RSS

Daily Archives: August 4, 2011

આયે તુમ યાદ મુજે, ગાને લગી હર ધડકન…

૪ ઓગસ્ટના આજના જન્મદિને કિશોરકુમારની શરારત પાછળની કરામત શોધવાની કસરત! ૪ વર્ષ પહેલાના લેખના સહારે…

ફિલ્મ ‘પડોસન’ના પેલા ખાસ્સા ફેમસ સોંગ ‘એક ચતુર નાર બડી હોંશિયાર’નું રેકોર્ડિંગ હતું. સંગીત શિક્ષક બનેલા મહેમૂદને પ્લેબેક આપવા મન્નાડે હતાં. સામે ‘ભોલા’ના ગુરૂજી કિશોરકુમાર હતાં. મન્નાડે ઠાવકા વિદ્યાર્થી જેવા શાસ્ત્રીય સંગીતના શિસ્તબદ્ધ ઉસ્તાદ- સંગીતકાર આર. ડી. બર્મન પાસે નિયમિત રિહર્સલ કરવા આવે. ગીતમાં દરેક સૂર અને તાનના ભરપૂર રિયાઝ કરે. મસ્તીખોર અને ભેજાંગેપ મનાતો (કલાસિકલ સિંગિંગની તાલીમ વિનાનો) કિશોર કોઇ રિહર્સલમાં હાજર ન રહ્યો. ફાઇનલ રેકોર્ડિંગમાં મન્નાડેએ પોતાની ઓર્ગેનાઇઝડ ટ્રેનિંગના જોરે ગીત જમાવવાની શરૂઆત કરી… ‘નાચ ન જાને આંગન ટેઢા’ પંકિતમાં છેલ્લે ‘ટેઢા’ને ‘ટેએએએઢા…’ ‘ટેઢાઆઆઆ’ એમ લહેકા કરી વિજયી અદાથી કિશોર સામે જોયું, એક પણ વખત રિહર્સલ વિના જ મન્નાડે જેવા બડેખાં સામે ગાવા પહોંચી ગયેલા કિશોરે ફટાક દઇને એક પંકિત લલકારી ‘ટેઢે, સીધે હો જા રે, સીધે હો જા રે…’

મન્નાડેના ખુદના શબ્દોમાં કહીએ તો ‘હું સ્તબ્ધ થઇ ગયો! આવી કોઇ પંકિત ગીતમાં હતી જ નહીં. કિશોરકુમારે ઓન ધ સ્પોટ કટ ફટકારી હતી. મારી દિવસોની મહેનત પાણીમાં જતી રહી. ફાઇનલ રેકોર્ડિંગ (ડિજીટલ કોમ્પ્યુટરાઇઝડ યુગ અગાઉની વાત છે) હોઇને ગીત તો મેં પૂરૂં કર્યું પણ મને સમજાઇ ગયું કે હું કિશોરકુમાર જેટલો લોકપ્રિય કેમ કદી ન બની શકયો. મારા માટે સંગીત વિચાર હતો, કિશોર માટે આત્મા!’

* * *

૧૩ ઓકટોબર, ૧૯૮૭ના રોજ યાને પૂરા ચોવીસ વરસ અગાઉ વર્લ્ડની વિઝિટ પુરી કરી ચૂકેલા સિંગર આભાસકુમાર ગાંગુલી ઉર્ફે કિશોરકુમારના ઘેધુર કંઠ અને ધુંટાયેલા ગીતોની વાત કરવાની લાલચ પર લગામ તાણવી છે. સિમ્પલ. સિંગર કિશોરકુમારે કયાં વિદાય જ લીધી છે? કિશોરી કંઠનું કામણ હજુ પણ એવું જ બરકરાર છે. કિશોરના નામ સાથે એના જૂના ગીતોના રિમિકસ આલ્બમ્સ આવે છે. મોબાઇલની કોલર ટયૂન્સમાં એનો વિકટરી વોઇસ ગુંજે ત્યાં ફોન કરવાનું કારણ ભૂલાઇ જાય, એવી જાદૂઇ અસર પ્રગટે છે.

રફી વર્સીસ કિશોરની એવરગ્રીન મલ્લકુસ્તી ચાહકો વચ્ચે ચાલતી રહી છે. રફી મહાન ગાયક હતાં. પણ કિશોર તો એક ચુંબક હતો, સંમોહન હતો… એ મેજીક મેગ્નેટ! બાકી, ગાયક મૂકેશના એકટર બનેલા હેન્ડસમ પૌત્ર નીલ નીતિન મૂકેશને પણ દાદા (જેને એણે જોયા જ નથી) કરતાં કિશોરકુમારના ગીતો વઘુ ગમે છે! ‘સાંવરિયા’ના સૌથી વઘુ ચાલેલા ટાઇટલ ગીતમાં પણ શું છે? એ જ કિશોર સ્પેશ્યલ યોડલિંગ! હિમેશને શું થવાના અભરખા/અબળખા હતા? કિશોર જેવા સિંગર-એકટર થવાના! મીકા કોની નકલ કરી એક પછી એક આઇટમ સોંગ આપે છે? કિશોરની જ !

દુનિયામાં સંપૂર્ણ કહેવાય એવા ગાયકો ઘણાં હશે. ધ કમ્પલીટ સિંગર્સ. પણ જગતમાં કિશોર વન એન્ડ ઓન્લી છે. જે લિસનરને કમ્પલીટ પ્લેઝર આપી શકે! બાકીના સંિગર સ્ટાર્સ હશે, કે જેનો ઝળહળાટ આંજી નાખે. પણ કિશોર તો બ્લેક હોલ છે, એમાં ખેંચાઇ ગયેલો પાછો આવી શકે જ નહંિ! બાકીનામાં માઘુર્ય હશે, પણ કિશોરમાં મદહોશી છે. કિશોરના કમાલ અવાજની ટપાલ કદાચ પરફેક્ટ કાગળમાં, પરફેક્ટ કવરમાં, પરફેક્ટ રીતે લખાયેલી નહંિ હોય… પણ એનું સરનામું પરફેક્ટ છે ઃ દિલ!

એ અવાજ… દેવ, રાજેશ અને અમિતાભ જેવા ત્રણ પેઢીના સુપરસ્ટાર્સનો અવાજ… એ પહાડો વીંધીને આવતા પવન જેવો, કઢેલા કેસરિયા દૂધ જેવો, ખુલ્લો અને ઘટ્ટ ઘ્વનિ… ‘જીંદગી એક સફર હૈ સુહાના’ની હેપિનેસથી ‘જીંદગી કા સફર યે હૈ કૈસા સફર’ની સેડનેસ ક્રિસ્ટલી કલીઅર ઝીલતો ટેરિફિક ટોન! અશોકકુમારે પોતે કહ્યું ન હોત તો કોણ માનત કે બચપણમાં આંગળી કપાઇ જવાથી સતત રડવાને લીધે કિશોરનો અવાજ આવો સૂરીલો થઇ ગયો હતો! ૪૨ વર્ષની પ્રોફેશનલ કેરિઅરમાં ૨૭૦૦થી વઘુ ગીતો ગાનાર કિશોરકુમાર એવરગ્રીન નંબર વન હિન્દી ફિલ્મી સિંગર હતો છે, અને રહેશે. એ માટે પંડિતોના સર્ટિફિકેટસની જરૂર એને નથી. જુઓને, કોઇ ‘ફેનબોય’ સિવાય આવું કંઇકને અંગારા પર બેસાડી દેતું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ લખવાની હિંમત કરે?

* * *

સિંગર જ નહીં, એકટર તરીકે પણ એક સમયે સુપરસ્ટાર દિલીપકુમાર પછી સૌથી વઘુ બોકસ ઓફિસ ડ્રો ધરાવતા ૧૦૦ જેટલી ફિલ્મો કરી ચૂકેલા એકટર કિશોરકુમારની પણ બોલબાલા હતી. કિશોરની પાસે નેચરલ ફલેર ફોર કોમેડી હતી. પણ કિશોરકુમાર બધી રીતે ટોચ ઉપર હોવા છતાં ઘણો વિવાદાસ્પદ રહ્યો. ના, લફરાંને બદલે તો એ સીધા લગ્ન જ કરી લેતો, એટલે એવા સ્કેન્ડલની વાત નથી. પણ કિશોરના નખરાં અને નટખટપણાના અઢળક કિસ્સાઓ જાણીતા છે. એટલી હદે કે એને ‘અનકન્વેન્શનલ’ કે ‘અનપ્રેડિકટેબલ’ એવું ઠાવકું ટાઇટલ આપવાને બદલે એનાથી ત્રાસેલાઓ એને ‘પાગલ’ ‘સ્ક્રીઝોફ્રોનિક’ કે ડયુઅલ પર્સનાલિટી તરીકે ઓળખતાં!

ના, બચપણમાં ઇકોનોમિકસ ભણવામાં આવતાં કંટાળાને લીધે ‘માલ્થુશિયન થિઅરી’ કમ્પોઝ કરીને યાદ રાખવા જેવી હરકતોને તો ક્રિએટિવિટી કહેવાય. ‘ખઇ કે પાન બનારસવાલા’ ગીત ગાવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ૨૮ પાન ખાઇ જવાને ક્રેઝીનેસ કહેવાય. (આવું સરસ ગીત ગવાય, તો સ્ટુડિયોમાં પાન પાર્લર ખોલવામાં વાંધો નહીં! ખરૂંને, શાહરૂખના ‘ડોન’વાળા ઉદિતભાઇ?) હૃદયનાથ મંગેશકર પાસે એક પ્રોડયુસર કિશોરને પરાણે ઉંચાઇથી (ઊંચા સૂરમાં) ગવડાવવાની જીદ પકડે, ત્યારે કિશોરકુમાર એક સ્ટૂલ પર ઉભો રહીને પૂછે કે ‘આટલે ઉંચે કે હજુ વધારે?’ એને સેન્સ ઓફ હ્યુમર કહેવાય. ‘ડાકિયા ડાક લાયા’ ગીત ગાતી વખતે કિશોરે ઘંટડી વગાડવા સાઇકલ મંગાવી, એને રિયલ ઈન્સ્પિરેશન કહેવાય.

પણ ‘કિશોર કે કિસ્સે’ આથી વઘુ ડાર્ક હતાં. કહેવાય છે કે એને પૈસાનું એટલું પાગલપન હતું કે આખી રાત બેઠાં બેઠાં નોટો ગણતો રહેતો હોઇને ગભરાઇને એની ત્રીજી પત્ની બનેલી યોગીતા બાલી મિસિસ મિથુન ચક્રવર્તી બની ગયેલી! એમ તો અશોકકુમાર સાથે ‘મહલ’ના સેટ પર પહેલી જ વાર જોયેલી મઘુબાલાને એણે સ્ટુડિયોમાં માસ્ક પહેરી ડરાવીને ચીસ પડાવી દીધી હતી! તો છેલ્લી ‘ટકાઉ’ પત્ની લીના ચંદારવાકરને પ્રપોઝ કરવા એ કૂદકો મારીને મેકઅપના ટેબલ પર બેસી ગયો હતો! અને ઓન ધ સ્પોટ એક પછી એક ત્રણ અલગ અલગ સબ્જેકટની સ્ક્રિપ્ટ એને રીઝવવા તત્કાળ મનમાં ઘડીને સંભળાવીને લીનાને હેબતાવી દીધી હતી!

પણ વાત થોડી વઘુ વિચિત્ર, અને એથી વઘુ ગંભીર છે. એચ. એસ. રવૈલ જયારે કિશોરને એક ફિલ્મની વાત કરવા ગયા ત્યારે કિશોર કૂતરાની જેમ બિસ્કિટની ટ્રે રાખી ગળામાં સાંકળ પહેરીને બેઠો હતો! એણે રવૈલને જોઇને ભસવાનું ચાલુ કર્યું, અને પછી બચકું ભરી એને ઘરની બહાર ભગાડી મૂકયા! એક પત્રકાર છોકરીની સાથે વાત કરતાં કરતાં એ પોતાના ઘરના બગીચામાં વૃક્ષોને ગંગારામ, જનાર્દન એવા નામો આપી વાતો કરવા લાગ્યો હતો. એક સંગીતકારે એને રવિવારે સવારે બાળકની જેમ ચાવી દીધેલા રમકડાંનો ઢગલો કરી, રમતો જોયો હતો! કિશોર સાથે સૌથી વઘુ ડયુએટ ગાનાર આશા ભોંસલેએ એને કોઇ અદ્રશ્ય બાળક સાથે સેટ પર વાતો કરતા વારંવાર નિહાળ્યો હતો.

અરવિંદ સેનની એક ફિલ્મમાં કાર લઇને જવાના દ્રશ્યના શૂટિંગમાં કિશોર ચાલુ શોટે કાર હંકારી મુંબઇથી પનવેલ પહોંચી ગયો હતો. પછી એણે કહ્યું કે ‘શોટ કયાં કટ કરવો એ મને કયાં કહેવાયું હતું?’ દક્ષિણમાં ‘મિસ મેરી’ નામની ફિલ્મના શુટિંગમાં પૈસા ન મળતાં એ માથુ મૂંડાવીને સેટ પર ગયો હતો! કિશોર જેવો જ સુપર સ્પેશ્યલ વોઇસ ધરાવતાં એન્કર હરીશ ભીમાણીને આજે પણ યાદ છે કે કિશોરને ઘેર ફોન કરો તો એ પોતે જ ઉપાડે, અને ઉસ્તાદ મિમિક્રી આર્ટિસ્ટની માફક કયારેક ગુરખાના કે કોઇ વૃદ્ધાના કે કોઇ વિદેશીના કે કોઇ દેહાતી બંગાળીના અવાજમાં વાત કરી ‘કિશોર ઘરમાં નથી’ કહીને ફોન કરનારને ફૂટાડી દે! કિશોરે એકવાર રીતસર વેનિસની જેમ પોતાના ‘ગૌરીકુંજ’ બંગલા ફરતે ખાઇ ખોદાવી એમાં પાણી ભરવાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો, જે ખોદકામમાં હાડપિંજરો નીકળતાં મજૂરો ભાગી જતાં મોકૂફ રહ્યો હતો!

પોતાની ચારે ચાર પત્નીઓ બાંદરા વિસ્તારમાં રહેતી હોય એને ‘બંદરીઓ’ કહેતો કિશોર કોઇ છોછ વિના બંદરવેડા કરતો. ઇન્કમટેકસને આપવાની ફાઇલો એણે ઉંદરડાઓને ખવડાવી દીધી હતી. લીનાના ધારવાડમાં રહેતા મા-બાપ એ બંનેના ‘કજોડાં’ ટાઇપ લગ્નની ખિલાફ હતા ત્યારે યુવાન વિધવા લીના સાથે લગ્ન કરનાર કિશોરે એમના ઘેર જઇ હારમોનિયમ લઇ રીતસર ‘નફરત કરને વાલોં કે સીને મેં પ્યાર ભર દૂં’ ગીત લલકાર્યું હતું!

પણ સતત હોરર ફિલ્મો જોયા કરતો અને સૌથી વઘુ પૈસા એડવાન્સમાં ચાર્જ કરતો આ એ એ જ કિશોર હતો કે જેણે ‘દૂર ગગન કી છાંવ મેં’ જેવી ફિલ્મમાં એકટર, સિંગર, કમ્પોઝર, પ્રોડયુસર, ડાયરેકટર, એડિટર, રાઇટર બધા જ રોલ એકલે હાથે (કશા ભણતર- અનુભવ વિના!) પરફોર્મ કર્યા હોવા છતાં એ એનો એકલો જ વ્યૂઅર નહોતો! યુદ્ધમાંથી પાછા ફરેલા હતાશ સૈનિક અને યુદ્ધ જોઇ વાચા ગુમાવી ચૂકેલા બાળકના રિશ્તાની વાત કહેતી આ હિટ ફિલ્મ ઇન્ટરનેશનલ કવોલિટીની હતી. (આ ચલ કે તૂજે મૈં લે કે ચલું!) કિશોરે મોટાભાગે તદ્દન હટકે કહી શકાય એવી જ ઓફબીટ ફિલ્મો નિજાનંદ માટે ડિરેકટ કરી. ‘ઠંડી હવા યે ચાંદની સુહાની’ (ઝુમરૂ)થી ‘પંથી હું’ (દૂર કા રાહી) જેવા અદ્દભૂત ગીતો કમ્પોઝ કર્યા. ૧૯૩૬માં અશોકકુમારે ‘જીવનનૈયા’ ફિલ્મમાં ગાયેલું ‘કોઇ હમદમ ન રહા’ કિશોરે ૧૯૬૧માં ‘ઝુમરૂ’માં કમ્પોઝ કર્યું ત્યારે અશોકકુમારે કહ્યું કે ‘અડધા ચૌતાલનું આ ગીત તેં દૂસરામાં જમાવી દીઘું!’ ને કિશોરે કહ્યું ‘એ શું? મને આમાં કંઇ ખબર ન પડે!’ માત્ર પોતાની મોજથી કિશોર કોઇ તાલીમ વિના બઘું કરતો! ચક્રમ ગણાતા કિશોરકુમારે સત્યજીત રાયને ‘પાથેર પાંચાલી’ માટે એ જમાનામાં ૫,૦૦૦ રૂપિયા ઉધાર આપ્યા હતાં!

આમ કેમ ? શું કિશોરકુમાર કોયડો હતો? સ્પ્લિટ પર્સનાલિટીનો દર્દી હતો?

* * *

૧૯૮૫માં ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ માટે તત્કાલીન તંત્રી (વર્તમાન ફિલ્મ નિર્માતા) પ્રીતિશ નાંદીને કિશોરકુમારે જીંદગીનો પહેલો અને છેલ્લો અંતરંગ ઇન્ટરવ્યુ આપ્યો હતો. એ ભૂલાઇ ગયેલી મુલાકાતમાં અસલી કિશોરકુમાર પ્રગટ થયો હતો. એન્ટોન ચેખોવની વાર્તા ‘વોર્ડ નંબર સિકસ’ના વઘુ પડતાં સંવેદનશીલ અને બુદ્ધિશાળી હોવાને લીધે પાગલખાનામાં ધકેલાઇ ગયેલા નાયક ઇવાન જેવી એની એમાં કેફિયત હતી… દુનિયાને ઉંધા ચશ્મા, ડાહ્યા દીવાના લાગે! ઓવર ટુ ઇનર વોઇસ ઓફ કિશોરઃ

‘મારે મુંબઇ છોડી મારા ગામ ખંડવા જતું રહેવું છે. મને ખબર છે, અહીં લોકો મને પીઠ પાછળ પાગલ કહે છે. હું સારૂં ગાઇશ ત્યાં સુધી જ મોં પર નહીં કહે. આવા મિત્ર વગરના, જયાં કોઇ કોઇનો ભરોસો ન કરે, જયાં દરેક જણ લાગ જોઇને પોતાનાથી નબળાનું શોષણ કરે, જયાં બધા સતત દાવપેચ રમતાં હોય… આવા શહેરમાં કોણ મરે?

હું આ નપાવટ ફિલ્મી લોકોને બરાબર ઓળખી ગયો છું. જોઇને જ એમના જૂઠની મને ખબર પડી જાય છે. પછી હુ એમને ગમે તેમ કરીને ભગાડી મૂકું છું. બધા કહે છે, આ લોકો મારી સંભાળ રાખે છે, મારા હાલચાલ પૂછે છે… દંભીઓ, ખોટાડાઓ છે બધા! આ લોકો મારી કેર કરે છે કારણ કે હું સેલેબલ છું, અને સતત સેલેબલ રહ્યો છું. મારા ખરાબ દિવસોમાં કોને મારી પડી હતી? મારે એકટિંગ કરવી જ નહોતી. હું તો મુંબઇ મારા આદર્શ કે. એલ. સાયગલને મળવા આવેલો. લોકો કહે છે, એ નાકથી ગાતા. જે હોય તે, પણ મને ગમતાં. એમને સાંભળીને હું ગાતા શીખ્યો છું. મને સાયગલના ગીતો ગાવાની ઓફર થઇ એ તગડા પૈસા હોવા છતાં મેં સ્વીકારી નહિ. કાલ ઉઠીને એક પણ માણસ એમ ન કહી જાય કે ફલાણું ગીત તો કિશોરે સાયગલથી સરસ ગાયું! પણ આ લાલચુડા વેપારીઓએ માત્ર સુપરસ્ટાર અશોકકુમારનો ભાઇ હોવાને લીધે મને એકટર બનાવી દીધો!

મને સંગીત અસલી લાગતું હતું. અભિનય નકલી લાગતો હતો. સ્કૂલ ટીચર જેવા ડાયરેકટર ‘આમ કર, તેમ ન કર’ કહેતાં ત્યારે મને ભાગી છૂટવાનું મન થતું. બિમલ રોય સિવાય કોઇને ત્યારે ડાયરેકશન આવડતું નહંિ. એસ. ડી. નારંગ નામના એક ડાયરેકટર કેમેરામેન કહે એમ શોટ ગોઠવતા અને દિગ્દર્શનના નામે એકટરને કહેતા, કુછ કરો યાર! છતાં નારંગસાહેબની બધી ફિલ્મો હિટ હતી. મેં લોકો મને રિજેકટ કરે એ માટે પડદા પર શકય તેટલા ભવાડા કર્યા. ખોટા એકસપ્રેશન્સ આપ્યા. તો ગાંડી પબ્લિકે મને નેચરલ કોમેડિયન કહ્યો!

એક બોઘી છોકરી કશાય રિસર્ચ કે સૂઝ વિના મારો ઇન્ટરવ્યૂ લેવા આવી. કંટાળીને મેં એને બદલે બગીચાના વૃક્ષો સાથે વાતો શરૂ કરી દીધી, તો એણે એ છાપી માર્યું. હું દારૂ નથી પીતો, સિગારેટ નથી પીતો, પાર્ટીઓમાં નથી જતો. જે લોકો આવું કરે એ એબ્નોર્મલ નથી લાગતાં. પણ પ્રકૃતિ સાથે સંવાદ કરૂં છું તો જગતને એ ગાંડપણ લાગે છે! બોલો, નાલાયક માણસો સાથે ખોટેખોટી ડાહીડાહી વાતો કરીને સમય બગાડવા કરતાં નિર્દોષ વૃક્ષો સાથે વાતો કરવી વધારે સારૂં નથી?

એક વખત મારા બંગલામાં એક ઇન્ટિરિયર ડિઝાઇનર જુવાન આવી ચડયો. ભરઉનાળે એણે બ્રાન્ડેડ થ્રીપીસ વૂલન સૂટ અને જાડા લેધર શૂઝ ચડાવ્યા હતાં. હું હિન્દી ફિલ્મોનો જાણીતો ગાયક છતાં એણે અમેરિકન સ્ટાઇલના ચાંપલા ઇંગ્લીશમાં મને એસ્થેટિકસ, ડિઝાઇન, બ્યુટી વગેરેની વ્યાખ્યા સમજાવવાની શરૂઆત કરી. અડધી કલાક સુધી એણે મારૂં માથું ખાઘું પછી મને થયું કે આને ઇન્સ્ટંટ ઇમેજીનેશન શું હોય, એનો સ્વાદ ચખાડું. મેં એને કહ્યું કે મારે જરા જુદા પ્રકારનું ઇન્ટિરિયર કરવું છે. વચ્ચે ડાઇનિંગ ટેબલ ફિકસ હોય અને ફરતું પાણી ભરેલું હોય. અમે બધા પોતપોતાના બેડરૂમમાંથી હોડીમાં બેસી નાસ્તો કરવા ત્યાં આવીએ! એ આભો બની ગયો! મેં કહ્યું કે દીવાલ પર વોલપીસને બદલે જીવતા કાગડા લટકાવવા છે, અને ઉપર પંખાને બદલે વાંદરા બેસાડવા છે, જે વાછૂટ કરે એટલે હવા આવે! પર્યાવરણનો પ્રેમ, યુ સી! તો એ મને પાગલ સમજી વીજળીનો આંચકો લાગ્યો હોય એમ દરવાજાની બહાર ભાગ્યો! કહો, પાગલ કોણ હતું? હું? કે ગરમીમાં સૂટ ઠઠાડી ગોખેલા અંગ્રેજીમાં મને કળાત્મકતા શીખવાડવા આવેલો એ?

સંસાર મારો હોવા છતાં દુનિયાને એમાં અને એ બગડે ત્યારે રાજી થવામાં બહુ રસ હતો. પહેલી પત્ની રૂમા સાથે બહુ યુવાન વયે લગ્ન કર્યા, ત્યારે હું એમાં મારી ઘર સાચવનારી મા શોધતો હતો, અને એને કેરિઅર બનાવવી હતી. છતાં કોઇ કડવાશ વિના અમે છૂટા પડયા. યોગીતા બાલીમાં ઉલ્ટું થયું, એને મારા કરતાં એની મમ્મીમાં વઘુ રસ હતો, એને જ યાદ કરતી હતી. લીના યુવાન હોવા છતાં વિધવા હતી. એણે નજર સામે ગોળીથી વીંધાયેલા પતિની લાશ જોઇ હતી. તમે ટ્રેજેડી અનુભવો, પછી જ મેચ્યોરિટી આવે. એણે દુઃખ જોયું હતું, એટલે એ સમજુ હતી.

મઘુબાલાએ મને પ્રેમ નહોતો કર્યો. પણ મને એ ગમતી. એ બહુ દુઃખી હતી. પ્રેમભગ્ન, તરછોડાયેલી, રૂપના સોદાગર સગાઓ વચ્ચે ઘેરાયેલી. એને સુહાગન તરીકે મરવાની હોંશ હતી. દોસ્તીદાવે મેં એને વચન આપેલું કે કોઇ તારી સાથે મેરેજ નહીં કરે, તો હું કરીશ. એને હૃદયની અસાઘ્ય બીમારી હતી. રિબાઇને મરવાનું નિશ્ચિત હતું. બટ પ્રોમિસ વોઝ પ્રોમિસ. મેં લગ્ન કર્યા પછી ભયંકર તકલીફમાં એ ૯ વર્ષ જીવી. એ જીંદગીથી થાકી ગઇ હતી. પડદા પર તમે પરી જેવી ઉલ્લાસથી હસતી મઘુ જોઇ છે. મેં મારી નજર સામે એ હસીન ઇમારતને ટુકડે ટુકડે તૂટતી જોઇ છે! ડોકટર કહેતાં, એને હસાવો. હું એની ચાકરી કરતો. મારી જીંદગીની શ્રેષ્ઠ કોમેડી એને રાજી રાખવા મેં કરી છે. એ એટલી અશકત હતી કે એને ભેટી પણ ન શકાય. એ બીમારીથી કંટાળીને ચીડિયણ, શંકાશીલ થઇ ગયેલી. મને મારતી, પણ હું રાતોની રાતો એની પથારી પાસે જાગતો બેસી રહેતો. એનો વાંક નહોતો. એની સામે હું રડી ન શકતો. તમે કદી કોઇ વ્હાલી વ્યકિતને તમારી નજર સામે ખતમ થતાં જોઇ છે? તમે બહારથી નહિ, અંદરથી પાગલ થઇ જાવ!’

આ હતો રિયલ કિશોરકુમાર! હવે એનો અમર અવિનાશી અવાજ કાને પડે, ત્યારે હૃદય પર હાથ મૂકીને વિચારજો, પેજથ્રી કલ્ચરથી ફાટફાટ થતી, મુખમેં રામ બગલ મેં છુરી લઇને ઉલ્લૂ બનાવવા ફરતી દુનિયા સામેનો આપણો તરફડાટ, આપણો વસવસો અંદર ઉતારીને આપણે સોસવાતા રહીએ છીએ. એના કરતાં કિશોર સ્ટાઇલની મેડનેસ એક પરફેકટ એસ્કેપ મિકેનિઝમ નથી? કોઇ નકામા નડે જ નહિં! હા, ‘ઇસેન્ટ્રિક’ થવા માટે પહેલાં ‘જીનિયસ’ થવું પડે! કિશોર પાસે કસબ ન હોત, તો એને કચરા ટોપલીમાં ફગાવાયો હોત!

કિશોર કદાચ એના નામ જેવો જ હતો, મોટો ન થયેલો તોફાની કિશોર… કે પછી આભાસ?

ફાસ્ટ ફોરવર્ડ

‘મને ભૂત ગમે છે, કારણ કે એ જીવતાં માણસો કરતાં ઓછા ડરામણા હશે’ એવું કહેનાર કિશોરકુમારે ઘરમાં એક ખોપરી રાખી હતી. ઇન્ટરવ્યુકાર પ્રીતિશને એણે એ બતાવી પૂછયું : ‘જો, આ ખોપરી પુરૂષની છે કે સ્ત્રીની એ કોઈ કહી શકે એમ છે? કેવી લાગે છે?’ ઉભા થયેલા પ્રીતિશે ઔપચારિકતા ખાતર હોંકારો આપ્યો ‘વેરી નાઇસ’.

‘ગુડ’ કિશોર મલક્યો. ‘તને વાસ્તવિકતા ખબર છે. યુ આર ગોઇંગ ટુ લૂક લાઇક ઇટ વન ડે! (એક દિવસે આ જ થઇ જવાનો છો!)’

# કિશોરકુમારની સાથે એના મનગમતા ગીતોને યાદ  કરવાનું રાખું તો આ પોસ્ટ આવતીકાલે પણ અપલોડ ના થાય…પણ એક ગીત એવું છે જે મને બહુ પ્રિય છે અને સાવ અન્ડરરેટેડ છે. છેલ્લે છેલ્લે એ ય માણો…http://youtu.be/SneLMWvzF-o અને પછી કિશોરની આંખોમાં છુપાયેલો સીરિયસ રોમાન્સ પણ અહીં નિહાળો…http://www.youtube.com/watch?v=ip6MHgUmhjo

 
30 Comments

Posted by on August 4, 2011 in cinema, life story, philosophy