RSS

Daily Archives: August 20, 2011

તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ
મેળાનું નામ ના પાડો… તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ

મેળ વિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો… તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ

                                                                                           –ભાગ્યેશ જહા

મેળાનું તો ફરસી પુરી ને મોહનથાળ જેવું છે. એનો સ્વાદ જ એની ઓળખ છે. ગુણિયલ ગુર્જરપ્રદેશ તો આખો મેળાનો મુલક છે. સરકારી માહિતી ફરમાવે છેઃ ગુજરાતમાં ૧ વર્ષ (યાને ૩૬૫ દિવસ)માં કુલ ૧,૫૨૧ મેળાઓ થાય છે! હિંદુઓઓના ૧૨૯૩, મુસ્લીમોના ૧૭૫, જૈનોના ૨૧… ૧૪ લોકમેળા, ૧૨ ધંધાદારી મેળા અને ૧ પારસીઓનો મેળો! એમાંય વર્તમાન સરકારે તો ‘મેળામંત્રી’નું જુદું ખાતું રાખવું પડે એટએટલા પ્રદર્શનોની રમઝટ બોલાવી છે. એવા ‘આઘુનિક’ મેળાઓ ગણો તો કૃષિમેળો, વિજ્ઞાનમેળો, પુસ્તકમેળો, ઉદ્યોગમેળો, ગાંધીજીની જન્મજયંતીનો મેળો ને હસ્તકલા દર્શનનો મેળો… વિદેશી રોકાણકારોનો મેળો! સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ઈન્ટરનેશનલ મિડિયામાં કુંભમેળા જેવું કવરેજ મેળવી ચૂક્યા છે. વૌઠામાં ગધેડા વેચવાનો મેળો થાય છે. માધવપુરમાં કૃષ્ણ – રૂકિમણીની કંકોત્રીનો ૫ દિવસનો મેળો થાય છે. ઠેકઠેકાણે કારમેળા અને લોનમેળાની પણ સીઝન છે.

બસ? મેળો એટલે થનગનાટને બદલે થકવી દેતી માહિતી?

મેળા કાં તો ડાકોર, પાવાગઢ જેવા તીર્થક્ષેત્રમાં થતા હોય, કાં ચોમાસાની મઘ્યમાં અને અંતમાં કે પછી શિયાળાની મઘ્યમાં થતા હોય… એટલે મેળાની એક ગામઠી ગુજરાતી ફિલ્મ જેવી ‘ફિક્સ ફ્રેમ’ આપણા દિમાગમાં જડી દેવામાં આવી છે. વિદ્વાનો કાં તો એના પહેરવેશ, શણગાર, લોકનૃત્યો, રીતરિવાજો જેવા ‘સાંસ્કૃતિક’ (એક્ઝામ્પલઃ તરણેતરની છત્રી, હૂડો-ટીટોડો, આદિવાસીઓના જોડીયા પાવા એટસેટેરા) પાસાને ચૂંથ્યા કરશે, અથવા લોકવાયકા અને દેવદર્શનના ‘આઘ્યાત્મિક’ (જ્યાં મેળો ત્યાં મંદિર, જ્યારે તહેવાર, ત્યારે મેળો!) પાસાને પૂજ્યા કરશે!

પણ મેળો એક મનોરંજન છે. અર્થ ઉપાર્જન છે. ક્રિએશન એન્ડ પ્રોડક્શન છે. પૂછો રાજકોટ -ગોંડલ -જેતપુર -મોરબી જેવા પ્રમાણમાં નાના નગરોમાં ઉછરેલા કોઈપણ કાઠીયાવાડીને! અમદાવાદ માટે અષાઢી બીજ એ રથયાત્રા છે, સુરત માટે મકરસંક્રાંતિ એ પતંગ છે. મુંબઈ માટે ગણેશચતુર્થી જેમ ‘બાપ્પા મોરિયા’ના પંડાલ છે – એમ સૌરાષ્ટ્રવાસી માટે જન્માષ્ટમી એટલે મેળો! ફ્રેન્કલી સ્પીકિંગ, આજની તારીખે પણ જે રીતે સૌરાષ્ટ્રની થોડીક મોડર્ન જનરેશન પણ આ મેળાના માહોલને લીધે કાગડોળે સાતમ-આઠમની પ્રતીક્ષા કરે છે, એવું એક્સાઈટમેન્ટ એમને દિવાળીનું પણ નથી હોતું!

જસ્ટ ઈમેજીન, રાજકોટ જેવું આખું શહેર ત્રણ-ત્રણ દિવસ સુધી કરફ્‌યુ લાદ્યો હોય એમ સ્વયંભૂ બંધ રહે… વેપારીઓ પણ ‘ફોન’ અને ‘નફો’ બંને મૂકી બસ, કુટુંબકબીલા મિત્રમંડળ સાથે ફરવા જ નીકળી પડે… શાળા કોલેજોમાં નવરાત્રિ વખતે ન હોય એવું વેકેશન પડી જાય…. ઘેર ઘેર ફરસાણના તાવડા અને મીઠાઇઓની કડાઇઓ મહેંકી ઉઠે… મેળાની અંદર અને બહાર બધે મ્યુઝિક, મસ્તી, મજા એન્ડ મહેફિલ ! ઇટ્‌સ હેપી હેપી વર્લ્ડ !

રાજકોટ જેવા શહેરનો જન્માષ્ટમીનો ચાર દિવસ ચાલતો લોકમેળો અંદાજે ૧૦-૧૫ લાખ માણસોનું ‘ટર્નઓવર’ ધરાવે છે! આ કંઇ નાનીસૂની ઘટના નથી! ડિઝનીલેન્ડ જેવા એમ્યુઝમેન્ટ પાર્ક ચિક્કાર બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગ પછી વિશ્વભરમાંથી આટલા મુલાકાતીઓ મેળવતા હોય છે…. અને આવા વિદેશી ‘મેળા’ પોઇન્ટસ પર ટિકિટ હોય છે જ્યારે આ રંગ, રૂપ, રોશનીની મિજબાની તો મફત! પ્રશાસન સંસ્કૃતિ અને સંપત્તિના ગાણા ગાવાને બદલે જરાક મોડર્ન મેનેજમેન્ટ અને એકસલન્ટ એન્ટરટેઇમેન્ટ નજરમાં લે તો ગુજરાત ગિન્નેસ બુક સુધી રમતાં રમતાં પહોંચે!

મેળામાં શું જાદુ છે? એવું કયું ચુંબક છે જે તન-મનને ખેંચે છે?

ઓ. કે. ફલેશબેક.

 ઇસ મેલે મેં લોગ આતે હૈ, લોગ જાતે હૈ

મેરી ઉંગલી, પકડ કે, મેરે સાથ ચલના

ધેર વોઝ એ ટાઇમ… જયારે ટીવી હતું પણ ચેનલો કે કાર્યક્રમો નહોતા. વિડિયો ભાડે લઇને વરસના વચલે દહાડે ફિલ્મ જોવી એ નાના ગામોમાં શેરી ઉત્સવ ગણાતો. શોપિંગ મોલ્સની ચેઇન અને મોબાઇલ ફોનની રિંગટોન્સના તો ખ્વાબ પણ ન આવતાં… ઔર યે બહુત સાલ પહેલે કી બાત નહીં હૈ.

મેળો ત્યારે મમ્મીની કાખમાં તેડાયેલા એક બાળકની આંખનું કુતુહલ હતું. એના વિસ્મયનું વિરાટદર્શન હતું. આખા વરસમાં એક જ વાર આવતા ચાર-પાંચ દિવસો હતા, જેમાં ફેન્ટેસીલેન્ડની એવી અજાયબ નગરીમાં ભૂલકું ભૂલું પડતું કે… એના નાનકડા હાથ અને ટચૂકડી આંખોમાં એ જગત સમાતું નહીં! મુગ્ધતાનું કાજળ આંજીને બચ્ચું મેદાનમાં જન્માષ્ટમી પહેલાં જયારે મેળાના સ્ટોલ કે ફજરફાળકાના લોખંડી સળિયા નખાતા હોય ત્યારે રોજ પપ્પાની આંગળીએ બે-ચાર ચકરાવા લઇ આવતું. એનો પરીલોક એની નજર સામે ઘડાતો, ઉભો થતો… ઝગમગાટ અને મલકાટની આ સૃષ્ટિમાં કામ કરનારા માનવીઓ કેમ દેવદૂતો જેવા પાંખાળા નહિ, પણ પરસેવે રેબઝેબ મજૂરો જેવા લાગતા, એ રહસ્ય સમજવાની ઉંમર નહોતી. પણ એને માટે જે મેળો મસ્તી હતો, એ કેટલાય માટે રોજીરોટી હતો. મેળામાં વાપરવાના રૂપિયા કમાવાની ફિકર કરવાની ત્યારે ઉંમર નહોતી.

અને પછી પિપૂડાં વાગતા, ઢોલ ઢબૂકતાં.. લાઉડ સ્પીકર પર નવી નવી ફિલ્મોની કેસેટો ગુંજતી ને મેળો શરૂ થતો. મેળો એટલે આઇસ્ક્રીમ, મેળો એટલે હાથેથી ફરતી નાનકડી ગોળ ચકરડી. મેળો એટલે સાબુના દ્રાવણમાંથી પરપોટા કાઢવાની આઝાદી! રંગબેરંગી કાગળોને ટાંચણીથી વાળી, વાંસની સળીમાં પવનચક્કીની જેમ પરોવીને બનતા ફરફરિયાની જેમ જ બચ્ચાંલોગની આંખો ગોળ ગોળ ધુમતી. કયાંક મદારીની બીન વાગતી હોય તો કયાંક રાવણહથ્થાના સૂર પડઘાતા. ‘સફરજન’ અને ‘કાકડી’ના નામે ઓળખાતા પહોળા કે લાંબા ફુગ્ગા પર ટબુકડાં ટેરવા અડતા,ત્યારે બ્રહ્માને પૃથ્વી ઘડતી વખતે જે રોમાંચ નહીં થયો હોય એવો સ્પર્શાનંદ થતો. મોટા મોટા રમકડાં સ્ટોલમાં જોઇને રાજી થવાનું રહેતું, અને નાનકડી કોઇ સિસોટી કે કોલ્ડ ડ્રિન્કના ઢાંકણા પર પતરુ જડીને બનાવાયો ટકાટક અવાજ કરતો ‘દેડકો’ ખરીદીને ખુશ થવાનું. ઔકાત જાદૂગરના ખેલ કે પ્રોજેકટરમાં બતાવાતા સિનેરીલના ટુકડા જોવાના ‘જંગી’ ખર્ચ વેઠવા જેટલી માંડ હતી. ઉંચા ચકડોળમાં બેસવાની ટિકિટ લેવાની ત્રેવડ હોય તો વળી બેસવાની હામ નહોતી.

પીંછીના લસરકે કેનવાસનો સફેદ રંગ બદલાતો જાય, એમ મકાઇના ભૂટ્ટા કે દોરીવાળી દડીના ટોપલા અલોપ થતા ગયાં. મંચુરિયન સૂપ અને લેઝર સ્ટિક ટોર્ચની એન્ટ્રી થતી ગઇ. મેળો મોજૂદ રહ્યો, માણસ વિકસતો ગયો.

મારે તો મેળે જાવું સે’ ને

રાજુડીનો ને’ડો લાગ્યો!

ટીનએજ દરવાજે ટ્રીન ટ્રીન કરીને બેલ વગાડી રહી હતી. હવે મેળામાં આવતા ‘બોલતા ગધેડા’ કે ‘કૂદતા કૂતરા’ઓનું આકર્ષણ નહોતું થતું. લાકડાના ખપાટિયા પર ઠેકડા મારી ‘મહેરબાન, કદરદાન’ની કુરનીશ બજાવતા જોકરો ભણી ઘ્યાન ન જતું. ફૂગ્ગાઓને લાઇફમાં ટેનિસબોલે ‘રિપ્લેસ’ કર્યા હતાં. કોઇક સ્ટોલ પર ગોઠવાયેલા ટીવી સેટ પર થિરકતી ડાન્સરની કમર અને સાથળો પર નજર સરકયા પછી ખૂંપેલી રહે, એવી એ ઉંમર હતી. એવી ઉંમર શા માટે હતી – એ કોને સમજાયું છે ? પણ હવે મેળામાં જાવાના દિવસો એટલે ફ્રેન્ડશિપ વીક. મેળે તે કંઇ એકલા જવાનું હશે? એક નવો ભાષાપ્રયોગ જન્મ્યો હતો ‘મેળો કરવો!’ યાને કે ‘ભેળા’થઈને મેળામાં જવું. આપણી ટોળી ઝિન્દાબાદ! હિતેન આનંદપરાનો સાદ યાદ આવેઃ ‘આજ મેળામાં જોબન છાંટે સાત રંગની ભાત, ફટાફટ, હાલ ને ભેરૂ!’

હવે મેળામાં ચકડોળમાં બેસવું પડતું. ડર લાગે તો પણ ફરજીયાત રહેતું. એનો નિર્ણય જાયન્ટ વ્હીલની ઉંચાઈ કે ચક્કરની સંખ્યા જોઈને નહિ, પણ આગલી પાલખીમાં બેઠેલી કન્યાઓના કામણ જોઈને થતો હતો. ના, કાંકરીચાળો નહી પણ પ્રદક્ષિણા… ગામની છોકરીઓ બની ઠનીને મેળામાં ‘છમ્મક છલ્લો’ થઈને આવતી, અને નજરો એમના પર ફરતી… પછી પણ એમની આગળ – પાછળ શરીરો ફરતા. ‘એટ્રેકશન’ ત્યારે ‘મોટિવેશન’ હતું, મેળામાં મ્હાલવાનું! પબ – ડાન્સ બાર – ડિસ્કોઝનો યુગ તો હજુ પણ ગુજરાતમાં સર્વત્ર પથરાયો નથી, ત્યારે પરાપૂર્વથી લગ્નપ્રસંગ પછી મેળા સૌથી મોટા ડેટિંગ – મીટિંગ પોઈન્ટ હતા! ફિલ્મી, વેરી ફિલ્મી, બટ રિયલી!

આદિવાસીઓના મેળામાં તો રીતસર ‘લાડી ખેંચવા’ નો જૂનો રિવાજ હતો… જેમાં ગમતી છોકરીને યુવક (એની મૂક સંમતિથી) મેળામાંથી ઉપાડી જતો, અને છોકરીના ગામવાળા ધીંગાણે ચડતા. લોકવરણના મેળાઓમાં મુકતમને જોડીમાં નાચવાની પ્રથા તો આજે ય જોવા મળે. ‘ગોળગધેડા’ નામની એક ગુજરાતી મેળા પ્રથામાં ગ્રામીણ જુવતીઓ વાંસ લઈને એક ઉંચા સ્તંભ ફરતે ઉભી રહે. જુવાનિયાઓએ એ સ્તંભ પર ચડીને ઉપરની ધજા લઈ આવવાની! જે જુવાન ઘેરામાં દાખલ થાય એને ધડાધડ છોકરીઓના હાથે લાકડીનો માર ખાઈને ‘વાંસો કાબરો’ કરવો પડેને કોઈ રકમ સફળ થાય તો એ પછી ટોળામાંથી ગમતી છોકરી પસંદ કરી ‘સ્વયંવઘૂ’ રચી શકે! ઈટસ કલ્ચર!

‘જોબનિયું’ તો ફાટફાટ થતા મેળાના લોકગીતોની કરોડરજજૂ છે. ‘હૈયે હૈયું દળાય એવી ભીડ’માં પીસાવામાં નર – નારીને આનંદ કેમ આવે છે? સ્પર્શવંચિતા રહેલી સંસ્કૃતિમાં અંગેઅંગ અથડાવાનો રોમાંચ ફૂલ સ્પીડમાં ભાગતી રોલર કોસ્ટર કે ટોરા – ટોરા રાઈડથી ઓછો થ્રીલિંગ નથી! મેળામાં સતત નજરો કુદરતે ઘડેલા સૌંદર્યને ખોળતી રહેતી … પણ એ કદી સમજાયું નહિ કે આટલી બધી ભીડ વચ્ચે પણ વગર બોલ્યે ‘તારામૈત્રક’નું એકાંત કેમ રચાઈ જાય! અચરજથી ભરાયેલી આંખને ‘બેને બે ચાર’ કરવાનું ગણિત કદી આવડયું નહિ. મેળામાં જોડલીઓ નહિ, જૂથોને બનતા અને વિખરાતા જોયા… આ પણ માટીના ડોકું ઘુણાવતા વાઘનું રમકડું કે વાંસની પોલી વાંસળીને જોવા જેવો એક તમાશો હતો. ભીષ્મની જેમ એના સાક્ષી થવાયું, કૃષ્ણની જેમ એના કર્તા કદી ન થવાયું! મેળામાં ય ચોપડી ખરીદનાર ભેજાંગેપથી શું પાપડ ભંગાય?

છેલ્લે દિવસે ઘટાડેલા ભાવમાં ઉતાવળે થતી ખરીદી, ખૂટી જાય એ પહેલા ખવાતા ભજીયાં, ઓછા દામમાં વઘુ બે ચક્કર મરાવતા ફજરફાળકા અને ચૂપચાપ જોયેલી કોઈ અજાણી આકૃતિનું મેળાના વિસર્જન સાથે આંખમાંથી અલોપ થઈ અંતરના ગોખલે બેસી જવું… આ બધી ધમાલની વચ્ચે દોસ્તોના હાથમાં હાથ, એમના ખડખડાટ હાસ્યમાં સાથ.. બાવડે ભરબપ્પોરે મેળામાં ત્રોફાવેલું એક લીલું છૂંદણુ…

એ છૂંદણું જ સાથે રહ્યું, દ્રશ્યો અને દોસ્તો છૂટતા ગયા!

મેલા દિલોં ‘કા આતા હૈ,

ઈક બાર આ કે ચલા જાતા હૈ…

આતે હૈ મુસાફિર, જાતે હૈ મુસાફિર…

જાના હી થા તો કયું ફિર આતે હૈ મુસાફિર?

હજુ પણ મેળાના વળતા પાણી થયા નથી. ચબૂતરે જેમ પંખીમેળો ઉભરાય એમ ગામેગામ ભરાતા મેળામાં ‘માનવ મહેરામણ’ ઉમટી પડે છે. પણ હવે એમાં ગામડાંના લોકો વઘુ હોય છે. શહેરી લોકો કાર લઈને કોઈ ડેમ કે હિલ સ્ટેશન હંકારી જાય છે. પૂનમ અને અમાસના મેળા તો ઠીક, આકાશમાં એનો ચાંદો જોવાનો સમય કે ઈરાદો કોની પાસે બચ્યો છે? લાઈફ ઈઝ મૂવિંગ ફાસ્ટ, બડી. કેરિઅર બનાવવાની છે. કમાણી વધારવાની છે. હરવા-ફરવાનું તો જોયું જશે! જલસા કરવા માટે કમાવા દોડતા લોકો પાસે પૈસા આવે છે, પણ જલસાનો સમય ખોવાઈ જાય છે! આમાં મેળો? સો ચીપ! સો ડાઉનમાર્કેટ! છી!

ગુજરાતમાં ભરૂચ પાસે ભાડભૂતના મેળા દર ૧૮ વર્ષે યોજાય છે. ક્યારેક ફરતા ચકડોળના આંટા સામે જોતાં જોતાં મનમાં ચક્કર આવે છેઃ એક દિવસ આ બઘું અલોપ થઈ જશે? ટીન્સ ઓફ ટુડેને કોલેજ કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ટ્રેડ ફેર ગમે છે. એમનું ગુ્રપ જ જોઈએ. દૂસરા કોઈ નહિ! સર્કસની જેમ ડિજીટલ મિડિયા મેળાને પણ ઓહિયા કરી જશે? પબ્લિક મેળાની ગંદકી અને ઘોંઘાટથી ઝટ કંટાળી જાય છે. બાળકોને ઉંચક-નીચક કરતાં કાર્ટૂન નેટવર્ક વઘુ ગમે છે. મેળો કદાચ આઉટડેટેડ મનોરંજન છે!

અને તો પછી મેળાના અર્થતંત્રનું શું? મેળાની તિથિઓ ભલે ધાર્મિક હોય, પણ એનું પરિણામ આર્થિક છે. મેળા માટે જમીન આપીને વહીવટી તંત્ર વિકાસ કાર્યો માટે રૂપિયા રળે છે (પછી જમે છે!) કંપનીઓ જાહેરખબરો કરે છે. વેપારીઓ વસ્તુઓ વેંચે છે. પાથરણા પાથરીને બેઠેલા ફેરિયાઓ રોટલા મેળવે છે. મેળાનું આયોજન આડેધડ થાય છે, પણ એને લીધે અર્થતંત્રમાં ચડતું લોહી કડેધડે હોય છે. રૂપિયો ચકડોળની જેમ ફરતો-ખર્ચાતો રહે તો જ દેશના સ્ટેજ પર મ્યુઝિકલ પાર્ટીનો ‘ટેમ્પો’ જામેલો રહે!

જેમની પડખે રહીને મેળો માણ્યો હોય એ ચહેરાઓ હંમેશ માટે ‘માધવ ક્યાંય નથી મઘુવનમાં’ થઈ ગયા છે. મેળાને માણવાનો સ્પિરિટ અને થનગનાટ પણ એ સાથે બચપણના રંગીન ચડ્ડી-ટીશર્ટની માફક ટૂંકો થઈ ગયો છે. હવે મેળો ‘સદતો’ નથી, ને મેળામાં જવા માટે કોઈ પોકારતું પણ નથી. પુખ્ત અને પ્રતિષ્ઠિત (?) થવાની આ કિંમત હશે? આપણે જવાનું બંધ કરીશું એટલે મેળો ય બંધ?

જર્મની જેવા અત્યાઘુનિક રાષ્ટ્રના ‘હેસન સ્ટેટ’ની સ્થાપના નિમિત્તે ૧૦ દિવસનો વાર્ષિક કાર્નિવલ ભરાય છે. વિડિયોગેઈમ રમતાં છોકરાઓને પણ ત્યાં જવું છે. ગુજરાતના ગામડાના કોઈ કુટુંબને મેળે ડાયરો સાંભળવા જવું છે. આખો દિવસ બહાર ફરી આવ્યા પછી શહેરી ભાઈ-બહેનોને મેળે ચક્કર લગાવવું છે… શું કામ? શા માટે?

કારણ કે, માણસને માત્ર પ્રકૃતિ જ ગમે છે એવું નથી. માણસને ભલે માણસ સાથે રહેવું નહિ ગમતું હોય… માણસને માણસ જોવા ગમે છે!

(લેખ જુનો, મેળો ફરી નવો! 😛 )

 
18 Comments

Posted by on August 20, 2011 in feelings, gujarat, personal