RSS

Daily Archives: September 18, 2011

જાગો, સોનેવાલો….સુનો ‘ગુજરાત’ કી કહાની!

વડનગરના વિખ્યાત તોરણની મેં ઝડપેલી તસવીર

મોદીસાહેબના સદભાવના મિશનને લીધે એવો રાજકીય અખાડો જામ્યો છે, કે જેના પર રાખ વળી ગયેલી એવા ઘણા અંગારા ફરીથી ચર્ચાના તપેલાં ચૂલે ચડાવવા સ-તેજ થયા છે 😛

મેનેજમેન્ટની ભાષામાં કેટલીક કંપનીઓ “માર્કેટ લીડર” હોય છે. એ જે કંઈ જાહેરાત, પ્રોડક્ટ, ફીચર્સ, પ્રાઈસ નક્કી કરે એને હરીફ ગણાતી “માર્કેટ ફોલોઅર” કંપનીઝે અને બોલકા ગ્રાહકોએ જખ મારીને કે હોંશે હોંશે અનુસરવું પડે. નજર રાખવી પડે. લીડર કંપની નવું “એક્શન’ લે, અને ફોલોઅર કંપનીઓ જસ્ટ “રીએક્શન” જ એના પર આપતી રહે. આ તફાવત જ નકી કરે કે કોણ લીડર છે, અને કોણ ફોલોઅર! લીડર બ્રાન્ડ્સના ઉદાહરણો: એપલ, ડિઝની, કોકોકોલા, કોલગેટ, સોની, ટોયોટા, ગૂગલ, જીલેટ, કડોનાલ્ડ્સ,નરેન્દ્ર મોદી વગેરે 😉

હશે, ગુજરાત – ગોધરાની હનુમાનના પૂંછડા જેવી લાંબીલચક ચર્ચામાં મારે ઝુકાવવું નથી એકડે એકથી. પણ નરેન્દ્ર મોદીના ખુદના દિલમાં સદભાવના કેટલી છે ને સ્ટંટ કેટલો છે , એ ભલે વિશ્લેષકો નક્કી કરતા…મોદીના વૈચારિક વિરોધીઓમાં એમના માટે ધિક્કાર ઠાંસોઠાંસ ભર્યો છે! એણે લીધે જ તો એ વાડ પર બેઠેલા કેટલાયને રીતસર આક્ષેપો કરીને અને પોતાની એકાંગી દલીલો કરીને મોદીની વધુ નજીક ધકેલવામાં કામિયાબ થાય છે! અત્યારે તો એ બહુ વધ્યું છે, પણ આ બાબતોથી ૨૦૦૨માં સાવ નિસ્પૃહ એવા મને પણ પછીના ત્રણ જ વર્ષમાં આવા એકતરફી અન્યાય સામેના આક્રોશમાં શેકવામાં એ ટોળકી કામિયાબ રહેલી ! ૨૦૦૪માં કાશ્મીર અને અમેરિકા ગયેલો અને મોદીને નામે ગુજરાતનું કેવું જુઠ્ઠું ચિત્ર દેશ -દુનિયામાં ચિતરાયેલું હતું – એનો ડગલે ને પગલે કેવો જાત અનુભવ થતો , એના મારાં સહપ્રવાસી ગુજરાતી મિત્રો પણ સાક્ષી છે.

આજે કેટલાક દોસ્તોને નવાઈ લાગે છે કે મોદીના વિરોધને ગુજરાતના વિરોધ સાથે કેમ સરખાવી દેવાય છે? પણ આ તો એમણે જ વાવેલું છે ! જે એમણે હવે લણવાનું છે. એમ તો કોમવાદી રમખાણો  ચોક્કસ  ક્ષેત્રોમાં જ થયા હતા, ને  બધા નાગરિકો એમાં સામેલ કે સમર્થનમાં ય નહોતા. છતાં એનું  કાયમી કલંક કેમ આખા ગુજરાતને કપાળે ચોંટાડી દેવાયું છે? મોદીએ વધુ ઉગ્ર /સંકુચિત વિશ્વ હિંદુ પરિષદ -બજરંગદળ પર અન્ય ભાજપશાસિત રાજ્યોની સાપેક્ષે ગુજરાતમાં સખ્ત લગામ કસેલી છે, એ મ છતાં તમામ ટીકા એમના ખાતે જ ઉધારી દેવાય છે ને!મારાં જેવો રમખાણ અને કોમવાદનો હાડોહાડ વિરોધી પણ ગુજરાતી તરીકે  ગાળો ખાય જ છે ને ! જો મોદીના ગુજરાત અંગેના પ્રચારમાં અતિરેક લાગતો હોય તો, બુધ્ધુ બૌદ્ધિકો અને બનાવટી  બિનસાંપ્રદાયિકોના ગુજરાત અંગેના અપપ્રચારમાં  અતિશયોક્તિ ક્યાં ઓછી છે?

આજે મોદી મહામહેનતે , માની લો કે અતિશયોક્તિનું કેમિકલ ભેળવીને પણ “ગુજરાત એટલે જંગલી પછાત પ્રદેશ”ના એ સમયના કુપ્રચારના સમગ્ર રાજ્યની પ્રજાના લલાટે ચોંટેલા ડાઘ “વિકાસ મોડલ”ના પ્રમોશનથી લૂછવામાં કામિયાબ થયા છે. પણ સાડા પાંચ વર્ષ પહેલા આ લેખ લખ્યો , ત્યારે ઝેરીલા, ગુજરાતભરને બદનામ કરતા ગપગોળા ચરમસીમા એ હતા. જેનું ઇન્ફેક્શન હજુ ય કેટલાક વાયડા ગુજરાતીઓને વળગેલું છે. પોતાના ૬૨માં જન્મદિને , ૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈએ આપેલા વધુ એક યાદગાર વ્યાખ્યાનમાં આ બધું સદભાવના ઉપવાસના આરંભે યાદ કર્યું, એટલે આ લેખ યાદ આવી ગયો!

જૈફ વયે અવસાન પામેલ અમેરિકન લેખક આર્થર મિલર આમ તો ‘મેરેલીન મનરોના પતિ’ તરીકે જ વઘુ ઓળખાય છે. (લેખક ગમે તેટલું સુંદર લખે, પણ સુંદર સ્ત્રી આગળ ઝાંખો લાગે!) મિલરનું એક નાટક હતું ‘ક્રૂસિબલ’. એના પરથી ફિલ્મ પણ ઉતરી છે. જેમાં કથા મઘ્યયુગના બ્રિટનમાં ચર્ચ પરાણે સાવ ખોટી રીતે નિર્દોષ સ્ત્રીઓને ‘વિચ’(ડાકણ) ઠેરવીને જીવતા સળગાવી દેવું, તેનુ કરૂણકથની છે. કથાનકના અંતમાં લાચાર પત્ની અને પરિવારના બચાવ માટે એક ખેડૂત પતિએ ‘પોતે ગુનેગાર છે, અને ગુનાની માફી માંગે છે’ એવું લખી આપવાનું હોય છે. બધો તખ્તો ગોઠવાઈ ગયો છે. જૂઠા કબૂલાતનામા પર સહી કરો અને સુખેથી જીવો!

પણ પોતાના નામ સામે સહી કરતી વખતે સાવ સામાન્ય માણસ એવા ચીંથરેહાલ નાયકના હાથ કાંપે છે. પરિવાર અને ઉજ્જવળ ભવિષ્યની બરબાદી વહોરીને પણ એ કાગળના ટૂકડેટૂકડા કરી નાખે છે. શુભચિન્તકો સ્તબ્ધ થઈ જાય છે! ચોંકી ઉઠેલ વડો અધિકારી પૂછે છે : આવું કેમ કર્યું? એ કોમનમેન રડતી આંખે અને ઘૂંધવાતા સાદે ચિલ્લાઈને કહે છે… ‘બિકોઝ ઈટ ઈઝ માય નેઈમ!’

રાજકીય નેતાઓ છોડો, મિડિયા પર્સન્સ છોડો, સમાજ કે ધર્મના આગેવાનો છોડો… છેલ્લા થોડાક સમયથી એક સરેરાશ ગુજરાતી આવી જ ‘ઝૂંઝલાહટ’ અનુભવી રહ્યો છે. એનું કામ બરાબર ચાલે છે. ધંધોરોજગાર ધમધમે છે. કુટુંબકબીલો લ્હેરમાં છે. ટૂંકમાં, બઘું ઠીકઠાક છે. તો પછી એને બળતરા શેની છે? બળતરા છે પરાણે ‘ક્રૂસિબલ’ થઈને જગતના ચૌટે બેઆબરૂના ક્રોસ પર જડાઈ જવાના અન્યાય! કારણ કે, એમાં માણસ કે મામલો ગમે તે હોય… નામ ગુજરાતનું વગોવાય છે.

આ લેખ ગુજરાતીમાં લખાય છે. ગુજરાતી ભાષા પ્રત્યે એકાદ ટકો પણ પ્રેમ ધરાવનારા એ વાંચી શકવાના છે. ગુજરાત આ બધાના શ્વાસોચ્છ્‌વાસ સાથે ઓક્સિજનની જેમ ફેફસાંમાં ભરાતો પ્રાણવાયુ છે. ‘યોગસૂત્ર’માંથી ૧૯૧૩માં કનૈયાલાલ મુનશી એક શબ્દ ગુજરાતીઓ સમક્ષ લઈ આવ્યા હતા : અસ્મિતા!

રાજકારણમાં રગદોળાઈ ગયેલા આ શબ્દમાં ‘અસ્મિ’ એટલે ‘હું છું’ અને ‘અસ્મિતા’ એટલે ‘હું છું એવું ભાન’! દરેક માણસને પોતાનું નામ કેમ વ્હાલું લાગે છે? પોતાની સહીની સાથે એકાંતમાં કેમ તાકી તાકીને જોયા કરે છે? મૃત્યુ પછી પણ નામ ગાજતું રાખવા રૂપિયા ખર્ચીને તકતીઓ કેમ મૂકાય છે? કારણ કે, પોતાનું નામ એ પહેચાન છે. એ કેવળ શબ્દો નથી, પોતાના ‘સ્વ’ સાથેનો સંબંધ છે.

અને આવો જ દરેક દેશ કે પ્રદેશના નાગરિકનો પોતાના શહેર, રાજ્ય કે વિસ્તારના નામ સાથેનો સંબંધ છે. માટે જ્યારે જ્યારે વગર કારણે, વગર વાંકે દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાત વગોવાય છે… ત્યારે પોતાના સ્વજન પર ગુલાલને બદલે કાદવ ફેંકાયા હોવાની પીડા થાય છે. રોષ ભભૂકે છે. જો ‘મુગલ-એ-આઝમ’માં હિન્દુસ્તાનનો નકશો જેમ પોતાનું હાર્દ, પોતાની ખુશી બયાન કરે છે, એમ આજે ગુજરાતને વાચા ફૂટે તો એ શું કહેત?

બોલે : ‘મને શું મંદિરનો ટકોરો સમજ્યો છે કે રસ્તે ચાલતો જે આવે એ વગાડતો જાય છે?’

વાત કોંગ્રેસ, ભાજપ કે હિન્દુ-મુસ્લીમ-ખ્રિસ્તી કે સેક્યુલારિસ્ટની નથી. વાત એકેએક ગુજરાતીના બળાપાની છે. તમને તમારા ઘરની બહાર રોજ સવારે કોઈ હડઘૂત કર્યા કરે તો કેવું લાગે ? ગુજરાતની બહાર નીકળતો જે ગુજરાતી પૈસા કમાવા, ખરખરો કરવા કે લગ્નપ્રસંગમાં લાડુ ઝાપટવા સિવાય આંખ-કાન-જીભ ખુલ્લા કરે છે… એને બરાબર આવું જ લાગી શકે. લાગવું જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ૧૯૬૦માં એક સ્મરણિકા બહાર પાડવામાં આવી હતી. કનૈયાલાલ મુનશીએ એમાં એક લેખમાં લખ્યું હતું :

‘‘ગુજરાત ધન પ્રાપ્ત કરવાનું એ ચોક્કસ. એના રાજકીય પુરુષો વ્યવહારૂ હોવાના એ પણ નિઃસંદેહ. ઘણા પ્રશ્નોનો ઉકેલ ગુજરાત ડહાપણથી લાવશે, એ પણ ખરી વાત. એટલે આજે જે રીતે વિજ્ઞાનને લીધે સમસ્ત સંસાર એક થઈ રહ્યો છે, તે જોતાં ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સહેલાઈથી નિષ્ણાત થઈ શકશે.

પણ એક ખામી રહી જવાનો ડર છે. પરાક્રમશીલતાનો આપણામાં અભાવ છે. તેથી રાજ્યતંત્રથી દબાઈને ચાલવાની આપણી વણિકવૃત્તિ પ્રબળ થયા વિના રહેવાની નથી.’’

ગુજરાતીઓ જાણે પાપડનું ‘ખીચું’ હોય એમ દરેક એને મુક્કા લગાવે છે, ગૂંદી નાખે છે. આંધ્રથી અમેરિકા સુધી બધે જ ગુજરાતી હોવાનું સાંભળે એટલે લોકો જાણે બોસ્નિયા, સર્બિયા કે એમેઝોનના રેઈન ફોરેસ્ટમાંથી આવેલ અજગર હોઈએ એવો ભાવ ચહેરા પર લઈ આવીને પૂછે છે… ગુજરાતની અશાંતિ વિશે, ગુજરાતની અસલામતી વિશે, ગુજરાતના કોમવાદ વિશે, ગુજરાતના નરસંહાર વિશે…

અને એ બધાને સચ્ચાઈ સમજાવતા હાંફી જવાય છે. ગુજરાતમાં રહેતા હોવાનો અતિશયોક્તિ અધિકાર વાપરીને ક્યારેક તો રીતસર છાપરે ચડીને એમ પોકારવાનું મન થાય છે કે ગુજરાત આ પૃથ્વીલોકનો સૌથી શાંત અને સૌથી સલામત પ્રદેશ છે. અને આવું જે કોઈને નરી આંખે દેખાતું ન હોય એ બેવકૂફ નથી. રીતસર આંધળા છે!

આ વિધાન જુઠું લાગ્યું? તો ચાલો. આ ગ્રહ પરનો સૌથી શાંત અને સૌથી સલામત પ્રદેશ બતાવો. અને એવી ગેરેન્ટી આપો કે એ વિસ્તાર, શહેર, રાજ્ય કે દેશમાં ભૂતકાળમાં કદી હિંસા કે તોફાનો થયા જ નહોતા, અને ભવિષ્યમાં એવું કદી પણ થવાનું જ નથી! બોલો, છે કોઈ એવું સ્થળ? ન્યુયોર્ક? ત્યાં કેટલીક બદનામ ગલીઓમાં પોલીસ પણ હથિયાર વિના પગ મૂકતા ડરે છે! ફ્રાન્સ? જ્યાં રાણીને લોકોએ જાહેરમાં ગિલોટિનથી ડોકું ઉડાડીને મારી નાખી હતી એ દેશ? જાપાન? જ્યાં એકાદ સદી પહેલાં સમુરાઈ યોદ્ધાઓ ગામે ગામ લોહીના લાલ રંગની હોળી રમવામાં જીવન પસાર કરતા હતા એ મુલ્ક? કે અફઘાનિસ્તાન? ઈજીપ્ત? રોમ?

ભારત દેશનું પાટનગર દિલ્હી ‘ક્રાઈમ અગેઈન્સ્ટ વિમેન’માં શિરમોર છે. દિલ્હીમાં વિદેશથી ફરવા આવેલી રાજદ્વારી યુવતીને પાર્કિંગ લોટમાંથી ઉઠાવીને બળાત્કાર કરાય છે. ચેન્નઈમાં કોલેજ જતી કન્યાને ઉઠાવીને મારી નખાય છે. પંજાબમાં મુખ્યમંત્રી સ્વ. બિયંતસિંહના પૌત્રે દિવસો સુધી એક પરદેશી પર્યટક યુવતીને ગોંધી રાખી હતી. બિહારમાં હાલતાને ચાલતા સ્કૂલે જતાં બાળકોને શક્કરિયાં-ભીંડાની જેમ ઉઠાવી જવાય છે. કર્ણાટકના જંગલોમાં દાયકાઓ સુધી વીરપ્પન મનફાવે તેવી હત્યાઓ કર્યા કરતો હતો. મઘ્યપ્રદેશની ચંબલમાં આજે ય ડાકુઓ ગોગલ્સ ચડાવી ફરે છે. ઉત્તરપ્રદેશના રેલ્વે સ્ટેશનો પર રાતના એકલો પુરૂષ પણ બેસી શકતો નથી. મુંબઈમાં દક્ષિણ એશિયાની ખતરનાક માફિયા ગેંગ્સનો જન્મ થયો છે. રાજસ્થાનના કિલ્લાઓના પાયામાં લાશો છે.

અને છતાં ય ગુજરાત રાક્ષસી રાજ્ય છે? શું માત્ર કોમી રમખાણો થયા છે એટલે? મુંબઈમાં કોમી તોફાનો નથી થયા? દિલ્હીમાં હિંસાહોળી નથી સળગી? ચીનમાં ટાઈનાનમેન સ્કવેરમાં હજારો વિદ્યાર્થીઓને ટેન્ક નીચે કચડી નખાયા હતા. અમેરિકાની સિવિલ વોર, રશિયાની ક્રાંતિ કે બ્રિટનના સામ્રાજ્યવાદનો ઇતિહાસ આજે વાંચો તો પણ કમકમા છૂટી જાય! જર્મની, અરબસ્તાન, ઈઝરાયેલ વિશે તો છોકરું ય જાણે છે.

પણ ભૂતકાળની ઘટનાઓના જ ચશ્મા પહેરીને આ બધાને સતત, એકધારી અને એકપક્ષીય વગોવણીના શિકાર નથી બનાવાતા. માત્ર ગુજરાતને જ એક ઘટનાથી મૂલવવામાં આવે છે. એ પણ અઘૂરી રીતે. રમખાણ કે કોમવાદ જેવી ઘટનાઓનો બચાવ કદી હોઈ જ ન શકે. પણ એ જો શારીરિક હિંસા હતી તો માત્ર એના જ આધારે ગુજરાતી બચ્ચાંને હરહંમેશ બદનામ કર્યે રાખવો એ માનસિક હિંસા છે. બંગાળમાં ગુજરાતથી પણ ભયાનક કોમી હિંસા આઝાદી વખતે થઈ હતી. આજે? કોઈકે ક્યારેક તો ભૂતકાળ કડવો હોય તો પણ ભૂલવો પડશે.

ગુજરાતના રમખાણો પાછળ જાતભાતના રાજકીય પરિબળો હતા, એ હકીકત છે. પણ આ બધા ‘સ્થાપિત હિતો’ને પોતાની રોટલીઓ તપાવવા માટેનો ચૂલો કોણ પૂરો પાડ્યો? ગોધરામાં અચાનક બની ગયેલી ઘટનાએ. એ ઘટનાના સંદર્ભ વિના કેવળ એની પ્રતિક્રિયાની વાત કરવી, એ ‘નાઈન-ઈલેવન’ના રેફરન્સ વિના અમેરિકન એરપોર્ટ પરની નવી સિક્યોરીટી સીસ્ટમની વાત કરવા બરાબર છે. ગુજરાતીઓ જો કેવળ કોમવાદી જનાવરો હોત તો અક્ષરધામની ઘટના પછી કે ત્રાસવાદી હુમલાઓ પછી ગુજરાત શાંત ન રહ્યું હોત.

ગુજરાતનું એનેલીસીસ કરવું હોય, તો ત્રણસો સાઠ ડિગ્રીએ પૂરું વર્તુળ ધૂમીને કરો. ગુજરાતી હિન્દુઓ બધા જ હાડોહાડ ધર્મઝનૂની થઈ ગયા હોત તો ઈરફાન પઠાણ વડોદરા છોડીને વાજીદઅલી શાહના લખનઉમાં જતો રહ્યો હોત. તો અહીં કોન્વેન્ટમાં એડમિશન માટે કતારો ન હોત! તો અહીં શાહરૂખખાનની ફિલ્મો કે સાનિયા મિર્ઝાની મેચો ન જોવાતી હોત. સૈફ કે મરીઝની ગઝલો ન ગવાતી હોત. અમુક તમુક ટકા લોકો રસ્તા પર આવીને કોમી તોફાનો કરે એટલે બધાને એક લાકડીએ હાંકીને ગુજરાતની છાપ બગાડવાની?

ગુજરાતના કોમવાદી તત્વોને બેધડક રોકડું પરખાવનાર પણ ગુજરાતીઓ જ છે! એની બિરદાવલિઓ કેમ નથી ગવાતી? જે કદી ફાઈવસ્ટાર હોટલો સિવાય ગુજરાતની ગલીઓમાં ફરતા જ નથી, એવા નેશનલ સેલિબ્રિટીઓ ગુજરાતની જનતા પર કોમેન્ટ પાસ કર્યા કરે?

ગુજરાતમાં નવરાત્રિ જેવા તહેવારો જવા દો… રોજબરોજની જીંદગી પણ ખુશહાલ છે. કમસેકમ બીજાથી વઘુ અમનચૈનવાળી છે. અમેરિકાના વોશિંગ્ટનમાં રાતના દસ વાગે રસ્તાઓ સૂમસામ હોય છે, દારૂડિયાઓ અને વેશ્યાઓ સિવાય કોઈ ફરવા નીકળતું નથી. દિલ્હી તો આઠ વાગે ઢબી જાય છે. પણ ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ઈત્યાદિમાં આઈસ્ક્રીમ ખાવા નીકળતા યુવક યુવતીઓથી મધરાતે મુખ્ય વિસ્તારો કે થિયેટરો ધમધમે છે. ગુજરાતી ક્રિમિનલ હોય છે. પણ તદ્‌ન વિકૃત કે જંગલી પ્રકારના અપરાધો અહીં અપવાદરૂપ છે. છોકરીઓની મીઠી છેડતીથી વઘુ કંઈ કરવાનું આવે તો હજુ પણ ૮૦% ગુજરાતી કોલેજીયન છોકરાઓ શરમાઈ જાય છે!

અને છતાં અમેરિકાના પાટનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ચહેરેમહોરે ભારતીય એવા કોઈ પ્રોફેસર ઈટ્ટી અબ્રાહમ સામે બેઠેલા અને ભારતનો નકશો સુદ્ધાં નીરખીને ન જોનારા મુગ્ધ છોકરાઓ સામે ગુજરાતની હિંસક ઘટનાઓ વિશે મીઠું મરચું લીંબુલસણ ભભરાવીને વાતો કરે છે. ગોધરાનો ઉલ્લેખ સુદ્ધાં એ સાહેબ કરતા નથી. એક જાણકાર ગુજરાતી (હું) ઉભો થઈને સ્પષ્ટ અંગ્રેજીમાં એમની ખોટી હકીકતો સુધારે છે. અનેક પુસ્તકો અંગ્રેજીમાં લખનાર ઈટ્ટી સાહેબની સિટ્ટીપિટ્ટી ગુમ થઈ જાય છે. વાસ્તવિકતા જાણીને ભોળા અમેરિકન સ્ટુડન્ટસના મોં પહોળા અને ડોળા ચકળવકળ થાય છે!

સમજાયું? ખરા ખલનાયક અમેરિકન કે કોઈ પણ પરપ્રાંતીય નાગરિકો નથી. કાશ્મીરમાંથી બહાર નીકળીને કદી દિલ્હી પણ ન જનારા જુવાનો ગુજરાતના કોલેજ કેમ્પસના માહોલ વિશે જાણીને ઠંડી આહોં ભરે છે. એમને અલબત્ત જ્યોર્જ બુશ સામે જેટલી નફરત છે, એનાથી સોમા ભાગનો દ્વેષ પણ ગુજરાતી હિન્દુઓ પ્રત્યે નથી. છતાં ગુજરાતથી સાથે આવેલા હિન્દુ-મુસ્લીમ દોસ્તને જોઈને આલમની આઠમી અજાયબી જોયાનો એમને અચંબો થાય છે! ગુજરાતની સાચી માહિતી સરસ રીતે આપનારા કોઈ સરકારી બાબુલાલો અમેરિકાથી કાશ્મીર સુધી નથી!

આ શૂળનું ખરું મૂળ છે : (સ્યુડો) સેક્યુલર મિડિયા! અંગ્રેજી અખબારો, હિન્દી ચેનલો એટસેટરા! એ સાવ જ નિષ્ક્રિય કે નકામા છે, એવું નથી. એમના ઈરાદા માનવીય હોય તો પણ પરિણામો અમાનવીય આવ્યા છે. ગુજરાતની જાણે બધાને એલર્જી છે. માત્ર ગુજરાતના ‘વિવાદ’ જ કવર કરવા અને ‘વિકાસ’ને ખંધાઈથી ભૂલી જવામાં બધા પાવરધા છે. એમના સોર્સ છે વેવલા અને ચાંપલા એન.જી.ઓ.ના સમાજ સેવકો! એવા ચીબાવલા-ચોખલીયા કર્મશીલ લેખકો! એ બધાના હૃદય સારા અને સંવેદનશીલ હશે. પણ એમની આંખે મોતિયો છે અને મગજમાં ઘાસફૂસ!

માટે ‘ગુજરાત સમાચાર’ના કુલ સરક્યુલેશનના ૧૦%નું વેચાણ પણ જે તમામ અંગ્રેજી-હિન્દી અખબારો-મેગેઝીન્સનું સાગમટે મળીને ગુજરાતમાં ન હોય, ચેનલ્સ પાસે ગામેગામ ગુજરાતી પ્રતિનિધિ પણ ન હોય… એ જેમને ગુજરાત કે ગુજરાતી સમજાતાં નથી એવાના ઓપિનિયન મેકર્સ બને છે. મુઠ્ઠીભર ઉસ્તાદોનું વાજીંત્ર બને છે. ગુજરાતનું ચિત્ર વિચિત્ર રીતે દુનિયા સામે મુકાય છે. (ગુજરાતની જ એક ટોળકી  ખુદને બકવાસ પણ કરવાની એમને સંપૂર્ણ છૂટ હોવા છતાં અને કેટલાક તો ભરપુર રાજકીય લાભ ખાટતા હોવા છતાં ગુજરાતને વગોવવાની એક પણ તક છોડતા નથી !)

અને ગુજરાતીઓ ફાંદ ફુલાવીને ગરમાગરમ ભજીયાં ખાધા કરે છે!

ઝિંગ થિંગ  !

થોટ ઓફ ધ વીક : ‘રામાયણ’ના રચયિતા વાલ્મિકી વાલિયા લૂંટારા હતા, ત્યારે એમના પત્ની-બાળકોએ એમના કુકર્મોના પાપ સ્વીકારવાની ના પાડતા એ ૠષિ થયા. ગુજરાતના રમખાણોના તમામ પાપ એક જ માણસ માથે નાખી બાકીના તંત્ર, નેતાઓ અને અધિકારીઓની ભૂલો અને ગુજરાતી મિડીયાની ખબરદારી ભૂલી જનારા ન્યાય કરે છે કે નૌટંકી?

 
84 Comments

Posted by on September 18, 2011 in gujarat, india