RSS

Daily Archives: October 2, 2011

નવરાત્રિ લવરાત્રિ – નવ સવાલો, નવ જવાબો!



નોરતાં નજીક આવે એટલે કેટલાક માણસો માટે ‘સીઝન’ ખુલી જાય છે. ના, ના… આપણે દાંડિયા રાસના આયોજકો, ખેલૈયાઓ કે તેના સાજશણગાર- ગીત સંગીતવાળાઓની વાત નથી કરતાં. વાત કેટલાક ચોખલિયા ચોવટિયાઓની છે, જે દાંત કચકચાવીને નવરાત્રિની આઘુનિકતા સામે હાથ આવ્યું તે હથિયાર (મોટેભાગે જીભ કે કલમ જ!) લઇને તૂટી પડે છે. આ વર્ગને કોઇ પણ પ્રકારની નવીનતા, આઘુનિકતા કે પરિવર્તન સામે એલર્જી હોય છે. ગુજરાતની ઓળખસમી નવરાત્રિ નજીક આવે એટલે પર્યાવરણથી લઇને ફેશન સુધીના મામલે જેમની લાગણી દુભાઇ જાય છે, એવા પારકી પંચાતમાં પરમાનંદ માનનારા નોરતામાં ગુપચુપ દબાયેલા સાદે ધીમો ધીમો મચ્છરિયો ગણગણાટ કરશે. કારણ કે, હવે તો  નવરાત્રિના ગ્લોબલ બ્રાન્ડ પોઝિશનિંગને ગુજરાત સરકારનું સીઘું પીઠબળ છે! 😛

એટલે જ આ સોનેરી અવસર છે. નવરાત્રિની મોડર્નાઇઝેશનના તમામ વિલનના કોફીનમાં જડબેસલાક દલીલોના અણિયાળા ખીલા ઠોકીને એમને કાયમ માટે ચૂપ કરી દેવાનો! પુનરાવર્તન કરીને, જુના વિચારોનું રિમિકસ કરીને પણ ‘વન્સ ફોર ઓલ’ નવરાત્રિને ફોકસમાં રાખીને ઉઠાવાતા સળગતાં સવાલોના સણસણતા જવાબો આપી દઇએ. પછી ફરીવાર જો કોઇ નવરાત્રિની રોશની ઉપર વિરોધના કાળાડિબાંગ વાદળો લઇને ત્રાટકે, તો એના જડબા પર મુક્કાને બદલે આ શોર્ટ બટ શાર્પ એન્સરલિસ્ટ ફટકારવું! નોટિસ બોર્ડ પર એ લગાડીને ન્યુ નોરતાનું નવરાં બેઠા નખ્ખોદ વાળનારાઓને જ આગોતરી નોટિસ આપી દેવી! 😉

સવાલ (નવરાત્રી આવે એટલે છોકરાછોકરીઓનું ભણતર બગડે છે. શા માટે નાચવાને બદલે ભણવાનું વાતાવરણ બનાવવું ?

જવાબઃ વાહ રે વાહ… નવરાત્રિમાં રમનારા બધા બાલમંદિરના કીકલા છે? પહેલી વાત તો એ કે તમને તમારૂં ટાઇમ મેનેજમેન્ટ આવડવું જોઇએ. એ ન આવડે અને ‘એન્ટરટેઇનમેન્ટ’ની અસર ‘એકઝામ ટેસ્ટ’ પર થાય- તો તેમાં ‘ઇવેન્ટ’ (નવરાત્રિ)નો શો દોષ? અને જેમને ભણવું જ છે, એ કોઇ પણ સંજોગોમાં ભણીને જ રહે છે. સ્ટ્રીટલાઇટના અજવાળે પણ ભણનારાઓની સંઘર્ષગાથા દરેક પેઢીએ સાંભળી જ છે. નવરાત્રિના હિસાબે એવા જ વર્ગનો અભ્યાસ જોખમમાં મૂકાય છે, જે નવ દિવસ ઘરમાં પૂરાઇ રહે તો પણ પરીક્ષામાં બિલાડા ચીતરીને આવે! અર્થાત એનો અભ્યાસ તો ગયેલો જ હોય છે, પછી છો ને એ આનંદ મેળવે!

મૂળભૂત રીતે જેની પ્રકૃતિ ચંચળ છે, એમના માટે નોરતા એક બહાનું છે. વરસના ત્રણસો પાંસઠેય દિવસ એ બધા કલાસરૂમમાંથી છટકવાના કારણો શોધતાં ફરે છે. ટીકા એવા બાપકમાઇના બચુભાઇઓ અને બચીબહેનોની કરો. એમને તાલિમ અને વિવેકભાન આપવામાં નિષ્ફળ ગયેલા મા-બાપ કે શિક્ષકોની કરો. પણ નવરાત્રિને કારણ વગરની શા માટે વગોવો છો? અમેરિકામાં ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ક્રિસમસ સેલિબ્રેશન આવે, એટલે ત્યાં શું ભણતરના નામે એ બંધ થાય છે? વાસ્તવમાં તો ગુજરાત-મુંબઈમાં ક્રિસમસ નહિ, નવરાત્રિ વેકેશન હોવું જોઈએ.

સવાલ () નવરાત્રિને લીધે ઘ્વનિપ્રદુષણ નથી વધતું? એનો અસહ્ય ઘોંઘાટ ઘેર બેસીને પરીક્ષાની તૈયારીઓ કરતાં સ્ટુડન્ટસ અને વયોવૃદ્ધ સિનિયર સિટિઝન્સને ખલેલરૂપ નથી થતો? અને નવરાત્રિના આઘુનિક સ્વરૂપમાં જે ભયંકર વીજવપરાશ થાય છે એનું શું?

જવાબઃ કયારેક પર્યાવરણમાં પર્યાવરણના નામે ગોખેલો ગોકીરો કરનારા પોપલાં પર્યાવરણવાદીઓનું ઘ્વનિ પ્રદુષણ વધતું જતું હોય છે! વિરોધ પર્યાવરણ રક્ષણનો હોઇ જ ન શકે. પણ માત્ર નોરતાંની રાતોમાં જ કેમ બધાને ઘોંઘાટ સંભળાય છે? સારૂં છે, એ તો નવરાત્રિમાં ‘માતાજીની ભકિત’ના લેબલનું પ્રોટેકશન છે. બાકી તો ઘોંઘાટ – ઘોંઘાટની કાગારોળ કરીને તેના લાઉડ સ્પીકર્સનું ગળુ ઘોંટી નાખ્યું હોત! નોરતા ટાણે પરીક્ષાની તૈયારી કરનારાને હાર્દિક શુભેચ્છાઓ. વડીલો કે વિદ્યાર્થીઓ બિલકુલ ડિસ્ટર્બ ન જ થવા જોઇએ. ઇરાદાપૂર્વક આવું કરનાર સામે દાંડિયા લઇને તૂટી પડો.

પણ આ એક આદર્શ છે. હિન્દુસ્તાનમાં કયા આદર્શનું શબ્દશઃ પાલન થાય છે? એમ તો દરેક જાહેર સ્થળ ચોખ્ખાચણાક હોવા જોઇએ, તમામ પાઇપલાઇનમાં પાણી ફિલ્ટર હોવું જોઇએ, પ્રત્યેક રસ્તા સુંવાળા હોવા જોઇએ, સઘળી ટ્રેઇન સમયસર આવવી જોઇએ… પણ પ્રેકિટકલી એનો બધે અમલ થતો નથી! નોરતા તો ૯ દિવસના છે, આ બધી તો આજીવન રામાયણ છે! દરેક ભારતીય ઉત્સવ ને કોઈ ને કોઈ રીતે વખોડી કઢાય છે.શું બધા બળદગાડામાં મુસાફરી કરે છે? લોકોએ શું સન્યાસીઓની માફક જીવવું? મનોરંજન માણવું જ નહિ?

બ્રિટન- અમેરિકામાં વસતા લાખ્ખો ગુજરાતીઓ ધામઘુમથી ડિસ્કો નવરાત્રિ ઉજવે જ છે. પણ ત્યાં સાઉન્ડપ્રુફ બંધ ટેન્ટ કે હોલમાં એ ઉજવાય છે. માત્ર નવરાત્રિ જ નહિં, કોઇપણ પ્રકારના ઘ્વનિ પ્રદુષણ પર ત્યાં વહીવટી તંત્રની લાલ આંખ છે. અહીં ગમે ત્યારે ધર્મ તે ધર્મની યાત્રાઓ નીકળી પડે છે, વગર પૂછયે ભજન- સત્સંગના સવારોસવાર ચાલતા કાર્યક્રમો ગોઠવાઇ જાય છે. માઇક પર બાંગ પોકારાય છે અને દિવસો સુધી કથાપારાયણ ચાલે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વડીલોની તકલીફોનું કોણ પૂછે છે? ‘દીવાર’ના પેલા ‘જાવ પહેલે ઉસ આદમી કા સાઇન લે કે આવ…’ની માફક જ ઘોંઘાટ કે
વીજપ્રદૂષણની દલીલો એકલી નવરાત્રિ પર જ લાગુ ન પડે. કહેવાતા સમજદાર વિકસીત દેશોમાં ય અતિ ભવ્ય મ્યુઝિક કોન્સ્ટ કે સ્ટેજ શોમાં વીજળી વપરાય જ છે.

પર્યાવરણનો બચાવ કરવો એનો અર્થ આનંદમાં અવરોધરૂપ થવું એવો કરાશે, તો કયારેક પર્યાવરણવાદીઓના રક્ષણની ઝુંબેશ ઉપાડવી પડશે! મુંબઇમાં ગણેશોત્સવ વખતે કાનમાં પૂમડાં ભરાવીને બેસતાં સોફિસ્ટિકેટેડ સમાજસેવકોને નવરાત્રિ વખતે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સંભળાવા લાગે છે!

મોટેભાગે સર્વેક્ષણો અને વિજ્ઞાનના નામે થતી કહેવાતી બુદ્ધિગમ્ય દલીલો કેવી વાહિયાત હોય છે, એ જાણી લો! પહેલાં એક ઇ.એન.ટી. સ્પેશ્યાલિસ્ટ ડોકટરને ટાંકીને એવું કહેવાયેલું કે નવરાત્રિમાં જે હજારો વોટના આઉટપુટવાળું સંગીત કાને અથડાય છે- તે સતત ત્રણ મિનિટ પણ સાંભળો તો ‘હાઇ ફ્રિકવન્સી લોસ’ થાય અને કાન ઉંચી તરંગલંબાઇ ધરાવતા અવાજો જેમ કે મોબાઇલની રિંગ કે વાહનના હોર્ન પ્રત્યે બહેરા થઇ જાય!

જો આ સાયન્ટિફિક લોજીક (?) માનો તો નોરતાં તમામ ઓરકેસ્ટ્રાવાળા કાં તો અકસ્માતમાં શહીદ થઇ ગયા હોત, કાં તો મોબાઇલ ફોનને બદલે પાળેલા કબૂતર રાખતા હોત!

સવાલ () નવરાત્રિની ઉજવણી સામે વાંધો નથી, પણ તો એક પવિત્ર પર્વનુ  ‘ડિસ્કોકરણ થઈ ગયુ છે. શું નવરાત્રિમાંથી ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ઘટે યોગ્ય છે?

જવાબ – નવરાત્રિ જ શા માટે? દરેક દરેક તહેવારનું મોડર્નાઈઝેશન થઈ ગયું છે, થઈ રહ્યું છે. દિવાળી પર હવે એસએમએસથી શુભેચ્છાઓ નથી જતી? બર્થ ડે પર અંગ્રેજીમાં કાર્ડ નથી લખાતા? હોળીમાં ઉડાડતા રંગો અને પછી એ સાફ કરવા વપરાતા સાબુ – બંનેમાંથી એક પણ વસ્તુ નેચરલ છે? બંને મોડર્ન કેમિકલ્સની જ ભેટ છે! નવરાત્રિમાં બે – ચાર ફાસ્ટ રિધમના ફિલ્મગીતો સાંભળીને જેમની ‘ચોટલી ખીંટો’ થઈ જાય છે એ બધા ફિલ્મી ગીતોની જ ઘુન તફડાવીને કમ્પોઝ થયેલા ભજનો તો પાછા જોરશોરથી વગાડે છે!

લાઈફ જેટલી ફાસ્ટ થાય, એટલા પ્રમાણમાં મ્યુઝિક પણ ફાસ્ટ થાય જ! સમયની સાથે તહેવાર રંગ – રૂપ બદલે તો જ ટકી શકે. નવરાત્રિના અર્વાચીન દાંડિયાગ્રાઉન્ડ કંઈ સાવ ઓપન એર ડિસ્કોથેકસ નથી. એમાં કંઈ જાઝ કે સાલ્સાના સ્ટેપ્સ નથી. મૂળભૂત રીતે એ જ રાસના સ્ટેપ્સનો નવો અવતાર છે. જમાનો ડિજીટલ સાઉન્ડનો છે. જેમ નવી ટેકનોલોજી આવે, તેમ એનો ઉપયોગ વધે. માટે હાઈ-ફાઈ બીટસનો સાઉન્ડ છતાં નવરાત્રિનું બેઝિક એસેન્સ (અર્ક) એવું જ રહ્યું છે. આફટરઓલ, ઈટસ ફેસ્ટિવલ ઓફ ગ્રુપડાન્સ!

દુનિયાના દરેક દેશો પાસે નાચવાગાવાના આગવા તહેવારો હોય છે. કારણ કે એ મનુષ્યપ્રાણીની મૂળભૂત પ્રવૃત્તિ છે. પહેલા લોકો શિકાર કરીને ઉત્સવ મનાવતા, પછી ખેતીની ફસલ આવે ત્યારે, પછી દેવ દેવીઓ ફરતે અને હવે પોતાની મસ્તી માટે… લેકિન ગાનાનાચના ચલતા રહેગા. બાય ધ વે, ‘ડિસ્કો કરણ’ પછી જ પંજાબી ભાંગડાએ વિદેશી સંગીતનો મુકાબલો કર્યો છે! અને, નવરાત્રીને લીધે જ કેટલાક દેશી ગુજરાતી ગીતો/ઢાળ અને વસ્ત્રો ટકી ગયા છે, એ કેમ નથી દેખાતું? રોજેરોજ કેટલા લોકો સમુહમાં આરતી કરે છે કે ધોતી/ચણીયાચોળી પહેરે છે?

સવાલ () પણ અર્વાચીન રાસની ઝાકઝમાળમાં અસલી પ્રાચીન ગરબી ભૂલાઈ રહી છે. અને લુપ્ત થવા લાગી છે, તેનું શું?

જવાબ – પહેલા તો એ બરાબર સમજી લો કે ‘પ્રાચીન’ એટલે સઘળું સીઘુંસાદું સર્વોત્તમ – એ કેવળ રંગીન માન્યતા છે. સદીઓ પહેલા લખાયેલા નરસિંહ મહેતાના રાસલીલાના પદ વાંચો કે જયદેવનું ‘ગીતગોવિંદ’ અને એવી પ્રાચીન કૃતિઓ પર નજર નાખો. એક પણ શબ્દ ઉમેર્યા વિના જો એને અહીં ફરીથી કેવળ રજૂ પણ કરવા હોય ને, તો ય લાલ અક્ષરે ‘એ’ લખ્યા બાદ પણ સેન્સર કરવા પડે! આ બઘું વર્ણન એમ ને એમ જ છે? સમાજની કલ્પનાઓ જ આખરે તો સાહિત્યમાં ઝીલાય છે! મૂળભૂત પ્રાચીન ‘રાસલીલા’ની રંગત તો હજુ છે જ નહિ! કૃષ્ણ-ગોપીના રાસના ગીતો ગાવા, અને તેનું આચરણ ન કરવું, એમ કેમ બને?

બીજું, ગરબા – ગરબી – રાસ એ કંઈ શાસ્ત્રીય નૃત્ય કે ગાયન નથી. એમાં બહુ થોડો અભિનય છે. એનું કોઈ માન્ય બંધારણ નથી. એ લોકગાન કે લોકનૃત્ય (ફોકફોર)ની વ્યાખ્યામાં આવે. જેમ લોકો બદલાય એમ એમનું ગાયન – વાદન – નર્તન પણ બદલાય – એ તો સહજ ક્રમ થયો. દરેક ‘કલાસિક’ બાબતની માફક પરંપરાગત લઢણ કે રચનાનું સંશોધન, કળા કે વારસાની દ્રષ્ટિએ જતન – સંવર્ધન થવું જોઈએ. જે ઘણી સંસ્થાઓ કરે જ છે. કેટલીયે જગ્યાએ એ ચોકે ચોકે થાય છે. વડોદરા શહેર આખું એ રીતે ઉજવે છે. રસિકજનો એનો આનંદ જરૂર લે… પણ પોતાને ‘પ્રાચીન’ ગમે, માટે ‘અર્વાચીન’ અપનાવનારા બધાએ શરમ અનુભવવી એ વળી કયાંનો ન્યાય?

આપણી જીવનશૈલીમાં વળી કેટલું પ્રાચીન ટકયું છે કે ઉત્સવની અભિવ્યકિતમાં ટકે? એમટીવી કલ્ચરના વિદેશીઓ કળાત્મકતા કે ભવ્યતા વિનાની ગરબી જોઈને પ્રભાવિત થાય? નવી કારને બદલે કોણે ઘોડાગાડી ખરીદે છે ? કેટલા લોકો મીણબત્તીના અજવાળે રાત ગાળે છે? કેટલા પતરાવળીમાં જમે છે? જેટલી આઘુનિકતા લાઈફમાં, એટલી દાંડિયાના ગ્રાંઉન્ડમાં!

સૌથી મહત્વની વાત, માતાજીની ભક્તિમાં કોઈ શાસ્ત્રોક્ત વિધિ  રાસ તો શું , ગરબી કે દાંડીયાની પણ ક્યાંય નથી. આ જે કઈ પ્રાચીન લાગે છે – એ ય બહુ જૂની નહિ એવી લોકસંસ્કૃતિ છે! રાસનો સંબધ જ કૃષ્ણ સાથે છે. શક્તિપૂજા સાથે નહિ! માટે પ્રાચીન ગરબા -ગરબીના આયોજનો પણ શુદ્ધ ના કહેવાય!

સવાલ () નવરાત્રિમાં છોકરાછોકરીઓ માથે ફેશનનું ભૂત સવાર થઈ જાય છેઅને છોકરીઓ જે પ્રકારના બેકલેસ ચણિયાચોળી પહેરીને અંગ્રપ્રદર્શન કરે છે, એના પર તો પ્રતિબંધ મૂકવો જોઈએ?

જવાબ – પોતાને પસંદ ન પડતી કે પોતે ન કરી શકે તેવી દરેક વાત પર પ્રતિબંધ મૂકવાની જ જાણે આજકાલ લેટેસ્ટ ફેશન છે? અંગ હોય ત્યાં પ્રદર્શન થાય, ન હોય તો થોડું થાય?

ઓકે, જોક મૂકીને જરા સિરિયસ થઈએ. યુવાન હોવું એનો અર્થ જ એ કે સતત બદલાતાં રહેવું. કોઈ વિચારોથી બદલાય, કોઈ વર્તનથી, કોઈ વસ્ત્રોથી… જેવી જેની મોજ! માણસ કયારેક તો મનગમતા જલસા – ટાપટીપ – ઠુમકા કરે ને? એના માટે તો ઉત્સવો છે! નહિ તો શું બધા સતત યોગશિબિરમાં બેઠા રહે? એક બાજુથી સ્ત્રીને શકિતસ્વરૂપ માનવાના ગરબા ગાવા… જોગ માયાનો જય જય કાર કરવો… નારીને નારાયણી કહી માતાજીની આરાધના કરવી… બીજી બાજુ એ જ સંસ્કૃતિના નામે નજર સામે ફરતી સ્ત્રીઓ પત્ની, માતા, બહેન, પુત્રી ઈત્યાદિના પગમાં હૂકમો, મર્યાદા અને બંધનોની સાંકળ નાખવી! આ તો શકિતને બદલે ગુલામી થઈ!

આપણે તો ભાઈ એવા કે, આપણે શંકરાચાર્યની  રચના “સૌન્દર્યલહરી”નો ભાવાર્થ સમજ્યા વગર તેનું રટણ કરીએ. પણ નજર સામે રાસ લેતી જીવતી જોગમાયાઓના સૌન્દર્યના ગુણગાન ગાવાને બદલે તેની સામે નાકનું ટેરવું ચડાવીએ! (દેવી ભાગવતમાં ય જરીર ના હોય એવી જગ્યાએ પણ જગદંબાના રૂપનું રસિક વર્ણન વારંવાર આવે છે, જેના અંશોનો રોજ ભક્તિભાવે આપણે પાઠ કરીએ છીએ! )

જેને જે ગમે તે પહેરે એની મરજી, અને એ પહેરે તે તેને શોભે… એ માતાજીની મરજી!

સવાલ () હાયહાય, નોરતામાં રાતોનીરાતો વળગાવળગી કરીને ફરતા જુવાન છોકરાછોકરી જે આડાઉભાસીધાત્રાંસા સંબંધો બાંધે છે, જોયા પછી આવા છાનગપતિયાંથી લાજવાને બદલે ગાજો છો?

જવાબ – આજે નહિ, પણ દુનિયાના કઈ ભૂમિ પર કયા કાળમાં એવું બનેલું, જયાર યુવક અને યુવતી વચ્ચે જાતીય આકર્ષણ ન થયું હોય? ભારતની (અને દુનિયાની પણ) પુરાણ કથાઓ જ સ્વેચ્છાચાર અને મુકત શરીરસંબંધોની વાતોથી ભરપૂર છે! નર્યો દંભ! અગ્નિ દઝાડે પણ ખરો, અને તેમાં રોટલા પણ શેકાય… માટે અગ્નિ જોખમકારક હોવા છતાં અનિવાર્ય જ ગણાય છે. અને સમય એવો છે કે કે મનની ઈચ્છા તનથી પૂરી કરવાવાળાઓ રાતના અંધકારના મોહતાજ નથી રહ્યા. નવ રાત ચોકી પહેરો કરશો, તો બાકીના સાડાત્રણસો દિવસ પડયા જ છે! હજુ પણ નોરતાના નામે યૌવનસુગંધથી મહેકતી કામિનીઓને બહાર નીકળવાની છૂટ મળે છે, એટલે જરા નવરાત્રિનું લવરાત્રિ સ્વરૂપ ચર્ચામાં રહે છે.

એની વે, કયારે કોની સાથે કેટલી હદે સંબંધ બાંધવો અને રાખવો એ પુખ્ત વયના સ્ત્રી – પુરૂષની અંગત બાબત છે. એમાં કાયદો પણ દખલ ન દઈ શકે. હા, જયારે એમાં મુગ્ધાવસ્થાની નાદાનીનો છેતરપિંડીથી ફાયદો ઉઠાવવાની ચાલાકી ભળે ત્યારે ચોક્કસ ચેતવણી આપવી પડે. ટ્રેજેડી એ છે કે છોકરા – છોકરીને એકબીજાથી દૂર રાખવામાં જ આપણી બધી શકિત ખર્ચાઈ જાય છે. આટલી બધી માથાકૂટ પછી પણ કુદરતી આવેગો તો પોતાનો માર્ગ શોધી જ લેતા હોય છે. સરવાળે બાવાના બેઉ બગડે છે! પછી ‘બધી મજાઓ હતી રાતે રાતે,ને સંતાપ એનો સવારે સવારે’ ની માફક નવ રાતની મુસીબત કયારેક નવ મહિના સુધી લંબાય છે!

આવી નાજુક બાબતો કદી પણ ‘જનરલ’ઉકેલ ન હોઈ શકે. નવરાત્રિમાં છોરાં – છોરીને જુદા કરશો તો કોઈ લગ્ન પ્રસંગમાં આંખોના ઉલાળા થઈ જશે. સેકસના નામથી આપણે ભડકીએ છીએ, અને તેનાથી દૂર રહી શકતા નથી. પરિણામે સેકસ અંગેની સંતુલિત કે સાચી સમજ જ કાચી ઉંમરના યંગથીગ્ઝમાં નથી. એમને મૈત્રીપૂર્ણ રીતે ‘ફ્રી’ નહી, પણ ‘રિસ્પોન્સીબલ’ સેકસ અંગે જ્ઞાન આપો. કોન્ટ્રાસેપ્ટિવઝની સુરક્ષા અને જરૂરિયાત અંગે સમજાવો. એમનું યૌવનસહજ કૂતુહલ સંતોષો. સેકસનો આનંદ ગુનો નથી, પણ કોઈને ફસાવીને – જૂઠું બોલીને કે ‘આંબાઆંબલી’ બતાવીને ખોટા વચનો આપીને છેતરવા એ મહાપાપ છે – એટલું યુવાવર્ગને સમજાવો તો ય યજ્ઞકાર્ય થશે. પણ હવનમાં હાડકા ન નાખો!

સવાલ () ડિસ્કોદાંડિયાની આવી વકીલાત કરતા હો તો તમે પશ્ચિમથી અંજાયેલા છો. બાકી તેના ગ્રાઉન્ડ પર ગ્રુપની ગેંગવોર જેવી સામસામી હરિફાઈ ચાલે છે. વિજેતા પ્રિન્સપ્રિન્સેસનું સેટિંગ થાય છે તેનું શું?

જવાબ -વકીલાત પશ્ચિમની પણ નથી અને ડિસ્કો દાંડિયાની પણ નથી. બચાવ કેવળ સત્ય અને યૌવનના પરિવર્તનનો છે. એમાં ખોટું હોય તો મુદાસર અને તાર્કિક ‘પ્રતિ-ઉત્તર’ આપો. કેવળ ટીકા કે ગાળાગાળીથી સચોટ દલીલોની તીવ્રતા ઝાંખી ન પડે. કબૂલ કે દાંડિયાના આયોજનમાં બેફામ લાગવગશાહી અને ફિકસીંગ ચાલે છે. કયારેક તો શરીરના સોદામાં ઈનામ મળે છે. કયારેક તો ઈનામની માત્ર જાહેરાત જ થાય છે. બાકીનું બઘું ‘સમજી’ લેવાય છે! વળી, આવું કરનારા ઘણા ‘પ્રતિષ્ઠિત’આયોજકો પાછા સંસ્કૃતિના ઝંડાધારીઓ હોય છે. ઘણા મવાલી-લુંખ્હા આયોજકો ધંધો કરી ધક ફેલાવવા નવરાત્રિમાં ઝુકાવે છે. અલબત્ત, કેટલાંક આયોજકો ખરેખર ટકોરાબંધ, પ્રોફેશનલ અને સુંદર આયોજન પણ કરે છે. (ભારતની પ્રજા જોતા થોડુંક કડક તો થવું પડે.)

પણ આ વિષચક્ર તો જ અટકે, જો સંગઠ્ઠિત થઈને ખેલૈયાઓ તેનો મુકાબલો કરે… કોમ્પિટિશનને મજા અને અનુભવ માટે હળવાશથી લે. આયોજકો પણ સિકયોરિટીને વઘુ મજબુત બનાવે પણ વિશાળ વર્તુળને બદલે ઓળખીતાઓના નાના ગ્રુપ્સમાં રમતા ખેલૈયાઓ પણ આખરે તો આપણામાંના જ છે ને? એમને ય સિઘ્ધાંત કરતાં સેટિંગમાં વઘુ રસ પડવાનો! સરકાર અને સમાજ અશ્વ્લીલતા કે આઘુનિકતાના મુદા મુકીને નિષ્પક્ષ તથા નમૂનેદાર આયોજન પર ઘ્યાન આપે,  એને સ્વયંશિસ્તથી બિરદાવે, ફરિયાદોનો ન્યાય તંત્ર તરત તોળે, તો ય ઘણું!

સવાલ (અને વૈભવી શહેરી નવરાત્રિઓમાં પૈસાનો ઘુમાડો તો થાય છે ને?

જવાબ – હા, જરૂર કરતાંય વઘુ દમામ અને ભપકો શહેરી નવરાત્રિઓમાં હોય છે. પણ નવરાત્રિનું ય આગવું અર્થશાસ્ત્ર છે. એ માર્કેટમાં તેજી લઈ આવે છે. જે પૈસા ખર્ચાય છે, એ કંઈ વિદેશીઓને જ મળે છે, તેવું નથી. સ્પોન્સરશિપ જરૂર મલ્ટીનેશનલ કંપનીઓની મળે છે, પણ પરાણે એ પોતાની પ્રોડકટસ વેંચતા નથી. સોફટડ્રિન્કને બદલે નારિયેળપાણી પણ પી શકાય. ઈટસ મેટર ઓફ ચોઈસ. પણ નવરાત્રિની માર્કેટમાં દાંડિયા બનાવવાવાળા કે આભલાં ભરતવાળાં કે ગાવાવગાડવાવાળા કેટલાય સ્વદેશી દોસ્તોને રોજગારી મળે છે. ગામડાઓમાં સાદગીપૂર્ણ નવરાત્રિ જળવાઈ હોય, તો એને પ્રણામ. પરંતુ એનું આર્થિક યોગદાન શૂન્ય છે.

શહેરી નવરાત્રિ ભલે ટૂરિઝમને ઉત્તેજન નહિ આપે, ભલે ખરા અર્થમાં વિદેશી કૂળના લોકોને નહિ આકર્ષે… પણ ઈકોનોમીનું ચક્કર તો ફરતું રાખશે! એન.આર.આઈ.ઓ. વિદેશમાં જે નવરાત્રિ ઉજવે છે, એમાં તો જોવા માટેની પણ ટિકિટો રાખે છે! નાઉ, રિલિજયસ ફેસ્ટિવલ્સ આર બિઝનેસ! ધર્મ એ ધંધો નથી તો બીજું શું છે? અહીં તો મંદિરોમાં પ્રસાદના નામે પણ બિઝનેસ ચાલે છે. અરે, અહીંયા પ્રસાદના લાડુની પેટન્ટ પણ મેળવવામાં આવે છે! એટલે ધર્મના નામે નવરાત્રીને વખોડવાનો અર્થ જ નથી. ઉલટું, નવરાત્રી જેવા તહેવારોના પ્રતાપે અર્થતંત્રની સાઈકલ ચાલ્યા કરે છે, પૈસો રોટેટ થાય છે. જેનો ફાયદો સરવાળે સામાન્ય માનવીને જ મળે છે.

સવાલ () ઓય મા! અને બધામાં ભૂલાતી જતી ભકિતનું શું?

જવાબ – દંતકથા મુજબ કૃષ્ણના પૌત્ર્ અનિરુદ્ધને પરણીને આવેલી બાણાસુરની પુત્રી ઉષાએ પાર્વતી પાસેથી શીખીને ગરબાની શરૂઆત કરી. અને રાસનો સંબંધ તો કાન-ગોપી સાથે છે. માતાજીની ભક્તિની વાત જ નથી. ગરબો એ આપણું લોકનૃત્ય છે, લોક પરંપરા અને લોક સંસ્કૃતિ છે. એ કોઈ શાસ્ત્રોક્ત કે પુરાણોક્ત કે વેદોક્ત વિધિ નથી.

ઇન ફેક્ટ, દેવી ભાગવતથી લઈને શક્રાદય સ્તુતિ કે ચંડીપાઠમાં પણ ગરબાનો ક્યાંય ઉલ્લેખ નથી.એટલે તેના સ્વરૂપમાં આવતા પરિવર્તનથી કોઈ ધાર્મિક પરંપરા ડહોળાઈ  રહી છે એવી દલિલ બિલકુલ જ પાયા વગરની ગણાય. પ્રાચીન કહેવાતી ગરબી પણ શુદ્ધ ભક્તિ નહોતી, એમાં આવેલું ‘ડાયવર્ઝન’ હતું! નેચરલી, સમય બદલાય,  લોકો બદલાય એમ સંસ્કૃતિ બદલાય ! લોકો ધોતિયાથી પેન્ટ સુધી પહોંચ્યા ને દાંડિયા ચોક થી પાર્ટી  પ્લોટ સુધી!અને જેને નિર્ભેળ ભક્તિ જ કરવી હોય તેના માટે ચૈત્ર નવરાત્રી ક્યાં નથી? ધર્મના કહેવાતા સિક્યુરિટી ગાર્ડસ શું એ વાત જાણે છે કે ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ર નવરાત્રીનું માહાત્મ્ય આસો નવરાત્રી કરતાં પણ વધુ છે?

જે ખરેખર ભકત છે, એ કયારેય ભકિત ભૂલતો જ નથી! અઘ્યાત્મના માર્ગનો અસલી પ્રવાસી પોતાનામાં અને પરમ ચેતનાની અુભૂતિમાં મગ્ન થઈને ચાલતો રહે છે. જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો, એને દુન્યવી માયામાં રસ જ કઈ રીતે પડે? તમે તલ્લીનતાથી ક્રિકેટ મેચનો દિલધડક ફાઈનલ જોતા હો, ત્યારે બાજુના રૂમમાં કોણ આવ્યું અને કોણ ગયું તેની ખબર રાખો છો? એ જ રીતે ઘરના ખૂણે ઘીનો દીવો પ્રગટાવી, સંઘ્યાકાળે ગરબો કરીને માતાજીના સ્તવન ગાનારા ભોળા ભાવિકોનું ગ્લોબલ કે લોકલ કોઈ પણ પ્રકારની નવરાત્રિ પર ઘ્યાન જ નથી જવાનું!

અને જો ઘ્યાન ખેંચાય, ટીકાટિપ્પણ થઈ જાય… તો માનજો કે જે ધાર્મિક ભકિતનો હવાલો આપો છો, એની પૂરા રંગમાં હજુ તમે ખુદ રંગાયા નથી- તો નવી પેઢી શું ઘૂળ રંગાશે? પણ કહ્યું ને…લોકો ને પેટ માં દુખે છે યુવક યુવતીઓ ભેગા થઇને ભોગ માણે, ને ‘દેખણહારા દાઝે જો ને ‘ ની અદેખાઈ નું !

રમજો, ભમજો અને નાચો નહિ તો નચાવજો…. આખી રાત!

# આઠેક વર્ષ જુનો આ લેખ સતત અપડેટ પામી વારંવાર પુનઃપ્રકાશિત થતો રહે છે. આજે બ્લોગ પર.

 
26 Comments

Posted by on October 2, 2011 in entertainment, gujarat, religion, youth