RSS

Daily Archives: October 10, 2011

મેડનેસ ઓફ માર્કસ : ગ્રહણશકિતનું વરદાન કે ગોખણપટ્ટીનાં ગુણગાન?

જૂનાગઢમાં ડોક્ટર મિત્રોએ અચાનક અભ્યાસના પ્રેશરને લીધે વધતા વિદ્યાર્થીઓના આપઘાતથી ચિંતિત  લઇ ૯ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ  બી.એ.પી.એસ.ના સ્વામીનારાયણ મંદિરના હોલમાં સેમિનાર રાખ્યો. અઢળક વિદ્યાર્થીઓ સમક્ષ હું દિલ નીચોવીને બોલ્યો. રોકડું, કડવું, પણ નક્કર સત્ય. કોણ કહે છે, યંગ જનરેશનને ભાષણો સાંભળવા ગમતા નથી? હજારો વિદ્યાર્થીઓએ એકચિત્ત બનીને એવા તો તલ્લીન થયા કે મેં પૂરું કરવા ધાર્યું અને એમણે વધુ બોલવા પોકારો કરીને કહ્યું. કાર્યક્રમ પુરો થયો, રાબેતા મુજબ યુવા દોસ્તોના ટોળાં વીંટળાઈ વળ્યા. અરે, દરવાજે પણ કાર રોકીને નાનકડા મિત્રોએ અડધો કલાક પ્રશ્નોત્તરી કરી, એમની શાળામાં આવવા વિનંતીઓ કરી. એમની આંખોમાં જે મુગ્ધતા..જે ચમક હતી. જાણે કોઈ સ્વજન વિખૂટું પડેલું મળી આવ્યું હોય!

આં રવિવારે જ ‘સ્પેકટ્રોમીટર’માં જે વાંચીને પારાવાર દુઃખ થાય એવી આપઘાતની ઘટનાઓ પર લેખ લખ્યો, અને મારી સ્પીચ પછી બે લેખિતમાં અને ત્રણ એસ.એમ.એસ.માં પ્રતિભાવ આવ્યા કે “અમને મરવાના વિચાર આવતા હતા, પણ તમને સાંભળીને એ નીકળી ગયા.” (મારે માટે આ નવું નથી, અને આવી રીતે જયારે કોઈનો જીવ બચાવવામાં હું મદદરૂપ લખી-બોલીને અજાણતા જ થયો છું – એ મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.)

પણ પાછા ફરતા વિચારે ચડી ગયો. એ જ મારી વર્ષો જૂની હૈયાવરાળ. આવા કેટલા કેટલા વિદ્યાર્થીઓ આપણી સડિયલ શિક્ષણપદ્ધતિમાં રોજ ગૂંગળાતા હશે? અમેરિકાના પેલા કાળા ગુલામોથી એમની હાલત ઓછી કરુણ નથી. હું આ અડીયલ એજ્યુકેશન સીસ્ટમમાં પાયાથી ભણ્યો નથી, અને એની નોકરીને લાત મારીને નીકળ્યો છું, એટલે વટ્ટથી સરાજાહેર આ કહી શકું છું. ૨૪ કલાક માટે મને જો ભારતનું રાજ મળે તો હું એની શિક્ષણપ્રણાલી ફેરવી નાખું. ટોટલ એજ્યુકેશનલ રિફોર્મ્સ. એના વિના ભારત કદી મહાન થવાનું નથી.

અને મારો એક દસકા જેટલા સમય પહેલાનો ૨૦૦૨માં મમ્મીના મૃત્યુ પછી લખેલો એક લેખ ફરી યાદ આવી ગયો. નજીવા ફેરફાર સાથે મારા એ સમયના વિચારો અહીં યથાતથ મુકું છું. આ લેખ વાંચતી વખતે આટલું યાદ રાખજો કે –

*આ છપાયો ત્યારે ચેતન ભગતે ‘ફાઈવપોઈન્ટસમવન’નો ફર્સ્ટ ડ્રાફ્ટ પણ લખ્યો નહોતો.
* આ છપાયો ત્યારે આમીર ખાનને ‘તારે ઝમીન પર’ બનાવવાની કલ્પના પણ નહોતી.
* આ છપાયો ત્યારે રાજકુમાર હીરાણીના મનમાં ‘મુન્નાભાઈ’ પણ નહોતું. ‘૩ ઈડિયટ્સ’નું ગર્ભાધાન તો ઘણા વર્ષો દુર હતું! ‘ફાલતુ’ જેની નબળી નકલ છે એ  અદભૂત હોલીવુડ ફિલ્મ ‘accepted’ બનવાને હજુ ચાર વર્ષની વાર હતી!
* આ છપાયો ત્યારે ગ્રેડેશન / ઓપન બુક એક્ઝામની ચર્ચા સિબ્બલ કે મોદીએ પણ કદી કરી નહોતી. top ten ની યાદીઓ બહાર પડવાનું (ભલે , નાટક પૂરતું પણ) અત્યારે છે, એમ બંધ કરવાનું બોર્ડે વિચાર્યું નહોતું!
* આ છપાયો ત્યારે વડાપ્રધાનના સલાહકાર તજજ્ઞ રાવસાહેબે આ વર્ષે લખ્યો એવો ‘we have got examination system, and not education system, let our student must do something worthwhile then always preparing for exams all the time’ ના મતલબવાળો આ વર્ષે જ લખેલો પત્ર અસ્તિત્વમાં નહોતો.
* આ છપાયો ત્યારે મેં હેરી પોટર વાંચી નહોતી, કોઈ વિદેશ પ્રવાસ કર્યા નહોતા. ઈન્ટરનેટ ‘જોયે’ પણ છ મહિના માંડ થયા હતા.અબ્દુલ કલામ એ જ વર્ષે રાષ્ટ્રપતિ બન્યા, પણ આ લેખમાં એમનો ઉલ્લેખ હતો, એ વખતે એ રાષ્ટ્રપતિ નહોતા બન્યા !

# આ એટલે લખ્યું કે, આ શિક્ષણ(?)પદ્ધતિ(??)ની બહાર રહીને પણ સાચું સમયથી પહેલા વિચારતા થઇ શકાય છે.
#આ લેખ લખ્યો ત્યારે કોલેજ પ્રિન્સીપાલની નોકરી મેં લગભગ છોડી દીધી હતી. ખાલી ખિસ્સે. ત્રીસી પણ વટાવ્યા પહેલા !

તો વાંચો…’મેડનેસ ઓફ માર્ક્સ’…

આપણી માર્કશીટસ સ્મૃતિની યાંત્રિક ક્રિયાને બુઘ્ધિની માનસિક ક્રિયા કરતાં ઊંચી ગણે છે!

પરીક્ષાના પરિણામોની સીઝન જોરશોરથી ત્રાટકે ત્યારે શું જોવા મળે?  તેજસ્વી તારલાઓના ફોટાઓ અને એમને ઝટપટ પોતાની છાબડીમાં પૂરવા માંગતી શિક્ષણસંસ્થાઓની તોતિંગ જાહેરખબરોથી અખબારી પાનાઓ હાંફી રહ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ વળી એક એકઝામના રિઝલ્ટ પછી બીજી સ્કુલ કે કોલેજના એડમિશન કે ફોર્મ્સ માટે ધક્કા ખાઈ ખાઈને હાંફી ગયા છે. બધા જ ફટાફટ દોડી રહ્યા છે. રહેમાનનું ગીત યાદ છે? ‘ઈધર દોડ હૈ, ઉધર દોંડ હૈ…સબ ભાગમભાગ હૈ, દૌડ હૈ… સબ અગડમ બગડમ દૌડ હૈ…!’’

જી હા, અગડમબગડમ દૌડ! આમાં કંઈ ‘રન ફોર લર્ન’ કે ‘રન ફોર ફન’ છે, એવા ભ્રમમાં ન રહેવું…. આ તો બસ ‘રન, રન, રન’નો જ ખેલ છે! બોર્ડ કે ફાઈનલ ઈયરની પ્રતિષ્ઠિત પરીક્ષાઓના રિઝલ્ટસ આવે કે તરત જ વિદ્વાન વિદ્યાર્થી ગણની ગગનચૂંબી સિઘ્ધિઓના ‘ગુણગાન’ (ખરા અર્થમાં ‘ગુણ’ના ‘ગાન’) ગાતી મુલાકાતો, માહિતીઓ અને તસવીરોનો ખડકલો થઈ જાય છે. ‘મેં આમ વાંચ્યુ હતું કે તેમ નોટસ બનાવી હતી.. મારા મમ્મી મધરાતે દૂધ ઉકાળતા ને પપ્પાએ મારા માટે આખું વર્ષ ટી.વી. બંધ રાખેલું… હું તો રિલેકસ થવા મ્યુઝિક સાંભળતો ને પછી દસ વાર રિવિઝન કરીને કોમ્ફિડન્સથી લખી નાખતો…’ દર વર્ષે સંવાદો.. એ જ રહે, માત્ર તખ્તા પર પાત્રો બદલાતા રહે!

તમે ધારો તો કોઈ પણ સફળ સ્ટુડન્ટને મળ્યા પહેલા જ એનો ઈન્ટરવ્યૂ તૈયાર કરી શકો! છેલ્લી લીટી પણ ફિકસ્ડ જ હોય… ડોકટર, એન્જીનીઅર, એમ.બી.એ. સી.એ., એમ.સી.એ, સી.એસ. (હવે કો’ક રડયા ખડયા આઈ.એ.એસ.નું નામ લેનારા પણ ડોકાય છે ખરા!) વગેરે થવાનું સ્વપ્ન (મા-બાપનું કે સંતાનનું?) સાકાર થયું! બધાને હાઈપ્રોફાઈલ હોટ કરિઅર બનાવવી છે. વેલ, એ માનવસ્વભાવ છે. એમાં કશું ખોટું નથી. પણ આ ઉપર લખ્યા એવી ડિગ્રીના તોરણો બાંધવાથી જ એ ગ્રેડની કરિઅર બની કહેવાય?

એકટર, ડિઝાઈનર, બાયોટેકનોલોજી- એકસપર્ટ, રાઈટર, કોમેન્ટેટર, પેઈન્ટર, સાયન્ટીસ્ટ, સ્પોર્ટસપર્સન, ઈન્ડસ્ટ્રીયલિસ્ટ, જર્નાલિસ્ટ, ટીવી એન્કર, ડિસ્ક જોકી, કર્નલ, એડવોકેટ, મ્યુઝિશ્યન…. વગેરે થવાની કારકિર્દી શું શરમજનક છે? ઉલટું સમાજની મોટા ભાગની સેલિબ્રિટીઝ તો એ ક્ષેત્રોમાંથી જ આવે છે!, અબ્દુલ કલામ જેવા કોઈ સાઈન્ટીસ્ટ સાદી ડિગ્રી લઈને પણ નેશનલ લેવલ રિસર્ચ એકસપર્ટ થઈ જાય છે! અને હજુ સમાજમાં અજાણી પણ કમાણીમાં કસદાર એવી અઢળક ડિગ્રીઓનો તો આપણે ઉલ્લેખ કર્યો નથી!

મૂળ વાત એ છે કે સ્ટાન્ડર્ડ કરિઅર ચોઈસમાં ‘રિસ્ક’ અને જોખમ ઓછું હોય છે… ફિલ્મ કેમેરામેન તરીકે સફળ જવાનો ચાન્સ એક હજારે એક હોય છે, જયારે ડોકટર તરીકે સફળ જવાનો ચાન્સ દસે એક હોય છે. આપણા ખોબલે ખોબલે માર્ક ઉસેડતા દોસ્તો જો ખરેખર જીનિયસ કે આત્મવિશ્વાસથી ઉભરાતા હોય, તો એમણે અનકન્વેન્શનલ (બિનપરંપરાગત) ક્ષેત્ર પસંદ કરી, એમાં પોતાની મેધા કે પ્રજ્ઞા ઝળકાવવાની ચેલેન્જ લેવી જોઈએ… એને બદલે મોટા ભાગે સહુ કોઈ માત્ર કોમર્શિયલ હેતુથી ‘સેફ કેરિઅર’નું પૂંછડુ ઝાલી વાહવાહીની વૈતરણી તરી જાય છે!

સખત મહેનતથી ઉંચામાં ઉંચા ગુણાંકે પાસ થતા સ્ટુડન્ટસ બેશક અભિનંદનના અધિકારી છે. એમની ક્વોલિટી કે કક્ષાને ઉતારી પાડવાની આ વાત નથી. પણ કેટલાક અણિયાળા સવાલો એવા છે કે, જે ખુદ એમણે એમની જાતને પણ પૂછવા જોઈએ. આજથી દસ, પંદર કે વીસ વર્ષ પહેલા પણ આવા મહાન ગૌરવવંતા સિતારાઓ હર સાલ ખ્યાતનામ વિભૂતિ બનીને ચમકતા હતા… એ વખતે વિદ્યાર્થી રહેલા એ તારલાઓ આજે ડોકટર, એન્જીનીઅર, મેનેજર, એકાઉન્ટન્ટ કે ટેકનોક્રેટ બની ચૂકયા હશે. પોતપોતાની પસંદગીના ફિલ્ડઝમાં જામી ગયા હશે. રૂપિયા રળીને સંસાર વસાવી ચૂકયા હશે.

હવે આમાંના કેટલા નામો તમને અત્યારે યાદ આવે છે? એક વખતે જેનો છાપામાં પહેલા પાને હોંશિયાર વિદ્યાર્થી તરીકે ફોટો છપાયેલો, એનું નામ પણ પછી છાપામાં કેટલીવાર ઝળક્યું છે? આ બધા રાજ્યની શ્રેષ્ઠતમ પ્રતિભાશાળી અને મહામહાવિદ્વાન વ્યક્તિએા હતી, એવું આપણે સ્વીકારેલું… તો પછી આવા છેલ્લા ૨૦ વર્ષના અલગ અલગ એકઝામ્સના ૫,૦૦૦ ટોપર્સમાંથી ઝાઝા નહિ, પણ માત્ર ૫૦ સ્ટુડન્ટસ આગળ ચાલીને અદ્‌ભુત ક્રાંતિ કરી નાખનાર ઘુરંધરો બન્યા?

એમાંથી એકાદો ન્યૂટન કે એકાદો અંબાણી તો ઠીક, એકાદો હર્ષ ભોગલે કે એકાદી સુનિધિ ચૌહાણ પ્રગટી? મતલબ, આ લોકો જેટલી ખ્યાતિ કોઈએ મેળવી બતાવી? એમાંના કોઈનું જીવન કે પ્રગતિ સમાજમાં આદર્શ તરીકે પેઢીઓ સુધી સ્થાપિત થયું ? એમના ‘ગુણ’ (માર્કસ)ના ગાન તો ગવાયા, પણ એમના ‘ગુણ’ (વેલ્યૂઝ)ના ગાન પછી ગૂંજયા? એમાંનું કોઈ ‘લીજેન્ડરી અચિવર’ યાને દંતકથામય સફળ વ્યક્તિ બની ગયું? ઈન શોર્ટ, એમના નામો અજરઅમર થઈ ગયા? એમના કામોથી દુનિયા મોંમાં આંગળા નાખીને અભિભૂત થઈ ગઈ?

હવે ખરેખર તો આવું કરી શકવાની સહુથી વઘુ ક્ષમતા કે લાયકાત કોની હોવી જોઈએ? નેચરલી, આપણા ટોપર્સની! છેલ્લા ૨૦ વર્ષોમાં કોઈ મહાન કે મહાપ્રભાવી કે અતિસફળ કે દંતકથામય વ્યક્તિત્વો આપણે જોયા જ નથી, એવું તો નથી… આવા સુપરસ્ટાર્સ આવ્યા છે- પણ એમાંનો હીરલો કે હીરલી પેલા ‘ગ્રેટ ટોપર્સ કલબ’માંથી ચમક્યા નથી… ઉલટું પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ વિકાસ કરીને ટોચ પર બિરાજેલી સફળ વ્યક્તિઓમાંની ૯૯.૯૯ ટકા વ્યક્તિઓ અભ્યાસમાં તદ્દન સાધારણ હોય, એવું જ સાબિત થયું છે. પછી એ સચીન તેંડૂલકર હોય કે અરૂંધતી રોય!

ખૂબ ઉંચા માર્કસે પાસ થનારા બધા નિષ્ફળ જાય છે, એવું નથી. એ લોકો પોતપોતાના કુટુંબ કે ગામમાં સારી રીતે કમાઈને જીંદગી માણી શકે એ રીતે સેટ કે સકસેસફુલ થઈ જાય છે. પણ એ તો ઘણા બધા માણસો વઘુ માર્કસ વિના પણ કરે જ છે. તો પછી આ મહાન ટોપર્સને ‘હીરો’ કે ‘રોલ મોડેલ’ કેવી રીતે માની લેવા?

અને જે – તે પરીક્ષામાં સૂંડલા મોઢે માર્કસ મેળવ્યા સિવાય જગત નોંધ લે એવું આંગળીને વેઢે ગણાય તેટલા અપવાદ બાદ કરતાં પેલા માર્કસના માંધાતાઓએ શું કરી બતાવ્યું… અરે, મહાન તો ઠીક – એમાંના કેટલાક તો ‘માણસો’ પણ ન બની શકયા હોય એવું બની શકે! કોઈ તેજસ્વી તારલો પુખ્ત થયા પછી અપ્રમાણિક, લુચ્ચો, ઉઘ્ધત અવિનયી, અભિમાની, કે શોષણખોર કે સંકુચિત મનોવૃત્તિવાળો વ્યકિત પણ બન્યો હોય – જે બાબતની નોંધ કદી કોઈ માર્કશીટમાં થતી નથી!

ફરી વાર, જે લોકો સતત અધધધ ગુણો મેળવીને પાસ થાય છે, એમની ક્રેડિટમાં કટ મૂકવાનો અહીં મેસેજ નથી જ નથી. ખરેખર વાંક એ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો પણ નથી વાંક માર્કસના વિષચક્ર પર ચાલતી આપણી સીસ્ટમનો છે. વાલીઓ, શિક્ષકો, સરકાર અને સમાજનો પણ દોષ છે કે જેમણે આ વિષવૃક્ષને વિરાટ વટવૃક્ષ બનાવવા ભરપૂર પોષણ આપ્યું છે, અને આપતા રહે છે.

કોઈ કાળે માર્કસના ક્રેઝમાં ગૂંચવાઈ જનાર કિશોર પરિપકવ બનીને જયારે વાલી બને, ત્યારે પોતાની કફોડી હાલત ભૂલીને ય પોતે જે ચક્કીમાં પીલાયો એમાં જ સંતાનને પણ ધક્કો મારીને ભીંસાવા મોકલે છે! પેરન્ટસની અપેક્ષાઓના અશ્વ પર સ્ટુડન્ટસને અસવાર બનીને બેસાડી દેવાય છે. પછી ટયુશનખોર શિક્ષકો ટ્રેનર બનીને એ ઘોડાને ચાબૂકના સાટકે ભગાવતા રહે છે. અથડાતો – કુટાતો અસવાર કાં તો ઘોડા પરથી ગબડી પડે છે… અથવા તો ધીરે ધીરે ખુદ રેસનો ઘોડો થઈ જાય છે!

માર્કશીટ એ માત્ર સ્ટીકર છે – અંદરનો અસલી માલ નથી. કયારેક ઘી પર ઘાસલેટનું અને ઘાસલેટ પર ઘીનું સ્ટીકર ચોંટી જાય છે. અર્થ એવો પણ કરવાનો નથી કે ઓછા માર્કસ મેળવનાર તમામ સ્ટુડન્ટસ સાથે અન્યાય જ થયો હોય છે. સવાલ વઘુ કે ઓછા માર્કસનો છે જ નહિ.. સવાલ માર્કસની મેડનેસ યાને ‘ગુણાંક પાછળના ગાંડપણ’નો છે! માણસની ગુણવત્તા માપવાની મેઝરટેપ જો કેવળ ગુણાંકની જ હોત, તો પછી શા માટે વિશ્વભરની તમામ નોકરીઓની જાહેરાતોમાં ટેસ્ટ અથવા ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે? જોબ આપનાર કંપની કે વ્યકિત સિમ્પલી જાહેરાતમાં લખી શકે કે ‘ઉમેદવારે પોતાની માર્કશીટની નકલો મોકલાવવી, જેને વઘુ માર્કસ મળ્યા હશે, એને ટેન્ડરની પઘ્ધતિની જેમ સીધો જ ઓર્ડર આપી દેવાશે!’’

પણ અનુભવે એ બધા જાણે છે કે, માત્ર ડિગ્રી કે માર્કશીટના આધારે માણસની કવોલિટીની ખબર પડતી નથી. એને વિવિધ કસોટીઓ, વાચતીત, પૂછપરછ, નિરીક્ષણ, અનુભવ, જીવનશૈલી, વિચારધારા ઈત્યાદિથી માપવો પડે છે. પછી જ એની ખૂબી કે ખામી અંગે નિર્ણય લઈ શકાય છે. અને સાચી આવડત ટેકસ્ટબૂકસ કે બ્લેકબોર્ડમાંથી નહિ પણ અનુભવ અને જીજ્ઞાસામાંથી જ આવે છે. લાલુ યાદવે પોલિટિકલ સાયન્સમાં પી.એચ.ડી. કર્યું છે? બિલ ગેટસે એમ.સી.એ. કે એમ.આઈ.ટી. કર્યું છે? અમિતાભ બચ્ચને એકટિંગ સ્કૂલનું પ્રમાણપત્ર મેળવ્યું છે? જાવેદ અખ્તર એમ.એ.વિથ હિન્દી થયા છે? અરે, ગુજરાતી ભાષાના ૧૦માંથી ૯ સુખ્યાત અને સફળ તંત્રીઓ કે કટાર લેખકોમાંથી કોઇએ જર્નાલિઝમમાં ડિપ્લોમા પણ મેળવ્યો નથી!

વાસ્તવમાં આજે પરીક્ષામાં માર્કસ મેળવવા સહેલા છે. જેમ કોઇ પણ ગેરેજનો મિકેનિક પ્રિન્ટેડ સરકીટ જોઇને પૂરજા જોડી શકે તેમ ઉસ્તાદ વાલીઓ કે શિક્ષકો માર્કસ મેળવવાની યાંત્રિક વ્યૂહરચના ઘડી કાઢે છે. હજુ આગલા ધોરણમાં વિદ્યાર્થી હોય ત્યાં જ એને આવનારા વર્ષના ટયુશન્સમાં જોતરી દેવામાં આવે છે. ગાઇડ કે ટયુશન્સના લીથા કે કલાસની નોટસના જોરે હજુ રીતસરનો અભ્યાસ ચાલુ થાય એ પહેલાં જ સ્ટુડન્ટ ‘ભણી’ લે છે.

ભણવાનું ઘૂળ ને ઢેફાં! માઇન્ડ વેલ, નેવું ટકા સ્ટુડન્ટસ કે જે કલાકો સુધી વાંચે છે, લખે છે, ટેસ્ટસ આપે છે, નોટસ ઉતારે છે, રિવિઝન કરે છે, ડિસ્કશન કરે છે… એ કશું ભણતાં નથી… કશું શીખતા નથી… કશું ઉંડાણમાં ઉતરીને પ્રારંભના પાયાથી સમજતાં નથી… કેવળ ગોખી નાખે છે! કડકડાટ યાદ કરી લે છે!

ત્રિકોણમિતિના દોઢસો દાખલા ગણનાર વિદ્યાર્થીએ કદી નજીકની ટેકરીનો ઢોળાવ ત્રિકોણમિતિના આધારે માપવાનો પ્રયત્ન કર્યો? એવો વિચાર સુદ્ધાં તેને આવ્યો? આપણે ત્યાં દર વર્ષે ભરપૂર પર્સન્ટેજ સાથે હજારો સ્ટુડન્ટસ છાતી ફૂલાવીને ચાલે છે- પણ આ દેશમાં કેટલા મૌલિક સંશોધનો થાય છે? ડોકટર્સ કે એન્જીનીયર્સની ફેકટરીઓની જેમ અહીં કોલેજો ચાલે છે, પણ મેડિકલ કે ટેકનોલોજીના ફિલ્ડની કેટલી રિસર્ચ, ઇન્વેન્શન કે પેટન્ટ આપણી પાસે છે? બિઝનેસ મેનેજમેન્ટના રાફડા ફાટયા છે, પણ ભારતમાં મેનેજમેન્ટના જે કોઇ આગવા સિદ્ધાંતો ઘડાયા છે, એ આપણા વેપારીઓની ભેંટ છે. સોફિસ્ટેકેટેડ મેનેજર્સમાંથી કોણે સંપૂર્ણપણે ઓરિજીનલ કહેવાય તેવી ફિલિપ કોટલર અથવા પીટર ડ્રકરની કક્ષાની આંતરરાષ્ટ્રીય થિયરીઝ આપી છે?

કારણ સાફ છે. આપણો શિક્ષિત વિદ્યાર્થી ગોખણપટ્ટીમાં જ પાક્કો છે, પણ ગ્રહણશકિતમાં કાચો છે. કોઇ બાબતના ઉંડાણમાં જઇને નવું વિચારવાની કે જૂનું તોડી પાડવાની એને આદત જ નથી! એ અફલાતૂન નકલ કરી શકે છે, તાબડતોબ પારકું અપનાવીને સ્વીકારી શકે છે. જે કંઇ બહારનું જ્ઞાન એના માથે થોપાય છે, એને એ ગમે તેમ કરીને સ્મૃતિમાં સંઘરી શકે છે- પણ એ યાદગાર સર્જન ભાગ્યે જ કરી શકે છે! પશ્ચિમમાંથી આવેલી ટેકનોલોજી કે આઇડિયાના પ્લેટફોર્મ પર જ એની સફળતાનો કિલ્લો ચણાયેલો હોય છે.

પશ્ચિમમાં નવા-નવા આઇડિયાઝની ખોટ નથી. ત્યાં સકસેસની રેસ છે, માર્કસની નથી! બધાને ઉચ્ચ શિક્ષણ પોસાતું પણ નથી! માટે ત્યાં જૂના કોન્સેપ્ટને સ્થાને કોઇ ભેજાબાજ નવો કોન્સેપ્ટ લઇને નામ અને નાણાં કમાય છે, અહીં એની કોપી કરી લેવામાં આવે છે! બચપણથી આદત જ ગોખવાની છે ને, ગ્રહણ કરીને જાતે શોધવાના કયાં માર્ક મળ્યા છે?

ખુદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)ના ભૂતપૂર્વ ચેરમેન અશોક ગાંગુલીએ કબૂલ કર્યું છે કે ભારતની ભાવિ પેઢીને વૈશ્વિક સ્પર્ધા સામે ઝીંક ઝીલવા તૈયાર કરવી હોય તો માર્કસને બદલે ગ્રેડેશનની સીસ્ટમ જ અમલમાં મૂકવી પડશે. થોડાક માર્કસની વધઘટ એ માનવીય ભૂલ છે- પણ એને લીધે કંઇક વિદ્યાર્થીઓની આશા, સપનાઓ કે પ્રતિભા સાથે કાયમી અન્યાય થઇ જાય છે.

ભારતમાં ૭૦% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગમતાં કોર્સ કે ગમતી શિક્ષણ સંસ્થામાં માત્ર થોડા માર્કના તફાવતને લીધે પ્રવેશ મળતો નથી. આ એક ટર્નિંગ પોઇન્ટને લીધે એમનું સમગ્ર ભવિષ્ય અને જીવન ‘ટવીસ્ટ’ થઇ જાય છે! કેન્દ્ર સરકારને એનસીઇઆરટીના ભૂતપૂર્વ વડા રાજપૂતે પણ માત્ર પુસ્તકિયા વિષયોના જ માર્કસ મૂકવાને બદલે કો-કરિકયુલર એકટિવિટિઝ યાને કળા, રમતગમત, વર્તન વ્યવહાર, શોખ, સેવાકાર્ય વગેરેના દેખાવના પણ માર્કસ ગણવાની ભલામણ કરી છે. કેમિસ્ટ્રીમાં ધબડકો મારનાર સ્ટુડન્ટ ફૂટબોલમાં ચેમ્પીયન હોઇ શકે છે. કોણે કહ્યું કે એ કેમિસ્ટ્રીમાં ઉંચા માર્કસ મેળવે તો જ ‘શીખ્યો’ કહેવાય? એને ફૂટબોલ આવડયો એની કંઇ કદર જ નહિ?

બધા જ માણસોની ગ્રહણશકિત કે રસરૂચિ જેનેટિકલી પણ સરખી હોતી નથી. પણ આપણી શિક્ષણ અને પરિક્ષાની પદ્ધતિ એવો આગ્રહ રાખે છે કે કલાસમાં બેઠેલા કે એક ધોરણમાં ભણતાં તમામ વિદ્યાર્થીઓને એકસાથે એક સમયે ચોક્કસ વિષયમાં એકસરખો જ રસ પડવો જોઇએ! કુદરતે ગુલાબનું ફૂલ અને ધતુરાનું ફૂલ બંને બનાવ્યા છે, પણ બેયને એક લાકડીએ પ્રકૃતિ હાંકતી નથી, બંનેને ખીલવા માટેનું આગવું વાતાવરણ અને ક્ષમતા એ આપે છે.

જયારે આપણી એજયુકેશન પ્લસ એકઝામ સીસ્ટમ તો ચોક્કસ તારીખોમાં ચોક્કસ સમયે સ્ટુડન્ટ કાગળ પર કેટલું રિપ્રોડકશન (પ્રોડકશનનો તો સવાલ જ નથી, વિદ્યાર્થીઓએ રેડીમેઇડ જવાબો જ પુનઃ પુનઃ લખવાના છે) કરે છે, તેના પરથી તેના જીવન કે કારકિર્દીનો ફેંસલો આપે છે! ઘણાં વાસ્તવમાં ડાયનેમિક એવા યુવક- યુવતીઓ એને વિષયવાર એકસપ્રેશન્સમાં નબળા હોય છે, પરિણામે માર્કસ એમના માટે મજાને બદલે સજા રૂપે આવે છે! છોકરા- છોકરીઓને વઘુને વઘુ માર્કસ મેળવવાનું ઠોક બજાકે કહેનારા વાલીઓ કે શિક્ષકોમાંથી ઘણાંખરાને ખુદને ભૂતકાળમાં ઓછા માર્કસ આવ્યા હોય છે. ઝાઝા માર્કસ આવ્યા હોત તો સલાહ દેનારો માસ્તર શું કામ થયો હોત? એ ખુદ મોટો શોધક કે ટેકનોક્રેટ ન બન્યો હોત?

માર્કસનું પ્રેશર પરીક્ષા ખંડમાં માનસિક રીતે ગભરૂ સ્ટુડન્ટસની તર્ક અને યાદ રાખવાની શકિત ઘટાડે છે. કયારેક રિઝલ્ટનો રાક્ષસ એમનો જીવ લઇ લે છે. આંકડાઓ માણસના ગુલામ છે, માણસ આંકડાઓનો મોહતાજ નથી. જગતમાં બધા જ આઇઆઇએમ કે આઇઆઇટીમાં જવા સર્જાયા નથી. કુદરતે કેરી અને ડુંગળી બંને સર્જી છે. અને રૂચિ- વાતાવરણના આધારે દરેક સ્ટુડન્ટને એને માફક આવે તેવું, એ પહોંચી શકે તેવું ઘ્યેય આપવું જોઇએ.

પણ અહીં તો ચમેલી ચંપો બનવાના પ્રયાસમાં પુષ્પત્વ જ ગુમાવી દે છે. આપણે શિક્ષણ પ્રેમનું આપીએ છીએ, પણ માર્કસની રેસ સરવાળે દરેક સ્ટુડન્ટમાં પ્રેમને બદલે પ્રતિસ્પર્ધા જ જગાવે છે. એ સારા થવાને બદલે સરખામણી કરીને બીજાથી વઘુ સફળ થવા જ ઇચ્છે છે. ‘નીડરતા’ પર નિબંધ લખનારો માર્કસથી ડરતો હોય છે. સ્મૃતિ જીતે છે, બુદ્ધિ હારે છે!

સો મેડ, સો સેડ!

ફાસ્ટ ફોરવર્ડ :

પ્રોફેસરી કરતાં આઇન્સ્ટાઇનને કલાસમાં સ્ટુડન્ટસે પૂછેલું :સર, આ વર્ષે પણ એ જ જૂના સવાલો ફરી પૂછાયા છે!’

હા, પણ એના જવાબો આ વર્ષે નવા આવવા જોઇએ’ આઇન્સ્ટાઇનનો જવાબ હતો!

 
53 Comments

Posted by on October 10, 2011 in education, india, inspiration, youth