RSS

Daily Archives: December 21, 2011

માયાવી મોલ : માલામાલ સે કંગાલ તક

લેખ છપાયા કે તરત બ્લોગ પર ના મુકવા, એ મારી પોલીસી આ પ્લેનેટના નિયમિત પ્રવાસીઓ માટે અજાણી નથી. પરંતુ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આ વખતનું સ્પેકટ્રોમીટર ગુજરાત સમાચારની સાઈટ પર વંચાતું ના હોવાની રીડરબિરાદરોએ એક્રોસ ધ ગ્લોબ ફરિયાદ કરી (આ છે ગ્લોબલાઇઝેશન !  😛 ) હું પણ બહારગામ હોઉં છું, મોટા ભાગે. તો હાજર છે એ લેખ. એ વાંચતા પહેલા એના ‘પ્રિક્વલ’ સમો આ બ્લોગ પરનો જ લેખ ના વાંચ્યો હોય તો જરૂરથી જોઈ જવો. અને ફેસબુક પર ચાલેલીચર્ચા પણ- અલબત્ત, જેમાં જીંજરા કરતા ફોતરાં વધુ છે 😀

૧૯૭૮ની એક હોરર ફિલ્મ હતી ‘ડોન ઓન ધ ડેડ’ (મૃતદેહોનું પ્રભાત) રાબેતા મુજબ દુનિયાનો કબ્જો માણસમાંથી માનવભક્ષી થઇ ગયેલા ઝોમ્બીઓએ લઇ લીધો હતો. જે થોડા નોર્મલ નર-નારીઓ બચ્યા હતા, એમને રાક્ષસોથી બચવા એવી જગ્યાએ સંતાવું પડે તેમ હતું જયાં પાણી, ખોરાક, જરૂરી સામાન, ઇંધણ વગેરે મળી રહે. શહેરની બહાર એ ન મળે, માટે એ લોકોએ એક મોલમાં છુપાવાનું નક્કી કર્યું.

એ લોકો વેરાન પડેલા મોલમાં આવ્યા, ત્યારે હોરર ફિલ્મની ગભરાયેલી હીરોઇને કહ્યું ‘તમે બધા આ જગ્યાથી હિપ્નોટાઇઝડ થઇ ગયા છો. એ એટલી ચોખ્ખી અને ઝગમગતી છે કે તમે જોઇ શકતા નથી કે એ એક જેલ છે!’

કમનસીબે, એનો ડર ત્યારે ફિલ્મમાં સાચો પડયો, અને પોતાના અગાઉના ઇન્સ્ટિન્કટથી દોરવાયેલા ઝોમ્બીઓ વ્યસનીની માફક મોલમાં લટાર મારતા થઇ ગયા!

* * *

બીજા વિશ્વયુદ્ધે દુનિયા પાસેથી જે છીનવ્યું છે, એનો અંદાજ તો ઘણાંને છે, પણ જે આપ્યું છે એ અજાણ રહી ગયું છે. એને લીધે ફાટી નીકળેલી સ્પેસ વોર સેટેલાઇટ સુધી પહોંચી. સંરક્ષણની વધતી ચોકસાઇમાં ઇન્ટરનેટ આવ્યું. મોડર્ન મેનેજમેન્ટ કે સ્ટોરકીપિંગની થિયરીઝ આવી. એવી બીજી ઘણી બાબતો સાથે પાછલા દરવાજેથી મોલ પણ આવ્યા.

અફ કોર્સ, ઇનડાયરેકટલી. હિટલરના નાઝીઓએ કબ્જે કરેલ વિએનામાંથી એક યહૂદી વિકટર ગ્રુએન રેફયુજી તરીકે અમેરિકામાં આવ્યો. એક માણસ ધારે તો દુનિયા પોતાની રચીને બહારની દુનિયા કેવી રીતે બદલાવી શકે, આઇડિયાના જોરે લાઇફને ટવીસ્ટ આપી શકે, એનો વઘુ એક પુરાવો એટલે વિકટર ગ્રુએન. જો આ માણસ ન હોત, તો દિવસોની રાડારાડ પછી અને ભવિષ્યમાં જનતાના પૈસા બચાવવાના નામે એના પૈસા વર્તમાનમાં જ બરબાદ કર્યા પછી ચાલતી એફડીઆઇ ઇન રિટેઇલિંગવાળી ડિબેટે આટલું જોર પણ ન પકડયું હોત. એઝ ઓલ્વેઝ, કન્ફર્મેશનને બદલે વેઇટિંગ બાસ્કેટમાં ફેંકાઇ ગયેલા આ મુદ્દા પછી પણ આપણે ત્યાં એક સીધોસાદો બેઝિક કવેશ્ચન ભલભલા પંડિતોને (થેન્કસ ટુ અવર અડિયલ એજયુકેશન સીસ્ટમ) થયો નહિ, કે મોલને બદલે ફકત વોલમાર્ટ પૂરતા હાયવોયમાં જ ફેરવાઇ ગયેલું આ મોલ કલ્ચર શરૂ કેવી રીતે થયું? કયારે થયું?

સો લેટ્‌સ ગેટ બેક ટુ સ્કવેર વન. વિકટર ગ્રુએન યુરોપથી અમેરિકા આવ્યો, ત્યારે એ છેલછોગાળો કહી શકાય એવો રંગીન તબિયતનો આદમી હતો. પહેલાં તો એણે એક કેબ્રે ડાન્સનું થિએટર શરૂ કરેલું, જે ધબ્બાય નમઃ થઇ ગયું. પછી એણે વળી ન્યુયોર્કમાં પોતાના જેવા વિદેશથી આવેલા વસાહતીઓ (ઇમિગ્રન્ટસ) માટે શોપ્સ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. ૧૯૩૦ની મંદી અને યુદ્ધમાંથી બેઠા થઇ રહેલા અમેરિકામાં શોપ ડિઝાઇનમાં ગ્રુએને એક સિમ્પલ માસ્ટર સ્ટ્રોકથી નવી ક્રાંતિ કરી. એ દુકાનોના ડિસ્પ્લે ‘આય લેવલ’ યાને ચાલતા ચાલતા આપોઆપ નજરમાં આવે એટલી જ હાઇટ પર રખાવતો હતો. એ જમાનાના એના ટીકાકારો એની દુકાનોને ‘માઉસટ્રેપ’ યાને ગ્રાહક નામના ઉંદરને ડિસ્પ્લેથી લલચાવીને પકડવાનું પિંજરૂં કહેતા હતાં!

એ જમાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનો હતો. મહાકાય મોલ તો થિંક બિગમાં માનતા અમેરિકાના ય સપનામાં નહોતા. ૧૯૪૭માં કેલિફોર્નિયા એલ.એ.માં એક શોપિંગ સેન્ટર ખુલ્યું હતું. જેમાં બે મોટા સ્ટોર, કેટલીક નાની દુકાનો અને એક કાર પાર્ક હતો. પણ એ તો કેલિફોર્નિયાના ગરમ હવામાન મુજબ ઓપનએર હતો. (ત્યાં વરસાદ અને ઠંડી બંને ઓછી પડે.)

પણ ગ્રુએને ૧૯૫૬માં મિનેસોટા સ્ટેટમાં સાઉથડેલ ખાતે જે શોપિંગ કોમ્પ્લેકસ બનાવ્યું એમાં ઉપર છાપરૂં હતું. ગ્રાઉન્ડ ફલોર છોડીને સીધા જ ફર્સ્ટ ફલોર પર જવાય તેવો શોપિંગ રોડ હતો. નીચી બાલ્કનીમાંથી ચકડોળની પાલખીમાંથી મેળો દેખાય એમ વ્યુ બધી દુકાનોનો આવતો હતો. વિશાળ પાર્કિંગને અલગ-અલગ પ્રાણીઓના ચિત્રો મુકી ઝોનમાં વહેંચી દેવાયું હતું. યુરોપના સિટી સેન્ટરની ભૂગોળને ગ્રુએન અમેરિકાના કોમર્સમાં ભેળવી રહ્યો હતો. આ હતો દુનિયાનો પહલો શોપિંગ મોલ!

એ વખતે આપણા ગામડા અને મહાનગરો દેખીતી રીતે જ અલગ પડે છે, એવું જ અમેરિકામાં હતું. સબર્બ યાને પરાં / ઉપનગરોમાં ગુ્રએને મેટ્રો સિટીની લકઝરીનો અહેસાસ આપ્યો હતો. ગ્રુએને ચુસ્તપણે પોતાની ઇમારતોને ટ્રાફિકના ઘોંઘાટ અને ખીચોખચ પાર્ક થતી કાર્સથી મુક્ત રાખી હતી. આખા સ્ટ્રકચરને સેન્ટ્રલી એરકન્ડીશન્ડ બનાવી, ૨૪ ડિગ્રીના કૂલિંગ પર સેટ કરાયું હતું. ઇનફેકટ, એની જાહેરાતમાં જ લખવામાં આવેલું ‘ઇટર્નલ સ્પ્રિંગ’ (શાશ્વત વસંત) અંદર જળવાયેલી છે!

ગ્રુએનનો વિચાર જો કે શેરીઓની દુકાનોને ખત્મ કરવાનો નહોતો. રસ્તા પર ઉભા રહેતાં ફેરિયાઓ / રેંકડીઓ પાસે ખાવાપીવા કે વાપરવાની હલકી ગુણવત્તાની ચીજો મળે, તેની સામે એક જ જગ્યાએ વિશ્વાસપાત્ર વસ્તુઓ આપવાનો હતો. ગ્રુએનના મનમાં મોલ ફકત ખરીદ- વેંચાણને બદલે પરિવાર સાથે હરવા-ફરવા અને બેસવાનો ‘માહોલ’ બને, એવો બગીચાનુમા ઓપ્શન આપવાનો ખ્યાલ હતો. મિત્રો મોલ પર કોફી પીતા પીતા કોઇ બૂક કે ફિલ્મ પર ડિબેટ કરતા હોય, એ માટે જ તેણે એન્ટ્રી અને ખરીદી વિના પણ બેસવાનું મફત અને અનલિમિટેડ રાખ્યું હતું.

૧૯૭૦ના દાયકામાં તો ગ્રુએને આખા અમેરિકામાં પોતાના વિચારનો પ્રચાર કરી નાખ્યો હતો. એ વખતે વળી અમેરિકામાં બે ઘટના બની, નવા વિશાળ બિલ્ડીંગના ખર્ચને ટેકસમાં ખર્ચ બતાવીને બાદ કરાતો હતો. અને પ્રોપર્ટી ટેકસના સુધારાને લીધે ઘટેલી આવક સરભર કરવા રાજય સરકારો નવા નવા ધંધાઓને મખમલી જાજમ પાથરીને બોલાવવા ઉત્સુક હતી. મોલ ગુજરાતના હાઇવે પર આડેધડ ગાંડા બાવળ ફેલાયા છે, એમ વિસ્તરતા ગયા.

યુરોપીઅન આઈડિયા અમેરિકન પેકેજીંગમાં આવવાને લીધે મોલ્સ યુરોપમાં ય અમેરિકન જ ગણાયા, અને ફેલાયા જમાનો એવો આવ્યો કે મોલ અમેરિકન કલ્ચરનો ભાગ બની ગયા. મોલમાં જ ખુલતી ફૂડ ચેઈન માટે નવી વાનગીઓ બનવા લાગી. મોલમાં રોલરકોસ્ટરથી લઈને આઈસ્કીઈંગ સુધીની રમતો રમવા લાગી. મોલ પર પોપગીતો રચાયા. ફિલ્મોના શૂટિંગના એ બેકડ્રોપ લોકેશન બન્યા! વોલમાર્ટ જેવી ચેઈન એ ફકત ગ્રોસરી સ્ટોર યાને કરિયાણાની દુકાનનું / નવોલ્ટી સ્ટોરનું સુપરમાર્કેટ સ્વરૂપ છે. જેનાં એ પહોળા અને પથરાયેલી હોય, અને જથ્થાબંધ ખરીદીને લીધે ખેડૂતોને કસીને ગ્રાહકને ફાયદો કરાવતી હોય. જયારે મોલ એ કેવળ ગ્રોસરી સુપરમાર્કેટ નથી. બ્રાન્ડેડ શોટસ, અઢળક આઈટેમ્સનો એક સ્ટાઈલિશ, મોર્ડન, ઈન્ડોર લોકમેળો છે.

પણ પરિસ્થિતિ બદલાતી ગઈ. કંપનીઓએ ડાયરેકટ રિટેઈલ આઉટલેટસ શરૂ કર્યાં. અમુક ખાસ વસ્તુઓ (જૂનાં, રમકડાં, ફર્નિચર)ના જાયન્ટ સ્ટોર શરૂ થયા. ઓનલાઈન શોપિંગ આવ્યું. શોપિંગ એજેન્ડા વિનાના ટીનેજર્સ કસ્ટમર તરીકે આવ્યા. અને ભૂતકાળમાં અનેક વખત બન્યું છે, તેમ બહારની હરીફાઈ કરતાં મોલ પોતાના જ પાપે વઘુ ખતમ થતા ગયા – અતિરેકને લીધે!

ક્રિકેટનો કસ કાઢવાના નામે એનો રસ જ વઘુ ને વઘુ મેચો રમાડીને ખતમ કરવામાં આવે, એમ અમેરિકામાં મોલની સંખ્યામાં બેફામ વસતિવધારો થયો! (આ જ ભારતમાં થઈ રહ્યું છે, થવાનું છે!) ‘ગ્રીડ ઈઝ ગુડ’ના સિઘ્ધાંતે તેજીમાં તંદુરસ્તી મેળવવા બધા જ તૂટી પડયા એક મોલમાંથી બહાર નીકળી ગલીમાંથી વળો ત્યાં વળાંક પર બીજો મોલ હોય! મંદી આવે એ પહેલા જ મોલ એકબીજાને ફાડી ખાવા લાગ્યા. કોઈને ભવ્ય ઝાકળઝમાળ પછી પૂરતી આવક થાય જ નહિ! અને એસી/ લાઈટિંગનો ખર્ચ તો ચડે જ! થોડાક કમાયા. કેટલાક ટકયા. બાકીના વીંખાયા!

મોલના માહોલમાં આખી એક વેસ્ટર્ન જનરેશન એવી તો ઉછરી છે કે ડેડમોલ્સ ડોટકોમ જેવી સાઈટસ પર પોતાનો ગમતો મોલ બંધ થવાથી શ્રઘ્ધાંજલિઓ જોવા મળે! એ ફેવરિટ મોલમાં નાના હતા ત્યારે કેવા જતાં, કેમ ગમતી ગર્લ્ફેન્ડને પ્રપોઝ કરેલું, કેવું પહેલું વોલેટ કે પર્સ લીધેલું, કયારે ત્યાં પહેલી વેકેશન જોબ કરેલી એવા સંવેદનશીલ સ્મરણો લોકો લખવા લાગ્યા! ગમતા મોલમાટે અંદરોઅંદર ઝગડી પડે કોઈ વળી ફેવરિટ મોલ સ્વર્ગસ્થ થશે, એવી ખબર હોત તો બીજેથી ખરીદી ન કરતની પોક મૂકે!

જો કે, અમેરિકન મંદી વચ્ચે રિક કારૂસો નામનો એક આદમી ગ્રુએનની માફકમોલ – કલ્ચરમાં ક્રાંતિ કરવા મેદાન પડયો છે. એ જુદા પ્રકારના મોલ બનાવે છે, જેને એ લાઈફસ્ટાઈલ સેન્ટર્સ કહે છે. ગુ્રએને ‘ઓપન ટુ સ્કાય’ શોપીંગને ઈન્ડોર કર્યું. રિક એને ફરી ઓપન ટુ સ્કાય કરે છે. સ્ટ્રીટની ‘ડાઉનટાઉન’ ઈફેકટ આપે છે. ઉત્સવ જેવો માહોલ ઉભો કરી ખરીદી માટેનો હોલિડે મૂડ બનાવે છે. કયાંક એકથી બીજી દુકાને ઘોડાગાડીમાં બેસીને જવાનું, તો કયાંક સ્ટુડન્ટસ રીડિંગ કરી શકે એ માટેની બેઠકવ્યવસ્થા! રિક માને છે કે, ફકત પ્રોફિટ પોઈન્ટ નહિ, પણ આવા સેન્ટર સોશ્યલ મીટિંગ પોઈન્ટ બને, તો જ ટકી શકશે.

આમ પણ, કે મજૂરીના કોઈ કાયદાનું પાલન ન કરાવતું (અને છતાં મજૂરતરફી કોમ્યુનિસ્ટ કહેવાતું!) ચીન યુરોપ અમેરિકાની ઉત્પાદકતાને જોરજબરદસ્તીથી ઘરઆંગણે કરાવેલા મફતિયા ભાવના (ઘણી વાર તકલાદી) પ્રોડકશનથી ટાયનોસોરસ રેકસના જડબાની માફક ભચડી રહ્યું છે!

* * *

ભારતીય રિટેઈલ માર્કેટમાં એફડીઆઈ હવે આઉટડેટેડ ટોપિક બની ગઈ છે. પણ આંખો મીંચી મીંચી દેવાથી તોફાન અટકતું નથી. આપણી ટ્રેજેડી એ છે કે, આપણે નાની નાની બાબતોને દૂરંદેશીથી ‘મેનેજ’કરી શકતા નથી, એટલે મોટા મોટા ખંભાતી તાળા ઝીંકવાના ‘કંટ્રોલ’ને જ મેનેજમેન્ટ માનીએ છીએ! આ સુધારા નહિ, પ્લાયનવાદ છે. કેન્યા, ઝિમ્બાબ્વે, કેનેડા, બાંગ્લાદેશ સામે જ મેચો રમીને ચેમ્પીયન બનવા જેવી લુચ્ચાઈ છે. ત્રેવડ હોય તો રમોને બાઉન્સી, સ્પોર્ટિંગ, સ્વિંગિંગ વિકેટ પર!

એ ખરું કે આપણને ફોરેન ટેકનોલોજીની ખાસ રિટેઈલ સેકટરમાં જરૂર નથી. પણ જરૂર છે કોમ્પિટિશનને લીધે સુધરતી સર્વિસ એન્ડ કવોલિટીની ! આપણે મહાનતાના ગમે તેટલા ફાંકા મારીએ, અંદરથી આપણે ડરપોક છીએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સલામતીની માનસિકતાના પ્રતિબિંબ જેવી અનામત, સબસિડી અને એરેન્જડ મેરેજની પ્રથા છે. વી ડોન્ટ લાઈક ન્યુ એડવેન્ચર, રિસ્ક. કોઈ પણ દેશ માટે ૬૦ વર્ષ આંતરિક તાકાતની ધાર કાઢવા માટે પૂરતો સમય ગણાય. એને આપણે કામચોરી, ગ્રાહકોના શોષણ, લુચ્ચાઇ, આળસ, ભ્રષ્ટાચારમાં રીતસર વેડફી નાખ્યો છે, અને હવે આપણી જાતની આત્મખોજ કરવાને બદલે વિદેશી કંપનીઓને રાક્ષસ ચીતરવામાં તૂટી પડીએ છીએ. એવું તે કેવું સ્વદેશી જે ફકત ૩૦ શહેરોમાં, ૧૦૦% નહિ  – એવી એફડીઆઇથી ડરીને ફાટી પડે? આ જ આપણો ડર બતાવે છે. પડકારને બદલે પલાયન બતાવે છે.

ભારત બનાવટી સમાજવાદમાંથી નકલી મૂડીવાદ તરફ જ ફેંકાયું છે. ખરા લિબરાઇઝડ રિફોર્મ્સ અહીં થયા જ નથી. કોક- પેપ્સીથી ડરીને થમ્સ અપ, કેમ્પા કોલા, સોસીયો લડયા વિના જ શરણે થઇ ગયા. પણ કેલોગ્સ અને મેકડોનાલ્ડસ સામે વડાપાઉં, ઇડલી, બટાકાપૌઆ, કચોરી, ફાફડા, ખાખરા, જલેબી છાતી કાઢીને ઉભા છે! હજુ ય લગ્ન સમારંભોમાં સ્વીટમાં બાસુંદી, મેસુબ, અડદિયા, શીખંડ, રસ હોય છે, ચોકલેટસ કે કેક નહીં ! મતલબ, વ્યવસ્થિત અને ગુણવત્તાસભર રીતે કરો, તો મુકાબલો શકય છે. વિદેશી કંપનીઓ પર કમાણી અહીં જ રોકવા જેવા નિયંત્રણો મુકવાની કે ભારતીય પ્રોડકશનને પ્રોટેકશન આપવાની એવી શરતો મૂકવાની કોણ ના પાડે છે? પણ આપણા અભણ અને ભ્રષ્ટ નેતાઓને એ કદી ફાવતું નથી. વિરોધપક્ષો કંઇ જનતાના ફાયદા માટે નહિ, આગામી ચૂંટણીમાં ફોરેન કંપનીઓને બ્લેકમેઇલ કરીને ઘર ભરવા માટે જ લુખ્ખી દાદાગીરી બતાવી રહ્યા છે.

પણ પોતે નાહ્યા ન હોય, એટલે ધરાર બીજાને ય ઘરમાં ન આવવા દેવા, અને એ માટે ખુદનો વાંક કાઢવાને બદલે જે આવનાર છે, એનો વાંક કાઢવાનો એવી અવળચંડાઇ આપણી છે. વોલમાર્ટ શોષણખોર છે, તો અત્યારે જે  ભારતીય કંપનીઓ રિટેઇલ માર્કેટમાં મોલ/સુપરમાર્કેટ ખોલીને બેઠી છે એ વળી ક્યાં પંચામૃતમાં શુઘ્ધોદક સ્નાન કરીને આવેલી છે ? મોબાઇલ આવે ત્યારે એસટીડીવાળા બૂમાબૂમ કરે, ટેક્સી આવે તો ઘોડાગાડીવાળા, ડીટીએચ આવે તો કેબલવાળા ને રોપ-વે આવે તો ડોલીવાળા ! તો શું આખા દેશને મ્યુઝિયમ બનાવીને જ રાખવાનો છે ? તો પછી હિન્દુસ્તાન છોડીને અફઘાનિસ્તાનની સિટીઝનશિપ લઇ લેવી જોઇએ ! ગેઇમના રૂલ બનાવો, નેટ પ્રેકટિસ કરો, પણ રમવાનો જ ઇન્કાર ?

બે રૂપિયાના ય ન હોય એવા નારિયેળના રેંકડીવાળો ૨૫ રૂપિયા લઇ લે છે. એકે ય શાકવાળો તોલમાપ સાચા જોખતો નથી. કરિયાણાની દુકાનો ટેક્સ ભરતી જ નથી. આપણા દેશમાં ગ્રાહકના હિતની વાત ગુનેગારી છે, ખેડૂતોના હિતની વાત ચૂંટણીમાં વફાદારી છે ! ભારતમાં ખેતીમાં હોવી જોઇએ, એથી અનેકગણી વઘુ વસતિ સંકળાયેલી છે. આ અસંતુલનને લીધે પણ ગરીબી વધે છે. એ બધાને બીજા સેકટરમાં કામે લગાડવા પડશે ! ( ફરક સમજો : વિદેશમાં ટેકનોલોજી અને સરકારના સંનિષ્ઠ પ્રયત્નોને લીધે ઉત્પાદન એટલું વઘ્યું છે કે ખેડૂતોના ભાવ ટકાવી રાખવા સબસિડી સરકારે આપવી પડે ! આપણે ત્યાં ખેતી ટકાવી રાખવા આપવી પડે છે !) ભારતમાં તો સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટના અભાવે જ કેટલીય ચીજવસ્તુઓ રોજ નાશ પામે છે ! સારી ક્લિપ કે અન્ડરવેઅર્સ શોધતા નાકે દમ આવી જાય છે! ચોકલેટથી લઇને રેઇનકોટની રેન્જ હોતી નથી.

તો અમેરિકામાં થયું, એવું જ ભારતમાં થશે ? વેલ, એનો જવાબ નેધરલેન્ડસમાં છે. ત્યાંની સરકારે અમેરિકન છૂટ્ટો દોર આપ્યો ત્યારે ત્યાં ‘મોમ એન્ડ પોપ’ સ્ટોર કહેવાતી પરંપરાગત દુકાનોએ ફેમસ ડેરી-એગ્રો પ્રોડક્ટસ વેંચવા નવો નુસખો શોઘ્યો. ‘ફાર્મ ફ્રેશ’! મોલમાં તરત જ તાજી વસ્તુ મેળવવી શક્ય નથી. એનો વિકલ્પ ઘરઘરાઉ દુકાનોમાં આવ્યો. કલાકોમાં આવતી તાજી ચીજવસ્તુઓ ઉલટી ઉંચા ભાવે વેંચાય છે ! નવી સજાવટ કરી અને આપણે ત્યાં છે એવી (મોલમાં કદી ન મળે તેવી) માસિક ઉધારી ખાતા સીસ્ટમ પણ એ દુકાનદારોએ કરી !

માથે પડે, તો મગજ દોડે ! ડાઉનટાઉન શોપિંગ માર્કેટમાંથી મોલ બને, મોલમાંથી ફરી ઓપન એર શોપિંગ સ્ટ્રીટ બને- ઇટ્‌સ સર્કલ ઓફ લાઇફ. પુનરપિ જન્મમ્‌ પુનરપિ મરણમ્‌!

ફાસ્ટ ફોરવર્ડ

‘લોકો અહીં કામ કરવા નથી આવતા. લોકો અહીં કશું લેવાય નથી આવતા. લોકો અહીં બસ આવે છે !’ (મોલરેટ્‌સ ફિલ્મનો સંવાદ !)

 
15 Comments

Posted by on December 21, 2011 in history, india, management