RSS

Daily Archives: October 22, 2011

ટ્રાવેલ બાય ટ્રેનઃ ભારતની ૧૦ રંગીલી રેલ્વેયાત્રાઓ!



વેકેશન આજથી સત્તાવાર પડી ગયું છે અને ઘણા પરિવારોમાં ફરવાનું પ્લાનિંગ નહિ પેકિંગ ચાલતું હશે. પણ સ્ટીલ , ઇફ યુ વિશ – આ દસમાંથી એકાદ ટ્રેનટ્રાવેલની થ્રીલ અનુભવવા જેવી છે. ૮ વર્ષ અગાઉ આ લેખ લખ્યો પછી બૂકિંગ કે સફર વધુ આસાન બની છે પણ મજા એવી ને એવી જ રહી છે. ચાન્સ મળે તો પાવો વગાડતા  નીકળી પડો…ગાડી બુલા રહી હૈ….સીટી બજા રહી હૈ :-“

એક વખત એવો હતો કે રજાઓ પડે ને લોકો બહારથી ઘેર દોડતા પહોંચતા હવે જમાનો એવો છે કે છુટ્ટી મળે કે, લોકો તરત ઘરમાંથી બહાર ભાગે છે. અપૂન કા ચોઈસ કા મામલા હૈ. જી હા, ફરવાની બાબત માણસની અને એના કુટુંબની પસંદગીની જ ચીજ કહેવાય અને આજકાલ તો હવાઈ યાત્રાઓની ફેશન છે. એ પણ ફોરેઈનમાં! ભલેને એ વિદેશની સરહદો સ્વદેશના પાડોશી કહી શકાય એવા મલેશિયા- સિંગાપોર જેવા એશિયન વિસ્તારોમાં જ પૂરી થઈ જતી હોય! આવા વખતે જો એમ કહેવામાં આવે કે રખડવાનો આનંદ લેવા રેલ્વેયાત્રાઓ કરવી જોઈએ, અને એય ભારતમાં… તો ઘણા કોન્વેન્ટિયા બચ્ચાંલોગ ‘શીટ્‌, ડર્ટી, હાઉ ફની, સો ડાઉન માર્કેટ…’ જેવી ઈમ્પોર્ટેડ નફરત ફેંકવા લાગે!

ભારતીય રેલ્વે આજકાલ અકસ્માતોના પ્રતાપે ખૂબ બદનામ થઈ છે. ટ્રેનનું નામ લો એટલે એક ખખડધજ ચિત્ર આંખ સામે નાચવા લાગે. જર્જરિત પાટાઓ, ગંદા ડબ્બાઓ, ઘોંઘાટ અને પ્રદૂષણથી ભરપૂર સ્ટેશનો, બિસ્માર એન્જીન, કથળેલો વહીવટ, ધક્કામૂક્કી અને શોરબકોરથી ભરેલી કંટાળાજનક સફર અને બેસ્વાદ ભોજન જેવી અનેક ઘટનાઓનો એક જ પર્યાય હોય તો એ ઈન્ડિયન રેલ્વે છે, એવું લાગે. રેલ્વે મુસાફરી કોઈ કાળે અન્ય વિકલ્પોના અભાવે રોમાંચક હશે, પણ આજે ત્રાસદાયક છે – એવું ઘણા માને છે. પણ રેલ્વે યાત્રાની એક આગવી લિજ્જત હોય છે. સફરિંગ (પીડા) ને બદલે સફર (સહેલગાહ)નો જલસો કેટલીક વખત માત્ર અને માત્ર છુક છુક ગાડીમાં આવતો હોય છે, અને આપણે ટાબરિયાંવ રમાડવાની વાત નથી કરતાં! હા, ભટુરિયાંવની માફક જ જો ‘છુક છુક ગાડી’ને જરા વિસ્મયથી જોશો, તો ઉત્તેજીત થઈ જશો!

અપના હિન્દુસ્તાનમાં જ આવી હેરતઅંગેજ રેલસફરો છે જેનો આનંદ ન ઉઠાવે, એ જીવતો મૂઓ! ૧૭ એપ્રિલ, ૧૮૫૩ માં રોજ મુંબઈથી થાણેની સફરથી થયેલા ભારતીય રેલ્વેના પ્રારંભની દોઢ શતાબ્દી ૨૦૦૩માં પૂરી થઇ. તેની કાયમી ઉજવણીનો એની યાત્રાથી વઘુ શ્રેષ્ઠ તરીકો કયો હોઈ શકે? બઘું જાતે ફરવાનો લ્હાવો તો નથી મળ્યો, પણ દોસ્તોના અનુભવ અને સ્ટાન્ડર્ડ ટ્રાવેલ મેગેઝીન્સના વાંચનનો લાભ જરૂર મળ્યો છે. જેના આધારે ભારતની દસેક એવી ટ્રેનો અને તેના લોકેશન્સ પસંદ કરી શકાય, જેના વર્ણન માત્રથી મોંમાં પાણી.. ઉપ્સ, પગમાં લોહી છૂટે! આ એવા સ્થળો છે, જયાં પગપાળા જવાનો વૈભવ પણ ‘લાઈફટાઈમ એચિવમેન્ટ’ જેવો લાગે, અને ત્યાની રેલ્વે મુસાફરી એક ખરેખરો ‘નૂતન’ અનુભવ કરાવી દે!

જેમ કે, આપણી જૂની અને જાણીતી કોંકણ રેલ્વે. એની વેબ સાઈટ પરથી માહિતી મળે છે કે, જો તમે એમાં ‘કુર્લા- ત્રિવેન્દ્રમ’ની મુસાફરી ‘નેત્રાવતી એકસ્પ્રેસ’ દ્વારા કરો, તો એ ૩૨ કલાક જેટલી મુસાફરી થાય. ‘જે મજા યાત્રામાં છે, એ મંઝિલ પર નથી’ વાળો બોધ આ સફરમાં વિન્ડો સીટ પર બેઠા પછી પુરેપુરો ગળે ઉતરી જાય કેમ? માર્ગમાં તમે ૨,૦૦૦ પુલ… ૧,૫૦૦ નાની – મોટી નદીઓ અને સહયાદ્રિ પર્વતમાળાની ૯૨ ટનલમાંથી પસાર થશો! કૂઉઉઉલ, રિયલી!

જો આ ભપકો કુદરતનો હોય તો એવો જ ઠાઠમાઠ એક બીજી ટ્રેનનો પણ છે. યસ, યુ આર રાઈટ. ‘પેલેસ ઓન ધ વ્હીલ્સ’ની વાત ચાલે છે. જેનું રજવાડી નામ ટી.વી. પરના પ્રવાસ કાર્યક્રમોને લીધે ખાસ્સું જાણીતું બન્યું છે. દુનિયાની (રિપિટ, દુનિયાની) ૧૦ શ્રેષ્ઠ લકઝરી ટ્રેનમાંની એક ગણાતી આ ટ્રેનની ટિકિટનો ભાવ કુબેરપતિઓ અને ઉઠાઉગીરો એ બે જ પ્રકારના વર્ગને પોસાય તેવો છે. પણ સરદાર- ઈન્દિરાએ જેમના તાજ અને રાજ લઈ લીધા, એ મહારાજાઓના સલૂનો જેવી બાદશાહી આ ટ્રેનમાં છે. રેશમી બિછાના અને જરીભરતના પડદા, ચાંદીના વાસણો અને હીરાજડિત ઝુમ્મરો, વોલ ટુ વોલ એથનિક કાર્પેટ એન્ડ પેઈન્ટંિગ… રાજસ્થાનની સફર માટે જાણીતી આ ટ્રેનનું દર્શન કર્યા પછી બહાર જોવાનું મન ન થાય! હા, મનમાં સવાલ જરૂર થાય… શું આપણે ભારતની જ ટ્રેનમાં છીએ? ટચવૂડ!

રાજાઓના જલસાનો જમાનો અંગ્રેજી શાસન વખતે હતો. દેશનું રાજકાજ સંભાળવા માટે બ્રિટિશરોએ રાજાઓને લગભગ રિટાયર કરી નાખ્યા હતા, પણ એમનો દબદબો કાયમ રહેતો એ વખતે ૧૯૦૭ની ‘પતિયાલા મોનોરેઈલ’ રેલવે એન્જીનીઅરીંગની અજાયબી ગણાતી સ્થાનિક શહેરોને જોડતી આ પંજાબી ટ્રેન આજની જેમ બે પાટાને બદલે માત્ર એક જ પાટા પર દોડતી! એના દરેક કોચને ત્રણ પૈડાં રહેતા. બે પૈડાં રેલ્વેલાઈનની સિંગલ ‘પટરી’ પર અને એક બાજુના રોડ પર રહેતું, અને રેલ્વે પ્લસ રોડના સંગમથી જર્મનીમાં બનેલા એન્જીન આ ટ્રેઈન ખેંચતા. નેચરલી, ૧૯૨૭ માં મેઈન્ટેનન્સ પ્રોબ્લેમને લીધે એ બંધ થઈ છેક ૧૯૬૨ માં ઈંગ્લેન્ડના રેલ્વે ઈતિહાસવિશેષજ્ઞ માઈક સ્ટોએ ભંગારવાડામાંથી એના એન્જીન તથા કોચીઝ શોધી કાઢયા. આજે એ ટ્રેન ભૂતકાળને જીવંત કરતી દિલ્હીના રેલ્વે મ્યુઝિયમમાં દોડે છે. દર રવિવારે!

‘પતિયાલા મોનોરેઈલ’ તો સંગ્રહાલયમાં સજીવન થતો ભૂતકાળ બની ગઈ, પણ લગભગ ૧૦૦ વર્ષથી વર્તમાનમાં વિહાર કરાવતી ‘નિલગિરિ’ માઉન્ટન રેલ્વે’ની મુસાફરી આજે પણ સતત માણી શકાય છે. મેત્તુપાલાયમથી ઉટી જતી આ ટબૂકડી ટ્રેનને વાજબી રીતે જ ‘ટોય ટ્રેન’ કહેવાય છે. ટુરિસ્ટ સ્પેશ્યલ જેવી આ નેરોગેજ ટ્રેન સ્ટીમ એન્જીનનો ઘુમાડો ઉડાડતી દોડે છે, પણ તેની ગતિ કલાકના ૩૩ કિ.મી.થી વધતી નથી, રળિયામણી પર્વતમાળાઓ ફરતે ચકરાવો લેતી હોઈને એ ઝડપથી દોડી નથી શકતી. પણ એમાં ૫ કલાકની મુસાફરી કરનાર દરેક વ્યકિત ઈચ્છે કે ટ્રેન હજુ ધીમે ચાલે અને એની સ્વર્ગીય આનંદ આપતી સફર લંબાય!

અકસ્માતોના વધતાં પ્રમાણને લીધે ‘સ્વર્ગ’ સુધી પહોંચાડી દેવાની શકયતા રેલવે યાત્રાઓમાં વધતી જાય છે, પણ ધરતી પરના સ્વર્ગસમા વિસ્તારોની સહેલગાહ પણ રેલગાડીમાં બેસીને કરવાની એક આગવી મજા છે. જેમ કે,  જેણે શતાબ્દી ઉજવી લીધી છે, એ ‘કાલકા- સિમલા ટોય ટ્રેન!’ દિલ્હીના કાલકા સ્ટેશનથી સિમલા ફટાફટ કારમાં પહોંચી જવાય. માટે ૯૬ કિલોમીટરની આ ટચૂકડી યાત્રા લોર્ડ કર્ઝનના સમયમાં શરૂ થઇ, ત્યારથી ધીમી સ્પીડે ચાલે છે. ૬ કલાકની સફરમાં શિવાલિક હિલ્સની ૬૪૦ મીટરથી ૨,૦૬૦ મીટર સુધીની ઊંચાઇ એ ચડી જાય. રસ્તામાં હિમાલયના બરફાચ્છાદિત શિખરોના શ્વાસ થંભાવી દે, એવા મનોહર દ્રશ્યો જંગલો સાથે સંતાકૂકડી રમતા જાય! ૧૦૦થી વઘુ ટનલ્સ અને પથ્થરિયા પુલ પણ આવે. માર્ગમાં આવતાં ટચુકડા સ્ટેશન્સ પિકચર પોસ્ટકાર્ડ જેવા લાગે. ૧ કિ.મી. લાંબી બારોગ ટનલ રોડથી ૯૦૦ ફૂટ નીચે છે! એથી જ તો ટ્રાવેલ સીઝનમાં આ ટ્રેનમાં રેલ મોટર કાર જોડાય છે, જેને કાચની છત છે! આ ટ્રેનની ‘ઝડપી આવૃત્તિ’ જેવી શિવાલિક ડિલકસ એકસપ્રેસ પણ દોડે છે.

અને કેટલીક ટ્રેન એવી હોય કે જે ક્યારેય સ્ટેશને ન પહોંચે તો પૈસા વસુલ થયા લાગે! દાખલા તરીકે, ‘દાર્જીલિંગ હિમાલયન રેલવે’! ૧૮૮૧ના વર્ષમાં શરૂ થયેલી આ ટ્રેન વિશ્વની પર્વત પરથી સર્વપ્રથમ પેસેન્જર ટ્રેન ગણાય છે. સિલિગુડીથી દાર્જીલીંગ ભલે ડિઝલ એન્જીન ચાલે, એના ઐતિહાસિક મહત્વને ઘ્યાનમાં લઇ ‘યુનેસ્કો’એ ૧૯૯૯માં તેને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ (વિશ્વ વારસાનું સ્થળ) જાહેર કરી છે! જે પ્રકારની ટ્રેન કેવળ બે જ છે! ૮૨ કિ.મી.ની સફર કાપવા માટે ૭૦થી ૧૦૦ વર્ષ જૂના ૧૪ એન્જીનો હજુ ‘ઓન ડયુટી’ છે! ‘ધૂમ’ જેવું સ્ટેશન પેસેન્જર ટ્રેન માટે દુનિયામાં સહુથી વઘુ ઊંચુ ગણાય છે. ૨,૪૩૧ મીટર! ત્યાં પહોંચવા માટે આ ‘એન્ટિક ટ્રેન’ કોઇ કેબલ વાયરનો સહારો લેતી નથી! એમાંય ટ્રેન જયારે અચાનક રિવર્સ પકડે, ત્યારે રોલર કોસ્ટર રાઇડનો રોમાંચ મળે! ગુરૂત્વાકર્ષણનો ઉપયોગ કરવા આ ગાડી ‘ઝેડ રિવર્સિંગ સ્ટેશન’નું વિજ્ઞાન અપનાવે છે, જે દેખો તો જાનો!

જોવા જેવી બધી ટ્રેન સફરો નેચરલી, ‘નેચર’ના ખોળે ખીલેલા હિલ સ્ટેશન્સ પર હોવાની ગુજરાતની પાડોશમાં આવેલા મહારાષ્ટ્રીયન હિલ સ્ટેશન ‘માથેરાન’માં પણ આવી એક છેલબટાઉ છુક છુક ગાડી છે. દરિયાની સપાટીથી ૮૦૦ મીટર ઉંચા, અને સહયાદ્રિ પર્વતમાળા પર ૮ ચો.કિ.મી. જેટલું ગાઢ જંગલ ધરાવતું આ હિલ સ્ટેશન અજાણ્યું નથી. ૧૯૦૪ના વર્ષમાં અબ્દુલ હુસેન પીરભોયે ‘ધ માથેરાન સ્ટીમ લાઇટ ટ્રામવે’ કંપની શરૂ કરી, ૧૯૦૭ સુધીમાં નેરળથી માથેરાનનો આ ટ્રેન ટ્રેક તૈયાર કરેલો. અવનવા વળાંકોવાળી તેની યાત્રામા ‘વન કિસ ટનલ’ (અંધારામાં સુંવાળા સહપ્રવાસીને ચુંબન ચોડવા માટે?!) અને ‘વોટરપાઇપ’ જેવા મુકામો આવે છે. છેલ્લા બે દાયકાથી ડિઝલ એન્જીન પર ચાલતી આ ‘માથેરાન લાઇટ રેલવે’ની બે કલાકની જ સફર હોઇ, કિમતમાં ય સસ્તી છે!

પણ કીંમતમાં મોંઘી એવી ‘રોયલ ઓરિયેન્ટ એકસપ્રેસ’નો જલસો પણ એકવાર માણવા જેવો ખરો! આ ટ્રેન પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમ જેવી છે. એ સાંસ્કૃતિક વારસા જેવા પ્રાચીન સ્થળોની મુસાફરી અત્યાઘુનિક લકઝરિયસ કોચમાં કરાવે છે! ૧૩ કોચની આ ટ્રેન દિલ્હી કેન્ટથી અઠવાડિયે એકવાર નીકળે અને પછી આખું સપ્તાહ ગુજરાત અને રાજસ્થાનમાં ધુમતી રહે! ચિત્તોડ અને ઉદયપુરની સાથે અમદાવાદ અને પાલિતાણા પણ તેના લિસ્ટમાં સામેલ છે! રજવાડી કેબિનો ધરાવતી આ ટ્રેનમાં એટેચ્ડ બાથ, બાર રૂમ, લાયબ્રેરી અને રેસ્ટોરા પણ છે! એકાદ વાર ‘રોયલ’ થઇ જવાના અહેસાસ માટે!

બાકી, રજવાડાને બદલે આમઆદમીનું હિન્દુસ્તાન જોવું હોય તો ૪ દિવસ ફાજલ પાડીને એન્ટર ઇન ધ હિમસાગર એકસપ્રેસ! ભારતની સહુથી લાં…બી ટ્રેન જર્ની! જમ્મુ તાવીથી કન્યાકુમારી! ભારતના મસ્તકથી ભારતના ચરણ સુધી! હિમસાગર એકસપ્રેસ સહુથી વઘુ રાજયો ‘કવર’ કરનારી ‘નવયુગ એકસપ્રેસ’ની હારોહાર છે! પુરા ૧૧ રાજયો! અને ૭૦થી વઘુ સ્ટેશન્સ પણ ખરા… પઠાણકોટથી લુધિયાણા, ભોપાલથી વિજયવાડા… ભારત ભ્રમણનો આવો ‘દર્શનીય’ અનુભવ આટલી ઝડપથી બીજે કયાં મળે?

જો વાત ભારતની જ હોય, તો પછી પેલી કલાસિક ટ્રેન ‘ગ્રાન્ડ ટ્રક એકસપ્રેસ’ને યાદ કર્યા વિના કેમ ચાલે? પેઢીઓની પેઢીઓ સુધી ગ્રેટ ગણાતી ‘ગ્રાન્ડ ટ્રક એકસપ્રેસ’ ૧૯૩૦માં શરૂ થયેલી. એ વખતે એ ભારતના પાટનગરને દક્ષિણ ભારતના રાજયો સાથે જોડતી એકમાત્ર ‘ડાયરેકટ લિન્ક’ હતી! જમાના જુની એરકન્ડીશન્ડ કોચ ધરાવતી આ ટ્રેનમાં પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ અફસરો મુસાફરી કરતાં. ‘રાજધાની’ એકસપ્રેસના આગમન પછી ‘સુપરફાસ્ટ’નું વિશેષણ તો સ્ટીમ એન્જીનની જેમ જ ગ્રાન્ડ ટ્રક પાસેથી છીનવાઇ ગયું! તો પછી એમાં સફર શા માટે કરવી? એક જ કારણ… એ સફર માત્ર ટ્રેનની નથી. ઇતિહાસના એક કાળખંડ યાને ‘પીસ ઓફ ટાઇમ’ની પણ છે!

ફલાઇંગ રાણીથી શતાબ્દી સુધીની અને ફેરી ક્વીનથી અમૃતસર એક્સપ્રેસ સુધીની રેલવે મુસાફરીઓ તો આમ પણ આપણા માટે રોજીંદા જીવનનો ભાગ હોય છે. રેલવે સફરમાં એક પ્રકારનો આરામ અને મોકળાશ છે. દરેક સ્ટેશનનું એક આગવું ચરિત્ર છે. બારી બહાર દેખાતા દરેક દ્રશ્યો જાણે પસાર થતી ફિલ્મ છે, અને ડબ્બા અંદર દેખાતી દરેક વ્યકિત કોઇ પાત્ર!

રે..લ..ગા..ડી.. છુક છુક છુક… બીચવાલે સ્ટેશન બોલે રૂક રૂક રૂક!

ફાસ્ટ ફોરવર્ડ

હું તો બસ ફરવા આવ્યો છું,

હું કયાં એકે કામ તમારૂં કે મારૂં કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મઘુર હવા

ને ચહેરા ચમકે નવા નવા!

રે ચહું ન પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું.

હું તો બસ ફરવા આવ્યો છું.

(નિરંજન ભગત)

 
17 Comments

Posted by on October 22, 2011 in entertainment, india, travel