે. અને બંને એકબીજાને મોટેભાગે પરણેલા હોય છે! સ્માર્ટ જોક પર હસવાની ખુશી પણ ઘણાને ગુનો લાગે છે!

એ જ લોજીકને જીંદગીને ચસચસાવીને, દિલ ફાડીને, ટેસડાથી જીવી લેનારાઓ ‘જવાની જાનેમન, હસીન દિલરૂબા, મિલે દો દિલ જવાં… નિસાર હો ગયા… ઓહો!’ નટખટ અંદાજમાં નિહાળે છે. કશું જ સાથે આવવાનું નથી, તો અહીં જ ભોગવી નાખો. સમય આપણા જન્મ પહેલા આપણે માટે હતો નહિ. આપણી ફાઈનલ એક્ઝિટ પછી રહેશે નહિ. જો ભી હૈ, બસ યહી ઈક પલ હૈ! તો પછી? ઈસ પલ મેં જીના યાર સીખ લે! લિવ ધ મોમેન્ટ!

એ કેવી રીતે?

સિમ્પલ. વર્ક હાર્ડ. પાર્ટી હાર્ડર!

***

પાર્ટી શબ્દનો અર્થ જુહાપુરાના સ્કૂલે જતાં ટાબરિયાંથી લઈને જૂહૂ બીચ પર નારિયેળપાણી પીતા વડીલશ્રી સુધી કોઈને ય ડિક્શનેરીમાં જોઈને સમજાવવો પડે તેમ નથી. ગેટટુગેધર. ડાન્સ. મ્યુઝિક. ડ્રિન્ક. ઈટીંગ આઉટ. ગોઇંગ વાઈલ્ડ. બીઇંગ ક્રેઝી. હલ્લાગુલ્લા, હંગામા… બ્રેક ફ્રી પાર્ટી… ધેટ્સ પાર્ટી! ભારતની કુલ વસતિના સંદર્ભે ખ્રિસ્તીઓની આબાદી નજીવી ગણી શકાય તેમ છે. બાઈબલનું પાનું પણ ઉઘાડીને કોઈ જોતું નહિ હોય. મેજર ફેસ્ટિવલ દિવાળી, હોળી, ઇદ, સંકરાત છે. તો પછી અચાનક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો આટલો મહિમા કેમ? ચર્ચમાં જઈને ઈસુને પ્રાર્થના કરવા? હોય કંઈ? અરે સાહિબાન, કદરદાન… ઉજવણી કરવા! ખાવા પીવા, નાચવા કૂદવા… બીજું શું? ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કૅવરથી દિલ્હીના ચાંદની ચોક સુધી… ઇયર એન્ડ, થર્ટી ફર્સ્ટ એટલે પાર્ટીવાલો કો પાર્કી કા બહાના ચાહિએ! (ગાના આયે યા ન આયે, ગાના ચાહિએ!)

અપર ક્રસ્ટના એલાઈટ્સ તો બારે માસ આ જ કરતા રહેતા હોય છે. લાઈફ સ્ટાઈલના મિડનાઈટ ટીવી પ્રોગ્રામ્સ કે હાઈ બ્લિટ્ઝ્ડ, ઓકે, હેલ્લો, એન્ડસ્પ્રેડ, કોસ્મોપોલિટન, પીપલ જેવા મેગેઝીન્સ આ પાર્ટીઓની ગ્લેમર અને ગોસિપ પર તો નભે છે! ઢિનચાક ઢિનચાક… ચક ઘૂમ! પણ થર્ટી ફર્સ્ટના નામે મિડલ ક્લાસને બે ઘડી આ મિડનાઈટ ડ્રીમ જીવવા મળી જાય છે અને એક એન્ડલેસ ડિબેટ આવતી રહે છે.

રૂઢિચુસ્ત, પાર્ટીને પાપ સમજીને ભડકી જનારા, જડભરત જગતકાજીઓ એને વખોડ્યા કરે છે. આમ તો ખ્રિસ્તી ધર્મમાં વાસના, લોભ, ઈત્યાદિ જે સાત મહાપાપ ગણાવાય છે, એ જ બધા ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણીને નામે પાર્ટીઓમાં ફૂંફાડા નાખે છે! એક ફ્લેવર ઓફ જેસિકા લાલ મર્ડર કે બીજલ જોશી રેપ જેવી ઘટનાઓની! કોકટેલ ડેન્જરસ છે. ઈટ્સ જંગલ આઉટ ધેર. પાર્ટીમાં આવતા શેતાનોને બદલે પાર્ટીને જ શેતાન માની લેવાય છે.

બીજા છે, યંગસ્ટર્સ, સેલિબ્રિટીઝ. હિપ હોપ હેપનિંગ ક્રાઉડ. એ લોકો કહે છે, અમારે માટે જીંદગી એક સતત ચાલતી ઉજાણી છે. કાયમી ચાલુ રહેતું ઉઠમણુ નથી. અમે ધુવડગંભીર સોગિયાં ડાચા રાખી ઘરમાં નહિ બેસીએ. અમે કામ કરીએ છીએ. ઉજાગરા કરીએ છીએ. અમારી લાખેણી જુવાનીનો કીંમતી સમય કરિઅર, જોબ, બિઝનેસ એક્ઝામિનેશનની ચક્કીમાં પીસી નાખીએ છીએ. અમારા માટેનો સમય બોસને, ક્લાયન્ટને ઇન્સ્ટિટ્યુશનને, ફેમિલીને આપી દઈએ છીએ. આ કુરબાની મફતમાં થોડી હોય? લેટ્સ ગો પાર્ટી ટુનાઈટ. આ ઝાકળમાળના ચાલકબળ તરીકે અમારો એ હક છે!

અને સ્પેનના ઈબિઝાની પાર્ટી હોય, બ્રાઝિલનો કાર્નિવલ હોય કે રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાના ફાર્મહાઉસ હોય… રેવ પાર્ટી હોય કે સિમ્પલ પજામા પાર્ટી, બર્થડે પાર્ટી હોય કે ન્યુ ઈયર ઈવ પાર્ટી… પાર્ટીની જાન હોય છે – નોટી હોટ્ટી! નખરાળી ભમરાળી કમસીન કામિનીઓ! બેબ્સ! ભલે રસ્તાની માફક સ્ત્રીઓમાં પણ જેટલા વળાંકો વઘુ, એટલું જોખમ વઘુ… પણ એટલું રિસ્ક તો કોઈ પણ લે જ ને! બિકોઝ વિમેન સ્પાઈસ અપ ધ પાર્ટીઝ! કેટલીક ડાન્સિંગ ડિવાઝ હોય તો કેટલીક ચુલબુલી ચટરપટર. કોઈ ગર્વિષ્ઠ માનુની હોય તો કોઈ હસતી હસાવતી હસીના! વી લાઈક ટુ પાર્ટી, બિકોઝ પાર્ટી ઈઝ સેક્સી થિંગ!

એન્ડ ગર્લ્સ ડુ લાઈક ટુ હેવ ફન! ધે ઓલ્વેઝ ડ્રેસ્ડ ટુ કિલ એન્ડ ચીઅર અપ ધ થ્રીલ! ગુજરાત-મુંબઈ તો આમ પણ માદાઓ માટે સુરક્ષિત અભ્યારણ્યો ગણાય છે (બીજા વિસ્તારોની સરખામણીએ હોં કે!) માટે વિમેન કેન ગો વાઈલ્ડ હિઅર. રાત, રસ્તો, રખડપટ્ટી, રમૂજ અને રૅઝમતાઝ! ન્યુ ઈયર ઈવ આવે એ પહેલા જ બ્યૂટી સલૂન્સ અને ફેશનેબલ ગાર્મેન્ટ્સવાળાની સાંજ સુધરવા લાગે! તેજ સ્ત્રીઓને કદી મંદી નડતી નથી, કારણ કે દેવું કરીને પણ એમના માટે ખિસ્સા ખાલી કરનારા ખિદમતદારો મળતા જ રહે છે. એક સ્ટ્રિક્ટલી એડલ્ટ્સ ઓન્લી, પણ સેન્ટ પરસેન્ટ સાચું ક્વૉટ હતું : વુમન હેવ સોફ્ટ કર્વ્ઝ, વિચ કેન સેટ મેની થિંગ્સ સ્ટ્રેઇટ એન્ડ હાર્ડ! કોઈ ટેટૂ કરાવે તો કોઈ મિનિ સ્કર્ટ પહેરે. કોઈ ફન્કી જ્વેલરીમાં જાય તો કોઈ ટ્રેન્ડી હેરકટ માટે! બટ, ઓવરઓલ ધે લવ ટુ લૂક બ્યૂટીફૂલ, કારણ કે પછી પાર્ટીમાં વગર નશાએ મદહોશ થઈ જનારા ફૂલ્સ મળી રહે છે!

ડોલ્સ પછીનું પાર્ટીનું આ બીજું રિઝન છે – ફિન્ક. ગુજરાત તો કાગળ પર ડ્રાય સ્ટેટ છે. બાકી, તો કોલેજીયન કન્યાઓને પણ વન્સ ઇન એ વ્હાઈલ ‘રાત ભર જામ સે જામ ટકરાયેલા, જબ નશા છાયેગા તબ મજા આયેગા’ની ફેન્ટેસી પંપાળવી ગમે છે! ‘તરસ્યા’ ગુજેશકુમારો માટે તો બોટલ ખોલી દો, એ જ પાર્ટી – એવી હાલત હોય છે! જીંદગીના નશાને ચાખવાનો જમાનો એવો છે કે મમ્મી જેવી રસોઈ બનાવતી રમણીઓ હવે પપ્પાની જેમ પેગ પણ ભરી શકે છે.

એન્ડ ધ ડાન્સ, ડીજે, મ્યુઝિક. રિધમ ઇઝ ગોન્ના ગેટ યુ! પીપલ આર સ્માર્ટ. જે ઘરમાં કે ઓફિસમાં બેસીને કરી શકાય એવી જ – એક્ટિવિટિઝમાં શું ચિલ આઉટ થાય? બેઝિકલી, કોઈ પણ મોજ ત્યારે જ મજા આપે છે, જ્યારે એમાં જાતને ભૂલી જવાતી હોય. મેરી ગો રાઉન્ડ હોય કે કોમેડી કાર્ટૂન – ધેટ્સ ધ સિક્રેટ. માટે સારા ડિસ્ક જોકીના નામ પર પાર્ટીમાં એન્ટ્રી પાસ મેળવવા પડાપડી થાય છે!

શરીરના ગુરૂત્વમઘ્ય કેન્દ્રને ફંગોળીને હિલોળા લેવાની એક મસ્ત લિજ્જત હોય છે. ડાન્સ માટે પેશન એન્ડ ઓબ્સેશન જોઈએ. પેપ્પી કેચી સોંગ્સથી પાર્ટી ધમાકેદાર શરૂ થાય, અને મ્યુઝિક જ હંમેશા પાર્ટીનો મૂડ સેટ કરે. ડાન્સિંગ એન્ડ ડીજેનો સાથ તો મોબાઈલ હેન્ડસેટ અને સીમકાર્ડ જેવો છે. લોન્જ, ટેકનો, હિપહોપ, કન્ટ્રી, રોક, જાઝ એન્ડ બોલીવૂડ ધમ્માલ… જો બીટ્સ નથી, તે હાર્ટબીટ્સ નથી. સો, પાર્ટી પાર્ટનર બનવું છે? તો ડાન્સ પે ચાન્સ માર લે! માણસ માત્રમાં એક્ઝિબિશનિઝમનો સેકસ્યુઅલ ઇન્સ્ટિંક્ટ હોય છે! (પૂછો ઉપદેશક મહાત્માઓને!) સો, ‘વાઉ’ ઈમેજ ક્રિએટ કરવી હોય તો પ્રેક્ટિસ હોલ ઈયર, એન્ડ શૉ એટ ઇયર એન્ડ!

નેક્સ્ટ? ઓહ ડિનર! ગુડ ફૂડથી મૂડમાં ન આવે તો એ ગુજરાતી ન કહેવાય! યમ યમ, મમ મમ. પાસ્તાથી પિત્ઝા અને પાતરાથી પિકલ્સ! ખાયે જાવ, ખાયે જાવ ઔર પાર્ટી કે ગુણ ગાયે જાવ! અલબત્ત, પાર્ટી અને રિસેપ્શનમાં ફેર હોય છે. ઉસ્તાદ અને અનુભવી પાર્ટીગોઅર્સ જેટલું પાર્ટીમાં પીએ છે, તેટલું ખાતા નથી! વઘુ વાનગી ખાવ તો આળસ ચડે, ઘેન ચડે… સતત પાર્ટીમાં ફરનારાની સ્કિન કે એનર્જી ડાઉન થતી જાય! તો પછી ડાન્સ એન્ડ ગોસિપ કોણ કરે?

યસ, ગોસિપ… શાનદાર પાર્ટી કી જાન! મહાસેલિબ્રિટીઝને પણ કોન્ટ્રોવર્સી ન થાય એ માટે બોડીગાર્ડસ કે ગોગલ્સ સાથે પાર્ટીમાં આવવું પડે, પણ એમની નોંધ ન લેવાય એ ન ગમે! બેઝિકલી, પાર્ટી માત્ર ફૂડ કે ડેકોરેશનથી થતી નથી. ફક્ત મ્યુઝિકની પણ મસ્તી પૂરતી નથી. મોટા મોટા માથાઓને એટિકેટમાં મળીને હાય-હલ્લો કરવાનું રહે, પણ પાર્ટીની ખરી રંગત તો બધી એટિકેટ-કર્ટસી છોડીને મુક્ત બનવામાં છે! અને એ માટે જોઈએ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફની કંપની! ફ્રેન્ડ સર્કલ, યુ સી!

અને જ્યાં દોસ્તો હોય ત્યાં તો ગોસિપ થવાની જ ને! ઓલો આમ, ને પેલી તેમ! ઓસ્કાર વાઈલ્ડ કહેતા ‘તમે જો કોઈનું ખરાબ બોલતા નથી, અને કોઈનું ખરાબ સાંભળતા નથી તો તમને કોઈ જ પાર્ટીમાં બોલાવવાનું નથી! હાઉ ટ્રુ! પાર્ટી ગોસિપથી ઘણી વખત લાઈફ કે જોબ માટે ઈમ્પોર્ટન્સ ઈન્ફોર્મેશન મળે છે. લિવરપુલ યુનિ.ના સાયકોલોજીસ્ટ રોબર્ડ ડન્બાર તો કહે છે કે પ્રાણીઓમાં જેમ જીભ ચાટવા કે સૂંઘવાથી બોન્ડિંગ થાય છે, એમ હ્યુમન ઈવોલ્યુશનમાં ગુ્રપમાં ભરોસો બતાવવા ગોસિપિંગ આવ્યું છે! બીજાની કૂથલી જેના મોંએ કરી શકાય, એ આપણો વિશ્વાસુ!

એકચ્યુઅલી, દરેક પાર્ટીનો અસલી ધબકાર ડ્રગ્સને બદલે આવી વ્યક્તિઓની હરકતોમાં હોય છે. આજે ક્રેઝ બની ચૂકેલી થીમ પાર્ટીઝમાં તો ખાસ! દરેક પાર્ટીમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોવાના, એક તો એ કે જે અવનવી અદા કરે આવડતથી બંધાનું ઘ્યાન ખેંચે! જે જરા બોહેમિયન, બહિર્મુખ હોય – ખુલ્લેઆમ નાચ, દારૂ પીને ટુન્ન થઈ જાય, શરમ વિના જોક્સ કરે, અવનવી ડ્રેસિંગ-ફેશનની સ્ટાઈલ કરે… અને બીજા એ કે જે આ પહેલા ગ્રુપને ઓબ્ઝર્વ કરી કાં ઈમ્પ્રેસ થાય અને કાં ડિપ્રેસ થાય! આ બંનેનું ‘ઈન્ટરડિપેન્ડન્સ’ યાને પરસ્પરાવલંબન હોય છે! એક્ટર અને ઓડિયન્સની માફક! ટુગેધર, ધે મેઈક ઓર બ્રેક ધ પાર્ટી!

પાર્ટી ઈઝ કન્વર્ઝેશન. પાર્ટી ઇઝ ક્રાઉડ. પાર્ટી ઈઝ ક્રેઝ. લાઈફ જરૂર નોનસ્ટોપ પાર્ટી છે. પણ પાર્ટી અને નોનસ્ટોપ લાઈફ નથી. સમટાઈમ્સ, પાર્ટીની ભીડ વચ્ચે પણ કોઈ તન્હા તન્હા મહેસૂસ કરે છે, કોઈ સમવન સ્પેશ્યલને મિસ કરે છે. ક્યારેક, કોઈ સ્વીટહાર્ટ સાથે હોય તો જાણએ આખી દુનિયા પાર્ટીમાં ઝૂમી રહી હોય એવો મેળો લાગે છે! કંઈક રિલેશન્સ દુનિયામાં પાર્ટીમાં બન્યા, બગડ્યા કે મઘમધ્યા છે.

ક્યારેક બધી ધાંધલથી દૂર કોઈની સાથે ખુલ્લા આકાશના તારા ગણતા ધીમું સંગીત સાંભળતા, મનગમતું પુસ્તક વાંચવું કે ફિલ્મ જોવી એ પણ પાર્ટી છે. ક્યારેક બસ, અલગારી રખડપટ્ટીમાં શહેરથી દૂર કુદરતમાં કૂદાકૂદ કરવી કે પાણીમાં ઘુબાકા લેવા એ પણ પાર્ટી છે. લેટ નાઈટ હલ્લાગુલ્લાની પણ મજા છે, પણ ગુજરાતી થાળીમાં નમકીન ફરસાણ જેવી! રોજ ફક્ત એ જ ખાતા રહીએ, તો પછી ક્યારેય ન ખાઈ શકાય એવી માંદગી આવી જવાનું જોખમ રહે!

એક ઓર સાલ જીંદગીનું ખતમ થવાની ગમગીનીને મોજમજાનો કશ લઈ ઘુઆં ઘુંઆ કરી નાખો… નેતાઓ ફાઈવસ્ટારમાં પાર્ટી કરે, અને જુવાનિયાંઓ બિચારા સ્ટારી નાઈટ્સમાં બહાર નીકળે તો ય એમના પર ચોકીપહેરો થાય! કલમાડી કે અશોક ચવાણની જાસૂસી ન થાય, પણ એક છોકરો-એક છોકરી એકબીજામાં પરોવાય કે ગૂંથાય, તો ગામ આખું ડિટેક્ટિવ થાય! ૨૧મી સદીના દસ વરસ પછી યે હજુ પબ્લિકલી હગ કે કિસ કરવામાં આપણે લાજી મરીએ છીએ, પણ કચરો ફેંકવામાં કે છીછીપીપી કરવામાં નહિ!

ફરગેટ ઇટ. આવું બઘું ઘડીબેઘડી ભૂલી જવાની મોસમ એટલેસ્તો પાર્ટી. ગમતી સોબતનો સંગાથ મળે, તો હર ઘડી એક પાર્ટી બની જાય. અને ન મળે? તો પાર્ટીમાં જઈને એ શોધો યાર!

૧૯૨૨માં પ્રકાશિત થયેલી જ્યોર્જ સાંતાયાનની નોવેલ ‘વોર શ્રાઈન્સ’નું બેનમૂન ક્વોટ હતું : સ્પેન્ડ ધ ટાઈમ. યુ કાન્ટ ટેઈક ઈટ વિથ યુ!

સમયને ખર્ચી નાખો. ખોટી બચત એની ન કરો. શક્ય તેટલી સુખની ક્ષણો સર્જી નાખો. કારણ કે, સમય મૃત્યુ પછી સાથે આવવાનો નથી. સો સ્ટાર્ટ એન્જોયિંગ એટ મેક્સિમમ સ્પીડ… નાઉ!

જો આ કરી શકો, તો ન્યુ ઇયર હેપી હેપી રહેશે. વિશિંગ ગ્રેટ ૨૦૧૨.

અને ત્યાં સુધી રાત બાકી, બાત બાકી…હોતા હૈ જો, હો જાને દો…

ઝિંગ થિંગ

જો મજા ન કરવી હોય તો એક વરસ વધારે જીવવાનો મતલબ જ શું છે? વઘુ પીડા, દુઃખ ભોગવવા?

 

#ગયા વર્ષ નો લેખ

 
34 Comments

Posted by on December 30, 2011 in Uncategorized